ભાવના ભાવો જગત કલ્યાણની

સંપાદકીય

જેને આત્મજ્ઞાન થાય છે, જે પોતે આત્મઅનુભવ પામી અનંત શાશ્વત સુખ પમાડવાની ભાવના કર્યા વિના રહી શકતાં નથી. કારણ કે જગતના જીવો આત્મવિમુખ દશાને લઈને, અજ્ઞાનતાથી, ક્રોધ-માન-માયા-લોભથી અનંત પ્રકારની આધિ- વ્યાધિ-ઉપાધિમાં દુઃખમય જીવન જીવી રહ્યા છે. એટલે સાચા આત્મસાક્ષાત્કારી પુરુષોને જગતના જીવો પ્રત્યે અપાર કરૂણા ભાવ વર્ત્યા કરે છે કે હું જે સનાતન સુખ પામ્યો તે સુખ બધા પામો. એટલે જ્ઞાનીઓ જનસંપર્કમાં જ રહ્યા કરે છે, જંગલમાં કે એકાંતમાં-ગુફાઓમાં પડી રહેતાં નથી.

'જ્ઞાન જો જ્ઞાની પાસે જ રહે તો રસાતળ જાય.' એટલે જ્ઞાનીની પ્રવૃત્તિ જગત કલ્યાણની જ હોય છે. જેમ બાળકને ખાવાની ગરજ હોતી નથી, માને ખવડાવવાની ગરજ હોય છે. તેમ જગતના અજ્ઞાની જીવોને જ્ઞાનપ્રાપ્તિની જીજ્ઞાસા પ્રાયે ઓછી હોય છે પણ જ્ઞાની પુરુષ જ અત્યંત કરૂણાથી જગતના જીવોને જ્ઞાન પમાડતા હોય છે !

પરમ પૂજ્ય દાદાશ્રી કેટલાંય અવતારોથી એક જ ભાવના ભાવતા આવેલા કે જગતનું કલ્યાણ થાવ. અને આ ભવમાં એ એક જ ધ્યેય માટે જીવન જીવી રહેલા. 'જગત કલ્યાણનું જેનું નિયાણું નથી, તે જ્ઞાની જ નથી.'

જગત કલ્યાણ એને માટે કંઈ ક્રિયા કરવાની નથી, એ તો ફક્ત ભાવના જ ભાવવાની છે. એ ભાવના એટલી બધી પ્યૉર હોય કે જેમાં માન-લાલચ કશાયની ભીખ ના હોય, ત્યારે કુદરત જ તેવાંને જગત કલ્યાણ માટે નિમિત્ત બનાવે. એ શ્રદ્ધાની પ્રતિમા હોય, જેમને જોતાંની સાથે જ લોકોના ભાવ પરિવર્તન પામે.

'આ પબ્લિકનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય એની માટે પેરવીમાં છું. હું આત્મા થઈને, હું પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું.' આખી સૃષ્ટિના કલ્યાણની ભાવના હતી એમને ! અને સૃષ્ટિમાં પર્યટન કરીને પણ તે કામ સિદ્ધ કરીને જ રહ્યા. પંચોતેર વર્ષની ઉંમરે પણ અમેરિકા-લંડન-કેનેડા-આફ્રિકા, ભારતમાં ગામેગામ-શહેરોમાં સત્સંગ અર્થે વિચરતા અને બે જ કલાકના અદ્ભૂત જ્ઞાન પ્રયોગ દ્વારા હજારો લોકોનું કલ્યાણ કરેલું. દાદાશ્રી કલ્યાણના નિમિત્તો તૈયાર કરીને મૂકી ગયા છે. પૂજ્ય નીરુબહેનના નિમિત્તે જ્ઞાનવિધિ દ્વારા આત્મ કલ્યાણનો રસ્તો આજે પણ ચાલુ રહ્યો છે.

જ્ઞાની પુરુષ દાદાશ્રીએ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની આરાધના ભક્તિ ઉપર ખૂબ ભાર મૂક્યો. કારણ કે શ્રી સીમંધર સ્વામી હાજર છે, જીવતાં છે અને એમનાં નિમિત્તે જ આખા જગતનું કલ્યાણ થવાનું છે.

આ મન-વચન-કાયા આમેય સંસારમાં ખર્ચાઈ રહ્યા છે અને લાકડા ભેગાં બળી જવાનાં છે, તો ચાલો આપણે સહુ જ્ઞાની પુરુષના જગત કલ્યાણના યજ્ઞમાં જગત કલ્યાણની ભાવના ભાવીને ટેકો તો ધરીએ !

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

શ્રેષ્ઠ આત્મ કલ્યાણ કે સમાજ કલ્યાણ ?

પ્રશ્નકર્તા : સમાજ કલ્યાણ કરવા કરતાં આત્મ કલ્યાણ જ શ્રેષ્ઠ છે.

દાદાશ્રી : બરોબર છે. પણ એ આત્મ કલ્યાણ ના થાય ત્યાં સુધી સમાજ કલ્યાણ કર્યા કરવું. આત્મ કલ્યાણ તો અઘરું છે. આત્મ કલ્યાણ તો કોઈ દહાડોય હોય નહીં. અનંત અવતાર ભટકે, હિમાલયમાં ભટકે, ગમે ત્યાં ભટકે, કોઈ જગ્યાએ આત્મ કલ્યાણ હોય નહીં. એ બધું બહારનું ને બહારનું જ. મોટા મોટા લોકો જ રખડી મર્યા છેને બધા. આ આટલા બધા ખોળખોળ કરે છે કે હું આત્મા છું, એવું જાણે છે તોય નથી થતું ને ! ના થાય એ વસ્તુ. સહેલી વસ્તુ નથી. એ તો કો'ક ફેરો અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ હોય, જેના અહંકાર ને બુદ્ધિ બધું ગયું હોય, ત્યાં આત્મ કલ્યાણ થાય. અને ક્રમિક માર્ગમાં જ્ઞાની હજારો વર્ષે પાકે, પણ એ પોતે દીવો બીજાને ધરે ને પોતે દીવો માગે પાછાં આગળનો. એટલે પોતાને બીજા આગળના દીવાની જરૂર પડે છે.

અંતે ઉપકાર જાત ઉપર કરવાનો !

હંમેશાં કોઈની પર ઉપકાર કર્યો હોય, કોઈને ફાયદો કર્યો હોય, કોઈકને માટે જીવ્યા હોય એટલો આપણને લાભ થાય, પણ એ ભૌતિક લાભ થાય, એનું ભૌતિક ફળ મળવાનું.

પ્રશ્નકર્તા : કોઈક ઉપર ઉપકાર કરવાને બદલે જાત ઉપર ઉપકાર કરે તો ?

દાદાશ્રી : બસ, જાત ઉપર ઉપકાર કરવા માટે જ બધું કરવાનું છે. જો જાત ઉપર ઉપકાર કરે તો એનું કલ્યાણ થઈ જાય. પણ એને માટે પોતાની જાત જાણવી પડે. ત્યાં સુધી લોકો ઉપર ઉપકાર કરવાના, પણ એનું ભૌતિક ફળ મળ્યા કરશે. આપણી જાતને જાણવા માટે 'આપણે કોણ છીએ' એ જાણવું પડે. તમે તો અત્યાર સુધી 'હું ચંદુભાઈ છું' એટલું જ જાણો છોને કે બીજું કશું જાણો છો ? આ ચંદુભાઈ એ 'હું જ છું' એવું કહેશો. આનો ધણી થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં, આમ બધી ઘટમાળ ! એવું જ છેને ? એ જ જ્ઞાન તમારી પાસે છેને ? એથી આગળ ગયા નથીને ?

... કલ્યાણની શ્રેણીઓ જ ભિન્ન !

સમાજ કલ્યાણ કરે છે, એ કંઈ જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય. એ તો એક સાંસારિક ભાવ છે. એ બધું સમાજ કલ્યાણ કહેવાય. એ જેટલું સહુ સહુનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાષા છે ! ખાલી એવાં સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેનાં છાંટણાં જ હોય છે.

ગુફામાં 'જ્ઞાની' ના હોય !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષો કેમ ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરતાં હશે ?

દાદાશ્રી : જ્ઞાની પુરુષ ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરે જ નહીં કોઈ દહાડોય. આ તો લોકો એવું ગપ્પું મારે કે 'જ્ઞાનીઓ બધા ગુફામાં છે.' ગુફામાં જ્ઞાનીઓ ના હોય ! ગુફામાં તો પેલા બાવાઓ રહે, અઘોરી ને એવાં-તેવાં બધા હોય. અને હિન્દુસ્તાનનાં લોકો આ અઘોરીઓને જ્ઞાની માને છે. બાકી, જ્ઞાની એ પ્રકાશ સ્વરૂપ છે. અને પ્રકાશ કોઈ દહાડોય અંધારામાં ના હોય !

પ્રશ્નકર્તા : એવું ખરું કે જે લોકો પામી ગયા છે એ લોકો ખાસ બહાર આવતાં જ નથી ?

દાદાશ્રી : ના. પામી ગયેલા તો બધા બહાર આવે જ. જે પામ્યા નથી તે જ બહાર આવતાં નથી !

જ્ઞાની પુરુષ હંમેશાં 'ઓપન' હોય, સંસારમાં જ હોય. એ કંઈ ગુફામાં હોય નહીં. ગુફામાં તો અભ્યાસીઓ હોય બધા. અને પૂર્ણ દશાએ પહોંચેલા એવાં જ્ઞાની એ તો સંસારમાં જ હોય, ભીડમાં જ હોય અને લોક કલ્યાણ જ કરતાં હોય. એટલે જ્ઞાનીઓ ગુપ્ત ના રહે. અભ્યાસીઓ ગુપ્ત રહે, જ્યાં સુધી અભ્યાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ગુપ્ત રહે. લોક કલ્યાણની મોટામાં મોટી જરૂરિયાત હોયને, એટલે જ્ઞાનીઓ ગુફામાં રહે નહીં.

પ્રશ્નકર્તા : એટલે ગુફામાં અધૂરા હોય ?

દાદાશ્રી : હા, અભ્યાસ કરનારા છે હજુ. તેને અભ્યાસ કરવા માટે ગુફાની જરૂર, એકાંતની જરૂર. અને જ્ઞાની પુરુષને તો ભીડમાં એકાંત હોય, બહુ ભીડ હોય ત્યારે એમને તો એકાંત જ હોય નિરંતર ! અને પેલા તો એકાંતમાં બેઠાં હોય તો ય એને ત્યાં આગળ બધા મચ્છરા હેરાન કરે. માનસિક મચ્છરા આવે, બુદ્ધિના મચ્છરા આવે અને બધું તોફાન ઊભું થાય !

બાકી, જ્યાં સુધી એકાંત ખોળે ત્યાં સુધી પૂર્ણ જ્ઞાની કહેવાય નહીં. કારણ કે એમને ભીડ નડે છે. જ્યાં દ્વંદ્વ નડે નહીંને, એ જ પૂર્ણ જ્ઞાનીની નિશાની ! જ્ઞાનીને દ્વંદ્વ નડે નહીં. અને જે એકાંત ખોળે છે તે પૂર્ણ જ્ઞાની ના કહેવાય. એકાંત ખોળે છે એટલે ભીડ નથી ગમતી.

પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રે એમના પત્રમાં એવું લખ્યું છે કે મને જાહેર ના કરશો. તે શું છે ?

દાદાશ્રી : હા, પણ એ તો લોકો આરાધક કરતાં વિરાધકવૃત્તિનાં વધારે હતા, એટલે એવું લખ્યું. એ લોકો એમને 'જ્ઞાની પુરુષ' તરીકે ઓળખે નહીં. એટલે એમને જાહેર કરેને, ત્યારે લોકો ઊંધું બોલે. કહેશે, 'એ રાયચંદને ઓળખીએ છીએ. એ તો પેલા રવજીભાઈનો છોકરો થાય ને !' આમતેમ બધું બોલે ને વિરાધના કરે. એટલે કૃપાળુદેવે કહેલું કે ગુપ્ત રાખજો.

નહીં તો જ્ઞાન રસાતળ જાય !

છૂપામાં જ્ઞાન જ હોય નહીં. જે અજ્ઞાની હોય છે તે છૂપા ફર્યા કરે. જ્ઞાની સંસારમાં ફર્યા કરે. જ્ઞાનીથી તો છૂપા રહી શકાય નહીં ને ! જ્ઞાનીને તો પોતે જે સુખ પામ્યા છેને, એ સુખ જ બધા લોકોને આપવાની ભાવના હોય. કારણ કે જ્ઞાન જો એકલા જ્ઞાની પાસે રહે તો રસાતળ જાય, ફરી ઉત્પન્ન જ ના થાયને ! એટલે જ્ઞાની કંઈ જંગલોમાં ના ફરે. જંગલમાં જ્ઞાની હોય નહીં કોઈ દહાડોય.

જગતનું કલ્યાણ થવું જ જોઈએ !

આ વિજ્ઞાન બહાર પડે ને, તો રાગે પડી જશે બધું. પબ્લિક તો બિચારી જ્યાં દોરો ત્યાં જાય એવી છે. આમને સાચા-ખોટાની પરીક્ષા જ નથી. આમને તો પૈસાની જ કિંમત. માટે એક વાર બધું સમજી લો કે આ હકીકત શું છે, વાસ્તવિકતા શું છે !

પ્રશ્નકર્તા : આ બધું જાણવું છે.

દાદાશ્રી : પણ એને માટે ટાઈમ લેવો પડે. હા, અને આ તો બહુ વખત તમે આવોને, ત્યારે આ બધું જાણવાનું મળે. આ વર્લ્ડના કલ્યાણ માટે ઊભું થયેલું નિમિત્ત છે. સત્યાવીસ વર્ષથી અવિરત કામ કર્યા કરું છું. તે રોજ કેટલા કલાકનું વર્ક હશે મારે ? સોળ કલાક ! એમાં એકુંય રજા સિવાય. રજા જ ના હોય. સાડા છ વાગે સર્વિસ શરૂ થઈ જાય, તે રાતના સાડા અગિયારે બંધ થાય. વચ્ચે બે-ત્રણ કલાક આરામ મળે. બોલો હવે, આ જગતનું આવરણ ખસવું જોઈએ, જવું જ જોઈએ.

'અમારી' એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ 'વિજ્ઞાન' ફેલાવવું જોઈએ. 'વિજ્ઞાન'નો લોકોને લાભ થવો જોઈએ. જગત આખું શક્કરિયાં ભરહાડમાં મૂકે એમ બફાઈ રહ્યું છે ! ફોરેનવાળા ય બફાઈ રહ્યાં છે ને અહીંવાળા ય બફાઈ રહ્યા છે. અરે, હવે તો શક્કરિયાં સળગવા હઉ માંડ્યા !!

આ 'વિજ્ઞાન' દબાઈ જવાનું નથી !

પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના આપની કૃપા થકી અમને બધાને થઈ છે. તો જગત આ જ્ઞાનરૂપી સમુદ્રને જાણે કે પછી સમજાશે પણ એ જાણે એવું ય કેવી રીતે કરાય ?

દાદાશ્રી : તમારે તો આ મહીં ભાવના જ રાખવાની કે જગત કલ્યાણને પામો. એ ભાવના સાચા દિલની છે ! જગત તો પામવાનું જ છે, એમાં બે મત જ નથી. કુદરત જ હેલ્પ કરશે આમાં. બીજું કોઈ હેલ્પ નહીં કરી શકે. તે એવી હેલ્પ કરશે ખરેખરી ! જગત પામવાનું છેે એ નક્કી ! આ એમ ને એમ જવાનું નથી. આવું 'વિજ્ઞાન' જે પ્રગટ થયું છે એ એમ ને એમ દબાઈ જવાનું નથી આ. જે વિજ્ઞાન ચાર વેદના ઉપરી થઈને ફરે છે અને જૈનોના ચાર અનુયોગના ય ઉપર થઈને જે વિજ્ઞાન ફરે છે, એ 'વિજ્ઞાન' દબાઈ જવાનું નથી !

'હું' 'મૂળ સ્વરૂપ'માં ને 'પટેલ' જગત કલ્યાણની વિધિમાં !

ઘણો ખરો ટાઈમ 'હું' 'મૂળ સ્વરૂપ'માં રહું છું, એટલે 'પાડોશી' તરીકે રહું છું અને થોડોક જ ટાઈમ 'આ'માં આવું છું. 'મૂળ સ્વરૂપ'માં રહું એટલે પછી ફ્રેશનેસને કશું અડે જ નહિને ! ને રાતે ય કોઈ દહાડો ઊંઘ્યો નથી. પાએક કલાક જરા મટકું વાગી જાય એટલું જ, બે વખત થઈને પા કલાક, બાકી ફક્ત આંખ મીંચેલી હોય. આ કાને જરા ઓછું સંભળાય એટલે પેલા સમજી જાય કે દાદાજી ઊંઘી ગયા છે ને હું ય સમજું બરોબર છે. મારે વિધિઓ હોય બધી, તે હું મારામાં હોઉં અને એ.એમ.પટેલ વિધિમાં હોય. એટલે આ જગતનું કલ્યાણ કેમ થાય એની વિધિ બધે ફર્યા કરે. એટલે એ નિરંતર વિધિઓમાં હોય, દહાડેય હોય ને રાતેય હોય !

મને લોકો કહે છે, 'તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો ? આ ઉંમર તો થઈ હવે ! સવારમાં ઊઠો છો ત્યાર પછી ચા પીતાં પીતાં દસ તો વાગી જાય છે.' અરે ભઈ, અમારે આ સ્થૂળને નથી કરવાનું, સૂક્ષ્મ થઈ રહ્યું છે બધું. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે.

'જ્ઞાની પુરુષ' ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું 'નિયાણું' ના હોય, તે 'જ્ઞાની' ન હોય. જેને બીજું 'નિયાણું' હોય, તે 'જ્ઞાની' જ્ઞાની જ નથી.

હ્રદયે ભીંજવે, જ્ઞાની તણી કરુણા !

પ્રશ્નકર્તા : આપ વીતરાગીને લોકસંપર્કનો શું સંબંધ ?

દાદાશ્રી : વીતરાગી ભાવ. બીજો કોઈ સંબંધ નથી. પણ તે તો આ અત્યારે વીતરાગ છે જ નહીંને ! તમે જેને પૂછો છો એ વીતરાગ નથી અત્યારે ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગ છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ. અને કલ્યાણ માટે ખટપટ કરે. બાકી વીતરાગને ને જનસંપર્કને કશું લેવાદેવા જ નથી ! વીતરાગ તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે, જરાય ખટપટ ના કરે !

પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાનાં કર્મ ખપાવવા ?

દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય. વીતરાગને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની ! પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએને નિરાંતે ?! સ્કૂલ ચાલુ કરી દઈએ છીએને ?! તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છેને ?! એટલે એ ભાવના છે અમારી. કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલાં બધાં દુઃખ !! દુઃખ છે નહીં ને નકામા દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય. હવે અણસમજણ નીકળે ક્યારે ? કહેવાથી ના નીકળે. દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે !! તે અમે તો કરી બતાવીએ. એ મૂર્ત સ્વરૂપ કહેવાય. તે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય.

કલ્યાણ થવાનું હોય ત્યારે...

પ્રશ્નકર્તા : ઘણી વાર વિચાર કરીએ કે કલાક, બહુ ત્યારે બે કલાક અમે બોલીએ, પછી ઊભા થઈ જઈએ. બીજે આંટા મારી આવીએ. જ્યારે અહીં આ સતત રીતે આવો સત્સંગ ચાલે છે.

દાદાશ્રી : અને તે ઘણાં વખત તો દસ-દસ કલાક સુધી વાણી નીકળ્યા જ કરે છે. એક જ જગ્યાએ સ્થિર બેસી રહે અને એ ય કુદરતી બળ હશે ને પાછળ ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! આ ગપ્પું ન્હોય. ઘણાં લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આવું ઉત્પન્ન થાય. નહીં તો આવું ઉત્પન્ન થાય નહીંને ?!

'જ્ઞાન' જો એકલા 'જ્ઞાની' પાસે રહે તો રસાતળ જાય. 'જ્ઞાન' તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો'ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! 'ધીસ ઈઝ બટ નેચરલ !' તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી દીવામાં ઘી તો બધાય લોકોએ પૂરી રાખ્યું છે !

ગૃહસ્થી છતાં જ્ઞાનાવતાર !

આ કાળના મનુષ્યો બહુ પુણ્યશાળી છે કે આ દુઃખેય પુષ્કળ પડ્યા, પણ પુણ્યૈ ભારે હતી તે આ જ્ઞાની પુરુષ ગૃહસ્થ ભાવે ઊભા થયા છે. અને એવું છેને, મારી જગ્યાએ કોઈ ત્યાગવાળા જ્ઞાની પુરુષ હોતને, તો તમારું-ગૃહસ્થીનું કલ્યાણ શી રીતે થાય ? કારણ કે તમારા મનમાં એમ રહ્યા કરે કે 'એ તો ત્યાગી છે એટલે એ બધું કરી શકે, પણ આપણાથી શી રીતે થાય ?! આપણે તો ગૃહસ્થી છીએ.' ત્યારે કુદરતનો નિયમ એવો હોય છે, તે કોઈ ફેરો ગૃહસ્થીનેય જ્ઞાની બનાવી દે છે. એટલે ગૃહસ્થી લોકોનાં મનમાં એમ થાય કે આ જો આટલા બધામાં રહી શકે છે તો મારાથી કેમ ના રહેવાય, એવો એને દાખલો મળે.

જ્ઞાની પુરુષ ક્ષણવાર દેહમાં રહેતા ના હોય, છતાંય ધંધા ચાલે છે એય અજાયબી છેને ! તો પછી તમને હિંમત આવે કે નહીં ? કે 'આ ધંધો કરે છે ને વીતરાગતાથી રહે છે, તો હું પણ કેમ ના રહી શકું ?' અને મારી જગ્યાએ ત્યાગી હોય તો તમને એમ થાય કે 'એ તો બૈરી-છોકરાં ત્યાગેલા, હું તો બૈરી-છોકરાંવાળો એટલે આપણાથી કશું વળે નહીં.' એ ભેદ પડી જાય.

બાકી આ તો અપવાદ છે, નહીં તો ઘરમાં જ્ઞાની રહે જ નહીં. સંપૂર્ણ જ્ઞાની ઘરમાં હોય નહીં. આવું બને નહીંને ! આ કો'ક જ ફેરો, જબરજસ્ત પુણ્યૈ હોય તો જ ! કેટલી મોટી જબરજસ્ત પુણ્યૈ ! ને જ્ઞાનપ્રતાપ કેટલો બધો હોય ત્યારે રહી શકાય. એય અજાયબી છેને ! લોકોનું પુણ્ય જાગ્યું છે. આ અમે નાપાસ થયેલા રહ્યા છીએ. નાપાસ થયા તો લોકોને કામ લાગ્યાને ! એટલે આ અજાયબ જ્ઞાની પુરુષ છે આ કાળમાં ! એમના શબ્દોથી ક્રોધ જાય, માન જાય, માયા જાય, લોભ જાય, બધું જ એમના શબ્દોથી જતું રહે. એમના શબ્દોમાં વચનબળ હોય છે. કારણ કે જેનું પોતાનું નીકળી ગયું છે એ બીજાનું કાઢી આપે. પોતાનું નીકળ્યું ના હોય ત્યાં સુધી એ બીજાનું શું કાઢી આપે ?!

અલૌકિકતા મૌલિક માર્ગની !

અહીં તમને હરેક વસ્તુ પ્રાપ્ત થશે. તમારે ચિંતારહિત દશા પ્રાપ્ત કરવી હોય તો અહીં થઈ શકશે. તમારે નિરંતર સંયમિત દશામાં રહેવું હોય તો રહી શકાશે. એવી બધી દશાઓ અહીં પ્રાપ્ત થઈ શકે, જો તમારી ભાવના હશે તો. આ તો મારે જાતે કહેવું પડે છે કે આ દુકાનમાં શું માલ છે !

પ્રશ્નકર્તા : આપનો જે માર્ગ છે તે બહુ અલૌકિક માર્ગ છે.

દાદાશ્રી : અલૌકિક, બહુ જ અલૌકિક ! તેથી અમે કહીએ છીએને, કે આ માર્ગ દસ લાખ વર્ષે એક ફેરો પ્રગટ થાય છે. એ તો પાછળથી લોકો કહેશે કે ઓહોહો ! આવો અલૌકિક માર્ગ નીકળ્યો હતો અને અમે રહી ગયા.

લોકોનાં પુણ્ય જાગ્યા નથી. એ પુણ્ય જાગવા બહુ મુશ્કેલ વસ્તુ છે. કારણ કે આવો સહેલો-સરળ મોક્ષમાર્ગ કોઈને મળે નહીં. આ સાધુઓએ સ્ત્રી છોડી તોય મોક્ષમાર્ગ મળતો નથીને !

એટલે અલૌકિક વસ્તુ છે આ તો. પણ લોકોને સમજમાં બેસવું જોઈએને ! બંધ બેસવું જોઈએ. જેમ જેમ હજુ વખત જશે તેમ તેમ આગળ વાત સમજાતી જશે કે ઓર જાતનું છે આ. અને જ્ઞાની પાસે બેસવાથી જ જ્ઞાનીસ્વરૂપ થઈ જવાય તેવો માર્ગ ! અને ચિંતા વગર બેસી રહેવાનું. ચિંતા નહીં, ભય નહીં, આ લોકનો ભય નહીં, પરલોકનો ભય નહીં, હવે આવતા ભવમાં શું થશે એવો-તેવો કશો ભય નહીં, ઉપાધિ નહીં. સંસારના ખત્તા ખાતાંય સમાધિ રહે એવું આ અક્રમ વિજ્ઞાન છે !

છેલ્લો અવસર, આત્મ કલ્યાણનો !

એટલે આવું જગત છે. એમાં જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલેને, તો ઉકેલ આવી જાય. નહીં તો લાખો અવતાર જશે તોય ફરી જ્ઞાની ના મળે. બીજું બધું મળશે. ફરી છોકરાં મળશે, બૈરી મળશે, કાકા મળશે, મામા મળશે, ફૂવા મળશે પણ ફરી જ્ઞાની નહીં મળે.

આવો જ્ઞાનાવતાર દસ લાખ વર્ષે એક ફેરો થાય છે. અહીં કલાકમાં મોક્ષ થાય છે. તો આપણું કામ કાઢી નાખવાનું છે અહીં તો. એટલે કામ કાઢી લેજો. આ તો કામ કાઢી લેવા જેવું સ્ટેશન છે. આ ધર્મ નથી. આ અહીં આગળ મંડન નથી. જો મંડન કરે તો બીજાનું ખંડન કરવું પડે. અહીં કોઈનું ખંડન-મંડન નથી. અહીં તો ચોખ્ખા ભગવાન પ્રગટ થયેલા છે. આ તો જેટલાનું કલ્યાણ થાય એટલાનું કલ્યાણ કરી જાઓ.

કામ કાઢી લેવાનું નક્કી કરી નાખવું, બરોબરનું ! આ દુષમકાળ આવ્યો છે. હવે ધર્મ ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યો છે. એટલે અત્યારે આ મોક્ષનું કામ કાઢી લીધું તો કાઢી લીધું, નહીં તો પછી પાંચમો આરો, છઠ્ઠો આરો, ફરીથી પહેલો, બીજો આવશે, ત્યાં સુધી ધર્મ જ નથી. થોડોઘણો ધર્મ હોય, પણ જે મોક્ષે જવાનો ધર્મ છે એ રહેવાનો નથી. તો આ છેલ્લી વારના જ્ઞાની પુરુષ આવ્યા છે અત્યારે. માટે કામ કાઢી લો હવે ! જ્ઞાની પુરુષ તો વીતરાગ રહેવાના. એ કહી છૂટે ખરાં કે તમે આવીને જ્ઞાન લઈ જાવ, પણ ફરી કાગળ ના લખે. માટે કામ કાઢી લેવાની જરૂર છે.

પરમાત્મ શક્તિ વ્યક્ત કરાવે !

પુદગલની, આત્માની બધી જ શક્તિઓ એકમાત્ર પ્રગટ પરમાત્મામાં જ લગાડવા જેવી છે. મનુષ્યમાં પૂર્ણ પરમાત્મ શક્તિ છે, જે વાપરતાં આવડવી જોઇએ. 'જ્ઞાની પુરુષ' બધી જ શક્તિઓ આપવા તૈયાર છે, શક્તિ તમારી મહીં જ પડી છે. પણ તમને તાળું ઊઘાડીને લેવાનો હક્ક નથી. જ્ઞાની પુરુષ ઊઘાડી આપે ત્યારે એ નીકળે. આ હિન્દુસ્તાનનો એક જ માણસ આખા વર્લ્ડનું કલ્યાણ કરી શકે એટલી બધી શક્તિઓ ધરાવે છે, પણ આ શક્તિઓ અત્યારે ઊંધે રસ્તે વહી રહી છે. તેથી 'સેબોટેજ' થઇ રહ્યું છે. આના 'કંટ્રોલર' જોઇએ. 'જ્ઞાની પુરુષ' અને સત્પુરુષો અને સંતપુરુષો આના નિમિત્ત હોય છે.

આ સરખામણી કરે તેનું જોખમ !

એવું છે ને, અત્યાર સુધી આવું ચાલતું જ આવ્યું છે. અરે, જગતના લોકો તો જ્ઞાની પુરુષનું તોલન કરે અને તેય કોની જોડે ? આ જગતના સંતો જોડે. મનુષ્યનો સ્વભાવ એવો. જ્ઞાની પુરુષ તો કો'ક જ ફેરો હોય છે, ત્યારે આ લોકો જ્ઞાની પુરુષની સંત જોડે સરખામણી કરવા જાયને, તો ઊલટું માર ખાઈ જાય. 'જ્ઞાની પુરુષ ક્યાં બેઠેલા છે' એ તો વિચાર જ ના આવે, એ ભાન જ ના આવે.

જ્ઞાની પુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે, બાકી સંતો-શાસ્ત્રજ્ઞાનીઓ તો બધા બહુ હોય. એટલે આપણે અહીં તો શાસ્ત્રના જ્ઞાનીઓ ઘણા બધા છે, પણ આત્માના જ્ઞાનીઓ નથી. જે આત્માના જ્ઞાની હોયને, તે તો પરમ સુખી હોય. એને દુઃખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જ્યાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય તે આપણું કલ્યાણ કરે. પોતે તર્યા તે આપણને તારે. નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય તે આપણને ક્યારેય તારે નહીં.

જગત કલ્યાણના ત્રણ નિમિત્તો !

સંત પુરુષ, સત્ પુરુષ અને જ્ઞાની પુરુષ - આ ત્રણ જ છેને, આ જગતનું કલ્યાણ કરવાનું નિમિત્ત હોય છે. બાકી ભગવાન પણ કલ્યાણ ન કરી શકે આ જગતનું. કારણ કે કલ્યાણનું નિમિત્ત દેહધારી રૂપે હોવા જોઈએ !

આ ત્રણ નિમિત્તો છે. માટે આપણે અહીં આગળ રોજ આવી રીતે બોલવું જોઈએ કે,

'પ્રત્યક્ષ સંતપુરુષોનું યોગબળ આ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. પ્રત્યક્ષ સત્પુરુષોનું યોગબળ આ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું યોગબળ આ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો.'

એવું રોજ બોલાવડાવીએ અમે, એનું શું કારણ છે ? આ બોલવાથી બહાર જે અસર થાય છેને, એ અસર જોરદાર હોય અને આ નિર્બળ હોય તો અસર કામ કરી જાય. પણ જો કદી આ જોરદાર થઈ ગયું હોય અને પેલું નિર્બળ થઈ ગયું હોય તો ઊડાડી મેલે, નહીં તોય આ હેલ્પ કર્યા વગર રહેશે જ નહીં.

આ જેટલું બોલશોને, તો આમાં જગત કલ્યાણ કરવાની ભાવના, એટલું જ છે !

અત્યારે જગત બહુ જ ખરાબ પોઝીશનમાં છે અને હજુ થોડા વર્ષ સુધી પોઝીશન ખરાબ રહેવાની છે અને એટલી બધી ખરાબ પોઝીશન રહેવાની છે કે ન પૂછો વાત ! માટે આ જગતનું કલ્યાણ થાય એવું આપણે બોલવું જોઈએ !

એ યોગબળનો ઉપકાર જગત પર !

પ્રશ્નકર્તા : સંત પુરુષ અને જ્ઞાની પુરુષના યોગબળમાં શું ફેર ?

દાદાશ્રી : સંત પુરુષનું યોગબળ તો, શારીરિક બળ હોય, મનોબળ હોય અને વચનબળ હોય. અને જ્ઞાની પુરુષનું યોગબળ તો આત્મયોગ હોય, એટલે એને ભગવાન જ કહેવાય. જ્ઞાની પુરુષ તો ખુદ ભગવાન કહેવાય.

સંત પુરુષ અહંકારી હોય અને મન-વચન-કાયાના યોગબળવાળા હોય, તેય પૂરેપૂરું ના હોય. જ્યારે જ્ઞાની પુરુષમાં અહંકાર બિલકુલ ના હોય, અને આત્મયોગબળવાળા હોય.

'સંત પુરુષોનું યોગબળ, સત્ પુરુષનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગબળ આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો.' આપણે કહીએ છીએને આ !

પ્રશ્નકર્તા : આ વાક્ય સમજાવો.

દાદાશ્રી : સંત પુરુષો દુનિયામાં ઘણા છે. ફોરેનમાંય છે ને મુસ્લિમોમાંય છે. બધેય ઓલિયા પુરુષો છે. ઓલિયા જેવા પુરુષો જોવામાં આવે તે સંત પુરુષો કહેવાય બધા. પોપ, મુસલમાનોના બધા ઓલિયાઓ, હિન્દુસ્તાનનાં સંત પુરુષો, હિમાલયના સાધુ-મહારાજો, આ ત્યાગીઓ, એ બધા જ સંત પુરુષમાં આવી ગયા. જે ચોખ્ખા હ્રદયના છે એ બધા સંત પુરુષ કહેવાય. પ્રપંચીઓને સંત પુરુષ ના કહેવાય. આ સંત પુરુષો લોકોને શાંતિ આપે.

પછી સત્ પુરુષ કોને કહેવાય ? 'અહીં' જેને જ્ઞાન આપ્યું, જે સંયમી થયા છે, એ બધા સત્ પુરુષ કહેવાય.

અને ત્રીજા જ્ઞાની પુરુષ !

જેને સત્ પ્રાપ્ત થયું નથી એ સંત પુરુષો કહેવાય. અને સત્ પ્રાપ્ત થયું છે એવા સત્ પુરુષ કહેવાય. અને સત્ પુરુષના ઉપરી એ જ્ઞાની પુરુષ કહેવાય.

પ્રશ્નકર્તા : સંત પુરુષો, સત્ પુરુષો, અને જ્ઞાની પુરુષ, એ ત્રણેયમાં આમ તો ઘણો ભેદ છે.

દાદાશ્રી : સંત પુરુષ દેહાધ્યાસવાળા હોય. સત્પુરુષ દેહાધ્યાસવાળા ના હોય અને જ્ઞાની પુરુષ તો ભગવાનની જોડે જ બેસનારા, એટલે ત્યાં બધી વાત જાણવા મળે, ત્યાં આપણું કલ્યાણ થાય.

સંત તો બધાની સાથે સારો મેળ રાખતા હોય ને ક્રોધ-માન-માયા-લોભ કરતાં ન હોય. ક્રોધ-માન-માયા-લોભ સંત પુરુષમાં હોય તો ખરા, પણ ક્રોધ-માન-માયા-લોભ કંટ્રોલેબલ હોય. છતાં સંત તો એમને કહેવા જ પડે. એનું શું કારણ કે લોકો એમને માન્ય રાખવા માંડ્યા. એટલે એને સંત તો આપણે કહેવા જ પડે. અને જ્ઞાની પુરુષમાં તો ક્રોધ-માન-માયા-લોભ ના હોય. ડિસ્ચાર્જમાં પણ ના હોય !

આ ત્રણ જુદા જુદા ભેદ, સંત પુરુષ, સત્ પુરુષ અને જ્ઞાની પુરુષમાં, એટલે આ ભેદ સમજવા જોઈએ આપણે.

જે સત્ને જાણે છે એ સત્ પુરુષ ! અને નિરંતર સત્ના અનુભવમાં જ રહે છે એવા જ્ઞાની પુરુષ, એ તો કો'ક ફેરો જ જ્ઞાનાવતાર હોય, એ હોય નહીં. તેથી એમને દુર્લભ, દુર્લભ, દુર્લભ કહ્યા છે.

ભાવના ભાવવી જગત કલ્યાણની !

પ્રશ્નકર્તા : આપણી જે જગત કલ્યાણની ભાવના છે, એમાં પુણ્ય કેટલું વપરાય ? અગર તો એ જ ભાવના એકલી હોય જીવનની અંદર તો ?

દાદાશ્રી : હા. તે એ ભાવનાનું ફળ તમને બહુ મોટું મળશે. આપણે એનું ફળ શું મળશે એ જ જોવાનું.

એ તો તીર્થંકરોએ શું કર્યું કે જગત કલ્યાણની જે ભાવના ભાવેલી બસ ! એનું ફળ શું મળ્યું કે આ તીર્થંકર થાય. જ્યાં પગ પડે ત્યાં તીર્થ કહેવાય. એવું, હું એ જ ભાવના કરું છું, તમારી એ જ ભાવના છે તે ભાવના ફળશે.

પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે એ ભાવના હશે તો તમને બધું જ મળી રહે વગર માગ્યે.

દાદાશ્રી : હા, આપણે આ જ ભાવના ભાવીએ તો આપણું સારું થાય જ. અને જોડે જોડે આવતે ભવ આપણું જે થવાનું હોય, એમાં કોઈ હાથ ના ઘાલે, ડખલો ના આવે. આટલું સમજી ગયા ને, એનું કલ્યાણ થઈ જાય.

પ્રશ્નકર્તા : તીર્થંકર બનવા માટે આ કાળમાં કેવા ગુણની જરૂર પડે ?

દાદાશ્રી : નિરંતર જગત કલ્યાણની ભાવના, બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તો ય પણ નિરંતર ભાવના શી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય. હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય, તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય.

જેને કેવળ જગત કલ્યાણ કરવાની જ ભાવના રહેતી હોય અને સંસારનો કોઈ મોહ ના રહ્યો હોય, બધું 'ડ્રામેટિક' કરતો હોય, તે 'તીર્થંકર ગોત્ર' બાંધે !

તીર્થંકરોને આગલા અવતારમાં જ્ઞાન થયા પછી છેલ્લો ભાવ ઉત્પન્ન થાય છે, જગત કલ્યાણ કરવાનો. પોતાનું કલ્યાણ થઇ ગયું, હવે બીજાનું કેમ કરીને કલ્યાણ થાય એવાં ભાવ ઉત્પન્ન થાય છે. તેના ભાવ સ્વરૂપે એ ભાવાત્મા તેવો થાય છે. પહેલો ભાવાત્મા તીર્થંકર થાય છે. પછી દ્રવ્યાત્મા તીર્થંકર થાય છે. એ ય નિર્વિકલ્પનું ફળ નથી, વિકલ્પનું ફળ છે, ભાવનું ફળ છે.

તીર્થંકર થવાની ભાંજગડમાં પડવું નહીં !

પ્રશ્નકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એટલે અમારો મોક્ષ તો થવાનો જ, પણ જોડે જોડે એવું નિયાણું થઈ જાય કે મોક્ષ તો બરાબર છે પણ આવો સામાન્ય કેવળી થઈને મોક્ષે નથી જવું પણ આમ તીર્થંકરો જેવી રીતે ગયા એવી રીતે જવાય એવું નિયાણું થઈ જાય તો ? કે પછી બહુ અવતાર લેવા પડે ?

દાદાશ્રી : એ તો લાઈનમાં ઊભું રહેવાનું, કેટલાંય અવતારોથી મોટી લાઈન લાગેલી હોયને ! બધી ક્યૂ છે આખી.

પ્રશ્નકર્તા : એ કલ્યાણ કરવું છે એવી ભાવના હોય તો...

દાદાશ્રી : એ લાઈનમાં-ક્યૂમાં આવી ગયેલો હોય અને તેની કલ્યાણ કરવાની ભાવના થાય. હવે નવી શરૂઆત કરનારનો ક્યૂમાં નંબર જ ના લાગેને !

પ્રશ્નકર્તા : હા, ન લાગે.

દાદાશ્રી : એટલે એવી વાતો કરવી નહીં. એ ભાંજગડમાં પડવું નહીં. આપણે આપણો મોક્ષ ખોળી લેવો.

પ્રશ્નકર્તા : હા, પોતા પૂરતું હમણાં જોઈ લેવું, પછી જે થવાનું હોય તે થાય. પણ દાદા, કલ્યાણની ભાવના રાખવાની કે ફક્ત... ?

દાદાશ્રી : એ તો રાખવી જ જોઈએને ! કલ્યાણની ભાવના તો રાખવી જોઈએને ! એ આપણું જ કલ્યાણ છે. લોકોની કલ્યાણની ભાવના રાખો તો એ જ આપણું કલ્યાણ છે. સામાને કેમ કરીને મારાથી લાભ થાય અને એ જ્ઞાન પામે એવી મહેનત કરીએ તો એ તો આપણે આપણું જ કલ્યાણ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : હા, દાદા. હવે એ તો બરાબર જ લાગે કે પરમાર્થ એ જ સ્વાર્થ છે.

દાદાશ્રી : બસ.

ભાવના તાવી જોવી, માનની કે કલ્યાણની !

ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. ભાવના કોણ કરી શકે ? મહા પુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે.

ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તો ય એ નીકળી જશે. કારણ કે કોઈ પ્રધાનને બહાર બધું સારું હોય ને ઘરનો દુઃખી હોય તો એને સત્તા આપે તો એ લાખ-બે લાખ ખાઈ જાય, પણ પછી ધરાઈ જાયને ? અને આપણું તો આ વિજ્ઞાન છે, એટલે હવે જે માન રહ્યું તે નિકાલી માલ ને ! તે ધીમે ધીમે ખલાસ થઈ જશે, છતાં ત્યાં સુધી બધી જાગૃતિ રાખવી પડે. કોઈ ગાળો ભાંડે, અપમાન કરે તો ય માન ના જાગવું જોઈએ. મારે તો ય માન શાને માટે જાગે ? આપણે તો જાણવું જોઈએ કે સાત મારી કે ત્રણ ? જોરથી મારી કે હલકી ? એવું જાણવાનું. પોતાના સ્વભાવમાં તો આવવું પડશે ને ?! તમારે તો નક્કી કરવાનું સવારના, કે આજે પાંચ અપમાન મળે તો સારું ને પછી આખા દહાડામાં એકુંય ના મળ્યું તો અફસોસ રાખવાનો, તો માનની ગાંઠ ઓગળે. અપમાન થાય, તે ઘડીએ જાગૃત થઈ જવું.

એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે ! લોકોનું કલ્યાણ થાય એ માટે ત્યાગી વેષ, દીક્ષા લેવાની ઇચ્છા છે. મન બગડતું ના હોય પછી દીક્ષા લેવામાં વાંધો નહીં.

જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં, ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ! ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ?! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય !

કલ્યાણ કરવાનું કે કલ્યાણ સ્વરૂપ થવાનું ?

પ્રશ્નકર્તા : આ દીક્ષા લેનારા છે, એમને ધર્મનું રહસ્ય એવું કંઈક સમજાવો કે જેથી કરીને એમનું કલ્યાણ થાય અને સમાજને, લોકોને પણ ફાયદો થાય.

દાદાશ્રી : કલ્યાણ કરવામાં એક જ વસ્તુ છે કે જે પોતાનું કલ્યાણ કરે છે તે બીજાનું કલ્યાણ વગર બોલ્યે કરી શકે છે ! એટલે કરવાનું કેટલું છે ? 'જ્ઞાની પુરુષ'ની પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. પછી પોતે કલ્યાણ સ્વરૂપ થયો એટલે વગર બોલ્યે લોકોનું કલ્યાણ થાય છે અને જે લોકો બોલ બોલ કરે છે, એમાં કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલ બોલ કરવાથી કશું વળતું નથી. બોલવાથી તો બુદ્ધિ ઈમોશનલ થાય છે. એમ ને એમ જ એમનું ચારિત્ર જોવાથી, એ મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય છે. માટે એમણે તો ફક્ત પોતે જ તે રૂપ થઈ જવા જેવું છે ! 'જ્ઞાની પુરુષ'ની પાસે રહી તે રૂપ થવું. આવા પાંચ જ તૈયાર થાય તો કેટલાંય લોકોનું તે કલ્યાણ કરે ! સાવ નિર્મળ થવું જોઈએ, અને 'જ્ઞાની પુરુષ'ની પાસે નિર્મળ થઈ શકે અને નિર્મળ થવાનાં છે !!

પહેલું સ્વકલ્યાણ કે પરકલ્યાણ ?

પ્રશ્નકર્તા : સ્વકલ્યાણ પહેલું કે પરકલ્યાણ પહેલું ?

દાદાશ્રી : જે સ્વકલ્યાણ કરે તે જ પરકલ્યાણ કરે. બાકી પારકાનું કલ્યાણ કોઈ માણસ કરી શકે નહીં. પોતાનું કલ્યાણ કરેલું હોય તો જ બીજાનું કલ્યાણ થાય. આ પારકાનું કલ્યાણ કરવા જે નીકળ્યા છે, એ તો ઇગોઇઝમ છે ખાલી. 'હું કંઈક કરું છું' ! આ વર્લ્ડમાં કોઈ એવો માણસ પાક્યો નથી કે જેને સંડાસ જવાની શક્તિ હોય.

એટલે પોતાનું કલ્યાણ પહેલું, તો બીજાનું કલ્યાણ થાય. હું બીડી છોડું અને પછી કહું કે બીડીઓ ના પીવી જોઈએ તો એને છૂટે. મારામાં ક્રોધ-માન-માયા-લોભ પડ્યાં હોય ને હું કહું કે ક્રોધ-માન-માયા-લોભ કાઢી લાવ ! તે શી રીતે જાય ? ચોરના ભાઈ ઘંટીચોર ભેગા થયા ત્યાં ?!

કોણ નીકળે જગત કલ્યાણ કાજે ?

પ્રશ્નકર્તા : જગત કલ્યાણ એ શબ્દ સૂક્ષ્મતાએ સમજાવો.

દાદાશ્રી : જગત કલ્યાણ તો કોનાથી બોલાય ? કોઈ બોલે નહીં. પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તે જ બોલે. જગત કલ્યાણ કરવા માટે જાય તો આપણા લોકો બહાર કહેને, ઘરથી કલ્યાણ કરીને આવ્યા છો કે એમ ને એમ અહીં આવ્યા છો ? જાવ ડાચા લઈને પાછાં ! લોક જવાબ આપે કે ના આપે ? જગતનું કલ્યાણ કરવા આવ્યા છે ! હવે આપણા મહાત્માઓ શું કરે છે ? બસ લઈને નીકળે છે. કહે છે, ભઈ અમે તો જગત કલ્યાણનું નિમિત્ત બનવા તૈયાર છીએ, નિમિત્ત. કલ્યાણ કરવા નહીં પણ નિમિત્ત. પણ અલ્યા, નિમિત્તેય શી રીતે ? તમારું ઘરનું કલ્યાણ થઈ ગયું છે ? ત્યારે આપણા મહાત્માઓ હા પાડે છે. તમારે જે કરવું હોય એ કરો અમને અને અમારું કલ્યાણ જોઈ લો, કહે છે. જગતનું કલ્યાણ કરવા માટે, નિમિત્ત બનવા માટે નીકળે છે કોઈ કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : ઊભાં થાવ જોઈએ, કોણ કોણ નીકળ્યો ?

પ્રશ્નકર્તા : કોઈ એવી વિનંતી કરતો હોય કે કંઈ જગત કલ્યાણના કામે લગાડો તો આપણે એને આશીર્વાદ આપવા જોઈએને, દાદા ?

દાદાશ્રી : પહેલું પોતાનું કલ્યાણ કરે તો જ જગતનું કોઈ કરી શકે. નહીં તો કશું કરી શકે જ નહીં.

પ્રશ્નકર્તા : એવાં આશીર્વાદ આપો કે પહેલાં પોતાનું કલ્યાણ કરી લઉં.

દાદાશ્રી : હા, તે પોતાનું કલ્યાણ કરવાં તો આજ્ઞાપૂર્વક ચાલે તો પોતાનું કલ્યાણ પોતે જ બીજી લાઈન પર, મેઈન લાઈનથી બીજી લાઈન પર જાય જ નહીં !

જગતનું કલ્યાણ કોણ કરી શકે ? પોતાનું જે કલ્યાણ કરે, તે બીજાનું કરે.

આજ્ઞા પાળવાનું ફળ...

પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞા તો બરાબર પળાય છે પણ જગત કલ્યાણ કરવા માટેનો જે ચોખ્ખો રસ્તો દેખાવો જોઈએને, નિમિત્ત થવું જોઈએ, એ નથી દેખાતું હજુ.

દાદાશ્રી : એ ના દેખાય. પહેલું પોતાનું કલ્યાણ થઈ જાય ત્યાર પછી એની મેળે જ થાય. તમને જોઈને જ પેલાનું કલ્યાણ થઈ જાય. હું કંઈ કલ્યાણ કરતો નથી, મને જોઈને જ એનું કલ્યાણ થઈ જાય છે. અને મારી વાણી એવી નીકળે છે, મારું વર્તન એવું નીકળે છે કે વાણી-વર્તન ને વિનય મનોહર હોય. એ જ્યારે આ આજ્ઞા પાળી રહેશો એટલે કે જેમ જેમ પાળતા જશો તેમ તેમ વાણી-વર્તન ને વિનય મનોહર થતાં જશે. સામાના મનનું હરણ કરી નાખે. આ અમારા વાણી-વર્તન તમારા મનનું હરણ કરે છે ?

પ્રશ્નકર્તા : ચોક્કસ. બહુ જ કરે છે. કાયમ કરે.

દાદાશ્રી : એવું તમારું ય બીજાનું મન હરણ કરતું થશે, તમારી વાણીથી બધાનું મન હરણ થશે માટે ત્યારે તમારા નિમિત્તે જગતનું કલ્યાણ થશે. આ કંઈ સોગઠાબાજી નથી કે જલ્દી પાર આવી જાય. આ માર્કેટ મટીરીયલ ન્હોય, આ તો સ્પિરિચ્યુઅલ છે વાત.

આપણે ભાવના રાખવી કે જગતનું કલ્યાણ થાવ અને આ આજ્ઞા પાળતા જાવ. એમ કરતાં કરતાં એનું ફળ શું આવશે કે વાણી-વર્તન અને વિનય મનોહર થતાં જશે. અત્યારે તો વાણી તડફડ નીકળે કે ના નીકળે કોઈ વખત ?

પ્રશ્નકર્તા : બહુ નીકળે, પણ દાદા હાજર થઈ જાય.

દાદાશ્રી : હા, પણ નીકળે છેને ? એ સામાને વાગ્યા પછી 'દાદા' હાજર થાયને ! અને અમારી તોડફાડ નીકળે, પાટીદાર છીએને ! તોડફાડ નીકળે તોય મીઠી લાગે પેલાને !

દિપાવો આ વિજ્ઞાન !

એટલે આ બધાને શા માટે કહું છું કે જાગ્રત થઈ જાય. આ કાળમાં આ એકલું જ વિજ્ઞાન એવું સરસ છે. અને આવું ઘણાં માણસો આપણા સત્સંગમાં છે જેમણે આ વિજ્ઞાન દિપાવ્યું હોય. એવું દિપાવો ખરેખરું, જગતનું કલ્યાણ કરો પછી હવે. જગતનું કામ જ, બીજું શું કામ છે ?

આપણું કલ્યાણ થઈ ગયું, હવે બીજાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. એ જ આપણને પૂર્ણ દશા ઉત્પન્ન કરાવડાવે.

પ્રશ્નકર્તા : જગત કલ્યાણનોય એક ભાવ જ છેને ?

દાદાશ્રી : હા, એક ભાવ છે. એટલો એ ભાવ તો એને માટે એટલું ઊગશે, એનું ફળ આવશે. એ ભાવ છે જ, એક જાતનો અમુક જ ભાવ રહે. આ આપણે આજ્ઞાઓ રહીને, તે ભાવ રહેને જગત કલ્યાણની ભાવનાના, આપણું પોતાનું કલ્યાણ થઈ ગયું હોય એટલે બીજા બધાનું કલ્યાણ કેમ થાય ?! આપણને જે સુખ મળ્યું, તે બીજાને કેમ થાય એ ભાવના છે. તે દરેક જ માણસ કહેને, સારી ભાવના છે. તેમાં મતભેદ ના હોય. સારી વસ્તુ હંમેશાં સારી કહેવાયને !

જગત કલ્યાણ કરનારને ઘેર તો કોઈ દિવસ દુઃખ હોય જ નહીં.

જગત કલ્યાણની એટલી જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી ?

પ્રશ્નકર્તા : બીજી કોઈ નહીં.

દાદાશ્રી : આ લોકોને જગત કલ્યાણની કેમ ભાવના થઈ કે પોતાનું કલ્યાણ થયું માટે. તારું કલ્યાણ થઈ ગયું એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : કેટલા ટકા ?

પ્રશ્નકર્તા : સો એ સો ટકા.

દાદાશ્રી : જો સો ટકા પોતાનું કલ્યાણ થઈ ગયું એવું લાગે છે એટલે પછી બીજાનું કલ્યાણ કરો. અત્યારે પોલીસવાળા પકડે તો ય તને હરકત નહીં ?

પ્રશ્નકર્તા : ના.

ભાવના કરવાનો જ અધિકાર !

એવું છેને, આપણે આ જગતના કલ્યાણના કર્તા નથી આપણે, આપણે તો નિમિત્ત છીએ. આપણી ભાવના તો આખા જગતનું કલ્યાણ થાવ એ ભાવના, કર્તા નહીં. એટલે જેના ભાગે જે નિમિત્ત હોય તે. તે નિમિત્ત ભલે હો, ના હો તો પણ ભલે હો. અને આખા જગતનું કલ્યાણ કરનારો, આખા જગતને મોક્ષે લઈ જનારો કોઈ જગતમાં પાક્યો જ નથી !

પ્રશ્નકર્તા : કોઈને અધિકાર આપેલો જ નથી.

દાદાશ્રી : એ અધિકાર આપેલો ચાલે એવોય નથી. કારણ કે આ સંસાર એક ડિગ્રીથી પ્રવાહન કરતું કરતું ત્રણસો સાઈઠ ડિગ્રી ઉપર આવીને મોક્ષે ચાલ્યો જાય છે. પણ એક ડિગ્રીમાં શરૂઆત ચાલુ જ રહે છે. અહીંથી ત્રણસો સાઈઠ ડિગ્રી જેટલાં છૂટા થાય છે તેટલાં એક ડિગ્રીમાં બીજા આવી જાય છે. એટલે આ સંસાર કોઈ દા'ડો બંધ થવાનો નથી કે અટકવાનો નથી અને આખો સંસાર મોક્ષે જઈ શકે નહીં. એવી વાત કરતો હોય એને મેન્ટલ હૉસ્પિટલમાં લઈ જવો પડે. નિમિત્ત બની શકાય કે જગતનું કલ્યાણ કરવાના નિમિત્ત બનવાનો અધિકાર, ભાવના કરવાનો અધિકાર. અમે અમારા પલંગમાં સૂતાં સૂતાં બધી ભાવના આખા વર્લ્ડની કર્યા કરીએ અને સૂતાં સૂતાં વર્લ્ડનું કામ કરી શકીએ. કંઈ હાથ હલાવાથી કામ થતાં નથી. બધું સૂતાં સૂતાં, આત્માની શક્તિ છે, ગજબની શક્તિઓ છે, અપાર શક્તિ છે. એક આત્મામાં અનંત આત્માની શક્તિ છે ! એક જીવ જો કદી ઊંધે માર્ગે, સંસાર માર્ગે જઈ રહ્યો હોય અને સંસારમાં વધુને વધુ વીંટાયા કરતો હોય, તો એક જ જીવને જો કદી ઠેઠ મોક્ષે જાય એવું એને દિશાફેર કરી આપે તો તીર્થંકર ગોત્ર બાંધે !

આચાર્ય મહારાજ આટલા બધા ઉપદેશ આપે છે પણ એ તો દિશાફેર કરી આપે છે કે દિશામૂઢ કરી આપે છે ?

એટલે એવું છેને, ઘરમાં કોઈ ગમે તે બે માણસ હોય ને તેનો ઉકેલ થાય, તો આપણે હેલ્પીંગ કરવું. અને એ ના કહે ત્યારે કહીએ કે ભઈ, સચ્ચિદાનંદ, બા ! કંઈ દુરાગ્રહ હશે તો આપણે સચ્ચિદાનંદ કહેવું. આપણે કંઈ કોઈના ઉપરી નથી. આ તો વ્યવહારથી વડીલ છીએ. આમ દિશા બદલાઈ જાય એવું કરી આપવું આપણે. બને એટલું નિમિત્ત બનવું. આગ્રહ ના કરવા.

કાર્યની સત્તા કુદરતની !

જગત કલ્યાણની તો આપણે ખાલી ભાવના જ કરવાની છે. પછી કાર્ય તો કુદરત કરશે.

એટલે નિરાંતે રહેજે. 'દાદા'એ બધું વ્યવસ્થિત કહેલું છે. પ્રયત્ન રાખવો, મનમાં ભાવ રાખવો પણ હવે 'જગતનું કલ્યાણ કરવું છે' એવો ભાવ રાખવો. મારે સાચું સુખ પ્રાપ્ત કરી અને પૂર્ણ કરી અને 'જગતના લોકો કેમ એ સુખ પામે' એવી ભાવના રાખવી.

આપણા હાથમાં એકમાત્ર ભાવ કરવા સિવાય બીજી કોઇ તાકાત નથી. આપણો ભાવ પણ વ્યક્ત ના થવો ઘટે. ભાવ કર્યો તો તેની પાછળ અહંકાર છે જ. એક પોતે મોક્ષે જવા સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો અહંકાર કરવા જેવો નથી. જગત કલ્યાણનો ય અહંકાર કરવા જેવો નથી. બધા નિમિત્ત છે. કોઇ કર્તા નથી. નિમિત્ત શા માટે કહેવાય ? આ નિમિત્ત શી રીતે બની જાય છે ? કોઇ ભાવ કરે કે 'મારે બધાને સીધા કરવા છે', તો તેનો ભાવ નેચરમાં જમે થાય-નોંધાય, પછી જ્યારે નેચરને સીધું કરવાનો વખત આવે ત્યારે એ ભાવવાળા નિમિત્ત પાસે નેચર બધા સંયોગ ભેગા કરી આપે. અને તે ભાવવાળા માણસનું એ ભાવ પ્રમાણે બની જાય.

ભાવના જ રૂપકમાં આવે !

જગત કલ્યાણના 'અમે' નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો.

એમાં પોતાનું પણ કલ્યાણ સમાય !

'બધાનું કલ્યાણ થાઓ' એ ભાવના, પહેલાં પોતાનું જ કલ્યાણ કરે !

એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે, 'હે ભગવાન ! મને સુખી કરો, સુખી કરો.' બીજો માણસ પ્રાર્થના કરે ત્યારે બોલે કે, 'હે ભગવાન ! ઘરનાં બધાં માણસો સુખી થાય'. એમાં પોતે તો આવી જ જાય. ખરો સુખી બીજો માણસ થાય, પહેલાંની અરજી નકામી જાય. અને આપણે તો જગત કલ્યાણની ભાવના ભાવીએ, તેમાં પોતાનું આંત્યતિક કલ્યાણ આવી જાય.

જગત કલ્યાણ કરવાની શક્તિ આપો !

પ્રશ્નકર્તા : 'હે દાદા ભગવાન ! મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.' આપણે આ કલ્યાણની ભાવના કરીએ, તો એ કઈ રીતે કામ કરે ?

દાદાશ્રી : તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : પૌદ્ગલિક કે 'રિયલ'નાં કલ્યાણની આપ વાત કરો છો ?

દાદાશ્રી : પુદગલનું નહીં, આપણે તો 'રિયલ' ભણી જાય તેની જ જરૂર. પછી 'રિયલ'ના સહારાથી આગળ થઈ જાય. આ 'રિયલ' મળે તો પેલું 'રિલેટિવ' મળે જ ! આખા જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની. એ ગાવા ખાતર બોલવાનું નહીં, ભાવના ભાવવી. આ તો લોકો ગાવા ખાતર ગાય, જેમ શ્શલોક બોલતા હોય એવું.

પ્રશ્નકર્તા : સાવ નવરો બેઠો હોય તો એના કરતાં આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાયને ?

દાદાશ્રી : બહુ સરસ. ખરાબ ભાવ તો ઊડી ગયા ! એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા !

પ્રશ્નકર્તા : એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય ?

દાદાશ્રી : ના. મિકેનિકલ કેમ કહેવાય ? મિકેનિકલ તો એ વધારે પડતો એમ ને એમ પોતાને ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી !

આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય. આ નવ કલમો એ આખી જીંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોંજિદો માલ, તે બહાર મૂક્યો મેં, છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારુ. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષોથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.

સહેજાસહેજ, અપ્રયત્ન દશા !

પ્રશ્નકર્તા : સ્વગુણે જગત કલ્યાણ કરવાનું હોય કે સહેજાસહેજ થાય ?

દાદાશ્રી : સહેજાસહેજથી જ બધું થઈ રહ્યું છેને ! એટલે જગત કલ્યાણ સહેજાસહેજથી થાય. જગત કલ્યાણ કરવાની ભાવના એ સહેજાસહેજ કહેવાય. પણ છેલ્લું સહેજાસહેજ તો એકલા જ્ઞાની પુરુષ પાસે જ હોય. બાકી બીજે બધે તો સહેજાસહેજ અમુક હદમાં હોય, એ એનું પ્રમાણ ! જ્ઞાનીઓને સહજ જુદું કહેવાય. એમાં સહેજેય પેલો પ્રયત્ન ના હોય. એક સહજ પ્રયત્ન હોય. આ પ્રયત્ન ખરાં, પણ સહજ પ્રયત્ન ! સંસારના પ્રયત્નો જુદાં ને આ સહજ પ્રયત્ન. એય સહેજાસહેજ પ્રયત્ન આવે !

આખી સૃષ્ટિમાં પર્યટન કરીને...

પ્રશ્નકર્તા : આપ જ્ઞાની પુરુષને બહાર ફરવું પડે છે, તો એમાં કોઈનું નિમિત્ત જોર કરતું હશે ને ?

દાદાશ્રી : ના. એવું નિમિત્ત જોર નથી કરતું, જ્ઞાની પુરુષની ભાવના જ એવી છે. ગમે તે થાય, આખી સૃષ્ટિમાં ફરીને પણ જગતનું કલ્યાણ કરવાની ભાવના હોય એમને.

પ્રશ્નકર્તા : પણ જે માણસોને લાભ થવાનો હશે તે લોકોનાં નિમિત્તો જોર કરતાં હશે ને ? તેથી જ્ઞાની પુરુષને ત્યાં જવું પડતું હશે ?

દાદાશ્રી : એ નિમિત્તો જોર કરતાં નથી. આ જ્ઞાની પુરુષની ભાવના છે એવી. હા, અને પેલાની શી ભાવના છે કે 'જ્યારે અમને મળશે ત્યારે કરીશું, ત્યારે જોઈ લઈશું.' એટલે આ બે ભેગું થાય છે. પેલાને તો સહેજાસહેજ, મળ્યું તો ઠીક છે ને નહીં તો ના મળ્યું તો કંઈ નહીં. એટલે બાળાભોળા જીવ છે. એમને કંઈ આની કિંમત નથી. કિંમત હોય તો પછી લાખો માઈલ દૂરથી ય દોડતાં આવે. એટલે આ તો જ્ઞાનીની એવી ભાવના છે કે કેમ વધુ લોકોનું કલ્યાણ થાય. ભગવાન મહાવીરેય ફરતા હતા, એક દેશથી બીજે દેશ, આમતેમ ફર્યા જ કરતા હતા. બિહારમાંથી આસામમાં જાય, પેલી બાજુ ઓરિસ્સા જાય.

અપસેટનું અપસેટ તે સેટઅપ !

આ બધા જગતનું કલ્યાણ કરી નાખશે. જગતનું કલ્યાણ એટલે શું ? જગતના બધા ધર્મો આમ હતા. તે અપસેટ થઈ ગયા છે. તે હવે શું કરવાનું ? ત્યારે કહે, ફરી અપસેટ કરો. ત્યારે લોક પાછાં, આમ ધર્મને અપસેટ શું કરવા કરો છો ? મેં કહ્યું, અલ્યા મૂઆ, છત્તા કરીએ છે. અત્યાર સુધી ઊંધા ગયા હતા, હવે અમે છત્તા કરીએ છીએ. એટલે આ સુધારવું તો પડશે ને આ જગત તો. અને આપણાથી બને એટલું તો કરવું જોઈએને, આ આપણી ફરજ છે. આપણે જે સુખ પામ્યા એવું જગતનાં લોકો સુખ પામે, બાકી મોક્ષે તો જઈશું જ.

સસ્પૃહી, આત્મા પ્રત્યે !

કેટલાંક તો નિસ્પૃહ થયેલા હોય તે તો 'હમકુ ક્યા ? હમકુ ક્યા ?' કર્યા કરે. તે એય રખડી મર્યા અને બધાને રખડાવી માર્યા. અને 'જ્ઞાની પુરુષ' કેવા હોય ? તમારા આત્મા સંબંધી સ્પૃહાવાળા હોય અને બહાર તમારું જે ભૌતિકમાં છે તેના નિસ્પૃહી. ભૌતિકમાં કોઈ ચીજ જોઈતી ના હોય અને એનાં આત્માનું કેમ કલ્યાણ થાય એટલી જ સ્પૃહા હોય. હા, સંપૂર્ણ નિસ્પૃહ નથી. એટલે અમે 'જ્ઞાની પુરુષ' નિસ્પૃહ-સસ્પૃહ છીએ. એટલે શું ? આ કાંઠો ય અમારો ન્હોય અને આ બીજો કાંઠો ય અમારો ન્હોય. અમે તારાં પુદગલમાં નિસ્પૃહ છીએ અને તારાં આત્માને માટે સસ્પૃહ છીએ. એટલે તું અમને ગાળો ભાંડે તો ય અમે તારી જોડે સ્પૃહા રાખીએ. એનું કારણ શું કે તારા આત્માને માટે સસ્પૃહ છીએ. એ વાંકું કરે ને, એ અપમાન કરે ને, તો ય અમે એને માટે રક્ષણ મૂકીએ બિચારાને ! તમને સમજાયું ને ?

કલ્યાણ કરવાની ગરજ અમારી !

એટલે અહીં જુદી જાતનું છે, આ દુકાન ન્હોય. છતાં ય લોકો તો આને દુકાન જ કહે. કારણ કે 'બીજા બધાંએ દુકાન કાઢી એવી તમે ય શું કરવા દુકાન કાઢી ? તમારે શું ગરજ ?' મને ય એની ગરજ તો ખરી ને, કે હું જે સુખ પામ્યો એ તમે ય પામો ! કારણ કે લોકો કેવા ભરહાડમાં બફાઈ રહ્યાં છે. શક્કરીયાં ભરહાડમાં બફાય એમ બફાઈ રહ્યાં છે લોકો ! અગર તો માછલાં પાણીની બહાર તરફડે એમ તરફડી રહ્યાં છે. એટલે અમારે આ બધું ફર ફર કરવું પડે છે. ઘણાં લોકો શાંતિનો માર્ગ પામી ગયા.

પ્રશ્નકર્તા : એટલે આ ગરજ નથી, પણ બધાં જીવોનું કલ્યાણ થાય એવી ભાવના થાય ને !

દાદાશ્રી : કલ્યાણ થાય તો સારું એવી ભાવના હોય. આ વર્લ્ડમાં તીર્થંકરો ને જ્ઞાની સિવાય કોઈએ જગત કલ્યાણની ભાવના ભાવેલી નહીં. પોતાના જ પેટનું ઠેકાણું ના પડ્યું હોય ત્યાં આગળ લોકોનો ક્યાં વિચાર કરે ?! બધાં લોકોએ ભાવના શું ભાવેલી ? ઊંચું પદ ખોળ ખોળ કરેલું ! સાધુ હોય તો 'મને આચાર્ય ક્યારે બનાવે' અને આચાર્ય હોય તો 'મને ફલાણો ક્યારે બનાવે' એ જ ભાવના બધાને હોય. ત્યારે આ બાજુ, લોકોને કાળાબજાર કરવાની ભાવના ! ને કલેક્ટર હોય તો 'મને કમિશ્શનર ક્યારે બનાવે' એ જ ભાવના હોય !! જગત કલ્યાણની તો કોઈને ય પડેલી નથી. એટલે રિલેટિવમાં જગત ગુરુતામાં પડે છે. ગુરુતમ તો થઈ શકતાં નથી.

મોક્ષમાર્ગ ખુલ્યો આ !

પ્રશ્નકર્તા : પણ દાદા, આવું કર્મ બાંધ્યું હશે ને પાછું ? આ ઝાડુ મારવાનું કર્મ, લોકોને રીપેર કરવાનું, જગત કલ્યાણ કરવાનું કર્મ બાંધ્યું હશે ને ?

દાદાશ્રી : હા, એ કર્મ બાંધેલું જ.

પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ને ?

દાદાશ્રી : હા, વ્યવસ્થિત બધું. પણ ઘણાં લોકોનું કલ્યાણ થઈ જવાનું છે. કારણ કે સહેજાસહેજ કલ્યાણ થાય એવો મોક્ષમાર્ગ કોઈ ફેરો નીકળ્યો હોય તો આ ફેરો નીકળ્યો છે, સહેજાસહેજ કલ્યાણ. પારસીઓ, મુસલમાનો, બધા ય ફાવ્યાને ! કોઈ એક કોમને ના ફાવે એવું નથી ને બધાને માફક આવે એવું જ્ઞાન છે !

એટલે આ બધાનું અમારા પ્રતાપ થકી, અમારી કૃપા થકી એટલે અમારી એટલે મહીં ભગવાનની હોં, મારી નહીં, મહીં દાદા ભગવાનની કૃપા થકી, આ બધાનું કલ્યાણ થઈ ગયું. એવાં સાઈઠ હજાર માણસનું કલ્યાણ થયું છે.

'જ્ઞાની પુરુષ'નાં દિવ્યકર્મ !

શાસ્ત્રકારોએ જ્ઞાનીના પ્રત્યેક કર્મને દિવ્યકર્મ કહ્યાં છે. કારણ કે પોતે સંપૂર્ણ નિર્અહંકારી, સંપૂર્ણ અકર્તા પદમાં બેઠેલા હોય છે. એટલે વીતરાગ કહેવાય. આ કાળમાં સંપૂર્ણ વીતરાગ ના હોય. અમે વીતરાગ છીએ પણ સંપૂર્ણ નથી. અમે જગતના તમામ જીવો જોડે વીતરાગ છીએ, ફક્ત અમારા જગત કલ્યાણ કરવાના કર્મ જોડે અમારે રાગ રહે છે. જગત કલ્યાણ કરવાની ખટપટ માટેનો અમને થોડો રાગ રહી ગયો છે. એ રાગ પણ કર્મો ખપાવવા પૂરતો જ છે. બાકી 'અમને' તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે. 'જ્ઞાની'ને કાળ, કર્મ ને માયા અડે નહીં. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવથી અપ્રતિબદ્ધપણે વિચરે તે જ્ઞાની.

દર્શન માત્રથી કલ્યાણ !

ભગવાનની ભાષામાં આબરૂદાર કોણ ? આંખ માત્રથી 'વિશ્વ કલ્યાણ' કરે તે !

સ્વચ્છ આંખો ના થાય ત્યાં સુધી સામાનું કલ્યાણ ના થાય. તેથી જ તો 'હું' બધાંને દર્શન કરાવું છું. સ્વચ્છ આંખો એ જ કારૂણ્યતા, બીજો કોઈ ભાવ નહીં.

વિષયનો મને વિચાર સરખો ય નથી આવતો. સ્ત્રીઓને દેખીને મને વિષય ઉત્પન્ન ના થાય. કારણ કે મને આત્મા જ દેખાય. નિર્વિચાર દશા, નિરીચ્છક દશા, કોઈ પણ પ્રકારની ઈચ્છા જ જેને નથી. આજ અઠ્ઠાવીસ વર્ષથી અમને વિચાર જ નહીં આવેલો. નિર્વિકારી દશા, નિર્વિકલ્પ દશા, કોઈ વિકલ્પ જ નહીં. આ તો જગતનું કલ્યાણ કરી નાખશે.

મહાન પુરુષોની એક જ ભાવના !

પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તે જ જગતનું કલ્યાણ કરવાની ભાવના ભાવે. અને એ તો અનંત કાળથી ચાલી આવેલી વાત છે. બધા તીર્થંકરોએ ભાવના ભાવી'તી. તેથી તીર્થંકર થયા... જેની કાચી રહી, તે ચક્રવર્તીઓ થયા, વાસુદેવો થયા. પણ ભાવના તો સારી જ ભાવના ને !

જીવન જ બીજાને તારવા કાજે !

આમના જેવા લેખકોએ પોતાનો જે સામાન છે, એ સામાન તો લોકોને આપી જ દેવો જોઈએ. આ હું જેમ મારી પાસે સામાન છે એ આપી દઉં છુંને ? એવું એમની પાસે જે સામાન હોય, દરેકે પોતપોતાનો સામાન હોય તે બધા લોકોને આપવો જોઈએ. પછી ના આપવું હોય તો ના આપે. એ સૂઈ રહેતા હોય તો કોઈ વઢે નહીં એમને ! હું સૂઈ રહું તો કોઈ વઢે ?

પણ એ તો આપે જ છે ! જે આપવા બેઠાં એ આપવાની ટેવ પડી જાય પછી પણ જો કદી પથારો વાળીને બેઠો હોય તો એ કશું આપે નહીં. કહેશે, 'હવે મારે કશો વાંધો નથી. હવે મારે કશી જરૂર નથી.' એ પથારો વાળીને બેઠો કહેવાય અને આ તો શું કહે છે ? આ જગત કલ્યાણને માટે જ મારું જીવન છે. જો આપણે કંઈક તર્યા છીએ તો આ ડૂબતાઓને માટે આપણું જીવન છે, નહીં તો ડૂબતા હોય તો તો પછી...

પ્રશ્નકર્તા : એનો તો કોઈ સવાલ જ નથી ઊભો થતો.

દાદાશ્રી : હા. એટલે આવી કંઈક આપણી સેવાઓ આપવી જ જોઈએ. દરેકે સૂઈ રહીને શું કાઢવાનું ? મને બધાં કહે, આરામ કરો. મેં કહ્યું, કેમનો આરામ કરે ? મહીં મનમાં એમ થાય કે આ લોકોને કેમ કરીને વાત પહોંચે અને પછી આરામ કરવાં જઈએ, તે ઊલટું મહીં એ કૂદાકૂદ કરે. એટલે એના કરતાં આ જ કરીએ પછી. એ ગમે એટલું આરામ કરવાનું કહે, પણ હું આરામ કરવા ઊભો રહું નહીં ને ! કંઈ આપણી પાસે છે તે આપી છૂટો.

પોતાની ગરજે, કરુણા જ્ઞાનીની !

પ્રશ્નકર્તા : જીજ્ઞાસુઓને આપની વાણી કયા કયા પ્રકારે પહોંચાડી શકાય ?

દાદાશ્રી : એ આપણામાં એડજસ્ટેબલ થવાની શક્તિ હોય તો જ પહોંચાડી શકાય, નહીં તો પહોંચાડી ના શકાય. એ બોલે કે 'અત્યારે શું જોઈને આવ્યા છો ?' ત્યારે કહે, 'મોડેથી આવીશ.' એમ કહેવું જ જોઈએ. જો તમારે વાત પહોંચાડવી હોય એમને તો. પહોંચાડવાની ગરજ તમને હોય તો તમારે આવી રીતે બોલવું પડે. એ કહેશે, 'અત્યારે કેમ આવ્યા ?' તો કહેશે કે, 'હું રાત્રે આવીશ. તમે કહો ત્યારે આવું.' એટલે એડજસ્ટેબલ થઈ જવાનું.

પ્રશ્નકર્તા : એવી રીતે જ કરીએ છીએ.

દાદાશ્રી : બસ, એ રીત સારામાં સારી. તો પાંચ-પચીસ માણસો ય પામશે. અને નહીં તો જો તમારી રીતે કરવા જશો તો એકુંય નહીં પામે. લોકોને પડી નથી અત્યારે. કારણ કે આમ તો ખોટ ગઈ છે, તમે કહો તો નાદારી. લોક છેલ્લે પાટલે બેસી ગયું છે. આમ ખોટમાં જ છેને બધું. ત્યારે કહે, નાદારી આવશે, બીજું શું થવાનું ? એટલે છેલ્લે પાટલે બેસી ગયેલું. એટલે સમજાવી પટાવીને આપણે એડજસ્ટેબલ થઈને પછી કામ લેવું. તેથી તો અમારે કેટલાંક માણસોને વિનંતી હઉ કરવી પડે. અમે વિનંતી કરીએ છીએ કે ભઈ, આવોને ! વિનંતી કરતાં ય જો પાંસરો થાય તો સારું જ છે.

પ્રશ્નકર્તા : પાંસરા થઈ જાય છે પણ તરત.

દાદાશ્રી : પાંસરા થયા એ ફરે. પણ આવું તેવું કહીને પણ એને અટાવી-પટાવીને પણ, અમારી ભૂલ થઈ એમતેમ કરીને, અમે માફી માગીએ છીએ, એમ કરીને પણ એને બેસાડીએ. કારણ કે એ તો આટલી ખોટ ત્યારે વધારે ખોટશે કહે, પડેલી જ નથી. એટલે આપણે જરા સમજવું જોઈએ કે આ આપણી પાસે ભેગો થયો અને જો કશું ય પામે નહીં તો આપણી જ ભૂલ છે. પાણીના નળ આગળથી તરસ્યો જાય છે, નળની જ ભૂલને ?! એટલે આપણે કંઈ વિચારવું. હવે આ મહીં ચેતવેને કે આ તો બફાઈ ગયું ? બફાઈ ગયા પણ પછી આ વિનંતી કરીને જેમતેમ કરીને બધું તરત રાગે આવે. થઈ જાય આવું કોઈક કોઈકવાર થઈ જાય.

વાતો કહેવી આગ્રહ વિના !

પ્રશ્નકર્તા : આ અમને જે જ્ઞાન મળ્યુંને અને જે અનુભવ થયો એ કોઈ નવા માણસને, અમારા ઓળખાણવાળા કોઈ મળે તો એમને આપણે કહેતાં રહેવું કે પછી આપણે એમ સમજવું કે હવે એમનો ઉદય આવશે ત્યારે એમને મળશે. એ કેવી જાતનો આપણે વિચાર રાખવો એમાં ?

દાદાશ્રી : આપણે લોકોનું કલ્યાણ થાય એવું આપણે કહી છૂટવું. ના માને તો નહીં. એને ખેંચવો નહીં બહુ. ખેંચવો એ આપણે જરૂર નહીં. આગ્રહ કરવો એ આપણે જરૂર નહીં. સમજણ પાડ પાડ કરવી. પોતાને શું અનુભવ વર્તે છે એ કહેવું. પછી એને માનવું-ના માનવું જુદી વાત છે. અને દરેક સ્ટ્રીટ ઉપર બોર્ડ ના હોય તો શું થાય ? અને ના કહીએ તો એના જેવી સ્થિતિ થઈ જાય. એટલે બોર્ડ તો રાખવું જ પડે. એને પેસવું હોય તો પેસે એ સ્ટ્રીટમાં, ના પેસવું હોય તો ના પેસે.

પ્રશ્નકર્તા : આપણે એવું ઇચ્છતા હોય તો કોઈનું કલ્યાણ થાય, આપણા ભેગું ભેગું, એટલે વાત તો કરવી પડેને ?

દાદાશ્રી : હા, કરવી પડે. એ જો અભિલાષા કરે, કે મારે પણ આવવું છે તો આપણે વાતચીત કરાય.

કારણ કે માર્ગ છે અને ચાલીએ છીએ અને પુરુષાર્થ છે. અને જગતનું કલ્યાણ કરવાનો ભાવ તે પણ એક પુરુષાર્થ છે, મોટો પુરુષાર્થ છે. કલ્યાણ કોણ કરવા નીકળે, જેનું પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તે અગર કલ્યાણ જેનું થઈ જવાનું છે તે નીકળે.

સ્વસત્તા સાથે જગત કલ્યાણ !

તમને મેં તમારી પરમાત્મશક્તિ 'ઓપન' કરી આપી છે. એ જ સંપૂર્ણ સત્તા છે. જે સત્તા પરથી કોઇ ઉઠાડી મેલે, એને સત્તા જ કેમ કહેવાય ? સ્વસત્તા આગળ તો પરમાત્મા પણ નામ ના દઇ શકે. અત્યારે તમારી પાસે જે ધન છે તે પરમાત્મા પાસે પણ નથી.

પ્રશ્નકર્તા : એ કઇ રીતે ?

દાદાશ્રી : પરમાત્મા પાસે રેકર્ડ નથી. બોલવા-ચાલવાની બીજી મિકેનિકલ શક્તિ નથી. એટલે એ બીજાનું કંઇ જ કલ્યાણ ના કરી શકે ! જ્યારે તમે સ્વસત્તા સાથે લોકોનું કલ્યાણ કરી શકો ! માટે વાતને સમજો. કરવાનું કંઇ જ નથી. જ્યાં જ્યાં કરવાનું છે એ મરે છે ને સમજવાનું છે ત્યાં મુક્ત છે. આપણું કોઇ ઘોર અપમાન કરે તો તે બીજાની સત્તા આપણી ઉપર ચઢી બેસવી ના જોઇએ. અપમાન તો શું પણ નાક કાપી લે તો ય બીજાની સત્તા માન્ય ના કરીએ ! એની અસર ના થવા દઇએ.

આવડતમાં ય ખામી !

પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના તો બહુ ઊંચી છે !

દાદાશ્રી : ભાવના તો કેવી હોય કે કેમ કરીને આ જગતનું રૂડું થાય, લોકો કેમ સુખી થાય ! ભાવના આપણી સારી હોય પણ એટલી બધી ભાવનાઓ, રૂડી ભાવનાઓ ભાવનારા હિન્દુસ્તાનમાં ઘણાં માણસો છે. હજી કંઈ મરી પરવાર્યા નથી. પણ જેમ ખેતીવાડી કરતાં ના આવડતી હોય તો જમીનમાં પાકે જ નહીં. એવી રીતે જે આ ભાવના ભાવે છેને, એમને સાચા ગુરુ નથી મળ્યા. બધું ગુરુ પોતે જ એવો, એ એવો, બધું એવું ઊંધે ઊંધું ચાલ્યું છે. નહીં તો કોઈ માણસે, એક જ માણસ કલ્યાણની ભાવના ભાવે તો કેટલું બધું ફેરફાર થઈ જાય. એક જ માણસ ભાવના ભાવે તોય !! આ ભાવના સૌની ચોખ્ખી નથી, પ્યૉર ભાવનાઓ નથી. પ્યૉર ભાવનાઓ હોય તો કામ કાઢી નાખે.

એમાં સંસારફળ-મોક્ષફળ બન્ને મળે !

'જગતનું કલ્યાણ થાવ' એવી ભાવના ભાવી હોયને, તે લોક જાણે કે આ ભાવના કો'કના માટે ભાવી, પણ એ પોતાની જ ભાવના કહેવાય. આ ભાવના પહેલું પોતાનું હીત કરે. એટલે અભ્યુદય ફળ તો, સંસારમાં બધેય, જ્યાં આગળ ધર્મ થતો હોયને, ત્યાં જાવ તો અભ્યુદય ફળ મળે જ, પણ આનુષંગિક ફળ ના હોય. 'જ્ઞાની પુરુષ' પાસે તેથી અભ્યુદય ને આનુષંગિક બેઉ ફળ સાથે કહ્યાં. અભ્યુદય ફળ તો આપણે ત્યાં કો'ક જગ્યાએ સારા-ચોખ્ખા માણસ હોય, ચોખ્ખા સાધુઓ મહીંથી ઘણાં છે, તે વાત કરતાં હોય તે એમની ભાવના સારી છે, તેથી આપણી ભાવના સારી થાય, તો ત્યાં અભ્યુદય ફળ મળે. અભ્યુદય એટલે સંસારનો અભ્યુદય થાય. પણ આનુષંગિક ફળ ત્યાં ના મળે. આનુષંગિક ફળ એટલે મોક્ષફળ કહેવાય.

ખ્યાતિ-પ્રખ્યાતિ !

પ્રશ્નકર્તા : આપણે જે જગત કલ્યાણની ભાવના છે, તો એને માટે પુરુષાર્થ કરવાનો કે ?

દાદાશ્રી : ભાવના... આ જે ભાવના છેને એ જુદી છે. આપણી આ પાંચ આજ્ઞા પાળવા જેટલી જ છે, તો આપણો પુરુષાર્થ રહે છે. બીજો કોઈ પુરુષાર્થ રહેતો નથી. એટલે તો એનું ફળ આવશે. જ્યારે મોક્ષે જવાનું થાય ત્યારે પાંચ આજ્ઞાએ પાળવાની નહીં હોય ત્યારે સરસ થઈ ગયેલું હોય બધું. જ્ઞાન-બાન બધું લીધેલું હોય.

પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાનને જગતમાં ખૂણે ખૂણે પહોંચાડવા માટે શું કરવું જોઈએ ? ટૂંકા ગાળામાં જ ?

દાદાશ્રી : એ તો આપણો છે તે, આ જે કરી રહ્યા છેને, એ જ પહોંચતું જાય પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જાય. અને ધીમે ધીમે થયેલું કાર્ય સચોટ હોય. ઊડી ના જાય. આ ધીમે ધીમે થાય.

પ્રશ્નકર્તા : દાદા, કે આના આ જ સ્ટેટમાં એમ કે દાદાનું જ્ઞાન લોકોને રહે, પણ કેમ બીજા સ્ટેટમાં કેવી રીતે ફેલાવું એમ ? બીજી જગ્યાએ બધાને કેવી રીતે ફેલાવું ?

દાદાશ્રી : આ જે થઈ રહ્યું છેને, એ જ છે તે એનો રસ્તો છે, બીજો રસ્તો નથી.

જેમ કોઈ વસ્તુનો ચેપ લાગતો હોય, ને આટલામાં હોયને તો પહેલાં તો એની મેળે ફેલાય છેને ?! કશું ઓર્ડર કરવો પડતો નથી ! એવી આ વસ્તુ ફેલાયા કરશે. અને પ્રોપગોન્ડા(પ્રચાર)થી કરેલું કાર્ય પાંચ વર્ષમાં ઊડી જાય અને ખ્યાતનામ થયેલું લાખો વર્ષ સુધી રહે. ખ્યાત. આ ખ્યાતી વાળેલી હોય અને પેલું પ્રખ્યાતી થયેલું ઊડી જાય. પેપરથી તો પ્રખ્યાતી થાય. અને આ ખ્યાતી, ખેંચાખેંચીથી, ખેંચાખેંચીથી, ખેંચાખેંચીથી. પેલો પેલાને કહે અને પેલો પેલાને કહે. ખેંચાખેંચીથી. પેપરમાં નહીં વાંચવાથી.

એ ખ્યાતી આવેલી. ખ્યાતનામ કહેવાય આ. એ પ્રખ્યાત નહીં, ખ્યાત.

પ્રશ્નકર્તા : એટલે એની કિંમત સમજાઈ એમ.

દાદાશ્રી : હા, કિંમત સમજાય છે અને ટકે ય એ, ભૂલી ના જાય. એટલે વાત આ ખ્યાતનામ કહેવાય છે. એ લોકોને કોઈ ઉતાવળ કરશો નહીં, ખ્યાતનામમાં જ કામ કરવું. પ્રખ્યાત થયેલું ઊડી જાય. પાંચ વર્ષે, દશ વર્ષે પણ પ્રખ્યાત થયેલું બધું ઊડી જાય.

એટલે આ એક્ઝેક્ટ કરવા આવેલું. ખ્યાતનામ કહેવાય છે આ. ખ્યાતી પામે. ખ્યાતી પ્રખ્યાતી ના પામે. અને પ્રખ્યાતીવાળું ઊડી જાય. કાયદેસર છેને બધું ! કાયદેસર છેને વાત ?

ખેંચાખેંચથી પહોંચાઈ ગઈ વાત, ખેંચાખેંચીથી.

પ્રશ્નકર્તા : એવું સતાવે છે અમને બધાને કે ટૂંકામાં દાદાનું જ્ઞાન કેવી રીતે બધા લોકોને પહોંચે. અક્રમ જ્ઞાન કેવી રીતે પામે ?

દાદાશ્રી : ના, એ તો પામે છેને, ધીમે ધીમે ખેંચાખેંચીથી. કેટલા માણસ ! પાંચ, દશ, વીસ, પચ્ચીસ માણસ હતા, તેમાંથી ક્યાંનું ક્યાં વધી ગયું ! અને હવે તો જબરદસ્ત વધવા માંડ્યું. કારણ કે ખેંચાખેંચી કરનારા બહુ નીકળ્યાને હવે તો ! ઈન્ડિયામાં ય કેટલા નીકળ્યા રોજ, પેલાને કહે, પેલાને કહે, પેલો પેલાને કહે. ખેંચાખેંચીથી. એને ખેંચાખેંચી કહેવાય. એ તો વિચાર નહીં આવ્યો હોય ખેંચાખેંચીનો ! તે વિચાર આવ્યોને !

કલ્યાણ ભાવના સમેત વાણી !

સંપૂર્ણ રીતે સામાનું આત્મ કલ્યાણ કેમ કરીને થાય એ ભાવવાળી વાણી, તે જ વીતરાગ વાણી ! અને એ જ એનું કલ્યાણ કરે, ઠેઠ મોક્ષે લઈ જાય !

આ વાણી રાગ-દ્વેષ વગરની છે. વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !

એ બોલે છે એ જ જોવાનું છે ! એનો માલિક ખોળી કાઢવાનો, હું બોલતો નથી આ. હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું આ, આ વાણી બોલનારાને ખોળી કાઢો હવે ! આજ પરાવાણી પહેલી વખત સાંભળી. એ તો સાંભળે ત્યાં જ કલ્યાણ થઈ જાય. જો પાંસરો બેસે તો, નહીં તો ઊડી ય જાય. જો વાંકું-બાકું મહીં ચિતર્યું, અમે તો એને કહીએ કે સીધો બેસજે અહીં આગળ, એવું ચેતવીએ એને. પછી જ્યારે ચેતે નહીંને તો વિનંતી કરીએ, કે 'ભઈ, પાંસરો બેસજે. ચારસો વોટ પાવર છે.' તેમ છતાં ય એ ના ચેતે તો પછી એનું જાય. એને આ કહી છૂટીએ.

બાકી આ કાદવમાં, પાછો ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજા કેટલાય જીવો બધાનું રાગે પડી જાય, બિચારાં ! અને એનું કલ્યાણ થાય એવાં ભાવ હોય, તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ. નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ! આ તો સામાના કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા સારુ વઢે. સામાના હિત કરતાં બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ટૈડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે ! અને 'જ્ઞાની પુરુષ' સામાના કલ્યાણ માટે વઢે.

વીતરાગ વાણી, કલ્યાણકારી !

વાણી તો કેટલા પ્રકારની ! માણસ કોઈકની જોડે લઢતો હોય, તે ઘડીએ એની વાણીનું રૂપ કેવું હોય છે, તે જોઈ લેજો. કોઈની ઉપર દ્વેષ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું છે, તે જોજો. કોઈની ઉપર રાગ કરતો હોય, ત્યારે વાણીનું રૂપ કેવું હોય, તે જોઈ લેજો. રાગ કરે ત્યારે વાણી બદલાય, દ્વેષ કરે ત્યારે વાણી બદલાય, કોર્ટમાં જાય ત્યારે વાણી બદલાય. બધાને ઓળખાણ પડે કે આ વાણી આવી હતી. એટલે જેવો હેતુ તેવી વાણી નીકળે. હેતુ પ્રમાણે વાણી નીકળે. હેતુ શો છે કે જગત કલ્યાણની ભાવના છે ને પોતે શુધ્ધાત્મા થયેલા છે, એટલે વીતરાગી વાણી નીકળે. જે વાણી નીકળી, તે સામાને સીધી અસર કરે.

હ્રદયસ્પર્શી વાણી !

આ તો વિજ્ઞાન છે. જ્યારે વાણી સરસ્વતી સ્વરૂપે થાય ત્યારે લોકોનાં હ્રદયને સ્પર્શે, ત્યારે જ તો લોકોનું કલ્યાણ થાય. હ્રદયસ્પર્શી વાણી વર્લ્ડમાં જડવી મુશ્કેલ હોય. અમારી વાણી હ્રદયસ્પર્શી હોય, એનો એક શબ્દ જ જો તમારે સોંસરવો ઊતરી જાય તો એ તમને ઠેઠ મોક્ષે લઇ જાય.

એટલે આ તો ખાલી અહીં બેસી રહે તો ય કલ્યાણ થઈ જાય. સાંભળ સાંભળ કરે તો ય અહીં કલ્યાણ થઈ જાય.

જ્ઞાનીનું મૌન તપોબળ !

પ્રશ્નકર્તા : મૌનને તપોબળ કહે છે તે કયા અર્થમાં ?

દાદાશ્રી : મૌન તપોબળ એટલે માણસ અમુક જગ્યાએ મૌન ના રહી શકે ત્યાં જો મૌન રહે તો એ મૌન તપોબળમાં જાય. નોકરે પ્યાલો ફોડ્યો, ત્યાં મૌન રહે તે તપમાં જાય. એટલે મૌન જેવી કડકાઇ આ જગતમાં કોઇ નથી. બોલેને તો કડકાઇ બધી વેડફાઇ જાય. મોટામાં મોટું તપ તે મૌન. બાપ જોડે ઝઘડો થાય ત્યાં મૌન પકડે તો તપ થાય. તે તપમાં મહીં બધું ઓગળે ને એમાંથી સાયન્સ ઊભું થાય. આજે તો લોક મૌન પકડે ને બીજે દહાડે સામટો ઉકાળો કાઢે ! મૌન તપોબળ તો બહુ કામ કાઢી નાખે. આખા જગતનું કલ્યાણ કરી નાખે.

કારણ, કલ્યાણકારી વાણીનું !

પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના છે, એ કોને છે ?

દાદાશ્રી : આત્માને એ ભાવના જ ના હોયને ! આ હું જેને ૩૫૬ ડિગ્રી કહું છું ને, તે 'હું' ૩૫૬ ડિગ્રીમાં, તેને હોય આ બધું.

પ્રશ્નકર્તા : એ ૩૫૬ ડિગ્રીવાળું કોણ છે ?

દાદાશ્રી : એ જ આ જ્ઞાની પુરુષ છે ને !

પ્રશ્નકર્તા : તો એની આ વાણી છે ?

દાદાશ્રી : ના, આ વાણી તો એની ય નહીં. એ તો માલિકીપણું માની બેઠા'તા. માલિકીપણું છોડી દીધું છે, છતાં ૩૫૬ ડિગ્રી છે. કારણ કે એમને જગત કલ્યાણ કરવાનો ભાવ છે.

પ્રશ્નકર્તા : એ ભાવના આધારે આ કલ્યાણ થાય એવી વાણી નીકળે છે ?

દાદાશ્રી : ના. માલિકીપણું છોડ્યું એટલે એવી વાણી નીકળે છે. કલ્યાણ કરવામાં વાંધો નથી. પણ માલિકીપણું છોડો ને તમારો ભાવ પૂરો થશે. એ તો ભગવાન મહાવીરને ય માલિકીપણું છૂટેલું, તે દેશના નીકળી પછી એની મેળે જ વાગ્યા કરે.

પ્રશ્નકર્તા : આપની જે વાણી નીકળે છે દેશના રૂપે, એ પહેલાંના કોઈ ભાવના આધારે હશે ?

દાદાશ્રી : પહેલાં પુરુષાર્થ કરેલો. પહેલાં ભાવના કરેલી કે વાણી આવી ભૂલવાળી ના હોવી જોઈએ, ભૂલ વગરની વાણી થવી જોઈએ. તે એનું ફળ આ હવે આવ્યું, એટલે અમે એનાથી મુક્ત થયા.

પ્રશ્નકર્તા : હવે હજુ એક-બે અવતાર રહ્યા આપના, તો આથી પણ ઊંચા કલ્યાણના નિમિત્ત થવાને માટે કંઈ નવી વાણી થતી હશે ને મહીં ?

દાદાશ્રી : આ છે તે જ નવી વાણી, આથી બીજી ઊંચી વાણી ના હોય. અમારે હઉ એ વાંચવી પડે.

પ્રશ્નકર્તા : આવતા ભવોમાં પણ આ ભાવનાં પરિણામ જ આવ્યા કરશે ?

દાદાશ્રી : હા. છેલ્લા અવતારોમાં સાયકલિંગ હોય. એટલે એક પછી એક એને સંયોગ બેસતો જ આવે. સાયકલ મળતી જ આવે. બ્રેક ડાઉન ના હોય. બધા ઊંચા સંજોગોનું મિલન થાય, છેલ્લા અવતારોમાં. નહીં તો પહેલાં તો નર્યું બ્રેક ડાઉન આવે. ઘડીકમાં ગાંડું આવે, ઘડીકમાં ડાહ્યું આવે. આ એક પછી એક સ્ટેશન જુદી જ જાતનાં આવે, સાયકલની પેઠ !

લોકોના કલ્યાણ માટે ગીફ્ટ !

અમારી વ્યવહારિક વાણી સિવાય જે બધી વાતો અમારી હોય ને, એને કોઈ ચેકી શકે નહીં. ત્રિકાળ સત્ય ! હું આ જ્યારથી બોલું છું ને, ત્યારથી એકુંય શબ્દ ચેકવો જ નથી પડ્યો. આ હું બોલું છું ને, ત્યારથી શબ્દેશબ્દ સાચો છે. તો આ મારું ડહાપણ છે ? આપણું આ વિજ્ઞાન, એ કંઈ મારું ડહાપણ નથી. આ તો ગીફટ છે. મારું ડહાપણ એટલું બધું હોતું હશે ? કાગળ લખવો હોય ને, તો ય મને નથી આવડતો. લોકોનું કલ્યાણ થવાનું નિમિત્ત, પણ ગીફ્ટ છે એ અને એ ગીફ્ટને માટે મારી બધી તૈયારી છે.

ટેકો દેવો કલ્યાણના કાર્યને !

આ પબ્લિકનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય, એની માટે પેરવીમાં છું. હું આત્મા થઈને, હું પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. કેમ કરીને હિન્દુસ્તાન અને ફોરેન પર અસર થાય, એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. જેમનાથી ટેકો દેવાય તો દેજો, આ તંબુમાં. આપણે તંબુ ઊભો કર્યો છે. ટેકો દેવો જોઈએ ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને આખું પૂઠિયું જ ફરી જવાનું છે. નવા ઉપદેશકો ઊભાં થશે. જૂના ઉપદેશકો રિટાયર થઈ જશે અને રિટાયર નહીં થયા હોય તો ય નવા ઉપદેશકોને દેખીને જ રિટાયર થવાના.

દેહ ખર્ચવો કલ્યાણ કાજે !

મનુષ્ય દેહે જ જો જ્ઞાની પુરુષ મળે તો મોક્ષનો ઉપાય થાય. દેવલોકો પણ મનુષ્ય દેહ માટે તલસે છે. 'જ્ઞાની પુરુષનો ભેટો થયે, સાંધો મળ્યે અનંત અવતાર સુધી શત્રુ સમાન થયેલો દેહ પરમ મિત્ર બની જાય છે !' માટે આ દેહે તમને જ્ઞાની પુરુષ મળ્યા છે તો પૂરેપૂરું કામ કાઢી લો. આખોય સાંધો મેળવી તરી પાર ઉતરી જાવ.

અમારે આ દેહ ઉપર પ્રીતિ કેટલી ? આ દેહે મોક્ષ તો મળ્યો, પોતાનું કલ્યાણ તો થઈ ગયું, હવે લોકોના કલ્યાણ માટે આ દેહ ખરચાય એટલા પૂરતું જ એનું જતન, એટલા પૂરતી જ એની પ્રીતિ ! બાકી એને પણ અમે તો એક પાડોશીની જેમ નિભાવીએ છીએ !

પુણ્યશાળી માટે અક્રમ માર્ગ !

આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની વસતિમાં કોને ના જોઇએ ? બધાંને જોઇએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોય. એ તો મહાપુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું, એમાં લોકોની કંઇ પુણ્યૈ હશે ને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે, તેને આપી દઇએ. પણ લોકોને આના માટે કંઇ કહેવા જવાનું નથી હોતું. આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઇ જશે. અહીં તો જેને ભાવના થઇને 'દાદા'નાં દર્શન કર્યા તો એ દર્શન 'ઠેઠ'ને પહોંચે છે. 'દાદા'એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ 'અક્રમ જ્ઞાન' તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે 'અક્રમ' મોક્ષ નથી. બીજા બધાને તો એના 'ક્રમિક માર્ગ'નો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે ઠેઠ પહોંચી જશે! અહીં તો 'સહજાસહેજ' જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઇ આવે, તેને અમે જ્ઞાન આપી દઇએ. 'દાદાની કૃપા મેળવી ગયો, તેનું કામ થઇ ગયું !

કામ કાઢી લો !

'અમે' જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠાં લાભ લઇ જાય ! પુણ્યશાળીઓનું ફળ તે આ 'અક્રમ માર્ગ' છે ! નહીં તો અક્રમ તે હોતું હશે ? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે પાંત્રીસ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ 'અક્રમ જ્ઞાન'નો સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં 'સત્ સંજોગ' છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય !

મહાવીર ભગવાનના નિર્વાણને પચ્ચીસસો વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયા છે ! નહીં તો 'અક્રમ માર્ગ' તે વળી હોતો હશે ? ભગવાનના પચ્ચીસો વર્ષ પૂરાં થશે એટલે સાધનો ય આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, 'ભસ્મક ગ્રહ'ની અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો. ત્યારે ભગવાને કહ્યું, 'ના, એ તો નિરાંતે લોકો ભોગવશે ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઇ જશે. અને એ પૂરું થશે ત્યારે એનું ય ફળ મળશે !' અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ 'અક્રમ' આવ્યું છે ! નહીં તો 'અક્રમ' તે હોતો હશે ?

કો'ક વખત દસ લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઇ નથી. પછી રહે કોઇ ભો ભડકાટ ?

જેને 'આકુળતા-વ્યાકુળતા' મટી, એને અંતરંગ પચ્ચખાણ જ છે. એ તો 'ક્રમિક માર્ગ'ના 'જ્ઞાની'ને આકુળતા-વ્યાકુળતા રહે. 'ક્રમિક માર્ગ' જ આકુળતા-વ્યાકુળતાનું કારખાનું છે ! આ તો 'અક્રમ માર્ગ' તે અહીં જ જ્યાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે !

હવે તો નવા અનુભવ થશે ! જે હીલ ઉપર ચઢ્યા છો, એનો એક ખૂણો ય હજુ તો પૂરો જોયો નથી, પણ હવે હીલ ઉપર ચોગરદમ જુઓ, ફરો. ગજબનું છે ! જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતા ને એની સમજણે લાભ લે. એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ. 'આ' તો ઓર જ જાતનું બન્યું છે. માટે કામ કાઢી લેવાનું છે.

'સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાન વર્ષા ને અસહ્ય ઉનાળે.'

આખું બ્રહ્માંડ જે 'જ્ઞાન'ના વરસાદની ઇચ્છા કરે છે તે 'જ્ઞાન'નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં 'જ્ઞાનવર્ષા' થઇ. જ્યાં મનુષ્ય માત્ર સાધુ-આચાર્ય, બાવા-બાવલી બધાં તરફડે છે એવા કાળમાં ! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય.

વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન. એક 'ક્રમિક' અને બીજું 'અક્રમિક' કે જે આજે અહીં 'અમારી' પાસે પ્રગટ થયું છે !

કેટલાંય અવતારનું સરવૈયું !

પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સરવૈયું છે ?

દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે, તે ઘણાં અવતારનું સરવૈયું બધું ભેગું થઈ એની મેળે કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે.

પ્રશ્નકર્તા : આ તમને બટ નેચરલ થયું પણ એ કેવી રીતે ?

દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે 'બટ નેચરલ' કહેવું પડ્યું. બાકી આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા, તે પ્રગટ થઈ ગયું.

પ્રશ્નકર્તા : ક્યા એવિડન્સો મળ્યા ?

દાદાશ્રી : બધા બહુ જાતનાં એવિડન્સો મળ્યાં ને ! આખા જગતનું કલ્યાણ થવાનું હશે, તે ય કાળ પાક્યો હશેને અને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને ?

'દાદા ભગવાન' ચૌદ લોકના નાથ !

હા.... 'દાદા' દેખાય, 'એક્ઝેક્ટ' 'દાદા' દેખાય. જ્યાં ઇચ્છા કરે ત્યાં 'દાદા' દેખાય એવા છે અને આપણું ફળ મળે એવું છે. આ 'દાદા' ન્હોય, આ દેખાય છે એ તો ભાદરણના પટેલ છે. એ બોલે છે તે ય 'દાદા' નહીં, એ તો 'ટેપ રેકર્ડ' બોલે છે. 'દાદા' એ 'દાદા' છે ! જે વીતરાગ છે, ચૌદ લોકના નાથ છે !! જેને 'અમે' પણ ભજીએ છીએ. જે મહીં વીતરાગ બેઠા છે તે 'દાદા' છે. આ તો મહીં પ્રગટ થઇ ગયા છે ! કેટલાય લોકોનું કલ્યાણ થઇ જશે. હાથ અડાડશેને તેનું કલ્યાણ થઇ જશે ! આ 'અક્રમ વિજ્ઞાન' છે. અત્યારે ક્રમિક ચાલે એવું નથી.

પ્રશ્નકર્તા : એ તો ભરત રાજાની પાત્રતા હશે, અમારી એવી યોગ્યતા કયાંથી હોય ?

દાદાશ્રી : આ 'અક્રમ વિજ્ઞાન'માં યોગ્યતા જોવાની જ નથી હોતી. મને ભેગો થવો જોઇએ અને એ કહે કે મારું કલ્યાણ કરો, એટલે બહુ થઇ ગયું.

અરધા જગતનું કલ્યાણ અમ થકી ને...

આ વાત અપૂર્વ કહેવાય. પૂર્વે સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય. આખા જગતનું કલ્યાણ કરવાના અમે નિમિત્ત છીએ, કર્તા નહીં.

આ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. તેમ આ જગત બફાઈ રહ્યું છે. અરે, પેટ્રોલના અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે ! માટે આ લોકોનું કલ્યાણ કેમ થાય એ જ અમારે જોવાનું. અને એટલા જ માટે આ અમારો અવતાર થયો છે. આ અરધા જગતનું કલ્યાણ અમારા હાથે થશે અને બાકી અરધા જગતનું કલ્યાણ આ અમારા ફોલોઅર્સને હાથે થશે.

ગજબના જ્ઞાન અવતાર આ !

આ જગતના લોકોનું જે કલ્યાણ થવાનું છે, એમનું જે કામ કરવાનું છે, તો એને માટે વાણી કોણ બોલે ? જ્ઞાન કોણ આપે ? એમનામાં વાણી છે નહીં. આ ટેપરેકર્ડ બોલ્યા કરે છે. વાણી કેવી જોઈએ ? માલિકી વગરની વાણી હોય તો જ મોક્ષ થાય.

મહીં જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે. પણ એ ઉપરીપણું ના કહે છે, 'તમે મારા ઉપરી.' મેં કહ્યું, 'કેમ એમ ?' ત્યારે કહે કે 'તમે મને બહુ દહાડા ઉપરી તરીકે ભજ્યો છે. માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો.' મેં કહ્યું, 'તમે કલ્યાણ કરોને.' તો કહે છે, 'મારાથી શી રીતે કલ્યાણ થાય ? મારે તો વાણી નહીં, કશું ય નહીં.' એટલે ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે 'અમે પાત્ર શોધતા હતા, તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનું ય કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વ શક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વીતરાગ છો. તેથી અમે તમને અમારું ય ઉપરીપણું આપીએ છીએ ! ને તમે જગતનું કલ્યાણ કરો !' તે અમે ભગવાનના ય ઉપરી થયા છીએ ! ચૌદ લોકના નાથના, અમે આજે ઉપરી છીએ. સર્વ સિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે ! મૂઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા, બહુ ફેંદ ફેંદ ના કરીશ.

પ્રગટ દીવાથી પ્રગટાવો દીવો !

તમારી મહીં 'દાદા ભગવાન' બેઠા છે, એ જ ચેતન પ્રભુ છે, એ જ પરમાત્મા છે. એ જ અમારી મહીં પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે. આ તો ધર્મ નથી, અહીં તો કામ કાઢી લેવાનું છે. ક્યાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું ? પોતાનું કામ કાઢી લેવાનું છે એટલે શું કે 'જ્ઞાની પુરુષ' પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. 'જ્ઞાની પુરુષ'નો દીવો પ્રગટેલો છે તે 'એને' તમારો દીવો અડાડી દો, તો તમારો દીવો પણ પ્રગટી જાય. આ તો કો'ક કાળે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, દસ લાખ વરસે અક્રમ 'જ્ઞાનાવતાર' થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઇ શકે તેમ બને. માટે જ 'અમે' કહીએ છીએ કે તમારું કામ કાઢી લો. આ દેહ તો 'પરપોટો' છે તે ક્યારે ફૂટે તે કહેવાય નહીં. મહીં બેઠા છે તે 'દાદા ભગવાન' છે. ગજબના પ્રગટ થયા છે, પરમાત્મા પ્રગટ થયા છે, પણ જ્યાં સુધી આ પરપોટો હશે, આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું કલ્યાણ થઇ શકશે. કારણ કે મહીં પ્રગટેલા 'દાદા ભગવાન' અમને વશ છે. ત્રણ લોકના નાથ અમને વશ થયા છે ! એમની પાસે વાચા નથી, હાથ-પગ નથી; તેથી અમને વશ થયા છે અને અમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે ! માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે, ત્યાં સુધી કામ કાઢી લો.

મોક્ષદાતા છતાં નિમિત્ત !

અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમે મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગત કલ્યાણનું અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે કયારેય પણ કોઈ ચીજના કર્તા ના હોઇએ. કારણ કે કર્તા થાય તો તેના ભોક્તા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ.

તૈયારી જગત કલ્યાણની !

અમારે ધ્યેય શું ? હું તો ઘરનાં કપડાં પહેરું છું. આ નીરુબહેને ય ઘરનાં કપડાં પહેરે છે. એક પાઈ કોઈની લેવાની નહિ અને જગત કલ્યાણ માટેની બધી તૈયારી છે. સાંઠ હજાર સમકિતધારી મારી પાસે છે અને એમાં બસો જેટલા બ્રહ્મચારી છે. એ બધાં જગત કલ્યાણ માટે તૈયાર થઈ જવાનાં.

વર્લ્ડમાં કોઇ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે ! આવું સ્થૂળભાવે જોવા મળે તો ય કલ્યાણ થઇ જાય. અને પાછું એકેય લૉ નહીં. જ્યાં લૉ છે, ત્યાં 'વીતરાગી જ્ઞાન' ના હોય. સંપૂર્ણ 'વીતરાગી જ્ઞાન' જ્યાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે, એટલે કામ કાઢી લેવાનું છે. અહીં દસ વર્ષથી અમારી વાણીનું લખાણ થાય છે. છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઇ જાય અને પાછું બધું ઠેકાણે રહે ! ને ઓફિસવાળાનાં તો કાગળો રઝળતા હોય !

જિંદગી વાળો કલ્યાણ કાજે !

હરેક ચીજ આપણી પાસે છે. કોઈ ચીજ આપણી પાસે નથી એવું નથી. એટલે હવે આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારની બધી એની ગોઠવણી એવી કરો કે આ જિંદગી કંઈક લેખે લાગે. આપણું પોતાનું કલ્યાણ થઈ ગયું. પણ આ લેખે ક્યારે લાગે કે બીજાનું કલ્યાણ થાય તો. મહાવીર ભગવાને ય પારકાના કલ્યાણ માટે જ જીવ્યા હતા આખી જિંદગી. કારણ કે એમનું તો કલ્યાણ થઈ ગયું હતું ને એટલે આવું કંઈક કરો હવે ધમધોકાર !

મનને કાર્ય સોંપો કલ્યાણનું !

પ્રશ્નકર્તા : જગત કલ્યાણની વાત કરી, મનને કહીએ કે જગત કલ્યાણ કરવાનું છે, તો એમાં એને ઉતાવળ તો આવે ને ?

દાદાશ્રી : એમાં ખરી મઝા આવશે. એનાં ખૂણાં બહુ મોટા છે. આખું એનું સર્કલ બહુ મોટું છે. અમે એમાં જ મૂકેલું છે અમારા મનને. તે રાત- દહાડો ખૂણા ખોળ્યા જ કરે એની મેળે. એ ફલાણા ભાઈને જ્ઞાન આપીએ, ફલાણા ભાઈને આમ કરીએ, ખોળીને આવે એની મેળે. અને આપણું કામ તો થયા જ કરે.

એ સ્ટેડી (સ્થિર) રહે અને આપણને હેરાન ના કરે. એ જીવતું રહે. એ આનંદમાં રહે ને આપણને આનંદમાં રાખે.

એવી ભાવના હવે ભાવવી જોઈએ. એને માટે મનને શું ખોરાક આપવો જોઈએ કે જગતનું કલ્યાણ હો. તે એ કલ્યાણમાં નિમિત્ત થઉં. એટલે મનને કામ આપશોને, એટલે મન એનું કામ કર્યા કરશે. એક કામ આપી દેવાનું અને જગત કલ્યાણ એ જ આપણું કામ.

પોતાનું કલ્યાણ એટલે શું ? જગતનું કલ્યાણ. એ જ પોતાનું કલ્યાણ. માટે કામ આપી દો ને ! તો એને માટે આમ કરશે, તેમ કરશે. કોઈ જતાં હોય તો કહેશે, હેંડોને, દાદાને ત્યાં. પછી મને ય એવું કામ કરશે.

જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે ! ચિત્તને ઠેકાણે રાખવા 'જ્ઞાની પુરુષ'ની 'કૃપા' પ્રાપ્ત કરવી પડે !

ભેખ જગત કલ્યાણનો !

જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ 'દાદા'ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !!

કોઈ અમારું પુણ્ય જુએ તો ય ખુશ થઈ જાય. જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી બે માઈલ છેટે ઘર હોય અને ત્યાંથી ગાડીમાં નીકળ્યો અને અહીં ગાડીમાં ઉતરું તો ખુરશી લઈને હાજર હોય એટલે પછી બધાને એમ થાય કે આ શું ? આ દાદાનું પુણ્ય કહેવાય ? હરેક વસ્તુ હાજર ! તમે જોયું ને ! પુણ્યનો પ્રભાવ જોયોને ! અને કેવું જ્ઞાન પ્રગટ થયું ? મારા ધાર્યા પ્રમાણે દરેક લોકોનું કલ્યાણ થાઓ ને કલ્યાણ થાય એવું પુણ્ય નીકળ્યું. એટલે હવે તમારે જે માગણી કરવી હોય તે કરજો.

મહીં ચોખ્ખો, તેટલું બહાર કલ્યાણ !

સોએક જ જો ચોખ્ખા માણસ હોય તો બહુ થઈ ગયું, આખી દુનિયાનું કલ્યાણ કરી નાખે. એ કામ કરવાનું નથી. ભાવનાથી જ, ભાવથી જ કલ્યાણ થશે. ચોખ્ખો થયો, મહીં ચોખ્ખું થયું કે બહાર કલ્યાણ થવા માંડે. મહીં મેલ છે ત્યાં સુધી બહાર કલ્યાણ ના થાય. એની અસર બીજાને ના થાય. મહીં ચોખ્ખું થયું કે બહાર કલ્યાણ થવા માંડે.

પ્રશ્નકર્તા : એ બધું કુદરતી થાય છે એવી રીતે ? અંદરનું ચોખ્ખું થઈ જાય ?

દાદાશ્રી : ના. અંદરનું ચોખ્ખું કરવું પડે. કુદરતનો એ નિયમ નથી કે કશું સારું-ખોટું કરે. આ તો ખોટું કર્યું છે માટે સારું કરવાનું છે. મેલું કર્યું છે માટે ચોખ્ખું કરવાનું છે. જેટલા ગુણાકાર કર્યા એટલા જ ભાગી નાખે તો રકમ ઊડી જાય. કુદરત નથી કરતી, આ તમે જ કરેલું છે.

પ્રશ્નકર્તા : આ અંદરથી બધું ચોખ્ખું થઈ જાય, પછી આ જે કલ્યાણ થવા માંડે છે, એ કુદરતી રીતે થવા માંડે છે ?

દાદાશ્રી : એને તમારે કશું કરવું ના પડે. ચોખ્ખું થયું કે એની મેળે કુદરતી થયા જ કરવાનું. એમાં એવું છેને કે કુદરતની ય જરૂર નથી. ઐશ્વર્ય છે, આ ખોટું કર્યું તે ઐશ્વર્ય દબાવી દીધું એટલે ખોટું કરેલું દબાવી દો તો ઐશ્વર્ય પ્રગટ થાય. ઐશ્વર્ય, અનંત શક્તિ પ્રગટ થાય !

પ્રશ્નકર્તા : આ ચોખ્ખું બધું હવે પ્રતિક્રમણથી જ થશેને ? ચોખ્ખું બધું જે કરવાનું છે તે...

દાદાશ્રી : ખરાબ ભાવો આવે છે, તે ભાવો બધા રજા આપી દેવાના. હજુ મહીં ગોટાળા કરે છે કેટલાંક, ગમે છે તે રહેવા દે છે હજુ.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આ બધું ચોખ્ખું થાય, આ બધા દોષો ચોખ્ખા થાય ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી, બીજી રીતે દોષો ભાંગી નાખવાથી, એ બધી રીતે ચોખ્ખો થાય. એમાં પોતાનો મોભો ને એ બધું સાચવવા જતાં એ ચોખ્ખું થતું નથી. એ મોભાની ચિંતા કર્યા વગર... મોભાની ચિંતા કરે છે તે ચોખ્ખું નથી થતુંને !

'હું ચંદુભાઈ છું, મારાથી આમ ના થાય. શું થાય ? મારું ખોટું દેખાય.' એટલે મોભો બધું છૂટી જાય તો ઉકેલ આવે. બહાર ખોટું દેખાવાનું હોય તો ખોટું, સારું દેખાવાનું તો સારું દેખાય, જે દેખાવાનું હોય તે દેખાય, પણ મહીં ચોખ્ખું કરતાં જાવ.

પ્યૉરિટી જ કરે જગત કલ્યાણ !

લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ! પ્યોરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યોરિટી !! પ્યોર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યોર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. એટલે પ્યોરિટી લાવવાની !

કેવું મોટું યશનામ કર્મ !

આ દાદાને બધો જશ શાથી મળતો હશે ? મેં કંઈ જ કર્યું ના હોય તો ય લોક મને આવીને કહી જાય કે દાદા, તમારાથી જ મારું આ બધું કામ થયું ! હું ના પાડું તો ય જશ આપીને જાય. આ યશનામ કર્મ શું છે ? ભાવનાનું ફળ છે. ભાવના શી હતી કે આ જગતનું કંઈ પણ કોઈનું કામ કરો, ઘસાઈ છૂટો, ઓબ્લાઈઝ (ઉપકાર) કરો. છેવટે કશું રૂપિયા ના હોય તો ધક્કો ખાઈ છૂટો.

જગત કલ્યાણની ભાવના ઘણાં કાળથી, ઘણાં અવતારથી ભાવેલી હોય તો યશનામકર્મ બહુ મોટું હોય. યશનામકર્મ તો જગત કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયા છે. જેટલા પ્રમાણમાં અને જગતના લોકોને સુખ થાય એવી ઇચ્છા હોય, તેમાંથી યશનામકર્મ બંધાય અને જગતને ગોદા મારે તો અપયશનામકર્મ થાય. અપયશનામકર્મવાળો ગમે તેટલું કામ કરે તો ય અપયશ આવે ! ઘણાં માણસો અહીં મને કહે છે કે, 'મેં ખૂબ કામ કર્યું તો ય મને અપજશ આવે છે.' 'અલ્યા, તું અપજશ લઈને આવ્યો છે, એટલે અપજશ મળશે. તારે તો તારું કામ કરવાનું અને અપજશ લેવાના !'

પ્રશ્નકર્તા : આ માર્ગમાં આવ્યા પછી એની મેળે જ ચાલે છે.

દાદાશ્રી : એની મેળે જ ચાલ્યા કરે. અરે, ભઈ, લોકોને લગ્ન થાય છે ત્યારે મને કહે, 'શી રીતે ? આ દાદાજી, તમે આ કૃપા કરી કે મારી છોડીનું બધું બેસી ગયું સરસ. અને પાછું લગ્ન થયું. મેં કહ્યું, અલ્યા, ન્હોય મારી કૃપા, આ તો અમારું યશનામકર્મ હોયને, તે બહુ જબરજસ્ત યશનામકર્મ, હાથ અડેને તો કામ થઈ જાય પેલાનું. સાચા ભાવથી કામ થઈ જાય. યશનામકર્મ જબરજસ્ત હોય. બાકી ચમત્કાર તો અમારે ત્યાં ના હોય. ચમત્કાર-જાદુ, જાદુગરને ત્યાં હોય. આ ઓછો ચમત્કાર છે ?! એક કલાકમાં આ દશા થવી તે !

વી ડોન્ટ વોન્ટ ઓલ્ડ વર્લ્ડ !

આપણે કેવા ભાગ્યશાળી નીરૂબેન, કે આવાં અભૂતપૂર્વ ન જોયેલાં, ન જાણેલાં, ન સાંભળેલાં ચમત્કાર આપણને જોવા મળે, જાણવા મળે, સાંભળવાના મળે. પૂર્વે સાંભળ્યા નહીં છતાં અનુભવમાં મળ્યા.

સૌ આ અનુભવ મેળવવા ભાગ્યશાળી થાય એવું આપણને થાય તો એ એકદમ સ્વાભાવિક છે. દાદા આ ઉંમરે લૌકિક ભાષામાં આટલા શ્રમ-ત્રાસ સહન કરે છે, શાને માટે ? આપણા સહુના કલ્યાણ માટે. તો આપણે સહુ... એમ થોડો ટેકો આપીએ. ટેકો આપણે આપીએ બધા.. ભાઈ ટેકો થોડો થોડો, આંગળી કરોને, અડાડો કંઈ ઊંચું થઈ જશે. હું એકલો તો ના કરી શકુંને ?!

નવી જ ધરતી, નવી જ દુનિયા બનાવવાની છે. આઈ ડોન્ટ વોન્ટ ઓલ્ડ વર્લ્ડ ! એ બધા બોલે છે ત્યાં આગળ ! 'વી વોન્ટ ન્યુ વર્લ્ડ' એવું નહીં, પણ શું નથી જોઈતું, તે આપણે કહેવાનું. બીજું બધું તો છે જ. જૂના જૂના સંસ્કાર, જૂના વિચાર, જૂનું જૂનું બધું, ભક્તિ સાવ બધું મિક્ષ્ચર છે. આ મિક્ષ્ચર તો સારું. વી ડોન્ટ વોન્ટ ઓલ્ડ વર્લ્ડ, ત્યાં બધા બોલે જ છેને ?

મંદિરો, કૉલેજો, કલ્યાણના નિમિત્તો !

સીમંધર સ્વામીનું દેરાસર બનવાનું છે તેને માટે ચાર વીઘા જમીન છે તે ફ્રી ઑફ કોસ્ટ મળી છે. ત્યાં ઢગલેબંધ પૈસા લોક નાખશે. કારણ કે લોકોને સીમંધર સ્વામી ઉપર તો બહુ ભાવનેે. મહાવીર સ્વામીનું દેરાસર બનાવવાનું હોય તો ય પૈસા નાખે છે લોકો. કારણ કે બીજું કરવાનું શું ? પૈસા કંઈ જોડે લઈ જવાના છે ? પૈસા કંઈ જોડે લઈ જવાય છે ? ત્યારે કંઈ રોજ શીરા-પૂરી ખાવાના ? એ તો ભાખરી જ ખાવી પડે.

પ્રશ્નકર્તા : ભાવ તો લઈ જવાય તેને ત્યાં.

દાદાશ્રી : ભાવ જોડે લઈ જવાનો.

પ્રશ્નકર્તા : પૈસો હોય તો શીરા-પૂરી ક્યાં ખૂટે છે ?!

દાદાશ્રી : નથી ખૂટતા. ખૂટતાં જ નથીને ! આપણે ખૂટાડવા હોય તોય ના ખૂટે. એટલે આવું થશે. ભવિષ્યમાં થશે એવું. મને પોતાને જેવું લાગેલું એવું પ્રમાણ બધું જાહેર કરી દીધેલું. અને અહીં કૉલેજ મોટામાં મોટી સરસ થશે. કંઈક તો થવું જોઈએને ! કશું ના થાય તેના કરતાં અને એની મેળે થશે. થઈને ઊભું રહેશે.

બાકી આજે સાધુઓને પંડિત શીખવાડે છે. પંડિતની દ્રષ્ટિએ સાધુઓ ચાલે છે. ત્યાં કોનો ઉદ્ધાર થાય.

આપણે અક્રમ વિજ્ઞાનના કોર્સની એક કૉલેજ કાઢો. ત્યાં બાર મહિનામાં આખો કોર્સ પૂરો થઈ જશે. જોડે જોડે આપ્તસૂત્રનો વચ્ચે એક કલાક રાખે. આપણે જે પામ્યા એ બીજા પામો. એ આપણી ઇચ્છા એ હજુ આપણે ભવ કાઢવાના છે એકાદ-બે. ત્યાં હેલ્પ કરશે એ ભાવો હેલ્પિંગ છેને ભાવ !

કલ્યાણકારી જ વર્તમાન તીર્થંકર !

પ્રશ્નકર્તા : દાદા, આ દેરાસરને એ બધું બને છે, તેમાં ખરો ભાવ બધો આત્માનો કરવાનો છે તો દેરાસર ને બીજા બધાનું શું કામ છે ? ખરું તો આપણે આત્માનો જ રસ્તો ખોળવાનો છે ને ?

દાદાશ્રી : દેરાસર ખાસ બાંધવું જોઈએ. જે ગયા છે, તેનું દેરાસર બાંધવાનો શો અર્થ છે ? સીમંધર સ્વામી હાજર છે, તો એ હાજરનાં દર્શન કરે તો કલ્યાણ થાય. એ પ્રત્યક્ષ છે એટલે કલ્યાણ થાય. આવું કંઈક થશે તો આ લોકોનું કલ્યાણ થશે, નિમિત્ત જોઈશે. એટલે આ સીમંધર સ્વામીનો સંકેત અવશ્ય ફળવાળો છે. એટલે આપણા લોકોએ જ્ઞાન નહીં લીધું હોય ને, ત્યાં સીમંધર સ્વામીનાં દર્શન કરે તો ય ફળ છે એમાં. એટલે આ બધું બાંધવાનું થાય છે, નહીં તો આપણે આ તો હોતું હશે ? આપણને શોભે ય નહીં આ બધું.

અને આ તો જીવતા તીર્થંકર છે, એટલે વાત કરીએ છીએ. બીજા, ભૂતકાળના તીર્થંકરની વાત જ કરવાનો અર્થ નથી. આપણને બીજાં જોઈએ એટલાં દેરાસર છે જ. એની જરૂર છે. આપણે એને ના નથી કહેતા. કારણ કે એ મૂર્તિપૂજા છે ને ! અને ભૂતકાળનાં તીર્થંકરોની છે ને ! ગયેલા હોય ને એ મોક્ષ માટે કશું જ ધોળે નહીં, ખાલી પુણ્ય બંધાય.

પ્રશ્નકર્તા : મૂર્તિ આત્માનું કલ્યાણ ના કરી શકે ?

દાદાશ્રી : જ્યાં સુધી આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી મૂર્તિની પાછળ પડો. એ મૂર્તિ સમકિત સુધી લઇ જશે. મૂર્તિને તરછોડશો નહીં. કારણ કે વીતરાગોના નામ પર છે. ત્યાં વીતરાગોની સ્થાપના થયેલી છે અને મૂર્તિની પાછળ શાસન દેવલોકો રહેલા છે.

અને આ સીમંધર સ્વામી ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! આખા વર્લ્ડનું કલ્યાણ થશે એમના નિમિત્તથી. કારણ કે એ જીવતા છે.

જય સચ્ચિદાનંદ