પૌદ્ગલિક આનંદ : આત્માનો આનંદ સંપાદકીય પોતે આત્મ સ્વરુપ છે છતાં અનાદી કાળથી ભ્રાંતિ હોવાને કારણે પુદ્ગલ સુખમાં જ રાચતો રહ્યો છે. પાંચ ઇન્દ્રિયના સુખો ભોગવતાં ભોગવતા, આગળ ડેવલપમેન્ટ વધતાં પછી કષાયોના- માનના, લોભના સુખમાં રમણતા કરે છે, એનાથી સુપિરિયર સુખ, આત્માનું સુખ જ્યારે ચાખે છે, ત્યારે પૌદ્ગલિક સુખોમાંથી વૃત્તિ છૂટી જાય છે. આત્મવિજ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન પાસે બે કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ થયા બાદ આત્મસુખ, નિરાકુળતારૂપે વર્ત્યા કરે છે. છતાં જેને સંપૂર્ણ આત્માનું સ્પષ્ટ વેદન જ ખપે છે, આત્માની સંપૂર્ણ અનુભવદશા જ ખપે છે, તેને ક્યો પુરુષાર્થ માંડવો કે જેથી એ અનુભવશ્રેણિઓ ચઢી શકે ! જ્યાં સુધી કઈપણ રીલેટિવ સુખ છે, પરસ્પર અવલંબનથી સુખ છે, તે પછી દેહના, વાણીના, મનના, કોઈ વ્યક્તિ કે સાધનના આધારે મળતું સુખ માત્ર પૌદ્ગલિક સુખ જ કહેવાય. જ્યાં સુધી પૌદ્ગલિક સુખ ચાખ્યા કરે છે ત્યાં સુધી આત્મસુખ પર આવરણ આવ્યા કરે. પરમ પૂજ્ય દાદાશ્રી અત્યંત કૃપા કરી આવરણ તોડી અક્રમ જ્ઞાન દ્વારા આત્મજાગૃતિમાં મુકી દે છે. હવે એ સમજી લેવાનું છે કે રિલેટિવ દુઃખ હોય તો સહેજે છુટાપણું વર્તાયા કરે છે, પણ રિલેટિવ સુખમાં તન્મયાકાર થઈ જવાય છે. માટે કોઈપણ રિલેટિવ સુખોમાં રુચિ ન રહે, તે માટે તેને ઓળખી તેનાથી છૂટા રહેવાનું છે, તો જ આત્મસુખનો ભોકતા બની શકે. રિલેટિવમાં ક્યાં ક્યાં સુખ લેવાઈ જાય છે અને રિલેટિવ સુખ છૂટતાં આત્માનો આનંદ પ્રગટ થાય તે કેવી દશા હોય, તે સર્વ પ્રસ્તુત દાદાશ્રીની જ્ઞાનવાણીમાં સંકલીત થયુ છે તે મહાત્માઓને છૂટાપણાની જાગૃતિ માટે નવી જ દ્રષ્ટિ બક્ષશે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ
પ્રશ્નકર્તા : બીજે બધે કરતાં અહીંની વસ્તુ મને જુદી લાગે છે. અહીં બધાનાં મોઢાં ઉપર હાસ્ય, આનંદ જુદી જાતનો છે. એનું શું કારણ ? દાદાશ્રી : આ તમને પરીક્ષા કરતાં આવડી એ બહુ મોટી વાત છે. આ પરીક્ષા કરવી સહેલી નથી. આ તો 'વર્લ્ડ'ની અજાયબી છે ! આનું કારણ અહીં બધાંની મહીં બળતરા બંધ થઈ ગઈ છે ને આત્માનો આનંદ ઉત્પન્ન થયો છે. અહીં સાચો આનંદ પ્રાપ્ત થાય છે તેનાથી કેટલાય અવતારના પડેલા ઘા રૂઝાઈ જાય છે. નહીં તો સંસારના ઘા તો રૂઝાય જ નહીં ને ! એક ઘા રૂઝાવા માંડ્યો ત્યાં બીજા પાંચ પડ્યા હોય ! આત્માના આનંદથી મહીં બધા જ ઘા રૂઝાઈ જાય, તેની મુક્તિ વર્તે !! મહીં ભરપટ્ટે આનંદ જીવમાત્રને ભરેલો પડ્યો જ છે, પણ એ આત્માનો આનંદ આવતો બંધ થઈ ગયો છે. કષાય, ક્લેશ, રાગ-દ્વેષ થાય તેનાથી આત્મા પર આવરણ આવે ને આનંદ ચાલ્યો જાય. ગાયના શિંગડા પર રાઈનો દાણો મૂકે ને જેટલી વાર ટકે એટલી જ વાર જો આત્માનો આનંદ ચાખે તો એ પછી જાય નહીં, એક ફેરો દ્રષ્ટિમાં બેસી ગયો માટે. સાચો આનંદ એકધારો રહે, બહુ તૃપ્તિ રહે. એ આનંદનું વર્ણન ના થાય. ક્રોધ-માન-માયા-લોભની ગેરહાજરી તે જ આનંદ. સંસારી આનંદ આવે છે એ મૂર્છાનો આનંદ છે, બ્રાન્ડી પીધા જેવો. જગતે આનંદ જોયો જ નથી. જે જોયું છે તે તિરોભાવી આનંદ જોયો છે. આનંદમાં થાક ના હોય, કંટાળો ના હોય. કંટાળો આવે એનું નામ થાક. સાચા આનંદનો અનુભવ ! પ્રશ્નકર્તા : સાચા આનંદને કઈ રીતે અનુભવાય ? દાદાશ્રી : સાચો આનંદ બાહ્ય કોઈ રીતે અનુભવાય નહીં. આ લૌકિક આનંદ માટે ઇન્દ્રિયોની જરૂર ખરી, પણ સાચા આનંદ માટે ઇન્દ્રિયોની જરૂર નથી. ઊલટું ઇન્દ્રિયો અંતરાય કરે. સાચો આનંદ તો શાશ્વત આનંદ છે. કોઈ પણ વસ્તુનો આધાર હોય, તો તે પૌદ્ગલિક આનંદ છે. આધાર એટલે કોઈ વસ્તુ મળે, વિષયોની વસ્તુ મળે, માન-તાન મળે, લોભનો લાભ થાય એ બધા કલ્પિત, પૌદ્ગલિક આનંદ ! જગત વિસ્મૃત કરાવડાવે એનું નામ આનંદ, અને એ જ આત્માનો આનંદ. આનંદ તો નિરુપાય આનંદ હોવો જોઈએ, મુક્ત આનંદ હોવો જોઈએ. જ્યાં સુધી વ્યવહાર આત્મા છે ત્યાં સુધી માનસિક આનંદ છે. રિયલ આત્મા જાણ્યા પછી આત્માનો આનંદ પ્રાપ્ત થાય. શબ્દરૂપે સાંભળેલા આત્માથી કામ ના થાય, યથાર્થ સ્વરૂપે હોવું જોઈએ. જ્ઞાનીની હાજરીમાં આનંદ ! તમને આત્માનો આનંદ ચખાવ્યો કે ના ચખાવ્યો અત્યારે ? પ્રશ્નકર્તા : હા, એ આપનો ઉપકાર. દાદાશ્રી : નહીં. ઉપકાર-બુપકાર કોઈનો ગણવાનો નથી. તમારો જ છે આ. ઉપકાર અમારે ત્યાં હોય નહીં. તમારે મનમાં માનવાનું, મોઢે બોલવાનું નહીં. બાકી અમારે આ જોઈએ નહીં, આવી તેવી વસ્તુ, અમે તો આ આપવા જ આવ્યા છીએ. નહીં તો મારે ૭૪ વર્ષે શું કામ હતું અહીં આગળ દોડધામ કરીને ? અગિયાર કલાક મારે કામ કરીને શું કામ છે, ભઈ ? પણ ૭૪ વર્ષે તે ૧૧ કલાક મારે કામ ચાલ્યા કરે છે અને દિવાળીને દહાડે ૧૮ કલાક કામ ચાલે છે. બોલો દિવાળીને દહાડે પણ રજા નથી. કારણ કે તે દહાડે ઘરાકી બહુ હોય. આત્માના લક્ષણ ખબર પડયા ? અત્યારે જે આનંદ થયો છે એ આત્માનું લક્ષણ છે અને અત્યાર સુધી જે આનંદ હતો એ મનનો હતો. મનની શાંતિ હતી. હા, એ માનસિક શાંતિ થાય અને આ આત્માનો આનંદ છે. જ્ઞાની પુરુષ પાસે જયારે સાંભળેને ત્યારે જ આત્માનો આનંદ થાય. નહીં તો ત્યાં સુધી આત્માનો આનંદ શી રીતે થાય ? જગતના લોકો બુદ્ધિની વાત સાંભળે છે, અને મનથી ધારે એટલે માનસિક શાંતિ ઉભી થાય અને ઈમોશનલ થઈ જાય અને આ તો નિરાકુળતા ઉત્પન્ન થાય. આકુળતા-વ્યાકુળતા રહિત એવી નિરાકુળતા. આત્માનો આનંદ એ તમે ચાખ્યો અત્યારે. મહીં નિરંતર પરમાનંદી ! પ્રશ્નકર્તા : અત્યારે આપણા મહાત્માઓને શું હોય ? દાદાશ્રી : આ તો પરમાનંદી ! આપણા મહાત્માઓને મસ્તીય ના હોય અને મસ્તાનીય ના હોય. કારણ કે માનસિક સુખ ભોગવતા નથી. પ્રશ્નકર્તા : મહાત્માઓને માનસિક દુઃખ હોય તો ય પરમાનંદી કહેવાય ? દાદાશ્રી : હા, પરમાનંદી ! માનસિક દુઃખ તો ડિસ્ચાર્જ દુઃખ છે. નિરંતર આનંદમાં રહેવું એનું નામ જ મોક્ષ. કોઈ ગાળો ભાંડે, ગજવું કાપે તો ય આનંદ ના જાય એનું નામ મોક્ષ. મોક્ષ કોઈ બીજી વસ્તુ નથી. 'જ્ઞાની પુરુષ'ને નિરંતર પરમાનંદ જ રહે. તે આનંદ દ્વન્દ્વાતીત ! જે સુખ આવ્યા પછી જતું રહે, એને સુખ જ કેમ કહેવાય ? માટે એને સુખ માનવું જ નહીં. પ્રશ્નકર્તા : આત્માના સુખ માટે એક બીજો શબ્દ કાઢવો જોઈએ. સુખ આપણે કહીએ તો એની સામે દુઃખ આવે, એ દ્વંદ્વ થયું અને રિલેટીવમાં ગયું. એટલે આત્માનું જે સુખ છે, જે કાયમનું સુખ છે એને માટે કોઈ અલગ શબ્દ હોવો જોઈએ. દાદાશ્રી : અલગ શબ્દ છે ને, આનંદ. સચ્ચિદાનંદ. એ તો આનંદ છે, એ તો ક્યારે ય પણ ના જાય. આ ઇન્દ્રિય સુખ જે છેને, એને ભગવાને શાતા કહી છે, દુઃખને અશાતા કહી છે. આત્મસુખમાં રહેવાની રીત ! પ્રશ્નકર્તા : નંદવું એટલે ઉલ્લાસ અને આનંદ એટલે બહુ અતિ ઉલ્લાસ એટલે એ આનંદ છે. એટલે આનંદ જો હોય તો સુખનાં કરતાં એ આનંદ વધારે છે. દાદાશ્રી : એની તો વાત જ જુદી છે ને ! આનંદ એટલે શું ? પરમાનંદ ! આપણે તો પાડોશી ભૂખ્યો હોય તો આપણે કહેવું કે દાદા, હું જમીને આવ્યો છું. આ મારા પાડોશી ભૂખ્યાં છે. એટલે જ્યારે પૂછે ત્યારે, 'ભાઈ કેમનો છે ?' તો કહે, 'પરમાનંદ'. આ લોકોની પેઠ નહીં, બનાવટી નહીં કરવાનું. પરમાનંદમાં જ રહેવું જોઈએ ને પરમાનંદ જ છે જ. વધે ઘટે તે આનંદ આપણો ન્હોય ! પ્રશ્નકર્તા : ક્યારેક ઉલ્લાસ અતિરિક્ત થાય ? દાદાશ્રી : ઉલ્લાસ વધારે થાય છે એ ય આત્માનો સ્વભાવ ન્હોય ને જે ડાઉન થાય છે તે ય આત્માનો આનંદ ન્હોય. એ દ્રષ્ટિફેરનો રોગ છે. આત્મા તો તે સ્વભાવિક આનંદ રહે છે. તે ઊંચે થાય છે તે ય પાડોશીના ત્યાંનો છે માલ. પ્રશ્નકર્તા : એટલે જે અતિરિક્ત આનંદ અમુક થાય છે તે સાચો આનંદ હોય નહીં એ, પણ એનાં જેવો દેખાવ કરે. દાદાશ્રી : એ જે અતિ થાય તેય આપણો ન્હોય, આપણા પાડોશી ને જે ડાઉન થઈ જાય છે તે ય પાડોશી. પોતે પોતાનાં ઘરમાં જ મુકામ રાખવો. આ તો બધા પાડોશીનાં ગુણધર્મ, અતિ થવું, નીચે જવું, ઘટવધ થવું. એટલે ત્યાર પછી મોઢા પર આનંદ આવશે. કો'કને એમ લાગશે કે ભઈ કંઈક નવી જાતની શોધખોળ લાવ્યાં છે. કંઈક છે આમની પાસે, કંઈક છે. વગર જમઈ મરી ગયે જમઈની કાંણ કાઢીએ તો આપણે મુરખ કહેવાઈએને. મૂળ વસ્તુમાં આવો, ઉલ્લાસ વધઘટ થાય એ આત્મ વિભાગ નથી. છોકરો પૈણાવા માંડયો એટલે ઉલ્લાસ ચડ્યો અને છોકરો મરી ગયો તે ઉલ્લાસ ઉતર્યો. અને આપણી દુનિયામાં છોકરો મરતો ય નથી ને જીવતો ય નથી, પૈણતો ય નથી. માટે ઉલ્લાસ વધઘટ થાય છે એ બધાં પૌદ્ગલિક ગુણો છે ને પૌદ્ગલિકને પોતાનાં માનવાં એ અહીં ભૂલ થાય છે. સાયંટિસ્ટ માણસો હમેશા એક પરમાણુ પરમાણુ અલગ રાખે. પરમાણુની ભૂલ થાય તો બહુ મોટામાં મોટી ભૂલ થઈ જાય. એટલે પુસ્તક વાંચતા જે આનંદ થયો એ પૌદ્ગલિક આનંદ છે અને તે ઉતરી જશે પાછો. આનંદ તો આપણા મહીંથી જ આવવો જોઈએ. હે..... નિરંતર, કશું વાંચવું ના પડે ! આનંદનું તે સંગ્રહસ્થાન છે આખું બધું. સંગ્રહસ્થાન એટલે જે જોવા માંગો એ બધું જોવાનું હોય ને વળી પાછો આનંદ. હવે આ શાથી ? નિર્લેપ તો આત્મા આપ્યો છે બધાને. પણ નિર્લેપ વાપરતા તો આવડવો જોઈએને બધાને. તે વાપરવામાં ડિફેક્ટ એટલી આ આનંદમાં ડિફેક્ટ ! મહેનત વગરનો સાહજિક આનંદ ! પુસ્તકમાં આનંદ ના આવવો જોઈએ. બીલકુલ ના આવવો જોઈએ. જુઓ આપણે આનંદ કેવો છે ? કે પરમેનન્ટ આનંદ એટલે કંઈથી બહાર ઉછીનો લેવાનો નથી. કોઈની પાસે પ્રાપ્તિ કરવાની નથી. કોઈ મહેનત કરવાની નથી. વગર મહેનતનો આનંદ પોતાની પાસે પડેલો છે. પુસ્તકમાંથી મેળવ્યો માટે એ પૌદ્ગલિક આનંદ અને તે ઉતરી જશે. આ રીલેટિવ સ્ટેજનો માર્ગ ન્હોય. યુ આર કમ્પ્લીટ આત્મા અને જે ચોખ્ખો પ્યોર શુધ્ધાત્મા છે, પછી નિર્લેપ છે, અસંગ છે. આટલી બધી સમજ પાડવા છતાં, નિર્લેપતા અને અસંગતામાં ના રહી શકતાં હોય, તો સમજ તમારી કાચી થઈ છે, આટલું ગજબનું વિજ્ઞાન પ્રાપ્ત થયાં પછી. હવે કોઈ ધર્મના પુસ્તક વાંચવાની તમારે જરુર નથી. કોઈ પણ પુસ્તક વાંચવું એટલે મહેનત કરીને આનંદ થયો, એ બધો પૌદ્ગલિક આનંદ. મહેનત નહીં, સાહજીક આનંદ રહેવો જોઈએ, હાથ કાપે તો આનંદ ના જાય એવો સાહજીક આનંદ રહેવો જોઈએ. આ આત્મા કેવો આપ્યો છે ? સાહજીક આનંદવાળો આપ્યો છે. જેટલી તમને સમજ કાચી, એટલી છે તે એનો આનંદ લૂંટી શકતા નથી. પ્રશ્નકર્તા : એ આનંદ તો રહે છે. એના માટે કાંઈ વાંધો નથી. દાદાશ્રી : હા, તે એ આનંદમાં જ રહેવાનો પ્રયત્ન કરવો. બીજે ખોળે નહીં અને બીજે જો કદી વાંચવાનું એમ થાયને તો ફાઈલ છે, એમ માનીને વાંચો અને ફાઈલનો સમભાવે નિકાલ કરવો. આમાંથી આનંદ થયો એવું બોલ્યાં કે તમારુ આ જ્ઞાન ભ્રમિત થાય છે. આમાં આનંદ હોય જ નહીં. પુસ્તકોમાં આનંદ હોત તો બે બહારવટીયાની વાતો વાંચે તેમાં વધારે આનંદ હોય છે, તેમાં તો ઉઠવાનું જ મન નથી થતું ! અપ્રયાસ દશા જ્ઞાનીની ! માટે બહારથી કંઈ પણ આનંદ આવે એ આનંદ પૌદ્ગલિક છે. અને પોતાને કઈ પણ વસ્તુ સિવાય આનંદ આવે, સાહજીક આનંદ, એમાં કિંચિત્માત્ર પ્રયત્ન પણ નથી, અપ્રયાસ, એ સાચો પોતાનો આનંદ, એ જો ચાખ્યો ને તો ભરપેટ તૃપ્તિ રહે, હમેશા નિરંતર ! તે આપેલો ય છે, તે ભાગને સમજીને એમાં આવોને. માન્યતા બદલાતી હોય તો એ માન્યતાને ખસેડો કે ભઈ તું મારા ઘરમાં ના આવીશ. તું આ છે તે ફોરેન છું. હોમ ન્હોય. તું બહાર જા અહીંથી. ફલાણી માન્યતા આવી તો હોમમાં ના ઘાલીશ. બહાર જા, તમે તમારાં દેશમાં બેસો. અમને અમારા દેશમાં રહેવા દો. તમારું બધું અમે પાડોશી તરીકે ધ્યાન રાખીશું. કારણ કે તમે નિર્જીવ મૂઆ છો. તમારો સ્વયં પ્રકાશ નથી. એટલે હું તમને પ્રકાશ આપીશ, પણ તમે તમારે બહાર બેસો, ડખો ના કરશો. અમને પોતાનો સાહજીક આનંદ રહે. એનો પાર વગરનો ગજબનો આનંદ થાય છે. અને ગજબ એટલે એના કંઈ હિસાબ વગરનો. તેથી ભગવાને કહ્યું છે કે સિદ્ધ ભગવાનનો એક મિનિટનો આનંદ, આખા જગતમાં તમામ જીવોનો આનંદ ભેગો કરે એક વરસ દહાડાનો, તે એટલો બરાબર થાય છે. લ્યો એક મિનિટમાં સિદ્ધ ભગવાનનો આવો આનંદ નથી રહેતો તમને ? તમે આઠમા ભાગનાં સિદ્ધ થયેલા છો અને જો તમને કેટલું રહેવું જોઈએ ? કે ફક્ત આ શરીરનું ભાર રૂપ લાગ્યા કરે કે આ ફાઈલ છે, તે બોજો છે. આ એકલો જ લાગ્યા કરવો જોઈએ. પણ આનંદમાં કમી ના કરે કે આ બોજો છે. આવો આ નિર્લેપ આત્મા આપ્યો છે. પછી સહેજે ય કોઈની ભૂલ ના થાય. સાયન્સ છે આ તો. એક પરમાણુની ભૂલ થાય. આખું સાયન્સ ફરી જાય, છતાં તમારો આત્મા જતો રહેશે નહીં. માટે ફરી સેટ થાઓ. સીટ બદલાય જાય, લપસી જાય તો ફરી સેટ થાઓ, ફરી લપસી જાય તો ફરી સેટ થાઓ. જે વિનાશી છે, જે પ્રયાસથી કરેલું તે પૌદ્ગલિક આનંદ કહેવાય. આત્મરંજન : મનોરંજન કિંચિત્ માત્ર બહારથી આનંદ ના હોય, પુદ્ગલ પરમાણુમાત્રમાંથી ના હોય, સહજ, અપ્રયાસ પ્રાપ્ત આનંદ એ જ આત્માનો આનંદ છે. શાસ્ત્રો વાંચીને જે આનંદ આવે છે એ આત્માનો આનંદ ન હોય. એ પૌદ્ગલિક આનંદ છે. બહુ તાપમાં થાકેલો માણસ બાવળિયા નીચે હાશ કરે એના જેવું છે. જે મહેનત કરી, એ મહેનતનો આનંદ છે. આનંદ તો સાહજિક રહેવો જોઇએ, નિરાકુળ આનંદ હોવો જોઇએ. લગ્નમાં ને સિનેમામાં આનંદ ખરો, પણ એ આકુળ-વ્યાકુળ આનંદ છે. એ મનોરંજન છે, આત્મરંજન નથી. નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય એટલે સમજવું આત્મા પ્રાપ્ત થયો. આનંદ આત્મ ગુણ !! આનંદ એ તો આત્માના સહચારી ગુણોમાંનો એક ગુણ છે, અન્વય ગુણ છે. આત્મા જાણ્યા પછી આત્માનો શુધ્ધ પર્યાયિક આનંદ ઉત્પન્ન થાય છે, તે ક્રમે ક્રમે વધતો વધતો સંપૂર્ણ દશાને પામે છે. જેમ બહારના બધા જ સંજોગોમાંથી મુક્ત થઇ ગયા પછી વાંધો નહિ. ઠેઠ કેવળજ્ઞાન થતાં સુધી અમુક ભાગ શુધ્ધ પર્યાયમાં ના રહે. કેવળજ્ઞાન પછી જ્યારે બધા જ શુધ્ધ પર્યાયોમાં આવી જાય, પછી એ મોક્ષે જાય. જ્ઞાનીના દર્શનથી આનંદ પ્રશ્નકર્ર્તા : એવી કઇ ચીજ છે દુનિયામાં કે જે આનંદ પમાડે ? દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ'ને જોતાં જ આનંદ આવે. પ્રશ્નકર્ર્તા : તમને સાંભળતા જ અમને અપાર આનંદ થાય છે તો આપને કેટલો આનંદ છે ?! દાદાશ્રી : તમારી મહીં એ જ આનંદ ભરેલો છે, મારી મહીં એ જ આનંદ ભરેલો છે, બધામાં એ જ આનંદ છે, એક જ સ્વરૂપ છે. જેનો જેટલો પુરુષાર્થ અને જેટલો 'જ્ઞાની'નો રાજીપો, એ બેનો ગુણાકાર થયો કે ચાલ્યું. આત્મસુખ નીરંતર ક્યારે વર્તે ?! પ્રશ્નકર્તા : પોતાના સ્વરુપનું જે સચ્ચિદાનંદ સુખ છે, આનંદ છે. એને આવરાઈ કેમ ગયું છે ? કોન્સ્ટન્ટ નથી. દાદાશ્રી : એ તો જાણતો જ નહોતો ને. તને સુખ લાગતું'તું બીજા બધામાં. કંઈ સુખ લાગતું'તુ નાનપણમાં ? પ્રશ્નકર્તા : હા, આ સંસારની વસ્તુઓમાં. દાદાશ્રી : તે આવરાઈ જાય. તે ઘડીયે આવરણ આવી જાય. પછી આવરણ જાય તો પછી પોતાનું સુખ આવે. પોતાના સ્વરુપનું ભાન થાય ત્યારે આત્માનું સુખ આવે. પ્રશ્નકર્તા : સ્વરુપનું ભાન થયું છતાં ય એ સુખ કોન્સ્ટન્ટ નથી રહેતું ને ? દાદાશ્રી : કોન્સ્ટન્ટ જ રહે. એ ટેમ્પરરી છે જ નહીં, સનાતન છે. એ તમને રહે છે ય સનાતન, પણ શું થાય, તારી સમજણમાં ફેર હોય ! બાકી રહે છે સનાતન સુખ. ઉંઘનું સુખ ચાખે તો.... છૂટું પડેલું તે ય જોવાનું ને ના પડતું હોય તે ય જોવાનું, છૂટું હોય તે રીતે જોવાનું. જોવાની જ જરુર છે ને. પ્રશ્નકર્તા : આપે કીધુ'તું ને ઊંઘવામાં આનંદ આવે છે, ખાવામાં આનંદ આવે છે, એ આનંદ આમ છૂટા રહીને જોવાય ? દાદાશ્રી : બધા આનંદ લે જ છે ને હજુ તો. આમાંથી આનંદ છૂટે તો પેલો આનંદ ચાખવાનો મલે. પ્રશ્નકર્તા : એનું સફોકેશન થાય છે. દાદાશ્રી : હા. તે હજુ તો આ તો બધી ઘણી જાતનો સ્ટોક બધો. પ્રશ્નકર્તા : તે આ ક્યારે મોક્ષે પહોંચાશે ? દાદાશ્રી : એ તો એ ય બધાં લે, આવું જ લે પણ તમને કંઈ એ મોહ ખ્યાલ ના હોય કે ઊંઘવાનો આનંદ લઈએ છીએ તો કોને ઘેર જશે ! પ્રશ્નકર્તા : તો એનો મોહ આ સફોકેશન નહીં, પણ એવું થાય કે આ બધું હવે છૂટવું જોઈએ દાદા. દાદાશ્રી : એ જાણ્યા પછી ખબર પડે કે ઊંઘમાંથી આનંદ લઈએ છીએને તે આત્માનો આનંદ ન્હોય. ઊંઘમાં જે ટેસ્ટ આવે છે તે આત્મા ન્હોય. એ જો છૂટે તો પેલો આનંદ ચાખવા મલે. નહીં તો મલે ક્યાંથી ! ખાવામાં ય સુખ.... પ્રશ્નકર્તા : આ સુખ લેવાનું ક્યારે છૂટશે ? દાદાશ્રી : એ આપણે જાણ્યુ જ હજુ હમણે તો, એ છ વરસ પહેલાં જાણ્યું'તુ ? પ્રશ્નકર્તા : ના, ના, ના. અરે, દાદા હમણાં તમે ગયા ત્યારે પચીસ દિવસ પહેલાં જ જાણ્યુ કે ઊંઘવામાં ને ખાવામાં પણ આનંદ છે. દાદાશ્રી : એટલે ખાવામાં હજુ આનંદ રહ્યો છે, ઊંઘમાં આનંદ. આ તેથી અમને થાળીમાં કઈ ફરી મૂકવા આવે ને તો અમે ના કહી દઈએ. ભઈ આ તો જેમ-તેમ કરીને હું ફાઈલ નિકાલ કરુ છું. વળી પાછો ફરી મૂકવા આયો છે, મહીં આવેલું પડયું રહ્યું ને ચપટીમાં તો તે બધુ ઊંચુ મૂકી દઈએ. મોહ - ઈન્ટરેસ્ટ હોય નહીં ને ? ઈન્ટરેસ્ટ કોઈ જાતનો, કોઈ દા'ડો ખાવાનો ઈન્ટરેસ્ટ મેં જોયો જ નથી. એ તો અમથો-અમથો દેખાવ કરુ કે મને વેઢમી ભાવી. પેલા કરનારની માથાકૂટ નકામી ના જાય. કરનારના મનમાં એમ થાય કે મેં આ દાદાજીને ખવડાવ્યું, બસ એટલું જ. મોહ આમાં ચાખે જ નહીં. હું તો સૂતો ય નથી કોઈ દહાડો ય. શિયાળાને દહાડે અમને ઓઢવાનું ઓઢાડેલું હોય. જરા ઊંઘ આવવાની થાય ત્યારે ઓઢેલું કાઢી નાખું. આ આનંદ ચાખીએ ત્યાં સુધી પેલો આનંદ થાય નહીં. પ્રશ્નકર્તા : તે દાદા એનું સફોકેશન થયા કર્યું આ વીસ દિવસ. દાદાશ્રી : પણ શું થાય ? હમણે આ ચાલવા દોને ગાડું. અત્યારે ચાલવા દો, બીજા બધામાંથી છૂટવા દો. પહેલુ બીજા બધામાંથી, બીજી બધી બહારની વસ્તુમાં છૂટવા દો. પછી આ ઊંઘ છે, એનો ધીમે-ધીમે ઊકેલ લાવીએ. ....સંસારનાં લફરાં છૂટવા જોઈએ ! પ્રશ્નકર્તા : દાદા, બહારની એટલે કઈ-કઈ વસ્તુઓ ? દાદાશ્રી : બહારનો બધો બહુ હજુ તો આ ભઈ હોય, જેઠ હોય, જેઠાણી હોય ને. આ બધું લાવલશ્કર લફરાં છૂટવા જોઈએ. એ પહેલાં છૂટવા દો. પછી આ તો મનમાં રાખી મેલવું કે આ બધુંય છૂટો, આમાં સુખ લેવાય નહીં, એટલો ભાવ રાખવો. આત્મા તો જુદી જગ્યાએ છે, આવી જગ્યાએ આત્મા છે નહીં આ તો. આ તો પેલું જ્ઞાન આપેલુંને એટલે આ શાંતિ રહે ને આનંદ રહે ને ચિંતા ના થાય. એટલે જાણે બધું થઈ ગયુ આ ! બાકી, આત્મા વસ્તુ જુદી છે. એટલે આ દાદા દેખાય એટલે તમારે આત્મા દેખાય. એ વાત સાચી છે કે જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે. પણ બાકી બાહ્યસુખ, એમાં આત્મા છે જ નહીં. ઊંઘમાંથી ના આવે, કશામાંથી સ્વાદ ના આવે. અત્યારે આત્મામાંથી આવ્યા કરતો હોય. પણ આપણે એ બાજુ ચાલ્યા છે તો આવશે જ્યારે-ત્યારે, નહીં ? એ આનંદ ભોગવે કોણ ? પ્રશ્નકર્તા : આત્મા તો પરમાનંદી છે. હવે જે આનંદ આવે છે એ પ્રતિષ્ઠિત આત્માને આનંદ આવે છે ને ? દાદાશ્રી : અહંકારને જ આનંદ આવે છે. જે પ્રતિષ્ઠિત આત્મા કહો કે અહંકાર કહો, પણ એને જ આનંદ આવે છે. દુઃખે ય એને જ હતું. ને આ સુખે ય એને જ આવે છે. પરમાનંદ યે એને આવે છે. પણ જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી મસ્તી હતી. મનની મસ્તીમાં આવી જાય, દેહની મસ્તીમાં આવી જાય, જરા શીખંડ કે આઈસ્ક્રીમ ખાવો હોય ત્યારે દેહની મસ્તીમાં આવી જાય, મનની મસ્તીમાં આવી જાય, પણ એ બધો ય પૌદ્ગલિક આનંદ છે. બે પ્રકારનાં આનંદ. એક પૌદ્ગલિક આનંદ એ બધી મસ્તી કહેવાય. એ ઈમોશનલ કરનારો છે અને આ જે આત્માનો આનંદ એ ઈમોશનલ ના કરે, તૃપ્તિ આપે એટલે બે આનંદમાં ફેર છે. તે ઓળખતા આવડવું જોઈએને કે આ આનંદ કેવો આપણને શાંતિ આપે છે, તૃપ્તિ આપે છે અને પેલો આનંદ તો ઈમોશનલ કરાવે. પ્રશ્નકર્તા : હવે અમને જે આનંદ આવે છે તે ? દાદાશ્રી : આ તો તૃપ્તિનો આનંદ, સાચો આનંદ છે. અને પેલો તો માનસિક આનંદ હતો, તે કર્મ બદલાયું તો બંધ થઈ જાય પાછો. કર્મ તો બદલાયા જ કરવાનાં ને. જ્યારે આ આનંદ આવે છે એ કર્માધિન નથી, પેલો તો કર્માધિન આનંદ. આમાં તો જેટલી તમારી જાગૃતિ, જેટલું સંયમ પરિણામ એટલો આનંદ ! જ્ઞાની ચખાડે આત્મ સુખ ! જ્યારે જ્ઞાની પુરુષ જ્ઞાન આપશે ત્યારે જ્ઞાન ચાખશો તો સંસારનું સુખ મોળું લાગશે. જ્યાં સુધી જ્ઞાન નહીં ચાખો ત્યાં સુધી સંસારી સુખ મોળું યે બહુ સરસ લાગશે. જ્ઞાન એટલું બધું મીઠું છે કે પેલાની મીઠાશ ઉડાડી મેલે. એટલે અહીં કામ લાગે છે આ. પહેલી જલેબી અને પછી ચા અહીં કામ લાગે. માટે આ જ્ઞાનનું જે સુખ છે ને, એ ભેગું થયું, એટલે પેલું સંસારનું સુખ મોળું લાગે. બાકી આમને આમ આપણે કહીએ હે સંસાર તું છૂટી જા, આમાં શું સુખ છે ? અલ્યા, એ ગાળો ભાંડીએ, તે કંઈ નીકળી જાય ? સુખ જતું રહે કંઈ ? પ્રશ્નકર્તા : ના જાય. દાદાશ્રી : એનાથી ચઢીયાતું સુખ ખા, ને તો જ આ સુખ ખસી જશે. એનાથી ચઢતું, એનાથી ચઢતું, એનાથી ચઢતું, તે આત્માનું સુખ બહુ જ ચઢતું છે એટલે બધા સુખ મોળા કરી નાખે અને તને મુક્તિ કરાવશે. પછી લાગે સંસારરસ ફીક્કો ! આત્મરસ ચાખ્યા પછી સંસારરસ મોળા લાગે. પહેલી જલેબી ખાય તો ચા મોળી લાગે. એમાં ચાનો કંઈ દોષ છે ? ના, જલેબીનો ગુણ એવો છે કે આ બધું મોળુ કરી નાખે. સુખનો અભિપ્રાય બદલાતો જાય ! પ્રશ્નકર્તા : આત્માના સુખમાં ય ફેર ખરોને ! આત્માનું શરુઆતનું સુખ અને ટોચનું સુખ, એમાંય ફેર ખરો ? દાદાશ્રી : શરુઆતના સુખથી જ એને આ બધું મોળું લાગવા માંડે. સંસારના સુખ મોળા લાગવા માંડેને એટલે આત્માભણી એનો અભિપ્રાય વધતો જાય, અને આ અભિપ્રાય એનો ઘટતો જાય, પણ છતાં ય આ છૂટે નહીં. એનું શું કારણ ? પૂર્વકર્મનો જે ગોઠવાયેલો છે તે ક્રમ છોડે નહીંને. ઈચ્છા ના હોય તો ગોઠવાયેલો છે તે ક્રમ છોડે નહીંને. ઈચ્છા ના હોય તો ય સંસારી સુખો ભોગવે. મોળું લાગે તો ય ભોગવે. પ્રશ્નકર્તા : પુરુષાર્થ કરે તો ય પણ છૂટે નહીં ? દાદાશ્રી : ના. પુરુષાર્થ ત્યાં ચાલે નહીં. હિસાબ ગોઠવાઈ ગયેલો છે તે ! પ્રશ્નકર્તા : ગમે એટલી મક્કમતા હોય તો પણ ના ચાલે ? દાદાશ્રી : મક્કમ શબ્દ જ હોતો નથી. મક્કમ હોતું જ નથી. જગત સ્વભાવનું જ પોલું છે. મક્કમ તો તારો અહંકાર થઈ ગયો. પ્રશ્નકર્તા : આ બધી અવસ્તુ છે અને આપણે વસ્તુમાં સુખ છે એવું જેમ જેમ જાણીએ તેમ અવસ્તુમાંથી વૃત્તિઓ ખસી જાય ? દાદાશ્રી : પેલું સુખ જતું રહે અને આપણને વિશ્વાસ ઉઠી જાય. પ્રશ્નકર્તા : હું આત્મા છું એવી શાબ્દીક જ રહે છે ? દાદાશ્રી : શુધ્ધાત્મા એ તો શબ્દનું અવલંબન છે ને. પણ ત્યાંથી એ મોક્ષમાર્ગમાં પેસી ગયો પછી જેમ જેમ પેલું અવલંબન ઓછું થતું જાય તેમ તેમ આ સુખ વધતું જાય, વધતું જાય. જ્ઞાન પછી જબરજસ્ત સુખ ચાખે ! એટલે કેટલાક મહાત્માઓ કહે છે ને, તમે જે જ્ઞાન આપો છો, એ રાતે જે સુખ આવે છે, એવી રાત ફરી નથી આવતી, એનું શું કારણ ? અલ્યા, કેવી રીતે આવે તે ? મેં તને જ્ઞાન આપ્યું, તે રાતે તો બધા પહેરા ગોઠવાઈ ગયેલા હોય ચોગરદમ, સંસારી સુખ આવતું બંધ થઈ જાય. એટલે તને પહેલા સુખ વર્તે જબરજસ્ત, પછી બીજે દહાડે છે તે પેલા (કર્મોનો) લોકોનો ટાઈમ પાક્યો હોય એટલે સામા થઈ જાય, પાછા આવીને ઉભાં રહે બધાં. પ્રશ્નકર્તા : એ આવરણો આવી જાય ને પાછાં ? દાદાશ્રી : હાસ્તોને. પૂર્વકર્મ સાબુત છે ને ! નિકાલ કરવો પડશેને ! ફાઈલો છે ને ! એ બધી ફાઈલો નિકાલ કર્યે જ છૂટકો છે ને ! એવા છે ભાસ્યમાન પરિણામ ! આ દ્રાક્ષનું પાણી પીઉં છું, તે એમને એમ પીઉ છું તો ગળ્યું સરસ લાગે છે અને સવારે છે તે દ્રાક્ષનું પાણી લાવીને મૂક્યું અને એક બાજુ છે તે ઉકાળો મૂક્યો. મેં કહ્યું, આ દ્રાક્ષનું પાણી પહેલું પી લેવા દો. નહીં તો ઉકાળો પીધા પછી એ ખાટું લાગે. એટલે આ બધું સમજવું જોઈએ. વસ્તુ આ રીલેટીવ છે. આ વસ્તુ ખરેખર સુખ નથી, સુખ ભાસે છે. સુખ અનુભવમાં નથી આવતું. ભાસે છે, ભાસ્યમાન પરિણામ છે. સુખ ભાસે છે પછી ઊંધે રસ્તે ચાલ્યો, એટલે પછી માની બેઠો, બાકી ખરેખર સુખ છે જ નહીં, ભાસ્યમાન પરિણામ જ છે. આરોપિત સુખનો આધાર પોતાનું સુખ મહીં પાર વગરનું છે. આ આઈસ્ક્રીમમાં સુખ છે નહીં. આ તો આઈસ્ક્રીમમાં આરોપ કરીએ તો આઈસ્ક્રીમમાં સુખ લાગે. નહીં તો સુખ લાગે જ નહીં ને ! દુઃખ જ લાગે. વસ્તુમાં સુખ હોતું હશે ? આ બારણાં લાકડાં બધામાં સુખ હોતું હશે ?! એ તો આપણે આરોપ કરીએ 'કેવું સરસ છે' એટલે સુખ આવ્યું. અને 'કેવું ખરાબ છે' કહીએ કે તરત શું આવે ? પ્રશ્નકર્તા : દુઃખ આવે. દાદાશ્રી : બસ. એટલે આપણે આરોપ કરીએ તેના પર આધાર રાખે છે. સુખનો આધાર કયો ? આરોપ કઈ બાજુનો કરે છે એ. એટલે શેની પર આધાર રાખે છે એ જોઈ લેવાનું. પ્રશ્નકર્તા : એ બરોબર છે. પણ પેલું જે મૂળ સુખ છે ને એ મહીં ખૂબ છે. પણ એની થોડી ઝલક જ આવે છે. ખૂબ દેખાતું નથી. દાદાશ્રી : એ દેખાય ઝલક એટલું જ ! બેમાંથી એક જ અનુભવાય હવે જેને આત્મસુખ છે એ આ બહારનું સુખ ખોળે નહીં કે આવામાં ફલાણું ખાઈશ તો સુખ આવશે. ફલાણું ખાઈશું તો સુખ આવશે કે આમ ફરવા જઈશું તો સુખ આવશે. ઊંઘી જઈશું તો સુખ આવશે. પ્રશ્નકર્તા : આ 'ઊંઘી જઈશું તો સુખ આવશે' એ માન્યતા વર્તે છે એવું જ થયુંને ? દાદાશ્રી : એ તો બધી હતી જ ને. એ તો બધી માન્યતા છે. એ કંઈ આજ નવી માન્યતા ઓછી છે ? અનંત અવતારથી આનું આ જ કર્યું છેને ! ઊંઘી જ ગયો છેને, બીજું શું ? જાગ્યો જ નથીને ! પ્રશ્નકર્તા : આ બહારના દેખીતા સાધનોથી સુખ આવે, પછી એને છેદ ઊડે કે ના, આમાં સુખ નથી. પણ આ ઊંઘ વસ્તુનો ફોડ પાડો. એ ફોડ પડેલો નથી બરોબર. દાદાશ્રી : હજુ તો સુખ ખોળો છો બહારનું, ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થયેલો, તેનું સુખ ના આવે. નહીં તો અમે જે આત્મા આપ્યો છે, એ તો નિરંતર સુખ આપે એવો છે, પણ બહારનું સુખ ના ખોળે તો. બહારનું સુખ ખોળે એટલે આ બધું સુખ આવે નહીં. જે ભિખારી હોય તે બહાર ખોળે, અંદર ના મળતું હોય તે બહાર ખોળે. અંદરનાં બારણાં બંધ હોય, અંદરની આવક બંધ હોય તો પછી બહારની આવક ઊભી કરવી પડે. દેહને પડી જાય ટેવ ! પ્રશ્નકર્તા : ઠંડીમાં શિયાળામાં સ્વેટર પહેરે એ બધું સુખ લીધું કહેવાયને ? દાદાશ્રી : દેહમાંથી સુખ લેવા માટે. પ્રશ્નકર્તા : અને ઉનાળામાં પંખા કરે, તે ? દાદાશ્રી : દેહમાંથી સુખ લેવા માટે. પ્રશ્નકર્તા : હવે તો લોકોને એરકંડિશનર જોઈએ છે. દાદાશ્રી : હા, તેથી હું ના કહું છુંને કે બળ્યું મારે માટે એરકંડિશનર ક્યાં લાવ્યાં ? અને મારા જેવાને શું કરવા ખોટો પાડો છો ? પ્રશ્નકર્તા : એ દેહના સુખ લીધાં કહેવાય. દાદાશ્રી : એ દેહના સુખમાં પછી અમને પ્રેક્ટિસ પડી જાય બળી. દેહનો સ્વભાવ એવો છે કે એને પ્રેક્ટિસ પડી જાયને. તે પછી ખોળ-ખોળ કરે. પ્રેક્ટિસ જ ના પડવા દઈએ, એ શું ખોટું ? એટલે હું છે તે એરકંડિશનર બંધ કરાવી દઉં, નહીં તો બારણા ઊઘાડા કરી નંખાવું. પ્રશ્નકર્તા : એક ફેરો પ્રેક્ટિસ પડી ગઈ પછી એને એવી ખબર ના પડેને કે પ્રેક્ટિસ પડી ગઈ છે. એ જડે નહીંને ? દાદાશ્રી : શી રીતે જડે ? પછી બીજી પ્રેક્ટિસ પડી જાય. બધી પડી ગયેલી જ છે ને ! અને અમને તો તરત હિસાબ જડે. હેય આમાંથી નીકળ્યા એ ખબર પડે. જુઓ આ ગરમ લાગ્યું. નહીં તો ગરમ હતું નહીં. વાતારવણ ગરમ હોતું જ નથી, કોઈ દહાડોય. પણ આ દુશ્મનની જોડે સંબંધ કર્યો, તેથી આ ગરમ લાગ્યું. તે બહાર નીકળીએને એ બધું ગરમ-ગરમ ભઠ્ઠી જેવું લાગે. શાથી ? આ ભઠ્ઠી છે ? ના. આ પદ્ધતસર ધીમે ધીમે એની મેળે ગરમ થતું હતું. બધું વાતાવરણ ગરમ કરતું કરતું અસર ના થાય. આ તો આમાં પેઠાં. દાદાને એરકંડિશન ના જોઈતું હોય, તે લોકોએ ઘાલી દીધું. લાવ્યા મશીન અને બેસાડી દીધું. લોકો એમ સમજે કે અમને આમાં સુખ પડે છે ! પૌદ્ગલિક દુઃખમાં જ આત્મસુખ ! પૌદ્ગલિક દુઃખની હાજરીમાં છે તે આત્માના સુખમાં વેદાય. પૌદ્ગલિક દુઃખની હાજરી થાય, એટલે આ પુદ્ગલનું દુઃખ ના ગમતું હોય એટલે આત્માનું સુખ એને પ્રાપ્ત થતું જાય. પુદ્ગલનું સુખ પ્રાપ્ત થયુ અને પોતાને ગમ્યુ, એટલે પેલું આત્મસુખ બંધ થઈ જાય. હું તો સખત ગરમીમાં પણ આત્મસુખમાં રહેતો હતો. આ તો બધું લુઝટાર્ટ કરી નખાવડાવ્યું લોકોએ. એ ત્યાં જઉ તો આ પાછુ એરકન્ડીશન ઘાલે અને બીજું ઘાલે ને મારે ના ગમતું હોય તો ય ઘાલ ઘાલ કરે. લુઝટાર્ટ કરી નાખ્યું. પ્રશ્નકર્તા : શ્વાસની તકલીફ ના પડે દાદાને ! શ્વાસોચ્છશ્વાસની. દાદાશ્રી : શી રીતે શ્વાસોશ્વાસની તકલીફ પડે ? પ્રશ્નકર્તા : બારણા બધા બંધ હોય તો સફોકેશન ના થઈ જાય ! દાદાશ્રી : બારણા બંધ રાખીએ નહીં. સફોકેશનનો ધંધો તો હું કરું જ નહીં. આ મોજશોખ બધા છોડવા પડશે. પ્રશ્નકર્તા : છોડવા પડશે કે છૂટી જાય ? દાદાશ્રી : એ તો છોડવા પડશે, આપણી ઈચ્છા હોય તો છુટે ને ! નહીં તો આપણે છોડીને આવ્યા તો તો હેં....... આ પેલું ચાલુ કરે તો કંઈ ના કહે છે ? ગાડી એરકન્ડીશન ચાલુ કરો તો ના કહે ? ગાડી ! પછી એ આત્મા ભૂલી જાય, પુદ્ગલમાં મસ્ત રહે પછી. એ બધાંય વિષય સુખ જ ! પ્રશ્નકર્તા : વિષયસુખ કોને કહેવાય ? દાદાશ્રી : કંઈ પણ પૌદ્ગલિક સુખ લેવું એનું નામ વિષયસુખ જ કહેવાય. હા, ત્યારે બીજું શું ? આ સ્ત્રીનો વિષય એકલો છોડીને બેઠો, માટે કંઈ જાગે આખી રાત, ચોવીસ કલાક ? સ્ત્રીનો વિષય તે એટલો બધો કડક નથી. આ ઊંઘ તો બહુ ખરાબ છે. સ્ત્રીનો વિષય તો, એ સ્ત્રી સામી ય થાય ! આમાં ઊંઘ સામી ના થાયને ? પ્રશ્નકર્તા : આ ઊંઘ એ દેહમાંથી સુખ લે છે, એવી ખબર જ ના પડેને ? દાદાશ્રી : ભાન જ ના હોયને ? પ્રશ્નકર્તા : આની તો જરુર છે, આ આવશ્યક વસ્તુ છે, આ દેહની ઊંઘ તો જોઈએ જ. એમ નિયમથી જોઈએ. એટલો એનો અભિપ્રાય પડેલો જ હોય કે આ જોઈએ જ. દાદાશ્રી : એટલે આ બધા વિષયો છે. આમ માણે વાણીનાં સુખ ! પ્રશ્નકર્તા : આપની વાત નીકળેલી કે હવે આપણો અભિપ્રાય કેવો હોવો જોઈએ કે દેહમાં સુખ ના લાગવું જોઈએ, વાણીમાં સુખ ના લાગવું જોઈએ. મનમાં સુખ ના લાગવું જોઈએ. અને બુદ્ધિમાં સુખ ના લાગવું જોઈએ. તો આ બધા જુદા જુદા, એમાં જરા દાખલા સાથે જણાવોને. દાદાશ્રી : આવો, આવો પધારો, આમ છે, તેમ છે. પૌદ્ગલિક સારું બોલતો હોય, તે એને ટેવ પડી જાયને ? એ પછી ગા ગા જ કર્યા કરે, એમાં એને સુખ આવે. પ્રશ્નકર્તા : પોતે કંઈ સારું કર્યું હોય તેનું. દાદાશ્રી : એ સારું કે ખોટું ગમે તે, પણ શબ્દો બોલીને આનંદ પામે. પ્રશ્નકર્તા : ગીત ગાઈને પણ આનંદ લેને ! દાદાશ્રી : હા. વાણીમાં તો એ બોલતો હોયને, તે બધાને મઝા આવતી હોય, એટલે પોતાનામાં સુખ વર્તે. અને વધુ બોલ બોલ, બોલ બોલ કર્યા કરે. એને કહીએ 'હવે બંધ રાખો' તોય બોલે. એને સુખ વર્તે છે એટલે અમને વાણીનું સુખ વર્તે જ હંમેશાં. બોલે એટલે પણ તે તો અમે શું કહીએ છીએ, વાણીને ? કે આ તો ટેપરેકર્ડ બોલે છે. એટલે પછી અમે છૂટી જઈએ છીએ. ટેપરેકર્ડ બોલે છે એટલે છૂટું પડી જાયને. પ્રશ્નકર્તા : વાણીનો ગર્વરસ લે ? દાદાશ્રી : ગર્વરસ નહીં. વાણી તો જે બોલેને, તે સામા ખુશ થઈ જાય કે એને મહીં આનંદ ઉત્પન્ન થાય. એ પેલો આત્માનો આનંદ ખસી જાય તે ઘડીએ. આને ચાખવાની ટેવ પડી છેને આ. પ્રશ્નકર્તા : એ ચાખવું એનું નામ ગર્વરસ કહેવાય ? દાદાશ્રી : ગર્વરસ ન્હોય, ગર્વરસ તો અહંકાર કરે ત્યારે ગર્વરસ. આ ચાખવાનો છેને ! પ્રશ્નકર્તા : પણ અહીં આપણા મહાત્માઓ પણ કોઈ ચાખે છેને ! દાદાશ્રી : એ બધા ચાખે છે. કરે શું તે ઘડીએ ? પ્રશ્નકર્તા : તે કોણ છે એ ચાખનાર ? એ ચાખનાર કોણ રહ્યો ? દાદાશ્રી : કોણ ? જેને કડવું લાગતું હતું તે. નથી ગમતું જેને, એ ચાખે છે આ. અને અમે તો કહીએ છીએને કે ભઈ, આ ટેપરેકર્ડ બોલે છે. બધા ખુશ થતા હોય તોય અમને એમાં કંઈ લેવાદેવા નહીં. બાકી બોલેને, તો બે કલાક સુધી બોલે, પણ ખૂબ આનંદ આવે. એ મસ્તીમાં જ હોય. બધું ભૂલી ગયો હોય. છતાં આત્માની વાણી બોલવામાં વાંધો નથી. આત્મા માટે બોલતો હોય ને ભૂલી જતો હોય. એ એને માટે આનંદ આવતો હોય, પેલા સામા માણસને એ (ફાયદો) થાય, તો એ વાંધો નથી. એ ઉપકારી છે. ભૌતિક વાતો હોય, બહારની દુનિયાદારીની વાતો કરીને આનંદ આવે તે નુકશાનકારક છે. પ્રશ્નકર્તા : સામો સારું વર્તન કરે આપણી જોડે, તો એ સહેજે અંદર પેલું સુખ ઉત્પન્ન થાય, તો પછી ત્યાં ઉપાય શો કરવાનો રહે છે ? દાદાશ્રી : ઉપાય શાનો કરવાનો ? પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : આપણે છૂટા પડી જવાનું. આ ખોટું છે એવું જાણે તોય બહુ થઈ ગયું. હું તો જાણવા માટે કહું છું. કરવા માટે નથી કહેતો. આવી રીતે ચાખે મનનું સુખ ! પ્રશ્નકર્તા : વાણીનું સુખ, દેહનું સુખ, હવે મનનું સુખ પોતે માણે છે એનો દાખલો આપોને. મનમાં સુખ ન લાગવું જોઈએ. એનો દાખલો શું ? દાદાશ્રી : આ કોઈ મહાત્માના વિચાર કરો, એને કેમ કરીને રાગે પાડવું છે. એ બધું તે ઘડીએ મહાત્માના વિચાર છે. માટે તમને સુખ વર્તે, એ માનસિક સુખ. દેરાસરને માટે તમે કશું કામ કરી આવ્યા હોય અને એના માટે વિચારોને, એને બધા વિચારો આવે તે ઘડીએ ખૂબ આનંદ થાય, માનસિક આનંદ. દેરાસરનું કામ જેને સોંપ્યું છે, આરસ પથ્થર કાઢે છે. એને કેટલો આનંદ આવતો હશે ? પ્રશ્નકર્તા : ચેક કબાટમાં મૂકવા આપો તોય આનંદ આવે. દાદાશ્રી : હા, તોય આનંદ આવે. પ્રશ્નકર્તા : ત્યાં શી જાગૃતિ રાખવાની ? દાદાશ્રી : પછી બધી જાગૃતિ રાખવાની. આત્માની રાખવાની છે. આ કોણ કરી રહ્યું છે એ જાણવાની જરૂર છે. પ્રશ્નકર્તા : આ જાણી રાખવા માટે જ પૂછું છું. દાદાશ્રી : હા, જાણી રાખવાનું આ કોણ કરી રહ્યું છે તે. ફરી આવો તાલ નહીં મળે. હું શું કહું છું કે જે અક્રમ વિજ્ઞાન ને એ તાલ નહીં મળે. એ જ્ઞાની ફરી ભેગા થાય નહીં ! પુદ્ગલ સુખની પોસ્ટ સ્વીકારવી ? આઈસ્ક્રીમ આવેને, ત્યાંથી મન મનાવવા માંડે ત્યારથી ઈન્ટરેસ્ટ એમાં જ. તે બેચાર ડિશ ખાય, ત્યાર પછી મહીં ટાઢું પડી જાય, બોલો તો આત્માથી કેટલા છેટા રહીએ ? પ્રશ્નકર્તા : તો ત્યાં શું કરવું જોઈએ ? દાદાશ્રી : શું કરવું જોઈએ એટલે ? તે આ આપણું ગામ છે ? પ્રશ્નકર્તા : ના. આપણું ગામ તો નથી જ. દાદાશ્રી : ત્યાર પછી ! આપણા સગાવહાલાનો કાગળ છે ? પ્રશ્નકર્તા : ના જરાય નહીં. દાદાશ્રી : તો કોનો કાગળ છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલ પક્ષનો. દાદાશ્રી : પોસ્ટ આપણી છે એ ? પ્રશ્નકર્તા : ના, પુદ્ગલ પક્ષની. દાદાશ્રી : ત્યારે શું તો ? લોકોની પોસ્ટો વાંચીને મઝા કરવી એ સારું કહેવાય ? પોતાની ભૂલ દેખાય તોય બહુ થઈ ગયું. અનંત દોષનું ભાજન છે, પણ જો દેખાય છે ? તોય સાધુમહારાજ કરતાં દશામાં બહુ ઊંચા છો. એ તમને ખાતરી થઈ ગઈને ? હવે ઊંચે ના ચઢવું હોય તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : એવું બેસી જાય કે આ સાધુ મહારાજ કરતાં આપણે બહુ ઊંચા છીએ, તો શું કરવું ? ટપાલ સ્વીકારવી કે ના સ્વીકારવી ? દાદાશ્રી : અહીં આરામ કરવો હોય તો સ્વીકારવી. મોક્ષની ઉતાવળ હોય તો ના સ્વીકારવી. સાચવવું પણ સુખ ન લેવું ! પ્રશ્નકર્તા : એ કેડો ફાટતી હોય અને ત્યાં આગળ ધ્યાન જયા કરતું હોય, એના કરતાં એમ આમ તકિયો આપીને, આપણે આપણા કામમાં રહીએ એ શું ખોટું ? દાદાશ્રી : તો વિશ્વાસ ઊઠી જાય ! દેહ દુઃખ આપે છે એ વિશ્વાસ ઊઠી જાય, એ તો પાછો તકિયો આપો એટલે પાછું વિશ્વાસ બેસે. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ તો દુઃખ આપ્યા કરતું હોય, તો આપણને ખ્યાલમાં જ રહ્યા કરે કે આ કાયમનો શત્રુ છે. દગો છે. દેહ એ દગો છે એવું એને લાગવું જોઈએને. સગો ન્હોય આ. જોકે આ દેહ તમને મિત્ર સમાન થઈ પડ્યો છે. કારણ કે આ દેહે તમને જ્ઞાનીપુરુષ મળ્યા. એટલે એને સાચવવો. પણ એમાં સુખ નહીં લેવું. સાચવવું એટલે એની જતના કરવી, દવા કરવી, બીજું કરવું, કલાક-બે કલાક ઊંઘવા દેવો પણ સુખ લેવું નહીં. કો'ક વખત છ કલાક ઊંઘાડો પણ કંઈ સુખ લેવું નહીં. પ્રશ્નકર્તા : એ સુખ લેવાય એ શું પ્રક્રિયા થાય છે ? દાદાશ્રી : એ તો ગોદા મારીએ, એટલે પછી 'જાવ વિધિમાં' કહીએ. વિધિ કરે, ને ઊંઘે નહીં એ બાજુ. પ્રશ્નકર્તા : એવું વિધિ ના કરે. એટલે સુખ લીધું કહેવાય ? દાદાશ્રી : હાસ્તો એટલે પૌદ્ગલિક સુખ જ વર્તે ત્યારે જ ઊંઘ આવેને. તે કેટલાક સાધકો તો, મહાવીર ભગવાનના વખતમાં સાધકો હોય તો હેય લૂગડું પાથરીને સૂઈ જાય ને નીચે આવડા આવડા કાંકરા નાંખ્યા હોય. એની પર સૂઈ જાય. પાસા ફેરવીને પછી સૂઈ જાય. કાંકરા નાખ્યા હોય ને ઉપર સૂઈ જાય તો મઝા આવેને ? પ્રશ્નકર્તા : જાગ્રત રહેવા માટે. દાદાશ્રી : પછી ભગવાને છૂટ આપી, કે તારે જેટલા કલાક ઊંઘવું હોય તો ઊંઘજે. પ્રશ્નકર્તા : પણ એક બાજુ વિધિ ચાલુ હોય ને એક બાજુ ઊંઘે એ સુખ લીધું ના કહેવાય ? દાદાશ્રી : ના કહેવાય. સુખ લેવાવાળો તો વિધિ જ બંધ કરી દેને ! પુદ્ગલ સુખની તૂટે શ્રદ્ધા ત્યારે.... જયાં સુધી શ્રદ્ધા તૂટે નહીં ત્યાં સુધી પુદ્ગલ સુખ ચાખ્યા કરે એ. જેમાં સુખ આવે એ બધાને પાછાં કાઢવા જોઈએ. પ્રશ્નકર્તા : એ ના કાઢે તો ચાખ્યા કરે. દાદાશ્રી : ચાખે, તે એમાં જ રહેને પછી. એ શ્રદ્ધા બરોબર તૂટે નહીં. શ્રદ્ધા તૂટી ગયા પછી વાંધો નહીં. આમાં 'સુખ છે' એ શ્રદ્ધા એની તૂટી જવી જોઈએ. 'તારે આવું' કરવાનું નથી. આ તો નવો નિશાળિયો છે. તમારે તો બધો ઉકેલ આવી ગયોને, કશું રહ્યું નહીંને. મન બધું ખલાસ થઈ ગયું હોયને આમને, મનવાળા આ તો. તમારે તો જોડે ફર્યા કરો, એટલે આવી ગયું. અમે નથી કહેતા કે ઉધરસ જેનાથી થાય તે અમે ખાઈએ છીએ ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગોદો મારે એટલે અંદર સુખ ના બેસેને ! લોક દવા કરે. અરે મૂઆ પછી ત્યાં આગળ સુખમાં બેસી જાય. ત્યાં બેસી રહીશ નિરાંતે હોટલમાં ! દેહના દુઃખ, તો આત્મસુખનો અનુભવ ! અને જો શરીર સારું થાય તો, શરીરમાં સુખ લે. એટલા સારુ તો અમે દવાઓ ના કરીએ. પ્રશ્નકર્તા : ઓહો ! જો શરીર સારું થાય તો શરીરમાંથી સુખ ઉત્પન્ન થશે. દાદાશ્રી : શરીર દુઃખ આપે નહીંને તો અનુભવ જતો રહે પછી. પ્રશ્નકર્તા : એટલે જે આ ધારો કે ઊંઘ ના લીધી પૂરેપૂરી તો શરીર તો બૂમો પાડવાનું. દાદાશ્રી : હા તે બૂમો પાડે ત્યારે આપણને ખબર પડેને, કે આમાં સુખ નથી. પ્રશ્નકર્તા : અને તે ઘડીએ એના જ્ઞાતા રહેવાનું એવું ? દાદાશ્રી : હા, આમાં સુખ નથી એવું ખબર પડેને ! નહીં તો સુખમાં જ છે. સુખ જ છેને ! આ જોઈ લેજે કાલથી જાગૃતિ ! એ ય પૌદ્ગલિક સુખ પ્રશ્નકર્તા : આપણે આમ આરામથી ટેકો દઈને બેઠા હોય ઈઝીચેરમાં તો એ પૌદ્ગલિક સુખ લીધું કહેવાય ? દાદાશ્રી : બીજું શું ? પણ આ કંઈ ચિંતા ઉપજાવે એવી વસ્તુ નથી. આ આખી રાત બગડે તે ઊંઘ જોખમવાળી છે. આમ તો આરામથી બેસે કરે, એમ કરતાં કરતાં બધું જતું રહેશે. એનો કંઈ સવાલ નથી. એ આરામમાં બેઠેલાંને, તે પછી ધીમે ધીમે પ્રેક્ટિસ પાડતા 'જોવાની' પ્રેક્ટિસ પાડવી. એટલે ધીમે ધીમે જોવાની પ્રેક્ટિસ આવી જાય, 'કોણ આરામ કરે છે'. આરામથી બેસવાનો વાંધો નથી, પણ કોણ બેઠું છે એ જાણવું જોઈએ. આપણે બેઠા છે કે 'ચંદુભાઈ' બેઠા છે ? પ્રશ્નકર્તા : છૂટા પડી જવું જોઈએ. દાદાશ્રી : એ તો ખ્યાલ આવે કે છૂટું પડ્યું. અને અમને તો દેખાય હઉ. ઓહોહો ! અમે કહીએ કે ઓહ ! જ્ઞાની પુરુષ કહેવું પડે તમારું ! દેહસુખની શ્રદ્ધા છોડાવો ! દેહ સુખ આપે છે, એવી શ્રદ્ધા નીકળી જવી જોઈએ. વાણી સુખ આપે છે એવી શ્રદ્ધા નીકળી જવી જોઈએ. મન સુખ આપે છે એવી શ્રદ્ધા નીકળી જવી જોઈએ. બુદ્ધિ સુખ આપે છે એવી શ્રદ્ધા નીકળી જવી જોઈએ. - જય સચ્ચિદાનંદ |
|---|