પિછાણ અસલી જ્ઞાની તણી ! સંપાદકીય નિરંતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવથી અપ્રતિબદ્ધપણે વિચરે એવાં આ કાળના અક્રમ જ્ઞાનાવતાર સંપૂજ્ય શ્રી દાદાશ્રીની દરઅસલ પિછાણ એમને પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર દ્વારા મળી જાય છે. જેનું સંકલન અત્રે પ્રકાશિત થાય છે. મન-વચન-કાયાથી નિરંતર મુક્ત દશામાં વર્તના એ આ કાળનું મોટું આશ્ચર્ય ગણાય. કેવળજ્ઞાનમાં ચાર ડીગ્રી જ ખૂટી તેથી મોક્ષ અટક્યો પણ કળિકાળના પુણ્યાત્માઓ માટે મહાન ઉપકારી બન્યા, મોક્ષના દ્વાર સુધી લઈ જવામાં ! પોતાનાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો દેખાડે છે અંદર પ્રગટ થયેલા પૂર્ણ સ્વરૂપ દાદા ભગવાન. પોતાનાં દોષોને પણ સ્પષ્ટપણે જાહેર કરે છે એ ! એમની કેટલી બધી પ્યૉરીટી ? અરે, પોતે એક ક્ષણ પણ ભગવાન થયા નથી. દાદા ભગવાન એટલે મહીં પ્રગટ થયેલા પરમાત્માને જ કહે છે, પોતાને નહીં. ઉલ્ટું પોતાની જાતને ભગવાન કહેવડાવે, એને તો અનંતવાર નર્કગતિમાં જવું પડે એવું એ સ્પષ્ટ ઠોકી ઠોકીને કહે છે. લઘુત્તમ પદમાં રહેનારા તે વળી કદિ કોઈને ભગવાન કહેવા દેતા હશે ?! આવાં વિરલ જ્ઞાનીની વિશેષ સૂક્ષ્મતાએ પિછાણ પ્રસ્તુત અંકમાંથી મળી રહે છે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ
દેહમાં દશા દેહાતીત ! પ્રશ્નકર્તા : આધ્યાત્મિક માટે આપના અનુભવો-વિચારો જણાવો. દાદાશ્રી : હું મન-વચન-કાયાથી તદ્દન જુદો રહું છું, તદ્દન નિરાળો રહું છું, છતાં કેવળ જ્ઞાન થયું નથી. કાળને આધારે ચાર ડિગ્રી તે પચ્યું નથી. સધાઈ લીંક અમને ! પ્રશ્નકર્તા : આપની આવી દશા ક્યારથી થઈ છે ? દાદાશ્રી : આમ તો જીવન આખું ધર્મધ્યાનમાં જ ગયું છે, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું. ૧૯૫૮માં આ 'જ્ઞાન' પ્રગટ થયું, તે દહાડે 'જ્ઞાની' થયા. તેના આગલે દહાડે તો 'અમે' પણ અજ્ઞાની જ હતા ને ! મને ય કડીબંધ લીંક મળી હતી, એવી મેં મારી જાત માટે શોધખોળ કરી કે આ કઈ જાતનું બન્યું ?! પણ તે મને કડીબંધ લીંક મળેલી ! તેથી આખું આ 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું ને ! 'ખરાબ' કશું જ નથી ! પ્રશ્નકર્તા : આપને સૌથી વધુ પ્રિય વસ્તુ કઈ ? દાદાશ્રી : મને આત્મા સિવાય કોઈ વસ્તુ પ્રિય નથી. અમને આત્મા સિવાય બીજું કશું જ રૂપાળું લાગતું નથી. અને ખરાબ તો આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં. 'પોતાની' બાઉન્ડ્રી ચૂકવી, એનું નામ જ ખરાબ. આ જગતમાં એવી કોઈ વસ્તુ ના હોય કે જે અમને ગમતી હોય ને એવી કોઈ વસ્તુ ના હોય કે જે અમને ના ગમતી હોય. 'જ્ઞાની', મોક્ષનો પુરાવો આપે !! પ્રશ્નકર્તા : આપનો નિત્યકર્મ શું છે ? દાદાશ્રી : હું મારા મોક્ષમાં જ નિરંતર રહું છું. અત્યારે પણ હું મારા મોક્ષમાં જ છું. ના દેખાઉં એવો ! પ્રશ્નકર્તા : આપનો પરિચય આપશો ? દાદાશ્રી : 'મને' તમે ઓળખી શકવાના નથી. આ જે તમે જુઓ છો, એ તો 'અંબાલાલ પટેલ' છે, ભાદરણ ગામના. મને તો તમે ઓળખી જ ના શકો ને ! કારણ કે 'હું' આમ દેખાઉં એવો છું જ નહીં. ન મળ્યો કોઈ 'ઝવેરી', 'હીરા'ને ! પ્રશ્નકર્તા : આપ એવું બોલ્યા કે હજુ અમને કોઈ ઓળખી શક્યા જ નથી. દાદાશ્રી : આ વર્લ્ડમાં કોઈ હજુ ઓળખી શક્યો નથી. પ્રશ્નકર્તા : અરે, પણ આ હીરા જેવું બધું ઓળખાય છેને, તો તમારી ઓળખાણ ના પડે એમાં ભૂલ કોની ? દાદાશ્રી : ઝવેરી ના હોય, તેને કોઈ શું કરે તે ? આજ જો એક સાધારણ ઝવેરી આવેને તો ય કહેશે, 'કહેવું પડે, કહેવું પડે, અહો ! પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ !' અને એને વાર જ ના લાગે. ને વિનય કેવો સુંદર હોય આમ ! અને આ તો અમે હલાય હલાય કરીએ છીએ કે 'અમે જ્ઞાની છીએ, અમે ફલાણા છીએ' પણ હજુ તો એ કોઈએ ઓળખ્યો જ નથી ! ન ભૂતો, ન ભવિષ્યતિ એવા દાદા ! આ તો ગજબનું સ્વરૂપ છે, ન ભૂતો ન ભવિષ્યતિ સ્વરૂપ છે ! છતાં લઘુતમ સ્વરૂપ છે. આ તો બહુ જ લોકોનું કલ્યાણ થવાનું છે, તેથી આ દશા ઉત્પન્ન થઈ છે ! વીતરાગ છતાં ધંધો ! પ્રશ્નકર્તા : સંસારથી આપ શી રીતે અલિપ્ત રહી શકો છો ? દાદાશ્રી : સંપૂર્ણ વીતરાગતાથી. ધંધો-વેપાર કરીએ, ઇન્કમટેક્ષ-સેલટેક્ષ બધું ભરીએ, સંસારની સેંકડો તલવારો નીચે પણ વીતરાગતામાં રહીએ. હાથ કાપી નાખે તો ય વીતરાગતા રહે. પ્રશ્નકર્તા : આટલું હોવા છતાં આપને ધંધાની અગત્યતા લાગે ? દાદાશ્રી : અમારે કોઇ ચીજની અગત્યતા ના હોય, છતાં કરવું પડે છે. પોલીસવાળો પકડીને લઇ જાય ને કરાવડાવે તે કરવું પડે, તેના જેવું છે. પ્રશ્નકર્તા : ધંધામાં નફો થાય તો ? દાદાશ્રી : એવી કોઇ વૃતિ જ નહીં. નફાનો વિચાર જ નથી આવ્યો, બધું સહજપણે થાય. કોઇ પણ જાતની ઇચ્છા જ નહીં, આ નિરીચ્છક દશા થઇ છે ! સ્વતંત્રતાના ચાહક મૂળથી જ ! પ્રશ્નકર્તા : આપને એવી કઈ પ્રેરણા થઈ કે જેને લીધે આપે આ એક સરસ પ્રવૃત્તિ હાથ ધરી ? દાદાશ્રી : મને આ દુનિયામાં નાનો હતો ત્યારથી પરતંત્રતા ગમતી નહોતી, કોઈ પણ માણસની ! પછી એક સંતની સેવા કરવા જતો હતો હું. તે સેવા કરતી વખતે તેર વર્ષની ઉંમર મારી ! તે સંતે શું કહ્યું ? 'તને ભગવાન મોક્ષે લઈ જશે.' એટલે મને એ ગમ્યું નહીં. ભગવાન વળી મારો ઉપરી કોણ ? ને એ વળી મોક્ષે લઈ જનારો એવો કોણ હશે વળી પાછો ? એટલે હું તેર વર્ષની ઉંમરથી ભગવાનને મારા ઉપરી તરીકે સ્વીકારતો નથી. મારા ઉપરી તો મારી ભૂલો અને મારા બ્લન્ડર્સ, એટલાં જ મારાં ઉપરી છે, બીજા કોઈ ઉપરી છે નહીં ! અને તમારે પણ એ જ ઉપરી છે, બીજું કોઈ ઉપરી છે નહીં. ભગવાન તમારો ઉપરી નથી. ભગવાન તમારું સ્વરૂપ છે, તમારું મૂળભૂત સ્વરૂપ છે, મૌલિક સ્વરૂપ !! એટલે આ ભૂલો અને બ્લન્ડર્સથી માણસ બધાં બંધાયેલાં છે. એ ભૂલ અને બ્લન્ડર્સ તૂટી જાય એટલે પછી સ્વતંત્ર થાય છે ! એટલે મને સ્વતંત્રતા વગર ગમતું જ નહોતું. આપે સંન્યાસ કેમ ન લીધો ? પ્રશ્નકર્તા : આપે સંન્યાસ કેમ ના લીધો ? દાદાશ્રી : સંન્યાસ તો, એવો ઉદય જ નહોતો. એમ નહોતું કે સંન્યાસ ઉપર મને ચીડ છે. એવું નહીં પણ એવો ઉદય કોઈ જાતનો મને દેખાયેલો નહીં અને હું એમ માનવાવાળો હતો કે સંસાર મોક્ષે જતાં નડતો ન હોવો જોઈએ. એ માન્યતા મારી દ્રઢ હતી. સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે ! હા, ભગવાનને આ ત્યાગ માર્ગનો ઉપદેશ કરવો પડ્યો છે, એ સામાન્ય ભાવે કરવો પડ્યો છે. એ કંઈ વિશેષ ભાવે નથી કર્યો. વિશેષ ભાવ તો એવો છે કે સંસાર નડે એવો નથી, એવું અમે ગેરેન્ટીપૂર્વક કહીએ છીએ. જ્ઞાન થયાં પહેલાં શું કર્યું ? પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કેવું હતું ? દાદાશ્રી : મને સમકિત થશે એવું લાગતું હતું. બાકી બધાં પુસ્તકોનાં સ્ટડીમાંથી સરવૈયે ખોળી કાઢ્યું કે 'વસ્તુ શું છે ?' એવું સમજાયેલું બધું. અને તીર્થંકરો-વીતરાગો સાચા પુરુષ છે અને વીતરાગોનો મત સાચો છે, એ વસી ગયેલું ! અનંતકાળનું આરાધન એ ! એટલે બધું એ જ હતું. આ 'ત્રણ' જ કરેલું ! પ્રશ્નકર્તા : આપે વ્રત-નિયમ-ઉપવાસ કરેલા ? દાદાશ્રી : અમારે સમ ખાવા પૂરતો ય ઉપવાસ નથી થયો. હા, આખી જિંદગી કાયમ ઉણોદરી તપ કરેલું. ચોવિયાર, ઉકાળેલું પાણી, કંદમૂળ બંધ વગેરે ખૂબ જ 'સ્ટ્રિક્ટલી' કરેલાં. વ્યવહાર બધો જૈન-વૈષ્ણવનો ભેગો હતો. અમુક બાબતમાં વૈષ્ણવ વ્યવહાર અને અમુક બાબતમાં જૈન વ્યવહાર હતો ! અમે ગરમ પાણી કાયમને માટે પીતા હતા, બીઝનેસ ઉપરે ય ગરમ પાણી પીતો હતો. તમે ય એવો જૈન વ્યવહાર ના કર્યો હોય ! પણ તે આ જ્ઞાન પ્રગટ થયાનું કારણ નથી. એનું કારણ તો બધા બહુ એવિડન્સ ભેગા થયેલા છે. આ તો આવું બને નહીં, ને અક્રમ વિજ્ઞાન ઊભું થાય નહીં ને ?! અક્રમ વિજ્ઞાન ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે. આ ચોવીસ તીર્થંકરોના વખતમાં જે સીઝયા નહીં, બુઝયા નહીં, તે બધાને બુઝવાનું આ વિજ્ઞાન છે. સિન્સિયારિટી તો વીતરાગોને જ નિરંતર ! પ્રશ્નકર્તા : આપે બીજું એવું કંઈ કરેલું ? દાદાશ્રી : કશું નહીં પણ નિરંતર વીતરાગો તરફ સિન્સિયારિટી ! કૃષ્ણ ભગવાન તરફ સિન્સિયારિટી ! આ સંસારની રૂચિ નહોતી, સંસારનો લોભ નામેય નહોતો. જ્યારે જન્મ થયો ત્યારથી લોભની મારામાં પ્રકૃતિ જ નહોતી ! લોકો બધા ફરવા જાય, અરે ! કોઈ સાહેબ જેવાનો બગીચો હોય, તે જામફળ હોય, દાડમ હોય, મોસંબીઓ હોય, એવા મોટા મોટા બગીચાઓ હોય, તો આ બધા છોકરાઓ ફરવા જાય તો આટલું આટલું બાંધી લાવે. પણ હું કશું એવું બાંધતો-કરતો નહીં. એટલે લોભની પ્રકૃતિ જ નહીં. માન એટલું બધું કે મારા જેવો કોઈ દુનિયામાં નથી. માન, બહુ જબરજસ્ત માન ! અને એ તો મને એટલું બધું કૈડ્યું કે હું જ જાણું છું એ ! આ ભવમાં ન મળ્યા કો' ગુરુ ! પ્રશ્નકર્તા : આપના ગુરુ કોણ ? દાદાશ્રી : ગુરુ તો આ ભવમાં પ્રત્યક્ષ મળ્યા હોયને, તો એ ગુરુ કહેવાય. પ્રત્યક્ષ કોઈ મળ્યું નથી. એવા સાધુ-સંતો મળેલા, પણ ગુરુ કરવા જેવા કોઈ મળેલા નહીં. એમની જોડે સત્સંગ કરેલો, એમની સેવા કરેલી, પણ ગુરુ કરવા જેવા નહીં કોઈ. દરેક ભક્તોનું, જે બધા જ્ઞાનીઓ થઈ ગયેલાં, એ બધાનું વાંચેલું. પણ રૂબરૂ કોઈ નહીં મળેલા. એટલે ગુરુ માટે તો એવું છે ને, કે શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ મનાય નહીં. કારણ કે રૂબરૂ હોય તો ગુરુ મનાય ! એટલે એમનાં પુસ્તકોનો આધાર બહુ સારો હતો. બીજાં પુસ્તકોનો આધાર હતો પણ રાજચંદ્રના પુસ્તકોનો વધારે આધાર હતો ! હું તો શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકો વાંચતો હતો, મહાવીર ભગવાનનાં શાસ્ત્રો વાંચતો હતો, કૃષ્ણ ભગવાનની ગીતા વાંચતો હતો, વેદાંતના ભાગ વાંચતો હતો, સ્વામીનારાયણનું વાંચતો હતો. મુસ્લિમના હઉ વાંચતો હતો. અને આ બધાં શું કહેવા માગે છે, બધાનો કહેવાનો આશય શું છે ને હેતુ શો છે ? એ જાણી લીધેલું. બધાનું સાચું છે, પણ સહુ સહુની કક્ષાએ. પોતપોતાની ડિગ્રીમાં સાચું છે. ત્રણસો સાઠ ડિગ્રી હોય તો કોઈ પચાસ ડિગ્રી સુધી આવેલા છે, કોઈ એંસી ડિગ્રી સુધી આવેલા છે, કોઈ સો ડિગ્રી સુધી આવેલા છે, કોઈ દોઢસો ડિગ્રી સુધી આવેલા છે. સાચું બધાનું છે, પણ ત્રણસો સાઠ ડિગ્રી કોઈની પાસે નથી. ભગવાન મહાવીરની ત્રણસો સાઠ ડિગ્રી હતી ! પ્રશ્નકર્તા : આ અભ્યાસ ક્યાંથી થયો આપને ? દાદાશ્રી : આ અભ્યાસ ? તે કેટલાંય અવતારનો અભ્યાસ હશે ! પ્રશ્નકર્તા : પણ શરૂઆતમાં, જન્મ થયા પછી કેવી રીતનો હતો ? જન્મ થયા પછી ક્યાંથી શરૂઆત થઈ ? દાદાશ્રી : જન્મ થયા પછી આ વૈષ્ણવ ધર્મમાં ફર્યા, સ્વામીનારાયણના ધર્મમાં ફર્યા, બીજા ધર્મોમાં ફર્યા, શિવ ધર્મમાં ફર્યા, પછી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ફર્યા, પછી મહાવીર સ્વામીનાં બધાં પુસ્તક વાંચ્યા, આ બધું વાંચ વાંચ કર્યું. આવી અમારી દશા હતી પણ ધંધા-રોજગાર ચાલુ હતા. નથી કો' ફેર પ્રકાશમાં કયાંય ! પ્રશ્નકર્તા : આપ ભગવદ્ ગીતાની થિયરીમાં માનો છો ? દાદાશ્રી : બધી જ થિયરીમાં માનું છું ! કેમ ના માનું ? એ ભગવત્ થિયરી એક જ છે ને ! આ તો આમાં ડિફરન્સ ના હોય. આ થિયરીમાં ને એમાં ડિફરન્સ ના હોય. પ્રકાશમાં ફેર નથી, રીતમાં ફેર છે આ ! જ્ઞાનનો પ્રકાશ તો એક જ પ્રકારનો છે. આ બીજા માર્ગોનો અને આ માર્ગનો, સનાતન માર્ગનો, જ્ઞાનનો જે પ્રકાશ, તે તો એક જ પ્રકારનો. પણ એની રીત જુદી છે આ ! આ અલૌકિક રીત છે, એક કલાકમાં માણસ સ્વતંત્ર થઈ જાય છે. 'વિધિન વન અવર' ચિંતારહિત થઈ જાય ! અનંત અવતારની સાધના ! પ્રશ્નકર્તા : આ જ્ઞાન આપને પ્રગટ થયું, તે આની પાછળ આપે કેટલી સાધના કરેલી ? દાદાશ્રી : 'આ' તો અનંત અવતારની સાધનાનું ફળ છે, છતાં પણ આ અવતારમાં ય સાધના ખરી. ઉપરાંત, માતાના સંસ્કાર ઘણાં જ ઉત્તમ મળેલાં. સાધના સનાતન તત્ત્વની જ ! પ્રશ્નકર્તા : આપે પહેલાં ઉપાસના કે સાધના કરેલી ? દાદાશ્રી : સાધનાઓ તો બધી જાતજાતની કરેલી. પણ હું સાધના એવી નહોતો કરતો કે એ સાધનાથી કંઈ વસ્તુ પ્રાપ્ત થાય. કારણ કે મારે કોઈ વસ્તુ જોઈતી નહોતી. પ્રશ્નકર્તા : એ કોની સાધના કરેલી ? દાદાશ્રી : મારે કોઈ જ વસ્તુ જોઈતી નહોતી, એટલે સાધના કરવાની જરૂર જ નહીં ને ! અમે તો સાધ્ય વસ્તુની સાધના કરતા હતા. જે વિનાશી વસ્તુ નથી, અવિનાશી વસ્તુ છે, એની સાધના કરતા હતા ! બીજી સાધનાઓ હું કરતો નહોતો. પ્રશ્નકર્તા : આ જ્ઞાન પહેલાં મંથન કર્યું હશે ને ? દાદાશ્રી : આખા વર્લ્ડની કોઈ ચીજ બાકી નથી રાખી વિચારવાની. વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે વિચાર્યા વગર બાકી રાખેલું હોય ! તેથી આ 'જ્ઞાન' આવેલું. અહીં તમે બે શબ્દ બોલો ત્યાં સુધીમાં મારે મહીં પદ આખું ચાલી જાય. એક મિનિટનાં પાંચ-પાંચ હજાર રિવોલ્યુશન ફરે. ગમે તેવાં શાસ્ત્રોનો સાર બે મિનિટમાં કાઢી લઉં ! પુસ્તકમાં સર્વાંશ ના હોય. સર્વાંશ જ્ઞાની પુરુષ પાસે હોય. શાસ્ત્રો તો ડિરેક્શન બતાવે ! ... ત્યારે વાણી વિજ્ઞાનને કહી જાય ! પ્રશ્નકર્તા : આપની સાધનાની લિંક ક્યારથી ચાલે છે ? દાદાશ્રી : કેટલાંય કાળથી. દરેકનાં લિંકવાર ટોળાં હોય જ. આ તો બધી લિંક જ છે. ૧૯૫૮માં તે દહાડે આ જ્ઞાન થયું. પછી એ જ્ઞાન પ્રગટ થવું જોઇએ. (બહાર વાણી રૂપે નીકળવું જોઈએ). એ પ્રગટ થવામાં લિંક મળ્યા જ કરે. અમને ત્રણસો છપ્પન ડિગ્રીનું જ્ઞાન થયું છે પણ એ નીકળ્યું નથી, એથી નીચેનું નીકળે છે. અને જે દહાડે ત્રણસો છપ્પન 'ડિગ્રી' સુધીનું નીકળશે, તે દહાડે તો અજાયબી થશે આ કાળની ! પ્રશ્નકર્તા : ત્રણસો છપ્પન 'ડિગ્રી'નું કઢાવવા કોઇ પાત્ર જીવોની જરૂર પડશે ? દાદાશ્રી : હા, એવા પાત્રની જરૂર પડે. એ આવ્યો કે નીકળ્યું જ સડસડાટ. એટલે જેમ જેમ પાત્રો આવે તેમ તેમ ચઢતું જ્ઞાન નીકળતું જાય. એ પ્રગટ કરવાનું અમારા હાથમાં નથી. આ તો 'રેકર્ડ' છે. પાત્રો ય પાછાં મળશે ને 'રેકર્ડો' ય નીકળશે. અક્રમની આ લબ્ધિ 'અમને' વરી ! પ્રશ્નકર્તા : આપશ્રીને જે જ્ઞાન પ્રાપ્ત થયું, એ કઈ રીતે પ્રાપ્ત થયું ? દાદાશ્રી : આ અમને પ્રાપ્ત થયું નથી, આ અમને લબ્ધિ છે. પ્રશ્નકર્તા : નૈસર્ગિક રીતે ? આ નેચરલ પ્રાપ્ત થયું છે ? દાદાશ્રી : હા, ધીસ ઈઝ બટ નેચરલ ! પ્રશ્નકર્તા : જે કંઈ આપની ઉપલબ્ધિ છે, એ પણ સુરતના સ્ટેશને આવી, તે કંઈ દરેકને નથી આવી, આપને આવી. કારણ કે આપે પણ ક્રમિકમાર્ગે કંઈક ધીરે ધીરે કર્યું હશે ? દાદાશ્રી : ઘણું, એ ક્રમિકમાર્ગનું જ કરેલું છે આ બધું, પણ ઉદય આવ્યો અક્રમનો. કારણ કે નાપાસ થયા ને ! કેવળજ્ઞાનમાં નાપાસ થયા ને ! એટલે આ ઉદયે અક્રમ આવીને ઊભું રહ્યું. દિલના સાચાને 'સાચું' મળ્યું ! પ્રશ્નકર્તા : પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ? એમ સહજ એની મેળે કે પછી કંઈ ચિંતન કર્યું ? દાદાશ્રી : એની મેળે, 'બટ નેચરલ' થયું ! અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી ? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે. કંઈક સમકિત જેવું થશે એવું લાગેલું. કંઈક સમકિતનો આભાસ થશે, એનું અજવાળું થશે. તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું ! ૧૯૫૮નું એ અદ્ભુત દર્શન ! પ્રશ્નકર્તા : આપને ૧૯૫૮માં સુરતમાં જે દર્શન થયું, તે કેવું થયેલું? દાદાશ્રી : આ દેહમાંથી જાણે છૂટા થઇ ગયા હોઇએ એવું લાગ્યું. પ્રશ્નકર્તા : એ છૂટાપણું કેવું લાગેલું ? દાદાશ્રી : 'એબ્સોલ્યુટ' છૂટું જ, એ દશા જુદી જ હતી ! તેનું વર્ણન થાય તેમ નથી !! પ્રશ્નકર્તા : એ 'મોમેન્ટ' હતી, તેનાં પહેલાં આપને કંઇક લાગેલું કે કંઈક થવાનું છે ? દાદાશ્રી : શાંતિ ઘણી રહ્યા કરતી. પણ એ અહંકાર સાથેની શાંતિ કહેવાય, તે કામની નહીં. એ તો અજ્ઞાનીને ય રહે. પ્રશ્નકર્તા : તે સમયે સ્ટેશન ઉપર આપનો આનંદ અનેરો હતો ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ બધા ગુણ સાથે છૂટો પડી ગયેલો. દેહમાં નહીં, વચનમાં નહીં, મનમાં નહીં એવો છૂટો પડી ગયેલો. એને જ્ઞાન લાધ્યું કહેવાય. જ્ઞાન એ જ આત્મા છે. આવી ખબર કેમ ના પડે ? પ્રશ્નકર્તા : આપને ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું, તો એ જ્ઞાનની તમને પ્રતીતિ કેવી રીતે થઈ ? કારણ કે જે વસ્તુ આપણને અનુભવમાં નથી આવી અને એ આપણને એકદમ અનુભવમાં આવી જાય, તો આપણને ખબર કેવી રીતે પડે કે આ જ વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી છે ? દાદાશ્રી : પોતાપણું જ છૂટી જાય બધું. અહંકારનું પોતાનું અસ્તિત્વ જ ઉડી જાય. જે પહેલાં 'હું અંબાલાલ' ને એ બધું હતું એ છૂટી જાય બધું. બધું જ છૂટી જાય. હમણાં ભીખ માંગતો માણસ ગાદી ઉપર બેસે એટલે ખબર ના પડે કે હું રાજા થઈ ગયો ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એટલે પેલી ભીખ છૂટી ગઈ. સુરત સ્ટેશને શું દેખાયું ?! પ્રશ્નકર્તા : તમને જ્ઞાન થયું સુરતના સ્ટેશને, કેવો અનુભવ થયો હતો ? દાદાશ્રી : બ્રહ્માંડ દેખાયું બધું આ ! આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, બધું દેખાયું. ઈશ્વર શું છે, હું કોણ છું, આ કોણ છે, આ બધું શેના આધારે ભેગું થાય છે, એ બધું દેખાયું. પછી સમજમાં આવી ગયું અને પરમાનંદ થયો. પછી ફોડ પડી ગયોને, બધો ! શાસ્ત્રોમાં પૂરું લખેલું ના હોય. શાસ્ત્રોમાં તો વર્ણન જયાં સુધી શબ્દ હોય ત્યાં સુધી લખેલું હોય અને શબ્દની આગળ તો, જગત બહુ આગળ છે. .... એ કેવું અદ્ભુત સુખ ! પ્રશ્નકર્તા : તમને જ્ઞાન થયેલું ત્યારે ખ્યાલ આવેલો ખરો કે આ મને જ્ઞાન થયું ? દાદાશ્રી : અરે, ખ્યાલ શું ?! તે ઘડીએ સિદ્ધગતિમાં બેઠો હોઉં એવું પાર વગરનું સુખ વર્ત્યું, તે પછી એમાં ખ્યાલ કેમ ના આવે ?! બાંકડા પર બેઠો હતો તો ય સિદ્ધગતિનું સુખ વર્તે ! મારી જોડે સેવામાં બેઠેલા તેમનો તો એમ ને એમ મોક્ષ થઇ ગયો !! આ અક્રમ તો અજાયબ નીકળ્યું છે !!! કઈ જગત પુણ્યાઈએ જ્ઞાન પ્રાગટ્ય આ ! પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલાં અવતારનું સરવૈયું છે ? દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે, તે ઘણાં અવતારનું સરવૈયું બધું ભેગું થઈ, એની મેળે કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે. પ્રશ્નકર્તા : આ તમને 'બટ નેચરલ' થયું, પણ એ કેવી રીતે ? દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે 'બટ નેચરલ' કહેવું પડ્યું. બાકી, આમ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા, તે પ્રગટ થઈ ગયું. પ્રશ્નકર્તા : કયાં એવિડન્સો મળ્યા ? દાદાશ્રી : બધા બહુ જાતના એવિડન્સો મળ્યા ને ! આખા જગતનું કલ્યાણ થવાનું હશે, તે ય કાળ પાક્યો હશેને ! અને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને ? ભીડમાં એકાંત ને પ્રગટ્યા ભગવાન ! પ્રશ્નકર્તા : સુરતના સ્ટેશને જે અનુભૂતિ થઈ, જે એકદમ ડિરેક્ટ પ્રકાશ આવ્યો, એ એની મેળે ઓચિંતો જ ? દાદાશ્રી : હા, ઓચિંતો જ, એની મેળે જ ઊભો થઈ ગયો. સુરતના સ્ટેશને એક બાંકડા પર બેઠા હતાને, ભીડ એટલી બધી હતી, પણ આ ઓચિંતું જ ઊભું થઈ ગયું. પ્રશ્નકર્તા : ત્યાર પછી ? દાદાશ્રી : પછી બધું પૂરું જ દેખાયું, ત્યાર પછી બધો ફેરફાર જ થઈ ગયો. પ્રશ્નકર્તા : પણ એ વખતે દુનિયાનાં બધાં માણસો તો એનાં એ જ હોય ને ? દાદાશ્રી : હા, પણ પછી તો માણસોનાં પેકિંગ એકલાં જ દેખાવા માંડ્યા, ને પેકિંગની મહીં માલ છે તે પણ દેખાવા માંડ્યો. વેરાઈટિઝ ઓફ પેકિંગ અને માલ એક જ પ્રકારનો ! એટલે તરત જ બધું જગત જ જુદું દેખાયું ત્યાં !! પ્રશ્નકર્તા : જ્ઞાન થયા પછી વ્યવહારનું કામ થતું હતું ? દાદાશ્રી : સુંદર થતું હતું. પહેલાં તો અહંકાર વ્યવહારને બગાડતો હતો. પ્રશ્નકર્તા : પદમાં જે 'ભીડનું એકાંત ને કોલાહલમાં શુકલધ્યાન' લખ્યું છે, એનું થોડું વિવરણ કહ્યું હોય તો ? દાદાશ્રી : 'ભીડનું એકાંત' એ શું કહે છે કે એકાંતમાં એકાંત રહી શકે નહીં માણસને, કારણ કે મન છે ને ?! એટલે ભીડ હોય ત્યારે એકાંત ! પછી 'કોલાહલમાં શુકલધ્યાન' ઉત્પન્ન થયું. આજુબાજુ 'ઓહોહો...' કોલાહલ, ભીડ બધું ચાલ્યા કરે અને હું મારા શુકલધ્યાનમાં હતો. એટલે બધું જગત આખું ય મને જ્ઞાનમાં દેખાયું, જેમ છે તેમ દેખાયું ! પ્રશ્નકર્તા : એ જાતની અવસ્થા કેટલો વખત ટકી ? દાદાશ્રી : એક જ કલાક ! એક કલાકમાં તો બધું એક્ઝેક્ટ જ આવી ગયું. પછી છે તે બધો જ ફેરફાર થયેલો દેખાયો. અહંકાર તો મૂળમાંથી જતો રહ્યો. ક્રોધ-માન-માયા-લોભ, બધી જ નબળાઈ જતી રહી. મેં આવી તો આશા ય નહીં રાખેલી. જ્ઞાનની રીત ના હોય ! પ્રશ્નકર્તા : આપ મુક્તિમાં વિચરો છો પણ એ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઇ? દાદાશ્રી : લોક મને પૂછે છે કે, 'તમને આ જ્ઞાન કેવી રીતે થયું ?' મેં કહ્યું, તમે નકલ કરવા માગશો તો આ નકલ થાય એવી નથી. ધીસ ઈઝ બટ નેચરલ. જો નકલ કરવા જેવી હોત તો હું કહેત કે ભઈ, હું આ રસ્તે ગયો, આમ ગયો, આમ ગયો, તે મને આ પ્રાપ્ત થયું અને જે રસ્તે હું ગયો હતોને, તે રસ્તે તો આવું મોટું ઈનામ મળે એવું તો હતું જ નહીં. હું તો કંઈ સાધારણ ફાઈવ પરસેન્ટની આશા રાખતો હતો. એ ફાઈવ પરસેન્ટ નહીં, એનાં ય વન પરસેન્ટની આશા રાખતો હતો કે આપણી મહેનત ફળ આપે તો આમાંથી આપણને એકાદ પરસેન્ટ મળી જાય. પ્રશ્નકર્તા : આપને 'બટ નેચરલ' જ્ઞાન થયું તે શું ? તે સમજાવો. દાદાશ્રી : 'બટ નેચરલ' જ્ઞાન કો'કને જ થાય. કોઇ કહેશે કે, 'મેં જાતે કર્યું છે.' તો તે જ્ઞાન અધૂરું રહે છે. આ તો 'નેચરલી' એની મેળે થયું છે. જો કર્યું હોય તો એંસી ટકા વિકલ્પ ઓછો થયો તો વીસ ટકા બાકી રહે. આ તો સો ટકા નિર્વિકલ્પ છે, આ વીતરાગ વિજ્ઞાન છે. તે દિનથી 'હું' જુદા જ સ્વરૂપમાં ! પ્રશ્નકર્તા : આપને જે જ્ઞાન લાધ્યું, એ પ્રસંગનું આપ જરા વર્ણન કરોને ! એ વખતે આપને કેવી લાગણીઓ હતી ? દાદાશ્રી : લાગણીઓનો કોઈ પણ જાતનો ચેન્જ હતો નહીં મારામાં. હું તો વ્યારા- સોનગઢ કરીને ગામ છે, આ બાજુ તાપ્તિ રેલ્વે લાઈને, ત્યાં મારો બિઝનેસ હતો. તે ત્યાં આગળ હું ગયેલો. ત્યાંથી આવતી વખતે સુરત સ્ટેશને આવ્યો હતો. હવે મારી જોડે એક ભાઈ કાયમ રહેતા. ત્યારે હું વહેલું જમી લેતો હતો, સૂર્યનારાયણ અસ્ત થયા પહેલાં. એટલે ટ્રેનમાં મેં જમી લીધું હતું અને અહીં આગળ સુરત સ્ટેશને છ વાગે ઉતર્યા. તે પેલા ભાઈ, જમેલાં વાસણ હતાં, તે ધોવા લઈ ગયા. અને હું બાંકડા પર એકલો બેસી રહ્યો. મને તે ઘડીએ આ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે વર્લ્ડ શું છે ને કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે ને આ બધું કેવી રીતે ચાલે છે, એનો બધો હિસાબ જોઈ લીધો. એટલે તે દિવસે મારો ઈગોઈઝમ ને બધું ખલાસ થઈ ગયું. પછી 'હું' જુદા જ સ્વરૂપમાં રહેવા માંડ્યો, વિધાઉટ ઈગોઈઝમ ને વિધાઉટ મમતા ! પટેલ તે રીતે જ હતા, પણ 'હું' જુદા સ્વરૂપે થઈ ગયેલો !! પછી નિરંતર સમાધિ સિવાય મેં જોયું નથી, એક સેકન્ડ પણ ! તારીખની પણ તમન્ના નહીં ! પ્રશ્નકર્તા : દાદા, આપને જ્ઞાન થયું એ કઈ તારીખ હતી ? દાદાશ્રી : એ સાલ તો અઠ્ઠાવનની હતી. પણ તારીખની, આપણને શું ખબર કે આની નોંધ કરવાની જરૂર પડશે ! અને કોઈ નોંધ માંગશે એવી યે ખબર નહીં ને ! મેં તો જાણ્યું કે આપણો હવે ઉકેલ આવી ગયો ! પ્રશ્નકર્તા : એનો ઉપયોગ મૂકીને શોધવું તો પડશે ! દાદાશ્રી : ના, ના, એ તો એની મેળે તારીખ જડવાની હશે તો જડશે ! આપણે ક્યાં ભાંજગડ કરીએ અત્યારે ?! પ્રશ્નકર્તા : એ ચોમાસું હતું ? દાદાશ્રી : ના, એ ચોમાસા ને ઉનાળા એ બેની વચ્ચેની સીઝન હતી. પ્રશ્નકર્તા : જુલાઈનો મહિનો હતો ? દાદાશ્રી : એ જુલાઈ નહીં, જૂન હતો. આપણને તો એવી પડેલી યે નથી. આપણે તો જે અજવાળું પડ્યું તેની પડેલી ! પ્રશ્નકર્તા : લોક પાછળથી પડાપડી કરશે ને ? દાદાશ્રી : પડાપડી કરશે ત્યારે નીકળશે ય ખરુંને ! કરશે ત્યારે નીકળશે ! પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રગટ થયું પછી જ્ઞાન-પ્રકાશ એટલો જ રહે કે વધ્યા કરે ? દાદાશ્રી : અમારે તો આ 'અનુભવ જ્ઞાન' છે. એમાં બે પ્રકારનો પ્રકાશ ના હોય, નિરંતર એક જ પ્રકારનો પ્રકાશ રહે. અમને આત્માનો સ્પષ્ટ અનુભવ હોય. જ્યાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે, પણ સ્પષ્ટ અનુભવ થઇ જાય એટલે એ જ્ઞાન પૂરું થઇ જાય. મને જે સુખ લાધ્યું, તે સર્વને લાધો ! પ્રશ્નકર્તા : અને આપને ધર્મપ્રચારની પ્રેરણા કોણે આપી ? દાદાશ્રી : ધર્મપ્રચારની પ્રેરણા બધી કુદરતી છે આ ! મને પોતાને જે સુખ ઉત્પન્ન થયું, એટલે ભાવના ઉત્પન્ન થઈ કે આ લોકોને સુખ ઉત્પન્ન થાવ આવું. એ જ પ્રેરણા ! મને લોકો કહે છે, 'તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો ? આ ઉંમર તો થઈ હવે ! સવારમાં ઉઠો છો ત્યાર પછી ચા પીતાં પીતાં દસ તો વાગી જાય છે.' અરે ભઈ, અમારે આ સ્થૂળને નથી કરવાનું, સૂક્ષ્મ થઈ રહ્યું છે બધું. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે ! હ્રદયો ભીંજવે, જ્ઞાની તણી કરુણા ! પ્રશ્નકર્તા : આપ વીતરાગીને લોક સંપર્કનો શું સંબંધ ? દાદાશ્રી : વીતરાગી ભાવ. બીજો કોઈ સંબંધ નથી. પણ તે તો આ અત્યારે વીતરાગ છે જ નહીં ને ! તમે જેને પૂછો છો એ વીતરાગ નથી અત્યારે ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગ છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ. અને કલ્યાણ માટે ખટપટ કરે. બાકી, વીતરાગીને ને જનસંપર્કને કશું લેવા-દેવા જ નથી ! વીતરાગી તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે, જરાય ખટપટ ના કરે ! પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાનાં કર્મ ખપાવવા ? દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ. વીતરાગીને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની. પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએને નિરાંતે ? સ્કૂલ ચાલુ કરી દઈએ છીએ ને ? તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છે ને ?! એટલે એ ભાવના છે અમારી. કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલાં બધાં દુઃખ !! દુઃખ છે નહીં ને નકામાં દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય. હવે અણસમજણ નીકળે ક્યારે ? કહેવાથી ના નીકળે. દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે !! તે અમે તો કરી બતાવીએ, એ મૂર્ત સ્વરૂપ કહેવાય. તે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. આપને કોની આરાધના ? પ્રશ્નકર્તા : લોકો દાદાનાં દર્શન કરવા આવે છે પણ દાદા કોની સેવાપૂજા કરે છે ? એમના આરાધ્ય દેવ કોણ છે ? દાદાશ્રી : મહીં ભગવાન પ્રગટ થયા છે, એમની પૂજા કરું છું ! અ-લૌકિક 'ભગવાન', દાદા ! દાદાશ્રી : પહેલાં ક્યારેય 'દાદા ભગવાન' જોયેલા ? પ્રશ્નકર્તા : આપનો ફોટો જ જોયેલો પણ પ્રત્યક્ષ આજે જોયા. દાદાશ્રી : એ 'દાદા ભગવાન' ક્યાં આગળ છે ? પ્રશ્નકર્તા : આ રહ્યા. દાદાશ્રી : આવાં હોતા હશે, દાદા ભગવાન ? દાદા ભગવાન આવાં ન્હોય. આ તો જુઓને, કેવાં કપડાં-બપડાં પહેર્યાં છે ! પ્રશ્નકર્તા : તો એ કેવાં હોય ? દાદાશ્રી : દાદા ભગવાન તો અલૌકિક વસ્તુ છે. દાદા ભગવાન એટલે ચૌદ લોકનો નાથ ! અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ !!! પ્રશ્નકર્તા : 'દાદા ભગવાન' શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ? દાદાશ્રી : દાદા ભગવાનને માટે ! મારે માટે નથી. હું તો જ્ઞાની પુરુષ છું. પ્રશ્નકર્તા : કયા ભગવાન ? દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાં ય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલા. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં વ્યક્ત થયેલા છે. તે વ્યક્ત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તો ય કામ નીકળી જાય એવું છે, પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય. અને સાંસારિક ચીજોની જો અડચણ હોયને તો ય અડચણ દૂર થઈ જાય. પણ એમાં લોભ નહીં કરવાનો અને લોભ કરવા જાય તો પાર જ ના આવે. આપને સમજ પડી, દાદા ભગવાન શું છે એ ? હું ને 'દાદા ભગવાન' નહીં એક રે ! પ્રશ્નકર્તા : તો આપ ભગવાન કેવી રીતે કહેવડાવો છો ? દાદાશ્રી : હું પોતે ભગવાન નથી. ભગવાનને, દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર છું અને દાદા ભગવાન ત્રણસોને સાઠ ડિગ્રીએ છે. તે મારે ચાર ડિગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા : એ શા માટે ? દાદાશ્રી : કારણ કે, મારે તો ચાર ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશેને ? ચાર ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે ? 'ભગવાન' કેમ ? પ્રશ્નકર્તા : તો પણ આપશ્રીને લોકો 'દાદા ભગવાન' કેમ કહે છે ? દાદાશ્રી : તે 'આપશ્રી' તમે કોને ઓળખો છો ?! આ જે દેખાય છે તેમને કહો છો ? તમે તો એને જ ઓળખોને ? 'આપશ્રી' મને કહો છોને, એ શું છે ? આ જે દેખાય છે એ તો ભાદરણ ગામના પટેલ છે અને 'કોન્ટ્રાક્ટ'નો ધંધો કરે છે. 'દાદા ભગવાન' તો અંદર જે વ્યક્ત થયા છે, આત્મા વ્યક્ત થયો, પ્રગટ થયો, એ 'દાદા ભગવાન' છે. જેને સંસારીઓ 'પ્રગટ પુરુષ' કહે છે ! અહીં વ્યક્ત થયેલા છે અને તમારામાં અવ્યક્તપણે રહેલા છે. એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારામાં પણ વ્યક્ત થયા કરે. આ 'એ. એમ. પટેલ' મહીં પ્રગટ થઈ ગયેલા 'દાદા ભગવાન'ની રાત-દહાડો ભક્તિ કરે છે અને હજાર-હજાર વાર એમને નમસ્કાર કરે છે. પ્રશ્નકર્તા : આપને ભગવાન થવાનો મોહ ખરો ? દાદાશ્રી : મને તો ભગવાન થવું, એ તો બહુ બોજારૂપ લાગે. હું તો લઘુતમ પુરુષ છું. આ વર્લ્ડમાંય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે !! પ્રશ્નકર્તા : ભગવાન થવું ના હોય તો પછી આ ચાર ડિગ્રી પૂરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો ? દાદાશ્રી : એ તો મારે મોક્ષે જવા માટે. મારે ભગવાન થઈને શું કાઢવાનું ? ભગવાન તો ભગવત્ ગુણો ધરાવતા હોય, એ બધાય ભગવાન થાય. ભગવાન એ વિશેષણ છે. ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને લોકો એને ભગવાન કહે જ. પ્રશ્નકર્તા : આપે એક જગ્યાએ એવું કહ્યું છે કે જ્ઞાની પુરુષને ભગવાનનું વિશેષણ આપવું એ એમને હીણપદ આપ્યા બરાબર છે. દાદાશ્રી : હીણપદ જ કહેવાય. જ્ઞાની પુરુષ તો બહુ ઊંચી જગ્યાએ કહેવાય. ભગવાન તો અહીં સાધારણ માણસો ય કહે છે કે હું ભગવાન છું. 'દાદા ભગવાન'નું સ્વરૂપ શું ? પ્રશ્નકર્તા : દાદા ભગવાનનું સ્વરૂપ શું છે ? દાદાશ્રી : દાદા ભગવાનનું સ્વરૂપ કયું ? ભગવાન, બીજું શું ? જેને આ વર્લ્ડમાં કોઈ પણ જાતની મમતા નથી, જેને અહંકાર નથી, જેનામાં બુદ્ધિ નથી, એ દાદા સ્વરૂપ !! પ્રશ્નકર્તા : દાદા ભગવાન એટલે સિદ્ધાત્મા કહેવાય ? દાદાશ્રી : દાદા ભગવાન સિદ્ધ ક્યારે કહેવાય ? આ દેહ છૂટે ત્યારે સિદ્ધ કહેવાય. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી આ દેહનો બોજો છે. ત્યાં સુધી સિદ્ધ ના કહેવાય. આ દેહ છૂટે એટલે સિદ્ધ કહેવાય. આત્મજ્ઞાનથી ઉપર ને કેવળજ્ઞાનથી નીચે ! જ્ઞાની પુરુષને કેવળજ્ઞાન ચાર ડિગ્રીએ અટકયું છે અને આત્મજ્ઞાનની ઉપર ગયું ને કેવળજ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નહીં. ત્યારે એમાં વચલા ગાળામાં આ જે જ્ઞેયો છે ને, તે જગતને ખબર ન હોય. આમાં આ અમે જે બોલીએને, તે એક વાક્ય ખબર ન હોય, ભાનેય ના હોય. એમ બોલ્યા પછી બુદ્ધિથી પાછું સમજાય એને, ના સમજાય એવું નથી. બુદ્ધિ એ પ્રકાશ છે, તે પ્રકાશથી સામાનું બોલેલું સમજાય કે વાત કરેક્ટ છે. પણ ફરી પાછું એને યાદ ન આવે, ફક્ત જ્ઞાની પુરુષનું વાક્ય છે એટલે એનામાં વચનબળ હોવાથી અમુક ટાઈમ હાજર થાય. જ્યારે ખરો ટાઈમ આવેને ત્યારે એ વાક્ય હાજર થાય, એ વચનબળ કહેવાય. ચાર ડિગ્રીએ, ઊણાં કેવળજ્ઞાન ! એટલે અમારે કેવળજ્ઞાન અટક્યું છે. ત્રણસો સાઠ ડિગ્રીનું કેવળજ્ઞાન આપું છું તમારા હાથમાં, પણ પચતું નથી આ કાળમાં. અને મને જ ત્રણસોને છપ્પન ડિગ્રીએ ઊભું રહ્યું છે. ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી થઈને ત્રણસોને છપ્પન ડિગ્રી આવ્યું. હું સેન્ટરમાં બેઠેલો પુરુષ છું. એટલે મારે કોઈ ધર્મવાળા જોડે મતભેદ ના હોય ! પ્રશ્નકર્તા : આપનું દર્શન ક્યાં સુધીનું ગણાય ? દાદાશ્રી : કેવળદર્શન ! પ્રશ્નકર્તા : આપ લોકાલોકમાં કયાં સુધી જોઈ શકો ? દાદાશ્રી : અમે અલોકને ય જોઈ શકીએ ને લોકને ય જોઈ શકીએ. પણ અમારું દર્શન ઠેઠ કેવળદર્શન છે, પણ કેવળજ્ઞાન નથી. હવે દર્શન અને જ્ઞાનમાં ફેર શું ? ત્યારે કહે, 'સમજમાં આવે પણ જ્ઞાનમાં ન આવે !' પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન અને આપે પ્રાપ્ત કરેલા જ્ઞાન વચ્ચે કેટલું અંતર છે ? દાદાશ્રી : ચાર ડિગ્રીનું ! કેવળ જ્ઞાન હું આપી શકું ખરો, પણ મને પચતું નથી અને તમને ય પચે નહીં, ચાર ડિગ્રીનું અંતર છે એટલે ! પ્રશ્નકર્તા : આપશ્રીને કેટલાં પ્રમાણમાં જ્ઞાન થયું છે ? દાદાશ્રી : તે આ પ્રમાણમાં આવી ગયું ને, આ ચાર ડિગ્રી ઓછી કહ્યું એટલે ! પ્રશ્નકર્તા : આપ કહો છો કે મને હજુ ચાર ડિગ્રી બાકી છે, એટલે શું ? દાદાશ્રી : અમારે હજુ ચાર ડિગ્રી બાકી છે. અમે એટલે જ્ઞાનીને ! ચાર ડિગ્રી બાકી એટલે અત્યારે ત્રણસોને છપ્પન ડિગ્રી છે અને ભગવાન ત્રણસોને સાઠ ડિગ્રીના છે. આ આખું કુંડાળું ફરી વળે ત્યારે ત્રણસો સાઠ ડિગ્રી થાય. અમારે ચાર ડિગ્રી ઓછી છે. છતાં ત્રણસો સાઠ ડિગ્રી પૂરી કરી સેન્ટરમાં જઈને પછી પાછી ચાર ઓછી થઈ ગઈ ! એટલે જોઈ આવ્યો ખરો બધુંય, પણ ચાર ડિગ્રી અમારે ઓછી છે ! અને મહીં ભગવાન છે તે સંપૂર્ણ છે. એટલે હું યે દાદા ભગવાનને નમસ્કાર કરું છું, શા માટે ? મારે ચાર ડિગ્રી પૂરી કરવા ! નાપાસ ? પ્રશ્નકર્તા : આપને કેવળી કહેવાય ? દાદાશ્રી : ના. કેવળી ના કહેવાય. કેવળી ત્રણસો સાઠ ડિગ્રી હોય તેને કહેવાય. અમે ત્રમસો છપ્પન ડિગ્રી ઉપર છીએ. પ્રશ્નકર્તા : એ ચાર ડિગ્રી ઓછી કેવી રીતે ? દાદાશ્રી : ચાર ડિગ્રી ઓછી રહી, કેવળ જ્ઞાનમાં હું નાપાસ થયો તેથી તો અહીં તમારે કામ લાગ્યો. જગત જોયું પણ જાણ્યું નહીં પૂર્ણ ! અમે કેવળ જ્ઞાનમાં નાપાસ થયેલા માણસ છીએ. પ્રશ્નકર્તા : ચાર અંશ એ કયા ચાર અંશ ? દાદાશ્રી : આ જે દેખાય છે, આ ચારિત્રમોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્ચ્છા ના હોય, છતાં સામાને દેખાય છે માટે એટલાં અંશ બાદ થઈ જાય છે. અને બીજું, મને જગત સમજાય છે ખરું, પણ જાણ્યામાં નથી આવ્યું હજુ. કેવળ જ્ઞાન એટલે જાણ્યામાં આવવું જોઈએ. આ તો સમજવામાં આવી ગયું છે. પ્રશ્નકર્તા : એનો ભેદ કેવી રીતે કરવો, જાણવામાં ના આવ્યું હોય તે ? દાદાશ્રી : સમજવામાં આવ્યું છે, જાણ્યામાં નથી આવ્યું. જાણ્યામાં આવ્યું હોત તો કેવળ જ્ઞાન કહેવાત. સમજવામાં આવ્યું એટલે કેવળ દર્શન કહેવાય છે. પ્રશ્નકર્તા : આ જાણ્યું નથી, પણ સમજમાં આવ્યું છે, એ જરા સમજાયું નહીં. દાદાશ્રી : સમજમાં એટલે આ જગત શું છે, કેવી રીતે ઉત્પન્ન થયું, મન શું છે, મનના ફાધર-મધર કોણ છે, આ બુદ્ધિ શું છે, આ ચિત્ત શું છે, અહંકાર શું છે, માણસનો જન્મ શાથી થાય છે, ફલાણાનો જન્મ કેમ થાય છે, આ બધું કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, ભગવાન ચલાવે છે કે બીજું કોઈ ચલાવે છે, હું કોણ છું, તમે કોણ છો, એ બધી જ વાત અમારી સમજમાં આવી ગયેલી હોય. અને દિવ્યચક્ષુથી આત્મા બધે જ દેખાતો હોય, દરેક જીવમાત્રમાં દેખાતો હોય. એટલે બધું સમજમાં આવી ગયેલું હોય, એટલે એને કેવળ દર્શન કહીએ છીએ. જગદ્શિષ્ય દાદા ! પ્રશ્નકર્તા : આમાં આપ આપને કઈ કોટીમાં માનો છો ? દાદાશ્રી : હું મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી અને દાદા ભગવાન એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે ! ઈષ્ટદેવ કોણ ? પ્રશ્નકર્તા : તમે કયા ભગવાનને માનો છો ? દાદાશ્રી : મારી મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાનને. પ્રશ્નકર્તા : ભગવાન તમારામાં જ કેમ પ્રગટ થયા ? દાદાશ્રી : હું ઘણાં વખતથી એ બાજુ ચાલું છું ને તમે તે બાજુ ચાલતાં નથી તેથી. ભગવાનનેય ભાવી આ ભૂમિકા ! મેં કહ્યું હતું એક ફેરો ભગવાનને કે, 'તમને ના ફાવતું હોય તો જાવ બીજી જગ્યાએ.' ત્યારે કહે, 'કોને ત્યાં જઉં પણ ? આવી જગ્યા જ નથીને બીજે ! તો જઉં યે કોને ત્યાં ?' અમારી પ્રકૃતિ ભૂલરહિત હોય, કોઈને ભૂલ જડે નહીં. કારણ કે ભૂલ વગરની પ્રકૃતિ હોય. અમારે ભૂલ કઈ હોય ? સ્થૂળ ભૂલ ના હોય, સૂક્ષ્મ ભૂલ ના હોય, પછી સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ ભૂલો, જે જગતના કોઈ પણ જીવને નુકસાન ના કરે એવી ભૂલો અમને રહે. પરમાત્માએ પોતે પાથર્યા પ્રકાશ ! અને મહીં ચૌદલોકનો નાથ પ્રગટ થયો છે, એની ગેરેન્ટી હું આપું છું. કારણ કે એ હજુ મને હઉ ચેતવે છે, મારી ભૂલ દેખાડે છે હજુ ય ! મારી ભૂલો કઈ ? સૂક્ષ્મતમ ભૂલો, જે જગતને નુકસાનકર્તા ના હોય તો ય ભૂલ ગણાતી હોય, એ ભૂલો બતાવે, ત્યારે એ ચૌદલોકનો નાથ કેવો હશે તે ? એટલે આવો નાથ અમે જોયેલો, એટલે અમારે નાથ થવાની ઈચ્છા જ નહીં થયેલી ! ભગવાન થવાની ઈચ્છા જ નથી થયેલી ! આવા ભગવાન મળ્યા પછી આપણે શું કામ ભગવાન થઈએ ?! આ જવાબદારીમાં કોણ પડે ?! પ્રશ્નકર્તા : તમે જવાબદારીમાંથી છટકી તો શકશો નહીં. દાદાશ્રી : ના, છટકી શકવાની એ વાત નહીં. પણ આ ભગવાન તરીકેની જવાબદારી, એ નકામી જવાબદારી કોણ લે ? મહીં છે ભગવાન, એ ના હોય તો લેવી પડે ! મહીં ભગવાન પ્રગટ ના થયા હોત તો લેવી પડે. પ્રગટ થયા છે પછી શું કરવા એ જવાબદારી લઈએ ? ઘરમાં શેઠ બેઠા હોય તો પછી આપણે શેઠાઈ કરીને કામ જ શું છે ? છો ને, શેઠ કર્યા કરશે !!! ચૌદલોકનો નાથ અમારી મહીં પ્રગટ થયો, પૂર્ણ પ્રગટ થયો છે. છતાં એ પદ મારું નથી એમ કહીએ છીએ, એનું શું કારણ ? કે અમારામાં કિંચિત્માત્ર પણ દોષો જે છે, જેને આ જગત સમજી ના શકે એવા દોષને, એ સૂક્ષ્મતમ દોષો, તે પણ 'એ' અમને દેખાડે છે. સૂક્ષ્મતમ બધા જ દોષો દેખાડે, એકેય બાકી ના રહે. એટલે 'એ' દેખાડનાર છે અને 'અમે' જાણનાર છીએ. એમના દેખાડવાથી અમે આ દોષને જાણ્યો. તેના ઉપરથી હું જાણું કે આ 'એ' પોતે પ્રકાશ આપનારા કેવા હશે ? એટલે મહીં છે એ પૂર્ણ અવતાર છે, પૂર્ણ દશા છે ! ચૌદલોકનો નાથ છે, પૂર્ણ પ્રગટ છે ! અને તે અમને બધા દોષ દેખાડ્યા વગર રહે નહીં. આ તમને તમારી સ્થિતિ પ્રમાણે એ પ્રગટ થાય. અને તે પ્રમાણે તમને દેખાડે. એટલે અમારી એક પણ સ્થૂળ ભૂલ નથી, એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. અમારી જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એ ભૂલો, જે વર્લ્ડમાં કોઈને નુકસાન ન કરે એવી ભૂલો, તેનો પ્રકાશ મને આ દેખાડે છે ! તેના પરથી હું જાણું કે આ 'એ' પોતે પ્રકાશ આપનાર કેવા હશે ! જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી પૂર્ણ દશા પોતાની કહેવાય નહીંને ! એ બધા જ દોષો જાય ત્યારે એ દશા ઉત્પન્ન થાય પોતાની, ત્યાં સુધી ભલે ગમે તે સૂક્ષ્મતમ દોષ હોય પણ દોષ છે ત્યાં સુધી એ દશા પોતાની કહેવાય નહીં. પોતાનું કહેવું એ જોખમ છે. લોકોને સમજણ ના હોય તો જોખમદારી લે, પણ સમજણવાળો તો કોઈ જોખમદારી લે નહીંને ! વર્ત્યા જીવ માત્ર જોડે અભેદ ! પ્રશ્નકર્તા : આપ જે કહો છો કે મહીં ચૌદલોકનો નાથ પ્રગટ થઈ ગયો, તો એ ચૌદલોકનો નાથ જ આપને અનુભવમાં આવે છે એ કઈ રીતે અનુભવમાં આવે છે ? દાદાશ્રી : એકતા લાગવી જોઈએ, જગતના જીવમાત્ર જોડે એકતા લાગવી જોઈએ. ભેદાભેદ ના લાગવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે આમ સ્પષ્ટ એકતા લાગે આપને ? દાદાશ્રી : એકતા જ લાગ્યા કરે. એટલે કોઈનો દોષ કશું દેખાય નહીં, નિર્દોષ જ દેખાય બધું. એ જ પૂર્ણ દશા ! પૂર્ણ દશા એટલે શું કે આ બધું નિર્દોષ જોયું પછી અનંત શક્તિઓ હોય પાર વગરની. પ્રશ્નકર્તા : એ શક્તિઓ કેવી હોય ? આપણને એ શક્તિઓની બધી ખબર પડેને ? દાદાશ્રી : બધી બહુ શક્તિઓ હોય. પણ એ બધી આ સંસારમાંથી મુક્ત કરનારી શક્તિઓ હોય. આવી સંસારી શક્તિઓ નહીં. એટલે બધાને અડચણ હોય તો તે પ્રમાણે કાઢી આપેને, કે ભઈ, તું આમ કરજે, તું આમ કરજે. પ્રશ્નકર્તા : એટલે શક્તિઓ આપને અનુભવમાં આવે ? દાદાશ્રી : બધી અનુભવમાં આવે અને પ્રગટ થાય. ચૌદલોકના નાથની ખબર ?! પ્રશ્નકર્તા : મહીં પ્રગટ થયેલા છે તો એનો અનુભવ આમ એની સ્વસત્તાને લીધે રહે ? દાદાશ્રી : નહીં, બધા જોડે અભેદતા લાગવી જોઈએ. પ્રશ્નકર્તા : ચૌદલોકનો નાથ પ્રગટ થયો ત્યારે તમને ખબર પડી, એ શેનાથી ખબર પડી ? એ વખતે શું અનુભવ થયો ? દાદાશ્રી : બધા જ અનુભવ થાયને ! એ દશાની શક્તિ પોતાને ઉત્પન્ન થયેલી દેખાય ને ! એ શક્તિઓ બધી સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થતી દેખાય. પણ જગતને કામનું નહીં. જગત તો પૌદ્ગલિક વસ્તુ ખોળે. પણ જો કદી અહીં સમજીને દર્શન કરી જાય તો એનું કલ્યાણ થઈ જાય. આ ચૌદલોકનો નાથ પ્રગટ થયો છે. આ સિવાય બીજી જગ્યાએ નથી, એવું જો સમજીને દર્શન કરી જાય તો કલ્યાણ થઈ જાય. અભેદભાવે વિશ્વમાં ! અહીં બધા ખુલાસા થવા જોઈએ. 'તમે' ને 'હું' એક જ છીએ, પણ તમને ભેદ લાગે છે. મને ભેદ નથી લાગતો, કારણ કે ભેદબુદ્ધિથી ભેદ દેખાય છે. 'હું ચંદુભાઈ છું' એ ભેદબુદ્ધિ હજી ખરીને તમને ? તમારી ભેદબુદ્ધિ જતી રહી છે ? પ્રશ્નકર્તા : ના, દાદા. દાદાશ્રી : એટલે જ, તે ભેદબુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી ભેદ લાગ્યા કરે. આ જુદો ને એ જુદો. મારે અભેદબુદ્ધિ થયેલી, તમારો આત્મા જ હું છું, આમનો આત્મા હું જ છું, પેલાનો આત્મા હું જ છું, બધાનામાં હું જ બેઠેલો છું, એટલે બધા જોડે ભાંજગડ ક્યાં રહી ? આખું વર્લ્ડ મારામાં છે અને હું વર્લ્ડમાં છું. બધા મારા, હું બધાનો ! એટલે મને આખા જગતમાં જુદો કોઈ લાગતો જ નથી. અહીં આવ્યા છે એટલે જ મારાં છે એવું નહીં. આ બધા જ મારાં છે ને હું બધાનો છું ! ગુરુ-લઘુ ભાવોમાં અભેદભાવે ! અમે આ જગતમાં બે ભાવે રહીએ છીએ, લઘુતમ ભાવ અને અભેદભાવ. આ બે જ અમારી મુખ્ય બાઉન્ડરી છે. અમે વ્યવહારથી લઘુતમ ભાવે રહીએ છીએ. આ મન-બુદ્ધિ- ચિત્ત-અહંકાર જે બધું છે તે અંતઃકરણ અને ક્રોધ-માન-માયા-લોભ એ બધો વ્યવહાર છે. વ્યવહારથી અમે લઘુતમમાં છીએ. નિશ્ચયથી અમે શું છીએ ? ગુરુતમ ભાવમાં છીએ. અને આમ સ્વભાવે કરીને અભેદ સ્વરૂપ છીએ. તમારાથી અમે જરાય જુદા પડ્યા નથી કે આમનાથી ય જુદા નથી પડ્યા કે કોઈનાથી જુદા નથી પડ્યા. મોટા આચાર્યોથી ય જુદો નથી કે આ કોઈ ગધેડો જાય છે તો એનાથી ય જુદા નથી. એ સમજાય છે મારી વાત ? બંને ઠામે રહું ! હું તમારી સાથે વાતચીત કરી શકું છું એટલે સંસારમાં ય રહી શકું છું અને હું મારા પોતાનામાં ય રહી શકું છું. બેઉ કરી શકું છું. આ સંસારની ક્રિયાઓ બધી કરવાની હોય છે, તે ય કરું છું. સંસારમાં યે રહેવાય ને આત્મામાં યે રહેવાય ! જ્ઞાની પુરુષ પાસે બધું 'વિજ્ઞાન' હોય, એ શાસ્ત્રમાં ના હોય. શાસ્ત્રમાં તો આ બધું છોડ્યે જ છૂટકો થાય. આશ્ચર્ય, અસંયતિ પૂજાનું ! એક ક્ષણ માટે પણ, અમને અમારા સ્વરૂપ સિવાય એક પણ સંસારી વિચાર આવે નહીં. અમારી ઈચ્છા ખરી કે બધા અમારા આ સુખને પામો. સંસારમાં ના રહ્યો કોને કહેવાય, કે જેને પર ઉપયોગ જ ના હોય તેને. હું એક ક્ષણવાર પણ સંસારમાં રહેતો નથી. જ્યાં સંસારમાં રહેતા ના હોય ત્યાં મોક્ષ મળે. એમની કૃપાથી શું ના મળે ? માનનો મોહ ! પ્રશ્નકર્તા : પૂર્વજન્મના આપનાં આટલાં બધાં સારાં કર્મો હતાં, તો ય આપને આટલી બધી પાછલી ઉંમરમાં કેમ જ્ઞાન થયું ? પહેલાં કેમ ના થયું ? દાદાશ્રી : એવું છે ને અમારું મોહનીય કર્મ પૂરું થાય ત્યારે જ્ઞાનાવરણ તૂટે. જ્ઞાનનું આવરણ ક્યારે તૂટે ? મોહનીય કર્મ પૂરું થાય ત્યારે. અમને શેનો મોહ હતો ? અમને કોઈ પ્રકારનો મોહ નહોતો. પૈસા આપો કે વિષય, કોઈ મોહ નહોતો. એક માનનો જ મોહ ! કર્મોનો અભાવ ! પ્રશ્નકર્તા : આપને કેટલાં કર્મોનો અભાવ હોય ? દાદાશ્રી : અમને બધાંય કર્મોનો અભાવ હોય. ફક્ત આ દેહના પોષણ માટે જરૂર હોય તેટલું હોય. તે કર્મ પણ સંવરપૂર્વકની નિર્જરારૂપે હોય. બીજો કોઈ અમને વિચાર જ ના હોય. પ્રશ્નકર્તા : એટલે તમને અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટેલું હોય ? દાદાશ્રી : બધું ય પ્રગટ થઈ ગયેલું હોય. ફક્ત ચાર ડિગ્રી જ કમી હોય. જેટલું કેવળ જ્ઞાનીને જ્ઞાનમાં દેખાય એટલું અમને સમજમાં આવી ગયું હોય. પેલું કેવળ જ્ઞાન કહેવાય, અમારું કેવળ દર્શન કહેવાય. એટલે અમે કહીએ છીએ કે આખા જગતને વિશે અહીં આગળ પૂછી શકાય. જ્ઞાની પ્રગટ આત્મરૂપે વર્તે ! પ્રશ્નકર્તા : આ ત્રણ દિવસથી આ એકનો એક જ વિચાર ઘોળાયા કરે છે કે તમે સવારથી સાંજ સુધી, પંચોતેર વર્ષની ઉંમરે આમ ને આમ બેઠા છો. અને મને અહીંયા બેસતાં કેટલીય વખત આમ આમ કરવું પડે છે દોઢ કલાકમાં, તો આપની એ કઈ શક્તિ ? દાદાશ્રી : આ શરીર જૂનું છેને, પણ બીજું અંદર બધું જ જુવાન છે. એટલે એક જ જગ્યા ઉપર બેસીને દસ કલાક હું બોલી શકું છું. આ લોકોએ એવું જોયેલું. કારણ કે આ દેહ ભલે આવો દેખાય છે, પંચોતેરની અસરવાળો, વાળ અસરવાળા છે, પણ મહીં બીજું બધું યુવાન છે. એટલે કંઈક જ્યારે આ શરીર ઉપર આફત આવે છે ત્યારે લોકોને હું કહું છું કે, 'ભડકશો નહીં, આ છૂટવાનું નથી. મહીં જુવાન છે હજુ તો !' એટલે પેલાને સ્થિરતા આવે છે. કારણ કે અમારી સ્થિતિ અંદર જુદી છે. એક મિનિટ પણ હું થાકતો નથી. હમણે રાતના સાડા ત્રણ વાગ્યા સુધી અમારી જોડે બેસનાર જોઈએ ! બાકી આમ ફ્રેશનેસ કોઈ દહાડો ગઈ નથી. તમે જ ફ્રેશ રહેશોને, પછી તમને હઉ એવું લાગશે કે દાદાએ અમને ફ્રેશ બનાવ્યા ! પ્રશ્નકર્તા : દાદા, ઉંમર થઈ છે તો ય ? દાદાશ્રી : તો ય ! ઉંમર તો આ દેહની થઈને ! આપણી ક્યાં ઉંમર થવાની છે ?! અને બીજું શું ? કે તમને બધાને સાયકોલોજિકલ ઈફેક્ટ હોય. અમને કોઈ જાતની સાયકોલોજિકલ ઈફેક્ટ ના હોય કે 'મને તાવ આવ્યો છે.' એ કોઈ પૂછે તો મોઢે બોલીએ, પણ પછી ભૂંસી નાખીએ પાછું. એટલી જાગૃતિ હોય ! પ્રશ્નકર્તા : પણ અહીં તો ઘણીવાર સાયક્લોન આવતાં હોય છે, વાવાઝોડાં અમારે આવતાં હોય છે. પછી ભૂંસવા જઈએ તો હાથેય નથી ચાલતો. દાદાશ્રી : એ પણ અમે જોયેલાંને, એ અનુભવેલાંને ! અડતાલીસ વર્ષની ઉંમર સુધી એ બધું અનુભવેલું. એટલે મને એ બધો ખ્યાલ છે. એટલે મારા મનમાં એમ જ થાય કે આ આમ જ હોય, બરોબર છે ! એટલે કોઈને વઢ્યો નથી ને કોઈને વઢવા જેવું ય નથી ! જ્ઞાની પુરુષ, અહો પ્રતિ પળે ફ્રેશ ! પ્રશ્નકર્તા : આપ આદર્શ સૌંદર્યરૂપી છો, એટલે દરેક પળે પળે નવી અનુભૂતિ આપો છો. દાદાશ્રી : પંદર-પંદર વર્ષથી સત્સંગમાં આવે છે તે મહાત્માઓને અમે કોઈક દહાડો પાછાં પૂછીએ કે 'તમને ગઈકાલે દાદા હતા, એ જૂના નથી થતા કોઈ દહાડોય ? ત્યારે કહે, 'ના, દાદાને કાયમ ફ્રેશ જોઈએ છીએ. બીજી બધી ચીજો જૂની થયા કરે, આ જૂની ના થાય એ મોટું આશ્ચર્ય છે !' પ્રશ્નકર્તા : એનું કારણ શું ? દાદાશ્રી : બધું ફ્રેશ, આ વાણીએ ફ્રેશ ! જે પોતાની આત્મમસ્તી કહે છેને એ ય ફ્રેશ, નવી જ જાતની ! જોનારને એમ થાય કે શું આ બેઠા છે ! એમના કોઈ ભગવાન જેવા ય ઉપરી નથી ?! હવે એને જગત ખુમારી કહે. શબ્દ તો જોઈએને ! હવે ખરેખર આ ખુમારી નથી હોતી. પણ એ એને એમ લાગે કે કંઈ જાતની ખુમારી આ ! 'હું' 'મારા'માં, ને'પટેલ' જગત કલ્યાણની વિધિમાં ! ઘણો ખરો ટાઈમ 'હું' 'મૂળ સ્વરૂપ'માં રહું છું, એટલે આ દેહના 'પાડોશી' તરીકે રહું છું અને થોડોક જ ટાઈમ 'આ'માં આવું છું. 'મૂળ સ્વરૂપ'માં રહું એટલે પછી ફ્રેશનેસને કશું અડે જ નહીંને ! ને રાતે ય કોઈ દહાડો ઊંઘ્યો નથી. પાએક કલાક જરા મટકું વાગી જાય એટલું જ, બે વખત થઈને પા કલાક, બાકી ફક્ત આંખ મીંચેલી હોય. આ કાને જરા ઓછું સંભળાય એટલે પેલા સમજી જાય કે દાદાજી ઊંઘી ગયા છે ને હું યે સમજું બરોબર છે. મારે વિધિઓ હોય બધી, તે 'હું' મારામાં હોઉં અને 'એ.એમ.પટેલ' વિધિમાં હોય. એટલે આ જગતનું કલ્યાણ કેમ થાય એની વિધિ બધે કર્યા કરે. એટલે એ નિરંતર વિધિઓમાં હોય, દહાડેય હોય ને રાતેય હોય !!! ગુરુપૂનમે પૂર્ણદશાએ ખીલે, આતમચંદ્ર ! આપણે ત્યાં ત્રણ દિવસ ઉત્તમ, એક બેસતુ વર્ષ ના દિવસે, એક આ જન્મ જયંતી અને આ ગુરુ પૂર્ણિમા. તે દહાડે બીજા જોડે ભાંજગડ ના હોયને, એટલે અમે પેલા પૂર્ણ સ્વરૂપે એકાકાર હોઈએ ! હું પેલા સ્વરૂપની અંદર એકાકાર હોઉં, એટલે ફળ તેનું મળે ! તેથી દર્શન કરવાનું માહાત્મ્યને ! 'આવો ચંદુભાઈ, આવો ફલાણાભાઈ' એવું કશું ડખો નહીંને ! કશી ભાંજગડ જ નહીં ને ! એટલે આ ત્રણ દિવસ ઉત્તમ. બોલે છે તે છે ટેપરેકર્ડ ! દાદાશ્રી : આ કોણ બોલે છે ? આપની સાથે કોણ વાત કરે છે ? પ્રશ્નકર્તા : એ જ્ઞાન તો મને નથી ખબર ! દાદાશ્રી : એટલે આ 'હું' તમારી જોડે વાત નથી કરતો. 'હું' તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. 'હું' મારા ક્ષેત્રમાં જ રહું છું. આ તમારી જોડે વાત કરે છે એ તો રેકર્ડ વાત કરે છે, કમ્પ્લીટ રેકર્ડ છે. એટલે બીજી રેકર્ડ ઊતરી શકે છે. આ યે મિકેનિકલ રેકર્ડ છે બિલકુલ. તમે બોલો છો તે ય રેકર્ડ છે. પણ તમને એ રેકર્ડનો ઈગોઈઝમ છે કે હું જ બોલ્યો. આ જે બધા બોલ બોલ કરે છે ને, તે 'પોતે' ઈગોઈઝમ જ કરે છે. આ ટેપરેકર્ડ શું બોલે છે, એ જોયા કરીએ ને જાણ્યા કરીએ, બસ ! એમાં ખરા- ખોટાનીય પછી જોખમદારી નહીં. કારણ કે ટેપરેકર્ડ બોલે છે. હું તો જાણનાર છું, હું જુદો છું. છતાં બનતાં સુધી આ ટેપ બહુ ઊંચા પ્રકારની છે ! એટલે આ દેખાય છે ને એ ભાદરણના પટેલ છે અને આ જે બોલે છે ને એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે ! અને મહીં દાદા ભગવાન પ્રગટ થયેલા છે, તેની સાથે રહું છું. એકતાથી ! અને કોઈ વખત બહાર નીકળીને અંબાલાલ સાથે ય એકતાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. અંબાલાલ સાથે ય આવવું પડે. અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય આ અને નહીં તો મહીં પોતે અભેદ રહે ! જુદા ક્યારે ? કેમ ? જ્ઞાનમાં વાક્યો જે બોલે છે, એમને વ્યવહારમાં 'જ્ઞાની' કહેવાય છે. અને મહીં પ્રગટ થયા છે એ વગર તો જ્ઞાનવાક્યો નીકળે નહીં. મહીં પ્રગટ થયા છે એ 'દાદા ભગવાન' છે. અમારે પણ એ પદ લેવું છે, એટલે અમે પણ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરીએ. અમુક ટાઈમ અમે દાદા ભગવાન જોડે અભેદ રહીએ, તન્મય રહીએ. અને વાણી બોલતી વખતે મહીં 'ભગવાન' જુદા ને 'અમે' જુદા. જ્યારે સત્સંગની વાત ચાલે છે, ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે અને નહીં તો છે તે બહુ અભેદભાવે રહું છું. બન્ને ભાવ રીતે, ભેદભાવે અને અભેદભાવે બન્ને રીતે હું રહું છું. સંપૂર્ણ વીતરાગ અભેદભાવે જ રહેતા હતા. એટલી અમારી કચાશ કે આટલો ભેદ જરા રહે છે, તો આ બધાની જોડે આ સત્સંગ કરું છું. અડી જશે તેનું ય કલ્યાણ ! એટલે આ 'દાદા' ન્હોય, આ દેખાય છે એ તો ભાદરણના પટેલ છે. એ બોલે છે તે ય 'દાદા' નહીં, એ તો 'ટેપરેકર્ડ' બોલે છે. 'દાદા' એ 'દાદા' છે ! જે વીતરાગ છે, ચૌદ લોકનો નાથ છે !! જેને 'અમે' પણ ભજીએ છીએ. જે મહીં વીતરાગ બેઠા છે તે 'દાદા' છે. આ તો મહીં પ્રગટ થઇ ગયા છે ! કેટલાંય લોકોનું કલ્યાણ થઇ જશે. હાથ અડાડશે ને તેનું કલ્યાણ થઇ જશે ! આ 'અક્રમ વિજ્ઞાન' છે. અત્યારે ક્રમિક ચાલે એવું નથી. પ્રગટની ઓળખાણ ! પ્રશ્નકર્તા : દાદા, દાદાનાં દર્શન કેવી રીતે કરે ? દાદાશ્રી : અમને તો સહેજે દર્શન થયા કરે. અમારે એમાં જ રહેવાનું એટલે દર્શન જ થાયને ! રહેવાનું જ બહાર નહીંને ! પ્રગટ થયા તે જ સાચું ને ! પ્રગટ ના થયા એ ઘરને શું કરવાનું ? પ્રગટ થયા, તે ઘર સાચું ને ? અને પછી પ્રગટ થયેલો દીવો હોય, ત્યાં આગળ આપણે કોડિયું અડાડીએ તો આપણું કોડિયું સળગતું થાય. અજવાળાનો દીવો કોઈ ફેરો થતો નથી. આ તો સુરતના સ્ટેશને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થઈ ગયા ને આ કુદરતી રીતે ઉત્પન્ન થયું છે. ધીસ ઈઝ બટ નેચરલ. તો પછી એનાથી, જેટલાં દીવા કરવા હોય તેટલાં થાય. પણ દીવો જ ના હોય તો કેવી રીતે થાય ? બાકી, ઘી તો બધાય લોકોએ પૂરી રાખ્યા છે ! પણ પ્રગટની ઓળખાણ પડવી જોઈએ ને ! આત્મભાને ભ્રાંતિ ગઈ ! આ જગતમાં 'હું કરું છું' ને 'હું જાણું છું' એ બે ભાવ ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. 'અમને' 'હું કરું છું' એ ભાન જ ના હોય. જ્યારથી 'મને' 'આત્મા'નું ભાન પ્રગટ થયું છે, ત્યારથી 'હું કરું છું' એ ભાન જ ઉત્પન્ન થયું નથી. અરે, આ દેહનો 'હું' માલિક જ નથી રહ્યો ને ! 'અમને' આ મન-વચન-કાયાનું માલિકીપણું આજ ત્રીસ વર્ષથી નથી ! દસ્તાવેજ ફાડી નાખ્યા ! હું તો ત્રીસ-ત્રીસ વર્ષથી આ દેહમાં રહ્યો નથી. ૧૯૫૮ પછી આ દેહનો માલિક નથી, એક ક્ષણવાર માલિક થયો નથી, ત્યારથી જ દસ્તાવેજ બધા ફાડી નાખેલા. પ્રશ્નકર્તા : જ્ઞાનીને શરીર જોડે કનેક્શન જ ના હોય ને ! દાદાશ્રી : હા, દેહ જોડે કનેક્શન જ ના હોય. એક ક્ષણવારે ય માલિક જ નથી થયો, એટલે દેહ જોડે કનેક્શન જ ના હોય. આ શરીર જોડે તો અમારે પાડોશી તરીકે રહેવું પડે. એટલે વસ્તુસ્થિતિમાં વ્યવહાર આવો છે. આના માલિક 'અમે' થયા નથી, ત્રીસ વર્ષથી ! જ્યારથી 'અમે' જાણ્યું કે, આ બધું શું છે ને શેના આધારે ચાલે છે, કોણ ચલાવે છે, એ બધું મેં જોયું, પછી ખબર પડી કે આ તો આ જુદું, હું જુદો, આ શી ભાંજગડ બધી ? ત્યારથી છે તે હું જુદો રહું છું, જુદું કરી નાખ્યું, સહિયારું હતું તે વહેંચી નાખ્યું. એમનું હતું તે એમને સોંપી દીધું ને આપણું લઈ લીધું. સમજ પડીને ? 'અમને' સંતોષ થયો, પટેલનેય સંતોષ થયો. બ્રહ્માંડની માલિક ! જે મનનો માલિક નથી, વાણીનો માલિક નથી, દેહનો માલિક નથી, આ માલિકીપણું છૂટે એ બ્રહ્માંડનો માલિક કહેવાય. એ શેના માટે આવી સ્પૃહા રાખે છે ? આ એંઠવાડો બધો ! જગતમાં એંઠવાડા સિવાય છે જ શું તે ? અને તમારે પણ દેહનું માલિકીપણું જ્યારે ફ્રેકચર થઈ જશે, તમે તમારા માલિકીભાવના દસ્તાવેજ ફાડી નાખશો, ત્યારે તમે પણ બ્રહ્માંડના માલિક જ છો ! નિમિત્ત, મોક્ષદાતા ! અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમે મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગત- કલ્યાણનાં અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે ક્યારેય પણ કોઈ ચીજના કર્તા ના હોઈએ. કારણ કે કર્તા થાય તો તેના ભોક્તા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ. સીમંધર સ્વામી એકલાં જ અમારા ઉપરી ! પ્રશ્નકર્તા : અમારા તો તમે રક્ષણહાર ખરા પણ તમારા ઉપરી કોણ ? તમારે તો કાયદેસર જ ચાલવું પડેને, જે આવે તેની જોડે ? દાદાશ્રી : બહુ જ કાયદેસર ! અને અમારા ઉપરી તો આ બેઠા છે ને, સીમંધર સ્વામી, એ એકલા જ છે ! એકલાં જ ઉપરી છે અમારા !! એ અમે એમની પાસે કંઈ માગણી કરીએ નહીં. માગણી થાય નહીં ને ! તમારે મારી પાસે માગણી કરાય !! મારું તમેય પામો ! હવે, આ બધું બોલવામાં મને શું ફાયદો હશે ? મારે તમારી પાસે કશું લેવાનું છે ? તમારી પાસે મને માન જોઈએ છે ? કે તમે મને પગે લાગો એના માટે છે આ ? આની પાછળ મારો શું હેતુ હશે ? આમાં હેતુ આટલો જ છે કે હું જે સુખને પામ્યો એ સુખને તમે પામો. મારી પાસે છે ને તમે પામો, એ હેતુ છે. બીજો કોઈ હેતુ નથી. બાકી, મોક્ષનું દાન આપવા આવેલો છું. એટલે મને તો હું જે સુખ પામ્યો એ સુખ તમે પામો એવી ઈચ્છા માટે મારો પ્રયત્ન છે. મારે કશું જોઈતું નથી. અમને કોઈ પણ પ્રકારની ઇચ્છા જ ના હોય. અમે નિરીચ્છક કહેવાઈએ. નિરીચ્છક દશા ! અમને એકેય અંતરાય કેમ નથી ? કારણ કે અમને સંપૂર્ણ નિરીચ્છક દશા છે. અમને કોઈ પણ જાતની ભીખ ના હોય, તેથી અમને આ પદ મળ્યું છે. જે સર્વશ્રેષ્ઠ પદ, જે આખા બ્રહ્માંડમાં મોટામાં મોટું પદ, તે પ્રાપ્ત થયેલું છે, કોઈ પણ જાતની ભીખ રહી નથી માટે. કારણ કે જે લક્ષ્મીની ભીખ છે ને, તે અમને હોય નહીં. અમને સોનાના ઢગલા પાથરે તો ય અમારે કામ ના લાગે. વિષયનો વિચાર ના આવે, ઉપરથી દેવીઓ આવે તો ય અમને વિચાર આવે નહીં. અમને માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, શિષ્યોની ભીખ ના હોય, દેરાં બાંધવાની ભીખ ના હોય. મોક્ષદશા સૌને સુલભ ! પ્રશ્નકર્તા : 'આપની દશા પ્રાપ્ત કરવી' અને 'મોક્ષ મેળવવો' એ બેમાં શું ફેર છે ? દાદાશ્રી : કશો ફેર નથી. અમને તો મોક્ષ થયેલો જ છે. મારી દશા તું પ્રાપ્ત કરે તો તારો પણ મોક્ષ થઇ જ જાય. મોક્ષ બહાર ખોળવાનો નથી, મહીં જ છે. વ્યવહાર, આદર્શ ! પટેલને પાછું વ્યવહાર કરવાની છૂટ આપી, કે વ્યવહારમાં જો જવું હોય તો વ્યવહાર બધો કરવાનો. ભત્રીજા એવું ના બોલે કે કાકા આવતા નથી. કારણ કે જ્ઞાની પુરુષ તો વ્યવહાર સાથે હોય. એમનો વ્યવહાર તો આદર્શ વ્યવહાર હોય. આદર્શ વ્યવહાર એટલે કોઈ સંસારી માણસનો વ્યવહાર એવો આદર્શ હોય નહીં એવો આદર્શ હોય. અરે, કોઈ સાધુનો ય એવો આદર્શ ના હોય એવો એમનો આદર્શ વ્યવહાર હોય. એટલે આજુબાજુના પાડોશીઓ બધા એમ કહે કે કહેવું પડે એમનું તો ! પાડોશીઓ એમનાથી કંટાળેલા ના હોય. વ્યવહાર એવો આદર્શ હોય. વ્યવહાર તો આદર્શ કરવો પડશે ને, જ્યારે ત્યારે ? પણ એ 'છૂટું' થાય ત્યાર પછી - 'સહિયારી મિલકત' છૂટી થાય ત્યાર પછી વ્યવહાર આદર્શ થાય, નહીં તો જ્યાં સુધી ભેળસેળ હોય ત્યાં સુધી વ્યવહાર આદર્શ થાય નહીં. હું યે આ 'એ. એમ. પટેલ'ના નામનું નાટક ભજવું છું. મારા ઉપર કેટલીયે તલવારો લટકેલી છે ! ધંધા-રોજગારની, ઈન્કમટેક્ષની-સેલટેક્ષની, એ બધી તલવારો વચ્ચે વીતરાગતા, નિરંતર વીતરાગતામાં રહું છું. એક ક્ષણ પણ દશા બદલાય નહીં. ગાળના સંયોગ ટાણે.... અમને તો કોઈ ગાળો ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે અમે સ્વીકારીએ નહીં. અમને અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય. અને આ અંબાલાલને કોઈ ગાળો દે, તો 'હું' આ 'અંબાલાલ'ને કહું કે, 'જુઓ, તમે કહ્યું હશે, તેથી આ તમને ગાળો દે છે !' અમને તદ્દન જુદાપણું જ અનુભવમાં આવે છે. તમારું યે જુદું પડી જાય. એટલે પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો રોજ પઝલ ઊભાં થયાં જ કરે ! અક્રિય 'હું' ! પ્રશ્નકર્તા : આપ સક્રિય છો કે અક્રિય છો ? દાદાશ્રી : 'હું' તો અક્રિય છું. પ્રશ્નકર્તા : અક્રિય એટલે શું સમજવાનું ? દાદાશ્રી : અક્રિય એટલે કંઈ પણ ભૌતિક વસ્તુ કરવાની શક્તિ નહીં. આ તો 'મારા' પાડોશી 'પટેલ' સક્રિય છે. પ્રશ્નકર્તા : આપ વડોદરાથી અહીં આવ્યા તેમાં કંઈ ક્રિયા થઈ કે નહીં ? દાદાશ્રી : આ અમારા પાડોશી સક્રિય છે. એની સાથે મારે પાડોશીનો જ સંબંધ છે ખાલી. અમે આ અંબાલાલ મૂળજીભાઈની જોડે એક ક્ષણ પણ તન્મયતા નથી કરી. જ્યારથી અમને જ્ઞાન ઊપજ્યું ત્યારથી ધિસ ઈઝ માય ફર્સ્ટ નેબર, પાડોશીની જેમ રહીએ છીએ. એટલે આ 'એ. એમ. પટેલ'ને ગાળો ભાંડે, મારે તોય 'મને' કશું ના થાય. હું જુદો, પટેલ જુદા. પટેલ પાડોશમાં છે અને વ્યવહાર જે કરે છે, એ પટેલ કરે છે. નિરંતર સમાધિ સ્વરૂપ ! અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને ? હું નિરંતર સમાધિમાં જ છું અને કોઈ ગાળ ભાંડે તો યે અમારી સમાધિ ના જાય. અત્યારે મને જેલમાં લઈ જવા પકડી જાય તો ય મારી સમાધિ જાય નહીં. એની એ જ દશા રહે. અહીં મુક્ત છે તેમાં ય સમાધિ છે, ત્યાં જેલમાં ય સમાધિ છે. આધિ-વ્યાધિ-ઉપાધિની મહીં પણ સમાધિ રહે, એનું નામ સાચી સમાધિ. સાચી સમાધિ મને નિરંતર રહે છે. દાદાઈ સ્વરૂપ ! ત્યારે લોકો એમ પૂછે છે કે 'દાદા ભગવાન' એ તો તમારું સ્વરૂપ છે ને ? તો હું કહું છું કે, હા, મારું જ સ્વરૂપ છે. પણ હું એ સ્વરૂપ આજે થયો નથી. હું ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર જ છું. ત્યાં સુધી હું 'જ્ઞાની પુરુષ' તરીકે રહેવા માગું છું. વર્લ્ડની ઓબ્ઝર્વેટરી આ ! ભગવાન તો અત્યારે માણસ પૂર્ણ પ્રમાણમાં થઈ શકે નહીં એવો આ કાળ છે. તે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર ઊભું રહ્યું છે આ. ત્રણસો સાઠ ડિગ્રી જોઈએ. ત્રણસો સાઠ ડિગ્રી મહીં પ્રગટ થયું છે. અંદરની સ્થિતિ ત્રણસો સાઠ ડિગ્રીની છે. બાહ્ય સ્થિતિ ત્રણસો છપ્પન ડિગ્રીની છે. એટલે આ જ્ઞાનીની દશા છે. જે પૂછવું હોય તે પૂછો. આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છે. જે કંઈ પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. બધા ધર્મોના પ્રશ્નો પૂછાય. જ્ઞાની પુરુષ એટલે, એમને તો બધું ય પૂછાય. આખા વર્લ્ડમાં કોઈ એવો આધ્યાત્મિક પ્રશ્ન નથી કે જેનો મહીં જવાબ ના મળે. અડતાળીસેય આગમના બધા જ જવાબ મળે, સંપૂર્ણ. અને આ સંસારના ય તમામ પ્રશ્નો પૂછાય, તો બધા ખુલાસા ય એમની પાસે થાય. એટલે વર્લ્ડનાં તમામ શાસ્ત્રોનો સાર આપે એવા છે. કોઈ ચીજ પૂછવાની બાકી ના રાખે એવા જ્ઞાની પુરુષ છે, પણ ભગવાન ન્હોય. રૂપી-અરૂપી કોણ ? પ્રશ્નકર્તા : 'દાદા ભગવાન' ખરેખર અરૂપી છે કે રૂપી ? દાદાશ્રી : ખરા અરૂપી છે જ ને ! એ અરૂપીને અમેય ભજીએ છીએ અને રૂપી ભગવાન તો જ્ઞાની પુરુષ છે જ. પણ એમને ભગવાન કહેવાનો શો ફાયદો ? એવી જોખમદારી કોણ લે ? એક અંશ પણ જોખમદારી ભગવાનની લેશે, તેને તો અનંત અવતાર સુધી નર્કગતિ છે. એને ખબર નથી કે આ જોખમદારી લેવાય કે ના લેવાય. ખબર નથી એટલે જોખમદારી લે લોકો ? અમે મનથી, વચનથી, કાયાથી એવી જોખમદારી ના લઈએ. જે છે એ છે. અમે તો 'જ્ઞાની પુરુષ' છીએ. ત્રીસ વર્ષથી દેહ બહાર ! અમે 'ભગવાન છીએ' એવું કહેતા જ નથી. અમારે એ પદ જોઈતું ય નથી. કારણ કે આખો ચૌદલોકનો નાથ મને વશ થઈ ગયેલો છે, પછી મારે એ પદ લઈને શું કામ છે ? ચાર ડિગ્રી અમારી ઓછી છે ભગવાન કરતાં, છતાં આ દેહમાં રહેતો નથી એ વાત નક્કી છે, આ દેહનો માલિક થયો નથી. આ મનનો માલિક થયો નથી, આ વાણીનો માલિક થયો નથી. એક ક્ષણવાર પણ સંસારમાં રહે નહીં તે 'જ્ઞાની'. જે દેહમાં જેટલો રહે તેટલો અહંકાર રહે ને ? જ્યારે અમે તો ત્રીસ વર્ષથી દેહમાં રહ્યા નથી. મો....ટી જોખમદારી ! લોકો મને ભગવાન કહે પણ ભગવાન કોને કહેવાય ? આ દેહને કોઈ દહાડોય ભગવાન ના કહેવાય. આ તો પટેલ છે. હું ભગવાન થઈ બેઠો નથી. કારણ કે આ દુષમ કાળમાં કોઈ પણ માણસ કહેશે, 'હું ભગવાન છું' એ મોટી જોખમદારી સ્વીકારે છે, એ એની પોતાની જોખમદારી લે છે. તેમાં આપણને કંઈ વાંધો નથી. આપણે સ્વીકાર કરવો કે ના કરવો એ આપણા હાથની વાત છે. અને એ બોલે એને એમાં આપણાથી ના યે કેમ કહેવાય ? પણ એ તો ભયંકર નર્કગતિની નિશાની છે. કારણ કે લોકો તો એની વાણીના કેટલાંક શબ્દ પરથી એને ભગવાન માનીને ચાલે તો શું થાય ? અત્યારે આ કાળને વેદાંતીઓમાં કળિયુગ કહેવાય છે અને જૈનોમાં દુષમકાળ કહેવાય છે. એવા કાળમાં માણસ પૂર્ણતાએ પહોંચી શકે નહીં. બે-ચાર ડિગ્રી ઓછી રહે બહુ ત્યારે. એટલે માણસે પોતે ભગવાન થઈ બેસવું નહીં. નહીં તો ભયંકર જોખમદારી છે. અમને ભગવાન કહે તો ય અમે 'ના' કહીએ ને ! અમારે ભગવાન થઈને શું કામ છે ?? - જય સચ્ચિદાનંદ |