સમાધાન, અડચણો-મુશ્કેલીઓમાં....

સંપાદકીય

આ જમાનામાં મુશ્કેલી-અડચણો કોને નહીં હોય ? ધંધાવાળાને તકલીફ, નોકરીવાળાને તકલીફ, પૈસાદારોને તકલીફ, ઓછા પૈસાવાળાને તકલીફ, શારીરિક તકલીફ, વાઈફની, ધણીની, છોકરાની, જેને પૂછીએ તેને કંઈ ને કંઈ જીવનમાં મુશ્કેલી હોય જ ! એવાં કાળમાં આ જ્ઞાની પુરુષ 'દાદા ભગવાન' બધાને ખુલ્લી ગેરેન્ટી આપે છે કે તમારા તમામ દુઃખો, તકલીફો અમને સોંપી જાવ અને સુખ તમારી પાસે રહેવા દો. અને પોતે કહે છે કે '૧૯૫૮માં અમને જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એક ટેન્શન, દુઃખ રહ્યું નથી. અને તમારા બધાના તમામ દુઃખો લેવા આવ્યો છું.'

દાદાશ્રીની પાસે અદ્ભૂત અધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયેલું, જેને અક્રમ વિજ્ઞાન કહેવાય છે. તે પ્રાપ્ત થયા પછી ખરેખર જીવનમાં કોઈ ચિંતા, દુઃખ, ટેન્શન રહેતાં જ નથી એવાં હજારો લોકોનાં અનુભવ છે. બે જ કલાકનો આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ છે, જે પોતાને આત્મજાગૃતિમાં મૂકી દે છે અને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ અપાવી દે છે.

છતાં જેને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તેવાંઓને માટે પણ દાદાશ્રી પાસે અદ્ભૂત વ્યવહાર જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત હતો, જેમાંની એકાદ જ સમજણની ચાવી પોતાને ફીટ થઈ જાય તો ય આ જીવન ધન્ય ધન્ય બની જાય. તેવી અનેક વ્યવહારિક સમજણોની ચાવીઓમાંથી થોડીક ચાવીઓ અત્રે સંકલિત થઈ છે.

''પોતે મુશ્કેલીમાં, કોઈ જગ્યાએ મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું 'એડજસ્ટમેન્ટ' કરી લે તોય સંસાર રૂપાળો લાગે. આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે 'સારું' બોલશો તો તમારો છૂટકારો થશે. નહીં તો તમે 'ખરાબ' બોલશો તો તમારો છૂટકારો નહીં થાય.

''જેને તમે અડચણ કહો છો એ 'સારી વસ્તુ છે' એવું જ્યારે માનશો ત્યારે આગળ વધાશે, નહીં તો એ અડચણને તમે 'ખરાબ છે' એવું કહેશો તો એ અડચણ તમને અટકાવી દેશે ને તમારી પ્રગતિ રૂંધાઈ જશે. અડચણોને પાર કરશો તો જ કામ પાર પડશે.'' - દાદાશ્રી

આવી ચાવીઓ સમજી લે તો ય મુશ્કેલી-અડચણોમાં સમાધાન રહ્યા કરે અને આંતરિક શાંતિમાં જીવન જીવી શકે.

દીપકના જય સચ્ચિદાનંદ

અડચણ દૂર કરાવી લો, જ્ઞાની કને !

આ તો લાઈફ બધી 'ફ્રેક્ચર' થઈ ગઈ છે. શેના હારુ જીવે છે તે ભાને ય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? ત્યારે કહે, જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય ! આવાં મનુષ્યસારનું કોઈને ભાન જ નથી. તેથી ભટક ભટક કર્યા કરે છે.

હવે તમારા પ્રશ્નો પૂછો. જે તમારા ગૂંચવાડા હોયને તે બધા પૂછો. હું તમને બધા ખુલાસા આપું. હું તમામ પ્રકારના ખુલાસા આપવા આવ્યો છું તમને. તમે તમારા દુઃખો મને આપી દેશો તો હું લઈ લેવા તૈયાર છું. સુખો તમારી પાસે રહેવા દેજો. જો દુઃખો આપી દો તો તમે યાદ ના કરો ફરી, મારી આજ્ઞા પ્રમાણે, તો તમારી પાસે દુઃખ નહીં આવે એ વાત નક્કી છે, એની ગેરન્ટી આપું છું. કારણ કે મારે એકલાને ત્યાં દુઃખ નથી. મને સત્યાવીસ વર્ષથી ટેન્શન રહ્યું નથી. બધાં જગતનાં દુઃખો લેવા આવ્યો છું. એટલે તમારે જે દુઃખ હોય તે આપો, પછી તમે યાદ ના કરો નહીં તો પાછું આવશે, એટલી બધી ખાતરી હોવી જોઈએ તમને કે આ દાદાજીએ લીધું એટલે હવે મારે વાંધો નહીં. પછી તમારું નામેય નહીં લે. હું નથી કીર્તિ લેવા આવ્યો, હું કોઈ ચીજ લેવા નથી આવ્યો. કોઈ જાતની મને ભીખ નથી, માટે હું આવું કહું છું. તમારે જે અડચણ હોય તે મને કહો, તમે જાહેર કરો અને એ અડચણોને દૂર કરો. ફક્ત સમજણ ફેરથી જ આ ગુંચવાડા થયા છે.

નકામા વહુના લપકા ખાવા પડે છે. ભાગીદારના લપકા ખાવાના, ઇન્કમટેક્સ ઓફિસરના લપકા ખાવાના. જ્યાં ને ત્યાં લપકા ખા ખા કરે. શરમેય નથી આવતી કે બળ્યું, આટલાં લપકા ખઈને જીવીશ, શા આધારે જીવીશ ?! પણ ક્યાં જાય તે ? પછી નઠારો થઈ જાય !

તેરસો રાણીઓ વચ્ચે રાજાની મુશ્કેલી !

પ્રશ્નકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઈએ તો દસમાંથી નવ જણાને દુઃખ છે.

દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઈક શાંતિમાં હશે. બાકી બધું રાત-દહાડો બળ્યા જ કરે છે. આ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી, તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે ! પેટ્રોલની અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે. માટે મૂર્છિત થવા જેવું આ જગત નથી.

મૂર્છાને લીધે આવું જગત દેખાય છે અને માર ખઈ ખઈને મરી જવાનું ! ભરત રાજાને તેરસો રાણીઓ હતી. તે તેની શી દશા હશે ? આ ઘેર એક રાણી હોય તોય તે ઢેડફજેતો કરાવ કરાવ કરે છે, તો તેરસો રાણીઓમાં ક્યારે પાર આવે ? અરે, એક રાણી જીતવી હોય તે મહામુશ્કેલ થઈ પડે છે ! જીતાય જ નહીં. કારણ કે મતભેદ પડે કે પાછો લોચો પડી જાય ! ભરત રાજાને તો તેરસો રાણીઓ જોડે નભાવવાનું. રાણીવાસમાંથી પસાર થાય તો પચાસ રાણીઓનાં મોઢાં ચઢેલાં ! અરે, કેટલીક તો રાજાનું કાટલું જ કરી નાખવા ફરતી હોય. મનમાં વિચારે કે 'ફલાણી રાણીઓ એમની પોતાની ને આ પરભારીઓ ! એટલે કંઈક રસ્તો કરો.' કંઈક કરે તે રાજાને મારવા માટે. પણ તે પેલી રાણીઓને બુઠ્ઠી કરવા સારું ! રાજા ઉપર દ્વેષ નથી, પેલી રાણીઓ ઉપર દ્વેષ છે. પણ એમાં રાજાનું ગયું ને તું તો રાંડીશને ? ત્યારે કહે કે, 'હું રાંડીશ પણ આને રંડાવું ત્યારે ખરી ?'

અમને તો આ ભરત રાજાની રાણીનું તાદ્શ દેખાયા કરે. તે દહાડે કેવું મોઢું ચઢેલું હશે, રાજાની કેવી ફસામણ હશે ? રાજાના મનમાં કેવી ચિંતાઓ હશે ? તે બધું ય દેખાય ! એક રાણી જો તેરસો રાજાઓ જોડે પૈણી હોય તો રાજાઓનાં મોઢાં ના ચઢે ! પુરુષને મોઢું ચઢાવતાં આવડે જ નહીં.

સંસાર, ટેસ્ટ એક્ઝામિનેશન !

ભરત રાજાએ તેરસો રાણીઓ સાથે આખી જિંદગી કાઢી અને તે જ ભવે મોક્ષ થયો ! તેરસો રાણીઓ સાથે મોક્ષ !! માટે વાતને સમજવાની છે. સમજીને સંસારમાં રહો, બાવા થવાની જરૂર નથી. જો આ ના સમજાયું તો બાવો થઈને એક ખૂણામાં પડી રહે. બાવો તો, જેને સ્ત્રી જોડે સંસારમાં ફાવતું ના હોય તે થાય. અને સ્ત્રીથી દૂર રહેવાય છે કે નહીં, એવી શક્તિ કેળવવા માટેની એક કસરત છે. સંસારમાં તો 'ટેસ્ટ એક્ઝામિનેશન' છે. ત્યાં 'ટેસ્ટેડ' થવાનું છે. લોખંડ પણ 'ટેસ્ટેડ' થયા વગરનું ચાલતું નથી, તો મોક્ષમાં 'અન્ટેસ્ટેડ' ચાલતું હશે ?

... છતાં સંસાર નડતો નથી

ભાંજગડ ચાલ્યા જ કરે, એનું નામ સંસાર. સંસાર એટલે રાગ-દ્વેષવાળો કકળાટ. ઘડીમાં રાગ અને ઘડીમાં દ્વેષ. લોકોને એક બીબી જ ભારે પડે છે, તો બીજી કરવાની ક્યાંથી ? છતાં મેં કહ્યું'તું કે બીજી પૈણવી હોય તો મને કહીને કરજો. છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય તે કહેશે, 'સાહેબ, હું બીજી પૈણવા માગું છું.' જો તારે પૈણવું હોય તો મારી આજ્ઞા લઈને પૈણજે અને પછી આ પ્રમાણે વર્તજે ! તારું જોર જોઈએ. નહીં તો પૂછયા વગર ના પૈણશો ! પહેલાં શું નહોતા પૈણતા ?! ભરત રાજાને તેરસો રાણીઓ હતી તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત સ્ત્રીઓ છોડી દો તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી. જો છૂટ આપી છેને બધી ?

એ મુશ્કેલીમાંથી તરણતારણ જ તારે !

અહીંથી જે મોક્ષે ગયેલા ને, તે જબરજસ્ત પુણ્યશાળી હતા. એમની આજુબાજુ રાણીઓ જોવા જાય તો બસ્સો-પાંચસો તો રાણીઓ હોય અને રાજ તો મોટું હોય. પોતાને ખબરે ય ના હોય કે ક્યારે સૂર્યનારાયણ ઊગ્યા ને ક્યારે આથમ્યા, આવી સાહેબીમાં પુણ્યશાળી તો જન્મેલા હોય. આ રાણીઓ બધી બહુ હોય, સાહેબી હોય તો ય પણ એમને કંટાળો આવી જાય કે આ સંસારમાં શું સુખ છે તે ? પાંચસો રાણીઓમાં પચાસ રાણી એમની પર ખુશ હોય, બાકીનાં મોઢાં ચઢાવીને ફર્યા કરતી હોય. એટલે આ જગત તો મહામુશ્કેલીવાળું છે. આમાંથી પાર નીકળવું તે મહામુશ્કેલ છે. જ્ઞાની પુરુષ મળે તો તે એકલાં છૂટકો કરાવે, બાકી કોઈ છૂટકો કરાવે નહીં. જ્ઞાની પુરુષ છૂટેલા છે, માટે આપણને છૂટકો કરાવડાવે. એ તરણતારણ થયેલા છે, માટે એ છોડાવી શકે.

.... એ પ્રારબ્ધના ખેલ !

પ્રશ્નકર્તા : ઘણાં મા-બાપ પૈણાવતી વખતે જન્માક્ષર જોવામાં માને છે, તો એ બરાબર છે, સાચી વાત છે ?

દાદાશ્રી : એ બધું ઠીક વાત છે. જન્માક્ષર તો આજે જોતાં જ આવડતા નથી લોકોને ! એ એક જાતનું દબાણ છે, એનાં કરતાં આપણે સમજીને કામ કરવું એ શું ખોટું છે ! આપણે બધું ચેતીને કરવું અને તેમ છતાં મુશ્કેલી આવે તો પછી પ્રારબ્ધના ખેલ. બાકી ચેતીને કરવું બધી રીતે અને એ લગ્ન કરો ત્યારે હું પૈણનારી બહેનને સમજણ પાડીશ કે તમારી આટલી ફરજો છે અને એ છોકરાને પણ હું સમજણ પાડું કે આટલી ફરજો છે એ. બેઉ ફરજો એવી રીતે બજાવે તો લગ્ન પછી આખી જીંદગી ટકે.

મુશ્કેલીના ઉકેલ, પૂછી જા જ્ઞાનીને !

એટલે તમનેે મુશ્કેલી આવે તો મારી પાસે આવવું ને કહી જવું કે આ મુશ્કેલી આવી છે.

પ્રશ્નકર્તા : હું તમને આવીને મારું દુઃખ કહું તો તમને ચિંતા થાય ને કે આ છોડીને આવું દુઃખ પડ્યું !

દાદાશ્રી : મને ચિંતા થતી હશે ? અમને ચિંતા-બિંતા ના થાય. હા, એને ડાહ્યોડમરો કરી આપીએ.

પ્રશ્નકર્તા : પછી તમે પપ્પાને કહો એટલે પછી પપ્પાને ચિંતા થાય.

દાદાશ્રી : ના. હું તારા પપ્પાને કહું જ નહીંને, હું તો આ પ્રાઈવેટ રાખું.

પ્રશ્નકર્તા : તો હું તમને બધી વાત કરીશ.

દાદાશ્રી : મને જે કોઈ પણ માણસ પ્રાઈવેટ કહી જાય, એ હું કોઈને ય નથી કહેતો. કશું જ કોઈ જાણે નહીં. નહીં તો એ માણસ આપઘાત કરે, પોતાની આબરૂ ગઈ તે બદલ. એટલે એવું કહેવાય નહીં કોઈનેય. અમે બધું આખી દુનિયાનું ખાનગી ભરી રાખ્યું છે, મહીં બધું ય સિલ્લક ! આમ જોઉં એટલે ખબર પડી જાય કે આ પેલો આવ્યો હતો. એટલે અમે કોઈને કહીએ નહીં. મમ્મીને ય ના કહીએ ને પપ્પાને ય ના કહીએ. ઊલટું એમ કહીએ કે આનો ધણી, છોકરો બહુ સારો છે.

ઘડભાંજ-ભાંજઘડ એ અમારું કામ જ નહીં. તને એમ લાગ્યું કે આ 'દાદા' ભાંજઘડીયા છે એમ ?

ખર્ચા ઓછા, તેમ મુશ્કેલી ઓછી !

આપણા ઘરની વાત ઘરમાં રહે એવું એક ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. એટલે આ ઝઘડા બધા ઊભા થાય છે આ ગાંડપણનાં, મેડનેસ છે ખાલી ! થોડું વાઈલ્ડપણું કહેવાય, એ ના હોવું જોઈએ. આપણને શોભે નહીં. કેટલા સંસ્કારી મા-બાપના દીકરાઓ તમે. સંસ્કારી દેશના આર્ય પ્રદેશના. આપણને આ શોભે નહીં. અને જે ભૂલ ના જાણતા હોય તે આપણે કહેવી જોઈએ કે આ રીતે આ ન થવું જોઈએ. એટલે ઘણું ખરું આ ઝઘડા બધા બંધ થઈ જાય.

મુશ્કેલીમાં ઘાલે, 'ફેમિલી ડૉક્ટર' કર્યે !

અને ઈન્ડિયામાં તો 'ફેમિલી ડૉક્ટર' હઉ રાખે છે લોક. અલ્યા, ફેમિલી થયું નથી હજુ, ત્યાં તું ક્યાં ડૉક્ટર રાખે છે !

આ લોકો 'ફેમિલી ડૉક્ટર' રાખે પણ અહીં વહુ ફેમિલી નહીં ! કહેશે, અમારા ફેમિલી ડૉક્ટર આવ્યા ! તો એની જોડે કચકચ નહીં. ડૉક્ટર બિલ મોટું મૂકે તોય કચકચ નહીં. કહેશે, અમારા ફેમિલી ડૉક્ટર છે ને ! એના મનમાં એમ કે મારો રોફ પડી ગયો, ફેમિલી ડૉક્ટર રાખ્યા છે એટલે !

તે મેં એક અમારો ભત્રીજો, ફેમિલી ડૉક્ટર કરીને લાવેલો. મેં કહ્યું, આ ડૉક્ટર તો ફેમિલી રખાતા હશે મૂઆ, એ કંઈ ભૂત ઘાલ્યું ઘરમાં ! એ તો ના રોગ હોય તો ય કહેશે, જરા મહીં પ્રેશર વધી ગયું છે. એ તો ભૂત ઘરમાં જ નહીં ઘાલવાનું. જરૂર હોય ત્યારે બોલાવી લાવવાના. અને ઈન્ડિયામાં તો ચોંટી પડે છે બધા, ફેમિલી થઈ જાય છે. નહીં તો સ્વતંત્રતા જતી રહે આપણી. આ મારી પાસે ડૉક્ટર આવે ને, પહેલો અહીંથી બાંધે, ફટાક ફટાક... મૂઆ, શું કરવા જુએ છે તું ? હું તો કેટલાંય વર્ષથી જાણું છું આ. એ ત્રણ દાદરા એકદમ જોરથી ચઢ્યા હોય તો મહીં ફટાકા બોલે. આ કહે કે પ્રેશર વધી ગયું. મેં કહ્યું, ના, ડૉક્ટર ! તમારા મશીનમાં આવશે પણ મને નથી વધ્યું. હું સમજતો હોઉં કે ત્રણ દાદરા ચઢ્યો તેને લીધે આ છે, ગભરાવવાનું નહીં. આ તો શંકા પેસી જાય. મને વાંધો નહીં. તમે જેટલા ડૉક્ટર આવો ને! પણ ડૉક્ટરોને શંકા પડે, મને ના પડે. હું તો આઉટ ઓફ ડેટ (સમયથી પર) થયેલો ને ! પોતાની જાતની શ્રદ્ધા. પારકાનાં કહેવાથી ગભરામણ ના થાય.

ફેમિલી ડૉક્ટર તો આપણા ઈન્ડિયામાં રાખે છેને ! તે મનમાં શું સમજે છે કે આપણો રોફ વધી ગયો હવે. પેલા ડૉક્ટરના મનમાં શું થાય કે આપણે ખીલે બંધાયા આ એક. આપણા ઘરાકો આટલા બંધાઈ ગયા. કારણ કે ત્યાં બધા ડૉક્ટરો થયેલા તે આજે આને ત્યાં જાય, આજે આને ત્યાં જાય. પણ એની જોડે ફેમિલી જેવું ના રખાય. નહીં તો વારેઘડીએ જતાં-આવતાં આવે અને પાછું જુએ એ બધું. આ શરીર દેખાડવા જેવું નહીં કોઈ દહાડોય. ખાસ મુશ્કેલીમાં મૂકાય ત્યારે શરીર દેખાડવું. એવું ખાસ મુશ્કેલીમાં આવેને ત્યારે, બાકી કુદરત મહીં કામ કરી જ રહી છે. મહીં જે છે ને, તે કામ કરી રહી છે. આ ડૉક્ટરો એને હેલ્પ આપે. પણ અટકી પડ્યું હોય ત્યારે જવું. અટકી ના પડ્યું હોય તે નહીં કામનું ને !

હરકત વિના રહેવું, એક ફેમિલીમાં !

તેં તારી કશી વાત ના કરી. તારી વાત કરને ! તારે શું ગુંચવાડા છે એ કહે બધા. તમને વાતો ગમે છે આ બધી કે નકામો ટાઈમ જાય છે ?

પ્રશ્નકર્તા : ના, ના, બહુ ગમે છે.

દાદાશ્રી : હવે કંઈ પૂછ, બધી હરકત હોય તે પૂછ અને એક જ ફેમિલી હોય ને એવું જીવન જીવવું જોઈએ. વન ફેમિલી તરીકે તો જીવો.

ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું. એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું, 'તું ગમે તે વઢું, તોય પણ તારા વગર મને ગમતું નથી.' આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથીને ! તમને બોલવામાં વાંધો શું ? તારા વગર ગમતું નથીને ! મનમાં પ્રેમ રાખીએ ખરો, પણ થોડું ખુલ્લું કરવું.

આ તે કેવી મૂર્ખાઈ !

એક માણસ સંડાસના બારણાંને લાતો માર માર કરતો હતો. મેં કહ્યું કે 'કેમ લાતો મારો છો ?' ત્યારે કહે છે કે 'બહુ સાફ કરું છું, તો ય ગંધાય છે. ખૂબ સાફ કરું છું તો ય ગંધાય છે.' બોલો, હવે એ કેટલી બધી મૂર્ખાઈ કહેવાય ? જાજરૂના બારણાને લાતો મારીએ તો ય ગંધાય છે, તેમાં ભૂલ કોની ?

પ્રશ્નકર્તા : લાતો મારનારની.

દાદાશ્રી : કેવડી મોટી ભૂલ કહેવાયને ? કંઈ દરવાજાનો દોષ છે બિચારાનો ? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે. પણ એ સંડાસના બારણાને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાં ય તૂટી જાય છે.

કેટલી બધી આ મુશ્કેલીઓ ! સંસાર બધો મુશ્કેલીમાં મૂકાયો છે, નહીં સમજણ પડવાથી મુશ્કેલીમાં મૂકાયો છે. આ મુશ્કેલી સોલ્વ થઈ જાય કે કલ્યાણ થઈ ગયું.

જેવું બોલશો, તેવી અસરો પામશો !

એક બેન આવેલી. તે કહે છે, 'મારું લગ્ન થયું છે, પણ મને એ રસ્તો પસંદ નથી. મને આ ધર્મના રસ્તામાં જ જવાનું વધારે ગમે છે.' ત્યારે મેં કહ્યું, 'હા, પણ એ પસંદ નથી એવું કરવાથી શું ફાયદો ?' ત્યારે એ બેન કહે છે, 'પસંદ નથી એ તો રહેવાનું જ, પણ ભક્તિ વધારે કરવાની.' મેં કહ્યું, 'પસંદ નથી પણ એ રહેવાનું એ વાતની તો ખાત્રી છે ને ?' ત્યારે એ બેન કહે છે, 'હા.' મેં કહ્યું કે જે રહેવાનું હોય તે 'પસંદ નથી' એવું ના બોલવું. 'મને બહુ ગમે છે, મારું લગ્ન થયું, એ મને બહુ ગમે છે' એવું બોલવામાં શું વાંધો ? આપણે જે જે કસોટીમાં આવ્યા ત્યાં આપણે કહીએ કે 'બળ્યું, આ દુઃખમાં હું ક્યાં સપડાયો ? આ દુઃખમાં સપડાયો.' તેનાથી દુઃખ વધે. અને આપણે દુઃખમાં સપડાયા ને ત્યાં આગળ આપણે કહીએ કે, 'ના, અહીં અનુકૂળ છે. સારું અનુકૂળ છે.' તો અનુકૂળ થાય. માટે પાંસરું બોલવું.

આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે સારું બોલશો તો તમારો છૂટકારો થશે. નહીં તો તમે ખરાબ બોલશો તો તો તમારો છૂટકારો નહીં થાય. એટલે આપણે મનમાંથી કાઢી નાખવું કે મને આ સંસારમાં દુઃખ છે કે એવું તેવું કશું છે. જો દેવતા અડ્યો તો દઝાવાશે, બરફ અડ્યો તો ટાઢું લાગશે, એમ અસરો થયા કરવાની. એમાં દેવતાને વગોવ વગોવ કરીને શું ફાયદો કરવાનો છે ? અને બરફને વખાણ વખાણ કરીએ, તેમાં આપણને લાભ થાય કશો ? એના કરતાં આપણે ભાંજગડ જ મૂકી દો ને !

'ઠીક'નું ઠીક, 'સારું'નું સારું !

'સારું છે, ઠીક છે.' રોજીંદા વ્યવહારમાં બોલે છે. 'સારું નથી એવું જ દેખાય છે, છતાં સારું કેમ કહેવાય ?' અલ્યા, બધું સારું જ બોલવું. દુનિયામાં બીજું ના બોલવું. 'ઠીક' બોલવાથી ઠીક જેવું થઈ જાય. નફો-ખોટ જેવી વસ્તુ જ નથી, આ તો દ્રષ્ટિ ઊંધી છે. તમે સ્થિર બેઠા છો ને નફો વહેતી વસ્તુ છે. નફો-ખોટ વહેણ છે. એ જોવાનું છે કે વહેણ વધારે આવ્યું કે ઓછું. ત્યારે આ તો જોડે તણાય છે.

હું 'જ્ઞાન' થતાં પહેલાંની વાત કહું છું. હું પચ્ચીસ વર્ષનો હતો, ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે કે, 'કેમ છે તમારી તબિયત ?' હું કહું કે, 'બહુ સારી છે.' અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કે, 'કેમ છે તમારી તબિયત ?' ત્યારે એ કહે, 'ઠીક છે.' મેર અલ્યા, 'ઠીક છે' કહે છે, તે આગળ નહીં જાય. અલ્યા, કઈ જાતના રમકડાં છો તે ?! 'ઠીક છે' કહે છે. એ 'ઠીક'ની બહાર કોઈ દહાડો જાય નહીં. તેને આખી જિંદગી 'ઠીક' રહે. જવાનીમાં 'ઠીક' બોલે, ઘૈડપણમાં 'ઠીક' બોલે, ત્યારે 'સારું' ક્યારે બોલશો ?

આ આટલી ઊધરસ આવે ને, તો ય 'સારું' ના બોલે, તો ક્યારે 'સારું' બોલશો ? વધારે ઊધરસ આવે ત્યારે કહીએ કે 'બહુ સરસ છે.' તે આવેલી ય જતી રહે તરત. એ કહ્યા કર્યા વગર જતી રહે છે. હવે આનો કાયદો ખોળી આપે તે ખરો. બંધ કોણ કરે છે એને ? આવી, એ તો જોઈ આપણે કે આ દુશ્મન છે. પણ બંધ કોણ કરે છે ? કયા કાયદાએ જતી રહે છે ? જતી ના રહેતી હોય તો આવી કહેવાય, નહીં તો આવી કહેવાય જ નહીં ને ! મને લોક પૂછે છે, 'ઊધરસ મટી તમને ?' મેં કહ્યું, 'ક્યે દહાડે નહોતી થઈ, તે મટી ?' એ ક્યારેક આવે છે ને ક્યારેક જતી રહે. ત્યારે એને પૂછું છું કે, 'જવાની ઉતાવળ શું હતી હમણે ? કહ્યા કર્યા વગર શું કરવા જતી રહે છે ? રહે ને, અહીં આગળ વાંધો શો છે ?' અને એ ઊધરસ કંઈ આત્માને હેરાન કરતી નથી. આ દેહને જાગૃત રાખે એટલું જ.

એટલે પછી મેં 'ઠીક' શબ્દ ઊડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા 'ઠીક' થઈ જાય પછી. 'બહુ સરસ' કહીએ, તે ઘડીએ આત્મા 'સરસ' થઈ જાય.

પક્ષાઘાત થઈ જાય, તે ઘડીએ 'બહુ સરસ છે' એમ કહેવું. હા, ક્યાં દર્દ ના થાય ? અપવાદ છે કશો ? કશું ના થાય ? અને આપણે એ બજારમાં જ રહેવું નથી, એ શું ખોટું ?! બજાર જોડે સોદો નહીં, બજાર જોડે લેણદેણ નહીં. એ ચોરબજાર છે, એમાં આપણા જેવા શાહુકારોનું કામ નહીં.

હીરાબાને એવું થયુંને તો બહાર લોક પૂછે કે 'કેમ છે હીરાબાને ?' તો કહું 'સારું છે.' ફરી પેલો માણસ બપોરે આવે ને હીરાબા ઓ ઓ કરતાં હોય, તો કહીએ 'એ તો જરા ઘડીમાં તબિયત બગડે ને ?' એટલે એ લાગણી ખાતર પૂછે છે. એને 'સારું છે' કહીએ તો આનંદ થાય ને બિચારો ચા આનંદથી પીએ !

'ઠીક છે' તો ક્યારેય ના કહીએ. ઠીક તો ઠીકાઠીક થઈ જાય. ઠીક હોય તો ય 'સારું' કહેવું ને જરા બગડેલું હોય તો ય 'બહુ સારું છે' કહીએ.

મહારાજને પૂછીએ તો 'ઠીક છે', કહેશે. 'શાતા છે' અને 'ઠીક છે', બેમાં બહુ ફેર છે. શાતા એટલે શાતા. શબ્દની મારામારી છે આ બધી, એક શબ્દ સારો બોલીએ કે 'સારું છે.'

પ્રશ્નકર્તા : કો'કના માટે ના બોલવું હોય છતાં બોલાઈ જાય, તો કેમ બોલાઈ જાય છે ?

દાદાશ્રી : કો'કને માટે હોય, તે રાગ-દ્વેષને આધીન છે. એથી બોલાઈ જાય છે અને બીજું સામાન્ય તબિયતનું ય છે તો કહીએ છીએ, 'ઠીક છે.' તે ભાષા શા માટે બગાડો છો ? સામો શા માટે પૂછે છે ? લાગણીથી. લાગણીવાળાને 'સારું છે' કહીએ, તો આનંદ થાયને !

અમે હંમેશા 'સારું છે' કહીએ. આખું ઘર બળી ગયું હોય તો પૂછે કે 'આખું ઘર બળી ગયું હશે ને !' તો કહીએ, 'ના, જરા સંડાશ બળી ગયું છે.' અમે આખો કેસ આવું કહીને ઊંચે મૂકી દઈએ. આવું કહીએ એને આનંદ થાયને !

જરા કોળીયો જમીને આવ્યા હોય ને તો ય કહીએ કે ના, જમીને આવ્યા. ત્યારે આ લોક કોઈ પૂછે તો કહે કે 'ના, આજે તો જરા ય ખવાયું નથી. એક કોળીયો જ ખાધું છે.' મૂઆ, એની પાસે તો સારું કર. એટલે આવું શબ્દે શબ્દે ગાડી ઊભી રાખીએ તો ? એટલે કાઠિયાવાડી કહે છે ને, 'હાલવા દો, હાલવા દો.' કોઈ બેસી રહેતાં હશે ?

ફાડ ફાડ નહીં, સાંધ સાંધ કરો !

વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા ! એટલે અત્યારે લોકોને મેં શબ્દ આપ્યો છે 'એડજસ્ટ એવરીવ્હેર'. એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે 'એડજસ્ટમેન્ટ' દાદાએ કહ્યું છે. એ કઢી થોડી પછી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે કોઈ જગ્યાએ મુશ્કેલીમાં મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું 'એડજસ્ટમેન્ટ' કરી લે તોય સંસાર રૂપાળો લાગે.

દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ(સિદ્ધાંત) હોવા જ જોઈએ. છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય, તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે.

એડજસ્ટમેન્ટ તો, તારી જોડે જે જે કોઈ ડિસ્એડજસ્ટ થવા આવે, તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણી-જેઠાણીને ડિસ્એડજસ્ટમેન્ટ થતું હોય તો જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાં ય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું. તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે, તેને લોક મેન્ટલ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથેય એડજસ્ટ થઈ જવું જોઈએ.

પછી સામાને રાજી કરી દેવા !

પ્રશ્નકર્તા : ઘરની પ્રતિકૂળતા સત્સંગમાં આવવા માટે હોય તો શું જૂઠું કરવું ?

દાદાશ્રી : ઘરમાંથી કહે કે, સિનેમા જોવા જવાનું નહીં, તોય તું જાય છે. ત્યારે તું શું કહે છે ? 'હું કૉલેજ જઉં છું' એમ કહે છેને ? શાથી એવું કહેતાં હશે ? તે ત્યાં આપણને કપટ કરતાં આવડે છે ને આમાં ના આવડે ? બધુંય આવડે.

આ બધું જૂઠું જ છે. આ જગત જ જૂઠું છે. ફક્ત આત્મા માટે જૂઠું બોલવું પડે. એમાં આપણે આત્મહેતુ છે. એટલે આત્મહેતુ માટે કો'ક દહાડો કંઈ જૂઠું બોલવું પડે, તો એ સારું. કારણ કે એની જોડે પ્રત્યક્ષ ઝઘડો કરવો, તેનાં કરતાં આ જૂઠું બોલવું સારું. ઝઘડો કરીએ તો તો એનું મન તૂટી જાય. પછી દસ-પંદર દહાડા ગયા પછી આપણે કહેવું કે હું તો આવું જૂઠું બોલીને સત્સંગમાં જતી હતી. આમ પાછું ધોઈ નાખવું. નહીં તો તને જે ના કહેતું હોય તેને મારી પાસે તેડી લાવ એક દા'ડો. પછી હું એને રાગે પાડી આપું.

પ્રશ્નકર્તા : એ નિમિત્ત જ કઠણ હોય, તે તમારી પાસે આવે કેવી રીતે ?

દાદાશ્રી : એ તો તું પટાવીને તેડી લાવે ત્યારેને ? એમને કંઈ મુશ્કેલી હોય તો આપણે કહીએ કે તમારી મુશ્કેલી હોય તો લાવો, તે મુશ્કેલીઓ તોડી નાખીએ, નહીં તો કહીએ કે એક દહાડો તો હેંડોને ! આમ પટાવીને, લલચાવીને, તેડી લાવો તો હું દવા કરી નાખું.

પ્રશ્નકર્તા : આત્મા માટે બીજાને ખરાબ લાગે તો વાંધો ખરો ?

દાદાશ્રી : કશો વાંધો નહીં. આત્માનું કામ કરીએ ને સામાને ખરાબ લાગતું હોય તો પછી એક દહાડો સારી રસોઈ કરી આપોને ! અને પછી કહેવું કે, તે દહાડાની મારી ભૂલો માફ કરી નાખજો. તો એ માફ કરી નાખે. આ પુરુષો તો ઓલિયા લોક છે ! સારી બિરયાની કરીને આપીએ એટલે ખુશ ! હિન્દુ બિરયાની હોય છે કે ?

પ્રશ્નકર્તા : હોય છેને, આપણે બીરંજ કહીએ છીએ.

દાદાશ્રી : હા. એ તો સ્ત્રીઓને બહુ સરસ આવડે. એ પછી ખુશ થઈ જાય. આપણે તો જેમ તેમ કરીને, અટાવી-પટાવીને કામ કાઢી લેવું.

મન જોડે કળાથી કામ લો !

કંઈ ફેરફાર થાય તો મને કાગળ લખીને ચિઠ્ઠી આપી દેવી. બીજી બાબતની ભૂલો બધી ચલાવી લેવાય. બીજી બધી જાતની ભૂલો ના ચલાવી લઈએ તો માણસ મુશ્કેલીમાં મૂકાય, એ મૂંઝાઈ જાય બિચારો. ખાવાની જ મુશ્કેલી. ખાવાનું પાછું ખાવા ના દે. આમ ના ખવાય ને ત્યારે શું કરે ? કૂવામાં પડે કંઈ ? આપણે અહીં બધી છૂટ આપી. ખાજે બા, આઈસ્ક્રીમ ય ખાજે. તારા મનને જેમ તેમ કરીને મનાવજે.

પ્રશ્નકર્તા : એ રીતે મનને મનાવે એટલે પૂરું થઈ જાય ?

દાદાશ્રી : ના, પૂરું ના થઈ જાય. પણ આપણો દા'ડો નીકળી જાયને અત્યારે.

પ્રશ્નકર્તા : એટલે ખાલી સંતોષ ખાતર. પણ આગળ ઉપર પાછું કરવું તો પડે ને ?

દાદાશ્રી : એ તો ફરી પાછું વળી બ્રેક પાડીએ પાછી. જરા અત્યારની ઘડી તો ગઈ. એટલે પછી એની પાછળ સંચો લઈને ફરી વળીએ. અત્યારે ટાઈમ કાઢી નાખો. પોલીસવાળો વાંકો વળે તો 'સાહેબ, સલામ' કરીને એકવાર ખસી જવું ને પછી એ જોઈ લેવાય. પછી એની પાછળ પડીશું. પણ અત્યારે વઢીએ તો ચાલે નહીં. અત્યારે આપણે હાથમાં આવી ગયા, પકડાઈ ગયા એટલે ? કળાથી કામ લેવું પડે અને મન જડ છે. જડ છે એટલે કોઈને ગાંઠતું નથી ને, આપણે કળાથી લઈએ એટલે ઠેકાણે આવી જાય !

ફરી આવો મોક્ષનો તાલ ખાય નહીં અને સરળ રીતે, ઓછી મહેનતે અને આનંદપૂર્વક પાછો. પેલા તપ કરવાનાં, તે કઠોર તપ બધાં. સહન જ ના થાય, જોતાં જ ચીતરી ચઢે.

આપણું જ્ઞાન છે એટલે આપણે તો વાંધો જ નહીં. જ્ઞાન તો મનને જુએ છે કે મન શું કરે છે ને શું નહીં ? એવું જોઈ શકે એવું છે. એટલે બહાર ક્રમિક માર્ગમાં છે તે મનની ઉપાધિ અને ગોળીઓ ખવડાવવી પડે. છતાં ય આપણે ય કોઈ વખત ખવડાવવી પડે તો ખવડાવી દેવી.

એટલે આપણે કહીએને કે ગોળીઓ ખવડાવીને કામ લઈ લેવું. એક જ બાબત ફાવતી નથી એવું એને છે નહીં. એને તો બધી બાબત, જેમાં ટેસ્ટ પડે, તેમાં ફાવે !

રાખવી વિષમતામાં સમતા !

મુશ્કેલી તો આવ્યા જ કરવાની. મુશ્કેલી વગર તો આ ટાઇમ જાય એવો નથી, આનું નામ જ દુષમકાળ ! મહાદુઃખે કરીને સમતા રહે એવો આ કાળ છે. એટલે નવ્વાણું ટકા વિષમતા જ રહે. એમાં થોડી ઘણી સમતા રાખવી એ કંઈ જેવી તેવી વાત છે ?! અત્યારે આ તો વિષમતાનો સાગર છે.

પ્રશ્નકર્તા : એમાં થોડીક સમતા રહી જાય એ આશ્ચર્ય છે.

દાદાશ્રી : હા, એ આશ્ચર્ય કહેવાય અને એવી સમતા રહે તો એનો આનંદ આપણને ચોખ્ખો માલુમ પડે. વ્યવહારના લક્ષમાં સમતા વર્તતી હોય તો તે બધું અહંકાર વધવાનું કારણ છે. આત્માના લક્ષ સિવાય સમતા કહેવાતી નથી એટલે લોકોને આ સમતા રહે પણ નહીં. એ તો પછી નફ્ફટપણું થઈ ગયું હોય તો સમતા રહે, ત્યારે એને સમતા કહેવાતી નથી. નફ્ફટપણું એટલે શું કે, 'મારે શું ? એ તો મરશે !' એને નફ્ફટપણું કહ્યું ભગવાને. 'મારે શું' બોલે છે, એનો તો કોઈ દહાડો ય ઉકેલ નહીં આવે. 'મારે શું' બોલે છે ? અલ્યા, તારે છોકરાં છે કે નહીં ? તો 'મારે શું' કેમ બોલાય ? પણ એવા નફ્ફટ થઈ ગયેલા હોય છે. એવું છે, માણસને બહુ દુઃખ આવે ને પછી નફ્ફટ થઈ જાય.

જીવનમાં નરી પરવશતા !

આ નરી પરવશતા ! 'નિરંતર પરવશપણું! જાનવરો પરવશ અને મનુષ્યો ય પરવશ. તે કેમ પોસાય ? માથું દુખે તો ય ઉપાધિ. પગ ફાટતો હોય, આંખો દુખતી હોય, દાંત દુખતો હોય તો ય ઉપાધિ. આવી ભયંકર અશાતનાઓમાં કેમ જીવવાનું ? આ પરવશતા થોડીઘણી સમજાઈ છે તને ? અનુભવમાં આવેલી છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તને એ ગમે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પસંદ ના હોય તો એમ પૂછતો કેમ નથી કે પરવશતા કેમ જાય ?

પ્રશ્નકર્તા : એ તો પોતાની મેળે માણસ એનું 'સોલ્યુશન' કાઢી શકે.

દાદાશ્રી : અમુક હદ સુધી 'સોલ્યુશન' કાઢી શકે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પરવશતા વધે ને છેલ્લે મરતી વખતે તો પરવશતાનો પાર નથી રહેતો. ઘૈડપણમાં દાંત પજવે, શરીર પજવે, છોકરાં પજવે, ભઈઓ પજવે. છોકરાં કહે, 'તમે બેસી રહો હવે, બહુ બોલ બોલ ના કરશો !' કેટલી બધી પરવશતા ?

પ્રશ્નકર્તા : પરવશતા અને ચિંતા, બે સાથે સાથે ના જાય ?

દાદાશ્રી : ચિંતા એ તો 'ઍબવ નોર્મલ' 'ઈગોઈઝમ' છે અને પરવશતા તો લાચારી છે. 'ઍબવ નોર્મલ' 'ઈગોઈઝમ' થાય તો ચિંતા થાય, નહીં તો થાય નહીં. આ ઘરમાં રાતે ઊંઘ કોને ના આવતી હોય? જેને 'ઈગોઈઝમ' વધારે છે તેને.

ચિંતા જુદી, પરવશતા જુદી !

પ્રશ્નકર્તા : આ સંયોગોમાં મારાથી પહોંચી વળાતું નથી એટલે ચિંતા થાય ને એનાથી બીજું 'સ્ટેપ' પરવશતાને ?

દાદાશ્રી : એ પરવશતા તો આપણે ઊભી કરી છે. એક પરવશતા તો એની મેળે ઊભી થાય છે ને તે છે ઘૈડપણની. પરવશતા અને ચિંતાને કંઈ લેવાદેવા નથી.

કોઈ પણ વસ્તુ બગડે તો ચિંતા થાય. પરિણામને આધારે ચિંતા થાય છે અને પરવશતા તો લાચારી છે. જગતને પરવશતા ગમતી નથી. પરવશતા એ જ નિર્બળતા છે. નિર્બળતા જાય તો પરવશતા જાય. નિર્બળતા હોય ત્યાં સુધી પરવશતા જાય નહીં. કારણ કે આપણે સામાને પણ નુકસાન કરીએ તો એ આપણને નુકસાન કરે. આપણે કોઈનું પણ નુકસાન ના કરીએ, કોઈના માટે પણ ખરાબ વિચાર ના કરીએ ત્યારે એ પરવશતા તૂટે.

પ્રશ્નકર્તા : માણસને જીવન જરૂરિયાત માટે ચિંતા હોય એટલે પાછી પરવશતા આવે જ ને ?

દાદાશ્રી : એ પરવશતા જુદી છે. એ પોતે પોતાની જાળમાં પેઠો છે. ના પેસવું હોય તો ય કુદરતી રીતે ઊભી થાય બધી. આ ઉંદરડો પાંજરામાં કંઈ દેખે તે અત્યારે પરવશ તો છે નહીં, પણ ખાવાનું દેખે છે એટલે લોભનો માર્યો મહીં પેઠો એટલે ફસાવાનો. પણ એ પરવશતા કોઈ દહાડો છૂટી જાય.અને આ ચિંતા કર્યાનું ફળ શું ? તો કહે, જાનવરપણું.

પ્રશ્નકર્તા : ચિંતા ના થાય એના માટે ઉપાય શો ?

દાદાશ્રી : પાછું ફરવું. ઈગોઈઝમ બાદ કરીને પાછું ફરવું. અગર તો 'ઈગોઈઝમ' બિલકુલ ખલાસ કરવો જોઈએ. 'જ્ઞાની પુરુષ' હોય તો, તે જ્ઞાન આપે તો ઈગોઈઝમ બધું ખલાસ થઈ જાય.

લાચારી છૂટે ક્યારે ?

પ્રશ્નકર્તા : લાચારી એ શું ?

દાદાશ્રી : લાચાર થયેલ માણસને પૂછીએ તો લાચારી સમજાય. અગર તો દેવું બહુ થઈ ગયું હોય, વસ્તુઓની મુશ્કેલી પડતી હોય, વાઈફ કહે કે 'પેલું કેમ લાવતા નથી ?' પાસે પૈસા ના હોય તે નરી પરવશતા લાગે.

પરવશતામાંથી 'સ્વવશ' થવા માટે આ મહાવીરનું વિજ્ઞાન છે. અને પરવશતામાંથી 'સ્વવશ' થયા તો પરવશતા પછી અડતી જ નથી.

પ્રશ્નકર્તા : આત્માને પરવશતા થતી નથી ને ?

દાદાશ્રી : ના, આત્માને પરવશતા નથી.

પ્રશ્નકર્તા : તો શરીર લાચારી અનુભવે છે ?

દાદાશ્રી : ના, શરીરેય લાચારી અનુભવતું નથી. અહંકાર લાચારી અનુભવે છે.

તકલીફ આપવાથી, આવે તકલીફો !

પ્રશ્નકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે ? ધંધામાં, વાઇફને, ઘરમાં બધાંને એવી કંઈક તકલીફો રહ્યા જ કરે છે !

દાદાશ્રી : આપણે લોકોને તકલીફો આપીએ એટલે પછી આપણે ત્યાં તકલીફ રહે. આપણે લોકોને સુખ આપીએ તો આપણે ત્યાં સુખ આવે. સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો અને તકલીફો જોઈએ તો તકલીફો આપો, જે જોઈતું હોય તે બીજાને આપો. આપણે ત્યાં જે આવે છે, એ ઉપરથી આપણે સમજવાનું કે આપણે સામાને શું આપ્યું હતું. એટલે સુખ જોઈતું હોય તો સુખ આપવાનો પ્રયત્ન કરો, શરૂઆત કરો.

આ જગત તો વ્યવહાર સ્વરૂપ છે, જે 'આપીને લો' એવું કહે છે. તકલીફો આવે છે તો આપણે સમજીએ કે આપણે તકલીફો જ લોકોને આપી છે, બીજો ધંધો જ નહીં માંડ્યો ! અને સુખ આવે છે તો જાણવું કે આપણે બીજાને સુખ આપેલું છે.

પ્રશ્નકર્તા : જે પહેલાં તકલીફો અપાઈ ગઈ હોય તે તકલીફો અત્યારે આવે છે. હવે આ તકલીફો હોય ત્યારે સુખ કેવી રીતે આપી શકે ?

દાદાશ્રી : એ તો સુખ આપવાનો ભાવ કરો અને ફરી કોઈને ય તકલીફ ના આપશો. બે ગાળો દઈ જાય, એટલે તમે પાછી બીજી પાંચ ગાળો ધીરશો નહીં અને એ બે ગાળો જમે કરી લેવાની. જે બે ગાળો આપેલી છે તે પાછી આવી છે, માટે તે બે ગાળો જમે કરી લો. આ તો કોઈ બે ગાળ આપે ત્યારે જમે કરવાને બદલે બીજી પાંચ ધીરે છે. અલ્યા, એની જોડે વ્યાપાર શું કરવા ચાલુ રાખે છે ? એટલે આ બધું ધીરધારનો હિસાબ છે. પછી એને જગત ગમે તે નામ આપે કે ઋણાનુબંધ છે, પણ બધો ધીરધારનો હિસાબ છે. એટલે જો ગમતું હોય તો ધીરાણ કરો, પણ એ ધીરેલું પાછું આવશે. આ તો જમા-ઉધારના ખેલ છે ! ધીરેલું તે જ પાછું આવે છે, આમાં ભગવાન હાથ ઘાલતા જ નથી. તકલીફ નથી ગમતી ? તો પછી તકલીફો ધીરવાનું બંધ કરી દો.

કોઈ સો ગાળો ભાંડતો હોય, હવે ગાળો એ કંઈ પથ્થર નથી. જ્ઞાન મળ્યા પછી ગાળો એ કંઈ પથ્થર છે ? પથ્થર લાગે ત્યારે મને થાય કે એને વાગ્યું છે, લોહી નીકળ્યું, તો એને દુઃખ ગણાય. પણ આ ગાળો કંઈ પથ્થર નથી કે વાગેને લોહી નીકળે !

પ્રશ્નકર્તા : છતાં મહીં વચ્ચે સ્વીકાર થઈ જાય છે ને અસર આવી જાય છે.

દાદાશ્રી : પણ મારું કહેવાનું કે ગાળ એ કંઈ આપણને અડે ખરી આમ ?

પ્રશ્નકર્તા : છતાં મહીં ઘા વાગી જાય છે.

દાદાશ્રી : પણ એ શી રીતે તને અડે ? એ બોલ્યો ત્યાં આગળ ને તને અહીં આગળ એ શી રીતે વાગી ?!

'વીતરાગોનું સાયન્સ' સમજવા જેવું છે. આ જગત તમારું છે, તમારા જ જગતમાં તમને અડચણ પડે છે, એય અજાયબી છેને !

જેટલાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછાં એટલી સંસારની અડચણો ઓછી હોય !

પ્રામાણિકતા, ભગવાનનું લાયસન્સ !

પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ એમ ?

દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યુ તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાની મુશ્કેલીઓમાંથી તો છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ તો ભગવાનનું મોટું 'લાયસન્સ' છે, એનું કોઇ નામ ના દે. તમને એ 'લાયસન્સ' ફાડી નાખવાનો વિચાર થાય છે ?

સામાના આનંદ માટેની રીતો !

બાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તો ય કહી દઉં ! પણ લોક પૂછે તો જ, નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, 'તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી ?' ત્યારે હું કહી દઉં કે 'એ વાત ખરી છે'. કોઈ દહાડો ય અમારા ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું-ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? 'અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.' પણ આ તો આપણે દેવું વધી જાય ને, ચોખ્ખે ચોખ્ખું કહી દો ને, જે થયું હોય કે ભઈ, ખોટ ગઈ છે.

ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય. એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે !

જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને ! અમારા છોકરા મરી ગયા ત્યારે પેંડા ખવડાવેલા !

અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે. અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, 'ના, ના. લો, આ રૂપિયા આ પૈસા આવ્યા છે તે તમારે જોઈએ છે ?' ત્યારે હીરાબા કહે કે 'આ લોકો તો કહે છે કે ખોટ આવી.' ત્યારે હું કહું કે 'ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો.'

અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાંકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં જ ઓચિંતો જ એક લાખ રૂપિયાનો નફો મળ્યો ! તે પેલાને ટાઢક થઈ જાય.

પાપ-પુણ્યની લિંક....

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, 'હું ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.' એટલે હું કહું, 'અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.'

અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, 'હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તો ય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?' મેં એને કહ્યું, 'એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ, ગુરુને પથરો મારું !'

આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળેને ! એટલે પછી એણે મને પૂછયું કે, 'મારે શું કરવું ?' મેં કહ્યું, 'દાદાનું નામ લેજે.' હવે અત્યાર સુધી તારી પુણ્યની લિંક આવી હતી. લિંક એટલે અંધારામાં પત્તાં ઉઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઉઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, 'વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.' તે તને એકસો સાત સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી એકસો અગિયાર આવશે ! તે લોક તમને બુદ્ધુ કહેશે, માટે આ દાદાનું નામ છોડીશ નહીં, નહીં તો માર્યો જઈશ.

પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બંનેએ માંકડ મારવાની દવા પી લીધી ! પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉકટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, 'આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.' ત્યારે પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું.

'દાદા' બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. નહીં તો રાત્રે ઊંઘમાં ય ના અડે. જો ઠેઠ જાગતા સુધી બોલ્યા અને સવારમાં ઊઠવાની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય.

ધર્મની પુણ્યૈ તો એવું છે, ધર્મ હરેક જગ્યાએ મદદ કરે, ગમે તેવી મુશ્કેલીમાં મદદ કરે. એવી ધર્મની પુણ્યૈ હોય છે. પુણ્ય હેલ્પ કરે જ. આપણું જ્ઞાન તો જુદી જાતનું જ્ઞાન છે. હાજરાહજુર જ્ઞાન છે !

પુણ્યૈ પણ ફાઈલ છે ને પાપ પણ ફાઈલ છે. પુણ્યૈ પ્રમાદ કરાવડાવે ને પાપ જાગ્રત રાખે. પુણ્યૈ તો ઊલટું આ આઈસ્ક્રીમ ખાવ, આ ફ્રૂટ ખાવ, એ બધું પ્રમાદ કરાવડાવે, એના કરતાં કડવી દવા પાઈ દોને, તો જાગ્રત તો રહે !

પુણ્યાનુબંધી પાપ !

પછી પુણ્યાનુબંધી પાપ એટલે પૂર્વના પાપને લીધે અત્યારે દુઃખ (પાપ) ભોગવે છે પણ નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે.

પ્રશ્નકર્તા : તો દુઃખ ઉપકારી છેને ?

દાદાશ્રી : ના, જેને 'હું શુધ્ધાત્મા છું' એવું ભાન થઈ ગયું છે એને દુઃખ ઉપકારી છે, નહીં તો દુઃખમાંથી દુઃખ જ જન્મે. દુઃખમાં ભાવ તો દુઃખના જ આવે. અત્યારે પુણ્યાનુબંધી પાપવાળા જીવો ઓછાં છે. છે ખરા પણ એમને પણ દુષમકાળ નડે છે. કારણ કે આ પાપ નડે છે. પાપ એટલે શું કે સંસારવ્યવહાર ચલાવવામાં અડચણો પડે, એનું નામ પાપ કહેવાય. એટલે બેન્કમાં વધવાની તો વાત ક્યાં ગઈ પણ આ રોજનો વ્યવહાર ચલાવવામાં પણ કંઈક ને કંઈક અડચણ પડ્યા કરે છે. આ અડચણો પડે છે છતાંય દેરાસર જાય, વિચારો ધર્મના આવે, એને પુણ્યાનુબંધી પાપ કહ્યું છે. પુણ્ય બાંધશે પણ આ દુષમકાળ એવો છે ને કે આ પાપથી જરા મુશ્કેલીઓ આવે છે એટલે ખરેખરું જોઈએ એવી પુણ્યૈ બંધાય નહીં. અત્યારે તો ચેપ અડી જ જાય છેને ! બહાર જોડો કાઢ્યો હોયને તો બીજાને પૂછે કે કેમ ભાઈ, જોડો અહીં કાઢ્યો છે? ત્યારે પેલો કહેશે કે પેણેથી જોડા લઈ જાય છે એટલે અહીં કાઢ્યો છે. એટલે આપણા મનમાં ય વિચાર આવે કે પેણેથી લઈ જાય છે. એટલે દર્શન વખતે પણ ચિત્ત બરોબર રહે નહીંને !

આટલી ભક્તિ છતાં અડચણો કેમ ?

આમ બન્યું છે, એ ના હોત તો બીજો કોઈ ઉપાય તો હોત ને ? બીજું કંઈનું કંઈ મળત. એ તો એક જાતનો વિકલ્પ છે. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું 'સાયન્સ' છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો ! અત્યારે તો મહાવીર ભગવાનને દેરાસરમાં જતી વખતે હું પૂછું છું કે, ''આ બધા લોકો તમારાં આટલાં બધાં દર્શન કરે છે, તો ય આટલી બધી અડચણો કેમ પડે છે ?'' ત્યારે મહાવીર ભગવાન શું કહે છે ? ''આ લોકો દર્શન કરતી વખતે મારો ફોટો લે છે, જોડે જોડે બહાર એનો જોડો મૂક્યો છે એનો ય ફોટો લે છે અને સાથે સાથે દુકાનનો ય ફોટો લે છે ! માટે આવું થાય છે. હમણાં કો'ક જોડો લઈ જશે, તેનો પણ ફોટો લે છે !''

કાળને અનુરૂપ વચગાળાનો માર્ગ !

અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે ? અને પછી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય ? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા ? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એને ય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને ? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ 'નિયમથી અનીતિ' એ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાં ય નીતિ કહેવાય, અને એને ય સરળતા થઈ ગઈ ને નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે.

વિપરીત બુદ્ધિ મુશ્કેલી વધારે !

પ્રશ્નકર્તા : મુશ્કેલીઓ હોય એના સમાધાન, શુધ્ધિકરણ માટે પણ બુદ્ધિની જરૂર પડે છે ?

દાદાશ્રી : બુદ્ધિ બે પ્રકારની. જે બુદ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઊભું કરે એ વિપરીત બુદ્ધિ અને જે બુદ્ધિ પઝલ હોય એને સોલ્વ કરી નાખે એ સાચી બુદ્ધિ. સાચી બુદ્ધિ હોય તો એમને હેલ્પ કરે. બાકી બીજી, પેલી હેલ્પ ના કરે. પઝલ ના હોય તો પઝલ ઊભું કરી દે, વધારે ગૂંચવે.

પ્રશ્નકર્તા : એવી સાચી બુદ્ધિ હોય તો એ સરળ હોય ?

દાદાશ્રી : હોય જ નહીં ને પણ, ક્યાંથી લાવે સાચી બુદ્ધિ ? સાચી બુદ્ધિ મારા હાથ ફર્યા વગર થાય નહીં. વિપરીત જ હોય. તે દા'ડે દા'ડે મુશ્કેલીઓ વધારે ના હોય તો ઊભી કરે. કો'ક દા'ડો કઢી ખારી થાય અને ટેબલ ઉપર બીજું સારું જમવાનું હોય છતાંય ગાંડું બોલ્યા વગર રહે નહિ. કઢું ખારું થયું છે, એવું બોલે. બોલે કે ના બોલે ? આને હવે બુદ્ધિશાળી કહેવા કે ડફોળ કહેવો ?

પ્રશ્નકર્તા : સમજ અને બુદ્ધિ વચ્ચે શું ફેર ?

દાદાશ્રી : સમજ છે તે મતભેદને ઘટાડે અને બુદ્ધિ મતભેદને વધારે.

પ્રશ્નકર્તા : સાચી બુદ્ધિ હોય તો ય મતભેદ ના થાય અને સાચી સમજણ હોય તો ય મતભેદ ના થાય.

દાદાશ્રી : સાચી બુદ્ધિ હોય જ નહીં ને ? હવે બુદ્ધિનો કંઈ ખુલાસો થયો ? તમને થોડું સમજાયું ?

મુશ્કેલી, જનરેશન ગેપની !

આ ભાઈ સ્વભાવથી મંદકષાયી કહેવાય. પણ 'જ્ઞાન' વગર ચિત્ત શામાં રહે ? આખો દહાડો ધંધામાં, છોકરાંમાં, કોઈ આવ્યું હોય તેમાં, ખાવા-પીવામાં ચિત્ત પેસી જાય. ચિત્ત બધું આમાં ને આમાં વિખરાઈ જાય. આનાથી પુણ્ય મળે પણ હવે ક્યાં સુધી ડૂંડાં લણવાનાં ? બાજરી વાવો, લણો ને ખાઓ. વાવો, લણો ને ખાઓ. એવા ધંધા ક્યાં સુધી કરવાના ?

પાછા વગર પૂછ્યે સલાહ હઉ આપે ! છોકરો બાપુજીને પૂછે નહીં તો ય, 'ઊભો રહે, ઊભો રહે, તું ભૂલ ખાઈશ' કરીને સલાહ આપી આવે. ભગવાન કહે છે કે છોકરાં બહુ મુશ્કેલીમાં મૂકાય ત્યારે જવાબ આપજો. હા, એ પૂછ પૂછ કરે, ત્યારે આપણે વ્યવહારમાં જવાબ આપવો જ પડે. પૂછ્યા વગર પોતાના ઉપયોગવાળો કોણ ડહાપણ કરે ? તમે રૂપિયા ગણતા હો ને છોકરો તમને ધંધાની વાત પૂછવા આવે તો તમને એમ થાય કે આ વાત ઓછી કરે તો સારું. તેમ આત્મા માટે નિરંતર હોવું જોઈએ. છતાં વ્યવહાર છે તો પડ્યા વગર ચાલે નહીં. પણ મહીં જાણી જોઈને હાથ ના ઘાલવો.

પ્રશ્નકર્તા : છોકરામાં અનુભવ ઓછા હોય અને કંઈક ભૂલ કરે એવું દેખાતું હોય, તો કહેવાનું મન થાય ને ?

દાદાશ્રી : આ વાત તો તમારા પિતાશ્રી હોત ને, તો તે ય તમને કહેત કે ભઈ, હજુ કાચો છે ! ને એમના પિતાશ્રી હોત તો તે ય એવું જ કહેત ! આ હિન્દુસ્તાનનો રિવાજ છે. આને જ 'ઓવરવાઈઝ'પણું ભગવાને કહ્યું. સાઠ વર્ષના પિતા હતા, તે ય કહે કે હજુ છોકરું છે ને ! અલ્યા, શેનું છોકરું ? દાદો થયો ને હવે !

આ તમને જે જ્ઞાન છે ને, તે આપણા ગુજરાતીઓમાં છેલ્લી ઘડીએ પડ્યા પછી પણ એવું હોય કે મારું શરીર જતું રહેશે પછી આ છોકરાંઓ શું કરશે ? આ બધી કટેવ છે એક જાતની. 'વ્યવસ્થિત' કરનાર છે. તમે દેખો ત્યાં સુધી એને ઝાલી રાખો ને ! અને તમારા દેખ્યાની બહાર જાય તો ? એટલે આપણને પૂછે એનો જ જવાબ. છોકરાંને અનુભવ હોય કે ના હોય એ આપણે નહીં જોવાનું. ધંધો કરતા હોય તો કો'ક ફેરો મન એવું પણ કહે કે ચાલો, આજે જરા ઘરાક વધારે છે તો છોકરાં છેતરાઈ જશે. માટે ચાલ, હું દુકાને જઈને બેસું ! આવી પીડા આપણે ક્યાં કરીએ ? આપણે છોકરાંને મોટાં કર્યા, ભણાવ્યાં, પૈણાવ્યાં, પછી હવે શું લેવાદેવા ? આપણે આપણા આત્માનું કરવું. હવે 'સબ સબકી સંભાલો' એવો કાયદો છે. આ ઘરાક-વેપારીના સંબંધ છે. પહેલાં અજ્ઞાનતાને લીધે ઊંડા ઊતર્યા હતા. હવે જ્ઞાને કરીને આપણને સમજાવું જોઈએ.

જ્ઞાન પરિણામે, ઘટે મુશ્કેલી !

આ જ્ઞાન મળ્યા પછી સંસાર આપણો જ વાંકોચૂકો ચાલતો હતોને, તે સીધો થતો જાય. ઊલટો સરળ થઈ પડે આપણને. મુશ્કેલી વધારે પડતી હોય તે ઓછી થતી જાય. દહાડે દહાડે જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામેને એમ મુશ્કેલી ઓછી થતી જાય. બધું કામ સરળ થઈ પડે. આ સંસાર વાંકો કોણે કરેલો છે ? અહંકારે વાંકો કર્યો છે. બાકી સંસાર સ્ટ્રેઇટ લાઈનમાં જ હતો પણ અહંકારે જરાક લીટા વાંકાચૂકા કરી નાખ્યા. આ અહંકારની જ બધી ભાંજગડ છે.

પ્રશ્નકર્તા : એવું ખરું કે વાંકાને વાંકો જ અહંકાર આવે ને સીધાને સીધો જ અહંકાર આવે?

દાદાશ્રી : જુદાં જુદાં જ. જેમ આ પાણી પીવે છે તે, આકાશમાંથી વરસાદનું પાણી પડે છે, તે મીઠું છે, પણ લીમડો પીવે તો કડવું થઈ જાય. આંબો પીવે તો જુદું થઈ જાય. દરેક જુદું જુદું થાય. દરેક જુદા જુદા સ્વભાવનું દેખાય. એવું મનુષ્યમાં એ અહંકાર છેને, તે એક જ પ્રકારનો રંગ જુદા જુદા લાગ્યા કરે. અહંકાર એક જ પ્રકારનો છે પણ રંગ જુદા જુદા લાગે છે.

નોબલ સ્વભાવથી વહોરી અડચણો !

હાથ ધરવો નહીં એ તો બહુ મોટો અહંકાર. મિત્રોને કહી દીધેલું કે આ હાથ માગવા માટે નથી. એટલે તમે નિડર રહેજો. ત્યારે બીજું શું થઈ જવાનું છે ? કર્મના ઉદય તો હોયને, બળ્યા. સાંધો તો મળી આવે કે ના મળી આવે ? બહુ દહાડા અડચણ પડી'તી ને. બહુ અડચણ પડેલી. આવો સ્વભાવ તો અડચણ પડેલી.

કોઈને ત્યાં મેં થાપણ મૂકી હોયને તો મારે અડચણ પડે તો ય હું જરા અડચણ વેઠી લઉં, પણ થાપણ લેવા ના જઉં, એ આજે કંઈ મુશ્કેલીમાં હોય તો ? હું શું કરું, એમને ચિંતા થાયને ? એટલે હું ના માગું. એમને મુશ્કેલી હોય તો શું થાય ? એટલે તે આધારે લેવા ના જઉં. એની મેળે આપે છે કે નહીં તે જોઉં. ના આપે તો પાછા. એટલે આવું બધું હતું. આ મર્સી(દયા) પેસી ગયેલી ત્યાં. એટલે ત્યાં લાગણી રહે. દયા નહીં પણ લાગણી. એમાં અહંકાર નહીં. લાગણી અને દયામાં બહુ ફેર. દયા અને લાગણી એટલી બધી થઈ કે દુઃખ થાયને બિચારાને ! થાપણ મૂકેલી હોય તોય પાછી લેવામાં એને દુઃખ થાય એટલે નથી પાછી લીધી ! એવું દુઃખેય નથી કરેલું.

પોતાનું સુખ નહીં, પણ સામાને શી અડચણ છે તે જે રહ્યા કરે ત્યાંથી કારુણ્યની શરૂઆત. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાની જાત માટે વિચારેય ના આવે. તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ 'જ્ઞાન' પ્રગટ થાય.

અડચણો, પમાડે પ્રગતિ !

'અડચણ આવે તે સારી વસ્તુ છે' એવું માને તો જ આગળ વધાશે. જેને તમે અડચણ કહો છો એ સારી વસ્તુ છે એવું જ્યારે માનશો ત્યારે આગળ વધાશે, નહીં તો એ અડચણને તમે ખરાબ છે' એવું કહેશો તો એ અડચણ તમને અટકાવી દેશે ને તમારી પ્રગતિ રૂંધાઈ જશે. અડચણોને પાર કરશો તો જ કામ પાર પડશે, નહીં તો એ અડચણો જ તમને અટકાવશે. અને અડચણોથી તમે એની પર બાકરી બાંધશો તો પછી ભલીવાર નહીં આવે.

પ્રશ્નકર્તા : બાકરી બાંધશો એટલે ?

દાદાશ્રી : જે લોકો અડચણ આપે છે, એના પ્રત્યે 'સામો આવો કેમ થાય છે ?' એવું મનમાં થાય અગર તો એવાં રસ્તા પણ કરવા જશો તો એમાં ભલીવાર નહીં આવે. રસ્તામાં લોક તો અડચણ કરવાના એવું માનીને જ આપણે ચાલવાનું અને પાછું લોકોની જોડે વીતરાગ રહેવાનું છે. એ તો લોકો અડચણ કરવાનાં, એ અડચણોને પાર કરી જવાની ને પાછું વીતરાગ રહેવાનું, એટલું માનીને જ મોક્ષમાર્ગે ચાલવાનું છે. છતાં અમે જે મોક્ષમાર્ગ આપેલો છે એ બહુ સહેલો માર્ગ છે !

તમને જાતજાતની અડચણો આવશે. પણ અડચણ વખતે એની દવા તમને મળી રહેશે. બધી જાતના લોક છે એને માટે !

આ 'સ્પીડ-બ્રેકર' છે તે શા માટે છે ? તમારી 'સેફ્ટી' માટે છે. માટે આ અડચણો આવે છે તે તમારા હિત માટે છે. આ અડચણો ના હોય તો બધા સ્પીડમાં અટક્યા વગર દોડાદોડ કરે ને અથાડી મારે. નોર્માલિટીમાં રહેવા માટે અડચણો છે.

કોઈ પણ માણસને કે જીવને 'આપણા' લીધે સહેજ પણ ત્રાસ કે અડચણ ઉત્પન્ન ના થાય એ જ 'આત્મધર્મ' છે !

આત્મવિકાસમાં ના હોય પ્રતિકૂળતા કદી !

પ્રશ્નકર્તા : પણ અંતરની ઇચ્છા હોય છતાં આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે ?

દાદાશ્રી : આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દહાડો હોતી જ નથી. ફક્ત એની અંતરની ઇચ્છા જ હોતી નથી. જો અંતરની ઇચ્છા હોયને તો આત્મવિકાસનાં કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. આ તો 'એને' આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે. એટલે આમાં પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે. આત્માને પોતાને ગામ જવાને માટે વાર જ શી લાગે ?

મેં ખેડૂતને પૂછેલું કે, 'આ બળદને અહીંથી ખેતરમાં લઈ જતી વખતે બળદનો શું સ્વભાવ હોય છે ?' ત્યારે કહે, 'અમે ખેતરમાં લઈ જઈએ, તે ઘડીએ એ ધીમે ધીમે ચાલે.' 'અને પાછું ઘેર આવતી વખતે ?' ત્યારે કહે, 'ઘેર ? એ તો સમજી જાય કે ઘરે જ જઈએ છીએ કે ઝપાટાબંધ ચાલે !' એવી રીતે આત્મા, મોક્ષે જવાનું છે એવું જાણ્યું ત્યારથી ઝપાટાબંધ ચાલે. પોતાને ઘેર જવાનો છે ને ! અને બીજે બધે તો ધીમે ધીમે પરાણે ચાલે !!

ટેન્ડર ભર્યાં, નિજ ડિઝાઈનમાં !

ધી વર્લ્ડ ઈઝ યોર ઑન પ્રોજેક્શન. કોઈની ડખલ ન મળે મહીં. સહેજ પણ ડખલ નહીં. તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.

પ્રશ્નકર્તા : મને એ ખબર નથી પડતી કે આ મેં પ્લાનિંગ ક્યારે કર્યું ને આમ કેમ કર્યું ?

દાદાશ્રી : પ્લાનિંગ કરતી વખતે ખાલી નકશા જ ચિતરવાના હોય છે. નકશા ચિતરેલા હોય અને અહીં યોજના જુએ તો ગભરામણ થાય. કેમ આવ્યું ? ક્યારે કર્યું'તું ?

પોતે નકશા ચિતર્યા'તા, હા. તો ય કહેશે, આવું તો કર્યું જ નહોતું મેં ! આ પરિણામ આવ્યું. પરિણામ જુએ. પરિણામ દેખીને ગભરાય કે આ પરિણામ કોનું ? આ તારી યોજનાનું જ પરિણામ આ.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે તમારી ડિઝાઈન પ્રમાણે આ બધું તમને મળ્યું છે. તો એ ડિઝાઈન શું છે એ જરા સમજાવો.

દાદાશ્રી : ડિઝાઈન એટલે તમારા બુદ્ધિના જે આશય હોય ને કે મારે આવું જોઈએ, આવું જોઈએ, મારે આ ના જોઈએ. એ જે જોઈએ છે ને, એ બધું ટેન્ડર લાવ્યા છો, એમાં તમારું (પુણ્ય) બધું ખર્ચાઈ જાય.

પંચાણું ટકા પુણ્ય, ખર્ચ્યું ધર્મમાં !

એક ભઈ હતા ને, એમણે મને પૂછ્યું, 'દાદાજી એવું શું લાવ્યા કે તમને આ બધું જ તમારા અનુકૂળ, તમારી ઇચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે. સત્સંગ કરી શકો છો, ઇચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો. ઇચ્છા પ્રમાણે બધું કરો છો.' ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે ! મેં કહ્યું, ભૂલમાં જો તેં ટેન્ડર ભરતી વખતે મારે વાઈફ આવી જોઈશે. છોકરાં બે જોઈશે, છોડી જોઈશે. આમ છે ને તેમ છે. બંગલો જોઈશે. ગાડી જોઈશે. બધું લખાવ્યું અને પછી દસ-પંદર ટકા બાકી રહ્યા તે તેં કહ્યું કે ધર્મ ખાતે લખી નાખો અને મેં તો પાંચ ટકા આમાં રહેવા દીધાં અને પંચાણું ટકા આ ધર્મમાં નાખ્યા !

બાળક જે ભોગવી રહ્યો છે, એ પોતાના ટેન્ડર પ્રમાણે, પોતાની ડિઝાઈન પ્રમાણે જ ભોગવી રહ્યો છે. ડિઝાઈનમાં સહેજ ફેર નથી. અને અત્યારે દુઃખી થઈ રહ્યો છે. પોતાની જ ડિઝાઈન છે આ. કોઈ ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વર તો તમારું સ્વરૂપ છે. એ તો તમારો ઉપરી નથી. તમારી જ ડિઝાઈન છે આ ! આ તમે જે મકાનમાં અત્યારે હો ને તે મકાન, તમારી જે સ્ત્રી છે, જે છોકરાં છે, એ બધું તમારી ડિઝાઈન પ્રમાણે જ છે. આ શરીરનું જે રંગરૂપ, બધા હિસાબ, ઊંચાઈ-બુંચાઈ બધું તમારી ડિઝાઈન જ છે.

છે બન્ને સંયોગ સ્વરૂપે !

ખરી રીતે સંયોગ અને શુધ્ધાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. સંયોગો પાછા બે પ્રકારના-પ્રતિકૂળ અને અનુકૂળ. એમાં અનુકૂળનો વાંધો ના આવે; પ્રતિકૂળ એકલાં જ હેરાન કરે. એટલા જ સંયોગોને આપણે સાચવી લેવાનાં ! અને સંયોગો પાછાં વિયોગી સ્વભાવના છે. એટલે એનો ટાઈમ થાય એટલે હેંડતા થાય ! આપણે એને બેસ બેસ કહીએ તો ય ના ઊભા રહે !

નઠારા સંયોગ વધારે રહે નહીં. લોકો દુઃખી કેમ છે ? કારણ કે નઠારા સંયોગોને સંભારી સંભારીને દુઃખી થાય છે. એ ગયો, હવે શું કામ કાણ માંડી છે ? દાઝે તે વખતે રડતો હોય, તો વાત જુદી છે. પણ હવે તો તને મટવાની તૈયારી થઈ, તો ય બૂમો પાડે કે જુઓ, 'હું દાઝયો, હું દાઝયો !' કર્યા કરે.

જાણપણું, કડવા-મીઠા સંયોગમાં !

આ 'જ્ઞાન' મળ્યા પછી તમારે ય હવે સંયોગો એકલા રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતાં નથી આવડતા. મીઠા સંયોગો તમે વેદો છો, એટલે કડવા પણ વેદવા પડે છે. પણ મીઠાને 'જાણો', તો કડવામાં પણ 'જાણવાપણું' રહેશે ! પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાવ છો. આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેને ય આપણે જાણવું કે 'ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે !'

પ્રતિકૂળતામાં ય લાભની દ્રષ્ટિ !

મહાવીર ભગવાને એમના શિષ્યોને શિખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારી ને ? હાથ તો નથી ભાંગ્યો ને ! એટલી તો બચત થઈ ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો, બીજો તો નથી ભાંગ્યો ને ?! બે હાથ કાપી નાખ્યા, ત્યારે કહે પગ તો છે ને ?! બે હાથ ને બે પગ કાપી નાખે તો કહેવું કે હું જીવતો તો છું ને ?! આંખે તો દેખાય છે ને ? લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં; હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને ?! ભગવાને સમ્યક્ દ્રષ્ટિથી જોયું, જેથી નુકસાનમાં પણ નફો દેખાય !

અનુકુળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે. માટે અમે કહીએ છીએ કે, વિટામિનને નકામું ઢોળાઇ જવા ના દેશો.

સંયોગ વાંકા, પાપના ઉદયે !

સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. પોતાની પુણ્યૈ હોય તો બધા સંયોગ, જે આવે તે બધા મદદ કરતા જાય, ને પાપનો ઉદય હોય તો સંયોગ આવે તે વાંકા આવે ને સાથે આવે તે ઉપરથી ડફણાં મારતા જાય ! આ કેટલાક લોકો બોલે છે ને કે 'મારા સંયોગ સારા નથી.' એ તો જ્ઞાનીનું વાક્ય કહેવાય; પણ એમાં તું કોણ અને આ બધું શું ? બીજા બધા સંયોગ. તો પછી તું કોણ ? તેની તપાસ કર !?

આ માંદો પડે ત્યારે એને મટાડનાર ય સંયોગ અને એને વધારે માંદો પાડે એ ય સંયોગ. મટાડનાર દવા પણ એને વધારે માંદા પાડે, જો વધારે માંદા પડવાના સંયોગ હોય તો. એક નબળો સંયોગ ભેગો થાય એટલે બધા સંયોગ નબળા ભેગા થતા જાય. દુકાળનો સંયોગ આવે, તો સાથે ભેંસ મરી જાય, તે ફરી નબળા ઉપર નબળો સંયોગ આવે. જો આ બધા સંયોગ, તો તું કોણ ?

જ્ઞાની જ છોડાવે સંસારથી !

આત્મા ને સંયોગ બે જ છે, પણ એ સંયોગોમાં આત્મા (વ્યવહાર આત્મા) મૂંઝાયો છે. મૂંઝવણ એ પણ આત્માનો સ્વભાવિક ગુણ નથી, પણ ઉપાધિ ભાવથી છે. હવે સંયોગો આત્માને નિરંતર ઘસાયા કરે છે અને તે પછી સ્પર્શથી ચાર્જ થઇ જાય છે અને એ જ આવતે ભવ ડિસ્ચાર્જ થાય છે. 'જ્ઞાની પુરુષ' જો મળી જાય તો તે જે ચાર્જ થનારી તમારી બેટરી છે તેને આઠ ફૂટ છેટે મૂકી દે એટલે ચાર્જ બંધ થઇ જાય અને પછી સંસાર બંધ થઇ જાય !

પ્રતિકૂળતાની પ્રીતિ !

પ્રશ્નકર્તા : દરેકને અનુકૂળ સંયોગો જ જોઈએ, એવું કેમ ?

દાદાશ્રી : અનુકૂળ એટલે સુખ, જેમાં શાતા થાય એ અનુકૂળ. અશાતા થાય એ પ્રતિકૂળ. આત્માનો સ્વભાવ આનંદવાળો છે, એટલે એને પ્રતિકૂળતા જોઈએ જ નહીંને ! એટલે નાનામાં નાનો જીવ હોય, તે ય અનુકૂળ ના આવે તો ખસી જાય !

એટલે છેલ્લી વાત એ સમજી લેવાની છે કે પ્રતિકૂળ અને અનુકૂળ એક કરી નાખો. વસ્તુમાં કશો માલ નથી. આ રૂપિયાના એક જ સિક્કામાં આગળ રાણી હોય ને પાછળ લખેલું હોય એના જેવું અનુકૂળ-પ્રતિકૂળ છે ! એવી રીતે આમાં કશું જ નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધી કલ્પનાઓ જ છે. તમે શુધ્ધાત્મા થયા, એટલે પછી અનુકૂળે ય ના હોય ને પ્રતિકૂળે ય ના હોય. આ તો જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી સંસાર છે ને ત્યાં સુધી જ અનુકૂળ ને પ્રતિકૂળનો ડખો છે.

જ્ઞાનની પારાશીશી, પ્રતિકૂળતામાં !

હવે તો જગતને જે પ્રતિકૂળ લાગે તે આપણને અનુકૂળ લાગે. આ પ્રતિકૂળ આવે ત્યારે જ આપણને ખબર પડે કે પારો ચઢ્યો છે કે ઊતર્યો છે. આપણે ઘેર આવ્યા ને આવતાંની સાથે જ કંઈક ઉપાધિ ઊભી થઈ ગઈ, તો આપણે જાણીએ કે આપણને હજુ ઊંચા-નીચા પરિણામ વર્તે છે. નહીં તો મહીં ઠંડક થઈ ગઈ છે, એવું ય ખબર પડે ! તે પારાશીશી જોઈએ ને ?! તે પારાશીશી વેચાતી બજારમાં મળે નહીં; આપણે ઘેર એકાદ હોય તો સારું. અત્યારે આ કળિયુગ છે, દુષમકાળ છે, એટલે 'પારાશીશીઓ' ઘરમાં બે-ચાર હોય જ, એક ના હોય ! નહીં તો આપણું માપ કોણ કાઢી આપે ?! કો'કને ભાડે રાખીએ તો ય ના કરે ! ભાડૂતી આપણું અપમાન કરે, પણ એનું મોઢું ચઢેલું ના હોય એટલે આપણે જાણીએ કે આ બનાવટી છે ! ને પેલું તો 'એક્ઝેક્ટ' ! મોઢું-બોઢું ચઢેલું, આંખો લાલ થઈ ગયેલી તે પૈસા ખર્ચીને કરે તો ય એવું ના થાય, ને આ તો મફતમાં આપણને મળે છે !

આ સંસાર આંખ્યે દેખ્યો રૂપાળો લાગે એવો છે, તો એ છૂટે શી રીતે ? માર ખાય ને વાગે તો ય પાછું ભૂલી જવાય. આ લોકો કહે છે ને કે વૈરાગ્ય રહેતો નથી, તે શી રીતે રહે ?

અનુકૂળતામાં જાગૃતિ ઘટે !

પ્રશ્નકર્તા : અનુકૂળતામાં પણ જાગૃતિમાં રહે તો વધારે ફાયદો ને ?

દાદાશ્રી : પણ પૂરી જાગૃતિ ના રહી શકે. એટલે અમે પ્રતિકૂળ કરીએ ઊલટું, ના હોય તો !

પ્રશ્નકર્તા : એવું ?! પ્રતિકૂળ અને અનુકૂળ, એ માનવા ઉપર છે ને કે ખરેખર હોય છે ?

દાદાશ્રી : એક્ઝેક્ટ છે, પણ મન છે ત્યાં સુધી એ હોય જ છે. જ્યાં સુધી મનમાં રહે છે, આનો આધાર છે, ત્યાં સુધી હોય જ.

પ્રશ્નકર્તા : આ દેહ છે એનેય પ્રતિકૂળ-અનુકૂળ લાગે જ ને બધું.

દાદાશ્રી : લાગે, ખરી રીતે દેહને લાગતું નથી, મનને પહોંચે છે.

પ્રશ્નકર્તા : પણ ગરમી દેહને લાગે છે કે મનને લાગે છે ?

દાદાશ્રી : મનને. દેહને તો કશું લાગે-વળગે નહીં.

પ્રશ્નકર્તા : એટલે પ્રતિકૂળતા લાગતી હોય, એમાં મન એકલું જ કામ કરે ને કે બુદ્ધિ પણ કામ કરે ?

દાદાશ્રી : બુદ્ધિ કહે એટલે મન ચાલુ થઈ જાય, બુદ્ધિ ના કહે તેનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એટલે શરૂઆત બુદ્ધિથી થાય, એટલે બુદ્ધિ હોય.

દાદાશ્રી : બુદ્ધિ એટલે સંસારી જાગૃતિ.

પ્રશ્નકર્તા : એટલે પેલું પણ છે ને ? પ્રતિકૂળતાને અનુકૂળતા ગણે, એવી પણ બુદ્ધિથી અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને ?

દાદાશ્રી : હા. જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે. લાભ આમાં જ છે, પ્રતિકૂળતામાં. અમે ટાઢમાં ઓઢેલું કાઢી નાખીએ, આટલો ભાગ ઓઢેલો કાઢી નાખીએ, એટલે આત્માની જાગૃતિ રહે.

મુશ્કેલી વખતે હાજર, જ્ઞાનીના વચનો !

આ તો કહેશે, 'બીડીઓ છોડો.' અરે, એવું બોલ, એવી સમજણ પાડ કે બીડી એની છૂટી જાય. કંઈ જાતના લોકો છે ?! એને પીવા દે ને નિરાંતે બિચારાને. નહીં તો એને ઊંઘ નહીં આવે. આ અક્રમ વિજ્ઞાન શું કહે છે કે એને સમજાવો તો બધું એની મેળે છૂટી જશે. આ મારી જોડેના કેટલાંય માણસનું બધું છૂટી ગયું હડહડાટ !! અમારા શબ્દથી કેટલાંયનાં દારૂ, માંસાહાર છૂટી ગયા. અમારા શબ્દથી આખો ફરી જાય છે માણસ. આ વચનબળ એટલું બધું સરસ છે કે બધું આખું ફરી જાય છે.

પ્રશ્નકર્તા : દાદાની તો બહુ મોટી ડિક્ષનરી છે. રોજ નવો નવો શબ્દ કાઢે છે. આજે નવો કાઢ્યો, વચનબળ !!

દાદાશ્રી : એવું છે ને, આ શબ્દો કેવા હોય, શાસ્ત્રોના શબ્દો ના હોય. શાસ્ત્રના શબ્દો વાગે એવા હોય, ખૂંચે એવા હોય. અને આ તો જ્ઞાન હાજર થઈ જાય મહીં. એની મહીં પેસી હાજર જ થઈ જાય, પ્રગટ થઈ જાય આત્મા ! તરત દીવો ચાલુ જ થઈ જાય. કોઈ દહાડો ભૂલાય નહીં. આ એક એક શબ્દમાં અનંતુ વચનબળ હોય. તે જ્યારે તમને મુશ્કેલી આવીને ઊભી રહે ત્યારે આ જ્ઞાન હાજર થઈ જાય. મુશ્કેલીમાં હાજર થવું જ જોઈએ, નહીં તો એ દાદાનું જ્ઞાન ન હોય ! અને કાં તો લેતાં આવડતું નથી આમને. આ ભાઈને ગોઠવતાં નથી આવડ્યું. ગોઠવતાં ના આવડ્યું હોય ને, તો આડુંઅવળું ગોઠવાઈ જાય. ઉપરને બદલે નીચે મૂકાઈ ગયું હોય. નીચેની વસ્તુ ઊંચે મૂકાઈ ગઈ હોય. હું તો રેગ્યુલર જગ્યાએ ગોઠવી આપું છું. પણ પછી એ પોતે આઘુંપાછું કરે છે. પોતે જો આઘુંપાછું ના કરે તો અમારો શબ્દ દરેક ટાઈમે કામ લાગે ! વચનબળ કહેવાય ! દેહના બળ તો અનંતવાર ભેગા કર્યાં, ત્યારે દેહનું બળ તો હાથીને કંઈ જેવું તેવું હોય !

આજે કોઈનું વચનબળ શાથી નથી રહ્યું ? કારણ કે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરૂર - વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રિલેટિવ આત્માને બળવાન કરે. અત્યારે વચનબળ તો લુપ્ત થઈ ગયું છે અને મન તો ફ્રેક્ચર થઈ ગયું છે.

ભગવાન કહે છે કે દેહની શક્તિની આરાધના ન કરીશ. એની મેળે જેટલી થાય એટલી સાચી. આરાધના તો મનોબળ ને વચનબળ, બેની જ જોઈએ. દેહશક્તિને પાશવીશક્તિ કહી ભગવાને. એનાથી પાશવતા ઉત્પન્ન થશે, કહે છે. અને પેલું વચનબળ, મનોબળ એની વાત તો જુદી છે. એ આત્મબળ ઊભું કરે. આત્મા પોતે બળવાન જ છે. એને કશું કરવાપણું જ રહ્યું નથી. પણ આ મનોબળ ને વચનબળથી, એ આવરણ તોડીને પ્રકાશ પ્રાપ્ત થાય !

વિધિની વાડ મૂકીને વાત !

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ?

દાદાશ્રી : એક તો 'એમની' સાથે વાત કરવી હોય તો તમારે એમના 'શુધ્ધાત્મા'ની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમ ને એમ બેફ્ટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ?

પ્રશ્નકર્તા : એમ વારેઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ?

દાદાશ્રી : વારેઘડીએ જરૂરે ય નથી પડતી ને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે.

પ્રશ્નકર્તા : એટલે કે ફાઈલો મળતા પહેલાં, એની સાથે વાતચીત કરતાં પહેલાં આપણે આવી પરવાનગી લઈ લેવી ?

દાદાશ્રી : લઈ જ લેવી. ત્યાર પછી વાતચીત કરો. નહીં તો વાણી સારી નીકળે નહીં. કારણ કે જેવી ભરી હોય ને, એવી નીકળશે. પેલું મિકેનિઝમ ગોઠવ્યું ને, એટલે મિકેનિઝમનાં આધારે ફેરફાર થાય પછી. આ તો અંદર નર્યું મિકેનિઝમ છે. મિકેનિઝમ ગોઠવાયું એટલે પછી એની મેળે ચેન્જ થઈને આવે પછી.

આવે આફત ધર્મ પર, ત્યારે.....

બાકી, 'જ્ઞાની પુરુષ' તો દેહધારી પરમાત્મા જ કહેવાય. એટલે એ વાત તો જુદી જ છે ને ?! એ ધારે એટલું કરી શકે, પણ એ કરે નહીં ને ! એવી જોખમદારી વહોરે જ નહીં ને ! હા, કંઈ ધર્મ દબાતો હોય, ધર્મ ઉપર આફત આવતી હોય, ધર્મ મુશ્કેલીમાં હોય ત્યારે કરે, નહીં તો ના કરે.

પ્રશ્નકર્તા : એટલે લૌકિક ધર્મ ઉપર કંઈક આફત આવે ત્યારે 'જ્ઞાની પુરુષ' સિદ્ધિ વાપરે ?

દાદાશ્રી : ના, લૌકિક ધર્મ ઉપર નહીં, ખાલી ધર્મ એટલે જે અલૌકિક વસ્તુ છેને, ત્યાં આફત આવી હોય ત્યારે સિદ્ધિ વાપરે. બાકી, આ લૌકિક ધર્મ તો લોકનો માનેલો ધર્મ, એનાં કોઈ ઠેકાણાં જ ક્યાં છે તે ? આપણા મહાત્માઓ મુશ્કેલીમાં હોય, ત્યારે વાપરવી જ પડે છે ને ! તે ય અમે સિદ્ધિ નથી વાપરતા. એ તો ખાલી ઓળખાણથી (દેવ-દેવીઓને) ખબર જ આપીએ છીએ. સિદ્ધિ તો એમ ને એમ વપરાય જ નહીંને!

જે 'દાદા ભગવાન' છે તે અચિંત્ય ચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થાય. મુશ્કેલીમાં તેમને ચિંતવો તો મુશ્કેલીઓ બધી જતી રહે. જેવું ચિંતવો તેવું ફળ આપે, પછી આપણે શા માટે ભડકવાની જરૂર ?

દાદાઈ બ્લેન્ક ચેક !

આ 'દાદા' એક એવું નિમિત્ત છે, જેમ કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય, એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે શરીર ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે. માટે આપણે એમ ને એમ વાપરવા નહીં.

એક વણિક શેઠ હતા, મિત્ર જેવા. આમ હતા તો શ્રીમંત માણસ, પણ અમારી જોડે બેસે-ઊઠે. એક ફેરો ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો હતો. એક વખત મેં એમને કહ્યું કે કંઈક અડચણ આવે તો ગભરાશો નહીં, અમને કહેજો. હવે તે દહાડે તો જ્ઞાન થયેલું નહીં. એટલે સંસારની મરામત કરવી હોય તો અમે કરી આપતા હતા. તે પેલો ઇન્કમટેક્ષનો કાગળ આવેલો ત્યારે મેં પેલા શેઠને કહ્યું કે, એવું કંઈક કહેવું હોય તો કહેજો. ત્યારે કહે છે, કે તમે જે કોરો ચેક આપ્યો છે તે સો એ સો પૂરાં થશે ત્યારે વટાવીશ, છેલ્લો શ્વાસ હશેને તે ઘડીએ વટાવીશ, નહીં તો આમ તમારો ચેક ના વટાવાય, એ તો મેં રાખી જ મેલ્યો છે !

એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સંકટ સમયની સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સંકટ સમયની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.

આત્માર્થે લાભદાયી !

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતામાં જાગૃતિ કેમ વધારે રહે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : અનુકૂળતામાં ટાઢું પડી જાય. અનુકૂળતામાં તો એવું છે ને કે મીઠું લાગે ને ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે. અને બહુ ગરમી હોય તો ? બહુ ગરમી હોય ત્યારે કલાક કાઢવાનો કેટલો ટાઈમ જાય ?

પ્રશ્નકર્તા : મુશ્કેલી પડે, દાદા.

દાદાશ્રી : અને આ તો કલાક સહેજમાં નીકળી જાય. જેમ જમવાનું સારું હોય તો ચટાક ચટાક બધું ચવાઈ જવાય. અને ભૂખ લાગી હોય પણ જમવાનું બધું એવું હોય તો બધું ના છૂટકે ખાવું પડે.

પ્રશ્નકર્તા : પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે ?

દાદાશ્રી : પ્રતિકૂળતા એ આત્માનું વિટામીન છે. અને અનુકૂળતા એ દેહનું વિટામીન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય. એ બધા સંયોગોનું સુખ ફાયદાકારક છે. અનુકૂળમાં દેહ સારો થાય અને પ્રતિકૂળમાં આત્મા સારો થાય.

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતામાં જુદાપણું વધારે રહે, જાગૃતિ વધારે રહે.

દાદાશ્રી : આ બાહ્ય, બહારનો ભાગ છે ને તે જ વર્તે છે, આત્મા વર્તતો નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે. તો પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબ્સંટ (ગેરહાજર) થાય ત્યારે આત્મા હાજર થાય.

પ્રશ્નકર્તા : એ શું કહ્યું ?

દાદાશ્રી : અનુકૂળ ભાગમાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ (હાજર) હોય જ. અને પ્રતિકૂળતા આવે ત્યારે બાહ્ય ભાગ એબ્સંટ થાય, ત્યારે આત્મા પ્રેઝન્ટ (હાજર) થાય. એટલે આપણો આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી. દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી.

આપણે જો આત્મા થવું હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે અને આત્મા ના થવું હોય તો અનુકૂળતા લાભદાયી છે. અને બેભાનતાના માર્ગ ઉપર દેહને ફાયદાકારક છે.

જય સચ્ચિદાનંદ