|
રોંગ બિલિફ - રાઈટ બિલિફ સંપાદકીય આત્મ અનુભવી જ્ઞાની પુરુષ દાદાશ્રીને ૧૯૫૮માં જ્ઞાનદશા પ્રાપ્ત થઈ, ત્યારે આખું વિશ્વદર્શન લાધ્યું. તેમજ જગતની તમામ વાસ્તવિકતાઓ ખુલ્લી થઈ ગઈ. આ જગત શી રીતે ઊભું થયું છે ? આત્મા શું છે ? પરમાત્મા શું છે ? કર્મો શી રીતે બંધાય ? કર્મોમાંથી શી રીતે છુટાય ? બંધનનું સ્વરૂપ શું ? મુક્તિ કઈ રીતે થાય ? અને જે વાસ્તવિક્તા જોઈ-જાણી, અનુભવી તે જ તેમની વાણી દ્વારા આપણને પ્રાપ્ત કરાવે છે. આ સંસારની બિગિનિંગમાં શું હશે ? આત્મ અશુદ્ધ થઈ ગયો છે ? તો આત્માની શુદ્ધિ કરવાની છે ? તો શુદ્ધ કરનાર કોણ ? ને જે જે સાધનો સાંભળ્યા-મળ્યા, તે પ્રમાણે કરવા છતાં કંઈ છૂટકારો થતો નથી. રોંગ બિલિફનું સ્વરૂપ શું ? જ્યાં 'પોતે' નથી ત્યાં 'હું છું' માને છે, અને પોતે જે છે તે પોતાની જાતને ઓળખતો નથી. 'પોતે શુદ્ધાત્મા છે' એનું ભાન નથી ને 'પોતે' નામને 'હું છું' માને છે કે હું ચંદુલાલ છું. પાછું આ બઈનો ધણી છું. આ છોકરાનો ફાધર છું. હું વકીલ છું, સારો છું, કાકો છું, મામો છું, આવી કેટલી બધી માન્યતાઓ હશે ?! તે બધી ભેગી કરો, એનું નામ જ મિથ્યાદર્શન, એ જ બંધનનું કારણ. અને રાઈટ બિલિફ જ્ઞાની બેસાડી આપે કે 'આપણે' પોતે 'શુદ્ધાત્મા' છીએ, તો એ થઈ ગયું સમ્યક્ દર્શન. પછી મુક્તિની શરૂઆત થઈ જાય છે. પ્રસ્તુત સંકલનમાં આખા સંસારનું જે ધોરી મૂળ છે, જ્યાંથી બંધનની શરૂઆત થઈ છે, તે રહસ્ય દાદાશ્રી સાદી-સરળ ભાષામાં ખુલ્લું પાડી આપે છે. અને તે આપણને આપણી ભાષામાં સમજાય કે જે રોંગ બિલિફ બેસી ગઈ છે, તેનાંથી સંસારનાં બંધનો ઊભા થઈ ગયા. જ્ઞાની પુરુષ રાઈટ બિલિફ બેસાડી આપે તો મુક્તિ અનુભવાય. - દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ શું કરવાથી મુક્તિ ? પ્રશ્નકર્તા : મુક્ત થવું હોય તો મનુષ્યે શું કરવું જોઈએ ? દાદાશ્રી : 'કરવાથી' તો બંધાયા છો. એટલે એવું કંઈક પૂછો કે જેનાથી બંધાવાય નહીં. તમે કહો છો કે 'કરવું' શું ? કરવાથી વધારે બંધાશે. 'મેં આ કર્યું ને તે કર્યું ને ફલાણું કર્યું', તેનાથી તો બંધાયેલા છો. એટલે તમારે હવે શું પૂછવું જોઈએ કે એવું તે હું શું જાણું કે જેનાથી છૂટું ! શું પૂછવું જોઈએ ? ત્યારે હું જવાબ આપું. શું તમારું નામ ? પ્રશ્નકર્તા : ચંદુલાલ. દાદાશ્રી : હવે તમે ચંદુલાલ છો ખરેખર ? એ કહો. પ્રશ્નકર્તા : બીજાએ આ રીતે નામ પાડ્યું છે. દાદાશ્રી : નામ પાડ્યું છે એ તો આપણે દેહને ઓળખવાનું સાધન. પણ તમે ખરેખર કોણ ? ત્યારે તમે કહો કે હું શું જાણું ? ત્યારે હું કહું કે તમે તમારું સ્વરૂપ શું છે એ જાણો. પાટિયાને માન્યું હું છું ! એવું છે ને જ્યાં સુધી તમે તમારી સેલ્ફને જાણતા નથી, ત્યાં સુધી તમે 'હું ચંદુભાઈ છું' માનો છો એ રોંગ બિલિફ છે. ચંદુભાઈ એટલે તો લોકોને ઓળખવા માટેનું સાધન આપેલું કે ભઈ, આ લોકો આમને ઓળખે શી રીતે ? તે નામ આપ્યું કે આ ચંદુભાઈ, પણ તમે માની લીધું કે 'હું ચંદુભાઈ છું' એ ફર્સ્ટ રોંગ બિલિફ બેસી ગઈ છે. તમે જે છો એ જાણતા નથી ને જ્યાં તમે નથી ત્યાં આગળ તમેે આરોપ કરો છો કે હું ચંદુભાઈ છું. એ રોંગ બિલિફ બેઠી છે. આત્માના જુદા જુદા રૂપ ? 'હું આનો ફાધર છું, હું વકીલ છું, હું ચંદુભાઈ છું' એવી બધી રોંગ બિલિફો પડી ગઈ છે. પ્રશ્નકર્તા : આ બધું આત્માનાં જુદા જુદા રૂપ છે ? દાદાશ્રી : ના. એ તો દરેક ડિપાર્ટમેન્ટમાં ઓળખવાનું સાધન છે કે કોર્ટમાં તમે વકીલ છો, અહીં ઘેર તમે ફાધર છો. પણ આ બધી રોંગ બિલિફો છે, એનો ક્યારે પાર આવે ? કોનો કાબુ કોની ઉપર ? પ્રશ્નકર્તા : જીવ શરીર ઉપર કાબુ જમાવે છે કે શરીર જીવ પર કાબુ જમાવે છે ? દાદાશ્રી : એ જ પ્રશ્ન છે ને ! અત્યારે જીવનો આ શરીર પર બિલકુલ કાબુ નથી. શાથી કાબુ નથી ? ત્યારે કહે છે કે, 'એને પોતાને રોંગ બિલિફો બેઠી છે.' 'હું ચંદુલાલ છું' એ જ મોટામાં મોટી 'રોંગ બિલિફ' છે. પ્રશ્નકર્તા : વ્યવહારિક રીતે તેવું માનવું પડે છે. દાદાશ્રી : વ્યવહારિક રીતે માનો તો વાંધો નથી, પણ તમને કોઇ ગાળ દે તો તેને તમે સ્વીકારો કે નહીં ? તેની અસર તમને થતી નથી ને? પ્રશ્નકર્તા : થાય છે. દાદાશ્રી : તો તમે વ્યવહારિક રીતે 'ચંદુલાલ નથી', ખરી રીતે જ 'ચંદુલાલ છો'. લોકોએ કહ્યું, 'ચંદુલાલ' એટલે તમે પણ એવું માની લીધું. આ 'રોંગ બિલિફો' બેઠી છે, માટે જ દેહનો જીવ પર 'કંટ્રોલ' છે. જો 'રોંગ બિલિફો' નીકળી જાય તો દેહનો જીવ ઉપર બિલકુલ 'કંટ્રોલ' નથી રહેતો. આત્મા પોતે અનંત શક્તિવાળો છે, પણ આ 'રોંગ બિલિફો'ને કારણે ફસાયો છે. ખરેખર તમે 'પોતે' ચંદુલાલ નથી. 'બાય રિલેટિવ વ્યુ પોઇન્ટ યુ આર ચંદુલાલ.' 'બાય રિયલ વ્યુ પોઇન્ટ'થી તમે શું છો એ તપાસ કરવી જોઇએને ? ના કરવી જોઇએ ? એટલે અત્યારે 'તમારી' ઉપર દેહનો જ 'કંટ્રોલ' છે. એકલા દેહનો જ નહીં, મનનો હઉ 'કંટ્રોલ' છે ! મન 'કમ્પ્લિટ ફિઝિકલ' છે. આ બધાયનો 'કંટ્રોલ' અત્યારે તમારા પર છે. અરે, દેહના જીવ પરના કંટ્રોલની ક્યાં વાત કરો છો, એક ગૂમડું થયું હોયને, તે લપકા મારે તેનો ય 'કંટ્રોલ' જીવ ઉપર છે ! એવી કેટલી રોંગ બિલિફો ? જે તમે છો તેને બદલે બીજો આરોપ કરવો, અન્ય આરોપ કરવો, હું શું છું ને તેને બદલે શું કહેવું ?! 'હું ચંદુભાઈ છું' એ આરોપ નથી ? તમને કેમ લાગે છે ? 'હું બાઈનો ધણી થઉં' એ બીજો આરોપ નથી ? આમાં એકુંય શબ્દ સાચો નથી. બધી રોંગ માન્યતા ! રોંગ બિલિફ. અને પાછો કહે, હું ધણી છું. વાઈફ ક્યાં સુધી ? ત્યારે ડાયવોર્સ નહીં થયો અગર મરી ગઈ નથી ત્યાં સુધી વાઈફ. હવે આને કેમ મનાય ?! આ રોંગ બિલિફો બેઠેલી ! આપણાં જ દેહનું ઠેકાણું નહીં. અહીંથી જતાં કંઈ ઝડપાઈ ગયા અને હાર્ટમાં મહીં ગભરામણ થઈ ને ગયા, એને વાર શું લાગે ? દાદાશ્રી : તમારે હશે એવી રોંગ બિલિફો ? 'હું કાળો છું' તે ય રોંગ બિલિફ છે, 'હું ગોરો છું' તે ય રોંગ બિલિફ છે, 'હું જાડો છું' તે ય રોંગ બિલિફ, 'હું પાતળો છું' તે ય રોંગ બિલિફ શું ? 'હું પચાસ વર્ષનો છું' તે ય રોંગ બિલિફ, 'હું કલેક્ટર છું' તે ય રોંગ બિલિફ, કેટલી રોંગ બિલિફો બેઠી હશે ? પ્રશ્નકર્તા : ઘણી. નામની અંતે નનામી કાઢે ! દાદાશ્રી : આ રોંગ બિલિફ છે ને, આમાં આત્મા ક્યારે પ્રાપ્ત થશે ! આ બધાં હું અદ્વૈતાનંદ છું, હું બ્રહ્માનંદ છું, બધા નામસ્વરૂપમાં છે. એ અનામી ક્યારે થાય ? જ્યારે એમની નનામી નીકળે છે ત્યારે. નનામી નીકળી કે અનામી થઈ ગયો. નનામી તેં જોયેલી ? જુઓને, બધાં ય આપણાં દેશમાં નનામી કાઢે છે ને ? શાથી ? કોઈએ નામ આપ્યું'તું. તે પાછું લઈએ છીએ. હવે એ વ્યવહાર પૂરો થઈ ગયો. આ તો નામ પર વ્યાપાર કરવામાં બાકી નથી, માટે હવે લઈ લઈએ છીએ પાછું. હવે નામનું શું કરીએ ત્યાં આગળ ? એટલે હતાં તેવાં પાછાં જાવ. નામ વગરનાં, હેય નનામી, જાવ પાછાં ! બિલિફો મરે, આત્મા ન મરે ! પ્રશ્નકર્તા : એક આત્મા સિવાય બીજું બધું થોડાક જ વખત રહે છે ને ? દાદાશ્રી : હા, એટલે બધું માનેલું જ છે ને ! આ 'રોંગ બિલિફ' જ છે બધી અને 'ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ' છે બધાં ! 'ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ્સ' અને 'આત્મા' એ જ 'પરમેનન્ટ' છે ! લોકોએ જે આખું તકલાદી છે, એને જ 'પરમેનન્ટ' માની એની જોડે વેપાર માંડ્યો ! તમને આ બધી વસ્તુઓ તકલાદી છે એવો થોડો ઘણો અનુભવ થયેલો ? આ તો ક્રોધ-માન-માયા-લોભ છે, એમાં પછી સ્વાર્થ ઊભા રહે છે. એટલે ભાન નથી કે કોનું મરણ થાય છે ને કોનો જન્મ થાય છે. આ તો બિલિફ જ રોંગ બેઠેલી છે. પણ ઘણાં કાળે આગળ વધતાં વધતાં 'જ્ઞાની પુરુષ' મળે તો ભાન થાય કે જન્મ-મરણ એ તો અવસ્થા છે. આત્મસ્વરૂપે પોતે કોઈ દહાડો મરતો જ નથી. ખાલી 'બિલિફો' જ મરે છે ! સંસારનો આધાર, રોંગ માન્યતા જ ! 'હું ચંદુલાલ છું' એવી 'બિલિફ' થઈ કે તરત બધો સંસાર ખડો થાય ! સંસાર એટલે 'રોંગ બિલિફ'નું પઝલ ! 'હું આચાર્ય છું' એ રોંગ બિલિફ છે, 'હું સાધુ છું' એ રોંગ બિલિફ છે, 'હું ત્યાગી છું' એ રોંગ બિલિફ છે, 'હું તપસ્વી છું' એ રોંગ બિલિફ છે, હું ફલાણા ગચ્છનો છું' એ રોંગ બિલિફ છે. આ બધી રોંગ બિલિફો જ્યાં સુધી જાય નહીં, ત્યાં સુધી દહાડો વળે નહીં. એક રોંગ માનેલું અને એક રાઈટ માનેલું, આ બે માનેલા ઉપર આખો સંસાર ઊભો રહ્યો છે, રોંગ માનેલામાંથી રાઈટ માન્યામાં આવી શક્યો નથી. એ પોતે પોતાને બાળે ! આમ બિલિફ રોંગ બેસ બેસ કરી છે. પછી 'આ હું જે કરું છું' એ જ બરોબર છે. આ પાંજરું પોતે ઊભું કર્યું છે. હવે શી રીતે છૂટે આ પાંજરામાંથી ? એ માન્યતા છોડે નહીં અને દહાડો વળે નહીં. અને દેહના બંધન તો એ પોતે છોડી દે પણ મનમાં બંધાયેલા. સાયકોલોજી ઈફેક્ટો થઈ ગઈ છે બધી આ. હા, અને કેટલી બધી ઈફેક્ટ ! અંતરદાહ શાથી હોય ? અંતરદાહ પાપ-પુણ્યને આધીન નથી. બન્ને વેદનીયમાં અંતરદાહ તો હોય જ. અંતરદાહ 'રોંગ બિલિફ'ને આધીન છે. સંસાર ઉપાધિસ્વરૂપ નથી, 'રોંગ બિલિફ' ઉપાધિસ્વરૂપ છે. પારકાને 'મારું' માને તો શું થાય ? ઉપાધિ. જગત આખું 'રોંગ બિલિફ'માં છે. 'બિલિફ' રોંગ છે તો ય પોતાનું માને છે ને ! તદ્દન સાચેસાચું માને છે ને ! .... ત્યાં આત્મશક્તિ પ્રગટે ! પોતે પરમાત્મા છે, પણ ભાન નથી ત્યાં સુધી શું થાય ? ત્યાં સુધી એને જે ભાન મળ્યું છે એ ભાનમાં વર્તે છે, એને 'હું ચંદુલાલ છું' એ 'બિલિફ' જ હોય, 'હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું' એવી બધી 'રોંગ બિલિફો'માં જ વર્ત્યા કરે. પ્રશ્નકર્તા : પણ આ સંસારની અંદર જીવો એકબીજાને એવી રીતે જ ઓળખે ને ? એવું મને બધાં 'ચંદુલાલ' કહે છે. દાદાશ્રી : 'ચંદુલાલ' એ તો વ્યવહારમાં ઓળખવાનું સાધન છે, એનો વાંધો નથી. એ તો હું ય કહું છું. મને કોઈ પૂછે કે, 'તમારું નામ શું ?' તો કહું, 'અંબાલાલ.' પણ 'હું' મારી જાતને 'અંબાલાલ છું' એવું ક્યારેય, સ્વપ્નામાં પણ ના માનું. અને તમે તો સ્વપ્નામાં તો શું, પણ જાગૃત અવસ્થામાં પણ માન્યા કરો છો કે, 'હું ચંદુલાલ છું !' હવે 'હું ચંદુલાલ છું' એ 'રોંગ બિલિફ' તમને હેરાન કરે. અને હું મારા સ્વભાનમાં હોઉં, સ્વ-સ્વરૂપમાં હોઉં, એટલે નિરંતર મને સમાધિ રહ્યા કરે. સ્વ-સ્વરૂપમાં આવવું, એનાથી પરમાત્મપણું પ્રગટ થયા કરે છે, પરમાત્માની શક્તિ વ્યક્ત થાય. અત્યારે તો ચંદુલાલની શક્તિઓ વ્યક્ત થઈ છે. મનુષ્યમાં આવ્યા છો એટલે ચંદુલાલની શક્તિઓ વ્યક્ત થઈ છે પણ મનુષ્યપણાની વધારે શક્તિઓ વ્યક્ત થઈ નથી. એટલે સામાન્ય મનુષ્યમાં જ ખપ્યા કરે. એક સેકન્ડે ય તમને આત્મગુણ એકુંય આવ્યો નથી, તમે અત્યારે પ્રાકૃતગુણ વેદો છો ! 'તમારી' 'બિલિફ' પ્રમાણે ગુણો તમને પ્રાપ્ત થશે. 'તમે' 'ચંદુલાલ' રહેશો તો તમને પ્રાકૃતગુણો પ્રાપ્ત થશે ને 'તમે' 'શુધ્ધ ચૈતન્ય' થશો તો પછી પોતાના 'સ્વભાવિક' ગુણો ઉત્પન્ન થશે ! 'તમારે' જ્યાં બેસવું હોય ત્યાં બેસો !! આત્માની શક્તિ ખોટા માર્ગે કેમ જઈ રહી છે ? 'એની' માન્યતા અવળી છે એટલે, 'એને' 'બિલિફ રોંગ' છે તેથી. 'રાઈટ બિલિફ' હોય તો શક્તિ સાચા રસ્તે વહે. મોક્ષનો અધિકારી ! રાઈટ બિલિફ થાય તો જગત જુદી જ જાતનું દેખાય. 'રાઈટ બિલિફ' અવિનાશી તરફ લઈ જાય ને 'રોંગ બિલિફ' સંસાર તરફ લઈ જાય. નિજસ્વરૂપનું ભાન થઈ ગયું એટલે જગત આખું ખુલ્લું થઈ ગયું. આ તો ભ્રામક માન્યતાઓ છે. એ રોંગ બિલિફ છે ખાલી કે 'દેહ હું છું' અને 'હું કરું છું' તે ય રોંગ બિલિફ છે. રોંગ બિલિફ જાય એટલે રાઈટ બિલિફ બેસી ગઈ, તો મોક્ષનો અધિકારી થઈ ગયો. દેહ છૂટે, પણ 'બિલિફ' ના છૂટે ! પ્રશ્નકર્તા : આ શરીરનો ત્યાગ થઈ જાય એટલે આ 'રોંગ બિલિફો' પોતાની મેળે જતી રહે ને ? દાદાશ્રી : એટલે મરી જાય ત્યારે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ના, એ 'રોંગ બિલિફો' તો ફરી ઊભી થાય છે. કારણ કે મરી ગયો એટલે કંઈ મોક્ષે નથી જતો. મરી ગયો એટલે અહીં જે એની પાસે 'સ્ટોક'માં સામાન હતો તે જોડે લઈને જાય છે, ક્રોધ-માન-માયા-લોભ બધું 'સ્ટોક'માં છે એ બધું જ જોડે લઈ જાય છે, કશું બાકી ના રાખે, આખો પરિવાર જ એની સાથે જાય છે અને ફરી જ્યાં નવો જન્મ થાય ત્યાંથી પાછી શરૂઆત થાય. પ્રશ્નકર્તા : પણ આપણે આમ કહીએ છીએ ને, કે મર્યા પછી બધું છોડીને જવાનું છે, તો પછી બધું 'સ્ટોક'માં શી રીતે રહે ? દાદાશ્રી : એ તો સ્થૂળ બધું છોડી દેવાનું. સૂક્ષ્મ બધું ય જોડે જ આવવાનું ! આ સ્થૂળ એટલે જે આંખે દેખાય એવું, આંખે ના દેખાય એવું, ને દૂરબીનથી ના દેખાય એવું ય સ્થૂળ છે. એ બધું ય અહીં છોડી જવાનું અને સૂક્ષ્મ ભાગ બધો ય જોડે જવાનો, પોતાનાં કર્મો બધાં બાંધીને ત્યાં જોડે લઈ જવાનાં. ધર્મ-શાસ્ત્રો, બિલિફ ના બદલે ! હવે કરોડ અવતાર થાય તો ય, 'રાઈટ બિલિફ' ના બેસે. જ્યાં 'રોંગ બિલિફ' એકુંય જતી નથી, ત્યાં 'રાઈટ બિલિફ' એકુંય બેસે જ શી રીતે તે ? એટલે 'રોંગ બિલિફ' એકુંય ખસતી નથી ને 'રાઈટ બિલિફ' બેસતી નથી ! જગત આખામાં એકેય માણસને એક પણ 'રોંગ બિલિફ' ખસતી નથી. આટલાં અવતારોથી ભગવાનનાં શાસ્ત્રો વાંચે છે, પણ એક 'રોંગ બિલિફ' ખસતી નથી અને દહાડો વળતો નથી, શાસ્ત્રો વાંચે તો ઠંડક રહે, પણ 'બિલિફ' ના બદલાય. જગત આખું 'બિલિફ'ના આધારે જ ટકેલું છે, 'જ્ઞાન'ને આધારે નથી. મનુષ્યમાત્ર 'બિલિફ' આધારે જ છે. સંસારમાં દુઃખ શાથી ? આ જગત આખું 'રોંગ બિલિફ'ના આધારે જ ચાલી રહ્યું છે. સંસારમાં દુઃખ કેમ છે ? 'રોંગ બિલિફ' મળી છે તેથી. 'રાઈટ બિલિફ'થી દુઃખ જ નથી. 'રોંગ બિલિફ' એ જ મહીં કૈડે છે. બહાર કોઈ કૈડતું નથી. આ દુનિયામાં બધાં દુઃખો માનેલાં છે. 'રોંગ બિલિફ' છે ! લોકોને દુઃખ ભાસે છે, ભાસ્યમાન અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ દેખેલું, અનુભવમાં નથી આવતું. ભાસ્યમાન અનુભવમાં આવવું એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું, એના જેવી વાત ! આ જગતમાં અપાર સુખ છે. પણ જો કદી એનું 'સાયન્સ' જાણે તો ! 'સાયન્સ'થી સુખ થાય એવું છે. આ તો ભ્રમિત થયા છો, 'રોંગ બિલિફ' ભરાઈ છે. તેથી દુઃખી થયા છો. 'રોંગ બિલિફ' નીકળી જાય ને 'રાઈટ બિલિફ' બેસી ગઈ એટલે નર્યું સુખ જ છે. એટલે સર્વ દુઃખોથી મુક્તિ થાય, તેનું નામ યથાર્થ ધર્મ. અહંકાર જાય, 'રોંગ બિલિફો' જાય તે યથાર્થ ધર્મ. 'રોંગ બિલિફો' સાથે યથાર્થ ધર્મ ના હોય. રોંગ બિલિફ ક્યારે ફ્રેકચર થાય ? અને આ સંસારમાં જન્મથી જ આપણા લોકો 'એને' અજ્ઞાનનું પ્રદાન કરે છે. 'બાબા, આ તારા પપ્પાજી, આ તારા મમ્મી' એમ કરીને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે, પછી 'એને' આખી 'રોંગ બિલિફ' બેસી જાય છે. એ 'બિલિફ' કોઈ 'ફ્રેકચર' કરી શકતું નથી. બાકી, એમ ને એમ કહે કે 'તમે શુધ્ધ છો, એ કેમ કરીને ચાલે ? 'તમારી' સમજણમાં ગેડ બેસવી જોઈએ, તો જ એ 'રોંગ બિલિફ' ફ્રેકચર થાય. નહિ તો 'રોંગ બિલિફ' ફ્રેકચર થાય નહિ ને ત્યાં સુધી 'હું શુધ્ધાત્મા છું' એ કોઈ 'એક્સેપ્ટ' કરે જ નહિ. અત્યાર સુધી આખી જિંદગી 'હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' એમ કરી કરીને પરમાણુ પરમાણુમાં એ બેસી ગયું છે. હવે એ કાઢવાનું, એ 'રોંગ બિલિફ' 'ફ્રેકચર' કરવી, એ હવે કોણ કરી આપે ? પ્રશ્નકર્તા : એ બિલિફ જાય કેવી રીતે ? દાદાશ્રી : રાઈટ બિલિફ બેસે તો. પ્રશ્નકર્તા : રાઈટ બિલિફ બેસે કેવી રીતે ? દાદાશ્રી : એ રાઈટ બિલિફ અમે એક કલાકમાં બેસાડી દઈએ. પ્રશ્નકર્તા : તમને એવું લાગે છે કે મને રાઈટ બિલિફ બેસશે ? દાદાશ્રી : હા, હા, કલાકમાં. 'વિધિન વન અવર' અને એ રાઈટ બિલિફ એકલું જ નહીં, તમારો દેહાધ્યાસ કલાકમાં જતો રહેશે. પ્રશ્નકર્તા : તો પછી કેટલું સરસ ! તો પછી કરવાનું જ શું રહે ? દાદાશ્રી : કરવાનું કશું નથી રહેતું. 'જ્ઞાની પુરુષ' 'રાઈટ બિલિફ' આપે, જેને આપણા શાસ્ત્રો સમ્યક્ દર્શન કહે છે. તે સમ્યક્ દર્શન આવે ત્યારે રોંગ બિલિફ જાય. નહીં તો 'હું ચંદુલાલ છું' માનવાથી ક્યારેય દહાડો વળે નહીં. ખરી રીતે માયા એટલે 'રોંગ બિલિફ'. આ અસરો 'રોંગ બિલિફ'ની છે કે 'રાઈટ બિલિફ'ની છે, તેની આપણે તપાસ કરવી. આ 'રોંગ બિલિફ'ની આટલી બધી અસરો થાય છે, તો 'રાઈટ બિલિફ'ની કેવી અસર થતી હશે !!! ડૉક્ટર ઓફ સૉલ ! આ રોંગ બિલિફો ફ્રેકચર કરવી એ અમારું કામ છે. જે રોંગ બિલિફો બેસી ગઈ છે, એ ફ્રેકચર તો કરવી પડશે ને ? અને રાઈટ બિલિફ બેસે એટલે સમ્યક્ દર્શન થઈ જાય. થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : બુદ્ધિની રીતે બરોબર સમજાય કે રોંગ બિલિફ જાય અને રાઈટ બિલિફ થાય. પણ આ પ્રોસેસ થાય કેવી રીતે ? પ્રેક્ટિકલ કેવી રીતે થાય આ ? દાદાશ્રી : એ તો મેં કહ્યું ને એ તો ડૉક્ટર પાસે જવું. આપણને કશું દર્દ થયું હોય તો હું કહું કે ડૉક્ટરની હેલ્પ લેજો. તો એમાં તમને વાંધો શું ? પ્રશ્નકર્તા : કશો વાંધો નહીં. દાદાશ્રી : ત્યાં પૈસા આપીને હેલ્પ લેવાની છે અને આમાં છે તે પૈસા ના આપવા પડે. આપણે અહીં કહેવું પડે કે મને હેલ્પ આપજો. એટલે તમારે અમને કહી દેવાનું કે મારે આ દિશામાં જવું છે ને મને આટલું ગોઠવી આપો. તો અમે ગોઠવી આપીએ પછી. બાકી, એ રોંગ બિલિફ તમારે ફ્રેકચર નહિ કરવાની, એ અમારે ફ્રેકચર કરી આપવાની. એ તમારાથી ના થાય. તમારાથી થતી હોય તો તો અનંત અવતારથી તમે છો જ ને ! એટલે એ ડૉકટરનું કામ છે. તમારે તો એક કલાક ડૉકટરને દેહ સોંપવાનો કે 'ભાઈ, તમારે જે ઓપરેશન કરવું હોય તે કરી નાખો મારું, ને મારો ઉકેલ લાવી આપો.' એટલે કામ થઈ જાય. અત્યારે તો કેટલી બધી 'રોંગ બિલિફો' બેઠેલી છે ! આ 'રોંગ બિલિફો' અમારે 'ફ્રેક્ચર' કરવાની અને 'રાઈટ બિલિફ' બેસાડી દેવાની, એટલે પછી તમે અંતરાત્મા થઈ જાવ. પછી પૂર્ણાહુતિ એમ ને એમ થયા કરે !! અને આ કંઈ પોપાબાઈનું રાજ નથી. હું એક કલાકમાં મોક્ષ આપું છું, તે આ પોપાબાઈનાં રાજથી થતું નથી. આવું બની શક્યું નથી, આ તો અપવાદ માર્ગ છે. જ્યાં નિયમ હોયને, ત્યાં અપવાદ હોયા વગર રહે જ નહીં. એવો આ અપવાદ માર્ગ છે ને એનો નિમિત્ત હું બની ગયો છું. એ નિઃશંકતાથી પ્રાપ્તિ ! અત્યારે 'હું ચંદુલાલ છું' એ 'રોંગ બિલિફ' બેઠી છે. 'હું કલેક્ટર છું' એ રોંગ બિલિફ છે. એ બધી 'રોંગ બિલિફો' 'જ્ઞાની પુરુષ' 'ફ્રેકચર' કરી આપે અને 'રાઇટ બિલિફ' બેસાડી આપે, 'પોતે' એને 'એક્સેપ્ટ' કરે, પોતાનું મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું એને 'એક્સેપ્ટ' કરે, 'પોતે' સંશયરહિત થાય, નિઃશંક થાય, ત્યારે કામ થાય. આ તો અનંત અવતારનાં સંશયો ભરેલા છે. એ બધાં 'જ્ઞાની પુરુષ' ફ્રેક્ચર કરી આપે, ત્યારે 'પોતે' સંશયરહિત થાય અને ત્યારે પરમાત્માની પ્રતીતિ બેસે. એ જે શ્રદ્ધા થાય છે એ 'રાઇટ બિલિફ' છે. એટલે તમે આત્મા જોઈ શકો, આત્માનું ભાન તમને થાય ને તમે આત્મરૂપ થઈ શકો. પછી આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, બીજું શું રહ્યું ? ને ખાવા-પીવાની બધી છૂટ. આ જ્ઞાન એવું છે કે અહીં આગળ ત્યાગ કરવાની વસ્તુઓ બે, - રોંગ બિલિફ અને રોંગ જ્ઞાન. મિથ્યાત્વનું સ્વરૂપ ! 'હું ચંદુભાઈ છું' એ ઊંધી શ્રદ્ધા બેઠી છે, તે ઘણું ય ભૂલવા માગે તો ય એ ભૂલાય ? એ તો રીતસર 'જ્ઞાની'ના આધારે એનો તાર કપાઈ જવો જોઈએ. સૂક્ષ્મ તારો, શ્રદ્ધાના તારો બેઠેલા હોય છે. એ 'રોંગ બિલિફો' તૂટે અને 'રાઈટ બિલિફ' બેસે તો કામ લાગે ! વિનાશી વસ્તુમાં પોતાનું સુખ માનવું ને 'પોતાનું' અવિનાશી સુખ ના સમજવું એ 'રોંગ બિલિફ' તે મિથ્યાદર્શન. ને 'રાઈટ બિલિફ' તે 'સમ્યક્ દર્શન' ! સમ્યકત્વનું સ્વરૂપ ! એટલે રોંગ બિલિફો ફ્રેકચર થાય ત્યારે રાઈટ બિલિફ બેસે. અમે રોંગ બિલિફો બધી ફ્રેકચર કરી આપીએ. તેં 'સમ્યક્ દર્શન' શબ્દ સાંભળેલો છે ? પ્રશ્નકર્તા : જૈન દર્શનમાં સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર..... દાદાશ્રી : વેદાંતમાં યે લખેલું છે. પ્રશ્નકર્તા : હા, વેદાન્તમાં પણ છે. દાદાશ્રી : સમ્યક્ દર્શન એ આત્મજ્ઞાનનો દરવાજો, મહીં મોક્ષમાં પેસવાનો, પહેલો દરવાજો ! દર્શન એટલે 'બિલિફ'. સુદર્શન એટલે 'રાઈટ બિલિફ'. કુદર્શન એટલે 'રોંગ બિલિફ.' એ રોંગ બિલિફ ખસેડેને, તો રાઈટ બિલિફ એટલે સમ્યક્ દર્શન થાય, તો નીવેડો આવે. આ રોંગ બિલિફ ખસે નહીં અને દહાડો વળે નહીં. નહીં તો આમ એક એકને કાઢવા જઈએ, 'હું કાળો નથી, હું કાળો નથી' એમ દા'ડા વળે કે ? ત્યારે શું છો, કાળો નથી ત્યારે ? એવું પૂછે તો ? રોંગ બિલિફો બેઠી છે. એટલે જ્ઞાની પુરુષ 'હું કોણ છું' એવું ભાન કરાવી આપે. એક ફેરો ભાન થયા પછી પૂર્ણત્વ જ થયા કરે ! બંધન - મુક્તિનું કારણ ! આ તો 'એને' 'રોંગ બિલિફ' છે. એટલે 'કોઝિઝ' ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી 'રોંગ બિલિફ' છે ત્યાં સુધી રાગ-દ્વેષ છે ને 'કોઝિઝ' ઉત્પન્ન થાય છે. અને એ 'રોંગ બિલિફ' બદલાય ને 'રાઈટ બિલિફ' બેસે એટલે રાગ-દ્વેષ ને 'કોઝિઝ' ઉત્પન્ન થાય નહીં ને પોતાનો મોક્ષ થાય પછી ! પ્રશ્નકર્તા : એટલે મોક્ષ પામવો હોય તો 'જ્ઞાની પુરુષ' પાસે જવું પડે ! દાદાશ્રી : અને તે 'જ્ઞાની પુરુષ' પાછાં મોક્ષદાતા પુરુષ હોવાં જોઈએ. મોક્ષનું દાન કોણ આપે ? જે પોતે નિરંતર મોક્ષમાં રહેતા હોય, તે મોક્ષનું દાન આપે. અત્યારે તો 'રોંગ બિલિફ'માં જ છો, એટલે પછી ગમ્મે તે કરશો, શાસ્ત્ર વાંચશો-કરશો તો ય 'રોંગ બિલિફ' જ મજબૂત થયા કરશે, 'રોંગ બિલિફ'ને જ પોષણ મળ્યા કરશે ! જ્ઞાની નિમિત્તે ભેદજ્ઞાન પ્રાપ્ત ! જ્યારે તમને તમારા આત્મધર્મમાં આવવાની ઇચ્છા થાય ત્યારે અહીં આવજો. 'અમે' તેને ધર્મમાં લાવી દઈશું. આત્મા પોતાના ધર્મમાં આવે એટલે બીજું બધું છૂટે ! ચાર વેદ શું કહે છે ? 'ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ !' તું જે આત્મા ખોળે છે તે વેદમાં નથી. 'ગો ટુ જ્ઞાની.' આત્મા પુસ્તકમાં ઊતરે એવો નથી, કારણ કે આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવ્યક્તવ્ય છે. એ શાસ્ત્રમાં શી રીતે ઊતરે ? શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે જ્ઞાન જ્ઞાની પાસે છે અને તે સિવાય આપણો છૂટકારો કોઈ કાળે થાય નહીં. એટલે 'જ્ઞાની'ની જ એમાં જરૂર. ચોવીસ તીર્થંકરો કહેતા આવ્યા છે કે આત્મજ્ઞાન માટે નિમિત્તની જરૂર છે. 'જ્ઞાની' કર્તા હોય નહીં. હું જો કર્તા હોઉં, તો મને કર્મ બંધાય અને તમે નિમિત્ત માનો તો તમને પૂરેપૂરો લાભ ના થાય. મારે 'હું નિમિત્ત છું' એમ માનવાનું ને તમારે 'જ્ઞાનીથી થયું' એમ વિનય રાખવાનો ! પરમ વિનયથી મોક્ષ છે. આત્મા પ્રાપ્ત થઈ ગયો, પોતાના સ્વભાવ માં આવી ગયો, જાગૃત થઈ ગયો, પોતાના ધર્મમાં આવી ગયો, પછી શું બાકી રહે ? બીજું બધું તો ધર્મમાં છે જ. આત્મા એકલો જ ધર્મમાં નહોતો. મન-બુદ્ધિ-ચિત્ત એ બધાં પોતપોતાના ધર્મ બજાવે છે, એમાં આપણો ડખો છે. આપણો એટલે આત્માનો નહીં, આ બેની વચ્ચે 'હું'ની ફાચર છે. 'ઈગોઈઝમ' શાથી છે ? 'રોંગ બિલિફ' ઊભી થાય છે તેથી. બન્નેના ગુણો સર્વથા ભિન્ન ! 'હું ચંદુલાલ છું' એ બિલિફ જ રોંગ છે. આ લોકો બધા જેને આત્મા માને છે તે આત્મા જ નથી. તો પછી આત્મા જડે કેવી રીતે ? જેને આત્મા માન્યો છે ને એ બિલિફ જ રોંગ છે આખી ! એ શું માને છે કે આ જડ હાલે-ચાલે નહીં. જડમાં અમુક લક્ષણો ના હોય, એટલે આ હાલે છે, ચાલે છે, ભાવ કરે છે, ક્રોધ કરે છે, લોભ કરે છે, તેને આ લોકો આત્મા માને છે. ત્યારે આપણે એ સંતોને પૂછીએ કે ભઈ, તમને આત્મજ્ઞાન થયું ? ત્યારે એ કહે, 'ના, આત્મજ્ઞાન નથી થયું.' કારણ કે આત્મજ્ઞાન તો એ જે માને છે એનાથી પર છે. આ બધા જે ભાવાભાવ કરે છે, પ્રેમ કરે છે, રાગ-દ્વેષ આ બધું કરે છે, એને આત્મા માની રહ્યા છે. એ આત્મા નથી, એ પ્રકૃતિ છે. આ બધું પ્રકૃતિ કરી રહી છે. આત્મા તો ક્યારે જડશે ? પ્રકૃતિનો 'એન્ડ' આવશે ત્યારે આત્માની શરૂઆત થાય છે ! તે પ્રકૃતિને આપણે આત્મા માનીને ચાલ ચાલ કરીએ તો ક્યારે આપણો અંત આવે ? એટલે આને શું કરવું પડે ! આત્માના ગુણધર્મ અને પ્રકૃતિના ગુણધર્મ, ચેતનના ગુણધર્મ અને અચેતનના ગુણધર્મ, બધાંને જાણવું જોઈએ. જેમ આ વીંટીમાં તાંબું અને સોનું, બે ભેગું થયેલું હોય તો મિક્ષ્ચર થઈ ગયું છે, એટલે એને છૂટું પાડી શકાય. તાંબું અને સોનું, બે કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોય તો તે છૂટું પડી શકે નહીં. કારણ કે કમ્પાઉન્ડ થાય તો ગુણધર્મ જુદી જ જાતના થઈ જાય ! એવી રીતે આની મહીં, આત્મા અને પ્રકૃતિ બધું મિક્ષ્ચર સ્વરૂપે છે, એ 'કમ્પાઉન્ડ' સ્વરૂપે નથી. એટલે જ્ઞાની પુરુષો આને બધું છૂટું પાડી આપે. તો પછી ઓળખાણ થાય આત્માનું ! આત્મજ્ઞાન એટલે આત્માની ઓળખાણ, આત્માનો અનુભવ, આત્માનું લક્ષ ! અત્યારે તો લક્ષ શેનું છે ? 'હું ચંદુલાલ છું' એનું. જીવ-શિવનો ભેદ મટ્યો ! પ્રશ્નકર્તા : પણ આત્મા તો શિવ હતો, તે જીવ કઇ રીતે થઇ ગયો ? દાદાશ્રી : આ ઊંધી માન્યતાથી, 'રોંગ બિલિફ'થી જીવ થઈ ગયો છે. 'જ્ઞાની પુરુષ' આ 'રોંગ બિલિફો' 'ફ્રેક્ચર' કરી આપે અને પછી 'રાઇટ બિલિફ' બેસાડી આપે એટલે 'પોતે' 'આત્મા' જ થઈ જાય પાછો, શિવ સ્વરૂપે થઇ જાય. જીવનો શિવ થવામાં વાર નથી લાગતી. છે જ પોતે શિવ ! પણ એને આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટલે 'રોંગ બિલિફો' બધી બેસી ગઇ છે. એ 'બિલિફ' બદલાય અને 'રાઈટ બિલિફ' બેઠી કે 'પઝલ' 'સોલ્વ' થઇ જાય. એવું છે ને, કર્મ બીજાં કશાં લાગ્યાં નથી. ભાન ખોયું છે એ જ કર્મ લાગ્યાં છે. બાકી પોતે શુધ્ધ જ છે. અત્યારે ય તમારો આત્મા શુધ્ધ જ છે. દરેકનો આત્મા શુધ્ધ જ છે, પણ આ જે બાહ્યરૂપ ઊભું થયું છે તે રૂપમાં પોતાને 'રોંગ બિલિફ' ઊભી થઈ છે. જન્મથી જ પોતાને અહીં તે રૂપમાં અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. સંસાર છે, એટલે બાબો જન્મ્યો ત્યારથી જ એને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે કે 'બાબો આવ્યો, બાબો, બાબો' કહેશે. પછી 'ચંદુ' નામ પાડવામાં આવે. તે લોકો પછી એને 'ચંદુ, ચંદુ' કહે, ત્યારે પોતે માની લે કે 'હું ચંદુ છું.' પછી એને પપ્પાની, મમ્મીની ઓળખાણ કરાવે, 'આ તારા મમ્મી, આ તારા પપ્પા.' એટલે એને 'રોંગ બિલિફ' બેસી ગયેલી છે, તે ઊખડતી જ નથી. એ 'રોંગ બિલિફ' 'જ્ઞાની પુરુષ' તોડી આપે ત્યારે 'રાઇટ બિલિફ' બેસે, ને ત્યારે ઉકેલ આવી જાય ! એટલે આત્મા તો શુધ્ધ જ છે, આ તો ખાલી દ્રષ્ટિફેર જ છે !! શરૂઆત આની ક્યારે થઈ ? પ્રશ્નકર્તા : પણ આની શરૂઆત કેવી રીતે થઇ ? દાદાશ્રી : આ તો અવિનાશી વસ્તુઓ ભેગી થવાથી આ બધી અવસ્થાઓ ઊભી થઇ છે ! આ સંસાર એટલે સમસરણ માર્ગ અને સમસરણ એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે. આ પરિવર્તનથી તમારો આત્મા અશુધ્ધ જ છે એવું તમને તમારા માટે લાગે છે, પણ મને તમારો આત્મા શુધ્ધ જ દેખાય છે. ફક્ત તમારી 'રોંગ બિલિફો' બેઠી છે, તેથી તમને અશુધ્ધતા મનાય છે. એ 'રોંગ બિલિફો' હું 'ફ્રેકચર' કરી આપું અને તમને 'રાઇટ બિલિફ' બેસાડી આપું, એટલે તમને પણ શુધ્ધ દેખાય. જન્મથી અજ્ઞાન સંસ્કાર ! લોકો તો 'મિકેનિકલ' આત્માની પાછળ જ પડ્યા છે. એને જ કહેશે, 'આ જ આત્મા ! આત્મા સિવાય આ બધું કરી કોણ શકે ?' એવું જ જાણે છે. આ તો આત્માની હાજરીથી થઈ રહ્યું છે અને એના પોતાના અસલ ગુણો તો પોતાના સ્વભાવમાં જ છે ! પણ 'રોંગ બિલિફ'થી વ્યતિરેક ગુણોવાળી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે ને પ્રકૃતિથી બધું પછી ચાલે છે ! પણ 'રોંગ બિલિફ' એવી ને એવી જ રહે છે કે 'હું આ છું ને તે હું છું.' સાચી વસ્તુની 'એને' ખબર પડતી નથી. કારણ કે જન્મથી જ એવા સંસ્કાર આપવામાં આવે છે. પહેલો બાબો કહેવામાં આવે છે, પછી એનું નામ પાડવામાં આવે છે. નામ પાડે, તે નામને પછી ભત્રીજો, કાકો, મામો કહેવામાં આવે છે અને આમ બધા ભયંકર અજ્ઞાનતાના સંસ્કાર આપવામાં આવે છે. સંસાર એટલે અજ્ઞાનતામાં જ ઘાલ ઘાલ કરવો. એટલે ગયા અવતારનો જ્ઞાની હોય ને, તેને ય આ અવતારમાં અજ્ઞાનતાના પાછાં એને પડઘા પડે. પણ ઉદય આવેને, તે ફરી પાછો જાગૃતિમાં આવી જાય. પણ આ સંસારનો ક્રમ જ એવો છે કે 'રોંગ બિલિફ' લોકો એને 'ફીટ' કરી આપે. ઓળખો નિજ સ્વભાવ ! સ્ટીમ કોલ જો બૂમો પાડે કે 'જો મને ટાઢ વાય છે, જો ટાઢ છે' ત્યારે આપણે શું કહીએ ? મૂઆ, તારે લીધે તો બધાની ટાઢ ઊડે છે ઉલટી ! તને શી રીતે ટાઢ વાતી હશે ? આ સૂર્યનારાયણ બૂમ પાડેને કે મને ટાઢ વાય છે, ટાઢ વાય છે ! ત્યારે એ તો એક સૂર્યનારાયણ છે, આ તો હજારો સૂર્યનારાયણ છે ત્યાં એ કહે છે 'મને ટાઢ વાય છે' કહે છે ! 'ઓઢાડો, ઓઢાડો' નથી કહેતા શિયાળાની ટાઢમાં ? એ હિમ પડ્યું, એ હિમ પડ્યું. 'અલ્યા મૂઆ, હિમ તારી પર શી રીતે પડે ? હિમ તો ગરમ ચીજ ઉપર પડે કે ટાઢી ચીજ પર પડે. તું નથી ગરમ, તું નથી ટાઢો, તારી ઉપર હિમ શી રીતે પડે ?' પોતે તો શુધ્ધાત્મા જ છે પણ જો માની બેઠા છે, એટલી બધી રોંગ બિલિફો ભરી છે કે આનો પાર જ ના આવે. માત્ર આવરાયું દર્શન ! બાકી, મૂળ આત્માને ભ્રાંતિ નથી, આ તો દર્શન જ એનું આવરાયું છે. જે મૂળ આત્માનું દર્શન છે, એ દર્શન જ આખું આવરાયું છે. આ બહારના અજ્ઞાન પ્રદાનથી. આ બહારના લોકો જન્મતાં જ 'એને' અજ્ઞાન આપે છે. પોતે તો અજ્ઞાનીઓ અને પેલાને અજ્ઞાનનાં ઢબે ચઢાવે છે. એટલે એ ય માની બેસે છે, ને માની બેસે છે એટલે દર્શન આવરાય છે. દર્શન આવરાય છે એટલે કહે છે કે 'આ મારા સસરા છે ને આ મારા મામા છે.' અને હું કહું છું કે આ બધી રોંગ બિલિફો છે. પ્રશ્નકર્તા : 'રોંગ બિલિફ' કેવી રીતે બેસી ગઈ ? દાદાશ્રી : 'એને' પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું એટલે. આ લોકોએ બીજું ભાન બેસાડ્યું ને એ જ્ઞાન ફીટ થઈ ગયું. એટલે લોકો કહે એ પ્રમાણે એને શ્રદ્ધા બેસી ગઈ કે ખરેખર 'હું ચંદુભાઈ છું' અને આ બધાં લોકો ય મને 'એક્સેપ્ટ' કરે છે. એમ કરતાં કરતાં 'બિલિફ' કોઈ રીતે 'ફ્રેકચર' થતી નથી. આત્મામાં કશો ફેરફાર થતો નથી. આત્મા તો સો ટચનું સોનું જ રહે છે. સોનામાં તાંબાનું ભેળસેળ થાય, તેથી કંઈ સોનું બગડી જતું નથી ! આત્મા શુધ્ધ જ છે. અત્યારે ય તમારો આત્મા શુધ્ધ જ છે, ફક્ત 'બિલિફો' તમારી 'રોંગ' બેઠેલી છે. તે તમે આ 'ટેમ્પરરી' વસ્તુમાં સુખ માની બેઠા છો. જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, જીભે ચખાય છે એ બધી 'ઓલ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ્' છે અને તે 'ટેમ્પરરી'માં તમે સુખ માન્યું. અત્યારે તમને એ 'રોંગ બિલિફ'ની અસર થઈ છે. એ 'રોંગ બિલિફ' 'ફ્રેકચર' થઈ જાય એટલે 'ટેમ્પરરી'માં સુખ ના લાગે, 'પરમેનન્ટ'માં સુખ લાગે. 'પરમેનન્ટ' સુખ એ સનાતન સુખ છે; એ આવ્યા પછી જાય નહીં. અને એનું નામ જ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય, એ સ્વાનુભવ પદ કહેવાય. એ સ્વાનુભવપદથી આગળ વધતા વધતા પૂર્ણાહૂતિ થાય પછી ! સંજોગોમાં 'બિલિફ'ની આંટી ?! માણસ બહાર નીકળે છે તો પડછાયો ક્યાંથી આવે છે ? બધા સંયોગોથી ! સૂર્યનો સંયોગ ભેગો થાય કે પડછાયો ઊભો થઈ જાય. અરીસાનો સંયોગ ભેગો થાય કે પ્રતિબિંબ ઊભું થઈ જાય. એટલે આ બધું સંયોગોને લીધે થયેલું છે અને તેથી 'બિલિફ' આખી બદલાઈ ગઈ છે. 'સ્વરૂપ' તો તેનું તે જ છે, પણ 'બિલિફ' બદલાઈ છે કે આ શું થઈ ગયું ?! આ ચકલી અરીસાને ચાંચો નથી મારતી ? ચકલી અરીસામાં ચાંચો મારે છે ને ? હવે માણસ એવું ના મારે. કારણ કે એ જાણે છે કે આ તો મારો જ ફોટો છે. પણ ચકલીની 'બિલિફ' બદલાઈ છે કે આ બીજી ચકલી આવી છે એટલે એને ચાંચો માર માર કરે છે. પણ બહુ દહાડા અનુભવ થાય ને એટલે પછી એ 'બિલિફ' તૂટી જાય. એવી આ 'બિલિફ' જ બદલાયેલી છે. આખી 'બિલિફ' જ 'રોંગ' થઈ ગઈ છે, એટલે અહંકાર ઊભો થઈ ગયો ને એટલે બુદ્ધિ ઊભી થઈ ગઈ. અને બુદ્ધિ ઊભી થઈ ગઈ એટલે બુદ્ધિના આધારે, બુદ્ધિની 'લાઈટે' ચાલે છે, ને પેલું મૂળ 'લાઈટ' બંધ થઈ ગયું. એટલે આ ગૂંચાયું છે બધું ! આત્મામાં કશો ફેરફાર થયો નથી. આત્માનું બગડ્યું ય નથી કે આત્માને કશી અસરે ય થઈ નથી. નથી બગડયો આત્મા આમાં ! આ તો બુદ્ધિશાળીઓને બુદ્ધિથી એવું ભાસે છે કે આત્મા કંઈક કરે છે, માટે એ ભોગવે છે. હવે, જગત આખું ય બુદ્ધિના આધીન છે. કારણ કે જ્યાં સુધી 'હું' છે, અહંકાર છે, ત્યાં સુધી બુદ્ધિના આધીન છે, ત્યાં સુધી બુદ્ધિની 'થ્રૂ' જોયા કરે. એટલે સત્ય વસ્તુનું નિરીક્ષણ થાય નહિ. બાકી, 'એક્ઝેક્ટ' જ્ઞાનને જગતમાં જ્ઞાનીઓ ખુલ્લું ના પાડે. છતાં અમે તો ખુલ્લું કહીએ છીએ આ દુનિયાને, કે 'એક્ઝેક્ટ' જ્ઞાનથી જાણવું હોય તો આત્માએ આવું કશું કર્યું જ નથી. આ જે દેખાય છે ને તે બધું કશું બન્યું જ નથી. આ તો ફક્ત બિલિફ જ 'રોંગ' છે. એટલે 'રોંગ બિલિફ' જો કદી કોઈ ફેરફાર કરી આપે તો પાછું હતું તેવું ને તેવું જ થઈ જાય. આત્માનો કશો ભાગ બગડ્યો જ નથી કે એને કશો વાંધો આવ્યો જ નથી. જે 'બિલિફ રોંગ' થઈ છે એ 'બિલિફ' આખી ફેરવી આપે કે પછી હતું તેનું તે જ થઈ જાય, પોતાના સ્વરૂપમાં આવી જાય ને પોતાની શક્તિઓ ખીલી જાય ! માત્ર 'બિલિફ' બદલાઈ ગયેલી છે. બાકી, આત્મા એવું તેવું કશું કરે નહિ. આત્મા તો પરમાત્મા જ છે. આત્મામાં એક ગુણ આવું કરવાનો હોતને તો કાયમનું સંસારીપણું એનું મુક્ત જ ના થાત. આત્મા પોતે નિર્લેપ જ છે, અસંગ જ છે, પણ જો સમજાય તો ! નહિ તો ભગવાનની વાત તમને નહિ સમજાય. એવું છે, બુદ્ધિશાળી સાંભળનાર અને બોલનાર જ્ઞાની, હવે એ બેનો મેળ શી રીતે પડે ?! સાંભળનાર બુદ્ધિશાળી છે, તે બુદ્ધિના માપથી માપે છે. પેલાં જ્ઞાનીના માપથી બોલે છે. એ આને પહોંચે કઈ રીતે ? પછી પોતપોતાની ભાષામાં બધાં સમજી જાય. આ છે સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ! આ તો ખાલી 'રોંગ બિલિફ' જ બેઠેલી છે. ખરી રીતે 'એક્ઝેક્ટલી ફિગર' જોવા જાય તો આખા સંસારદશામાં 'રોંગ બિલિફ' જ હતી, બીજું કશું નથી. આ 'રોંગ બિલિફ' નીકળી ગઈ કે બીજું કશું જ થયું નથી. કર્મ આત્માને ચોંટતાં નથી. 'રોંગ બિલિફ'થી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. હમણાં આ અરીસાની સામું તમે જાવ તો અરીસાને તમારે કશું કહેવું પડે કે મારું મોઢું દેખાડ ? કશું કહેવું ના પડે ને ? કેમ એમ ? અને તો ય એ 'એક્ઝેક્ટ' મોઢું દેખાડે ને ? જરા ય ખોડખાંપણ વગરનું દેખાડે છે ને ? હવે આ અરીસાનો પ્રયોગ રોજનો લાગુ થયો તો એની કિંમત નથી લાગતી. બાકી, એની બહુ મોટી કિંમત સમજવા જેવી છે. અત્યારે ઘરમાં તમારો પડછાયો દેખાય ? ના. અને બહાર રસ્તા ઉપર નીકળશો તો પડછાયો થશે. તે પછી તમે આમ થશો તો ય પડછાયો ઊભો થશે ને આમ થશો તો ય પડછાયો ઊભો થશે. એ પડછાયાને બનાવતાં કેટલો વખત લાગે ? એટલે 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે આ જગત ! કશું જ થયું નથી, કશું જ બન્યું નથી. જગત તો 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' જ છે. આમાં ભગવાનને કશું કરવું પડ્યું નથી. આ પ્રકૃતિ ઊભી થાય છે તે ય 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'થી છે અને પ્રકૃતિ 'ઇફેક્ટિવ' છે. આ મન-વચન-કાયા 'ઇફેક્ટિવ' છે અને તે 'ઇફેક્ટિવ'ની 'એને' અસર થાય છે. કારણ કે 'પોતાને' 'બિલિફ' 'રોંગ' બેઠેલી છે. 'જ્ઞાની પુરુષ' એ 'રોંગ બિલિફ' ફેરવી આપે, પછી 'એને' આ બધી અસર થતી નથી. મૌલિક ફોડ પાડ્યો, જ્ઞાનીએ ! આ આપણે જ શબ્દ બોલ્યા, રોંગ બિલિફ ! નહીં તો તો આ એનું ઉઘાડું જ ના પડત, આ મિથ્યાદર્શન શું છે તે ! મિથ્યાત્વ શું છે એ ઉઘાડું જ ના પડત. લોકોને એ શબ્દ સમજાય જ નહીં. આ તો આપણે રોંગ બિલિફ કહીને, તે બધું ઊડી ગયું. હા, એ બિલિફ જ છે ? હા. ખાલી બિલિફ જ છે. બીજું કંઈ નહીં ? કશું ચોટ્યું યે નહીં ને વળગ્યું નહીં અને તે માની લીધું કે મને વળગ્યું. ત્યારે કહે, 'જા, કાઢ સ્વાદ !' આત્માને કર્મ બંધાયા છે ? પ્રશ્નકર્તા : તો પરમાણુઓ અને કર્મબંધન એ બન્નેની લિંક શું ? કર્મબંધન કેવી રીતે થાય છે ? દાદાશ્રી : આત્માની ચૈતન્યશક્તિ એવી છે કે 'રોંગ બિલિફ'થી વિકલ્પ થાય છે. 'આ હું છું, આ હું છું.' તે 'રોંગ બિલિફ' ઊભી થાય છે અને એ જ કર્મબંધન છે. જેમ અરીસામાં જોવાથી તરત જ ફોટો પડે છે, તેમ પરમાણુઓ સક્રિય હોવાથી જેવો વિકલ્પ થાય કે તરત જ પરમાણુઓ બધાં એવાં ઊભા થઇ જાય છે. મૂળ પરમાણુ 'તત્ત્વ સ્વરૂપે' છે, પછી ભેગા થાય ત્યારે અવસ્થાવાળા થઇ જાય છે. આ બધા સક્રિયના ચમત્કાર છે. આ પુદગલ તત્ત્વ જ 'પોતાને' મૂંઝવે છે. એનું સક્રિયપણું જ મૂંઝવે છે. પુદગલનું સક્રિયપણું એવું છે કે એ અજીવ છે છતાં જીવ જેવું ભાસે છે. જેમ આ ચકલી અરીસામાં પોતાના પ્રતિબિંબને ચાંચ મારે છે એમ ! એટલે આ તો ખાલી બિલિફ રોંગ થઈ ગયેલી છે, બાકી બીજું કશું છે નહીં. આત્માએ કર્મ બાંધ્યાં નથી ને આ તો બધું ઠોકાઠોક ચાલેલું છે. કર્મ બાંધે તો તો આ એનો કાયમનો સ્વભાવ થઈ જાય અને કાયમનો સ્વભાવ પછી જાય જ નહીં. આ તો બધી અવળી સમજણ ઠોકી બેસાડેલી છે. ભગવાને કહ્યું જુદું ને લોકો સમજ્યા જુદું. ભગવાને કહેલાનો એક અક્ષરે ય લોક સમજી શકતાં નથી. તો કર્મ બંધાય કઈ રીતે ? પ્રશ્નકર્તા : તો પછી આ બધાં કર્મ બંધાય છે કેવી રીતે ? દાદાશ્રી : કર્મ શાથી બંધાય છે એ તમને કહું ? કર્મ તમે કરતાં નથી છતાંય તમે માનો છો કે 'હું કરું છું' માટે બંધન તમારું જતું નથી. ભગવાન પણ કર્તા નથી. ભગવાન કર્તા હોત તો એમને બંધન થાત. એટલે ભગવાન કર્તા નથી અને તમેય કર્તા નથી. પણ તમે માનો છો 'હું કરું છું' તેથી કર્મ બંધાય છે. હવે 'હું ચંદુભાઈ છું' એ તમારી માન્યતા રોંગ બિલિફ છે, એમાંથી કર્મ બંધાય છે. આત્માને સંબંધ ક્યાં સુધી ? પ્રશ્નકર્તા : આત્માને પુણ્યૈથી કશો સંબંધ છે ? દાદાશ્રી : કશો સંબંધ નથી. પણ જ્યાં સુધી 'બિલિફ' એવી છે કે 'આ હું કરું છું' ત્યાં સુધી સંબંધ છે. જ્યાં 'હું કરતો નથી' એ 'રાઈટ બિલિફ' બેસી જાય ત્યાર પછી આત્માને અને પુણ્યને કંઈ સંબંધ નથી. માન્યતા બદલાયે, કર્મ મુક્તિ ! પ્રશ્નકર્તા : કર્મ છે અને માન્યતા છે, એ બેનો સંબંધ શો ? કારણ કે કોઈ એક ખોટી 'બિલિફ' તૂટી ગઈ, તે ઘડીએ એકદમ હળવાશ અનુભવે. તે ઘડીએ કર્મથી નિવૃત્ત થયો કહેવાય ? દાદાશ્રી : એ તો 'રોંગ બિલિફો'થી નિવૃત્ત થાય છે ! પ્રશ્નકર્તા : તો એટલાં કર્મ બળ્યાં કે ના બળ્યાં ? દાદાશ્રી : ના, એ જ કર્મ બદલાય છે ને ! 'બિલિફ' નિવૃત્ત થાય એટલે કર્મો શાંત થઈ જાય, એ શાતા વેદનીયમાં ગયું. પ્રશ્નકર્તા : આ જે કર્મ વળગ્યાં છે એ ? દાદાશ્રી : માન્યતા બદલાઈ એટલે જે કર્મ બધાં વળગ્યાં છે ને, એ બધાં છૂટાં થવા માંડે છે. માન્યતા બદલાઈ એટલે કર્મ બધાં છૂટાં થતાં જાય. નહિ તો માન્યતા ના બદલાઈ હોય તો કર્મો છૂટાં થાય નહીં. આ તો બધી 'રોંગ બિલિફો' જ છે. પોતે પરમાત્મા છે, પણ જુઓને આ દશા શી થઈ છે ! ભેદ ભાસે છે માત્ર ! પ્રશ્નકર્તા : તો આ ભિન્નત્વ આત્મા- પરમાત્મા, એ કોણે ઉત્પન્ન કર્યું ? દાદાશ્રી : નહીં, ભિન્નત્વ છે જ નહિ. એને દેખાય છે એ એની 'રોંગ બિલિફ' જ છે. જેમ એક માણસે અહીં આગળ દહાડે પુસ્તક વાંચ્યું હોય અને એમાં ભૂતની વાત કંઈ વાંચવામાં આવી હોય અને રાતે એકલો હોય ને રૂમમાં સૂવા ગયો અને બીજી રૂમમાં ઉંદરડાએ કંઈક પ્યાલો ખખડાવ્યો કે તરત આ ય ફફડે. હવે એ જ્યારથી એને ભૂત મનમાં પેઠું, તે નીકળે નહિ ત્યાં સુધી એને ભૂતની અસર રહ્યા કરે ! એવી આ અસરો છે !! 'બિલિફ'થી 'બિલિફ'નો છેદ ! પ્રશ્નકર્તા : હવે આ 'રોંગ બિલિફો'ને પાછી આ 'રાઈટ બિલિફ' બેસાડીએ, તો 'રાઈટ બિલિફ'નો ય લાભ મળે ને ? પણ એ ય 'બિલિફ' તો ખરી જ ને ? અને 'બિલિફ' છે ત્યાં સુધી એનાં ફળમાં કર્મ તો રહે જ ને ? દાદાશ્રી : પણ 'રાઈટ'માં તો 'બિલિફ' જ નથી. આ તો 'રોંગ બિલિફ'ને છેદ કરવા માટે 'રાઈટ બિલિફ' છે. નહિ તો 'રોંગ બિલિફ'નો છેદ થાય નહિ ને ! અને 'રાઈટ બિલિફ'થી 'રોંગ બિલિફ'નો છેદ કરે ત્યારે 'રાઈટ બિલિફ'થી પોતાની મેળે જ, ખુદસે જ ખુદનો છેદ થઈ જાય છે. એટલે પછી એને કોઈ છેદ કરવાનો રહેતો નથી ! એવાં ક્રમથી આ બધું ગોઠવાયેલું છે. નહિ તો વધતું વધતું પાર જ ના આવે એનો. આ સમ્યક્ દર્શન છે ને, 'રાઈટ બિલિફ' છે ને, તે પોતે જ ઓગળી જાય છે. 'રાઈટ બિલિફ' સ્વ-સત્તાધારી છે અને 'રોંગ બિલિફ' પરસત્તા છે. ભગવાન ઓળખવાનું સાધન ! 'રોંગ બિલિફ' કોને થઈ ? જે 'રોંગ બિલિફ'નો માલિક થાય 'તેને'. રોંગ બિલિફથી સંસાર છે, ને 'રોંગ બિલિફ' ફરે તો ભગવાન થાય ! રાઈટ બિલિફ એ જ ભગવાનને ઓળખવાનું સાધન. ઓળખ્યા પછી એ જાય જ નહીં. એ રાત-દિવસ સામા આવે, આપણે યાદ કરવાં ના પડે. યાદ કરવું પડે એ બધું જડ, એ ચેતન નહીં, ભગવાન નહીં. એ જ અહંકાર ! પ્રશ્નકર્તા : રોંગ બિલિફ આપણે કહીએ છીએ એ અને અહમ્ભાવ એ એક જ ? દાદાશ્રી : રોંગ બિલિફ એ જ અહંકાર છે અને રાઈટ બિલિફ એ શુધ્ધાત્મા છે ! પ્રશ્નકર્તા : આ રોંગ બિલિફ ઊભી થઈ, પણ એની જગ્યા ક્યાં છે આમાં ? આ વિજ્ઞાનમાં એની જગ્યા ક્યાં છે ? દાદાશ્રી : અહંકારમાં. રોંગ બિલિફથી અહંકાર ઊભો થયો અને અહંકારથી રોંગ બિલિફ ઊભી થઈ. પ્રશ્નકર્તા : તો આમાં પહેલું કયું ? રોંગ બિલિફ કે અહંકાર ? દાદાશ્રી : ગોળમાં(રાઉન્ડમાં) પહેલું કશું હોય નહીં. ગોળમાં પહેલું કશું હોતું હશે ? પહેલું બધું બુદ્ધિ ખોળે. 'ઉસમેં પહેલાં કૌન ?!' ત્યારે કહી દે, કયું પહેલાં ખોળવા નીકળ્યા ?! ઝાડ પહેલું કે બીજ પહેલું ? પ્રશ્નકર્તા : પહેલું નહીં તો છેલ્લું કયું એ કહો. દાદાશ્રી : પહેલું ય ના હોય ને છેલ્લું ય ના હોય. એ વસ્તુ જ નથી. માન્યતા જ છે ખાલી. રોંગ બિલિફો જ છે. જ્ઞાનમાં એવું કશું હોતું જ નથી. બિલિફમાં જ છે ખોટું. જ્ઞાનમાં ખોટું હોતું નથી. નહીં તો આત્મા જુદો થઈ જાય ! બિલિફ અહંકારને કે બુદ્ધિને ? પ્રશ્નકર્તા : તો આ બિલિફના સંસ્કાર અહંકાર ઉપર પડતા હશે ? આ મારો ભાઈ થાય, મારી બેન થાય, આ મારો સગો થાય. દાદાશ્રી : બળ્યું, એ તો લોકોનું જોઈને શીખ્યો બધું. એ લોકસંજ્ઞા છે બધી. દેખીને શીખે છે. પેલો કહેશે, 'દેખો, હમારા સાલા આયા.' એટલે આ નાનો હોય તે કહેશે, 'હું હઉ પૈણીશ ત્યારે મારે ય સાળા આવશે.' એ લોકસંજ્ઞા બધી. પ્રશ્નકર્તા : એ લોકસંજ્ઞા, રોંગ બિલિફ ગ્રહણ કોણ કરે છે ? દાદાશ્રી : અહંકાર જ બધું કરે. અહંકાર આંધળો છે. દેખતો જ નથી બિચારો. અને બુદ્ધિની આંખે ચાલે એ. હવે બુદ્ધિ કહેશે, એ તો આપણાં મામા સસરા થાય. ત્યારે કહે, સારું ! પ્રશ્નકર્તા : એટલે આ બધા બુદ્ધિના જ વાંધા હશે ને ? દાદાશ્રી : બુદ્ધિને લઈને જ આ સંસાર ઊભો થયો છે. પ્રશ્નકર્તા : તો બિલિફ પણ બુદ્ધિમાં ના આવે ? દાદાશ્રી : ના, ના. રોંગ બિલિફ અહંકારથી છે. બુદ્ધિને બિલિફ કરવાનો રસ્તો જ નથી. એ તો આ અહંકારને બધું ય રોંગ બિલિફ છે. રોંગ બિલિફ કરનારો ય પોતે રોંગ બિલિફ છે. રોંગ બિલિફમાં રહીને રોંગ બિલિફ કરે છે. એ રાઈટ બિલિફમાં રહીને રોંગ બિલિફ નથી કરતો. પ્રશ્નકર્તા : રાઈટ બિલિફમાં રહીને રોંગ બિલિફ થાય જ નહીંને ! દાદાશ્રી : તો તો થાય જ નહીં. પ્રશ્નકર્તા : આ રોંગ બિલિફ જડમાં છે કે ચેતનમાં ? દાદાશ્રી : જડમાં જ. ચેતનમાં નામે ય નહીં. ચેતનને કશું લેવાય નહીં ને દેવાય નહીં. સાઢું-સહિયારું ય નહીં. પ્રશ્નકર્તા : પણ આ બુદ્ધિમાં ના ગણાય ? દાદાશ્રી : બુદ્ધિ સલાહકાર છે ખાલી. એ તો છે પ્રેસીડન્ટનું કામ, વડાપ્રધાન સલાહ આપે. અંધા એ અહંકાર જ. બધું ય એમનું જ છે અને પાછો કહેશે, 'આ હું જ છું.' બુદ્ધિ ય ના બોલે કે આ હું છું. ચંદુભાઈ ય હું, આમનો સસરો ય હું થઉં, આમનો મામો ય હું થઉં, બધું એ જ. બુદ્ધિને ભાગ કશું ય નહીં. લુખ્ખી ને લુખ્ખી, સમજણે ય એ પાડે છે, અહંકાર એની આંખે જ ચાલવાનો. આજ તો તમે ઊંડા ઉતર્યાને, નહીં તો આ લોકો ઊંડા ઉતરે ! પ્રશ્નકર્તા : આપણે તો એક જ માનીને બેઠાં છીએ કે મોક્ષમાં જવું છે. દાદાશ્રી : હા, બસ. પ્રશ્નકર્તા : બીજી ભાંજગડ નહીં. પણ આવું બધું કો'કવાર કંઈ ક્યાંક જરાક પેલું હોય તો નીકળી જાય ને ! દાદાશ્રી : હા. બાકી કોઈ ગૂંચવે નહીં. પ્રશ્નકર્તા : ના. ગૂંચવે નહીં. ગૂંચાય એવું છે નહીં આ વિજ્ઞાન. દાદાશ્રી : હા. આપણે ના ગૂંચાઈએ ! બિલિફને સંબંધ કોની જોડે ! પ્રશ્નકર્તા : આ રોંગ બિલિફ અને પુદગલને સંબંધ ખરો ? દાદાશ્રી : એવું કશું નહીં, રાઈટ બિલિફ હોય તો એવું કર્યા કરે અને રોંગ બિલિફ હોય તો એવું કર્યા કરે. બીજું કશું એમાં એને પોતાને સંબંધ છે જ નહીં. બિલિફ પ્રમાણે પરિણામ થયા કરે. પ્રશ્નકર્તા : પુદગલ સાથે સંબંધ નથી પણ રોંગ બિલિફનું પુદગલમાં પરિણામ ઉત્પન્ન થયા વગર રહે નહીં, એવું કહો છો તો પછી એ રોંગ બિલિફને અને રાઈટ બિલિફને ચેતન સાથે સંબંધ ખરો ? દાદાશ્રી : ખરો ને ! મૂળ ચેતન જોડે નહીં, પણ જે ઊભું થયું તે અહંકાર સાથે સંબંધ છે. પ્રશ્નકર્તા : એ બરાબર ન સમજ પડી. દાદાશ્રી : બિલિફો અહંકારની છે. રોંગ બિલિફો આમ જ ઊભી થાય છે, મૂળ અહમ્ને. એ પરમાણુ નથી. સંયોગોના આધારે અહંકાર ઊભો થાય છે અને અહંકારના આધારે સંયોગ ટક્યો છે. જેનો અહંકાર ગયો, તેના સંયોગ ગયા. 'રોંગ બિલિફ'થી બધું ઊભું છે ! જ્ઞાન સાક્ષાત્કાર પામ્યા પછી... પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી નિરંતર અહંકારરહિત કેવી રીતે થઈ શકાય ? દાદાશ્રી : આ જ્ઞાન મળ્યા પછી એ દશા જ થયેલી છે તમારી. 'હું ચંદુભાઈ છું' એ ડ્રામેટિક (નાટકીય) એટલે નામને જાણવા ખાતર અને 'હું ખરેખર ચંદુભાઈ નથી ને હું શુધ્ધાત્મા છું' એ જ અહંકારરહિત. પહેલાં તો 'હું ખરેખર ચંદુભાઈ જ છું' બોલતા'તા. એનું નામ જ અહંકાર અને 'હું ચંદુભાઈ નથી અને ખરેખર હું શુધ્ધાત્મા છું' એ અહંકાર જતો રહ્યો. 'હું શુધ્ધાત્મા છું' એવું ભાન થાય, તે પછી અહંકાર નહીં અને 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી અહંકાર ! પ્રશ્નકર્તા : રોંગ બિલિફ આપણે કહીએ છીએ એ અને અહમ્ભાવ એ એક જ ? દાદાશ્રી : રોંગ બિલિફ એ જ અહંકાર છે અને રાઈટ બિલિફ એ શુધ્ધાત્મા છે ! મૂળ જગ્યાએ 'હું' હતું ને તે આરોપિત જગ્યાએ બેસે, એનું નામ અહંકાર. કલ્પિત જગ્યાએ જ્યાં નથી ત્યાં આગળ હું બોલવામાં આવે એ જ ઈગોઈઝમ અને મૂળ સ્વરૂપ બેસે 'હું શુધ્ધાત્મા છું' એને ઈગોઈઝમ ના કહેવાય, એ છે જ, હકીકત છે જ. રાઈટ બિલિફ ત્યાં ગર્વ નથી ! પ્રશ્નકર્તા : આપણી 'થિયરી' પ્રમાણે તો 'વ્યવસ્થિત' ચલાવે છે, તો ય ગર્વરસ થયા જ કરે ને, એનામાં ? દાદાશ્રી : ના. ગર્વ થાય જ નહીં ને ! ગર્વ તો, જ્યાં સુધી 'હું ચંદુભાઈ છું' એવું 'ડિસાઈડ' થાય ત્યાં સુધી જ ગર્વ છે. 'રોંગ બિલિફ' છે ત્યાં સુધી ગર્વ છે અને 'રોંગ બિલિફ' ગઈ એટલે ગર્વ રહેતો જ નથી. પ્રશ્નકર્તા : 'રોંગ બિલિફ' તો જતી નથી ને, જલદી ? દાદાશ્રી : 'રોંગ બિલિફ' જતી જ રહે ને ! અમે એ કાઢી આપીએ છીએ. બધાં કેટલાંય જણની 'રોંગ બિલિફ' જતી રહી છે ને ! પ્રશ્નકર્તા : જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના કરાવો, ત્યાં સુધી એ 'રોંગ બિલિફ' જાય નહીં ને ? દાદાશ્રી : ના જાય. એ ભાન આવવું જોઈએ. 'હું ચંદુભાઈ નથી, ચંદુભાઈ તો ખાલી ડ્રામેટિક છે' એવું ભાન આવવું જોઈએ. પછી અંદર સંયમ વર્ત્યા કરે. અને અંદરનો, આંતરિક સંયમ વર્ત્યો એટલે પછી ગર્વરસ ના ચાખે. સંયમનું સુખ એટલું બધું ઉપજે કે એને ગર્વરસ ચાખવાની જરૂર જ ના પડે. આ તો એને સુખ નથી, તેથી એ ગર્વરસ ચાખે છે. કોઈ પણ જાતનું સુખ ના હોય ત્યારે આવું આ સુખ તો ખરું જ ને ! બુદ્ધિ ભમાવી દે ! ત્યાં ચેતો ! પ્રશ્નકર્તા : છતાં રાઈટ બિલિફમાં પ્રકૃતિ જવા દેતી નથી. દાદાશ્રી : એ તો ના જવા દે. કારણ કે પ્રકૃતિમાં બુદ્ધિ આવે અને બુદ્ધિ એવી છે કે એ સંસારની બહાર જવા ના દે. મોક્ષની વાત આવી એટલે બુદ્ધિ આપણને 'આમાં શું લાભ છે, ખરો લાભ તો પેલો છે' એમ નફો-નુકસાન દેખાડે. નફો ને નુકસાન બે જ દેખાડે, એનું નામ બુદ્ધિ ! જ્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યારે ઊકેલ આવે. ત્યાં સુધી બુદ્ધિ તો એને ભટકાય ભટકાય કર્યા કરે ને તેલ કાઢી નાખે ! બુદ્ધિથી તો કોઈ માણસની, એક વાર તો દ્રષ્ટિ જ ના બદલાય. બુદ્ધિ કોઈ દહાડો દ્રષ્ટિ બદલવા જ ના દે. અભિપ્રાયથી ઊભું થયું મન ! પ્રશ્નકર્તા : આ દેહ તો પંચ મહાભૂત છે, એમાં તો કશું છે જ નહીં અને આત્મા તો નિરાળો જ છે, જુએ ને જાણે. એને કંઈ લેવા- દેવા નથી. તો આ મન વચ્ચે ક્યાંથી ઉપસ્થિત થયું ? દાદાશ્રી : એ આત્મા શુધ્ધ છે. આ પંચ મહાભૂત છે. આ બધું પાંચ તત્ત્વો છે, પણ તમે એમ માન્યું કે 'હું ચંદુભાઈ છું', ત્યાંથી જ પછી મન ચાલુ થયું. 'હું ચંદુભાઈ છું' એ રોંગ બિલિફ છે, અને પછી આ તો ભઈ... આનો આમ થઉં, આનો વેવાઈ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં માન્યું. પછી એના પર પછી અભિપ્રાય બેઠાં. અને અભિપ્રાયથી મન ઊભું થયું છે આ. 'હું ચંદુભાઈ છું' એ રોંગ બિલિફ છે. તે 'હું કોણ છું' એ ભાન થાય, રાઈટ બિલિફ બેસે તો ઉકેલ આવી જાય. રોંગ બિલિફથી આ બધું આખું ઊભું થયું છે. એટલે બંધનું કારણ રોંગ બિલિફ છે અને ઉકેલનું કારણ રાઈટ બિલિફ છે. બિલિફ જુદી : અભિપ્રાય જુદાં ! પ્રશ્નકર્તા : તો દાદા, અભિપ્રાય અને બિલિફ, એ બેની વચ્ચે શું ફેર ? દાદાશ્રી : આ તમને 'હું શુધ્ધાત્મા છું' એ બિલિફ છે, તેને ને અભિપ્રાયને શું લેવા-દેવા ? પ્રશ્નકર્તા : નાના સ્ટેજમાંથી અભિપ્રાય પાકો થતાં બિલિફ થઈ જાય ? દાદાશ્રી : ના. બેને લેવા-દેવા જ નહીં ને ! ઉત્તર-દક્ષિણ જેવા જ. રોંગ બિલિફ ને રાઈટ બિલિફ, બે જ જાતની બિલિફ. અભિપ્રાય તો અનેક જાતના. અને તે ય રોંગ બિલિફ હોય તો જ બેસે. રાઈટ બિલિફ હોય તો ના બેસે. 'હું શુધ્ધાત્મા છું' તો અભિપ્રાય ના હોય. પ્રશ્નકર્તા : એને પછી રાગ-દ્વેષ હોય નહીં. દાદાશ્રી : હોય જ નહીં. પ્રશ્નકર્તા : વસ્તુ રંગે કાળી હોય તો એ કાળી છે એમ કહે છે, પણ સારી છે કે ખોટી છે એમ ના કહે. દાદાશ્રી : એવું છે ને કે કાળી કહેવામાં વાંધો નથી. જ્યાં સુધી અજ્ઞાની છે, ત્યાં સુધી અભિપ્રાય હોય જ. અને જ્ઞાની હોય તેને અભિપ્રાય બેસે નહીં. પાંચ આજ્ઞા પાળે તેને કોઈ પણ જાતની જવાબદારી છે જ નહીં. પણ આજ્ઞા ના પાળે તેને શું થાય ? અભિપ્રાયોની જન્મદાતા રોંગ બિલિફ છે. પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી રોંગ બિલિફ જાય છે. તો ય અભિપ્રાયોનું અસ્તિત્વ તો હોય છે. દાદાશ્રી : હા. રોંગ બિલિફ જાય પછી અભિપ્રાય જાય. એવી એક નહીં પણ ઘણી બધી ચીજો કાઢવાની છે, ગણી ગણીને ! પણ રોંગ બિલિફ ગઈ હોય તે એ જાય બધાં. જેનું મૂળ ઊડી ગયું એ ઝાડ પછી સૂકાઈ જાય. સંસારનું મૂળ, રોંગ બિલિફ ! પ્રશ્નકર્તા : એટલે બધાનું મૂળ આ રોંગ બિલિફ છે. દાદાશ્રી : હા. આખા સંસારનું મૂળ જ રોંગ બિલિફ છે, ધોરીમૂળ. એ રોંગ બિલિફ ગઈ એટલે આપણને બધી ભૂલોની તરત ઓળખાણ પડી જાય. ઓળખાણ પડે કે ભૂલ જાય. જ્યાં સુધી ઓળખાણ ના પડે ત્યાં સુધી ભૂલો ના જાય. અભિપ્રાય એ નુકસાન કરે છે એવું ખબર ના પડે, સમજણ ના પડે ત્યાં સુધી એ જાય નહીં. માણસને અભિપ્રાય આપવાં બહુ સરળ થઈ પડે છે, સહેલું આવડે છે. એટલું સરળ છે કે ન પૂછો વાત ! પ્રશ્નકર્તા : એ તો ઊંધું ચાલવાનું થયું ને ? દાદાશ્રી : હા, 'નાલાયક છે, બદમાશ છે કે ચોર છે' બધું કહે, અભિપ્રાય આપ્યો કે જવાબદારી મોટી આવી. પ્રતિબદ્ધતા શેનાથી ? પ્રશ્નકર્તા : એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ ? કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલિફો પ્રતિબદ્ધ કરે છે. દાદાશ્રી : રોંગ બિલિફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા એટલે બંધાયાને ? માટે એ પ્રતિબદ્ધ કરે છે. તો ય એ આપણા જ્ઞાનીઓ માટે રોંગ બિલિફો છે. બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું, તે પોતાને જ બાંધે છે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય, તો ત્યાં હોટલમાં બોલાવ્યા વગર છોડે નહીં ! જલેબી એને બાંધે છે. તને નહીં બાંધેલું કશાએ ? મૂળ ભૂલ કઈ થઈ ? આ પ્રકૃતિ દેખાય છે જીવંત, પણ ખરી રીતે એ જીવંત નથી. સામાસામી જે કંઈ પણ કહે છે, તોફાન માંડે છે, તેમાં ય ચેતન નથી. ખાલી 'રોંગ બિલિફ' જ છે કે 'મેં કર્યું !' આત્માની હાજરીમાં આ બધું થઈ રહ્યું છે. ખાલી હાજરી જ છે. આમાં જવાબદાર કોણ ? આમાં ભૂલ શી ? ત્યારે કહે, 'કરે છે બીજો ને કહે છે કે હું કરું છું' એ ભૂલ છે. એને ભાંગી નાખો તો ઉકેલ આવે. 'પુરુષ' અચળ જ છે, કાયમને માટે. અત્યારે પણ અચળ છે અને 'પ્રકૃતિ' સચર છે. પ્રકૃતિ 'મિકેનિકલ' છે. માટે તેને ચંચળ કહ્યું. આ 'મિકેનિકલ'પણું કોઈ દહાડો ય છૂટે નહીં. 'તમારી' જે 'રોંગ બિલિફ' છે, તેનાથી 'હું'પણાનો આરોપ થયો છે કે 'આ હું છું.' જે 'તમે' નથી ત્યાં આરોપ કરવામાં આવ્યો છે. આત્મદ્રવ્ય બગડ્યુંં નથી ! આત્માનો સ્વભાવ એવો છે કે જેવી 'બિલિફ' ફરે તેવો થઈ જાય. તેમાં આત્મા તો તેનો તે જ રહે, માત્ર પરિણામ બદલાઈ જાય અહંકારને લઈને. બાકી આત્મા તો તેનો તે જ રહે છે, પણ ખાલી 'બિલિફ' બદલાય છે, દ્રવ્ય નથી બદલાતું. મૂળ દ્રવ્યને કશી અસર જ નથી થતી. આ તો ભ્રામક માન્યતાઓ જ છે. દ્રવ્ય બગડતું નથી. દ્રવ્ય બગડતું હોય તો તો મોક્ષ થાય જ નહીં કોઈનો. 'જ્ઞાન' બદલાતું નથી, ખાલી 'બિલિફ' જ બદલાય છે. ફેરફાર થયો અવસ્થામાં ! મિશ્ર ચેતન તો, આ જે ચેતન દેખાય છે ને, તે બધાં મિશ્ર ચેતન જ છે. આ તો ખાલી 'રોંગ બિલિફો' બધી પેસી ગઈ છે. બિલિફ એટલે 'બિલિફ', તે જેવી તેવી ના કહેવાય ! આત્માના ગુણને લઈને કલ્પે તેવું થાય છે. આત્મા 'મૂળ વસ્તુ'માં ફેરફાર નથી થતો, અવસ્થામાં ફેરફાર થાય છે. ખરેખર તો 'આત્મા' આત્મા જ રહે છે પણ અસર થાય છે, 'રોંગ બિલિફો' બેસી જાય છે ! બિલિફથી ઊભાં થયાં આકાર ! આ રૂપી તત્ત્વ, પુદગલ તત્ત્વને લઈને આ જગત ઊભું થયું છે ! રૂપી તત્ત્વ જ મૂંઝવે છે ! રૂપી તત્ત્વ આત્માની 'બિલિફ' બદલાવે એવું થઈ ગયું છે. આત્મા બદલાતો નથી. 'કલ્પ'નાં વિકલ્પ થયા. 'બિલિફ' જ આ બધું શરીર તૈયાર કરે છે. એમાં 'બિલિફ' કામ કરતી નથી, એ 'બિલિફ'થી પરમાણુ ખેંચાય છે. અને પરમાણુ પોતે સ્વાભાવિક રીતે ક્રિયાકારી થાય છે. આંખ-કાન-નાક-દેહ બધું સ્વાભાવિક રીતે થાય છે. રોંગ બિલિફ, ફ્રેકચર થાય જ્ઞાનીથી ! 'ઈગોઈઝમ' એટલે મિશ્ર ચેતન. એમાં ખરેખર ચેતન જરાય વપરાતું નથી, માત્ર 'રોંગ બિલિફ'થી ચેતન વપરાય છે. જગતમાં જે જે માનવામાં આવે છે તે બધી જ 'રોંગ બિલિફો' છે ! 'અમે' તમારા અહંકારને 'ફ્રેકચર' ના કરીએ, 'રોંગ બિલિફ'ને 'ફ્રેકચર' કરી આપીએ છીએ. 'જ્ઞાની પુરુષ' 'રોંગ બિલિફ' ફ્રેકચર કરી આપે ને 'રાઈટ બિલિફ' બેસાડી આપે, એટલે 'તમે' તમારા સ્વભાવમાં પેસી જાવ. 'રોંગ બિલિફ' જાય, અહંકાર ફ્રેકચર થાય એટલે 'તમે' 'ભગવાન' થઈ જાવ ! રોંગ બિલિફો અપાર ! ક્રમિક માર્ગમાં શું છે ? ૩૬૦ ડીગ્રીની 'બિલિફો' છે. તેમાંથી એક 'બિલિફો' છોડાવીને બીજી 'બિલિફ' આપે. એક એક 'બિલિફ' હજાર હજાર અવતારે ફરે ! 'રોંગ બિલિફ' અપાર છે ને 'રાઈટ બિલિફ' એક છે, એનું ભાન જ નથી. જ્યાં 'રોંગ બિલિફ'નો અભાવ છે, ત્યાં 'રાઈટ બિલિફ'નો સદ્ભાવ છે. 'રોંગ બિલિફ' એ પરોક્ષ ભજના છે. 'રાઈટ બિલિફ' એ પ્રત્યક્ષ ભજના છે. 'રાઈટ બિલિફ'થી જ અવિરોધાભાસ ઉત્પન્ન થાય અને અવિરોધાભાસને 'સિદ્ધાંત' કહેવાય. ચોખ્ખું થવાની કળા ! આ તો બધી, દુનિયામાં ખાલી ઈફેક્ટ્સ (અસરો) જ છે. દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. ખાલી 'રોંગ બિલિફ' છે. છતાં સામો સાચું માને છે, એ એમની દ્રષ્ટિ છે, પણ આપણને એની અસર ના થવી જોઈએ. આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા એટલે બીજું બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી. પુદગલને જો ડખોડખલ ના થાય તો એ તો ચોખ્ખું જ થયા કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય. ડખોડખલ કરનાર કોણ ? અજ્ઞાન માન્યતાઓ ને પછી વાંધા ને વચકા. આત્મા શુધ્ધ જ, બિલિફ અશુધ્ધ ! આત્મા શુધ્ધ કરવાનો નથી. 'તારી' વિપરીત માન્યતા ફેરવવાની છે. શુધ્ધ અશુધ્ધ કેવી રીતે થાય ? આ તો તારી બિલિફ રોંગ છે. આત્મા શુધ્ધ જ હતો, છે જ, કરવાનો નથી ! આત્મા વીતરાગતા છોડતો નથી ને પુદગલે ય વીતરાગતા છોડતું નથી. અવળી સમજણ થાય તો ફળ ભોગવવું પડે. 'રોંગ બિલિફ'નું ફળ દુઃખ ને 'રાઈટ બિલિફ'નું ફળ સુખ મળે ! બે વસ્તુ કાયમની અલગ હતી, છે ને રહેશે. આ તો 'બિલિફ'ની જ ભાંજગડ છે ને ? નથી ત્યાં 'હું' માનીને બેઠો એ જ 'રોંગ બિલિફ'. જે 'વસ્તુ' છે તેનો વિકલ્પ આવે. નથી તેનો વિકલ્પ શી રીતે આવે ? 'આ છે' એ 'રોંગ બિલિફ' એટલે વિકલ્પો આવે છે. 'રોંગ માન્યતા' કાઢી નાખે કે 'નથી જ', તો એનો વિકલ્પ કેમ આવે ? જે જે માન્યું છે એ બધી 'રોંગ બિલિફ' છે. 'રાઈટ બિલિફ' થાય એટલે કશું જ રહેતું નથી. રોંગ બિલિફથી વિનાશીપણું ! આત્મા પોતે 'પરમેનન્ટ' છે અને અનાત્મવિભાગમાં જે 'ખોટી માન્યતા' ધરાવનારો છે, 'રોંગ બિલિફ' ધરાવનારો જે અહંકાર છે તે પણ 'પરમેનન્ટ' છે. અહંકાર ક્યાં સુધી 'પરમેનન્ટ' છે ? જ્યાં સુધી પોતાને પોતાનું ભાન ના થાય ત્યાં સુધી 'પરમેનન્ટ' છે, લાંબા કાળનું છે. પણ ખરેખર 'પરમેનન્ટ' નથી. વસ્તુ પોતે અવિનાશી છે. 'તમે' પોતે અવિનાશી છો, પણ તમને તો 'રોંગ બિલિફ' છે કે 'હું ચંદુભાઈ છું.' એટલે તમે વિનાશી છો. આત્મા, કાયમ આત્મસ્વરૂપે જ ! આખા બ્રહ્માંડમાં છ 'પરમેનન્ટ' તત્ત્વો છે. છ તત્ત્વોમાં શુધ્ધ ચેતન એક છે. બીજા પાંચમાં ચેતનભાવ નથી, પણ તેમનામાં બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. તે બધાના ગુણધર્મને લઈને આ છે. 'રિયલ', પણ તે 'રિલેટિવ ભાવ' ઉત્પન્ન થયો છે ખાલી. આત્મા તો આત્મા જ રહે છે. નિરંતર ચેતનરૂપે જ રહે છે. એક ક્ષણવાર પણ તે બદલાયો નથી. ખાલી 'રોંગ બિલિફ' થાય છે. યથાર્થ સ્વરૂપે આત્મા 'કેવળ જ્ઞાન સ્વરૂપ' છે. તેની 'રોંગ બિલિફ' બેસતાં બેસતાં શી દશા થઈ ગઈ છે તે તો જુઓ ! 'રોંગ બિલિફ' કેવી કે માસી સાસુનો છોકરો આવે તો ય તરત જ ખબર પડી જાય ! શું થાય હવે ? 'પડી પટોળે ભાત તે ફાટે પણ ફીટે નહીં !' તન્મયાકારપણું, પણ રોંગ બિલિફ ! દેહથી આત્મા જુદો જ છે. ગધેડામાં ય આત્મા જુદો છે. એકાકાર કશું થયું જ નથી. 'રોંગ બિલિફ'ને લીધે તન્મયાકાર વર્તે છે ! આત્મા તન્મયાકાર થતો જ નથી. માત્ર 'રોંગ બિલિફ' જ થાય છે કે 'હું જ છું આ' ને 'મને જ અડ્યું' ને 'આ મારું જ' ! બસ, આટલું જ તોફાન છે ! તેનાથી આ પરમાત્માની દશા તો જુઓ ! સફરજન જુઓ એટલે જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય. એટલે તે જ્ઞાનાકાર થઈ જાય, તે ચોંટતું નથી. પણ ત્યાં તે રૂપ, તદ્રૂપતા થઈ જાય છે તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શેનાથી ? તે તદ્રૂપ શેનાથી થાય છે ? માન્યતાથી. ખરી રીતે તદ્રૂપે ય નથી થતો પણ 'રોંગ માન્યતાઓ'થી તદ્રૂપતા ભાસે છે. માન્યતા સવળી થાય ત્યારે 'તે' પોતાના અસલ સ્વરૂપમાં જ હોય. રોંગ બિલિફ છૂટે તો સંસાર છૂટે ! 'સાયન્ટિફિક' સિદ્ધાંત શું છે ? ભગવાનની હાજરીથી 'રોંગ બિલિફ' ઉત્પન્ન થાય છે. ભગવાનની હાજરીથી સંસાર બંધ થાય છે. ભગવાનની હાજરીથી પરમાત્મપદ ઉત્પન્ન થાય છે. જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને 'જ્ઞાન'ને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર 'બિલિફો' જ રોંગ છે. તે 'જ્ઞાની પુરુષ' 'રોંગ બિલિફ' 'ફ્રેકચર' કરી આપે, ત્યારે સંસાર છૂટે. - જય સચ્ચિદાનંદ |
|---|