|
લઘુતમ - ગુરુતમ સંપાદકીય જ્ઞાની પુરુષની દશા, એ વ્યવહારમાં લઘુતમ ને નિશ્ચયમાં ગુરુતમ ! જગત વ્યવહારમાં નાનપણથી એ જ શીખવાડવામાં આવે છે કે આગળ વધો, મહત્વાકાંક્ષી થાવ. મોટાઈ વધે તેમ જીવનમાં સફળતા મળી ગણાય. લોકો પછી સરખામણીથી જુએ કે મારી પાસે ઓછું છે, પેલા પાસે વધારે છે. તો હું શી રીતે વધારે મેળવું, જેથી પેલા કરતાં આગળ વધી જઉં. અને છેવટે પેલા કરતાં પોતે આગળ ન વધી શકે તો પછી પેલાનું કેમ ઘટી જાય તો મારું વધારે થઈ જાય અને હું મોટો દેખાઉં. બસ, મોટા થવાની લ્હાય લાગી છે. તેવા કાળમાં પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદાશ્રી અત્રે જગતમાં નવો જ વાસ્તવિક અભિગમ આપણને આપે છે, મોટા થવાનો ધ્યેય તે જ માણસને અધોગતિમાં નીચે ઢસડી જાય છે. જ્યારે લઘુતમ થવાના ધ્યેય માણસને મોટો બનાવે છે. વ્યવહારમાં લઘુતમ થવાની ભાવના જ નિશ્ચયમાં ગુરુતમ બનાવે છે. શાસ્ત્રોમાંથી વાંચીને બે શબ્દ લોકોને સમજાવે અને બે-ચાર જણ સાંભળવા આવે તો થઈ જાય કે હવે હું ગુરુ થઈ ગયો. પણ ગુરુ થનારને પરમ પૂજ્ય દાદાશ્રી ચેતવે છે, 'ગુરુકિલ્લી છે ? નહીં તો ગુરુકિલ્લી વિનાના ગુરુ એટલે એ ભારે થયા કહેવાય ને એ ડૂબે ને ઉપર બેસનારા બધા ડૂબે. અને એ ગુરુકિલ્લી જ્ઞાની કનેથી પ્રાપ્ત થાય. તે છે; 'હું શિષ્યનોય શિષ્ય છું, લઘુતમ છું', એની નિરંતરની જાગૃતિ ! ''આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, તે જગતમાં 'મહાવીર' થઈ શકે નહીં'' એમ દાદાશ્રી કહે છે. દાદાશ્રીએ બોધેલા વીતરાગ વિજ્ઞાનનું ફાઉન્ડેશન લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્ષ્ટિ રાખવી એ જ છે. જ્યાં સુધી વ્યવહારમાં ગુરુતાનો ભાવ જાય નહીં, 'હું કંઈક છું' એવું જાય નહીં ત્યાં સુધી લઘુતમ ભાવ આવે નહીં. એ તો આત્મજ્ઞાનીની કૃપાથી ભેદજ્ઞાન જેને પ્રાપ્ત થઈ જાય પછી જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનું ચાલુ થાય, તે લઘુતમ પદને પામી જાય. લઘુતમ તરફની દ્રષ્ટિ થઈ, ધ્યેય લઘુતમનો થયો કે મારે લઘુતમમાં જવું છે, તો તે પદ પ્રાપ્ત થાય જ. લઘુતમનો ધ્યેય સમજવા, નક્કી કરવા પ્રસ્તુત અંકમાં દાદાશ્રીની જ્ઞાનવાણી વાચકને નવાં દ્રષ્ટિકોણ બક્ષશે ! દીપકના જય સચ્ચિદાનંદ કરુણા જ્ઞાની તણી ! અમારી એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી પણ આ 'વિજ્ઞાન' ફેલાવું જોઈએ અને 'વિજ્ઞાન' લોકોને લાભ કરવું જોઈએ. તેથી ખુલાસો કરવા માટે હું આવ્યો છું. મને નવરાશ છે. મારે કોઈ કામ નથી. નવરામાં નવરો માણસ હું છું અને તદ્દન બુદ્ધિ વગરનો હું એકલો જ છું, એટલે મને કશી ભાંજગડ નથી. તમારે તો ભાંજગડ હોય. બાકી, હું કંઈ તમારાથી મોટો નથી, એ તમને લાગે એવું ? આ તો વ્યવહારને ખાતર આ ઊંચે પદે બેઠા છીએ. બાકી, અમે લઘુતમ પુરુષ છીએ. 'લઘુતમ'-'ગુરુતમ' પદમાં 'જ્ઞાની' ! અને પાછું મારી 'હાઈટ' કેટલી છે, તે તમે જાણો છો ? લઘુતમ ! લઘુતમ એટલે શું ? આ દુનિયામાં જેટલા જીવ છે, એમાં સૌથી નાનામાં નાનો હું છું. મારાથી કોઈ જીવ નાનો નથી. એ મારી 'હાઈટ' છે. પછી આ તમને કંઈ હરકત કરે એવું છે કશું ? એટલે આ ભૌતિકમાં, આ નામમાં-રૂપમાં-પૈસા-માન-તાન એ બધી બાબતમાં લઘુતમ. અને આ બીજી હાઈટ એટલે સેલ્ફે કરીને ગુરુતમ છીએ અમે. અમારાથી કોઈ મોટો નથી. એટલે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં અમે ગુરુતમ અને 'ફોરેન ડિપાર્ટમેન્ટ'માં લઘુતમ ! તમે 'ફોરેન'માં ગુરુતમ થવા ફરો છો એટલે મહીં 'હોમ ડિપાર્ટમેન્ટ'માં લઘુતમ થાવ છો !! લઘુમાં લઘુ, તેથી ય લઘુ ! તો લઘુતમ એટલે કેટલું મોટું કહેવાય ? પ્રશ્નકર્તા : લઘુતમ એટલે એકદમ નાનામાં નાનો, પણ ઉત્તમમાં ઉત્તમ કહી શકાય ? દાદાશ્રી : ના, ઉત્તમ નહીં. લઘુતમ ! એ ઉત્તમ આમાં નથી. લઘુ એ નાનો કહેવાય. લઘુતર એટલે વધારે નાનો કહેવાય. અને લઘુતમ એટલે સર્વથી નાનો, કોઈ જીવ એનાથી નાનો નહીં. બસ ! એનું નામ જ લઘુતમ. દાસાનુદાસથી યે નાનો ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં કહે છે ને, દાસાનુદાસ છું, દાસનો યે દાસ ને તેનો ય હું દાસ છું એ ? દાદાશ્રી : ના. આપણે ત્યાં દાસાનુદાસ સુધી પહોંચેલા. પણ કોઈ લઘુતમ સુધી નહીં પહોંચેલો. જ્યારે અમારું આ લઘુતમ સ્વરૂપ છે, એટલે લોકોનું કલ્યાણ કરી નાખશે. વ્યવહારથી લઘુતમમાં છું અને નિશ્ચયથી ગુરુતમમાં છું. હું કોઈનો ગુરુ થયો નથી. આખા જગતને ગુરુ તરીકે માનું છું. તમે બધા આવ્યા, તમને ગુરુ તરીકે માનું છું. ત્યારે કો'ક કહેશે, 'તમે અહીં કેમ બેઠા ?' હવે હું અહીં નીચે બેસું, તો આ લોકો બેસવા નથી દેતા. આ લોકો મને ઊઠાવીને ઉપર બેસાડે છે. બાકી, મને તો નીચે બેસવાનું બહુ સારું પડે છે. એટલે ગુરુપદમાં છું નહીં, લઘુતમમાં છું. જગત આખાને માન્યું ઉપરી ! એટલે હું કંઈ તમારો ઉપરી નથી. તમે મારા ઉપરી છો. મારી જાતને ઉપરીપણું કોઈ દહાડો ય મેં માન્યું નથી. એટલે તમારે વાંધો ખરો ? ભડક નહીં, વાંધો નહીં. તમારાથી મોટાં હોય તો તમને ભડક લાગે કે, 'મોટા માણસ, શું કહી દેશે !' આ તો તમે મને વઢો, પણ હું તમને નહીં વઢું. હું વઢું તો હું ભૂલ-થાપ ખઈ ગયો કહેવાઉં. અને તમે વઢો તો, તમારી સમજણફેરને લઈને વઢી પડો. કચાશ એટલે વઢી પડોને ? બાકી, આખું જગત અમારું ઉપરી છે. કારણ કે હું લઘુતમ છું. તમારે કેટલા ઉપરી છે ? કેમ બોલતા નથી ! ઉતરવું તો છે સહેલું ! પ્રશ્નકર્તા : પણ મારે લઘુતમ મનાયું નથી. દાદાશ્રી : કેમ ? બને એવું નથી ? એવું છે ને, ગુરુતમ એટલે ઉપર ચઢવું. આ પાવાગઢ છે, તો ઉપર ચઢવું હોય તો જોર પડે કે નીચે ઉતરવું હોય તો ? પ્રશ્નકર્તા : ઉપર ચઢવું હોય તો જોર પડે. દાદાશ્રી : તો લઘુતમ એટલે નીચે ઊતરવું. એ તો રમતાં રમતાં નીચે ઉતરી જવાય. ના ઊતરી જાય રમતાં રમતાં ? અમે તો નિરાંતે રમતાં રમતાં ઊતરી ગયા હતા. માટે ભાવ લઘુતમનો જ રાખવો. જેટલું લઘુતમનો ભાવ રાખશો એટલું ગુરુતમમાં આગળ વધશો. અને લઘુતમ થાય તો ગુરુતમ પદ મળે છે. આપને સમજાયું ને ? લઘુતમમાં રહે, તેને ગુરુતમ પદ 'ફ્રી ઓફ કોસ્ટ' (મફત) મળવાનું જ ! ભગવાન થવામાં જોખમો બહુ ! એટલે હું આ વ્યવહારમાં લઘુતમ છું અને નિશ્ચયમાં ખરી રીતે ગુરુતમ છું. મારો ઉપરી કોઈ નથી. ભગવાન પણ મને વશ થઈ ગયેલા છે. તો પછી હવે બીજું રહ્યું શું ? લોકો મને કહે છે, 'તમે દાદા ભગવાન કહેવડાવો છો ?' મેં કહ્યું, 'ના. હું શું કરવા કહેવડાવું ? જ્યાં ભગવાન પોતે જ મને વશ થઈ ગયા છે, પછી એ કહેવડાવાની શી જરૂર ? ભગવાન, ચૌદ લોકનો નાથ મને વશ થઈ ગયેલો છે અને જો તમે મારું કહેલું સેવન સેવો તો તમને પણ તમારો નાથ વશ થઈ જશે.' વશ થયેલું કામનું, પણ ભગવાન થઈને શું કાઢવાનું ? જે છે એને ભગવાન રહેવા દો ને ! મને ચૌદ લોકનો નાથ વશ થયેલો છે અને તમને વશ થાય એવો રસ્તો દેખાડું છું. અને ભગવાન થવું એ બહુ મોટું જોખમ કહેવાય. એટલે ભગવાન જો હું કહું તો મારે માથે જોખમદારી આવે. તમને તો શું જાય ? અને હું શું કરવા એવું ભગવાન થઈને બેસું ? પણ મારે ભગવાન થઈને શું કામ છે ? મારે ભગવાન વશ થયેલા છે, તે શું ખોટાં છે ? ત્યારે ભગવાન વશ વર્તે ! એટલે ભગવાન થવું સારું કે વશ થયેલા સારા ? કયું પદ ઊંચું ? પ્રશ્નકર્તા : વશ થયેલા છે એ. દાદાશ્રી : લ્યો, હવે આવું ઊંચું પદ મૂકીને કોણ નીચા પદમાં જાય ? અને ભગવાન વશ થયેલા છે એની 'ગેરેન્ટી' આપું છું. એમને કહું છું યે ખરો કે, 'તમે અહીંથી ખાલી કરો ને !' ત્યારે એ કહે, 'ક્યાં જાઉં ?' 'કોઈ જગ્યા હોય તો હું કહીશ.' મેં કહ્યું, 'કોઈકને ત્યાં પેસો તો મને વાંધો નથી. હવે બહુ દહાડા રહ્યા અહીં આગળ.' પણ એ જગ્યા થવી જોઈએ ને ?! એ તો મમતારહિત થવું પડે, અહંકારરહિત થવું પડે, ત્યારે એ કમરા (રૂમ)માં ભગવાન આવે. એવો કમરો જોઈએ. કમરો સારો ના જોઈએ ? ભગવાન દરેકને વશ થઈ શકે છે. જેનામાં અહંકાર ઓછો હોય તો વાંધો નહીં, પણ જેની મમતા ગયેલી છે એને ભગવાન વશ થયા વગર રહે જ નહીં. જેની મમતા સંપૂર્ણ ગઈ એને ભગવાન વશ થયા વગર રહે નહીં. 'જુનિયર'ના ય 'જુનિયર' ! ને આખી દુનિયામાં હું એકલો જ 'જુનિયર' છું. 'જુનિયર'નો 'જુનિયર' થાય તો આખા બ્રહ્માંડનો 'સિનિયર' થાય. હું એકલો જ 'જુનિયર' રહ્યો છું. મને 'સિનિયર' કરવો છે તમારે હવે ? મને હઉ 'સિનિયર' કરવો છે ? તો 'જુનિયર' થવાય એવું છે. પ્રશ્નકર્તા : અમે તો હજુ આપની સરખામણીમાં નાના બાળક જેવા છીએ. દાદાશ્રી : એ જુદી રીતે છે અને હું જે કહેવા માગું છું એ જુદી રીતે છે. કારણ કે લોકોને એમ લાગે કે આ ગુરુ છે. પણ ના, હું ગુરુ નથી. હું લઘુતમ છું. લઘુતમ એટલે 'જુનિયર'. આ બધા જ મારાથી 'સિનિયર' છે. ઝાડ-પાન, બધાં જ મારાથી 'સિનિયર'. તો હવે તમને 'જુનિયર' રહેવાનું ગમે કે 'સિનિયર' રહેવાનું ? પ્રશ્નકર્તા : એમ તો 'જુનિયર'ના ય 'જુનિયર' રહેવાનું ગમે. દાદાશ્રી : હા, હા. એ લાભ છે, તો પછી 'સિનિયર'ના 'સિનિયર' થવાય. જેને 'જુનિયર'ના 'જુનિયર' રહેવું છે, તે 'સિનિયર'નો 'સિનિયર' થઈ શકે. લઘુતમ ભણતાં જડ્યા ભગવાન ! નાનપણમાં ગુજરાતી સ્કૂલમાં એક માસ્તરે મને કહ્યું, 'આ તમે લઘુતમ શીખો.' ત્યારે મેં કહ્યું, 'લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?' ત્યારે કહે છે, 'આ બધી રકમો જે આપી છે એમાં નાનામાં નાની રકમ, અવિભાજ્ય રકમ, જેને ફરી ભાગી ના શકાય એવી રકમ, એ શોધી કાઢવાની છે.' ત્યારે હું તે વખતમાં નાની ઉંમરમાં પણ માણસોને શું કહેતો હતો ? આ રકમો સારી નથી. શબ્દ તો એવો બોલતો હતો. તે મને આ વાત માફક આવી. એટલે મને એમ લાગ્યું કે આ 'રકમો'ની અંદર પછી એવું જ છે ને ?! એટલે 'ભગવાન' બધામાં અવિભાજ્યરૂપે રહેલા છે. લઘુતમ તરફ ઢળ્યા પહેલેથી ! એટલે ત્યારથી જ મારો સ્વભાવ લઘુતમ ભણી ઢળતો ગયો. તે લઘુતમ થયું નહીં પણ ઢળ્યો ખરો. પણ છેવટે લઘુતમ થઈને ઊભો રહ્યો. અત્યારે 'બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આઈ એમ કમ્પ્લીટ લઘુતમ' અને 'બાય રીયલ વ્યૂ પોઈન્ટ આઈ એમ કમ્પ્લીટ ગુરુતમ.' એટલે આ સંસારની બાબતોમાં, જ્યાં સુધી સંસારી વેશ છે, તે બાબતમાં હું લઘુતમ છું. એટલે આ લઘુતમની 'થિયરી' પહેલેથી 'એડોપ્ટ' થઈ ગયેલી. લઘુતમને કાયમ સેફસાઈડ ! પ્રશ્નકર્તા : તો દાદા, આપ આમાં લઘુતમ પદને કેમ બહુ મહત્ત્વ આપો છો ? દાદાશ્રી : પણ આ લઘુતમ તે કાયમ 'સેફસાઈડ' ! જે લઘુતમ છે તે તો કાયમ 'સેફસાઈડ' છે, ગુરુતમવાળાને ભય. 'લઘુતમ' કહ્યું એટલે પછી અમારે પડવાનો શો ભય ? અહીં ઊંચે બેઠાં હોય, તેને પડવાનો ભય. જગતમાં લઘુતમ ભાવમાં કોઈ હોય નહીં ને ! જગત ગુરુતમ ભાવમાં હોય. ગુરુતમ થયો હોય તે પડે. લઘુતમમાં તો કાયમની 'સેફસાઈડ' છે, ગુરુતમવાળાને ભો ! એટલે અમે તો લઘુ થઈને બેઠેલા. અમારે જગત પ્રત્યેનો ભાવ એ લઘુતમ ભાવ છે. એટલે અમને કશું પડવાનો ભો નહીં, કશું અડે નહીં ને નડે નહીં. લઘુતમને નિર્ભયતા ! પ્રશ્નકર્તા : આજ સુધી જગતે ગુરુતમ જ શીખવેલું. લઘુતમ તમે જ શીખવ્યું, દાદા. દાદાશ્રી : હા, ખરું કહે છે. લઘુતમ મેં શીખવ્યું. ખરું સુખ લઘુતમમાં છે. હું ગુરુતમેય છું, લઘુતમેય છું. વ્યવહારમાં લઘુતમ છું અને નિશ્ચયમાં ગુરુતમ છું. ઉપરી કોઈ બાપોય નથી. 'લઘુતમ' કોઈએ કહ્યું જ નથી. બધા ગુરુતમ ભણી ચઢાય ચઢાય કરે. ને પડ્યો એટલે માર ખાય ને મરી જાય. કોના બાપની દિવાળી ?! હું કહું કે આવી જાને, નીચે કશો ભો નહીં, ભડકાટ નહીં. આ તો આ પલંગમાં સૂવાની આ લોકોએ ટેવ પાડી. હું તો નીચે ભોંયે સૂઈ જનારો માણસ. પડાય નહીં, કશું ય નહીં. એને ગાળો પણ અડે નહીં ! એટલે અમે 'રિલેટિવ'માં લઘુતમ થઈને બેઠેલા. અમે કહીએ કે 'ભઈ, તારા કરતાં અમે નાના છીએ, તું ગાળ દઉં એના કરતાં હું નાનો છું.' એ બહુ ત્યારે 'ગધેડો' કહે. તો ગધેડાથી તો આપણે બહુ નાના છીએ. ગધેડો તો 'હેવી લોડ' છે ને ! અને આપણામાં તો 'લોડ' જ નથી. એટલે જો ગાળો ભાંડવી હોય તો હું લઘુતમ છું. લઘુતમ તો આકાશ જેવું હોય, આકાશ પરમાણુ જેવું હોય. લઘુતમને માર ના અડે, ગાળો ના અડે, એને કશું અડે નહીં. કહેવાનો ખાસ ભાવાર્થ એટલો કે તારે કંઈ રોફ રાખવો હોય તો હું લઘુતમ છું ને તારે મારો રોફ રાખવો હોય તો હું ગુરુતમ છું. લઘુતા જ લઈ જાય, ગુરુતા ભણી ! આપણને કોઈ નાલાયક કહે તો પછી નાલાયકને ઝઘડો કરવાનો રહ્યો જ નહીં ને ? નાલાયક એટલે લઘુતમ રહ્યા ને ! એટલે આ જગત તો કંઈ એક જાતની વંશાવલિ છે ? બધી જ પહેલેથી જ ચાલી આવે છે અને નાલાયકો હોતા નથી. પણ એ તો આ લાયકો એમને નાલાયક કહે છે અને પેલાં નાલાયકો તો આ લાયકોને જ નાલાયક કહે છે. એ પાછું મેં જઈને તપાસ કરેલી. આ તો સામસામી નાલાયક કહે છે. એટલે આ ન્યાય પૂરો નીકળે એવો નથી જલદી. પ્રશ્નકર્તા : લઘુતમ એ જ ન્યાય. દાદાશ્રી : હા, લઘુતમ એ ન્યાય, બસ. લઘુતમ આવ્યા કે એ બધાં પાંસરા. પછી ઉપાધિ જ નહીં ને ! અને જે જે લાયક છે એ તો તમે લઘુતમ કરવા ફરો તો ય તમને એ ગુરુતમ ભણી લઈ જાય. લાચાર થવા કરતાં... એટલે એવો જ્યારે ત્યારે લઘુતમ ભાવ કરવો પડશે ને ? નહીં તો છેવટે માણસ તબિયતથી બહુ હેરાન થઈ જાય છે ને એને બહુ દુઃખ પડે છે, ત્યારે માણસ ડૉક્ટર આગળ લાચારી કરે કે ના કરે ? પ્રશ્નકર્તા : કરે જ છે ને ! દાદાશ્રી : લાચાર થવું, તેનાં કરતાં લઘુતમ થવું સારું. પણ લાચાર નહીં થવું જોઈએ. કોઈ પણ કારણે લાચાર નહીં થઈ જવું જોઈએ. આ બધા જે મોટા માણસો છે ને, એ જ્યારે પેટમાં દુઃખે ને, ત્યારે 'ઓ મા-બાપ ! તમે કહો એ કરું' કહે. તે ઘડીએ લાચાર થાય. મહીં દુઃખ થાય છે ત્યારે 'ડૉક્ટર, મને બચાવજો' કહે. એવી લાચારી કરે. આ લોકો બહુ સુંવાળા હોય, તે દુઃખ સહન ના થાય. ગુરુતમ થવા ગયા ને, તેનું પૂંઠિયું દહાડે દહાડે બહુ સુંવાળું થઈ જાય. અને લઘુતમ થવા માટે તો કઠણ પૂંઠિયું જોઈએ. કહેશે, 'તારે જે કરવું હોય તે કર !' પણ લાચારી ના હોય એને. આત્મા હોય ત્યાં લાચારી શી ! અમે આખી જિંદગીમાં કોઈ જગ્યાએ લાચારી નહીં બતાવેલી. કાપી નાખે તો ય લાચારી નહીં. લાચાર થવું એ હિંસા કહેવાય, આત્માની જબરજસ્ત હિંસા કહેવાય ! અને શરીર છે ત્યાં સુધી દુઃખ થયા વગર છૂટકો નથી. પણ લાચારી તો ન જ હોવી જોઈએ. લઘુતમ હોવું જોઈએ. પોતે આત્મા, અનંત શક્તિનો ધણી ! અને ત્યાં આગળ આપણે કહીએ કે 'હું લાચાર છું' એ કેટલું હીનપદ કહેવાય ? અલ્યા, લાચારી હોતી હશે ? જેની પાસે આત્મા છે, એ લાચાર કેમ હોઈ શકે ? આત્મા હોય ત્યાં લાચારી ના હોઈ શકે. એનાં કરતાં લઘુતમ થા ને ! સંસાર માટે... મોક્ષ માટે... તમારે લઘુતમ થવાની ઇચ્છા છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બહુ સારું કહેવાય. પ્રશ્નકર્તા : 'પ્રભુતાસે પ્રભુ દૂર' કહે છે ને ! દાદાશ્રી : હા, તેથી અમે કહ્યું કે અમે અમારા મોક્ષમાં રહીએ ને લઘુતમ રહીએ. છતાં વૈભવ અમે ગુરુતમનો ભોગવીએ. અમારો દેખાવ, વર્તન બધું લઘુતમનું. જગતના માટે તો હું સૌથી નાનામાં નાનો છું, લઘુતમ પુરુષ છું અને આ 'જ્ઞાન' જેને જાણવું છે, તેને માટે તો હું સૌથી મોટામાં મોટો છું, ગુરુતમ છું. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય તો હું ગુરુતમ છું. અમારાથી કોઈ મોટો નથી. અને તારે સંસારમાં મોટા થવું હોય તો લઘુતમ છું. હવે મોક્ષે જવું હોય, એને હું ગુરુતમ ના કહું તો પાછું એનું ગાડું જ આગળ ના ચાલેને ! ગુરુતમ થવા ગયા તો... અને જગતમાં લોકોને શું થવું છે ? પ્રશ્નકર્તા : ગુરુતમ થવું છે. દાદાશ્રી : એ તમે ક્યાં જોયેલું ? પ્રશ્નકર્તા : આપણામાં જોયું હોય ને ! દાદાશ્રી : પણ બહારનાં લોકોમાં તો એવું નહીં કરતા હોય ને ? બહાર કોઈ માણસ હશે ગુરુતમ ભાવવાળા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ ? બધાં એમાં જ છે ને ? એ તો એમ જ જાણે કે આ જ આત્મા છે, એટલે આને જ ગુરુતમ કરી નાખું. દરેકને ગુરુતમમાં જ બેસવાની ઇચ્છા. બધા આમાં જ ! ગુરુતમ જોઈએ બધાને. 'બાપજી' કહ્યું કે ખુશ. એટલે પાછું ગુરુતમ વધ્યું. હવે જવું છે એમને મોક્ષે અને થાય છે ગુરુતમ. તે વિરોધ છે કે અવિરોધ ? તો વહેલા જલ્દીસર મોક્ષે જશે ? ના, એ તો ભટકવાની નિશાની જ કહેવાય ને ! કારણ કે વ્યવહારમાં ગુરુતમ થવા ગયેલા, એ બધા પડી ગયેલા. વ્યવહારમાં જેટલાં જેટલાં ગુરુતમ થવા ગયા એ બધાય ફસાયા. બોલો, ફસાયું કે નથી ફસાયું ? અને લઘુતમ થયા એ જ તર્યા. બાકી, ગુરુતમ થવું હોય તો આ રસ્તો જ નથી. આ તો માર ખાધેલો અને છેવટે બુધ્ધુ થઈ ગયેલા ! ને ઊલ્ટાં મોક્ષનાં અંતરાય પાડ્યા. અંતરાય આપને સમજમાં આવ્યું ? પ્રશ્નકર્તા : એ અંતરાયને દૂર કેમ કરવા ? દાદાશ્રી : એ દૂર કરવા માટે લઘુતમ ભાવ કરવો જોઈએ, તો બધા અંતરાય ઊડી જશે. 'પ્લસ-માઈનસ' કરીએ ને, તો બધા અંતરાય ઊડી જાય. એટલે આ બધા અંતરાયો છે તે ગુરુતમ ભાવથી ઊભા થયેલા છે. અને લઘુતમ ભાવ કરીએ ને, તો બધા અંતરાયો ઊડી જાય પાછાં. લઘુતમ એ જ પૂર્ણપદ ! ગુરુતમ ભાવ એ અવિનય છે ને લઘુતમ ભાવ એ પરમ વિનય છે. આપણને ગુરુતમનું શું કામ છે ? ફાયદો શું છે એમાં ? જેટલો ઊંચે ચઢે એટલો નીચે પડે. એના કરતાં નીચે બેસી રહેવું શું ખોટું ? કશી ભાંજગડ જ નહીં ને ! અને આપણું સુખ આપણી પાસે હોય અને જ્યારે મોક્ષે જવાનું હોય ત્યારે ધર્માસ્તિકાય એની મેળે લઈ જશે, તમારે કશે જવાની જરૂર નથી. માટે લઘુતમમાં આવી જાવને, તો બધો ઉકેલ આવી જશે. લઘુતમમાં આવી જવું એ જ આપણું પૂર્ણપદ ! અમારું આ લઘુતમ સ્વરૂપ છે અને તો જ ગુરુતમ સ્વરૂપ હોય. હા, લઘુતમ થયા સિવાય કોઈ ગુરુતમ થયેલો નહીં. વચલાં પદ બધાં વિનાશ કરાવનારાં છે. લઘુતમ પદ ગુરુતમ પદને આપનારું છે. 'હું કંઈક છું' એ વચલાં પદ છે. આ વચલાં પદ તે અસ્તિત્વ વાળા છે પણ એ અસ્તિત્વ નાસ્તિવાળા છે. ગુરુતા કરાવે અધોગતિ ! ને જ્યાં હું લઘુતમ થયો છું, ત્યાં લોકો ગુરુતમ થવા ફરે છે. એને 'રિલેટિવ'ના ગુરુ થઈ બેસવું છે, એ 'રિલેટિવ'માં જ ગુરુ થવા માગે છે. ગુરુ એટલે 'હું કંઈક મોટો થઉં' એવી જેને ભાવના છે. 'રિલેટિવ'માં તો જે લઘુતમ થવા ફરે છે એ ઊર્ધ્વગતિમાં ચઢે છે. પણ 'રિલેટિવ'માં કોઈ લઘુતમ થવાનું બતાવતું જ નથી ને ! અને 'રિલેટિવ'માં જે કોઈ ગુરુતમ થવા જાય છે, એને પછી બે પગ વધે તેમાં કોઈનો શો દોષ ?! હા, જ્યાં લઘુ થવાનું હોય ત્યાં ગુરુ થવા માંડ્યો એટલે એના ફળરૂપે બે પગના ચાર પગ થાય અને એક પૂંછડું વધારાનું. કારણ કે ગુરુતમથી એવાં કાર્યો થઈ જશે કે બે પગના ચાર પગ થાય. જ્યારે લઘુતમ માન્યતાથી કાર્ય બહુ સુંદર થશે. પણ જગત આખું જ ગુરુતા ખોળે છે ને ! પ્રશ્નકર્તા : એટલે લઘુ થાય છે. દાદાશ્રી : ના, ના, લઘુ નહીં, ચાર પગવાળા થાય છે. કારણ કે રિલેટીવમાં ગુરુતમ થવા જાય છે એટલે ગુરુતમ પાછું પેઠું. એ ગુરુતમને કાઢવા માટે ઉપાય જોઈએ ને પાછો ?! તે આ બે પગ હતા, તે બીજા બે પગ વધ્યા. એટલે પડી ના જવાયને ! નહીં તો આ ગધેડા ક્યાંથી લાવીએ ? આ ગાયો-ભેંસો ક્યાંથી વેચાતી લાવીએ ?! આ તો લોક બિચારા સારા છે, સુંવાળા છે. તે ગાયો-ભેંસો થઈને ઋણ ચૂકવે છે ! 'રિલેટિવ'માં ગુરુતમ થયેલા તેથી. ને લોકોનું ખાઈ ગયેલાને મલીદા, તેથી. મલીદા ખાઈ જાય ને ? ખાય કે ના ખાય ?! એમાં ય પાછું બે જાતનાં કામ કરે છે લોકો. 'રિલેટિવ'માં ગુરુતા એ બે જાતનું કામ કરે છે. એક તો 'સુપર હ્યુમન' તરીકે કામ કરે છે અને એક પાશવી કામ કરે છે. 'સુપર હ્યુમન'ના કામ કર્યાં હોય, ઊંચા કામ કર્યાં હોય તો દેવગતિમાં જાય અને નહીં તો જાનવરમાં જઈ આવે, ને ત્યાં આગળ ગૂંચવાડો નીકળી જાય પછી અહીં મનુષ્યમાં આવે. આ ન્યાય હું જાતે જોઈને આવ્યો છું. એમને ખબર નથી કે શું ન્યાય થવાનો છે. બે પગ છે તેના ચાર પગ થશે ને ઉપરથી પૂંછડું વધારાનું ! પણ એમને આપણાથી એમ ના કહેવાય. અત્યારે તો એ મસ્તીમાં મહાલે છે. એ શું કહે છે ? 'પડશે તેવાં દેવાશે. પડશે ત્યારે જોઈ લઈશું.' તે અત્યારે તો રોફ મારવા દો ને ! લઘુતમને જ વરે ગુરુતમ ! જગત આખું 'રિલેટિવ'માં ગુરુતમ ખોળે. એટલે પહેલા ગુરુ થવાની ઇચ્છા, પછી ગુરુતા કરે. ગુરુતા થયા પછી ગુરુતમ થવા ફરે. પણ આમાં કોઈ ગુરુતમ થયેલો નહીં. આપણું 'વિજ્ઞાન' શું કહે છે ? 'રિલેટિવ'માં લઘુતમ અને 'રિયલ'માં ગુરુતમ ! એટલે એ આપણી મૂળ વસ્તુ છે. દરેક ધર્મવાળા શું કહે છે ? કે અમારા ધર્મથી મોક્ષ છે. કોઈ એમ કહે છે કે મારા ધર્મથી મોક્ષ નથી, એવું ? બધાય એમ કહેશે, 'અમારો ધર્મ સૌથી ઊંચામાં ઊંચો.' ફક્ત નીચામાં નીચો કોણ કહી શકે ? જેને વીતરાગ માર્ગ મળ્યો છે, તે કહેશે, 'અમારો ધર્મ નીચો છે, પણ તમારો ધર્મ ઊંચો છે.' કારણ કે બાળકો હંમેશાં પોતાને મોટો કહે. મોટી ઉંમરના માણસો પોતાની જાતને નાનો કહીને પેલાને મોટા કહે ! એને સંતોષ છે પોતાને. ગુરુતામાં હરીફાઈ ! અને આપણે કોઈના ઉપરી ઓછાં છીએ ? ઊલટાં આપણે જ એમના હાથ નીચેના, ત્યારે તો એ પાંસરા હેંડે. નહીં તો પાંસરા ના હેંડે. આપણે ઉપરી થઈએ તો એ અવળા ચાલે. આપણે કહીએ કે, 'અમે તમારા શિષ્ય.' ત્યારે એ સીધા ચાલે. નહીં તો ચાલે નહીં એ સીધા. સહુને ગુરુ થવાની બહુ મઝા આવે છે ને જગત આખું 'રિલેટિવ'માં જ ગુરુતા દેખાડવા જાય છે. એકમેકની હરીફાઈઓ હઉ ચાલે છે. પેલો કહે, 'મારે એકસો આઠ શિષ્યો.' ત્યારે બીજો કહે, 'મારા એકસો વીસ શિષ્યો.' આ બધું ગુરુતા કહેવાય. 'રિલેટિવ'માં તો લઘુતમ જોઈએ. તો પડાય નહીં, કશી ઉપાધિ નહીં, દુઃખ અડે નહીં. નહીં તો પછી અહીંથી ભેંસ ને પાડા થવું પડે છે. અહીંથી મરીને, એને જેવાં ક્રોધ-માન-માયા-લોભ હોય ને, તે જગ્યાએ લઈ જાય. એટલે એમ ને એમ તો આ લોકોનો મતભેદ જાય એવો નથી. એ તો અવતાર બદલાય ને, તો એની મેળે જાય. નહીં તો ના જાય. એવા સરળ માણસો નથી ને ! કહેશે, 'હું કંઈક છું.' અલ્યા, શું છે તે ?! હવે આ 'રિલેટિવ'માં કોણ લઘુતમ ખોળે ? ખોળે ખરું કોઈ ? આ ગાડીમાં-ટ્રેનમાં, બધે ખોળ ખોળ કરે તો એકુંય જડે ? ત્યારે આ બાવાઓમાં કોઈ જડે ? બધા 'હમ, હમ' કર્યા કરે. 'હમ ઇતના શાસ્ત્ર જાનતા હૈ, ઇતના જાનતા હૈ, યે જાનતા હૈ' કહેશે. ગુરુતા જ પછાડે અંતે ! બાકી, લઘુતમ જે થયો નથી. તે ગુરુતમ થવાને માટે પાત્ર નથી. ત્યારે અત્યારે એક એવા ગુરુ નથી કે જેમણે લઘુતમ થવાનો પ્રયત્ન કર્યો હોય ! બધા જ ગુરુતા ભણી ગયા છે. 'કેમ કરીને હું ઊંચે ચઢું !' એમાં એ કોઈનો દોષ નથી. આ કાળ નડે છે, બુદ્ધિ વાંકી ફરે છે. આ બધા ગુરુઓનો ધંધો શું હોય ? કેમ કરીને મોટા થવું, ગુરુપણું વધારવું એ એમનો ધંધો હોય. લઘુ ભણી ના જાય. વ્યવહારમાં ગુરુપણું વધતું ગયું, નામ નીકળ્યું કે 'ભઈ, આમને એકસો આઠ શિષ્ય છે' એટલે નિશ્ચયમાં એટલું લઘુ થયું, લઘુતમ થતું જાય છે. વ્યવહારમાં ગુરુ થવા માંડ્યા એ પડવાની નિશાની છે. ગુરુતા જ ગમે જીવને ! એટલે અહીં જુદી જાતનું છે, આ દુકાન ન્હોય. છતાં ય લોકો તો આને દુકાન જ કહે. કારણ કે 'બીજા બધાંએ દુકાન કાઢી એવી તમે ય શું કરવા દુકાન કાઢી ? તમારે શું ગરજ ?' મને ય એની ગરજ તો ખરી ને, કે હું જે સુખ પામ્યો એ તમે ય પામો ! કારણ કે લોકો કેવા ભરહાડમાં બફાઈ રહ્યાં છે. શક્કરીયાં ભરહાડમાં બફાય એમ બફાઈ રહ્યાં છે લોકો ! અગર તો માછલાં પાણીની બહાર તરફડે એમ તરફડી રહ્યાં છે. એટલે અમારે આ બધું ફરફર કરવું પડે છે. ઘણા લોકો શાંતિનો માર્ગ પામી ગયા. પ્રશ્નકર્તા : એટલે આ ગરજ નથી, પણ બધાં જીવોનું કલ્યાણ થાય એવી ભાવના થાય ને ! દાદાશ્રી : કલ્યાણ થાય તો સારું એવી ભાવના હોય. આ વર્લ્ડમાં તીર્થંકરો ને જ્ઞાની સિવાય કોઈએ જગત કલ્યાણની ભાવના ભાવેલી નહીં. પોતાના જ પેટનું ઠેકાણું ના પડ્યું હોય ત્યાં આગળ લોકોનો ક્યાં વિચાર કરે ?! બધાં લોકોએ ભાવના શું ભાવેલી ? ઊંચું પદ ખોળ ખોળ કરેલું ! સાધુ હોય તો 'મને આચાર્ય ક્યારે બનાવે' અને આચાર્ય હોય તો 'મને ફલાણો ક્યારે બનાવે' એ જ ભાવના બધાને હોય. ત્યારે આ બાજુ, લોકોને કાળા બજાર કરવાની ભાવના ! ને કલેક્ટર હોય તો 'મને કમિશ્નર ક્યારે બનાવે' એ જ ભાવના હોય !! જગત કલ્યાણની તો કોઈને ય પડેલી નથી. એટલે રિલેટિવમાં જગત ગુરુતામાં પડે છે. ગુરુતમ તો થઈ શકતાં નથી. પણ 'રિલેટિવ'માં જેટલું લઘુતમ થવાશે, એટલું 'રિયલ'માં ગુરુતમ પ્રાપ્ત થશે. તે અમે લઘુતમ થઈને બેઠા, તો સામે આ ગુરુતમ પદને પામ્યા. કંઈ રસ્તો અઘરો નથી. આ સમજવું અઘરું છે. દ્રષ્ટિ લઘુતમમાં રાખો તો જ પેલા ગુરુતમમાં પહોંચાશે. નહીં તો ગુરુતમમાં કેમ પહોંચાશે ? ગુરુતમ કોણ થયેલા ? જે લઘુતમ થયેલા એ જ ગુરુતમ થઈ શકે. લઘુતમ થઈને પામવું ગુરુતમ ! આ લઘુતમનો યોગ કરે ને, એટલે ભગવાન એની પાસે આવે જ. જગતમાં બધા લોકો ગુરુતમ યોગમાં પડ્યા છે. 'આનાં કરતાં હું મોટો ને એનાં કરતાં હું મોટો.' અલ્યા, નાનો થતો જા ને ! આમ વ્યવહારમાં નાનો થઈ જઈશ તો ત્યાં નિશ્ચયમાં મોટો, અને વ્યવહારમાં મોટા થવા ગયા એ નિશ્ચયમાં નાના રહ્યા. એટલે લઘુતમ યોગ પકડે ને, તો એ લઘુતમ જ્યારે થઈ રહે ત્યારે એ ગુરુતમ થાય આ બાજુ ! વ્યવહારમાં લઘુતમ થયો એ નિશ્ચયમાં ગુરુતમ, એટલે ભગવાનનો ઉપરી થાય. કારણ કે ભગવાન વશ થઈ જાય. તે ભગવાનને ઉપરી કોઈ ના હોય. પણ ભગવાન એમને વશ થઈ જાય. તે લઘુતમ થજો હવે. લઘુતમ યોગ જરા છે અઘરો. પહેલું જરા અઘરો લાગે, પછી સહેલો થઈ જાય. જેને નાના થવું છે એને ભય ખરો ? એટલે અમે લઘુતમ પહેલા થયા, ત્યાર પછી આ ગુરુતમની દશા અમને પ્રાપ્ત થઈ. અમે ગુરુ થવા રહ્યા નથી. ગુરુ થયા ને, એ તો બધા ય અહીં આગળ આ ચાર ગતિના ચક્કરમાં હજુ રખડ્યા જ કરે છે. પહેલાં થોડું પુણ્ય બંધાય એટલે દેવગતિમાં જાય. અને દેવગતિમાંથી પાછો અહીં આવે ને પાપ બંધાય એટલે જાનવરમાં જાય પાછો ! પેલા દેહના યોગ કરવાના આમ, તે એ તો બધા બહુ દહાડા યોગ કર્યા. નર્યા અનંત અવતારથી યોગ જ કરે છે ને ! પછી લોક જરા 'બાપજી, બાપજી' કરે એટલે હતું ચપટીક તે ય લૂંટાઈ જાય. થોડું ઘણું 'બાપજી' કહે, ત્યારે કહે, 'યે નહીં, યે લે આના, યે લે આના, યે લે આના.' એટલે લૂંટાઈ જાય પછી પાછાં. જ્યારે લઘુતમયોગ તો સારો. એમાં તો કોઈ આવે જ નહીંને, દર્શન કરવા જ ના આવે ને ! સાધવો યોગ લઘુતમનો ! એટલે અમારો યોગ લઘુતમ ! દુનિયામાં કોઈની પાસે એવો યોગ ના હોય. પ્રશ્નકર્તા : એ યોગમાં શું કરવાનું ? દાદાશ્રી : દહાડે દહાડે હલકા થવાનું. ગુરુ નહીં થવાનું, લઘુ થવાનું, હલકા થતા જવાનું. બધાના શિષ્ય થતાં થતાં આખા જગતના શિષ્ય થઈ જશે. ગધેડા-કૂતરા બધાના, અને ઝાડ-પાન બધાના, એટલે લઘુતમ થાય. બધાને ગુરુતમ બનાવીએ તો લઘુતમ થાય. તમને આ યોગ ગમ્યો કે નહીં ગમ્યો ? પ્રશ્નકર્તા : ગમ્યો. દાદાશ્રી : યોગનો અર્થ જ આ થાય. કાં તો ગુરુતમનો યોગ પકડ્યો હોય કે લઘુતમનો યોગ પકડ્યો હોય, ગમે તે બેમાંથી એક યોગ પકડે એ. ગુરુ એટલે ભારે, ડૂબે-ડૂબાડે ! ગુરુતમનો યોગ થાય ત્યારે અહીં ભારે થાય, ગુરુતમ થાય. ગુરુનો અર્થ જ ભારે અને ભારે એટલે ડૂબે. અને ડૂબે એટલે એ ડૂબે તો ડૂબે, પણ એની જોડે બેસનારા ય ડૂબે. હા, પણ ગુરુ ક્યારે ના ડૂબે ? કે એની પાસે ગુરુકિલ્લી હોય ત્યારે ના ડૂબે. લઘુ એટલે હલકો ને ગુરુ એટલે ભારે. આ લોકોને મોટા થવું છે ને, તે ગુરુતમ યોગ જ ઝાલ્યો છે બધાએ. બધાને મોટા થવું છે, તે માર ખાઈને મરી ગયા. પણ પહેલો નંબર કોઈનો લાગતો નથી. કારણ કે 'રેસકોર્સ'માં નંબર લાગે ? કેટલા ઘોડાને ઈનામ મળે ? પાંચસો ઘોડા દોડતા હોય, એમાં કેટલા ઘોડાને પહેલું ઇનામ મળે ? પહેલું ઇનામ તો પહેલા ઘોડાને જ મળે ને ?! એમ બધું હાંફી હાંફીને મરી જાય. માટે લઘુતમ યોગ પકડજો. પ્રશ્નકર્તા : હા, પણ એની વિધિ શું ? દાદાશ્રી : એની વિધિ તો, આ જગતમાં બધાનાં શિષ્ય થવાનું. કોઈ નાલાયક કહે તો એના શિષ્ય આપણે થવું કે, 'ભઈ, તું મારો ગુરુ. આજ તેં મને શીખવાડ્યું કે હું નાલાયક છું એ !' જગદ્ગુરુ ? નહીં, જગતને ગુરુ ! અને લોકો મને કહે છે, 'તમને અમારા ગુરુપદે સ્થાપન કરવા છે.' મેં કહ્યું, 'ભઈ, ના. અહીં મને ગુરુ ના કરીશ. બહાર બધા ગુરુ બહુ હોય છે. હું તો આખા જગતને ગુરુ તરીકે સ્થાપન કરીને બેઠેલો છું. તમને બધાને ગુરુ મેં કહ્યા છે. મને શું કરવા ગુરુ કરો છો ?' હું તો કોઈનો ગુરુ નથી. હું તો લઘુતમ પુરુષ છું. એટલે અમે કંઈ કાચી માયા નથી કે અમે ગુરુ થઈએ. હું કોઈનો ગુરુ થયો નથી. હું આખા જગતના શિષ્યરૂપે રહું છું અને બધાને હું શું કહું છું કે ભઈ, તમે લઘુતમ થાવ. જેને ગુરુ થવું હોય તેને થવા દો. ગુરુકિલ્લી હોય, તે ગુરુ તારે ! પણ એ ગુરુઓ કેમ કરીને પોતે તરે અને તારે ? એ ગુરુએ ગુરુકિલ્લી સાથે રાખવી પડે, તો પોતે તરે ને બીજાને તારી શકે. જ્ઞાનીઓ એને ગુરુકિલ્લી આપે, લઘુતમ થવાની ગુરુકિલ્લી આપે, પછી ગુરુ થવાય. નહીં તો આ કાળમાં ગુરુ થવું એ અધોગતિમાં જવાની નિશાની છે. ગુરુ તો દ્વાપર-ત્રેતામાં હતા ને અત્યારે ? અત્યારે તો આમની પાસે ગુરુકિલ્લી જ નથી હોતી. એટલે ગુરુઓને હું શું કહું છું કે, 'ગુરુ ના થઈ બેસીશ. નહીં તો ડૂબીશ ને બીજાને ય ડૂબાડીશ. મારી પાસેથી ગુરુકિલ્લી લઈ જજે.' ગુરુકિલ્લી રાખવી પડે. તે અમે 'જ્ઞાની પુરુષ' ગુરુકિલ્લી આપીએ ત્યારે એનું કામ થાય. ગુરુ 'સર્ટિફાઈડ' હોવો જોઈએ અને જોડે જોડે એની પાસે ગુરુકિલ્લી હોવી જોઈએ. ગુરુકિલ્લી એટલે ? પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ? દાદાશ્રી : ગુરુએ એટલું સમજવું જોઈએ કે હું જે ગુરુ થઈ બેઠો છું આ લોકોનો, તેથી મારે કયો રસ્તો લેવો જોઈએ કે મને નુકસાન ના થાય ને આ લોકોને ફાયદો થાય ? એટલે એના ગુરુએ એને શીખવાડ્યું હોય કે તું લઘુતમ રહેજે. લઘુતમ રહીને ગુરુપણું કરજે. હા, એટલે એ ગુરુકિલ્લી છે. નહીં તો ગુરુપણામાં ગુરુતમ થઈ જઈશ તો માર્યો જઈશ. જો લઘુતમ રહે ને, અને પછી ગુરુપણું કે ગમે તે કરે, એનું ફળ ખરી રીતે એને ગુરુતમ મળે છે. પણ એ આમ અત્યારે કરે છે લઘુતમ ! પ્રશ્નકર્તા : પણ એ ગુરુએ લઘુતમ થવા માટે શું કરવાનું ? દાદાશ્રી : એવો લઘુતમનો ભાવ જ રાખવાનો. કોઈ 'ગુરુ' કહે તો, વ્યવહારમાં બીજો શબ્દ તો ક્યાંથી લાવે ? એટલે 'ગુરુ' કહે તો આપણે કહેવું કે 'ભઈ, હા, હું એમનો ગુરુ થઉં.' પણ અંદરખાને આપણે જાણતા હોય કે હું તો લઘુ જ છું. એટલે દરેક માણસે 'રિલેટિવ'માં લઘુથી માંડીને લઘુતમ થવા સુધી રાખવું. ત્યાં ગુરુ નહીં રાખવું. સ્વતંત્ર ક્યારે થવાય ? પ્રશ્નકર્તા : આપ કહો છો કે હું લઘુમાં લઘુ આત્મા છું, મારો કોઈ ઉપરી નથી, હું સંપૂર્ણ સ્વતંત્ર છું. એવી રીતે બીજા પોતે સ્વતંત્ર કેમ ના રહી શકે ? ગુરુની આજ્ઞામાં રહેવાની કેમ જરૂર ? દાદાશ્રી : બધા સ્વતંત્ર જ છે ને ! ગુરુની આજ્ઞામાં રહેવાની શી જરૂર છે ?! 'મહીં'વાળાની આજ્ઞામાં રહેવાનું છે. પણ આ તો એને મહીં ક્રોધ-માન-માયા-લોભ માર માર્યા જ કરે છે. એટલે સ્વતંત્ર કોણ થઈ શકે ? જેના ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, ત્યારે સ્વતંત્ર થાય. નહીં તો સ્વતંત્ર એમ ને એમ થવાય નહીંને ! બધા શિષ્યોના ય અમે શિષ્ય ! અને ગુરુની આજ્ઞા તો શિષ્યને પરવડતી હોય તો પાળે ને ના પરવડતી હોય તો ના પાળે. કંઈ મારી આજ્ઞા નથી એ. એ તો એમની પોતાની આજ્ઞા છે. હું તો વઢતો જ નથી કોઈને. કોઈને આજ સુધી વઢ્યો જ નથી. આ બધાને કહી દીધેલું કે તમારો શિષ્ય હું છું. 'બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ' હું બધાનો શિષ્ય છું, લઘુતમ છું. 'બાય રીયલ વ્યૂ પોઈન્ટ' હું ગુરુતમ છું. એટલે વ્યવહારિક દ્રષ્ટિથી, મારાથી કોઈ નીચો નથી, મારાથી બધા મોટા છે. અને ખરી દ્રષ્ટિથી, ભગવાનની દ્રષ્ટિથી મારાથી કોઈ મોટો નથી. એવું હું તો કહું છું. તમને સમજ પડીને ? વાત સમજાઈ તમને ? એટલે આ બધા મારા ઉપરી જ કહેવાય ને ? ને આ બધાનો શિષ્ય હું છું. પ્રશ્નકર્તા : અહીં આપની પાસે તો મેળવવા આવે છે. ગુરુ હોય એ જ્ઞાન મેળવવા શી રીતે આવે ? દાદાશ્રી : અમે તો લઘુતમ થઈ ગયેલા. એ બધાય હજુ લઘુતમ થયા નથી ને ! લઘુતમ થાય તો મારા જેવા થઈ જાય. બાકી, જ્ઞાન બધું આપેલું છે. ચિંતા ના થાય, 'વરીઝ' ના થાય, ધંધો કરતાં યે રાગ-દ્વેષ ના થાય, એવું 'જ્ઞાન' ને એ બધું જ આપેલું છે. પણ લઘુતમ ના થાય ત્યાં સુધી અમારા જેવું પદ ના થાય. લઘુતમથી એક્ઝેક્ટનેસ ! પ્રશ્નકર્તા : બધાને તમે ગુરુ કહ્યા, એ બધા પછી શિષ્યો ક્યારે થશે ? ને કઈ રીતે થાય ? દાદાશ્રી : આ તો હવે ધીમે ધીમે એ જ પ્રયત્ન માંડ્યો છે, કે 'દાદા' જેવા જ આપણે થઈ જવું છે. અમારે ફક્ત કોઈને વઢવાની શરત નથી. જુઓ ને થાવ, બસ ! લઘુતમ થાવ તો જ બરાબર 'એક્ઝેક્ટનેસ' આવી ગઈ. એટલે એટલું કામ બાકી છે. વર્લ્ડનો શિષ્ય જ, વર્લ્ડનો ઉપરી ! આપણા 'વિજ્ઞાન'માં તો 'દાદા' તમારા શિષ્ય થાય છે. આટલા બધાને 'જ્ઞાન' આપ્યું, એ બધાયનો હું શિષ્ય છું. હું તો આખા 'વર્લ્ડ'નો શિષ્ય છું. આખા 'વર્લ્ડ'નો ઉપરી કોણ થઈ શકે ? જે આખા 'વર્લ્ડ'નો શિષ્ય થયો નથી એ આખા 'વર્લ્ડ'નો ઉપરી નથી. જ્યાંથી જ્ઞાન મળે, તે બધા ગુરુ જ ! પ્રશ્નકર્તા : દત્તાત્રય ભગવાને જ્યાં જ્યાંથી સદ્ગુણો મળ્યા, એ દરેક વ્યક્તિમાંથી લીધા અને કહેવાય છે કે ચોવીસ ગુરુઓ એમના જીવનમાં આવ્યા. હવે શાસ્ત્રો એમ કહે છે કે ગુરુ તો એક જ હોવાં જોઈએ. તો આપ કંઈક પ્રકાશ આપો. દાદાશ્રી : ગુરુ તો આખા જગતને કરવા જેવું છે. જ્યાંથી કંઈ આપણને જ્ઞાન મળે તે પ્રાપ્ત કરી લેવું. બાકી એવું છે ને, ગુરુ એક હોવા જોઈએ એનો અર્થ શો છે કે કિન્ડર ગાર્ટન, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, એ બધાને માટે એક ગુરુ જોઈએ અને કોલેજમાં જાય ને, તેને ચોવીસ ગુરુ જોઈએ અને 'અપર કોલેજ'માં જાય ને, તો એને આખા જગતના લોકો જોડે શિષ્ય થવું પડે. એટલે અમે આખા જગતના શિષ્ય થઈને બેઠા છીએ. એ 'અપર કોલેજ'માં જાય ત્યારે. પણ પહેલા એક ગુરુ કરવાના ક્યાં સુધી ? કિન્ડરગાર્ટન, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, ત્યાં સુધી એક ગુરુ ! કારણ કે આ નીચલા સ્ટાન્ડર્ડના લોકોને શીખવાડેલું, જે હજુ બાળક અવસ્થામાં છે, કે 'ભઈ, તું અહીં આગળ આટલું જ કરજે, બીજે ડાફાં ના મારીશ.' નહીં તો પાછું બગડી જાય, ડોળિયું થઈ જાય. એટલે એને બંધારણ બાંધી આપે. પણ પછી આગળનું સ્ટાન્ડર્ડ આવે એટલે બધા આખા જગતને ગુરુ કરવા જેવું, ને નીચલા સ્ટાન્ડર્ડવાળાને એક જ ગુરુ કરવા જેવા ! કોઈ કહેશે કે, 'સાહેબ, મારે એક ગુરુ કરેલો છે.' તો હું સમજી જઉં કે આ સેકન્ડ સ્ટાન્ડર્ડનો છે. તો હું કહું, 'બરોબર છે તારી વાત.' તમને ખુલાસો થયો ? પ્રશ્નકર્તા : હા, થયો. દાદાશ્રી : બાકી, છેલ્લા ગુરુ તો, આ જગતમાં જીવમાત્રને ગુરુ કરવા જેવાં છે. કારણ કે મહાવીર ભગવાને શું કર્યું ? કે જીવમાત્રને ગુરુ તરીકે પોતે સ્થાપ્યા અને પોતે શિષ્ય તરીકે રહ્યા. આખા જગતના જીવમાત્રને જેમણે ગુરુ કર્યા છે ! કારણ કે બધાની પાસે જાણવાનું હોય છે. 'જ્ઞાન', આપ્યું કે મેળવ્યું ? આ મારું અક્રમ વિજ્ઞાન તમારા બધા પાસેથી મેં જાણ્યું છે અને તમે લોકો મને એમ કહો છો કે, 'તમે અમને જ્ઞાન આપો છો.' પણ આ અક્રમ વિજ્ઞાન તમારા બધા થકી મેં જાણ્યું છે. મહીં પુસ્તકોમાં છે નહીં આ અક્રમ વિજ્ઞાન. તો ક્યાંથી આવ્યું ? આ બધા થકી. એમનું પોતાનું જ્ઞાન એ આપતા ગયા અને બીજું જ્ઞાન લેતા ગયા. એમને જે પચતું નહોતું, એ જ્ઞાન મને આપતા ગયા અને બીજું જ્ઞાન જે એમને પચે એવું હતું એ લેતા ગયા. એટલે એમને જે પચતું નહોતું, તે જ્ઞાન મારી પાસે ભેગું થયું, તે અક્રમ તરીકે ઉઘાડું થયું. પ્રશ્નકર્તા : પણ અમારા બધાં ભંગારની અંદરથી આવું અક્રમ વિજ્ઞાન નીકળ્યું ? દાદાશ્રી : ના, ભંગાર નહીં. તમને જે જ્ઞાન પચ્યું નહોતું ને તમારી પાસે અજીર્ણ થયેલું હતું ને પડી રહેલું, તે અહીં મારી પાસે આવી ગયું બધું અને તમને જીર્ણ થાય એવું તમે અહીંથી લઈ ગયા. એટલે ફુલ (સંપૂર્ણ) જ્ઞાન મારી પાસે આવ્યું. ફુલ જ્ઞાન, પૂર્ણવિરામ જ્ઞાન ! હવે આ લોકોને વાત શી રીતે સમજાય તે ? આ તો ભણેલા-ગણેલા માણસો સમજે. બીજા લોકોનું કામ નહીંને, બિચારાનું. આ તો 'સાયન્ટિફિક' વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે આ ફોરેનનાં સાયન્ટિસ્ટો બેસીને સાંભળે તો એ બધાને 'એક્સેપ્ટ' કરવું પડે ! ઓળખવું પદ 'જ્ઞાની'નું ! તેમાં આ કોઈ માણસ મને તો પગે લાગતો જ નથી, ને લોકોને એમ લાગે છે કે આ બધા મને પગે લાગે છે. પણ હું તો આ શરીરમાં એક મિનિટ પણ રહેતો નથી, પચ્ચીસ વર્ષથી એક મિનિટ પણ રહ્યો નથી. અને લોકો તો નિરંતર તે રૂપે રહે છે કે હું જ છું આ, હાથે ય હું છું ને પગે ય હું છું ને માથું ય હું છું ને આ બધું ય હું જ છું ! એટલે આ મન-વચન-કાયાથી હું તદ્દન જુદો રહું છું. એટલે આને ગાળો ભાંડે-મારે, તો ય મને વાંધો ના આવે ને ! લોકો મને ઓળખતા જ નથી ! શી રીતે મને ગાળ દઈ શકે ? અને જે મને ઓળખે છે તે તો પરમાત્મા તરીકે ઓળખે છે. એટલે એ બધા લોકો મને ગાળ દેય નહીં ને કશું આવું તેવું એ બાજુનું વર્તન જ ના હોય ને ! અને લોકો તો 'એ. એમ. પટેલ' તરીકે ઓળખે છે અગર તો ગુરુ તરીકે ઓળખે છે. પણ હું કોઈનો ગુરુ થઈ બેઠો જ નથી. હું તો લઘુતમ પુરુષ છું. જ્ઞાની તરીકે, જ્ઞાની જે કહેવાય છે એ તરીકે હું લઘુતમ છું બિલકુલ. તમામ પ્રકારની ભીખ નથી જ્યાં ! અમને કોઈ પણ જાતની ભીખ ના હોય, તેથી અમને આ પદ મળ્યું છે. જે સર્વશ્રેષ્ઠ પદ, જે આખા બ્રહ્માંડમાં મોટામાં મોટું પદ, તે પ્રાપ્ત થયેલું છે. કોઈ પણ જાતની ભીખ રહી નથી માટે ! કારણ કે જે લક્ષ્મીની ભીખ છે ને, તે અમને હોય નહીં. અમને સોનાના ઢગલા પાથરે તો ય અમારે કામ ના લાગે. વિષયનો વિચાર ના આવે, ઉપરથી દેવીઓ આવે તો ય અમને વિચાર આવે નહીં. અમને માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, શિષ્યોની ભીખ ના હોય, દેરાં બંધાવાની ભીખ ના હોય. જેટલું ઓળખે, તે પામે તે પદ ! હવે મારું સ્વરૂપ, જ્ઞાની સમજશો તો તમે જ્ઞાની થશો. તમે આચાર્ય સ્વરૂપ મારું સમજો તો તમે આચાર્ય સ્વરૂપ થશો. મારું સ્વરૂપ આચાર્ય તમે સમજો તો મને વાંધો નથી, પણ તમે આચાર્ય સ્વરૂપ થશો. તમારે જે જરૂર હોય એ સ્વરૂપ અમારું જાણશો, તે તમે થશો. મારે કશું થવું નથી. હું તો થઈને બેઠો છું. ચાર ડિગ્રીનો નાપાસ થયેલો માણસ ! હું તો નાપાસ થઈને લઘુતમ થઈને બેઠેલો છું. એટલે અમારું પદ જેને જે સમજવું હોય એટલો એ રૂપ થશે. આ વાત સમજાય તો કામ નીકળી જાય. વર્તવું 'પોતે' લઘુતમ ભાવે ! પ્રશ્નકર્તા : આપે જે 'જ્ઞાન' આપ્યું એ લઘુતમ પદની પ્રાપ્તિ કરાવતું નથી ? દાદાશ્રી : હા, એ લઘુતમ પદ આપે. પણ આ હજુ ગુરુતમ ભાવ ગયો નથી ને ! વ્યવહારમાં ગુરુતમ ગયું નથી ને ! આ ગુરુતમ ભાવ છૂટ્યો નથી. 'હું કંઈક છું' એવું રહે છે એ કાઢી નાખવાનું. વાતને જો સમજે તો ઉકેલ આવે. બાકી ના સમજે તો આનો ઉકેલ નથી આવે એવો. ... એ પૂર્ણ થવા માટેનો ભાવ ! પૂર્ણ થવા માટે લઘુતમ ભાવ જેવો બીજો કોઈ ભાવ છે નહીં ને જગતમાં અઘરામાં અઘરો ભાવ હોય તો લઘુતમ ભાવ. એ લઘુતમ ભાવ જગત કેવી રીતે પામી શકે ? વર્લ્ડનો એક પણ માણસ લઘુતમ ભાવ પામી શકે નહીં. જે લઘુતમ ભાવને તમે પામ્યા છો, એ 'વર્લ્ડ'માં કોઈ પણ માણસ પામી શકે નહીં. એ સહેલી વસ્તુ નથી, બહુ અઘરામાં અઘરી વસ્તુ છે એ. લોકો કહે, 'ભઈ, કેમનું ?' ત્યારે આપણે કહીએ, 'હાર્યા ભઈ, હાર્યા.' હવે આપણે હાર્યા કહીએ એટલે 'રિયલ'માં ગુરુતમ થયો એની મેળે કુદરતી. એટલે લઘુતમ થવાનો ભાવ હોવો જોઈએ. બાકી મોટો થયો કે ભટક્યો. મોટો થયો ને મોટું માન્યું કે ભટક્યો. પૂર્ણ પુરુષો મોટા હોતાં જ નથી. આ તો બધા અધૂરા ઘડા જ મોટા થાય છે. પૂર્ણ પુરુષનો અવાજ જ ના થાય. કોઈને ગુરુતમ ના થવું હોય એવું છે કોઈ ? આ વ્યવહારમાં મોટા લોકો છે તે ય આમ દેખાય કે લઘુતમ થવા ફરે છે, બહાર દેખાવમાં લઘુતમ દેખાય. પણ હોય મહીં ભાવ ગુરુતમનો કે 'હું કંઈક છું' બધા કરતાં ! આમ, બહાર બહુ સારા માણસ કહેવાય વ્યવહારિક રીતે, પણ તે 'વસ્તુ' (આત્મા) કોઈ દહાડો પામે નહીં. એ તો આ 'રિયલ' ને 'રિલેટિવ'ની ડિમાર્કેશન લાઈન રાખશે તો જ પામશે. નહીં તો આ સંસારનાં ઝઘડા ઓછા થાય નહીં. આ તો ભ્રાંતિ ખસેડી કે વધી ! આ તો જગતમાં શું થયું છે ? 'રિલેટિવ'ને જ 'રિયલ' માનવામાં આવ્યું છે. રિલેટિવને રિયલ માનીને જ આ લોકો ચાલ્યા છે. એ એકુંય દહાડો રિયલ થયા નહીં ને દહાડો વળે નહીં. તે અનંત અવતારથી ભટક ભટક ભટક કરે છે. કેટલીયે યોનિમાં ભટક ભટક કરે છે. સાચી 'લાઈન ઓફ ડિમાર્કેશન' ના પડી, તેથી જ તો જગત આખું મૂંઝાયું છે અને તેથી 'રિલેટિવ'ને જ 'રિયલ' માન્યું છે અને તેને જ ગુરુતમ કરવા માગે છે. જેને લઘુતમ કરવાનું તેને જ ગુરુતમ કરે, એનું નામ ભ્રાંતિ ! અને પાછો શું કહે છે ? 'અમે ભ્રાંતિ ખસેડી રહ્યા છીએ.' અલ્યા, આ ભ્રાંતિ તો વધી રહી છે. તમને એવું નથી લાગતું ? આજ્ઞાપાલનથી 'રિલેટિવ'માં લઘુતમ ! હવે આપણે શું કહીએ છીએ ? કે ભઈ, તમને એ 'ડિમાર્કેશન લાઈન' 'એક્ઝેક્ટ' પડી ગઈ કે આટલું 'રિલેટિવ' ને આટલું 'રિયલ'. અને 'રિયલ'માં આવું છે, 'રિયલ'માં શુધ્ધાત્મા. અને 'રિલેટિવ'માં તમને પાંચ વાક્યો આપ્યાં તે. બીજું બધું તો નિકાલી છે. પ્રશ્નકર્તા : એ નિકાલ થતો જાય છે ? દાદાશ્રી : હા, એની મેળે નિકાલ થયા જ કરે છે. સંડાસના માટે રાહ જોવી પડે નહીં. અને રાહ જુએ એ મૂરખ ગણાય. એટલે આ બીજું બધું નિકાલી છે. તો હવે થવાનું શું ? પ્રશ્નકર્તા : લઘુતમ ! દાદાશ્રી : લઘુતમ ! બસ, એટલો જ ભાવ. ને 'દાદા'ની આજ્ઞા લઘુતમ ભાવમાં છે. એટલે હવે તમારે 'રિલેટિવ'માં ફક્ત લઘુતમ થવાની જરૂર છે. એટલે 'રિયલ' અને 'રિલેટિવ' વચ્ચે 'લાઈન ઓફ ડિમાર્કેશન' આવે અને 'રિલેટિવ'માં પોતે લઘુતમ થાય તો અહીંના સંસારના દુઃખોમાં ય સમાધિ રહે, ને એ જ સાચી સમાધિ ! લઘુતમ થયાની નિશાની ! તમે કેટલા લઘુતમ થયા છો ? પ્રશ્નકર્તા : 'દાદા'ને ખબર. મને એનું થર્મોમિટર બરોબર ખબર નથી પડતી. દાદાશ્રી : પણ કંઈ થયા છો લઘુતમ ? કેટલા ? બે આની ? ચાર આની ? પ્રશ્નકર્તા : પણ એવું કેવી રીતે માપ કઢાય ? દાદાશ્રી : એ તો કોઈની જોડે લઢતા હોય ત્યારે ખબર પડી જાય, કે તમે લઘુતમ પૂરેપૂરા થયા નથી. હજુ તો તમે આપી દો બરાબર, કે 'તું શું હિસાબમાં ?' એટલે હવે આપણે લઘુતમ ખોળવાનું. માલ જુદો, ભાવ જુદો ! તમારે ગુરુતમ થવું છે કે લઘુતમ ? પ્રશ્નકર્તા : લઘુતમ. દાદાશ્રી : આમ બે હાથ જોડીએ એ તો ગમે છે અને કહો છો 'મારે લઘુતમ થવું છે.' આ બધા આમ હાથ જોડે ને, તો ખુશ. અને પાછું કહેશે, 'મારે હવે લઘુતમ થવું છે.' માલ ભરેલો બધો એવો વસમો છે, ગુરુતમનો જ માલ ભર્યો છેને બધો. તો ય આપણે દ્રષ્ટિ શું રાખવી ? પ્રશ્નકર્તા : લઘુતમ થવાની. દાદાશ્રી : તો અંદર આત્મા ગુરુતમ થતો જાય. 'અમે' લઘુતમ થઈને બેઠેલા છીએ. અમારો 'આત્મા' ગુરુતમ છે. તમારે પણ એ દ્રષ્ટિ સેવન કરવાની. બીજું શું, આમાં બહુ અઘરું છે નહીં કશું. ભૂલ ભાંગવી 'જ્ઞાન' સમજીને ! અને પછી આપણું 'સાયન્સ' શું કહે છે ? 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? 'રિલેટિવ'માં તમે જેટલા લઘુતમ થશો એટલું 'રિયલ'માં તમે ગુરુતમ થશો, સંપૂર્ણ થશો. હવે એ શું ખોટું કહે છે ? બાકી, 'રિલેટિવ'માં તો આ જગત આખું ગુરુતમ થવા ફરે છે. તેથી આ પાડા ને ભેંસો બધું ઊભું રહ્યું છે. તે કોને લીધે ઊભું રહ્યું છે ? આટલી ભૂલથી જ. તે આ ભૂલ ભાંગવી નહીં જોઈએ, મનુષ્યમાં આવીને ? ભાંગવી જોઈએ એવું લાગે છે ને ? કરો ડીવેલ્યુએશન રિલેટિવનું, તો... જે 'રિલેટિવ'માં ડિવેલ્યુએશન થઈ ગયો, તે 'રિયલ'માં પરમાત્મા થઈ ગયો. એટલે 'રિલેટિવ'માં ડિવેલ્યુએશન' થવાની જરૂર. ખાવ-પીવો, હરો-ફરો અને 'ડિવેલ્યુએશન' કરવાનું. બીજું કશું ય નહીં. આપણે અહીં રૂપિયાના 'ડિવેલ્યુએશન' થયા કરે છે, તેથી કરીને પબ્લીકને અસર થઈ જાય છે કશી ? ચાલ્યા જ કરે છે. એ તો 'ડિવેલ્યુએશન' થાય, ઘડીમાં 'એલીવેશન' થાય, વધે-ઘટે ! પબ્લીકને શું એમાં લેવાદેવા ? એમ આ 'રિલેટિવ'નું 'ડિવેલ્યુએશન' કરવામાં કશું નુકસાન નથી. ઊલટો નર્યો નફો છે. હેય, આનંદથી રહેવાનું. તે આ અમે જો 'ડિવેલ્યુએશન' કરીને બેઠા છીએ, એટલે જો કેવી મઝા આવે છે ! હવે હું શું કહું છું ? 'રિલેટિવ'માં તમે જેટલા 'ડિવેલ્યુએશન' થશો એટલે 'રિયલ'માં પરમાત્મા પદ ખીલશે. એટલે સહેલામાં સહેલો રસ્તો છે ને ? છે કંઈ અઘરું કશું ? બીજું કશું આમાં સમજવાનું નથી. અને લઘુતમ તમને ચિંતા નહીં કરાવે. જ્યાં 'ડિવેલ્યુએશન'માં ઊતર્યા, જુઓને હવે પૈસાની 'ડિવેલ્યુએશન' કરી નાખી તો પૈસાની ચિંતા છે અત્યારે કોઈ જાતની ? પહેલાં 'વેલ્યુએશન' હતી, તો કેટલી ચિંતા હતી ! રૂપિયા બેંકમાં લઈ જતા હોય તો 'કાપી નાખશે' એવું ભડકતા હતા. અત્યારે તો કોઈ કાપનારો નહીં ને કશું જ નહીં. કશી ભાંજગડ જ નહીં. 'ડિવેલ્યુએશન' થઈ જાય એટલે છે કશી ભાંજગડ ? હા, પાંચ અબજ રૂપિયા આપણી પાસે હોય, પણ નીચે બેસતાં આવડ્યું, બીજી રીતે લઘુતમ થતો ગયો, કે પેણે ગુરુતમ થઈ ગયો. પૂર્ણ લઘુતમ, ત્યાં પૂર્ણત્વ ! 'રિલેટિવ'માં જે લઘુતમ થવા પ્રયત્ન કરે, તેનું સહેજે 'રિયલ'માં ગુરુતમ થાય, પરમાત્મ પદ થાય. ગુરુતમ થવા માટે કશું કરવાનું ના હોય. એટલે વ્યવહારમાં વાત કરવી હોય તો 'મારાથી કોઈ જીવ નાનો નહીં અને સહુથી નાનામાં નાનો હું' એવું ભાન રહે એટલે બહુ થઈ ગયું. હવે તમે લઘુતમ થશો તો જ તમને મૂળ પદ પ્રાપ્ત થશે અને તો જ ભગવાન પદ તમારું થશે. એટલે જેટલું લઘુતમ, 'કમ્પ્લીટ' લઘુતમ એ ભગવાન પદ ! એટલે આપણે 'રિલેટિવ'માં લઘુતમ થવાનો પ્રયત્ન કરો તો કુદરતી રીતે પેલામાં ગુરુતમ થાય અને પૂર્ણત્વ થાય. આત્માની પૂર્ણત્વ જે દશા છે એ કુદરતી રીતે જ થાય, 'એક્ઝેક્ટ' એની મેળે જ થઈ જાય. ધ્યેય, લઘુતમ પદનો ! તમે લઘુતમ પુરુષ જોયેલા આ જગતમાં ? પ્રશ્નકર્તા : દાદા પોતે જ લઘુતમ છે ને ! દાદાશ્રી : હા, એટલે બસ, આ લઘુતમ પુરુષને જોવાના. ને તેવું તમારે થવાનું છે, બીજું શું ? અહીં બીજું શીખવાનું કશું નથી. આપણા મહાત્માઓ સમજી ગયા કે લઘુતમ 'દાદા'એ શીખવાડ્યું ! હવે દાદા જ લઘુતમ થયા છે એટલે બીજાને પણ લઘુતમ થયે જ છૂટકો છે ને ! અને એવો જ ધ્યેય કરવા જેવો છે. બીજું કશું કરવા જેવું જગતમાં નથી, જો ખરું સુખ જોઈતું હોય તો. અમે આ 'રિલેટિવ'માં લઘુતમની જગ્યા ઉપર બેઠેલા છીએ, તમને બધાને એ જ કહીએ છીએ કે આમ થઈ જાવ. બીજું કશું કહેતા જ નથી ને ! મને લાગે છે તમારે વર્ષ દહાડો લાગશે લઘુતમ થતાં ?! પ્રશ્નકર્તા : પણ આ લઘુતમ થવાનું, એ તો બહુ મોટી વસ્તુ છે. દાદાશ્રી : ના, એવી મોટી વસ્તુ નથી. 'આપણે' નક્કી કર્યું ને, કે 'મારે લઘુતમ થવું છે' તો મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર આ બધા એ બાજુ જ જયા કરે ! એટલે ધ્યેય નક્કી કર્યો, તે બાજુ જાય. 'તમે' કહો કે મારે અત્યારે સાન્તાક્રુઝ જવું છે, તો તે બાજુ જ જાય. માટે ધ્યેય નક્કી કરો. બાકી, દુનિયામાં ય કોઈ 'લઘુતમ થવું છે' એવું નક્કી જ ના કરે. આપણા 'જ્ઞાન' લીધેલા મહાત્માઓ જ એવું નક્કી કરે કે, 'લઘુતમ થવું છે.' કારણ કે સાચું જ્ઞાન પામેલા છે ને એ, પેલા લોકોને તો ભ્રાંતિ છે. લઘુતમ ભાવની ખુમારી ! એટલે આ 'જ્ઞાન' પછી 'લાઈન ઓફ ડિમાર્કેશન' આપી, 'રિલેટિવ-રિયલ'નું 'એડજસ્ટમેન્ટ' થયું. હવે લઘુતમ પદમાં ખુમારી હોવી જોઈએ આપણને. ખુમારી શેની ? જગત આખું ગુરુતમની ખુમારી રાખે તો આપણે શેની ખુમારી રાખીએ ? લઘુતમની, એટલે આમાં બીજું કશું બહુ ઊંડું છે નહીં. લોક કહે છે કે શું 'દાદા'ની ખુમારી છે ! હવે ખુમારી તો અજ્ઞાનતામાં હોય. પણ આ ય એક ખુમારી છે ને ! કે જે ખુમારી બદલાય જ નહીં કોઈ દહાડો ય, એક સેકન્ડે ય બદલાય નહીં. એવા ને એવા, જ્યારે જુઓ ત્યારે એવા ને એવા જ ! સંજોગો બધા બદલાય, પણ 'દાદા' બદલાય નહીં ને ! અને આપણે ય છેવટે એમના જેવા જ થવાનું છે. આપણો ધ્યેય એ જ હોવો જોઈએ. તે આ મેં તમને 'લાઈન ઓફ ડિમાર્કેશન' નાખી આપી. હવે તમે લઘુતમની ખુમારીમાં રહો. હવે ધંધો કરો, તો એ તો 'વ્યવસ્થિત'ના તાબામાં છે. તમારે તો ફક્ત આમને કહેવાનું, 'ચંદુભાઈ'ને કહેવાનું કે, 'ભઈ, કામ કર્યે જાવ. ચા પીવી હોય તો ચા પીવો, પણ કામ કરો.' આટલું જ કહેવાનું. એટલે આપણને તો લઘુતમની ખુમારી રહેવી જોઈએ. ગુરુતમની ખુમારી તો સહુ લોકોએ રાખી. પણ આપણને ખુમારી શેની રહેવી જોઈએ ? પ્રશ્નકર્તા : લઘુતમની. દાદાશ્રી : હા, બેંકમાં રૂપિયા છે તેની ખુમારી નહીં રાખવાની. લઘુતમની ખુમારી રાખવાની. તમને ફાવશે એ વાત ? પ્રશ્નકર્તા : હા, ફાવશે. દાદાશ્રી : અને આ વિજ્ઞાનમાં તો છોકરાં-છોડીઓ પૈણાવાય, પાઘડીઓ પહેરીને પૈણાવાય. કશું નડે નહીં. કારણ કે એ બધું 'રિલેટિવ' છે અને તેમાં લઘુતમ પદ પર બેઠા પછી છો ને, પાઘડીઓ બે પહેરી હોય. મને કંઈ વાંધો નથી. કારણ કે તમારી ખુમારી શેમાં છે ? લઘુતમ પદમાં ! ગુરુતમ પદની ખુમારી હોય તેને ભાંજગડ. પણ લઘુતમ પદની ખુમારી તો રહે જ ને ! અગુરુ-લઘુ એ મૂળ સ્વભાવ ! 'અમે' આ જગતમાં બે ભાવે રહીએ છીએ : લઘુતમ ભાવ અને અભેદ ભાવ. એ અમારી બાઉન્ડ્રી છે. 'રિલેટિવ'માં લઘુતમ ભાવે છીએ, 'રિયલ'માં 'અમે' ગુરુતમ ભાવે છીએ અને 'સ્વભાવ'થી અભેદભાવે છીએ ! 'પોતે' લઘુતમ થઈ જાય એટલે આત્મા ગુરુતમ, એટલે આત્માને ગુરુતમ કરવાની જરૂર નથી. આપણે ફક્ત લઘુતમ થવાની જરૂર છે. પ્રશ્નકર્તા : આપણે લઘુતમ થઈએ તો આત્મા ગુરુતમ થાય. પણ આત્મા તો અગુરુ-લઘુ સ્વભાવનો છે. દાદાશ્રી : એ અગુરુ-લઘુ સ્વભાવનો છે, એ વાત એની એવી નથી. ગુરુતમનો અર્થ શું ? કે અગુરુ-લઘુ સ્વભાવ સુધી જવું, એનું નામ ગુરુતમ કહેવાય. પ્રશ્નકર્તા : પણ 'રિયલ'માં તો અગુરુ-લઘુ સ્વભાવ નહીં ? દાદાશ્રી : એ પાછું જુદું. આ અગુરુ-લઘુ એ મૂળ સ્વભાવ છે અને આ વ્યવહારિક જ્યાં છે ત્યાં એ લઘુતમ થયો એટલે 'રિયલ'માં ગુરુતમ થયો. હું નિરાંતે લઘુતમ રહું છું તો આત્મા મારો ગુરુતમ રહે છે ઠેઠ સુધી. એની 'ટેસ્ટ એક્ઝામિનેશન' ! પ્રશ્નકર્તા : આપ 'રિલેટિવ'માં લઘુતમ થયા, એનો દાખલો આપો. દાદાશ્રી : દાખલામાં તો અમે આ ઊઘાડું, બોલતું ઉપનિષદ જ છીએ ને ! બોલતું પુરાણ છીએ ને !! 'રિલેટિવ'માં લઘુતમ થવું એટલે તમને સમજાવું. અહીંથી તમને એક ગાડીમાં લઈ જતા હોય અને બીજાં ઓળખાણવાળા આવ્યા એટલે તમને પછી કહેશે, 'હવે ઊતરી જાવ.' એટલે કંઈ પણ 'ઇફેક્ટ' સિવાય ઉતરી જવું. ફરી પાછો થોડીવાર પછી કહેશે, 'ના, ના. તમે આવો.' ફરી પાછાં તમને બેસાડ્યા તો તમે બેસી જાવ. ફરી બીજા ઓળખાણવાળા મળે ત્યારે તમને કહે, 'ઊતરી જાવ.' તો કંઈ પણ 'ઇફેક્ટ' સિવાય ઊતરી પડવું. ને કંઈ પણ 'ઇફેક્ટ' સિવાય ચઢવું. એવું આઠ-દસ વખત થાય તો આ માણસોને શું થાય ? ફાટી જાય. જેમ દૂધ ફાટી જાય એમ ફાટી જાય ! પ્રશ્નકર્તા : એક જ વખતમાં ફાટી જાય. દાદાશ્રી : અને મને સત્યાવીસ વખત કરે તો ય એવો ને એવો ! અને પાછો જઈને પાછો હઉ આવું. એ કહેશે, 'ના, ના. તમે પાછા આવો.' તો પાછો હઉ આવું. કારણ કે અમે લઘુતમ થયા છીએ. 'ફાઉન્ડેશન' 'આ' વિજ્ઞાનના ! લઘુતમ એ તો આપણું કેન્દ્ર જ છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુરુતમ પ્રાપ્ત થાય. આપણી તો નવીન 'થિયરી'ઓ બધી, તદ્દન નવી ! લઘુતમ ભાવમાં રહેવું અને અભેદદ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. 'આ' વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' શું ? લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. આ વિજ્ઞાન કંઈ એમ ને એમ 'ફાઉન્ડેશન' વગર નથી. બીજી બધી ક્રિયાઓ એની મેળે થયા જ કરે છે, 'મિકેનિકલી' થયા જ કરે છે. 'દ્રષ્ટિ' અને 'મિકેનિકલ', એ બેને બહુ 'ડિફરન્સ' છે. દ્રષ્ટિ જ મુખ્ય વસ્તુ છે ને 'મિકેનિકલ' એ વસ્તુ જુદી છે. જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, તે જગતમાં 'મહાવીર' થઈ શકે નહીં. નાનો છોકરો હોય, બાળક હોય, મૂરખ હોય, તે બધાનાં શિષ્ય થવાની દ્રષ્ટિ ! લઘુતમ થયો કે પ્યૉર થઈ ગયો. સંપૂર્ણ પ્યૉર ! પ્યૉર થવા માંડ્યા જ છે. જેટલો પ્યૉર થયો એટલો લઘુતમ થઈ ગયો. 'આ' સિવાય ન બીજું કોઈ સ્વરૂપ ! પ્રશ્નકર્તા : આમાં આપ આપને કઈ કોટીમાં માનો છો ? દાદાશ્રી : હું મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી. અને 'દાદા ભગવાન' એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે ! દિશા બદલવાની જ જરૂર ! પ્રશ્નકર્તા : અત્યારે ભારતમાં આપની કક્ષાની બીજી વિભૂતિઓ ખરી ? દાદાશ્રી : મને શી રીતે ખબર પડે ?! એ તો તમે તપાસ કરો છો, તો તમને ખબર પડે. હું તપાસ કરવા નથી ગયો. પ્રશ્નકર્તા : આપ શિખર પર છો, એટલે દેખાય ને ? દાદાશ્રી : પણ હું જે શિખર પર છું, એનાથી બીજાં કોઈ શિખર મોટા હોય તો મને શું ખબર પડે ? દરેક શિખર પર ગયેલાઓએ કહેલું શું ? કે હું જ છેલ્લા શિખર પર છું. પણ મેં એવું નથી કહ્યું. પ્રશ્નકર્તા : આપનાથી નાના શિખરો હોય તે બધાં દેખાય ને ? દાદાશ્રી : નાના દેખાય પણ તે નાના ગણાતાં નથી. વસ્તુ તો એક જ ને ! કારણ કે હું જે શિખર ઉપર છું ને, ત્યાં લઘુતમ થઈને બેઠેલો છું, વ્યવહારમાં ! જેને વ્યવહાર કહે છે ને, જ્યાં લોકો ગુરુતમ થવા ગયેલા, ત્યાં હું લઘુતમ થયેલો છું. જ્યારે લોકોને, ગુરુતમ થવા ગયેલા તેનો બદલો શું મળે ?! લઘુ થયા. મારે વ્યવહારમાં લઘુતમ થયું માટે નિશ્ચયમાં ગુરુતમ થઈ ગયું ! આ વર્લ્ડમાં ય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. જો નાનો થાય તો તો એ બહુ મોટો, ભગવાન થઈ જાય. છતાં ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે. આપણને એ પદ જોઈતું નથી. શેને માટે એ પદ જોઈએ ?! અને આવા કાળમાં એ પદ પ્રાપ્ત કરાય ? આવા કાળમાં ગમે તેવાં માણસો ભગવાન પદ લઈ બેઠા છે. એટલે દુરુપયોગ થાય ઊલટો. આપણે એ પદને શું કરવું છે ?! હું જ્ઞાની છું એ પદ ઓછું છે ? અને આખા જગતના શિષ્યરૂપે જ્ઞાની છું ! લઘુતમ પુરુષ છું !! પછી આથી મોટું પદ કયું ? લઘુતમ પદથી ક્યારેય પડી ના જવાય એવું મોટું પદ !! અને જગતનો શિષ્ય થશે ને, તે ગુરુતમ થશે ! રસ્તો જ આ છે, હા !! આ વાક્ય દિશા બદલવાનું કહે છે. તમે જે ગુરુતમ અહંકાર કરતા ફરો છો, એટલે શું કે 'હું આમ આગળ વધું અને આગળ મોટો કેમ થઉં' એવો તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ ગુરુતમ અહંકાર કહેવાય. એને બદલે 'હું કેમ નાનો થઉં' એમ લઘુતમ અહંકારમાં જશો તો જ્ઞાન જબરજસ્ત પ્રગટ થશે !! ગુરુતમ અહંકાર હંમેશાં જ્ઞાનને આવરણ લાવે છે અને લઘુતમ અહંકાર જ્ઞાન પ્રગટ કરે છે. શિષ્યોના ય શિષ્ય !! પ્રશ્નકર્તા : દાદાએ કોઈને શિષ્ય બનાવ્યા છે ? દાદાશ્રી : હું આખી દુનિયાનો શિષ્ય થઈને બેઠો છું. શિષ્યોનો ય શિષ્ય હું છું. મારે શિષ્યોને શું કરવા છે ?! એ પાછું ક્યાં વળગાડું આ બધાંને ?! આમ તો પચાસ હજાર માણસો મારી પાછળ ફરે છે. પણ હું આ બધાંનો શિષ્ય છું. એટલે 'આ' તો કોણ છે ? લઘુતમ પુરુષ ! લઘુતમ પુરુષનાં દર્શન ક્યાંથી હોય ?! આવાં દર્શન જ ના હોય ને ! વર્લ્ડમાં એક માણસ ખોળી લાવો કે જે લઘુતમ હોય અને આ પચાસ હજાર માણસો હશે, પણ આ બધાંના શિષ્યો છીએ અમે. આપને સમજાયું ને ? હું પોતે શિષ્ય કરતો જ નથી. આ મેં શિષ્ય નથી કર્યા. જગતના શિષ્યને જ જગત સ્વીકારશે ! પ્રશ્નકર્તા : તો આપની પાછળ શું થાય પછી ? કોઈ શિષ્ય ના હોય તો પછીથી શું થાય ? દાદાશ્રી : કશી જરૂર જ નથી ને ! અમારે શિષ્ય એકુંય નથી. પણ રડનારા બહુ છે. ઓછામાં ઓછું ચાલીસ-પચાસ હજાર માણસ રડનારું છે. પ્રશ્નકર્તા : પણ આપના પછી કોણ ? દાદાશ્રી : એ તો 'વખત' તે ઘડીએ બતાવશે કે પછી કોણ છે તે ! હું તો કંઈ જાણતો નથી અને એવું આ વિચારવા માટે નવરો ય નથી. પ્રશ્નકર્તા : આપ કહો છો કે મારી પાછળ ચાલીસ-પચાસ હજાર રડનારા હશે, પણ શિષ્ય એકુંય નહીં. એટલે તમે શું કહેવા માગો છો ? દાદાશ્રી : મારો શિષ્ય કોઈ નથી. આ કંઈ ગાદી નથી. ગાદી હોય તો વારસદાર થાય ને ! આ ગાદી હોય તો લોક વારસદાર થવા આવે ને ! અહીં તો જેનું ચાલે તેનું જ ચાલશે. જે બધાનો, આખા જગતનો શિષ્ય થશે, તેનું કામ થશે ! અહીં તો લોક જેને 'એક્સેપ્ટ' કરશે, તેનું ચાલશે !! - જય સચ્ચિદાનંદ |
|---|