દુઃખ માત્ર અણસમજણથી !

સંપાદકીય

આ જગતમાં દુઃખ કોને નથી ? નાના-મોટા, ગરીબ-શ્રીમંત, બેકાર-નોકરિયાત-ધંધાવાળા, પૈણેલા કે ત્યાગી - બધાં જ દુઃખની બૂમો પાડ્યા કરે છે કે અમે દુઃખી છીએ. અમને આમ દુઃખ છે. લોકભાષા કરતાં જ્ઞાની પુરુષની ભાષા જુદી જ હોય. પરમ પૂજ્ય અક્રમ વિજ્ઞાની દાદાશ્રી એક જ વાક્યમાં કહે છે કે, દુઃખ માત્ર અણસમજણથી જ છે. જો અણસમજણ નીકળી જાય તો એ જ પરિસ્થિતિ, સંજોગોમાં દુઃખ મટી જાય.

જ્યાં પાયામાં જ રોંગ બિલિફ છે, તેનાથી પછી ક્લેશ થયા જ કરે. કોઈ માણસના રૂપિયા ખીસ્સાકાતરુ કાપી ગયો તો અણસમજણ એને ક્લેશ-ક્લેશ કરાવશે. જ્યારે જ્ઞાનીને એ જ સંજોગમાં જ્ઞાનને લઈને સમાધાન રહેશે, ક્લેશ નહીં થાય અને સમાધિમાં રહેશે. આમ સંજોગો દુઃખદાયી નથી, અણસમજણ દુઃખ આપે છે.

સંસારમાં ખરેખર દુઃખ કોને કહેવાય ? ભૂખ લાગી હોય ને ખાવા ના મળે - તરસ લાગે ને પાણી પીવાનું ના મળે, ઊંઘવા ના મળે, અરે એથી આગળ કહેવું હોય તો સંડાસ જવા ના મળે, એવાં બધાં દુઃખને ગણતરીમાં લેવાય. બાકી, માની બેઠેલાં દુઃખો માત્ર ક્રોધ-માન-માયા-લોભ-અણસમજણથી જ ઊભાં થઈ ગયેલાં છે.

બીજાનાં દુઃખો જોઈએ - મુશ્કેલીઓ જોઈએ, દવાખાનામાં લોકોની પીડા જોઈ આવીએ તો તેની સામે પોતાનાં દુઃખ ઓછાં લાગે. આમ કમ્પેરીઝન કરવાથી દુઃખમાંથી સુખનું શોધન થઈ શકે તેમ છે !

જ્ઞાની પુરુષની ગોઠવણી ગજબની હોય. તેનાથી પોતે કાયમ આનંદમાં રહી શકે. અને જેને આત્માનું જ્ઞાન જ મળી જાય.... તો તો પછી સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિમાંય જ્ઞાનદશાને લીધે નિરંતર સમાધિમાં રહી શકે.

પ્રસ્તુત સંકલનમાં અનેક ચાવીઓ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપી અણસમજણ જ દુઃખ જન્માવનાર છે તે સચોટ રીતે પુરવાર કરે છે. દુઃખ મટાડવા વસ્તુ કે સંયોગ કે વ્યક્તિને ફેરફાર કરવાની જરૂર નથી, માત્ર પોતાની અણસમજણ ફેરફાર કરી નાખીએ તો સુખ, સુખ ને સુખ જ છે પછી !

દાદાશ્રીની જ્ઞાનવાણી અત્રે અંકિત થઈ છે. જે વાચકને સવળી સમજણ પ્રાપ્ત કરાવનારી બની રહેશે.

દીપકના જય સચ્ચિદાનંદ

'રાઇટ બિલિફ' ત્યાં દુઃખ નથી !

પ્રશ્નકર્તા : દાદા, દુઃખ વિશે કંઇક કહો. આ દુઃખ શેમાંથી ઉત્પન્ન થાય છે ?

દાદાશ્રી : તમે જો આત્મા છો તો આત્માને દુઃખ હોય જ નહીં કોઇ દહાડોય અને તમે ચંદુલાલ છો તો દુઃખ હોય. તમે આત્મા છો તો દુઃખ હોતું નથી, ઊલટું દુઃખ હોય તે ઓગળી જાય. 'હું ચંદુલાલ છું' એ 'રોંગ બિલિફ' છે. આ મારા વાઇફ છે, આ મારા મધર છે, ફાધર છે, કાકા છે, કે હું 'એક્સપોર્ટ-ઇમ્પોર્ટ'નો વેપારી છું, એ બધી જાતજાતની 'રોંગ બિલિફ' છે. આ બધી 'રોંગ બિલિફ'ને લઇને દુઃખ ઉત્પન્ન થાય છે. જો 'રોંગ બિલિફ' જતી રહે ને 'રાઇટ બિલિફ' બેસી જાય તો જગતમાં કંઇ દુઃખ છે જ નહીં. અને તમારા જેવા (ખાધે-પીધે સુખી) ને દુઃખ હોય નહીં. આ તો બધાં વગર કામનાં અણસમજણનાં દુઃખો છે.

સમજ કેવી ? તે દુઃખમય જીવ્યા !!

'આ' જ્ઞાન જ એવું છે કે જે છતું કરે અને જગતના લોકો તો આપણે છતું નાખ્યું હોય તો ય ઊંધું કરી નાખે. કારણ કે સમજણ ઊંધી છે. ઊંધી સમજણ છે એટલે ઊંધું કરે, નહીં તો આ હિન્દુસ્તાનમાં કોઇ જગ્યાએ દુઃખ નથી. આ જે દુઃખો છે તે અણસમજણનાં દુઃખો છે અને લોકો સરકારને વગોવે, ભગવાનને વગોવે કે, આ અમને દુઃખ દે છે ! લોકો તો બસ વગોવણાં કરવાનો ધંધો જ શીખ્યા છે.

હમણાં કોઇ અણસમજણથી, ભૂલથી માંકડ મારવાની દવા પી જાય તો એ દવા એને છોડી દે ?

પ્રશ્નકર્તા : ના છોડે.

દાદાશ્રી : કેમ, ભૂલથી પી લીધીને ? જાણી-જોઇને નથી પીધી તો ય એ ના છોડે ?

પ્રશ્નકર્તા : ના. એની અસર ના છોડે.

દાદાશ્રી : હવે એને મારે છે કોણ ? એ માંકડ મારવાની દવા એને મારે છે, ભગવાન નથી મારતા, આ દુઃખ આપવું કે બીજી કોઇ વસ્તુ કરવી એ ભગવાન નથી કરતા, પુદગલ જ દુઃખ દે છે અને તે ય પોતાની ભૂલ થઈ તેથી ! આ માંકડની દવા એ પણ પુદગલ જ છે ને ? આપણને આનો અનુભવ થાય છે કે ના થાય ?

આ કાળના જીવો પૂર્વવિરાધક વૃત્તિઓના કહેવાય. પહેલાના કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તો ય ચલાવી લેતા અને અત્યારે કશાયની તાણ નહીં તો ય આટલો બધો કકળાટ, કકળાટ ! તેમાં ય ધણીને 'ઇન્કમટેક્ષ', 'સેલ્સટેક્ષ'નાં લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય અને ઘેર બઇસાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, 'મારા ધણી વસમા છે.'

સંસાર સહેજે ય ચાલે, ત્યાં મનુષ્યો દુઃખી !

હવે આમાં કશું દુઃખ જેવું છે જ નહીં અને જે છે એ અણસમજણનાં દુઃખો છે. આ દુનિયામાં કેટલાં બધાં જીવો છે ? અસંખ્યાત જીવો છે ! પણ કોઇની ય બૂમ નથી કે અમારે ત્યાં દુકાળ પડ્યો ! અને આ અક્કરમીઓ વરસે વરસે બૂમાબૂમ કરે છે ! આ દરિયામાં કોઇ જીવ ભૂખે મરી ગયો હોય એવું છે ? આ કાગડા-બાગડા બધા ભૂખે મરી જાય એવું છે ? ના, એ ભૂખથી નહીં મરવાના, એ તો કંઇ અથડાઇ પડ્યા હોય, એક્સિડન્ટ થયો હોય અગર તો આયુષ્ય પૂરું થાય ત્યારે મરી જાય. કોઇ કાગડો તમને દુઃખી દેખાયો ? કોઇ સૂકાઇને કંતાઇ ગયેલો કાગડો દેખ્યો તમે ? આ કૂતરાંને કંઇ ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ? એ તો કેવાં નિરાંતે ઊંઘી જાય છે ! આ અક્કરમીઓ જ વીસ-વીસ ગોળીઓ ઊંઘવા માટે ખાય છે ! ઊંઘ એ તો કુદરતી બક્ષિસ છે, ઊંઘમાં તો ખરેખરો આનંદ હોય ! અને આ ડૉકટરો તો બેભાન થવાની ગોળીઓ આપે છે. ગોળીઓ ખાઇને બેભાન થવું તે આ દારૂ પીએ છે તેના જેવું છે. કોઇ 'બ્લડપ્રેશર'વાળો કાગડો જોયો તમે ! આ મનુષ્ય નામનાં જીવડાં એકલાં જ દુઃખિયાં છે. આ મનુષ્ય એકલાંને જ કોલેજની જરૂર છે.

આ ચકલાં સુંદર માળો ગૂંથે છે, તે તેમને કોણ શીખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, 'સ્વરૂપ જ્ઞાન' મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે. મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે. પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કર ને ! બીજાં કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઇ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ મનુષ્યો એકલાં જ દુઃખી-દુઃખી છે.

સમજવી, દુઃખની ડેફિનેશન !

ખાવ-પીવો, મઝા કરો ! ને જુઓ, બધું જોવાનું છે. સંસારમાં દુઃખ શેનું છે કે જ્યારે અડચણ હોય ને ભૂખ લાગી હોય, પણ બે દહાડા સુધી ખાવાનું ના મળે ત્યારે આપણે જાણીએ કે એને દુઃખ આવ્યું. કારણ કે દેહધારી છે ને ! ભલે આત્માના જ્ઞાનમાં હશે તો ય એને દુઃખ છે, કારણ કે ભૂખ એ મોટામાં મોટું દુઃખ છે, પછી આટલી ખીચડી ને શાક આપ્યું હોય તો આખી રાત બૂમ પાડે નહીં ને ! પછી આપણને ધ્યાન કરવા દે બધું.

પ્રશ્નકર્તા : હા, કરવા દે.

દાદાશ્રી : એવો સારો દેહ છે આ ! એને ગમે તે આપો, ખીચડી-કઢી યે આપો તો પછી એ બૂમ ના પાડે. નહીં તો રાજાને ય બૂમ પડાવડાવે ! કેમ, રાજા આટલું આટલું જમેલો, તે હવે ચાર દહાડા રજા ના આપે ? આ જંગલમાં ગયો હોય, ખાવા ના મળે, ને બે દહાડા થઈ જાય તો રાજા ય ભીખ માંગીને ખાય ! બે જ દહાડા થયા તો ય વટ છોડી દીધો ? ભૂખ આગળ વટ કોઈથી ય રખાય નહીં !

પછી તરસ લાગી હોય તો પીવા પાણી ના મળે તે દુઃખ કહેવાય. નાક દબાવે તો પાંચ જ મિનિટમાં ગૂંગળામણ થઈ જાય તે દુઃખ કહેવાય. આ બહારથી બીજું ગમે તેટલું ટેન્શન આવે તો ચાલે પણ ભૂખ, તરસ ને હવાનું ના ચાલે. કારણ બીજું બધું ટેન્શન તો ગમે તેટલું આવે તો સહન થાય, કંઈ તેથી મરી ના જવાય ! એ સિવાયનાં આ તો વગર કામના ટેન્શન લઈને ફરે છે.

આને તો અડચણ કહેવાય !

ચાર વસ્તુઓ મળી હોય ને કકળાટ માંડે એ બધાં મૂર્ખ, ફૂલીશ કહેવાય. ટાઇમે ખાવાનું મળે છે કે નથી મળતું ? ગમે તેવું પછી હોય, ઘીવાળું કે ઘી વગરનું, પણ મળે છે ને ? ટાઇમે ચા મળે છે કે નથી મળતી ? પછી બે ટાઇમ હો કે એક ટાઇમ, પણ ચા મળે છે કે નથી મળતી ? અને લૂગડાં મળે છે કે નથી મળતાં ? ખમીશ-પાટલૂન શિયાળામાં ટાઢમાં પહેરવાનાં કપડાં મળે છે કે નથી મળતાં ? પડી રહેવાની ઓરડી છે કે નહીં ? આટલી ચાર વસ્તુ મળે ને પછી બૂમ પાડે તે બધાંને જેલમાં ઘાલી દેવાં જોઇએ! તેમ છતાં તેને બૂમ રહેતી હોય તો તેણે શાદી કરી લેવી જોઇએ. શાદીની બૂમ માટે જેલમાં ના ઘાલી દેવાય. આ ચાર વસ્તુઓ જોડે આની જરૂર છે. ઉંમરલાયક થયેલાને શાદી માટે ના ન પડાય. પણ આમાંય કેટલાંક શાદી થઇ હોય ને, તેને તોડી નાખે છે અને પછી એકલાં રખડે છે ને દુઃખ વહોરે છે. થયેલી શાદી તોડી નાખે છે, કઇ જાતની પબ્લિક છે આ ?! આ ચાર-પાંચ વસ્તુ ના હોય તો આપણે જાણીએ કે આ ભઇને જરા અડચણ પડે છે. તે ય દુઃખ ના કહેવાય, અડચણ કહેવાય. આ તો આખો દહાડો દુઃખમાં કાઢે છે.

તરંગોમાં દુઃખ માને !

એટલે વસ્તુની કશી જરૂર નથી, આ તો અજ્ઞાનતાનું દુઃખ છે. અમે 'સ્વરૂપ જ્ઞાન' આપીએ પછી દુઃખ ના રહે. અમારાં પાંચ વાક્યોમાં આપણે ક્યાં નથી રહેતા એટલું જ બસ જોયા કરવાનું ! એના ટાઇમે ખાવાનું બધું મળ્યા કરે, અને એ પાછું 'વ્યવસ્થિત' છે. જો દાઢી એની મેળે થાય છે તો શું તને ખાવા-પીવાનું નહીં મળી રહે ? આ દાઢીની ઇચ્છા નથી તો ય તે થાય છે ! હવે તમને વધારે વસ્તુની જરૂર નથી ને ? વધારે વસ્તુની જુઓને, કેટલી બધી ઉપાધિ છે !

વગર કામનાં આવાં ડખા...

મુખ્ય વસ્તુ શું છે કે પેટને ચપટી આપો, એટલું જોઈએ ને એ મળ્યું તો બસ, જાણવું કે આજના જેવો, આવો સુખી કોઈ દિવસ આવ્યો નથી ! આ આજે સારામાં સારો દિવસ છે ! પછી આપણે આત્માના ધ્યાનમાં રહેવું. વધખોટ એ બધી 'વ્યવસ્થિત'ને આધીન છે, આપણા આધીન નથી. પણ ડખો કરવા જઈએ કશાકમાં, તો ડખલ થઈ જાય ! પછી એ ડખો બે-ત્રણ દહાડા ચાલ્યા કરે, પણ ડખો જ ના કરીએ તો ? પછી ડખલ થાય ?

વડોદરેથી આપણે સેન્ટ્રલ સ્ટેશને વહેલું પહોંચવું છે ને ગાડીમાંથી આપણા હાથે પાંચસો રૂપિયાની વસ્તુ પડી ગઈ. હવે ત્યાં આગળ આપણે સમજી જવાનું કે એક બાજુ વહેલું પહોંચવું છે એ વાત નક્કી છે ને આ મહીં ડખો કરીશું તો થઈ જશે ડખલ ને મોડું થઈ જશે, પણ તે વખતે મૂઓ ડખો કરી નાખે કે આ મારી વસ્તુ પડી ગઈ, પડી ગઈ ! એટલે લોકો સાંકળ ખેંચીને ગાડી ઊભી રાખે ને પછી ગાડી ક્યાંય સુધી ઊભી રહે ને ! ત્યારે પછી પેલું કોર્ટનું કામે ય ઊડી જાય ને ! બધું જ ઉડી જાય !! એટલે તે ઘડીએ શું બન્યું, શું પડ્યું એ હકીકત ભૂલી જ જવાની !

સંસારમાં દુઃખ કોને નથી ?

પ્રશ્નકર્તા : એવું સમજાવનાર કોઈ મળ્યા નહીં.

દાદાશ્રી : જે ના જાણવાનું તે જાણ્યા કરે છે ને જાણવાનું જાણતાં નથી. પૈસા હોય તો ય દુઃખ, ના હોય તો ય દુઃખ, શેઠિયો થયો તો ય દુઃખ ને ગરીબ હોય તો ય દુઃખ ! ભિખારો હોય તો ય દુઃખ ને મજૂરને ય દુઃખ, દુઃખ ને દુઃખ. એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : સંસારમાં ઘણાં દુઃખો છે, એનો રસ્તો તો હોવો જોઈએ ને ?

દાદાશ્રી : એવું છે ને, કે પહેલું તો દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે દુઃખ કોને કહેવાય ? આ લોકો વ્યાખ્યા વગર ગમે તેને દુઃખ જ કહે છે. મોટો બંગલાવાળો હોય એને ત્યાં ય દુઃખ, બે મિલોવાળાને ત્યાં ય દુઃખ, પેલાં બાવાઓને દુઃખ, સાધુઓને ય દુઃખ, પૈણેલીને ય દુઃખ, રાંડેલીને ય દુઃખ, સાત ભાયડાવાળીને ય દુઃખ, તો કોને દુઃખ નથી તે ? એટલે આ દુઃખ એ તો બધી ખોટી માન્યતાઓ છે. આ લોકોને જે દુઃખ છે તે બધી રોંગ બિલિફો છે. આ બધી ખોટી માન્યતાઓને લીધે દુઃખ છે. હું એટલું જ કહેવા માંગું છું કે ખોટી માન્યતાઓ હવે કાઢી નાખો.

આવી મુશ્કેલીને દુઃખ કહેવાય !

આને દુઃખ કહેવાય જ કેમ ? દુઃખ તો કોને કહેવાય કે સંડાસ જવાનું ના મળે, પેશાબ કરવાનો ના મળે તેને દુઃખ કહેવાય. આ તો સરકારે ઘેરઘેર સંડાસ કરી આપ્યા છે, નહીંતર તો પહેલાં ગામમાં લોટા લઇને જંગલમાં જવું પડતું હતું. હવે તો બેડરૂમમાંથી ઊઠ્યા કે આ સંડાસ ! પહેલાંના ઠાકોરને ય ત્યાં નહોતી એવી સગવડ આજના મનુષ્યો ભોગવે છે. ઠાકોરને ય સંડાસ જવા લોટો લઇને જવું પડતું ! એણે જુલાબ લીધો હોય તો ઠાકોરે ય દોડે ! અને આખો દહાડો આમ થઇ ગયું ને તેમ થઇ ગયું એવી બૂમાબૂમ કરે છે. અલ્યા, શું થઇ ગયું તે ? આ પડી ગયું, પેલુ પડી ગયું ! શું પડી ગયું ? વગર કામના શું કામ બૂમાબૂમ કરો છો ?

આ બરોડા શહેરવાળાને કહેશે કે સંડાસમાં કોઈ જશો નહીં, ગટરો બંધ કરી છે. પછી સંડાસ માટે સરકાર નવા ઝૂંપડા જેવું બનાવે તો ત્યાં લાઈન લાગે કે ના લાગે ? કે કેટલાંક વટવાળા હોય તે કહેશે, આવામાં મારે સંડાસ નથી જવું. તેવાને કહીએ-તમારે માટે પેણે સંડાસ કરી આપું, બે હજાર રૂપિયા આપો. તો કહેશે, બે હજાર રૂપિયા લે પણ મને ત્યાં આગળ જુદી વ્યવસ્થા કરી આપ. જો સંડાસની કિંમત બે હજાર રૂપિયા ! આ તો મફતમાં મળે છે એટલે નિરાંતે કશી ઉપાધિ નથી. આ તો જ્યારે ના મળે ત્યારે કિંમત ખબર પડે !

આ મુસલમાનો જરૂરિયાતને શું કહે છે ? હાજત કહે છે ને ? એક હાજત એકલી જળવાઈ રહેવી જોઈએ. બીજી કશી આપણને શી ભાંજગડ ? હાજત સમજાયું ? એટલે શું કે ભૂખ લાગે ત્યારે ખાવાનું મળી જવું જોઈએ, તરસ લાગે એટલે પાણી મળી જવું જોઈએ, ઊંઘ લાગેે ત્યારે જરા સૂવાનું મળવું જોઈએ, થાક લાગે ત્યારે આરામ કરવાનું મળી રહેવું જોઈએ. જે જે 'લાગે' ત્યાં આગળ ઓલવવાનું. પણ આ લોકો તો વગર લાગ્યે જ બૂમાબૂમ કરે છે, હાજત જ જેટલી હોય એ ઠીક છે.

રાજાને ખાવાનું ના મળ્યું હોય ને જંગલમાં શિકાર કરતો કરતો ભૂલો પડ્યો હોય તો ગરીબના ઘરનું લીંટ પડેલું, છોકરાંના હાથમાં રોટલાનો ટુકડો હોય તો ય કહેશે ચાલશે, તે ખઈ જાય છે. એટલે હાજતોની જરૂર છે. એમાં બે મત નહીં અને તે મળી રહે છે. એ બધું લઈને આવેલો છે. આ એમ ને એમ નથી આવ્યો. આ તો બધી સાહેબી લઈને આવ્યો છે. પણ પછી બાસમતીનાં ચોખામાં કાકરાં નાખીને ખાય, એમાં શું સ્વાદ આવે ? એવું આ જગત છે !

સ્પર્ધામાં પડ્યા તેથી દુઃખ !

અને આપણે રેસકોર્સમાં ઊતરવા જેવું નથી. આપણે તો જોયા કરવું કે કયો ઘોડો પહેલો આવે છે. જગત બધું રેસકોર્સમાં પડેલું છે. એ હું નાનપણથી સમજી ગયેલો, તે પછી રેસકોર્સમાં પડ્યો જ નથી ને ! કશાય રેસકોર્સમાં નહીં !! આ રેસ તો ક્યારે પાર આવે ? આનો પાર આવે નહીં ! તે પાછું વાત થાય કે ફલાણા ભાઈને તમાકુમાં આટલા રૂપિયા ભાવ મળ્યો. તે પાછી આપણે ઉપાધિ ! આપણી પાસે પૈસા છે તો ય પાછું દુઃખ ! આ ખાલી રેસકોર્સ જ કહેવાયને !

આ બધા સમજ વગરનાં દુઃખો છે ! આ દુનિયામાં દુઃખ જે છે તે અણસમજણનાં જ છે. એટલે હું શું કહું છું કે અણસમજણ કાઢી નાખો અને આપણે સમજણપૂર્વક જીવો તો જગતમાં દુઃખ છે જ નહીં !

ધંધાવાળા ને ધંધા વગરના, બન્ને દુઃખી !

પ્રશ્નકર્તા : ધંધો ને એ બધું લઈને બેઠાં છીએ. એટલે ચિંતા-ઉપાધિ તો હોય.

દાદાશ્રી : અરે, પણ ધંધો છોડેલા માણસો ય કહે છે કે અકળાટ, ચિંતા થાય છે. ત્યારે કહે છે કે 'બૈરી લઈને બેઠા છે એટલે અકળાટ, ચિંતા થાય છે.' અલ્યા, બૈરી વગરનાંને ય અકળાટ, ચિંતા થાય છે, એકલાં પડી રહ્યાં છે તેમને ય અકળાટ ચિંતા થાય છે. તે અકળાટ- ચિંતા એ શું છે ? ધંધાને લીધે છે ? ત્યારે કહે, 'ના'. તો બૈરીને લીધે છે ? ત્યારે કહે, 'ના.' ત્યારે શેને લીધે છે એ ? અજ્ઞાનતાને લીધે છે. નહીં તો ભરત રાજાને તેરસો રાણીઓ હતી તો ય સમકિત નહોતું જતું. જુઓને, કેવા ભરત રાજા હતા !! ચક્રવર્તી રાજ હતું ! અને તમારે થોડોક અમથો ધંધો છે, તે દસ લાખ રૂપિયાનો હશે, વધારે તો નહીં ને ? તે એટલા ધંધામાં તો કહેશે, મને દુઃખ થાય છે. એટલે અજ્ઞાનતા એ દુઃખ છે. આના પરથી આપણે શું શોધખોળ કરી ? અજ્ઞાનતા એ જ દુઃખ છે.

ધંધાની ખોટમાં ય દુઃખી !

એક ભાઈ આવેલા. તે મને કહે કે દાદાજી, મને ધંધામાં બહુ મોટી ખોટ ગઈ છે, એનું મને બહુ દુઃખ થાય છે, હું તો દુઃખી દુઃખી થઈ ગયો. હવે આમ માથે એવી સરસ ટોપી મૂકેલી, ગાંધી ટોપી અને કોટ કેવો સરસ પહેરેલો ! દેખાય મોટા માણસ જેવો !! અને આવીને સીધો જ, બધા બેઠેલાં ને વચ્ચે આવીને કહેવા લાગ્યા કે દાદાજી, મારા જેવો દુખિયો માણસ આ દુનિયામાં કોઈ હશે નહીં. માટે મને કંઈક રસ્તો કરી આપો. મેં કહ્યું કે તમને કોણ દુખિયા કહે છે ? તમારા આજુબાજુવાળાને કોઈને પૂછો કે હું દુખિયો છું ? તો ય લોક ના પાડશે. આ કઈ જાતના માણસ છો તમે ? નહીં તો હેંડો રેલ્વે સ્ટેશન ઉપર, દરેક પેસેન્જર પાસે કહેવડાવું કે આ ભાઈ દુખિયા દેખાય છે ? તો ય બધા ના કહેશે. ત્યારે તમે ક્યાં દુખિયા છો ? ત્યારે કહે છે કે, 'દાદાજી, તમને શું ખબર છે કે હું શું છું ! મારી પોઝિશન તો તમે જાણો છો.' મેં કહ્યું, 'તમે દુખિયા નથી, તમારી પોઝીશનની તો તમને એક ભ્રમણા ઊભી થઈ છે. આ રૂપિયા ના હોય માટે દુઃખી છે એવું કેમ કહેવાય ? રૂપિયો તો ના પણ હોય, માટે દુઃખી છું એવું કેમ કહો છો ?' ત્યારે કહે કે પણ તો શું કરું ? મેં કહ્યું કે અમે તમને સુખ આપી દઈશું. તે પછી એ જ્ઞાન લઈ ગયા ને હવે શું કહે છે કે તમે કહ્યું, ત્યાર પછીથી હું તો સુખી જ થઈ ગયો.

પોતાની જાતે માની બેઠાં !

હવે ખરેખર એમને દુખિયા કોણ કહે ? પણ એ પોતાની જાતે માની બેઠા છે. એ જ્યાં સુધી માને છે કે હું આવો દુઃખી છું ત્યાં સુધી દુઃખ જાય નહીં. તમે તમારી મેળે કહો કે હું દુઃખી છું, તો દુઃખ તો શું કહે છે ? કે મને કોણ સંભારે છે ? એને ત્યાં હું જાઉં, મારી યાદગીરી રાખે છે એને ત્યાં મારે જવું પડે. જો અમે યાદગીરી નથી કરતા તો અમારે ત્યાં દુઃખ આવતું ય નથી ને ! તમારે ત્યાં કોઈ દહાડો દુઃખ આવે છે ?

પ્રશ્નકર્તા : દુઃખ તો બધાને આવે ને ! દુઃખ પણ આવે ને સુખ પણ આવે.

દાદાશ્રી : તે બેઉને શીરો કરીને જમાડો છો ?

પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે ?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઇ જાય. કેટલીક વખત આર્થિક દુઃખ હોતું જ નથી. પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઇ લેવાનું હોય. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્નકર્તા : ના !

દાદાશ્રી : તો પછી એને દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટએટેક આવે, અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એનાં તો ઉપાય કરવા જોઇએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

વ્યાપારમાં રાત પછી દહાડો આવે જ !

આ રાત્રિ પછી દિવસ ના થાય તો તમને કંટાળો આવે કે ના આવે ? અગર તો દહાડો ને દહાડો જ રહ્યા કરે તો તમે શું કરો ?

પ્રશ્નકર્તા : તો ય કંટાળો આવે.

દાદાશ્રી : તેવું આ વેપાર છે, એમાં લેવલ ઊંચું જાય, લેવલ નીચું જાય. એ બે ના હોય તો તો કંટાળો આવી જાય. એટલે આ બધું તો ઈન્ટરેસ્ટ માટે છે. હવે લોકો ત્યાં દુઃખ માની બેઠાં છે, તે શું થાય ?

વેપારનો સ્વભાવ જ છે, એકધારું હોય તો ગમે નહીં. અરે, કશું એકધારું તો ગમે જ નહીં ! રોજ જમવાનું, લગનનું હોય, આ તમે સાસરીમાં ગયા હોય ને રોજ જમણ જમાડે, દોઢ મહિના સુધી, તો તમે કંટાળો કે ના કંટાળો ? પછી શું જોઈએ ? મનમાં એમ થાય કે લાય, ખીચડી ખાઈએ. આ તો રોજ ના ફાવે બળ્યું ! એવું થાય કે ના થાય ?

સંસાર એ તો બાય પ્રોડક્શન !

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે કયાંથી લક્ષ્મી લઇ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઇ ખોળે ને ? આનાથી સુખ કંઇ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઇન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઇ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, વાઇફ મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઇ છે. તેથી આ બાય પ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય. મેઇન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરું થાય !

... તો ય આપઘાત ન જ કરાય !

હવે આવાં માણસો ધંધામાં ખોટ જાય, છોકરાનું દુઃખ આવ્યું એવું કશું થાય કે આપઘાત જ કરી નાખે ! અમને કહી જાય કે દાદાજી, આ બીજી કશી મુશ્કેલી નહોતી, ત્યારે આ છોકરાંનું દુઃખ આવ્યું. થોડુઘણું મનમાં એમ કે હજી બાળક છે રાગે પડશે, પણ ત્યારે હોરું એનું દુઃખ આવ્યું. એટલે પછી દુઃખમાંથી ને દુઃખમાંથી પછી માણસ આપઘાત કરી નાખે.

પ્રશ્નકર્તા : આપઘાત કરીને મરી જાય તો શું થાય ?

દાદાશ્રી : આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઇ આપઘાત કરાય ? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારે ય ના કરાય. આ જે કંઇ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય.

દુઃખ તો રામચન્દ્રજીને હતું. તેમના ચૌદ વરસનાં વનવાસમાંના એક દહાડાનું દુઃખ તે આ ચકલાના (!) આખી જિંદગીનાં દુઃખ બરાબર છે ! પણ અક્કરમી 'ચેં' 'ચેં' કરીને આખો દા'ડો દુઃખ ગા ગા કરે છે.

દુઃખ, ડેફિનેશનમાં તો હોવું જોઈએ !

પ્રશ્નકર્તા : કોઈને શરીરની તકલીફ હોય, કોઈને પૈસાની તકલીફ હોય, જેને જે તકલીફ હોય એને એ દુઃખ કહે છે.

દાદાશ્રી : પણ એને દુઃખ કહેવાય જ કેમ કરીને ? શરીરની તકલીફ તો આપણે દૂધપાક-પૂરી ને ભજિયાં સારાં થયાં હોય તો સારું લાગે ને વધારે ખાધું એટલે સહેજે તરફડાટ થાય, ઉપાધિ થાય. હવે આને દુઃખ કહેવું હોય તો આપણાં જેવું કોઈ મૂરખ નથી. આ તરફડામણ થાય, એને દુઃખ કહેવાય ખરું ? એવું આ દુઃખ છે જ ક્યાં ?

લોકો દુઃખની ડેફિનેશન સમજ્યા વગરનું કહે છે. અરે, તમારા મોટા સાહેબ હોય તો એ પણ કહેશે કે મારે આ દુઃખ છે. ત્યારે એ દુઃખની ડેફિનેશન સમજતાં જ નથી ને ! દુઃખની ડેફિનેશન હું સમજતો હતો. મેં કોઈ દહાડો ય એવું નથી કહ્યું કે મને દુઃખ છે. નાનપણમાં પણ નથી બોલ્યો. દુઃખની ડેફિનેશન હું સમજતો હતો.

દુઃખની ડેફિનેશન હું એને કહું કે બે દહાડાથી કશું ખાધું ના હોય તો હું કહું કે આને બિચારાંને દુઃખ છે. બાકી બીજા બધાને દુઃખ શી રીતે કહેવાય ? વખતે માણસ બે-ત્રણ દહાડા ઊંઘ્યો ના હોય તો કહેવાય કે આને જરા દુઃખની અડચણ છે. પણ કોઈ કહેશે, બે દહાડાથી હું નહાયો નથી, મારે એ દુઃખ છે. તો હું એને એક્સેપ્ટ કરું નહીં. એને દુઃખની ડેફિનેશનમાં લેવાય જ નહીં ને ! આ તો જે હું કહું છું તેનાથી તદ્દન વિરુદ્ધ અને જ્યાં કિંચિત્માત્ર દુઃખ જ નથી ત્યાં જ દુઃખ માનવામાં આવ્યું છે ! એવું આપને સમજાય છે ને ?

હવે મારા બોલવાથી કંઈ તમારું દુઃખ જતું રહેવાનું નથી. કારણ કે આ ડેફિનેશન તમને ફીટ થવી જોઈએ. હું જે ડેફિનેશન કહું, પણ તમને એ તમારી શ્રદ્ધામાં બેસવી જોઈએ. આ હું કહું છું એ ખરેખર સાચું જ્ઞાન છે. પણ તમને ફીટ થતાં વાર લાગે. તમારી જે બિલિફ છે તે બદલાવા માટે વાર લાગે. એટલે ત્યાં સુધી અમારે બીજી દવા આપવી પડે.

ખરું દુઃખ, દવાખાનામાં !

આ સંસારમાં તમને દુઃખ છે જ ક્યાં ? દુઃખ તો દવાખાનામાં છે, જ્યાં પગ ઊંચો બાંધેલો છે ! ભયંકર દાઝેલા છે, તેમને દુઃખ છે. તમને દુઃખ જ શું પડ્યું છે ? અમથા બૂમાબૂમ કરો છો, વગર કામનાં !! આમને તો છ-છ મહિનાની જેલમાં ઘાલી દેવા જોઈએ ! તમે સારી વસ્તુને ખરાબ કહો છો, તો ખરાબને શું કહેશો ? દવાખાનામાં જ્યાં દુઃખ છે તેને દુઃખ કહો ને ! બાકી, દુઃખ નથી તેને દુઃખ કેમ કહેવાય ? અમે અમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ છે એવું બોલ્યા નથી. આવું તો બોલાતું હશે ? આપણે શું મૂરખ માણસ છીએ ? બે આની, ચાર આની, આઠ આની, બાર આની, બધું જ સરખું ?!

દુઃખ તો દવાખાનાવાળાને છે. આ બંગલાઓમાં, પલંગમાં સૂતા છે, તેમને નથી. પગ ઊંચા બાંધેલા હોય, દાઝેલા હોય તેમને તમે જોઈ આવો તો પોતાને દુઃખ નથી એવો ભાસ થાય. કુદરતને માટે પોતાને આનંદ થાય કે ઓહોહો ! કુદરતે કેવી સરસ 'પ્લેસ' મને આપી છે ! આ તો લોકોને ભાન જ નથી ને ! આ તો સારાને વગોવ્યો ને નબળાને ય વગોવ્યો ! વગોવણું કરવું એ જ ધંધો છે. આને માણસાઈ કેમ કહેવાય ? કોને તકલીફ કહેવી, એની લિમિટ હોવી જોઈએ કે નહીં ? 'આજે મને ભૂખ ના લાગી, આજે મને આ તકલીફ.' આ તે કેવી 'મેડનેસ' !

કેટલાંક લોકો, મારા પગે ફ્રેકચર થયેલું ત્યારે પગે વજન લટકાવેલું જોઈને કહે, 'તમને ભગવાને આવું શા માટે દુઃખ આપ્યું હશે ?' અલ્યા, ભઈ, મને ક્યાં કોઈએ દુઃખ આપ્યું છે ? એ તો તમને એવું લાગે છે. દુઃખ આને કહેવાય નહીં, દુઃખ તો અહીં કાણું પાડીને ખાવાનું હોય, અહીં કાણું પાડીને પેશાબ કરવાનો હોય, એને દુઃખ કહેવાય.

સુખ ભોગવતા નથી આવડતું !

આ નાના બાબાઓ હોય, તેમને બહુ દુઃખ હોય બિચારાઓને. એને દુઃખ થાય ત્યારે રડે ખરો પણ બોલે નહીં કે મને આ દુઃખે છે ! અને આ અક્કરમીઓ ખાતી વખતે નવ રોટલી ખાઈ જાય ને કહેશે કે હું દુઃખી છું ! શું કહેવાય આ લોકોને ! દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? અને સુખની વ્યાખ્યા ય હોવી જોઈએ કે સુખ કોને કહેવાય !

સંસારમાં સુખ અપાર છે પણ લોકોથી ભોગવાતું નથી ! કેવાં સુખો છે ! દૂધપાકે ય મળે ને જોડે માલપૂડા ય મળે, પાછાં ચોખ્ખા ઘીના ! ઘારી મળે, દાળ-ભાત-શાક મળે તો ય પણ આ દુઃખી ! આ મનુષ્ય સિવાય બીજાં જાનવરોને પૂછી આવો જોઈએ, 'દુઃખ છે ?' કેવાં સુખો સામે આવીને ઊભાં રહ્યાં છે, ત્યારે દુઃખ ગા ગા કર્યા કરે છે !

ક્લેશ તો ક્યારેક કરાય કે...

આ જગતમાં કોઈ કાળે કાણ કરવા જેવું જ નથી. ફક્ત વીસ-એકવીસ વર્ષની જુવાન છોકરી હોય ને એને કંઈ છૈયું-છોકરું ના હોય ને તે વિધવા થઈ હોય તો તેની કાણ કરવા જેવી ખરી. કાણ એટલે ક્લેશ કરવા જેવી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં ! તો ય આખો દહાડો ક્લેશ, ક્લેશ ને ક્લેશ ! અલ્યા, શું ભણ્યા ? તમે કેવું ભણ્યા છો ? આનું નામ ભણતર જ ના કહેવાય ને ? 'થીયરી' ઑફ 'રિલેટિવિટી' સમજવી જોઈએ ને ?

સાસુઓને પૂછે ત્યારે કહેશે, 'મારી વહુ ખરાબ છે.' તેમ બધી વહુઓને પૂછે, ત્યારે કહેશે કે 'મારી સાસુ ખરાબ છે !' અલ્યા, એવું કેમ કરીને બની શકે ? બધી વહુઓ, બધી સાસુઓ ખરાબ છે ?

આ જાનવરો ય અમુક હદનાં દુઃખોને 'રિસ્પોન્સ' આપતાં નથી. અને મનુષ્યો રિસ્પોન્સ આપી દે છે. એટલી બધી 'ફૂલિશનેસ' છે !

હિતાહિતનું ભાન !

આ લોકોનું દ્રષ્ટિબિંદુ સો ટકા રોંગ (ખોટું) છે.

પ્રશ્નકર્તા : બધાંય સો ટકા રોંગ હોય, તે કઈ રીતે કહેવાય ?

દાદાશ્રી : ઉઘાડી આંખે અંધા છે. ઉઘાડી આંખે અંધા એટલે પોતાના હિતાહિતનું ભાન નથી. હું શું બોલું તો હિત ને શું કરું તો હિત, હું શું જાણું તો હિત, એની ખબર જ નથી. જેમાં ને તેમાં નકલો કરવામાં શૂરા થઈ ગયા છે ! બધું બદલાઈ ગયું છે. આપણાં હિન્દુસ્તાનના લોક તો કોઈની નકલ કરે જ નહીં. અસલમાં તો આપણા ઉપરથી જગતે નકલો કરેલી. આ મોડર્ન જમાનો આવ્યો છે, તેનો મને વાંધો નથી. હું જાણું છું કે આ યુગ છે, તે આ યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે. હું પણ આ યુગથી છૂટો રહી શકું નહીં. પણ આ હિત કર્યું કે અહિત કર્યું તે હું જાણું. આ લોકોએ સંપૂર્ણ અહિત કર્યું છે.

ગમે તેટલો તાવ અડ્યો નથી !

મને ગમે તેટલો તાવ આવે પણ ઘરનાંએ ક્યારેય કોઈએ જાણ્યું નથી. એમાં શું જણાવવાનું ? આ લોક તાવવાળા નથી ?! આમને શું જણાવવાનું ? આ તો પાછાં ભૂલી જશે બિચારાં ! 'હું તો અનંત શક્તિવાળો છું.' મારે વળી આ લોકોને શું જણાવવાનું ?

આ લોકો તો 'તાવ છે, તાવ છે' કરીને પાછાં પેલું થર્મોમીટર લાવીને મૂકે ! ૧૦૦૦, ૧૦૧૦, ૧૦૨૦ એમ ગણ્યા કરે ! અલ્યા, આ તો તાવ જાણવાનું સાધન છે, સાધ્ય વસ્તુ નથી !

એટલે અવળી સમજણની જ આંટી પડી જાય છે. તેનાં દુઃખો છે, બાકી થોડા ઘણાં દેહના દંડ તો હોય ! દેહ ધર્યાનોે દંડ તો હોય ને ? દાઢ દુઃખે તે કોઈ દુઃખ દેવા આવ્યો છે ? એ તો દેહના દંડ કહેવાય.

'મને થયું', તો થાય અનેકગણું !

મને દુઃખ છે એમ કહો છો ? દુઃખ તો હતું 'રિલેટિવ'માં, એ 'રિયલ'માં હતું નહીં. એ આરોપિત હતું. જ્યાં તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે 'રોંગ બિલિફ'થી ! પચ્ચીસ ટકા હતું, તેને તમે બોલ્યા કે 'મને આ દુઃખ થયું છે' એવું બોલ્યા કે એ સો ટકા થઈ ગયું !

પ્રશ્નકર્તા : હું શરીરની જોડે ભેગો થઈ ગયો. એટલે મને પચ્ચીસ ટકાને બદલે સો ટકા દુઃખ લાગી જાય છે.

દાદાશ્રી : હા, કારણ કે જગત આખું 'હું જ ચંદુલાલ છું' એવું જ જાણે છે. આ તો આવો જુદો વ્યવહાર, હવે તમે શીખ્યા !

પ્રશ્નકર્તા : પણ હવે 'ચંદુલાલને દુઃખ છે' કહીએ તો દુઃખ પચ્ચીસ ટકાનું પચ્ચીસ ટકા જ રહે ને ?

દાદાશ્રી : હા, પછી વધે નહીં. નહીં તો તન્મયાકાર થવાથી સો ટકા થઈ જાય. આ તો લોકોને ભાન જ નથી. તે દુઃખોને ઊલટાં વધારી નાખે છે. પોતાનાં દુઃખોનું વર્ણન કરીને દુઃખોને ઊલટાં વધારી નાખે છે !

બુદ્ધિપૂર્વકેય દુઃખ ઘટે !

લોકો ચિંતા કર્યા કરે છે ને ? આ ચિંતા કરવાની ય હદ હોય. બધાં કંઈ 'જ્ઞાની' હોતા નથી કે જેમને ચિંતા ના જ થાય. એટલે એનો કંઈ નિયમ હોય કે ના હોય ? ક્યાં સુધી ચિંતા કરવી ? ચિંતા એટલે ચિંતવન કર્યા કરવું કે હવે શું કરીશું ?

આ તો ભગવાન વગોવાય, કુદરત વગોવાય ! પછી ન્યાય જેવું રહ્યું જ ક્યાં ?

અઢી વર્ષનો બાબો, નાનો બાબો મરી ગયો હોય તો ય રડે, ને બાવીસ વર્ષનો પૈણાવેલો મરી ગયો હોય તો ય રડે, ને પાંસઠ વર્ષનો ઘૈડો મરી જાય તો ય રડે ! ત્યારે તને આમાં સમજણ શી પડી ? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું, એ સમજતો જ નથી !

પ્રશ્નકર્તા : આ રીતે બુદ્ધિનો ઉપયોગ તો કોઈ દહાડો થયો જ નથી.

દાદાશ્રી : એ નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે ? મનુષ્યોને, જનાવરોને સુખ જ છે. મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે ? ફક્ત આમને ભોગવતાં નથી આવડતું એટલું જ છે.

આ વાત બધા માનસશાસ્ત્રીઓને આપવાની છે. છતાં આનાથી ય આગળની ઘણી વાત છે.

સરખામણીથી પણ દુઃખ ટળે !

આજે એક બેન આવ્યાં હતાં. તે કલકત્તાથી કોઈએ કાગળ લખી આપ્યો હશે કે દાદા પાસે જજો. તે મારી પાસે આવ્યાં હતાં, સુરતનાં હતાં. મેં તેમને પૂછયું, 'બેન, તમને શું દુઃખ છે ?' ત્યારે તે મને કહે કે, 'મને તો બે વરસથી શરીરનો ઉપરનો આખો ભાગ ખૂબ જ દુઃખે છે. નોન સ્ટોપ, એક મિનિટેય બંધ થતું નથી. અહીં શરીરમાં ઉપરના ભાગમાં બધે દુઃખ, દુઃખ ને દુઃખ !' બોલો હવે, આ કોઈને ગમે ખરું ? શું થાય ? અને આ લોકો બધા ગા ગા કરે છે કે અમારે આ દુઃખ છે, પેલું દુઃખ છે. અલ્યા, શાનું દુઃખ છે ? દુઃખ તો આ બિચારી બેનનું જોઈ આવો. આપણને દુઃખ છે કે નહીં તેની ખબર ક્યારે પડે કે કો'કનું દુઃખ જોઈ આવીએ ત્યારે ખબર પડે. કોઈની જોડે સરખામણી કરીએ ત્યારે ખબર પડે કે આપણને દુઃખ છે કે નહીં.

આ તો સરખામણી મોટાં જોડે કરવા જાય અને મોટાં લોકોના દુઃખ પાછાં જોયા ના હોય. મોટાંના દુઃખ મોટાં હોય. ઉપર ઉપર રૂપાળું દેખાય, સાડીઓ, કપડાંલત્તા, દાગીનાનો ભપકો દેખાય અને અંદર બધુંય સળગાટ સળગાટ રહે. તે બેનને મેં પૂછયું કે તને ઊંઘ કેવી રીતે આવે છે ? ત્યારે કહે કે ઊંઘ તો આવે જ નહીં એટલે ઊંઘવાની ગોળીઓ લઉં. તેનાથી કલાક-બે કલાક ઊંઘ રહે. એટલે ખરું દુઃખ તો એ બેનનું કહેવાય. બહુ ભારે દુઃખ કહેવાય. ઊંઘ માટે ગોળીઓ લે અને પછી ગોળીની અસર નીકળી જાય એટલે ડબલ ઉછાળો મારે. અહીં શરીરના ઉપરના બધા ભાગમાં દુઃખ, દુઃખ, દુઃખ રહે. બોલો હવે, આત્મા ત્યાંથી ક્યાં જતો રહે ? એ વેદનામાં જ રહે ને ? આત્માને ય વેદના જોવી જ પડે ને ? અલ્યા, આપણાં લોકોને કશું દુઃખ નથી તો ય કહેશે કે અમારે દુઃખ છે. અલ્યા, શાનું દુઃખ છે તે ? ચિંતા નથી, ઉપાધિ નથી, કશું નથી તે ?! હા, પણ જગતનો કાયદો જ એ છે ને ! તે લગનમાં પહેલો જોવા જાય. હવે ત્યાં આગળ કોઈ દુઃખી હોય ? અને માંદા હોય ત્યાં આગળ બહુ જોવા ના જાય.

આ દુઃખ છે તે અવળી સમજણનું છે. જો સાચી સમજણ ફીટ કરે તો દુઃખ જેવું છે જ નહીં. આ આપણો પગ પાક્યો હોય તો આપણે તપાસ કરવાની કે મારા જેવું દુઃખ લોકોને છે કે કેમ ? વગર તપાસે દુઃખ માની લઇએ તે પછી શું થાય ? તમને બધા પુણ્યશાળીઓને દુઃખ હોય જ કેવી રીતે ? તમે પુણ્યશાળીને ઘેર જન્મ્યા. થોડીક મહેનતે આખા દિવસનો ખોરાક મળ્યા કરે.

દુઃખ તે કોને કહેવાય ?

દુઃખ 'પોતાને છે' જ નહીં ને દુઃખ પડે છે બીજાને, પણ સમજાતું નથી તેથી 'પોતે' પોતાના ઉપર દુઃખ લઇ લે છે. ખાવા-પીવાનું બધું જ સારી રીતે મળે છતાં આ દુષમ મન બધાં દુઃખોને ભેળાં કરે અને દુઃખનો સ્ટોક કરે. આને તે વળી દુઃખ કહેવાતાં હશે ?!

આ તો સંસારમાં દુષમ મનને લઇને દુઃખો છે, તે સુષમ મન થાય એટલે સુખી થઇ જાય ! મન બગડી જાય એટલે આધિ બોલાવે, ના હોય તો ય આધિ બોલાવે. આ તો દુઃખ જ નથી, પણ લોકોએ બધો અજંપો કર્યો છે.

દુઃખના પ્રકાર, ત્રણ !

ત્રણ જાતનાં દુઃખ છે. દેહનાં દુઃખોને 'કષ્ટ' કહેવાય છે, જેને પ્રત્યક્ષ દુઃખ કહેવાય. દાઢ દુઃખતી હોય, આંખો દુઃખતી હોય, પક્ષાઘાત થયો હોય, તે બધાં દુઃખો તે દેહના દુઃખો. બીજાં વાણીનાં દુઃખ, એને 'ઘા' કહેવાય છે; હ્રદયમાં પેસી જાય તો પછી જાય નહીં. ને ત્રીજાં મનનાં દુઃખ તે 'દુઃખ' કહેવાય છે. આપણને મનનાં દુઃખ કે વાણીના ઘા ના રહેવાં જોઇએ, પણ કષ્ટ તો આવે. સહન કરવું પડે, એ બધું કષ્ટ જ કહેવાય. પણ આપણે 'આ' જ્ઞાન મળ્યા પછી જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહીને સહન કરીએ. પણ આ વાણીનો ઘા અને મનનાં દુઃખો ના હોવાં જોઇએ. આ ઇન્કમટેક્ષનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્ષ નાખી દઇશ, એવું બોલે તો એ તો રેકર્ડ છે. તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઇએ.

આ કોઇને હાર્ટએટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુઃખતું હતું. તે એ ભાઇને છાતીમાં દુઃખવા આવે તો કહે કે મને હાર્ટએટેક આવશે તો ? આ તો નર્યું દુઃખ વધારે. એનાં કરતાં એવો વિચાર આવે તો કહીએ કે 'તું બહાર જા.' આ તો દેહ જવાનો છે તે ગમે ત્યારે જશે. અને એ 'વ્યવસ્થિત'ને આધીન છે ને ? તો પછી એ વિચારથી દુઃખ શાને માટે ? કષ્ટ કેટલાં પડે છે તે જોવાનાં ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં ! 'દાદા, દાદા બોલતાં ન થાકું', એમાં રહેને !

દેહને સ્પર્શે તે સાચાં દુઃખ !

ભગવાને કહ્યું હતું કે દેહનાં કષ્ટ એટલાં જ દુઃખ લગાડજે, બાકી બીજાં દુઃખો એ ખરાં દુઃખ નથી. કેમ જનાવરને દુઃખ નથી ? કારણ કે એમને સીમિત મન છે. એમને ખાવાનું લઇ જઇએ તો ગાય દોડતી આવે, ખાવા મળશે તેથી. લાકડી લઇ જઇએ તો નાસી જાય. એટલું જ એમનું મન છે. પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગડ ? આ ગાયને મનનું ચક્કર નથી તેથી મનનાં દુઃખો તેમને નથી ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે. માટે તેમને અક્કલ નથી તો ય એમનું ચાલે છે, તો પછી આપણું કેમ ના ચાલે ? અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને ! આ મનનું ચક્કર દુઃખદાયી કેમ થઇ પડે ? દુઃખના વિચાર આવે ને બધાંને ડિસમિસ કરી નાખીએ અને ના હોય તો છેવટે તેને એક્સેપ્ટ ના કરીએ.

આ ગાય-ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે, પણ એમને વાણીની ભાંજગડ નથી. આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી. એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે. આ વધારાનાં દુઃખોને તો ડિસમિસ કરવાનાં છે. આ ગાયો-ભેંસોને છે કશી ભાંજગડ ? એમનાં બચ્ચાંને પૈણાવવાની છે એમને કશી ચિંતા ?

આ કેવું છે કે ફુલ લાઇટમાં વીંછી પેઠો તો પછી મહીં ભડકાટ-ભો લાગ્યા કરે. પણ જો ફુલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય, એ પછી ના ભડકાવે. આ તો ફુલ લાઇટને ડીમ કરી શકાય, પણ ડીમને ફુલ ના કરી શકાય. આ ગાયો-ભેંસોનું ચાલે છે તો શું આપણું નહીં ચાલે ? આ ભાન નથી એવાં મનુષ્યોનું પણ ચાલે છે. આખી દુનિયા બધી ચાલે છે, તો પછી મેલને પૂળો !

કપડાં બગડ્યાનું દુઃખ !

સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય ? આ દેહને સ્પર્શે તે, આ કપડાંને સ્પર્શે તે નહીં. આ તો કપડાંને સ્પર્શે તો કહેશે 'મને દુઃખ થયું !' આ લગ્નમાં જતાં હો ને ઉપરથી કોઇ થૂંકયું તો કહેશે કે, 'આ મારી પર થૂંક્યો.' તો અમે કહીએ કે 'હા, એ તારી પર થૂંક્યો, એ બરાબર છે. પણ એ કંઇ તારું દુઃખ નથી.' દુઃખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શે તે.

વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્શ્યું કહેવાય. એને આપણે 'મનમાં' શું કામ લઇએ ? એને તો જ્ઞાનમાં લઇએ.

ઘી નથી તેનું ય દુઃખ !

તું કહે કે, 'કાન દુઃખે છે' તો હું તારું સાંભળું, 'દાઢ દુઃખે છે' તો ય હું સાંભળું, 'ભૂખ લાગી છે' તે ય હું સાંભળું. એને દુઃખ કહેવાય. અને તું કહે કે, 'ખીચડીમાં ઘી નથી.' તો તે ના સાંભળું. આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે. પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે, નહીં તો દુર્ધ્યાન કરવું હોય તો તે કર, તને બધી જ છૂટ છે !

તું મને કહે કે, 'દાદા, પેટમાં દુઃખે છે !' ને ત્યાં હું કહું કે 'તું આત્મા છે ને !' જો આવું કહું તો તો હું જ્ઞાની ના કહેવાઉં. એને તો અમારે સાંભળવું પડે. પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહ્યું, તો તે અમે ના સાંભળીએ. આને દુઃખ ના કહેવાય.

એ તો સમાજના દુઃખો...

આ તો વગર કામનાં દુઃખો માથે લઇને ફરે છે. આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઇ લે કે કરમનાં ફૂટેલાં કે કઢી ઢળી ગઇ, એને દુઃખ માને. એવું આ ધંધામાં ય શેઠ દુઃખ માથે લઇને ફરે છે. કેટલાંક ઓફિસનાં દુઃખો હોય છે ને કેટલાંક સમાજનાં પણ દુઃખો હોય. પણ એને દુઃખ ના કહેવાય. અમે તો ધંધાનું દુઃખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ. આ તારા વાળ કાપી લે તો એને દુઃખ ના કહેવાય, કાન કાપે તો એને દુઃખ કહેવાય. કારણ કે વેદના થાય છે. છતાં, આપણા સત્સંગમાં આવે તો એ ય દુઃખ ભૂલી જાય, કાનની વેદના ય ભૂલી જાય !

ઓપરેશનનું ય દુઃખ...

એક બાપ હતો. ડૉક્ટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું, તે પછી પાકેલું. એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફટવેલો. બહુ પૈસાવાળો હતો. હવે ડૉક્ટર કહે કે, 'હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ, તમે ચિંતા ના કરશો.' પણ શેઠ કહે કે, 'મને ઓપરેશન થિયેટરમાં બેસવા દો.' શેઠ તો વજનદાર માણસ, એટલે ડૉક્ટરે બેસાડવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે અને ડૉક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂકયો. હવે ત્યાં નહોતો કોઇ તાર જોડ્યો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એને તો બબૂચક કહેવાય. આ રડવા જેવું ન હોય જગત. અને જ્યાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું. આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઊડી જાય. જ્યાં આ દુઃખને ભાગવાનું હોય ત્યાં એને ગાઇને ગુણે, એના કરતાં હસીને એ રકમને ભાગી નાખ તો શેષ ના વધે !

માટે દુઃખ કોને કહેવાય ? સ્પર્શે તે. બાબાને આંગળી કપાય તો શું ? એ તો બાબાને દુઃખ થયું, પણ એમાં તો બાપો ય દુઃખ માથે લઇ લે. આ તો બાબાને એક રતલ દુઃખ હતું, તેમાંથી બાપ અરધો રતલ લઇને ફરે ને મા પા રતલ લઇને ફરે છે. હવે આને ડફોળ નહીં તો શું કહેવાય ?

આ બહુ ઝીણી વાત છે. જો કંઇ પણ દુઃખ છે તો એ દુઃખને ઉપાય હોય છે જ. દાઢ દુઃખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડૉક્ટર પાસે જઇને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય. દુઃખ તો કોને કહેવાય ? જેના ઉપાય હોય તેને. જેના ઉપાય ન હોય, એને દુઃખ જ ન કહેવાય. આ તો છોકરાને રતલ દુઃખ હતું, ને તેમાં તે શું કામ બીજું અરધો રતલ લઇ લીધું ? કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરા રડે નહીં, એને ચાટીને રૂઝાવે. એની લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે. અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે ! અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તો ય પોતે માથે લઇ લે !

આ બાબાનું દુઃખ શેરેશેર લઇ લે છે. બાબો જતો રહે છે (મૃત્યુ પામે), ત્યારે તું કેમ જતો નથી રહેતો ? પણ ત્યાં ના જાય.

વહુને ડિલિવરી, એનું ય દુઃખ !

એક ભાઇ આવેલો. તે કહે, 'મારે તો મોટી પીડા આવી પડી છે.' મેં પૂછયું, 'શું છે ?' તો એ કહે, 'બૈરીને ડિલિવરી આવવાની છે.' બાઇ ડિલિવરીએ ગયાં તો એ કંઇ નવીન છે ? આ કૂતરાં-બિલાડાં બધાંને ડિલિવરી છે ને ? પોસ્ટવાળા ય ડિલિવરી કરે છે, એમાં નવાઇ જેવું છે શું ? મહીં ભડકે કે બાજુવાળાની બાઇ ડિલિવરી વખતે ખલાસ થઇ ગયેલી, તો મારી બૈરીનું શું થશે? તે પછી અમે એને વાતની સમજણ પાડી, ને તેને સમાધાન કરાવી આપ્યું. કંઇક મંત્ર કહીએ કે, 'આ બોલજે.' એટલે એમાં એનું ધ્યાન રહે, નહીં તો એના એ જ વિચાર કરે કે, 'આમ થયેલું તે આમ થશે તો ?' આવાં વિચાર કરે તો પછી એવી અસરો ય થાય ને ? આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના હોય તો ય એવું જ બની જાય. વિચારોની અસરથી તો બગડે છે બધું ! જેનો વિચાર નહીં એ સફળ કામ થાય. જ્યાં વિચાર થયા એટલું બગડ્યું, કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને ? આશ્રિતના વિચાર હોત તો જુદું છે !

આ કહે કે, 'પેલાં બેન મને આમ કહે છે ને આ આમ કહે છે.' એ સ્પર્શેલું નથી, એને દુઃખ ના કહેવાય. આ ઇન્વાઇટ કરે, એને દુઃખ ના કહેવાય.

એ તો નાતનું દુઃખ...

એક જણ કહે કે, 'મારી નાતમાં આબરૂ ગઇ.' એ નાતનું દુઃખ, એમાં તને શાનું દુઃખ ? દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય. મહાવીર ભગવાનને દેહને દુઃખ સ્પર્શેલું. તેમના કાનમાં બરૂ ઘાલી દીધેલાં, તે જ્યારે કાઢ્યા ત્યારે એવી વેદના થઇ તે આંખમાંથી પાણી નીકળ્યાં ને મોટી બૂમ પડી ગયેલી. એવું તો બધાંને ય થાય. દેહ ને આત્મા તો જુદા છે, પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે. પ્રતિષ્ઠિત આત્મા કન્ઝયુમ થઇ જાય, વપરાઇ જાય, પછી દેહ ખલાસ થઇ જાય.

જ્ઞાનીની ગોઠવણી !

જ્ઞાની તો બહુ ડાહ્યા હોય, એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય. આવો કાળ આવે તો શું એમાં એમને દુઃખ નહીં આવતાં હોય ? આવે પણ ગોઠવણી કરી રાખે. આ પોસ્ટ ઓફિસમાં સોર્ટિંગનાં ખાનાં હોય છે ને ? આ નડિયાદનું ખાનું, આ સુરતનું ખાનું, તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું, આ સમાજનું ખાનું, આ ઓફિસનું ખાનું એમ નિરાંતે ગોઠવીને સૂઇ જાય.

અમે બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ. કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો-ખોટ સ્પર્શતાં નથી. એને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે, 'હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.'

જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું. શરીરને સ્પર્શે એટલી જ ભાંજગડ. ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું, છતાં તપાસ રાખવાની કે શું થયું ? ક્યાં વાગ્યું ? પછી બધી દવા વગેરે બધું તરત જ લઇ આવવાનું, પણ ડ્રામેટિક. ને ડ્રામેટિક ના હોય તો બાપ મરે તો દીકરાએ જોડે જવું જ જોઇએ ને ? આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં 'ડ્રામા' નહીં, એ કેમ ચાલે ?

આ 'જ્ઞાની પુરુષ' શાથી કાયમ આનંદમાં રહે છે ? કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે. તમને આ આવડે નહીં, એથી તો તમે અમને અહીં આસને બેસાડ્યા !

સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજે ય દુઃખ ના રહે એવું છે !

આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઇ માણસને વાગે નહીં તો સારું, વખતે કોઇને વાગે તો કોઇ મરી ગયું નહીં એટલે સારું થયું, એમ સમજનું અવલંબન લેવું જોઇએ.

અમારે કંટ્રાક્ટમાં કામ પર ખબર આવે કે પાંચસો ટન લોખંડ દરિયામાં પડી ગયું. તો પહેલાં અમે પૂછીએ કે, 'આપણો કોઇ માણસ મરી તો ગયો નથી ને ?' મરે છે તો સૌ પોતાના ઉદયે, પણ આપણા નિમિત્તે ના હોવું જોઇએ.

ઉપાધિવાળો સંસાર છે જ નહીં. ઉપાધિ તો સામાનું જોઈને ઊભી કરે છે. આપણે જે બંગલામાં રહેતાં હોઈએ, તે આપણો બંગલો મોટો ગણાતો હોય, ત્યારે તેમાં નિરાંતે રહેતાં હોઈએ. પણ ત્યાર પછી આપણાં ફ્રેન્ડે (મિત્રે) બહુ મોટો બંગલો બાંધ્યો એટલે આપણે તેને જોવા જઈએ ત્યારે આપણો બંગલો નાનો લાગે કે ના લાગે ?

પ્રશ્નકર્તા : હા, લાગે.

દાદાશ્રી : એનું નામ પારકું દુઃખ. શેને માટે જોવાનું. આ હું મામાની પોળમાં જૂના જમાનાવાળા ઘરમાં રહું છું. તે મને એવો વિચાર આવ્યો હશે કે ચાલો, ફલેટમાં રહેવા જઉં ? ના, એ વિચારેય મને નથી આવતો. ઊલટું એવું રહેવાનું હોય તો ય મને નથી ગમતું. આ ઉપાધિ ઓછી, કો'ક દહાડો કામવાળી આવી ના હોય તો શું કરવું ? એનાં કરતાં એ મોટો ફલેટ ના હોય તો એટલો પૂંજો વાળવાનો ઓછો. એટલે આપણને તો ઉપાધિ ના જોઈએ. આ તો આખો દહાડો ઉપાધિ ને ઉપાધિમાં જ રહે છે. પોતાનામાં તો ભગવાન રહેલા છે. અરે, તું પોતે જ ભગવાન છે. પણ ભગવાનપણાનો તો અનુભવ થયો જ નથી તને. અહીં આ પ્લોટનો માલિક ના રહ્યો. એટલે તું દેહનો માલિક ના રહ્યો. એટલે તું પોતે જ ભગવાન છે.

ઓળખવું પારકું ને પોતાનું સ્વરૂપ !

જ્યાં સુધી તું દેહનો માલિક છે, 'આ પ્લોટ મારો, આ બંગલો મારો...' કરે છે, ત્યાં સુધી આ બધું દુઃખ છે. હવે આમાં કાંઈ છોડી દેવાનું નથી. જે હો તે ભલે હો. પણ આ ઘર મારું કરીને ઘરને કંઈ સ્ત્રીની પેઠ ઝાલી રખાય છે આખી રાત ? હા, એ તો ઘર એટલે ઘર. મકાન એટલે મકાન. એને કંઈ જો જો કરવાનું ? બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. એ મકાન શું કહે છે ? એ બંગલો શું કહે છે ? બંગલો શેઠને કહે છે, 'હે શેઠ ! કાં તો તું જતો રહીશ, કાં તો હું જતો રહીશ, માટે તું મારી જોડે બહુ પરિચય બાંધીશ નહીં. શેઠ કહે છે, 'તું શી રીતે જતો રહીશ ?' ત્યારે એ બંગલો કહે છે, તમારે દેવું થઈ જશે તો હું જતો રહીશ. શેઠે પૂછયું, ત્યારે હું શી રીતે જતો રહીશ ? ત્યારે બંગલો કહે, તારો કાળ પૂરો થશે ત્યારે. અત્યારે તું સાંઠ વર્ષનો થયો છે તે ૨૦-૨૫ વર્ષમાં તું તો જતો રહીશ. અને હું તો હજી કેટલાંય વર્ષ સુધી રહીશ. માટે મારી જોડે બહુ પરિચય બાંધીશ નહીં. ઑલ ધીઝ રીલેટીવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. ટેમ્પરરીમાં શું પરિચય બાંધવાનો ? પરિચય પરમેનન્ટનો જોઈએ, કે જે નિર્ભય રાખે, વીતરાગ રાખે, નિર્લેપ રાખે. કશો ભો લાગે નહીં, ભડકાટ લાગે નહીં. ધંધા તો 'એ. એમ. પટેલ'ના ચાલે છે અને ડૂબે તો 'એ. એમ. પટેલ'નુ

ડૂબે. મારું શું ડૂબવાનું ? અને તરે તો તેનું તરે, એમાં મારે લેવાદેવા નથી. 'એ. એમ. પટેલ' મારા પાડોશી છે ને પાડોશીની મારે ફરજો બજાવવાની. ડૂબે તો મારે શું ને તરે તો ય મારે શું ? તરે તેનો 'મારે' લાભ લેવાનો નથી ને ડૂબે તેનું રડવું નથી. આપણે શી લેવા-દેવા ? પોતાના સ્વરૂપને સમજી લેવું જોઈએ કે 'હું કોણ છું ?' એટલું જ સમજી લીધા પછી પારકી પીડા કોણ સાથે લે ?

જ્ઞાનીસંજ્ઞાએ દુઃખ જ નથી !

દુઃખ તો ક્યાં કહેવાય ? જ્ઞાનીની સંજ્ઞામાં દુઃખ તો છે જ નહીં. લોકસંજ્ઞામાં જ દુઃખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી દુઃખ ક્યારેય આવે નહીં અને લોકસંજ્ઞાથી તો આમનો જાય તો ય દુઃખ ને તેમનો જાય તો ય દુઃખ, ત્યાં કોઈ દહાડોય સુખ નથી.

ચિંતા, અત્ર-તત્ર-સર્વત્ર !

સાચું સુખ ઉત્પન્ન થાય, ત્યારે સાચું બધું. આ તો બધું ભંગજાળ છે. એ જ્ઞાન જ ન્હોય ને ! જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ એટલે ઠોકર વાગે નહીં. ઠોકર વાગે છે તમને કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : કેવી જાતની ઠોકર ?

દાદાશ્રી : મહીં અકળાટ, ચિંતા, ઉપાધિ કશું થાય છે ? માણસને સંસારમાં ચિંતા બંધ ના થાયને ?

પ્રશ્નકર્તા : મુશ્કેલ છે.

દાદાશ્રી : હા, એટલે સાધુ થઈ જવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : એ લોકોને પણ વ્યાધિ તો રહે જ છે ને !

દાદાશ્રી : હા, નરી વ્યાધિમાં જ છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્યાં ય છે. તે પછી અહીંથી હિમાલયમાં જતો રહેને તો ય આ જોડે ને જોડે ! પુણ્યશાળીઓને બધી મિલકત (!) જોડે ને જોડે જાય ! બાવો થઈ જાય તો ય પણ આ મિલકત છોડે નહીં. અરે, બાવા, આ મિલકત તારી જોડે આવે છે ? ત્યારે કહે, 'મેરી હૈ ને !' એટલે પછી મિલકત ક્યાં જાય ?!

માટે અહીં સંસારમાં જો બૈરી-છોકરાં સાથે છૂટ્યો તો વાત સાચી. આ તો 'ટેસ્ટ એક્ઝામિ-નેશન' કહેવાય.

આધિ-વ્યાધિ-ઉપાધિ અને સમાધિ !

પ્રશ્નકર્તા : એ 'મિલકત' એટલે જરા સમજાવો !

દાદાશ્રી : આ ત્રણ પ્રકારનાં આધિ-વ્યાધિ અને ઉપાધિ. એમાં જગત એ ત્રિવિધ તાપથી જ સળગ્યા કરે. જગતના જીવો, એને આધિ હોય છે, વ્યાધિ હોય છે અને ઉપાધિ હોય છે. એને ત્રિવિધ તાપ કહેવાય છે. આખું જગતેય આધિ-વ્યાધિ ને ઉપાધિમાં હોય.

હવે આધિ એટલે શું ? અત્યારે આ ચંદુભાઈ કુંટુંબના બધા જોડે બેઠા હોય. રાતે સાડા દસ વાગ્યા સુધી બધી વાતોચીતો ચાલતી હોય. અને પછી આનંદથી બધા છૂટા પડ્યા. પછી બધા કહે છે કે ચંદુભાઈ, તમે સૂઈ જાવ હવે. તે પછી અંદર જઈને સૂઈ ગયા, મચ્છરદાની ખેંચીને. નિરાંતે સૂઈ ગયા છો. નથી મચ્છર કૈડતું. મચ્છર કૈડતું હોય તો ઊંઘ ના આવે. પલંગ સરસ છે, હવા આવે છે, તાપ લાગતો નથી તો ય ચંદુભાઈ આમ પાસા ઘસે. રાત્રે સાડા અગિયાર થાય તો ય ઊંઘતા ના હોય, તો લોકો બહાર રહીને પૂછે, કે કેમ ચંદુભાઈ હજુ જાગ્યા કરો છો ? ત્યારે 'કંઈ નહીં' એવું કહે. હવે મહીં ગયા પછી ઊંઘી જવાનું બધા કહે છે. ઊંઘી જાવ એટલે આપણે ઊંઘી જવું જોઈએ. પણ કેમ ઊંઘતા નથી ? ત્યારે સૂઈ ગયા પછી યાદ આવ્યું કે આપણે પ્રોમિસરી નોટ લખવાની રહી ગઈ. એટલે પછી ઊંઘ ના આવે. એટલે કશું દુઃખ નથી છતાં માનસિક દુઃખ છે. એટલે આધિ કહેવાય. જેમાં બીજું કોઈ દુઃખ ના હોય. ફક્ત મનને જ દુઃખ થતું હોય. એ આધિ કહેવાય.

પછી વ્યાધિ એટલે શું ? વ્યાધિ એટલે શરીરનાં દુઃખ. શરીરને રોગ થાય, માથું દુઃખતું હોય, પેટમાં દુઃખાવો થતો હોય, તબિયત ખરાબ હોય એ બધી વ્યાધિ કહે છે ને ! અગર તો પછી ભૂખ લાગે છે તે ય વ્યાધિ. તરસ લાગે છે તે ય વ્યાધિ. થાક લાગે છે તે ય વ્યાધિ. ઊંઘ લાગે છે તે ય વ્યાધિ. ઊંઘ લાગે છે ને તમને ? તે ઘડીએ ઊંઘવા ના મળે તો ? તે ઘડીએ મહીં દુઃખ થાયને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે પછી ઊંઘે એટલે શાંત થઈ જાય. એટલે જેટલું એ 'લાગે' છે ને, એ બધુંય વ્યાધિ કહેવાય. ઓળખવી પડેને ? ભૂખ લાગતી હોય તો ઓલવવું પડે ને ? અને ના ઓલવાય ત્યાં સુધી મહીં લ્હાય બળેને ? એ પછી ઓલવે ત્યારે બંધ થાય. થાક લાગ્યો હોય તો ઊંઘ ના આવે, ઊંઘીએ નહીં ત્યાં સુધી મહીં દુઃખ લાગેને ? એટલે એમ શરીરની વ્યાધિ કહેવાય બધી. શરીરના અંગે જે દુઃખ થાય એ બધી વ્યાધિ કહેવાય !

હવે શરીરનું દુઃખ અને મનનું દુઃખ એ સમજાઈ ગયું ને ? મનનું એકલાનું જ દુઃખ એ આધિ કહેવાય. શરીર સાથે મનનું દુઃખ એ બધું વ્યાધિ કહેવાય. આ બે પ્રકારનાં દુઃખ માણસોની પાસે, જીવમાત્રની પાસે હોય.

અને ઉપાધિ એટલે શું ? હવે અત્યારે તમે અહીં બેઠાં છો, મન શાંતિમાં હોય, શરીર શાંતિમાં હોય પણ બહારથી એક ઢેખાળો આવ્યો અને તમને વાગ્યો અને લોહી નીકળ્યું એ ઉપાધિ કહેવાય. અત્યારે આપણને કશું દુઃખ તો છે જ નહીં. શરીરથી અને મનથી દુઃખ નથી પણ જે બહારથી દુઃખ આવે એ ઉપાધિ. અત્યારે નિરાંતે શાંતિમાં બેઠાં છીએ, પણ અહીં તમને કોઈ બોલાવવા આવે તે ઘડીએ આપણે સમજી જઈએ કે આ ઉપાધિ ક્યાંથી આવી !

આપણી દીકરી હોય ને સાસરેથી પાછી આવે, પછી આપણને કહે કે મારી સાસુ તો મને આમ કરે છે ને તેમ કરે છે, એ ઉપાધિ આવી. તમારું દુઃખ ન્હોય. આ પારકું દુઃખ આવ્યું એ ઉપાધિ. બહારથી આવે એ ઉપાધિ.

એટલે એ આધિ, વ્યાધિ ને ઉપાધિ - આ ત્રણથી જગત આખું સપડાયું છે.

અને સમાધિ એટલે શું ? આત્મજ્ઞાન લીધેલું હોય તો તમને ગાળો દે તો ય મન આધિમાં ન આવે એટલે તમે સમાધિમાં રહો. સમાધિ એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિ હોય તો ય અડે નહીં.

સમાધિ રહે એવું આપણું જ્ઞાન છે. જો પાંચ આજ્ઞા પાળેને, તો નિરંતર સમાધિમાં રાખનારું આ જ્ઞાન છે.

આધિ-વ્યાધિ ને ઉપાધિ હોય ને છતાંય સમાધિ રહે એ જ્ઞાન કહેવાય, અને જ્ઞાનથી એક-બે અવતારમાં મુક્તિ મળી જાય. એક-બે અવતારનાં કર્મો હોય તે પૂરાં થઈ જાય એટલે મુક્તિ. કર્મો કરેલાં છોડે નહીંને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કોર્ટમાં ફરિયાદ થયેલી છોડી દે છે એકદમ ? એ કર્મો ફરિયાદ જેવાં છે. આપણી ઈચ્છા ના હોય તો ય છોડે નહીં, સમજાયું ?

પ્રશ્નકર્તા : હા. સમજાયું.

દાદાશ્રી : કોઈ ધોલ મારે, તમાચા મારે તો ય સમાધિ ના જાય એવી સમાધિ જોઈએ. માટે આ લાભ ઉઠાવી લો. અહીં કામ કાઢી લેજો !

માણસને દુઃખ કેમ રહેવું જોઈએ ? માણસને આધિ-વ્યાધિ-ઉપાધિ રહેવી કેમ જોઈએ ? જો પોતે આત્મા હોય તો રહેવી ના જોઈએ. અને પોતે આત્મા નથી તો હોય જ !

બાકી, કેટલી વેદના છે લોકોને ! એક કલાક મહીં લ્હાય બળતી હોય તો સહન કેવી રીતે થાય તે ? જો અહીં વાળ્યો હોયને તો બિચારાને લ્હાય ઊડી જાય. એનું ફળ આપણને મળે ને ! અહીં આગળ આપણે કશું આપી દેવાનું નથી, પણ એની લ્હાય બળતી બંધ થઈ જાય. નહીં તો ત્રિવિધ તાપ, બસ સળગ્યા જ કરતો હોય. આધિ, વ્યાધિ ને ઉપાધિનાં તાપ સળગ્યા જ કરતા હોય.

જલ બિન મછલી જ્યમ !

સંસારમાં કંઈ દુઃખ હોતું નથી. દુઃખ તો અણસમજણથી ઊભું કરેલું છે. મનુષ્યને દુઃખ કેમ કરીને હોય ? જાનવરોને બધાને કંઈ દુઃખ હોય, એમને જરા ખાવાનું ઓછું મળે બિચારાને. આમને કશું દુઃખ હોતું હશે ? આ તો સુખનું અજીર્ણ થયેલું છે આ લોકોને ! અજીર્ણ એ દુઃખ જ હોય છે ને એક જાતનું. નહીં તો આમને દુઃખ ક્યાંથી હોય ? જુઓને, દુઃખી થયેલાં છે ને ! આખો દહાડો ભટક ભટક ભટક ભટક... તરફડે છે આખો દહાડો !! લોક તરફડતું હશે ખરું ?

પ્રશ્નકર્તા : શેનાથી તરફડે છે લોકો ?

દાદાશ્રી : આ માછલું જેમ પોતાનો આધાર ખોઈ નાખે પાણીમાં, એટલે તરફડે. એવી રીતે આ લોકો પોતાનો આધાર ખોઈ નાખે છે ને તરફડ્યા જ કરે છે નિરાધાર થઈને, નિરાશ્રિત થઈને !

પોતે પોતાના આધાર વિનાનો !

પ્રશ્નકર્તા : પોતાનો આધાર એટલે ? આત્માનો જ આધારને ?

દાદાશ્રી : એ જ સ્તોને ! એ આધાર વગર તો તરફડે છે. આ પરમાત્મા પોતે જ છે. પણ આખું પોતાનું ભાન જ ભૂલી ગયો છે ને ! આ નર્યું દુઃખ જ ભોગવી રહ્યો છે. નિરંતર અવિરત દુઃખ છે. કારણ કે આકુળતા-વ્યાકુળતા એનું નામ જ દુઃખ.

દુઃખો માન્યતાથી ભાસે છે !

આ તકલીફો ય તમારી સમજણની જ છે. તમે તકલીફ જેને કહો, તે અમને તકલીફ ના લાગે. કારણ કે તમે એમ સમજી બેઠા છો કે આને જ તકલીફ કહેવાય. એટલે આ જગતમાં કેટલાંક દુઃખ છે જ નહીં. એ દુઃખ નથી છતાં દુઃખરૂપે દેખાય છે, તે ય અણસમજણથી. તેથી મારે આ દુઃખો કાઢવાં છે ને ! તેથી હું આ બધાને કહું છું કે ભાઈ, દુઃખો કાઢો. આ દુઃખો ખરેખર દુઃખો છે જ નહીં. આ ય પડવાનું છે ને તે ય પડવાનું છે. ડૉક્ટરનું ધારેલું થવાનું નથી અને કોઈના બાપનું ય ધારેલું થવાનું નથી. પછી શું કરવા ભડકો છો તે ? ડૉકટર કહેશે કે મહિના-બે મહિનામાં તમારું હાર્ટફેઈલ થઈ જવાનું, હવે આગળ તમારાથી જીવાય નહીં એવું છે. મને કોઈ પેશન્ટ કહે કે ડૉક્ટરે મને આવું કહ્યું છે. એટલે હું એને કહું કે, તું ડૉક્ટરને જા કહી આવ કે તમે બે મહિના પછી મરી જવાના ! શેના આધારે તમે આવું કહો છો કે મરી જવાના છો ? આવું ફફડાવી શું કામ મારો છો ? તમે જો મટાડી શકતા ના હો તો ફફડાવશો નહીં !

પ્રશ્નકર્તા : ફફડાવાની વાત નથી. પણ કેન્સર થયું હોય તો કહેવું જોઈએ ને કે હવે તો જવાના છો ?

દાદાશ્રી : અરે, ના કહેવાય. તું આ તારી સમજણે કહું છું. આવું તારી વાઈફને કહેજે ! બે મહિનામાં મરી જશે એ શી રીતે, શું જોઈને કહે છે ?

પ્રશ્નકર્તા : જૂના અનુભવના આધારે.

દાદાશ્રી : ના, એ રેકોર્ડ ના જોવાય. રેકોર્ડને ને આને લાગતું-વળગતું નથી. એવું કહેવાય નહીં. શું એ ભવિષ્યવેત્તા છે ? પેલો તો બિચારો એમ મરી જાય ને ! એ મારી પાસે જો આવે તો બચી જાય !

આ દુનિયાના બધા દુઃખો માનેલાં છે અને ખોટું માને છે. આ બધી 'રોંગ બિલિફો' છે, દુઃખ જેવી વસ્તુ જ નથી ! લોકોને દુઃખ ભાસે છે, અનુભવમાં આવે છે, એ તો ભાસ્યમાન અનુભવમાં આવે છે, દેખેલું અનુભવમાં આવતું નથી. ભાસ્યમાન અનુભવ એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું, એના જેવી વાત છે !

માનેલાં દુઃખોની ઉપાધિ કેટલી ?!

આ શેનાં જેવાં દુઃખો છે ? આ ભાઈને મનમાં એમ કે આજે કારેલાંનું શાક કેમ લાવ્યા ? બટાકાનું કેમ નહીં ? અલ્યા, તમે બટાકા પસંદ કર્યા, પણ હવે લેવા ગયા ત્યારે બટાકા યાદ નહોતા. તે તમે અહીં કારેલાં જોયાં એટલે તમારા મનમાં કચવાટ ઊભો થાય. આ ભાંજગડો છે અને તેનાં દુઃખો બધાં ઊભાં થયાં છે.

મારે બંગલો કેમ નહીં ? પાછું દુઃખ ઊભું કર્યું. ત્યાં નક્કી કર્યું હોય કે મારે બે રૂમો હશે તો ચાલશે અને અહીં બીજાનો બંગલો જોયો કે ભાંજગડ ઊભી થઈ. આ તો નક્કી કર્યા પ્રમાણે બધો હિસાબ મળે છે. એનું પુણ્ય હોય છે તે પુણ્ય પ્રમાણે પછી પોતે લખાવે છે, આ પ્રમાણે મારે ચાલશે. જેમ સો રૂપિયા તમારે ભાગે આવ્યા હોય તો તમારે શામાં શામાં વાપરવા છે એ લખાવડાવો ! તો એ પ્રમાણે બધો હિસાબ તમારો અહીં છે, હવે એમાં એટલામાં સંતોષ રાખવાનો છે. બીજાનું જોઈએ તો પાર ના આવે.

તમે કહ્યું કે મારે ખેતી કરવી છે. હવે તમારો ભાઈબંધ ધંધો કરતો હોય તો પછી એને મેળ શી રીતે પડે ? તમે નક્કી કરીને આવ્યા તેવું તમને ભેગું થયું છે.

એટલે આ નવું નથી. આ બધું જ તમારું એક અવતાર માટે લઈને તમે આવ્યા છો. હવે નકામી હાયવોય શાને માટે ? મારે ત્યાં સોફો નથી, કહેશે. અલ્યા, સોફાને શું તોપને બારે ચઢાવવો છે ? જે હોય તે ખરું. બેસને, ગાદી કરીને બેસ, તકિયા રાખીને બેસ. પછી કશો વાંધો ખરો ?

પણ આ અવળી સમજણ પડી ગઈ છે. એમાં કેટલાંકને ત્યાં બૈરી બહુ ઊપાધિઓ કરાવડાવે કે તમારા ભાઈબંધને ત્યાં આવું છે ને તમારે ત્યાં આવું નથી. અલ્યા, કારેલાં આવ્યાં તો કારેલાં, આપણે તો જે લાવ્યા એ સાચું. પણ જો મહીં સળગ્યા કરે છે ! આટલી બધી લક્ષ્મી હોવા છતાં, રહેવાની સગવડ હોવા છતાં ભયંકર દુઃખો છે. આ 'અક્રમ વિજ્ઞાન' નીકળ્યું છે, તે લોકોને મહીં ટાઢક થશે. નહીં તો એક કલાક, અરે, પા કલાક મહીં ટાઢું પડે નહીં, જીવવાનું ગમે નહીં ને મરવું હોય તો ય મરાય નહીં, હવે શી દશા થાય તે !!

સુખ માન્યતાનું, દુઃખે ય માન્યતાનું !!

એક માણસને હજાર-હજારની દસ નોટો આપી હોય, પણ એને એમ લક્ષમાં બેસે કે આ સો-સોની જ છે. તો પછી એના મનમાં એમ થાય કે આ તો હજાર જ આપી ગયા છે ને મને તો એ દસ હજાર કહેતા હતા. એટલે એને દુઃખ થાય. હવે દુઃખ કરવા જેવું નથી, પણ એને આ સમજણ જ નથી, અણસમજણની આંટી પડી ગઈ છે ! અને સુખ કેવું છે ? એને આપણે સો-સોની દશ નોટો આપીએ અને કહીએ કે સોની નહીં, હજારની નોટો મેં આપી છે, એટલે તેને તેવી સમજણ ફીટ થઈ જાય ને એને સુખ વર્તે ! આ સુખ અને દુઃખ બેઉ આવી વાત છે ! આ પૈસામાં છેતરાતા નથી. નોટો તો સમજી જાય છે, નાનો છોકરો ય સમજી જાય છે. પણ બીજી બધી બાબતમાં છેતરાયા કરે છે અને બેભાનપણે માર ખા ખા કરે છે ! ગેરસમજથી દુઃખ થાય, તેમાં કોઈ શું કરે તે ? અને સુખે ય અણસમજણથી ઊભું થાય, એમાં કોઈ શું કરે ? આપણે રડે તેને રડવા લાગીએ તો ક્યારે પાર આવે ?

ચોપડો જોતાં ના આવડે ને વહેમ પડે તો ય દુઃખ થાય. મહીં સાઠ લાખનો નફો હોય ને એને દેખાય ચાલીસ લાખની ખોટ ને પછી એને દુઃખ જ લાગ્યા કરે ને ! પણ ચોપડો જોતાં ના આવડે ત્યાં સુધી ! એવું આ જગત છે, એટલે ખરેખર આ જગતમાં દુઃખ હોય જ નહીં. આ તો જોતાં નથી આવડતું, તેના આ દુઃખો છે બધા !

'પેમેન્ટ'માં તો સમતા રખાય !

આ તમને ગાદીએ બેસો એવું સુખ છે, છતાં ભોગવતાં ના આવડે ત્યારે શું થાય ? એંસી રૂપિયાના મણના ભાવના બાસમતી હોય તેની મહીં રેતી નાખે ! આ દુઃખ આવ્યું હોય તો એને જરા કહેવું તો જોઇએ ને કે, 'અહીં કેમ આવ્યા છો ? અમે તો દાદાના છીએ. તમારે અહીં આવવાનું નહીં. તમે જાઓ બીજી જગ્યાએ. અહીં ક્યાં આવ્યા તમે ? તમે ઘર ભૂલ્યા.' એટલું એમને કહીએ તો એ જતાં રહે. આ તો તમે બિલકુલ અહિંસા કરી (!) દુઃખ આવે તો તેમને ય પેસવા દેવાના ? એમને તો કાઢી મૂકવાના, એમાં અહિંસા તૂટતી નથી. દુઃખનું અપમાન કરીએ તો એ જતાં રહે. તમે તો તેનું અપમાને ય કરતાં નથી. એટલા બધા અહિંસક ના થવાય.

પ્રશ્નકર્તા : દુઃખને મનાવીએ તો ના જાય ?

દાદાશ્રી : ના, એને મનાવાય નહીં. એને પટાવીએ તો એ પટાવાય નહીં એવું છે. એને તો આંખ કાઢવી પડે. એ નાન્યતર જાતિ છે. એટલે એ જાતિનો સ્વભાવ જ એવો છે. એને અટાવીએ-પટાવીએ તો એ વધારે થબાકા પાડે અને આપણી પાસે ને પાસે આવતું જાય !

'વારસ અહો દાદાના, શૂરવીરતા રેલાવજો,

કાયર બનો ના કોઇ દી, કષ્ટો સદા કંપાવજો.'

આપણે ઘરમાં બેઠાં હોઇએ ને કષ્ટો આવે તો તે આપણને દેખીને કંપી જાય ને એ જાણે કે આપણે અહીં ક્યાં ફસાયા ! આપણે ઘર ભૂલ્યાં છીએ ! આ કષ્ટો આપણાં માલિક નથી, એ તો નોકરો છે.

જો કષ્ટો આપણાંથી ધ્રૂજે નહીં તો આપણે 'દાદાનાં' શેનાં ? કષ્ટને કહીએ કે, 'બે જ કેમ આવ્યાં ? પાંચ થઇને આવો. હવે તમારાં બધાં જ પેમેન્ટ કરી દઇશું.' કોઇ આપણને ગાળ ભાંડે તો આપણું જ્ઞાન તેને શું કહે ? એ તો 'તને' ઓળખતો જ નથી. ઊલટું તારે એને કહેવાનું કે, 'ભાઇ, કંઇ ભૂલ થઇ હશે તેથી ગાળ ભાંડી ગયો. માટે શાંતિ રાખજે.' આટલું કર્યું કે તારું 'પેમેન્ટ' થઇ ગયું ! આ લોકો તો કષ્ટો આવે એટલે બૂમાબૂમ કરે કે, 'હું મરી જ ગયો !' એમ બોલે. મરવાનું એક વખત ને બોલે સો-સો વખત કે 'હું મરી ગયો !?' અલ્યા, જીવતો છું ને શું કામ મરી ગયો છું, એમ બોલે છે ? મર્યા પછી બોલજે ને કે 'હું મરી ગયો.' જીવતો કંઇ મરી જાય ? 'હું મરી ગયો' એ તો આખી જિંદગીમાં બોલવાનું વાક્ય નથી. સાચા દુઃખને જાણવું જોઇએ કે દુઃખ કોને કહેવાય ?

આનંદમાં રહેવાની ચાવી !

પ્રશ્નકર્તા : સહુને પોતાનું દુઃખ મોટું લાગે ને ?

દાદાશ્રી : એ તો પોતે ઊભું કરેલું એટલે જેટલું મોટું કરવું હોય તેટલું થાય, ચાલીસગણું કરવું હોય તો તેટલું થાય !

આપણને કોઇ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે ચાર ઘાતો છે. તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઇએ. હવે આમાંથી એક ઘાત ગઇ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઇ ! તેમ અપમાન-ગાળો, એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઇએ. કોઇની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઇ ! હવે ૯૯૯ ગાળો બાકી રહી !! પેલો બોજો રહે છે કે મને 'કેમ ગાળ આપી', તે બોજો ના હોવો જોઇએ. અને જો તમારાં દુઃખો 'દાદા'ને સોંપી દો તો તો કામ જ નીકળી જાય. 'અમે' આખા જગતનાં દુઃખો લેવા આવ્યા છીએ, જેને સોંપવા હોય તે આ 'દાદા'ને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે 'દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ. માટે હવે તમે હાજર રહો.' એટલે દાદા આવે જ.

સુખ, માત્ર સવળી સમજણથી જ !

અવળી સમજણ એ દુઃખ છે અને સવળી સમજણ એ સુખ છે. એને સમજણ કઈ મળે છે તે જોવાનું છે. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ ! અને એ આંટી સવળી સમજણથી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ !! બીજું દુઃખ-સુખ છે જ નહીં દુનિયામાં !

- જય સચ્ચિદાનંદ