|
સૂઝ : કોમનસેન્સ ! સંપાદકીય એ. એમ. પટેલ રૂપી દેહમંદિરમાં, અનંત અવતારની સાધનાના ફળરૂપે કુદરતી રીતે જ્યાં સંપૂર્ણ અક્રમ જ્ઞાન પ્રગટ થયું, ત્યાં પછી અનંત જ્ઞાન, અનંત દર્શન સમગ્ર પ્રગટ થઈ જ જાય ! જ્ઞાની પુરૂષને પૂછનાર નિમિત્ત જોઈએ, તેમ તેમ તેમનું અનંત જ્ઞાન-દર્શન વાણી દ્વારા પ્રગટ થાય અને વિશ્વના ગૂઢ રહસ્યોનાં જેમ છે તેમ ફોડ પાડી આપે. દાદાશ્રી પાસે પ્રત્યેક શબ્દોની ટૂંકાણમાં પણ એક્ઝેક્ટ વ્યાખ્યા મળી જતી ! પ્રસ્તુત સંકલનમાં સૂઝ વિશે અદ્ભૂત ફોડ પ્રાપ્ત થયાં છે. હંમેશાં બુદ્ધિશાળીને જગતના લોકો વખાણે છે, જ્યારે અહીં અધ્યાત્મ જ્ઞાનમાં દાદાશ્રી સૂઝને ખૂબ મહત્ત્વ આપે છે. જે સૂઝ હાર્ટીલી બનાવે છે અને સૂઝ જ અંતે આત્માભણી લઈ જનારી છે. દાદાશ્રી પોતે આખી જીંદગી સૂઝના આધારે જ ચાલેલા અને સૂઝના આધારે ચાલનારનાં તમામ કાર્ય શ્રેષ્ઠ થાય જ ! સૂઝ તો સંસારમાં ય ગૂંચવા દે નહીં ને ગૂંચવાડા ઊકેલી આપે ને હંમેશાં સેફસાઈડ રખાવે ! ઓછી સૂઝ એને પોતાને ગૂંચવે ! ઓછી સૂઝવાળાને સૂઝ વધારવાની ચાવી પણ અહીં દાદાશ્રી ખુલ્લી કરી નાખે છે ! સૂઝથી આગળના ડેવલપમેન્ટમાં કોમનસેન્સ આવે, જેમાં વ્યવહારમાં તમામ પ્રકારના લોકો જોડે અથડાયા વિના ઊકેલ લાવવાની આવડત હોય ! ગમે તેવા રિસાયેલા જોડે ય મેળ બેસાડવાની કળા કોમનસેન્સવાળામાં હોય ! આ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો એનામાં કમ્પ્લીટ કોમનસેન્સ પ્રગટે તો જગતકલ્યાણના મહાન કાર્યમાં સોનામાં સુગંધ ભળે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ
પ્રશ્નકર્તા : સૂઝ એટલે શું ? દાદાશ્રી : એ તો આ માણસો નથી કહેતા કે મને સૂઝ પડતી નથી. આપણને જે અંતરસૂઝ પડે છે એ મોટામાં મોટી વસ્તુ છે. આ સંસારમાં અજ્ઞાનદશામાં મોટામાં મોટી વસ્તુ હોય તો તે અંતરસૂઝ. અંતરસૂઝ એકલી જ આગળ લઈ જનારી વસ્તુ છે ! પ્રશ્નકર્તા : પણ અંતરસૂઝ બધાંને મળેલી હોય છે ખરી ? દાદાશ્રી : દરેકને હોય જ. અંતરસૂઝ વગર તો એનું ગાડું જ ચાલે નહીં. એ ગમે એટલો ગૂંચાય, ત્યારે પાછું અંતરસૂઝથી એને ખબર પડે કે ના, ના, એવું નથી. વાંધો નથી. પ્રશ્નકર્તા : તો આ ગાડું ઠેકાણે કેમ નથી આવતું, જો બધામાં ય અંતરસૂઝ હોય તો ? દાદાશ્રી : જીવમાત્રમાં અંતરસૂઝ હોવી જ જોઈએ. અંતરસૂઝ વગર તો ચાલે જ નહીં, એનું ગાડું જ ના ચાલે ને ! અંતરસૂઝ એ મોટામાં મોટી વસ્તુ છે. સાહિત્યકારો, કવિઓને બહુ મોટી સૂઝ હોય. આ સાયન્ટિસ્ટોને સૂઝમાં દેખાય, તેમને જ્ઞાનમાં ના દેખાય. પછી એ લોકો સૂઝના આધારે ચાલે છે. એમને પોતાની સૂઝ પડે છે. આઈન્સ્ટાઈને ય પોતાની સૂઝના આધારે ચાલતા'તા. પોતે સહજ ભાવે રહેને, એટલે સૂઝ ઉત્પન્ન થાય, તે આમ પૂરેપૂરી ફળ આપે. અખાએ સૂઝ માટે બહુ લખ્યું છે. અમને ય પહેલાં સૂઝ પડતી'તી. ને સૂઝ એટલે પ્રત્યક્ષ ના દેખાય. 'આમ જ છે' એવું લાગે, એનું નામ સૂઝ. એ છે નેચરલ ગિફ્ટ ! પ્રશ્નકર્તા : ન્યુટન જેવા મોટા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, એ સત્ય શોધવા માટે જ પ્રયોગો કરતા હતા. એ લોકો અહંકારી ન્હોતા. દાદાશ્રી : બિલકુલે ય અહંકાર હોય જ નહીં. અહંકાર ના હોય ત્યારે આ ગિફ્ટ હોય. આ એમની બુદ્ધિ નથી. આ ગિફ્ટ છે. આ નેચરલ, કુદરતી બક્ષિસ છે ! પ્રશ્નકર્તા : અને ધાર્મિક પુરુષોને પણ ગિફ્ટ હોય છે ને ? દાદાશ્રી : બધી ગિફ્ટ. અહીંયા અમને ય ગિફ્ટ છે બધી. આ હું (જ્ઞાનવાણી) બોલું છું તે ય મારી ગિફ્ટ છે અને આ બીજી બુદ્ધિ કહેવાય છે. આપણા લોક શું સમજે છે ? આ બુદ્ધિથી મને કંઈ ઊંચા ઊંચા વિચારો ને ઊંચું ઊંચું દેખાય છે, પણ એવું નથી. અહંકારથી ઊંધો ચાલે ! પ્રશ્નકર્તા : દરેકને અંતરસૂઝ હોય તો આટલા બધા ભ્રષ્ટાચાર, ગુનાઓ, અપરાધો, અશાંતિ છે, તો એ અંતરસૂઝ એને બતાવે નહીં કે આ માર્ગ સાચો નથી, એમ ? દાદાશ્રી : બધું બતાડે. પણ એ તો દબાવી દે. અહંકારે કરીને દબાવી દે, હડહડાટ ! અંતરસૂઝ બધું જ બતાવે પણ બધું દબાવી દે છે લોકો. કારણ કે પોતે ભાવનાઓ કરી છે કે આવું ભોગવવું છે. એવી કેટલાંય અવતારોથી ભાવના કરતાં કરતાં આવ્યાં છે, તે આ ભાવનામાં સપડાયા છે લોકો. બધા આત્મા સ્વતંત્ર છે અને તે પોતાનું જેવું ચિંતવે એવાં થાય એવાં છે. માટે આવી ભાવના કરે તો એનું જ્ઞાન એને મળી જાય કે આમ ભોગવવામાં જ સુખ છે, તો તેવી ભાવના કર્યા કરે. કોઈ વખતે જ્ઞાન સવળું મળી જાય, તો સવળું કર્યા કરે. એને જ્ઞાન મળ્યા પ્રમાણે જાય છે એ બાજુ. બુદ્ધિ જુદી : સૂઝ જુદી ! પ્રશ્નકર્તા : પણ સૂઝ તો આત્માનો 'ડિરેક્ટ' પ્રકાશ છે ને ? દાદાશ્રી : ના, એ 'ડિરેક્ટ' પ્રકાશ નથી. પણ અંતરસૂઝ એ તો કુદરતની એક જાતની 'ગિફ્ટ' છે. તેના આધારે સંસારમાં કેમ કરવું ને કેમ નહીં, એ બધું દેખાડ્યા કરે. પ્રશ્નકર્તા : સૂઝમાં બુદ્ધિ આવે નહીં ? દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો ને ખોટ જ દેખાડે, બીજું કશું દેખાડે નહીં. હવે એમાં બુદ્ધિ અને દર્શન બે ચીજ છે. સૂઝ પડવી એ દર્શનમાં જાય છે. એ પૂર્વભવની ગિફ્ટ છે, ગયા અવતારની, ફ્રી ઓફ કોસ્ટ (મફત) ગિફ્ટ છે. અને બીજું, ચિત્તશુધ્ધિ જેટલી થઈ હોય એટલું બહુ લાભ આપે. એટલે ચિત્તશુધ્ધિ, ગિફ્ટ, આ બધું ય આ લોકોએ બુદ્ધિમાં ઘાલી દીધું છે અને બુદ્ધિને મહત્વ આપી દીધું છે. બુદ્ધિ એ મહત્વ આપવા જેવી ચીજ નથી. સૂઝ એ મોટામાં મોટી ગિફ્ટ છે અને એ જ દર્શન છે પછી. પ્રશ્નકર્તા : સૂઝ જે છે એ માણસ પોતાની જન્મની સાથે લાવતો હશે ? દાદાશ્રી : અનંત અવતારથી. સૂઝ સિવાય તો ગાડું આગળ ચાલે જ નહીં ને ! સૂઝ તો શરૂઆતથી જોડે છે જ. એક બાજુ સૂઝે ય ખરી અને એક બાજુ બુદ્ધિ ય ખરી. બુદ્ધિમાં અહંકાર ભળેલો હોય. સૂઝમાં અહંકાર ભળેલો ના હોય. અહંકાર ઘટે તેમ સૂઝ વધે ! પ્રશ્નકર્તા : સૂઝ પડે છે ત્યારે સૂઝમાં સૂઝ છે કે અહંકાર બોલે છે એ ખબર પડતી નથી. દાદાશ્રી : અહંકારના પડઘા છે, તેને લીધે માણસ સૂઝનો લાભ પૂરેપૂરો ઉઠાવી શકતો નથી. સૂઝ તો દરેકને પડ્યા જ કરે. જેમ જેમ અહંકાર શૂન્યતાને પામતો જાય, તેમ તેમ સૂઝ વધતી જાય. આવરણ ખૂલ્યું, સૂઝરૂપે ! પ્રશ્નકર્તા : સૂઝ આવે ક્યાંથી ? દાદાશ્રી : એ આવરણ ખૂલતું જાય છે તેમ તેમ સૂઝ પડતી જાય છે, આગળ આગળ. આમ જેમ જેમ પ્રવાહમાં વહેતો આવે છે, તેમ તેમ આવરણ ખૂલતું જાય છે, તેમ તેમ છે તે સૂઝ પડતી જાય છે. નિરંતર સૂઝ વધે જ. પ્રશ્નકર્તા : આ જે સૂઝ છે તે આત્મા પ્રેરિત હશે ? આત્મા પ્રેરિત સૂઝ હોવી જોઈએને, તો જ થાય ને ? દાદાશ્રી : નહીં, એ સૂઝ નહીં. એ એક આત્માનો ભાગ છે કે જે આવરાયેલો છે ને તે આવરણમાંથી મહીંથી નીકળેલું, ઉદય થયેલો ભાગ છે સૂઝ નામનો ! અને એ જ છે તે દર્શનાવરણ તરીકે ગણાય છે. ને એમાંથી સૂઝ વધતા વધતા, એ છેવટે સર્વદર્શી થાય. આ જગતમાં આશ્ચર્યકારક વસ્તુ હોય તો સૂઝ. પ્રેરણા-બેરણા તો બધી પોતાના આધીન નથી અને ભગવાનને ત્યાંથી ય આવી નથી. અંતે થાય દર્શન નિરાવરણ ! પ્રશ્નકર્તા : સૂઝ અને દર્શન એક જ કે ? દાદાશ્રી : એક ખરાં, પણ લોક દર્શનને બહુ નીચલી ભાષામાં લઇ જાય છે. દર્શન તો બહુ ઊંચી વસ્તુ છે. વીતરાગોએ સૂઝને દર્શન કહ્યું છે. અગિયારમા માઇલથી રખડતા આગળ ચાલ્યા તો ત્યાંનું દર્શન થયું. જેમ જેમ આગળ ચાલે તેમ તેમ તેનું 'ડેવલપમેન્ટ' વધતું જાય, તેમ તેમ તેનું દર્શન ઊંચું વધતું જાય અને એક દહાડો મહીં લાઇટ થઇ જાય કે 'હું આ ન હોય, પણ હું આત્મા છું' કે દર્શન નિરાવરણ થઇ જાય ! સ્વરૂપજ્ઞાન પછી જ પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : સૂઝ અને પ્રજ્ઞામાં શો ફેર છે ? દાદાશ્રી : પ્રજ્ઞા એ કાયમી વસ્તુ છે ને સૂઝ 'ચેન્જ' માર્યા કરે. જેમ આગળ વધે તેમ સૂઝ 'ચેન્જ' થયા કરે. પ્રજ્ઞા એ 'ટેમ્પરરી-પરમેનન્ટ' વસ્તુ છે. જ્યાં સુધી સંપૂર્ણપદ ના પ્રાપ્ત થાય, સિદ્ધદશા ના થાય ત્યાં સુધી જ પ્રજ્ઞા હોય. પ્રજ્ઞા સ્વરૂપજ્ઞાન પછી જ ઉત્પન્ન થાય છે; જ્યારે સૂઝ તો દરેકને સમસરણ માર્ગના માઇલે ઉત્પન્ન થતી બક્ષિસ છે. સૂઝથી જાગૃતિ કોઈકને જ ! સૂઝ પછી ભાવ ઉત્પન્ન થાય છે. જગતમાં ભાગ્યે જ, બહુ થોડા માણસો સૂઝમાં ને ભાવમાં જાગૃત હોય. સૂઝ અને ભાવ જે સહજ પ્રયત્ને મળે છે, અપ્રયાસ પ્રયત્ને મળે છે, તેની દીવાદાંડી થઇ બેસે છે. બાકી, ભાવ જાગૃતિ હોય તેને જાગૃત કહે છે અને સૂઝ જાગૃતિ તો બહુ ઊંચી વસ્તુ છે. ભાવ જાગૃતિમાં આવ્યો એટલે સપનામાંથી આળસ મરડીને કંઇક ભાન થયું એમ સમજાય. સમજની ગેડ બેઠી ! પ્રશ્નકર્તા : સમજ અને સૂઝમાં ફેર ? દાદાશ્રી : સમજને સૂઝ કહે છે. સમજ એ દર્શન છે, એ આગળ વધતું વધતું ઠેઠ કેવળદર્શન સુધી જાય. આ અમે તમને સમજાવીએ અને તમને એની ગેડ બેસવી એટલે એ તમને 'ફૂલ'(પૂર્ણ) સમજમાં આવી જાય. એટલે હું જે કહેવા માગું છું, તે તમને પોઇન્ટ-ટુ-પોઇન્ટ 'એક્ઝેક્ટલી' સમજાઇ જાય. એનું નામ ગેડ બેઠી કહેવાય. દરેકનો વ્યુ પોઈન્ટ જુદો જુદો હોય એટલે જુદી જુદી રીતે સમજાય. દરેકની દર્શનશક્તિના આધારે વાત 'ફીટ' થાય. જીવો જીવન જીવે સૂઝથી ! પ્રશ્નકર્તા : તો જેને જ્ઞાન મળ્યું નથી, એમનામાં પણ સૂઝ હોઈ શકે ને ? દાદાશ્રી : સૂઝ દરેકનામાં હોય. સૂઝના આધારે જ બધું જીવન છે આ. આ ઝાડ-પાન બધાંને સૂઝ હોય છે. સૂઝના આધારે તો બધું ચાલે છે. સૂઝ જાનવરને ય ખરી. સૂઝ વગર તો કોઈ જીવ હોય જ નહીં. આ સૂઝ છે, તેનાં જ આધારે જગતના જીવો ચાલે છે. ભગવાન કંઈ આ ચલાવતાં નથી. આ બકરીને કંઈ ખાવાનું મળે તો તે પહેલું સૂંઘે ને તરત ખબર પડી જાય કે આ ન્હોય ખાવા જેવું. એટલે એવી સૂઝ પડી જ જાય. દરેક જીવને 'પોતાનું હિત શેમાં છે' એ સૂઝ પડી જાય. સૂઝ અર્થે વિશેષ સૂઝ ! સૂઝવાળી બૈરી હોય તો અડધા કલાકમાં પચાસ માણસની રસોઈ બનાવે અને સૂઝવાળી ના હોય તો ચાર કલાક ગૂંચાયા કરે ને કૂટાયા કરે. કારણ કે લોકો કહે ય ખરા, બેનને વ્યવહારમાં સૂઝ પડતી નથી. સૂઝ ના પડે તો શું કરે તે ? ગૂંચાયા કરે. શેનો વઘાર કરું, બળ્યું ? રઈનો કરું, મેથીનો કરું કે જીરાનો કરું ?! પ્રશ્નકર્તા : સૂઝ એટલે કન્ફયૂઝન (ગૂંચવાડા)નો અભાવ, ઈનસાઈટ (અંતરદ્રષ્ટિ) કહે છે અંગ્રેજીમાં. એટલે આ ગૂંચવાડાનો અભાવ એને સૂઝ કહેવાય ? દાદાશ્રી : ના. ગૂંચવાડાના અભાવને નહીં, પણ ઊભા થયેલા ગૂંચવાડાને કાઢી નાખે, એ સૂઝ કહેવાય. પ્રશ્નકર્તા : આ સૂઝ જે છે એ માણસને સંસારમાં મદદ કરે, એવી રીતે આત્મા પ્રાપ્ત કરવા માટે આ સૂઝ મદદ કરે ? દાદાશ્રી : સૂઝ એની સેફસાઈડ છે. જેટલી સૂઝ વધારે એટલી એની સેફસાઈડ વધારે. સૂઝ ઓછી, એટલો ગૂંચવાડો વધારે. ગૃહિત મિથ્યાત્વ આંતરે સૂઝને ! પોતાની અંદર મોટામાં મોટી શક્તિ રહેલી છે, જેને સૂઝ કહેવામાં આવે છે. એ કુદરતી શક્તિ છે. એ એને પોતાને બધા બખેડામાંથી બહાર કાઢે. જ્યાં જ્યાં ફસાયો ત્યાંથી બહાર કાઢે એ સૂઝ. અને ઠેઠ મોક્ષે લઈ જાય ત્યાં સુધી હેલ્પ કરે, પણ આ વચ્ચે આંતરા ના નાખે તો, નવાં જ્ઞાન, ગૃહિત મિથ્યાત્વ ન ભરે તો ! ગૃહિત મિથ્યાત્વ એટલે કો'કનું મિથ્યાત્વ પાછું આપણે ભર્યું. એ બોલે ને આપણે શીખ્યા. તું તારી મેળે ગીતા વાંચ અને જે તને ગ્રહણ થાય એટલું લે. આ ગીતા ઉપરથી લોકોએ લખ્યું એથી ગૃહિત મિથ્યાત્વ ઊભું થયું. એથી મેડનેસ (ગાંડપણ) વધી ઊલટી. એ બુદ્ધિનું બધું પ્રદર્શન કર્યું છે ! સૂઝ એ દર્શન છે, સહજ, વિના પ્રયાસે પ્રાપ્ત થતું, એ દર્શન ખુલતું ખુલતું કેવળ દર્શન થઈને ઊભું રહે છે. પણ નિમિત્ત જોઈએ વચ્ચે, નિમિત્ત ! ખીલે સૂઝ, સૂઝવાળાના સંગે ! પ્રશ્નકર્તા : આપે કહ્યું કે સૂઝ એ દર્શન, એને ઠેઠ કેવળ દર્શન સુધી લઈ જાય પણ એમાં નિમિત્ત જોઈએ, એ નિમિત્ત શું ? દાદાશ્રી : ઊંચા નિમિત્ત જોઈએ, સૂઝવાળા. સૂઝવાળા ઊંચા નિમિત્ત ભેગા થાય ને, તેમ તેમ સૂઝ ખીલતી જાય. પણ તે સહજ, વિના પ્રયાસે. પ્રશ્નકર્તા : એનો દાખલો આપો. દાદાશ્રી : તમે ઊંચા ઊંચા માણસ જોડે, જેને કોઠાસૂઝ કહે છે, તે વધુ સૂઝવાળાને તમે ભેગા થાવ અને એના પરિચયમાં રહો તો તમારી સૂઝ ખીલતી જાય. તે તમારે કશો પ્રયત્ન કરવો ના પડે. એનો પરિચય રહ્યો કે એ ખીલી જ જાય. પરિચયનું જ ફળ. પ્રશ્નકર્તા : એને તમે નિમિત્ત કહો છો ? દાદાશ્રી : હા. અને છેવટે જ્ઞાનીના પરિચયથી સંપૂર્ણ થઈ જાય. જ્યારે સંપૂર્ણ કોઠાસૂઝ થઈ ગયેલી છે દર્શન તરીકે, કેવળ દર્શન તરીકે, ત્યાં જઈએ એટલે પૂરી કરી આપે. બાકી, એ સૂઝ તો સૂઝવાળાથી જ પ્રાપ્ત થાય. હલકો સંગ, ત્યાં સૂઝ ડાઉન ! પ્રશ્નકર્તા : કેટલીક વખતે કોઈ એમ કહે કે મને આની સૂઝ પડતી નથી. દાદાશ્રી : બીજો સૂઝ આપે ત્યારે ચાલ્યું ગાડું. નહીં તો માણસ પા-પા, અડધો-અડધો કલાક બેસી રહે આમ કરીને. પછી મહીં જેમ ટપકું પડે એટલે સૂઝ પડી જાય છે ને ઊભો થઈને કરવા માંડે છે. હવે હલકા લોકોના પરિચયમાં આવીને સૂઝ જતી રહેતી નથી, પણ હલકા પ્રકારની થાય છે. એટલે પોતાને નકામી થાય છે, યુઝલેસ થાય છે. સૂઝ હલકા પ્રકારની થાય, ચોરીઓની સૂઝ આવડે, બીજું આવડે, તેને શું કરવાનું ? પ્રશ્નકર્તા : તો દાદા, આ સૂઝને કયા સંજોગોમાં આવરણ આવે ? દાદાશ્રી : હલકી કોટિના પરિચયમાં આવીએ ત્યારે. નીચલી કોટિના પરિચયમાં આવોને, ત્યારે આવરણ આવે. પ્રશ્નકર્તા : એ જે સૂઝ છે એ અહંકારથી ઢંકાઈ જાય ખરી ? દાદાશ્રી : ના, એવું નથી. એ અહંકારથી ઢંકાતી નથી. ફક્ત સૂઝવાળા માણસના પરિચયથી એ વધતી જાય છે. અહંકાર એને કશું કરી શકતો નથી. દારૂ-ગાંજો કશું એને કરી શકતું નથી. ફક્ત હલકી સૂઝવાળાની જોડે પડી રહેવાથી, સંસર્ગમાંથી સૂઝ ઓછી થાય છે. હલકા લોકોની સૂઝ હોય હલકી, તેના પરિચયમાં આવવાથી સૂઝ ઓછી થતી જાય ! પછી એ ય ગૂંચવાય ત્યારે આપણને ય ગૂંચવે. એટલે સંસર્ગ બહુ સારો રાખવો ઊંચી સૂઝવાળાનો. 'એ' અનંત અવતારનું ઉપાદાન ! પ્રશ્નકર્તા : બુદ્ધિને વિપરીત માર્ગે કે સન્માર્ગે વાળનાર કઈ શક્તિ ? જો અહંકાર ના હોય તો બુદ્ધિ સરળ હોય ને ? દાદાશ્રી : બુદ્ધિને અહંકાર કશું વાળતો જ નથી. કારણ કે પોતે જ આંધળો છે. બુદ્ધિને વાળનારી શક્તિ જે અનંત અવતારથી આપણામાં તૈયાર થયેલી છે તે ઉપાદાન શક્તિ છે. અનંત અવતારનો જે અનુભવ આપણને થઈ રહ્યો છે, તે અનુભવ મહીં ઉપાદાન સ્વરૂપે ઊભો થઈ રહ્યો છે અને એ સૂઝ રીતે આપણને ફળ આપે છે. હવે એ ઉપાદાન સ્વરૂપે આપણને હેલ્પ કરે છે. એ સમ્યક્ ભણી લઈ જાય કે બુદ્ધિ આમ નહીં પણ આમ હોવી જોઈએ, એ ઉપાદાન સ્વરૂપ. સૂઝ અહંકારને કહે કે આમ નહીં ને આમ, તે પછી અહંકાર તેમ કરે. પ્રશ્નકર્તા : એને આશય કહેવાય ? દાદાશ્રી : આશય નહીં, ઉપાદાન. પ્રશ્નકર્તા : એને કર્મ સંસ્કાર કહેવાય ? દાદાશ્રી : ના. કર્મ સંસ્કારે ય નહીં. ઉપાદાન એટલે શું કે દરેક અવતારના અનુભવનો જથ્થો ભેગો થયો હોય તે ઉપાદાન. એ આપણને હેલ્પ શી રીતે કરે છે ? સૂઝરૂપે ઊભું થાય છે. આ મારો અનંત અવતારનો અનુભવ ભેગો થયેલો છે. આ ઉપાદાન મૂળ સ્વરૂપમાં ફૂટેલું. આવાં અનંત અવતાર મેં કર્યા. સમજાયું તમને ? પ્રશ્નકર્તા : હવે બરોબર છે, દાદા. દાદાશ્રી : એ સૂઝરૂપે ફળ આપણને આપે. કંઈ મુશ્કેલીના ટાઈમમાં ખરી સૂઝ એને પડે. પ્રશ્નકર્તા : સૂઝ ઉપાદાનમાંથી નીકળે છે ? દાદાશ્રી : હા. એટલે બુદ્ધિને સમ્યક્ કરનારું એવું તેવું કોઈ નથી. અહંકારે ય નથી. અહંકારમાં તો બરકત જ નથી, એમ કહીએ તો ચાલે. તેથી આપણા લોકો કહે છે ને કે નિમિત્ત મળતાં જો ઉપાદાન જાગૃત ના રાખે તો ખલાસ ! તો કામ ના થાય ! દાદાની ટોપમોસ્ટ સૂઝ ! બુદ્ધિ કરતા સૂઝની કિંમત વધારે છે. પણ લોકો સમજતા નથી. આ લોકોને બુદ્ધિની ઘણી કિંમત. બુદ્ધિ તો નફો-નુકસાન બે જ દેખાડે, બીજું કશું દેખાડે નહીં. ઈમોશનલ જ બનાવ્યા કરે અને સૂઝ ઈમોશનલ ના બનાવે. ગૂંચવાડો હોય તેનો નિવેડો લાવી આપે, અમને બહુ અનુભવ હોય સૂઝના. અમને તરત ખબર પડી જાય કે સૂઝ પડી, એમ ! હા, મને તો મોટું અજવાળું જેવું મહીં થાય, સૂઝ પડે એટલે. રસ્તા પરનું આરપાર બધું દેખાઈ જાય. મારે એ જ વધારે હતું. સૂઝ બહુ જબરી. બહુ જ જબરી સૂઝ ! જ્યાં ને ત્યાં ફોડ પડી જાય એટલે દસ-પંદર માણસ પૂછવા આવે. તે એનો નિવેડો આવી જાય ! પછી એમાં દોષે ય બંધાયા હશે. કારણ કે પેલો ગુનેગાર હોય, ઈન્કમટેક્ષનો કે કાળા બજારનો ! હવે મારો અહંકાર હોય. અહંકાર એણે પોષ્યો. એને મદદ કરવી જોઈએ, એ મારો સ્વભાવ. મદદ કરીને હું શું કરું ? પાછલે બારણેથી કાઢી મેલું, એ ગુનો છે. પાછલે બારણે રહીને કાઢી મેલવો એ ગુનાને હેલ્પ કરી મેં, આવું મેં કરેલું. ઊલટું ઓછી ઉપાધિ કરી હતી ? કંઈ કરવામાં બાકી રાખ્યું છે ? સારા માણસને ય કરેલી. સારા માણસને સારા રસ્તા બતાવેલા. પણ આ બધું જ્યાં સુધી પોતાનું ભાન નથી, ત્યાં સુધી કડા-કૂટો કર્યા જ કરેલી. સૂઝ, બુદ્ધિથી જુદી રહેવાની, બુદ્ધિ તર્કવાળી હોય. બુદ્ધિ તાર્કિક હોય અને આ સૂઝ એ તો પ્યૉર હોય. સૂઝ દોરે આત્મદર્શન લગી ! દરેકને સૂઝ પડે. ઈન્સાઈટ એ દર્શન છે. જેટલું દર્શન ઊભું થતું જાય તેમ તેમ સૂઝ વધતી જાય છે પછી છેવટે કેવળ દર્શન સુધી જાય છે. એ સૂઝ જ કામ કરતી જાય છે. એ દર્શન છે. જેટલી સૂઝ વધતી જાય એટલું દર્શન વધતું જાય. એમ કરતાં કરતાં ફૂલ દર્શન થાય છે. પણ સૂઝ એની હોય, તેના આધારે આ બધું ફસાયો-બસાયો હોય તો છૂટી જાય. સૂઝ તો તમે સમજી જાવને તરત ! એ તો બધા ય સમજી જાય તરત. સૂઝ તો બહુ પડે. પ્રશ્નકર્તા : અંધશ્રદ્ધા એ બુદ્ધિની પેદાશ છે ? દાદાશ્રી : હા, એ બુદ્ધિની પેદાશ છે. પ્રશ્નકર્તા : અને સમજણ એ કોનો ભાગ છે ? દાદાશ્રી : સમજ તો દિલમાંથી ઊભી થનારી ચીજ છે. દિલ્લગી શબ્દ તને સમજણ પડે ? દિલ્લગી હો ગઈ !! દિલ લાગેલું. ચોંટેલું ઊખડે ખરું ? એ સમજપૂર્વક દિલ્લગી કહેશે. પ્રશ્નકર્તા : દિલ એની મેળે લાગી જાય કે સમજી-બુઝીને લાગે ? દાદાશ્રી : દિલ્લગી એ સમજથી લાગી જાય છે, બુદ્ધિથી નહીં. પ્રશ્નકર્તા : સમજ હોય તો જ દિલ્લગી થાય. દાદાશ્રી : હા. એટલે સૂઝથી, સૂઝના આધારે. સૂઝ પડી જાય, નહીં તો દિલ લાગે નહીં. પ્રશ્નકર્તા : તો એ બુદ્ધિનાં માધ્યમથી નથી ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો એ સૂઝ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : હાર્ટમાંથી ઉત્પન્ન થાય છે. સૂઝ, આત્મા કે પુદગલ ? પ્રશ્નકર્તા : હવે એક પુદગલનો ભાગ છે અને એક આત્માનો પર્યાય છે, એમ તો ખરું જ ને, તો સૂઝ શેમાં આવે ? દાદાશ્રી : ના. સૂઝ એ આત્માનો કોઈ પર્યાય નથી. પ્રશ્નકર્તા : તો એ સૂઝ કેવી રીતે છે ? દાદાશ્રી : એ સૂઝ ધીમે ધીમે ફૂલ સ્કેલમાં થાય ત્યારે દર્શન થાય. ત્યાં સુધી તો પુદગલ જ કહેવાય. પ્રશ્નકર્તા : સૂઝ એ પુદગલ ગણાય કે આત્માનો ભાગ છે ? દાદાશ્રી : પુદગલ. અને જ્યારે સૂઝ ફૂલ થાય, ત્યારે આત્મા કહેવાય. પ્રશ્નકર્તા : તો છેવટે સૂઝમાંથી જ આત્મા ઉદ્ભવે નહીં ? દાદાશ્રી : નહીં. સૂઝ છે તે જુદી વસ્તુ છે. એ પુદગલ કહેવાય. પણ એ સો ટકા થાય ત્યારે દર્શન થાય. સૂઝ, હ્રદયગામી ! પ્રશ્નકર્તા : આત્મા પ્રત્યે જવા માટે સૂઝનો ઉપયોગ કરવાનો. એનો અર્થ એ થયો ને કે બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. સૂઝથી તમે જેમ કરો તેમ આત્મા પ્રત્યે જવાય. દાદાશ્રી : સૂઝથી કરે તો બહુ સારું. પણ સૂઝનો અમલ લેતા નથી ને દાબી દે છે અને પછી આ બુદ્ધિ જ ચલાવી લે છે. અમે જોડો મારીએ, તે બુદ્ધિથી માપે તો શું થાય એનું ? પ્રશ્નકર્તા : અવળું થાય. ડખો થાય. દાદાશ્રી : બુદ્ધિવાળો માર્યો જાયને બિચારો ! અને હ્રદયથી માપે તેને ? પ્રશ્નકર્તા : બહુ આનંદ થાય, ઉલ્લાસ થાય. દાદાશ્રી : આ બધું માપતાં આવડવું જોઈએ. સૂઝથી ડેવલપમેન્ટ ઊંચે ચઢે ! પ્રશ્નકર્તા : દાદા, હ્રદયનો અર્થ શ્રદ્ધા કરી શકાય ખરો ? દાદાશ્રી : ના, શ્રદ્ધા નહીં. પ્રશ્નકર્તા : એ હ્રદય એટલે ખરેખર કયું કહ્યું ? દાદાશ્રી : હ્રદય એટલે સેલ્ફ (પોતે). હંમેશાં ય મૂળ સેલ્ફ છે એ સેલ્ફ છે. શુધ્ધાત્મા મૂળ સેલ્ફ છે. પણ 'પેલી' સેલ્ફ ડેવલપ થતી થતી, આવરણરહિત થતી ઉપર આવે છે ને એ સેલ્ફ જોડે ને જોડે રહે છે. પ્રશ્નકર્તા : એ ડેવલપ થતી સેલ્ફને આપણે શું કહી શકીએ ? દાદાશ્રી : એને જ અંતઃકરણ કહ્યું. એનું મૂળ કેવી રીતે પકડાય ? એનું મૂળ પકડવું હોય તો આપણને સૂઝ પડે છે, જ્યારે મહીં બધી રીતે કંટાળીએ છીએ અને એકદમ ઝબકારો થઈને આપણને માર્ગ જડે છે, એને સૂઝ કહે છે. એ ડેવલપ થતી જાય છે, એ અંતઃકરણમાં પરિણામ પામશે. પછી સૂઝ નહીં, પણ પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : એટલે એ પ્રજ્ઞા ? દાદાશ્રી : ના. પ્રજ્ઞા નહીં. પ્રજ્ઞા તો આત્માનું કામ. આ પ્રજ્ઞા થવા ભણી જે જઈ રહી છે. આપણને પ્રજ્ઞા ઓચિંતી રીતે થઈ, નહીં તો ઓચિંતી ના થાય. તે 'આ' જ્યારે પ્રજ્ઞારૂપે પરિણામ પામે, ત્યારે દા'ડો વળે ! આ તો ઓચિંતી લાઈટ થઈ ગયેલી છે આપણને ! પ્રશ્નકર્તા : તો દાદા પાસે જે જ્ઞાન લે છે, એને જે બધું પછી મોક્ષમાર્ગની અંદર મદદ કર્યા કરે છે, ત્યાં સૂઝનું સ્થાન ખરું ? દાદાશ્રી : એ પ્રજ્ઞાનું કામ. પછી પ્રજ્ઞાના કામમાં જાય ! જ્ઞાન લીધું તે દહાડે સૂઝ ફૂલ (સંપૂર્ણ) થઈ જાય છે. કેવળ દર્શનરૂપે થાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પછી ગૂંચવાડો ઊભો ના થાય ને ! પ્રશ્નકર્તા : પ્રજ્ઞા મદદ કરે પછી ? દાદાશ્રી : હા, બસ. પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું, એને હવે જે બધું ઠેઠ મોક્ષ સુધીનો દરવાજો બતાવે છે, ગૂંચોનો નિકાલ બતાવે છે, એ સૂઝને ઠેકાણે પ્રજ્ઞા આવે છે ? દાદાશ્રી : એ પ્રજ્ઞા. સૂઝ તો થઈ ગઈ આપણી. ક્ષાયિક થઈ ગયું. સૂઝ તો પૂરી થઈ ગઈ. હવે એ પ્રજ્ઞા દેખાડે છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે ક્ષાયિક સમકિત કહેવાય, કેવળ દર્શન કહેવાય. સૂઝ પૂરેપૂરી થઈ જાય, પછી એનું કામ પૂરું થઈ ગયું. સૂઝ તો દરેકને હોય, જાનવરોને ય હોય. નાનું બચ્ચું હોય ને, તે એની સૂઝ પ્રમાણે ફર્યા કરે. કુરકુરિયું હોય તો ય એને સૂઝ હોય, પ્રજ્ઞા ના હોય. પ્રજ્ઞા એ તો જ્ઞાનનો પ્રકાશ થયા પછી ઉત્પન્ન થનારી વસ્તુ છે. સમસરણ માર્ગનો માઈલસ્ટોન ! જગત સૂઝ પડે છે, તેને પુરુષાર્થ કહે છે. ખરી રીતે આ પુરુષાર્થ છે જ નહીં. સૂઝ એ તો કુદરતી બક્ષિસ છે. દરેકને સૂઝ હોય છે, તે તેની સૂઝ પરથી આપણને માલુમ પડી જાય કે આ સમસરણ માર્ગના પ્રવાહના કેટલામાં માઇલે છે. છ મહિના પહેલાંની અને અત્યારની સૂઝમાં ફેર પડ્યો હોય, વધી હોય તો સમજાય કે એ કયા માઇલે પહોંચ્યો છે. આ જગતમાં જોવા જેવી એ એક જ વસ્તુ છે. આ મનુષ્યનાં શરીરમાં એકલી સૂઝ જ 'ડિસ્ચાર્જ' નથી, બીજું બધું જ 'ડિસ્ચાર્જ' છે. સૂઝ પોતે 'ચાર્જ' નથી કરતી, પણ સૂઝમાંથી 'ચાર્જ' ઊભું થઇ જાય છે. સૂઝમાં અહંકાર ભેગો થયો તો ચાર્જ ઊભું થાય છે. સૂઝમાં અહંકાર નથી, પણ તેમાં અહંકાર પછીથી ભળે છે. પ્રેરણા જુદી : સૂઝ જુદી ! પ્રશ્નકર્તા : સૂઝ એટલે શું ? એ પ્રેરણા કહેવાય ? દાદાશ્રી : પ્રેરક એ ડિસ્ચાર્જ છે. મહીં એકદમ લાઇટ મારી દે અને તેનાથી પ્રેરણા થાય છે. એ લાઇટ થાય છે તે સૂઝ છે. સૂઝ એ તો અવિરત પ્રવાહ છે. પણ તેને આવરણ આવેલાં છે તેથી દેખાતું નથી એટલે કંઇ સૂઝ ના પડે. એટલે લોકો જરાક માથું ખંજવાળે એટલે મહીં લાઇટ થાય ને સૂઝ પડી જાય. આ માથું ખંજવાળે એટલે શું થાય છે એ ખબર છે? પ્રશ્નકર્તા : ના, દાદા. દાદાશ્રી : ચિત્તવૃત્તિઓ આમતેમ ખેંચાયેલી હોય, તે માથું ખંજવાળે એટલે જરાક એકાગ્ર થાય. એકાગ્રતા થઇ કે મહીં ઝટ સૂઝ પડી જાય. જગતમાં અંતરસૂઝને 'હેલ્પ' કોઇએ કરી નથી. યોગમાં અંતરસૂઝ બહુ 'સ્પીડિલી' ખીલે છે. પણ લોકો ઊંધે માર્ગે ગયા, તે ખાલી ચકરડાં જ જોયા કરે છે ! પછી કાર્ય બને પરસત્તાથી ! પ્રશ્નકર્તા : પ્રેરણાને સૂઝ ન કહેવાય ? દાદાશ્રી : પ્રેરણા તો મહીંથી થાય ને એ ચોરને ચોરીની પ્રેરણા આપે. પ્રશ્નકર્તા : પ્રેરણા એ 'વ્યવસ્થિત'ને આધીન ખરું ? દાદાશ્રી : હા, એ પ્રેરણા તો 'વ્યવસ્થિત'ને આધીન છે ! (વ્યવસ્થિત એટલે સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) અને જે પ્રેરણા આપે છે, એ 'વ્યવસ્થિત' પ્રેરણા આપે છે અને સૂઝ એ તો કુદરતી સંચાલન છે. પ્રશ્નકર્તા : સૂઝ એ 'વ્યવસ્થિત'ને આધીન ખરું કે નહીં ? દાદાશ્રી : ના, ના. 'વ્યવસ્થિત' તો આ સૂઝમાંથી પછી ઉત્પન્ન થાય છે. 'વ્યવસ્થિત'ને તાબે એ નથી ! પ્રશ્નકર્તા : સૂઝથી જે કામ થાય એ સારાં ગણાયને ? દાદાશ્રી : સૂઝ પ્રમાણે કામ કરે ને, તે કામ બહુ સારાં થાય. તમે જે પ્રોજેક્ટ કરો છો તે સૂઝના આધારે કરો છો, પછી પ્રેરણા થાય તે લખો છો. સૂઝ બહુ ઝીણી વસ્તુ છે. સૂઝની હેલ્પ જીવનમાં ! પ્રશ્નકર્તા : આ જીવનનું વહન છે, જીવન જેમ ચાલી રહ્યું છે આપણું, એ ડિસ્ચાર્જ ભાવ છે, એ બરોબર છે, પહેલાનું પરિણામ છે. તો હવે એની અંદર સૂઝ જે છે, એ શું કામ કરે છે ? દાદાશ્રી : અટકોને ત્યારે સૂઝ પડે તો કામ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ જીવનને ઊંચું લઈ જવામાં કે જીવનને નીચું લઈ જવામાં બન્નેમાં કામ કરે ખરી ? દાદાશ્રી : ઊંચે કે નીચે લઈ જવામાં સૂઝ, એ બેઉ જગ્યાએ કામ લાગે છે. પ્રશ્નકર્તા : એટલે આ જીવનનો જે પ્રવાહ છે આખો, એ કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી, એમાં આ સૂઝનો પણ ભાગ ખરો, એવું કહી શકાય ને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ કમ્પ્લીટ હોઈ શકે નહીં ને ! આ તો આપણે જ્ઞાન લીધા પછી ડિસ્ચાર્જ કહ્યું છે. બાકી, બીજા લોકોને કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી. અહંકાર જીવતો છે ત્યાં સુધી ડિસ્ચાર્જ કહી શકે નહીં ! જ્ઞાન લીધા પછી એનું જીવન કમ્પ્લીટ ડિસ્ચાર્જ છે. તેથી અમે 'વ્યવસ્થિત' કહીએ છીએ ને ! પ્રશ્નકર્તા : તો કમ્પ્લીટ ડિસ્ચાર્જ જો હોય, તો એ સૂઝ ત્યાં એ શું ભાગ ભજવે છે ? દાદાશ્રી : સૂઝ તો હેલ્પફૂલ છે, સૂઝ તો ચાર્જ હોય કે ડિસ્ચાર્જ હોય, બેઉ જગ્યાએ હેલ્પ જ કરે છે. બીજું કશું નથી કરતી. સૂઝ એટલે આગળના અનુભવોનો સ્ટોક ! આગળના અનુભવો જ સૂઝાડે ! પ્રશ્નકર્તા : એટલે જ્યાં અટક્યું ત્યાં સૂઝથી એ પછી આગળ ચાલે. દાદાશ્રી : એ તો ભાગ ભજવે જ ને ! એ તો એનો પાર્ટ ભજવ્યા જ કરે. સૂઝ એટલે આગળના અનુભવ થયેલા. અનુભવ રસ સાથે. એટલે અટકે ત્યાં આગળ તરત સૂઝ પડી જાય. એ તો આપણી પાસે જે હથિયાર હોય ને, વખતે બુદ્ધિ હોય ને, તે વપરાયા કરે. મન હોય, તે વપરાયા કરે. હવે એવી આ સૂઝ વપરાયા કરે, બસ. પ્રશ્નકર્તા : હવે સૂઝ વપરાઈ અને પરિણામ સારું આવ્યું. દાદાશ્રી : એ તો બુદ્ધિ વપરાય તો ય પરિણામ સારું આવે. પણ એ બધું જે એડજસ્ટમેન્ટ છે ને એની જોડે જોડે આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધા છેને, એના જેવી આ સૂઝ સ્વતંત્ર છે. એ અજવાળું છેને એક જાતનું ! આ તો પછી માણસ જ્યારે ગૂંચાયને, એટલે પછી આમ કરીને બેસી રહે થોડીવાર. પછી એને સૂઝ પડી જાય તે ઘડીએ, ત્યારે કામ ચાલુ થઈ જાય. સૂઝ 'ડિસ્ચાર્જ'માં નથી સમાતી ! પ્રશ્નકર્તા : એ બરોબર છે, એક જાતની સૂઝ છે, પણ એનાથી જે પરિણામ આવે છે તે ડિસ્ચાર્જ છે. તો સૂઝ પણ એક ડિસ્ચાર્જ ભાવ જ થયો ને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ શબ્દ શું કહે છે કે જે ચાર્જ થયેલું તે ડિસ્ચાર્જ થાય છે અને સૂઝ એવી વસ્તુ નથી કે ચાર્જ કરેલી ડિસ્ચાર્જ થાય છે. એ ડિસ્ચાર્જ થતી નથી. પ્રશ્નકર્તા : પણ એને એપ્લાય કરવાથી અને પછી જે પરિણામ આવ્યું એ સમજો કે સારું આવ્યું કે ખરાબ આવ્યું, પણ એ સૂઝના કારણે આવ્યું અને એ વળી પાછું ડિસ્ચાર્જ છે, એ મેળ કેવી રીતે ખાય છે ? સૂઝના કારણે આવ્યું અને પાછું કહીએ કે આગળનાં ઉદયને હિસાબે આવ્યું, એ કેવી રીતે મેળ ખાય છે ? દાદાશ્રી : સારી બુદ્ધિને કારણે કામ સારું થાય, ખરાબ બુદ્ધિથી ખરાબ થાય, તો ય બધું વ્યવસ્થિત છે. તે મહીં બુદ્ધિ ય વ્યવસ્થિત છે અને આ ય બધું વ્યવસ્થિત છે. પ્રશ્નકર્તા : એટલે એ તો પછી સૂઝ જે છે એ વ્યવસ્થિત જ થઈ ? દાદાશ્રી : સૂઝ વ્યવસ્થિત નથી, વ્યવસ્થિત કોને કહેવાય ? વ્યવસ્થિત એ પોતે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય, એને વ્યવસ્થિત કહીએ છીએ આપણે. આ ડિસ્ચાર્જ થતું નથી. આ તો બધું ય ખેડીને પછી આગળ એનું એ જ રહે છે. સૂઝ આખેઆખી રહે છે. એમાં કોઈ ભાગ તૂટતો નથી. એટલે આ સૂઝને કશું ફેરફાર થાય જ નહીં. આ તો સૂઝ પોતે જે છે, એને પોતાને કશું થાય નહીં. આ આને જો ઉપાદાનમાં લઈ જઈએને, તો ઉપાદાનમાં ગણાય. અને ડિસ્ચાર્જ શબ્દ કોને કહેવાય કે, આ વીંટ્યું એને પાછું ઉકેલીએ, એનું નામ ડિસ્ચાર્જ. અને આ ઉકેલાવું કે વીંટાવાનું નથી. આ તો સ્ટોક જ છે એક જાતનો. પ્રશ્નકર્તા : એ તો બરોબર, હું 'સૂઝ શું છે' એ સમજવા નથી માંગતો, હું તો સૂઝના કારણે જે પરિણામ આવે છે..... દાદાશ્રી : એ વ્યવસ્થિત. પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત. તો પછી સૂઝના કારણે પણ આમ આવ્યું અને આપણે એ સૂઝને વ્યવસ્થિત કહીએ તો એ કહેવાય ? દાદાશ્રી : નહીં, સૂઝને વ્યવસ્થિત ના કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી એ કેવી રીતે એનું એડજસ્ટમેન્ટ લેવું, સૂઝનું ? એક સૂઝ આપણે એપ્લાય કરી અને કંઈક પરિણામ આવ્યું, એટલે આપણે એને 'વ્યવસ્થિત' કહીએ છીએ તો પછી સૂઝે ય વ્યવસ્થિત થઈને ?! દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : આવી સૂઝ આવવી એ પણ વ્યવસ્થિત થઈ જ ને ! એ સૂઝ આવવી એ વખતે, તો એ એનો અર્થ શું ? દાદાશ્રી : એ વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય, પણ ડિસ્ચાર્જ ના કહેવાય. પ્રશ્નકર્તા : હા, તો સૂઝ એ વ્યવસ્થિતનો ભાગ ખરો ? દાદાશ્રી : ડિસ્ચાર્જ ના કહેવાય. વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કહો તો જ એનો ઉકેલ આવે, નહીં તો એ સમજમાં એડજસ્ટ થતું નથી. દાદાશ્રી : ના, એનો વાંધો નહીં. એ તમારે વ્યવસ્થિત કહો તો વાંધો નથી અને આ સૂઝને બહાર રાખો તો ય વાંધો નથી. સૂઝ એક એવું હથિયાર છે કે નિરંતર સ્વતંત્ર છે અને આ બુદ્ધિથી સારું-ખોટું થાય, તો બુદ્ધિ એનું નિમિત્ત થઈ એટલે એને વ્યવસ્થિત કહેવાય ને એ ડિસ્ચાર્જ કહેવાય. બુદ્ધિ, ડિસ્ચાર્જ થતી બુદ્ધિ કહેવાય. આ સૂઝમાં ડિસ્ચાર્જ શબ્દ નથી લાગુ પડતો. આ તો ઉપાદાન છે, સૂઝ ઊંચી ય થઈ જાય એવી વસ્તુ છે. અનંત અવતારનું ઉપાદાન છે એ તો ! તો સૂઝનો રોલ ક્યાં આવ્યો ? પ્રશ્નકર્તા : ઉપાદાન જ છે, ઉપાદાન ખરું પણ જીવનના પ્રવાહ, જીવન જેમ ચાલી રહ્યું છે, એમાં એ ઉપાદાનનો ઉપયોગ થાય છે ને ? દાદાશ્રી : એ તો નિરંતર ઉપયોગ થયા જ કરવાનો, પણ એ છે તો એને કોઈ રસ્તે ડિસ્ચાર્જ નથી, એવું કહેવાય. પ્રશ્નકર્તા : હું નથી કહેતો કે એને ડિસ્ચાર્જ કહો. મારે સમજવું છે કે આ જે થઈ રહ્યું છે બધું, એને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ, એ પણ એટલી જ સાચી વાત છે. પણ એની અંદર ઉપાદાન એમાં ભાગ ભજવે છે એ વાત સાચી ? દાદાશ્રી : એ છે જ. એ છે તો આ બધું છે. એને તો આપણે મુખ્ય જ વસ્તુ ગણેલી છે. પ્રશ્નકર્તા : હવે જો ઉપાદાન ભાગ ભજવતું હોય, તો પછી આગળનું જે ચાર્જ છે, એનું આ પરિણામ આવ્યું એમ કેમ કહી શકાય ? દાદાશ્રી : એવું છે ને, આમથી ગાડી આવી, બીજી આમથી ગાડી આવીને આમ અથડાઈ, તેમાં આ સૂર્યનારાયણે શું કર્યું ? એવું ઉપાદાન છે. એની હાજરી છે વસ્તુની, એ સૂર્યની હાજરી એ તટસ્થ વસ્તુ છે. એટલે આમ લેવાદેવા નહીં ને ! બીજી અથડાઈ, તેમાં સૂર્યનારાયણને શું લેવાદેવા ? આ અજવાળાએ એને હેલ્પ કરી, પણ સૂર્યનારાયણને શું લેવાદેવા ? અજવાળું ભલે હેલ્પ કરતું ? એટલે એને ગણતરીમાં જ ગણવાનું નહીં. એને આમે ય ગણતરીની જરૂર જ નહીં. અને એ ઉપાદાન છે તે નિમિત્તને આધીન જ હોય. નિમિત્ત પ્રમાણે વેશ ભજવ્યા જ કરે. નિમિત્ત પ્રમાણે ભાગ ભજવ્યા જ કરે. પ્રશ્નકર્તા : આ મને સૂઝની વાત જરા બરોબર સમજવી હતી, એટલા માટે હું પૂછું છું. દાદાશ્રી : આમાં શું સમજવાનું છે, કહો ? સૂઝ એ સૂર્યનારાયણ જેવી કાયમની વસ્તુ છે ! પ્રશ્નકર્તા : હા, પણ સૂઝ આપણા જીવનની અંદર કેવો ભાગ ભજવે છે એ જરા સમજવું છે ? દાદાશ્રી : આ સૂર્યનારાયણ શું ભાગ ભજવે છે ? વાદળું આવ્યું તો જરા ઓછું અજવાળું થાય અને વાદળે વાદળાં હોય તો અંધારું થઈ જાય, એમાં સૂર્યને શું હેલ્પ કરે છે ? સંસાર સંકલનામાં સૂઝની હાજરી જ ! આ સૂર્યનારાયણ જેવું છે આમાં, એવી સૂઝ એ તટસ્થ વસ્તુ છે. જો વાદળા બહુ ઘનઘોર આવ્યા હોય, તો આપણું કામ બરોબર જેવું જોઈએ એવું થાય નહીં અને જો ચોખ્ખું હોય તો થાય. એટલે એ સૂઝને કશું લેવાદેવા નથી. એ તો એની મેળે એની જગ્યાએ છે. એટલે આ એનું જે અજવાળું છે, એ કામ કર્યા કરે. ઓછું અજવાળું હોય ત્યારે ઓછું કામ થાય. વધારે અજવાળું હોય તો વધારે કામ થાય એટલે આ આની જોડે કંઈ સંકલનામાં નથી. આ સંકલનામાં એ આવતી નથી. આ સંકલનાનાં ભાગને જ આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ. આ સૂઝ તો છેટે રહીને કામ કરે છે, પણ એ કર્તા નથી. પ્રશ્નકર્તા : એ કર્તા નથી, તો કોણ કરે છે ? દાદાશ્રી : આ સૂર્યનારાયણ છે તો આ અજવાળાથી લોકો કામ કરે છે, તેમાં સૂર્યનારાયણ શું કરે ? પ્રશ્નકર્તા : હા, એ કર્તા નથી. દાદાશ્રી : એની હાજરીથી કામ થયા કરે છે. આ સૂર્યનારાયણ જેમ ઊગે ને સૂર્ય જેમ તટસ્થ છે ને, એવું એ સૂઝથી તટસ્થ રીતે કામ થઈ રહ્યું છે. એ સૂઝને નથી કશું. આ સૂઝ પાડવી, અજવાળું કરવું કે અંધારું કરવું, એવું કોઈ છે નહીં. પોતે આમ સ્થિરતા કરે એટલે નિયમથી એને સૂઝ પડી જ જાય. પછી ઊંધે રસ્તે જનારાને ય પડે અને છતે રસ્તે જનારને ય, પણ બેઉનું તે વખતે અટકે નહીં, સૂઝ પડી જ જાય. એટલે અટક્યો હોય માણસ, હવે આગળ જવાનો રસ્તો જડતો નથી, તે ઘડીએ આમ કર્યું. તે ઘડીએ સૂઝ પડી જાય. પછી ઊંધે રસ્તે પણ જાય અને છતે રસ્તે ય જાય. જેને જે રસ્તે જવું હોય એ રસ્તે જાય. એ ઉદયાધીન છે. પ્રશ્નકર્તા : પાછો વ્યવસ્થિતનો જ ભાગ થયોને એ ! દાદાશ્રી : ગયો એ વ્યવસ્થિતને આધીન એ ગયો. પણ તેમાં પેલી સૂઝ જે છે એ તટસ્થ વસ્તુ છે. તેને કશું લેવાદેવા નથી ! પ્રશ્નકર્તા : એને કોઈ બાજુ લેવાદેવા નથી. હવે સમજાયું. બરોબર છે ! ઝડપી કાર્ય કરવાની સૂઝ ! પ્રશ્નકર્તા : કોઈ નિર્ણય કરવાનો હોય તો કેટલાંક ગૂંચાયા કરે અને કેટલાંક આમ ફટાફટ તરત 'ડિસીઝન' લે, એ સૂઝ કહેવાય ? દાદાશ્રી : ના. આ નિર્ણય લેવો એ બુદ્ધિ કહેવાય અને 'સ્પીડી' કામ કરી નાખે, કલાકનું કામ પા કલાકમાં, તો એ સૂઝ કહેવાય. પ્રશ્નકર્તા : એને વ્યવહારૂકતા કહેવાય ? દાદાશ્રી : ના. એ સૂઝ કહેવાય. સૂઝ અને બુદ્ધિ બેઉ હોય કેટલાંકને. અને પાછી બુદ્ધિ એમને હોય કે નિર્ણય પણ ઝટ કરી નાખે. સૂઝને દર્શન કહે છે અને બુદ્ધિને જ્ઞાન કહે છે. પણ આ વિપરીત જ્ઞાન ને દર્શન. એટલે સાંસારિક જ્ઞાન ને દર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યાદર્શન ! ઓછી સૂઝવાળા માટે ઉપાય ! પ્રશ્નકર્તા : વ્યવહારના પ્રસંગમાં જ્યાં 'ડિસીઝન' લેવાનું હોય, ત્યાં પેલી વ્યવહારિક સૂઝ કામ લાગે કે નહીં ? દાદાશ્રી : હા, સૂઝ જ કામ લાગે. પણ સૂઝ ના હોય તો ક્યાંથી લાવે ? હા, નહીં તો પછી પોતાનો વિશ્વાસુ હોય તેને પૂછીને કામ કરવું. પૂછીને કામ કરીએ એના જેવું એકુંય નહીં, આ દુનિયામાં ! પૂછીને કરે કે, 'સાહેબ, પેશાબ કરવા જાઉં ?' ત્યારે એ કહે, 'જાવ.' પછી એનો ગુનો નહીં ને ! પછી ત્યાં ભલેને, દશ મિનિટ બીડીઓ પીધી. પણ એમ ને એમ પૂછયા વગર જાય ત્યારે પકડે એને. 'કેમ બીડીઓ પીવા ગયો હતો ?' કહેશે. માટે પૂછીને જાવ. હા, વ્યવહારિક બાબતમાં તો મને કંઈ પૂછવાની જરૂર નથી. એમાં આપણે 'ફાધર'ને પૂછીએ, કે બીજાં કોઈ આપણાથી મોટી ઉંમરનાં હોય, અનુભવી હોય એને પૂછીએ. વ્યવહારિક બાબતોમાં વ્યવહારિક માણસો બધા મોટી ઉંમરના હોયને, એ બધી સમજણ પાડે. કોમનસેન્સ એટલે.... પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' એટલે કંઈક વ્યવહારિક કામ હોય, તે ઓછા સમયમાં ને 'સ્પીડી' કરી લાવે અને કોઈની સાથે અથડામણ ટાળી નાખે તે ? દાદાશ્રી : વ્યવહારિક કામ જલદી, ઝપાટાબંધ કરી લાવેને, એને સૂઝ વધારે કહેવાય. એને સૂઝવાળો છે એમ કહેવાય. 'કોમનસેન્સ' એટલે 'એવરીવ્હેર એપ્લિકેબલ', જે તાળાં ઊઘડતાં ના હોય, તેનું તાળું ઊઘાડી આપે. પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' જે છે, તે બુદ્ધિના આધારે છે કે સૂઝના આધારે છે ? દાદાશ્રી : 'કોમનસેન્સ' એ ય સૂઝના આધારે છે. પણ આંતરસૂઝ એ જુદી વસ્તુ છે. એ કુદરતની 'ગિફ્ટ' છે. દરેકને આંતરસૂઝ હોય ને એના આધારે બધું ચાલે અને કોમનસેન્સ એ જુદી વસ્તુ છે. પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' અને પ્રજ્ઞામાં શો ફેર ? દાદાશ્રી : 'કોમનસેન્સ' એ હંમેશાં સંસાર ઉકેલી આપે, સંસારનાં તાળાં બધાં ઉકેલી આપે. પણ મોક્ષનું તાળું એકુંય ના ઉકેલી શકે. અને 'જ્ઞાન' મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય નહીં. અગર તો સમકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. પ્રશ્નકર્તા : પણ આવાં વ્યવહારમાં 'ટાઈમે' તો 'કોમનસેન્સ' જ 'એપ્લિકેબલ' થાય ને ? દાદાશ્રી : પણ 'કોમનસેન્સ' લાવે ક્યાંથી તે ? એ તો આપણા પુસ્તકો વાંચ વાંચ કરે તો એવી સૂઝ આવે પછી. બાકી, 'કોમનસેન્સ' ક્યાંથી લાવે ? એ કંઈ રેઢિયાળ ચીજ છે ? કોમનસેન્સ મતભેદ નિવારે ! મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતાં ના આવડ્યું ! તે 'કોમનસેન્સ' ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ત્રણસો સાંઠ ડિગ્રીની સંપૂર્ણ 'કોમનસેન્સ' ના હોય, પણ ચાલીસ ડિગ્રી-પચાસ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ? એક શુભ વિચારણા ઉપર ચઢ્યો હોય તો એને એ વિચારણા સાંભળે ને એ જાગ્રત થઈ જાય. શુભ વિચારણાનાં બીજ પડે. પછી એ વિચારણા ચાલુ થઈ જાય. કોમનસેન્સવાળો ઘરમાં મતભેદ થવા જ ના દે. એ કોમનસેન્સ ક્યાંથી લાવે ? એ તો 'જ્ઞાની પુરુષ' પાસે બેસે, 'જ્ઞાની પુરુષ'ના ચરણોનું સેવન કરે ત્યારે 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. 'કોમનસેન્સ'વાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે. આ ગામમાં મતભેદ વગરનાં ઘર કેટલાં ? મતભેદ થાય ત્યાં 'કોમનસેન્સ' કેમ કહેવાય ? એ છે એવરીવ્હેર એપ્લિકેબલ ! ભલે મોક્ષની જરૂર બધાને ના હોય, પણ 'કોમનસેન્સ'ની જરૂર તો બધાને ખરી. આ તો 'કોમનસેન્સ' નહીં હોવાથી ઘરનું ખાઈ-પીને અથડામણો થાય છે. બધા કંઈ કાળાબજાર કરે છે ? છતાં ઘરના ત્રણ માણસોમાં સાંજ પડ્યે તેત્રીસ મતભેદ પડે છે. આમાં શું સુખ પડે ? પછી નફ્ફટ થઈ જીવે. એ સ્વમાન વગરનું જીવન શું કામનું ? 'કોમનસેન્સ' એટલે શું ? કે 'એવરી વ્હેર એપ્લિકેબલ, થિયરેટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ'! આ 'કોમનસેન્સ' તો અમે કોઈનામાં જોઈ જ નથી. 'કોમનસેન્સ' એટલે એ એવી ચાવી છે કે 'એવરીવ્હેર એપ્લિકેબલ' હોય, એનાથી ગમે તેવાં કાટ ચઢેલાં તાળાં ઊઘડી જાય. નહીં તો આ તો સારાં, નવાં તાળાં હઉ વસાઈ જાય છે ! નઠારામાં નઠારા માણસનું તાળું આપણાથી ઊઘડે તો જાણવું કે આપણી પાસે 'કોમનસેન્સ' છે. નહીં તો 'કોમનસેન્સ' વગરની બધી વાતો કરે છે, એમાં કશુંય પોતાની સમજણ નથી. વ્યવહારૂકતા વિનાના.... એક બઈને મેં પૂછયું કે, 'કેમ ધણી જોડે તારે ફાવતું નથી ?' ત્યારે એ કહે છે, 'દાદાજી, અક્કલ તો એટલી બધી છે કે ન પૂછો વાત !' ત્યારે મેં કહ્યું કે, 'તારે તો સારું, ધણી અક્કલવાળો હોય તે તો !' ત્યારે એ કહે છે, 'પણ વ્યવહારૂકતા જ નથી.' એટલે શું કહે છે કે 'કોમનસેન્સ' નથી, તે વાતવાતમાં ઝઘડા થઈ જાય. પછી એ બઈએ મને કહ્યું કે, 'કોમનસેન્સ' નથી, દાદાજી. શું કરું ? ત્યારે મેં કહ્યું, 'બધું સમજી ગયો. હવે તું બીજી વાત જ ના કરીશ.' આ તો મેળ પડે જ નહીં ને ! થોડીઘણી તો 'કોમનસેન્સ' જોઈએ કે ના જોઈએ માણસને ? વ્યવહારૂકતા તો હોવી જોઈએ ને ? હાલની જનરેશનમાં 'કોમનસેન્સ' જેવી વસ્તુ જ નથી. જનરેશન ટુ જનરેશન 'કોમનસેન્સ' ઓછી થતી ગઈ છે. એટલે 'કોમનસેન્સ' ના હોય ને, તેને તો વહુ જોડે એક કલાકેય મેળાપ ના થાય. 'કોમનસેન્સ' નથી, તેથી ભાંજગડ થાય ને ! એને પૈણાવીએ તો શી દશા થાય ? આજે એની 'વાઈફ' આવી, રાતે ભેગાં થયાં, એક કલાકમાં તો બેઉ છૂટાં. 'હાઉ ટુ ડિલ' એ જ પહેલું ના આવડે. 'બિગિનિંગ' કેમ કરવી તે ય ના આવડે. કળા કે કશું જોઈએ કે ના જોઈએ વળી ? પ્રશ્નકર્તા : જોઈએ જ ને ! તે વગર ચાલે જ નહીં. દાદાશ્રી : ધણી છે તે 'કોમનસેન્સ'વાળો જોઈએ ને ? આ તો કોઈક દહાડો 'વાઈફ'ની ભૂલ થઈ, તો એની જોડે ઝઘડો કરવા બેસી જાય ! અલ્યા, ઝઘડો કરવા માટે ભૂલ નથી થઈ ! કોમનસેન્સ વઢવાડ મટાડે ! આ તો વહુ જોડે વઢવાડ થઈ હોય તો પછી પાંચ દહાડા સુધી બોલે નહીં. જરાક અમથી થોડી કંઈ ભાંજગડ પડી તો ના બોલે. હવે ત્યાં બીજું કશું એને આવડે નહીં, એટલે શી રીતે તાળું ઉઘાડે ? એમને એમ તાળું તો કટાયા કરે. અને પેલા મિયાંભાઈ તો બીબીનાં તાળાં તરત ખોલી નાખે. 'કોમનસેન્સ' એટલે સૂર મળતો આવે. પ્રશ્નકર્તા : સૂર મળતો આવે એટલે શું ? દાદાશ્રી : એ અમારા જેવી જ રીત હોય. અમે જે રીત પકડતા હોઈએ એવી અમારી નજીકની રીત પ્રમાણે વર્તે. મિયાંભાઈ શું કહેશે ? 'બીબી જોડે ભાંજગડ હું પાડું જ નહીં ને ! એ ભાંજગડ પાડે, પણ હું ભાંજગડ ના પાડું.' 'કોમનસેન્સ'વાળો હોય, એને પછી એમ ના હોય કે 'મારે આવું થયું ત્યાં આગળ હવે શું કરવું ?' એવું જો 'એપ્લાય' ના થતું હોય તો એ 'કોમનસેન્સ' જ ન્હોય. કોઈ કોમનસેન્સવાળા હોય, તે તો પાનવાળાની જોડે ય સમજીને નિકાલ કરી લાવે. લઢનારો માણસ કોણ હોય ? જેને 'સેન્સ' ના હોય એ માણસ જ્યાં ને ત્યાં આ બધું બગાડી નાખે. કયા સંજોગોમાં બિચારાએ ભૂલ કરી હશે એ જાણ્યા વગર આપણે લઢમ્લઢા કરીએ, એ કામમાં લાગે ખરું ? પ્રશ્નકર્તા : ના લાગે. નુકસાન કરે. દાદાશ્રી : એટલે જેને 'કોમનસેન્સ' ના હોય એ લઢે. અને લઢે એટલે થઈ રહ્યું, એને ને તમારે તૂટી ગયું. 'મિલનસાર'થી વધે 'કોમનસેન્સ' ! એથી હું કહું છું ને, કે આ બધામાં જોડે બેસીએ તો લોકોનો પ્રેમ આપણી ઉપર ઉત્પન્ન થાય. અને બીજી વાતોચીતો ચાલે, પોતપોતાની વાતો કરે, એમાં વાતમાંથી પકડી લઈએ તો 'કોમનસેન્સ' વધે આપણી. બધાંય માણસોમાં ભળીને ચાલવાથી 'કોમનસેન્સ' વધે. પ્રશ્નકર્તા : બધાં જોડે હળીમળીને રહેવું એમ આપે કહ્યું ને, પણ મને તો એમાં તિરસ્કાર જેવું રહે છે. દાદાશ્રી : આ તિરસ્કાર છે તેથી આવું થઈ ગયું છે ને ! માટે હવે તિરસ્કાર કાઢી અને બધાંની જોડે હળીમળીને ચાલો તો મહીં 'કોમનસેન્સ' વધે. તિરસ્કાર તો ગાયો-ભેંસોનો ય ના કરાય, તો આ મનુષ્યની જોડે કેમ કરાય ? અને છત નથી કશી ય ! તમારે છત હોય ને તિરસ્કાર કરતા હોય તો ઠીક છે, કે 'ભઈ, બહુ છતવાળા માણસ છે તે તિરસ્કાર કરે !' પણ આ તો છત પણ નથી. છત કોને કહેવાય ? કે વહુ જોડે પૈણે, પણ આખી જિંદગી સુધીમાં થોડીઘણી ધમાલ થાય પણ રોજ ધમાલ ના થાય, એનું નામ છત કહેવાય. ને આ છત વગરનો હોય તે પૈણે અને પેલી વહુ ત્યાં આગળ આવી અને વહુ આમ ફરીને પેલી બાજુ બેઠાં. હવે તાળું શી રીતે ઉઘાડવું એ આવડે નહીં, તો પેલી વહુનું શું થાય ? પૂર્ણ કોમનસેન્સ ક્યારે ? પ્રશ્નકર્તા : જેને 'કોમનસેન્સ' હોય, એમાં પોતાનું વર્તન, વાણી એવાં હોય કે સામાને દુઃખ ના થાય, રાજી રાખી બધું કામ કરાવી દે, એવી એને 'ગિફ્ટ' હોય ને ? દાદાશ્રી : એ બધું હોય, પણ મૂળ એ સ્વાર્થમય પરિણામ હોય છે, તે નહીં સારાં. એ 'કમ્પ્લીટ કોમનસેન્સ' ના આવે. સહેજે ય ઘાટ હોય ને, ત્યાં 'કોમનસેન્સ' પૂરી ના હોય. ઘાટ ના હોય ત્યારે ખરું. પછી સામાને રાજી રાખે તે ઘાટ વગરનું રાજી રાખે, એને દુઃખ ના થાય એટલા માટે. બાકી, જગત તો પોતાના ઘાટને માટે રાજી રાખે એટલે 'કોમનસેન્સ' પૂરી થાય નહીં એની. કારણ કે ઘાટમાં વપરાઈ એ ! એને વ્યવહારના અનુભવ ખૂબ ! પ્રશ્નકર્તા : પણ જ્યાં રાગ-દ્વેષ આવે ત્યાં 'કોમનસેન્સ' ઊડી જાય ને ? દાદાશ્રી : 'કોમનસેન્સ' એ અનુભવની વાત છે. એ રાગ-દ્વેષને લાગતી-વળગતી નથી. સંસારનો, વ્યવહારનો અનુભવ હોય ને, તે 'કોમનસેન્સ'! અપમાન છતાં સ્થિરતા ! 'કોમનસેન્સ'વાળો માણસ 'એવરીવ્હેર એડજસ્ટેબલ' હોય. કોઈ ગાળ ભાંડે તેની જોડે ય 'એડજસ્ટ' થઈને કહેશે, 'આવો, આવો, બેસો ને ! કશો વાંધો નહીં.' એટલે 'કોમનસેન્સ' જોઈશે. અને આ તો 'અક્કલ વગરના છો' એવું કહ્યું કે મોઢું-તોબરો ચઢી જાય. અલ્યા, 'કોમનસેન્સ' નથી ? તારો તોબરો શું કરવા ચઢી ગયો આમાં ?! 'અક્કલવાળો છું' એવું તારી જાતને માની બેઠો છે તું ? જો અક્કલના કોથળા ! આ મોટા અક્કલના બારદાન આવ્યા !! વેચવા જઈએ તો ચાર આના ય ના આવે. અને નકામો તડપડ તડપડ કર્યા કરે. અક્કલવાળો તો 'એવરીવ્હેર એપ્લિકેબલ'વાળો હોય. આ કાળમાં તો 'કોમનસેન્સ'ની મુશ્કેલી પડી છે. કોમનસેન્સ, બધે ઉકેલ લાવે ! 'કોમનસેન્સ' તો બહુ મોટી વસ્તુ છે. એક સાહેબને એક માણસ આવીને ગમે તેવું કહેવા માંડ્યો. તે સાહેબને 'કોમનસેન્સ'થી જરાય અસર ના થઈ, જો 'કોમનસેન્સ' હતી તો ! એટલે 'કોમનસેન્સ'નો દાખલો આપણને જોવા મળે કે આ સાહેબે 'કોમનસેન્સ' વાપરી. બીજો માણસ તો ત્યાં આગળ 'ડિસ્કરેજ' જ થઈ જાય ને, એની મેળે જ ! જબરજસ્ત 'ડિપ્રેશન' આવી જાય. પણ મેં તો એમનામાં ડિપ્રેશન જોયું નથી. હું એ જ જોયા કરતો હતો કે ડિપ્રેશન આવે છે કે નહીં ? પેલો માણસ શું ય કહી ગયો તો ય 'ડિપ્રેશન' ના આવ્યું. એટલે આ બધાને શું કહું છું ? કે 'કોમનસેન્સ'થી પ્રશ્નો ઉકેલો. કોઈ માણસ ગમે એવું બોલીને ઊભો રહેશે, એના મગજ ઉપર આધાર રાખે છેને ! અને કંઈક તમારું પુણ્ય (!) હશે ત્યારે જ બોલે ને ! નહીં તો પુણ્ય (!) વગર કોઈ બોલતું હશે ? એ તમામ અથડામણ ટાળે ! પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'વાળો હોય એટલે બધે ઊકેલ કરી નાખે ને ? દાદાશ્રી : 'કોમનસેન્સ'વાળો હોય, એ તો બધા બહુ જાતના ઉકેલ લાવે, વ્યવહારની બધી ગૂંચો કાઢી નાખે. પ્રશ્નકર્તા : એને અથડામણ થાય ? દાદાશ્રી : અથડામણ ઓછી થાય. અથડામણ નહીં કરવા દેનારી વસ્તુ હોય તો 'કોમનસેન્સ' જ ! પ્રશ્નકર્તા : એટલે અથડામણ થાય ત્યાં 'કોમનસેન્સ' જ ના કહેવાય. દાદાશ્રી : એવું નહીં, પણ એ 'કોમનસેન્સ' ઓછી કહેવાય. પ્રશ્નકર્તા : પણ જ્ઞાની સિવાય અથડાયા વગર તો કોણ રહે ? દાદાશ્રી : એ તો 'કોમનસેન્સ' હોયને, તો અથડાય નહીં. 'કોમનસેન્સ'વાળો તો તરત મેળવી દે, અવળું થયું હોય તો ય ફેરવી નાખે. તરત જ, એને કશી વાર ના લાગે. એનું નામ જ 'કોમનસેન્સ'ને ! 'એવરીવ્હેર એપ્લિકેબલ'! નિઃસ્વાર્થતાથી તારણ મળે ! પ્રશ્નકર્તા : અથડામણો થાય, એમાંથી 'કોમનસેન્સ' ખીલે ? એમાંથી તારણ કાઢતાં આવડતું હોય તો ? દાદાશ્રી : એને પેલું નિઃસ્વાર્થને લઈને તરત તારણ નીકળી જ જાય. સ્વાર્થીને તો ખબર જ ના પડે. એવા એવા પ્રસંગો બને પણ પ્રસંગો 'ફ્રી ઓફ કોસ્ટ' જતા રહે. પ્રસંગો બધા બહુ બને છે, પણ ભૂલી જાય આખું જગત. જ્યારે પેલું તો બધું તારણ નીકળી જ જાય. પ્રશ્નકર્તા : તારણ નીકળી જ જાય ? એને કશું કરવું ના પડે ? દાદાશ્રી : ના, કશું નહીં. એની મેળે જ તારણ નીકળી જાય. અને પેલું ત્યાં તારણ કાઢી નાખે એટલે જ્ઞાન પ્રગટ થાય. 'કોમનસેન્સ' સર્વાંગી !! પ્રશ્નકર્તા : વ્યવહારૂકતા એને જ કહેને કે વ્યવહારમાં જે માણસ 'એક્સપર્ટ' હોય ? દાદાશ્રી : હા, લોકો એ જ કહે ને ! એને લોક 'એક્સપર્ટ' કહે. પણ 'એક્સપર્ટ' કરતાં ય વ્યવહારુકતા વધી જાય. વ્યવહારુકતા એટલે 'કોમનસેન્સ'. 'કોમનસેન્સ' સર્વાંગી હોય અને આ છે તે 'એક્સપર્ટ' એ 'વન સાઈડેડ' હોય. પણ એમાં એ 'એક્સપર્ટ' હોય. આ 'કોમનસેન્સ'વાળો 'એક્સપર્ટ' ના હોય. એક 'સાઈડ'માં એક્સપર્ટ થવા જાય તો બીજી 'સાઈડ' બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : 'એક્સપર્ટ' 'લિમિટેડ ફીલ્ડ'માં જ થાય. દાદાશ્રી : અમુક 'લિમિટેડ ફીલ્ડ'માં જ. બીજે બધે કાચું પડી જાય. અને એક્સપર્ટ એકાંગી ! પ્રશ્નકર્તા : પણ 'એક્સપર્ટ' તો વ્યવહારિકતામાં જાય. દાદાશ્રી : 'એક્સપર્ટ' છે તે અમુક જ વ્યવહારમાં પડેલા હોય. એ બાબતમાં જ 'એક્સપર્ટ' થયેલા હોય, બીજી બાબતમાં ના હોય. એ બીજી બાબતમાં તો 'ઝીરો' હોય. જ્યારે પેલો 'ઝીરો' ના હોય કોઈ બાબતમાં. પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'વાળાને આ જ્ઞાનનો લાભ જેવો થવો જોઈએ એવો ના થાય ને ? કારણ કે એની દ્રષ્ટિ આ 'વ્યવહાર' તરફની હોય. દાદાશ્રી : એ 'કોમનસેન્સ' ના ગણાય. એ તો બધું સ્વાર્થમય પરિણામ બધાં, 'વન સાઈડેડ' હોય. કોમનસેન્સ તો 'એવરીવ્હેર એપ્લિકેબલ', ૩૬૦ ડિગ્રીનું હોય. પણ 'એક્સપર્ટ' કોઈ બાબતમાં ના હોય. અક્રમજ્ઞાનમાં કોમનસેન્સનું સ્થાન ! પ્રશ્નકર્તા : દાદા, આ 'કોમનસેન્સ' અને 'જ્ઞાન', એ બેને કંઈ લેવાદેવા ખરી ? દાદાશ્રી : જ્ઞાનને એટલું જ લેવાદેવા કે નિઃસ્વાર્થપણું હોય 'જ્ઞાન' ! 'જ્ઞાન' જે પામવાના હોય, તે નિઃસ્વાર્થપણા ઉપર હોય. તે 'કોમનસેન્સ' ખીલતી જાય અને જ્ઞાને ય જોડે જોડે ખીલતું જાય. બાકી, 'કોમનસેન્સ'ને અને જ્ઞાનને કશું લેવાદેવા નથી. 'જ્ઞાન' તો તમને બધાંને છે જ ને ! ક્યાં નથી ? પણ નિઃસ્વાર્થપણાને લઈને 'કોમનસેન્સ' અને જ્ઞાન બેઉ ખીલતાં જાય. અને સ્વાર્થી હોય, તેને 'કોમનસેન્સ' 'વન સાઈડેડ' થઈ જાય અને જ્ઞાન બિલકુલે ય ખીલે નહીં. પ્રશ્નકર્તા : પણ સ્વાર્થ હોય, એને વ્યવહારૂકતા ખીલે ને ? દાદાશ્રી : વ્યવહાર ખીલે, પણ 'વન સાઈડેડ', અમુક જ 'સાઈડ'માં હોય. 'વન સાઈડેડ'ને 'કોમનસેન્સ' ગણાતી નથી. 'કોમનસેન્સ' એટલે 'એવરીવ્હેર એપ્લિકેબલ' ! તેથી મેં અંગ્રેજી શબ્દ એનો બીજો મૂક્યો કે 'એવરીવ્હેર એપ્લિકેબલ,' કે જેથી લોક એમની ભાષામાં બીજો અર્થ સમજી ના જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, એને રાગ-દ્વેષ તો અંદર હોય કે ના ય હોય, એવું હોય ? દાદાશ્રી : નિઃસ્વાર્થ ઉપર જાય ને, તો રાગ-દ્વેષ ઓછાં થતા જાય. સ્વાર્થીને જ રાગ-દ્વેષ છે. પ્રશ્નકર્તા : અને 'કોમનસેન્સ'વાળાને રાગ-દ્વેષ ? દાદાશ્રી : એને રાગ-દ્વેષ ઓછાં થતા જાય દહાડે દહાડે, જ્ઞાન ચઢતું જાય, 'કોમનસેન્સ' ખીલતી જાય, બધું ય ચઢતું જાય. સોલ્યુશન, જ્ઞાનથી : કોમનસેન્સથી ! પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'ની રીતે વ્યવહારને જુએ એટલે એને બધી ગણતરી હોય. અને જ્ઞાનની રીતે જુએ તો પોતે કોઈને કર્તા ના જુએ, 'વ્યવસ્થિત'ને તાબે જુએ. તો એ બન્નેમાં વ્યવહારમાં 'સોલ્યુશન' લાવવામાં શું ફેર પડે ? દાદાશ્રી : આપણા જ્ઞાનનું 'સોલ્યુશન' જુદી જાતનું. પ્રશ્નકર્તા : બંનેમાં ઊંચું 'સોલ્યુશન' કયું? દાદાશ્રી : 'કોમનસેન્સ'નું. બાકી, જ્ઞાનનું 'સોલ્યુશન' તો એટલું હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : જ્ઞાનનું 'સોલ્યુશન' આવે તો પોતાને બળતરા બંધ થઈ જાય. દાદાશ્રી : બળતરા બંધ થઈ જાય, પણ બહારનું વ્યવહારનું કામ ના થાય ને ! પ્રશ્નકર્તા : જ્ઞાનમાં જેમ પેલું દેખાતું હોય કે આ 'રિયલ', આ 'રિલેટિવ', કર્તા કોણ, આ કોણ, એવું બધું દેખાય અંદર. જ્યારે 'કોમનસેન્સ' વાળાને બીજું કંઈક 'લાઈટ' હશે ને ? દાદાશ્રી : 'કોમનસેન્સ'વાળા તો દરેક તાળાં જે ના ઊઘડતાં હોય, તે ઊઘાડી આપે. પ્રશ્નકર્તા : કયા 'સોલ્યુશન'થી, કઈ ચાવીઓથી ખુલે એ ? દાદાશ્રી : નહીં, એ સ્વાભાવિક એને, એ અનુભવજન્ય હોય. દરેક પ્રસંગોમાંથી અનુભવ- જન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એ ચાવીઓ હોય. પ્રસંગોમાંથી અનુભવજન્ય જે વસ્તુ હોય ને, તે ચાવીઓના આધારે બધું કામ કરે એ. અને 'એક્સપર્ટ' હોય ત્યાં એ છેતરાય, એ ય છેતરાય. બધાં 'તાળાં'ની ચાવી 'એક' ! હવે આ 'જ્ઞાન' મળ્યા પછી તમારે શુધ્ધ વ્યવહાર માટે શું જોઈએ ? 'કોમનસેન્સ' 'કમ્પ્લીટ' જોઈએ. એવી સ્થિરતા જોઈએ, ગંભીરતા એટલી જોઈએ. બધા ગુણ ઉત્પન્ન થવા જોઈએ ને ! એ કાચું પડે એટલે ચાલે નહીં ને બહાર લોકો 'એક્સેપ્ટ' કરે ય નહીં ને !! તાળું વસાઈ ગયું હોય તો ચાવી લગાડવી પડે ને ? એક જ ચાવીથી બધાં તાળાં ઊઘડે એવી ચાવી જોઈએ. કંઈ ઝૂમખાં રાખ્યે ના પાલવે ! એટલે 'કોમનસેન્સ' છે તે વ્યવહાર શુધ્ધ રાખવા માટે છે અને શુધ્ધ નિશ્ચય ક્યારે રહેશે ? શુધ્ધ વ્યવહાર હશે ત્યારે. ને શુધ્ધ વ્યવહાર ક્યારે આવશે ? 'કોમનસેન્સ' 'એવરીવ્હેર એપ્લિકેબલ' હશે ત્યારે. કોમનસેન્સ ક્યારે પ્રગટે ? પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય ? દાદાશ્રી : કોઈ પોતાને અથડાય, પણ પોતે કોઈને અથડાય નહીં એવી રીતે રહે, તો 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કોમનસેન્સ' જતી રહે ! ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. સામાના ઘર્ષણથી 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું, એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં 'કોમનસેન્સ' ભેગી થાય. આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે. અગર તો સામાન્ય જનતામાં કો'ક માણસ એવી રીતે રહી શકે, એવા પુણ્યશાળી લોકો હોય છે ! પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે ! કોમનસેન્સનો પ્રભાવ ! મારે ખાસ ઘર્ષણ નહીં થવાનું. મને 'કોમનસેન્સ' જબરજસ્ત એટલે તમે શું કહેવા માગો છો એ તરત જ સમજાઈ જાય. લોકોને એમ લાગે કે આ દાદાનું અહિત કરી રહ્યા છે, પણ મને તરત સમજાઈ જાય કે આ અહિત અહિત નથી. સાંસારિક અહિત નથી ને ધાર્મિક અહિતે ય નથી અને આત્માસંબંધમાં અહિત છે જ નહીં. લોકોને એમ લાગે કે આત્માનું અહિત કરી રહ્યા છે પણ અમને એમાં હિત સમજાય. એટલો આ 'કોમનસેન્સ'નો પ્રભાવ. તેથી અમે 'કોમનસેન્સ'નો અર્થ લખ્યો છે કે 'એવરીવ્હેર એપ્લિકેબલ.' છેતરાય, છતાં ગૂંચાય નહીં ! પ્રશ્નકર્તા : પણ 'કોમનસેન્સ'વાળો ગૂંચાય નહીં ને ? દાદાશ્રી : ગૂંચાય નહીં, પણ છેતરાય ખરો. છેતરાઈને પણ પોતે એ ગૂંચ કાઢી નાખે. આ વકીલો 'એક્સપર્ટ' હોય, બીજા જાતજાતના 'એક્સપર્ટ' હોય. પોતાની લાઈનમાં એ 'એક્સપર્ટ' હોયને, પણ એ છેતરાઈ જાય. જેટલો વધારે વિશ્વાસુ હોય એટલી 'કોમનસેન્સ' વધારે ખીલે. છેતરાય વધારે એટલે કોમનસેન્સ વધી જાય, નિઃસ્વાર્થપણું વધતું જાય. પ્રશ્નકર્તા : એક રીતે તો તમે કહો છો કે 'કોમનસેન્સ'વાળો કોઈ જગ્યાએ ગૂંચાય નહીં. તો પાછો છેતરાય ખરો ? દાદાશ્રી : એ તો 'કોમનસેન્સ' ખીલી ગયા પછી ના ગૂંચાય. ખીલતી વખતે તો ગૂંચાયને ! છેતરાય ને ? લોકોથી છેતરાઈને જ એ 'કોમનસેન્સ' શીખ્યો હોય. સરળતાથી વધે 'કોમનસેન્સ' ! પ્રશ્નકર્તા : પણ 'કોમનસેન્સ' એટલે તો 'એવરીવ્હેર એપ્લિકેબલ' હોયને ? તો પછી છેતરાઈ કેવી રીતે જાય ? દાદાશ્રી : સરળતા છે તેથી છેતરાય ને ! બે-ત્રણ જગ્યાએ ના છેતરાય, પણ એક-બે જગ્યાએ છેતરાય પાછો. પણ છેતરાય તે ઘડીએ એને 'કોમનસેન્સ' ખીલે અને સમજ પડે કે આવા સંજોગોમાં છેતરાઈ જવાય છે, એટલે એને 'કોમનસેન્સ' વધતી જાય. પ્રશ્નકર્તા : સરળતાથી ય 'કોમનસેન્સ' વધે ને ? દાદાશ્રી : હા, બહુ વધે. સરળતાથી છેતરાય ખરો, પણ 'કોમનસેન્સ' બહુ વધે. પૈસા વધારે લઈને આપણને છેતરી જાય, પણ એના બદલામાં આપણને 'કોમનસેન્સ' વધે. આ દુનિયામાં બદલા સિવાય કોઈ ચીજ થતી નથી. કોઈ ને કોઈ બદલો અપાઈ જાય. 'દાદા'ની કોમનસેન્સ ટોપ ! પ્રશ્નકર્તા : તો દાદા, એ હિસાબે આપની 'કોમનસેન્સ' બહુ 'ટોપ' પર છે. દાદાશ્રી : અમારી આ જુદી જાતની 'કોમનસેન્સ' કહેવાય. આ તો બધા નિઃસ્વાર્થપણે અનુભવ જ જોયેલા, અનુભવ બધા દેખાય. આ તો સ્વાર્થને લઈને અનુભવ દેખાતા નથી. અનંત અવતારથી સ્ત્રી પૈણે છે, પણ સ્ત્રીનો મોહ જાય છે લોકોને ? અને મારે ય બહુ ખાય છે. પ્રશ્નકર્તા : પણ એમાંથી તારણ નીકળે નહીં. તારણ ના કાઢે ? દાદાશ્રી : તારણ ના કાઢે. સ્વાર્થથી એ બધું તારણ ના નીકળે. આ સાધુ, આચાર્યો કે જેમણે ભાવના કરેલી હોય છે ને, કે 'હવે પૈણવું જ નથી.' તે તો તારણ કાઢેલું તેને લીધે. સામાની પ્રકૃતિનો સ્ટડી ! પ્રશ્નકર્તા : હવે એ જે તારણ કાઢે, એમાં જે પોતાની ભૂલ ખોળે, એમાં ખાલી સ્થૂળ ભૂલ જ જોઈ શકે ને ? દાદાશ્રી : ના, ના. સ્થૂળ ભૂલો જોઈ શકે નહીં. પણ સામા માણસ કેવા હોય છે બધા, છેતરનારા, એ બધો એનો અભ્યાસ બહુ હોય. પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ'વાળાને સામાની પ્રકૃતિનો 'સ્ટડી' હોવો જોઈએ ને ?! દાદાશ્રી : એ હોય જ. એનું નામ જ 'કોમનસેન્સ' કહેવાય. ત્યારે જ એ તાળું ઊઘડે ને ! પ્રશ્નકર્તા : કો'કની જોડે આપણને બનતું ના હોય, બગડ્યું હોય. હવે એની જોડે આપણે સાંધો મેળવવો હોય, તો હવે આમ જો એની નજદીક જાય સાંધો મેળવવા તો પેલો બગડે. એટલે એનાથી દૂર રહીને એની જોડે કામ લે ? દાદાશ્રી : એ કોઈ કળા કરે, બીજી કળાથી કામ લે. પ્રશ્નકર્તા : તો એને 'કોમનસેન્સ' કહેવાય ? દાદાશ્રી : હા, એ ય 'કોમનસેન્સ'માં ગણાય ને ! મૌલિક અર્થ, જ્ઞાની કને ! 'કોમનસેન્સ'નો અર્થ બરોબર કરેલો છે ? આ પહેલાંનો અર્થ હશે કે નવો અર્થ હશે ? પ્રશ્નકર્તા : મૌલિક, નવો જ અર્થ છે. દાદાશ્રી : મૌલિક છે, નહીં ? પહેલાં કોઈએ કરેલો નહીં ? આ 'કોમનસેન્સ'નો અર્થ અમે કહ્યોને, કે 'એવરીવ્હેર એપ્લિકેબલ, થિઅરેટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ', એ સાંભળીને લોક બહુ ખુશ થાય છે. 'કોમનસેન્સનો બહુ સુંદર અર્થ કર્યો' કહે છે. ત્યારે મેં કહ્યું, 'એ જ અમે મેટ્રિક નાપાસ થયાની નિશાની છે ને(!)' - જય સચ્ચિદાનંદ |
|---|