બુદ્ધિનો આશય

સંપાદકીય

દરેકને પોતાના ચહેરા ગમે જ, અરિસામાં જો જો કરે, કેટલાંકને પોતાની ઝૂંપડીમાં પહોંચે તો જ નિરાંતે ઊંઘ આવે, કાળી-કુબડી-જાડી વાઈફ હોય છતાં એના ધણીને એ ગમે છે, કેટલાંકના છોકરાંના મોઢે ડાઘા હોય છતાં માને ગમે છે, ભલભલા પોલીસના પહેરા હોવા છતાં ચોર ઝડપાતો નથી, ખાનગી કૃત્યો કર્યા છતાં ખબર પડતી નથી, પકડાતાં નથી, કેટલાંકને છોકરાં થતાં જ નથી, કેટલાંકને ધર્મ માટે અવકાશ મળતો નથી, કેટલાંકને ધર્મ માટે અંતરાય હોતો જ નથી. આ જીવનમાં આપણને જે જે સારી-ખરાબ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, ગમતી-ના ગમતી વ્યક્તિ ભેગી થાય છે, જે કોઈ સારાં-નરસાં ફળ ભોગવવાં પડે છે, જે જે જગ્યાએ ભમવું પડે છે, તે બધાની પાછળ કયું રહસ્ય ભરેલું કારણ છે ?

પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદાશ્રી તેનો ફોડ પાડી આપે છે કે તે પોતાના જ પ્રોજેક્શનનું ફળ છે, તેમાં કઈ રીતે ભાવબીજ પડે છે, તેને બુદ્ધિના આશયના રંગ-રૂપ-ડિઝાઈન અપાય છે અને પછી મહીં સૂક્ષ્મ પ્રક્રિયાઓ થઈને રૂપકમાં આવે છે, તે સમગ્ર રહસ્ય અત્રે મૂકાયું છે.

પરમ પૂજ્ય દાદાશ્રી પોતાના જીવનમાં ધર્મપ્રાપ્તિ, જ્ઞાન સાક્ષાત્કાર તેમજ વ્યવહારિક જીવનમાં મધર-વાઈફ-ધંધો વગેરે કયા પૂર્વકર્મના આધારે પ્રાપ્ત થયાં કે જેથી તેમને જગત કલ્યાણના કાર્યમાં 'નો ઓબ્જેક્શન' સર્ટિફિકેટ જ મળ્યાં કર્યું છે. તેની એક્ઝેક્ટનેસ ખુલ્લી કરી આપે છે. આવી સૂક્ષ્મ સમજ પોતાને સમજાઈ જાય તો આ જગતમાં દ્વિધા-સંઘર્ષણ ને દુઃખનું કારણ ક્યાંય ના રહે !

આત્મતત્ત્વ અને જડતત્ત્વ ભેગાં થવાથી, તે ઠેઠ જીવનમાં વ્યક્તિઓ ને વસ્તુઓ જે ભેગી થાય છે ને સુખ-દુઃખનો વ્યવહાર સર્જાય છે, તે બેને સંબંધ કઈ રીતે ઉદ્ભવ્યો છે ? અનુભવી આત્મજ્ઞાનીની એ જ અદ્ભૂતતા છે કે તત્ત્વજ્ઞાનની વાસ્તવિકતા ઠેઠ વ્યવહારમાં લાવી આપે છે અને દુનિયાના અકળ રહસ્યો સાદી-સરળ તળપદી ભાષામાં ખુલ્લા પાડી આપે છે. તેમાંનું એક રહસ્યજ્ઞાન 'બુદ્ધિના આશય'ની વાત દાદાશ્રીની વાણીમાં અત્રે પ્રસ્તુત અંકમાં સંકલિત થઈ છે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


ટેન્ડર ભર્યાં, નિજ ડિઝાઈનમાં !

ધી વર્લ્ડ ઈઝ યોર ઑન પ્રોજેક્શન. કોઈની ડખલ ન મળે મહીં. સહેજ પણ ડખલ નહીં. તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.

પ્રશ્નકર્તા : મને એ ખબર નથી પડતી કે આ મેં પ્લાનિંગ ક્યારે કર્યું ને આમ કેમ કર્યું ?

દાદાશ્રી : પ્લાનિંગ કરતી વખતે ખાલી નકશા જ ચિતરવાના હોય છે. નકશા ચિતરેલા હોય અને અહીં યોજના જુએ તો ગભરામણ થાય. કેમ આવ્યું ? ક્યારે કર્યું'તું ?

પોતે નકશા ચિતર્યા'તા, હા. તો ય કહેશે, 'આવું તો કર્યું જ નહોતું મેં !' આ પરિણામ આવ્યું. પરિણામ જુએ. પરિણામ દેખીને ગભરાય કે આ પરિણામ કોનું ? આ તારી યોજનાનું જ પરિણામ આ.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે તમારી ડિઝાઈન પ્રમાણે આ બધું તમને મળ્યું છે. તો એ ડિઝાઈન શું છે એ જરા સમજાવો.

દાદાશ્રી : ડિઝાઈન એટલે તમારા બુદ્ધિના જે આશય હોય ને કે મારે આવું જોઈએ, આવું જોઈએ, મારે આ ના જોઈએ. એ જે જોઈએ છે ને, એ બધું ટેન્ડર લાવ્યા છો, એમાં તમારું (પુણ્ય) બધું ખર્ચાઈ જાય.

આ તમે જે મકાનમાં અત્યારે રહેતા હો ને તે મકાન, તમારી જે સ્ત્રી છે, જે છોકરાં છે, એ બધું તમારી ડિઝાઈન પ્રમાણે જ છે. આ શરીરનું જે રંગ-રૂપ, બધા હિસાબ, ઊંચાઈ- બુંચાઈ બધું તમારી ડિઝાઈન જ છે. તમારું બાળક જે ભોગવી રહ્યું છે, એ પોતાના ટેન્ડર પ્રમાણે, પોતાની ડિઝાઈન પ્રમાણે જ ભોગવી રહ્યો છે. ડિઝાઈનમાં સહેજ ફેર નથી અને અત્યારે દુઃખી થઈ રહ્યો છે. બધી પોતાની જ ડિઝાઈન છે આ, કોઈ ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વર તો તમારું સ્વરૂપ છે. એ તો તમારો ઉપરી નથી. તમારી જ ડિઝાઈન છે આ !

આ સંસાર બધો આપણા આશય ઉપરથી જોઈ લો કે આવતે ભવ આવું થવાનું છે. એટલે પોતાની ઈચ્છાપૂર્વક જ સંસાર છે આ. પછી એમાં કશું ઊંધું કરે, ત્યારે પછી એ અધોગતિમાં જાય.

પોતાનો ચહેરો પોતાને ગમે જ !!

એટલે આ સંસાર પદ્ધતિસરનું ઈવોલ્યુશન (ઉત્ક્રાંતિ) છે ને તે ઈચ્છાપૂર્વકનું છે. પોતાનું ખોખું (દેહ) ન ગમે તેવું હોય તો ય પણ સંતોષ રહે છે. એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : ખોખા પ્રત્યે પહેલેથી પોતાનું માની લીધું, મમતા.

દાદાશ્રી : ના. પોતે પોતાના બુદ્ધિના આશય પ્રમાણે લાવ્યો છે. તો એને સ્ત્રીનાં ખોખાંનો ય એને વાંધો ના આવે. અસંતોષ ના થાય અને કાળું ખોખું મળ્યું હોય તો ય અસંતોષ ના થાય અને બટકો હોય તો ય અસંતોષ નહીં. લાંબો હોય તો ય અસંતોષ નહીં. કારણ પોતે પોતાના બુદ્ધિના આશયમાં લાવ્યો છે, પોતાના ટેન્ડર પ્રમાણે.

આવડું મોટું શરીર પણ આશયમાં લાવ્યો હોય ! એક શેઠ અમદાવાદમાં મળ્યા હતા. તે પેટ આટલું બધું આગળ ! મેં જે' જે' કર્યા. બેભાનપણે એ બેઠા હતા. તો મારે કહેવું પડ્યું, શેઠ જરા ભાનમાં રહેજો. સામો નમસ્કાર કરે ને તો આપણે પણ સામા આમ નમસ્કાર કરીએ. પણ બેભાનપણું અને આ શરીરે આમ ! પણ એને એમ ના થાય કે બળ્યું આવું શરીર ! રાત્રે પાસું ફેરવું તો સારું લાગે. હાથ ફેરવે ને પાતળું હોય તો ય એને સારું લાગે. બુદ્ધિનો આશય છે ને !

પોતાનો જે આશય બંધાય કે આવું હોય, આવું ઘર, એ બધાં તમારા આશય પ્રમાણે અત્યારે તમને ભેગાં થયાં છે. બુદ્ધિનાં તમારા આશયમાં હતું તેવું જ અત્યારે આવેલું છે ! આ દેહ, આકાર બધું ય તમારા બુદ્ધિનાં આશય પ્રમાણે હોય. ઘર રાખ્યું તે ય તમારા આશય પ્રમાણે ને તેથી તો દરેકને એ જ્યાં રહેતો હોય ત્યાં આગળ એને સંતોષ રહે ને ! ઝૂંપડીમાં રહેતો હોય તો એ ય એને ગમે. એ તો બધું આશય પ્રમાણે છે.

બંગલો કે ઝૂંપડું, માંગેલું જ મળ્યું !

પ્રશ્નકર્તા : એને પોતાનું ખોખું પસંદ પડે. પણ આજે જે ઘર છે તે 'આ ઘર બરોબર નહીં, આ ઘર બરોબર નહીં', એ જે ફેરવ્યા કરે છે, એ કેવું થતું હશે ?

દાદાશ્રી : પણ ત્યાં ચાલે એવું નથી.

પ્રશ્નકર્તા : પણ એ વખતે બુદ્ધિના આશય એવાં થયેલા હશે, એમાં એમ હશે ?

દાદાશ્રી : લોકોનું ઘર બદલાય છે ને, એટલે એને એમ કે હું ય બદલું અને એના આશય પ્રમાણે લાવ્યો છે. એને અસંતોષ કાયમ રહેતો હોય તો આપણે જાણીએ કે એને એમ છે. પણ ના, આ તો હિસાબ પ્રમાણે લાવ્યો હોય છે.

વહેતું જગત છે. એટલે તમે ભણેલા માણસો એટલું સમજો કે વહેતું એટલે શું કે ગયા અવતારે નવમા માઈલમાં હતા, તો અત્યારે અગિયારમા માઈલમાં આવ્યા છો. તમે તમારી મેળે નથી આવ્યા. જગત પોતાના પ્રવાહથી વહે છે. શું હોય છે ? પોતાના સ્વભાવથી વહે છે. હવે અગિયારમા માઈલમાં, તમે જોઈ'તી બધી ખજૂરીઓ, રેતી, દરિયો ને આ જોયંુ'તું, ત્યાં ભાવ કર્યા કે આવું હોય તો સારું. શું ? એ ય નિરાંતે એકાદ ઝૂંપડી બાંધીએ અને કંઈક રહેવાય એવું થાય તો સારું. હવે અહીં આગળ અગિયારમા માઈલમાં મોટા મોટા બંગલા બાંધેલા હોય, ત્યાં આપણે પેલી ઝૂંપડી બાંધીએ, ઝૂંપડી બાંધવાનું મળે આપણને. જેવાં ભાવ નવમા માઈલમાં કર્યા હોય ને, તે અગિયારમા માઈલમાં આવે અને તે ય પાછાં બુદ્ધિનાં આશયનાં અનુસાર આવે. બહુ ઝીણી વાત છે આ.

બુદ્ધિના આશયમાં એવું હોય કે મને ઝૂંપડામાં જ ફાવશે, તો પછી કરોડ રૂપિયા હોય તો ય પણ તેને ઝૂંપડા વગર ગમે નહીં. અને કોઈને બુદ્ધિના આશયમાં, મને બંગલા વગર ફાવે નહીં એવું હોય, તો તેને પાંચ કરોડ રૂપિયાનું દેવું હોય તો ય બંગલામાં જ રહેવાનું ગમે. અને આ ભગતો બિચારાને શું હોય કે, મારે જેવું હશે તેવું ચાલશે, તે તેમને જેવું હોય તેવું પણ બધું મળી આવે !

કુદરત શું કહેવા માગે છે કે તારા બુદ્ધિના આશય પ્રમાણે તને મળ્યું છે, તેમાં તું કકળાટ શાને માટે માંડે છે ? બીજાનો બંગલો જુએ ને મહીં કકળાટ કરે પણ પાછું ગમે તો એને પોતાનું જ ઝૂંપડું !

દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાંવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડાંમાં આનંદ ના આવે. તેનું કારણ એનો બુદ્ધિનો આશય. જે જેવું બુદ્ધિના આશયમાં ભરી લાવ્ોલો હોય તેવું જ તેને મળે. ગામડે હોય તો ય જૂનું ઘર આપણું હોય તો ચાલે. એનું શું કારણ છે ? કે મારે આવું હશે તો ચાલશે. બુદ્ધિનો આશય અને પેલા આશયમાં કહે છે, આપણે આવું નહીં ચાલે, આપણે તો આવું જ જોઈશે એટલે બુદ્ધિના આશય, એની પ્રમાણે બધું અહી મળેલું હોય છે બધું.

આશય પ્રમાણે ભોગવટો !

પ્રશ્નકર્તા : વ્યવહાર કેવો જોઈએ છે એ નક્કી કરવા માટે, જે નક્કી થાય છે ત્યાં બુદ્ધિનો આશય છે ?

દાદાશ્રી : મને શેમાં સુખ પડશે ? એવું ખોળ ખોળ કરે. એટલે પછી એ વિષયમાં સુખ માનતો થઈ જાય. પાછો વળી એવો ભાવ કરે કે બંગલો નહીં હોય તો ચાલશે, આપણે તો એકાદ ઝૂંપડું હોય તો ચાલશે. એટલે પછી એને બીજા ભવમાં ઝૂંપડું મળે ! દરેકને જુદાં જુદાં મકાનોમાં ગમતું હશે ને, રાત્રે ઊંઘ આવતી હશે ને ? શી રીતે મારે આવું ને પેલાને આવું, એવું આખી રાત ના થયા કરે ? ના થાય. એમાં સંતોષ શાથી થાય છે ? 'આપણે તો આપણે ઘેર જઈએ તો જ ઊંઘ આવે' એ બુદ્ધિનો આશય. જો તમારે આશયનું ના હોય તો તમને રાતે ઊંઘ જ ના આવે. પોતાને ઘેર ભલેને ઝૂંપડી હોય ! આપણે એને કહીએ, 'અલ્યા, તારો ખાટલો તો આટલો નીચો થઈ ગયો છે !' તો ય પેલો કહેશે, 'ના, મને તો એમાં જ ઊંઘ આવશે. મને આ બંગલામાં ઊંઘ ના આવે.' આ આદિવાસીને રોજ દૂધપાક-પૂરી જમાડીએ, તો તેમને તે ફાવે નહીં. બે-ત્રણ દહાડામાં છાનોમાનો કહ્યા કર્યા વગર જતો રહે. એને એમ કે આપણે ક્યાં અહીં આગળ ફસાયા !

કેટલાંક માણસો પૈસા ના હોય તો ય કિંમતી કપડાં પહેરે છે ને કેટલાંક માણસો તો ખૂબ પૈસા હોય તો ય.... એ બુદ્ધિનો આશય !

એણે એમ માન્યું કે, કડિયાકામમાં જ મજા આવશે ને કડિયાકામમાં જ સુખ છે, તો એ 'કડિયો' થાય. પછી પ્રતીતિ બેઠી એટલે કડિયાકામનું એને જ્ઞાન ઉત્પન્ન થાય અને જ્ઞાન ને શ્રદ્ધા બે ભેગા થાય, એટલે વર્તન તરત આવડે જ. આમ હાથ મૂકે ને ઇંટ ચોંટે, હાથ મૂકે કે ઇંટ ચોંટે ! દરેક ઇંટ આમ જો જો ના કરવી પડે.

પ્રશ્નકર્તા : આ વકીલપણું ગ્રહણ થવું એ પૂર્વભવમાં યોજના કરેલી હોય છે એણે ?

દાદાશ્રી : હાસ્તો.

પ્રશ્નકર્તા : અને અત્યારે મેટ્રીકમાં આવે ત્યારથી એવું કરે છે એ શું ? 'વકીલ થવું છે, વકીલ થવું છે.'

દાદાશ્રી : એ મહીંથી જે ઉદય આવે એના કર્મનો, લક્ષણ માલમ કરવા પડે કે કમીંગ ઈવેન્ટ્સ શું છે ? મેટ્રીકમાંથી જ કહે, વકીલ થવું છે મારે. અરે, પેલો છઠ્ઠા ધોરણમાંથી ય બોલે મારે એન્જિનીયર થવું છે અને આ કહે છેને બધાને કે વકીલ થવું છે. તે આ કોણ બોલે છે ? 'કમીંગ ઈવેન્ટ્સ' બોલી રહ્યા છે.

પ્રશ્નકર્તા : 'વકીલ બનવું છે' એવી ભાવના શાથી શરૂ કરે છે ?

દાદાશ્રી : એ તો એને જે પૂર્વભવમાં સંસ્કાર આજુબાજુના એવિડન્સ હોય ને તેમાં જુએ, આ ડૉક્ટરો કરતાં વકીલોને બહુ મઝા છે. એટલે પોતે હિસાબ કાઢીને પછી વકીલપણું ઊંચકે. હવે આજના છોકરાં શું કહેશે ? બસ થવા જેવું હોય તો આ 'દાદા' થવા જેવું છે. એટલે આ દાદા દસ-વીસ વર્ષ કાઢેને તો ઘણો પાક ઠેર ઠેર પાકશે. એમને એમ લાગે, બીજી કોઈ જગ્યાએ સુખ કોઈના મોઢા ઉપર દેખાતું નથી એવું અહીં વર્તે છે. માટે આપણે આવાં જ સુખીયા થઈશું. પેલું સુખ જોઈને નક્કી કરે કે વકીલોને મઝા છે, માટે વકીલ થવા જેવું છે.

પ્રશ્નકર્તા : એટલે એની દ્રષ્ટિ બદલાવામાં આ સુખનું કામ કરતું હોય છે ?

દાદાશ્રી : બધું દ્રષ્ટિ બદલવામાં સુખ જ કામ કરી રહ્યું છે. તેમાં કેટલાંક તો કહેશે કે 'ડૉક્ટરનું તો આખો દહાડો માથાફોડ ! આ વકીલોને તો કોર્ટમાં જઈને આવીને પછી ફરવા જાય. માટે વકીલ થઈશું.' એટલે પછી એવું એ ડિસાઈડ કરે છે કે 'ભઈ, આ ક્યાં આગળ સુખરૂપી અનાજ પાકશે ?' એટલે આ બધું પોતાનું જ છે. આ ટેન્ડર જ પોતાનું છે.

પ્રશ્નકર્તા : પોતાને સુખ મળશે, એને માટે જ ટેન્ડર ભરતો હોય છે ?

દાદાશ્રી : ના, સુખ પડશે એટલે માટે નહીં, ટેન્ડર ફરજિયાત ભરવું પડે. આ તમારે આ શું શું ટેન્ડર જોઈએ ? ત્યારે કહે, 'આ પ્રમાણે મારે જોઈએ, તેમાં આ ખાસ ખાસ જરૂરિયાત ! બીજું બધું તો આવ્યું તો શું અને ના આવ્યું તો શું ?' એટલે જે ખાસ જરૂરિયાત હોય ને, ત્યાં પુણ્ય વપરાય. પુણ્યના આખા પરસન્ટેજ જાય અને જ્યાં આગળ આવું કશું નહીં ત્યાં પાપ વપરાય. એટલે આવી રીતે પરસન્ટેજ વપરાય. હવે સાઈઠ ટકા પુણ્યના હોય, ચાલીસ ટકા પાપના હોય, તે પાપ તો ભોગવવું જ પડે ને ! તેનાં ના ગમતા મા-બાપ આવે. 'છોકરો મારે સરસ જોઈએ, ફર્સ્ટ કલાસ !' તો ત્યાં પુણ્ય વપરાય.

પ્રશ્નકર્તા : આ વકીલપણું ગ્રહણ થવામાં સુખ કામ કરે છે. હવે છૂટવામાં શું કામ કરે છે, એ કઈ રીતે છૂટી જાય છે ?

દાદાશ્રી : એ તો પછી એણે નક્કી કરેલું આની પાછળનું કે વકીલપણું અમુક હદ સુધી વકીલપણું અને પછી મારે આ જાતનું કામ કરવું છે. એટલે પછી એ હદે પૂરું થઈ ગયેલું હોય વકીલપણું. અને ત્યાંથી જ એને જાણે ખબર હોય કે આ પૂરું થઈ જશે અને બીજું આવશે.

પ્રશ્નકર્તા : આવી ભાવના કરી હશે તો સંજોગો એવા મળ્યા.

દાદાશ્રી : એટલે બધા સંયોગો મળે. હવે હમણેથી તરત ફેરવી લો તો સંયોગ ના મળે. સંયોગો પહેલાના ગોઠવેલા હોય તો જ ભેગા થાય. હવે તરત ફરી શકે નહીં કશું ય.

પ્રશ્નકર્તા : એટલે પહેલા યોજનામાં બેઉ મૂકેલું છે વકીલપણું અને પછી આ.

દાદાશ્રી : હા, બેઉ મૂકેલું, ત્રીજું ય મૂકેલું હોય. પોતે જેટલું જેટલું મૂકાવે એટલું આવે.

યોજના ફળે, પાપ-પુણ્યબળે !

તે આ યોજના શેના આધીન છે પાછી ? તમારા બુદ્ધિના આશય પ્રમાણે. પૂર્વે પુણ્ય ને પાપ તમારાથી થયાં, ક્રેડિટ અને ડેબિટ (જમા અને ઉધાર), એ ક્રેડિટ ભાગમાં બધું તમને તમારા ધાર્યા પ્રમાણે થવા દે છે અને ડેબિટ ભાગનું તમારા ધાર્યા વિરુદ્ધ કરાવડાવે. અને ક્રેડિટ અને ડેબિટ જોડે જ હોય પાછું, વહુ તો લાવ્યા પણ પાપનો ઉદય થાય ત્યારે માર પડે. ક્યાં બગાડ્યું આ ? તે પાપ લાવ્યો છે માટે.

માંગી 'એક' ને વળગ્યું લંઘર....

એણે માગણી કરી'તી કે મારે વહુ તો જોઈશે જ. એ કેવા સ્વભાવની ? ત્યારે કહે, આવો સ્વભાવ. આવો તેવો મળતો હોય. રંગ કેવો ? ત્યારે આ કહે છે, અરધો કાળો-અરધો ધોળો. આ બધું નક્કી કર્યું'તું, એ પ્રમાણે જ આ વહુ મળે. બુદ્ધિનો આશય તમારો શું થતો'તો, કે મારે આવું જોઈશે. આવું હોય તો બસ. સંતોષ !

પ્રશ્નકર્તા : એટલે મનોરથ, મનની ઈચ્છાઓ કહીએ તે ?

દાદાશ્રી : ના, મનનો નહીં, બુદ્ધિનો આશય.

અને પાછું તમે કહોને કે મારે વહુ જોઈશે, તો આ યોજના કે વહુ જોઈશે, એમ લખ્યું અને યોજના શેમાં જાય છે ? જબરજસ્ત મોટું કોમ્પ્યુટર છે આખા બ્રહ્માંડનું, તેમાં તમારી યોજના ફીડ તરીકે જાય છે અને પછી આ કોમ્પ્યુટરથી રૂપક આવે છે. તમે વહુની માંગણી કરી'તી અને પછી રૂપકમાં શું આવે છે ? વાઈફ તો આવે છે પણ જોડે સસરા, સાસુ, માસી સાસુ, ફોઈ સાસુ, વડ સાસુ, સાળો, સાળી, બધું આવે. અરે ! પણ આ બધું મેં ક્યાં બોલાવેલું ? મેં તો એકલી વહુ એકલીની જ માગણી કરી'તી. ત્યારે કહે, ના, અહીં કાયદેસર આવું જ આપવામાં આવે છે.

પ્રશ્નકર્તા : સમજાઈ ગયું. આ તો છૂટવું બહુ મુશ્કેલ છે.

દાદાશ્રી : ત્યાર પછી શું જોઈને રોફ મારો છો ? હા, એટલે એકલી વહુ ના આવે, આ લંઘર બધું ય આવે મૂંઆ. મેં તો વહુ એકલીની માંગણી કરી'તી. ત્યારે કહે, ના, એ કાયદો નથી આવો. વહુની માગણી કરી માટે જોડે આ એવિડન્સ હોય જ, એટલે બધું આવું જાણતા હોત તો વહુ ના માગત. વળી આ એક આવી તો આટલું બધું તોફાન ! એટલે આવું જગત છે.

તેથી પેલા લોકો કહે છે ને કે ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાટ. કેમ કહે છે કોબાટ ? ગમે ત્યાં મંદિરોમાં ફર ફર કરે તો ય એના સામે કોઈ દ્રષ્ટિ કરે નહીં. એટલે મારે ઘેર બેઠાં સેફસાઈડ. અક્કલવાળાએ લખેલું છે ને ?! કોઈએ આ જવાબે ય સારો આપ્યો છે ને ? પછી બધે ફરે તો ય આપણને એ તરફની ચિંતા નહીં ને ! હવે કોઈ ઉપાધિ જ નહીં ને !

હવે એને બુદ્ધિનો આશય બતાવે કે આવું લાવજે કે આપણને ભય નહીં પછી. પછી બીજાની જોઈને બૂમાબૂમ કરે કે મારે ત્યાં આવી ક્યાંથી આવી ? અલ્યા, એ તમારું જ પ્રદર્શન છે. આ બધું રિએક્શન જ આખું તમારું છે. એમાં ભગવાન બિચારા શું કરે ?

એક વહુની માગણી કરીને કેટલી ઉપાધિ કરી ? પછી માસી સાસુ ને ફોઈ સાસુ ને વડ સાસુ, ફલાણી સાસુ બધા આવે.

પ્રશ્નકર્તા : પણ પાછાં એ બધા મીઠાં લાગે.

દાદાશ્રી : હા. મીઠાં લાગે પાછાં.

પ્રશ્નકર્તા : એ બુદ્ધિના આશયમાં માગેલું છે એટલે મીઠાં લાગે છે હમણાં ?

દાદાશ્રી : મીઠાં તો, સ્વભાવ છે જીવનો કે જો, 'આવો ભાઈ, પધારો' કહે તો મીઠું લાગે. ભૂખ્યો હોય, બહુ ભૂખ લાગી હોય, તેને ય પણ મીઠું લાગે. 'આવો ભાઈ, પધારો' કહે એટલે ! માસી સાસુ શું કહે ? ભઈ, તમે મારા ભાણેજ જમાઈ. અને પછી માસી સાસુ દવાખાનામાં હોય ને પછી જોવા જવાનું થાય ત્યારે અકળામણ થાય કે આ ફરી પાછી આવી. આમ ભાણેજ જમાઈ કહે ત્યારે ખુશ થઈ જાય ! તમે ભાણેજ જમાઈ થયેલા કોઈના કે ?

માસી સાસુ ના હોય ? માસી સાસુ, ફોઈ સાસુ આવ્યાં પાછાં ! મારે તો વહુનું કામ હતું, તમે શું કામ આવ્યા ?! લોકોને સમજણ જ નહીંને આવી બધી આ કે આ વહુને લઈને આ બધું લંઘર આવે છે.

શામળી વાઈફ, કયા આધારે ?

આ 'વાઈફ' મળે છે, તેને ''આ મારી 'વાઈફ' થાય'' એવાં કશા ભાવ નહીં કરેલા. કશું ભાવ નથી, ઓળખાણ નથી, પારખાણ નથી, એ તો બુદ્ધિના આશય પ્રમાણે ભેગી થઈ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એવાં હોય કે કન્યાઓની બહુ અછત હોય ત્યારે એના બુદ્ધિના આશયમાં શું હોય કે આપણને તો જેવી મળશે તેવી પૈણીશું, બસ મળવી જોઈએ, તો તેને તેવી મળે. પણ પછી પેલો બૂમો પાડે કે, આ બૈરી આવી છે, તેવી છે ! અલ્યા, તેં જ નક્કી કરી હતી, હવે શેની બૂમો પાડે છે ? પેલો પાછી બીજાની સુંદર વહુ જુએ, એટલે એને પોતાને ઘેર અધૂરું લાગે ! પણ પાછો સંતોષ તો પોતાને ઘેર જ થાય. પાછો કહેશે કે, મારે ઘેર જ રહીશ !

દરેકને જુદું જુદું હોય. અને જો બુદ્ધિના આશય પ્રમાણે આ બધું જગતમાં દેખાય છે, ઘરાં-બરાં બધું. એ બુદ્ધિના આશયમાં વાઈફ પણ હોય અને તે શામળી હશે તો ય ચાલશે, કહે પણ શરીરે દુબળી ના જોઈએ. એક અવતાર દૂબળામાં કંટાળ્યો હોય ને, તે બીજે અવતારે પાછો કહેશે, દૂબળી ના જોઈએ. શામળી હશે તો ચાલશે પણ દૂબળી ના હોય તો સારું. આવું પોતપોતાના આશયો બદલ્યા કરે.

બૈરી બુદ્ધિનાં આશય પ્રમાણે શામળી હશે તો ચાલશે, એનો વાંધો નથી. પણ શરીરે બરોબર જોઈએ. ગયા અવતારે આવી હતી ને તે દવા કરાવી કરાવીને મરી ગયો ! તે હવે શરીરે જરા શામળી હશે તો ચાલશે, પણ જરા શરીરે જોઈએ. તે શરીરે જોઈએ એવી મળે, પાછી શામળી મળે અને પછી બૂમો પાડે મુંઓ ! શામળી, શામળી ! બીજાની જુએ એટલે. હવે આ શી રીતે પહોંચી વળાય ? તમને શું લાગે છે ? પોતે જ પ્રોમીસ કરેલું. પોતે તાળું લાવ્યા પછી પોતે બૂમ પાડે, આ તાળું કઈ જાતનું છે આ ? મુંઆ, તાળાનો શું કરવા દોષ કાઢે છે ? લઈને તું આવ્યો ને ! ત્યાંથી બધાં તાળાં જોઈ જોઈને આવ્યો છે ને વળી પાછો તાળાનો દોષ કાઢે છે ! અને પાછો કહેશે, વેપારીઓ ચોર મુંઆ ! ના, કહેવાય મુંઆ ! એ વેચે છે, તું લઉં છું, તારી ભૂલ છે. વેપારી તો વેચવા બેઠો છે ! શું કરવાં બેઠો છે ? વેચવા નહીં બેઠો ? તારે સમજવાની જરૂર.

'હીરાબા'ને પરણવા 'પસંદગી'ના પોઈન્ટસ્ !

અમે તો અમારી મેળે નક્કી કરેલું, પૈણવું છે કે કુંવારા રહેવું છે ? તો ભઈ, પૈણ્યા વગર ના ચાલે. હું કરીશ ખરો આત્માનું, પણ મને પૈણ્યા વગર નહીં ચાલે. સંસારમાં રહીને પાછો કરીશ. કોઈ પૂછનાર નથી. આપણો ને આપણો નિશ્ચય જ છે. ત્યારે કહે, કેવી જોઈશે ? તો આપણે પૂછીએ કે મારા હાથમાં છે કેવી જોઈશે તે ? ત્યારે કહે, ''હા, બધું તમારા હાથમાં છે, આ તમારી દુનિયા 'તમે' ક્રિએટ કરી છે. 'પોતે' જ ક્રિયેટર છે આનો.'' એટલે મારા હાથમાં છે સ્ત્રીનું ? અત્યારથી મારા હાથમાં શાથી, મારી સત્તામાં છે ? ત્યારે કહે, પુણ્ય તમારું જ વપરાવાનું છે. તે તમારું આટલું પુણ્ય છે. તમારે જેમાં જેમાં વાપરવાનું હોય એ નક્કી કરી નાખો.

બોલો, સ્ત્રી જોઈશે ? ત્યારે કહે, 'એ તો જોઈશે.' તો કેવી જોઈશે ? ગમે એવી ચાલશે ? ના ગમે એવી નહીં ચાલે. રૂપાળી જોઈશે. જો એમાં વધારે ટકા ગયા. રૂપાળી કહ્યું ને, શરત કરીને એટલે એમાં પુણ્યના વધારે ટકા ગયા. પછી હાઈ લેવલના કુટુંબની જોઈએ ? તો કહે, ના ભઈ, હાઈ લેવલના કુટુંબની તો પછી બહુ હોંશિયાર થઈ ગયેલી હોયને, તો મને હઉ દબડાવે. હું તો ભલો ભોળો માણસ. મારે તો, એ લોકો મને ભગવાન જેવા માનતા હોય ત્યાં પૈણવાનું એટલે ત્યાં પૈણ્યો. હીરાબા આવ્યા, ગમ્યા, ડિઝાઈન મને મળી.

ગ્રેજ્યુએટ થયેલી જોઈએ ? મેં કહ્યું, ના બા. ઓછામાં ઓછું ગુજરાતી આવડવું જોઈએ. બીજું કશું નહીં. હું જ મેટ્રિક ફેઈલ થવાનો છું ને ! તો બોલો, અમારે કશી ડખલ નથી. જેમ દોરવણી આપીએ એમને તેમ ચાલે. મતભેદ નહીં, ભાંજગડ નહીં.

શરૂઆતમાં અહંકાર જબરો હતો, તે પેલા પચ્ચીસ ફ્રેન્ડ સર્કલના ટોળામાં ફરીએ ત્યારે મનમાં એમ થાય કે બધાની સ્ત્રીઓ સિનેમામાં જોડે આવે છે, બીજી વાતચીત કરે, ફ્રેન્ડ જેવી રહે છે અને મારે આવી ક્યાંથી આવી ?! આ તો બહુ ભણેલી નહીં, એટલે મને ચેન ન'તુ પડતું. પછી તો ભણેલી સ્ત્રીવાળા મને શું કહે, તમારા જેવો સુખિયો કોઈ નથી. જોને, હીરાબા કશું સામું બોલતા નથી. કોઈ દહાડો સામું બોલ્યા નથી. તમે કહો, 'ચા લાવો' તો તરત લાવીને આપી જાય. તે આ મહીં હિસાબ તો ખરો કરી રાખેલો !

ભાઈબંધોને ક્યાં આગળ એની વાઈફ કડવી લાગે છે, તે મને ખબર નહીં. હું તો એની પર મીઠાશ જોઉં ઉપરથી, ભઈબંધને મહીં કડવી લાગતી હશે, તે તો એ જાણે, એમના અનુભવ જાણે. તેથી જ તો મને કહે કે તમે ખરા સુખિયા છો !

આવી દુનિયા છે. તમને સમજાયું ને ! એટલે તમારું જ બધું આ મળે. તમારો જ હિસાબ છે અને કોઈ બહારનો ગોઠવવા નથી આવ્યો અને કોઈ પૂછવા ય નથી આવ્યો.

આ ભાઈએ નક્કી કરેલું, જૈન જ જોઈશે ? ત્યારે કહે, 'ના, ગમે તેવી પણ બ્યુટીફૂલ જોઈએ.' 'જૈન અગર તો બીજી નાતની હોય તો ?' 'એ ય બધું એડજસ્ટ કરી લઈશું. અમે જૈન વાણીયા, અમને બધું આવડે.'

એટલે આ બધું તમારાં પુણ્યમાંથી વપરાયું. તમે નક્કી કરેલી જ આ બધી ચીજો મળી છે તમને, મકાન-બકાન બધું ય.

ના ગમતું, કરાવે પ્રગતિ !

એનું પુણ્ય એટલું બધું હોય નહીં, જેથી વહુ એના કહ્યા પ્રમાણે ચાલે એવી હોય. વહુ વઢકણી હોય, છતાં એને ગમતી હોય પાછી. નથી ગમતી એવું એને કહેવાય જ નહીં. અંદરખાને એને ગમતી જ હોય. ગમતી છે, એનું કારણ શું ? એના બુદ્ધિના આશયમાં લાવ્યો છે.

પ્રશ્નકર્તા : કેટલીક વખતે આવી પ્રતિકૂળ પત્ની હોય, તે વેરભાવે વૈકુંઠ જેવું થાય. આ ઘણાં ખરામાં આવું થયેલું, સોક્રેટિસને થયેલું.

દાદાશ્રી : આ સંસારની હરેક ચીજ પોતાની ગમતી આવે ને તો માણસ પ્રગતિ ના કરી શકે. આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. એટલે એક-બે ખૂણા એવાં હોવા જોઈએ, કે એને જાગૃતિ કરાવે.

આપણી બુદ્ધિના આશયમાં હોય, કે એક છોકરો ને એક છોકરી હોય તો બસ થઈ ગયું. આપણું ડિસિઝન બુદ્ધિના આશયમાં હોય કે આ હોય તો ઘણું. એટલે એવું ભેગું થાય.

પ્રશ્નકર્તા : પણ એ થયા પછી સંતોષ તો થતો જ નથી.

દાદાશ્રી : એ મળી ગયા પછી પાછો એમાંથી અસંતોષના ફણગા ફૂટે છે. કારણ કે લોકોનું જુએ છે માટે. લોકોનું ના જુએ તો એ ના થાય આ.

પ્રશ્નકર્તા : તો એ ચક્ર તો કોઈ દી' પૂરું થાય જ નહીં.

દાદાશ્રી : ના, કોઈ દહાડો પૂરું ના થાય ને ! બીજી દેખવામાં આવી તો થઈ જાય કે આ તો સારી છે આપણાં કરતાં ! હવે આને કેમ પહોંચી વળાય ?!

ગમતા - ના ગમતા છોકરાંનો હિસાબ !

અરે, છોકરાં સાવ કુરૂપ હોય છે, બીજાં લોકોને દેખાવ ના ગમે છતાં એની માને બહુ ગમે. કારણ કે બુદ્ધિના આશયમાં છે કે મારે કદરૂપા જ જોઈએ કે ઉપરથી કાળાં ટપકાં નાખવા ના પડે.

આ છોકરાં થાય છે, તે ય બુદ્ધિના આશય પ્રમાણે હોય છે. 'મારે એકનો એક છોકરો હશે તો ય બહુ થઈ ગયું, મારું નામ કાઢશે.' એના બુદ્ધિના આશય પ્રમાણે નામ કાઢે. જૈનો એવું કહે છે કે, મારો છોકરો હોય, તે દીક્ષા લે તો બહુ સારું, એનું કલ્યાણ તો થાય ! પછી જૈનોનાં મા-બાપ છોકરાને દીક્ષા પણ રાજીખુશીથી લેવા દે અને આ બીજાઓને દીક્ષાની વાત કરો જોઈએ ? એ ના પાડે. કારણ કે એવાં એમણે ભાવ જ નહીં કરેલા.

દાદાને ય છોકરો ને છોકરી મરી ગયાં. તે એમના બુદ્ધિના આશયમાં એવું કે આ શી લપ, આ શી ભાંજગડ !!

પ્રશ્નકર્તા : એમ કહેવાય છે ને કે ગયા જન્મનો દુશ્મન હશે તો આ વખતે છોકરાં તરીકે વેર વાળે છે બાપનું, તો એવું કંઈ બુદ્ધિના આશયમાં પેલાંને હોય નહીંને ?

દાદાશ્રી : ના, એ બુદ્ધિના આશયમાં નથી. એ આશયમાં જે લાવ્યો છે ને, તે ગમતું અને ના ગમતું એના ભેદ પડાવે છે. પાપના વપરાય ને, તો ના ગમતું હોય, તે જ પહેલું આવીને ઊભું રહે. હિસાબ છે ને બધો !

દારૂ-ચોરી કર્મફળમાં ભોગવે !

પ્રશ્નકર્તા : આ દારૂ પીએ છે, આ ચોરી કરે છે, એ શું છે ?

દાદાશ્રી : દારૂ પીએ છે, તે મહીં ભાવ કર્યા હોય ને કે દારૂ વગર તો ના જ ચાલે. એટલે દારૂ પીવે ને પછી એ ના છૂટે, એટલે પ્રતિષ્ઠા કરતો નથી, પણ એ છે તે બુદ્ધિનો આશય બોલતી વખતે કેવો હોય છે, તે મહીં પ્રિન્ટ થઈ જાય છે.

બુદ્ધિનો આશય એટલે કોઈ કહેશે, 'આપણે બસ ચોરી કરીને જ ચલાવવું છે, કાળાં બજાર કરીને જ ચલાવવું છે.'

એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું પોતાને ભેગું થાય. કોઈને કશું કરવું ના પડે. બુદ્ધિના આશયમાં ચોરી કરવાનું હોય ને તેની પાછળ પુણ્ય હોય તો તે બધું ભેગું કરી આપે. કોઈ કહેશે, 'આપણે ચોરી ક્યારેય પણ નથી કરવી.' કોઈ કહે, 'મારે આવું ભોગવી લેવું છે.' તે ભોગવી લેવા માટે એકાંતની જગ્યા હઉ તૈયાર કરી આપે. તેમાં પાછું પાપ-પુણ્ય કામ કરે છે. જે બધું ભોગવવાની ઇચ્છા કરી હોય એવું બધું એને મળી આવે. માન્યામાં ના આવે એવું બધું પણ એને મળી જાય. કારણ કે એના બુદ્ધિના આશયમાં હતું અને પુણ્ય ભેગું થાય તો કોઈ એને પકડી ય ના શકે. ગમે તેવાં છૂપાં કર્મો કરતો હોય અને લાખ સી.આઈ.ડી. એની પાછળ ફરતી હોય તો ય તે ઉઘાડું ના થાય, ગમે તેટલાં ચોકીપહેરા કરો તો ય ! અને પાપનો ઉદય થાય ત્યારે સહેજમાં પકડાઈ જાય. નાનું છોકરું ય એને ખોળી કાઢે કે 'ઐસા ગોટાલા હૈ ઈધર !' આ કુદરતની કેવી ગોઠવણી છે ને ! છે પુણ્યૈ, ને પાછો મનમાં મલકાય છે કે, 'મને કોણ પકડી શકે ?' એવો અહંકાર કર્યા કરે. હવે પાછું પાપ ભેગું થાય ત્યારે સોદા બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો આમાં ભોગવવાનું જે નક્કી કરે છે, ત્યાં શું બુદ્ધિનો આશય કામ કરે છે ?

દાદાશ્રી : હા, બુદ્ધિના આશય પ્રમાણે કામ કરે છે ! દુનિયામાં ના હોય એવું ય ભોગવવું પડે, જો ભોગવવાનો ભાવ કર્યો હોય તો ! અને તે વખતે પાછું એવું મંજૂરે ય થાય છે. કારણ કે બુદ્ધિના આશયને પાછો પુણ્યનો આધાર છે.

એ ફેરફાર આમ થઈ જાય !

પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય તો હંમેશાં બદલાતો હોય ?

દાદાશ્રી : હા, બુદ્ધિનો આશય બદલાય એ પ્રમાણે બધું ત્યાં પ્રિન્ટ થયા કરે.

આજુબાજુ પહેરો હોય, તેના આધારે બુદ્ધિનો આશય હોય. ચોગરદમ પોલીસવાળાઓ ભેગા થઈ જાય, તે ઘડીએ મહીં ભય પેસી જાય તો બુદ્ધિનો આશય કહેશે કે ના, હવે ચોરી નથી કરવી. તે પ્રમાણે આખો આશય ફેરફાર થઈ જાય.

બહારવટિયાને પુરુષને લૂંટવાનો આશય હોય, તો તેને સ્ત્રી ભેગી જ ના થાય.

ભણવું'તું, મોક્ષ મળે એવું !

બધાં નિમિત્ત મળી આવે એવાં છે. આપણી ભાવના ફરે તો નિમિત્ત મળી આવે. એવું આપને લાગે છે ?

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું ભેગું થાય, ત્યારે તે પ્રમાણે બુદ્ધિનો આશય ઊભો થાય. પણ મહીં મૂળ ભાવના હોય ખરી, આપણી દાનત ચોર હોય તો જ બધા એવા સંજોગો ભેગા થાય !

તમારે કોલેજમાં ભણવું હતું, તે બધાં નિમિત્ત બધાં મળી આવ્યા'તાં ને ?

અને ના ભણવું હોય ને, મારે ન્હોતું ભણવું, તે મેટ્રીકમાં નાપાસ થઈને ઊભો રહ્યો. મારી દાનત જ ન્હોતી ભણવાની. એટલે જેને ભણવું છે ને એને બધું મળી આવે. મારે ભણવું'તું આ કે માથે ઉપરી ના જોઈએ, બાપો ય ઉપરી ના જોઈએ. મુઆ, એ કેમ પોષાય તે ? ઉપરી હોય તે તો કહે, અહીં એ ભગવાન મોક્ષે આપણને લઈ જાય. અહીં બેઠા હોય, ત્યાર પછી નવા એના ઓળખાણવાળા આવે ત્યારે કહે, ઉઠ અહીંથી. ત્યારે બેસને મુંઆ, તારો મોક્ષ મારે નહીં જોઈતો. જે કોઈ આપણને ઉઠાડે, એ મોક્ષને શું કરવાનું ? એનાં કરતાં બૈરી બે ગાળો ભાંડતી હોય ને, પણ ભજીયાં ખવડાવેને એ મોક્ષ સારો, આપણો ઘરનો મોક્ષ સારો. મોક્ષ એટલે ત્યાં ઉપરી નથી કોઈ, કોઈ અન્ડરહેન્ડ નથી. ત્યાં મોક્ષમાં તો અન્ડરહેન્ડનો શોખ રખાય નહીં. અન્ડરહેન્ડનો શોખ હોય તો ઉપરી મળે. તમારે હવે અન્ડરહેન્ડનો શોખ છે ? ઉપરી મળશે પછી. માટે અન્ડરહેન્ડનો શોખ છોડી દેજો.

નોકરી માટેનાં ભાવો !

બુદ્ધિના આશયમાં નોકરી કરવાની નહીં કે, 'બસ, નોકરી નહીં કરું.' તે નોકરી કરવાની ના આવી. એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું થયા કરે.

આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે? પગાર આપનારો તારો શેઠ પણ પુણ્યૈને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠને ય કર્મચારીઓ મારે.

પ્રશ્નકર્તા : શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો. આપણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી, તેથી આ ભેગું થયું ?

દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય.

પ્રશ્નકર્તા : તો એ લેણ-દેણ હશે ?

દાદાશ્રી : ના, એવું કશું ય નહીં.

પ્રશ્નકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ?

દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણે ય નહીં ને પારખાણે ય નહીં. શેઠના બુદ્ધિના આશયમાં એવું હોય કે મારે આવાં નોકર જોઈએ અને નોકરના બુદ્ધિના આશયમાં હોય કે મારે આવાં શેઠ જોઈએ. તે બુદ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય !

સેવા ભત્રીજાની, ચાવી દીકરાને !!

ફાધર ગાળો ભાંડતો હોય તો ય એને એ જ ફાધર ગમે ! મધર ગાળો ભાંડતી હોય તો ય એ જ મધર ગમે !! ફાધરને એ જ છોકરો ગમે. આખી જિંદગી છોકરાને ના બોલાવે, પણ મરતી વખતે બધું છોકરાને જ આપી દે. અલ્યા ! આખી જિંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવી, પણ આપી દીધું છોકરાને ? આ બુદ્ધિનો આશય કહેવાય !

ધંધો ભેગો થયો આશયથી !

પ્રશ્નકર્તા : હવે બુદ્ધિનો આશય, એ ગયા ભવના ચિંતવનનું પરિણામ છે ?

દાદાશ્રી : ચિંતવન નહીં, આશય, બુદ્ધિનો આશય જ છે. ગયા અવતારના બુદ્ધિના આશય હતા, તેનું આ ફળ આવ્યું. બુદ્ધિનો આશય હોય, તો એને સટોડિયો ભેગો થઈ જાય. બહાર નીકળે કે એને રેસવાળો ભેગો થઈ જાય. પોતે ઘેરથી ઘણું ય નક્કી કર્યું હોય કે રેસમાં જવું જ નથી. તો ય જાય, એ બુદ્ધિનો આશય.

આપણે ગયા અવતારે બુદ્ધિનો આશય કરેલો હોય, તેની અત્યારે આપણને પોતાને ખબર પડે કે આ સટ્ટાબજાર મને અડવાનું નથી. નાલાયક માણસ મને ભેગો નહીં થાય.

પ્રશ્નકર્તા : એટલે જે વ્યવહાર, જે નિમિત્ત, જે સંયોગો ભેગા થાય છે, એની પાછળ આશય કામ કરે છે ?

દાદાશ્રી : આશય વગર કશું ભેગું જ ન થાય.

દાદા મળ્યા કઈ પુણ્યૈએ !

પ્રશ્નકર્તા : તમે વાત કરી કે આ બધી પુણ્યૈ આમાં ખર્ચાય છે. આ ભઈને આવી વાઈફ મળી, તો એમાં એમણે પુણ્યૈ ખર્ચી. તો અમને દાદા મળ્યા, તે કઈ રીતે ?

દાદાશ્રી : એવું છે ને, મનમાં ગણતરી રહ્યા કરે છે કે ભઈ, એવો કોઈ માણસ મળી ગયો હોય કે મને કલ્યાણનો રસ્તો બતાવી આપે. આ તો બધા સંતો પાસે જઉં છું, એની જોડે દસ વર્ષ બેસી રહ્યો, પણ હતો તેનો તે રહું છું. એટલે એવો કોઈ મળી જાય અને મારું આ ભવમાં થોડું રાગે પાડી આપે. અને હવે અહીંથી છૂટવું જ છે. અહીંથી છૂટાય ! એટલે બુદ્ધિના આશયમાં એવું હોય કે જ્ઞાની મળે ને કંઈક હવે છૂટકારો થાય, હવે તો થાક્યો આ રઝળપાટથી; ત્યારે એને જ્ઞાની મળે ! હવે આવો બુદ્ધિનો આશય તો કોઈ કરે જ નહીં ને ? લોકોને આ મોહ ક્યાંથી છૂટે ? એટલે એવું છોડાવી આપે એવો કોઈ મળી જાયને, એવી ભાવના ખૂબ ખૂબ કરી હોય ત્યારથી આ ભેગા થાય. અને હું તો છું જ પણ એ ભાવના કરેલી, તેથી અમે તમને ભેગા થયા. એટલે અમે શાથી મળ્યા એ તમે સમજી ગયાં ને ?

ઓછી-વધતી ભાવના, જેવી જેવી ભાવના, એટલે જેટલું પુણ્ય હોય એની પાસે સ્ટોકમાં, એ પુણ્યૈ એમાં વપરાઈ જાય. આ પુણ્યનો જથ્થો હોય છે માણસને !

સત્સંગના અંતરાય હોય ત્યારે !

પ્રશ્નકર્તા : આપને મળ્યા પછી ભાવ તો હંમેશા એવો રહે જ કે દાદાને મળીએ, દાદાને મળીએ પણ સંજોગો ના બાઝતા હોય તો શું ?

દાદાશ્રી : એનો ઉપાય નથી ! જે સંયોગો ના બાઝે એ બધું 'વ્યવસ્થિત'. તો ભાવથી સંયોગો ઊભા કરવા. આમ અંદરનાં સંયોગો, ભાવના, નિદિધ્યાસન એ બધું કરવું. આ બહારનાં, એ દ્રવ્યથી સંજોગ કહેવાય. એને આંખો પણ જોઈ શકે, કાનો સાંભળી શકે અને આ ના થાય તો પેલું અંદરનું કરવું.

તો 'નિરંતર સાનિધ્ય' જ નક્કી રાખો !

પ્રશ્નકર્તા : ભાવ કર્યા કરીએ તો જ્યારે પેલાં સંયોગો જતાં રહે, ત્યારે બીજા સંયોગો આવે ને ?

દાદાશ્રી : એવું છે ને, તમારા બુદ્ધિના આશયમાં તમે નક્કી કર્યું કે સવારે છ વાગે રોજ ઊઠવું અને છ વાગે ઉઠાય એટલે એમને સંતોષે ય રહે. કો'ક ફેરો છ વાગે ના ઉઠાય તો અસંતોષે ય થાય. પણ ખાસ કરીને બુદ્ધિના આશય પ્રમાણે બધું ચાલે. એવું આ જ્ઞાનીને મળવું ચાલશે, આ જોઈશે, એ જોઈશે, એ જોઈશે, નહીં મળીએ તો ચાલશે. તો એવું આ ચાલ્યું. આ બધા કહેશે, અમને જ્ઞાનીને મળ્યા વગર નહીં ચાલે, તો એમને એવું મળે. જોડે રહેવા મળી જાય. એટલે આ બધું આપણો જ બુદ્ધિનો આશય છે. આ ઊઠવાનો અર્થ તો સમજી ગયાંને કે ના સમજ્યા ?

પ્રશ્નકર્તા : સમજાયું. બરોબર છે.

દાદાશ્રી : રાત્રે સૂવાનો નિયમ કેટલા વાગે ?

પ્રશ્નકર્તા : રાત્રે હું લગભગ દસ-અગિયાર વાગે સૂઈ જઉં છું.

દાદાશ્રી : એટલે એ પ્રમાણે બુદ્ધિના આશયમાં લાવેલા.

પ્રશ્નકર્તા : પણ એ ક્રમે ય બદલાતો ગયેલો. પહેલાં તબિયત સારી હતી ત્યારે હું રાતે દસ વાગે સૂઈ જતો હતો અને ચાર વાગે ઊઠી જતો. ઘણાં વર્ષો એ પ્રમાણે થયું. પછી આ છેલ્લા પાંચ-છ વર્ષથી રાતે દસ-અગિયાર વાગે સૂઈ જઉં અને છ વાગે ઊઠું છું. તો આ પણ આશય પ્રમાણે બદલાતા રહેતા હશે ?

દાદાશ્રી : એ બધાં આશય જુદાં જુદાં. તબિયત સારી થાય તો આમ, તબિયત સારી ના હોય તો આવું. આ બધા હિસાબ ગોઠવાયેલા અને એને પોતાને એ ગમે પછી ! કારણ કે પોતે બુદ્ધિના આશયમાં લાવેલો છે.

વહેંચણી, પુણ્ય ને પાપ તણી...

એક ભઈ હતા ને, એમણે મને પૂછયું, 'દાદાજી, એવું શું લાવ્યા કે તમને આ બધું જ તમારા અનુકૂળ, તમારી ઈચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે. સત્સંગ કરી શકો છો, ઈચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો. ઈચ્છા પ્રમાણે બધું કરો છો.' ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે. મેં કહ્યું, ભૂલમાં જો તેં ટેન્ડર ભરતી વખતે મારે વાઈફ આવી જોઈશે, છોકરાં બે જોઈશે, છોડી જોઈશે. આમ છે ને તેમ છે, બંગલો જોઈશે, ગાડી જોઈશે. બધું લખાવ્યું અને પછી દસ-પંદર ટકા બાકી રહ્યા. તો તેં કહ્યું કે ધર્મ ખાતે લખી નાખો અને મેં તો પાંચ ટકા આમાં રહેવા દીધાં અને પંચાણું ટકા આ ધર્મમાં નાખ્યા !

હવે આ જો પુણ્ય સો ટકા તમે કમાયા અને દસ ટકા પાપના કમાયા, તો તમે કહો કે દસ ટકા બાદ કરીને નેવું ટકા મારે ખાતે જમે કરો, તો એ કુદરત આવી કાચી નથી. એવું હોત તો આ વાણિયા કોઈને મોક્ષે જવું જ ના પડે. કારણ કે બધા સુખી જ હોય. નેવું ટકા પુણ્ય ભોગવે ને દસ ટકા પાપ ભોગવે. સાંધા જ તોડી નાખે ને ?

પ્રશ્નકર્તા : પુણ્ય અને પાપના સરવાળા- બાદબાકી થાય છે એવું નથી ?

દાદાશ્રી : પુણ્ય અને પાપ છે ને, એ તો બધું વહેંચણી થાય છે પહેલી. વહેંચણી કેવી રીતે થાય કે તમે કહો કે મારે વાઈફ આવી જોઈએ, બંગલો આવો જોઈએ, મોટર આવી જોઈએ. એ પુણ્યમાંથી તમે જેટલું ટેન્ડર ભરો એ પ્રમાણે તમને મળવાનું. હવે પુણ્યમાં બેંકમાં રકમ રાખી જ નથી બહુ, 'આવશે, એટલાં જાય તો બહુ થઈ ગયું. મારે ઘર ચાલે.' હવે પછી ત્યાં બેંકમાં ખોળો તો શી રીતે બને ? તમને સમજ પડીને ?

આ લક્ષ્મી એ પુણ્ય-પાપની નથી. પુણ્ય- પાપ તો મહીં વહેંચણી થાય છે. પુણ્ય-પાપ તો તમારી ઈચ્છા પ્રમાણે સપ્લાય (વહેંચણી) કરવાનું સાધન છે.

પ્રશ્નકર્તા : પુણ્ય મદદ કરે આપણી ઈચ્છા પૂરી કરવામાં ?

દાદાશ્રી : બસ, એ ઈચ્છા પૂરી કરવામાં પુણ્ય મદદ કરે અને પાપ ઈચ્છાનો ધબડકો મારે છે.

આશય ફેરવો ધર્મ માટે !

બુદ્ધિના આશયમાં જે ભરેલું હોય, તેના બે ફોટા પાડે. (૧) પાપફળ અને (૨) પુણ્ય ફળ. આ બુદ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું. તે સો ટકામાંથી મોટા ભાગના ટકા મોટર- બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યા. તે એ બધું મેળવવા પુણ્ય એમાં ખરચાઈ ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુદ્ધિના આશયમાં ભર્યા.

બે ચોર ચોરી કરે છે, તેમાંથી એક પકડાઈ જાય છે ને બીજો આબાદ છૂટી જાય છે. એ શું સૂચવે છે ? ચોરી કરવી એમ બુદ્ધિના આશયમાં તો બન્નેય ચોર લાવ્યા હતા. પણ એમાં જે પકડાઈ ગયો, તે તેનું પાપફળ ઉદયમાં આવ્યું ને વપરાયું. જ્યારે બીજો છૂટી ગયો, તેનું પુણ્ય એમાં વપરાઈ ગયું. તેમ દરેકના બુદ્ધિના આશયમાં જે હોય છે, તેમાં પાપ અને પુણ્ય કાર્ય કરે છે.

બુદ્ધિના આશયમાં 'લક્ષ્મી પ્રાપ્ત કરવી છે' એમ ભરી લાવ્યો, તે તેનું પુણ્ય તેમાં વપરાયું તો લક્ષ્મીના ઢગલે ઢગલા થાય. બીજો બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્ો પણ તેમાં પુણ્ય કામ લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોઢું જ ના દેખાડે. અલ્યા, આ તો એટલો બધો ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્ય વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુદ્ધિનો આશય ફેરવ.

ધર્મ માટે જ બુદ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર-બંગલા, રેડિયો એ બધાંની ભજના કરી તેની જ માટે બુદ્ધિના આશય બાંધવા જેવું નથી. ધર્મ માટે જ, આત્મધર્મ માટે જ બુદ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો પણ હવે તો માત્ર આશય ફેરવીને સંપૂર્ણ સો ટકા ધર્મ માટે જ રાખો.

અમે અમારા બુદ્ધિના આશયમાં પંચાણું ટકા ધર્મ અને જગતકલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાંય અમારું પુણ્ય ખર્ચાયું નથી. પૈસા, મોટર-બંગલા, દીકરો-દીકરી ક્યાંય નહીં. પુણ્ય બુદ્ધિના આશય અનુસાર પરિણમે છે.

અમને જે જે મળ્યા ને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે, મુક્તિને માટે નાખેલા તેથી અમે મળ્યા. અમે પંચાણું ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે 'નો ઓબ્જેકશન' સર્ટિફિકેટ મળ્યું છે.

બુદ્ધિના આશયમાં ભરી લાવ્યા 'અમે' !

અમારા એક ભત્રીજાએ મને કહ્યું કે દાદાજી, તમે કેમ બધું આવું ભરી લાવ્યા છો યોજનામાં, તમારી યોજનાઓ આવી નીકળે છે ને મારી યોજનાઓ આવી નીકળે છે. મેં કહ્યું, તારે ત્યાં શું દેખાય છે ? તારી યોજનાઓ કરી, તે તારે ત્યાં આવ્યું.

આ સંસાર આવો છે અને તમે લોકો લહેર કરવા નીકળ્યા. મૂંઆ, લહેર કરવાનું ક્યાં ખોળ્યું ? પછી અમારા ભત્રીજાએ શું કહ્યું કે મારે આ આત્માની યોજના કેમ નીકળતી નથી ? મારે આખો દહાડો કામ કરવું પડે છે ને એ બધું કરવું પડે છે ને તમારે નથી કામ કરવા પડતાં ને તો ય તમારે ચાલે છે. ત્યારે મેં કહ્યું, એ જ બુદ્ધિનો આશય છે ને, એમાં બધું લખાવવું પડે આપણે કે મારે બંગલો જોઈશે, ફલાણું જોઈશે, ફલાણું જોઈશે. એ બધો હિસાબ તમને અહીં મળ્યા કરે. હા પણ મળે એ શેના આધીન છે ? શેમાંથી થાય ? તે આ ક્રેડિટમાંથી વપરાઈ જાય. એ તમારી ક્રેડિટ હોય, તેના આધીન તમને બધું પ્રાપ્ત થાય.

એટલે મેં પેલાને શું કહ્યું ? કે હું ક્રેડિટનો ઉપયોગ થોડો જ કરું છું, વધારે નથી કરતો. મારે તો આ આત્મા માટે જ હો અને નથી ઘડિયાળ પહેર્યું, નથી રેડિયો લાવ્યો, નથી કશું લાવ્યો. અમારો બુદ્ધિનો ઉપયોગ આ હોય જ નહીં. અમારી ક્રેડિટ વપરાય જ નહીં. અમારી ક્રેડિટ એકલી આત્મા માટે જ વપરાય. અને તમે તો રેડિયો, કાર, ફલેટ બધું, પછી આમાં હોય શેનું ? એમાં તો તમારે દર્શન કરીને જતાં રહેવું પડે. આમાં જથ્થાબંધ માલ લાવ્યા જ નહીં ને ! સમજાય છે તમને આ બધું ? બહુ સમજવા જેવું છે, આ જગત તો બહુ મોટું છે.

બાકી બુદ્ધિના આશયમાં, સંસારનું ગમે તે થાય, સંસારનું ગમે તે મળે, તો ય મને નથી જોઈતું અને મારે જ્ઞાનીની પાસે જ રહેવું છે, તો તેવું મળી આવે. આ બધું પોતાનું જ છે, પોતાની ગોઠવણી જ છે અને પોતાની ગોઠવણી પર પોતે ભૂલ કાઢવાની છે.

જીવનમાં ખર્ચી પાપ-પુણ્યની કમાણી

એક માણસ આખી જિંદગી જીવ્યો, ખાધું-પીધું અને મરી ગયો. પછી આ એના જે ચોપડાનો હિસાબ છે ને, તેનું સરવૈયું નીકળે. કુદરતી રીતે સરવૈયું નીકળે કે આટલું એને ખાતે પુણ્ય જમા કરો અને આટલું પાપ જમે કરી લો. એટલે એસ્સી ટકા પુણ્ય અને વીસ ટકા પાપ. કારણ કે સંસ્કારી માણસને શું હોય ? ઓછું પાપ હોય. એસ્સી ટકા પુણ્ય હોય.

હવે આ પાપ ને પુણ્ય માટે આપણને પૂછવામાં આવે કે આ રકમ તમારે શેમાં ખર્ચવી છે. સિલક છે તારી, પુણ્યના સીત્તેર હજાર ડોલર છે અને ત્રીસ હજાર ડોલર પાપના છે એ ય જુદાં. તે આ ના ગમતા હોય, તેનું શું કરવાનું છે તે પૂછવાનું છે. એટલે પાપના છે, એનું ફળ પાપ મળવાનું છે, પૈસા ખર્ચતા ય દુઃખ લાગે.

ત્યારે કહે છે, સીત્તેર હજાર શેમાં શેમાં વપરાય છે ? એટલે તમે વિચાર કરો કે ભઈ, જન્મ તો થવાનો એટલે પહેલાં મા-બાપની જરૂર પડશે એવું તમે વિચારો. તમે પહેલું લખાવો કે મનુષ્ય દેહ, એમાં દેહ પદ્ધતિસરનો પ્રાપ્ત થાય અને જ્યાં અપમાનો બહુ ના આપે અને માનભેર જીવાય અને લોકોને કદરૂપો ના લાગે એવો દેહ પ્રાપ્ત થાય. એ પહેલી શરત કરીએ એટલે પહેલાં બે-ત્રણ હજાર વપરાઈ જાય, સીત્તેરમાંથી એ બાદ કરતાં રહેજો.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પછી બીજી વખત માબાપમાં વાપરે. માબાપ કેવાં જોઈશે ? મા એકલી હશે તો ચાલશે ? તો ઓછું પુણ્ય વપરાશે. ત્યારે કહે, ના. મારે મા ય જોઈએ ને બાપે ય જોઈએ. ત્યારે થોડું પુણ્ય વધારે વપરાશે. તો કહે, ભલે વપરાય. પછી કહે, સાધારણ જોઈએ કે હાઈ વેલ્યુ ? ત્યારે કહે, હાઈ વેલ્યુ. પછી 'એકાદ ગાડી હોય તો સારું, મકાન સારું જોઈએ, મિત્રો હોય, બેઠકમાં ચા પીવે ને બહુ સારું દેખાવું જોઈએ.' તે એમાં પાછા આઠ હજાર વપરાઈ ગયા. એટલે આઠ ને ત્રણ અગિયાર થઈ ગયા. બીજી કેટલી રહી સિલક તમારી પાસે ?

પ્રશ્નકર્તા : ફીફટી નાઈન (૫૯) છે.

દાદાશ્રી : હવે શું જોઈશે ? એ તો છોકરા તરીકે જન્મવાનું. પછી ભણવા જવું પડશે. હા, ભણવું તો પડે જ ને ! સંસાર ચલાવવાનો છે ! એટલે ભણવાનું ? તો કહે, એ સાધારણ ઓછું હશે તો ચાલશે. તમે ભણતર અમને સાધારણ આપજોને ! પછી ગણતર અમારું કામ છે, એમાં પુણ્યૈની જરૂર નથી.

એટલે ભણતર એમના હાથમાં, સ્કૂલો બધું સંજોગો, બધા એમના હાથમાં, એમાં એક-બે હજાર વપરાયા. પછી કહે છે, મેટ્રિક સુધી ભણ્યા પછી નાપાસ થશો તો શું કરશો ? ત્યારે કહે, 'ચાલશે, એનો વાંધો નહીં.' એ નાતના લોકો હસશે ને, તો કોઈ એકલો જ ઓછો હોય છે એવો ? એનો વાંધો નહીં અમારે. તો પણ લગ્નનો ટાઈમ થશે ત્યારે શું કરશો ? લગ્ન કરવું છે ? કરવું પડશે, આવું જોઈએ, તેવું જોઈશે. એટલે લગ્ન આપણા તાબામાં, બધું આપણા તાબામાં, પણ લખાવીએને એ જ બધો આપણો હિસાબ.

મને બધાં ભાઈબંધો શું કહેતા ? અમે બધા ભાઈબંધો બંગલાવાળા થયા. હવે તમે સારા માણસ થઈ અને તમે બંગલામાં ચાલો. તમારી પાસે શું નથી ? મેં કહ્યું, બંગલો લઈશ તેનો મને વાંધો નથી, પણ મને બંગલામાં રાખશોને તો મને ગમશે નહીં. મને બોજો લાગ્યા કરશે કે આ ક્યાં ઉપાધિમાં પડ્યા પાછાં. એક પલંગ રાખવાની જરૂર. બાકી હું તો સારી નાતવાળા જોડે, સંસ્કારી લોકો જોડે રહીશ અને ભાડાંની ઓરડીમાં રહીશ, નહીં તો વેચાતું મળશે તો વેચાતું હું લઈ લઈશ પણ હું ત્યાં રહીશ. ત્યારે કહે, 'આ તો આપણી વેલ્યુ શું થશે ?' મેં કહ્યું, તમારી વેલ્યુ ઘણી છે, મારી વેલ્યુ ઓછી છે પણ મારી આજુબાજુમાં મારી વેલ્યુ છે. એટલે તમારે જો અડચણ આવે ને જ્યારે, તો તમે અહીં આ રૂમમાં આવજો ને અહીં અમારી જોડે રૂમમાં સૂઈ રહેજો. મને અડચણ નહીં આવે. હું પગલું એવું ભરું કે પસ્તાવો ના થાય. કોઈ પણ વસ્તુનો એક વાર પસ્તાવો થઈ ગયો તો એ ચોકડી, એ લાઈન બંધ કે ફરી એમાં પસ્તાવો જ ના થાય એવી રીતે પગલાં લઉં.

આ જે કર્યું એમાં તમારા આગલા ભવની ગોઠવણી જ છે. એટલે આવું પુણ્ય બધું વપરાતું વપરાતું આવે. અમારા ભત્રીજા કહે છે, દાદા, મારે ઘેર મીલ છે, ગાડીઓ છે, બંગલા છે, એમ ને એમ મળેલું છે મફતમાં. છતાં અમારે છૂટવું હોય તો ય નથી છૂટાતું. તમને બધા સારા સંજોગો ભેગા થાય છે. મેં કહ્યું, તારું સીત્તેર ટકા પુણ્ય હતું. તો મારું ય સીત્તેર ટકા પુણ્ય હતું. પણ તેં તો પુણ્યમાં શું શું લખાવ્યું, ફાધર-મધર કેવાં જોઈએ ? ત્યારે કહે, ઊંચા પદવાળાં જોઈએ, નહીં તો મારી કિંમત શું ? એટલે મિલમાલિકને ત્યાં જન્મ્યો તું. જો કે એ મિલમાલિક મારો ભત્રીજો થાય પણ મને આમ બીજું બધું મારે લેવાદેવા નહીં કશું. પણ તો ય પેલો કહે છે, કે એમાં મેં શું કર્યું ? મેં કહ્યું, 'તેં' તારું જ પુણ્ય વાપર્યું અને મેં મારું પુણ્ય વાપરી નથી ખાધું. મેં મિલમાલિક નથી ખોળ્યા. મેં તો એક જ વસ્તુ ખોળેલી કે મારે મા ઉત્તમ જોઈએ. કારણ કે હું સમજું કે મા ઉત્તમ, તો આજુબાજુનું સર્કલ જ સારું હોય. અને તે જેવું હોય તેવું પણ મા ઉત્તમ છે તો બહુ થઈ ગયું. એટલે બીજું પુણ્ય વાપરું નહીં, ઈકોનોમી કરું. એટલે મા એકલી સારી જોઈએ, બીજું નહીં. એ તો બહુ ઓછું પુણ્ય વપરાશે એમાં !

બાપ-ભઈઓ બધામાં પુણ્ય વાપર્યું નહીં. એ તો માએ માંગેલું જ હોય ને ! મારે શું કરવા માંગવું ? એટલે મા એકલા સારાં જોઈએ માગેલું.

પછી કહે છે વાઈફ તો જોઈશેને પણ, હવે વાઈફ છે તે આવી આવી જોઈએ, એવી શરત પ્રમાણે હોય તો એના બે હજાર વધારે પડે છે, તો તે ય વાંધો નહીં. ઘરમાં મારી જ વાત, મારું ચલણ રહેવું જોઈએ એવી હોવી જોઈએ.

એટલે આ પ્રમાણે લખાવેલું છે, પછી બીજે અવતારે એવું જ ગમે પછી. આપણે જેવું લખાવ્યું હતું ને, તે પૈણતી વખતે એવું જ ગમે. પછી બાપ કહે છે, 'કેમનું લાગે છે તને ?' મેં કહ્યું, 'મને ગમશે, ચાલશે.' છોકરીનો બાપ કહે છે, 'કેમનું તમને લાગ્યું ?' ત્યારે છોકરી કહે, 'એ બરોબર છે.'

અને પછી ભાઈબંધોની વાઈફ જુએને, પછી સરખામણી કરે, પછી સારી ન આવી હોય તો ખેદ રહ્યા કરે. અલ્યા મુંઆ, આપણું લઈ આવેલા, આપણો પોતાનો હિસાબ જ છે. એમાં ફરી જઉં છું ? તમને સમજાયું ? આ બેનને મેં પૂછયું કે આવા ધણી જોડે તને કંટાળો નથી આવતો ? તો કહે, 'ના દાદા, હું તો એવું કહું છું કે આવતો ભવ, ભવોભવ, આવો ધણી મને મળજો.' આ હિન્દુસ્તાનમાં આવી સ્ત્રી હશે કે નહીં એ મને અજાયબી લાગે છે. એ ધણી કેવા હશે અને એ બેન કેવી ?! એણે શું નક્કી કર્યું કે આવી બૈરી જોઈએ ! અને બેને શું નક્કી કર્યું કે આવાં ધણી જોઈએ. એ એડજસ્ટમેન્ટ છે ને એટલે આ પુણ્ય વપરાતું વપરાતું કયાં જુઓને શેમાં શેમાં વપરાય છે ? છોકરાં કેવાં જોઈશે ?

હોંશિયાર, રૂપાળા, છોડીઓ બધું જોઈએ. એમાં પુણ્ય વપરાતું હોય તો વાપરજો. ના વપરાતું હોય તો ના વાપરશો. હીરાબાએ જે માગ્યું એ ખરું. ત્યારે કહે, પણ તમારી શું ઈચ્છા ? મારી ઈચ્છા છે કે હોય તો ય વાંધો નથી અને ના હોય તો ય વાંધો નથી.

એક બાવો મને કહે છે, તુમકો લડકા હો જાયેગા. મેં કહ્યું, 'થયા એ શું કરવા જતા રહ્યા ?' એ મને કહે કે શાથી જતા રહ્યા ? આગળની વાત પછી ! થયા એ જતા રહ્યા શું કરવા ? બેબી-બાબો બધા ? આ મને આશીર્વાદ દેતો'તો, મારે આશીર્વાદ શું કરવા છે ? છોકરાંને શું ધાડે દેવા છે ? એમ બોલેલો. પણ ના બોલાય આવું, ફરી એ કોઈ અવતારમાં જન્મે જ નહીં. તિરસ્કારભર્યું બોલ્યો કહેવાય. છોકરાં હોય તો ય ભલે ને ના હોય તો ય ભલે. એમાં પુણ્ય ખર્ચીને શું કામ છે તે આપણે ? વહુ વગર ચાલે નહીં એવું લાગેલું. પછી વહુએ જે માગ્યું હોય તે વાંધો નથી. નથી છોકરાં તેનો ય વાંધો નથી.

પુણ્યૈ વપરાતી જગત કલ્યાણમાં !

કોઈ અમારું પુણ્ય જુએ તો ય ખુશ થઈ જાય. જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી બે માઈલ છેટે ઘર હોય અને ત્યાંથી ગાડીમાં નીકળ્યો અને અહીં ગાડીમાં ઉતરું તો ખુરશી લઈને હાજર હોય એટલે પછી બધાને એમ થાય કે આ શું ? આ દાદાનું પુણ્ય કહેવાય ? હરેક વસ્તુ હાજર ! તમે જોયું ને ? પુણ્યનો પ્રભાવ જોયો ને ! અને કેવું જ્ઞાન પ્રગટ થયું ? મારા ધાર્યા પ્રમાણે દરેક લોકોનું કલ્યાણ થાઓ ને કલ્યાણ થાય એવું પુણ્ય નીકળ્યું. એટલે હવે તમારે જે માગણી કરવી હોય તે કરજો.

મને કહે છે, ઘડિયાળ પહેરી હોય તો ? મેં કહ્યું, ના ભઈ, ઘડિયાળ કશું ય જોઈએ નહીં. ઘડિયાળ તો લોક પહેરે જ છે ને ! એટલે મારે એમાં કંઈ પુણ્ય વપરાય નહીં. ત્યારે કહે, પછી ખાવા-પીવાનું સારું જોઈએ. મેં કહ્યું, ના. એમાં એક પૈસો ય પુણ્ય વાપરશો નહીં. હીરાબા કરશે એવું મારે ખાવાનું. હીરાબાનું પુણ્ય વાપરેલું, તેનું હું ખઉં છું. બીજા કોઈને સમજાય નહીં એટલે પુણ્ય વાપરી ખાય. બોલો, હવે શું થયું હશે ? કહો.

પ્રશ્નકર્તા : તમારું ઘણું પુણ્ય જમા રહ્યું.

દાદાશ્રી : એ તો અમારા ભત્રીજાને કહ્યું કે તેં વાપર્યું ખરું પુણ્ય બધું. હવે મેં છે તે બધું પુણ્ય, સીત્તેર હજાર હતું, તે બધું પાંત્રીસમાં હિસાબ કરી નાખ્યો. તે હવે પાંત્રીસ રહ્યા, તેનું હવે કંઈક કહોને કે શું કરવું છે ? મેં કહ્યું, આત્મધર્મ અને એના સંજોગો મને પુણ્યમાં બે જ પ્રાપ્ત થાવ. તેનું આ મને મળ્યું છે. તો કહે, દાદા અમારે ? મેં કહ્યું, તેં તો ગાડી છે એની જરૂર તો રહેશે જ ને, રેડિયો જોઈશે, ટી.વી. જોઈશે, ટેલીફોન જોઈશે. ફલાણું જોઈશે પણ થોડું ધર્મ જોઈશે. એમાં કેટલાં વાપર્યા ? ત્યારે કહે, પાંચ હજાર વાપરો. ત્યારે ધર્મના પાંચ હજાર તારા અને મારા તો પાંત્રીસ હજાર.

એટલે એમને સમજણ પડી કે આ બધી શેની શેની ગોઠવણી છે ! ત્યારે મને કહે, હેં.... આવું ?! પછી કહે છે, આપણે ફોન લઈશું ? મેં કહ્યું, નિરાંતે ઊંઘીએ છીએ. ઘરમાં કોઈને ઊંઘ ના આવતી હોય ને પછી નિરાંતે ઊંઘી ગયા હોય ત્યારે પેલી ઘંટડી વાગે, એવો ધંધો શું કરવા જોઈએ ? મને કહે, ફોન વગર શું કરશો ? અત્યારે વ્યવહાર થઈ ગયો છે. મેં કહ્યું, જોડેવાળો રાખે છે ને ! અને એને સરનામું આપી રાખેલું. એને રાત્રે ત્રણ વાગે ફોન આવેને તો સાંભળે અને સવારમાં આપણને કહે. તો આપણે એને ધન્યવાદ આપીએ, ઉપકાર માનીએ અને અમે ઉપકાર વાળીએ ખરાં. પણ એ બિચારો ત્રણ વાગે રાતે ફોન સાંભળે અને સવારમાં કહે કે ના કહે ? એ કહે ય ખરાં કે રાત્રે ત્રણ વાગે ફોન આવ્યો હતો.

એક તો આપણને રાતે ઊંઘ આવતી નથી અને જરાક ઝોકું ખાય ત્યાં આ ફોન આવે તો કલ્યાણ (!) થઈ ગયું બા, એની જોડે. હું પહેલેથી જાણતો હતો. અને જો ફોન રાખ્યો હોત, વખતે કંઈ સંજોગ ધંધાના એવા થાય તો ફોન રાખવાની જરૂર પડતી હોય. એથી મારા ના કહેવાથી બધા કંઈ ફોન ન રાખે એવું બને નહીં. તો પછી મારી રૂમમાં ફોન રાખ્યો આ લોકોએ, તો ફોન ઉપર જેની સાથે વાત થાયને તે બધાને કહી દીધું કે રાતે મારી સ્થિતિ સારી રહેતી નથી, તબિયતની અનુકૂળતા નથી માટે ફોન કરવાનું બંધ રાખજો એવી મારી વિનંતી છે અને રાતે કંઈ ફોન કરવો હોય તો મનમાં નક્કી કરવું કે સવારમાં જ કરીશું હવે. બહુ ઉતાવળ હોય તો ય એમ મનમાં નક્કી કરવું કે સવારના જ કરીશું. એટલે તે ફોનનું ના જ કહી દીધેલું હોય બધાને જ, મારી પાસે જે આવતાં હોય તેને !

એટલે શેમાં વપરાઈ ગયા એ તમે સમજી ગયાં ને ? આ બધું ડોલર શી રીતે અપાય છે ? એકને ખૂબ આપવાનું મન થાય અને એકને ના આપવાનું મન થાય, એવું થતું નથી ? શાથી ?

પ્રશ્નકર્તા : બીજે પુણ્ય વપરાઈ ગયેલું હોય એટલે ?

દાદાશ્રી : એ પુણ્યનો હિસાબ બીજે લખાવી દીધેલો. પેલો મોજશોખવાળાએ એવું કરેલું હોય કે વધું કમાઈએ તો સારી રીતે મોજશોખ થાય ? હવે એ ત્રીસ ટકા પાપના રહ્યા, એ આ પૈસા. હવે પૈસા વપરાય તમને ના ગમતું હોય તો ય કરવાના સંયોગ આવે. પેલા સીત્તેર ટકા ગમતાના સંજોગો આવે અને આ ગમતા નથી એવા સંજોગ આવે.

હવે એ ના ગમતા એટલે એમાં પાપ વપરાયું હોય ને તે વહુ મળી હોય, એ ગમે જ નહીં. એ ય ભેગી થાય, એમાં ય પૈસા વપરાય. વહુ મળી એટલે સંજોગ ભેગો થયો ને, એટલે ત્રીસ ટકા ના ગમતામાં વપરાય અને સીત્તેર ટકા ગમતામાં. એટલે ગમતાવાળાનું એડજસ્ટમેન્ટ સારું કરવું અને ના ગમતા હોય તો તેમાં વાપરવું હોય તો વાપરજો. સમજાય એવું છે કે નહીં ?

પ્રશ્નકર્તા : બહુ સરસ વાત કરી.

દાદાશ્રી : મારી ભાવના ખરી, પણ હવે આવું કહેવાય શી રીતે ? સમજણ પડે શી રીતે ?

આશય, પ્રતિષ્ઠાથી ભવ ચિતરામણ !

પ્રશ્નકર્તા : બંગલા વગર નહીં ફાવે, એ બુદ્ધિનો આશય કહ્યો. તો એમાં પછી પ્રતિષ્ઠા કઈ ?

દાદાશ્રી : પ્રતિષ્ઠા તો આપણે આપણી મેળે કરીએ છીએ કે 'હું ચંદુલાલ છું, આ મેં કર્યું, આનો સસરો થઉં, આનો મામો થઉં' એમ કરી ખોખું તૈયાર કરીએ છીએ. પછી ભાવ શું શું થાય ? ત્યારે કહે, 'બુદ્ધિના આશય પ્રમાણે બધું ચિતરામણ થઈ જાય. બુદ્ધિના આશય પછી મહીં ફેરફાર થયા કરે !'

પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠા કોણ કરે છે ?

દાદાશ્રી : એ અહંકાર કરે છે કે, 'આ હું છું, હું જ ચંદુલાલ છું ને આ મારો કાકો છે, મામો છે.'

એટલે 'હું આ છું', 'આ મારું છું' એમ પ્રતિષ્ઠાથી આખા ભવની 'બોડી', તે મૂર્તિ ઊભી થાય છે અને જે ભાવ કરતી વખતે બુદ્ધિનો આશય કેવો હતો, શેમાં શેમાં હતો, એ બધું પ્રિન્ટ થઈ જાય છે. દરેકને બુદ્ધિનો આશય હોય.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રતિષ્ઠા પ્રમાણે બધું ક્રિયા કરે છે, કામ કર્યા કરે છે ?

દાદાશ્રી : હા, એ ય જેવી પ્રતિષ્ઠા કરી હોય તેવું. જેમ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે છે ને મૂર્તિ ફળ આપ્યા કરે છે. એવું આ પ્રતિષ્ઠા કરે છે, તેના ફળરૂપે છોકરાઓ ભણે-કરે છે, પાસ હઉ પહેલે નંબરે થાય છે.

પ્રશ્નકર્તા : આમાં પોતાનો કંઈ પુરુષાર્થ નહીં ?

દાદાશ્રી : ના, આ તો પોતે પ્રતિષ્ઠા કરતો જાય અને મૂર્તિ ઊભી થાય અને પછી, એના બુદ્ધિના આશયમાં હોય તે પ્રમાણે એનું 'ફિટિંગ' થતું જાય, બુદ્ધિના આશયમાં શું છે ? ત્યારે કહે કે, મારે તો બસ ભણવામાં જ આગળ આવવું છે, એવો બુદ્ધિનો આશય હોય તો એવું જ ફળ આપે. કોઈને એમ હોય કે, મારે ભક્તિમાં આગળ આવવું છે, તો તેવું ફળ આવે.

પ્રશ્નકર્તા : એટલે ત્યાં ભાવ કામ કરે છે ?

દાદાશ્રી : ના, એ બુદ્ધિનો આશય છે, ભાવ કરવો પડે નહીં. બુદ્ધિના આશય પ્રમાણે જ મહીં બધું 'સેટલમેન્ટ' થઈ ગયેલું હોય. પોતે પ્રતિષ્ઠા કરી, પૂતળું તૈયાર કરે ને બુદ્ધિના આશય પ્રમાણે 'સેટલમેન્ટ' થાય.

બુદ્ધિનો આશય બહુ જ સમજવાની જરૂર છે, આપણે અહીં બેઉ ઊડી જાય છે. અહીં તો પ્રતિષ્ઠા 'આ' જ્ઞાન મળ્યા પછી કરવાની જ બંધ થઈ જાય છે.

કેવી રીતે બંધાય 'એ' !

પ્રશ્નકર્તા : બુદ્ધિના આશયો એ કેવી રીતે થઈ જતાં હશે ?

દાદાશ્રી : તે સંજોગ અનુસાર થઈ જાય. ભાઈઓ બહુ ત્રાસ આપતા હોય, તે પછી બુદ્ધિના આશયમાં એમ થઈ જાય કે સંસારમાં ભાઈ ના જોઈએ. ભાઈ ના હોય તો બસ. એટલે આવી રીતે આશયો ઊભા થાય છે.

પ્રશ્નકર્તા : સંજોગોના દબાણથી ?

દાદાશ્રી : હા. સંજોગોના દબાણથી. આત્મા, એનાં જે ગુણધર્મ છે એમાં કોઈ દહાડો ય ફેર નથી. ફક્ત આ બહારનું દબાણ આવવાથી, નૈમિત્તિક દબાણ આવવાથી રોંગ બિલિફ (અવળી માન્યતા) બેસે છે અને તેથી સંસાર ઊભો થાય છે. અને પછી પોતાનાં આશય મુજબ સંસાર ચાલ્યા કરે છે.

ભાવકર્મ, દ્રવ્યકર્મ ને બુદ્ધિનો આશય !

પ્રશ્નકર્તા : ભાવ અને બુદ્ધિના આશયમાં ફરક શો ?

દાદાશ્રી : ભાવ એ તો અહીં આગળ માણસને એવાં કાચ ઘાલી દે. તે પછી તેની આંખો બહુ સરસ હોય, છતાં પછી જે દેખાય છે તે ભાવ કહેવાય છે અને તે એવાં ભાવ પર ચાલ્યા કરે. એટલે પછી એના ઉપરથી આ બધો સંસાર ઊભો થાય છે !

પ્રશ્નકર્તા : કાચમાંથી જે દેખાય છે એ ભાવ છે, તો કાચ એ દ્રવ્યકર્મ છે ?

દાદાશ્રી : હા, કાચ છે એ દ્રવ્યકર્મ છે. એ જે કાચ તમને વીંટ્યા છે, એવાં દરેકના જુદા જુદા હોય. દ્રવ્યકર્મ દરેકને જુદું જુદું હોય. જે દેખાયું છે, જેવું દેખાયું, તે ભાવકર્મ છે. તે ભાવકર્મનું જે ફળ આવ્યું, તેને દ્રવ્યકર્મ કહે છે.

પ્રશ્નકર્તા : પણ બુદ્ધિનો આશય અને ભાવમાં ફરક શો ?

દાદાશ્રી : ભાવકર્મ બધાંને જ હોય, પણ પેલા બુદ્ધિના આશય દરેકને જુદા જુદા હોય. એ ક્ષેત્રને આધીન છે. આ કાચ, પાછું આ કાચમાંથી જે દેખાય છે તે ભાવ, પછી ક્ષેત્ર, કાળ, એના આધારે બુદ્ધિનો આશય હોય છે. જો કે કાચની કંઈ એટલી બધી ખાસ વેલ્યુ નથી.

આ કાચ એવી રીતે ઉત્પન્ન થાય છે કે આ ભવમાં જે કર્યું, કે તેમાં લોકોને સુખદાયી થાય એવાં કામો કર્યાં હોય તો કાચ એવા નિર્મળ હોય એટલે એને સારું દેખાય. ઠોકરો બહુ ના વાગે. અને લોકોને દુઃખદાયી થાય એવાં કામ કર્યાં હોય, એના કાચ તો એટલા બધા મેલા હોય, તે તેને ધોળે દિવસે પણ સાચી વસ્તુ ના દેખાય, ને પછી એને બહુ દુઃખ પડે. એટલે શી રીતે તમે ક્રિયા કરો છો, તેના પર કાચનો આધાર છે. આખી જિંદગી એક જ કાચના આધારે ચલાવવાનું હોય છે. મૂળ શું છે ? ત્યારે કહે કે, જ્ઞાન પોતાનું છે જ, પણ એ જ્ઞાન ઉપર કાચ છે. એ કાચમાંથી જોઈને બધું ચલાવવાનું. આ બળદને દાબડા બાંધીએ છીએ, એના જેવું આ બાંધે છે. હવે એમાંથી થોડું મહીં ખુલી જાય તો એટલું એટલું દેખાય ને ચિંતા-ઉપાધિઓ કર્યા કરે. પોતાના આશય પ્રમાણે પોતાને બધું મળ્યા કરે છે. એ પોતાના આશયને જો સમજી જાય તો બહુ થઈ ગયું.

ભાવ છે તે દહીં છે અને બુદ્ધિનો આશય એ માખણ હોય એવું છે.

પ્રશ્નકર્તા : ભાવમાંથી બુદ્ધિનો આશય ઊભો થાય છે ?

દાદાશ્રી : ભાવ બધા ભેગા થયેલા હોય ને, તેને વલોવે ત્યારે બુદ્ધિનો આશય નીકળે.

આની આદિ વિશેષ ભાવથી !

હવે કહે છે કે આત્માએ વિભાવ કર્યો, કલ્પના કરી. અલ્યા, કલ્પના કરી હોય તો કાયમની ટેવ હોય એને. તેથી આપણે કહીએ છીએ ને કે 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા થયા. માટે આ વિભાવ ઊભો થયો. 'સાયન્ટિફિક' એટલે ગુહ્ય. ગુહ્યનો અર્થ શો ? કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ બધું ભેગું થઈને પછી આ ઊભું થયું. દાબડો પહેરાવ્યા પછી જે ભાવ ઉત્પન્ન થાય છે એ વિભાવ છે ને એને ભાવકર્મ કહે છે. આપણે એને વિશેષ પરિણામ ઊભાં થયા કહીએ છીએ.

બે વસ્તુના સામીપ્ય ભાવથી વિશેષ પરિણામ, પોતાના ગુણધર્મ પોતાની પાસે રાખીને, વિશેષ પરિણામ ઊભાં થાય છે. જ્યાં સુધી આવડી આવડી કાકડી ભેગી ના થાય, ત્યાં સુધી મહીં ભાવ ઉત્પન્ન થાય છે કશો ? પણ ભેગી થાય એટલે વિશેષ પરિણામ ઊભાં થાય કે બહુ સરસ કાકડી છે ! પણ ના દેખીએ તો, ભેગી ના થાય તો કશું ય નહીં !! ત્યારે કો'ક કહે, 'આ લોકોને મોટું એકાંત ખોળી કાઢે કે જ્યાં માણસ ભેગાં જ થવા ના દે ત્યાં રાખીએ તો ?' પણ તે ના ચાલે ! એની જે સ્થાપના થયેલી છે, પ્રતિષ્ઠા થયેલી છે ને, એ ફૂટશે અને બીજું પાછી નવી પ્રતિષ્ઠા ઊભી કર્યા વગર રહેવાનો નથી. આ જાતની, નહીં તો બીજી જાતની, પણ એને વિશેષ પરિણામ છૂટે નહીં. પોતાનું સ્વરૂપભાન થાય, એ જે આનંદ, જે સુખ ખોળે છે એ સુખ મળે, એથી દ્રષ્ટિફેર થઈ જાય, દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય પછી વિશેષ પરિણામ ઊભું ના થાય.

તો બુદ્ધિના આશયનો આધાર ખલાસ !

આ બધું બુદ્ધિના આશયને આધારે છે અને બુદ્ધિનો આશય છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આધીન છે. એમાં પોતાનું કર્તાપણું નથી, કર્તાપણું માનવામાં આવે છે; તે ભ્રાંતિ છે અને તે ભ્રાંતિથી ફરી ફરી નવું ઊભું થાય છે. એ છૂટે જ નહીં કોઈ દહાડો ! બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એમ ચાલ્યા જ કરે ! એક ફેરો ફળને ખાઈને બીજનો નાશ કરવામાં આવે તો ફરી એ ઝાડ ઊગે નહીં. બીજ એ અહંકાર છે. અહંકારનો નાશ કરી નાખ. જે ફળ આવ્યાં છે તે ખાઈ લે પણ બીજનો નાશ કર. આપણે એટલે જ કહીએ છીએ કે 'ફાઈલો' આવે તેને ભોગવો, એનો સમભાવે નિકાલ કરો. કેરી ઊપરનો ગર્ભ ખાઈ જાવ ને બીજનો નાશ કરો. કેરી પરનો ગર્ભ એ તમારી બુદ્ધિનો આશય છે, એમાં ચાલે એવું નથી. એ તો ખાઈ જ જવો પડે પણ 'આ સારું છે કે આ ખરાબ છે' એવું ના બોલશો. 'સમભાવે નિકાલ' કરજો.

આશય પ્રમાણે ભૂમિકા !

પ્રશ્નકર્તા : આશય અને વિચારમાં ફરક શો છે ? આશયમાંથી વિચાર ઉદ્ભવે છે ?

દાદાશ્રી : વિચાર ને આશય જુદા છે. આશય એ તો તારણ છે. દરેક જીવને આશયમાં હોય, એવી એને ભૂમિકા મળે છે.

પ્રશ્નકર્તા : ગ્રંથિઓ આશય પ્રમાણે બંધાય છે ?

દાદાશ્રી : ગ્રંથિઓ જુદી વસ્તુ છે. ગ્રંથિને ને આશયને કાંઈ લેવાદેવા નથી. મૂળ પહેલાં વિચાર છે. એમાંથી ઇચ્છા થાય છે ને ઇચ્છામાંથી આશય ઉત્પન્ન થાય છે અને આશયમાંથી એને એની ભૂમિકા મળે છે. આ તમારા આશય પ્રમાણે દેહ મળ્યો છે. બીજા બધાં 'એડજસ્ટમેન્ટ' મળે છે. અત્યારે તમને એ 'એડજસ્ટ' ના પણ થાય. પણ મળ્યું છે બધું જ તમારા આશય મુજબ.

સંઘર્ષ રહ્યા પાછલાં ને આજના વચ્ચે !

આશય પ્રમાણે બુદ્ધિ હોય, વિચારો હોય અને આખી જિંદગી આશય પ્રમાણે ચાલે. હવે એ 'એડજસ્ટ' કેમ થતું નથી ? પહેલાંના આશય પ્રમાણે બધું મળે છે, અત્યારના જ્ઞાન પ્રમાણે એ 'એડજસ્ટ' થતું નથી. છતાં આશયમાં હોય તે જ ગમે. પાછલાં આશયમાં 'ચેન્જ' ના થાય. ફક્ત નવી ગ્રંથિ ના પડે ને જૂની ઓગળી જાય. પછી નિર્ગ્રંથ થાય. હવે જ્ઞાન મળ્યા પછી નવો આશય ના બંધાય ને પાછલું ઓગળતું જાય.

ભાવો જગતકલ્યાણ આશયમાં !

એટલે હવે તમે ટેન્ડર ભરો તો પાંસરું ભરજો. હજુ બે અવતાર છે. નહીં તો મોટરો માંગવી હોય તો મોટરો માંગજો, ગાડીઓ માંગવી હોય તો ગાડીઓ માંગજો. તમારામાંથી બાદ થશે. શેમાંથી બાદ થશે ? આ તમારી મૂડી થઈ છે ને, તેમાંથી !

પ્રશ્નકર્તા : હવે આપણી જે જગત કલ્યાણની ભાવના છે, એમાં પુણ્ય કેટલું વપરાય ? અગર તો એ જ ભાવના એકલી હોય જીવનની અંદર તો ?

દાદાશ્રી : હા. તે એ ભાવનાનું ફળ તમને બહુ મોટું મળશે. આપણે એનું ફળ શું મળશે એ જ જોવાનું. એ તો તીર્થંકરોએ શું કર્યું ? કે જગત કલ્યાણની જ ભાવના ભાવેલી બસ ! એવું, હું એ જ ભાવના કરું છું, તમારી એ જ ભાવના છે, તે ભાવના ફળશે.

પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે એ જગત કલ્યાણની ભાવના હશે તો તમને બધું જ મળી રહે, વગર માંગ્યે.

દાદાશ્રી : હા, આપણે આ જ ભાવના ભાવીએ, તો આપણું સારું થાય જ અને જોડે જોડે આવતે ભવ આપણું જે થવાનું હોય, એમાં કોઈ હાથ ના ઘાલે, ડખલો ના આવે. આટલું સમજી ગયા ને, એનું કલ્યાણ થઈ જાય.

- જય સચ્ચિદાનંદ