ભાવ : ક્રિયા

સંપાદકીય

જ્ઞાનીઓની ભાષામાં ભાવ શબ્દ બહુ જ કિંમતી છે. એનાં જુદા જુદા અર્થઘટન પોતાની ભાષામાં લોકો કરી નાખે છે, કે શીખંડ ખાવાનો ભાવ થાય છે, દાન આપવાનો ભાવ થયો પણ એ બધી ઈચ્છાઓ છે. મૂળ ભાવ વસ્તુ બહુ જ જુદી છે. ભાવ કોને કહેવાય ? ભાવ કરાવનાર કોણ ? આત્મા ભાવ કરે ? ભાવ બંધ શી રીતે થઈ શકે ? આદિ તમામ ફોડ પ્રસ્તુત સંકલનમાં પ્રાપ્ત થાય છે.

ભાવ એટલ, એ મૂળ જગ્યાએ વપરાય ત્યારે સ્વ-ભાવ કહેવાય અને પર જગ્યાએ વપરાય ત્યારે વિભાવ કહેવાય, અગર તો આરોપિત ભાવ કહેવાય. ત્યાંથી વિભાવની શરૂઆત થાય છે ને પછી 'હું ચંદુભાઈ છું' માન્યતા ફીટ થઈ જાય છે. પોતે ચંદુભાઈ થઈને પછી કર્તાભાવે યોજનાઓ ઘડતો જાય છે ને સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી એ રૂપકમાં આવે છે. આમ કોઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટમાં પાછું અજ્ઞાનતા છે જ એટલે નવા ભાવો ઉત્પન્ન થઈ કોઝીઝ નાખવાનું ચાલુ જ રહે છે.

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના ભેદજ્ઞાનના પ્રયોગથી 'હું કોણ છું અને કરે છે કોણ' ભાન કરાવી દઈ વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લાવી નાખે છે અને નવા કોઝીઝરૂપી વિભાવ ખલાસ થઈ જાય છે. કારણમોક્ષની શરૂઆત થઈ જાય છે !

જગતના લોકો ક્રિયા ને, આચારને જ સારાં કરવા પ્રયત્ન કરે છે. જે પરસત્તામાં છે, એટલે છેવટે કશું ફેરફાર થતો નથી ને દુઃખી થાય છે. ભાવ જે સ્વસત્તામાં છે તેનો પોતાને ખ્યાલ નથી. અક્રમ જ્ઞાન એક નવો જ અભિગમ બતાડે છે, ભાવ ફેરવવાનો. ઊંધી ક્રિયાઓ થઈ જાય છતાં હ્રદયપૂર્વકના પસ્તાવાથી ભાવ ફેરવી નાખવાનો છે અને ભાવ ફરે તો આવતા ભવની જોખમદારીમાંથી છૂટી શકાય છે.

પ્રસ્તુત સંકલન સૂક્ષ્મતાએ સ્ટડી કરે તો ભાવ પરિવર્તનના પુરુષાર્થથી દરેક અવસ્થામાં સહજ આનંદમાં રહી શકાય !

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


ભાવ, યોજના સ્વરૂપે !

પ્રશ્નકર્તા : ભાવ કોને કહેવો ?

દાદાશ્રી : ખરો ભાવ કોને કહેવાય ? આ દેખાય છે તે નહીં, મહીં યોજનાઓ ઘડાયા કરે તે. અને તે બીજા અવતારમાં રૂપકમાં આવે. ભાવથી યોજના ઘડાય પણ પોતાને તેની ખબર ના પડે.

આ જગતમાં લોકો દેખાય એને ભાવ કહે છે. ભાવ તો કોઈને દેખાય જ નહીં. પોતાને ય ખબર ના પડે કે શો ભાવ કર્યો !

ભાવ જુદા ! વિચાર જુદા !

પ્રશ્નકર્તા : ભાવ થાય અને વિચારો આવે, તેમાં શું ફેર છે ?

દાદાશ્રી : ભાવને જગતના લોક જે રીતે સમજે છે ને, તેવું તે નથી. 'મને જલેબી પર ખૂબ ભાવ છે.' એ જે ભાવ કહે છે તે ગમે ત્યાં ભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ખરેખર તો ભાવ આંખે દેખાય એવી વસ્તુ જ નથી. જેને આ લોકો ભાવ કહે છે, તે તો ઇચ્છાઓ છે.

વિચાર અને ભાવ એ બેને લેવા-દેવા નથી.

પ્રશ્નકર્તા : વિચાર આવે ને ભાવ થાય. આ બેનું 'ડિમાર્કેશન' થતું નથી.

દાદાશ્રી : જે વિચાર આવે છે, તે બધું 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે અને ભાવ 'ચાર્જ' છે. વિચાર ગમે તેટલાં આવતા હોય તેનો વાંધો નથી, પણ 'પોતે' જ્ઞાનમાં રહે તો.

ભાવ પોતાનો, ફળ આપે કુદરત !

એટલે તમારો તો લગ્ન કરવાનો ભાવ એકલો જ ! અને પછી છે તે કુદરત એટલી બધી ગોઠવણી કરે કે એક બાજુ એ સ્ત્રી ક્યાં જન્મશે ? આને કેટલા વાગે પૈણવાનું આવશે ! ઓહોહો ! કેટલી બધી પાર વગરની ગોઠવણી, એ બધી જ 'વ્યવસ્થિત'ને કરવી પડે ! તમારે ભાવ એકલો જ કરવાનો કે પૈણવું છે ! એટલે એ ભાવ, એટલો એક સંજોગ જ આપણો, પણ બીજું બધું કુદરતનું છે ! એક ભાવ એકલો જ આપણો, એમાં સંજોગો ભળવાથી આખું કુદરતી ઊભું થઈ જાય છે ! અને તે 'વ્યવસ્થિત' રૂપે ફળ આપે છે ! સ્ત્રી ક્યાં આગળ જન્મી હોય અને આ અહીં જન્મ્યો હોય તો ય બધું ભેગું કરી આપે !

ભાવ થયેલા બધી પ્રકારના. ઘૈડપણમાં પૈણવાના ભાવ આવ્યા હોય એવું ય થાય. તેથી કંઈ વ્યવસ્થિત શક્તિ છે તે ઘૈડપણમાં પૈણાવે નહીં. એને જવાનીમાં જ પૈણાવી દે, એવું વ્યવસ્થિત ગોઠવીને પછી બધું બને. ભાવ અવસ્થિત કરે આપણને, અને 'વ્યવસ્થિત' શું કરે ? બધું વ્યવસ્થિત ગોઠવે, એના સંયોગ બધા પદ્ધતિસર આપે !

ભાવ પ્રમાણે ફળ આવે !

આપણા હાથમાં એકમાત્ર ભાવ કરવા સિવાય બીજી કોઇ તાકાત નથી. આપણો ભાવ પણ મોઢેથી વ્યક્ત ના થવો ઘટે. ભાવ વ્યક્ત કર્યો તો તેની પાછળ અહંકાર છે જ. એક પોતે મોક્ષે જવા સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો અહંકાર કરવા જેવો નથી. જગત કલ્યાણનો ય અહંકાર કરવા જેવો નથી. બધા નિમિત્ત છે. કોઇ કર્તા નથી. નિમિત્ત શા માટે કહેવાય ? આ નિમિત્ત શી રીતે બની જાય છે ? કોઇ ભાવ કરે કે 'મારે બધાને સીધા કરવા છે.' તો તેનો ભાવ નેચરમાં જમે થાય, નોંધાય, પછી જ્યારે નેચરને સીધું કરવાનો વખત આવે ત્યારે એ ભાવવાળા નિમિત્ત પાસે નેચર બધા સંયોગ ભેગા કરી આપે. અને તે ભાવવાળા માણસનું એ ભાવ પ્રમાણે બની જાય.

જગત ભાવ અને અભાવ કર્યા જ કરે છે. ભાવ-અભાવ એ જ રાગ-દ્વેષ છે. અમે સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમને ભાવાભાવ નથી થતાં, બેઉ અમે બંધ કરી દઇએ છીએ. પણ પહેલાંનો ભાવ છે તે ફૂટે ત્યારે થાય કે આ ભાવ આવો કેમ થાય છે ? ખરેખર એ ભાવ નથી. એ ઇચ્છા છે.

કોઝીઝમાં ભાવ ઈફેક્ટમાં ઈચ્છા !

પ્રશ્નકર્તા : ભાવ અને ઇચ્છામાં શો ફરક ?

દાદાશ્રી : ઇચ્છા એ જુવારને ડૂંડું આવે એના જેવી વસ્તુ છે. બીજ પડી ગયું હોય તે જ આવું થાય. જેનો ભાવ હોય આપણને તેની ઇચ્છા ઉત્પન્ન થાય. ઇચ્છા એ પરિણામ છે, ભાવ એ 'કોઝિઝ' છે. ઇચ્છા એ બધી 'ઇફેક્ટ' છે. આપણે નક્કી કરી નાખવાનું કે મારે જગતની કોઇ ચીજ ખપતી નથી. એટલે મહીં 'સીલ' થઇ જાય. સ્વરૂપ જ્ઞાન થયા પછી જે ઇચ્છાઓ થાય છે તે 'ઇફેક્ટ' છે અને 'ઇફેક્ટ્સ' બધી ભોગવી લેવી પડે.

ભાવનું ફોર્મ !

તમારો ભાવ હાજર રહેવો જોઇએ. પછી બીજા બધાં એવિડન્સ ભેગા થઇ જાય. તમે ભાવ હાજર લઇને નથી રહેતા, તેને લીધે કેટલાંક એવિડન્સ નકામા જાય છે.

તમારે પૈણવું હોય તો પૈણવાના ભાવ હાજર રાખવા ને ના પૈણવું હોય તો ના પૈણવાના ભાવ હાજર રાખવા. જેવા ભાવ હાજર રાખશો, તેવાં સંજોગ ભેગા થશે. કારણ કે ભાવની હાજરી એ વન ઓફ ધી એવિડન્સ છે.

એટલે આ કોના જેવું છે ? કોઇ આળસુ ખેડૂત હોય અને ખેતરમાં ગયો જ ના હોય ને બી નાખ્યા જ ના હોય તો પછી વરસાદ શું કરે ? એની મેળે વરસાદ પડી જાય અને પેલાને કશો ફાયદો ના મળે. અને બીજા ખેડૂતે બી નાખી મેલ્યા હોય તો વરસાદ પડે કે તરત બધું ઉગી નીકળે.

પ્રશ્નકર્તા : એનો એક જ ભાવ હોય, ભાવ ફર્યો ના હોય, છતાં ય સંયોગ એને ના બાઝે ને એનો ભાવ ઊડી જાય ?

દાદાશ્રી : હા, એવું ય બને ! એવું કોઇક જ વખત બને. એ ભાવ પૂર્વભવનો કાચો ભાવ કહેવાય, ડગમગ ભાવ કહેવાય. નહીં તો એવું બને નહીં. જેમ આ સડેલું બી નાખીએ પણ કશું ઊગે નહીં એવું કાચા ભાવનું હોય છે. એની આપણને ખબર પડે. એ ડગમગવાળું હોય. 'બી નાખું કે ના નાખું ? બી નાખું કે ના નાખું ?' એવું થયા કરે. એવું કોઇક જ વખત બને.

અને આ તો મૂળ વસ્તુ કહી કે આપણે આપણો ભાવ ધરી દેવો, તો એ પ્રમાણે બધું ભેગું થઇ જાય. આપણે દુકાન કરવી હોય તો નક્કી કરી રાખવું કે મારે દુકાન કરવી છે. પછી સંજોગો આજે, નહીં તો છ મહિને પણ ભેગા થાય. પણ આપણે તૈયારીઓ રાખવી, ભાવ તૈયાર રાખવો. અને બીજું બધું 'વ્યવસ્થિત'ના તાબે છે.

ભાવબીજ સામે ચેતો !

ભગવાને કહ્યું, 'તું પરમાત્મા છે. દ્રવ્ય-ભાવથી છૂટો છે. સંયોગ માત્રથી છૂટો છે.' ત્યારે લોક સંયોગમાં વધારે વળગ્યા.

આપણી પાસે હાથમાં બીજ હોય અને બીજું નીચે જમીન ઉપર પડી ગયું હોય, તો એ બેમાં ફેર ના કહેવાય ?

એટલે ભગવાને શું કહ્યું કે હાથનું બીજ હોય તેને ધીમે રહીને આઘુંપાછું મૂકી દેજે. પણ પડી ગયેલાં બીજની તપાસ કરજે. કારણ કે બીજાં 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' એને મળી જાય તો ઊગી નીકળે ને બી જમીનમાં પડ્યું એટલે એને બીજાં 'એવિડન્સ' મળી આવે, માટે ત્યાં ચેતજે. જરાક કૂંપળ ઊગી હોય તો તેને તરત જ ઊખેડીને ફેંકી દેજે, નહીં તો ઝાડરૂપે થશે.

અત્યારે મહીં બીજાં આડા-અવળા ભાવ આવે છે, તે પડી ગયેલાં બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઇ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું.

જગતમાં યજ્ઞ ચાલ્યા કરે છે, એમાં બધાં કર્મો હોમ્યા કરે છે ને નવા કર્મો બંધાય છે.

ભાવ એ પુરુષાર્થ, અજ્ઞાન દશામાં !

પ્રશ્નકર્તા : કર્મનું પરિણામ, બધું વ્યવસ્થિત છે, તો આપણે જે ભાવથી કરીએ છીએ તે પ્રમાણે આવે. પણ ભાવના કરીએ તેમાં પુરુષાર્થ ખરો ?

દાદાશ્રી : એ વ્યવસ્થિત નહીં. ભાવના એ પુરુષાર્થ. એક રાઈનો દાણો આઘોપાછો થઈ શકે તેમ નથી માણસમાં અને જ્યાં થઈ શકે તે એ જાણતો નથી. રાઈનો દાણો આઘોપાછો કરવો છે એવો ભાવ કર્યો, તો કો'ક દા'ડો થશે. ભાવ જ ના કર્યો તો થાય શી રીતે ? અજ્ઞાન દશામાં ભાવ કરવાની જ શક્તિ છે. આ જ્ઞાન પછી હવે આ ભાવ કરવાના નહીં. હવે તો સ્વભાવ જ કહેવાય. સ્વભાવ એ સ્વધર્મ ને ભાવ એ પરધર્મ.

ભાવનો કર્તા કોણ ?

પ્રશ્નકર્તા : નિશ્ચય આત્મા એટલે શું ?

દાદાશ્રી : નિશ્ચય આત્મા એટલે શુદ્ધાત્મા. એવું છે કે, આ 'વ્યવહાર આત્મા' છે તે વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી આત્મા અકર્તા છે.

પ્રશ્નકર્તા : નિશ્ચય આત્મા ભાવનો તો કર્તા ખરોને ?

દાદાશ્રી : એ ભાવનો ય કર્તા નથી. ભાવનો કર્તા છે, સ્વરૂપની અજ્ઞાનતા !

પ્રશ્નકર્તા : ભાવો ક્યારે થાય ?

દાદાશ્રી : સ્વરૂપની અજ્ઞાનતા હોય ત્યારે ભાવ ને અભાવ થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન હોય તો જ ભાવ હોય ?

દાદાશ્રી : જ્ઞાન હોય તો ભાવ જ ના હોય. જ્ઞાન હોય ત્યાં સ્વભાવ-ભાવ હોય અને જ્યાં જ્ઞાન નથી ત્યાં ભાવ હોય. મિથ્યાત્વ છે ત્યાં ભાવ કે અભાવ છે. સમકિત હોય ત્યાં તે નથી.

પ્રશ્નકર્તા : આત્મા હાજર હોય તો જ ભાવ-અભાવ થાય ને ?

દાદાશ્રી : હા, આત્મા હોય તો જ ભાવ-અભાવ થાય, નહીં તો આ 'ટેપરેકર્ડ' મશીનમાં ભાવાભાવ ના થાય.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માએ પરલક્ષ કર્યું એટલે ભાવ-અભાવ થયા ?

દાદાશ્રી : શુદ્ધાત્મા પરલક્ષ કરતો જ નથી. શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા જ રહે છે. નિરંતર જ્ઞાન સહિત, સંપૂર્ણ જ્ઞાન સહિત છે. પરલક્ષને પણ એ પોતે જાણે છે કે આ પરલક્ષ કોણે કર્યું !

પ્રશ્નકર્તા : પરલક્ષ કરનારો કોણ ?

દાદાશ્રી : એટલું જ 'જ્ઞાની પુરુષ' પાસે સમજી જાવ તો આ સંસારના બધા ફોડ ઉકલી જાય. આ અહીં જ ગેડ બેસવી જોઈએ કે આ પ્રેરણા કરનાર કોણ ?

પ્રશ્નકર્તા : ભાવનો ઉદ્ભવ થવો એ આત્માની પ્રેરણા કહેવાય ?

દાદાશ્રી : ના, એ આત્માનો ગુણ નથી. એ તમારી અજ્ઞાનતાથી થયું છે.

વીતરાગોએ કહેલા 'રિયલ આત્મા'ને ભાવ જ નથી. વૃત્તિને ભાવ-અભાવ કહે છે. ખરેખર આત્માને ભાવાભાવ છે જ નહીં. નહીં તો એનો એ ગુણધર્મ થઈ ગયો કહેવાય.

આત્મા ભાવે ય નથી કરતો ને અભાવે ય નથી કરતો. આત્મા સ્વભાવમય જ છે !

ભાવ જ મુખ્ય એવિડન્સ !

અજ્ઞાન દશામાં ભાવસ્વરૂપ આત્મા છે, ભાવાત્મા છે અને જ્ઞાન દશામાં જ્ઞાનાત્મા છે. ભાવાત્મા પાસે ભાવસત્તા એકલી જ રહી, એ જ એ વાપરે છે. બીજું કશું કરતો નથી. કરેલા ભાવ નેચરમાં જાય છે. પછી કુદરત, પુદ્ગલ મિશ્રિત થઇને એનું ફળ આપે છે. આ બહુ ગૂઢ સાયન્સ છે.

તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના જે પરમાણુઓ છે તે મહીંના પરમાણુઓ જોડે હિસાબ મેળવીને-જોઇન્ટ થઇને અંદર દાખલ થઇ જાય. અને તે હિસાબ બેસે ને તેવાં ફળ આપીને જાય. પછી એમ ને એમ ના જાય. આમાં આત્મા કશું જ કરતો નથી અને બહાર એવો કોઇ ઇશ્વર નથી કે જે તમને ફળ આપવા માટે આવે. આ 'વ્યવસ્થિત શક્તિ' જ બધું ચલાવી લે છે તમારું. આમાં આત્મા કશું જ કરતો નથી, આત્મા ખાતો નથી, પીતો નથી, ભોગ ભોગવતો ય નથી, ખાલી ભાવનો કર્તા છે. આત્મા સ્વભાવનો કર્તા થાય તો વાંધો નથી. આ તો વિભાવનો કર્તા છે, એટલે સંસાર ઊભો થયો છે. સ્વભાવના કર્તામાં મોક્ષ થાય.

કેવા કેવા ઉત્કૃષ્ટ ભાવો !

સો રાણીઓ હોય, પણ એને મહીં ભાવ ઉત્પન્ન થવા માંડે કે મારે તો બ્રહ્મચર્યનો જ ભાવ રાખવો જોઇએ, આ અબ્રહ્મચર્ય ન હોવું ઘટે તો એવો વિચાર થતાં થતાં ભાવસ્વરૂપ થઇ જાય, તે આવતા ભવે કેવું સુંદર બ્રહ્મચર્ય રહે ! બ્રહ્મચર્ય પાળવું પોતાના હાથમાં નથી. ભાવ કરેલો તેનું ફળ આવશે.

તીર્થંકરોને જ્ઞાન થયા પછી છેલ્લો ભાવ ઉત્પન્ન થાય છે, જગત કલ્યાણ કરવાનો. પોતાનું કલ્યાણ થઇ ગયું. હવે બીજાનું કેમ કરીને કલ્યાણ થાય, એવા ભાવ ઉત્પન્ન થાય છે. તેના ભાવ સ્વરૂપે એ ભાવાત્મા તેવો થાય છે. પહેલો ભાવાત્મા તીર્થંકર થાય છે. પછી દ્રવ્યાત્મા તીર્થંકર થાય છે. એ ય નિર્વિકલ્પનું ફળ નથી, વિકલ્પનું ફળ છે, ભાવનું ફળ છે.

સ્થૂળ ક્રિયા પાછળ સૂક્ષ્મ ભાવવિજ્ઞાન !

પ્રશ્નકર્તા : આપના જેવા યોગી પુરુષો હોય, તે આ બધી સૂક્ષ્મ પરમાણુઓની ક્રિયાઓ જોઇ શકે ?

દાદાશ્રી : જોઇ શકે, તો જ આ પઝલ સોલ્વ થઇ શકે તેમ છે. નહીં તો આ પઝલ સોલ્વ કોઇ રીતે થઇ શકે તેમ નથી.

લોક કહેશે કે આણે આને પોઇઝન આપ્યું, તેથી આ માણસ મરી ગયો. એ કરેક્ટ વાત નથી. પહેલું અંતઃકરણમાં પોઇઝન અપાઇ જાય છે. એ સૂક્ષ્મ સ્વરૂપનું પોઇઝન છે ને પેલું સ્થૂળ સ્વરૂપનું પોઇઝન છે. પહેલું અંદર ક્રિયા થાય છે, પછી બહાર થાય છે.

આ ખોરાક આપણે ખાઇએ છીએ, તે આપણે રોજ કંઇ કહેતા નથી કે આ જ ખાવાનું બનાવજો અને કહે છે તો તે પ્રમાણે બધું બનતું ય નથી. આ તો મહીં જે પરમાણુ માગે છે તે બહાર 'વ્યવસ્થિત' શક્તિ એને ભેગા કરી આપે છે. આ બધું 'વ્યવસ્થિત' પ્રમાણે જ ગોઠવાયેલું હોય છે. મહીં કડવા રસની જરૂર પડેલી હોય ત્યારે જ કારેલાનું શાક ભેગું થાય. ત્યારે આ અક્કરમીઓ બૂમાબૂમ કરે કે, 'આજે કારેલાનું શાક કેમ કર્યું ?' આ ય વિજ્ઞાન છે.

અમે કહ્યું, 'માઇન્ડ ઇઝ ઇફેક્ટિવ, સ્પીચ ઇઝ ઇફેક્ટિવ, બોડી ઇઝ ઇફેક્ટિવ.' હવે આ 'ઇફેક્ટિવ' કેવી રીતે બને, એનાં તો બહુ બહુ વિચાર આવવા જોઇએ.

આપણને દુઃખ થાય છે તે મનના પરમાણુની ઇફેક્ટ છે, એમાં કોઇનો દોષ નથી. ફક્ત 'ઇફેક્ટ' છે. બહારનું કોઇ દુઃખ દેતું નથી. બહારના તો બધા નિમિત્ત છે. પહેલું અંતરમાં થાય તો જ બહાર થાય. તે અમે અંતર ઉપરથી સમજી જઇએ કે થોડીક વાર પછી આવું થવાનું છે. અમને એવું દેખાય.

એટલું તો તમને સમજાયને કે આ ઝેર ખાવાથી માણસ મરી જાય છે, તેમાં વચ્ચે ભગવાનની જરૂર નથી ? ભગવાનને મારવા નથી આવવું પડતું. આ પરમાણુઓ મારે છે. ખરેખર મારનારાં મહીં છે. સ્થૂળમાં દેખાવ ના હોય તો જગત ચાલે ય નહીં ને ! આ ભ્રાંતિ છે, એ સ્થૂળને લીધે છે આખી ! સ્થૂળ ઝેરને તો સારા ડૉક્ટરો ઓકી નખાવડાવે પણ સૂક્ષ્મમાં જો હોય તો ગમે તેટલું ઓકાવો તો ય મરી જાય. આ વિજ્ઞાન બધું જાણવા જેવું છે.

પ્રશ્નકર્તા : એટલે આ જે જે ભેગું થાય છે, એ અંદર પહેલાં સૂક્ષ્મમાં પડેલું છે એટલે જ ભેગું થાય છે ?

દાદાશ્રી : બીજું ત્યારે કોણ ભેગું કરનાર છે ? તમને આટલું શાક મેલ્યું હોય તો બે ફોડવાં નથી પડી રહેતાં, થાળીમાં ? એનું શું કારણ ? અરે, એક દાણો ય મહીં પડી રહે કે ના પડી રહે ? મહીં જેટલો હિસાબ હશે, એટલું જ લેવાશે. બીજું બધું પારકું !

વિજ્ઞાન જાણવાથી મુક્તિ

આપણે સારા ભાવ કરીએ તેનાં સારા ફળ આવે ને ખરાબ ભાવનાં ખરાબ ફળ આવે. ને ભાવાભાવ ના કર્યા અને 'હું શુદ્ધાત્મા છું' થઇ ગયો, તો કર્તા બંધ થઇ ગયો. તો જૂનું ફળ આપીને ચાલી જાય, નવું ના આવે. આ સાયન્સ છે, ધર્મ નથી. ધર્મ તો જ્યાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટેનો છે. બાકી, સાયન્સ તો સાયન્સ છે. ઠેઠ મુક્તિ કરાવડાવે એ !

દ્રવ્ય-ભાવ !

પ્રશ્નકર્તા : ભાવ ચઢે કે દ્રવ્ય ?

દાદાશ્રી : ભાવને ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે. દ્રવ્ય અવળું પણ હોય. તે જોવાતું નથી, ભાવ જ જોવાનો છે.

દ્રવ્ય-ભાવને સમજવું બહુ અઘરું છે. આ જે ભમરડો ફરે છે, તે દોરી ખૂલતી જાય છે તે દ્રવ્ય છે ને પાછી વીંટાય છે તે ભાવ છે.

પ્રશ્નકર્તા : દ્રવ્ય-ભાવ એટલે શું ?

દાદાશ્રી : જે પોતે ધર્મ કરે, તેનાં બીજ પડે. એટલે ગણધરોએ કહ્યું કે દ્રવ્ય-ભાવ કરો. પણ આ કાળમાં દ્રવ્ય જુદું ને ભાવે ય જુદા હોય. વ્યાખ્યાન સાંભળવા બેઠો હોય તે દ્રવ્ય બહુ પુણ્યશાળી કહેવાય. પણ ત્યાં બેઠો જાતજાતના ભાવ કરી નાખે કે, આમ નફો કરું અને આમ કરું. પહેલાનાં કાળમાં દ્રવ્ય-ભાવ સાચો હતો, જેવું દ્રવ્ય તેવા ભાવ હોય. કોઇને વાગ્યું હોય તેના પર પાટો બાંધે તો તેમાં એકાકાર થઇ જાય. એટલે દ્રવ્ય-ભાવ પૂર્યો કહેવાય. પણ આજના લોકો તો પાટો બાંધે, પણ મનમાં વિચારે કે આમાં હું ક્યાં ફસાયો?! દ્રવ્ય-ભાવ સાથેનું વર્તન એ સાચું બીજ નાખે.

સંસારમાં કિંમત, ભાવની જ !

સંસારમાં વસ્તુ નડતી નથી, તમારા ભાવ નડે છે. ભગવાને કહ્યું હતું કે દ્રવ્ય હશે તો ભાવ ઉત્પન્ન થશે. તેવું સારા કાળમાં હતું. દાન આપે ત્યારે મનમાં ઉછાળો મારે કે, 'આવો સંયોગ ફરી આવો.' અને આ કાળમાં તો દ્રવ્ય જુદું ને ભાવ જુદા. દાન આપતી વખતે ભાવમાં એવું હોય કે, 'હું તો દાન આપું જ નહીં. આ તો નગરશેઠે દબાણ કર્યું તેથી આપ્યું.' એટલે મન જુદું, વાણી જુદી ને વર્તન જુદું. તેથી અધોગતિના દડિયા બાંધે. એ પ્રપંચ છે તેથી.

ભગવાનનાં દર્શન કરવા જાય તો દર્શન વખતે સાથે જોડાનાં ને દુકાનનાં હઉ દર્શન કરવાનાં ! દ્રવ્ય ભગવાન તરફ અને ભાવ જોડામાં ને દુકાનમાં ! ભગવાન શું કહે છે કે દ્રવ્ય પ્રમાણે તારો ભાવ નથી તો તે ધર્મ કર્યો જ નથી અને 'હું ધર્મ કરું છું' એ માનવું એ પ્રપંચ કર્યો કહેવાય. તેથી ભારે અધોગતિમાં જઇશ. વીતરાગના માર્ગમાં કોઇની આટલી ય પોલ ચાલે નહીં.

ભાવની તો કિંમત છે. અત્યારે ભાવપૂર્વક થતું જ નથીને ? ભજિયા બનાવ્યાં, પણ ભાવપૂર્વક બનાવેલાની કિંમત ઊંચી છે. લોકોને ય ભાવ ઓળખતાં આવડતો નથી. આ તો અભાવપૂર્વક સારું ભોજન આપે તો ટેસ્ટપૂર્વક જમે. અને ભાવપૂર્વક રોટલો હોય તો મોઢું બગાડે. ખરી રીતે ભાવપૂર્વકનો રોટલો હોય તો પાણી જોડે ખાઇ જવો જોઇએ. અમે તો ભાવપૂર્વક ઝેર આપે તો ય પી જઇએ ! કિંમત ભાવની છે. ભાવપૂર્વક વ્યવહાર ચાલે તો સત્યુગ જ છે. શેઠ-નોકર ભાવપૂર્વક રહે તો કેવું સુંદર લાગે ! ભાવ તો રહ્યો જ નથી. અરે, આ મંત્રો પણ ભાવપૂર્વક બોલે તો ચિંતા ના થાય એવું છે. ભાવક્રિયા એ જીવતી ક્રિયા છે, ભલે પછી એ નિશ્ચેતન-ચેતનની હોય અને અભાવ ક્રિયા એ મરેલી ક્રિયા છે.

કોઇને જમાડીએ, આ જૈનોના સાધુઓને વહોરાવીએ તો ભાવપૂર્વક કરવું. કેટલાંક તો મહારાજને ભાવપૂર્વક વહોરાવતા પણ નથી. મહારાજ તો વીતરાગ ભગવાનની પાટ પરના છે. તેમનું તો સાચવવું જોઇએને ! મહીં આત્મા છે તે તરત જ સમજી જાય કે આ ભાવથી આપે છે, વિનયથી આપે છે કે નહીં ? તમારે ઘેર સગવડ ના હોય તો રોટલો ને શાક અતિથિને જમાડજો, પણ ભાવ ના બગાડશો. વ્યવહાર તો ઊંચો હોવો જોઇએને ? ક્રમિક માર્ગમાં આ ભાવની જ કિંમત ઊંચી ગણાય.

દુઃખ ન હોજો, ભાવના !

'આપણા થકી કોઇ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય.' એટલું જ વાક્ય સમજી જાયને તો બહુ થઇ ગયું.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કોઇ જીવને દુઃખ ના આપીએ એવી રીતે જીવવું બહુ અઘરું છે.

દાદાશ્રી : અઘરું હોય તેથી કરીને એમ ના કહેવાય કે દુઃખ આપીને જ મારે જીવવું છે. તો ય તમારે ભાવના તો એવી જ રાખવી જોઇએ કે મારે કોઇને દુઃખ આપવું નથી. આપણે ભાવનાના જ જવાબદાર છીએ, ક્રિયાના જવાબદાર નથી.

જગત આખું પરિણામમાં જ કકળાટ કરી રહ્યું છે. નાપાસ થાય તેનો કકળાટ ના હોવો જોઈએ. વાંચતી વખતે આપણો કકળાટ હોવો જોઈએ કે ભાઈ વાંચ, વાંચ ! એને ટકોર કરો. વઢો પણ નાપાસ થયા પછી તો એને કહીએ કે બેસ ભઈ, જમી લે ! સૂરસાગરમાં ડૂબવા ના જઈશ !

ભાવ ફેરવવો, તે જ મહત્વનું !

પ્રશ્નકર્તા : એટલે ભાવ ફેરવવો જોઈએ એમ ?

દાદાશ્રી : ભાવ જ ફેરવી નાખવાનો છે ! ભાવની જ ભાંજગડ છે, આ વસ્તુની ભાંજગડ નથી. ભગવાનને ત્યાં શું હકીકત બની, એની ભાંજગડ નથી. ભાવ એ 'ચાર્જ' છે અને હકીકત બને છે એ 'ડિસ્ચાર્જ' છે.

દ્રવ્યમાં ખોટું, ભાવમાં પસ્તાવો !

પ્રશ્નકર્તા : ઘણી વખત ખોટું કરવાની ઈચ્છા નથી હોતી પણ કરવું પડે છે.

દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે, તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ, કે 'આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઈચ્છા નહીં હોવા છતાં ય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે અને કેટલાંક લોકો કહે છે, 'ભઈ, આ કરીએ છીએ તે જ બરાબર છે, આવું જ કરવું જોઈએ.' તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાં ય માણસો ખરાં ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય.

એવું છે ને, દ્રવ્ય કોઈના ય તાબામાં નથી. આ ફક્ત ભાવ એકલો જ તાબામાં છે. દ્રવ્ય ફરજિયાત છે બધું અને ભાવ જે છે એટલું જ તમારા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો ! અમારું દ્રવ્ય સારું હોય અને ભાવે ય સારા હોય, બેઉ સારાં હોય. તમારા બધાનું દ્રવ્ય સ્વચ્છંદપૂર્વકનું નીકળે એટલે તમારે પસ્તાવો થાય કે 'આવું કેમ થાય છે, આવું કેમ થાય છે !' આજના જ્ઞાન જોડે એડજસ્ટ ના થાય એટલે એમ જ લાગે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એટલે આ જે દ્રવ્ય છે, દ્રવ્ય પરિણામ છે, જે ફરજિયાત લાગે છે આપણને, તે ન કરવું હોય છતાં ય કરવું જ પડે, એ બધું 'ડિસ્ચાર્જ' છે અને ભાવ જે અંદર છે તે 'ચાર્જ' છે. તો આપણે સાંજે અડધો કલાક બેસીને પસ્તાવો-પ્રતિક્રમણ કરવું કે 'આમ નથી કરવું છતાં ય આ થાય છે, એ મારું કામ નહીં. આ જવાબદારી મારી નથી એમાં. હવે ભવિષ્યમાં નહીં કરું. હવે આવી જાતના ભાવ ભવિષ્યમાં નહીં કરું, બસ.' એવો પસ્તાવો કરવાનો.

પ્રશ્નકર્તા : પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાનાં જ છીએ.

દાદાશ્રી : ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું. એ તો આજે 'ડિસ્ચાર્જ' છે અને 'ડિસ્ચાર્જ'માં કોઈનું ચાલે જ નહીં. 'ડિસ્ચાર્જ' એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને 'ચાર્જ' એટલે શું ? કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાંક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ રહે કે 'આ બરાબર જ થઈ રહ્યું છે', તો એ માર્યો ગયો જાણો. પણ જેને આ પસ્તાવો થાય છે, એનું આ ખોટું ભૂસાઈ જશે.

ભાવ સુધરે તો ય ઘણું !

દ્રવ્યક્રિયા તું જે જે કરે છે તે તો 'વ્યવસ્થિત શક્તિ' કરાવડાવે છે, એમાં તારું શું ? ભગવાન કહે છે કે, અમે દ્રવ્યક્રિયા ધ્યાનમાં નથી લેતા. આ કાળમાં દ્રવ્યનું ઠેકાણું જ નહીં, માટે ભાવ પાંસરો કરો તો આગળ ચાલશે.

દ્રવ્યકર્મ એટલે ફળ આવ્યું તે. ભાવકર્મ એટલે બીજ નાખ્યું તે. દ્રવ્યમાંથી ભાવ ને ભાવમાંથી દ્રવ્ય એમ ચાલ્યા જ કરે.

ભાવનું ફળ ક્યારે !

પ્રશ્નકર્તા : આ ભવમાં જે ભાવ કરે, એનું આ ભવમાં જ ફળ મળે?

દાદાશ્રી : ના. ભાવ તો કેટલી બધી વસ્તુઓ ભેગી થાય ત્યાર પછી તેનું દ્રવ્ય થાય. ભાવનું દ્રવ્ય થતાં થતાં તો કેટલોય ટાઇમ થાય. કર્મનો પરિપાક થાય ત્યારે ફળ આવે.

આપણે દૂધ લઇ આવ્યા માટે દૂધપાક થઇ ગયો ના કહેવાય. એ તો ચૂલો સળગાવે, તપેલાં મૂકે, હલાવ હલાવ કરે ત્યારે દૂધપાક થાય.

સંસારિક દ્રષ્ટિ : ભગવાનની દ્રષ્ટિ

મન એ આગલા અવતારનો જ્ઞાન-દર્શનનો ફોટો છે.

એક માણસ ઓફિસર હોય છે. તેની 'વાઈફ' તેને કહે કે 'તમે લાંચ લેતા નથી. આ બીજા બધા લે છે ને તેમણે બંગલા બંધાવ્યા.' તે આવું બહુ વખત થાય એટલે એ મનમાં નક્કી કરે કે બળ્યું, આપણે પણ લો હવેથી !

પણ લાંચ લેવા જાય તે પહેલાં તે ધ્રૂજી જાય ને લેવાય નહીં. મન ખાલી નક્કી કરે કે હવેથી લાંચ લો. એટલે એણે ભાવ બદલ્યો, પણ તેનાથી આખી જિંદગી લેવાય નહીં. કારણ કે પહેલાનાં આધારે મન છે. મન એ ગતજ્ઞાનનું ફળ છે. હવે અત્યારે નવું જ્ઞાન ઊભું કર્યું કે લાંચ લેવી જોઈએ. તે હવે એને આવતે ભવ લાંચ લેવા દેશે.

બીજો ઓફિસર હોય, તે આ ભવે લાંચ લેતો હોય પણ મનમાં એને એવા ભાવ થયા કરે કે, 'આ લાંચ લેવાય છે તે ખોટું છે. આવું ક્યાં લેવાય છે ?' તેનાથી આવતા ભવે લાંચ ના લેવાય. અને એક પૈસો નથી લેતો છતાં લેવાનાં ભાવ છે, એ આવતા ભવે ચોર થશે ને સંસાર વધારશે.

પ્રશ્નકર્તા : એટલે જે પસ્તાવો કરે છે એ છૂટી રહ્યો કહેવાય ?

દાદાશ્રી : હા, એ છૂટે છે. એટલે ત્યાં કુદરતને ઘેર ન્યાય જુદી જાતનો છે. આ જેવું દેખાય છે એવું ત્યાં નથી, એ આપની સમજમાં વાત આવે છે ?

પ્રશ્નકર્તા : કઈ ભૂલના આધારે આવાં ભાવ થઈ જાય છે ? દા.ત. લાંચ લેવાનો ભાવ થવો.

દાદાશ્રી : એ તો એના જ્ઞાનની ભૂલ છે ! ખરું જ્ઞાન શું છે, એનું એને 'ડીસીઝન' નથી. અજ્ઞાનતાને લઈને ભાવ થાય છે. કારણ કે એને એમ લાગે છે કે આ દુનિયામાં આવું નહીં કરું, તો મારી દશા શી થશે ? એટલે એને પોતાના જ્ઞાન ઉપરે ય નિશ્ચય તૂટી ગયો છે. પોતાનું જ્ઞાન ખોટું છે એવું એ જાણે છે ! હવે, આ જ્ઞાન, એ મોક્ષનું જ્ઞાન નથી. આ વ્યવહારનું જ્ઞાન છે ! અને 'ટેમ્પરરી' રૂપે જ હોય છે કે જે સંજોગવશાત્ નિરંતર બદલાયા જ કરે.

ચોરી કરતી વખતે સારો ભાવ રાખે તો પુણ્યૈનું ફળ મળે. એમ ભાવ કરે કે, મારે ક્યાં આ ચોરી કરવી પડી ? તેથી પુણ્યૈ બંધાય છે.

સામાયિક કરે પણ શીશી જો જો કરે તો અવળું ભાવબીજ નાખે છે.

ભાવના ભાવવાનો પુરુષાર્થ !

જ્યાં સુધી આત્મા સંસારી ભાવે છે, ત્યાં સુધી તે ભાવકર્મનો કર્તા છે. તે કાયમનો કર્તા નથી. એ તો આ ભાઈનો આમને ધક્કો વાગે ને એ કરે, તેમ આ સંજોગોના ધક્કાથી ભાવ કરે છે. ભાવકર્મથી સંસાર છે. 'અક્રમ'માં ભાવકર્મ જ ઉડાડી મૂકીએ છીએ ! 'હું ચંદુભાઈ છું' એ પહેલો ભાવ, હું આનો 'ધણી' છું એ બીજો ભાવ.... આ બધી 'રોંગ બિલિફ' છે !

સંસારી આત્મા પાસે ભાવના ભાવવા સિવાય બીજી કોઈ શક્તિ નથી. ભાવના ય પાછી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઉત્પન્ન થાય છે. પોતાની ઈચ્છા પ્રમાણે ભાવના ભાવી શકાય તેમ નથી અને તે ય પાછું ભાવના એકલી જ કરવાની છૂટ છે. બીજું બધું મિકેનિકલ છે. મિકેનિકલમાં હાથ ઘાલ્યો તો હાથ બળી જશે. ભાવના એ જ પુરુષાર્થ છે.

ભાવ શક્તિ તો જબરજસ્ત શક્તિ છે. જગતમાં સમરથ દેખાડે એવી શક્તિ છે પણ સામું નેચર ખરું ને ? સમરથ દેખાડવાની લીંક મળે નહીં ને ? કો'કને જ લીંક મળે, કો'ક માણસ છેક ઉપર જઇને કેવા સરસ સમરથ દેખાડે છે ! જેવાં કે તીર્થંકરો !!

ક્રિયાશક્તિ પોતાના હાથમાં નથી. ભાવશક્તિ એકલી પોતાના હાથમાં છે. આપણે બહુ ત્યારે એમ કરાય કે મારે 'દાદા'ની આજ્ઞા પાળવી છે, એવો ભાવ કરી શકાય. બીજું કશું કરી શકાય નહીં. એક ભાવશક્તિ જ વાપરવાની છૂટ છે.

પછી પરિણામ પરસત્તામાં !

ભાવના કેવી થઈ રહી છે, તેના પરથી આપણે હિસાબ કાઢવાનો. ખરાબ ભાવના આવ્યા કરે છે, માટે સમજી જ્વાનું કે બગડવાનો કાળ આવ્યો છે. એવું થાય ત્યારે આપણી જાતને સમેટી લેવાની. નિષ્પક્ષપાતી-પણાનો ભાવ રાખે તો એ સમજાય. આમાં ય આપણા હાથમાં સંપૂર્ણ સત્તા તો નથી જ. આપણા ભાવ અને ક્રિયા કે જે રૂપક છે તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ભાવ એક પાર્લામેન્ટનો મેમ્બર છે.

વ્યવસ્થિતનું કર્તાપણું છે. ગોઠવણી એ કરે છે, કર્તાપણું જ બધું એનું છે. જે યોજના રૂપે છે, તે કોઝિઝ છે અને પછી રૂપકમાં આવે છે તેનું તે, એ વ્યવસ્થિત થઈને આવે છે ત્યારે એ ઈફેક્ટ છે.

ભાવનાથી વ્યવસ્થિત ક્યાં સુધી હેલ્પ કરે, કે અહંકાર ના હોય ત્યારે. જગત છે વ્યવસ્થિત, પણ અહંકાર છે તે એનો ગોદો માર્યા વગર રહે નહીં. માટે અવ્યવસ્થિત કરે.

ડિરક્ટે જ્ઞાન પ્રાપ્તિ કલાકમાં !

જગત આખું દ્રવ્યને તોડ તોડ કરે છે, એટલે ક્રિયાઓને ફેરફાર કરે છે. આપણા અક્રમ વિજ્ઞાને તો દ્રવ્ય ને ભાવ બન્નેને બાજુએ મૂકી દીધું, ક્રમ-બ્રમ નહીં, સીધું 'ડિરેક્ટ' એક કલાકમાં જ સમકિત થઇ જાય. નહીં તો આમ લાખ અવતારે ય સમકિતનું ઠેકાણું ના પડે.

ભાવમન : દ્રવ્યમાન !

પ્રશ્નકર્તા : ભાવમન એટલે આત્મા કહેવાય ?

દાદાશ્રી : ભાવમનને આત્મા કહે તો તો પછી રઝળવાનું જ થાય ને ! ક્રમિકમાર્ગમાં ભાવમનને જ આત્મા કહ્યો, અને આપણે અક્રમમાં ભાવમન, દ્રવ્યમન બેઉને ઉડાડી મેલ્યું !

દ્રવ્યમન એટલે 'ડિસ્ચાર્જ' મન અને ભાવમન એટલે 'ચાર્જ' મન.

દ્રવ્યમન આખું ય ફિઝિકલ છે અને ભાવમન ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે. ભ્રાંતિ છે ત્યાં સુધી ભાવમન છે. દ્રવ્યકર્મનાં ચક્ષુ એ ગયા અવતારના આઠ કર્મનાં ચક્ષુ લાવે છે, તે ચક્ષુના આધારે ભાવ કરે છે. ભાવનાં આધારે પુદ્ગલ પરમાણુઓ પકડી લે છે ને તેનું દ્રવ્યમાં પરિણામ આવે છે. આ આખું સાયન્સ જ છે.

ભાવાભાવ કોનાં ?

પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે એટલે ભાવમનની શરૂઆત થાય અને તેમાંથી દ્રવ્યમન રૂપકમાં આવે. લોકો જે ભાવાભાવ કરે છે તે 'પ્રતિષ્ઠિત આત્મા'ના છે. શુદ્ધાત્માને ભાવ હોય જ નહીં. જે દેખાય છે તે ડિસ્ચાર્જ છે. ચાર્જ તો દેખાય નહીં, ખબરે ય પડે નહીં. ભાવ જડે તેમ નથી. બહુ થોડાક લોકો ભાવને સમજી શકે. પણ તે પાછાં શુદ્ધાત્માના ભાવ સમજે એટલે લોચો મારી દે.

શુદ્ધાત્મામાં કોઇ જાતનો ભાવ જ નથી. 'પ્રતિષ્ઠિત આત્મા'ના ભાવને ભાવ કહેવાય છે. પ્રતિષ્ઠિત આત્મા તો જ્ઞાનીને અને અજ્ઞાનીને ય ખરો. સ્વરૂપ જ્ઞાન ના હોય, તેને મનનાં દ્રઢ પરિણામમાં હોય કે, 'મારે પ્રતિક્રમણ કરવું જ છે' એ ભાવ દ્રઢ કરે એટલે દ્રવ્ય ઉત્પન્ન થાય અને દ્રવ્યમાંથી ભાવ ઉત્પન્ન થાય.

ને પરમાણુ થયા ચાર્જ !

પ્રશ્નકર્તા : જીવનની છેલ્લી ઘડીના ભાવ પ્રમાણે પુદ્ગલ પકડે ?

દાદાશ્રી : તરત જ પકડે. આ ભાવ કર્યો તે ભ્રાંતિભાવ છે, સ્વભાવભાવ નથી. બહાર જે ચોખ્ખા પરમાણુઓ છે કે જેને વિશ્રસા કહેવામાં આવે છે. મનની અંદર ભ્રાંતિભાવ થયો એટલે એ પરમાણુ પ્રયોગસાના વહેણમાં જાય અને જયારે પરિણામ પામે ત્યારે મિશ્રસા થાય, એ પછી કડવા-મીઠાં પરિણામ આપીને જાય. અત્યારે આ દેહ મિશ્રસા પરમાણુનો બનેલો છે, તે પરિણામ આપીને જાય. આત્મા લક્ષમાં આવે, સ્વભાવભાવમાં આવે ત્યારે નવાં બીજ ના પડે.

એટલે અમે જગતને એટલું જ કહેવા માગીએ છીએ કે મન-વચન-કાયાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને તું સ્વતંત્ર છે. ભાવથી 'તું' જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મન-વચન-કાયાની ક્રિયા થાય તો ય તું કલ્પાંત ના કરીશ, તું ભાવ ફેરવ.

ખરો પુરુષાર્થ !

પ્રશ્નકર્તા : એટલે આ પોતાનો જે પુરુષાર્થ છે. એ ખાલી ભાવ કરવામાં જ છે ને !

દાદાશ્રી : ભાવ તો કરી રહ્યો છે, પણ તે ભાવને અહિંસક ભાવ કરવામાં પુરુષાર્થ છે. એ ભાવ ઘણાં ખરા હિંસક હોય છે, એને અહિંસક ભાવમાં ફેરવી નાખવું એ પુરુષાર્થ છે.

જેટલી ચીજનો સંયોગ થાય એ પ્રારબ્ધ અને એની જોડે જે ભાવાભાવ ઉત્પન્ન થાય એ પુરુષાર્થ.

'નેચર' (કુદરત) ક્રિયા નથી જોતી. તે વખતનો તમારો ભાવ જુએ છે. ઈચ્છા પણ નથી જોતી.

કોઈ માણસે તમને લૂંટી લીધા, તે વખતે તમારા મનનાં ભાવો બધા રૌદ્ર થઈ જાય. અંધારામાં (અજ્ઞાનતામાં) આવાં ભાવો થાય ને શુદ્ધ પ્રકાશ હોય ત્યાં કેવા ભાવ થાય ? 'વ્યવસ્થિત' કહીને ભાવાભાવ થયા વગર આગળ ચાલવા માંડે !

ભાવ પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ !

પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ આ ચારેયમાં પહેલો નંબર કોનો ?

દાદાશ્રી : ભાવનો. પછી જે જે મળતો આવે તેનું એ દ્રવ્યે ય ભેગું થઈ જાય. એક માણસ જતો હોય, 'અલ્યા ભઈ, અહીંયા આવ.' એ અહીંયા આવ્યો, પછી ક્ષેત્ર ભેગું થયું, ત્યારે કાળ ભેગો થઈ જાય.

ભાવમાં ભળેલું છે કાળ ને ક્ષેત્ર !

પ્રશ્નકર્તા : એ ભાવમાં ક્ષેત્ર અને કાળનો સમાવેશ થાય છે એ કેવી રીતે ?

દાદાશ્રી : ભાવમાં હોય જ. ભાવમાં એ ક્ષેત્ર-કાળ ગંૂથાયેલો જ હોય ત્યાર વગર ભાવ ઉત્પન્ન થાય જ નહીં. ક્ષેત્ર-કાળ મળ્યા સિવાય ભાવ ઉત્પન્ન થાય જ નહીં. કારણ કે એ જે ભાવ કરીએ છે તે પણ ક્ષેત્ર-કાળના આધારે કરીએ છીએ. અને પછી ભાવના આધારે ક્ષેત્ર અને કાળ તેને પ્રાપ્ત થાય.

ત્યાગી, છતાં અવસ્થિત ગૃહસ્થીનું !

અવસ્થિતમાં તમારો ગૃહસ્થી ભાવ છે કે ત્યાગીભાવ રહ્યો છે, ભાવ એટલો જ હોય છે. પણ પછી હવે ગૃહસ્થ ભાવ થઈ ગયો. તે આ બધું ફળ કોણ આપે ? એટલે પાછી કુદરત ઉમેરે પછી એટલે સામું ગૃહસ્થ ભાવનું ભેગું કરી આપે, સ્ત્રી ભેગી કરી આપે. પછી દેહ-બેહ કોણ આપે ? એ વ્યવસ્થિતનાં આધારે દેહ છે. અવસ્થિતનું વ્યવસ્થિત થતાં દેહ-બેહ બધી વસ્તુ મળી જાય એને. પણ મૂળ આનાં ઉપર આધાર છે કે અવસ્થિતમાં ગૃહસ્થિ છે કે ત્યાગી છે. બસ, એનાં ઉપરથી બધી ગોઠવણી વ્યવસ્થિતમાં તૈયાર થઈ જાય છે.

કુદરત સદા સહાયક !

પ્રશ્નકર્તા : ચોરને ચોરી કરવાનો ભાવ છે, ત્યાં કુદરત મદદ કરે છે અને શાહુકારને શાહુકાર થવાનો ભાવ છે, ત્યાં મદદ કરે છે.

દાદાશ્રી : મદદ કરે છે, પણ એનો આવો દેહ ક્યાંથી લાવે ? અવસ્થિતમાં દેહ નથી હોતો. તે કુદરત પછી બધું ભેગું કરી આપે છે. એટલે આપણે કહીએ છીએ કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધાં !

પ્રશ્નકર્તા : ઘણીવાર અવળા ભાવે ય જાગતાં હોય છે.

દાદાશ્રી : એ તો અવળો ભાવ થાય તો અવળા બધા સંજોગો ભેગા થાય.

ગત ભાવના પરિણામે !

પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રમાણે, ઘણી વખતે એક જ વ્યક્તિ હોય, અમુક જગ્યાએ જુદું વર્તન હોય, પણ ક્ષેત્ર જુદું થઈ જાય તો એ વ્યક્તિ જાણે બદલાઈ ગઈ હોય એવું લાગે.

દાદાશ્રી : હા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળનાં આધારે ભાવ ઉત્પન્ન થાય. પહેલું ક્ષેત્ર બદલાય, પછી દ્રવ્ય બદલાય, પછી કાળ બદલાયો કે ભાવ બદલાઈ જાય. 'આ' જ્ઞાન પછી એ ભાવ, ગતભાવ છે, ડિસ્ચાર્જ ભાવ છે. એટલે એ ભાવ ત્યાં આગળ ડિસ્ચાર્જ થઈ ગયો, એ ભાવ ફરી આવવાનું તમને કંઈ કારણ રહ્યું નહીં. પછી બીજી જગ્યાએ, ત્યાં બીજી રીતે ડિસ્ચાર્જ થાય, ત્રીજી જગ્યાએ ત્યાં ત્રીજું ડિસ્ચાર્જ થાય, એમ કરતાં કરતાં મહીં ડિસ્ચાર્જ થતાં ડિસ્ચાર્જ ભાવ બધાં ખલાસ થઈ જાય. ખલાસ થઈ જાય એટલે પછી દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-ભાવથી અપ્રતિબદ્ધતા ઉત્પન્ન થાય. ડિસ્ચાર્જ ભાવ રહ્યો નહીં, ચાર્જ ભાવ છે નહીં, એટલે અપ્રતિબદ્ધ. એટલે કોઈ વાંધો નહીં.

જ્ઞાની વિચરે અપ્રતિબદ્ધપણે !

'ભઈ, બેઠાં છીએ. હવે અહીંયા જ ઠીક પડશે.' એવું કશું અમારે હોય નહીં. પેલા કહેશે, 'ના. તમે અહીં બેશો.' ત્યારે અમે કહીએ, 'સારું.' પેલાં કહે, 'રસોઈમાં આ ચાલશે ?' ત્યારે અમે કહીએ, 'એ ચાલશે.' ક્ષેત્ર બદલાય, દ્રવ્ય બદલાય, પણ ભાવનું પ્રતિબદ્ધપણું ના પામે. ભાવ ખરો, પ્રતિબદ્ધપણું ના પામે.

એ ડખલની ભૂલ ભાંગવી !

તમે તો ભાવથી પ્રતિબદ્ધ કરો છો. મહીં ડખો કરો છો કે, 'મને આમ કેમ થાય ?' હવે આ જ્ઞાન પછી, ખરેખર તમને થાય છે કે પુદ્ગલને થાય છે ? અને જો પુદ્ગલને થાય છે તો તો ગલન થવું એ એનો સ્વભાવ જ છે. એ એનાં સ્વભાવમાં છે, તો શું કરવા ડખો કરો છો ? પણ આ તો તમને પહેલાંની પેલી ટેવ પડી ગઈ છે ને, 'આ સારું ને આ ખોટું,' 'આવું થાય તો સારું ને આવું થાય તો ખોટું.' એવું સારું-ખોટું પુદ્ગલમાં છે જ નહીં કશું. પુદ્ગલ તો પુદ્ગલના સ્વભાવમાં જ છે.

ભાવક જ ભાવનો કર્તા !

પ્રશ્નકર્તા : ભાવ કરાવનાર કોણ ? એ આત્મા કરે છે ?

દાદાશ્રી : મહીં 'ભાવકો' છે તે ભાવ કરાવે છે. આત્મા ભાવ કરતો નથી. લોકો ભાવકર્મને વળગણ સમજે છે. ખરી રીતે ભાવ કરાવનારા મહીં બેઠા છે. આત્મા કોઇ દહાડો ય ભાવ કરે નહીં.

પ્રશ્નકર્તા : એ ભાવકો કોણ છે ?

દાદાશ્રી : એ એકલું ભાવક નથી. ક્રોધક છે, ક્રોધને કરાવનાર. લોભક છે, લોભને કરાવનાર. નિંદક છે, તે ના કરવી હોય તો ય નિંદા કરાવડાવે. આમાં આત્મા કશું જ કરતો નથી. જો આત્મા ભાવ કરે તો તેની શી દશા થાય ? તો તો એ ખલાસ થઇ ગયો ને ? આ ભાવ કરાવનારા બીજાં છે. ભાવક એનું નામ છે. ભાવકો ભાવ કરાવે છે. તે ઘડીએ 'આત્મા' ભાવ્ય થઇ જાય છે, 'એને' એ ગમે છે. પોતાના સ્વરૂપની ખબર નથી એટલે આ અસર થઇ જાય છે.

ભાવમાં ભળ્યો, તો ભાવ્ય !

'મહીંલા ભાવકે ભાવ્ય ભળે તો,

ચિતરામણ નવું થાય જ છે સ્તો.'

મહીં ભાવ થાય છે તેની મહીં ભાવ્ય ભળી જાય છે. તેનાથી નવું ચિતરામણ થાય છે. આત્મા ભાવ્ય છે ને મહીં ભાવકો ભાવ કરાવડાવે છે. તે ભાવ થાય છે, તેનો શો વાંધો છે ? ભાવ્ય ભાવમાં ભળે નહીં ને જોયા જ કરે કે, 'ઓહોહો ! મહીંલા (અંદરનાં) ભાવકો આવાં હઉ ભાવ કરાવડાવે છે!' ભાવકો છો ને ગમે તેવા ભાવ કરાવે, તેને 'આપણે' જોયા કરીએ તો આપણને બંધન નથી. આ છેલ્લું સાયન્સ છે.

ભાવકનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : એ કેવી રીતે સમજ પડે કે આ ભાવકે ભાવ કરાવ્યો? જરા વિસ્તારથી સમજાવો.

દાદાશ્રી : આપણે મુંબઇની વસ્તીમાં રહેલા હોઇએ ને એકાએક બહાર જવાનું થયું ને રણ આવીને ઊભું રહ્યું. જ્યાં કોઇ ઝાડ ના મળે, છાંયડો ના મળે, ત્યાં આગળ એવા ભાવ થાય કે 'ક્યાં બેસીશું ને ક્યાં ઠંડક લઇશું, ક્યાં આશરો લઇશું ?' એ ભાવો મહીંલા ભાવકો કરાવડાવે છે. તે બધાં મહીં જ બેઠાં છે. અને આ મોક્ષપંથ પર આખું ય જગત ચાલી જ રહ્યું છે. આ તો આખો પ્રવાહ જ છે ને બધા જીવો પ્રવાહરૂપે ચાલી જ રહ્યા છે. તે રસ્તે જતાં જાત જાતનાં ભાવકો આવે છે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે એ શાતા-અશાતા વેદનીય થઇ ?

દાદાશ્રી : ના, ના. શાતા-અશાતા વેદનીય નહીં, વેદનીય એ તો વેદનીય જ કહેવાય અને આ તો ભાવકો છે. જાત જાતનાં ભાવ કરાવડાવે. આપણે ભય ના કરવો હોય, આપણે નિર્ભય હોઇએ, પણ આમ સાપ જતો જોઇએ તો તરત જ ભયનો ભાવ કરાવડાવે. કરાવડાવે કે ના કરાવડાવે?

પ્રશ્નકર્તા : કરાવડાવે. ત્યારે તો એ વિકલ્પ કહેવાય ?

દાદાશ્રી : ના. વિકલ્પે ય ના કહેવાય. સાપ જાય ને તેમાં તન્મયાકાર થયો તે ભયનો ભાવ કરાવડાવે. એ ભયનો ભાવક છે.

ભાવકનો આધાર, સંસારીજ્ઞાન !

આ 'સાંસારિક જ્ઞાન' છે, તે ભાવક કરાવે એવું જ્ઞાન છે. જો 'મૂળ જ્ઞાન' હોય તો એ ભાવકો નામ ના દે. 'મૂળ જ્ઞાન' એટલે 'હું શુદ્ધાત્મા છું' એનું ભાન થવું તે, પછી ભાવકોનું કશું ચાલે નહીં. 'મૂળ જ્ઞાન' થાય નહીં ત્યાં સુધી ભાવકો જ અથાડ અથાડ કરે. અહીંથી ધક્કા મારે ને ત્યાંથી ધક્કા મારે, તે ફૂટબોલની જેમ અથડાવે.

સ્વ-ભાવ આવે તો છૂટકો !

પ્રશ્નકર્તા : આ ભાવકો અંતઃકરણના કયા ભાગમાં હોય ? મનમાં હોય ?

દાદાશ્રી : ના. ભાવકો તો અંતઃકરણથી ય જુદા છે ! એ અંતઃકરણમાં ના આવે. અંતઃકરણ તો ભાવકોનું દોર્યું દોરવાય. ભાવકો આત્માને મૂર્ચ્છિત કરે, એટલે આત્મા ભાવ્ય થાય. એટલે પછી આ અંતઃકરણ ચાલુ થાય. અને જો 'હું શુદ્ધાત્મા છું' એ ભાન રહે તો એવા લાખ ભાવક આવે તો ય કશો વાંધો નથી. મહીં ભાવક એકલો નથી. ક્રોધક, લોભક, નિંદક, ચેતક એવા બધાં કેટલાય 'ક' મહીં છે. 'ક' એટલે એ કરાવનારા છે. મહીં તો આખું બ્રહ્માંડ છે !

સંયોગોનાં દબાણની અસરો !

પ્રશ્નકર્તા : એટલે ભાવકો આત્માને મૂર્ચ્છિત કરી દે એવા ભાવ ઉત્પન્ન થાય છે ?

દાદાશ્રી : ના, એવું નથી. ભાવકો એવું ઊભું કરે છે કે આત્મા મૂર્ચ્છિત થઇ જાય. મૂર્ચ્છિત એટલે પોતાના સ્વરૂપનું ભાન ખોઇ નાખે. જેમ અહીં આગળ કશું ગેસનું ફૂટ્યું હોય તો માણસ બેભાન થઇ જાય છેને? એવા આત્માને ભાવકો ભાવ કરાવે છે તેની અસર થાય છે. અસર કોને ના થાય ? પોતાના 'સ્વરૂપ'નું ભાન હોય તેને ના થાય. નહીં તો આ 'સાંસારિક જ્ઞાન' આત્માને અસરથી મુક્ત રાખતું નથી. આ સંયોગોનું દબાણ એટલું બધું છે કે એને અસરમુક્ત રહેવા દેતું નથી. જ્યારે 'હું શુદ્ધાત્મા છું' જાણશે, ત્યારે ભાવકો જોર કરશે નહીં. સામાન્ય સમજ એવી છે કે આત્મા ભાવ કરે છે તેથી કાળ, ભાવ ને કર્મ બંધાઇ ગયું પણ આત્મા ભાવ કરે તો તો થઇ રહ્યું, ખલાસ થઇ ગયું. તો તો એ કોઇ ચીજનો ભિખારી છે, એવું થયું.

તન્મયાકાર ન થાય, ક્યારે ?

ભાવકો ભાવ કરાવે છે, અને ભાવકો જ આત્માને ભાવ્ય બનાવે છે.

પ્રશ્નકર્તા : આ ભાવકો છે તે પરમાણુરૂપે છે કે ગાંઠરૂપે છે ?

દાદાશ્રી : પરમાણુરૂપે છે. એ પુદ્ગલ પરમાણુઓ છે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે ભાવતું થયું હોય તો આત્મા મહીં તન્મયાકાર થઇ જાય છે ?

દાદાશ્રી : હા. અને ના ભાવતું હોય તો તન્મયાકાર ના થાય. એટલે 'એ' ભાવ્ય ના થાય તો કશું ના થાય.

પ્રશ્નકર્તા : એટલે તન્મયાકાર ના થાય તો ચિતરામણ ના થાય ?

દાદાશ્રી : તન્મયાકાર ના થાય તો તો કશો વાંધો નહીં, પણ 'એ' તન્મયાકાર થયા વગર રહે જ નહીં. 'સ્વરૂપ'નું ભાન થાય તો જ 'એ' તન્મયાકાર ના થાય.

ભાવક, સમસરણ પ્રમાણે પલટાય !

એ ભાવકો ય પાછાં બદલાયા કરે છે. દસમા માઇલમાં જે ભાવકો આવાં હોય તો અગિયારમા માઇલમાં નવી જ જાતના હોય, બારમા માઇલમાં વળી એથી ય નવી જાતનાં હોય. કારણ 'આપણે' ગતિ કરી રહ્યા છીએ. એટલે ખરી રીતે તો કોઇ કર્તા જ નથી. આ જગતમાં આત્મા ય કર્તા નથી ને પુદ્ગલે ય કર્તા નથી. જો પુદ્ગલ કર્તા હોત તો પુદ્ગલને ભોગવવું પડત ને આત્મા કર્તા હોત તો આત્માને ભોગવવું પડત. નથી આત્મા ભોગવતો કે નથી પુદ્ગલ ભોગવતું, અહંકાર ભોગવે છે.

પ્રશ્નકર્તા : આ જે બધું ઊભું થયું, તે મૂળ તો પોતાના આશયમાંથી જ ઊભું થયું ને ?

દાદાશ્રી : ના, ના. આશય કે કશું નથી. આ તો 'આવી ફસાયા' જેવું થયું છે, પોતાના આશયમાં હોત તો તો 'પોતે' ગુનેગાર ગણાય, 'પોતે' કર્તા થયો કહેવાય !

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન નથી થયું, તે પહેલાં તો આ બધું ઊભું થયું તે આશયોમાંથી જ ને ?

દાદાશ્રી : એ આશયોથી આપણને લાગે ખરું કે જે આશય છે, તેનું આ ફળ છે. પણ તે આશયો કર્તા નથી. આપણને લાગે ખરું કે આ આશયો આપણા હશે તેથી આ બધું આવ્યું. જેવો આશય હોય તેવું આવે. એ તો નિયમ છે કે આવી જાતની ટિકિટ લીધી એટલે કલકત્તા પહોંચશે. આશયો ટિકિટ લીધા બરાબર છે.

આ તો અહંકારથી બોલે છે કે મને આવાં આશયો ઊભા થયા તેથી આ થયું. સંસાર નિરંતર પ્રવહન કરી રહ્યો છે. એક જણે ભગવાનને પૂછયું કે, 'ભગવાન, એવું તો હું શું કરું કે મારો મોક્ષ વહેલો થાય ?' ત્યારે ભગવાન કહે છે. 'તારી ભવસ્થિતિ હજી પાકી નથી. મોક્ષ માટે હજી ઝાઝો સમય છે તને.' એટલે અઢારમા માઇલે મોક્ષ હોય તો અગિયારમા માઇલવાળો શી રીતે મોક્ષે જાય ? તું 'જ્ઞાની પુરુષ' પાસે પડી રહીશ તો ય તારું કશું નહીં વળે. પણ અમુક માઇલની બાઉન્ડ્રીમાં આવી ગયો ને 'જ્ઞાની પુરુષ' મળી ગયા તો તારું કલ્યાણ થશે.

આ ભાવ કરાવડાવે છે તે મહીંલા ભાવકો છે. આ સાયન્સ બહુ ઊંચું છે. આ 'ઝવેરી બજાર'માં હોઇએ તે જુદા ભાવ હોય, 'દારૂખાના'માં જુદા ભાવ થાય અને 'ચોર બજાર'માં જુદા ભાવ થાય.

પ્રશ્નકર્તા : થાય, કારણ કે ક્ષણે ક્ષણે ભાવો પલટાય છે.

દાદાશ્રી : જે પલટાય છે તે આત્મા નથી, એ ભાવકો છે. 'શુદ્ધાત્મા' થઇને ફર્યો, તેને 'ડુંગરી' ય અડે નહીં ને 'દારૂખાનું' ય અડે નહીં ને 'ઝવેરી બજાર' ય અડે નહીં. આ 'રિલેટિવ' જ્ઞાનનો આધાર છે, તેથી જેમ સ્થાન પલટાય તેમ ભાવ પલટાય છે. આ ઇન્દ્રિય જ્ઞાન છે, ને ઇન્દ્રિય જ્ઞાનને લઇને ભાવ પલટાય છે. સ્વરૂપનું ભાન થાય ત્યાર પછી ભાવકોનું કશું ચાલે નહીં.

એટલે આ બધી જ પરમાણુઓની અસર છે. જેમ માઇલ બદલાઇ જાય તેમ એ પરમાણુ ય બદલાઇ જાય. અને મોક્ષમાર્ગમાં ધીમે ધીમે એ પ્રવાહમાં આગળ વધ્યા જ કરે.

જ્ઞાનીને ભાવકો હોય !

પ્રશ્નકર્તા : છેલ્લે કોઇ ભાવક પરમાણુ જ ના રહે ને ? જ્ઞાનીને આ 'ક' હોય ?

દાદાશ્રી : અમારી દશામાં ભાવકનું પરમાણુ ય ના રહે. અમે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ તમે આવો તો તમારા પણ ભાવક ના રહે, પછી કોઇ બૂમ પાડનાર મહીં ના રહે, શુદ્ધાત્માના સ્પષ્ટ વેદનમાં આવે તો 'ક' ના રહે. આ 'સાયન્સ' માત્ર સમજવાનું છે. આ જ્ઞાન તો 'ઇટસેલ્ફ' ક્રિયાકારી છે. આ ઝીણી વાત સમજે તો જ મોક્ષ થાય.

ભાવોમાં ન ભળે તો મુક્તિ !

ભગવાને 'તપ' કોને કહ્યું છે ? લોકો તપે છે, તેને ભગવાને 'તપ' કહ્યું નથી. આ તો લોક તપ, લૌકિક તપ કહેવાય. મોક્ષ માટેનું તપ અલૌકિક હોય. મહીં ભાવકો બધા ભાવ કરાવડાવે તે ઘડીએ તપ એવું રાખે કે જરાય 'પોતાનું' ચૂકે નહીં. ભગવાન મહાવીરે ય એ જ તપ કર્યું હતું. ઠેઠ સુધી તપ તપી અને જ્ઞાનથી જોયા જ કર્યું અને 'પોતે' અસરમુક્ત રહ્યા !

પ્રશ્નકર્તા : એ અસરમુક્ત શી રીતે રહેવાય ?

દાદાશ્રી : મહીં બધા ભાવકો છે. પોતે જો ભાવ્ય થાય તો ભાવ થાય ને ફસાય. તું તો પરમાત્મા છે, માટે ભાવને જાણ. અને ભાવનો તું જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો ફસાઇશ નહીં. જો ભાવક ના હોય તો પોતે પરમાત્મા જ છે. આ ભાવક કોણ છે ? પહેલાની ગનેગારી એ ભાવક છે, એનાથી બીજ પડે છે. ભાવક ને ભાવ્ય એકાકાર થાય તો યોનિમાં બીજ પડે. ને એનાથી સંસાર ઊભો થાય છે. જો ભાવક ને ભાવ્ય એકાકાર ના થાય, ત્યાં 'પોતે' 'સ્ટ્રોંગ' રહ્યો, તો 'પોતે' ભાવ્ય ના થઇ જાય તો અનુબંધ ઉદયમાં આવે ખરો, પણ બંધ પડ્યા વગર નિર્જરા થઇ જાય.

ચેતવનારો ચેતક !

અમે 'જ્ઞાન' આપીએ છીએ ત્યાર પછી મહીં 'ચેતક' બેસાડી આપીએ છીએ. માત્ર તમારે હવે તેને મજબૂત કરી લેવાનો છે. 'વિષયમાં સુખ છે' એ માન્યતા છે ત્યાં ચેતકની જરૂર છે. વિષયનું આરાધન પોલિસવાળો પરાણે દંડા મારીને કરાવે, એના જેવું હોવું જોઇએ. એટલો આ ચેતકને મજબૂત કરી લેવાનો છે. તો જ એ પેલાની સામો થાય, નહીં તો ચેતક નિર્માલ્ય થઇ જાય. આ 'ક' તો બહુ ભારે હોય છે.

સંસારમાં અટકવાનું થાય તો ચેતક ચેતવે ! સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી મહીં આલોચના, પ્રતિક્રમણ, ચેતક વગેરેનાં નવાં થાણાં સ્થપાય છે ને 'ક'ની વંશાવળીના થાણાં ઊઠવા માંડે છે.

પ્રતિપક્ષી ભાવ એટલે...

જગત આખું પ્રતિપક્ષી ભાવથી કર્મ બાંધે છે. સ્વરૂપજ્ઞાનીને પ્રતિપક્ષી ભાવ ના હોય. અસર થાય, પણ કર્મ ના બંધાય ! અને જ્યારે પરાક્રમ ઊભું થાય ત્યારે તો અસર પણ ના થાય. અસરમાં શું થાય કે કોઇ ગાળ ભાંડે તો 'આ મને આવું બોલ્યા જ કેમ ?' એમ થાય. પણ પરાક્રમ શું કહે છે કે, 'તે તારી ભૂલ હશે માટે જ કહે છે, ને ખોટ ગઇ તે વેપાર કરતાં આવડતું નથી તેથી.' આમ, પોતે પોતાની જોડે વાતચીત કરીએ તો પોતાની ઓળખાણ થાય, પરિચય થાય, 'પોતાની' ગાદી પર, શુદ્ધાત્માની ગાદી પર બેસવાનો પરિચય થાય. આ તો ગાદી પરથી તરત ઊઠી જાય છે ! એ અનાદિકાળનો પરિચય છે તેથી અને ભોગવટો બાકી રહ્યો છે તેથી!!

આપણી ભૂલથી, પાપ જાગે ત્યારે આ પંખો ફરે છે તે તમારા પર પડે. હિસાબ તમારો જ છે !

મન બગડવું કોને કહેવાય ? મન એકલું બગડતું નથી. આખું અંતઃકરણ બગડે છે. આખી પાર્લામેન્ટનો ઠરાવ થાય ત્યારે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. 'સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું' તેમ થાય. આ એકલા મનનું કારણ નથી. મન તો જ્ઞેય છે, વીતરાગી સ્વભાવનું છે. મન બગડી જાય તો પ્રતિક્રમણ કરી નાખવું. અંતઃકરણની પાર્લામેન્ટનો ઠરાવ થઇ જવો અને મન બગડવું એ બે જુદી વસ્તુ છે.

ઓફિસમાં પરમિટ લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં થાય કે, 'સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.' હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.

કોઇ પણ દેહધારી માટે આડું-અવળું બોલાયું, તેની 'ટેપ' થઇ જ જાય. કોઇ જરાક સળી કરે તો પ્રતિપક્ષી ભાવની 'રેકર્ડ' વાગ્યા વગર રહે જ નહીં.

પ્રશ્નકર્તા : ભાવમાં પણ ના આવવું જોઇએ ને ?

દાદાશ્રી : તમે કોઇને, સળી કરો તો સામાને પ્રતિપક્ષી ભાવ ઊભા થયા વગર રહે જ નહીં. સામો બળવાન હોય તો બોલે નહીં; પણ મનમાં તો થાય ને ? તમે બોલવાનું બંધ કરો તો સામાના ભાવ બંધ થાય પછી.

એ ભાવો જ્ઞાનીને હોય નહીં !

અમને કોઇ પણ સંજોગોમાં પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. જ્યારે ત્યારે એ સ્ટેજે આવ્યા વગર છૂટકો જ નથી.

અમારી આંખોમાં બીજો કશો ભાવ ના દેખાય, એટલે લોકો દર્શન કરે. કોઇ પણ જાતનો ખરાબ ભાવ આંખોમાં ના વંચાવો જોઇએ. ત્યારે એ આંખોને જોતાં જ સમાધિ થાય ! જેને કંઇક જોઇતું હોય, માન-તાન, ક્રોધ-લોભ-મોહ તો તેના તરફ ઉછાળો ના આવે.

સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઇ આડું અવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઇ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. 'તારામાં નબળાઇઓ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.'

એ ધોવાય પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઇએ ને ?

દાદાશ્રી : ભાવ ના આવવો જોઇએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઇ જાય ને તો ભાવ બંધ થઇ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીંને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઇ જવી જ જોઇએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાંથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઇ ગયા પછી હાથમાં ના રહે.

દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો...

''દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો,

છૂટી શકે છે ભવનો ફજેતો.''

દ્રવ્ય એટલે કર્મ ફળ આપવા તૈયાર થયું હોય તે. દ્રવ્ય પલટે નહીં તેનો દાખલો આપું. એક માણસને ચોરી કરવાની ટેવ પડેલી હોય, તે પોતે કહે કે મારે છોડવી છે તો ય ના છૂટે, એવું બને કે નહીં ? એનો કાળ આવે ત્યારે જ પલટે. હવે કવિ શું કહેવા માંગે છે કે તું રોજ મનમાં ભાવ કર કે ચોરી કરવા જેવી નથી. તો ચોરીના બીજ એક દહાડો ખલાસ થશે ને નહીં તો પાછો ચોરી કરવાના ભાવ કરીશ તો ફરી ચોરી કરવાનાં બીજ પડશે. એટલે ચોરીમાંથી ચોરી જ થાય.

આ વાક્ય બહુ ઊંડા ગૂઢાર્થવાળું છે.

હવે જેણે સ્વરૂપનું જ્ઞાન લીધું હોય, તેણે શું કરવાનું ? 'જોયા' જ કરવાનું. 'જોયા' કરે એટલે નવું બીજ પડતું નથી. વળી કોઈને દુઃખ થાય એવું કર્યું હોય તો આપણે વધારાનું શું કહીએ છીએ કે, 'ચંદુભાઈ, આ અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરી લો.'

જગત આખું ચોરી કરે એટલે ફરી ચોરીનાં બીજ પડે. લાંચ લેતો હોય ને મનમાં ખૂંચ્યા કરતું હોય કે આ ન જ થવું જોઈએ. પણ જો કોઈ કહે કે, 'આ લાંચ શું કરવા લો છો ?' ત્યારે એ કહે કે, 'તારામાં અક્કલ નથી. બેસ ! આ બે છોડીઓ શી રીતે પૈણાવીશું ?' એટલે પોતે આ રોંગ(ખોટા)ને 'એન્કરેજ' કર્યું. એટલે આવતો ભવ સજ્જડ થયો !

એટલે આ સંસારના માણસો તો જો ચોરી કરતા હોય, લુચ્ચાઈ કરતા હોય, લાંચ લેતા હોય તો એણે મનમાં ભાવ એવાં કરવા જોઈએ કે 'આ ખોટું કામ થઈ રહ્યું છે, આ ન જ કરવું જોઈએ.' એવું ગા ગા કર્યા કરવું જોઈએ. દ્રવ્ય હવે હાથમાં નથી રહ્યું. પાણીનો બરફ થઈ ગયો. હવે શી રીતે એનો રેલો જાય ? ઢગલો જ પડે.

જ્ઞાતા-દ્રષ્ટા રહીને પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ, તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે ને ?

પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ભાવ તો થવાનો પણ 'આપણે' તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદ-બે વખતે હોય, તેનું આપણે પ્રતિક્રમણ કરવું પડે.

આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના મૂળ ઉત્પાદક તો આપણે જ હતા ને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે 'ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.'

પ્રતિભાવનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : પ્રતિભાવ કોને કહેવાય ?

દાદાશ્રી : તમે કંઇક ખોટું બોલી ગયા ને પછી તમને અંદર એમ થાય કે, 'આ ખોટું થયું, આવું ના બોલવું જોઇએ.' એ પ્રતિભાવ કહેવાય. જે તમે બોલો છો, તેને જ તમે 'ના બોલવું જોઇએ' એવો જે ભાવ કરો એ પ્રતિભાવ કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ એ જ પ્રતિભાવ ને ?

દાદાશ્રી : મહીં જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય. ગોળી છૂટી જાય પછી મનમાં એમ થાય કે 'ના છોડવી જોઇએ.' આ પ્રતિભાવ એ આપણો પુરુષાર્થ ગણાય છે.

પ્રતિભાવ સામે જાગૃતિcre

પ્રશ્નકર્તા : જ્ઞાનીને કેવા પ્રતિભાવ રહે ?

દાદાશ્રી : અમને પ્રતિભાવ ના થાય.

પ્રશ્નકર્તા : આ ગોળી છૂટવાના પ્રસંગમાં જ્ઞાનીને કેવું રહે ? અંદરની પરિણતિઓ કેવી રહે ?

દાદાશ્રી : મહીં કુદરતી રીતે ગોળી છૂટે જ નહીં, પછી ભાવ ક્યાં કરવાનો રહ્યો ? અને નાની નાની ગોળીઓ છૂટે તે તો જોયા કરે કે, 'ઓહોહો, દારૂખાનું ફૂટે છે !' તે ભાવ કહેવાય એવું ના હોય. મહીં શરીરમાં તો બહુ જાતની ગોળીઓ ફૂટ્યા કરે, તેને ભાવ ના કહેવાય.

પ્રશ્નકર્તા : 'ડિસ્ચાર્જ'માં તન્મયાકાર થાય તો પાછાં બીજા ભાવો પડે ને ?

દાદાશ્રી : હા, બધું જોખમ ખરું ને ! પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઇ જાય. પ્રતિક્રમણ કરે એ ય પરભાવ. એનાથી પુણ્યૈ બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઇ ગયો એટલું ઓછું થયું.

એટલે અજ્ઞાનીને પ્રતિભાવ ના થાય. એને જાગૃતિ જ ના હોયને કે આ ખોટું થાય છે. 'જ્ઞાની'ને પણ પ્રતિભાવ ના હોય. કારણ કે એમને ભાવ જ ઉત્પન્ન ના થાય, તો પ્રતિભાવ ક્યાંથી થાય ? એ સંપૂર્ણ જાગૃતિની નિશાની છે. અને જેને સમ્યક્ દર્શન થયું છે એવાં જાગૃત મહાત્માઓને પ્રતિભાવ થાય, અવળા ભાવ થાય કે તરત જ જાગૃતિ એ દેખાડે ને તેની સામે પ્રતિભાવ ઉત્પન્ન થાય.

ભાવ-ભાવ અને દ્રવ્ય-ભાવ !

પ્રશ્નકર્તા : ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ આવે છે, તો આ ભાવકર્મ એ વ્યવસ્થિત છે ?

દાદાશ્રી : ના. એ વ્યવસ્થિત નથી. તમારે તો આ 'જ્ઞાન' પછી ભાવકર્મ છે જ નહીં ને ! બહાર ભાવકર્મવાળું વ્યવસ્થિત નથી. એનો અહંકાર જે બાજુ ફરે છે તે બાજુ જ છે. ખુલ્લો અહંકાર છેને !

પ્રશ્નકર્તા : એટલે ભાવકર્મ વ્યવસ્થિત નહીં ?

દાદાશ્રી : વ્યવસ્થિત હોત તો સંસાર આવો હોય પણ નહીં ને ! ભાવકર્મ વ્યવસ્થિત હોય ને તો લોકો આ દુનિયાનો હિસાબ કાઢી નાખત તરત ! પણ આ તો ગૂંચાયા જ કરે છેને !

અક્રમમાં ભાવકર્મ જ ના હોય આપણે. વ્યવસ્થિત એટલે તો જેવી યોજના હતી, તેનું આ ફળ આવ્યું. અને યોજના કરતી વખતે ભાન વગરનું કરેલું.

પ્રશ્નકર્તા : અત્યારે મહાત્માઓને જે ભાવ થાય, એનું ફળ પછી તો દરેકને જુદું જુદું આવવાનું ને ?

દાદાશ્રી : આ ભાવ ન્હોય, આ તો ઇચ્છાઓ કહેવાય. ઇચ્છાને ભાવ કહીએ છીએ આપણે. ભાવકર્મ તો દેખાય જ નહીં આંખે.

ભાવ છે તે બે જાતના. એક ભાવ-ભાવ અને એક દ્રવ્ય-ભાવ. એટલે આ દ્રવ્ય-ભાવ વ્યવસ્થિતમાં હોય અને ભાવ-ભાવ વ્યવસ્થિતમાં ના હોય.

પ્રશ્નકર્તા : ભાવ-ભાવ અને દ્રવ્ય-ભાવમાં ફેર શું ?

દાદાશ્રી : એ ઇચ્છા કહો, ભાવ કહો, જે કહો એ દ્રવ્ય-ભાવ.

પ્રશ્નકર્તા : અને ભાવ-ભાવ એટલે શું ?

દાદાશ્રી : ભાવ-ભાવમાં દેખાય નહીં આંખે. એમાં યોજના ઘડાય. દ્રવ્યકર્મનું ફળ આવતી વખતે એમાંથી ભાવકર્મ પડે. માટે એ આપણે આજે ચેતીને ચાલો બરાબર ! અને જો ભૂલેચૂકે બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાનું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરે એટલે ખરાબ ભાવમાંથી સારા ભાવમાં આવે. એટલે તો ય ભાવકર્મ તો ઊભું જ રહ્યું ને ?

દાદાશ્રી : ના, એવું નહીં. પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે એવું નહીં, પણ પ્રતિક્રમણ તો પેલું ધુએ છે કે, 'ભઈ, આ અતિક્રમણ કર્યું, માટે હું પ્રતિક્રમણ કરું છું. ફરીથી નહીં કરું.'

અક્રમમાર્ગની બલિહારી !

પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુને માટેનો ભાવ જ રાખવાનો ? પછી જે થવાનું હોય તે થાય.

દાદાશ્રી : ભાવે ય નથી હાથમાં. આપણે અક્રમમાં તો ભાવ કાઢી નાખ્યો છે. ભાવ ક્રમિક માર્ગમાં છે. આપણે બિલકુલ ભાવ જ કાઢી નાખ્યો છે ! આખું ડીસમીસ કરી નાખ્યું છે ભાવ. એ તો અત્યારે તમને ઇચ્છાઓ-બીચ્છાઓ થાય, એ ભાવ નહીં. ભાવ વસ્તુ સાવ જુદી છે. 'તમે ચંદુલાલ હો' તો જ ભાવ હોય, નહીં તો ભાવ ના હોય. 'ચંદુલાલ' નથી એટલે ભાવ નથી. હવે 'ચંદુભાઈ' એ વિભાવ હતો. તેને જગતે ભાવકર્મ કહ્યું અને હવે 'હું શુદ્ધાત્મા છું' એ પોતાનો સ્વભાવ છે. આ વિભાવને ભાવકર્મ કહ્યું, એ ગયું, બધું જ ગયું.

એ બંન્ને જ્ઞાનથી ચાર્જ સ્ટોપ

આ 'જ્ઞાન' છે ને, એ જો તમે ઊખેડીને ખોદી ના નાખો ત્યાં સુધી આ ભાવ ઉત્પન્ન થતો નથી. એને પોતાને ભાવ ઉત્પન્ન થતા નથી. એમાં બે પુરાવા છે કે 'ભાઈ, તું શુદ્ધાત્મા છે કે ચંદુભાઈ છે ?' ત્યારે એ કહે, 'ના, હું શુદ્ધાત્મા છું, ચંદુભાઈ વ્યવહારથી છે.' અને 'કર્તા તું છે કે વ્યવસ્થિત કર્તા છે ?' ત્યારે એ કહે, 'વ્યવસ્થિત કર્તા છે.' થઈ રહ્યું ! એ માણસને ભાવ જ થતો નથી. પણ એને જે ભાવ સમજાય છે, એ ડિસ્ચાર્જ ભાવને ભાવ કહે છે. જગતના લોકો ભાવને સમજી શકે નહીં. આ તમને કહી દઉં. કારણ કે ભાવકર્મ જો સમજે તો એ એટલી ઝીણી વાત છે ! આ જે ભાવ થાય છે ને, એ તો ખાવાના ભાવ થાય છે, પૈણવાના ભાવ થાય છે, બીજાં ભાવ થાય છે, એ ભાવ ખરેખર ભાવ નથી. ભાવ એ વસ્તુ જ બહુ જુદી છે !

એ ન્હોય સ્વરૂપ પોતાનું !

સંયોગ થાય છે તે ચેતન નથી. અસંયોગી તે જ 'આપણું' દ્રવ્ય છે. ક્રોધને માટે સારા ભાવ થાય કે ખરાબ ભાવ થાય તે ભાવ પણ સંયોગ માત્ર છે, તે 'આપણા' ન્હોય. સંયોગ કાયમ ના રહે. જે આવે અને જાય તે સ્વરૂપ ન્હોય. આપણું સ્વરૂપ ના હોય, તેને આપણું શી રીતે મનાય ? તે તો આપણા પાડોશી આવે છે અને જાય છે તેવા સંયોગ કહેવાય. અણસમજુ તો પોતાને વિચાર આવે છે તે જો સારા વિચાર આવે, કોઈકનું ભલું કરવાના વિચાર આવે તો તેને આત્મા કહે છે. પણ તે આત્મા ન્હોય. તમને ગમે તે ભાવ આવે પણ તે 'મારા ન્હોય' એટલું જ જાણવાની જરૂર છે. અને સ્વામીત્વ ભાવ કોઈ પણ સંયોગ માટે ના હોય, પછી તે શુભ વિચાર હોય કે અશુભ વિચાર હોય ! અમે ચોખ્ખેચોખ્ખું જગતને કહી દઈએ છીએ, જેમ છે તેમ, કે 'સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.'

જ્ઞાન પછી ચાર્જ થાય ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી અમને ઘણાં ભાવ થાય છે, તો તેનાથી કર્મ 'ચાર્જ' ના થાય ?

દાદાશ્રી : ભાવ તમને થાય જ શી રીતે ? 'તમે' ફરી પાછાં 'ચંદુભાઈ' થઈ જાવ તો ભાવ થાય. તમે 'ચંદુભાઈ' થઈ જાવ ત્યારે અહંકાર હોય, ત્યાર પછી ભાવ થાય. 'હું કર્તા છું' એવું ભાન હોય તો જ ભાવ થાય.

પ્રશ્નકર્તા : તો 'અક્રમ જ્ઞાન'માં ભાવનું શું સ્થાન છે ?

દાદાશ્રી : અક્રમમાં તો ભાવે ય નહીં ને અભાવે ય નહીં. એ બન્નેથી દૂર થઈ ગયાં. ભાવ અને અભાવથી સંસાર ઊભો થાય, 'રિલેટિવ ડિપાર્ટમેન્ટ' ઊભું થાય. 'અક્રમ વિજ્ઞાન'થી ભાવ-અભાવ ઊડી જાય છે, એટલે નવું 'ચાર્જ' થવાનું બંધ થઈ જાય છે અને જે 'ચાર્જ' કર્યું હતું, તે 'ડિસ્ચાર્જ' થવાનું રહે છે ! એટલે કે 'કોઝ' બંધ થઈ ગયા અને 'ઇફેક્ટ' બાકી રહે છે ! 'ઇફેક્ટ' એ પરિણામ છે !

નવો ભાવ આપણે ઉત્પન્ન નહીં કરવાનો. નવો ભાવ તો આત્માને હોય જ નહીં ને ! આત્મા પ્રાપ્ત કર્યા પછી ભાવકર્મ આપણા બંધ થઇ જાય. આ તો પાછલાં ભાવ કે જેને ભૂતભાવ કહેવામાં આવે છે. ભૂતભાવ આવે ને કાર્ય થઇ જાય, ને એનો આપણે નિકાલ કરી નાખીએ છીએ. અને ભાવિભાવ તો આપણે કરતાં નથી. વર્તમાનભાવ તો આપણો 'સ્વભાવ' રહે છે તે ! ઇન્દ્રિયજ્ઞાન ભાવના બધી ઊભી કરે અને અતિન્દ્રિયજ્ઞાન ભાવના ઊભી ના કરે, શુદ્ધાત્મા ભાવના ઊભી ના કરે.

જ્ઞાન વગર ભાવ પકડાય તેમ નથી. ભાવ તો અત્યંત ગહન, ગહન, ગહન એવું લાખ વખત ગહન બોલીએ તો ય એની ગહનતાનો પાર આવે તેવો નથી.

પરભાવ ક્ષયથી મોક્ષ !

પ્રશ્નકર્તા : જ્યારે જુઓ ત્યારે આપ એવાં ને એવાં જ લાગો છો. ફેર નથી લાગતો એ શું છે ?

દાદાશ્રી : આ કંઇ ફૂલ છે કે કરમાય ? આ તો મહીં પરમાત્મા પ્રગટ થઇને બેઠાં છે ! નહીં તો ખખડી ગયેલાં દેખાય ! જ્યાં પરભાવનો ક્ષય થયો છે, નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે જેને કિંચિત્માત્ર રૂચિ રહી નથી, એક અણુ-પરમાણુ જેટલી રૂચિ રહી નથી. પછી એને શું જોઇએ ?

પરભાવના ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે અને તમે એ ક્ષય ભણી દ્રષ્ટિ રાખજો. જેટલો પરભાવ ક્ષય થયો એટલો સ્વભાવમાં સ્થિત થયો. બસ, આટલું જ સમજવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડોક વખત રહી અને સિદ્ધક્ષેત્રમાં સ્થિત થાય. સ્વક્ષેત્ર એ સિદ્ધક્ષેત્રનો દરવાજો છે !

- જય સચ્ચિદાનંદ