|
સંસાર જાગૃતિ : સ્વરૂપ જાગૃતિ સંપાદકીય જગતના લોકો હાલતાં-ચાલતાં-બોલતા-સાંભળતા, ધંધો-નોકરી-ઘર વ્યવહાર કરતા દેખાય છે પણ જ્ઞાની પુરુષ આ જગતના લોકોને શું કહે છે ? ઊઘાડી આંખે ઊંઘે છે, તો જાગ્રત થયો તે કોને કહેવાય ? સંસાર જાગૃતિ કોને કહેવાય ? અને એમાંથી પણ આગળ જાગૃતિ થાય ત્યારે અદ્યાત્મ જાગૃતિમાં આવે, તો એ સ્વરૂપ જાગૃતિ કોને કહેવાય ? ટોપમોસ્ટ જાગૃતિ કઈ ? જ્ઞાની પુરુષને કેવી જાગૃતિ વર્તે છે ? પ્રસ્તુત અંકમાં તે સર્વ જાગૃતિના સૂક્ષ્મ ફોડ પાડતી વાણીને સંકલન કરી છે, જેથી અક્રમ વિજ્ઞાન થકી જ્ઞાન સાક્ષાત્કાર પામેલા મહાત્માઓને સમજાય કે આખા જગતના લોકોને જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ, તે દાદાશ્રીની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે અને એ સ્વરૂપ જાગૃતિમાં રહેવાય છે. છતાં એમાં આવતાં ગૂંચવાડાથી પ્રશ્નકર્તા મૂંઝવણ પામે છે, ત્યારે દાદાશ્રી સરળ સોલ્યુશન આપે છે કે શુદ્ધાત્માની જાગૃતિ તો તમને રહે છે જ. આ તો 'તન્મયાકાર થઈ ગયા', તે ભાસ્યમાન પરિણામ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ, ગમે તેવાં કર્મોના ગૂંચવાડા, ગમે તેવા લેપાયમાન ભાવો મહીં ઊભા થાય, તેને દાદાશ્રી કહે છે કે આ તો 'ભરેલો માલ' છે, તે આવે છે. તમે તેને સમજી લો. તેમાં કઈ રીતે જુદા રહેવું અને પોતાની જાગ્રત દશા વર્ધમાનપણાને પામે, તેની સચોટ સમજણ અત્રે સંપ્રાપ્ત થાય છે. અને જાગૃતિ વધતાં વધતાં સંપૂર્ણ જાગૃતિ સો ટકા થાય, તેને જ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદાશ્રીની કૃપા થકી જે શુદ્ધાત્મા પદનું જ્ઞાન મળ્યું તે બીજ થઈ, હવે જાગૃત દશાની આરાધના પાંચ આજ્ઞામાં રહીને કરવાની છે, તેનુ પરિણામ પૂનમ સ્વરૂપી, કેવળજ્ઞાન સામે આવીને ઊભું રહેશે, તે અર્થે પ્રસ્તુત સંકલન મહાત્માઓને 'જાગૃતિ'ની સમજણ 'જાગૃત' કરાવશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ
'હું' કોણ ? જાણ્યે, જાગૃતિ ખૂલે ! પ્રશ્નકર્તા : સામાન્યપણે જાગૃતિ કોને કહેવાય ? દાદાશ્રી : દિવસ તો આખો જાય છે. તેમાં ખાવાનું-પીવાનું, ચા-પાણી વગેરેનો હિસાબ મળી રહે છે. તે આખો દિવસ, જાગૃતિ નહીં હોવાથી કશામાં ને કશામાં, કોઇ પણ વિષયમાં ગૂંચવાયેલો રહે છે. તમે જે જાગૃતિ સમજો છો, તે જગત સંબંધી કોઇ એક વિષયમાં પડ્યો હોય તેને કહો છો. તે તો સબ્જેક્ટ જાગૃતિ કહેવાય. જગતના લોકોને તો વિષય અને લક્ષ્મીમાં જ જાગૃતિ હોય; જ્યારે યથાર્થ જાગૃતિ તો દરેક જગ્યાએ હોય, સર્વગ્રાહી હોય. આખા જગતની તમામ પ્રકારની ક્રિયાઓ એકાગ્રતા કરવા માટે છે અને જે ક્રિયાથી વ્યગ્રતા થાય તો તે આપણે અવળો ઉપચાર કર્યો કહેવાય. જપ-તપ વગેરે એકાગ્રતા માટે છે. જેને એકાગ્રતા ના રહેતી હોય, તેણે જપયોગ કરવો જોઇએ, બીજું કરવું જોઇએ, ત્રીજું કરવું જોઇએ. જેમ જેમ એકાગ્રતા વધતી જાય તેમ તેમ ભાવનિદ્રા પાતળી થતી જાય. કોઇને ભાવનિદ્રા પાતળી હોય, કોઇને ગાઢ હોય. પાણી રેડીએ, આમ હલાવીએ તો ય ના જાગે, તેવી ગાઢ ભાવનિદ્રામાં લોકો પડ્યા છે. અમે જ્યારે સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યારે જરાક આંખ ખૂલે છે. ત્યારે એને દેખાય છે કે હું તો આ બધાથી જુદો છું. પછી જેમ જેમ અમારી જોડે બેસે છે, તેમ તેમ આંખ ખૂલતી જાય છે. પછી સંપૂર્ણ જાગૃતિ થાય. ભાવનિદ્રામાંથી જાગો ! આખું જગત ભાવનિદ્રામાં છે. ભાવનિદ્રા એટલે સ્વભાવમાં ઊંઘ્યો તે, ને પેલી દેહનિદ્રામાં તો સ્વભાવમાં ઊંઘે અને પરભાવમાં ય ઊંઘે છે તે. દેહનિદ્રામાં દેહનું ય ભાન ના રહે. દેહનિદ્રામાંથી દેહનું ભાન આવે ત્યારે બીજી બાજુ ભાવનિદ્રા રહે. પોતે પોતાનું બેભાનપણે અહિત જ કર્યા કરે છે. ક્રોધ-માન-માયા-લોભ એ ભાવનિદ્રાને લીધે થાય છે. કોઇને કિંચિત્માત્ર દુઃખ થાય છે, તે ય ભાવનિદ્રાને લીધે થાય છે. આખું જગત ભાવનિદ્રામાં છે, એમાંથી જાગો. હું તો એક જ તમને કહેવા આવ્યો છું કે જાગો. 'જ્ઞાની પુરુષ', તેથી આખા જગતને ભાવનિદ્રામાં છે એમ કહે છે. આ ધંધો-રોજગાર કરે, એમાં પૈસા કમાવવામાં પડ્યા, તે એક બાજુની નિદ્રા ઊડી ને બીજે બધે ભાવનિદ્રા ! તેથી ધર્મનો એક છાંટો ય પામ્યો નથી. ધર્મ તો, રાત્રે ય એક ક્ષણ પણ ભાવનિદ્રા થવા ના દે. સર્વ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય એવો આ લોક છે, એમા ભાવનિદ્રા ના આવવી જોઇએ. દેહનિદ્રા આવશે તો ચાલશે. પ્રશ્નકર્તા : ભાવનિદ્રા જ આવે છે, દાદા ! દાદાશ્રી : એમ કેમ ચાલે ? આ ટ્રેન આવે ત્યારે કંઇ નિદ્રા નથી આવતી. આ ટ્રેન તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારું સમજી લેવાનું છે. જો તને ભાવનિદ્રા હશે તો જગત તને ચોંટશે. જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું. સાચી સમાધિ, જાગૃતિ સહિત ! આ ધર્મમાં મોટાં મોટાં વાક્યો લખે તે ય ભાવનિદ્રા. કોઇને દેહની સમાધિ વર્તે, તે તો મનના થરમાં પડી રહે. બાકી, સમાધિ તો તેનું નામ કે દરેક પ્રકારની જાગૃતિ રહે; મન-વચન- કાયાની, વાળેવાળની જાગૃતિ રહે. પ્રશ્નકર્તા : મનની સમાધિમાં આનંદ ક્યાંથી આવ્યો ? દાદાશ્રી : એ તો માનસિક સમાધિ છે. બાકી, ખરી સમાધિ તો સંપૂર્ણ જાગૃતિ સહિત હોય. સંપૂર્ણ જાગૃતનો આચાર 'વર્લ્ડ'માં ઊંચામાં ઊંચો હોય. જેમ જાગૃતિ વધતી જાય તેમ જગત વિસ્મૃત રહે, તેમ છતાં ય એ જગતમાં તો સારામાં સારું કામ કરી બતાવે, જેટલી જાગૃતિ એટલું તમને સુખ વર્તશે. જેટલી જાગૃતિ એટલી તમને મુક્તિ વર્તશે. જેટલી જાગૃતિ એટલો તમને મોક્ષ વર્તાશે. જાગૃતિ એ જ મોક્ષ. આ સ્થળ જાગૃત થવા માટે જ છે. અહીં અમે જગાડીએ જ છીએ. જેમ પ્રેમભગ્ન માણસ મનના કોઇ ખૂણામાં ઊતરી જાય તેમ આ સમાધિવાળા મનના કોઇ ખૂણામાં ઊંડા ઊતરી જાય ને તેમાં જ આનંદ માણે. ખરી સમાધિ કોને કહેવાય ? કે બહાર સંપૂર્ણ જાગૃત ને અંદરે ય સંપૂર્ણ જાગૃત હોય. 'એવરી વ્હેર' જાગૃત હોય. તેને ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, પણ ખરી સમાધિ ના જાય. આધિ-વ્યાધિ-ઉપાધિમાં ય નિરંતર રહે, તે ખરી સમાધિ. એને સહજ સમાધિ કહેવાય, નિર્વિકલ્પ સમાધિ કહેવાય. પૌદ્ગલિક જાગૃતિ : સ્વરૂપ જાગૃતિ ! બે પ્રકારની જાગૃતિ : એક પૌદ્ગલિક જાગૃતિ અને બીજી આત્મિક જાગૃતિ. પૌદ્ગલિક જાગૃતિવાળો પુદગલમાં જ રમણતા કરે ને આત્મિક જાગૃતિવાળો કેવળ આત્મામાં જ રમણતા કરે. પૌદ્ગલિક જાગૃતિ વધતી જાય, ને પુદગલમાં રમણતા કરતાં કરતાં થાકે- કંટાળે ને પછી પોતાના સાચા સુખની ઇચ્છા કરે ત્યારે સ્વરૂપ જાગૃતિના સંયોગો બધા ભેગા થાય અને એ સંયોગ બાઝયા પછી આગળ સ્વરૂપ જાગૃતિમાં આવે. સ્વરૂપ જાગૃતિમાં થોડી આંખ ઊઘડી એટલે પછી ધીમે ધીમે આખી આંખો ઊઘડવાની. સંસાર જાગૃતિ, દુઃખનું ઉપાર્જન ! સંસારની જાગૃતિ જેમ જેમ સર્વાંશે થતી જાય, તેમ તેમ તો સંસાર ગમે જ નહીં તેને, તેને સંસાર દુઃખદાયી લાગે. ત્યાર પછી પાછો પોતાની જાગૃતિ કરવાનો પ્રયત્ન કરે. જેમ એ સંસારની જાગૃતિ વધે તેમ ભૌતિક સુખો દુઃખ જેવાં લાગે, ભૌતિક સુખો-રાજસુખો જંજાળ જેવાં લાગે. ચક્રવર્તી રાજાઓને પોતાની તેરસો રાણીઓ હતી. ચક્રવર્તીનું રાજ હતું; તે ય તેમને નિરંતર દુઃખદાયી લાગ્યા કરતું હતું. કારણ કે સુખની ટોચ ઉપર બેઠેલો માણસ, જેને સંસારની જાગૃતિ પાર વગરની વધેલી હોય એટલે એને સંસારની જાગૃતિ જ દુઃખરૂપ લાગે. એટલે એ સમજે કે મારે નવું જાણવાનું રહ્યું છે કે જેમાંથી મને 'પરમેનન્ટ' સુખ થાય. દરેક જીવમાત્ર સુખને ખોળે છે. જ્યાં સુધી સાચું સુખ નથી મળતું, ત્યાં સુધી ભૌતિક સુખોમાં જેટલી જાગૃતિ હોય એ પ્રમાણે એને સુખ મળ્યા કરે છે. પણ આ ભૌતિક સુખ બધું દ્વંદ્વવાળું સુખ છે, એટલે સુખ પછી દુઃખ આવ્યા વગર રહે જ નહીં અને આત્મિક સુખ દ્વંદ્વાતીત સુખ છે. જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં, એનું નામ દ્વંદ્વાતીત સુખ, સાચું સુખ. જેમ જેમ સ્વરૂપની જાગૃતિ વધે તેમ તેમ સાચું સુખ પ્રગટ થતું જાય છે. આ સ્વરૂપનું જ્ઞાન આપવાથી જાગૃતિ ઉત્પન્ન થાય છે, પછી સંસારની જાગૃતિ તો એના પછી વધ્યા કરે. પણ સ્વરૂપ જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. આ 'ફોરેન'ના સાયન્ટીસ્ટો 'જાગૃતિ, જાગૃતિ' બોલે છે પણ એ જાગૃતિ પુદગલમાં છે, આધ્યાત્મિકમાં તો કશું ભાન જ નથી. 'આમાં' તો ઊંઘે છે બધું, આખું જગત ઊંઘી રહ્યું છે. રમકડાંની રમણતા ! પુદગલની જાગૃતિ એટલે વિનાશી ચીજોમાં જ રમણતા. એટલે રમકડાં જ રમાડે છે બધાં, આખું જગત રમકડાં જ રમાડે છે. ઉઘાડી આંખે ઊંઘવા જેવો ખેલ છે. જાગૃત થઇએ ત્યારે રમકડાં ના રમાડીએ. અને અવિનાશી, સનાતન ચીજને રમાડે, એનું નામ જાગૃત. બાકી, આ રમકડાં તો તૂટ્યા કરશે ને રડવાનું, તૂટ્યા કરશે ને પાછું રડવાનું, તૂટ્યા કરશે ને પાછું રડવાનું.... વિનાશી ચીજોમાં. રમકડાં ક્યાં સુધી રમાડવાનાં ? નાનો બાબો હોય, તેને રમકડાં આપીએ પછી ભાંગી જાય ત્યારે એ શું કરે ? રડેને ? તેમ આ લોકો ય રમકડાં રમાડે ને રમકડું ભાંગી જાય એટલે રડે પાછાં. 'મારો બાબો મરી ગયો !' અલ્યા, આ તો રમકડું ભાંગી ગયું ! નાના છોકરાને ખબર નથી કે આ રમકડું ભાંગી ગયું ને બીજું લાવી શકાય !! સંસાર દુઃખદાયી નથી, પણ અજાગૃતિ દુઃખદાયી છે. પ્રશ્નકર્તા : મોક્ષ એ રમકડું ખરું કે નહીં ? દાદાશ્રી : ના, ના, રમકડ઼ું ન્હોય ! રમકડું કોને કહેવાય ? જે વિનાશી હોય તેને. આ મોક્ષ તો જાય જ નહીં. જીવમાત્રને સુખ જોઇએ છે, અને તે સનાતન સુખ જોઇએ છે પછી એ સુખ જાય જ નહીં ! કોઇ કાન કાપી લે, ગજવું કાપી લે, ગમે તે કરે તો ય એ સુખ જાય જ નહીં. કારણ કે રમકડાંમાં એને પ્રિયતા નથી, નિસ્બત નથી. જાગૃતિ જ પરિણમે મોક્ષમાં ! પ્રશ્નકર્તા : મોક્ષ અને જાગૃતિ એક જ ? દાદાશ્રી : જાગૃતિથી જ મોક્ષ છે. અજાગૃતિ એટલે શું ? તમારે કોઇની જોડે મતભેદ પડી જાય એ તમારી અજાગૃતિ છે. જેને હિતાહિતનું ભાન છે તે જાગૃત ને જેને હિતાહિતનું ભાન નથી તે અજાગૃત, એને જ ભાવનિદ્રા કહી. ઉઘાડી આંખે ઊંઘે તે ભાવનિદ્રા ને બંધ આંખે ઊંઘે તે દ્રવ્યનિદ્રા. કોઇ માણસને મતભેદ થયો, તો તેનું કારણ શું ? ત્યારે કહે, ભાવનિદ્રા. કેટલાંક મને કહે છે કે, 'દાદા, મારે મોક્ષ નથી જોઇતો.' આવું આડું બોલે ત્યારે એને આપણે કહીએ કે, 'મોક્ષ નથી જોઇતો, પણ જાગૃતિ જોઇએ છે ને ?' ત્યારે એ કહે કે, 'હા. જાગૃતિ તો જોઈએ જ, દાદા !' એને પૂછીએ કે, 'જાગૃતિ તારે પૂરી કરવી છે ને ?' ત્યારે કહે, 'હા, પૂરી કરવી જ છે.' આમ સીધી ટીકીટ આપીએ, મફત આપીએ તો ના લે ને પેલી પૈસા ખર્ચીને લે ! એવાં આપણાં લોક છે, હિતાહિતનું ભાન જ નથી. ઇન્દ્રિય જ્ઞાન : જાગૃતિ ! બે પ્રકારનાં જ્ઞાન : એક ઇન્દ્રિયજ્ઞાન, બીજું અતીન્દ્રિયજ્ઞાન. ઇન્દ્રિયજ્ઞાન સીમિત છે, અતીન્દ્રિયજ્ઞાન અસીમિત છે. લોકોને ઇન્દ્રિય-જ્ઞાનમાં ય, સંસારમાં પૂર્ણ જાગૃતિ નથી. ઇન્દ્રિયજ્ઞાનમાં જો સંપૂર્ણ જાગૃત થયેલો હોય તો તે જબરજસ્ત સંત પુરુષ કહેવાય. પ્રશ્નકર્તા : ઇન્દ્રિયજ્ઞાનમાં સંપૂર્ણ જાગૃતિ એટલે શું ? દાદાશ્રી : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધું ઇન્દ્રિયજ્ઞાનમાં આવે. ઇન્દ્રિયજ્ઞાનની સંપૂર્ણ જાગૃતિમાં આવે ત્યારે એનો અહંકાર કેવો હોય કે કોઇની ય જોડે એને મતભેદ ના પડે, આપણે મતભેદ પાડીએ તો ય એ મતભેદ ના પડે એ રીતે છટકી જાય. કોઇ જગ્યાએ ઝઘડો થવાની જગ્યા હોય તો ત્યાં એ મતભેદનું નિવારણ કરી નાખે. ઇન્દ્રિયજ્ઞાનની જાગૃતિથી કિંચિત્માત્ર કોઇની જોડે અથડામણ ના થાય, 'એવરી વ્હેર એડજસ્ટેબલ' થાય, સાંસારિક ડખો ના થાય. ઇન્દ્રિયજ્ઞાનમાં ય બે પ્રકારની જાગૃતિ. એક બાહ્ય ને બીજી આંતરિક. ભલે અતીન્દ્રિય જ્ઞાન મળતું નથી, પણ ઇન્દ્રિયજ્ઞાન ઓછું નાસી ગયું છે ? એના સ્ટુડન્ટો ય હિન્દુસ્તાનમાં ઘણાં મળે, પણ એના માસ્તરો નથી, કોલેજો નથી. જાગૃતિની શરૂઆત.... પહેલી પુદગલમાં જાગૃતિ આવવી જોઇએ. આત્મભાન થયા પછી પુદગલમાં ઊંઘે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાનાં છોકરાં દૂધ ઢોળાઇ જાય તો કચકચ કરે છે ? ના. શાથી ? તો કહે, 'અજ્ઞાનને લઇને જ.' પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પુદગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે. ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે. આ બાળકોને વ્યવહાર જાગૃતિ નથી. કોઇને વ્યવહાર જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિ હોય તો ઘરમાં કે બહાર મતભેદ ના પડે. કોઇની ય અથડામણમાં ના આવે. સંસારમાં જાગૃતિ કોને કહેવાય કે પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ ના આવવા દે. વ્યવહારની જાગૃતિમાં લોભ-કપટ- મોહ જબરાં હોય ને નિશ્ચયની જાગૃતિમાં તો ક્રોધ-માન-માયા-લોભ ખલાસ થઇ ગયાં હોય. 'ઊંઘવું શું ? ને જાગવું શું ? તે તો સમજવું પડશે ને ? લોક તો એમ જ સમજે કે આ 'પી. એચ. ડી.' થયા છે. જાગૃત માણસ તો ગજબનો હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ અંતઃકરણના ચારે ય ભાગનાં દરેક કાર્ય વખતે હાજર રહે, તેનું નામ જાગૃતિ ! જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઇ પણ સંયોગોમાં ક્લેશિત ના થાય ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા 'સ્ટેપિંગ'માં બીજાથી પણ પોતે ક્લેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઇને સહેજ પણ દુઃખ દે, તો તે જાગૃત કેવી રીતે કહેવાય? ક્લેશરહિત ભૂમિકા કરવી, એને ઘણો મોટો પુરૂષાર્થ કર્યો કહેવાય. સાંસારિક જાગૃતિ ! જાગૃત તો કોણ હોય ? પોતાનાં હિતાહિતનું ભાન હોય તે. આખું જગત માની બેઠું છે કે હિતાહિતનું ભાન મને છે, પણ એ હિતાહિતનું ભાન કહેવાય નહીં. પોતાનું જ અહિત કરી રહ્યો છે, જે લક્ષ્મી ભેગી કરવા માટે રાત-દહાડો હિતાહિત ખોળે છે, તે લોક સંજ્ઞા છે. તેનાથી રાત-દહાડો ખાઇ-પીને પૈસાની પાછળ જ પડ્યો રહે છે. તે જુઓને, 'ઑન'ના વેપાર માંડ્યા છે ! આ હિન્દુસ્તાનમાં તે વળી 'ઑન'ના વેપાર હોતાં હશે ? ખાનગી જે જે કાર્ય કરીશ તે અધોગતિ છે. હિન્દુસ્તાનમાં જન્મેલો તો જન્મથી જ સાંસારિક જાગૃતિ અમુક અંશે લઇને આવેલો હોય. એક તો સાંસારિક જાગૃતિ ને પાછો કળિયુગ, તે કળ વળે નહીં. સત્યુગ હોય તો તો કળ વળે. આ નાનાં છોકરાંને એમને એમનાં રમકડાં સંબંધી જ જાગૃતિ હોય, તેમ આ લોકોને તો 'ઇન્કમટેક્ષ' ને 'સેલટેક્ષ'ની જ જાગૃતિ, પૈસા સંબંધી જ જાગૃતિ આખો દહાડો રહ્યા કરે. હિન્દુસ્તાનનાં લોકોને તે આવું હોતું હશે ? હિન્દુસ્તાનનો માણસ જો પૂરો જાગૃત થાય તો આખા વર્લ્ડને આંગળી ઉપર નચાવે ! આ તો અણહક્કની લક્ષ્મી ને અણહક્કના વિષયની જ પાછળ પડ્યા છે. પણ એને ખબર નથી કે જતી વખતે નનામી કાઢે છે, ને નામ પરનું બેંક બેલેન્સ બધું કુદરતની જપ્તીમાં જાય. કુદરતની જપ્તી એટલે 'રીફન્ડ' પણ ના મળે. સરકારે લઇ લીધું હોય તો રીફન્ડે ય મળે. પણ આ તો કુદરતની જપ્તી ! માટે આપણે શું કરી લેવું જોઇએ ? આત્માનું. આત્માનું ભલે ના સમજો, પણ પરલોકનું તો કરો ! પરલોકનું બગડે નહીં એવું તો રાખો!! આ લોક તો બગડેલો જ છે, એમાં કંઇ બરકત છે નહીં. હિતાહિતનું ભાન હોય કે મારે જોડે શું લઇ જવાનું છે, એટલું જ જો એ વિચારતો હોયને તો ય ઘણું છે. કષાયોનું કારણ ! કોઇ માણસને મતભેદ થયો, તો તેનું શું કારણ ? તો કહે, ભાવનિદ્રા. કોઇ માણસને ક્રોધ થયો, તો તેનું શું કારણ ? તો કહે, ભાવનિદ્રા. કોઇ માણસને લોભ થાય, તો તેનું શું કારણ ? તો કહે, ભાવનિદ્રા. ભાવનિદ્રાથી ઉપદેશ ગ્રહણ ના થાય. આપણને એક ફેરો ક્રોધ થયો તો તેમાંથી આપણને એક ફેર ઉપદેશ મળે છે ને કે ફરી ક્રોધ ના કરો ? છતાં ફરી ક્રોધ કરે છે, તે ભાવનિદ્રા. ક્રોધ આવવો, લોભ આવવો, તે અજાગૃતિ છે. જેટલી જેટલી અજાગૃતિ ઓછી થઇ-જાગૃત થાય તેમ તેમ ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થતાં જાય. અજાગૃત એટલે ક્રોધ કર્યા પછી પણ ના પસ્તાય. ક્રોધ કરીને જે પસ્તાય છે, તેને થોડીક જાગૃતિ છે. પણ તે અજાગૃત વધારે છે. ક્રોધ કર્યા પછી ખબર પડી જાય અને પછી ધોઇ નાખે એ કંઇક જાગૃતિ કહેવાય. પણ ક્રોધ કર્યા પછી ખબર જ પડતી નથી એ અજાગૃત દશા! જે જાગૃતિ, ક્રોધ નામની નબળાઇ ઊભી કરે, એને જાગૃતિ કહેવાય જ કેમ ? ક્યાંય ક્રોધ થાય નહીં એવું હોવું જોઇએ. જે જાગૃતિ ક્રોધ શમાવે તે જાગૃતિ સારી. ખરી જાગૃતિ તો ક્રોધ થવાનો હોય, તેને વાળી લે તે. લોકોને જાગૃતિ હોતી જ નથી. અત્યારે મનુષ્યોમાં જે એક ટકો ય જાગૃતિ રહી છે તે આ ડૂંટી પૂરતી જ, બીજે બધે અજાગૃત દશા છે, આ નાભિપ્રદેશમાં રૂચક પ્રદેશો જે ખુલ્લા છે ને એટલાં પૂરતી જાગૃતિ છે. બાકી, જાગૃતિ જ રહી નથી, જાગૃતિ જ ખલાસ થઇ ગઇ છે. જાગૃતિ વધતી વધતી ૩૬૦ ડીગ્રી જાગૃતિ થાય, એનું નામ કેવળજ્ઞાન. જાગૃતિ ૩૫૯ ડીગ્રી હોય ત્યાં સુધી જાગૃતિ જ કહેવાય. ક્રોધ-માન-માયા-લોભ બધું જ અજાગૃતિ છે. કોઇ મને પૂછે કે, 'એ અજાગૃતિ કઇ રીતે ?' એ સમજાવો. ત્યારે અમે તેને કહીએ કે, 'તમારે ક્રોધ-માન-માયા-લોભ કાઢવાં છે કે નહિ ?' ત્યારે એ કહે છે કે, 'હા, કાઢવાં છે.' 'કાઢવાં છે' કહે ત્યાં સુધી એ જાગૃત છે. પણ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપી દે છે તે અજાગૃતિ છે. જેને કાઢવાં છે તેને ખોરાક આપે એટલે એ ટકે છે. જો ત્રણ વરસ તેમને ખોરાક ના આપે તો તે ઊભાં ના રહે. મનુષ્યો અજાગૃત છે, આ જાનવર પણ અજાગૃત છે. તો બેઉ સરખાં જ કહેવાય ને!! મનુષ્યગતિનો લાભ ના મળ્યો એને ! આગ્રહ માત્ર ભાવનિદ્રા જ !! જ્યાં સુધી માણસને કોઇ પણ પ્રકારનો આગ્રહ છે, ત્યાં સુધી માણસ ભાવનિદ્રામાં જ છે. 'આગ્રહ એ મોક્ષે જતાં ખોટી વસ્તુ છે' એમ જ્યારથી જાણે ત્યારથી જાગૃતિ શરૂ થાય છે. અત્યારે તો આગ્રહ જ નહીં, પણ મતાગ્રહી-દુરાગ્રહી થઇ ગયા છે. જાતિનો આગ્રહ હોય તેને કદાગ્રહી કહ્યા. તે બહુ જોખમકારક નથી. પણ મતનો આગ્રહ એટલે મતાગ્રહ, એટલે કે 'હું જૈન, હું વૈષ્ણવ, હું સ્થાનકવાસી, હું દેરાવાસી, હું દિગંબર' એ બહુ જ જોખમકારક છે. જાગૃતિ, જાગૃતની ભજનાથી જ ! પ્રશ્નકર્તા : આપ બોલાવો છો, તે મંત્રો- આરતી એ બધું શું છે? એ બધાની શી જરૂર છે ? દાદાશ્રી : એવું છે, કે આ જે બોલાવું છું ને, તે પૂર્ણ જાગૃત લોકોનાં નામ લઇને બોલાવું છું. જે જાગૃત છે તેની ભજના શિખવાડીએ છીએ. જે જાગૃત છે તેને યાદ કરો તો તમારી જાગૃતિ વધે. એમાં જેટલાં જાગૃત થઇ ગયા ને જેટલાં જાગૃત છે અત્યારે તેમના નમસ્કાર બોલાવ્યા છે અને તેમાં ય હાલ જે જાગૃત છે તેમની વધારે પડતી વાત છે ને થઇ ગયા તેમની સાધારણ વાત છે. આ નમસ્કાર વિધિથી તો બધા જાગૃતોને રાજી કરે છે, વિનય કરે છે, પ્રેમભાવ કરે છે. આ તો 'સાયન્ટિફિક' છે. તે જેવું અહીં બધા કરે છે એવું આપણે ય કરીએ તો આપણી ઉપર 'જ્ઞાની પુરુષ' રાજી થાય. પોતાનું દોઢ ડહાપણ ઘાલે કે પાછું બગડ્યું. આપણી દુનિયા તો એક છે, પણ એવી બીજી દુનિયા સાથે 'જ્ઞાની પુરુષ'ના તાર જોઇન્ટ છે. અત્યારે જે સંપૂર્ણ જાગૃત છે તેની જોડે અમે સાંધો મેળવી આપીએ છીએ, અમારાથી થોડેક અંશે વિશેષ જાગૃત છે તેમની જોડે તમારો સાંધો મેળવી આપીએ છીએ. તે સાંધો મેળવવાથી તેમની જોડે ઓળખાણ થઇ જાય. જ્ઞાનીઓ જાગૃત ત્યાં જગત..... પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને કહ્યું, 'જ્યાં જગત જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ ને જ્યાં જગત ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ.' એ ના સમજાયું. એ સમજાવો. દાદાશ્રી : જગત ભૌતિકમાં જાગે છે ત્યાં કૃષ્ણ ભગવાન ઊંઘે છે ને જગત ઊંઘે છે ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે. સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે, ને નિર્અહંકારી જાગૃતિ એનાથી મોક્ષ છે. જગત, ઉઘાડી આંખે ઊંઘમાં ! 'જ્ઞાની પુરુષ' આ ઉઘાડી આંખના સ્વપ્નાને જુએ-જાણે છતાં ય કોઈ કહે કે 'તમે મારા વેવાઈ થાવ.' ત્યારે કહે, 'હા.' પણ 'જ્ઞાની પુરુષ' પોતે જાણે કે આ સ્વપ્નામાં બોલી રહ્યા છે. 'તમે મારા વેવાઈ થાવ' કહે તો આપણે 'હા' કહેવું પડે. નહીં તો પાછું વઢમ્વઢા કરે સ્વપ્નામાં. વઢે કે ના વઢે ? કારણ કે જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. પ્રશ્નકર્તા : ઉઘાડી આંખે ઊંઘવું, એ ખરેખર શું છે ? દાદાશ્રી : અજાગૃતિ ! આ બધા ઉઘાડી આંખે ઊંઘી રહ્યા છે. આ ચાર્ટડ એકાઉન્ટન્ટને લોકો શું કહે ? કે બધા ધંધા કરતાં આમનો ધંધો એવો, તે વધારે જાગૃત રહેવું પડે. પણ એ જાગૃતને મેં શું કહ્યું ? કે ઉઘાડી આંખે ઊંઘે છે. આ બધા મોટા ઓફિસરો બધા ય ઉઘાડી આંખે ઊંઘે છે. પ્રશ્નકર્તા : જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે, એમ કહ્યું ને, આપે ? દાદાશ્રી : હા, જગત તો ઊંઘે જ છે. પણ જેને લોક જાગૃત કહે છે, તે બધાને ય હું કહું છું કે આ બધા ય ઉઘાડી આંખે ઊંઘે છે. કારણ કે આ મોટા ઓફિસરો, પણ એમની જાગૃતિ કેવી ? 'વન કોર્નર'ની ! એમની પોતાની લાઈનની જ જાગૃતિ, બીજી કોઈ જાગૃતિ જ નહીં. છતાં એમનાં કારખાનાના બધા ય લોકો કહે કે આ જાગૃત છે. પણ ન હોય એ જાગૃતિ. આપને લાગે છે આ ઉઘાડી આંખે લોકો ઊંઘતા હશે ? કે જાગતા હશે બધા ? આપણે સ્કૂલમાં ભણતા હોઈએ તો સ્કૂલની એકલી જ કાળજી રાખીએ, ને ઘરની કે બીજી કોઈ, શરીરની બધી કાળજી ના રાખીએ તો શું કહેવાય ? એવી રીતે આ લોકો બધા આ એક ભવની જ કાળજી રાખે છે. મા-બાપ છોકરાઓની જ કાળજી રાખે છે. પોતે, આવતા ભવમાં શું થશે, તેની કોઈ કાળજી કરતું નથી. એનું શું કારણ ? પોતાના હિતમાં કાયમ રહેતો નથી, હિતાહિતનો ખ્યાલ કાયમ રહેતો નથી. એટલે ઉઘાડી આંખે ઊંઘી રહ્યું છે. આ ઊંઘતા જગતને જગાડવું જોઈએ કે 'ભઈ જાગો, તમારા આવતા ભવનું કંઈક કરો.' એટલે સાચો જાગૃત કોને કહેવાય ? સંસારમાં-વ્યવહારમાં સંપૂર્ણ જાગૃત રહે અને આ લોક-પરલોકનાં હિતાહિતનું સાધન સાથે રાખે ત્યારે જાગૃત કહેવાય. મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એવો જેને ખ્યાલ નિરંતર રહેતો હોય એ જાગૃત કહેવાય. એ જાગૃતિ તો જુદી હોય. આ બધી ક્રિયાઓ થાય છે તે બધી ઊંઘમાં જ થાય છે. સ્વપ્નમાં આ બધું થઈ રહ્યું છે અને મનમાં શું ય માની બેઠા હોય કે આપણે કેટલી બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ. પણ આ સ્વપ્નાની ક્રિયાઓ કામ લાગશે નહીં, જાગૃતની ક્રિયાઓ જોઈશે. આ તો ઉઘાડી આંખે ઊંઘે છે. ઊંડા અંધારેથી, પરમ તેજે.... પ્રશ્નકર્તા : આ પાંચ ભૂમિકા જે કહી, સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃતિ, તુરીયા અને છેલ્લે તુર્યાતીત, એ પાંચેવ ભૂમિકા ઉપર થોડું થોડું કહો. દાદાશ્રી : આ ઝાડ-પાન બધાં નિદ્રામાં છે. એકેન્દ્રિય જીવો, પછી બે ઇન્દ્રિયના જીવો, એ બધા ય નિદ્રામાં છે. હરે-ફરે તો ય નિદ્રા. પણ જ્યાં બુદ્ધિ થઈ ત્યાં એ નિદ્રામાંથી એક ફેરો જાગૃત થયો કહેવાય. જે સુષુપ્ત અવસ્થા છે ને, જેને ગાઢ નિદ્રા કહેવામાં આવે છે, એટલે તદ્દન બેભાનપણું જ. બધાં બારણા બંધ ! ભાન જ નહીં કોઈ જાતનું. છતાં ગાઢ નિદ્રામાં આનંદ હોય હંમેશાં. એ ઊઠે ત્યારે કહેશે, 'આજ સરસ ઊંઘ આવી.' ગાઢ નિદ્રા, એ એક અવસ્થા છે. ગાઢ નિદ્રા ના આવે ત્યારે સ્વપ્ન અવસ્થા આવે. આંખો બંધ હોય અને સ્વપ્નું મહીં ચાલ્યા કરે. સ્વપ્નામાં બધું દેખાય ખરું ને ! જેવું છે એવું દેખાય છે ને ?! દેરાસર દેખાય, છોકરાં દેખાય. એટલે રાતે સ્વપ્નું આવ્યું, તો એને જુએ. નિદ્રામાં તો કશું સમજે જ નહીં. પણ સ્વપ્નામાં તો પોતે કંઈક જુએ-જાણે કે મને કંઈક થયું, એવો અનુભવ થાય એને ! કોઈક ફેરો સારું ય સ્વપ્નું આવી જાય, કોઈક ફેરો ખરાબ સ્વપ્નું આવી જાય, કોઈક ફેરો સાપ દેખાય, ફલાણું દેખાય, એ સ્વપ્ન અવસ્થા. એમાં દેહમાં ભાન ના હોય. પણ મહીં અંદર સ્વપ્નું ચાલ્યા કરતું હોય. અને પછી ત્રીજી આ જાગૃત અવસ્થા કહેવાય. પણ 'ઉઘાડી આંખ' માટે. બાકી, ખરી રીતે આ ય 'ઉઘાડી આંખનું સ્વપ્નું' છે. પેલું 'બંધ આંખનું સ્વપ્નું' છે, એનો બધાં લોકોને અનુભવ હોય. પણ આ 'ઓપન' આંખનું સ્વપ્નું છે અને સ્વપ્નામાં જો રાચે છે ને ?! 'હેય... મારે આમ છે ને તેમ છે, ને ફલાણું છે' કહેશે. પણ આ બધું સ્વપ્નું છે. એને સ્વપ્નું માને તો આગળ જાય ને ! પણ એને કોઈ સ્વપ્નું માનતા જ નથી ને ! આ તો દસ લાખ કમાયો, તો કહેશે, 'આ સ્વપ્નું ન્હોય. આ તો સાચું જ છે.' 'આ મને સ્વપ્નું આવ્યું હતું' એમ કોઈ કહે છે ? એટલે આ 'ઉઘાડી આંખનું સ્વપ્નું' જ્યારે એને સ્વપ્નું લાગશે અને આમાંથી જાગશે ત્યારે જાગ્યો કહેવાય, સાચો જાગૃત કહેવાય. ત્યારે પેલી ચોથી સ્થિતિમાં આવશે, તુર્યાવસ્થામાં આવશે. પછી આ 'ઉઘાડી આંખના સ્વપ્નાને' ય 'જુએ ને જાણે', એ પછી એટલો જાગ્યો કહેવાય. અને સંપૂર્ણ જ્ઞાની થયો એ તુર્યાતીત અવસ્થા ! તુરીય એટલે સંસારની બધી અવસ્થા-ઓની પર, એનું નામ તુર્યાવસ્થા. તે આ તુર્યાવસ્થાવાળા, જ્યાં જગત જાગે ત્યાં એ 'પોતે' ઊંઘે. એટલે શું કે જગતને જે ગમે છે એ તુર્યાવસ્થાવાળાને જરૂરિયાત નથી. એટલે ત્યાં આગળ એ ઉદાસીન રહે છે ને પોતાની જે દશા છે, એને જગત જાણતું નથી. પ્રશ્નકર્તા : તો પછી આ જાગૃત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને સ્વપ્ન-અવસ્થા, આ ત્રણ અવસ્થા ખોટી ઠરે છે. દાદાશ્રી : ના. ખોટી ઠરતી નથી. કારણ કે ઊંઘમાંથી જાગે છે ત્યારે પાછો કહે છે ને, કે 'મને બહુ સરસ ઊંઘ આવી !' પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે એ સાચી છે. પ્રશ્નકર્તા : તો આ સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃત, આ ત્રણેય અવસ્થા નકામી કહી શકાય ? દાદાશ્રી : હા. આમ એ 'યુઝલેસ' છે. પ્રશ્નકર્તા : અને તુરીય તો કામની ને ? દાદાશ્રી : તુરીય તો કામની છે. કારણ કે તુરીય એટલે ઢંઢોળેલો માણસ. આમ ઢંઢોળે ને, કે 'ભઈ, ઊઠને, તું તો આ ન્હોય. તું આ ન્હોય.' તો ય કહેશે કે, 'ના, હું ચંદુ છું ને !' 'અલ્યા, ન્હોય તું ચંદુ.' પછી એને જરા ભાન કરાવડાવે ને કહીએ કે, 'ઊઠો હવે.' ત્યારે એ કહે, 'હા, ઊઠ્યો.' એવું કહે હઉં. તો આપણે જાણીએ કે આ ભાઈ ઊઠે છે, હવે આની માટે ચાની તૈયારી કરો ! પછી એ સભાનતામાં આવી જાય. અને સભાનતા એનું જ નામ કે એ નિરંતર રહ્યા કરે, જુદો રાખ્યા કરે. પ્રશ્નકર્તા : પણ તુર્યાવસ્થામાં જો સભાનતા હોય તો એ પણ એક અવરોધરૂપ છે ને ? 'મને આ તુર્યાવસ્થા પ્રાપ્ત થઈ' એ પણ એટલો 'ઇગો' કહેવાય ? દાદાશ્રી : પણ એવી તુર્યાવસ્થા આપણે નથી કહેતા. આપણે તો 'હું શુધ્ધાત્મા છું' એ ભાન થયું છે, આવી સભાનતાપૂર્વકની તુર્યાવસ્થા કહીએ છીએ. આ સ્વપ્નામાં રહીને આ સ્વપ્નાને એ જાણે. આ સ્વપ્નું કેવી જાતનું આવ્યું છે, એને જે જાણે એ સભાન અવસ્થા ! એટલે આ ફોરેનવાળા, જે પુનર્જન્મને માનતા નથી, તેને માટે આ સભાનતા છે. કારણ કે અહીં હિન્દુસ્તાનના લોકો પુનર્જન્મને માને છે. બાકી, આને સભાનતા કહેવાય જ નહીં ને ! આપણે ત્યાં તો તુર્યાવસ્થાને સભાનતા કહે છે. આ નિદ્રા અવસ્થા એ સંપૂર્ણ અજ્ઞાનતાની દશા છે. સ્વપ્ન અવસ્થામાં થોડી થોડી જાગૃત સ્થિતિ છે અને જાગૃત અવસ્થામાં વધારે જાગૃતિ હોય છે. જાગૃત અવસ્થા એટલે ઉઘાડી આંખનું સ્વપ્નું છે. આ સંસાર એ ઉઘાડી આંખનું સ્વપ્નું છે અને આમાંથી જાગે તે તુર્યાવસ્થા ! પહેલાં તો 'હું ચંદુભાઈ છું' બોલતા હોય અને આમાંથી જાગે ત્યારે 'હું શુધ્ધાત્મા છું' એ તુર્યાવસ્થા ! પ્રશ્નકર્તા : એટલે જાગ્યા પછી તુર્યાવસ્થા છે ? દાદાશ્રી : હા, જાગ્યા પછી તુર્યાવસ્થા ! પછી કાયમને માટે સભાનતા રહી, એટલે તુર્યાવસ્થા રહી. અને એ તુર્યાવસ્થામાંથી પછી 'ફૂલ્લી' થઈ જશે, વધતી વધતી તુર્યાતીત દશા થઈ જશે. પ્રશ્નકર્તા : તો તુર્યાવસ્થા ને તુર્યાતીત અવસ્થા, એ બે વચ્ચે ફેર શો ? દાદાશ્રી : જાગૃતિની શરૂઆત થઈ, એનું નામ તુર્યાવસ્થા. આ ઊંઘમાંથી જાગ્યા, આ જાગૃત સ્વપ્નામાંથી જાગ્યા, એ તુર્યાવસ્થા ! આમાંથી સભાનતાપૂર્વકની અવસ્થા એ તુર્યાવસ્થા, ને તુર્યાતીત થયો એ જ્ઞાની ! સભાનતાવાળાને ય માર્ગ દેખાડે એ તુર્યાતીત અવસ્થા ! જે અવસ્થાથી બીજી કોઈ આગળ અવસ્થા નથી, અવસ્થાઓ પૂરી થઈ ગઈ. પ્રશ્નકર્તા : એટલે તુર્યાતીત અવસ્થા એને કરવી નથી પડતી ? એની મેળે જ એ 'પ્રોસેસ' છે ? દાદાશ્રી : હા. સભાનતા થયા પછી એની મેળે જ થયા કરે છે એ. કારણ કે અસ્તિત્વનું ભાન તો જીવમાત્રને છે. ઝાડને ય 'હું છું' એવું ભાન છે. પણ 'હું શું છું ?' એ વસ્તુત્વનું ભાન એને નથી. હવે વસ્તુત્વનું ભાન થઈ જાય એટલે સભાનતા થઈ, એટલે પૂર્ણત્વ એની મેળે થાય. પછી ક્રિયા કશી રહેતી નથી. હવે તુર્યાવસ્થાથી આગળની અવસ્થા છે, જેને કેવળજ્ઞાન કહે છે ને ! કેવળજ્ઞાન એટલે છેલ્લામાં છેલ્લી જાગૃતિ. એથી આગળ હવે કોઈ જાગૃતિ રહી નહીં. પ્રશ્નકર્તા : પણ એ ચાર અવસ્થાની પર, એટલે કેવળજ્ઞાનની અવસ્થા છે ? દાદાશ્રી : તુર્યાવસ્થા તો સમકિત ના હોય તો ય ઉત્પન્ન થાય છે. પછી સમકિત આવે ત્યારે એ અવસ્થા વધતી જાય છે. તે તુર્યાવસ્થાથી માંડીને કેવળજ્ઞાન સુધીની બધી બહુ અવસ્થાઓ છે. એ પણ જાગૃત અવસ્થાઓ કહેવાય છે. અંગ્રેજીમાં કહે છે ને, અવેરનેસ, બીવેરનેસ, એલર્ટનેસ ? પછી આ છેલ્લી એક્ઝેક્ટનેસ. કેવળજ્ઞાન એ એકઝેક્ટનેસ ! 'યોગ-ક્રિયાકાંડ' જાગૃતિ ન આપે !! પ્રશ્નકર્તા : આ પૂજા, જપ, તપ કરે છે, તે કંઇ પોતાની જાગૃતિ માટે હેલ્પ કરે ખરું ? દાદાશ્રી : એ તો જે હેતુ માટે કરે, તે હેતુનું ફળ મળે. કોઈક માણસને 'શાદી' કરવી હોય ને વહુ ના મળે, તો પૂજા, તપ કરે તો એને એ મળે. જે હેતુ માટે કરે, તે મળે. પ્રશ્નકર્તા : એનાથી આધ્યાત્મિકમાં પ્રગતિ ના મળે ? દાદાશ્રી : અધ્યાત્મના હેતુ માટે કરે તો આધ્યાત્મિક ફળ મળે. બાકી, આધ્યાત્મિક હેતુ માટે કોઇ કરે એવું છે જ નહીં. બધાંને લ્હાય બળે છે, તે લ્હાયની જ દવા જોઇએ છે. આ સંસારનાં દુઃખોની લ્હાય લાગી છે લોકોને. એ જાગૃતિ માટે કાંઇ કરતો જ નથી. કોઇ માનનો ભૂખ્યો, કોઇ કીર્તિનો ભૂખ્યો, કોઇ શિષ્યોનો ભૂખ્યો, આ બધી ભીખના ભૂખ્યા છે. અધ્યાત્મમાં માન નથી, કીર્તિ નથી, કોઇ ચીજની ત્યાં અપેક્ષા નથી. અને આ અશુભમાં જ પડ્યા છે; કોઇ માનમાં, કોઇ કીર્તિમાં, સાંસારિક ચીજોમાં ભોગવિલાસમાં. કેટલાં માણસો આવાં અધ્યાત્મના માર્ગમાં હોય? કો'ક જ માણસ હોય. વધારે તો માનના ભૂખ્યા છે બધા. પ્રશ્નકર્તા : આ જે 'મેડિટેશન' કરે છે, તે બધા કહે છે ને કે 'મેડિટેશન' જાગૃતિ માટે બહુ ઉપયોગી છે. તો તે શું છે ? દાદાશ્રી : 'મેડિટેશન' માત્ર માદકતા છે, એનાથી ઠંડક રહે. જેને લ્હાય બળતી હોય, તેને 'મેડિટેશન' કરવાથી શાંતિ લાગે. પ્રશ્નકર્તા : મેડિટેશન શૂન્યતામાં લઇ જાય છે ? દાદાશ્રી : ના. એ સ્પંદન વધારે છે. 'ઇગોઇઝમ' વધારે છે. પ્રશ્નકર્તા : આ જે ચક્રો છે, એ ચક્રો જેવું કશું નથી ? દાદાશ્રી : છે. એ ચક્રો બધાં ઇલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશન છે. અને ત્યાં આગળ ચક્રો ઉપર ધ્યાન કરવાથી એકાગ્રતા થાય, મન સારું થાય, સ્થિરતા આવે પણ અહંકાર વધી જાય. સાચું જ્ઞાન જ એકલું એવું છે કે જે 'કાઉન્ટર વેઇટ' માંગતું નથી. બાકી આ બીજા બધા 'કાઉન્ટર વેઇટ' માંગે એવી વસ્તુઓ છે. જે વસ્તુ લો તેની સામે બદલામાં બીજી વસ્તુ આપવી પડે. એટલે એકાગ્રતા વગેરે કરો તો અહંકાર વધી જાય ને આમ ખોટ ખાય ! એક યથાર્થ જ્ઞાનનો રસ્તો એકલો જ સેફસાઇડવાળો છે કે જેનાથી બીજું ઊભું થાય નહીં. આ 'મેડિટેશન'થી પોતાને શો ફાયદો થયો એ આપણે વિચારવું જોઇએ. આપણો ક્લેશ ઘટ્યો ? જો આપણો ક્લેશ ઘટ્યો તો 'રિલેટિવ' ધર્મ પ્રાપ્ત થયો કહેવાય ને ક્લેશનો નાશ થયો તો 'રીયલ' ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. ક્લેશ કરાવનારું કોણ છે ? અજ્ઞાન. જેટલાં 'રિલેટિવ' ધર્મો છે, તે અજ્ઞાનમાં રાખનારા છે. પ્રશ્નકર્તા : કુંડલિની જાગૃત કરે છે, તે શું છે ? દાદાશ્રી : એ મિકેનિકલ જાગૃતિ છે, એને અને દરઅસલ જાગૃતિને કશું લાગતું- વળગતું નથી, કુંડલિની જાગૃત થઇ એટલે આત્મા ઓછો જાગૃત થયો કહેવાય ? એ માદકતા છે એક જાતની. એનાથી એકાગ્રતા રહે ને ઠંડક લાગે. દરઅસલ જ્ઞાનજાગૃતિ જોઇશે. તમે જ્ઞાન લીધું ત્યારથી તમને શુધ્ધાત્માનું લક્ષ રહે છે કે નહિ ? પ્રશ્નકર્તા : દાદા, એ તો નિરંતર રહે છે. દાદાશ્રી : એ જ ધ્યાન. બીજાં વળી શા ધ્યાન કરવાનાં હોય ? આ નાક દબાવીને કરાવે, તે ધ્યાન ના કહેવાય. 'હું શુધ્ધાત્મા છું'નું ધ્યાન વખતે કોઇને ના રહેતું હોય ને 'દાદા' જ ધ્યાનમાં રહેતા હોય તો તે બેઉ એક જ છે. કારણ કે 'જ્ઞાની પુરુષ' એ જ તમારો આત્મા છે. બે પ્રકારના ધ્યાન એની મેળે જ થાય છે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન. જ્યારે ધર્મધ્યાન અને શુક્લધ્યાન, એને પુરુષાર્થ કહેવાય. આત્મધ્યાન એટલે જ શુક્લધ્યાન. 'હું શુધ્ધાત્મા છું' તે ધ્યાન રહ્યું, તે જ શુક્લધ્યાન. જાગૃતિના લક્ષણો ! એક જ ક્ષણ જો ઊંઘ બંધ થઇ જાય તો બધે પ્રકાશ જ થઇ જાય. રોજના ક્રમમાં રહેતો હોય અને તેમાં જ તન્મયાકાર રહેતો હોય, તેને ઊંઘમાં કહેવાય. છેલ્લા જ્ઞાનની અપેક્ષાએ આ વાત કરું છું કે આ જપ-તપ કરે છે, તે તેમાં જ તન્મયાકાર રહે છે. તેમાંથી એક મિનિટ પણ જાગૃત થાય તો બહુ થઇ ગયું. પોતાના દોષો દેખાય અને નિષ્પક્ષપાતી જજમેન્ટ આપી શકે, તે જાગૃત કહેવાય. જાગૃત થાય તેના હાથમાં સત્તા આવે. સંપૂર્ણ જાગૃત માણસ જ આપણને જાગૃત કરી શકે. આત્માનુભવ એટલે શું કે જ્ઞાન મળતાં પહેલાં જે અનુભવ થતાં હતા, તેનાં કરતાં જ્ઞાન મળ્યા પછી નવા પ્રકારના અનુભવ થાય છે ને એ અનુભવ ધીમે ધીમે વધતો જાય ને જાગૃતિ વધે. સંપૂર્ણ જાગૃતિ એ સંપૂર્ણ અનુભવ. બે વ્યુ પોઈન્ટની જાગૃતિ ! પ્રશ્નકર્તા : અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ ત્યારે, 'હું શુધ્ધાત્મા છું' કે 'ચંદુલાલ છું', એની કંઈ જ સમજ પડતી નથી. દાદાશ્રી : એ સમજી લેવાની જરૂર છે. 'તમે' ચંદુલાલ ય છો ને 'તમે' 'શુધ્ધાત્મા' ય છો ! 'બાય રીલેટિવ વ્યુ પોઇન્ટ'થી તમે 'ચંદુલાલ' ને 'બાય રીયલ વ્યુ પોઈન્ટ'થી તમે 'શુધ્ધાત્મા' છો ! 'રીલેટિવ' બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો ! વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે ! હવે 'જ્ઞાન' પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય. સમજવામાં જરા ખામી આવે તો આવી કો'કવાર કો'કને ભૂલ થાય, બધાને થાય નહીં. તમે ચંદુલાલ એકલાં નથી. કોઈ જગ્યાએ તમે સર્વિસ કરતા હો તો તમે એનાં નોકર છો. તે આપણે નોકર તરીકેની બધી ફરજો પૂરી કરવાની. કોઈ કંઈ કાયમનો નોકર નથી. એટલે આપણે અમુક અપેક્ષાએ ચંદુલાલ છીએ, અમુક અપેક્ષાએ શેઠ પણ છીએ, અમુક અપેક્ષાએ આનાં સસરા પણ છીએ, પણ તે આપણે આપણી 'લિમિટ' જાણીએ કે ના જાણીએ કે કેટલી અપેક્ષાએ હું સસરો છું ? પેલો ચોંટી પડે કે તમે કાયમના આના સસરા છો. ત્યારે આપણે કહીએ 'ના ભઈ, કાયમનો સસરો તો હોતો હશે ?' ભૂલ ખબર પડે, તે ય જાગૃતિ ! આપણે તો 'શુધ્ધાત્મા' છીએ ને 'ચંદુલાલ' તો વળગણ છે. પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે, તેથી એ બાજુ ને એ બાજુ જ ખેંચી જાય છે. ડૉકટરે કહ્યું હોય કે જમણા હાથને વાપરશો નહીં, તો ય જમણો હાથ થાળીમાં ઘાલી દે ! પણ 'આ' જાગૃતિ એવી છે કે તરત જ ખબર પડી જાય કે આ ભૂલ થઈ. આત્મા એ જ જાગૃતિ છે, આત્મા એ જ જ્ઞાન છે. પણ પહેલાંની અજાગૃતિ આવે, એટલે અજાગૃતિનો થોડો વખત માર ખાય. કોઈ પણ ભાવ આપણને મહીં ઉત્પન્ન થાય અને તેનો આમળો ચઢે તો ત્યાંથી છોડી દેવું બધું. આમળો ચઢે કે તરત બધું ઊંધે રસ્તે છે, એવી ખબર પડી જાય. જ્યાં હતા ત્યાંથી 'હું શુધ્ધાત્મા છું' કરીને ભાગી જવું. નિરાકુળતામાંથી જરાક વ્યાકુળતા ઉત્પન્ન થઈ કે 'આ આપણું સ્થાન ન હોય' કરીને ભાગી જવું. જાગૃતિનાં સાતત્ય કઈ રીતે ! પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એવી સતત જાગૃતિ કઈ રીતે રહે ? દાદાશ્રી : સતત જાગૃતિ હોય છે જ. પણ આપણને બીજી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ને ! એ શેના જેવું છે ? અહીં હું સત્સંગ બોલતો હોત અને બહાર આ સ્કૂલના છોકરાઓ આવ્યા હોય ને ધાંધલ-ધમાલ કરતાં હોય. આપણે બારણા વાસી દીધા હોય તો ય એ ધમાલ કરતાં હોય તો સત્સંગ સંભળાય નહીં ને ? બાકી, સત્સંગ તો ચાલે જ છે પણ સંભળાતું નથી. શાથી નથી સંભળાતું ? છોકરાઓ બહાર ધાંધલ-ધમાલ કરે છે એટલે. એવું આ સંસારની અવસ્થાઓ, સંસારના પર્યાયો એ બધું માણસને સફોકેશન કરે છે, ગૂંચવ ગૂંચવ કર્યા કરે છે. આ ધંધાની ધમાલો ને એવું બધું આવે ને, એટલે આપણને જાગૃતિ છે પણ તે જોવા ના દે. આપણને સફોકેશન કરાવે. આ ધંધાની અવસ્થાઓ ને એ બધું આપણને ગૂંચવ ગૂંચવ કર્યા કરે. પ્રશ્નકર્તા : જાગૃતિ રાખો, જાગૃતિ રાખો કહે છે. એટલે આપણે શું શુધ્ધાત્માની જાગૃતિ રાખવાની ? દાદાશ્રી : શુધ્ધાત્મા એ પોતે જાગૃત જ છે. આપણું આ 'જ્ઞાન' છે ને, એ નિરંતર જાગૃત જ રાખે છે. જગત જ્યાં જાગે છે ત્યાં એ ઊંઘ્યા કરે અને જગત જ્યાં ઊંઘે છે ત્યાં એ જાગ્યા કરે. એવું આ જ્ઞાન છે. ઊંઘનાર થી ય જુદો !! જેવો દેહાધ્યાસ થયો છે તેવો આત્માધ્યાસ થવો જોઈએ. ઊંઘમાં, ભરનિંદ્રામાં ય આત્માનું ભાન રહેવું જોઈએ. અમે આપીએ છીએ એ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં આત્માધ્યાસ જ રહે છે. આ તો અજાયબ જ્ઞાન છે. જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટાં જ રહે તેવું આ જ્ઞાન છે ! દેહ ને આત્મા છૂટા ને છૂટા જ રહે ! કર્મોની જંજાળમાં ઘૂટુ રખાવે.... મહીં ધૂળ ઊડતી હોય ને, તો સામી બાજુ ના દેખાય. એવું કર્મની જંજાળને લઈને સામી બાજુ દેખાય નહીં ને ગૂંચવે. પણ જો એમ જાગૃતિ રહે કે 'હું તો શુધ્ધાત્મા છું', તો એ જંજાળ ઊડી જાય. એટલે મહાવીર ભગવાન જેવી દશા રહે એવાં આ પાંચ વાક્યો તમને આપેલાં છે !! નિજ શુધ્ધત્વ, કાયમ શુધ્ધ જ ! તમે મહીં 'હું શુધ્ધાત્મા છું' એમ જાણો ને આ 'ચંદુભાઈ'ના નામનું નાટક ભજવવાનું. આ ડ્રામામાં રાગ-દ્વેષ ના હોય. ડ્રામામાં મારામાર કરે, વઢંવઢા કરે, પણ મહીં રાગ-દ્વેષ ના હોય. આ ડ્રામા જે ચાલી રહ્યો છે, એ તો તું 'રિહર્સલ' કરીને જ આવેલો છે. તેથી તો અમે 'વ્યવસ્થિત' છે એમ કહીએ છીએ, નહીં તો ક્યારનો ય આ બધું ફેરવી ના નાખે ?! જુદાપણાની જાગૃતિ..... તબિયત નરમ હોય તો એવું કહેવું કે, 'ચંદુલાલની તબિયત નરમ રહે છે.' નહીં તો 'મારી તબિયત નરમ રહે છે' કહ્યું કે પાછી અસર થાય, ચિંતવે તેવો થઇ જાય! અમને તો ડૉકટર પૂછે ત્યારે મોઢે બોલીએ કે, 'ઉધરસ થઇ છે.' પણ તરત જ એને ભૂંસી નાખીએ. આપણે કહેવું પડે કે ચંદુલાલને ઉધરસ થઇ છે. પણ શુધ્ધાત્માને કંઇ ઉધરસ છે ? એ તો જેની દુકાનનો માલ હોય તેને જાહેર કરવો પડે, પણ આપણા માથે લઇએ એ શું કામનું ? પ્રતિભાવ ! પ્રશ્નકર્તા : પ્રતિભાવ કોને કહેવાય ? દાદાશ્રી : તમે કંઇક ખોટું બોલી ગયા ને પછી તમને અંદર એમ થાય કે, 'આ ખોટું થયું, આવું ના બોલવું જોઇએ.' એ પ્રતિભાવ કહેવાય. જે તમે બોલો છો, તેને જ તમે 'ના બોલવું જોઇએ' એવો જે ભાવ કરો, એ પ્રતિભાવ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ એ જ પ્રતિભાવ ને ? દાદાશ્રી : મહીં જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય. ગોળી છૂટી જાય પછી મનમાં એમ થાય કે 'ના છોડવી જોઇએ.' આ પ્રતિભાવ એ આપણો પુરૂષાર્થ ગણાય છે. પ્રશ્નકર્તા : જ્ઞાનીને કેવા પ્રતિભાવ રહે ? દાદાશ્રી : અમને પ્રતિભાવ ના થાય. પ્રશ્નકર્તા : આ ગોળી છૂટવાના પ્રસંગમાં જ્ઞાનીને કેવું રહે ? અંદરની પરિણતિઓ કેવી રહે ? દાદાશ્રી : મહીં કુદરતી રીતે ગોળી છૂટે જ નહીં, પછી ભાવ ક્યાં કરવાનો રહ્યો ? અને નાની નાની ગોળીઓ છૂટે તે તો જોયા કરે કે, 'ઓહોહો, દારૂખાનું ફૂટે છે !' તે ભાવ કહેવાય એવું ના હોય. મહીં શરીરમાં તો બહુ જાતની ગોળીઓ ફૂટ્યા કરે, તેને ભાવ ના કહેવાય. પ્રશ્નકર્તા : 'ડિસ્ચાર્જ'માં તન્મયાકાર થાય, તો પાછા બીજા ભાવો પડે ને ? દાદાશ્રી : હા, બધું જોખમ ખરું ને ! પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઇ જાય. પ્રતિક્રમણ કરે એ ય પરભાવ. એનાથી પુણ્યૈ બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઇ ગયો એટલું ઓછું થયું. એટલે અજ્ઞાનીને પ્રતિભાવ ના થાય. એને જાગૃતિ જ ના હોયને કે આ ખોટું થાય છે. 'જ્ઞાની'ને પણ પ્રતિભાવ ના હોય. કારણ કે એમને ભાવ જ ઉત્પન્ન ના થાય, તો પ્રતિભાવ ક્યાંથી થાય ? એ જાગૃતિની નિશાની છે. અને જેને સમ્યક્દર્શન થયું છે એવાં જાગૃત મહાત્માઓને પ્રતિભાવ થાય, અવળાં ભાવ થાય કે તરત જ જાગૃતિ એ દેખાડે ને તેની સામે પ્રતિભાવ ઉત્પન્ન થાય. નિજદોષ દેખાયા, તે જાગૃતિ ! પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધાં. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે. પોતાના દોષ દેખાય ત્યારે સમજવું કે મોક્ષે જવાની તૈયારી થઇ. જાગૃતિ વગર કોઇને ય પોતાનો દોષ દેખાય નહીં. સામાના દોષ કાઢવાં હોય તો બસ્સો-પાંચસો કાઢી આપે ! જો આપણા દોષ કોઇને નુકસાન કરતા હોય તો 'આપણે' 'ચંદુભાઇ'ને કહેવું કે, 'પ્રતિક્રમણ કરો.' કોઇને કિંચિત્માત્ર દુઃખ આપીને કોઇ મોક્ષે ગયેલો નહીં. રોજ કેરીનો રસ ને પૂરીઓ ખાતો હશે તો એનો વાંધો નથી, પણ આ દુઃખ આપીને મોક્ષે જાય એ બને નહીં. અહીં 'શું ખાય છે, પીવે છે', તેની ત્યાં કિંમત નથી. પણ ત્યાં તો કષાયનો જ વાંધો છે અને અજાગૃતિ ના રહેવી જોઇએ. જગતને ઊંઘતું કેમ કહેવાય છે ? કારણ કે 'સ્વ-પર'નું ભાન નથી, પોતાનું સ્વનું ને પરનું હિતાહિતનું ભાન નથી રહ્યું. મોક્ષ માટે કષાયનો વાંધો છે. એ બધું જોવાનું માત્ર ! પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિની પ્રવૃત્તિ ક્યારે શમી જાય ? દાદાશ્રી : પ્રકૃતિની પ્રવૃત્તિ આપણને બધી દેખાયા જ કરે. હવે તમારે 'આ ચંદુભાઈ શું કરી રહ્યા છે' એ જોવાનું હોય. એનું નામ શુધ્ધાત્મા. મનમાં જે થાય છે એ સૂક્ષ્મ સંયોગો છે અને બહાર જે થાય છે એ સ્થૂળ સંયોગો છે. પછી વાણીના સંયોગો, આ બધાને જોયા કરવાના છે. હવે એ જોયા કરવાથી શું થાય ? ઉપયોગ થયો કહેવાય. અને ફાઈલ ભારે હોય તો આપણને જોવા ના દે અને પેણે ફાઈલમાં ઢસડી જાય અને ગૂંચવાડો ઊભો કરે, તો ય 'ચંદુભાઈને શું થાય છે' એ તમારે જોવાનું. તમારે કશું કરવાનું નથી. ચંદુભાઈને જે થાય છે એ હવે તમારું ના કહેવાય. એનાં માલિક તમે નથી. માલિકીપણું છૂટી ગયું છે હવે તમારું. ભાસ્યમાનથી આનંદ આવરાયો ! પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું એટલે મન-વચન-કાયા ને બધું અર્પણ કરીએ છીએ. પણ પાછાં અમે વચ્ચે વચ્ચે થોડાં થોડાં એનાં માલિક થઈ જઈએ છીએ. અમારા હાથમાં પાછી ડ્રાઈવિંગ સીટ આવી જાય છે. તો એ સમર્પણ સતત કેવી રીતે રહે ? દાદાશ્રી : એ રહે જ છે. આ તો તમને ભાસે છે એવું, બાકી રહે જ છે. હું તમને કહું છું ને ! પ્રશ્નકર્તા : પણ અમે પાછાં પેલામાં આવી જઈએ છીએ ને ! દાદાશ્રી : ના. એ તમે ગયા યે નહોતાં ને આવ્યા યે નહોતાં. આ તો ભાસે છે જ ખાલી. આ તો અભ્યાસ પહેલાંનો છે ને, એટલે એવું ભાસ્યા કરે છે કે 'આમ થયું હશે, આમ થયું, આમ થયું.' પણ એવું કશું થતું નથી. પ્રશ્નકર્તા : તો પછી સતત પરમ આનંદ રહેવો જોઈએ ને ? દાદાશ્રી : તે ના રહે. આવું ભાસે પછી ના રહે ને ! એટલે આવાં ભાસતાને ના જોવું. એકઝેક્ટ જુઓ તો આનંદ રહે. પ્રશ્નકર્તા : પણ એમાં ટાઈમની ગેપ પડી જાય છે ને ! આ બધા વ્યવહારિક કામ કરવાનાં આવે ને, ત્યારે આ બહારનું જગત આખું આવીને ઊભું રહે. તે વખતે જો તન્મયાકાર થઈએ ને.... દાદાશ્રી : ના, એ તો અનાદિનો અભ્યાસ એટલે પાછું ત્યાં આગળ એને એમ લાગે છે કે 'આમ હશે.' પણ એ ભાસે છે. હકીકતમાં એવું કશું છે જ નહીં. એ તો જો તમે મૂળરૂપે ચંદુભાઈ થાવ તો જ ચોંટે. પણ તમે તો શુધ્ધાત્મા થઈ ગયા છો. પ્રશ્નકર્તા : એ જ કરું છું ને ! અમે એક બાજુ સમર્પણ કરીએ છીએ અને પાછું કામ કરવા જતાં ચંદુભાઈનું ચંદુભાઈપણું આવી જાય છે ને, પાછું ! દાદાશ્રી : ના. એ આવે જ નહીં. એવું બને જ નહીં. એ તો તમને ભાસે છે. જેટલું બધું તમને બની જાય છે ને ! એ બધું તમને ભાસે જ છે. જો એ ભાસ્યમાન ના થાય તો તો આ સફોકેશન ના થાય. એ તમને ભાસે ત્યાં સુધી આનંદ ના આવવા દે. ભાસ્યમાન સામે જાગૃતિ ! પ્રશ્નકર્તા : હા, તો પછી એનો ઉપાય શો ? દાદાશ્રી : એનો ઉપાય નથી. એ ભાસે છે ને એની સામે એટલી જાગૃતિ વધારે રાખવાની. ત્યાં આગળ એવી જાગૃતિ રાખવાની કે 'આ ભાસે છે તે ખોટું છે. હકીકતમાં આમ છે જ નહીં' કે તરત એ ભાસેલું ઊડી જશે. તમને એમ 'જે' ભાસે છે, એને ય તમે 'આ તો ભાસેલું છે' એમ કહેશો તો એ ઊડી જશે. પણ જો તમે કહો કે, 'ના, મને આ દેખાયું.' તો ત્યારથી પછી એવું તમને પકડશે. કારણ કે આત્માનો સ્વભાવ જેવો કલ્પે એવો થઈ જાય એવો છે. 'હું શુધ્ધાત્મા છું' એવી કલ્પના કરે તો એવો થઈ જાય. પણ એ કલ્પના ક્યારે થાય ? કે એવી શુધ્ધાત્માની દશા થયા પછી. નહીં તો એમ ને એમ શુધ્ધ બોલવા જાય તો વધારે ગૂંચાય. એટલે કહું છું ને, કે એક ફેરો આત્મા થઈને આત્મા બોલ, શુધ્ધાત્મા થઈને 'શુધ્ધાત્મા છું' બોલ. આપણને મન-બુદ્ધિ-ચિત્તથી સમજાય કે ખરેખર એક્ઝેક્ટ એ પદ પામ્યો છું. ત્યાર પછી આત્મા થઈને એક ફેરો, એક જ વખત. અરે, એક સેકન્ડ પણ બોલે તો બહુ થઈ ગયું. ને તમે તો એ સારી રીતે બોલ્યા છો ને ? પ્રશ્નકર્તા : એક વખત, એક સેકન્ડ નહીં. દહાડાની કોઈ વખતે ચાલીસ મિનિટે બોલતા હોઈશું. પણ જ્યારે પેલો ફોર્સ આવીને ઊભો રહે છે, તે વખતે આપણને ગૂંચવી દે છે. દાદાશ્રી : ના. એ તો આપણને ભાસે છે, તેને જોયા કરીએ. તે અમને ય કોઈ ફેરો ભાસ્યમાન પરિણામ ઊભાં થાય પણ અમે ના ગૂંચાઈએ. અને સમજી જઈએ કે આ ભાસ્યમાન પરિણામ છે. એટલે તમે એને ભાસ્યમાન કહેશો ને તો એ ખસી જશે. કહીએ કે 'આ તો ભાસ્યમાન પરિણામ છે. અમારે જરૂર નથી, હવે તમે ચાલ્યા જાવ.' તો એ જતાં રહેશે. એ આપણે ઊભાં કરેલાં છે. આમાં આત્મભાવે નિર્લેપ જ ! પ્રશ્નકર્તા : હવે અમે ઉપર જઈએ છીએ, નીચે પડીએ છીએ, એ બધાં ભાસ્યમાન પરિણામ જ છે ? દાદાશ્રી : બધા ભાસ્યમાન પરિણામ જ છે. મેં તો એટલે સુધી તમને કહ્યું છે કે 'મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.' એટલે મન-વચન-કાયાનાં જે લેપાયમાન ભાવો આવે છે, જે બધા વિચારો આવે છે ને, તે બધા તમામ પ્રાકૃતભાવો છે. આમાં તમારો સ્વભાવ નથી, આ બધી પુદગલની બાજી છે. અને તેમાં આપણે ગુંચાઈ જઈએ પછી શું થાય ? જે વિચારો આવે છે ને, તે તદ્દન જડ છે અને પાછા આથમતા વિચાર છે. ઊગતા હોય તો જાણીએ કે ઠીક છે. આ તો આખો દહાડો રહેશે.' પણ આ તો આથમતા, તે ઘડી પછી જતા જ રહેવાના છે. જેની અસ્તિ જ નથી રહેવાની એવા જતાં રહેવાનાં છે. અને તેને આપણે દૂધ પાઈએ, ચા પાઈએ, એ કેવું ? પ્રશ્નકર્તા : પણ એ બીજા નવા તો આવ્યા જ કરે ને ? એક જ ગ્રંથિમાં અમે ફર ફર કરીએ છીએ ને ? દાદાશ્રી : એ તો બધું પુદગલ છે, સબ પુદગલકી બાત હૈ. તેથી આપણે કહ્યું ને, કે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. લેપાયમાન ભાવો એટલે આપણે ના લેપાવું હોય તો યે લેપાયમાન કરી નાખે. તેનાથી પણ આપણે સંપૂર્ણ નિર્લેપ છીએ. એટલે એ આવે તો ખરા જ, જે ભરેલો માલ છે એ આવે છે પણ આપણો સ્વભાવ જ નિર્લેપ છે. કોઈ કહેશે કે, 'એ ભરેલો માલ છે એની શું ખાતરી ?' ત્યારે હું કહું કે તમને માંસાહારનો વિચાર ક્યારેય ના આવે અને બીજાને માંસાહારનો વિચાર ક્યારેય ભુલાય નહીં. એટલે જે માલ તમે ભર્યો છે એ જ તમને આવશે. અને એ પૂરણગલન છે, તમે જે પૂરણ કર્યું છે એ ગલન થઈ રહ્યું છે, એમાં તમને શું હરકત થઈ ? ખાટો દૂધપાક ભર્યો હશે તો ખાટો દૂધપાક નીકળશે. હવે લોકોનું ગળ્યું જોઈએ એટલે આપણે એમ માનવું કે મારો ખાટો કેમ નીકળ્યો ? અરે, જે ભર્યો છે તે જ નીકળ્યો. ત્યારે પેલા કહેશે કે, 'તમારો તો ખાટો છે. તો ય કહીએ કે, 'તમારા કરતાં તો મારો દૂધપાક સારો છે.' આવો કચરો, કેવો કચરો ?! સાભળનારને તાવ ચઢી જાય. પણ આ નીકળી જશે બધું. આ બધા લોપાયમાન ભાવો છે અને તમે નિર્લેપ છો. લેપાયમાન ભાવોથી તમે જુદા છો. એટલે તમારે તો હવે એને 'જોયા' કરવાના. માત્ર બીલિફો જ રોંગ ! આત્મા જુદો જ છે. ગધેડામાં ય આત્મા જુદો છે, એકાકાર કશું થયું નથી. જે એને રોંગ બીલિફ બેસી ગઈ છે ને, તેથી એ તન્મયાકાર રીતે વર્તે છે. બાકી આત્મા તન્મયાકાર થતો નથી. આ તો બીલિફ જ રોંગ બેઠી છે કે 'હું જ છું ને આ મને જ અડ્યું છે ને આ મારું જ છે' એટલું જ આ તોફાન છે ને ! તેથી આ પરમાત્માની દશા તો જુઓ !! આ સ્વરૂપ દેહાધ્યાસનું ! આ દેહ હું છું અને આ દેહ મારો છે, આ વાણી બોલું છું ને મારી વાણી છે, આ વિચાર મને આવે છે ને હું વિચાર કરું છું, એનું નામ દેહાધ્યાસ. અને દ્રવ્યકર્મનો કર્તા હું છું, ભાવકર્મનો કર્તા હું છું, ને નોકર્મનો કર્તા હું છું, એનું નામ દેહાધ્યાસ. આટલા શબ્દો દેહાધ્યાસમાં સમાય. એમાં શું શું તમારું જતું રહ્યું એ તમારે તપાસ કરવાની રહી. કર્મઅમલમાં જાગૃતિ ! કર્મો જબરજસ્ત ફરી વળે તો મહીં હલાવી નાખે, તો કશું ના આવડે તો 'આ મારું ન્હોય, આ મારું ન્હોય, મારું ન્હોય, એમ કરીને સામા થજો. એટલે એ મહીં પેસશે નહીં, ઘરમાં નહીં પેસે. 'મારું ન્હોય' કહ્યું કે ઘરમાં નહીં પેસે, એ હેરાન નહીં કરે અને વખત પૂરો થઈ ગયો ને, એટલે એની અસર-અમલ બંધ થઈ જાય. એનો અમલ ક્યાં સુધી ? દોઢ કલાકનો કે બે કલાકનો, કે પાંચ કલાકનો અમલ હોય. તેટલો વખત આપણે 'ન્હોય મારું, ન્હોય મારું' 'ન્હોય મારું',' એવું કહીએ, બીજું કશું ના આવડે ને આવું કહે તોય ચાલે. 'મારું ન્હોય' કહે એટલે એ સમજી જાય કે આ તો ઓળખી ગયા મને, એટલે ભાગવા માંડે પાછા. અને તમે તો 'મારું, મારું' કરીને પેસવા દો પાછાં. પ્રશ્નકર્તા : ના. નો એન્ટ્રી દાદાશ્રી : એમ ?! વન વે તો એન્ટ્રી ખરીને ને ? પ્રશ્નકર્તા : નો વન વે. દાદાશ્રી : એમ ? લો, નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું, 'મારું ન્હોય' આવડી ગયું. કશું ન આવડે તો 'મારું ન્હોય, મારું ન્હોય' કર્યા કરો ને ! તો તમે જુદા રહ્યા, અને એ જુદું રહ્યું. તે એ પછી ભાગી જાય, એ જાણે કે આ જાણી ગયા. પ્રશ્નકર્તા : એને દાખલ જ નહીં થવા દેવાના. 'ના હોય મારા, આ મારું નથી' કહી દેવાનું. દાદાશ્રી : અને 'મને આમ કેમ થાય છે ?' એવું કહ્યું એટલે ચાલ્યું. પછી પેલા બધાં ફરી વળીને મારમાર કર્યા કરે. અલ્યા, આપણને અડે જ નહીં. એ લેવાદેવા જ નથી. ને એ આપણું શાનું તે ? એ તો ભૂત જેવાં હોય છે, પાછું જોયું કે વળગ્યો. એટલે અમે કહીએ કે પાછું કશું જોશો નહીં, ને 'ન્હોય મારું' કહેજો. તો વળગશે નહીં. 'વિજ્ઞાન' અંદર જુદું વર્તાવે દાદાશ્રી : તમને રાત પડે ને પૈણવાના વિચાર આવે છે કે નહીં ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : એવું ? આવે તો શું કરે ? પ્રશ્નકર્તા : 'ન્હોય મારું' કહી દઈએ. એ લેપાયમાન ભાવો છે એ ન્હોય મારા. દાદાશ્રી : હા, બસ. એ લેપાયમાન ભાવો છે. એ તો ના આવે એવો કોઈ કાયદો નથી. એ તો આવે ય ખરા. એ તો જીવતા સ્મશાનમાં સુવડાવે એવાં હોય છે. જીવતાં સ્મશાનમાં સુવડાવે, ઉપર લાકડાં મેલે, તે હઉ પોતે દેખે. એવી આ દુનિયા છે. પણ એવું ગમે તે નાટક આવે તોય કહીએ 'ન્હોય મારું' એમ કહ્યું કે ચાલ્યું, સ્મશાને ય મારું ન્હોય, આ બાળો છો તેય મારું ન્હોય. કારણ કે આપણું અને પારકું જુદું પાડી આપેલું છે. એટલે તમારું જે છે એ તમારું અને તમારું ન્હોય તે તમારું નથી. એ જુદું પાડી આપેલું છે, એટલે તમે કહો એટલે તરત જતાં રહે, ભાગી જાય. આ દાયણ છોકરાને ધવડાવતી હોય પણ અંદર જુદું જ હોય કે, આ મારું છોકરું નહોય,' એને નિરંતર ખ્યાલ જ હોય. પાળે, પોષે, મોટું કરે, પણ તેને અંદર જુદું જ હોય. એવી રીતે ઉકેલ લાવી નાખો, નિકાલ કરી નાખો, એવું આપણું વિજ્ઞાન છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ. આમ કરતાં કરતાં ફીટ થાય ! પ્રશ્નકર્તા : ક્યારેક 'આ મારું સ્વરૂપ ન્હોય' એમ કહેવાની જાગૃતિ પણ ના રહે તો ? દાદાશ્રી : એ ના રહે. છતાં અમે કહીએ છીએ એટલે અમારું એક નિમિત્ત છેને, અમારું વચનબળ છે, તે જેટલું રહ્યું એટલું જોર રહે. પણ પછી ફીટ જતું જશે. નથી રહેતું, એ પોતાનું બળ ચાલતું નથી ત્યારે આ દશા થઈ છે. આ હું શું કહું છું કે અમે તમને આ આજ્ઞા કરીએ છીએ કે આ પ્રમાણે તમે 'મારું સ્વરૂપ ન્હોય, મારું સ્વરૂપ ન્હોય' એમ બોલ્યા કરજો. છતાં તેનેય પેલું બળ તોડી નાખે, પણ એ આજ્ઞા છે ને, કંઈક ફળ આપ્યા કરશે. એમ કરતું કરતું સેટ અપ થઈ જાય. જ્ઞાન પરિણમ્યાનાં લક્ષણ ! ભૂલ તો બહાર થયા જ કરવાની. તમને ખબર પડશે, તે ભાન થતું જશે. પોતાની મેળે ભૂલનું ભાન થાય ત્યારે હું કહું કે જ્ઞાની ! નહીં તો ભૂલમાં જ ચાલ્યા કરે, ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે. પછી પોતાને જરા વેદન આવે ત્યારે પછી વિચારે કે 'આમ કેમ થાય છે ?' ત્યારે પછી ભૂલ ખબર પડે. વગર વેદને ભૂલ ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે. આ જ્ઞાન ને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ. જાગૃતિની સૂક્ષ્મતાઓ ! પ્રશ્નકર્તા : પેલી ભૂલ ખબર પડે પછી ભૂલ અટકે ખરી ? દાદાશ્રી : ના અટકે એનો સવાલ નથી. ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે, તે તો માફી જ છે. ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી. ના અટકે એનો સવાલ નથી, બેભાનપણાને માફી નથી. પ્રશ્નકર્તા : એવું બેભાનપણું તો કેટલુંય હશે ! અમુક બાજુમાં ભાન ઉત્પન્ન થયું હોય. બાકી કેટલીયે બાજુ બેભાનપણું રહેતું હશે. તો ત્યાં ભૂલો થયા કરતી હોય ને ? દાદાશ્રી : થયા જ કરે છે પણ. 'થયા કરતી હોય' એવું નહીં. થયા જ કરે છે. પ્રશ્નકર્તા : એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય એવું શી રીતે બની શકે ? દાદાશ્રી : એ તો જાગૃતિ આવવી જોઈએ. જાગૃતિ હોય તો જોતાની સાથે જ બે ભાગ જુદા પડ્યા જ કરે. જે કંઈ આવ્યું હોય એના બે ટુકડા જુદા જ થયા કરે. પ્રશ્નકર્તા : એટલે આ જાગૃતિ મુખ્ય વસ્તુ કીધી ? દાદાશ્રી : મુખ્ય વસ્તુ જ આ જાગૃતિ છે ને ! પ્રશ્નકર્તા : હવે જાગૃતિ તો બે જુદા પાડ્યાં આને જ કીધી. તો આ બે ભાગ જુદા ના પાડવા એ ભૂલ થઈ ગઈ કહેવાય ? દાદાશ્રી : એ ભૂલ જ થઈને, પછી આવી જ જાગૃતિ જોઈએ આમ. કોઈ ભૂલ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ પણ જાગૃતિ બહાર ના જાય. પ્રશ્નકર્તા : જાગૃતિ એ બે ભાગમાં વિભાજન શેનું કરતું હોય છે ? દાદાશ્રી : જોતાની સાથે વિભાજન થાય. પ્રશ્નકર્તા : હા, પણ શેમાં વિભાજન થાય ? દાદાશ્રી : પુદગલ પુદગલમાં ને ચેતન ચેતનમાં, જોતાની સાથે જ. પ્રશ્નકર્તા : આ તો સૂક્ષ્મ જાગૃતિની વાત થઈ આખી. દાદાશ્રી : ના. સૂક્ષ્મની ભૂલો બધી બહુ થાય છે. આ તો સ્થૂળમાં જ બધું બહુ ભૂલો થાય છે ને ! પ્રશ્નકર્તા : આ જાગૃતિને સ્થૂળ કહેવાય ? દાદાશ્રી : આ તો બધી સ્થૂળ જાગૃતિ કહી. પણ આ સ્થૂળ જ જાગૃતિ હજુ નથી થઈને ! પ્રશ્નકર્તા : એ સ્થૂળ અને સૂક્ષ્મનો ભેદ ના સમજાયો. દાદાશ્રી : સ્થૂળમાં છે તો આ વ્યવહારમાં ભૂલો થાય છે એ બધી. આ વ્યવહારમાં જે ભૂલો દેખાય છે તે બધું સ્થૂળ જાગૃતિ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે આ વ્યવહારમાં જે બને એમાં ભૂલો હોય તે બધી જોવી જાણવી એ સ્થૂળ જાગૃતિ કહેવાય ? દાદાશ્રી : હા, એ બધું સ્થૂળ જાગૃતિ કહેવાય. અને સૂક્ષ્મમાં કષાયભાવ હોય. એ કષાયભાવ જુદા પડે. કષાયભાવ પુદગલમાં હોય અને ચેતન જુદું પડી જાય. પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ જાગૃતિ ગણાય ! દાદાશ્રી : એ સૂક્ષ્મ જાગૃતિ ગણાય. સૂક્ષ્મ ભૂલો એ કષાય એકલાને લાગુ થાય. જાગૃતિથી કષાય અને ચેતન બે જુદું પડી જાય. કષાય પુદગલમાં જતાં રહે અને ચેતન ચેતનમાં જાય. પ્રશ્નકર્તા : કષાય ઉદ્ભવ થવા એને પુદગલ પરિણામ જાણે, એવું ? દાદાશ્રી : પછી એને આ જાણે કે જુદું પડી જાય. કષાય પુદગલ ભણી જતાં રહે. એ મિશ્રમાં જે ચેતનભાગ છે, તે આમ જતો રહે. અને સહજ રીતે બે જુદાં થયા કરે. એટલે જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. પ્રશ્નકર્તા : એટલે આ છૂટું પડવું એ સહજ છે. દાદાશ્રી : હા, સહજ છે. પ્રશ્નકર્તા : તો પછી જાગૃતિ કોને કીધી ! એ છૂટું પાડવાની ક્રિયા એ જ જાગૃતિ છે ને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : જાગૃતિથી જ એ છૂટું પડી જાય છે. આ બેઉ જુદા પડી જાય છે. 'ટોપમોસ્ટ' જાગૃતિ ! અમારી જાગૃતિ 'ટોપ' પરની હોય, તમને ખબરે ય ના પડે. પણ તમારી જોડે બોલતાં જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઇ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઇ જાય. અમારે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ રહ્યા છે, જે જગતના કોઇ પણ જીવને સહેજે ય નુકસાનકારક ના હોય. અમને આખું જગત નિર્દોષ દેખાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઇએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઇ કે જગતમાં કોઇ દોષિત જ ના દેખાય તે. જ્ઞાતા-જ્ઞેય રૂપે જગતમાં સંપૂર્ણ જ્ઞાન હાજર રહે તે સંપૂર્ણ જાગૃતિ, તે અમને હોય. ને જેને અમારું જ્ઞાન મળ્યું હોય તેમને કેટલી જાગૃતિ હોવી જોઇએ કે કોઇ પણ પ્રસંગ બને ત્યારે અમારાં 'પાંચ વાક્યો' 'એટ એ ટાઇમ' હાજર રહે ને મહીં પેટનું જરાય પાણી ના હાલે. કોઇ પણ દેહધારી હોય, પછી ઝાડ હોય, પક્ષી હોય તેમાં શુધ્ધાત્મા જોતા જોતા જવું. આવી જાગૃતિ રહે તેને 'ટોપ' પરની જાગૃતિ કહી. એથી ઉપરની 'ટોપ મોસ્ટ' જાગૃતિ કઇ કે હું આ 'ચંદુભાઈ' જોડે વાત કરું ત્યારે નિશ્ચયથી આ 'ચંદુભાઈ કોણ છે' તે લક્ષમાં રહીને વાત થાય, 'એ શુધ્ધાત્મા છે' એ લક્ષમાં રહીને વાત થાય. જાગૃતિ તો બહુ 'ટોપ'ની વાત છે. ઉપયોગ શું ? જાગૃતિ શું ? પ્રશ્નકર્તા : ઉપયોગ અને જાગૃતિ એ બે સમજાવો. દાદાશ્રી : જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવી એનું નામ ઉપયોગ. જાગૃતિ બીજામાં ના પેસી જાય, જેમ કે સંસારમાં નફાખોટમાં કે એક જ જગ્યાએ જાગૃતિને નક્કી રાખે તે ઉપયોગ ! જ્યાં જાગૃતિ વર્તે તે ઉપયોગ; પણ એ ઉપયોગ શુભાશુભનો ઉપયોગ કહેવાય. અને શુધ્ધ ઉપયોગ કોને કહેવાય કે જે શુધ્ધાત્માને અંગે જ ઉપયોગ ગોઠવેલો હોય. 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં ઉપયોગ રહ્યો, 'રીયલ' 'રીલેટિવ' જોતા જોતા ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઇ. આ તો રસ્તામાં ડાફોળિયાં મારે કે 'સ્ટીલ ટ્રેડિંગ કું, ફલાણી કંપની, જો આ કેવું છે !' આમ બીજા ઉપયોગમાં રહે તે અશુભ ઉપયોગ કહેવાય. ને ઉપયોગ ધર્મને માટે હોય તો સારો. અને શુધ્ધ ઉપયોગની તો વાત જ જુદીને ! ભાવ જાગૃતિ-સ્વભાવ જાગૃતિ ! પ્રશ્નકર્તા : ભાવજાગૃતિ શું છે ? દાદાશ્રી : ભાવજાગૃતિ એ ક્રમિકમાર્ગમાં હોય. અક્રમમાર્ગમાં સ્વભાવ-જાગૃતિ હોય. ભાવજાગૃતિ પ્રકૃતિનું ઘડતર કરે ને સ્વભાવ- જાગૃતિ પ્રકૃતિથી નિર્લેપ રાખે. મારાં પાંચ વાક્યો તમને સ્વભાવ જાગૃતિમાં રાખે. મેં તમારી ભાવજાગૃતિ ઉડાડી મૂકી છે. જગત આખું ભાવનિદ્રાથી સપડાયું છે. પ્રશ્નકર્તા : એટલે ભાવજાગૃતિથી બીજ પડે ? દાદાશ્રી : હાસ્તો. 'હું ચંદુલાલ છું' કરીને દાન કરવાનો ભાવ કરે તેને બીજ પડે. સ્વભાવ જાગૃતિમાં આવ્યા પછી તમે બોલો ખરા કે, 'મારે દાન કરવું છે.' પણ તેનું બીજ ના પડે. કારણ કે નિર્અહંકારી હોય તેથી. પોતાનો સ્વભાવ શું છે તે નહીં જાણતો હોવાથી ભાવનિદ્રા કહી છે. પોતાનો સ્વભાવ જાણવો તે નિરાલંબ દર્શન છે, નિરાલંબ જ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન થકી જાગૃતિ ! આ જગતની જાગૃતિ તે પૌદ્ગલિક જાગૃતિ કહેવાય છે. આ સંસારની જાગૃતિ જેને હોય તે બહુ હોંશિયાર માણસ હોય, આખો દિવસ જાગૃત ને જાગૃત. એ જાગૃતિમાં સહેજે ય પ્રમાદ ના હોય તો તે પણ પૌદ્ગલિક જાગૃતિ કહેવાય છે, એનું ફળ સંસાર આવશે. અને આપણી 'આ' જાગૃતિ છે એનું ફળ કેવળજ્ઞાન છે. સંસારની ક્રિયાઓને જોઇને લોભાશો નહિ. એ ક્રિયાઓ બધી અહીંની અહીં વટાઇ જવાની છે. ક્રિયાઓ અહીંની ફળવાળી, 'કેશ' ફળવાળી છે. તેથી અમે કોઇને ત્યાગ નથી કરાવ્યો ને ! અને 'આ' વિજ્ઞાને શોધખોળ કરી છે બધી કે 'જગત શું છે ને શું નથી ? શેને આધારે આ બધું ચાલે છે?' એ અનંત અવતારની આ અમારી શોધખોળ અમે ખુલ્લી મુકીએ છીએ. નહીં તો વળી કલાકમાં મોક્ષ થયેલો સાંભળ્યો છે કોઇનો ય ? કરોડો અવતારે જે ઠેકાણું ના પડે તે અમે કલાકમાં જ તમને સ્વરૂપનું ભાન કરાવડાવીએ છીએ. આખા વર્લ્ડને કબૂલ કરવું પડે એવું આ વિજ્ઞાન છે. 'જગત શું છે ? શું નથી? અહીં ફળ આપનારું શું છે ? ને ત્યાં ફળ આપનારું શું છે ? કેટલા ભાગમાં ચેતન છે ને કેટલા ભાગમાં નિશ્ચેતન છે ? જગત કોણ ચલાવે છે ?' એ બધી અમારી શોધખોળ છે. આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે ! આ સમજાય છે આપને ? ના સમજાય તો ના કહી દો. આપણને ઉતાવળ નથી. આપણે સમજવા માટે બેઠાં છીએ. આપણે કંઈ 'થિયરી' 'એડોપ્ટ' કરવા માટે નથી બેઠાં. આ થિયરી એવી નથી કે જે તમને 'એડોપ્ટ' કરવાની હોય ! 'સાચી વાત' 'સમજ'માં આવી જાય એ જ આપણી થિયરી ! સામા આવ્યા છે મોક્ષસ્વરૂપ ! કરોડો અવતારે ય ના થાય એવા આ 'એક્સપર્ટ' મળ્યા છે, તો અહીં તમારું કામ થઈ જાય તેમ છે. આ તો 'હું' કેવળજ્ઞાનમાં નાપાસ થયો, તે તમારે માટે કામ લાગ્યો, મોનિટર તરીકે ! આ તમારું જ તમને આપું છું. જ્ઞાન તો તમારું જ છે. મારું જ્ઞાન નથી. હું તો નિમિત્ત છું વચ્ચે. આ તમારું 'પોતાનું' જ જ્ઞાન છે. હવે આ ઠંડક વધે છે, તે ય તમારી જ. જાગૃતિ વધતી જશે તે ય તમારી પોતાની જ. આ મારી આપેલી જાગૃતિ ન હોય. આ બધું તમારું પોતાનું જ છે ! કેવળજ્ઞાન એટલે....... સંપૂર્ણ જાગૃતિ એને જ કેવળજ્ઞાન કહ્યું. બીજું કંઇ છે જ નહીં. કેવળજ્ઞાન કંઇ નવી વસ્તુ નથી. કોઇપણ જગ્યાએ ગફલત ના થાય. સહેજે ય 'ડોઝિંગ' ના થાય એનું નામ સંપૂર્ણ જાગૃતિ. આ સંસારની જાગૃતિ તો ઘણા લોકોને હોય છે જ, પણ તે સર્વાંશે નથી હોતી. સંપૂર્ણ જાગૃતિ એ જ મોક્ષ છે. સંપૂર્ણ જાગૃતિ એ જ કેવળજ્ઞાન છે. ૯૯ ટકા જાગૃતિ થાય ને એક ટકો ઉમેરાય ત્યારે સો એ કેવળજ્ઞાન થાય. - જય સચ્ચિદાનંદ |
|---|