સમભાવે નિકાલ

સંપાદકીય

દરેક ધર્મમાં સંતો-મહંતો શીખવાડશે, પાપમાંથી કઈ રીતે છૂટવું અને પુણ્યની કમાણી શી રીતે કરવી. પરંતુ જેને જન્મ-મરણના ફેરામાંથી છૂટવું જ છે, એણે તો પુણ્યની કમાણી ભેગી કરી હશે તો ય સંસાર ચક્કરમાં આવવું જ પડશે. તો એથી આગળ શું ? જ્યાં પાપ-પુણ્ય બેઉથી મુક્ત થઈ કર્મ જ ના બંધાય! એ કઈ રીતે બની શકે ?

પરમ પૂજ્ય દાદાશ્રી એવો જ રસ્તો બતાવે છે. વસ્તુઓ કે વ્યક્તિઓ બંધનકર્તા નથી. પોતે પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને રાગ-દ્વેષથી બંધાયા છીએ. તો પછી મુક્તિ શી રીતે થાય ? અજ્ઞાન જવાથી અને રાગ-દ્વેષ ખલાસ થવાથી. જ્ઞાની પુરુષ પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી અજ્ઞાન ખલાસ થઈ જાય છે અને જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવાથી રાગ-દ્વેષ ખલાસ થતાં જાય.

આખી દુનિયાની અબજોની વસ્તી છે, તે બધા સાથે કંઈ બંધાયા નથી. કેટલાં જોડે રાગ-દ્વેષ થાય છે ? ઘરની, કુટુંબની, ધંધા-નોકરીમાં આમ હજાર-બે હજાર વ્યક્તિઓની જોડે પોતાને રાગ-દ્વેષ છે, તેથી ભવોભવ ભટકવું પડે છે. આખી દુનિયા જીતવાની નથી. આ જીવનમાં ભેગી થયેલી વ્યક્તિ જોડે રાગ-દ્વેષ કર્યા વગર અંદર સમભાવ રાખીને ઉકેલ લાવે તો આખી દુનિયા જીતી ગયો.

અને પરમ પૂજ્ય દાદાશ્રી સૂક્ષ્મ સમજણ પાડે છે, સમભાવે નિકાલ કરવાની ક્રિયા પાછળ જોર કરવાનું નથી. 'સમભાવે નિકાલ કરવો છે' એવો દ્રઢ નિશ્ચય જ કરવાનો છે. એ દ્રઢ નિશ્ચય જ સમભાવે નિકાલ કરાવશે.

દાદાશ્રી કહે છે કે અમારી આજ્ઞા પાળવાનો ભાવ જ કરવાનો છે, આજ્ઞામાં જબરજસ્ત વચન બળ છે. જો તમારો નિશ્ચય છે તો ઉકેલ સહેજે આવી જશે જ.

તમામ જ્ઞાનીઓ-તીર્થંકરો આ ચાવીથી જ સંસારના બંધનોનો ઊકેલ લાવી મોક્ષે ગયા અને દાદાશ્રી એ જ ચાવી આપણને આપે છે, અંતે એ જ વીતરાગ પદે પહોંચાડશે.

દીપકના જય સચ્ચિદાનંદ

એમાં સમાયો મોક્ષમાર્ગ !

દાદાશ્રી : સમભાવે ફાઈલો(ઋણાનુબંધના હિસાબો)નો નિકાલ કરો છો ?

પ્રશ્નકર્તા : હા, કરું છું. અમારા ઘરવાળા સાથે નિકાલ કરવો પડે છે.

દાદાશ્રી : હા બરોબર છે. પણ બીજી બધી ફાઈલોનો, તમારા જે ધંધાના અંગે બીજા આવે, તે બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરો છો ?

પ્રશ્નકર્તા : હા કરું છું.

દાદાશ્રી : બસ, એ મોક્ષનો માર્ગ છે. તમારા હાથમાં મોક્ષનો માર્ગ આવ્યો છે.

જમવાનું ભોગવ્યું નિરાંતે

આપણે શું કહીએ છીએ ? જમવાની થાળી આવી એનું નામ જ ફાઈલ કહેવાય. એ ફાઈલનો સમભાવે નિકાલ કરો. એટલે જ્યાં ખાવાનું મોળું હોય તો ય સમભાવે નિકાલ કરવાનો અને સરસ હોય તો ય સમભાવે નિકાલ કરવાનો. શાક મોળું હોય તો બૂમાબૂમ નહીં કરવાની, ને બહુ સરસ છે એવું ગા ગા નહીં કરવાનું, પણ પ્રાપ્તને ભોગવો ! પહેલાં તો ભોગવ્યું જ નહોતું ને ! આખો દહાડો જાણે વાઘ પાછળ ના પડ્યો હોય ?! પાછળ વાઘ પડ્યો હોય તે ઘડીએ ખવાય ખરું ? પેલો સાચો વાઘ તો સારો પણ આ ખોટો વાઘ તો આખો દહાડો ને રાતે જાગીએ તો યે પાછળ ને પાછળ જ હોય. પેલો વાઘ તો એક જ ફેરો ખાઈ જાય એટલું જ પણ આ તો કાયમનો વાઘ, માયાવી વાઘ !

આપણા મહાત્માઓ શું કહે છે ? કે દાદા, અમે તો કોઈ દહાડો થાળી યે ભોગવી નહોતી. હવે તો ભોગવીએ છીએ. કારણ કે આ 'વ્યવસ્થિત' છે, પહેલાં તો ખાતી વખતે અમે કારખાનામાં હોઈએ અને કારખાનામાં દહીંવડા સાંભરે. હવે તો નિરાંતે ભોગવીએ છીએ.

'વિજ્ઞાન' જ જુદી જાતનું !

સમભાવે નિકાલ કરવાનું ગમે ? હા, બસ સમભાવે નિકાલ કરવાનો છે. જો આત્મા પ્રાપ્ત થઈ જાય તો ત્યાગે ય નથી કરવાનો. તે અમે બધાને આત્મા પ્રાપ્ત કરાવી આપીએ છીએ. એવો આત્મા પ્રાપ્ત કરાવી આપીએ છીએ કે એક મિનિટ પણ ભૂલે નહીં. બોલો, હવે એથી વધારે કશું જાણવાની જરૂર છે ? એક મિનિટ પણ પોતે ભૂલે નહીં, એવો જાગૃત આત્મા થયા પછી શું પુરુષાર્થ કરવાનો ? જે આવે એનો સમભાવે નિકાલ કર. સમભાવ એટલે વીતરાગ ભાવે જે આવે તે. કોઈ કે ગાળ ભાંડી તો તેનો ય નિકાલ કર અને કોઈકે ફૂલ ચઢાવ્યા તેનો યે નિકાલ કર. હવે બધાનો નિકાલ કરી નાખો. રસ-રોટલી આવી તો તેનો ય નિકાલ કર અને ખારી દાળ આવી તો તેનો ય નિકાલ કર ! બન્ને નિકાલી બાબત છે.

કેરીઓ આવી અને કેરીઓ ખાધી પણ એમાં એનો સમભાવે નિકાલ જ કરી નાખવાનો છે. ભાવ એક મોક્ષનો જ હોય. બીજી જગ્યાએ ભાવ એનો ચોંટી ના પડે, ભાવ પહેલાં જેવો બંધાય નહિ હવે. નહીં તો 'આ ના ખાશો, એ ય ફલાણું ના ખાશો !' એવી કેટલી ચીજો લખાવવી પડે મારે ? હું તો તમને કહું છું, સમભાવે નિકાલે કરજો. વધારે જો ખાઈએ તો પેટમાં આફરો ચઢે માટે જે આવ્યું એ સમભાવે નિકાલ કરજોને ! અને સારી વેઢમી હોય તો બે-ત્રણ ખઈને સૂઈ જજો. આ વિજ્ઞાન જુદી જાતનું છે. જેમ છે તેમ જગત જોઈ અને પછી આ વિજ્ઞાન મૂકેલું છે.

એ મોટામાં મોટો મોક્ષ !

આ 'જ્ઞાન' પછી આત્માનો આનંદ તો સ્વભાવથી જ હોય. પણ બહારનો ડખો હોય તો એ આનંદ આપણને ટચ થવા ના દે, ફાઈલનો નિકાલ કરવાનો હોય, તો એ જેવો જોઈએ એવો આનંદ આવવા ના દે. એટલે જેમ જેમ ફાઈલ ઓછી થાય ત્યાર પછી એનો ખરો રસાસ્વાદ આવે. અત્યારે તો ક્લેશ ને એ બધું બંધ થઈ જાય, બહારથી આવતા ક્લેશ બંધ થઈ જાય, અંતર ક્લેશ થાય નહીં. અંતર ક્લેશ બંધ થઈ ગયો એ તો મોટામાં મોટો મોક્ષ છે. પછી આત્માનો આનંદ આવ્યા જ કરે. પણ આ ફાઈલો એ આનો લાભ ન થવા દે. તે ક્યારેક ફાઈલ ના હોય, એકાંત હોય, તો એ આનંદ અનુભવાય.

આજ્ઞા પાલને સમાધિ !

આધિ, વ્યાધિ ને ઉપાધિ ફાઈલોની સાથે જ હોય બધી. આ 'મારું, મારું' કહેશો તો તમારી ફાઈલો તમને વળગશે, આધિ-વ્યાધિ-ઉપાધિ વળગશે અને 'આ ફાઈલ છે' એમ કહ્યું કે એ જુદું ને તમારું જુદું. એટલે સમાધિ રહેશે. જેને આધિ-વ્યાધિ-ઉપાધિ અડે નહીં, તેને સમાધિ કહી !

તો ઉકેલ આવી જાયને !

સમભાવ આખા જગત જોડે આપણને છે જ. ફક્ત આપણી જોડે જે બસ્સો-પાંચસો માણસ છે, જે આપણા ઋણાનુબંધવાળા છે ને, એની જોડે જ ભાંજગડ છે. એની જોડે જ નિકાલ કરવાનો છે. આ આટલાં સારુ અનંત અવતાર ભમીએ છીએ, ને આખી દુનિયાની જોખમદારી લઈએ છીએ.

પ્રશ્નકર્તા : દાદાએ મોટામાં મોટી શોધ આપી છે કે આખા જગત જોડે તમે વીતરાગ છો અને તમારી બસ્સો-પાંચસો ફાઈલ જોડે જ તમારે રાગ-દ્વેષ છે.

દાદાશ્રી : બસ, બીજી ભાંજગડ છે જ નહીં. બસ, આટલું જ છે. આટલાં સારુ બેસી રહ્યા છો ! જો બધાની જોડે હોતને, તો તો આપણે જાણીએ, 'ચાલવા દો ને ! હઉ થશે, એ ખરું' પણ આટલાં બસ્સો-પાંચસો માણસ સારુ અટક્યું છે. પાંચ અબજની વસ્તી છે, તેમાં બધા જોડે આપણે કશી ભાંજગડ નથી. બસ્સો-પાંચસો જોડે જ ને ? તે એટલા સારું સમભાવે નિકાલ કરો ને ! મારો અક્ષર માનો ને ! તો ઉકેલ આવી જાય ને !

'ફાઈલ' શબ્દમાં કેટલું વચનબળ !!

તમે નક્કી કરોને કે 'સમભાવે નિકાલ' કરવો છે, અમારો શબ્દ બોલોને કે સમભાવે નિકાલ કરવો છે, તો સામો ગમે તેવો નાલાયક માણસ હોય તો ય સમભાવે નિકાલ થઈ જ જાય. આ શબ્દો એવો છે, આ વાક્યમાં એટલું બધું વચનબળ મૂકેલું છે કે માણસ જો વાક્ય વાપરેને તો બીજી કોઈ જાતનું દુઃખ સ્પર્શે નહીં, દુષમકાળે ય સ્પર્શે નહીં, એટલું બધું મહીં સાયન્સ મૂકેલું છે.

'ફાઈલ' કોને ગણાય ? જેમાં આપણે કંઈ લેવા-દેવા નથી એ ફાઈલ નહીં. આ અમેરિકાવાળા કંઈ આપણી ફાઈલ છે ? અમેરિકન લોકો અહીંથી જતાં-આવતાં હોય તો આપણને રાગે ય ના થાય ને દ્વેષે ય ના થાય. આપણને રાગ-દ્વેષ થાય છે તે આપણી 'ફાઈલ'. જ્યાં આસક્તિ છે તે બધી 'ફાઈલો', તે આપણે સમજી જવું કે આ આપણી ફાઈલ આવી. પહેલાં તો એમ કહેતાં હતાં કે, 'આ મારી સાળી આવી', તે ઊલટો એની પર રાગ થતો હતો, 'મારી સાળી' બોલતાંની સાથે રાગ થાય. પણ આ ફાઈલ બોલતાંની સાથે રાગ તૂટે. ફાઈલ આવી બોલ્યો કે રાગ તૂટ્યો. રિયલી તો આપણને (મહાત્માઓને) રાગે ય છૂટી ગયો છે અને દ્વેષે ય છૂટી ગયો છે, વીતરાગ થઈ ગયા છે. પણ હવે વ્યવહારનાં હિસાબ બધા નિકાલ કરવાનાં ને ! પેઢી મોટી હોય તો જરા વાર લાગે.

ગમતી-ના ગમતી ફાઈલો જોડે...

હવે આપણને ગમતાવાળાં એ પણ 'ફાઈલ' અને ના ગમતાવાળાં એ પણ 'ફાઈલ'. ના-ગમતા જોડે વહેલો નિકાલ કરવો પડે. ગમતાવાળા જોડે નિકાલ થઈ જાય. ના ગમતો છે, માટે પૂર્વભવની જબરજસ્ત 'ફાઈલ' છે. આપણને દેખતાં જ ના ગમે. તે આવીને બેસે, ત્યારે આપણે શું કરવું ? મનમાં નક્કી કરી નાખવાનું કે 'ફાઈલનો સમભાવે નિકાલ' કરવો છે. પછી કહીએ, 'તમે આવ્યા, બહુ સારું થયું. ઘણા દિવસે આવ્યા. અમને બહુ ગમ્યું. જરા ભાઈ માટે ચા લઈ આવો, નાસ્તો લઈ આવો.' 'ફાઈલનો નિકાલ' કરવા માંડ્યા એટલે નિકાલ થવા માંડે. પણ બધું સુપરફ્લુઅસ કરવાનું, ડ્રામેટિક ! એ જાણે કે ઓ હો હો, મારા પર બહુ ભાવ દર્શાવે છે. એ ખુશ થઈ જાય અને વેર બધું ભૂલી જાય. વેર છૂટી જાય એટલે 'સમભાવે નિકાલ' થઈ જાય. એ ઊઠે ત્યારે આપણે કહીએ કે, 'જો જો ભઈ, અમારો કંઈ દોષ થયો હોય તો...' ત્યારે એ જ કહેશે કે 'નહીં, નહીં, તમે તો બહુ સારા માણસ છો.' એટલે ચૂકતે થઈ ગયું. આ લોકોને કશું જોઈતું નથી. અહંકાર પોષાયો એટલે બહુ થઈ ગયું.

ફાઈલ પ્રત્યે પ્રીજ્યુડીસ છોડી દો એટલે એ ફાઈલ તમારા કહ્યા પ્રમાણે કરે, એવું છે.

અમારા કહેલા શબ્દમાં રહેને તો સંસાર એવો સરસ ચાલે એવો છે અને મોક્ષે પણ જવાય.

કોઈ માણસ મારવા આવ્યો હોય, ખૂન કરવા આવ્યો હોય, પણ 'ફાઈલનો નિકાલ' કરવો છે એવાં તમારા મનમાં ભાવ ઉત્પન્ન થયા કે તરત એના ભાવ ફરી જશે અને તલવાર કે છરી હશે, તે નીચે મૂકીને જતો રહેશે.

એટલે એટલું સુંદર આ વિજ્ઞાન છે ! અને ક્ષણે ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ થાય એવું છે, પણ વિજ્ઞાન વાપરતાં આવડવું જોઈએ.

ફાઈલ નવી કે બાકી રહેલી ?

પ્રશ્નકર્તા : આપણે નવું કામ વધારીએ તો 'ફાઈલો' વધે ?

દાદાશ્રી : એવું છે, કે 'ફાઈલો' જેટલી છેને તેટલું કામ વધશે. હવે નવી 'ફાઈલ' ઊભી નહીં થાય. કામ વધે તો આપણે જાણવું કે આપણી પાસે ફાઈલો હજી પડી છે. માટે 'ફાઈલ' નથી તો કામ જ નથી ને ! ધંધો મોટો ચાલે પણ કશું કામ જ ના મળે.

હિસાબ ચૂકવી નિકાલ લાવવો !

પ્રશ્નકર્તા : જે કંઈ ફાઈલો છે, તેનો વહેલી તકે નિકાલ થઈ જાય તો સારું એવો ભાવ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ તો રહે જ ને ! એવું છે કે આપણી ભાવના છે ને, કે વહેલું થવાની, એટલે વહેલો ઉકેલ આવી જશે અને કેટલાંક માણસ શું કહે છે કે 'સાહેબ, હમણાં અડચણ ના આવે તો સારું.' ત્યારે એને એ મોડી આવશે. મરતી વખતે આવશે. મરતી વખતે જ્યારે શરીર મજબૂત હશે નહીંને ! ત્યારે અડચણો આવશે. એટલે અલ્યા, મોડું ના બોલાવીશ. બધાને કહો કે 'આજે હજુ છે મારામાં શક્તિ. શરીર મજબૂત છે. બધા આવે તો હું પેમેન્ટ કરી દઉં. દાદાઈ બેંક ખુલ્લી છે. લઈ જાવ બધા, હવે મારામાં શક્તિ છે. હવે હું તમને ધક્કા નહીં ખવડાવું. આ તો દાદાઈ બેંક છે, ધક્કા બેંક નથી. આ તો કેશ પેમેન્ટ, ધીસ ઈઝ ધ કેશ બેંક ઈન ધી વર્લ્ડ.' માટે આપણે હવે ઉકેલ લાવી નાખવાનો છે.

આ તો આપણો જ હિસાબ છે. આપણા જ ખાતા છે ને આપણી જ સહી છે. તે લઈ જાવ. એટલે કોઈ આપણી સહીવાળો કાગળ દેખાડે ત્યારે તેને કહેવું પડે કે લઈ જા, ભઈ. બારસોની સહી હશે તો બસો આપીએ તો એટલા ઓછા થયા, હજાર રહ્યા. પાછાં બસો આપીએ તો આઠસો રહ્યા. એમ કરતાં કરતાં કશું જ ના રહે ત્યારે આપણે એ લોકોને કહીએ કે, 'હવે લઈ જાવ ?' ત્યારે એ કહે, 'હવે શેના લઈ જઈએ ? અમે હવે માગતાં જ નથીને !' આપણે એને કહીએ કે, 'તું દુઃખીયો છે તો ચોંટી પડને ! વધારે માગને !' ત્યારે એ કહે કે, 'ના, એમ તે કંઈ ચોંટી પડાતું હશે ? કંઈ તમારો ને મારો હિસાબ હશે તો હું ચોંટી પડુંને ! પાંચ રૂપિયા ય તમારા બાકી હોય તો હું પચાસે ચોંટી પડું. પણ મહીં કંઈ લેવાય નથી ને દેવા ય નથી. ત્યાં હું શું ચોંટી પડું ?!' એટલે હિસાબ નહીં હોય તો કોઈ ચોંટી પડવા આવે ય નહીં, એવું કાયદેસરનું જગત છે !

કરારોથી છૂટો આમ !

'હું કર્તા છું' એવું તમને લાગે છે હવે ?

પ્રશ્નકર્તા : સ્વપ્નમાં ય નહીં.

દાદાશ્રી : શું વાત કરો છો ? ! કર્તાપણું ગયું એટલે મમતા ગઈ, આપણી પોતાની મમતા ગઈ, પણ પહેલાંના કરાર કરેલાં, તે સામાની મમતા હજુ છે ! સામા લોકો જોડે જે કરાર કરેલા, તે કરાર તો પૂરા કરવા પડશે ને ! 'એ' જો છોડી દે તો વાંધો નહીં, પણ હિસાબ ચૂકવ્યા સિવાય કોણ છોડી દે ?!

પ્રશ્નકર્તા : મોક્ષ ના થાય તો ફરી પાછું આવવું પડે ને ?

દાદાશ્રી : એ આવે તો ય એક-બે અવતાર પૂરતું ! પણ મુખ્ય તો શું છે કે આપણા તરફના કરાર પૂરા થઈ જવા જોઈએ. એના તરફના કરાર ભલે રહ્યા હોય, એના તરફના કરાર એ પૂરા કરશે ! પણ આપણા તરફના, બૈરાં-છોકરાં બધાંના હિસાબ તો ચૂકવવા પડશે ને ! ?

આપણો આ બધો કરારી માલ છે, એમાં તમારો શુધ્ધ ઉપયોગ જતો રહેતો નથી. એ માલ તો જેમ જેમ સમભાવે નિકાલ થતો જાય, તેમ તેમ તમારો સંયમ વધતો જાય. સંયમને જ પુરુષાર્થ કહ્યો છે. જેમ જેમ સંયમ વધતો જાય, તેમ તેમ તેનો નિકાલ પણ જલદી થતો જાય. 'ઓટોમેટિક' બધું થતું થતું 'કેવળ જ્ઞાન' પર આવી જાય.

આજ્ઞા પાળવાના અધિકારી...

'તમારે' કશું કરવાનું નહીં. તમારે તો નક્કી કરવાનું કે 'મારે દાદાની આજ્ઞા પાળવી છે.' અને ના પળાય તો ય તેની ચિંતા નહીં કરવાની. તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે, તો તેમની જોડે, સામા દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે ''મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે 'સમભાવે નિકાલ' કરવો જ છે.'' પછી સમભાવે નિકાલ ના થાય, તો તમે જોખમદાર નથી.

તમે આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી ? તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે. પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે, તેને સમજી લેવાનો છે !

જથ્થાબંધ ભરેલો માલ !

પ્રશ્નકર્તા : અતિક્રમણ એટલાં બધાં હોય છે કે એક પ્રસંગ પૂરો ના કર્યો હોય, ત્યાં બીજો તૈયાર હોય. ત્યાં આગળ પ્રતિક્રમણનો ઉપયોગ કરવા જતાં બીજો ફોર્સ એટલો બધો આવે છે કે એને 'પેન્ડિંગ'માં રાખવું પડે છે.

દાદાશ્રી : એ તો ઢગલેબંધ આવે. ઢગલેબંધનો સમભાવે નિકાલ કરશો ત્યાર પછી ધીમે ધીમે એ જોર ઓછું થશે. આ બધું પુદગલ છે, પુદગલ એટલે શું કે પૂરણ જે કરેલું છે તે અત્યારે ગલન થાય છે, તેનો સમભાવે નિકાલ કરો.

પ્રખર પામવું હોય તેને !

આ તો બહુ જેને પ્રખર કરવું હોય, તેને માટે છે. આ તો જેને હવે કંઈ કશું સંસારી અડચણો છે નહીં, સંસારી ફરજો પૂરી થઈ છે, તેને માટે છે આ બધું. સંસારની ફરજો ચાલુ હોય તો એ ય કરી શકે. પણ એ ચોગરદમના સંજોગ સારા હોવા જોઈએ. બધાનો નિકાલ થઈ ગયો હોય તો ચાલે. બધાનો નિકાલ થઈ જવો જોઈએ. કોઈનો નિકાલ બાકી હોય, ચીકણું હોય, એવું ના રહેવું જોઈએ. આપણા તરફથી એને દુઃખ થયેલું હોય પહેલાં, તે બધું નિકાલ થઈ ગયો હોય તો જ 'જ્ઞાતા-દ્રષ્ટા' તરીકે રહેવાય. નહીં તો પેલા ધક્કા મારીને ના રહેવા દે, ધક્કા મોટા મારે.

પૂર્ણાહુતિ હું વહેલી કરી નાખું, ને આમ કરી નાખું, એ ય બહુ લાલચ નહીં રાખવી. એ તો બહુ મોટું પદ કહેવાય. આપણે તો આ જેટલું આપ્યું છે ને, એટલું દ્રઢ થઈ જાય તો બહુ થઈ ગયું. લિમિટ બાંધવા જઈએ તો આ ય રહી જાય અને તે ય રહી જાય.

ચીકણી 'ફાઈલો'માં સમભાવ !

પ્રશ્નકર્તા : સંસારમાં મોટામાં મોટું કાર્ય, આ ફાઈલોનો 'સમભાવે નિકાલ' કરવાનું છે, તે છે ને ?!

દાદાશ્રી : હા, આ 'ફાઈલો'ની જ ભાંજગડ છે. આ 'ફાઈલો'થી જ તમે અટક્યા છો. આ ફાઈલોએ જ તમને આંતર્યા છે. બીજું કોઈ આંતરનાર નથી. બીજે બધે વીતરાગ જ છો તમે !

પ્રશ્નકર્તા : ભાવ ઘણો હોય છતાં સમભાવે નિકાલ ના થાય, તો શું કરવું ?

દાદાશ્રી : હા, તેવું બને પણ તેની જોખમદારી આપણી નથી. આપણે નક્કી એવું રાખવું જોઈએ કે 'સમભાવે નિકાલ' ના થાય તો ય આપણે આપણો 'સમભાવે નિકાલ' કરવાનો ભાવ ફેરવવો નથી જ. મનમાં એવું ના થવું જોઈએ કે બળ્યું, હવે નિકાલ નથી કરવો. મારે 'સમભાવે નિકાલ' કરવો જ છે, એવો ભાવ આપણે છોડવો નહીં. 'સમભાવે નિકાલ' ના થાય, એ 'વ્યવસ્થિત'ના તાબાની વાત છે.

પ્રશ્નકર્તા : આજે નિકાલ ના થાય તો, કાલે-પરમ દિવસે થાય જ ને ?

દાદાશ્રી : એંસી ટકા તો નિકાલ એની મેળે જ થઈ જાય. આ તો દસ-પંદર ટકા જ ના થાય. તે ય પાછી બહુ ચીકણી હોય તેનું જ. તેમાં ય આપણે ગુનેગાર નથી, 'વ્યવસ્થિત' ગુનેગાર છે. આપણે તો નક્કી જ કર્યું કે 'સમભાવે નિકાલ' કરવો જ છે. આપણા બધાં જ પ્રયત્નો 'સમભાવે નિકાલ' કરવાના હોવાં જોઈએ.

અત્યારે તો દરેકને ચીકણી ફાઈલ હોય. ચીકણી ફાઈલ ના લાવ્યા હોય તો, જ્ઞાની પાસે કંઈ વર્ષોનાં વર્ષો બેસી રહેવાની જરૂર જ ના પડે.

આ તો આત્મશક્તિ પ્રગટાવે !

પ્રશ્નકર્તા : દાદા, એવું કંઈક કરો કે ફટ દઈને ફાઈલો ઊડી જાય.

દાદાશ્રી : એવું છે કે આત્માની જે શક્તિ છે તે જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી પૂર્ણ કામ ના થાય. હવે હું કરી આપું તો તમારી શક્તિ પ્રગટ થયા વગરની રહે ? પ્રગટ તો આપણે જ કરવી જોઈએ ને ? આવરણ તો તોડવું પડે ને ? અને આપણે નક્કી કર્યું કે આ ફાઈલોનો નિકાલ કરવો જ છે, ત્યારથી એ આવરણ તૂટશે. એમાં તમારે કશી મહેનત નથી. ખાલી તમારે તો એવો ભાવ જ કરવાનો છે. સામી ફાઈલ વાંકી થાય તો ય આપણે તો ફાઈલનો 'સમભાવે નિકાલ' કરવો.

ત્યારે થાય નિરાલંબ દશા !

આપણે તો આત્માને નિરાલંબ કરવાનો છે. નિરાલંબ ના થાય તો અવલંબન રહી જાય અને અવલંબન રહે ત્યાં સુધી 'એબ્સોલ્યુટ' ના થાય ! નિરાલંબ આત્મા એ 'એબ્સોલ્યુટ' આત્મા છે. તો ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભવમાં ના જવાય, તેનો વાંધો નથી. આવતે ભવે તો તેવું થઈ જ જવાનું છે, એટલે આ ભવમાં તો આપણે આજ્ઞા પાળીને 'સમભાવે નિકાલ' જ કરવાનો છે. એ મોટી આજ્ઞા છે અને ચીકણી ફાઈલ, તે કેટલી હોય ? તે કંઈ ઓછી બસેં-પાંચસે હોય છે ? બે-ચાર જ હોય અને ખરી મજા જ ચીકણી ફાઈલ હોય ત્યાં આવે ને !

પ્રશ્નકર્તા : ઘણી વખત ચીકણી ફાઈલનો નિકાલ કરતાં કરતાં ભારે પડી જાય, તાવ આવી જાય !

દાદાશ્રી : એ બધી નિર્બળતા નીકળી જાય છે. જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાનપણું આપણામાં ઉત્પન્ન થાય. પહેલાં હતું, તેનાં કરતાં વધારે બળવાનપણું આપણને લાગે.

વસમું લાગે, તે ચીકાશવાળું !

પ્રશ્નકર્તા : ઘણી વાર એવો વિચાર આવે છે કે પૈસા જો હોય તો બધી ફાઈલોનો જલ્દી નિકાલ થાય. પણ એ વાત સાચી દેખાતી નથી.

દાદાશ્રી : ના. આ તો આમે ય નિકાલ થાય. પણ આ જરા ચીકાશવાળું છે ને, એટલે જરા ધોવું પડે. કેટલીક જગ્યાએ તો સાબુ જ ડામરવાળો થઈ જાય. સાબુથી કપડું ધોવા જઈએ ને કપડું ડામરવાળું હોય તો સાબુ ડામરવાળો થઈ જાય. એટલે પાછો સાબુ સમો કરી આપવો પડે.

આ ચીકણી પટ્ટી હોય ને, તે અહીં આગળ ચોંટી ગઈ હોય તો આપણે આમ ઊખાડવા જઈએ તો ધોતિયું ફાટી જાય. માટે બહુ ચીકાશ હોય ત્યાં તો જરા વસમું પડી જાય ને ! મોળી ફાઈલ હોય તો બહુ સારું, આમ બોલતાંની સાથે છૂટી જાય. ત્યાં કશી ભાંજગડ નહીં જ ને ! ચીકણી ફાઈલ તો બહુ વસમી.

જાળવીને 'પટ્ટી' ઉખાડાય !

આપણે દાઢીમાં હાથ ઘાલીને ખુશ કરી દઈએ, પછી એ છોડી દે ને કે ના છોડી દે ? અને ગાળો ભાંડીએ તો ? એટલે આ વેરનું તો દુઃખ જ છે બળ્યું !

નહીં તો તમને આવી સાસુ ક્યાંથી મળે ? પેલાને સારી સાસુ મળી અને તને આવી મળી ? કો'કને ભાઈ વાંકો મળ્યો હોય, કોઈને છોકરો વાંકો મળ્યો હોય, એટલે બધાને સારો મળે છે ને આપણને કેમ આવો મળ્યો ? એટલે આ બધું વેર બાંધેલા છે. આ ફાઈલોનો સમભાવે નિકાલ થઈ ગયો પછી છે કંઈ ? અને ફાઈલો કંઈ આખી દુનિયાની વસ્તી છે એટલી બધી ફાઈલો નથી ને ? કેટલી ફાઈલો છે ? સો-બસ્સો કે પાંચસો હોય. વખતે કોઈકને બે હજાર હોય, એમાં પણ ચીકણી ફાઈલો તો દસ- પંદર કે વીસ જ હોય ને ! વધારે ના હોય.

બહુ ચીકાશવાળી કે આપણે પટ્ટી ઉખાડીએ તો વાળ હઉ તૂટે, તેવી ફાઈલો બહુ થોડી હોય. તે એ ફાઈલો જોડે જરા સાચવીને કામ લેવું. એ પટ્ટી ઉપર પાણી રેડવું, ભીની કરીને ધીમે ધીમે ઉખાડવી. નહીં તો વાળ સાથે પટ્ટી ઉખડેને તો કેટલી લ્હાય બળે ! પેલી એક પટ્ટી જો આટલું દુઃખ દે છે, તો 'આ' પટ્ટીઓ તો કેટલું દુઃખ દેશે ? આ ફાઈલો એ ય પટ્ટીઓ જ છે. એનો આત્મા જુદો છે, પણ આ ફાઈલ એટલે પટ્ટીઓ. પટ્ટી ઉખાડતાં ઉતાવળથી ઉખેડે તો ? વાળ હઉ ઉખડી જાય. તે લોક કહેશે, 'અલ્યા, આવી જોશથી ના ઉખાડાય.' ને ઉખાડનારાને વઢે ને ! તે આપણે તો કહ્યા પ્રમાણે કરીએ. ગરમ પાણી કરાવીએ, પટ્ટીની પર ધીમે ધીમે પાણી ચોપડીએ, અટાવી-પટાવીને ધીમે ધીમે કાઢવાનું. આ બધી પટ્ટીઓ જ ચોંટેલી છે, તે કેવી છે ? વાળ હઉ જોડે ઉખાડશે એટલે વેર બાંધશે. એટલે સાચવીને કામ લઈએ તો એકેય વાળ ઉખડે નહીં. પહેલાં તો ટપાલની ટિકિટ પણ જો સિક્કો ના માર્યો હોય ને તો તેને ઉખેડી લેતા હતા, તે કોઈને ખબર ના પડે એવી રીતે ઉખેડી દેતા હતા. જુઓ, અક્કલવાળા છે ને !

'પ્રજ્ઞા' કરાવે, સમભાવે નિકાલ !

પૂર્વે ક્યારેય સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય એવી વસ્તુ ક્યારેક બને, એને શું કહેવાય ? અપૂર્વ ! એટલે આ 'અક્રમ' તો અપૂર્વ વસ્તુ છે. આમાં ત્યાગ કરવાનો હતો, તે થઈ ગયો. અહંકાર ને મમતાનો ત્યાગ કરવાનો હતો, એ ત્યાગ થઈ ગયો અને ગ્રહણ કરવાનું હતું પોતાનું સ્વરૂપ શુધ્ધાત્માનું, તે ગ્રહણ થઈ ગયું. એટલે હવે ગ્રહણ ને ત્યાગ બેઉ કામ પૂરું થઈ ગયું. ગ્રહણ ને ત્યાગની કડાકૂટો હવે રહી નહીં. હવે 'સમભાવે નિકાલ' કરવાનું રહ્યું. તે ય તમારે કશું કરવાનું રહ્યું નહીં. મહીં બીજી શક્તિ ઊભી થઈ ગઈ છે, પ્રજ્ઞાશક્તિ. એ પ્રજ્ઞાશક્તિ 'સમભાવે નિકાલ' કર્યા કરશે. એને તમારે જાણવાનું કે આમ થાય છે, તેમ થાય છે, એ બધું જાણવું.

આપણે શું કહીએ છીએ કે 'સમભાવે નિકાલ કરો' એ જ્ઞાન હાજર રાખો. એટલે પ્રજ્ઞાશક્તિ કામ કર્યા કરે છે. તમે 'સમભાવે નિકાલ કરો' એ જ્ઞાન ચૂકો, તે ઘડીએ પેલું બધું ડખળાઈ જાય છે. અમારા વાક્યો ચૂક્યા તો ડખળાઈ જશે. બીજું કશું નહીં, મોક્ષ જતો નહીં રહે, પણ પોતાનું સુખ આવરાશે ને મોક્ષે જતાં જેટલી સરળતા રહેવી જોઈએ સંસારમાં, એ સરળતા નહીં રહે.

નડે માત્ર કર્મરૂપી ફાચર !

'સ્વરૂપજ્ઞાન' પ્રાપ્ત થયા પછી, બાકી શું રહ્યું ? બધામાં શુધ્ધાત્મા દેખાય છે, પોતાનામાં શુધ્ધાત્મા દેખાય છે, ત્યારે હવે બાકી શું રહ્યું ?

કર્મરૂપી ફાચર.

પોતે પરમાત્મા થઈ ગયા, બધું ય જાણે છે, પણ શું થાય છે ? ત્યારે કહે કે કર્મરૂપી ફાચર નડે છે. કર્મરૂપી ફાચર શેનાથી નીકળી જાય ?

'ફાઈલ'નો સમભાવે નિકાલ કરવાથી. રાગ-દ્વેષ કર્યા વગર આવી પડેલી 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરવો એ જ એનો કર્મરૂપી ફાચરો કાઢવાનો ઉપાય છે. ફાચરની ક્રિયાઓ આપણાથી બધી જ થાય. અરે, કોઈને આપણો હાથ પણ વાગી જાય, પણ ફાઈલ આવતાં જ પહેલાં આપણે નક્કી કરેલું હોય કે આનો 'સમભાવે નિકાલ' કરવો છે તો રાગ-દ્વેષ થાય નહીં. પોતે પૂર્વે ચીતરેલા ચોપડા એ જ કર્મરૂપી ફાચર કહેવાય છે. કર્મરૂપી ફાચર જે ઘડીએ ફરી વળેને, તે ઘડીએ વગરકામનું આપણને ગૂંચાય ગૂંચાય કર્યા કરે. તે આપણે 'જાણીએ' કે આજે એણે ચંદુને બહુ ગૂંચવ્યો ! આપણને ના ખબર પડે ?

કર્મોદયનો કરવો નિકાલ !

પ્રશ્નકર્તા : ઉદયો આવ્યા જ કરે.

દાદાશ્રી : ઉદય તો આવે. પણ ઉદયો એટલે શું ? મહીં જે કર્મ હતું, તે ફળ આપવા માટે સન્મુખ થયું. પછી કડવું હોય કે મીઠું હોય, જે તમારો હિસાબ હોય તે ! કર્મનું ફળ સન્મુખ થતાં જ આપણને મોઢા ઉપરથી જ કંટાળો આવે, તો જાણવું કે મહીં દુઃખ આપવા આવ્યું છે અને મોઢા ઉપરથી આનંદ દેખાય તો જાણવું કે ઉદય સુખ આપવા આવ્યું છે. એટલે ઉદય તો આવે ત્યારે આપણે જાણવું કે ભાઈ આવ્યા છે, એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો.

બાકી રહ્યાં, પરમાણુ ચોખ્ખા કરવાનાં !

આ પુદગલ તો શું કહે છે ? તમે અમને બગાડયા. પુદગલને રંગ-રૂપ આપીને, કષાય કરી અને આપણે પૂતળું ઊભું કર્યું. એ પુદગલ કહે છે કે હું તો ચોખ્ખું હતું, તમે જ આ ઊભું કર્યું તો તમે મને ફરી ચોખ્ખું કરી આપો. એટલે તમે છૂટા ને હું છૂટો. એટલે ચોખ્ખું કરતાં સુધી આપણે હિસાબ ચૂકતે કરવાનો. દરેક બાબતમાં સમભાવથી નિકાલ કરવાનો !

'વ્યવહાર' ઉકેલમાં, જ્ઞાન સમજજો !

નહીં તો બીજી જગ્યાએ ઝઘડા જ થવાના, જ્યાં જાય ત્યાં. એના કરતાં પેલો નિકાલ કરવો એ સારો. નહીં તો આવતો ભવ બગાડે. એક ભવ તો બગડ્યો, પણ બીજો હઉ બગાડે. પણ આમાં બગડવાનું શું છે ? આમાં સુધારી શકાય છે.

પ્રશ્નકર્તા : બધું સહન કરવાની શક્તિ આપો.

દાદાશ્રી : આ જ્ઞાન જ સમજી જજો. સહન જ કરવું નહીં પડે.

પ્રશ્નકર્તા : થોડી સમજણ પડી છે કે આપણા નસીબમાં છે એટલે ભોગવી લેવાનું. પણ ગુસ્સો જતો જ નથી.

દાદાશ્રી : એ જાય જ નહીં. એ તો આપણે એનો સમભાવે નિકાલ જ કરવાનો. આપણે જુદાં ને એ જુદું. તમે તો શુધ્ધાત્મા અને આ 'ચંદુભાઈ' જુદાં. અને 'ચંદુભાઈ' ગુસ્સો કરે, તે કશી લેવાદેવા ના હોય. સામાને દુઃખ થાય તો કહીએ, 'માફી માગી લો.' આપણે શુધ્ધાત્મા કહેવાઈએ.

ગૃહસ્થીનો ય ઉકેલ અહીં !

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે, કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું. પણ જે ફાઈલો હોય, એનો 'સમભાવે નિકાલ' કરો, કહ્યું છે! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે ! આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં ! ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે !

'સમભાવે નિકાલ' નક્કી થયે ઉકેલ !

આ 'અક્રમ'નું 'સમભાવે ફાઇલોનો નિકાલ', એ તો એક અજાયબ વસ્તુ છે ! આ અમારી આજ્ઞા પાળવાનું તમે નક્કી કરો કે 'ફાઇલોનો સમભાવે નિકાલ' કરવો જ છે, તો એ તમને હાજર થઇ જશે. આપણો નિશ્ચય જોઇએ કે નિકાલ કરવો છે, આ શબ્દો જ જ્ઞાન રૂપે છે. પછી બહારનું બધું 'વ્યવસ્થિત'ને આધીન છે. તમારી ભાવના દ્રઢ જોઇએ કે આ આજ્ઞા પાળવી જ છે.

'સમભાવે નિકાલ' કરવો એટલે સંજોગોને અનુસરીને કામ લેવું.

ના ફાવતો માણસ આવે એટલે મહીં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ કૂદાકૂદ કરે. તે ઘડીએ આપણે કહીએ કે સમભાવે નિકાલ કરવાનો છે. એટલે બધું ચૂપ થઇ જાય. સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું, ત્યાંથી જ સામા માણસ પર એની અસર પડે ને સામો પણ ઠંડો થઇ જાય. કોઇ વખત બહુ ચીકણો હિસાબ હોય તો ઠંડો ના પણ થાય ! તે આપણે જોવાનું નહીં, આપણે તો દ્રઢ નિશ્ચય કરવાનો કે સમભાવે નિકાલ કરવો જ છે. મોડો-વહેલો ય એ નરમ પડ્યા વગર રહે જ નહીં. બધું 'વ્યવસ્થિત' પ્રમાણે થાય જ.

પ્રશ્નકર્તા : સામાને એનો કોઈ વ્યુ પોઈન્ટ હોય તો ?

દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સામાનું જોવાનું નહીં કશું. સામો ગમે તે કરે. તમારે તો નક્કી જ રાખવાનું કે 'મારે આની જોડે સમભાવે નિકાલ કરવો જ છે.'

ત્યાં ધીરજથી કામ લેવું !

અક્રમ વિજ્ઞાન જુદું જ છે. એમાં અમે પહેલું ચાર્જ થતું બંધ કરી આપીએ છીએ અને જે ડિસ્ચાર્જ રહે છે, તેનો સમભાવે નિકાલ કરવાનો કહીએ છીએ. નવું ચાર્જ ના થાય એવું કરી આપીએ છીએ. આ સહેલામાં સહેલો આત્યંતિક મુક્તિનો માર્ગ છે ! જેને એ મળી ગયો એ છૂટી ગયા !!

પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ?

દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, માબાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે 'જ્યારે ત્યારે આપણે સમભાવે નિકાલ કરવો છે.' એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે.

જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં.

સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, બોલી જવાનો ય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, તો દ્વેષભાવ નહીં રહે અને હિસાબ ચૂકતે થઇ જ જશે. ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે. પણ માંગનારો લઇ જ જશે.

આ જગતમાં તમામ હિસાબ ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો હિસાબ ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવાં બાંધ્યા તે જુદાં. હવે આપણે નવા બાંધીએ નહીં ને જૂનાં આ ભવમાં ચૂકતે થઇ જ જવાનાં. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઇ ચાલ્યા નનામી લઇને ! જ્યાં કંઇ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઇ જાય. પછી અહીં જેટલી ગૂંચો પાડી હોય તે જોડે લઇ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય.

બહારવટિયા જોડે જ્ઞાનથી નિકાલ !

આ 'જ્ઞાન' પછી સંયમ પરિણામ તો એટલાં બધાં ઊભા થાય કે ન પૂછો વાત. રસ્તામાં કોઈ બહારવટિયો ઊભો રાખે ને કહે, તારું ઘડિયાળ કાઢી આપ, ફલાણું કાઢી આપ. બધું આપ્યું. તે વખતે તમારું મન સહેજ એ થાય તરત 'જ્ઞાન' હાજર થાય કે 'આ વ્યવસ્થિત છે અને આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો છે.' એટલે 'જ્ઞાન' હાજર થઈ જાય અને એ પ્રમાણે આપણે નિકાલ કરી નાખ્યો.

પણ આમ ઘરેણા કાઢતાં કાઢતાં એકાદ વીંટી બાજુએ ફેંકી દઈએ, પછી આવીને આપણે તપાસ કરીએ. જડી તો જડી, નહીં તો બીજા કોઈને ય જડશે તો ખરી. એટલે બહારવટિયા ભેગા થાય તો એને તો કશું જ ના કહેવાય. 'ભઈ, લઈ લે. બધું તારું જ છે ને ! ઘેરથી નીકળ્યો ત્યારથી મને શકન થયા હતા.' કહીએ.

પ્રશ્નકર્તા : આ વીંટી બાજુએ ફેંકી દઈએ, એ દોષ ના કહેવાય ?

દાદાશ્રી : ના, એવું નથી. એ આપણે ફેંકી દઈએ છીએ તે પણ વ્યવસ્થિત છે, ત્યારે જ ફેંકાય ને ? નહીં તો ફેંકાય કેવી રીતે ? આપણે ફેંકીએ ત્યારે એ કહેશે, 'એય તું શું કરે છે ?' ત્યારે કહીએ 'તારા માટે કાઢું છું' અને લઈ જાય છે એ ય હિસાબ છેને ? હિસાબ વગર લઈ ના જાય એટલે તે વખતે આપણું 'જ્ઞાન' બધું હાજર થાય. આ પાંચ વાક્યો બધાં હાજર થઈ જાય એટલે બહારવટિયો દેખાય ને મહીં શુધ્ધાત્મા ય દેખાય પછી આપણને શો વાંધો છે ? આપણી જાતનો જ છે ને ?

પ્રશ્નકર્તા : તો પછી આપી દેવામાં શું વાંધો છે ?

દાદાશ્રી : આપી દેવાનો વાંધો નથી. પણ આપણે આપી દઈએ ને, તો ય એ લઈ ના લે. એ લોકો તો કહેશે કે 'અમે મારીને પડાવી લઈએ છીએ. આમ દાન તરીકે ના લઈએ !' એટલે એ લે નહીં. આ લે છે એ એમની તાકાતનું છે. એક તો કહેશે કે 'હું તને પહેલાં મારીશ ને પછી તમારી પાસેથી લઈશ. લઈ લેવું, ખૂંચવી લેવું એ મારો ધર્મ છે.' સૌ સૌનાં ધર્મમાં જ હોય છે ને !

પ્રશ્નકર્તા : કેટલાંકની તો એવી માન્યતા હોય છે કે મારી મારીને લઈ લે ત્યારે હક્કનું, નહીં તો અણહક્કનું.

દાદાશ્રી : હા, એને ગુરુ અવળો મળ્યો હશે તે એવું શીખવાડી ગયો હશે. એને જે જ્ઞાન થયું એના આધારે એ ચાલે છે. આપણને જે જ્ઞાન થયું એના આધારે આપણે ચાલીએ છીએ. એ કોઈ પણ જ્ઞાનના આધારે ચાલે છે ને ? એને કોઈ ગુરુએ આપ્યું તેવું એ ચાલ્યા કરે.

સંયમ પરિણામની શક્તિઓ !

હવે એ સમભાવે નિકાલ કર્યો એ સંયમ રાખ્યો એટલે તેનાથી સંયમ પરિણામ બહુ વધી જાય છે પછી.

પ્રશ્નકર્તા : શાના પર સંયમ રાખવાનો એ સમજાયું નહીં.

દાદાશ્રી : આ ભાઈએ આવતાં જ તમને એકદમ બે ધોલ મારી દીધી, તે વખતે જ્ઞાન હાજર થાય કે આ ધોલ મારી એ વ્યવસ્થિત છે અને આ ફાઈલ છે તેનો સમભાવે નિકાલ કરવાનો છે. એટલે તમે ઈમોશ્નલ ના થયા તો એને સંયમ રાખ્યો કહેવાય અને એ સંયમ એક ફેરો રાખે તો ડબલ શક્તિ ઉત્પન્ન થાય. બે વખત એવું રાખે તો ચાર ગણી શક્તિ આવે. ચાર વખત રાખે તો સોળ ગણી શક્તિ આવે; વીસ વખત રાખે તો ચારસો ગણી શક્તિ આવે. સંયમ પરિણામ આટલા બધાં વધતાં જાય છે અને એક જ ફેરો આપણે ઢીલાં થઈ જઈએ કે 'મને આમ કર્યું, તેમ કર્યું', તો એ સંયમ પરિણામ ના ઉત્પન્ન થાય એટલે બહુ મજબૂત રહેવું જોઈએ. જ્ઞાન તો આપણું હાજર થાય છતાં મજબૂતી આપણે રાખવી પડે.

મોક્ષમાર્ગીય સંયમ !

આ બધી 'ફાઈલો' છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે. અને આપણે તો મોક્ષે જવું છે !!

એટલે આપણે શું કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો. આ બધી ફાઈલો છે. આ કંઈ તમારી છોડીઓ નથી કે આ તમારી વહુ નથી. આ વહુ-છોડીઓ એ બધી 'ફાઈલો' છે. 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળો ય મહીં મનમાં સમજી જાય કે બધાં ચિઢાયા કરે છે. પણ શું કરે તે ?!

આ 'દાદા'એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય, કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. આ બધું કર્મના ઉદયને આધીન છે. અને 'જ્ઞાન' ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો તો એ વઢવા તૈયાર થઈ જાય.

હવે મોક્ષ ક્યારે બગડશે ? મહીં અસંયમ થશે ત્યારે ! અસંયમ થાય એવું આપણું 'જ્ઞાન' જ નથી. નિરંતર સંયમવાળું 'જ્ઞાન' છે. ફક્ત શંકા કરી કે ઉપાધિ આવી !

સમજીને ઊકેલ લાવવો !

તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો, તે ઘડીએ રાગ થતો હતો કે દ્વેષ ?

પ્રશ્નકર્તા : એ તો બન્ને વારાફરતી થાય. આપણને 'સ્યુટેબલ' હોય તો રાગ થાય ને 'ઓપોઝિટ' હોય તો દ્વેષ થાય !

દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે ! અભિપ્રાય એકાકાર થાય નહીં ને ? કો'ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે કે 'હું તમારા આધીન રહીશ, ગમે ત્યાં જશો, ચિત્તામાં જશો તો ય આધીન તમને જ રહીશ !' એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ! પણ એવું કો'કને હોય !! એટલે આમાં મજા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો ! હવે મોક્ષે જ જવું છે જેમ તેમ કરીને, ખોટ-નફાના બધાં ખાતાં નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે !

વેર છૂટે ને વીતરાગ થવાય !

વેર વધે નહીં ને વીતરાગ રહેવું, એનું નામ ફાઈલોનો સમભાવે નિકાલ. વેર વધે નહીં એ તો સંસારના લોકોને ય આવડે. પણ ખરું તો વેર વધે નહીં ને વીતરાગ રહેવાય.

અને સમભાવે નિકાલ કરવાનો એટલા માટે જ કે આપણો માર્ગ સરળતાથી કપાય. કારણ કે જગત શેનાથી ઊભું રહ્યું છે ? વેરથી આ જગત ઊભું રહ્યું છે.

વેરથી ખડો સંસાર !

'સમભાવે નિકાલ કરવો છે' એમ નક્કી રાખવાનું.

પ્રશ્નકર્તા : સમભાવે એટલે નમતું જોખવાનું ?

દાદાશ્રી : નમતું નહીં, સમભાવે નિકાલ કરવો એટલે શું કે ઉકેલ લાવવો. એ પછી નમતું જોખીને કે ગમે તે રસ્તે જોખીને પણ ઉકેલ લાવજો, ને સમભાવે નિકાલ કરવો.

આ જગત વેરથી ઊભું રહ્યું છે. કોઈને ટૈડકાવીને તમે જીતો તો એ જીત્યા ના કહેવાય. બાકી, ઉકેલ તો બધો નમ્રતાથી આવશે. વીતરાગો કેવા ડાહ્યા હતા, નાનું છોકરું ટૈડકાવે તો ય ખુશ થઈને એમની જોડે વાત કરે. કારણ કે પોતાને મુક્તિમાં જવું છે, મોક્ષે જવું છે, આ લોકોની જોડે ક્યાં ફરી બેસી રહેવું છે ! પોતાનું કામ તો લક્ષમાં હોય કે ના હોય ? પોતાનો ધ્યેય તો લક્ષમાં જ હોય ને ?! અને એટલા માટે ઉકેલ લાવવો જોઈએ. નહીં તો તમે ટૈડકાવો ને એ અત્યારે દબાઈ જાયને તો એ અંદરથી દબાતો નથી, એ અંદર સંઘરી રાખે છે, વેર બાંધે છે.

પ્રતિક્રમણથી, હિસાબ બધા છૂટે !

પ્રશ્નકર્તા : કેટલાક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ?

દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઇએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરુર છે ? આપણે એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો.

પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઇ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?

દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એકસેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.

પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર આપણી સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ?

દાદાશ્રી : હા, જરુર પહોંચે. પછી એ આત્મા એના પુદગલને પણ ધકેલે છે કે 'ભઇ, ફોન આવ્યો તારો.' આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ?

દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છે ને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં, ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જન્મ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષ માર્ગ ઉપર આવે.

ચોખ્ખા થાય કર્મો આમ !

અમારે અમારી મરજી મુજબનું કર્મ હોય ને તમને કર્મ નચાવે. અમને સ્વતંત્રતા હોય. એટલે અમે નિરાંતે બેસીએ, તમારે ય કર્મો ધીમે ધીમે ખલાસ થશે, પછી આપણે બોલાવીએ તો ય ના આવે. એ નવરા નથી. આપણે સહી કરી તેથી આવ્યા છે, નહીં તો એ આવે જ નહીં ને ? કરાર ઉપર જેવી સહીઓ કરી હોય, ગૂંચવણીવાળું હોય તો તેવું આવે ને ચોખ્ખું હોય તો ચોખ્ખું આવે. અરે, સત્સંગમાંથી ઉઠાડીને લઈ જાય, છૂટકો જ નહીં ને ?

પ્રશ્નકર્તા : સંબંધ રાખ્યો એ રાગ થયો, એટલે બોલાવે ?

દાદાશ્રી : એ બધું રાગ ને દ્વેષ જ છે. પણ પહેલી આપણે સહીઓ કરી આપી હોય તો જ એને રાગ ઉત્પન્ન થાય, નહીં તો કોઈ નામ દેનાર નથી !

આ ભવમાં અમુક જ સહીઓ ગણાય. તમે જેટલી માનો છો એટલી સહીઓ નથી હોતી. સહીઓ તો ટાઈપ થઈને ફરી ટાઈપ થાય ત્યારે સહીઓ ગણાય. એટલે એટલી બધી ના હોય.

આજ્ઞાની અસરો !

પ્રશ્નકર્તા : આ 'ફાઈલનો નિકાલ કરવો છે' નક્કી કરવાથી શું થાય છે ?

દાદાશ્રી : અંદરથી અમારી આજ્ઞા પાળે કે તરત અંદર પેલાના મનમાં વિચાર આખા ફરી જાય. 'મારે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે' એવો વિચાર કર્યો કે તરત સામાના વિચાર બદલાઈ જાય. આ જ્ઞાન એવું છે અમારું તો.કામ કાઢી નાખે એવું !

આપણું વિજ્ઞાન બહુ જુદી જાતનું છે, કામ કાઢી નાખે એવું વિજ્ઞાન છે. એક કલાકમાં જ મારા જેવું પદ પ્રાપ્ત થાય. તમારી વારેવાર છે. ફાઈલો ઘટે તો કામ થાય.

પ્રશ્નકર્તા : તમે ફાઈલની બહાર નીકળી ગયા છો ને અમે ફાઈલની અંદર ગૂંચાયેલા છીએ.

દાદાશ્રી : તમે એ શીખવા આવો છો ને ! અને શીખવા આવો છો એટલે શીખી જશો. તમે જે કોલેજમાં ગયાં તે કોલેજમાં ત્રણ વર્ષે ય ઉકેલ આવે ને ! ચાર વર્ષે, પાંચ વર્ષે, બે વાર નાપાસ થાય તો યે સાત વર્ષે નિકાલ આવે. પણ ઉકેલ તો આવે ને !

જે ભેગું થયું, તેનો નિકાલ !

પોતાના સ્વરૂપનું ભાન વધારે રાખવું અને સમભાવે નિકાલ વધારે પાળવાનું. આપણે ફાઈલનો નિકાલ કરવાનો છે. જે ફાઈલ આવે એનો નિકાલ કરવાનો છે. શાસ્ત્ર આવે એય ફાઈલ અને પુસ્તક આવે એય ફાઈલ, જે હાથમાં આવ્યું એ ફાઈલ, એનો નિકાલ કરવાનો છે. પણ એમ કરતું કરતું આ બધુંય ખરી પડશે. કારણ કે હવે આધાર તો ઊડી ગયો ને ! અત્યાર સુધી તો આધાર સહિત હતું કે 'હું વાંચુ છું, આ પુસ્તકો મારા છે ને હું રાખું છું.' પણ હવે એ આધાર ઊડી ગયો.

બધા કર્મોથી મુક્ત થવા...

ગયા અવતારે તમારા જે કર્મો ચાર્જ થઈ ગયા છે એ ચાર્જ થયેલા કર્મ અત્યારે ડિસ્ચાર્જ થાય છે. કર્મો ડિસ્ચાર્જ તો ભગવાન મહાવીરને પણ થતાં હતા, અમને પણ થાય છે. આ પગને ફ્રેક્ચર થયું તો એય ડિસ્ચાર્જ કર્મ હતું. હવે ડિસ્ચાર્જમાં કંઈ પણ ફેરફાર થાય નહીં. ડિસ્ચાર્જ અમુક રીતે હલકું થઈ જાય, પણ બીજા એના સ્વભાવમાં ફેરફાર થાય નહીં. એટલે મેં શું કહ્યું કે તમે શુધ્ધાત્મા છો, અને આ ડિસ્ચાર્જ કર્મો છે, અને એ સંયોગો ફાઈલ રૂપે આવશે. તે ફાઈલનો બધો સમભાવે નિકાલ કરજો 'ફાઈલોનો સમભાવે નિકાલ કરજો' એ મારી આજ્ઞા પાળશો તો તમે બધા કર્મથી મુક્ત થયા અને છતાં એક અવતારી રહ્યા, તેય ફક્ત આજ્ઞા પાળવા બદલ.

'નિકાલ'માં રાગ-દ્વેષ નહીં !

એટલે સમભાવે નિકાલ જ કરવાનો છે. મનમાં રાગ-દ્વેષ રહીતપણે નિકાલ કરવાનો છે. બીજું કશું કરવાનું છે નહીં. કોઈ તમને કોર્ટે લઈ જાય તો ત્યાં ય રાગ-દ્વેષ નહીં કરવાનો. સામા માણસ ઉપર ક્યારેય પણ રાગ-દ્વેષ ન થવો જોઈએ. કોઈ પણ ક્રિયામાં રાગ-દ્વેષ ન થવો જોઈએ. ભગવાનને ઘેર સારું-ખોટું છે જ નહીં. આ ડિસ્ચાર્જ કર્મોનો નિકાલ કરવાનો છે.

ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ ના હોય. ડિસ્ચાર્જ એ ભરેલો માલ કહેવાય, એમાં રાગ-દ્વેષ ના કહેવાય. જેમાં આપણે ભળતા નથી, એટલે રાગ-દ્વેષ ના કહેવાય. નવો માલ ભરવાનો હોય ત્યાં રાગ-દ્વેષ હોય. જ્ઞાનદશામાં ડિસ્ચાર્જ હોયને, એટલે સમભાવે નિકાલ કરી નાખે.

જલ્દી જલ્દી કે રાઈટ ટાઈમે ?

પ્રશ્નકર્તા : પણ દાદા, આ વ્યવહારની બધી 'ફાઈલોનો' જલ્દી જલ્દી નિકાલ થઈ જાય એવું કંઈક કરોને.

દાદાશ્રી : એવું છે, આ 'ફાઈલ' તો એની મેળે વખત થાયને એટલે પૂરી થયા જ કરે છે. ૧૯૭૯માં પૂરી થવાની તે '૭૯માં પૂરી થશે, '૮૦માં થનારી '૮૦માં થશે, '૮૧માં થનારી '૮૧માં થશે... આ ઇન્જીનને અને ડબ્બાને કંઈ કાયમનું લગ્ન નથી હોતું. જે ડબ્બા જોડયા, તે પાછાં જ્યાં આગળ, વડોદરાનો હોય તો ત્યાં તે ડબ્બો પાછો કાપી નાખે. ઇન્જીન તો એની મેળે હંમેશાય આગળ ચાલ્યા જ કરે છે. અમને ય બધા ડબ્બા છે પાછળ, ને બધું ચાલ્યા કરે છે.

વધતા પ્રજ્ઞા પ્રકાશે, 'ફાઈલ' ઊકેલાશે !

હવે પ્રજ્ઞાનો પ્રકાશ વધતો જાય દહાડે દહાડે ! પ્રકાશ વધે છે તેથી તો 'ફાઈલોનો નિકાલ' થાય છે, નહીં તો એક ફાઈલનો નિકાલ ના થાય. એ પ્રકાશ વધે છે તેથી તો નિકાલ થાય છે. કેટલી અથડામણો થાય છે આખા દહાડામાં ?

પ્રશ્નકર્તા : બહુ જ ઓછી.

દાદાશ્રી : તો એ જ્ઞાન પ્રકાશને લીધે અથડામણો નથી થતી. બાકી આખું જગત અથડાઈ અથડાઈને મરી ગયું. આ તો તમને નર્યો પ્રકાશ વધતો જ ચાલ્યો છે હવે ! એટલે પછી ગૂંચ જ ના આવે. ગૂંચ આવે છે તમને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : અને જગત તો આખું ગૂંચવાળું જ છે. જરીક બાબત કશુંક બન્યું કે ગૂંચાયા કરે.

પ્રશ્નકર્તા : ગૂંચ તો બધી ઉકલી ગઈ દાદા !

દાદાશ્રી : તો પછી શું ?! અને ''દાદા'' આપણી પાસે છે પછી શું જોઈએ ?!

છતાં ય આપણે નક્કી એ રાખવાનું કે 'ફાઈલ' જે હશે એને કોઈ ફેરફાર નથી કરવાનો. જે 'ફાઈલ'નું જે બનવાનું હશે એનો ફેરફાર કોઈ કરવાનો નથી, અને આપણે ય ફેરફાર નહીં કરવો. 'વ્યવસ્થિત'માં જે હો તે ભલે હો. એટલે આપણે એનો ખેદ રાખવાનો નહીં. કારણ કે આ પોતાની વસ્તુ કોઈ છે નહીં. આ તો 'ફાઈલો' છે. આ દેહેય પોતાનો નથી, 'ફાઈલ' છે. અને બીજું બધું ય ફાઈલો છે. 'ફાઈલ'ની જવાબદારી આપણી કંઈ હોતી નથી ! વ્યવહાર પૂરતી જ જવાબદારી હોય છે. વ્યવહારમાં કોઈક કહે કે આ છોકરાંને તમે ઠપકો નથી આપતા કે ? તો આપણે એમ ના કહેવાય કે 'ભઈ, હું તો ધર્મિષ્ઠ છું, હું તો આત્મા થઈ ગયો છું, હવે મારા છોકરાંનું મારે શું ?' એવું ના બોલાય. આપણે કબૂલ કરવું જોઈએ કે હા, મારા છોકરાંને હું ઠપકો નથી આપતો.

વ્યવહારમાં ચંદુભાઈ કોઈની પર ચિઢાયને તો તે આપણે ય કહેવું કે, ''જુઓ હવે ચંદુભાઈ, તમારા ખેલ તો જુઓ !''

હિસાબ પ્રમાણે ચૂકવાય !

પ્રશ્નકર્તા : એમની ફાઈલ નંબર એકને હજી રાગ વર્તે છે ને ? એ રાગને લઈને બધું ઊભું થાય.

દાદાશ્રી : શું રાગ વર્તે છે ?

પ્રશ્નકર્તા : આ મારો ભાઈ છે. તો ભાઈનું કો'ક વિરુદ્ધ બોલે તો એની સામે જરાક....

દાદાશ્રી : એ તો બધો ભરેલો માલ છે, એ થાય. પણ પછી પ્રતિક્રમણ કરે એટલે શુધ્ધ ઉપયોગ કહેવાય. શુધ્ધ ઉપયોગ કોનું નામ કહેવાય ? પ્રતિક્રમણ કરતો હોય એ શુધ્ધ ઉપયોગ કહેવાય. શુધ્ધ ઉપયોગ હેતુ માટે પ્રતિક્રમણ કરે છે, માટે. આમાં એનો હેતુ શો છે ? શુધ્ધ ઉપયોગનો. તમારી ય બે નંબરની ફાઈલ જબરી જ છે ને ?

પ્રશ્નકર્તા : આપણે જબરી માનતાં જ નથી. આપણી જબરી છે જ નહીં. અને ફાઈલને ગા ગા કરીએ તો આપણે દોષમાં પડીએ કે નહીં ?

દાદાશ્રી : પડીએ ! ફાઈલને શું કરવા ગા ગા કરીએ ? લેવાદેવા શું આપણે ? આ ફાઈલ જોડે તો કર્મના ઉદય પ્રમાણે હિસાબ ચૂકવાયા કરે. જેટલું ઋણાનુબંધ છે એટલું ચૂકવાયા કરે.

ચીકણાં કર્મોનાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરવાં કરતાં અતિક્રમણ વધારે થાય છે !

દાદાશ્રી : તો પ્રતિક્રમણની દવા આપેલી છે. અરે, કશું ના થાય તો ય વાંધો નહીં. આલોચના નહીં કરે તે ય મેં માફ કર્યા છે. આ હું જાણું કે આજનાં લોકોને કળ વળતી નથી. આ શું આલોચના કરવાનાં છે ? એના કરતાં પ્રતિક્રમણ કરવા દો ને !

પ્રશ્નકર્તા : એમાં ય પ્રત્યાખ્યાન કરવું પડે છે ને પાછું ?

દાદાશ્રી : અરે પ્રત્યાખ્યાને ય નહીં કરે તો ચાલશે. અતિક્રમણ કર્યું ને પ્રતિક્રમણ કરશે તો ય બહુ થઈ ગયું. આજનાં કળ વગરનાં માણસો !

અત્યારે તો બહુ ત્યારે પાંચ ભજીયાં ખાય. એ શું ધોળે તે ? પહેલાં તો આટલાં બધાં ખાઈ જાય ! આજના જેવાં ભજીયાં તે આટલાં બધાં ખાઈ જાય !

આલોચના, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આખું ના થાય તો એકલું પ્રતિક્રમણ કર કર કરે તો બહુ થઈ જાય. ચીકણી ફાઈલના પ્રતિક્રમણ કરીએ, દોષનાં પ્રતિક્રમણ કરીએ એટલે આમ એની ડિઝાઈન રહે, પણ આમ હાથ અડે એટલે ઊડી જાય, પડી જાય. જે ચીકણું હતું તે પ્રતિક્રમણ કરવાથી ચીકાશ ના રહે એમાં પછી. ચીકાશ 'હપુચી' ઊડી જાય. નહીં તો આમ હાથ ઘસ ઘસ કરીએ તો ય એ ના ખસે.

પ્રશ્નકર્તા : એટલે ચીકણાં કર્મોનો ક્ષય કરવા માટે પ્રતિક્રમણ કરવું જરૂરીને ?

દાદાશ્રી : બીજો ઉપાય જ નથી, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન સિવાય ! આલોચના એટલે દાદાને યાદ કરીને કહેવું કે 'મારી આ ભૂલ થઈ છે !' અને તે 'હવે ફરી નહીં કરું' એટલું બસ પ્રત્યાખ્યાન કરી લે એક ફેરો, બસ આટલો જ ઉપાય. બીજો કોઈ ઉપાય નથી.

ભાવ જ કરવાના, સમભાવે નિકાલના !

ઘણા માણસો મને કહે છે કે, 'દાદા સમભાવે નિકાલ કરવા જઉ છું પણ થતું નથી !' ત્યારે હું કહું છું, અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય. તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહેને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પતે તો તે 'નેચર'ના આધીન છે.

અમે તો આટલું જ જોઈએ કે, 'મારે સમભાવે નિકાલ કરવાનો છે.' એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું, તે અમારે જોવાનું નથી. આ નાટક ક્યાં સુધી જોવા બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે સમભાવે નિકાલ ના પણ થાય. હોળી સળગી, નહીં તો આગળ ઉપર સળગાવીશું. આમ ફૂટાફૂટ કરવાથી ઓછી સળગે ? એનો ક્યારે પાર આવે ? આપણે દીવાસળીઓ સળગાવવી, બીજું સળગાવ્યું, પછી આપણે શું કામ ? મેલ પૂળો ને આગળ ચાલો.

એનાં પ્રતિક્રમણોની નથી જરૂર !

પ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે એનો તો આપણે સમભાવે નિકાલ કરી શકીએ પણ આ ફાઈલ નંબર એકનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવો ને ? કારણ કે ફાઈલ નંબર એકના જ બધા ડખા હોય છે.

દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતા રહે. ફાઈલ જોવાથી જ. વાંકો હોય કે ચૂંકો હોય, એને ફાઈલની સાથે ભાંજગડ બહુ ના હોય. એને જોવાથી જ જતા રહે. સામો ફાઈલવાળો ક્લેઈમ માંડે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. આમાં કોઈ દાવા માંડનારો કોઈ નહીં ને ? દાવો માંડનાર કોઈ નહીં એટલે એને જોવાથી જ જતા રહે. ખરાબ વિચાર મનમાં આવતા હોય, થોડા આડા આવતા હોય, બુદ્ધિ ખરાબ થતી હોય, એ બધું જોયા જ કરવાનું, જે જે કાર્ય કરતાં હોય તેનો વાંધો નહીં, આપણે તો એ જોયા કરવાનું.

આ તો સરળમાં સરળ મોક્ષમાર્ગ છે, સહેલામાં સહેલો મોક્ષ !

પ્રશ્નકર્તા : એ જોયા કરવાનું એટલે એની સાથે સહમત નહીં થવાનું ?

દાદાશ્રી : સહમત તો હોય જ નહીં. જોયા કરનાર સહમત તો હોય જ નહીં. આપણે આ હોળી જોઈએ તો માણસ દાઝે ?

પ્રશ્નકર્તા : ના દાઝે.

દાદાશ્રી : હોળી મોટી જબરજસ્ત કરી હોય, પણ તે આંખે જુએ તો આંખને શું ?

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણાથી ડખો થયો એને આપણે જોયો, જાણ્યો, પણ આપણા આ ડખાથી સામેવાળાને દુઃખ થયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે ને ?

દાદાશ્રી : એ તેનું પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ કેમ કર્યું ? સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ.

આજ્ઞા ચૂક્યા, કરો પ્રતિક્રમણ !

રસ્તો આ છે કે 'દાદાની આજ્ઞા'માં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દો. અને જેટલી આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તો ય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે, તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એના પક્ષમાં જ હોય, ઘરનાં માણસો.

પ્રતિક્રમણ કરતાં જ સામા પર અસર !

પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ એ સામી વ્યક્તિને પહોંચે ?

દાદાશ્રી : ખબર એને પડે કે ના ય પડે. છતાં અસર કરે એને. આપણા તરફનો ખરાબ ભાવ નરમ થતો જાય.

અને આપણે જો મનમાં ખૂબ એની પર ચિઢાયા કરીએ તો એ બાજુ એનો ખરાબ ભાવ વધતો જાય. પેલો ય વિચારે કે આટલા બધા મારા ભાવ કેમ ખરાબ થતા જાય છે એની પર !

પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચિટકે નહીંને બીજા જન્મમાં ?

દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં બધા કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં.

ઘરની ફાઈલોનાં પ્રતિક્રમણ !

હવે તારે આ પ્રતિક્રમણ થાય છે ખરાં ?

પ્રશ્નકર્તા : હા, થાય છે. આ ઘરની જ ફાઈલો મુખ્ય છે ને દાદા ?!

દાદાશ્રી : તારે ઘરની ફાઈલો કેટલી છે ?

પ્રશ્નકર્તા : આ બે જ ફાઈલો છે. સહુથી વધારે પ્રતિક્રમણ આનાં જ કરવાનાં.

દાદાશ્રી : તમે એક જ બાબો છે ને !

પ્રશ્નકર્તા : એ બાબાના જ મુખ્ય કરું છે એ, અને ફાઈલ નંબર બે. એનાં સૌથી વધારે પ્રતિક્રમણ.

દાદાશ્રી : એમ ?!

પ્રશ્નકર્તા : હા. પ્રતિક્રમણ બહુ કર્યા. એટલે બાબો તો એકદમ શાંત પડી ગયો. સાવ શાંત પડી ગયોને ! એકદમ સહકાર આપે છે.

મેં મારા ભાઈ જોડે પણ પ્રતિક્રમણ કર્યા એટલે બધાનું પરિવર્તન થયું. પ્રતિક્રમણ રોજ કરું છું.

દાદાશ્રી : પ્રતિક્રમણથી સામાની પરિણતી ફરે છે. એવું લોકોને અનુભવમાં આવ્યું. એટલે પછી છોડે નહીં ને ? 'ધીસ ઈઝ ધ કેશ બેન્ક.' પ્રતિક્રમણ એ તો 'કેશ બેન્ક' કહેવાય. તરત ફળ આપનારું. તમારે પ્રતિક્રમણ બહુ કરવાં પડે છે ખરું ?

પ્રશ્નકર્તા : ખાસ તો ઘરનાંનાં જ કરવાં પડે છે.

દાદાશ્રી : પ્રતિક્રમણ કેટલાંક થાય છે ?

પ્રશ્નકર્તા : પચાસ, સો થાય. અમારા ઘરની એક-બે ચીકણી ફાઈલો છે એનાં કરું છું.

પાછલી ગૂંચો ઊકેલવી રહી !

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષે' ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે અને તમને બધાંને અત્યારે આ અવતારમાં 'જ્ઞાની પુરુષ' મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.

મહાત્માઓને ભાવ-અભાવ હોય છે પણ એ નિકાલી કર્મ છે, ભાવકર્મ નથી. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ ને ભાવાભાવ એ બધાં નિકાલી કર્મ છે. તેનો સમભાવે નિકાલ કરવાનો છે. આ કર્મો પ્રતિક્રમણ સહિત નિકાલ થાય, એમ ને એમ ના નિકાલ થાય.

વ્યવહાર નિકાલ, સમભાવે

તમે 'ફાઈલનો નિકાલ' કરો, એ ફાઈલો પ્રતિષ્ઠિત આત્માની છે. એ આપણી ગુનેગારી છે. કારણ કે 'આપણે' અજ્ઞાનભાવે આવું ઊભું કર્યું છે.

જ્યાં સુધી મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ રહે ત્યાં સુધી વ્યવહારને આદરવાયોગ્ય કહ્યો છે. આ કાળમાં તેમ રહે તેમ નથી. તેથી આ વ્યવહારને અક્રમમાં સમૂળગો 'નિકાલ' કરી મૂક્યો છે. છતાં અક્રમમાં વ્યવહાર સંપૂર્ણ આદર્શ હોય.

જેનો અહંકાર ગયો હોય તે ગમે તે માણસને ખુશ કરી શકે અને સમભાવે નિકાલ કરી શકે.

આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર દેખાય, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે 'ફાઈલો' રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તો ય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.

'જ્યાં' નથી ત્યાગ, નથી ગ્રહણ....

આપણે ત્યાં ત્યાગ નામે ય નથી, એટલે લોકોને અનુકૂળ આવે ને ! બિલકુલ ત્યાગ નહીં.

પ્રશ્નકર્તા : સોનાના દાગીનાનો ત્યાગ કરો કહો તો એ અનુકૂળ ના આવે.

દાદાશ્રી : ત્યાગની જરૂર જ નથી. નથી ત્યાગ કરવાનો કે નથી ગ્રહણ કરવાનું ફક્ત નિકાલ કરવાનો રહ્યો છે. અહીં 'સ્વરૂપજ્ઞાન' મળ્યા પછી લાઈન ઓફ ડીમાર્કેશન પડે. નહીં તો ત્યાં સુધી પડે નહીં ને ત્યાં સુધી કોઈનું કામે ય થાય નહીં. એટલે મુખ્ય વસ્તુ 'સ્વરૂપ જ્ઞાન' અમારી પાસેથી લઈ જાય ત્યારે લાઈન ઓફ ડિમાર્કેશન પડે. નહીં તો બાકી આ બહાર તો બધે ગૂંચવાડો વધતો જ જાય દહાડે દહાડે.

'નિકાલ' શબ્દ સારો લાગે છે ને ? આ 'નિકાલ' શબ્દ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી. કોઈ શાસ્ત્રમાં હોય નહિ ને ! 'સમભાવે નિકાલ કરજો !' એ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ ! અને લોકો તો એવા ખુશ થઈ ગયા છે, આ વિજ્ઞાનથી.

પ્રશ્નકર્તા : આ 'નિકાલ' શબ્દ વાપર્યા પછી કોઈ ઠેકાણે પક્કડ નથી. નહીં તો બધે જ પક્કડો હતી.

દાદાશ્રી : હા, પકડ જ હોય, અને આ તો નહીં ગ્રહણ, નહીં ત્યાગ, નિકાલ ! આપણું આ સમભાવે ફાઈલના નિકાલમાં જપ-તપ-ત્યાગ બધું ય એમાં આવી જાય.

આમ વાતો કરતાં હોય કે 'હવે આ દુકાનોનો બધો નિકાલ કરી નાખવો છે' એટલે આપણે સમજી જઈએ કે શું નિકાલ કરવા માગે છે અને પછી એનું કેવું થશે પરિણામ, તે પણ આપણે સમજી જઈએ. 'નિકાલ' શબ્દ બોલે ત્યાં સમજી જઈએ. અને 'વેચી દેવું' કહે કે સમજણ ના પડે. કારણ કે શું સામાન હશે ને વેચાતી કોને કહે છે ? પણ 'નિકાલ' કહે એટલે તરત સમજી જાય કે આ નિકાલ કરી નાખવાનો હોય.

સંયોગોનો નિકાલ, સમભાવે

તમને 'જ્ઞાન' આપ્યું એટલે ચંદુભાઈ'નો તમે નિકાલ કરો છો હવે.

પ્રશ્નકર્તા : થઈ રહ્યો છે. આ તો 'તમે કરો છો' કહો તો પછી ક્રમિકમાં જતું રહે.

દાદાશ્રી : એ તો ભાષા તરીકે બોલવાનું ! બધાને 'નિકાલ' થઈ રહ્યો છે. એવી ભાષા એકદમ આ બધાને મોઢે ના હોય ને ! આમને તો ગ્રામિક ભાષા હોય. તે બધા સામસામી સમજી જાય. આ લોકો બાળ ભાષામાં બોલે. તે બાળક કાલું બોલતો હોય તોય માબાપ બધા સમજી જાયને !

આત્મા સિવાય બીજી વાતો બધી સંયોગની જ છે. એ તો આવ્યા જ કરશે, પણ સંયોગમાં હાથ ઘાલ્યો કે પછી દઝાવાશે. એટલે એને તો છેટેથી જ સમભાવે નિકાલ જ કરી નાખવાનો.

ભગવાને કહ્યું કે જે સંયોગ ભેગા થાય તેને એકસેપ્ટ કરો. સંયોગ કુદરતી છે. તેમાં 'આમ કરો ને ના કરો' એવું ના હોવું જોઈએ. સંયોગ 'વ્યવસ્થિત' છે. એનો સમભાવે નિકાલ કરો.

એ સ્થિતિ વીતરાગની !

વીતરાગ કોને કહેવાય ? સમભાવે નિકાલ કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વીતરાગ થાય ત્યાં સુધી વીતરાગ કહેવાય. અરે, સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું, ત્યાંથી જ વીતરાગની શરૂઆત થાય, તે ઠેઠ સંપૂર્ણ વીતરાગ થાય ત્યાં સુધી વીતરાગતા કહેવાય.

છૂટવાની રીત સરખી જ !

સમભાવે નિકાલ સમજી ગયાને, તમે ? 'સમભાવે નિકાલ' કરવો એ સમજ તો બહુ ભારે વાત છે. એ જ આપણે સમજવાનું છે. બીજું કશું ય નહીં. વીતરાગોનું સાયન્સ છે આ તો. વીતરાગોએ જે કર્યું હતું તે અમે કરીએ છીએ ને એ તમને દેખાડીએ છીએ. વીતરાગો જે રીતે છૂટ્યા તે રીતે અમે છૂટ્યા ને તે રીત હું તમને દેખાડું છું. આ તો જે રસ્તે અમે નીકળ્યા છીએ ને જે રસ્તે અમે છૂટ્યા છીએ એ જ રસ્તો બધાને આપી દેવા માંડ્યો છે.

- જય સચ્ચિદાનંદ