'આ' પમાડે વીતરાગતા !

સંપાદકીય

જે પોતે વીતરાગપદમાં વર્ત્યા તે જ વીતરાગતાની ઓળખાણ પડાવી શકે. જગતમાં સાચી વીતરાગતા ક્યાં જોવા મળે ? દેહાધ્યાસ હોય ત્યાં રાગ-દ્વેષ-કષાય હોય, ત્યાં પછી રાગી-દ્વેષી ચારિત્ર જ જોવા મળે. વીતરાગતાનું એક સેમ્પલ હોય તો પછી બીજા તેવા તૈયાર થઈ જ જાય ! બાકી, વીતરાગતા એ પ્રયત્ન કે કોષીષ કરવાથી આવતી નથી. એવા બીજા વીતરાગી પુરુષને ઓળખો-જુઓ, ત્યાંથી પોતાને મહીં ઉત્પન્ન થવા માંડે.

સંસારમાં લોભ-પૈસા-વિષય-મોહ-માન-પ્રતિષ્ઠાનો જ વ્યવહાર જોવા મળ્યો છે. તેમાં જ આગળ વધવાનો પ્રયત્ન કરવો એવી લોકસંજ્ઞા મજબૂત થઈ ગઈ છે. જ્યારે વીતરાગતા એ કંઈ આ બધાથી ભાગી જઈ જંગલમાં કે હિમાલયમાં જતા રહેવાથી આવી જતી હશે, એવું નથી. વીતરાગતા તો આ બધા સંસાર વ્યવહારમાં હોવા છતાં આંતરિક દશા છે.

જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારથી દ્વેષભાવ ખલાસ થઈ જાય છે ને વીતદ્વેષપદને પામે છે. તેની પ્રત્યે કોઈ ગમે તેવા અપમાન કરે, નુકસાન કરે છતાં બદલો લેવાનો ભાવ જેનો ખલાસ થઈ ગયો હોય છે અને એથી આગળ દરેક અનુકૂળ-પ્રતિકૂળ વ્યક્તિ કે પ્રસંગને સમભાવે નિકાલ કરતો જાય છે, તેમ તેમ વીતરાગ પદની શરૂઆત થતી જાય છે. અંતે પૂર્ણ વીતરાગતાને પામે છે.

પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષ દાદાશ્રીની વાણીમાં, વ્યવહારિક જીવનના જુદાજુદા પ્રસંગોમાં, વીતરાગી પુરુષના લક્ષણો કેવાં હોય, તેમની વીતરાગતા શી રીતે પરખાય તેનું શબ્દમાં આવી શકે તેટલું વર્ણન મૂકયું છે. એ મહેલમાં હો કે જેલમાં હો કે હોટલમાં હો તો વીતરાગીને ક્યાંય રાગ કે દ્વેષ ના હોય. આમ બહારનો વ્યવહાર અજ્ઞાની કે જ્ઞાનીનો સરખો જ દેખાતો હોય, પણ અજ્ઞાનીને અંદર રાગ-દ્વેષ થયા કરતાં હોય, જ્યારે જ્ઞાનીને અંદર વીતરાગતા વર્તતી હોય.

પોતાનું અંતિમ લક્ષ સંપૂર્ણ વીતરાગતાએ પહોંચવાનું છે, તેમાં પ્રસ્તુત સંકલન વીતરાગતા પામવાની સમજ બક્ષશે !

દીપકના જય સચ્ચિદાનંદ

કઈ દશાથી મોક્ષ ?

પ્રશ્નકર્તા : કઈ દશામાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વીતરાગ દશામાં મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : કયા સ્થાનકમાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વીતરાગ સ્થાનકમાં મોક્ષ મળે. વીતરાગ ધર્મથી મોક્ષ મળે.

વીતરાગતા જ ભવપાર તરવા માટે છે.

પૂર્ણતાની પ્રાપ્તિનાં લક્ષણ !

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક સ્ટડી કરનારો પૂર્ણતાએ પહોંચ્યો, એની કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. ગાળ ભાંડે તો ય વીતરાગતા અને ફૂલો ચઢાવે તો ય વીતરાગતા હોય. એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઈ ધર્મનું, કોઈ જીવનું પ્રમાણ ના દુભાય.

સ્વરૂપ સ્થિતિના લક્ષણ શું ? વીતરાગતા.

એક મિનિટ જ જો સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય તો તે ભગવાન થાય ! નિષ્પક્ષપાતી ગુણ એ તો વીતરાગતા છે.

જે વીતરાગ થયા હોય, તે માલિકીભાવ ના કરે. જ્યાં સુધી સત્યનો આગ્રહ, ત્યાં સુધી વીતરાગ ન ઓળખાય.

અડચણો સામે એડજસ્ટ !

'જ્ઞાની' તો સામો વાંકો હોય તો ય તેની જોડે 'એડજસ્ટ' થાય, 'જ્ઞાની પુરુષ'ને જોઈને ચાલે તો બધી જાતનાં 'એડજસ્ટમેન્ટ' કરતાં આવડી જાય. આની પાછળ 'સાયન્સ' શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઈ ગયા હોય તો વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તો ય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય તો એ આનાકાની કરતો હોય તો ય તેને ચાર આના ઓછા-વત્તા કરીને મનાવી લેવો પડે અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખેને ?

જે લોકો અડચણ આપે છે, એના પ્રત્યે 'સામો આવો કેમ થાય છે ?' એવું મનમાં થાય, અગર તો એવાં રસ્તા પણ કરવા જશો તો એમાં ભલીવાર નહીં આવે. રસ્તામાં લોક અડચણ કરવાના એવું માનીને જ આપણે આગળ ચાલવાનું છે અને પાછું લોકોની જોડે વીતરાગ રહેવાનું છે. એ લોકો અડચણ કરવાના. એ અડચણોને પાર કરી જવાની ને પાછું વીતરાગ રહેવાનું એટલું માનીને મોક્ષમાર્ગે ચાલવાનું છે. છતાં અમે જે મોક્ષમાર્ગ આપેલો છે એ બહુ સહેલો માર્ગ છે !

વિરોધનો ય વિરોધ નહીં !

ઘરમાં બધા એક થઈ ગયા, સામસામા સમાધાન કરીને પણ એક થવું, એનું નામ વીતરાગ ભાવ અને જુદા થવું તે રાગ-દ્વેષ !

જો આપણે સામાનો વિરોધ કરીએ તો સામો આપણા વિરોધના પક્ષમાં બેસી જશે ને એ એમાં વધારે મજબૂત થશે. એનાં કરતાં આપણે વિરોધ જ ના કરવો. વીતરાગતાથી જ ભગવાન છૂટેલા.

છેતરાઈને ય મોક્ષ ચૂક્યા નહીં !

'માનીને માન આપી, લોભિયાથી છેતરાય,

સર્વનો અહમ્ પોષી, વીતરાગ ચાલી જાય.'

અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય ! એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છૂટકારો થઈ ગયોને !! નહીં તો ય રૂપિયા કંઈ ઠેઠ આવવાનાં છે ?! એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દો ને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે, એટલે છેતરાવા દો ને ! અને એ છેતરવા આવ્યો છે, તેને કંઈ આપણાથી ના કહેવાય છે ? છેતરવા આવ્યો તેનું મોઢું શું કરવા દબાવીએ ?

'સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.' આ અહમ્ ના પોષીએ તો આ લોકો આપણને આગળ જવા જ ના દે ! 'અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું' એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દે ને ! એ તો 'તેં મારું કશું ધોળ્યું નહીં' કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહેજાસહેજ મળતો હોય તો સારી વાત છે, નહીં તો મા-બાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ મા-બાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય ! સમજીને છેતરાવાવાળા ઓછાં હોય ને ?

મોહ ભૂલાવે માર !

શાદી કરી, શાદીફળ ચાખ્યાં, હવે 'વીતરાગ' રહેવાનું છે. આ તો આંબાના ફળ ચાખ્યાં કે ખાટાં છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ? ના, એ તો કાયમ ખાટો જ રહેશે. એમ આ સંસાર એ ખાટો જ છે, પણ મોહને લીધે ભૂલી જાય છે. માર ખાધા પછી ફરી મોહ ચઢી જાય છે. એ જ ભૂલભૂલામણી છે. જો સ્વરૂપ અજ્ઞાન ગયું ને 'સ્વરૂપ જ્ઞાન' મળી જાય તો એ ભૂલભૂલામણી પજવે નહીં. 'જ્ઞાની પુરુષ' આત્મજ્ઞાન આપી દે એટલે ભૂલભૂલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય !

વ્યવહાર બધો, છતાં વીતરાગતા !

ક્રમિકમાર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઇ શુદ્ધાત્મા થાઓ અને અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઇને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધો ય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય.

શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં, એનું નામ 'નિશ્ચય' ! વ્યવહાર એટલો પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય.

'વાત' સમજીને સમાઈ જવું !

વ્યવહાર આદર્શ હોવો જોઇએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઇ જવાય. આ સંસાર તો મછવો છે, તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું કે આનાથી કિનારે જવાનું છે.

માટે વાતને સમજો. 'જ્ઞાની પુરુષ' પાસે તો ખાલી વાતને સમજવાની જ છે, કરવાનું કશું જ નથી ! ને જે સમજીને સમાઇ ગયો તે થઇ ગયો વીતરાગ !!

અંતે એ ગુણોથી પર થવું !

આ સદ્ગુણો-દુર્ગુણો, સુટેવો-કુટેવો એ વિનાશી છે, પણ જગતને એની જરૂર છે. જેને સંપૂર્ણ વીતરાગ થવું હોય, તેને એની જરૂર નથી !

જ્યાં આત્મા-પરમાત્મા સિવાયની બીજી કોઇ વાત ના હોય ત્યાં સાચો આનંદ છે; ત્યાં સંસારની કિંચિત્માત્ર વાત ના હોય કે સંસારમાં શી રીતે ફાયદો થાય, કેવી રીતે ગુણો ઉત્પન્ન થાય. લોકો સદ્ગુણો ઉત્પન્ન કરવા માગે છે. આ ગુણો, સદ્ગુણો-દુર્ગુણો એ બધું અનાત્મ વિભાગ છે અને વિનાશી છે. છતાં લોકોને તેની જરૂર છે. સૌ સૌની અપેક્ષાએ જુદું જુદું જોઇએ. પણ જેને સંપૂર્ણ વીતરાગપદ જોઇતું હોય તો આ બધા સદ્ગુણો-દુર્ગુણોથી પર થવું જોઇએ અને 'પોતે કોણ છે' એ જાણવું જોઇએ અને એ જાણ્યા પછી આત્મા-પરમાત્માની વાતોમાં જ રહેવું, એનાથી સંપૂર્ણ વીતરાગ દશા ઉત્પન્ન થાય.

નિશાની, સંદેહ ખલાસ થયાની !

પ્રશ્નકર્તા : ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો નથી.

દાદાશ્રી : હા, ઉદ્ભવે નહીં, એ વાત જુદી છે. એવું અમુક કાળ સુધી લાગે. પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે સંદેહ ઊભા થાય પાછાં. આ તો બધું ફરવાનું છે. બધું એક જ જાતનું ઓછું રહે છે ? જેમ દિવસ-રાત બદલાયા કરે છે, ટાઈમ નિરંતર બદલાયા કરે છે, તેવું આ અવસ્થાઓ બધી નિરંતર બદલાયા કરવાની !

એટલે સંદેહ માણસનો ક્યારે જાય ? વીતરાગ અને નિર્ભય થઈ ગયા પછી સંપૂર્ણ સંદેહ જાય. નહીં તો સંદેહ તો જાય જ નહીં. શાંતિ હોય ત્યાં સુધી અનુકૂળ લાગે. પણ ઉપાધિ આવે ત્યારે અશાંતિ ઊભી થાય ને ! ત્યારે પાછું બધું અંદરથી ગૂંચાઈ જાય ને તેથી બધા સંદેહ ઊભા થાય.

વીતરાગતા ત્યાં નિર્ભયતા !

વીતરાગ ક્યારે કહેવાય ? આ જગતમાં કોઈ ચીજ સંબંધી ભય ના લાગે ત્યારે.

વીતરાગ થવાનું છે તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે. બધાને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઊંઘ ના આવે. એટલો બધો ભડકાટ-ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ?

કુસંગથી છેટા રહેવું !

કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આ નવરો પડે ને કોઇ કુસંગ મળી જાય તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુઃખો છે તે એનાં જ છે. આપણને કોઇનું ય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું. કોઇ દુઃખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવા-દેવા ? આ તો રાજા હોય તો ય તેની કૂથલી કરે. પોતાને કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત ! ઉપરથી દ્વેષ અને ઇર્ષા અને તેનાં જ દુઃખો છે. ભગવાન શું કહે છે કે વીતરાગ થઇ જા. તું છે જ વીતરાગ, આ રાગ-દ્વેષ શાને માટે ? તું નામમાં પડીશ તો રાગ-દ્વેષ છે ને ? અને અનામી થઇ જઇશ તો વીતરાગ થઇ ગયો!

સંસારી નોંધ ઘટાડો, તો ય ....

હવે નોંધ ના કરે તો જગતમાં વીતરાગ થઈ ગયો. નોંધ ના કરે, એનું નામ વીતરાગ ! તે આપણે એવું નથી કહેતા કે 'તું સંપૂર્ણ નોંધ ના કરીશ.' પણ થોડીઘણી ઓછી કરીશ તો ય બહુ થઈ ગયું. એટલે પછી આપણને એમ માલમ પડે કે વીતરાગ થઈ ગયો લાગે છે. એના ઉપરથી આપણે એમ માનીએ કે કંઈક વીતરાગ દશા લાગે છે છતાં 'વીતરાગ' એવું ખરેખર બોલાય નહીં.

વ્યવહાર નાટકીય, તે મમતા વિનાના !

'ક્યાંય ન હોજો મમત લગારે'

મમત કેટલી જગ્યાએ હોય ? આ પ્યાલો કોઇ લઇ જતો હોય તો શું મમત નહીં રાખવાની ? એવું છે, કે એ લઇ જનારને કહીએ કે, 'જો ભાઇ, તું લઇ જાય છે, પણ આ તને નહીં મળે, આમાં તો મારું નામ છે.' અને પછી એ વાંચે અને કહે કે, 'હા, આપનું જ નામ છે ને લઇ લો.' તો જો તે આમ આપે તો ઠીક અને એ નામ વાંચીને પણ કહે કે, 'ના, હું નહીં આપું.' તો ત્યાં મમત નહીં કરવાની. મમત એટલે શું ? આગ્રહ કરે તે. નાટકી ભાષામાં કહેવાનું હોય કે, 'ભાઇ, મારું નામ પ્યાલા ઉપર છે' ને નામ વાંચીને તે આપે તો ઠીક, પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું, ત્યાં મમત નહીં રાખવાની. પણ આ લઇ જતો હોય તો ચૂપચાપ તેને લઇ જવા દે એવા વીતરાગ ન હોય. ચૂપચાપ ના લઇ જવા દે, એને 'વીતરાગ નથી' એમ નથી કહ્યું. નહીં તો આ તો પોતાની વસ્તુને ઉઠાવી જાય, પણ ત્યાં કહે, 'મારી વસ્તુ છે, મારે કામની છે.' બધું કહે; પણ તે કમ્પલીટ ડ્રામેટિક હોય, તે વીતરાગ છે. પણ આ નથી કહેતા કે મમતે ચઢ્યા છે ?! મમત એટલે આગ્રહે ચઢે તે. વીતરાગ માર્ગમાં મમત ના હોય, બીજા માર્ગમાં મમત હોય. એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે, 'બહાર અંધારું છે' ને તમે કહો કે, 'ના, અજવાળું છે !' હું ફરી કહું કે, 'જુઓને ભાઇ, હજી અંધારું છે.' એમ વિનંતી

કરી જોઉં; છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું. જો કોઇ કોઇનો ઉપરી હોત તો હું મારી-ઠોકીને મનાવું, પણ કોઇ કોઇનો ઉપરી નથી !

ત્યાં જ્ઞાની વર્તે વીતરાગ ભાવે !

પ્રશ્નકર્તા : એવો કોઈ પ્રસંગ બને કે આપણી બહેન કે વાઈફને કોઈ ઉઠાવી જતું હોય તો આપણે શું કરવાનું ? વીતરાગ રહેવાનું ? જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ?

દાદાશ્રી : તમારા હાથમાં જ ક્યાં છે તે ? આ 'ડિસ્ચાર્જ' છે. તે વખતે શુંનું શું ય થઈ જાય ! શુંને શું ય ગાળો દઈ દો ! એ તો અમારું ઉઠાવી જાય તો અમે વીતરાગભાવે રહીએ. તમારું તો ગજું જ નહીં ને? તમે તો હાલી ઊઠો.

પરિગ્રહોમાં રહ્યા અપરિગ્રહી !

અમારે કેવું હોય કે આ મકાન બળતું હોય તો ય પરિગ્રહ ના હોય ! સહજ હોય. આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઈ ઉપાડીને લઈ જાય તો અમે તેને વિનંતી કરીએ કે ભાઈ સવારનો ભૂખ્યો છું. જો ભૂખ્યા હોય તો વિનંતી કરીને માગીએ, ને છતાંય ઉપાડીને લઈ જ જાય તો અમને વાંધો નથી. માગવું એને પરિગ્રહ ના ગણાય. ભલે 'જ્ઞાની' હોઈએ પણ માગવું પડે. અમને જમવાની થાળીની મૂર્ચ્છા ના હોય. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, સત્સુખને પામે. પણ આજે આ લોકો આડી ગલીમાં પેસી ગયા છે. પણ એમાં એનો દોષ નથી. આ તો કાળચક્રને આધીન છે. અમને કોઈ દોષિત દેખાતા નથી. 'આ' મહીં જે છે, એ સંપૂર્ણ દરઅસલ વીતરાગ છે ! 'આ' તો અજાયબી ઊભી થઈ છે ! આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે વિક્રમ ટોચ પર છે !!!

એમાં 'પોસ્ટમેન'નો શી લેવા દેવા ?

અહીં તો કેટલાં પ્રકારની ચિંતાઓ- ઉપાધિઓ, ભય, ભય ને ભય ! જાણે દિવેલ પીધું હોય એવાં મોઢાં દેખાય છે. ઈન્કમટેક્ષનો કાગળ છે એવું ઈન્કમટેક્ષવાળા માણસને દેખે ત્યાંથી જ કંટાળે કે 'આ પાછો ક્યાં આવ્યો ?' એ એમ સમજે કે હવે ઈન્કમટેક્ષવાળો આવ્યો છે માટે કંઈનું કંઈ લફરું લાવ્યો હશે ! પણ જ્યારે કાગળ ફોડે ત્યારે મહીં રીફન્ડ આવ્યું હોય ! આ વગર કામનાં કેટલા આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે છે ! અને પછી પોતે જ બંધાય છે ! 'વ્યવસ્થિત'માં જે હશે તે આવે, પણ એમાં શા માટે ધ્યાન બગાડે છે !

હવે એ કાગળ જે લાવે છે એ ય વીતરાગ છે. આ પોસ્ટમેન કાગળ લાવે છે, તે લગ્નની કંકોતરી હોય તે ય આપી જાય, કાંણનો પત્ર હોય તો ય આપી જાય, વીતરાગ છે બિચારાં ! એ તો નોકરી કરે છે, એમને શું લેવાદેવા ? પણ એને ય આ ગાળો ભાંડે. બધું પોતાની જ જોખમદારી પર કરે છે ને ?

જગતની તમામ વસ્તુઓ વીતરાગ જ છે, પણ 'પોતે' જ રાગ-દ્વેષ કરીને વળગ્યો છે. ને પછી કહે છે માયા મને વળગી છે, માયા મને છોડતી નથી !

એ તરછોડ ના મરાય !

બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે 'હમકો નહીં ચાહીએ. લક્ષ્મીજીકો તો હમ ટચ (સ્પર્શ) ભી નહીં કરતા.' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી, પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં વર્તે છે એ જોખમ છે. બીજા કેટલાય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો 'વીતરાગ' છે. 'અચેતન વસ્તુ' 'વીતરાગ' જ છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈ પણ તરછોડ કરો પછી તે ચેતન હશે કે અચેતન હશે, તેનો મેળ નહીં ખાય. 'અમે અપરિગ્રહી છે' એવું બોલીએ પણ લક્ષ્મીજીને ક્યારેય નહીં અડું તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું 'નાક' કહેવાય. 'વ્યવસ્થિત'ના નિયમના આધારે બધા દેવ-દેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય.

ભ્રાંતિથી, નિર્દોષે ય દોષિત દેખાય !

આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે. ભગવાન ચલાવતા નથી, છતાં સ્ટ્રોંગ કાયદેસર છે. ભગવાનની હાજરીથી ચાલે છે આ. એટલે કોઈ પણ તમારી જોડે દોષ કરે તો તે તમારો જ પડઘો છે. દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાનાં જીવમાત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે. તમારા દોષથી એ રિએક્શન (પ્રત્યાઘાત) આવેલું છે. આત્મા ય વીતરાગ છે અને પ્રકૃતિ ય વીતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એટલું એનું રિએક્શન આવે.

વીતરાગ સ્વરૂપ સમજવું જ્ઞાની પાસે !

આત્મા વીતરાગ છે કે રાગ-દ્વેષવાળો ? આત્મા વીતરાગ છે ! તો પછી રાગ-દ્વેષ કેવી રીતના છોડાવો છો ? તું તો વીતરાગ જ છે ! તું કેવી રીતે વીતરાગ છે તે તું સમજ્યો નથી. માટે 'જ્ઞાની પુરુષ' પાસે તે સમજી આવ. તને આ સંસારના સંયોગોના ધક્કાથી મહીં ભ્રમણા ઊભી થઈ ગઈ છે !

આત્મા વીતરાગતા છોડતો નથી ને પુદ્ગલે ય વીતરાગતા છોડતું નથી. અવળી સમજણ થાય તો ફળ ભોગવવું પડે. 'રોંગ બિલિફ'નું ફળ દુઃખ ને રાઈટ બિલિફનું ફળ સુખ મળે !

ભૂલવાળો કોણ ? એ ભાન નથી !

આત્માનો ગુણ શો છે ? એનો ચિંતા કરવાનો ગુણ છે ? કે કષાય કરવાનો ગુણ છે ?

પ્રશ્નકર્તા : એ આત્માનો ગુણ નથી. ભૂલથી કષાય કરી બેસે છે.

દાદાશ્રી : આત્માની ભૂલ થાય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્મા તો પરમાત્મા જ છે. એ ભૂલ કરે જ ક્યાંથી ? અને આત્માની ભૂલ દેખાડનારા આપણે પાછાં એના ઉપરી કે ભઇ, આત્માએ ભૂલ કરી?! આત્માએ ભૂલ કરી એ વાક્ય 'ઇટસેલ્ફ' કહે છે કે આત્માએ ભૂલ કરી ને આપણે ચોખ્ખા, ભૂલ વગરના !(?) આત્મા પોતે જ પરમાત્મા છે, પોતે જ વીતરાગ છે. એ તો સ્વરૂપનું ભાન થયું નથી એટલે પોતે માને કે, 'હું ચંદુલાલ છું.' 'હું ચંદુલાલ છું' એ આરોપિત ભાવ છે, કલ્પિત ભાવ છે, 'રિલેટિવ' ભાવ છે. તો 'રિયલ'માં કોણ હશો તમે ? આ ચંદુલાલ એ તો 'રિલેટિવ' કહેવાય. 'રિલેટિવ'માં બહુ જાતના વિકલ્પો હોય; 'હું આમનો દીકરો થાઉં, માસો થાઉં, કાકો થાઉં' એમ ઘણા વિકલ્પો છે. જ્યારે 'રિયલ'માં કોઇ વિકલ્પ નથી. 'રિયલ'નું 'રિયલાઇઝ' કરવામાં આવે તો આપણને ખબર પડી જાય કે સ્વરૂપનું ભાન થયું, એટલે મોક્ષે જવાની તૈયારી થઇ.

રિયલમાં રહ્યા તો જ વીતરાગ કહેવાય. રિલેટિવમાં આવ્યો કે રાગ-દ્વેષ થાય.

અજ્ઞાનરૂપી દારૂનો અમલ !

પ્રશ્નકર્તા : એ વાતને તો આપણે માની લઈએ. પણ મૂળ શુદ્ધાત્મા જે છે, એની શક્તિ જો વધારે હોય તો પછી અમલ કેમનો ચઢે ?

દાદાશ્રી : પણ એની શક્તિ અત્યારે હોય જ નહિ ને ! અત્યારે તો મૂળ આત્મા સંપૂર્ણ ઉદાસીન છે.

પ્રશ્નકર્તા : પહેલેથી ઉદાસીન છે ?

દાદાશ્રી : એ કાયમને માટે ઉદાસીન જ છે, વીતરાગ જ છે. એ તો શું કહે છે કે 'તમને' જ્યાં સુધી આ બધું ગમે છે ત્યાં સુધી એ કરો ને ના ગમે તો મારું નામ યાદ કરો ને 'જ્ઞાની પુરુષ'નું કે ગમે તે અવલંબન લઈને મારી પાસે પાછાં આવતાં રહેજો. જ્યાં સુધી બહાર ગમે છે ત્યાં સુધી ભટકો, અનુકૂળ આવે ત્યાં સુધી ફરો. નહિ તો પછી 'પોતાની પાસે આવી જાવ', કહે છે.

એટલું જ જો સમજે ને કે 'દારૂ પીવે છે ને શેઠમાં ફેરફાર થઈ જાય છે' તો બધા ય પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. આમાં આ આટલો જ દારૂ પીવડાવ્યો છે કે 'તું ચંદુ છે, ચંદુ છે.' આ આટલો જ દારૂ પીધો, એનો 'તમારા'માં 'અહંકાર' ઊભો થઈ જાય કે 'હું ચંદુ છું' એવો અહંકાર પછી ઊભો થયા કરે છે. એટલે આ તો બધો અમલ થયેલો છે ને વાતે ય બધી અમલની કરે છે. કેફમાં ને કેફમાં બધી વાતો ચાલે ને એ વાતનો 'એન્ડ' જ ના આવે !

આત્મા જાણવો, જ્ઞાની કને !

લોકોએ માની લીધું કે આત્માને ઈચ્છા થાય છે. પછી પાછો એમ કહે છે, 'મારી ઈચ્છા બંધ થઈ ગઈ.' ઇચ્છા જો આત્માનો ગુણ હોય તો પછી કોઈનેય બંધ થાય જ નહીંને ! આ તો વિશેષ પરિણામ છે ! છતાં, આત્મા વીતરાગ રહ્યો છે ! લોકોને એની ખબર જ નથી, એ તો એમ જ કહે છે કે મારો આત્મા જ આવો બગડી ગયો છે, મારો આત્મા પાપી છે, રાગી-દ્વેષી છે. હવે કેટલાક લોકો આત્માને ચોખ્ખો જ કહે છે, એ પાછા બીજી રીતે માર ખાય છે. આત્મા ચોખ્ખો જ છે, એટલે કશું કરવાનું જ નથી. ત્યારે મંદિર શું કરવા જાય છે ? પુસ્તકો શું કરવા વાંચે છે ? હવે આ બન્નેય રખડી મર્યા છે. આત્મા તેવો નથી. આ જ ઝીણી વાત છે. તેથી તો બધા શાસ્ત્રોએ કહ્યું છે, આત્મજ્ઞાન જાણો ! આત્મા પોતે જ પરમાત્મા છે.

આત્માની સ્થિતિ કાયમ એવી જ !

એક અજ્ઞાશક્તિથી આ જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે છે. ઠેઠ મોક્ષે જતાં સુધી એ અજ્ઞાશક્તિ મંદ થાય એવી નથી. 'ક્રમિક માર્ગ'માં છેલ્લે સ્ટેશને અજ્ઞાશક્તિ વિદાય લે ત્યારે પ્રજ્ઞાશક્તિ હાજર થઈ જાય. અને અહીં આ 'અક્રમ માર્ગ'માં અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે પહેલી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે. આ પ્રજ્ઞાશક્તિ જ તમને મોક્ષે લઈ જશે. આમાં આત્મા તો તે જ છે. ત્યાં ય વીતરાગ છે ને અહીં પણ વીતરાગ છે. માત્ર આ શક્તિઓ જ બધું કર્યા કરે છે.

મોક્ષ, ધર્માધર્મથી પર !

મોક્ષે જવા માટે તો અધર્મનો અને ધર્મનો બંનેનો નિકાલ કરવાનો. ધર્માધર્મ એ દેહનો, મનનો, બુદ્ધિનો, પ્રકૃતિનો સ્વભાવ છે; અને આત્માનો વીતરાગ સ્વભાવ છે. જો તમારે વીતરાગ સ્વભાવમાં રહેવું હોય તો ધર્મ જોડે પ્રેમ ના માંડશો ને અધર્મ જોડે કચકચ ના કરશો. 'ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એન્ડ રિયલ ઇઝ પરમેનન્ટ!'

ફેર સાક્ષીભાવ, દ્રષ્ટાભાવમાં !

પ્રશ્નકર્તા : સાક્ષીભાવ એટલે અંત આવી ગયો ને ?

દાદાશ્રી : બધી બાબતમાં સાક્ષીભાવ રહેવો જોઈએ. 'ચંદુભાઈ નાલાયક છે' એમ કહેતાંની સાથે જ સાક્ષીભાવ રહે નહિ. ગજવું કપાય તો ય સાક્ષીભાવ રહે નહિ, કારણ કે અહંકારથી સાક્ષીભાવ રહે છે. સાક્ષીભાવનો અર્થ શો છે ? ખરી રીતે સાક્ષીભાવ એ એક વીતરાગ થવાનું સ્ટેપ છે, સાચું સ્ટેપ છે. સાક્ષીભાવ અને દ્રષ્ટાભાવમાં ઘણો ફેર છે.

'પોતે જ શિવ' તે આત્મ અનુભૂતિ !

વાત તો એક દહાડો સમજવી પડશે ને ? બાકી, છેવટે આત્મા તો જાણવો પડશે ને ? આત્મા જાણેને એટલે પેલી જીવ-શિવની ભેદબુદ્ધિ તૂટી ગઈ, ને જીવ-શિવની ભેદબુદ્ધિ તૂટી તો ભય તૂટી જાય, ને પછી વીતરાગતા રહે.

ભગવાન જુદાં ને હું જુદો, કહે તો ક્યારે પાર આવે ? એ તો અનંત અવતારથી છે જ ને ? એ તો હું ને તું બે છે જ ને ! 'તું હી, તું હી' કેટલાંય અવતારથી ગા ગા કર્યા કરે છે.

તમે જ તો આ જગતના માલિક છો ! પણ આ તો આખું માલિકીપણું ઊડી જાય છે ! કઈ જાતનું છે આ ? ! એટલે 'હું જ શિવ છું' એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ. 'હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયું, એનું નામ અનુભૂતિ ! 'હું જીવ છું' એ તો જીવમાત્રને ભાન છે જ.

એ ત્રણે દશામાં 'પોતે' એનો એ જ !

પુદ્ગલમાં જ, વિનાશી ચીજોમાં જ સુખ છે એવું માન્યું છે, ત્યાં સુધી 'એ' જીવાત્મા. અને એ માન્યતા પૂરી થઇ અને સનાતનમાં સુખ છે એ માન્યતા શરૂ થઈ એટલે 'પોતે' અંતરાત્મા થયો. અને પરમાત્મા એટલે શું ? 'જે' વીતરાગ થઇ ગયા, કોઈની જોડે રાગ-દ્વેષ નહીં તો એ પરમાત્મા કહેવાય. ત્યારે અંતરાત્મા કોણ ? ત્યારે કહે, વીતરાગ થવાની 'જેને' દ્રષ્ટિ છે, તે અંતરાત્મા. અને આ ભૌતિક સુખોની 'જેને' લહેર પડે છે અને રાગ-દ્વેષ જ કર્યા કરે છે એ જીવાત્મા છે ! આમાં આપને સમજાયું ને ?

બેને છૂટા પાડી કરાવે આત્મઅનુભવ !

આત્મા જૈનેય નથી ને વૈષ્ણવેય નથી. આત્મા વીતરાગ છે. આ વીતરાગ ધર્મ છે.

આત્મા પોતે અનંત કાળથી વીતરાગ જ છે, ક્યારેય એના ગુણધર્મ બદલાયા જ નથી. આત્મા-અનાત્મા 'મિક્ષ્ચર' સ્વરૂપે અનાદિથી રહ્યા છે, 'કમ્પાઉન્ડ' નથી થઇ ગયા. એ તો 'જ્ઞાની પુરુષ' બંનેને છૂટા પાડી આપે તો અસલ આત્માનો અનુભવ થાય. એક પણ અનાત્માનું પરમાણુ આત્મામાં હોય ત્યાં સુધી અનુભવ ના થાય.

સ્વભાનથી થાય વીતદ્વેષ !

હું 'ચંદુલાલ' એ જ આરોપિત જગ્યાએ રાગ છે અને બીજી જગ્યાએ દ્વેષ છે. એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે. એક બાજુ રાગ હોય તો તેની સામી બાજુએ સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ શુદ્ધાત્માનું લક્ષ બેસાડીએ એટલે તે જ ક્ષણે તે 'વીતદ્વેષ'માં આવ્યો અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વીતરાગ થતો જાય. વીતરાગ એટલે મૂળ જગ્યાનું સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે.

જ્ઞાનવિધિથી લક્ષ બેઠું વીતરાગનું !

'હું ચંદુલાલ છું' એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને 'શુદ્ધાત્મા'નું ભાન થયું ને જ્યાં છું ત્યાં 'હું છું' બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી 'બહારનું' રિલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? 'હું શુદ્ધાત્મા છું' એ અથવા 'દાદા' યાદ આવે તો એ ય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે, તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ, એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ (જ્ઞાન મળ્યા પછી) ગજબનું પદ તમને આપ્યું છે !

રાગ જુદો, આકર્ષણ જુદું !

પ્રશ્નકર્તા : આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે, એ ત્યારે શું ?

દાદાશ્રી : આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, ને લોકો કહે છે કે મારો આત્મા રાગી-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઇલેક્ટ્રિકલ બોડી છે, તે જ્યારે મળતાં પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. એને લોક કહે છે કે, 'હું ખેંચાયો', 'મને રાગ થાય છે'; પણ એમાં આત્મા જરા ય ખેંચાતો નથી. આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, એ તો પોતે વીતરાગ જ છે. વીતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને પોતે જાણે કે પૂતળું ક્યાં ખેંચાયું ને ક્યાં ના ખેંચાયું. આ વીતરાગોનો મત નિર્મળ, શુદ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે.

દ્વન્દ્વોમાં ય વર્તે સમ દ્રષ્ટિ !

વીતરાગપણું ક્યાં છે ? બંને ય, વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે. અમે 'નંગોડ' શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બંને ય જોડે તમારે ફાવટ કરી લેવી પડશે, પછી કોઇ તમને બેમાંથી એક આપે તો ય તમને તે અડશે નહીં. બહાર જો બંને ય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધા ય પાયા તો સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તો ય તેને ટેકો લગાવવો પડે છે ને ? જ્યારે આ બંને ય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાં ય ભેદ કેમ ? આ દ્વંદ્વથી તો જગત ઊભું રહ્યું છે. વખાણવું ને વખોડવું એ બંને દ્વંદ્વ છે. બંને દ્વંદ્વોથી દ્વંદ્વાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.

રાગ-દ્વેષ ગયા તો અપરિગ્રહી !

જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં સંસાર છે. જ્યાં રાગ-દ્વેષ નથી, ને પછી તે રાજમહેલમાં રહે કે હોટલમાં રહે, તો ય તે અપરિગ્રહી છે. ને ગુફામાં રહેતો હોય ને એકે ય પરિગ્રહ ના દેખાય, છતાં તેને જો રાગ-દ્વેષ હોય તો તેને ભગવાને પરિગ્રહી કહ્યો છે. રાગ-દ્વેષ જાય તે વીતરાગ થઇ જાય. 'હું ચંદુ છું' એ પરિગ્રહ છે. રાગ-દ્વેષ એ જ પરિગ્રહ છે અને 'હું શુદ્ધાત્મા છું' એ અપરિગ્રહ છે.

રાગ-દ્વેષથી બંધાય કારણદેહ !

કારણદેહ સમજાય તેમ છે. જન્મથી જ ઉત્પન્ન થાય, અંદરથી જ થાય છે. હવા ખાય ત્યાંથી જ શરૂ થાય છે. ત્યાંથી જ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. નાનપણથી જ ગમો-અણગમો હોય છે. રાગ-દ્વેષથી પરમાણુ ખેંચાય. વીતરાગતાથી ના ખેંચાય. પરમાણુ ખેંચાતાં પૂરણ થતાં કારણદેહ થાય. અત્યારે જે દેહ દેખાય છે તે પૂર્વભવનો કારણદેહ. જ્ઞાની પુરુષને કારણદેહ દેખાય અને તેમનામાં એટલું બધુ સામર્થ્ય હોય કે કારણદેહને બંધાતો બંધ કરી આપે, સીલ મારી આપે. પછી નવો કારણદેહ ના બંધાય.

માત્ર દ્રષ્ટિ જ બદલવાની !

સંસાર એટલે રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ ને વીતરાગ દ્રષ્ટિથી મોક્ષ. વીતરાગ દ્રષ્ટિનું માપ શું ? જગત આખું નિર્દોષ દેખાય તે.

આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય તેમ આ માણસો ગંધાય છે, તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે તમે અમારી જોડે વીતરાગ રહો !

સ્વરૂપજ્ઞાનનું પરિણામ !

શુદ્ધાત્મા થયા તો સ્પંદન થવાનું બંધ થાય, ને સ્પંદન બંધ થયાં તો ધીમે ધીમે પ્રકૃતિ સહજતામાં આવશે. બન્ને સહજતામાં આવી જાય એનું નામ વીતરાગ.

'શુદ્ધાત્મા' તો શુદ્ધાત્મા જ છે, વીતરાગ છે. પણ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે, એણે વીતરાગ થવાનું છે. પ્રકૃતિ 'વીતરાગ' થવા 'શુદ્ધાત્મા'નું જ્ઞાન થવું જોઈએ.

પ્રાકૃત ધર્મો : રિયલ ધર્મ !

આ બધા 'રિલેટિવ' ધર્મો છે, તે બધા પ્રાકૃત ધર્મો છે. જેને ભય ગમતો હોય. તેને માટે પ્રાકૃત ધર્મો બરાબર છે, પણ જેને નિર્ભયતા જોઈતી હોય, વીતરાગતા ગમતી હોય, તેને રિયલ ધર્મમાં આવવું પડશે.

વીતરાગ રહેવા પ્રકૃતિ ઓળખો !

સામાની પ્રકૃતિનું ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિનું ઓળખાણ થવું એ 'જ્ઞાન' અને જ્ઞાન થવું એટલે વર્તનમાં આવે.

પ્રકૃતિને વાળવી સમજણથી !

પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાંડનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જ એ કૂદાકૂદ કરે કે ખાંડ લઇ આવીએ, ખાંડ લઇ આવીએ. ખાંડનો કંટ્રોલ આવવાનો છે એમ કહે, ને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઇ આવીશું. છતાં ય એ કહે, ના. એવું છે. પ્રકૃતિ તો બાળક જેવી છે. પ્રકૃતિ વૃદ્ધ જેવી છે અને બાળક જેવી પણ છે. સમજાવવા માટે બાળક જેવી છે. અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઇ દ્રષ્ટિએ ?

દાદાશ્રી : વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમ્મે તેટલાં મોટાં લશ્કર આવે ત્યારે એ ના છોડે, પકડી રાખે. અને છોડી દે તો સહજમાં છોડી દે. એ 'અમે' જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં, વીતરાગી કહેવાય. પણ પ્રકૃતિ ચેતનભાવને પામેલી છે, મિશ્રચેતન છે.

પ્રેક્ટિસ નહીં, દ્રષ્ટિ બદલવાની જરૂર !

પ્રશ્નકર્તા : જે ખોટી વસ્તુ છે, એ ત્યજવી જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.

દાદાશ્રી : જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીના દ્વન્દ્વ કાઢી નાખવા પડશે. અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો દ્વેષ કરો, તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો. અને શુદ્ધમાં સારી-ખોટી બન્ને ઉપર રાગ-દ્વેષ નથી રાખવાનો. કારણ કે વસ્તુ સારી-ખોટી છે જ નહીં, આ તો દ્રષ્ટિની મલિનતા છે. આ સારી દેખાય છે ને આ ખરાબ દેખાય છે, એ જ દ્રષ્ટિની મલિનતા છે અને એ જ મિથ્યાત્વ છે. એટલે દ્રષ્ટિવિષ ખલાસ થવું પડે. એ દ્રષ્ટિવિષ અમે કાઢી આપીએ છીએ. એ દ્રષ્ટિવિષ જાય પછી આત્માનું લક્ષ પમાય. નહીં તો આત્માનું લક્ષ પામવું એ કંઈ જેવી તેવી વાત છે ! અને વીતરાગતા આવવી જોઈએ, રાગ-દ્વેષ જ ના થવા જોઈએ. રાગ-દ્વેષ બંધ કરવાની 'પ્રેક્ટિસ' કરવાથી બંધ થતા નથી. એને બંધ કરવાની 'પ્રેક્ટિસ' કર્યા કરીએ અને રાગ-દ્વેષ બંધ થાય એવું કદી બને નહીં. વીતરાગ એ તો દ્રષ્ટિ છે ! અત્યારે આ તમારી રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ છે; અને અમારી વીતરાગ દ્રષ્ટિ છે. એટલે ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. આખો દ્રષ્ટિફેર જ છે. અને 'જ્ઞાની પુરુષ' સહેજમાં એ દ્રષ્ટિ બદલી આપે ! ત્યારે પછી મુક્તિ અનુભવમાં આવે !

ત્યાં નથી ત્યાગાત્યાગ !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'ને 'ત્યાગાત્યાગ' સંભવે નહીં, એ સમજાવો.

દાદાશ્રી : એટલે શું કે આ અહીં જમવાની થાળી આવી હોય ને તેમાં કઢી ખારી આવી તો 'જ્ઞાની' તેનો ઉકેલ લાવી નાખે. અને કઢી બહુ સારી આવી, સ્વાદિષ્ટ આવી તો ય તેનો ઉકેલ લાવી નાખે. ત્યાં આગળ 'આનો મને ત્યાગ છે' એમ ના કહે. ત્યાગ કહ્યું એટલે તિરસ્કાર કહેવાય અને અત્યાગ એ રાગ છે. 'જ્ઞાની'ને રાગ કે દ્વેષ કશું જ ના હોય માટે 'જ્ઞાની'ને ત્યાગાત્યાગ સંભવે નહીં. જે આવ્યું તે વીતરાગ ભાવે સ્વીકારી લે ને તેનો ઉકેલ લાવી નાખે. આપણે તો નિકાલ કરીને ઉકેલ લાવવાનો છે.

ગમે તે લિંગમાં વીતરાગ થાય !

ત્યાગીલિંગ અને ગૃહસ્થલિંગ એમ બે લિંગો કહ્યા. જ્યારે ત્યાગીલિંગમાં કેફ વધી જાય ત્યારે ગૃહસ્થલિંગમાં (જ્ઞાન) પ્રકાશ થઇ જાય અને ગૃહસ્થલિંગમાં કેફ વધી જાય ત્યારે ત્યાગીલિંગમાં પ્રકાશ વધી જાય. ભગવાને શું કહ્યું છે કે, 'ગમે તે દશામાં વીતરાગ થઇ શકે છે, ગમે તે લિંગમાં વીતરાગ થઇ શકે છે. અરે, સ્ત્રી પણ સંપૂર્ણ વીતરાગ થઇ શકે છે, ફક્ત મનુષ્યપણું હોવું જોઇએ. એમાં કોઇ લિંગનો કે દશાનો ઇજારો નથી હોતો.'

ત્યાગ, વીતરાગતાથી ઉદય કર્મથી !

ભગવાને કહેલું કે એક પ્રકારનો ત્યાગ તે કહેવાય કે જે ઉદયકર્મ કરાવે અને તે ત્યાગ વીતરાગતાનો નહીં. ઉદયકર્મ ઉપવાસ કરાવે, સામાયિક કરાવે, તો કહે કે, મેં કર્યું. પ્રકૃતિ જે જે પરાણે કરાવે તે બધું જ ઉદયકર્મ આધીન છે. પ્રકૃતિ જે ત્યાગ કરાવે, તેનાથી આત્મા ઉપર શો ઉપકાર ? તેને વીતરાગતાથી ત્યાગ્યું ના કહેવાય. વીતરાગતાનો ત્યાગ તે અંતર ત્યાગ છે, એમાં કેફ ના હોય; જ્યારે ઉદયકર્મને આધીન ત્યાગ થાય ને કહે કે, 'મેં ત્યાગ્યું.' તે તો નર્યો અહંકાર જ કહેવાય. આવા ત્યાગથી તો નર્યો કેફ ચઢે. ત્યાગનો જે કેફ ચઢે તે તો ભારે સૂક્ષ્મ કેફ. એ કેફ તો અત્યંત કષ્ટથી પણ ના ઊતરે, તો પછી મોક્ષ તો ક્યારે થાય? નિષ્કેફીનો મોક્ષ થાય, કેફીનો નહીં. એના કરતાં દારૂડિયાનો સ્થૂળ કેફ સારો કે પાણી છાંટીએ એટલે તરત જ ઊતરી જાય. લોકો ત્યાગ-વૈરાગ્ય કરીને ય રઝળપાટ કરે છે, મોક્ષ તેમ મળવો સહેલો નથી.

જેટલાથી વીતરાગ થયો એટલામાં જાગૃતિ વર્તે ને રાગ-દ્વેષ છે ત્યાં જાગૃતિ વર્તે નહીં.

એ માત્ર જોઈને જ શીખાય !

'વીતરાગતા' 'કરવા'થી શીખાય નહીં, 'વીતરાગતા' 'જોઈને' શીખવાની છે. 'વીતરાગતા' કરવા જેવી ચીજ નથી, જાણવા જેવી ચીજ છે ! જેમાં કંઈ પણ કરવાનું છે, તે બધાં પૌદ્ગલિક સાધનો છે. ભગવાનને ત્યાં તો પૌદ્ગલિક કોઈ સાધન મોક્ષે લઈ જવા માટે કામ લાગે નહીં.

જ્ઞાની મળ્યા પછી....

જ્ઞાની પુરુષ મળ્યા પછી તો ગમે તેવા ક્લેશના વાતાવરણમાં ય મહીં ક્લેશ ઊભો જ ના થાય ને !

આ 'દાદા'એ મહાત્માઓને કેવું જ્ઞાન આપ્યું છે ! ક્યારેય ક્લેશ ના થાય અને વીતરાગી સુખ રહે ! ક્લેશ ભાંગ્યો, તેનું નામ જ મુક્તિ. અહીં જ મુક્તિ થઈ ગઈ !

જ્ઞાની પુરુષની આજ્ઞા એજ....

પ્રશ્નકર્તા : એવું કેમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ વીતરાગ સમાયેલો છે ?

દાદાશ્રી : એ આજ્ઞા સિવાય બીજો રસ્તો જ નથી ને ? જ્ઞાનીની આજ્ઞા જે પાળતો નથી તે મોક્ષે જવાને લાયક નથી. જ્યારે લાયક થશે ત્યારે એ આજ્ઞા પાળી શકશે. નહીં તો સ્વચ્છંદ ઊભા થાય. તેથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે :

''રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ,

પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.

પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય,

અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.''

જાતે રોકવા જશે તો બમણો થશે અને 'જ્ઞાની પુરુષ'ની પાસે એમની આજ્ઞાનું આરાધન કરવું તો સ્વચ્છંદ ખલાસ થાય. એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.

પ્રશસ્ત મોહ, છોડાવે સંસાર મોહ !

પ્રશ્નકર્તા : આ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીએ દૂર કર્યા તે એમનો મોહ હતો માટે. તો એ કઈ 'ટાઈપ'નો મોહ કહેવાય ?

દાદાશ્રી : એ પ્રશસ્ત મોહ હતો. જે મોક્ષે જનારાં હોય તેની પરે ય મોહ થઈ જાય. તેને પ્રશસ્ત મોહ કહ્યો. છેવટે એ પ્રશસ્ત મોહ નુકસાનકારક નથી. એ 'વસ્તુ' આપી દેશે. જરાક જ્ઞાન મોડું થાય, પણ તેનો વાંધો શો છે ?

વીતરાગો ઉપર મોહ, જેનાથી વીતરાગતા આવે એવી બધી વસ્તુ પર મોહ, એનું નામ પ્રશસ્ત મોહ. પછી એ મોહ મૂર્તિ ઉપર કેમ ના હોય, પણ એ વીતરાગતા લાવનારી વસ્તુ છે માટે એ પ્રશસ્ત મોહ કહેવાય.

પ્રશ્નકર્તા : આપના ઉપર મોહ હોય તો તે પ્રશસ્ત કહેવાય ને ?

દાદાશ્રી : હા, 'જ્ઞાની પુરુષ' ઉપર મોહ તે તો બહુ ઉત્તમ કહેવાય.

સિદ્ધાંત ભગવાન મહાવીરનો !

વીતરાગ થવા માટે પહેલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થવું જોઈએ. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે ચિંતા જ ના થાય, સંસારમાં રહે છતાં ચિંતા ના થાય. મહાવીર ભગવાનનો સિદ્ધાંત આટલો સરળ છે, પણ જો 'જ્ઞાની' હોય તો પ્રાપ્ત થઈ જાય. અને 'જ્ઞાની' ના હોય તો કરોડો ઉપાયે પણ ભગવાનના સિદ્ધાંતનો એક અંશ પણ પ્રાપ્ત થાય એવો નથી.

.... એવી વિધિ હિતકારી !

પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં ના હોય, તો પછી સમતા જ કહેવાય ને ?

દાદાશ્રી : પણ અજ્ઞાનદશામાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં. એ તો હોય જ. એના માટે સામાયિક કરતા પહેલાં પહેલો નિયમ કરવો પડે. ''હે ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છું. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગ ભાવ આપો.'' આમ વિધિપૂર્વક કરે તો કામ થાય.

એને સંસારમાં કોણ આંતરે ?

સંસારનો પાયો રાગ-દ્વેષનો છે અને 'જ્ઞાન'નો પાયો વીતરાગતાનો છે !

જેને વીતરાગ જ થવું છે તેને કોણ આંતરી શકે ? રાગ-દ્વેષ કરે જ નહીં તો તેને કોણ આંતરે ? આખું જગત ફરી વળેને તો ય 'વીતરાગતા' એવી શક્તિ છે કે કોઈ વસ્તુ એને ચોંટે નહીં !

એ બન્ને વચ્ચે વર્તે વીતરાગ !

પરમ ઉપકારકર્તા પર કિંચિત્માત્ર રાગ નહીં ને પરમ ઉપસર્ગકર્તા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં એવું વીતરાગ ચારિત્ર જાણવાનું છે.

વચ્ચે ડખલ અહંકારની !

જ્ઞેય વસ્તુઓ વીતરાગ છે, જ્ઞાતા ય વીતરાગ છે ને વચ્ચે અહંકાર છે તે રાગ-દ્વેષ કરાવે છે. અહંકાર ઊડી ગયો એટલે જ્ઞેય જોડે વીતરાગી ભાવ રાખવાનો. જ્ઞેયને તરછોડ મારીએ તો એ પણ તરછોડ મારે. છતાં, મહીં પૌદ્ગલિક ભાવો ખરાબ નીકળે તો પ્રતિક્રમણ કરવાનું 'તમારે' કહેવું.

કષાયોનો ક્ષય, ત્યાં વીતરાગતા !

ક્રોધ-માન-માયા-લોભમાં ના રહે તો સાચી વીતરાગતા. એ સિવાય જે વીતરાગતા રહે તે અહંકારી વીતરાગતા.

બહારનું 'પેકીંગ' ક્રોધ-માન-માયા-લોભના આધારે છે, ને મહીં શુદ્ધાત્મા છે તે વીતરાગ છે.

ઉછીનો વ્યવહાર કેમ પોષાય ?

માન પામ્યા પછી અપમાને ય એટલું જ પામવાનો. આ ભવમાં, નહીં તો આવતા ભવમાં આવવાનું. સહેજ પણ પુદ્ગલનું સુખ તમે ચાખ્યું તો તેટલું તમારે પાછું આપવું પડશે. માટે વીતરાગ થઈ જાવ.

ખાવાની કે બીજી કોઈ ચીજની ભાવના જ ના હોવી જોઈએ. પૌદ્ગલિક સુખની તમન્ના, અરે એનો વિચાર જ ના આવવો જોઈએ. કારણ કે એ ઉછીનો વ્યવહાર પોષાય તેમ નથી. એ પાછું માગે ત્યારે આપી શકાશે નહીં. પુદ્ગલ પોતે વીતરાગ છે. તમે તેને જ્યારથી લાવશો ત્યારથી ઉછીનો વ્યવહાર શરૂ થઈ જાય છે.

એ શરૂઆત ક્યાંથી થાય ?

વીતરાગ કોને કહેવાય ?

'સમભાવે નિકાલ' કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વીતરાગ થાય, ત્યાં સુધી વીતરાગ કહેવાય. અરે, 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વીતરાગતાની શરૂઆત થાય, તે ઠેઠ સંપૂર્ણ વીતરાગ થાય ત્યાં સુધી વીતરાગતા કહેવાય !

પ્રશ્નકર્તા : સંસારમાં મોટામાં મોટું કાર્ય આ 'ફાઈલોનો સમભાવે નિકાલ' કરવાનું છે તે છે ને ?

દાદાશ્રી : હા. આ 'ફાઈલો'ની જ ભાંજગડ છે. આ 'ફાઈલો'થી જ તમે અટક્યા છો. આ ફાઈલો એ જ તમને આંતર્યાં છે. બીજું કોઈ આંતરનાર નથી. બધે વીતરાગ જ છો તમે.

આજ્ઞામાં રહેવાથી....

આ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાય શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થતા હોય, તેનું શુદ્ધિકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધિકરણ થાય અને સમતામાં રહેવાય.

દરેક વખતે ભૂલ પોતાની ખોળો !

પ્રશ્નકર્તા : સત્સંગમાં પેલી ફાઈલોનો સમભાવે નિકાલની વાત નીકળેલી, જો કે વિનમ્રતા દાખવી એ અને ચીકણી ફાઈલ વધારે ઉછળતી હોય તો ત્યાં વિનમ્રતા દેખાડવાની જરૂર નથી. ઊલટો એ વધારે અવળો ચાલે.

દાદાશ્રી : એવી કંઈ જરૂર હોતી નથી પણ લેવલ કાઢવું મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : આ કેવી રીતે લેવલમાં રાખવું ?

દાદાશ્રી : એ તો દરેક માણસ એમ જ કહે, સામાની જ ભૂલ કાઢેને ! ભૂલ પોતાની જ છે, પણ તે એમને મેં કહ્યું ને, કે વિનમ્રતા નહીં કરવાની. વીતરાગ ભાવે એની જોડે રહેવાનું. કઠણે ય વીતરાગ ભાવ હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એ રહેવું મુશ્કેલ ને ? એ કઈ રીતે રહી શકાય ?

દાદાશ્રી : સરસ રીતે રહી શકે. આપણો દોષ ના હોય તો બધું ય રહેવાય. આપણાં દોષ છે ત્યાં કશું રહેવાય નહીં. મૂળમાં દોષ જ આપણો હોય છે. જે બીજા ઉપર દોષ ઢોળવા ફરે છે, એનો જ દોષ હોય છે. આ તો પોતાની સેફસાઈડ ખોળે છે !

આ બીજા તો આપણું જ પ્રતિબિંબ છે. કોઈ આપણને કશું કહે નહીં. આપણા જ ગુનાથી કહે છે. દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે અને તે તમારો ગુનો સમજાતો નથી એટલે પારકાનો ગુનો જુઓ છો અને પારકાનો ગુનો જોવો એ મોટામાં મોટી અજ્ઞાનતા છે ! અમે આટલો વખત કહે કહે કરીએ છીએ કે આખું જગત નિર્દોષ છે ને પછી દોષ કાઢીએ તો મૂર્ખ ના કહેવાઈએ ? તને નથી લાગતું કે આ થિયરી વીતરાગની છે ?

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ વીતરાગની થિયરી !

દાદાશ્રી : પોતાના દોષ જોનારાં માણસ જીતીને મોક્ષે ચાલ્યા ગયેલા. પોતાના દોષ વગર કશું કોઈ કહે જ નહીં આપણને ! એટલે જાગૃત રહેજે.

જોવું રાગ-દ્વેષ વિનાનું, તે સત્તા કેવળની !

આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચાર આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર દ્વેષ નથી. સારું-ખોટું કહેવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી.

એટલે જ્ઞાનીઓ શું જુએ ? આખા જગતને નિર્દોષ જુએ. કારણ કે આ બધું 'ડિસ્ચાર્જ'માં છે. એમાં એમનો બિચારાનો શો દોષ ? તમને કોઈ ગાળ ભાંડે તે 'ડિસ્ચાર્જ'. 'બોસ' તમને ગૂંચવે, તે પણ 'ડિસ્ચાર્જ' જ છે. બોસ તો નિમિત્ત છે. કોઈનો દોષ જગતમાં નથી. જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે અને એ જ 'બ્લંડર્સ' છે અને તેનાથી જ આ જગત ઊભું રહ્યું છે. દોષ જોવાથી, ઊંધુ જોવાથી જ વેર બંધાય છે.

'રિલેટિવ'ને જુએ - જાણે તે વીતરાગ ચારિત્ર. જુએ - જાણે છતાંય રાગ-દ્વેષ ના થાય.

'જાણવાનું' રહ્યું માત્ર રિલેટિવને !

પ્રશ્નકર્તા : 'રિલેટિવ'ને જાણવાનું ને 'રિયલ'ને પણ જાણવાનું છે ?

દાદાશ્રી : ના, 'રિયલ'નું આરાધન કરવાનું છે અને 'રિલેટિવ'ને જાણવાનું છે ! જાણવા જેવું એકલું 'રિલેટિવ' જ છે. આ 'રિયલ' તો અમે તમને જણાવી દીધું છે !

હવે આ જગત આખું 'જ્ઞેય' સ્વરૂપે છે અને તમે 'જ્ઞાતા' છો. (આ જ્ઞાન મળ્યા પછી) તમને 'જ્ઞાયક' સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ?! 'જ્ઞાયક' સ્વભાવ ઉત્પન્ન થયા પછી 'જ્ઞેય'ને જોયા જ કરવાનું છે !

તમારે હવે શુદ્ધાત્મા તરફ પ્રેમ રાખવાની જરૂર નથી. કારણ કે તમે તે રૂપ તો થઈ ગયા છો, હવે કોની જોડે પ્રેમ કરશો ? તમને જ્ઞાન- દર્શન ને ચારિત્ર શરૂ થઈ ગયું છે ! નહીં તો જોવા-જાણવા પર રાગ-દ્વેષ થાય ! જુએ-જાણે તેની પર રાગ-દ્વેષ ના થાય એ વીતરાગ ચારિત્ર કહેવાય.

ત્યાં રાખવી વીતરાગતા !

જે પરપરિણામમાં છે, જે 'ડિસ્ચાર્જ' રૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની છે. બીજો ઉપાય જ નથી !

'વિશેષ જ્ઞાન'થી ડખો થાય, 'સામાન્ય જ્ઞાન'થી વીતરાગતા થાય.

એનો ઉકેલ ભાવ પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : આક્રમણ અને અતિક્રમણમાં શો ફેર ?

દાદાશ્રી : બન્ને વચ્ચે ઘણો ફેર છે. અતિક્રમણનો દોષ એટલો નથી, આક્રમણનો દોષ ભયંકર છે. આ મહીં આડો અવળો વિચાર આવે છે એ અતિક્રમણ, પણ 'આને સીધો કરી નાખું, મારું જે થવાનું હોય તે થાય, પણ તારું તો કરી જ નાખું' એ બધા ભાવ તે આક્રમક ભાવ છે. સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આક્રમક ભાવ ના હોય, છતાં અતિક્રમણ થાય. જે સામાન્ય હોવું જોઇએ તેનાથી વિશેષ થાય, અતિ થાય, તે અતિક્રમણ. આક્રમક ભાવ ગયો એટલે વીતરાગતામાં આવ્યો.

એટલે આક્રમક ભાવ અને અતિક્રમણ ભાવમાં બહુ ડિફરન્સ છે, સ્વરૂપજ્ઞાન મળ્યા પછી કો'ક ઉપર અભાવભાવ થયા કરે અને મહીં વંટોળ જેવું જાગે, તેમાં આક્રમક ભાવ ના હોય. તેવા અભાવભાવ આક્રમણ કરાવીને નથી જતા, પણ અતિક્રમણ કરાવીને જાય છે; માટે તેમાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનાં બાકી રહે છે. એક ને એક વ્યક્તિ માટે આવા અતિક્રમણ, આવા અભાવભાવ હજાર હજાર વખત પણ આવે અને હજાર હજાર વખત આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તેની સામે કરે, તો જ તેવાં ભારે અતિક્રમણથી છૂટા થવાય. આ જ્ઞાન પછી રજમાત્ર પણ અભાવભાવ આપણામાં હોવો જ ના જોઇએ. હવે તો આપણે નવી લડાઇ કરવી નથી અને જે જૂની લડાઇ છે, એનો નિકાલ જ કરવાનો છે !

એ જાગૃતિ, પ્રતિક્રમણો કરાવે !

મન બગડવું કોને કહેવાય ? મન એકલું બગડતું નથી. આખું અંતઃકરણ બગડે છે. આખી પાર્લામેન્ટનો ઠરાવ થાય ત્યારે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. 'સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું' તેમ થાય. આ એકલા મનનું કારણ નથી. મન તો જ્ઞેય છે, વીતરાગી સ્વભાવનું છે. મન બગડી જાય તો પ્રતિક્રમણ કરી નાખવું. અંતઃકરણની પાર્લામેન્ટનો ઠરાવ થઇ જવો અને મન બગડવું એ બે જુદી વસ્તુ છે.

ઓફિસમાં પરમિટ લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં થાય કે, 'સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.' હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું, એને અમે જાગૃતિ કહીએ છીએ.

મન પણ ચોખ્ખું થયું, ત્યારે....

નાગમતું ચોખ્ખા મને સહેવાઇ જશે ત્યારે વીતરાગ થવાશે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?

દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે. એટલે શું કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઇ નાખે.

મનને ધ્યેય પ્રમાણે ચલાવો !

મનનું હઉ માનતો હોઈશ ને ? તું મનનું માને છે ? અમે તો એક અક્ષરે ય મનનું માનીએ તો તો આ બધાની જોડે વીતરાગતા શી રીતે રહે ? રહે ખરી વીતરાગતા ? તમારે ય મન બૂમ ના પાડે ?

પ્રશ્નકર્તા : બૂમ પાડે ને !

દાદાશ્રી : જે સંજોગો આવે એ સંજોગોને પતાવવાની જરૂર છે. નહીં તો આગળ જતાં ઉલ્ટાં વધતા જાય. એ મોકળા થતા જાય, માટે 'આવો' કહીએ, જે આવવું હોય તે આવો એ પછી મોકળા થતા જાય. એ છૂટે નહીં તો આ તો જિંદગીભર ના છોડે ને, આપણે એનાથી ભાગીએ તો ? ભાગીએ તો એ છોડે ?

આમાં તને શું લાભ મળ્યો ? નહીં તો એ નોકરી સાઠ વર્ષે કરવી પડશે. કારણ કે એ તિરસ્કારેલી વસ્તુ જો રહે તો એ સામી ઊભી રહેવાની. પતાવટ ના કરવી પડે ?

પૈણવું નથી એ વાત જુદી છે અને નોકરી નથી ગમતી એ વાત જુદી છે. નોકરી નથી ગમતી તો એક ધંધો કરવો જોઈએ. મનને કંઈક ખોરાક જોઈએ કે ના જોઈએ ? કે ચાલે ?

મન જોડે વાતચીતનો પ્રયોગ !

મન જોડે થોડુંઘણું બોલે એટલે મનને પેલું બીજું કાર્ય બંધ થઈ જાય. એટલે આત્મા સ્થિર થાય. પછી જો વાંચવું હોય તો વાંચે ય ખરો. એ વાંચે તો આત્માનો ઉપયોગ કર્યો કહેવાય. નહીં તો સ્થિર થાય, એટલે એ ય આત્માનો ઉપયોગ કહેવાય.

એટલે આખો દહાડો પછી અંદર બોલાય બોલાય કરવું ને મનને કામમાં કામ જ સોંપ સોંપ કરવું તો બીજો ખોરાક જમવા ન જાય. એ વીતરાગ થયો.

બીજો ખોરાક જમતો હોય તો આપણે કામ સોંપીએને, એટલે બેનો વિરોધાભાસ થાય. એટલે આ બધું ઉડી જાય. વાણી બોલે જુદી અને મન વિચારે જુદું. વાણીથી બોલવામાં પેલું મન-વિચાર ને બધું ઊડી જાય. ફરી આવો તાલ મળવાનો નથી કોઈ અવતારમાં.

મનથી છેટા રહ્યા, ત્યાં....

મન તો વીતરાગ છે. પણ 'પોતે' એમાં ભળે છે. તું કૂવામાં પડે તેમાં મન શું કરે ? મનથી છેટા થયા એટલે આત્મદ્રષ્ટિવાળા થયા. તે પરમાત્મા થવાની તૈયારી થઈ.

કેટલાં બધાં મનના, બુદ્ધિનાં લેયર્સ !

પ્રશ્નકર્તા : જો માણસ મનની અવસ્થાથી ઉપર જાય તો એને સાથે સાથે વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય ને ?

દાદાશ્રી : ના. મનથી ઉપર જાય તો બુદ્ધિ પજવે. મનનાં લેયર્સ એટલાં બધાં છે કે પહેલા લેયર્સમાં જાય ત્યાં ખૂબ આનંદ હોય તો ત્યાં ને ત્યાં જ રહ્યા કરે. પછી બહુ વખત થાય એટલે એ લેયર પાછું ગમે નહીં. પાછું બીજા લેયરમાં જાય. પછી ત્રીજા લેયરમાં જાય. મનનાં એટલાં બધાં લેયર્સ છે. અનંત અવતાર એ લેયર્સમાં અનુભવ કરતો કરતો મનના લેયર્સ પૂરા કરે. કેટલા અવતાર પૂરાં કરે ત્યારે મનનાં લેયર્સ પૂરાં થાય. પછી મનનાં લેયર્સમાં ગમે જ નહીં બિલકુલે ય ત્યારે બુદ્ધિના લેયરમાં પહોંચે. બુદ્ધિના લેયર્સમાં પહેલાં લેયરમાં જાય, બીજા લેયરમાં જાય, ત્રીજા લેયરમાં જાય પછી કંટાળો આવે એટલે પછી એથી ઉપરનાં લેયર્સમાં જાય. પછી છેવટે બુદ્ધિનાં લેયર્સ પૂરા થાય ત્યારે સ્વયં પ્રકાશમાં આવે પછી સાચી વાત જાણવા મળે. લેયર્સમાં છે ત્યાં સુધી કશું સાચું મળે નહીં.

ત્યાં મન-ચિત્તની ડખલ ન હોય !

પ્રશ્નકર્તા : એટલે જ્યારે જ્યારે કોઈ પણ જાતનો વિચાર આવે, તો ચિત્ત હઉ કામ કરતું હશે ?

દાદાશ્રી : ચિત્ત ભેગું થઈ જાય તો કરે, નહીં તો ના કરે. જો ચિત્ત ભેગું થઈ જાય તો બેઉ સાથે કામ કરે. પેલું વિચારવાનું અને આ જે વિચાર્યું તે જ આ દ્રશ્ય દેખાડે.

પ્રશ્નકર્તા : મેં બહુ વખત માર્ક કરેલું, વિચારનું સ્પંદન ઊભું થયું, તો ચિત્ત જોડે કામ કરે.

દાદાશ્રી : એ દરેક બાબતમાં ના થાય. અમુક જ બાબતમાં થાય. જે દ્રશ્ય હોય આપણને પ્રિય કે અપ્રિય હોય, તે જ આવે. પ્રિય-અપ્રિય ના હોય તો કશું આવે નહીં. વીતરાગને કશું આવે નહીં.

બુદ્ધિના ઝાળાંથી છૂટવા માટે !

બધું જ બુદ્ધિની કલ્પનાથી ઊભું થયું છે. લૌકિક છે. બધા જ ધર્મોમાં જેની જે જે કલ્પનામાં આવ્યું તે શાસ્ત્રમાં લખ્યું. શાસ્ત્ર એ બુદ્ધિજન્ય જ્ઞાન જ છે. ચેતન એમાં ના જડે. જ્યારે જ્ઞાન એ તો સ્વયં પ્રકાશ છે અને એ જ્ઞાનીના હ્રદયમાં જ હોય.

બુદ્ધિના પર્યાયો છે, એની કળાઓ પાર વગરની છે. બુદ્ધિ અવસ્થાને 'સ્વરૂપ' મનાવવા ફરે તેવી છે. માટે અમે કહીએ છીએ કે બુદ્ધિથી ચેતજો. બુદ્ધિ દેખાડે તે સમયે 'દાદા'ને યાદ કરીને કહે કે 'હું વીતરાગ છું', તો બુદ્ધિબેન બેસી જાય.

બુદ્ધિનો અભાવ, ત્યાં વીતરાગ ભાવ !

જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે અને ત્યાં સુધી રાગ-દ્વેષ છે જ. બુદ્ધિ હોય ત્યાં રાગ-દ્વેષ હોય જ.

પ્રશ્નકર્તા : જો રાગ-દ્વેષ એમ ચાલ્યા જ કરે તો માણસને મુક્તિનો કોઈ પ્રસંગ બને જ નહીં.

દાદાશ્રી : મુક્તિની આશા જ ક્યાં રાખવી ? એ તો જ્યારે વીતરાગ થાય ત્યારે મુક્તિ થાય. પણ એ વીતરાગને મળે તો વીતરાગ થાય. વીતરાગ બીજ મળતું નથી.

પ્રશ્નકર્તા : આ કાળમાં વીતરાગ ભાવ કેળવવો એ તો બહુ મોટી વાત છે.

દાદાશ્રી : વીતરાગ ભાવ શી રીતે આવે તે !

વીતરાગભાવ એટલે શું ? વીતરાગ- ભાવ એટલે સ્વપ્રકાશ ભાવ. સ્વપ્રકાશભાવ એટલે બુદ્ધિનો અભાવ. એટલે જો બુદ્ધિનો અભાવ થયો નહીં, તો વીતરાગભાવ તો આવે જ નહીં ને ! એટલે ત્યાં સુધી વીતરાગભાવ તો કોઈને હોય જ નહીંને ! વીતરાગભાવ થઈ ગયો એટલે થઈ રહ્યું અને એ તો છેલ્લામાં છેલ્લું પદ !

બુદ્ધિ એટલે પરપ્રકાશ. એટલે મિડિયમ થ્રૂ. અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહે. અને બુદ્ધિ હોય ત્યાં સુધી બધો ડખો, ત્યાં વીતરાગ ભાવ ના રહે. બુદ્ધિ હોય તો જોખમે ય ખરું. ક્યારે બુદ્ધિ એને પછાડી મારે કોઈ ફેરો, એ કહેવાય નહીં.

'જ્ઞાન' પ્રગટયું ક્યારે કહેવાય ?

પ્રશ્નકર્તા : એ કહે છે કે મેં બુદ્ધિ બાજુ પર મૂકી દીધી.

દાદાશ્રી : બુદ્ધિ બાજુ પર મૂકી દેને તો આ જગત બહુ સરસ ચાલે એવું છે.

બાકી જ્ઞાન પ્રગટ થયું ક્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે ! વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય ? બુદ્ધિનો અભાવ થાય ત્યારે ? એનાં બધા કનેકશન મળવાં જોઈએને ! આ તો આપણું જ્ઞાન એવું છે કે ધીમે ધીમે આપણે એના ઉપર દ્રષ્ટિ રાખીશું તો ઓગળ્યા કરે બધું ! એટલે આપણા મહાત્માઓને તો પેલું, મીણબત્તીનું સળગતું રહે છે અને એના પ્રકાશથી જુએ છે. અલ્યા, આનાથી જોને. આ સ્વ-પરપ્રકાશક છે !

ફેર ભગવાન મહાવીર ને બુદ્ધમાં !

હવે મૂળ વીતરાગ ભગવાનને બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હતી અને આમને છેલ્લી બુદ્ધિ રહી, એટલે બુદ્ધ ભગવાન કહેવાય. હવે આ થોડુંક જ ઓળંગેને તો વીતરાગ ભગવાન થાય.

દેહના રાગથી તો ભટક્યાં !

ઘૈડપણ આવે ત્યારે બધાંય દર્દોનું એક દર્દ થઈ જાય. તેની દવા જાણી લઈએ તો દર્દ ઊપડે ત્યારે લેવાય. આ તો છેલ્લું દર્દ તેડવા આવે.

જે દેહ કરમાઈ જાય, કહોવાઈ જાય, ગંધાઈ જાય તેની તે શી પ્રીતિ ? આ તો ચામડીથી ઢાંકેલો માંસનો લોચો છે. આ દેહને, રોજ નવડાવે-ધોવડાવે, ખવડાવે-પીવડાવે, કેટલી બધી માવજત કરે પણ તે ય છેલ્લે દગો દઈ જાય. આ દેહ જ સગો ના થાય તો બીજાનું તો કહેવું જ શું ? આ દેહને પંપાળ પંપાળ કરે છે પણ જો તેમાંથી પરુ નીકળે તો ગમે ? જોવાનું ય ના ગમે. વૈરાગ્ય આવે. આ તો પરુ-રુધિર ને માંસના લોચા જ છે. અમને જ્ઞાની પુરુષને બધું જ ઊઘાડું દેખાય. જેમ છે તેમ દેખાય. તેથી વીતરાગ જ રહીએ. દેહ પર અનંત અવતાર રાગ કર્યો તેનું ફળ જન્મ-મરણ આવ્યું. એક ફેર આત્માનો રાગી થા. એટલે કે વીતરાગી થા તો અનંત અવતારનું સાટું વળી જશે.

દેહ તો કેવો હોવો જોઈએ ? કે દેહ મોક્ષનું સાધન થઈ પડે તેવો હોવો જોઈએ. ચરમ શરીર પ્રાપ્ત થવું જોઈએ.

આવા જાગૃત, થયા વીતરાગ !

હમણાં એક પોટલીમાં હાડકાં ને માંસ સુંવાળી ચાદરમાં બાંધ્યા. પછી અહીં એને લાવીને મૂકી હોય તો તને તે લક્ષમાં તો રહે ને, કે આમાં આ ભરેલું છે ?

પ્રશ્નકર્તા : રહી શકે ને !

દાદાશ્રી : ત્યારે સારું, આ જેને લક્ષમાં રહે, તેને મોટા અધિપતિ કહ્યા છે, એ જાગૃત કહેવાય. જાગૃત હોય તે આ સંસારમાં ખરડાય નહીં અને જાગૃત જ વીતરાગ થઈ શકે !

મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાં ય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તો ય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ? લોકોને આવું આરપાર દેખાય નહીં ને ? લોકોને એવી દ્રષ્ટિ નહીં ને ? એવી જાગૃતિ ય ક્યાંથી લાવે ? આવું દેખાય, એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ-એ-ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી, તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું, એ રીતે તમને બધાને આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએને ? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દહાડો ય બને જ નહીં ને ?

વિકારનો અંત, આત્મજ્ઞાનથી !

'વીતરાગતા' જેનો સબ્જેક્ટ હોય તે વીતરાગને સમજી શકે પણ જેનો સબ્જેક્ટ કષાય છે તે વીતરાગને ક્યાંથી સમજી શકે ? જ્ઞાન ના હોય ને જો એક અવતાર વિષયનો 'વ્હીલ કોક' વાસી દે તો યે બીજે અવતારે ખુલ્લો થઈ જાય. જ્ઞાન વિના વિષય છૂટે જ નહીં.

આરપાર જોવાની દ્રષ્ટિથી ભેદ ટળે !

પ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષનો ભેદ ભૂલવો પડશે ને ?

દાદાશ્રી : ભેદ ભૂલવાનો નથી. ભેદ તો આપણને મૂર્છાને લઈને લાગે છે અને એમ ભૂલવાથી એ ભૂલાય એવો છે નહીં. એણે જાગવું પડશે, એવી જાગૃતિ જોઈશે.

આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પોતે 'આત્મદ્રષ્ટિ' થયો ને, એટલે હવે જાગૃતિ વધશે ને તેમ તેમ 'એ' ય આરપાર જોતો થશે. આરપાર જોતો થયો કે એની મેળે જ વૈરાગ આવે. જોયું એટલે વૈરાગ આવે જ છે અને તો જ વીતરાગ થઈ શકાય, નહીં તો વીતરાગ થઈ શકાતું હશે ? અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે.

'ફૂલ' જાગૃતિ થાય, ત્યારે એ જાગૃતિ જ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે.

ત્રિકાળી અવસ્થાના વિઝન...

પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી, ને આજની શક્તિ, એ બધું વીતરાગો જોતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય.

અનાસક્તિ ત્યાં શુદ્ધ પ્રેમ !

મનુષ્યો તો રૂપાળા હોય તો ય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપો ય રૂપાળો દેખાય. શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.

આસક્તિ ત્યાં જ ઝઘડો !!

સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામીન છે. ઝઘડો ના હોય તો તો વીતરાગ થવાય.

વીતરાગ ભાવથી કર્મ ક્ષય !

કર્મનો પરિપાક થાય ત્યારે કર્મો ખરી પડે. 'વીતરાગ ભાવ' થાય તો કર્મનો પરિપાક જલદી થઈ જાય ! આ તો લોકો 'અહંકારે કરીને' કર્મનો પરિપાક થવા દેતા નથી !

રાગ-વૈરાગ્યથી પર, વીતરાગતા !

રાગે ય ભરેલો માલ છે ને વૈરાગે ય ભરેલો માલ છે. 'વીતરાગતા' મુખ્ય વસ્તુ છે. જેટલી વીતરાગતા આવી, એટલા અંશે ભગવાન થયો, એટલી ભગવાનશક્તિ પ્રગટ થઈ !

વૈરાગ્ય ટોચ ઉપર જાય ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય. વીતરાગતા એટલે જ્યાં જગતને રાગ-દ્વેષ થાય ત્યાં રાગ-દ્વેષ ના થાય.

વીતરાગતાની જનની !

'ઉદાસીનતા' 'વીતરાગતા'ની જનેતા છે. પહેલી 'ઉદાસીનતા' આવે, પછીથી 'વીતરાગતા' આવે.

જગતની વિસ્મૃતિ, તે દશા વીતરાગની !

વીતરાગ થયા કોને કહેવાય ? આત્મા ને આત્માનાં સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે !

વીતરાગની ખાતરી શી ? ત્યારે કહે, સંસારની કોઈ ચીજ યાદ નથી તે. વીતરાગ થયા સિવાય જગત ભૂલે નહીં.

જ્યાં વીતરાગ, ત્યાં સ્મૃતિ ના રહે. કેનેડા રોજ તમને યાદ આવે છે ? ના.

એક વખત સંસારમાં 'વીતરાગ' થઈ ગયો એટલે સંસાર બિલકુલ વળગે નહીં એવો નિયમ છે !

ભગવાન પોતે વીતરાગ છે અને તમારામાં વીતરાગતા આવશે, જગત પ્રત્યે ને દેહ પ્રત્યે એટલે થઈ રહ્યું. જગતનું તો જવા દઈએ, પણ આ દેહ પ્રત્યે વીતરાગ થયા એટલે થઈ રહ્યું.

આત્મા, અક્રિય ને માત્ર જાણનારો જ !

કોઈ પણ ક્રિયા થાય તો તેનું પૃથ્થકરણ કરીએ તો, ચિત્તનો ભાગ આટલો છે, અહંકારનો ભાગ આટલો છે, ઈન્દ્રિયોનો ભાગ આટલો છે, જ્ઞાનેન્દ્રિયોનો ભાગ આટલો છે, તો આત્માએ શું કર્યું ?

આત્મા એ તો 'વીતરાગ' જ છે. એણે તો 'જોયું ને જાણ્યું !' બધા ભાગ જુદા પાડે તો છેવટે 'કેવળજ્ઞાન' એકલું જ રહે ! તે કેવળજ્ઞાનનો ભાગ તે જ આત્માનો !

ભગવાન તો અક્રિય છે, વીતરાગ છે. ભગવાનને સક્રિય કહેવું એ ભૂલ છે.

ખરી નિર્વિકલ્પ સમાધિ !

એકલા વીતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે, સીધું જાણે ને આડું ય જાણે ! ફૂલો ચઢે તે ય જાણે ને પથ્થર ચઢે તે ય જાણે, 'જાણે' નહીં તો વીતરાગ કેમ કહેવાય ? પણ આ તો દેહનું ભાન ગયું એને 'અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ' એમ લઇ બેઠાં છે ! આ ઊંઘે છે ત્યારે ય દેહનું ભાન જતું રહે છે, તો પછી એને ય નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને ? પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય, અજવાળાં દેખાય એટલું જ. પણ આ ન હોય છેલ્લી દશા, એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે ! પેલું ભાન તો રહેવું જ જોઇએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઇએ, તેને નિર્વિકલ્પ સમાધિ કહી, નહીં તો વીતરાગોને કેવળજ્ઞાનમાં કશું દેખાત નહીં ને ?

જ્ઞાનીના શબ્દો, કામ કાઢી નાખે !

આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવતારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વેષ ય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય. અગુરુ-લઘુ સ્વભાવનો થઈ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે.

- જ્ય સચ્ચિદાનંદ