'મન' જોડે 'જ્ઞાન'નું એડજસ્ટમેન્ટ !

સંપાદકીય

મોટા મોટા મનોયોગીઓ મનને વશ કરવા અગાધ પ્રયત્ન કરતાં હોય છે, ના-ગમતા વિચાર આવે તો પાછાં અસહજ થઈ જાય કે મન હજુ વશ કેમ થતું નથી? મનને જીતવા ગયા, તે અંતે મનથી જ જીતાઈ ગયા. ત્યાં અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સુંદર જ્ઞાનના એડજસ્ટમેન્ટ પ્રાપ્ત થાય છે.

સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે શુદ્ધાત્મા પદને પામે છે. અને મનથી, દેહથી, વાણીથી જુદો પડે છે. હવે ગમતા વિચારો આવે કે ના-ગમતા વિચારો આવે, તેના પોતે શુદ્ધાત્મા પદમાં રહીને જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. પણ આ થિયરેટીકલ સમજણ પ્રેક્ટિકલમાં કેવી રીતે મૂકવી, તેની એકઝેક્ટનેસ અહીં આ પ્રસ્તુત સંકલનમાં વિવિધ પ્રકારનાં પ્રશ્શનોત્તરી દ્વારા પ્રાપ્ત થાય છે.

દાદાશ્રીનું જ્ઞાન, પાંચ આજ્ઞા એ ગમે તેવી પરિસ્થિતિમાં મનનું સમાધાન કરાવનારી છે અને પરમ પૂજ્ય દાદાશ્રી પોતાના જીવન પ્રસંગમાં અનુભવીને આપણને ચાવી આપે છે.

મનને કેવી રીતે નિરંતર જુદું રાખવું, કેવી રીતે મન સામે વાતચીતનો પ્રયોગ ગોઠવવો, ક્યારે મનથી જુદા રહી ઠપકો આપવો, મનનાં ડિપ્રેશન સામે આત્મજાગૃતિમાં કેવી રીતે વર્તી શકાય અને અંતે અવળા ચાલતા મન સામે પોતે મોક્ષના, આત્મસ્વરૂપના ધ્યેયને વળગી રહેવું અને છેલ્લે મનને જગત કલ્યાણના કાર્યમાં પરોવી દેવાની પેરવી પકડાવી દેતી વાણી પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે, જે વાચકને ના ગમતી મનની કંટાળાજનક અવસ્થામાં ય મુક્તિ બક્ષશે એ જ અભ્યર્થના.

દીપકના જય સચ્ચિદાનંદ

'મન' જોડે 'જ્ઞાન'નું એડજસ્ટમેન્ટ !

કોયડા ઉકેલ્યે, મન ખુલ્લું !

પ્રશ્નકર્તા : સત્સંગ એટલે મનના ખુલાસા કરવા.

દાદાશ્રી : મન જે જે કોયડામાં ગૂંચાયું હોય, તે કોયડામાંથી ખુલાસો કરો એટલે મન ખુલ્લું થઈ જાય. કોયડા ના ઉકેલે તો નકામું ગયું, પછી ઉપાધિ જ ને ?

પ્રશ્નકર્તા : હવે કંઈ વિકલ્પ થતો નથી.

દાદાશ્રી : હા. એટલે સમાધાન લઈને જ આવે છે. અસમાધાની મન એટલે જે મનનું સમાધાન નથી, એ ઊંઘવા ના દે. હવે એવું ના થાય. નીવેડો આવી જાય. આપણું જ્ઞાન છે તે તરત જ નીવેડો લાવી નાખે. ધીસ ઈઝ ધેટનું જ્ઞાન હાજર રહે. હાજર રહે તેનું નામ જ્ઞાન. ભૂલી જવાય તેનું નામ જ્ઞાન જ નહીં. ભૂલી જવાય એનું નામ અજ્ઞાન.

આમ મનનું સમાધાન !

પ્રશ્નકર્તા : મનનાં સમાધાન વિશે દાખલો આપી સમજાવો.

દાદાશ્રી : આપણે તો પળે પળે આ મનનું સમાધાન થાય છે. માટે આ જ્ઞાન સાચું છે એવું આપણને ખાતરી થાય.

અમે તૈયાર થઈને બેઠેલા. ત્યારે મેં કહ્યું, આજ ગાડી કોની આવવાની છે ? ત્યારે કહે, પેલા ભાઈ આવ્યા છે, તે આવશે બનતાં સુધી. એટલે પછી અમે બેસી રહ્યા, અમે જાણ્યું કે વ્યવસ્થિત છે. હિસાબ આવવો હોય તે ઘડીએ આવે. તે ઘડીએ વ્યવસ્થિત. એટલે અમારે મન સમાધાન જ હોય. હજુ સાડા આઠ થાય ત્યાં સુધી અમારે કશું પેટમાં પાણી-બાણી હાલે નહીં.

ત્યાર પછી આ ભાઈ રોજ આવતો'તો, તે આવી ગયો. તે અમને થયું કે ચાલો, હવે નીકળવાનું થયું. ત્યાં સુધી અમે તૈયાર થઈને બેઠા હતા. અને આ લોકો નવકાર મંત્ર બોલ્યા કરે. આપણે ટાઈમ નકામો જવા જ ના દઈએ. ગાડી આવે ત્યાં સુધી આપણે નમસ્કાર વિધિ બોલ્યા જ કરવાનું.

પછી આ ભાઈ આવ્યો. અને એ કંઈક ગયો હશે, તે ઉતાવળમાં ને ઉતાવળમાં પેટ્રોલ પૂરાવાનું ભૂલી ગયો. એનાં મનમાં એમ કે પહોંચી વળાશે, એવું જ લાગે ને ઊતાવળમાં કે દાદાજીને મોડું થઈ જશે.

તે આવું તો મારે ઘણાં દાખલા બને, મારી અંગત બાબતમાં. મારે પેટ્રોલ ના હોય, તે બીજું હોય. એટલે પછી એની ગાડીમાં આવ્યા ને ત્યાં પેટ્રોલ ખલાસ થઈ ગયું ચાર રસ્તા આગળ. એટલે એના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, આમાં દુઃખ કરવાનું જ ક્યાં હોય ? અહીં એક્સપ્લેનેશન જ ના હોય મારે. જેની ગાડી બંધ થઈ, એ આપણે જોવાનું જ નહીં. મેં કહ્યું એ જ વ્યવસ્થિત, એનું નામ જ વ્યવસ્થિત. પછી કહે છે, આપણે ફોન કરીને બીજી ગાડી બોલાવીએ. મેં કહ્યું, ના. આ આમ વ્યવસ્થિત છે. હવે હલાવશો નહીં અને રીક્ષા ય ના મળે તો આ ચાર છોકરાં આપણાં ઊંચકીને ચાલે નિરાંતે, તેની ગાડી. એટલે આ બધું સમાધાન જ થયા કરે. સેકન્ડે સેકન્ડે વ્યવસ્થિત જ છે. એ નિરંતર સમજવાનું છે.

દેહાભિમાન જાય ક્યારે ?

આ જ્ઞાન જ એવું છે કે 'દેહાભિમાને ગલિતે, વિજ્ઞાતે પરમાત્મનં, યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય.' પણ એ શાસ્ત્રોમાં લખેલું એ એમ ને એમ જ છે. શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં જ રહ્યું.

જ્યાં જ્યાં મન જાય છે ત્યાં સમાધાનને પામે છે, પણ એ ક્યારે ? કે જેનું દેહાભિમાન ગળી ગયું છે. અહંકાર તમારો ઊડી ગયો નથી, અહંકાર ના હોય તો સંડાશેય ના થાય. એને હલાવશો નહીં. પણ આ દેહાભિમાન ગયેલું છે. એટલે 'હું કર્તા છું અને આ દેહ હું છું', એ ભાન ઊડી ગયું, એટલે દેહાભિમાન ગયેલું કહેવાય.

'દેહાભિમાને ગલિતે, વિજ્ઞાતે પરમાત્મનં', એટલે 'હું શુધ્ધાત્મા છું' એ જેણે જાણ્યું, 'હું શુધ્ધાત્મા છું' એની પ્રતિતિ બેઠી, તેનું દેહાભિમાન જાય !

પછી 'યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય' આવું અમને જ્ઞાન થયું, તેને બીજે દહાડે શરૂ થઈ ગયું હતું. તે જ્યાં જાય ત્યાં સમાધાન. ગાળો ભાંડતો હોય ત્યાં સમાધાન. પૈસા ન આપતો હોય તો ય સમાધાન. દરેક કામમાં સમાધાન. કોઈ સાડી પહેરે તો ય સમાધાન, કોઈ કોટ-પાટલૂન પહેરે તો ય સમાધાન. બધું સમાધાન. ત્યારે આપણે સમજી ગયા કે આ કોઈનાથી કંઈ કશું થઈ શકે એવું છે નહીં. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના કર્યા સિવાય કોઈ કાર્ય થાય એવું નથી. 'બનવાનું છે એ બનશે' એવું બોલાય નહીં. એ તો જગતના લોકો બોલે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બાઝે કે તરત એ પછી કાર્ય થઈ જાય.

આ તો બધાં બાવાઓએ શું કરવા માંડ્યું ? મનને કચડ કચડ કર્યું ! જો વાટીવાટીને ચટણી બનાવ બનાવ કરે છે. મેર ગાંડીયા, એ ચટણી કરવાની ચીજ છે ?! એ કોઠાં ધાયા તે ? કે કોઠાની ચટણી કરીએ ?

'મન' જોડે વાત કરવાનો પ્રયોગ !

મન તો હંમેશાં જ્ઞાને કરીને બંધાય. હમણાં કોઈ ગાળ ભાંડે તે ઘડીએ આપણું મન બૂમાબૂમ કરી મેલે તો આપણે કહીએ કે જો ગાળ ભાંડી તે 'વ્યવસ્થિત' છે અને પેલો બિચારો નિમિત્ત છે. એટલે તે ઘડીએ પછી જ્ઞાન હાજર થયું, એટલે મન શાંત થઈ જાય. મન જ્ઞાને બાંધ્યું રહે, બીજી કોઈ વસ્તુ એવી નથી કે જેનાથી મન બંધાય.

આ મન એ ગાંઠોનું બનેલું છે. આ ગાંઠો પછી જાતજાતના વિચારો દેખાડે, 'આમ થઈ જશે તો ?' પછી કહેશે, 'આમ થઈ જશે તો ?' ઘડીકમાં કહેશે, 'અહીંથી સ્ટેશને ચાલીને જઈએ.' પછી પાછું કહેશે, 'ના, ટેક્ષીમાં જઈએ.' પાછો પોતાનો સાહેબ યાદ આવે ત્યારે કહે, 'સાહેબ, સસ્પેન્ડ કરવાનું કહેતો હતો, તે શું છે ?' એવું બધું મન મહીં બોલ્યા કરે. તે આ મન એ જ્ઞેય વસ્તુ છે અને આપણે જ્ઞાતા છીએ. એ શું બોલે છે ને શું નહીં એ આપણે જાણવાનું. એની જો કદી વધારે ચીવટ હોય તો નોંધ કરવાની, નહીં તો જોયા કરવાનું. એ બોલી રહ્યા પછી આપણે કહીએ, 'પેલા સાહેબની વાત યાદ કરો' તો ફરી યાદ ના કરે. આપણે મનને કહીએ, 'જેવું તું બોલ્યું હતું એવું ફરી બોલ જોઈએ.' તો એ ના બોલે. કારણ કે એ ઉદયને આધીન છે. એને સંજોગ ભેગા થાય તો ફૂટે, નહીં તો ફૂટે નહીં.

... આમ મૂકાય કાઉન્ટર વેઈટ !

પ્રશ્નકર્તા : કેટલીક વખત મનનો પ્રભાવ એવો હોય છે કે પોતાને ગૂંગળાવી નાખે છે.

દાદાશ્રી : મન બિચારાને પ્રભાવ જ નથી. મન તો વિચારોનું ગૂંચળું છે. તે કોઈક ફેરો ઉદયમાં આવે, પણ તે ય એનામાં પોતાની શક્તિ નથી. કાળ પાકે ત્યારે ઉદય આવે તે ટ્રન ટ્રન ટ્રન કર્યા કરે. ત્યારે આપણે બારણાં વાસી દઈએ. બહાર મીંયાભાઈ આવીને 'હમ પાકિસ્તાનવાલા હૈ, ઐસા હૈ' એવી બૂમાબૂમ કરતાં હોય. તો આપણે બારણાં વાસી દઈએ તો એ થાકીને જતો રહે. એવું મન કૂદાકૂદ કરતું હોય તો આપણે બારણાં વાસી દઈએ તો એની મેળે જતું રહે, થાકીને બંધ થઈ જાય. ધ્યાન ના દઈએ તો મન બંધ થઈ જાય એવું છે.

તમને શીખવાડવામાં આવે કે મન તો ખાલી વિચારોનું ગૂંચળું છે, એને જો તમે સાંભળો નહીં તો એની મેળે બંધ થઈ જાય એ. એની દાદ-ફરિયાદ સાંભળો નહીં તો કશો વાંધો નથી.

મને એક મહાત્મા કહે કે, 'દાદાજી, મને તો મરી જવાશે, ફલાણું થશે, એવાં તેવાં બધા વિચારો આવે છે.' ત્યારે મેં કહ્યું, 'એના કાઉન્ટર વેઈટ સામા મૂક કે તમે મરી જવાના છો, પણ અમે તો આયુષ્ય વધારવાના છીએ. મારે માથે દાદાજી છે. મારે તો આયુષ્ય વધવાનું છે.' માટે તમે આવું બોલ્યા કરોને કે 'આયુષ્ય વધવાનું છે.' તે સામું કાઉન્ટર વેઈટ મૂકીએ ને તો પા કલાક પછી બંધ થઈ જાય પેલું. ને આપણને એના અભિપ્રાયવાળો ન બનાવી દે, ટિમિડ ન બનાવી દે.

આ પ્રયોગ તો બહુ હિતકારી છે. આ સામા મૂકવાનો પ્રયોગ તો એટલો બધો હિતકારી છે !

મન, ઈન્દ્રિયો બધાં વીતરાગી !

આ આંખનો ધર્મ જોવું. કંઈ રાગ-દ્વેષ કરવાનો આંખનો ધર્મ નથી, એ તો સારુંય જુએ અને ખોટું ય જુએ. ખોટા ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સમજ પડીને ?

એટલે આ ઇન્દ્રિયો બધી કશી રાગ-દ્વેષવાળી નથી. ત્યારે આ પાંચ ઇન્દ્રિયો એને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. અને આ બીજી પાંચ કર્મેન્દ્રિયો કહેવાય છે. હાથ-પગ, મોઢું ને એ બધું. એ પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, એ દશેય વીતરાગી છે. અને અગિયારમું મન, તો મન એ ય વીતરાગી છે.

હા, ઘડીકમાં મન કહેશે કે સ્ટીમર ઊંધી થઈ જશે, તો શું કરીશું ? આપણે સ્ટીમરમાં બેઠાં હોય અને બહુ પવન આવ્યો ને બહુ ધમાલ થઈ એટલે આપણું મન શું બૂમો પાડે ? 'આ ઊંધું થઈ જશે તો શું કરીશું ?' અને પાછો પવન શમી જાય ત્યારે 'હવે કંઈ થવાનું નથી,' એવું ય બોલે પાછું. એટલે મને ય વીતરાગી છે. જેવાં જેવાં બહાર પર્યાય ઊભાં થયાને, એવી આપણને ખબર આપી દે. આ બધા પોતપોતાના કામ કરે છે ને, એ વીતરાગી છે બિચારા. હા, અને 'પોતે' એકલો રાગ-દ્વેષવાળો.

મનમાં તન્મયાકાર નહીં થવાની રીત !

હવે રાગ-દ્વેષવાળા કોણ હતા ? શુધ્ધાત્મા રાગ-દ્વેષવાળા નથી. આ તમે જે માની બેઠાં દેહધારી 'ચંદુભાઈ' ને મન-વચન-કાયાનો યોગ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ. એમાંથી બધું રાગ-દ્વેષ થતા હતા, આટલાથી. હવે એ રાગ-દ્વેષને પછી બાજુએ મૂકી દીધું આપણે. હા, એ કોથળા મૂકી દોને બાજુએ. ગંધાયા કરે છે વગર કામનાં. અને આપણે શુધ્ધાત્મા પદ પ્રાપ્ત કર્યું.

હવે મન તો ય બોલ્યા તો કરવાનું જ. મન વીતરાગી છે, બોલ્યા કરવાનું, એ કહે છે, 'સ્ટીમર ડૂબશે તો શું કરીશું ?' ત્યારે આપણે એને કહેવું કે અમે નોંધ કરી. વંટોળીયો બહુ છે તો વખતે ડૂબે પણ ખરી, અમે ય નોંધ કરીએ છીએ. તારું કહેલું બરોબર છે. તું અમને ચેતવણી આપે છે, તે તારું કહેવું બરોબર છે કે સ્ટીમર ડૂબશે. તો અમે નોંધ કરીએ છીએ. અમે ચેતતા રહીશું. એટલે પછી બીજી આગળની વાત કરે મન પાછું. મન કેવું છે !

પ્રશ્નકર્તા : ચંચળ.

દાદાશ્રી : હા. પણ જે બહારના પર્યાય દેખાયને એવું તરત બૂમાબૂમ કરી મેલે. એ આપણને કહે કે હવે રાંડવાનું થશે. ત્યારે આપણે કહીએ કે ના. થોડીવાર પછી પૈણવાનું ય કરીશું, ઉતાવળ ના કરીશ.

આ લોકો તો મનમાં તન્મયાકાર થઈ જાય છે. હવે એ મન પોતે ચંચળ, તે પછી લોક ચંચળ થઈ જાય. મનમાં તન્મયાકાર નથી થવા જેવું. મનનાં વિચાર એ સંયોગો બતાવે છે, એ સૂક્ષ્મ સંયોગો છે. 'સ્ટીમર ડૂબશે તો ?' એ વિચાર તમને સૂક્ષ્મ સંયોગ ભેગો થયો. એટલે હવે આ સંયોગ પાછાં વિયોગી સ્વભાવના છે. એટલે તમે ના કહો તો ય પા કલાક, અડઘા કલાકમાં વિયોગ થઈ જશે. અને પાછો બીજો સંયોગ ભેગો કરશે. આ ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે, એ સ્થૂળ સંયોગો છે.

... તેથી આવ્યું રિએકશન !

પ્રશ્નકર્તા : હું પહેલાં જ્યારે જૈન સાધુઓની સાથે હતો ત્યારે આ મારા આહારને, આહાર સંજ્ઞાને લાકડીથી મેં માર માર કરેલી. છ મહિના સુધી તો એણે માન્યું. પણ હવે એનું રીએક્શન એ આવ્યું છે કે છેલ્લા આઠ વરસથી એક ટંક જો ખાવાનું ના મળે તો મહીં બહાર બૂમાબૂમ થઈ જાય !

દાદાશ્રી : જોને, આ લોકો કેવા હેરાન થઈ ગયા છે ! સાધુ-સંન્યાસી બધા જે હેરાન થઈ ગયા છે, મનને દબાવવા જવાથી ! મન દબાવવા જેવી વસ્તુ નથી તેમ ખુલ્લું મૂકવા જેવુંય નથી. પાછું ખુલ્લું મૂકવું તે ય ગુનો છે ! બંનેય ગુના છે !

પ્રશ્નકર્તા : બંનેનું પ્રમાણ જોઈએ ?

દાદાશ્રી : ના, પ્રમાણ નહીં. જેમ અહીં આગળ તમારા છોકરાની વાઈફ આવી હોય ત્યારે ત્યાં તેમની આગળ તમારામાં મર્યાદા રાખવી એવું હોય છે ને ?

પ્રશ્નકર્તા : હા, હોય છે, દાદા.

દાદાશ્રી : તો પછી એ છોકરાંની વાઈફ આમ તમારી આગળથી જતી હોય ને તમે કહો કે, 'ના, અહીં ઊભાં રહો. ના, તમારું નામ કહો, ક્યાં સુધી તમે ભણ્યાં છો ? શું કરો છો ?' એમ તમે કરો તો એ નુકસાન છે. આ તો મનને ખુલ્લું મૂક્યું ! મનની ઉપરનો 'આપણો' પ્રભાવ તૂટી ના જવો જોઈએ. તેટલા માટે પટાવવું. પણ આવી રીતે આમ ના કરવું જોઈએ; તેમ સામેય ના થવું જોઈએ. જેમ ઘરની સ્ત્રીઓને તમે આવું કરો તો શું થાય ? તેમના ઉપરનો તમારો પ્રભાવ તૂટી જાય.

'ભાભો ભારમાં તો વહુ લાજમાં' ગુજરાતીમાં આવી કહેવત છે, એના જેવું છે. એટલે આ મન જોડે બહુ પદ્ધતિસરનું કામ લેવું જોઈએ. આ 'મને' તો બધાંને ઊથલાવી પાડેલાં છે. તેથી તો બધા સાધુ-આચાર્યો માથાકૂટમાં પડેલા છે ને ! ગુરુ થયેલા ત્યાંથી ઊથલી પડેલા, તે શિષ્યના શિષ્ય ને તેના શિષ્યના શિષ્યના આ શિષ્ય થઈને બેઠેલા છે ! કારણ કે મન ઊથલાવી પાડે. ગજબની શક્તિઓ છે એમાં ! કોઈ પણ વસ્તુનો કંટ્રોલ થાય ત્યારે મન શું કરે છે ?

પ્રશ્નકર્તા : કંટ્રોલની બહાર આવે છે, પછી નિરંકુશ, બેકાબુ થઈ જાય છે.

દાદાશ્રી : કારણ કે એના સ્વભાવની એ વિરૂદ્ધ છે. મન શું કહે છે કે મને આંતરશો નહીં.

પ્રશ્નકર્તા : એ જ વખતે ગુરુની જરૂર છે.

દાદાશ્રી : હા, ગુરુ વગર તો કામ જ શી રીતે થાય ? એ પોતે કરે જ શી રીતે ?

પ્રશ્નકર્તા : મનની વૃત્તિ બહુ જોરથી ચાલે ત્યારે ગુરુની જરૂર છે.

દાદાશ્રી : ગુરુ વગર કોઈ મોક્ષે ગયેલો નહીં. એક એકલા તીર્થંકર કે જે સ્વયંબુદ્ધ થયેલા તે ગયેલા. પણ તેમને આગલા કોઈ અવતારમાં ગુરુ મળેલા. તેમનાથી તેમને જ્ઞાનાંજન અંજઈ ગયેલા, તેથી તેમને વાંધો નહીં. પણ બીજો તો ગુરુ વગર માર ખાઈ જાય. માથે કોઈ હોય નહીં તો સ્વચ્છંદ ઊભા થાય. હવે એ મનને મારવું એ ય સ્વચ્છંદ છે અને મનને પંપાળ પંપાળ કરવું તે ય સ્વચ્છંદ છે !

ઉંધા કાર્યોથી પ્રભાવ તૂટે !

મન ઉપર તો પ્રભાવ પડવો જોઈએ. એ કોના જેવું છે તે તમને સમજાવું. આ ભાઈને કોઈ માણસ અહીં મારવા આવ્યો હોય પણ તે મને દેખીને તેની બોલતી બંધ થઈ જાય, ચૂપ થઈ જાય, એનું શું કારણ ? ત્યારે કહે, પ્રભાવ. મારે કશું બોલવું ના પડે. એ તો પ્રભાવ કામ કરે. તેવી રીતે 'આપણો' મન ઉપર પ્રભાવ પડવો જોઈએ. જે મનની પાસે આપણે ખોટું કામ કરવું હોય ત્યારે હેલ્પ લઈએ તો પછી એ મન ઉપર આપણો પ્રભાવ શી રીતે પડે ? બને ત્યાં સુધી મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર ઉપર આપણો પ્રભાવ પડવો જોઈએ કે આ ચોર નથી. પણ આપણે કોઈ ખોટું કામ કરવું હોય ત્યારે મનની હેલ્પ લઈએ તો એ આપણને ચોર જાણે. આપણો જો પ્રભાવ હોય તો ઘરવાળા સામા થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : તેમ મનની ઉપર આપણો પ્રભાવ પડવો જોઈએ. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાં ઉપર આપણો પ્રભાવ પડવો જોઈએ. આપણા બોલતાં પહેલાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, નાગની જેમ મોરલી વાગતાં જ ફેણ માંડી ઊભાં રહે તેમ હોવું જોઈએ. એવો પ્રભાવ પડવો જોઈએ. એ બધાં પરમાણુનાં બનેલાં છે. એમને ય બિચારાંને કંઈ શાતા જોઈએ છે. પ્રભાવથી શાતા ઉત્પન્ન થાય. પણ આપણે જ કોઈ ખોટું કામ એમની પાસે કરાવીએ તો આપણો પ્રભાવ તૂટી જાય.

મન, બંધાય જ્ઞાનથી !

પ્રશ્નકર્તા : આપે કહ્યુંને કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં, તો શું કરવાનું ?

દાદાશ્રી : દબાવવાનું આપણે નથી હોતું. એને આપણે રીવર્સમાં (પાછળ) લેવાનું. એનો અભિપ્રાય આમ હોય કે 'આ બહુ ખરાબ છે.' તો આપણે કહેવું કે 'બહુ સારા છે, ઉપકારી છે'. 'બહુ સારા' કહીએ છતાં ય ના માને ને ફરી કહે કે 'ખરાબ છે.' ત્યારે આપણે કહીએ, 'ઉપકારી છે આપણા !'

ગમે તે રસ્તે એને કાબૂમાં લઈ શકાય. જે જ્ઞાન છે ને, તે જ્ઞાનના આધારે તમે મનને કાબૂમાં, કંટ્રોલમાં લઈ શકો. જે કૂદાકૂદ કરતું હોય, તે બંધ થઈ જાય.

હંમેશાં મન કોઈ ચીજથી બંધાય એવું નથી, જ્ઞાને બાંધ્યું રહે, જ્ઞાન એકલાથી જ મન બંધાય એવું છે આ. બાકી, મન કોઈ દહાડો કંટ્રોલમાં રહી શકે નહીં, એ મિકેનિકલ વસ્તુ છે. છતાં એ જ્ઞાનથી બંધાય એવું છે. એમ કરતું કરતું દહાડે દહાડે મન એકઝોસ્ટ થયા કરે, એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી, જૂની શક્તિઓ વિખરાયા કરે. તે મન પછી ખલાસ થઈ જવાનું. પંદર-વીસ વર્ષે અમારે ડખલ કરનારું મન ખલાસ થઈ ગયું !

મન કહેશે કે કેડમાં દુઃખે છે. ત્યારે કહીએ, 'સારું છે પણ પગ ભાંગ્યા નથી ને !' એવું બોલીએને ત્યારે પાછું મન શાંત થઈ જાય. એને પ્લસ-માઈનસ કરવું પડે બધું. આપણે જ્ઞાનવાળા રહ્યા, એટલે પ્લસ-માઈનસ કરી આપવું પડે.

મનને ચંપે ના ચઢાવાય !

પ્રશ્નકર્તા : મનને મારવાનું નહીં, એ બરોબર જ છે. પણ મનનો નિરોધ કરવાનું કહ્યું છે, એ જરાક સમજાવશો.

દાદાશ્રી : મનને નિરોધ તો શું કરવાનું કહ્યું છે ? કે ચંપે ના ચઢવા દેશો, કહે છે. ના સમજ પડી ? આપણી ગુજરાતી ભાષામાં એવું કહે છે, 'અલ્યા, મનને ચંપે શું કરવા ચઢાવે છે ?' 'ચંપે ના ચઢાવશો' એટલે શું ? કે કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ ખાધો તો મન તો પછી કહેશે, 'આ તો બહુ સારી ચીજ છે.' ત્યારે કહે, મૂઆ, કોઈક દહાડો ખાવા જેવી ચીજ. આ દરરોજ ખાવા જેવી નથી. મનને ચંપે ના ચઢાવીશ. એ ત્યાં નિરોધ કરવાનું. એમ ને એમ નિરોધ કરવાનું નથી. આ બધું બીજું ભૂત પેસી ના જાય એટલું જ. આપણે બિનજરૂરિયાત ચીજો ન પેસી જાય. એને માટે જ નિરોધ કરવાનું છે. સીગરેટ કો'કે જબરજસ્તીથી પાઈ તે ઘડીએ 'સારી છે' એવું ન બોલવું આપણે. સારી લાગી હોય તો ય આપણે કહીએ કે આ તો 'ચીજ ખરાબ છે' એવું પાંચ વખત બોલોને, તો એ વસ્તુ નહીં અડે તમને. આ વસ્તુનો, ચીજનો સ્વભાવ એવો છે કે જો તમે ખરાબ બોલો તો અડે નહીં. સારી બોલો તો ચોંટ્યા વગર રહે નહીં. આ જડ વસ્તુનો સ્વભાવ છે એવો. એ પણ આટલું બધું માન રાખે છે !

પ્રશ્નકર્તા : એનું પણ ઇન્સલ્ટ (અપમાન) કરવું જોઈએ. અપમાન મનનું પણ કરવું જોઈએ કે આ નથી સારી.

દાદાશ્રી : હા. તમે ઇન્સલ્ટ કરો. પછી ખસી ગયા પછી તમારે એમ કહેવું આપણને અડતું ના હોય ત્યાર પછી કહેવું કે 'મેં આજ ઇન્સલ્ટ કર્યું હતું પણ તમારી માફી માગું છું. હવે ફરી નહીં કરું ઇન્સલ્ટ', ફરી જમે કરી દેવડાવવું. હા, નહીં તો એ દરેક ક્લેઈમ રાખે છે પોતે.

આઈસ્ક્રીમ આવ્યો ને 'સારું' બોલ્યા તે મન ચંપે ચઢ્યા કરે. પછી હેવમોરની દુકાનમાં પેસેને, પછી પાછું ખાય. આપણે કહીએ 'ખાવા જેવી ચીજ નથી.' તો મન ટાઢું પડી જાય !

વાતચીતનો વ્યવહાર !

એ તો તારે મનને ઠપકો આપવો પડે. મનને ઠપકો આપે છે ? સવારથી કશું કહે છે ? બે-ચાર ઠપકા આપે છે ?

પ્રશ્નકર્તા : અવળો વિચાર આવે એટલે તરત કહું કે આ બરાબર નથી. પણ ઠપકો આપવો એવું નથી કરતો.

દાદાશ્રી : બે-ચાર વખત ઠપકો ને બધું આપવું જોઈએ. આમ ખભો થાબડવો જોઈએ કે અમે છીએ, તમારી જોડે. આ તો નાની ઉંમર છે, બધું રાગે થઈ જાય. પછી પાછળથી તો કઠણ પડી જાય.

પ્રશ્નકર્તા : મન જોડે વાતચીત કરવાનો પ્રયોગ, એ કેવી રીતે કરવાનો ?

દાદાશ્રી : એ તો આપણે અરીસામાં જોઈને વાત કરીએ તો થાય આમ !

મનને કહીએ, અમે તારામાં ડખલ નહીં કરીએ, તું અમારામાં ડખલ ના કરીશ. પછી કો'ક દહાડો મન કહેશે, 'અમારામાં કેમ ડખલ કરો છો ? ત્યારે આપણે કહીએ, 'હવે તારામાં ડખલ નહીં કરીએ એટલે અમારામાં ડખલ ના કરીશ.' કેટલાં ભાગીદારોનાં તોફાન છે આ બધાં તો, પણ શુધ્ધાત્મા હાથમાં આવી ગયો અને આ પાંચ વાક્યો, એટલે બસ થઈ ગયું.

'જ્ઞાન'માં રહીને મનનો નિકાલ !

પ્રશ્નકર્તા : આમાં 'હોમ'માં રહીને એટલે કેવી રીતે નિકાલ કરવો જોઈએ, એ જરા દાખલો આપીને સમજાવો.

દાદાશ્રી : હમણે તને કોઈકે ગાળ ભાંડી દીધી. ગાળ ભાંડી એ વ્યવસ્થિત હતું અને તે પાછલો હિસાબ હશે. એવું બધું 'હોમ'માં રહીને નિકાલ ના કરીએ, તો એ હિસાબે મન પાછું ચાલુ થઈ જાય.

પ્રશ્નકર્તા : કોઈકે મને ગાળ ભાંડી તો મારે 'હોમ'માં રહીને કેવી રીતે નિકાલ કરવાનો ?

દાદાશ્રી : 'હોમ'માં રહેવું એટલે શુધ્ધ જ. 'પોતે' 'શુધ્ધાત્મા' રહે, તો પ્રજ્ઞા એની મેળે નિકાલ કરે, પ્રજ્ઞા તે ઘડીએ કામ કર્યા કરે, મનમાં સમજી જાય કે આ 'વ્યવસ્થિત' છે. એટલે ગાળ દીધી ! કેમ ચાર જ શબ્દ કહ્યા ? બાર શબ્દો કેમ ના કહ્યા ? ચાર શબ્દોની ગાળ ભાંડે છે, બાર શબ્દોની નથી હોતી ? હોય, પણ ચાર શબ્દ કહ્યા માટે 'વ્યવસ્થિત' છે. એટલે 'વ્યવસ્થિત' કહેવાનું અને આપણો હિસાબ કહેવાનું. આ બધું ભેગું કહીએ એટલે પછી પાછું સમાધાન થઈ જાય.

એ ચારે ગૂંચવે પરિસ્થિતિમાં !

પ્રશ્નકર્તા : એટલે કોઈકે ગાળ ભાંડી તો મન ગૂંચાય છે તે ઘડીએ ?

દાદાશ્રી : હા, મન જ ગૂંચાય ને, બીજું કોણ ગૂંચાય ? મનને જ અસર થાય ને, પછી બુદ્ધિ મદદ કરે પાછી. બુદ્ધિ આમ સંકોરે.

પ્રશ્નકર્તા : એ એને કઈ રીતે સંકોરે છે ?

દાદાશ્રી : બુદ્ધિ જાણે કે આ હમણે ગાફેલ છે, એટલે પછી વાતને સંકોરે.

પ્રશ્નકર્તા : મન ગૂંચાય તે ઘડીએ જાગૃતિ હાજર હોય તો બુદ્ધિ સંકોરે નહીં.

દાદાશ્રી : જાગૃતિ તો બુદ્ધિને ઓળખે ને કે આ અવળું કહેવાની છે. એવું ના સમજે ? જાગૃતિવાળો તો તરત એ સમજી જાય.

પ્રશ્નકર્તા : ગાળ ભાંડી તે ઘડીએ મન કેવા પ્રકારથી ગૂંચાય છે ?

દાદાશ્રી : તને અનુભવ નથી ?

પ્રશ્નકર્તા : આમ શબ્દમાં કહો ને આપ.

દાદાશ્રી : ફરી એની એ જ જગ્યાએ ફરે, ફરીને ત્યાં જ જાય, એનું નામ ગૂંચાયું. એની એ જ જગ્યાએ ગૂંચાય. જેમ ગોળ હોય, તેની પર માંખ ફર્યા કરે, પાંચ મિનિટ થાય ને ફરી ત્યાં જ બેસે.

પ્રશ્નકર્તા : 'મને શું કામ કહી ગયો ? મેં શું ભૂલ કરેલી ?' એવું થાય.

દાદાશ્રી : 'એ શું સમજે ? એની મેળે શું સમજે ? એની તાકાત શું છે ?' પછી આ ફોરેનમાં ચાલ્યું !

પ્રશ્નકર્તા : એટલું બધું બોલે ? એ મનનું ફંકશન છે કે અહંકારનું છે ?

દાદાશ્રી : મનનું, બીજા કોનું ? બુદ્ધિ તો સંકોરી આપે. આ બૈરી ધણીને ચઢાવે ને, એવું બુદ્ધિ ચઢાવે.

પ્રશ્નકર્તા : આમાં બુદ્ધિ શું કહે ?

દાદાશ્રી : 'એ તો રાગે પાડી દેવા જેવો છે.' એવું બોલે એટલે પછી આપી દે ગમે તેવું. 'રાગે પાડી દેવું છે' કહ્યું એટલે આ બાજુ અવળું ચાલ્યું, હડહડાટ !!

પ્રશ્નકર્તા : એમાં અહંકાર શું કરે ?

દાદાશ્રી : અહંકાર તો આપીય દે. અહંકાર તો આંધળો છે. બુદ્ધિ કહે એ પ્રમાણે એ સહી કરી આપે.

હોમમાં રહેવાની ચાવી !

પ્રશ્નકર્તા : આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર ને બધું ચાલતું હોય, તે વખતે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં રહેવાનું કઈ રીતે ?

દાદાશ્રી : રહેવાય ને ! 'હોમ ડિપાર્ટમેન્ટ' તો આપણું સ્વરૂપ જ છે. શુધ્ધાત્માનું સ્વરૂપ છે, જાગૃતિ છે. 'હોમ ડિપાર્ટમેન્ટ'માં તો ડીશો ખાવાની છે. ડીશો છોડી દેવાની નથી !

પ્રશ્નકર્તા : જ્યાં ભય લાગે ને, ત્યાં મન તો જયા જ કરે.

દાદાશ્રી : મનને અને આપણે લેવાય નહીં ને દેવાય નહીં. નહાવાનુંય નહીં ને નીચોવવાનુંય નહીં. બાજુની રૂમમાં લોક ધાંધલ કરતાં હોય, વાતો કરતાં હોય, ઉપર માથાફોડ કરતાં હોય તો આપણે શું લેવાદેવા ? એવું આ જોડેની રૂમમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, બધા કૂદાકૂદ કરતાં હોય ને તો આપણે શું ? આપણે જોયા કરવાનું. આપણે નહાવાનુંયે નહીં ને નીચોવવાનુંય નહીં. એ આપણી સાત પેઢીનો પિતરાઈ નથી. એ તો સાત પેઢીનો પિતરાઈ હોય ત્યાં નહાવાનું હોય !

અનાદિનો અજ્ઞાનનો પરિચય હતો ને તે હજુ અજ્ઞાન ઊભું રહ્યા કરે, તે આપણે એમને કહીએ કે હવે તમે ગમે તેવી બૂમો પાડો તો ય અમે સાંભળવાનાં નથી. આપણે શુધ્ધાત્મા થયા તો અનાદિનો પરિચય, તે ટેવ જાય નહીં.

પ્રતિકુળતામાં નિરાકુળતા !

પ્રશ્નકર્તા : જેવી રીતે મનને ફાવતું થાય છે ત્યારે જે પ્રસન્નતા અનુભવાય છે, તેવી જ પ્રસન્નતા મનને ના ગમતું થાય, ત્યારે શી રીતે અનુભવાય ? ના ગમતું થાય ત્યારે મન નિરાકુળ કેમ નથી રહેતું ?

દાદાશ્રી : આ તો પાછલી આદત છે તમને. આ જ્ઞાન પછી મન નિરંતર નિરાકુળ રહે છે. પણ પાછલી આદત જે છે ને તમારી તે જતી નથી. એટલે મેં શું કહ્યું કે હેન્ડલ મારો. ઉપયોગ મૂકો. પાછલી આદતો નડે છે, નહીં તો નિરાકુળપદ આપ્યું છે તમને. એક સેકન્ડ પણ તમને આકુળતા તો ન થાય, પણ વ્યાકુળતા પણ ન થાય, જે મોક્ષનો ૧/૮માં ભાગ છે, બે આની મોક્ષ તે તો તમને અહીં બેઠાં આપેલો છે, નિરાકુળપદ આપેલું છે ! નહીં તો આખું જગત આકુળ-વ્યાકુળ હોય. મોટા મોટા સંતો-આચાર્યો, બધાય આકુળતામાં હોય. પણ જ્યારે શિષ્ય જરા કશુંક ઊંધું બોલે ત્યારે વ્યાકુળ થઈ જાય પાછાં !! અને તમને તો નિરાકુળતા જાય નહીં એ પદ આપેલું છે.

ના ગમતામાં પોતે છૂટો જ !

પ્રશ્નકર્તા : મનને ના ગમ્યું હોય, એટલે વાંધો પડે કે આવું કેમ ? આમ ને તેમ કરે તો પેલું જાગૃતિનો લાભ જતો રહેને ?

દાદાશ્રી : એ ડીમ થઈ જાય પછી. મનને ના ગમે તો મનને કહેવું તું તારે તારી રૂમમાં સૂઈ જા, હું મારે ઘેર જઈશ ! મનને ના ગમે. એટલે પોતાને પોતાનું ભાન જુદું હોવું જ જોઈએ કે હું જુદો છું ને તું કોણ છે. એ પારકામાં મારે શી લેવાદેવા ?

પ્રશ્નકર્તા : એવું રહેવું જ જોઈએ. તો જ પેલો એક્ઝેક્ટ લાભ મળે.

દાદાશ્રી : તો પોતાને જીવવાનો આરો આવે, નહીં તો જીવે શી રીતે ? ડિપ્રેશન આવે. ડિપ્રેશન આવે ને પછી ખલાસ થઈ જાય. 'પોતે જુદો છે' એવું ભાન હોવું જોઈએ.

ડિપ્રેશન વખતે આત્મદશા ઊંચી !

પ્રશ્નકર્તા : મન ડિપ્રેશનમાં હોય અને પોતે જુદો રહે એવું બને ?

દાદાશ્રી : હા. મનના ડિપ્રેશનને જાણે એ આપણું સ્વરૂપ છે.

પ્રશ્નકર્તા : મનનું ડિપ્રેશન પણ ન આવવું જોઈએ ને ?

દાદાશ્રી : એ આગળના સ્ટેજમાં. એ પહેલાં તો પેલું ડિપ્રેશન આવવું જ જોઈએ. તેને તો જાણવું જોઈએ.

પ્રશ્નકર્તા : જાણે નહીં ને ડિપ્રેશનમાં જ એકાકાર રહે તો શું થાય ?

દાદાશ્રી : એ પછી બધું બહારના જ માણસ જેવું. એટલે ડિપ્રેશન આવે તે ઘડીએ ઠંડું ના પડી જવું. અંદર ખુશ થવું કે મને મારી જાતની ખબર પડી હવે.

પ્રશ્નકર્તા : એવો લાભ ઊઠાવવો જોઈએ.

દાદાશ્રી : હંઅ, એવો લાભ ઊઠાવવો જોઈએ. મારી જાતે ખબર પડતી નથી ? 'હું કોણ છું ?' એ ખબર પડતી ન હતી, તે એ જડ્યું હવે. ડિપ્રેશન, આત્મા સિવાય કોઈને જડે નહીં. ડિપ્રેશનને જાણે એ જ મારો આત્મા ને એ જ હું !

પ્રશ્નકર્તા : આ ડિપ્રેશન છે એવું જુદું જોયું એ જ આત્મા.

દાદાશ્રી : જુદું જોનારો આત્મા. ડિપ્રેશન આવે એટલે બધું ટાઢું ટપ થઈ જાય. આઈસ્ક્રીમ જ જોઈ લો ને ! હવે એ પોતાની જાતને જાણતો નથી. તે ઘડીએ ખુશમાં રહેવું જોઈએ કે ઓહોહો, આજે મારી જાત જડી મને ! તેને બદલે બધું ટાઢું થઈ જાય પછી. આ કહે કે મને ડિપ્રેશન આવ્યું, તે જાણ્યું કોણે આ ? એના આત્માએ જાણ્યું.

પ્રશ્નકર્તા : એટલે ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે.

દાદાશ્રી : એ જ આત્મા. એને બદલે આ ટાઢી ટપ થઈ જાય, આઈસ્ક્રીમની જેમ !

આ મારું સ્વરૂપ ન્હોય, 'હું શુધ્ધાત્મા છું.' આ ડિપ્રેશનને જાણું છું તે હું, એવું લાગ્યું તો એનું થઈ ગયું કલ્યાણ. એને જ સાચવ સાચવ કરવાનું. એને જ પોષ પોષ કરવાનું, તે જ શુધ્ધાત્મા.

પ્રશ્નકર્તા : અને ખરેખર પોતે આમ જાણકાર જ હોય છે ને ? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેમ આવ્યું, ગયા વખત કરતાં આ વખતે ઓછું છે કે વધારે છે.

દાદાશ્રી : બધું જાણે. એટલે ડિપ્રેશન આવે એવું ખોળતો હોય એ કેમ કરીને વધારે ડિપ્રેશન આવે.

પ્રશ્નકર્તા : પેલું એલીવેટ થઈ ગયો હોય એટલે ડિપ્રેશન આવી જાય ને ?

દાદાશ્રી : ત્યારે જ થાય ને !

પ્રશ્નકર્તા : કંઈક સારું સાંભળ્યું ને એલીવેટ થઈ ગયો.

દાદાશ્રી : એને જાણે એ આત્મા છે.

પ્રશ્નકર્તા : એ વખતે જુદું રહેવું જોઈએ ને ?

દાદાશ્રી : એ સાંભળે તે ઘડીએ ટાઈટ થતો હોય એટલે આત્મા જાણી લે કે છાતી કાઢી પાછી.

પ્રશ્નકર્તા : એ વખતે જો એને નોર્મલ લાગે તો ડિપ્રેશન ના આવે ને ?

દાદાશ્રી : ડિપ્રેશન તો આવ્યા કરવાનું. એલીવેટ થયું છે માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : તો એલિવેશન વખતે જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા, એવું અંદર ?

દાદાશ્રી : એવી જાગૃતિ હોય તો કલ્યાણ થઈ ગયું.

પ્રશ્નકર્તા : જેટલું એલિવેશન હોય, એટલું જ ડિપ્રેશન વધારે થાય ને ?

દાદાશ્રી : દોઢસો ફૂટ ઊંચી ખુરશી પર બેઠો હોય તો દોઢસો ફૂટ પડવાનો.

એવાં વિચારોને જુદાં જુઓ !

અજ્ઞાની માણસને બે જાતના વિચાર આવે. સારા વિચાર આવે ત્યારે તન્મયાકાર થઈ જાય, વિચારને એકરૂપ થઈ જાય, નહીં થઈ જતા ? અને ખરાબ વિચાર આવે ત્યારે છેટો રહે છે. એવું ના થાય ? હવે ખરાબ વિચારમાં પોતે જુદો રહે છે. તે ઘડીએ બહુ ઊંચી દશા હોય છે. ત્યારે કહેશે, મને ગમતું નથી, કંટાળો આવે છે. અલ્યા, ખરી ઊંચી દશા આવી છે; પાંસરો બેસને, મનથી છૂટું છે. ત્યારે એને કંટાળો આવે કે આવાં વિચાર કેમ આવે છે ? અરે ભઈ, આવે મહીં, ભરેલું હોય તો. અમને હઉ આવતા'તા. જ્યારે અમારે ગ્રંથિઓ હતી, ત્યાં સુધી, પણ અમને એની વેલ્યુ (કિંમત) ના હોય. અમે ચિત્તની કિંમત ગણીએ કે કેમ હજુ બીજી જગ્યાએ જાય છે.

એક ફેરો એને જે બહુ જ ખરાબ વિચારો લાગે છે અને જે એને અકળાટ અકળાટ અકળાટ થઈ જાય છે, તો આપણે કહીએ કે એ વિચારોને આનંદપૂર્વક જોવા. અને પછી જો અભ્યાસ થશે, એવો સુંદર અભ્યાસ કે એમ કરતાં કરતાં આત્મા પ્રાપ્ત થઈ જાય. આ તો આત્મા પ્રાપ્ત કરવાનો સહેલો રસ્તો છે. પણ એવાં ખરાબ વિચાર એટલા બધાં આવતા નથી ને લોકોને, કોઈકને જ આવે.

પ્રશ્નકર્તા : તો બહુ જ ખરાબ વિચાર આવે. તે ઘડીએ આત્મા છૂટો જ પડી જાય છે ?

દાદાશ્રી : હા, સો ટકા ગેરન્ટી !

પ્રશ્નકર્તા : પણ આપે કહ્યું ને કે પટ્ટો આપી દે.

દાદાશ્રી : હા, એ મને પૂછે કે આવી મારી મહીં દશા થઈ છે, તો હું કહું કે આવી રીતે પટ્ટો આપી દે.

પ્રશ્નકર્તા : પટ્ટો આપી દેવો એટલે શું ? કે મનનો પટ્ટો આપવાનો ?

દાદાશ્રી : એ અમે તમને તે ઘડીએ દેખાડીએ. જ્યારે ઉદય આવે ત્યારે કહેજે ને ! કોઈનો ઉદય આવે ત્યારે મને કહેજો, તો કેમ પટ્ટો આપવાનો તે દેખાડી દઈએ.

હું ખરાબ વિચાર કોને કહું છું કે જે વિચાર એને પોતાને ગમે જ નહીં. પોતે બહુ જ કંટાળ્યો હોય, ડિપ્રેશન બધું આવી ગયેલું હોય. મને ઘણાં માણસો કહે છે ને કે 'દાદા, એટલાં બધાં ખરાબ વિચાર આવે છે કે મને બિલકુલેય ચેન નથી પડતું ?' અલ્યા, આ તો ખરો વખત કહેવાય છે, આ ખરાબ વિચાર તો ટાઈમિંગ આવ્યો કહેવાય. હું નાનપણમાં તો ખરાબ વિચાર આવે તો ટાઈમિંગ ગોઠવી દેતો કે આત્મા છૂટો થવાનો રસ્તો જ આ એકલો છે, બીજો કોઈ નથી. સારા વિચાર તો આત્માને ખેંચી જાય, હડહડાટ !

એ ડબલ ગુનો !

આ બેનની કંઈ ભૂલ થાય અને એનો ભાઈ, એને ડિપ્રેશન લાવે એવું બોલે, ત્યારે આ બેન ડિપ્રેશનમાં આવે નહીં ને ? ઊલટું 'તું જ બહુ ખરાબ માણસ છું.' એવું કહી દે. એટલે પોતે ડિપ્રેશનનો માર ખાધો અને સામાને ડિપ્રેશનનો માર ખવડાવ્યો એટલે...

પ્રશ્નકર્તા : ડબલ ગુનો.

દાદાશ્રી : ડબલ ગુનો થયો.

પ્રશ્નકર્તા : એટલે એવો એને ભોગવટો આવે જ.

દાદાશ્રી : જબરજસ્ત ભોગવટો આવે.

પ્રશ્નકર્તા : પોતાની ભૂલ હોય તો ય સામા પર એટેક કરે.

દાદાશ્રી : હા, એટેક (આક્રમણ) કરે.

પ્રશ્નકર્તા : અને સામાને દબડાવી મારે.

દાદાશ્રી : એ ડબલ ગુનો.

પ્રશ્નકર્તા : એના રીએકશનમાં (પ્રતિક્રિયામાં) પેલું ડિપ્રેશન વધી જાય.

દાદાશ્રી : મનમાં ભરતી-ઓટ આવે, ત્યારે આ અહીં મન કૂદાકૂદ કરે. ભરતી આવતી હોય તો ના સમજીએ કે અત્યારે મન ભરતીમાં છે. પછી ડિપ્રેશનની અંદર આવે, તો આપણે કહીએ ડિપ્રેશન ભલે આવ્યું, હમણાં પાછી ભરતી આવશે પછી.

ત્રિકાળી એડજસ્ટમેન્ટ !

એક બાજુ વિચાર આવ્યા જ કરે ને આપણે દાદા ભગવાનને નમસ્કાર બોલ્યા જ કરીએ આપણી મેળે, એ વિચાર તો આવ્યા જ કરવાનાં પણ આપણે પ્રતિભાવ મૂકવો પડે. એની સામું આપણે શસ્ત્ર મૂકીએ ને તો રાગે પડી જાય, સત્સંગ હોય ને એ બધું હોય ને ત્યારે વધારે સારું રહે.

પ્રશ્નકર્તા : ઘણી બાબતમાં મન જુદું વિચારતું હોય છે. આપણને નથી ગમતું, તે વખતે માનસિક તાણ રહ્યા કરે.

દાદાશ્રી : એના માટે આ આવું મૂકવું.

પ્રશ્નકર્તા : કે મન જે બોલતું હોય, એના કરતાં જુદું બોલવું એમ ?

દાદાશ્રી : હા. અરે, આપણો સગો ભાઈ હોયને, એના માટે પણ આ નાલાયક છે, લુચ્ચા છે, એવાં બધા ભાવો થાય અને ભાઈ જોડે પ્રેમ પણ ખરો. તો આપણે શું કરવું પડે ? એ તો ભલા માણસ છે, સારા માણસ છે, એને લીધે તો આપણે જીવતા રહ્યા ! એવું તેવું બોલવું જોઈએ. આ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જ્ઞાનીનું એડજસ્ટમેન્ટ એટલે ત્રિકાળ સત્ય.

વિચારોના સરવાળા બાદબાકી !

એક માણસે મને પૂછયું,'તું કે, 'મારો એક કાકાનો દીકરો મારે ત્યાં આવે છે. એ કશું બોલતો નથી. પણ એ આવે છે ત્યારે મને ખરાબ વિચારો આવ્યા કરે છે કે આ નાલાયક ક્યાં આવ્યો, એ કશું જ બોલતો નથી. પણ આ શું છે ? એને ટૈડકાવીને કાઢી મેલું, આમ છે, તેમ છે એવાં વિચારો આવે. પછી મને કહે છે, મારો આ રોગ શી રીતે મટે ? તમે જ્ઞાન આપ્યું છે, ત્યારથી સામાનો દોષ મને નથી લાગતો. ત્યારે મેં એને સમજ પાડી કે એક દહાડો દાદાનું નામ લઈને આટલું કરજે ! ત્યારે કહે, 'શું ?' મેં કહ્યું, પેલા ભઈનું નામ શું ? ત્યારે કહે, સોમચંદભાઈ. મેં કહ્યું, એ આવે કે મનમાં વિચાર ખરાબ આવે, તેની સામે તું મનમાં બોલજે કે સોમચંદ તો બહુ સારા માણસ છે, ઘણાં સારા માણસ છે. કેવા લાયક માણસ છે. તું બોલજે કે તેની સાથે સરસ થઈ જશે. એટલે એવું બોલવા માંડ્યો ને તો પંદર દહાડામાં સરસ થઈ ગયું. પંદર દહાડા પછી ખરાબ વિચાર આવતા બંધ થઈ ગયા. ખરાબ વિચાર જેના આવે, તેના માટે સારા વિચાર મહીં કરો, તો પેલું બધું જતું રહે સડસડાટ. છોકરા માટે ખરાબ વિચાર આવે તો મહીં કહીએ, દાદા કહેતા'તા, મારા છોકરા જેવો છોકરો નથી ને આ ખરાબ વિચાર કેમ આવે છે ને ? એટલે તરત બધું જતું રહે.

મન તો ઉખેડે જ્ઞાનીનું ય મૂળિયું !

'જ્ઞાની પુરુષ' સંબંધી અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખજો. મન તો જ્ઞાની પુરુષનું મૂળિયું ખોદી નાખે. મન શું ના કરે, એ કહેવાય નહીં. કારણ કે આ બધો અજ્ઞાનતાનો દોષ છે !

મન તો બહુ પ્રકારનાં હોય છે. દઝાયેલું મન હોય ને, તે ગમે તેને દઝાડે, મહાવીરને હઉ દઝાડે ને ! લોકોનાં મન તો અનેક પ્રકારનાં ! અમને તો તરત સમજ પડી જાય કે આના આ પર્યાય છે, આને આ પર્યાય છે ! સરળ મન હોય તો કોઈ જાતનો વાંધો જ નહીં ને ! તો અમે એમની કશી પૃચ્છા જ ના કરીએ !

'મૂડ'માં મન કે અહંકાર ?

અમને ના ફાવતો માણસ આવે એટલે અમે કહીએ કે બહુ ઉપકારી છે આ તો ! એટલે મન સારું રહે. નુકસાન કરનારો માણસ આવે તોય અમે કહીએ કે બહુ ઉપકારી માણસ છે આ તો ! એટલે મન સારું રહે. એટલે બુદ્ધિ અભિપ્રાય આપે, કે આ બહુ ખરાબ માણસ છે. એટલે પછી મૂડ બગડી જાય. અને અભિપ્રાય આપે કે બહુ સરસ માણસ છે તો પછી મૂડ આવી જાય !

પ્રશ્નકર્તા : આ 'મૂડ' વસ્તુ છે એ મનને લાગુ પડે છે કે અહંકારને લાગુ પડે છે ?

દાદાશ્રી : મનને લાગુ પડે છે.

પ્રશ્નકર્તા : જે માણસ 'મૂડી' હોય એની શી સ્થિતિ, દશા શું એની ?

દાદાશ્રી : અહંકાર ને બુદ્ધિ અભિપ્રાય આપે એટલે આ મનનો છે તે મૂડ ઊડી જાય. મનનો મૂડ જતો રહે પછી. મૂડ મનનો હોય. પણ તે મને ક્યાંથી જાણ્યું ? બુદ્ધિ એને સંકોરે છે, બાકી મન એ બધું કંઈ જાણતું જ નથી.

પ્રશ્નકર્તા : પણ એવું બુદ્ધિ કહેવા જ ના દે. એ તો બહુ ખરાબ છે, ખરાબ છે એમ જ કહેવડાવે.

દાદાશ્રી : એ તો ના કહે. એ તો બોલે જ નહીં કોઈ સાથે. એ તો ઊલ્ટાંનું એવું બોલે કે યુઝલેસ નાલાયક છે. તું નાલાયક છે... અહીં આપણે કહીએ ને ! આફ્ટર ઑલ હી ઈઝ એ વેરી ગુડ મેન. (અંતે તો એ સારા માણસ જ છે.)

પ્રશ્નકર્તા : મૂડ ઑફ થઈ ગયો હોય ત્યારે પોતાનું ચલણ જ ના હોય ને ?

દાદાશ્રી : એ તો ઊડી જાય.

પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાનને વાપરી ના શકે ને ?

દાદાશ્રી : ના, પણ જાગૃતિ હોય ત્યાર પછી. આ મારું મન નુકસાનકારક છે એવું સમજી જાય. પછી મૂડ બદલી નાખે એ પોતે.

પ્રશ્નકર્તા : એ બદલવા માટે ગોઠવણી કરવાની છે ને ?

દાદાશ્રી : હા. એવું ગોઠવાઈ જાય.

પ્રશ્નકર્તા : મૂડ પ્રમાણે વ્યવહાર થવા દેવો કે ના થવા દેવો ?

દાદાશ્રી : પછી તો અંધારું જ થઈ ગયું ને ?

પ્રશ્નકર્તા : તો મૂડ પ્રમાણે ન થવા દેવા માટે કેવું કેવું જોઈએ ?

દાદાશ્રી : જાગૃતિ જોઈએ. સાહેબ ઓફિસમાં આવ્યો હોય ત્યારે વહુ જોડે વ્યવહાર થયો હોય, ઝઘડો થયો હોય અને આપણે અહીં બેઠા હોય તો આપણી ઉપર ચિઢાયા કરે. આપણે સમજી જઈએ કે આ મૂડમાં નથી મૂંઓ ! આ ડફોળ એવો હોય છે કે કોણે બચકું ભરેલું ને કોને બચકાં ભરે છે ! બૈરીએ બચકું એને ભયુર્ં ને એ લોકોને બચકાં ભરે.

પ્રશ્નકર્તા : સાહેબનો મૂડ ઑફ થયો હોય ત્યારે આપણે શી જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : કરૂણા રાખવી. મૂંઓ, બૈરી જોડે વઢીને આવ્યો છે ને ગાળો બોલે છે. એમાં એનો કોઈ દોષ નથી. આ તો બિચારો બળાપો કાઢે છે.

પ્રશ્નકર્તા : સાહેબે પોતાની સ્થિતિ સુધારવાની કંઈ રીત હોય ને ?

દાદાશ્રી : સુધારવાની રીત ક્યાંથી આવડે એને ? સુધારવાનું આવડે તો એના મૂડમાં જતો જ ના રહે ને ?!

પ્રશ્નકર્તા : આ જ્ઞાન હોય તો મૂડના આધારે ચાલતો હોય એમાંથી સુધરી શકે ને આખો ?

દાદાશ્રી : અમારે મનને મૂડ તો હોય ને, તમારા કર્મના ઉદય પ્રમાણે અમારો મૂડ હોય. નહીં તો અમે ય કહીએ, આવો લીમડીનાં ઠાકોર. એમેય બોલીએ. તમારા કર્મના ઉદય જોર કરે ત્યારે એવું ય બોલીએ.

મૂડ એ પુદગલનો ગુણ છે એવો માલ ભરેલો છે એવો. કૂતરો ય મૂડ જોઈને પછી ઘર આગળ આવે. મૂડ ના દેખે તો પાછો જતો રહે. એવું દરેકને. વકીલોને બીજા બધાને કામ કરવું હોય તો મૂડમાં જોવા પડે કે 'સાહેબ મૂડમાં છે કે નહીં ?' એટલે અત્યારે મૂડ તો મુખ્ય વસ્તુ થઈ ગઈ છે !!

મૂડ એટલે કોઈ પણ બાબતમાં જાગૃતિ રમ્યા કરે. જાગૃતિ શેમાં છે ? ત્યાં આગળ રમ્યા કરતાં હોય એ મૂડ !

પ્રશ્નકર્તા : ચિત્ત ઝલાઈ ગયા હોય એવું ને ?

દાદાશ્રી : હા, એવું. એને પછી બીજી વાત કરે તો ગમે નહીં. મનમાં થયા કરે, આ ઊઠે તો સારું, આ ઊઠે તો સારું ! કારણ કે જે ગમતું હોય ને, તે બાજુનું બંધ થઈ ગયું !

ખરું તો ક્યારે કહેવાય કે લાલ ધર્યું કે લાલ થઈ જાય. લીલું ધર્યું કે લીલું થઈ જાય. પીળું ધર્યું કે પીળું થઈ જાય. ધરતાંની સાથે તેવું થાય. આ બહારનું દ્રવ્ય એના જેવું પેલું મહીં થઈ જાય.

મન કંટ્રોલ વિજ્ઞાનથી !

આ ખરાબ માણસના સંગમાં બેસી પડે, તો મન બગડવું ના જોઈએ. કારણ કે લોકોનાં મન તો બગડ્યા વગર રહે જ નહીં, વાણી તો બગડે. પણ વખતે બીકના માર્યો વાણી ના બગાડે, પણ મન તો બગડ્યા વગર રહે જ નહીં. અને જોખમ બધું મન બગાડવાનું છે. મન-વાણી બગડ્યાનું જોખમ છે. દેહ બગાડ્યાનું જોખમ નથી. રાતના સ્વપ્નમાં એમ થતું હતું કે બોંબ નાખી આવીએ ! તે ઊંઘમાં બોંબ નાખી આવે !!! એવાં બધા લોકો ! એનાથી બધો સંસાર ઊભો રહ્યો છે.

મન બગડવાથી સંસાર ઊભો રહ્યો છે, વાણી બગડવાથી, દેહ બગડવાથી સંસાર ઊભો રહ્યો નથી. દેહનું ફળ અહીંનું અહીં જ મળે છે. લોક ખરાબ કહે કે સારો કહે. એટલે મન બગડે નહીં એવું વિજ્ઞાન હોય. ખરાબ માણસોની જોડે આપણે બેસીએ ને મન બગડે નહીં, એટલું આપણું મન કંટ્રોલમાં રહે, નહીં તો બીજા કોઈને મન કંટ્રોલમાં રહે નહીં.

અત્યારે કંઈથી રડ્યા ?!

દાદાશ્રી : તમારા રહેવાના મકાનમાં કેટલા રૂમો છે ?

પ્રશ્નકર્તા : પાંચ રૂમો છે.

દાદાશ્રી : હવે રાત્રે સાડા અગિયાર વાગે મહેમાન આવ્યા. તેમાં બે-ત્રણ આપણા ગામના ઓળખાણવાળા હોય અને એની જોડે દસ-બાર બીજા આપણા ઓળખાણ વગરના હોય તો એ બધાં કહેશે, 'ચંદુભાઈ, ચંદુભાઈ', ત્યારે તમે ઊઘાડો કે ના ઊઘાડો ?

પ્રશ્નકર્તા : ઊઘાડીએ.

દાદાશ્રી : પછી શું કહો આ બધાંને દેખીને !

પ્રશ્નકર્તા : આવો.

દાદાશ્રી : 'આવો, પધારો' હઉ કહો ! 'જતો રહે' એવું ના કહો ? તે એમને બેસાડે-કરે, પણ મનમાં શું થતું હોય ? આ રડ્યા અત્યારે ક્યાંથી ?! હવે જો સંસ્કારથી બોલાવે છે ય ખરા. પાછું મન છે તે અવળે રસ્તે મહીં ચાલે છે. પછી આપણે કહીએ કે, 'ના, થોડી ચા તો પીઓ ? ત્યારે એ કહે, 'ના, ચા રહેવા દો. અત્યારે ખીચડી-કઢી કરશે તો ચાલશે !' તે મહીં બૈરાં કૂદાકૂદ કરી મૂકે !!! માર ઉપાધિ ઉપાધિ !! હવે કંઈ જતાં રહેવાના હતા પાછાં ? શા હારું મન બગાડવાની જરૂર ? ખોટું જ બગડે છે ને ? આ કંઈ આમ કરવાથી જતાં ન રહે. એય સમજી જાય કે આનું મન બગડી ગયું છે ! પણ રાત્રે કોને ત્યાં જાય તે ?! એટલે નફ્ફટ થઈને ય રહે. બે-ચાર દા'ડા પડી રહે.

મન ના કબૂલ કરે તો જુદું, પણ તારે એવું જુદું કરવાની જરૂર નથી. આપણે સમભાવે નિકાલ કરવાનો.

મન બગડે મહેમાન જોડે....

'વ્યવસ્થિત'ના આધીન આવ્યા. પાંચ-સાત દહાડા સુધી મહેમાન ખસે નહીં તો મનમાં ભાવ બગડે કે બળ્યું આ તો અત્યારે ક્યાં આવ્યા છે ? આ લોકો અહીંથી જાય તો સારું. એ ભાવ બગડ્યા કહેવાય. એવું ન થવું જોઈએ. વ્યવસ્થિતના આધીન આવ્યા ને વ્યવસ્થિતના આધીન જશે. આપણા હાથમાં છે કશું ?

પ્રશ્નકર્તા : હમણાં અમારે ઘેર એક સગા આવ્યા છે, તેમની બદલી થઈ છે, દોઢ મહિનો થઈ ગયો અને એવું લાગે છે કે અમારા જ ઘરમાં રહેશે. મોટા પગારદાર છે, એમણે ઘર શોધી લેવું જોઈએ એવો ભાવ મનમાં બગડ્યો. હવે એમને ઘર શોધવા કહેવું પડશે.

દાદાશ્રી : એ ભાઈ સમજતાં નથી ?

પ્રશ્નકર્તા : ના. એને મફતનું ખાવાનું ને રહેવાનું મળે તો એ ભાઈ ના ખસે.

દાદાશ્રી : એવું કંઈ હોતું નથી. તમે જેવું માનો છો એવું હોતું નથી. ફક્ત તમારા આ હિસાબ, તમારા બોલવાથી જાય એવું હશે, તો તમારે ધીમે રહીને કહેવું, 'તમારે તો સારો પગાર છે, તમારે માટે જગ્યા-બગ્યા ખોળી કાઢીએ'. ત્યારે એ કહે, 'હા, ખોળી કાઢો'. એટલે એનો ઉકેલ લાવે. એને એમ તો ન જ કહેવાય ને કે તમે જાવ. અમારે ત્યાંથી જાવ. કારણ કે વ્યવસ્થિતના નિયમ છે તે કોઈ ના બોલે તો ય જતાં જ રહેવાના છે. ચાલે જ નહીં ને કોઈનુંય. અહીં લોકોને જીવવું છે, પણ જવું પડે છે ને ?

પ્રશ્નકર્તા : પણ દાદાજી, એવો ભાવ કેમ બગડી જાય છે ?

દાદાશ્રી : ભાવ તો બગડી જાય ને ! પેલી બુદ્ધિ ખરીને કે આ આટલું કમાય છે ને આમ ને તેમ. બુદ્ધિ તોલ કાઢે ને ? જ્ઞાન અહીં જ જોવાનું છે ને !

પ્રશ્નકર્તા : દાદા, ભાવ બગડ્યો ને કે ભાઈએ એનું ઘર શોધી લેવું જોઈએ, તે જ ઘડીએ મહીં પ્રતિક્રમણ જેવું થઈ ગયું.

દાદાશ્રી : શોધી લેવું જોઈએ એ વસ્તુ ન્યાય છે. ન્યાય ને કર્મના ઉદય એ બે વસ્તુ જોડે ના થઈ શકે. ન્યાય તો આપણે જાણવાનો છે. કો'કને ત્યાં ગયા હોઈએ તો આ ન્યાય આપણને કામ લાગે કે, આપણે બીજું ખોળી લેવું જોઈએ. પણ એ તો એના ન્યાય પ્રમાણે ચાલશે ને ? એને જે ન્યાય સમજણ પડી છે એ પ્રમાણે ! એટલે તમારે સમજીને કહેવાય. તમારે સાચવીને મહીં કહેવું કે, 'આસ્તે રહીને એને દુઃખ ના થાય એવી રીતે વાતચીત કરજો' કહીએ! બાકી જો ધીરજ રહેતી હોય છે તો ચલાવી લેવું પડે. એનું નામ જ તપ કહેવાય ને ! તપ થાય નહીં. ત્યારે કરવાનુંય શું ?

પ્રશ્નકર્તા : પણ આપણને એમ થાય કે કોઈને જરૂર હોય તેને મદદ કરીએ, પણ જેને આટલું બધું આપ્યું છે, એણે તો એનું તો શોધવું જ જોઈએ.

દાદાશ્રી : એ બુદ્ધિ કૂદાકૂદ કરે છે. આપણે એવું ના કહેવું. આપણે તો એની પાસે કશું છે નહીં એટલે રહ્યો છે. જો આપણાથી સહન થાય એવું હોય તો ! ના સહન થાય એવું હોય તો તો કહી દેવું. બાકી પેલી બુદ્ધિ, આપણી બુદ્ધિ કૂદાકૂદ કરે છે. એ ભંગ નથી કરી રહ્યો, તમે ભંગ કરી રહ્યા છો કાયદાનો! એ તો કોઈ કાયદાના આધારે રહ્યો છે, વ્યવસ્થિતના !

નિત્યક્રમ અનિત્ય ક્રમે....

પ્રશ્નકર્તા : મારો એક સવાલ હતો કે ચરણ વિધિ છે, નવ કલમો છે, પછી આ નમસ્કાર વિધિ છે, એ દરરોજ થતી નથી, આમ દાદા નિરંતર યાદ રહે છે અને આજ્ઞામાં રહેવાની ભાવના રહે, એ બધું રહે પણ આ બધું દરરોજ નથી થતું, કો'કવાર થાય ને કો'કવાર ના યે થાય તો શું કરવું ?

દાદાશ્રી : એવું છે ને થાય ના થાય એનો સવાલ જ નથી. આ કરવું જોઈએ એનો અર્થ એ કે મન બીજે નવરું પડ્યું એટલે આમાં ઘાલવું અને ધંધામાં હોય પછી એ વાંધો નહીં. આ તો ધંધામાં ના હોય અને પછી નવરું પડ્યું હોય તો મનને નવરું ના રહેવા દેવું.

અને ખાસ કરવા જેવું શું છે ? પેલી જે આત્માની ચરણવિધિ છે ને, એ એકલી કરવા જેવી છે. ના બને તો દાદાની માફી માગી લેવાની. તો આપણો ગુનો નહીં કોઈ જાતનો.

પ્રશ્નકર્તા : આખો દિવસ અંદર રટણ થાય કે 'હું શુધ્ધાત્મા છું', કાનને સંભળાય એવું, બોલે તો સારું ?

દાદાશ્રી : વાંધો નહીં. એની મેળે જ રહ્યા કરે છે ને ?

પ્રશ્નકર્તા : એની મેળે જ રહ્યા કરે.

દાદાશ્રી : હા. એ ખ્યાલમાં રહ્યા કરે ! અને દાદા તો યાદ જ રહ્યા કરે, નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આપણે ના કહીએ તોય આવીને ઊભા રહે !

પ્રશ્નકર્તા : અંદરથી આમ જાગ્રત થાય કે ચાલો ચરણવિધિ શરૂ કરીએ. પાછું અંદરથી એવું પણ બતાડે કે અડધા કલાક પછી.

દાદાશ્રી : એ બતાવનાર આપણા પક્ષનો ન્હોય. વિરોધ પક્ષના બધા. આપણા પક્ષનું કોણ એ ઓળખવું જોઈએને ! આપણે કરવું હોય ત્યાં આડું કરવા જાય એટલે જાણવું કે વિરોધ પક્ષનો આવ્યો. અંદર પેસવા જ નહીં દેવાનો. 'ગેટ આઉટ' કહીએ.

પ્રશ્નકર્તા : એ કોણ બતાવતું હશે ? મન બતાવતું હશે ?

દાદાશ્રી : એ વિરોધ પક્ષના બધા.

મનનું તો કશું આપણે માનવાનું જ નથી. કબીરે કહ્યું, કે મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. મનના કહ્યા પ્રમાણે શરીર ચાલે તો અંદરથી લૂંટાઈ જાય પછી. એ આપણે નહીં લેવાનું ને જગત આખું એના પર ચાલે છે. મનના કહ્યા પ્રમાણે ચાલે છે અને આ મોક્ષમાર્ગ એટલે દાદાની આજ્ઞા પ્રમાણે ચાલવાનું.

જાગૃતિ કેવી ઘટે ?

આ અક્રમ વિજ્ઞાન છે, એટલે ઘણો ફેર થયો છતાં મહીં ગૂંચવાડા જેવું લાગે. કારણ કે મન છે ને એ ફૂટ્યા કરે. છૂટા થઈ ગયા, આત્મ અનુભવ થઈ ગયો, છતાં મન ફૂટે તે ઘડીએ જાગૃતિ રહે નહીં ને !

એટલી બધી જાગૃતિ રહે નહીં કે આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. ગમે એટલાં મનનાં વિચાર આવતા હોય, એ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું એવું બોલે તો પરિણામ બિલકુલ શાંત થઈ જાય. જાગૃતિ તો કોને કહેવાય ? કે વિચાર આવતા પહેલાં સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.

આત્માર્થે લાભદાયી !

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતામાં જાગૃતિ કેમ વધારે રહે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : અનુકૂળતામાં ટાઢું પડી જાય. અનુકૂળતામાં તો એવું છે ને કે મીઠું લાગે ને ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે. બહુ ગરમી હોય તો ? બહુ ગરમી હોય ત્યારે કલાક કાઢવાનો કેટલો ટાઈમ જાય ?

પ્રશ્નકર્તા : મુશ્કેલી પડે, દાદા.

દાદાશ્રી : અને આ તો કલાક સહેજમાં નીકળી જાય. જેમ જમવાનું સારું હોય તો ચટાક ચટાક બધું ચવાઈ જવાય. અને ભૂખ લાગી હોય પણ જમવાનું બધું એવું હોય તો બધું ના છૂટકે ખાવું પડે.

પ્રશ્નકર્તા : પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે ?

દાદાશ્રી : પ્રતિકૂળતા એ આત્માનું વિટામીન છે. અને અનુકૂળતા એ દેહનું વિટામીન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય. એ બધા સંયોગોનું સુખ ફાયદાકારક છે. અનુકૂળમાં દેહ સારો થાય અને પ્રતિકૂળમાં આત્મા સારો થાય.

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતામાં જુદાપણું વધારે રહે, જાગૃતિ વધારે રહે.

દાદાશ્રી : આ બાહ્ય, બહારનો ભાગ છે ને તે જ વર્તે છે, આત્મા વર્તતો નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે. તો પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબ્સંટ (ગેરહાજર) થાય ત્યારે આત્મા હાજર થાય.

પ્રશ્નકર્તા : એ શું કહ્યું ?

દાદાશ્રી : અનુકૂળ ભાગમાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ (હાજર) હોય જ. અને પ્રતિકૂળતા આવે ત્યારે બાહ્ય ભાગ એબ્સંટ થાય, ત્યારે આત્મા પ્રેઝન્ટ (હાજર) થાય. એટલે આપણો આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી. દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી.

પ્રશ્નકર્તા : એટલે પ્રતિકૂળતા હોય ત્યાં પોતે એબ્સંટ થઈ જાય છે એવું કહો છો ?

દાદાશ્રી : આપણે જો આત્મા થવું હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે અને આત્મા ના થવું હોય તો અનુકૂળતા લાભદાયી છે. અને બેભાનતાના માર્ગ ઉપર દેહ ફાયદાકારક છે.

અનુકૂળતામાં જાગૃતિ ઘટે !

પ્રશ્નકર્તા : અનુકૂળતામાં પણ જાગૃતિમાં રહે તો વધારે ફાયદો ને ?

દાદાશ્રી : પણ પૂરી જાગૃતિ ના રહી શકે. એટલે અમે પ્રતિકૂળ કરીએ ઊલટું, ના હોય તો !

પ્રશ્નકર્તા : એવું ?! પ્રતિકૂળ અને અનુકૂળ, એ માનવા ઉપર છે ને કે ખરેખર હોય છે ?

દાદાશ્રી : એકઝેક્ટ છે, પણ મન છે ત્યાં સુધી એ હોય જ છે. જ્યાં સુધી મનમાં રહે છે, આનો આધાર છે, ત્યાં સુધી હોય જ.

પ્રશ્નકર્તા : આ દેહ છે એનેય પ્રતિકૂળ-અનુકૂળ લાગે જ ને બધું.

દાદાશ્રી : લાગે, ખરી રીતે દેહને લાગતું નથી, મનને પહોંચે છે.

પ્રશ્નકર્તા : પણ ગરમી દેહને લાગે છે કે મનને લાગે છે ?

દાદાશ્રી : મનને. દેહને તો કશું લાગે-વળગે નહીં.

પ્રશ્નકર્તા : એટલે પ્રતિકૂળતા લાગતી હોય, એમાં મન એકલું જ કામ કરે ને કે બુદ્ધિ પણ કામ કરે ?

દાદાશ્રી : બુદ્ધિ કહે એટલે મન ચાલુ થઈ જાય, બુદ્ધિ ના કહે તેનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એટલે શરૂઆત બુદ્ધિથી થાય, એટલે બુદ્ધિ હોય.

દાદાશ્રી : બુદ્ધિ એટલે જાગૃતિ.

પ્રશ્નકર્તા : એટલે પેલું પણ છે ને ? પ્રતિકૂળતાને અનુકૂળતા ગણે, એવી પણ બુદ્ધિથી અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને ?

દાદાશ્રી : હા. જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે. લાભ આમાં જ છે, પ્રતિકૂળતામાં. અમે ટાઢમાં ઓઢેલું કાઢી નાખીએ, આટલો ભાગ ઓઢેલો કાઢી નાખીએ, એટલે જાગૃતિ રહે.

ત્યારે જાગૃતિ, મૂળ સ્વરૂપની !

પ્રશ્નકર્તા : તમે તે વખતે કઈ જાગૃતિમાં રહો ? ઠંડીમાં ઓઢેલું કાઢી નાખ્યા પછી શું થાય છે ?

દાદાશ્રી : જાગૃતિ જાગૃતિની અંદર આવી, નહીં તો જાગૃતિ ઊંઘત !

પ્રશ્નકર્તા : એટલે ઠંડી લાગવાથી પેલી ઊંઘ આવે નહીં એટલે પછી જે જાગી ગયા પછી જાગૃતિમાં રહેવાનું, એવી રીતે.

દાદાશ્રી : નહીં તો ઊંઘ આવી જાય. અને તે ઘડીએ કોઈ જગાડનાર હોય નહીં ને ?

પ્રશ્નકર્તા : પણ અંદરમાં શું જાગૃતિમાં આપ રહ્યા ? એ અંદરની કઈ જાગૃતિ ?

દાદાશ્રી : બેભાનપણું ઓછું થઈ જાય. પણ એ જાણતો હોય, એમાં જાગૃતિ હોય. 'હું શુધ્ધાત્મા છું' એવું જાણતો હોય.

પ્રશ્નકર્તા : એટલે એમાં જાગૃતિ પછી રહે.

દાદાશ્રી : એટલે જાગી ગયા પછી પોતે જે જાણતો હોય એમાં પછી એની જાગૃતિ રહે.

પ્રશ્નકર્તા : રાત્રે 'હું શુધ્ધાત્મા છું' બોલતાં બોલતાં નિદિધ્યાસન કરતાં કરતાં સૂઈ જાય તો આખી રાત પેલો નળ ચાલુ રહે તો એ કઈ જાગૃતિ ?

દાદાશ્રી : એ ખ્યાલ કહેવાય. ખ્યાલમાં રહ્યું કહેવાય. ખ્યાલમાં રહે તો ય સારું.

પ્રશ્નકર્તા : આપ કહો જે જાગૃતિમાં રહો છો, ઓઢવાનું બાજુ પર મૂકી દેવાનું એ આગળની સ્ટેજ છે.

દાદાશ્રી : દીવો હોલવાય નહીં. ફરી દીવો સળગાવવો ના જ પડે. મન બધું શું બતાવે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય, ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એને લઈ જવી ના પડે.

પ્રશ્નકર્તા : પણ ત્યાં સુધી જાગૃતિ કઈ રીતે લઈ જવાની ?

દાદાશ્રી : એ તો ચૂંટી ખણીને જાગૃતિ કરીએ ને ?

પ્રશ્નકર્તા : ચૂંટી ખણે એટલે મન બૂમો પાડે.

દાદાશ્રી : ચૂંટી ખણે એટલે જાગૃતિ રહે. બધું ગમે નહીં એટલે પછી માંકડ કરડે તો જાગૃતિ આવે.

ક્યાં સુધી જાગૃતિ વધારવી જોઈએ ?

પ્રશ્નકર્તા : આપે કીધું ને કે મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય.

દાદાશ્રી : ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ એનું સંભાળી લે.

પ્રશ્નકર્તા : એ જરાક સમજાવો ને ?

દાદાશ્રી : જાગૃતિ ક્યાં સુધી લઈ જવાની કે મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય, ત્યાં સુધી આ ચાલ ચાલ કરવાનું.

પ્રશ્નકર્તા : વાણીના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. અને વાણીથી પણ આગળ મન છે કહ્યું.

દાદાશ્રી : એ બધાથી અલગ થઈ જાય ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા થાય.

પ્રશ્નકર્તા : એટલે મનનું છેલ્લામાં છેલ્લું કહેવાય. મનના જ્ઞાતા-દ્રષ્ટા એ ઊંચામાં ઊંચું, છેલ્લામાં છેલ્લું કહેવાય.

દાદાશ્રી : હં. ત્યાંથી પછી આ ઘોડાગાડીમાંથી ઊતરી પડવાનું. ત્યાંથી પછી બીજું મળી આવે. ચડવું-ઊતરવું ના પડે.

પ્રશ્નકર્તા : અચ્છા. તો એ સ્વાભાવિક પછી પુરુષાર્થ ઊભો રહે ત્યાં ? મનના જ્ઞાતા-દ્રષ્ટા નિરંતર રહેવાનું ને ત્યાં ? એ છેલ્લું સ્ટેશન આવ્યું કહેવાય ને ?

દાદાશ્રી : થોડો ભાગ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા શીખ્યો એટલે આવી ગયું. એટલે એ સ્ટેશન તરફ આવી ગયો.

પ્રશ્નકર્તા : સરસ રસ્તો બતાડ્યો.

દાદાશ્રી : મન તો ઠેઠ સુધી રહેવાનું.

મનને કડવું, જાગૃતિ વધારનારું !

પ્રશ્નકર્તા : મનની ગમતી બાબતોમાં પણ પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો મનના નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય.

દાદાશ્રી : મનને અનુકૂળ ગમે અને પ્રતિકૂળ ના ગમે.

પ્રશ્નકર્તા : મનને ગમતું હોય છે, પછી પોતે શું કરે ત્યારે ?

દાદાશ્રી : પોતે ઊતરી જાય નીચે. સ્લીપ (લપસ્યા) થયા કરે.

પ્રશ્નકર્તા : મનને ગમતું આવે ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવું હોય તો એ કેવી રીતે રહેવાનું ?

દાદાશ્રી : એ તો નીચે ઊતરી ગયા ત્યાંથી, સમજી ગયા ને બધું ?

પ્રશ્નકર્તા : પણ પછી પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં કઈ રીતે રહેવું ?

દાદાશ્રી : આપણે એને ના કહીએ કે અમારે શું લેવાદેવા ? તને ગમતું હોય તો મારે શું લેવાદેવા ?

પ્રશ્નકર્તા : આવી ગઈ વાત. એટલે મનને કહેવું પડે, તને ગમતું હોય તોય મારે શી લેવાદેવા ?

દાદાશ્રી : 'તું' તારી ઓરડીમાં સૂઈ જા, હું મારી ઓરડીમાં જઈશ. એને ગાંઠે નહીં તો કામ ચાલે તારું.

પ્રશ્નકર્તા : મનને ગાંઠે નહીં તો ! એટલે આમ મનને ગમતું હોય ત્યારે આવું કહી દેવું પડે એને, 'તમને ગમે છે પણ મારે શું લેવાદેવા ?' તો એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ?

દાદાશ્રી : જુદો થઈ ગયો !

પ્રશ્નકર્તા : એ જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય.

દાદાશ્રી : ત્યાંથી જ્ઞાતા-દ્રષ્ટાની શરૂઆત થઈ.

પ્રશ્નકર્તા : અને મનને ના ગમતું આવે ત્યારે ?

દાદાશ્રી : ઠેઠ સુધી મનને કડવું લાગે એવું પી પી કરવું પડે, અમે કહીએ એને, જો તે અમારી જોડે રહેતો હોય તો.

પ્રશ્નકર્તા : મનને કડવું પાય એટલે શું ? મનને કડવું પીવાનો વખત આવ્યો ત્યારે જાગૃતિનો લાભ કેવી રીતે ઊઠાવવો, જ્ઞાતા-દ્રષ્ટાનો ?

દાદાશ્રી : કડવું પીધું એટલે જ્ઞાતા-દ્રષ્ટા થયો જ.

પ્રશ્નકર્તા : ના. પણ એ જાગૃતિપૂર્વક હોય તો એક્ઝેક્ટ લાભ મળે ને ?

દાદાશ્રી : ના, એ જ જાગૃતિ.

જુઓ મનને જ્ઞેય સ્વરૂપે જ !

પ્રશ્નકર્તા : વિચાર આવે ને જાગૃતિમાં જ્ઞેય જાણે. પછી એને એમ થાય ખરું કે આ હિતકારી વિચાર છે ને આ અહિતકારી વિચાર છે ?

દાદાશ્રી : હિતકારી કે અહિતકારી વિચાર હોતાં જ નથી ! એવું કરવાની જરૂર જ નથી કે આ હિતકારી છે ને આ અહિતકારી છે. એટલે બધા જ્ઞેય સ્વરૂપે કાઢી નાખો ને ! આ હિતકારી ને અહિતકારી એવું કરવા કરતાં બધા જ્ઞેય સ્વરૂપે. એ બધા ડિસ્ચાર્જ છે ! હિતકારી-અહિતકારી તો જાગૃતિ એની મેળે જોયા જ કરે છે ! તમે જો હિતકારી-અહિતકારી એવું બધું જોવા જશો તો જાગૃતિ ક્યાં જઈને ઊભી રહેશે ? એટલે વાતને સમજવી પડે ! ને એ જાગૃતિ એની મેળે ભેદ કર્યા જ કરે છે કે આ કરવા જેવું છે ને આ નહીં કરવા જેવું ! એટલે તારે હિતકારી-અહિતકારી નહીં જોવાનું.

પ્રશ્નકર્તા : તો અમારે બુદ્ધિ ભેદ પાડી આપે કે આ સારું, આ ખોટું એમ !

દાદાશ્રી : એ બુદ્ધિના ભેદ પાડેલા કામમાં જ નહીં લાગે ! જાગૃતિનાં ભેદ પાડેલા કામ લાગશે.

પ્રશ્નકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : બુદ્ધિ તો ઇમોશનલ કરાવે. તેના ભેદ પાડેલા આપણને શું કામ લાગે ? જ્ઞાન જ ઇટસેલ્ફ (સ્વયં) ભેદ પાડે છે કે આ ના હોય ને આ ખરું, એ સૂઝ જ પાડ્યા કરે ! આગળ આગળ સૂઝ પાડ્યા કરે છે ! અને મનના ડિસ્ચાર્જમાં કશું આદરવા યોગ્ય છે જ નહીં ! જે આદરવા યોગ્ય છે એ એની મેળે સહજ થઈ જાય છે ! જ્ઞાનજાગૃતિ, જે સૂઝ છે તે બધું જુદું જ પાડી દે છે !

જેમ જેમ વિચારોને જ્ઞેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે ! તમે જુઓ એ શુધ્ધાત્માનું વિટામિન છે. વિચાર જ ના આવે એ શું જુએ ? પછી એને વિટામીન શી રીતે મળે ?

જાગૃત થવાનાં એડજસ્ટમેન્ટો !

જાગૃતિ રહેતી હોય તેણે એક જ કરવા જેવું કે મનમાં જે વિચારો આવે ને, 'તમે જ્ઞેય છો ને હું જ્ઞાતા છું' એવું બોલીએ કે તરત રાગે પડે.

જેનાથી જાગૃતિ ના રહેતી હોય તો 'દાદા, દાદા' કર્યા કરે. 'હું શુધ્ધાત્મા છું' બોલ્યા કરે. અથવા તો જાપ કરવો પડે, એક ક્રિયા કરે તો બીજી ક્રિયા બંધ થાય. એક જ ક્રિયા એટ એ ટાઈમ હોય અને શુધ્ધાત્માનો જાપ જો એવો કરે કે આમ ચોપડીમાં દીઠો હોય ને, આમ વાંચતો હોય એવાં કરે તો તો બહુ સરસ. 'શુ' દેખાય, પછી 'ધ ને ધા' જોડેલો 'ધ્ધા' દેખાય પછી 'ત્મા' દેખાય, પછી 'છું' એ બધું દેખાય, આખું શબ્દેશબ્દ 'હું શુધ્ધાત્મા છું' એવું દેખાય એવો જાપ કરે તો બહુ સરસ. ચોપડી વગર દેખાવું જોઈએ. એવો જાપ કરે તો બહુ ઉત્તમ. આખો દહાડો ના થાય તો કલાક કરે, તોય બહુ ઉત્તમ.

બધી ગોઠવણી કરી રાખવી જોઈએ. કલાક આ કરવું જોઈએ. કલાક પદ વાંચે, કલાક આ કરે, આમ તેમ અવળસવળ બધું. આપણા સર્કલની બહાર ના જાય એવી ગોઠવણી કરવી જોઈએ. શુધ્ધાત્માના સર્કલની બહાર ના જાય. સર્કલ કયું કહેવાય ? અમે આજ્ઞા આપી હોય એ સર્કલ કહેવાય. એ સર્કલમાં રહેવું જોઈએ પછી મને વિચાર આવે છે, વિચારે ને વિચારે ચઢી જાય એનો પાર જ ના આવેને ! તેથી કંઈ શુધ્ધાત્મા બદલાઈ જતો નથી. અભિપ્રાય બદલાતો નથી પણ ડાઘ પડે. વિચારની હદ તો કોને કહેવાય ? અજ્ઞાન દશામાં તેને આત્માસંબંધીના જ વિચારો કામ કરે. બાકી, સંસાર સંબંધનો વિચાર કશું કામ ના કરે. એ વિચાર તો ઉલટું ગૂંચવે.

આપણે કહ્યું હોય કે ખીચડી-કઢી કરી લાવો. ચાલો, મારે જમીને જવું છે. પછી આપણે વિચાર કરીએ કે મોડું થઈ જશે, તો શું થશે ? ફલાણું થશે તો શું થશે ? ખીચડીમાં વધારે મીઠું પડી જાય તો શું થશે ? એવા મહીં વિચાર આપણને આવે ને, તેની મહીં પાછા વિચારે ચઢીને પછી એનો પાર જ ના આવે ને !

મનનું મરણ, સત્સંગ થકી !

સત્સંગમાં મનને ખોરાક આપણે ના આપીએ એટલે એ આપણને ખાઈ જાય. એને ખોરાક નાખવો જ પડે. પેલામાં વ્યવહારમાં તો આપણને ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. પેલો કશું બોલે તે પહેલાં આપણે આપી દઈએ. એટલે એવું મનને ખોરાક મળ્યા કરે. આ સત્સંગમાં કયો ખોરાક મળે ? આમાં હોય નહીં. આમાં આપી દેવાનું નહીં ને !

મન જોડે થોડું ઘણું બોલે એટલે મનને પેલું બીજું કાર્ય બંધ થઈ જાય. એટલે આત્મા સ્થિર થાય. પછી જો વાંચવું હોય તો વાંચેય ખરો. એ વાંચે તો આત્માનો ઉપયોગ કર્યો કહેવાય. નહીં તો સ્થિર થાય, એટલે એય આત્માનો ઉપયોગ કહેવાય.

એટલે આખો દહાડો પછી અંદર બોલાય બોલાય કરવું ને મનને કામમાં, કામ જ સોંપ સોંપ કરવું. બીજો ખોરાક જમવા ન જાય એ વીતરાગ થયો.

બીજો ખોરાક જમતો હોય તો આપણે કામ સોંપીએ ને, એટલે બેનો વિરોધાભાસ થાય. એટલે આ બધું ઊડી જાય. વાણી બોલે જુદી અને મન વિચારે જુદું, વાણીના બોલવામાં પેલું મન, વિચાર ને બધું ઊડી જાય. ફરી આવો તાલ મળવાનો નથી કોઈ અવતારમાં.

પ્રશ્નકર્તા : મનને તો આ જ ખોરાક જોઈએ છે.

દાદાશ્રી : કયો ?

પ્રશ્નકર્તા : સત્સંગનો જ.

દાદાશ્રી : એ તો એવું છે ને, કે મનનો સ્વભાવ એવો છે કે આ પકડે નહીં અને પકડ્યા પછી છોડે નહીં આ. આ જે પકડાઈ ગયું આમ અટાવી-પટાવીને બધું ચોગરદમથી પકડાવી દીધું પછી એ છોડે નહીં એ સારો સ્વભાવ કહેવાય ને !

પ્રશ્નકર્તા : પછી સત્સંગ ના મળે તો મન કંટાળે.

દાદાશ્રી : હા. એટલે આ સત્સંગ મન પહેલું પકડે નહીં. કારણ કે મન આ પકડે તો મનનું મરણ થાય છે. એટલે પોતાના મરણને કોઈ ઇચ્છે નહીં. પણ આપણે આડાઅવળી સમજાવીને એને પીવડાવી દઈએ, પછી છે તે આમ થઈ જાય પછી. પછી એને છોડે નહીં. છોડે નહીં એટલે જાણવું કે કરેક્ટ થઈ ગયું.

મનને વાળવું જગ કલ્યાણમાં !

પ્રશ્નકર્તા : તો યે મનનો સ્વભાવ પાછો પેલો સ્વભાવ, પાછલો સ્વભાવ બતાડે.

દાદાશ્રી : એ તો બતાવે ને !

આ તો બધા અંતરમુખી થઈ ગયા. અંદર ક્યા હો રહા હૈ, એ તો બધું દેખાય.

પ્રશ્નકર્તા : જગત કલ્યાણની વાત કરી, મનને કહીએ કે જગત કલ્યાણ કરવાનું છે, તો એમાં એને ઉતાવળ તો આવે ને ?

દાદાશ્રી : એમાં ખરી મઝા આવશે. એનાં ખૂણાં બહુ મોટા છે. આખું એનું સર્કલ બહુ મોટું છે, અમે એમાં જ મૂકેલું છે અમારા મનને. તે રાત-દહાડો ખૂણા ખોળ્યા જ કરે એની મેળે. એ ફલાણા ભાઈને જ્ઞાન આપીએ, ફલાણા ભાઈને આમ કરીએ. ખોળીને આવે એની મેળે. અને આપણું કામ તો થયા જ કરે.

એ સ્ટેડી (સ્થિર) રહે અને આપણને હેરાન ના કરે. એ જીવતું રહે. એ આનંદમાં રહે ને આપણને આનંદમાં રાખે.

એવી ભાવના હવે ભાવવી જોઈએ. એને માટે મનને શું ખોરાક આપવો જોઈએ કે જગતનું કલ્યાણ હો. તે એ કલ્યાણમાં નિમિત્ત થઉં એટલે મનને કામ આપશોને, એટલે મન એનું કામ કર્યા કરશે. એક કામ આપી દેવાનું અને જગત કલ્યાણ એ જ આપણું કામ.

પોતાનું કલ્યાણ એટલે શું જગતનું કલ્યાણ. એ જ પોતાનું કલ્યાણ. માટે કામ આપી દો ને ! તો એને માટે આમ કરશે, તેમ કરશે. કોઈ જતાં હોય તો કહેશે, હેંડોને દાદાને ત્યાં. પછી મને ય એવું કામ કરશે.

- જય સચ્ચિદાનંદ