ખાનાર જુદો : જાણનાર જુદો

સંપાદકીય

અનુભવી આત્મજ્ઞાનીની અદ્ભુતતા એ હોય છે કે સહજમાં આત્મદશામાં સ્થિત કરી દઈ, દેહ-વાણી-મન-વ્યવહારથી નોખા પાડી દે છે. તેમાંય અનુભવી પુરુષ પોતાના જાતઅનુભવના પ્રયોગ-દાખલાઓ આપી, જેમાં પોતે નિરંતર રહે છે એવા આત્મભાનમાં અન્યને પણ રાચતા કરી દે છે. ભૂતકાળના ચીલાચાલુ અને પુસ્તકોના દ્રષ્ટાંતરૂપી સાધનની, આત્મજાગૃતિ વધારવામાં તેમને જરૂર પડતી નથી.

પ્રસ્તુત અંકમાં આહારસંબંધી જ્ઞાનપ્રદાનમાં દેહની ખોરાક લેવાની પ્રક્રિયામાં, આત્મજ્ઞાનમાં રહી શકાય તેવી અનોખી માસ્ટર-કી બે જ શબ્દમાં આપી દે છે. ખોરાક, ખાનારો અને ભોગવનારો એ બધા કુદરતની પ્રયોગશાળાના પ્રયોગ સ્વરૂપે છે, જ્યારે ''પોતે'' મૂળ આત્મા સ્વરૂપે છે. તે આ પ્રયોગનો જાણકાર છે, પ્રયોગી છે. સાયન્ટિસ્ટ જેમ પ્રયોગ કરી રહ્યો હોય અને ભિન્ન ભિન્ન પરિણામોને અવલોકન કરી અનુમાન નોંધ કરતો હોય તેવા પ્રકારે આ પ્રયોગ-પ્રયોગીનું સચોટ દ્રષ્ટાંત તત્ત્વજ્ઞાનની સંપૂર્ણ જાગૃતિમાં સાધકને મૂકી દે છે ! સંસારી દશામાં પણ મૂળ આત્મા આફટરઑલ પ્રયોગી જ છે જ્ઞાતા-દ્રષ્ટા જ રહ્યો છે. ખાનારો કોણ, સ્વાદ લેનારો કોણ, ભોગવનારો કોણ, એના એકઝેક્ટ સૂક્ષ્મ ફોડ પાડે છે અને ઠેઠ છેલ્લો આત્માનો કયો ભાગ આમાં ? ત્યાં સુધીનું વિજ્ઞાન ખુલ્લું કરે છે.

જ્ઞાની પુરુષ જ્ઞાનપ્રયોગથી દેહ અને આત્મા જુદો છે, પોતે આત્મા છે એની જાગૃતિમાં મૂકી દે છે અને નિરંતર જુદા રહી શકાય તેના નિત નવા નવા દાખલાઓ પીરસે છે. જે સાધકને જ્ઞાન સાક્ષાત્કાર પામ્યા પછી પ્રગતિ થવા અર્થે ખૂબ ક્રિયાકારી બની જાય છે. ''આહારી આહાર કરે છે અને નિરાહારી શુદ્ધ ચેતન માત્ર તેને જાણે છે.'' તેની જાગૃતિમાં સહેલાઈથી રહી શકાય તેવી કેટલીય સમજણ દાખલા સાથે પ્રસ્તુત અંકમાં સંકલિત થઈ છે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


આહારી કોણ ?

દાદાશ્રી : હવે આહાર કોણ કરે છે ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : ચંદુભાઈ આહાર કરે છે તો તમારે સંડાસ જવાનું હોય કે એને પોતાને જવાનું હોય ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈને જવાનું હોય.

દાદાશ્રી : હા, બસ. તમારે શી લેવાદેવા ? તમે તો જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી.

આ તો આપણે જુદા, ચંદુભાઈ જુદા. આપણને હવે થાય કે 'પુણ્ય અડે નહીં, કશુંય અડે નહીં.' આપણે જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી અને ચંદુભાઈ એ ફાઈલ નંબર વન. પછી ફાઈલ નંબર ટુ, થ્રી, ફોર બધાનો ઉકેલ લાવવાનો.

ચંદુભાઈને ભૂખ લાગે તો ફાઈલ નંબર વનને ભૂખ લાગી. એટલે આપણે પાડોશી રહ્યા, એટલે જોડે ને જોડે જવું પડે. સંડાસ જવું હોય તોયે આપણે જોડે જવું પડે. પણ સમભાવે નિકાલ કરવાનો. ચંદુભાઈને સંડાસ જવું હોય અને આપણે એક કલાક બેસાડી રાખીએ તો ચંદુભાઈની તબિયત બગડે, તો આપણને પ્રોબ્લેમ ઊભા થાય. એટલે આપણે કહીએ ચાલો, હેંડો બા !

કો'કને ઘેર જમવા ગયા હોય ને આપણે પૂરણપૂરી જમતા હોય તો તે કાચી હોય, બરોબર શેકેલી ના હોય અને ઘી વેજીટેબલ હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે એને ખોટું ના લાગે, એટલા માટે અરધી ખાજો, નહીં તો પેટમાં દુઃખશે. કાચી છે અને પાછી વેજીટેબલ ઘી છે એવું તમારે ચંદુભાઈને કહેવું. કારણ તમે જાણકાર અને ચંદુભાઈ ખાનાર. અને સારી શેકેલી હોય અને ચોખ્ખું ઘી હોય તો આપણે કહેવું કે ચંદુભાઈ બે-ત્રણ ખઈને સૂઈ જાવ આપણે સારું હોય તો કહેવું. આપણે સલાહ આપનાર રહ્યા. હવે સલાહ આપનાર પાડોશી તરીકે, પાડોશીના જેટલી ગરજ રાખવાની. પાડોશી રડે તો આપણે કંઈ રડવા લાગવાનું ના હોય. આપણે ખભો થાબડવાનો હોય આમ સામે, કે હું છુંને તમારી જોડે, શું કરવા આમ કરો છો ? એટલે નિજસ્વરૂપનું ભાન રહેવું મહામુશ્કેલ છે. કોઈ કાળે બન્યું નથી તેવું નિજસ્વરૂપમાં રહેવાય તે બન્યું છે ! માટે કામ કાઢી લેવાનું.

પ્રશ્નકર્તા : અન્નમય કોષમાં એક વખત પડ્યા પછી નશો ચઢી જ જાય છે, પછી ભાન નથી રહેતું.

દાદાશ્રી : એનાથી દારૂ થઈ જાયને, દારૂ પછી શરૂ થઈ જાય એટલે બેભાનપણું કરે. પછી એય ત્રણ-ચાર કલાક પછી પચી જાય. એટલે પછી ભાનમાં આવી જાય, પચી જાયને પછી ! અને ઓછું ખાય તો વહેલું પચી જાય. ઓછું ખાય તે તો વહેલું ભાનમાં રહે. મુખ્ય નડે છે જ આ ખોરાક ને !

ક્રમિક માર્ગની કઠિનાઈઓ.....

ક્રમિક માર્ગમાં બધી ઇન્દ્રિયોને નિરાહારી ના કરે, ત્યાં સુધી ધ્યાન ના કરી શકાય.

ક્રમિકમાર્ગવાળા શું કહે છે ? પ્રત્યાહાર થયા સિવાય કોઈ દહાડોય ધ્યાન, ધારણા ને સમાધિ થાય નહીં, ધ્યાન જ ઉત્પન્ન ના થાય. પ્રત્યાહાર એટલે શું ? ઇન્દ્રિયોના તમામ પ્રકારના આહારો નિરાહારી થવા જોઈએ.

હવે આપણા કેટલા માણસો એવું કરી શકે ? આ લોકોને દહીંવડા ખાવા જોઈએ છે, બટાકાવડા ખાવા જોઈએ છે. આ બધું જોવું છે, કરવું છે અને મોક્ષે પણ જવું છે. બે કામ સાથે કરવાનાં. એટલે આ વિજ્ઞાન છે તે ચાલે, નહીં તો બે કામ સાથે ચાલે, એવું બને નહીં.

જ્ઞેય ખસ્યાં તો જ્ઞાતાપણું ખસ્યું !

જુદા જુદા સ્વાદને જાણે, એ જ્ઞેય છે તો આત્મા જ્ઞાતા છે. આમાં ભેગું કરીને ખાવ એટલે જ્ઞેય જ ના રહ્યુંને ! ડખો થઈ ગયો. પેલું તો મહીં ખબર પડે. અંધારામાં છે તે આટલો લોચો આપ્યો હોય પેલા એનો, શ્રીખંડનો, અંધારામાં બધું કહે કે ના કહે ?

પ્રશ્નકર્તા : કહે.

દાદાશ્રી : હવે એ જ્ઞેયો છે તો જ્ઞાતા છે. શાસ્ત્રકારોએ શું કહ્યું ? જ્ઞેયને ખસેડશો તો આત્મા ખસી જશે. એટલે હું કહું છું, ખાવ એવી રીતે કે જ્ઞેયને જ્ઞાતા જાણે બધું આ. જ્ઞેય જાણે તો જ્ઞાતા હાજર રહે. હવે આ ઝીણી વાત જગતને શી રીતે સમજાય ? અમે કેટલાય વખતથી આમ ટેસ્ટફુલ રીતે ખઈએ દરેક વસ્તુ. હું દાળ ને ભાતે ય ભેગાં નથી કરતો ઘણો વખત તો. ભાતે ય જુદો અને દાળે ય જુદી, એવી રીતે તો ટેસ્ટ એનો જાણવા મળે. એ જ્ઞેય છે. જ્ઞાતાને એમ ખાતરી થાય કે 'ના, ચોખાને ઈનામ આપ્યું. બાકી લોકોએ તો બેઉ સરખું (!) ભૈડ્યું મહીં. છતાં જેમને પોષાતું હોય તે ભલે કરે. એમને માટે આપણે વિરોધ નથી. પણ આ તો આપણે માટે કામનું નથી. એટલે આપણે સમભાવે ફાઈલનો નિકાલ કરો, એમ કહ્યું. કંઈ શ્રીખંડ ને દાળ બે ભેગાં ના કરાય, બા !

રાત્રે અંધારામાં બેઠા હોય અહીં આગળ આજ રૂમમાં અને એક જણ આવીને કહેશે, 'લ્યો પ્રસાદ.' ત્યારે કહે, 'અલ્યા, તારો હાથ તો મને દેખાતો નથી.' એટલે પછી આમ મોઢું આપણું જોઈને પછી કહે, 'લ્યો, મોઢામાં મૂકું. મોઢું પહોળું કરો તો આપણે મૂકી આપીએ શીરો.' પછી પૂછે કે 'શું છે આ ?' તો અંધારામાં કહે કે ના કહે ?

પ્રશ્નકર્તા : કહે, કહે, હા.

દાદાશ્રી : દેખાતું તો છે નહીં.

પ્રશ્નકર્તા : જીભ કહે એની.

દાદાશ્રી : શું શું કહી આપો ?

પ્રશ્નકર્તા : અંદર ખબર પડી જાય પછી કે શું ખાધું એ.

દાદાશ્રી : દેખાય નહીં, છતાં તમે પેલાને કહો. વર્ણન કરો. 'ભઈ, છે શીરો. પણ ધી જરાક સહેજ ગંધાય છે.' ખબર પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : હા, પડે ખબર.

દાદાશ્રી : એમ ? છે શીરો, પણ સહેજ ખાંડ વધારે છે એ ખબર પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : એ પડે.

દાદાશ્રી : લ્યો, તમને દેખાતું છે નહીં, છતાં કેટલું બધું તમે જાણો છો ? હવે ત્રીજું શું કહે ? મહીં ઈલાયચી પણ છે. પછી વળી પાછા તમે કહો કે 'ચારોળી પણ છે.' પછી ચોથું કહો કે, 'મહીં જાયફળ પણ છે.' એવું તમને સ્વાદ આવે. તરત કહી આપો તમે, 'જાયફળ છે.' બધું વિગતવાર તમે કહી આપો. હવે છે અંધારું, છે કશી લેવાદેવા ? ત્યારે કહે છે, 'બધી પાંચેય ઈન્દ્રિયની પાછળ જાગૃતિનું પ્રમાણ છે.

હવે આ જાણકાર છો તમે. જાણકાર છે, તે ભોગવનારો નથી. જાણકાર જાણકાર છે.

પ્રશ્નકર્તા : બરોબર. જાણકાર જાણકાર છે.

દાદાશ્રી : અંધારું છે ને શી રીતે ખબર પડી ? આંખોએ તે જોયું નથી.

પ્રશ્નકર્તા : સ્વાદથી.

દાદાશ્રી : આ આત્માની શક્તિ જુઓ. બીજી કોઈ ઇન્દ્રિયોએ જોયું નથી. જીભ ઉપર મૂકતાંની સાથે જ આત્માએ કહી આપ્યું કે આમાં આ છે. એ આત્માની શક્તિ કેટલી ! એવી અનંત શક્તિવાળો આત્મા છે.

હવે ઘણાં લોકો તો અહીંથી લોચો માર્યો કે પછી ઉતારી યે જતા હોય. પૂરેપૂરું ચાખે નહીં. હવે દાબો તો આખો લાડવો ત્રણ ટુકડામાં ઉતારી જાય. આમ ગળ્યો ગળ્યો લાગે, બસ. એટલું જ થાય. આમ સ્વાદિષ્ટ કે એનો ટેસ્ટ પહોંચે નહીં એ.

એટલે મને એવી રીતે ખાવાની ટેવ છે કે ભાત જુદો ખઉં, દાળ જુદી ખઉં, શાક જુદું ખઉં, બધું જુદું જ ખઉં, ભાતેય જુદો ખઉં, એકલો જ. એનો સ્વાદેય હું લઉં ને દાળનો સ્વાદેય જુદો. પણ જાણું, ભોગવનારો ભોગવે છે ને જાણનારો જાણે છે. આત્માની પરિણતિ તીક્ષ્ણ થતી જાય.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મ ને તીક્ષ્ણ બન્ને.

દાદાશ્રી : હં. અનંત શક્તિનો ધણી ! એના પર્યાય એટલા બધા તીક્ષ્ણ છે ને, ન પૂછો વાત. પણ આ પહોંચવું જોઈએને ? અમુક હદ સુધી પહોંચશે એટલે એની મેળે જ ચાલશે પછી.

જમતાંમાં 'ઉપયોગ' શેનો શેનો ?

જમતી વખતે ચાખે એ, સ્વાદ લે એ, પછી અનુભવે ય એ ! કેવા બધા ભાગ પડે છેને ? હવે અજ્ઞાન દશામાં શું થાય છે ? કે સાધારણ ચાખે એટલું જ. બાકી, ભોગવે નહીં કશું. આ લાડવા ગળ્યા લાગ્યા તો 'સરસ છે, બહુ સરસ છે' એટલું જ. એમાં જે સ્વાદ છે તે દેખાય નહીં બિચારાંને ! કારણ કે રઘવાયાં હોય. અમદાવાદમાં કોઈ રઘવાયો ના હોય ?

પ્રશ્નકર્તા : બધાં જ રઘવાયા હોય.

દાદાશ્રી : બોલો ત્યારે, રઘવાયામાં શું સુખ હોય ? રઘવાયામાં સુખ હોય ?

કેટલું સ્પીડી ખેંચે છે ? જગતનો સ્વભાવ જ ખેંચાણવાળો છે. આપણે મહીં ઈન્વોલ્વ (ભળ્યા) થઈએ એટલે ખેંચ્યું. જોનારને કશું ના થાય. ચાખનાર ચાખે ને જોનાર જુએ. આ શરીરમાં જે ખાય છે, તે તો કેટલા હિસાબ મહીં ચાલે છે ! કેટલા બધા હિસાબ ! ચાવનાર ચાવે, લાળવાળો લાળ નાખે, પછી સ્વાદવાળો સ્વાદ લે અને પછી પાછી એક 'એજન્સી' હોય છે અને પછી છે તે જાણનાર જાણે કે 'ખરેખર શું સ્વાદ હતો ને શું નહીં તે !' સ્વાદવાળો સ્વાદ લે. એ 'જાણે' નહીં એ તો તન્મયાકાર, ચૂસ્યા જ કરે એ, એ જુદું છે. સ્વાદ લેનારો જુદો છે. જાણનારો જુદો છે, બધું જુદું છે આ બધુંય. તેથી અમને ખાતાં અડધો કલાક થાય, થોડુંક ખાઉ તોય! એનું શું કારણ ? ઠેઠ જાણતાં સુધી એનો હિસાબ જોવાનો, 'કેમનું છે, કેમનું નહીં ?'

પ્રશ્નકર્તા : દાદા, બધાંનો ઉપરી કોણ ?

દાદાશ્રી : ઉપરી પેલો ચૂસનારો, સ્વાદ ચૂસનારો. આહારી આહાર કરે છે, નિરાહારી જાણે.

પ્રશ્નકર્તા : જાણનાર કોણ છે ?

દાદાશ્રી : એ જ આ આપણી પ્રજ્ઞાશક્તિ. એ જાણે કે 'આવું હતું' અને જયાં સુધી જ્ઞાન ના થયું હોય ત્યાં સુધી બુદ્ધિ જાણે કે 'આમ છે, તેમ છે,' અને જ્ઞાન થયા પછી પ્રજ્ઞા જાણે. 'આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું.' અલ્પાહારી અલ્પાહાર કરે છે, એય પેલો નિરાહારી જ જાણે કે ગાંઠિયા સારા ન્હોતા. પણ શું થાય ? ભૂખ લાગી હતી. 'સારા ન્હોતા', તે ખબર ના પડે કંઈ ? બધુંય ખબર પડે. અને ચીઢાઈને આપ્યાં હોય 'લ્યો, બાળો તમારું મોઢું'. એય ના સમજીએ આપણે ? મેર અક્કરમી, સવારમાં અપશુકન થયા ! મેલને અલ્યા, ભગવાં લૂગડાં પહેરી લેને ! કંઈ બેસી રહ્યો છે તે ? તમારું મોઢું બાળો અહીંથી ! એવું હઉ કહેને !

જમતી વખતે અંતઃકરણની પ્રક્રિયાઓ !

પ્રશ્નકર્તા : આ ખોરાક જે લેવાય છે, તેમાં અંતઃકરણનો કયો ભાગ ખોરાકના સ્વાદને બધા ફેઝીઝથી (પર્યાયોથી) જાણે. સ્વાદ લેનારને જાણે. સ્વાદ કયો આવ્યો એને જાણે ?

દાદાશ્રી : આત્મા એ જાણે કે કડવું છે કે મીઠું છે, ખાટું છે કે મોળું ? મહીં જાણે, જાણપણાનું જ કામ.

પ્રશ્નકર્તા : આત્માનું ?

દાદાશ્રી : હા. કઢી સારી થઈ છે કે ખરાબ એવું બધું જાણે. સારી-ખોટી એવો અભિપ્રાય ના આપે. અભિપ્રાય વગર જાણે.

પ્રશ્નકર્તા : આ કાજુ છે, ખારાં છે, તીખાં છે, એ બધું આત્મા જાણે કે બુદ્ધિ જાણે ?

દાદાશ્રી : બુદ્ધિ જાણે. જાણનારનેય આત્મા જાણે. બુદ્ધિ જાણે છે એવું એ આત્મા જાણે.

પ્રશ્નકર્તા : કારણ કે અજ્ઞાની પણ જાણી શકે કે આ બહુ ખાટાં છે, તીખાં છે.

દાદાશ્રી : એ બુદ્ધિ જાણનાર.

પ્રશ્નકર્તા : અજ્ઞાનીને બુદ્ધિ જાણનાર.

દાદાશ્રી : જ્ઞાનીને બુદ્ધિ શું જાણે છે એ પણ એ જાણે.

પ્રશ્નકર્તા : ચિત્ત-મન એ બધાં કેવી રીતે કામ કરતાં હોય છે ? આ ખોરાક જીભ ઉપર આવે ત્યાર પછી મનનું ફંકશન શું હોય છે ?

દાદાશ્રી : મન વિચારે કે એકંદરે સારી છે, મીઠી છે.

પ્રશ્નકર્તા : એની પાસે પાછલા અભિપ્રાયનો સ્ટોક તો છે જ ને કે આ હિતકારી, આ બરોબર નથી, સારું છે. એ બધું મનનો સ્વભાવ છે !

દાદાશ્રી : હં. અભિપ્રાય બુદ્ધિ આપે. મન તો કહી આપે.

પ્રશ્નકર્તા : પણ બુદ્ધિએ જે જાણ્યું, બુદ્ધિ જાણે છે એનો પણ પોતે જાણનાર છેને ?

દાદાશ્રી : બુદ્ધિ જેને જાણે છે એને એ ડાયરેકટ જાણતો નથી.

પ્રશ્નકર્તા : એ તો અજ્ઞાનીને ?

દાદાશ્રી : અજ્ઞાની નહીં. એ બુદ્ધિના થ્રુ જ જાણી શકાય.

પ્રશ્નકર્તા : બુદ્ધિ જેટલું જણાવે એટલું પોતે જાણે ? પોતે ડાયરેક્ટ જાણી ના શકે ?

દાદાશ્રી : હા. આંખો જે જુએ તે. ઇન્દ્રિયજ્ઞાન જે જુએ. એને એ જાણે કે આંખે આવું જોયું.

પ્રશ્નકર્તા : એટલે પોતે ડાયરેક્ટ ના જાણે ? આંખે શું શું જોયું એ જ જાણી શકે ? બુદ્ધિ થ્રુ જ જાણી શકે ?

દાદાશ્રી : બુદ્ધિ શું જાણે છે, એ પોતે જાણે. ઇન્દ્રિય શું જાણે છે એ પોતે જાણે. ઇન્દ્રિયે શું સ્વાદ લીધા એ પોતે જાણે. સ્વાદ બધો જોઈ આપે.

પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિનું કાર્ય પોતે ના કરી શકે ?

દાદાશ્રી : બુદ્ધિને જાણી શકે એનો અર્થ એ કે બુદ્ધિએ શું જાણ્યું તે જાણનાર. ઇન્દ્રિયને જાણનાર એટલે ઇન્દ્રિયે શું જાણ્યું તે તે જાણનાર.

પ્રશ્નકર્તા : ઇન્દ્રિયો ના હોય તો પોતે જાણી ના શકે એવું ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : હવે ઇન્દ્રિયો જે બતાડે છે, એને પણ બુદ્ધિ પહેલાં જાણે છે ને ? ઇન્દ્રિયોની અસરોને બુદ્ધિ પહેલાં જાણે છે ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : અને બુદ્ધિ જે દેખાડે છે એને પોતે જાણે છે.

દાદાશ્રી : બરોબર છે.

પ્રશ્નકર્તા : આમાં જાણનારો કોણ તો પછી ? આ બુદ્ધિએ બતાડયું એ જાણનારો કોણ ?

દાદાશ્રી : પ્રજ્ઞા.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન ના લીધું હોય, તેને જાણનાર કોણ ?

દાદાશ્રી : તેને ? તેને તો પોતે જ, બુદ્ધિ જ જાણનાર, આગળ કનેકશન જ નહીં, ત્યાં અહંકાર જ.

પ્રશ્નકર્તા : ત્યાં અહંકાર જાણનારો કહેવાય ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : બુદ્ધિ જાણે છે બધું ત્યારે અહંકાર શું કરતો હોય છે ?

દાદાશ્રી : એકસેપ્ટ કરે છે, વિષયને ભોગવતો નથી, ખાલી જાણે જ છે.

પ્રશ્નકર્તા : કોણ ?

દાદાશ્રી : આત્મા, ખાલી જાણ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : વિષયમાં ઈફેક્ટ ઇન્દ્રિયોમાં જ ઊભી થાય છેને. જેમ પેલું આંખ જુએ છે, જીભ સ્વાદ લે છે, એવી ઈફેક્ટ બધી ઇન્દ્રિયોમાં જ હોય છે ને !

દાદાશ્રી : હં....

પ્રશ્નકર્તા : સ્પર્શેન્દ્રિયને ઈફેક્ટ હોય છે ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો સ્પર્શેન્દ્રિય ભોગવે છે એવું કહી શકાય ?

દાદાશ્રી : એ બધી સ્થૂળ વસ્તુઓ છે. સ્થૂળ સ્થૂળને ભોગવે છે. વધારે ગરમ પાણી પડયું હોય તો પગ ઉપર ફોલ્લા પડે, મનને ના થાય એટલે પગ ભોગવે. શરીરને થાક લાગ્યો હોય ને ત્યારે 'હું થાક્યો' એમ કહે છે. કોણ ભોગવે છે ?

પ્રશ્નકર્તા : ખરેખર શરીર ભોગવે છે ?

દાદાશ્રી : થાકને શરીર ભોગવે છે ત્યારે કહે છે હું થાકી ગયો !

પ્રશ્નકર્તા : મનનું આપે કહ્યું કે મન બધું પૃથક્કરણ કરીને બતાડે છે તો ચિત્તનું ફંકશન શું આવ્યું ?

દાદાશ્રી : ચિત્તને લેવા-દેવા નથી.

પ્રશ્નકર્તા : કેમ ? આ ખાધું, તે ચિત્તને લેવાદેવા નથી ?

દાદાશ્રી : ચિત્તને એટલી લેવા-દેવા કે શું સ્વાદમાં એ પકડી લે કે સારો કે ખોટો ? એ સારા ઉપર હોય તો ચિત્ત ત્યાં ચોંટી જાય. નજર લાગી જાય ચિત્તની. મનની નજર ના લાગે. ચિત્તની નજર લાગી જાય !

પ્રશ્નકર્તા : આપ કહો છો કે ખાતી વખતે ચિત્ત હાજર રહેવું જોઈએ, તો ખાતી વખતે ચિત્તનું શું ફંકશન રહ્યું ?

દાદાશ્રી : શું શું છે મહીં સ્વાદ ? કયું સ્વાદિષ્ટ છે ?

પ્રશ્નકર્તા : આ સ્વાદનું જાણવું એ બુદ્ધિનું કામ છે ને ?

દાદાશ્રી : બધું ભેગું કામ છે, સહિયારું છે. એનો સારો સ્વાદ હોય તો ચોંટી પડે. પછી સ્વપ્નમાં હઉ આવે.

ભોગવે છે માત્ર અહંકાર !

પ્રશ્નકર્તા : દાદા, એનો અર્થ એ થયોને કે વિષયનો આનંદ આવ્યો એવું જે કહે છે એ અહંકાર છેને ?

દાદાશ્રી : અહંકાર જ ભોગવે છે આ બધું. કેરીનો રસ મોઢામાં મૂક્યા પછી મહીં ટેસ્ટ આવે ત્યારે તપાસ કરીએ કે આ કોણ ટેસ્ટ ચાખે છે ? હું તો 'શુધ્ધાત્મા' છું, ત્યારે ખબર પડે કે ઓહોહો, અહંકાર બધું ભોગવે છે આ ! અહંકારને શાથી આમાં ટેસ્ટ પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે મારે આ જોઈએ છે, મારે આવું જોઈએ છે, તે પ્રાપ્ત થયું, એટલે એ આનંદમાં આવી ગયો ને આનંદમાં આવ્યો એટલે પછી એને મસ્તી લાગે. બાકી, આ તો બધું અહંકારનું જ છે. બીજું, મન-બુદ્ધિ-ચિત્ત એ તો બધાં એનાં 'હેલ્પર' છે. જે છે તે અહંકારને છે. અરે, ઉનાળાનો સખત તાપ હોય, ને પંખો ફરતો હોય ત્યારે મનમાં એમ લાગે કે ઓહોહો ! સુખ તો બધું અહીંથી જ આવે છેને ? આ સ્પર્શ વિષયનાં સુખ ભોગવે એ પણ અહંકાર ભોગવે છે, બીજું કોઈ નહીં.

પ્રશ્નકર્તા : અને આ દુઃખ એ અહંકાર ભોગવે છે ?

દાદાશ્રી : એવું છે ને, અહંકાર કશું ભોગવતો નથી. અહંકાર એટલું જ કહે છે કે મને ઘણું દુઃખ પડ્યું, એવો અહંકાર જ કરે છે. પણ એને દુઃખ પડતું નથી. વિષય મેં ભોગવ્યો એવો એ અહંકાર જ કરે છે. એ વિષય ભોગવતો જ નથી. ઈગોઈઝમ કરે છે એટલું જ. અલ્યા, તું ભોગવતો નથી તો શું કામ ભોગવ્યાનો ઈગોઈઝમ કરે છે ? શું ઈગોઈઝમ કરવા માટે અહીં પડી રહ્યો છું ? બસ, ભોગવ્યાનો અહંકાર જ કરે છે. હવે વસ્તુસ્થિતિમાં અહંકાર એ સૂક્ષ્મ છે અને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મ સ્થૂળને કેવી રીતે ભોગવે ? બેઉનો સ્વભાવ જુદો છે. અને અહંકારનો અર્થ શો ? કે મેં ભોગવ્યું. અહમ્-કાર એટલું જ બોલે, બીજું કશું જ નહીં. પછી સુંદર રીતે ભોગવ્યું કે અસુંદર રીતે ભોગવ્યું.

સ્થૂળમાં સૂક્ષ્મતમ રહી શકે પણ સૂક્ષ્મતમમાં સ્થૂળ ના રહી શકે. એટલે આત્મા સૂક્ષ્મતમ છે. આત્માએ ક્યારેય વિષય ભોગવ્યો નથી. કારણ કે પોતે જ સૂક્ષ્મતમ છે અને વિષયો બધા સ્થૂળ છે. આ તો ખાલી અહંકાર કરે છે કે મેં ભોગવ્યું, બસ એટલું જ. 'અહમ્-કાર' કરે છે, એટલું જ. જો આત્માએ સાચોસાચ વિષય ભોગવ્યો હોત તો તો એને કયારનીય તૃપ્તિ થઈ ગઈ હોત. આ તો ખાલી અહંકાર જ કરે છે. ભોગવે છે કોણ ? ઇન્દ્રિયો ભોગવે છે અને પોતે એની પર અહંકાર કરે છે કે મેં ભોગવ્યું. તેથી કૃષ્ણ ભગવાને કહ્યું છેને, કે વિષયો વિષયોમાં વર્તે છે.

છૂટ્યો આંકડો આહારી સંજ્ઞાનો !

તમે રોજ ખાવ છો કે કો'ક દહાડો ખાવ છો ?

પ્રશ્નકર્તા : અમે ખાતાં જ નથી.

દાદાશ્રી : એ પોતે નથી ખાતાં. હું પણ કાયમ નથી ખાતો. ખાય છે કોણ અને ના-ખાય છે કોણ, એમ જેને ભેદ છે, એવું ભાન છે, તે આત્મા થઈ શકે છે. એવો ભેદ જેને વર્તતો હોય, એવું ભાન જેને વર્તતું હોય તે આત્મા થઈ શકે છે.

તમે ખાવ છો કોઈ દહાડો ? આ (મહાત્માઓ) લોકો ખાતા નથી. અને તમે તો હમણાં ચા પીધી અને નાસ્તો ય કર્યો, લ્યો. અને આ લોકો તો ખાતાં નથી. એ ખાય તો તો એમને બંધન થાય.

આ લોકોને જે દેખાય છે, તમને જે દેખાય છે કે આપણે ખાધું, પણ એમણે ખાધું નથી.

પ્રશ્નકર્તા : બહુ ઊંડી વાત છે.

દાદાશ્રી : કોઈ દહાડો ખાધું જ નથી. એમનું નામ દો તો તમને દોષ બેસશે.

પ્રશ્નકર્તા : કેવી રીતે બેસે ?

દાદાશ્રી : એ અણાહારી છે. અમે અણાહારી છીએ ને તમે તો આવું 'આહારી' કહો, તમે 'ખાનારા' કહો તો દોષ તમને બેસશે. મને પૂછીને બોલવું જોઈતું'તું ને ! જગતના બીજા લોકોને કહેજો, સાધુઓને કહેજો, કે તમે ખાવ છો. એ ય કહેશે કે હા, અમે ખઈએ છીએ. અમારે આ છોડી દેવું છે, કહેશે.

તમારે કશું છોડી દેવું છે ?

પ્રશ્નકર્તા : અંદરથી છૂટી ગયું છે.

દાદાશ્રી : શી રીતે ? પેલા વેગનનો આંકડો છૂટી ગયો એવું ? માન્યતા આખી તૂટી ગઈ. જે રોંગ માન્યતા હતી કે આ હું જ છું, આ જે દેખાય છે તે હું જ છું. એ માન્યતા તૂટી ગઈ છે, હું છું એ માન્યતા. બિલીફ નક્કી થઈ ગઈ ને આ 'આ' છે, તેય નક્કી થઈ ગયું.

આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. બધું નક્કી થઈ ગયું.

છૂટે દેહાધ્યાસ તો !

છતાં ય વ્યવહારમાં લોક પૂછે કે મેં તમને જોયા'તા. ત્યારે કહે, હા, ખાધું'તું. પણ એની બૂમાબૂમ ખોટી નથી એ વાત. વ્યવહારમાં તો બોલવું જ પડે. લોકોને દેખાય એવું બોલવું પડેને આપણે ?

પ્રશ્નકર્તા : એટલે દેહભાવમાંથી પરમાં જવું પડેને આપણે ?

દાદાશ્રી : હા, દેહાધ્યાસ તો ખલાસ થઈ જવો જોઈએ. દેહભાવ નહીં, મનોભાવ નહીં, વાણીભાવે ય નહીં, આખો દેહાધ્યાસ ખલાસ કરવો પડે.

'છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ.' આ દેહાધ્યાસ છૂટે તો કર્મનો કર્તા તું નથી.

નહીં જ્ઞાનીને ત્યાગાત્યાગ !

અમે સહજ કહેવાઈએ. સહજ એટલે જેને સહજમાં આવે તેમ. સહજ એટલે આત્મા આત્મામાં સહજ અને દેહ દેહમાં સહજ. એટલે અમે બંધનરહિત હોઈએ.

તેથી કૃપાળુદેવે કહ્યુંને, જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ સંભવે નહીં. ત્યાગે ય ના સંભવે ને અત્યાગેય ના સંભવે. તમારી રૂબરૂમાં ડુંગળીનું શાક લીધું. મહીં બે પાંદડા લીધા - ના લીધા, બાકીનું રહેવા દઈએ. અમને એમાં એવું કંઈ ના હોય. ત્યારે એને તરછોડે ય ના હોય. કેટલીક વસ્તુ અમને તરછોડ રહેતી હોય, તો તેટલા માટે લઈએ.

પ્રતિક્રમણ કર્યા પછી તેનો વાંધો નહીં. ભૂલ કાઢવા જઈએ કે તમે આ ફલાણું કેમ ખાધું ? ફલાણું કેમ ખાધું ? તો શું થાય ? અમારો કોઈ હિસાબ જુએ નહીં ને ? છતાં એનો દુરુપયોગ ના કરાય. દુરુપયોગ ના થાય. એ તો ખરી ભૂખ લાગી કકડીને, ત્યારે કહે છે, આહારી આહાર કરે છે, નિરાહારી હું તો જાણું છું. ત્યાં દુરુપયોગ ના થાય. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરવો એ સોનાની કટાર પેટમાં મારીએ એવું જોખમ છે.

અક્રમમાં આજ્ઞા એ જ અગત્યનું !

આપણી આ પાંચ આજ્ઞામાં રહે તો બહુ કામ કાઢી નાખે. પછી ખાવાનો કશો સવાલ જ નહીં ને ખાનાર ખાય છે. આપણાં અહીં તો આહારી આહાર કરે છે અને આપણે ક્યાં આહાર કરીએ છીએ, આપણે આપણા સ્વરૂપમાં રહીએને, તે કામ કાઢી નાખે.

આખા પર્યુષણમાં સામાયિકમાં રહોને આખો દહાડોય, તો કામ કાઢી નાખે. આવો અવસર જ નથી ને ! લોકો ય ના બોલાવે, જાણે કે પર્યુષણ છે. હેરાન ના કરે, પજવે નહીં. હેય... આખો દહાડો સામાયિક કરોને, કોણ પૂછે છે ? કોઈ વાંધો ના ઉઠાવેને ! આજ્ઞામાં રહે તો સામાયિક થઈ જાયને !

ખાવા-પીવાનું તો, આહારી આહાર કરે છે, એટલે આ વિજ્ઞાન આપણું જુદી જાતનું છે. એટલે અહીં આગળ આ વિજ્ઞાનમાં કશી લેવા- દેવા નથી. જો લીલોતરી ખાતો હોય તો ય વાંધો નથી ને લીલોતરી ના ખાતો હોય તો ય વાંધો નથી. ના ખાય તો શરીરને હિતકારી, 'ફાઈલ વન'ને હિતકારી.

જ્ઞાનીપુરુષની આજ્ઞાપૂર્વક બધું કરવું હોય તે કરી લેવાય. એવો વખત ફરી ફરી ના મળે. એક ગુંઠાણું સામાયિક, બીજું ગુંઠાણું નહીં, ત્રીજું ગુંઠાણું સામાયિક, ચોથું નહીં એવી રીતે કરવું હોય તો એવી રીતે કરે, જેવું અનુકૂળ આવે એવી રીતે કરે. આખો દિવસ કરવું હોય તો આખો દિવસ કરે. આપણે તો અંદરનું સરસ હોય.

પુદગલ કર્તાભાવમાં ને આત્મા જ્ઞાતાભાવમાં !

આહાર કરતી વખતે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે ચંદુભાઈ આહાર કરે છે ને તમે જાણ્યા કરો છો એવી જાગૃતિ આપણી રહેવી જોઈએ. ધીમે ધીમે એમ કરતાં કરતાં જાગૃતિ આવશે. જાગૃતિ વધશે એમ એમ.

હરેક બાબતમાં જુદો અનુભવ આવ્યા કરે. તદ્દન જુદાં જ બેઠાં હોઈએને, એવો અનુભવ આવે. જેમ જેમ જાગૃતિ દશા રહેને, તેમ અનુભવ આવતાં જાય. આ જેટલા અંશે અનુભવમાં આવ્યું તેટલો અનુભવ વર્તે, તદ્દન છુટ્ટો જ વર્ત્યા કરે.

આહાર કેટલો કર્યો, તે પ્રમાણમાં નિહાર થયો છે કે નહીં, તે ય આપણે જાણીએ. આહારી, વિહારી, નિહારી બધું આ પાડોશી અને તેને આપણે 'સ્વરૂપ' માનતા હતા કે 'હું જ ચંદુભાઈ છું.'

'હું ચંદુભાઈ જ છું, હું આ બાઈનો ધણી થઉં, આમનો બનેવી થઉં, આમનો જમાઈ થઉં,' એ જ બધા વિકલ્પ કહેવાય અને 'હું શુધ્ધાત્મા છું' એ નિર્વિકલ્પ દશા કહેવાય !

'આ ચંદુલાલ શું કરી રહ્યા છે', એને જોયા કરે તો એ કેવળજ્ઞાનમાં પહોંચે. ચંદુલાલ સવારના પહોરમાં ઊઠીને શું કરી રહ્યા છે ? દાતણ કેવું કરે છે, દાતણ કરતી વખતે ઘાંટા કેવા કાઢે છે, એ બધું જુએ, તો ઠેઠ સુધી પહોંચી જાય. એને જુએ ને જાણે, બસ. ચંદુલાલ જલેબી ખાતા હોય તેનો વાંધો નથી. પણ ખાતી વખતે ટેસ્ટથી ખાય છે, પછી મહીં ભાવ કરે છે કે બીજી થોડીક લઈએ, એ આપણે જાણવું જોઈએ. શી દાનત છે, શું એ છે, એ બધું જાણવું જોઈએ. એટલે આપણે જ્ઞાતા-દ્રષ્ટા અને એ છે તે કર્તા. પુદગલ એના કર્તાભાવમાં છે અને આપણે જ્ઞાતાભાવમાં છીએ.

'પ્રયોગી' જુદો ! પ્રયોગ જુદો !

પ્રયોગ અને પ્રયોગી બે જુદા હોય કે એક હોય ? 'ચંદુલાલ' એ પ્રયોગ છે ને 'પોતે', શુધ્ધાત્મા એ પ્રયોગી છે. હવે પ્રયોગને જ પ્રયોગી માની બેઠા છે. પ્રયોગમાં વસ્તુઓ કાઢવાની હોય; નાખવાની હોય; જ્યારે પ્રયોગીમાં પૂરણ-ગલન ના હોય. આ 'પ્રયોગ'માં ખાવાનું, પીવાનું નાખવાનું હોય અને સંડાસ, બાથરૂમમાં ગલન કરવાનું હોય.

''પોતે જ પ્રયોગી છે, પ્રયોગોની મૂર્છનામાં.''

પ્રયોગી પોતે જ પ્રયોગોની મૂર્છનામાં પડયો છે એટલે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો. અત્યારે કોઈ પ્રયોગ ચાલતો હોય, ઊકળતું પાણી હોય, તેમાં હાથ ઘાલવા જાય તો શું થાય ? આમાં ખબર પડે છે ને આત્માની બાબતમાં ખબર નથી પડતી એટલે હાથ નાખ્યા જ કરે છે. પછી ભિન્નતા વર્તાતી નથી. 'હું જુદો છું' એમ વર્તાય જ નહીં ને પછી ?!

પ્રશ્નકર્તા : આમાં મૂળ પ્રયોગી કોણ ?

દાદાશ્રી : આત્મા જ પ્રયોગી છે. આ તો તમને સમજાવવા માટે શબ્દો મૂક્યા છે. આ દેહ પ્રયોગ છે ને એનાથી જુદો છે એ આત્મા છે, માટે પ્રયોગમાં ડખલ ના કરશો.

'પ્રયોગ' અને 'પ્રયોગી' પ્રત્યેક પ્રક્રિયામાં !

પ્રશ્નકર્તા : પ્રયોગ-પ્રયોગી એ વિગતવાર સમજાવોને !

દાદાશ્રી : કઢી કરનાર અને કઢી બે જુદાં હોય કે એક જ હોય ?

પ્રશ્નકર્તા : જુદાં હોય.

દાદાશ્રી : આ સંસાર એટલે પ્રયોગ, અને સંસારી એટલે પ્રયોગી. તે પ્રયોગી આ પ્રયોગ કરી રહ્યો છે. કઢીનો બનાવનારો કઢી બનાવી રહ્યો છે. એવી રીતે આ સંસારી સંસાર નામનો પ્રયોગ કરી રહ્યો છે. તે એની મહીં વસ્તુઓ બધી નાખે છે, આ નાખે છે, તે નાખે છે, લાડવા નાખે છે, ફલાણું નાખે છે, હાંડવો નાખે, બધું નાખે, ઢોકળાં નાખે. એમાં શું પ્રયોગ થાય છે. પછી વાયુ થઈ ગયો, એમ કહે. પછી બૂમો પાડે કે વાયુ થઈ ગયો. પિત્ત થઈ ગયું, કફ થઈ ગયો, તાવ ચઢી ગયો, પણ તે કોને ચઢયો ? પ્રયોગને ચઢયો, આપણને ચઢતો નથી અને પછી ઉભરાયને તો કઢી ઉભરાય ત્યારે આમ હાથ ઘાલીને લઈએ તો ?

પ્રશ્નકર્તા : દઝાઈ જવાય.

દાદાશ્રી : તે એવી રીતે આ ઉભરાય ત્યારે સંસારમાં હાથ ઘાલે છે લોકો. એના લાકડાં કાઢી લેવાનાં. આમ હાથ ઘાલીને લઈ લેવાનું ?

પ્રશ્નકર્તા : ના લેવાય.

દાદાશ્રી : તો તમે તો અત્યાર સુધી લેતા હતા એવું જ, મને મળતા પહેલાં ?

પ્રશ્નકર્તા : હા, એટલે જ દાઝતા હતા.

દાદાશ્રી : હવે લાકડાં કાઢી લઈએ તો ?

પ્રશ્નકર્તા : પછી કંઈ ના થાય. કઢીનો ઊભરો વિરમી જાય.

દાદાશ્રી : ત્યારે કહે છે લાકડાં નથી તોય ઉભરાય છે, ત્યાં આગળ નીચે દેવતા ભારે છે એટલે ત્યારે દેવતા કાઢી લઈએ અને નહીં તો તે ઘડીએ લાકડાં કાઢતાં વાર લાગે એવું હોય તો થોડું પાણી રેડી દઈએ તો ય ટાઢું થઈ જાય કે ના થઈ જાય ?

પ્રશ્નકર્તા : થઈ જાય.

દાદાશ્રી : હાથથી ઊભરાને કાઢવા જઈએ તો ?

પ્રશ્નકર્તા : દાઝી જવાય.

દાદાશ્રી : તેથી આ જગત એકલું દાઝેલું ન હોય પણ મોઢાં પણ બધાં બગડી ગયેલાં છે.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવું કરતું હશે કોઈ ? કઢી આમ હાથથી આમ ઉભરાઈ જતી હોય તો કરે એવું કોઈ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ સંસાર એટલે તો પ્રયોગ છે અને સંસારી એટલે પ્રયોગનો કરનારો. પ્રયોગ અને પ્રયોગનો કરનારો, બે જુદા હોય. હવે એ પ્રયોગને એણે જોયા કરવાનું કે આ ફલાણું નાખ્યું, ફલાણું નાખ્યું. આ મહીં છે તે આપણે પેલાં એમાં છે તે સોડા નાખીએ છીએને તો ઉભરાય છે. શેનાથી આ ઉભરાયું, તે આપણે જાણવું જોઈએ. શેનાથી આમ થયું, કેમ લીલો રંગ થઈ ગયો, કેમ પીળો રંગ થઈ ગયો, ત્યારે કહે, હળદર નાખી તેથી પીળો થઈ ગયો. એ બધું આપણે જાણવું જોઈએ અને ઉભરાઈ કેમ કઢી ? ત્યારે કહે છે નીચે લાકડાં વધારે સળગે છે એટલે કઢી ઉભરાય છે. તે તો આપણાં લોક પછી ઉભરાય એટલે એનો ઉપાય જાણે નહીં, એટલે હાથથી આમ કઢી કાઢવા જાય છે. એટલે પ્રયોગી માણસ પ્રયોગમાં હાથ ઘાલે છે. અલ્યા મૂઆ, પ્રયોગ જુદો છે આ. પ્રયોગ તો જોવાનો ને જાણવાનો.

ન ઘાલે હાથ 'પ્રયોગી' પ્રયોગમાં !

એવી રીતે આખા શરીરમાં જે નાખ નાખ કરીએ છીએ, ખાવાનું-પીવાનું બધું પ્રયોગ છે, એને જુઓ ને જાણો અને લઢંલઢા થાય છે તે ય પ્રયોગ છે. એનેય જુઓ-જાણો. આ પ્રયોગ જે ચાલી રહ્યો છે, તેને જુઓ ને જાણો. તમે પ્રયોગી છો, નહીં કે પ્રયોગ છો !

પ્રશ્નકર્તા : પોતે પ્રયોગ નથી.

દાદાશ્રી : પ્રયોગ નથી, પ્રયોગી છો તમે. એટલે શું શું જોવાનું ?

પ્રશ્નકર્તા : જે કંઈ થાય તે જોતા રહેવાનું.

દાદાશ્રી : ચંદુભાઈને કોઈ ગાળો ભાંડે તો ય તમારે ચંદુભાઈનું મોઢું જોવું અને ગાળો ભાંડનારનું જોવું. બન્નેનાં મોઢાં જોવા, એનું નામ પ્રયોગી કહેવાય !

પ્રશ્નકર્તા : એ ખરો પ્રયોગી.

દાદાશ્રી : ખરો પ્રયોગી. હવે વાત અઘરી નથી ને !

પ્રશ્નકર્તા : ના, અઘરી નથી.

દાદાશ્રી : અન સોલ્વેબલેય (ઊકલી ના શકે તેવી) નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શાથી પણ સોલ્વેબલ (ઉકેલ) થયું નહોતું ?

પ્રશ્નકર્તા : કોઈ બતાવનાર જોઈએને ! ચોપડીમાં તો બધું લખ્યું હતું એટલે આમ આમ કરવાથી આમ આમ થાય પણ......

દાદાશ્રી : કશું વળે નહીં ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પ્રયોગ અને પ્રયોગી જુદા છે એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. 'એક જ છે, હું જ છું' આ હું જ છું, કહે છે.

પ્રશ્નકર્તા : એટલે દાદા, આપણે જમીએ એ પણ પ્રયોગ કરીને જોયા કરવાનું, શરીરમાં ખાવાનું નાખીએ એ ?

દાદાશ્રી : હા. પણ તે ય આપણાં લોકો પાછાં કહે છેય ખરાં, મને વાયુ થઈ ગયો. મેં કહ્યું, શાથી ? ત્યારે કહે, બટાકા ખાધા છે. એ તો આ પ્રયોગ તું જાણું છું ત્યારે પાછા મૂઆ શું કરવા કહે છે, મને વાયુ થઈ ગયો ! હવે એ જુદો છે ને તું જુદો છે. ઢોકળાં ખાધા ને ઝાડા થઈ ગયા છે ત્યારે મૂઆ તું જાણું છું પ્રયોગમાં શું થયું તે. ઢોકળાં ખાવાથી ઝાડા થઈ ગયા એવું જાણું છું તું અને પાછો તું પ્રયોગી છું ! એવું ના કહે ?

પ્રશ્નકર્તા : કહે, એમ જ કરે છે બધાં.

દાદાશ્રી : ચા પીધી. તે ઊંઘ ના આવી. અલ્યા મૂઆ, તે તું પ્રયોગ જાણું છું કે આ ચા પીધી એટલે ઊંઘ ના આવે. તો ઊંઘના આવી તે પ્રયોગ છે અને ચા પીધી તે ય પ્રયોગ છે, તું જાણ. હવે તારે ઊંઘ આને આવવા દેવી હોય, તો તારે ચા બંધ કરી દેવડાવી. આ પ્રયોગમાં ચા નહીં નાખવાની.

પ્રશ્નકર્તા : પણ પેલું સ્વાદ હોયને બધું, સ્વાદથી બહુ ખવાય છેને, સ્વાદથી જ બધું ખવાયા કરેને !

દાદાશ્રી : સ્વાદ એટલે પ્રયોગમાં હાથ ઘાલવો. હજુ સ્વાદ આવે છે પ્રયોગમાં ?

'પ્રયોગી' માત્ર જાણનાર 'પ્રયોગમાં' !

પ્રશ્નકર્તા : કોઈ કોઈ ખાવાની બાબતમાં ભૂલી જવાય.

દાદાશ્રી : કયાં ભૂલી જવાય ?

પ્રશ્નકર્તા : ખાવાની બાબતમાં, જમતી વખતે.

દાદાશ્રી : શું ભૂલી જવાય ?

પ્રશ્નકર્તા : એ ય સારું બન્યું હોય ત્યારે !

દાદાશ્રી : પણ સારું મેં કહ્યું છેને, સારું લાગે, તે રોફથી ખાવ. પણ આ પ્રયોગ છે એને ના ભૂલો.

પ્રશ્નકર્તા : બરાબર, આ પ્રયોગ છે એ નહીં ભૂલવાનું.

દાદાશ્રી : નહીં તો ખબર શી રીતે પડે, રોફથી ના ખાય તો ? રાત્રે મોઢામાં કોઈએ છે તે આપણા મોઢામાં ઘાલી દીધું, શ્રીખંડનો આટલો લોચો. રાત્રે અંધારામાં, મોઢામાં એટલે આપણે પૂછીએ કે શું હતું આ ? વળી શ્રીખંડ છે, એમાં શું પૂછ પૂછ કરો છો ? અલ્યા મૂઆ, રાત્રે તને શી રીતે ખબર પડી ? તેં કશું જોયું નથી, પણ તો ય સમજાયને, શ્રીખંડ છે એવું કહેને ? પછી મહીં શું શું હતું ? ત્યારે કહે, જરાક દહીં સહેજ ગંધાય છે. અલ્યા, શી રીતે તને ખબર પડી ? તે જોયું નથીને ? ત્યારે એવું કહે છે કે મહીં દહીં ગંધાય છે. બીજું શું હતું ? ત્યારે કહે, સાકર હતી. ત્રીજું શું હતું ? ત્યારે કહે. બદામ પણ હતી. ચોથું શું હતું ? ત્યારે કહે, પિસ્તાં હતાં. પાંચમું શું હતું ? ત્યારે કહે, ઈલાયચી હતી. છઠ્ઠું કશું હતું ? ત્યારે કહે, હા, લીલી દ્રાક્ષ પણ હતી. અલ્યા મૂઆ, તે પણ અત્યારે અંધારામાં શી રીતે તું કહે છે ? આ મને વાત કરે છે એ શી રીતે કહેતો હશે ? એ ત્યારે ના કહે ? ખબર ના પડે ?

પ્રશ્નકર્તા : પડે છે.

દાદાશ્રી : હવે એ ખબર પડે છે એ જુદો, એટલે મેં શું કહ્યું હતું, કે તમે રોફથી ખાવ, એ શું કહેવા માંગતા હતા ? અમે આ સ્વાદથી ખઈએ છીએ તે ખોટું છે એવું કહેવા માંગતા હતા. તો સ્વાદથી ના ખાવ તો ખબર શું પડે કે મહીં શું હતું કે શું નહીં ?

પ્રશ્નકર્તા : ન ખબર પડે.

દાદાશ્રી : એટલે તમે મૂર્ખ બનો. તમારે પ્રયોગમાં તો બધી વાત બહાર પાડવી જોઈએ કે બદામ હતી, ફલાણું હતું, ફલાણું હતું. એટલે સ્વાદિષ્ટ રીતે ખાવું જોઈએ. હું દરેક ચીજ એટલી બધી સ્વાદિષ્ટ રીતે ખઉં છું, ભલે ને ખીચડી-કઢી ખઉં પણ સ્વાદિષ્ટ રીતે. તમે દૂધપાક ના ખાવ એટલા સ્વાદથી હું ખીચડી-કઢી ખઉં છું. પણ હું પ્રયોગરૂપેથી થતો. પ્રયોગી તરીકે જ રહું છું.

પડી ટેવ હાથ ઘાલવાની....

પ્રશ્નકર્તા : તો અમે લોકો કયાં ભૂલ કરીએ છીએ ?

દાદાશ્રી : તમે લોકો પ્રયોગી છો એ તે ઘડીએ ખ્યાલ ખોઈ નાખો છો. કારણ કે ટેવ પડી છે ને અનાદિની, હાથ ઘાલવાની કઢીમાં.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને પછી બૂમાબૂમ કરવાની.

પ્રશ્નકર્તા : હા, પછી બૂમાબૂમ કરવાની.

દાદાશ્રી : સમજ પડીને ? અને પછી ઉનાળામાં બરફ અડાડવાની ટેવ પડેલી હોય. તે ઠંડક લાગે છે તે ય ટેવ પડી ગયેલી. અમને ઠંડક લાગે છે તે ય ટેવ નથી અને પેલી યે ટેવ નથી.

પ્રશ્નકર્તા : તો આ પંખો ચલાવીને પવન ખઈએ એવી જ ટેવને ?

દાદાશ્રી : એ ટેવ જ બધી. પંખો ખાવાનો વાંધો નથી, પણ પંખો ખાય ને 'હાશ' બોલવું એ વાંધો છે. 'હાશ....' એટલે તન્મયાકાર એમાં થયો, એ પ્રયોગમાં થયો તન્મયાકાર. એ પ્રયોગી તરીકે રહો કે આપણે તો કહેવું ઓહો, ચંદુભાઈ તો હાશ બોલ્યા, ચંદુભાઈને સંતોષ થયો.

પ્રશ્નકર્તા : પણ એનાથી શો ફાયદો થાય ? આપણે જમતી વખતે જ બહુ ધ્યાન રાખવાની જરૂર છે.

દાદાશ્રી : ના, ના. બધું ધ્યાન રાખવાની શેની જરૂર ? ધ્યાન રહે છે જ, રાત્રે રહે છેને ધ્યાન, મહીં મોઢામાં ઘાલ્યું તોય, શ્રીખંડ છે ! નથી રહેતું ?

પ્રશ્નકર્તા : ના, પણ પેલું વધારે ખવાઈ જાય છે એ મુશ્કેલી કરે છે એને.

દાદાશ્રી : વધારે ખવાય એ તો પ્રયોગ છે. ઓછું ખવાય કે વધારે ખવાય પણ એ પ્રયોગ છે.

પ્રશ્નકર્તા : હા, પણ એની હદ હોયને ! પણ એની હદ રાખવાની કે નહીં ?

દાદાશ્રી : ના, એ તો બીજે દહાડે એના પ્રયોગનું ફળ આવશે ને, અજીર્ણ થાય ત્યારે.

પ્રશ્નકર્તા : હા, એ તો આવશે જ.

દાદાશ્રી : એટલે આપણે બીજે દહાડે જાણવું કે આ આમ કરવાથી આ આમ થયું. અજીર્ણ થયું, માટે હવે આમ કરવાની જરૂર છે. એ પ્રયોગી માણસ જોયા જ કરે બધું, પ્રયોગમાં શી હકીકત બને છે, તેનું પરિણામ શું આવે છે એ જોયા કરે. પરિણામની નોંધો કરે.

રહો સદા પ્રયોગી તરીકે....

પ્રશ્નકર્તા : પણ પેલા એમાં પ્રયોગમાં શું થઈ જાય છે, કે પેટ કહે કે હવે નથી ખાવું, પણ સ્વાદ કહે કે ખાવું છે.

દાદાશ્રી : એ સ્વાદ કહે છે તે ય બરાબર છે. કારણ કે ખાવું છે કહે છે. તે ય બરાબર છે. ખાય છે તે ય બરાબર છે, પેટ ના કહે છે તે ય બરાબર છે અને પછી સ્વાદે એની મેળે ખાવાનું બંધ કરાવશે, પેટમાં ઉભરામણ થશે એટલે.

પ્રશ્નકર્તા : હા, પણ એમ કંઈ હંમેશાં ત્યાં સુધી ઓછું જ જવાય, એ લેવલ સુધી જમ્યા કરવું એ સારું નહીંને ! એ લેવલ સુધી જમ્યા જ કરવું, જીભ કહે ખાવ અને પેટ ના પાડે, એવું કંઈ રોજ ઓછું જ ચાલે ?

દાદાશ્રી : ના, એમાં પ્રયોગનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : પ્રયોગનો વાંધો નથી ?

દાદાશ્રી : કોઈ જાતનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : વધારે ખાવ તો પણ વાંધો નહીં પણ પ્રયોગમાં જુદા રહેવાનું.

દાદાશ્રી : વધારે ખાવ તેવું કો'ક દહાડે ઓછું પણ ખાશો, એ નિયમ જ છે.

પ્રશ્નકર્તા : પણ પ્રયોગી રહો હંમેશાં.

દાદાશ્રી : હા, પ્રયોગી તરીકે રહો. તમને આ ગમી પ્રયોગની વાત ? પ્રયોગ ને પ્રયોગીની વાત ગમી ?

પ્રશ્નકર્તા : ગમી.

દાદાશ્રી : એમ ! ત્યારે સારું.

પ્રશ્નકર્તા : એમાં સંપૂર્ણ ઉતરવાનો પ્રયત્ન કરશું.

દાદાશ્રી : એમ ! ત્યારે સારું.

પ્રયોગી ન થાય કદી 'ઈમોશનલ' !

પ્રશ્નકર્તા : બહારથી ઝઘડો આવે, ત્યારે પણ એ જ રીતે ધ્યાન રાખવાનું. પ્રયોગી તરીકે રહેવાનું અથવા જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહેવાનું.

દાદાશ્રી : ઝઘડા થાય તો એ ઝઘડો ય પ્રયોગનો છે. આપણો નથી. ઝઘડો શમે છે તે ય પ્રયોગનો છે, ઝઘડો ઊભો થાય છે તે ય પ્રયોગનો છે. ઝઘડામાં મારામાર થાય છે તે ય પ્રયોગ છે અને પાછા ફૂલહાર થાય છે તે ય પ્રયોગ છે.

પ્રશ્નકર્તા : પછી એને ફૂલહાર કરીને એને ફૂલસ્ટોપ (પૂરું) કરી દેવાનું ને ?

દાદાશ્રી : નહીં, પ્રયોગ એની મેળે થાય છે જ એ પ્રયોગ એવી રીતે થયા જ કરવાનો છે. તમે છે તો પ્રયોગીનો તમારો દરજ્જો છોડી ના દેશો, તમારો જે દરજ્જો છે પ્રયોગી તરીકેનો, તે છોડી ના દેશો અને પ્રયોગમાં હાથ ઘાલશો તો દઝાઈ મરશો. કારણ કે હંમેશાં સાયંટિસ્ટ હોય, તે પ્રયોગમાં હાથ ઘાલે નહીં. વસ્તુ નાખે તો લીલી થઈ જાય એટલે સમજી જવું કે આમાં પરિણામ આવું આવ્યું. બીજી વસ્તુ નાખે એને પાછું બ્રેકડાઉન કરી નાખે. પણ એ ઈમોશનલ (ચંચળ) થઈને હાથ ના ઘાલે કે આ શું બગડી ગયું. તે આપણાં લોક તો હાથ ઘાલે, એટલું જ ફેર છે.

અંતે તો એ 'પ્રયોગી' !

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : રાત્રે અંધારામાં શ્રીખંડ ખાય તો ય ખબર પડેને ?

પ્રશ્નકર્તા : હા, ખબર પડે.

દાદાશ્રી : ત્યારે શું હશે તે એવું ! શું યંત્ર છે કે આ બધું ખબર પડે છે ? કારણ કે છેવટે પોતે પ્રયોગી છે.

પ્રશ્નકર્તા : પ્રયોગી છે, હા, એટલા માટે ખબર પડે.

દાદાશ્રી : છેવટે પોતે પ્રયોગી જ છે એટલે ખબર પડે છે. નહીં તો પછી અંધારામાં મોઢામાં શ્રીખંડ ઘાલ્યો તો મૂઆ શી રીતે ખબર પડે કે શું નાખ્યું ને શું નહીં ? પણ ખબર પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : તમને હઉ પડે ? શી વાત કરો છો ?

પ્રશ્નકર્તા : તો આ સ્વાદથી વધારે ખવાઈ જાય, તે વખતે પોતે પ્રયોગી જ રહેવાનો.

દાદાશ્રી : સ્વાદ પ્રયોગનો છે બળ્યો, એમાં આપણે શી લેવા-દેવા તે ? પ્રયોગી ને પ્રયોગ બે જુદા રહેવા જોઈએ કે ના રહેવા જોઈએ ? આ તમારી સમજણ શું કહે છે ?

પ્રશ્નકર્તા : હા, રહેવા જોઈએ.

દાદાશ્રી : કઢી અને કઢી કરનાર. કઢી એ પ્રયોગ છે. કઢી એ પ્રયોગ નહીં, સાહેબ ? આ સાયન્ટિસ્ટોનો મોટો પ્રયોગ હશે, તો આમનો એ પ્રયોગ હશેને કઢી એ ય ! અને તે અઢાર વખત ઉભરા આવે ત્યારે કઢીપાક થયો કહેવાય. પેલો દૂધપાક થાય છે, એવી રીતે આ કઢીપાક થયો. તે આપણે કઢીપાક એ ય પણ પ્રયોગ છેને !

પ્રશ્નકર્તા : હા, પ્રયોગ છે.

દાદાશ્રી : એ કંઈ જેવી તેવી વાત છે ? એટલે પ્રયોગી હોશિંયાર હોય તો જ કઢી સારી બનાવેને !

પ્રશ્નકર્તા : હા, તો જ સારી બનાવે.

દાદાશ્રી : શું પણ તમે તો પ્રયોગી છો. કારણ કે શ્રીખંડ મોઢામાં ઘાલે તો ના સમજણ પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : બેબી તને ના સમજણ પડે ?

પ્રશ્નકર્તા : પડેને.

દાદાશ્રી : રાત્રે હઉ સમજણ પડે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જુઓ, આ તો રાત્રે હઉ સમજ પડી જાય કહે, એ આ ઈલાયચી નાખી છે બધું ખબર પડી જાય ?

પ્રશ્નકર્તા : પ્રયોગી ઊંઘે નહીંને એટલે ખબર પડે.

દાદાશ્રી : હા, એને ખબર પડે, બધી ખબર પડે. જાગ્રત રહે છે. એટલે અંધારામાંય એને ખબર પડે. શું ? અને ગમે એવાં ભયંકર સંસારીને ય પણ, શ્રીખંડ રાતે મોઢામાં ઘાલી દીધો હોય તો બધું જુદું પાડી આપે તો એટલે પછી હું એને કહું, કે શાથી આવું આ બધું થાય છે, જુદું પડે છે અંધારામાં આટલી બધી કેપેસિટી શાથી ? ત્યારે હું કહું કે આફટર ઑલ હી ઈઝ (અંતે તો એ) પ્રયોગી.

પ્રશ્નકર્તા : હી ઈઝ પ્રયોગી.

દાદાશ્રી : આફટર ઑલ ગમે એટલા સંસારી મોહ છે, એ બધાને બાદ કરતાં ય પણ એ પ્રયોગી છે. આફટર ઑલ !

પ્રશ્નકર્તા : પણ સંસારના ઝઘડાની અંદર પણ એ પ્રયોગી જ છે ?

દાદાશ્રી : પણ એ ઝઘડો એ પ્રયોગ જ છે. આમ ફૂલહાર ચઢાવવા, ગરબા ગાવા, બધું પ્રયોગ જ છે, આ બધું ચાલી રહ્યું છે એ બધું પ્રયોગ છે. આંખે દેખાય છે એ પ્રયોગ છે, કાને સંભળાય એ પ્રયોગ છે, નાકે સુંઘાય એ પ્રયોગ છે, વાણીથી બોલાય છે એ પ્રયોગ છે. ચખાય છે એ પ્રયોગ છે. સમજ પડી ને ? બધા પ્રયોગ જ છે. એ પ્રયોગને જાણો તમે. વાત બરાબર સમજે તો અઘરી નથી. પણ ના સમજીએ તેનું બધું, કરોડો શાસ્ત્રો વાંચીએ તો ય નહીં સમજણ પડે.

આફટર ઑલ હી ઈઝ પ્રયોગી. ગમે એટલા મોહ હશે તો ય પણ રાત્રે શ્રીખંડની શોધખોળ કરે એ તો તમને લાગે છેને ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : શું શું નાખ્યું બધુંય કહેશે.

પ્રશ્નકર્તા : હા, બધું કહી આપે.

દાદાશ્રી : ના, અને સહેજ જો કદી ગંધ આવતી હોય ને સહેજ વાસણ છે તે હિંગવાળું હોય ને, તે હિંગવાળા વાસણમાં, હિંગનો પાસ લાગી ગયેલું એવું વાસણ હોય તેમાં જો અડેલું હોય ને તે પછી કહેશે, પણ સહેજ હિંગ નાખેલી લાગે છે. અલ્યા મૂઆ, નાખી નથી, ફક્ત પાસ અડયો છે. હવે કેટલી બધી શોધખોળ કરે છે ! ખબર ના પડે બધી ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : તે શું કારણથી ?

પ્રશ્નકર્તા : કારણ કે પોતે પ્રયોગી છે.

દાદાશ્રી : આફટર ઑલ ! આટલા બધા મોહમાં હોવા છતાં તે પ્રયોગી પોતાનો પ્રયોગી સ્વભાવ છોડતો નથી.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : આટલી મૂર્છામાં રહેવા છતાં ય, એટલે આફટર ઑલ બોલું છુંને !

પ્રશ્નકર્તા : હા, એટલે આફટર ઑલ.

દાદાશ્રી : 'આફટર ઑલ'નો શો અર્થ થાય ? આ સાહેબ કહી શકે. આફટર ઑલ કહું છું એટલે શું એનો અર્થ થાય ?

પ્રશ્નકર્તા : એટલે છેવટે એમ.

દાદાશ્રી : છેવટે આટલું બધું હોવા છતાં, આટલા બધા મોહનાં સાધનો હોવા છતાં ય પણ એ છેવટે તો પ્રયોગી જ છે.

પ્રશ્નકર્તા : હા, બરાબર. એટલે પ્રયોગની અંદર આનંદ પડવાનું કારણ પણ એ જ હશે કદાચ ?

દાદાશ્રી : પ્રયોગમાં આનંદ હોય જ નહીં. પ્રયોગમાં શાતા અને અશાતા હોય.

પ્રશ્નકર્તા : શાતા અને અશાતા !

દાદાશ્રી : ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ. અનુકૂળ આવ્યું એ સુખ અને પ્રતિકૂળ આવ્યું એ દુઃખ. કો'ક ફેરો હાથ ઘાલ્યો, એકદમ લ્હાય બળવા માંડી અને કો'ક ફેરો હાથ ઘાલ્યો તો સરસ ઠંડક લાગી.

પ્રશ્નકર્તા : પ્રયોગમાં હાથ ઘાલવાથી ઘડીકમાં સુખ લાગે અને ઘડીકમાં દુઃખ લાગે.

દાદાશ્રી : એમાં સુખ લાગે છે ત્યારે રાજી થાય છે અને દુઃખ લાગે છે ત્યારે ચિઢાયા કરે છે. ત્યારે મૂઆ મેલને પૂળો ! આપણે પ્રયોગમાં હાથ ઘલાય જ નહીં.

પ્રશ્નકર્તા : અને પ્રયોગમાં હાથ ઘાલ્યા વગર રહે તો આનંદ મળેને !

દાદાશ્રી : તો પરમાનંદ મળે. તે આ ઘાલે એવો નથી પાછો. આ તો લોકોના હાથ ઘાલતા દેખે છે, એટલું હું ય કંઈ છોડું એવો છું કે ? કહેશે ! તે એ લોકોનું દેખીને કરે છે મૂઆ. આ બધા પ્રયોગી હાથ ના ઘાલે તો એ ય ના ઘાલે પછી. પણ આ તો લોકોને ટેવ છે કે પ્રયોગમાં હાથ ઘાલતા આવ્યા છે અને લોકોને શીખવાડતા જાય છે.

જ્ઞાની આપે નિત નવા દાખલાઓ....

હવે આટલા દાખલામાં બધા શાસ્ત્રો નથી આવી જતાં ?

પ્રશ્નકર્તા : બધું આવી જાય.

દાદાશ્રી : ત્યારે કેમ અત્યાર સુધી એની એ જ બળેલી દોરડી અને છીપમાં મોતી એ જ આ દાખલાઓ ચાલ્યા આવે છે.

પ્રશ્નકર્તા : સમજ નહોતી ને સમજાવનાર જોઈએને કોઈ ?

દાદાશ્રી : અક્ષરે ય સમજ્યા નથી. નીચે રહ્યા રહ્યા ઉપરનું વર્ણન કરે છે. એટલે બુદ્ધિનું પ્રદર્શન કરે છે. શું થાય ? હું ઉપર રહીને બોલું છું આ.

પ્રશ્નકર્તા : હા, પણ એનો છૂટકો જ નહીંને, કોઈ મળ્યા ના હોય ત્યાં સુધી તો.... !

દાદાશ્રી : હા, મળે નહીં અને એ તો આ વર્ષોથી આનું આ ચાલે છે, બળેલી દોરડી. અત્યારે મેં પૂછયું, અલ્યા ભઈ, શબ્દ નવો એપ્રોપ્રીયેટ (યથાર્થ) બીજો મૂક્યો હોય તો ય સારું પડત, હું જાણું કે આ નવો માણસ પાક્યો કો'ક. એની એ ઘરેડ ચાલી આવે તો આપણે ના સમજીએ કે હજુ આ ઘરેડમાં લોકો છે.

પ્રશ્નકર્તા : હા, ઘરેડમાં લોકો છે !

દાદાશ્રી : શબ્દો નવા જ હોવા જોઈએ, નવી વાત જ જોયેલી હોય અને જોનારો હોય, તો ગમે એટલા દાખલા આપી શકે. એક નહીં ને બીજો, બીજો નહીં ને ત્રીજો, બધા એડજસ્ટેબલ આપે.

ત્યાગો સ્વાદને, ચાખીને !

અને હેય.... લાડવા ને દાળ-શાક ને બધું ભેગું કરીને ખાય છે, ભાત ને એ પછી બધું. અલ્યા, માણસ થઈને આવું કરું છું ! લાડવા, દાળ, ભાત, શાક પછી મહીં છૂંદો બધું ભેગું કરી ને ખાય છે. ત્યારે મેં કહ્યું, તમારા કરતાં આ કૂતરા સારા છે. જુદું જુદું ખાય છે. ત્યારે કહે છે, આવું આ બધું રાખેલું છે. આગળથી અમારા ગુરુઓએ. ત્યારે મેં કહ્યું, ના, પણ શો હેતુ આમાં ? હેતુ મને કહોને ? ત્યારે કહે છે, જીભે સ્વાદ ચોંટી ના પડે, નહીં તો સ્વાદ ચોંટી પડે છે.

પ્રશ્નકર્તા : હા, સ્વાદ ચોંટી જાય છે.

દાદાશ્રી : ત્યારે કો'ક ફેરો કો'કને ભૂલથી ચોંટી ગઈ તો ?

પ્રશ્નકર્તા : આ તો ભૂલથી જ થયા કરે છે ને બધું.

દાદાશ્રી : હવે ખરો ન્યાય શું કહે છે ? કે સ્વાદ ચાખીને છોડો. હા, પેલો એમ ગળી જવાનો શો અર્થ છે ? ચોંટી ના પડે એટલા સારું ! એટલે પ્રયોગી ઊડી ગયો. હવે એ વાતની આ લોકોને ખબર જ નથી.

પ્રશ્નકર્તા : એબ્સંટ માઈન્ડેડ (મનની ગેરહાજરી) રહે તો ના ચાલે ?

દાદાશ્રી : એબ્સંટ માઈન્ડેડ તો ચલાય જ નહીં ને ! અને માઈન્ડ એબ્સંટ રહે તો થોડો વખત ચલાવી લેવાય, પણ ચિત્તનું એબ્સંટ ના રહેવું જોઈએ. આ અહીં આગળ મહીં જે એ છેને, જે શ્રીખંડ છેને, એની મહીં ચિત્ત કામ કરી રહ્યું છે. કેમ મહીં શું શું છે ? ત્યારે ચિત્ત જોઈને કહે, ઈલાયચી દેખાય છે, વાટેલી છે. મહીં એક બે દાણા આખા ય છે કહેશે. આ ખાય તો ખબર પડે એને ?

પ્રશ્નકર્તા : હા, પડી જાય એ તો.

દાદાશ્રી : આ શી વાત કરો છો ! આ શું બોલો છો. આવું થતું હશે કોઈ ફેરો ! તમને હઉ ખબર પડે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : લ્યો, આ જબરા માણસ છે, આ તો બધા ! એ ચિત્ત કામ કરે છે. ચિત્તની પ્રેઝન્સ (હાજરી) છે.

પ્રશ્નકર્તા : ચિત્તની પ્રેઝન્સ છે આ ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો આપણે પ્રયોગ કરતા કરતા હાથ ન ઘાલીએ તો સુખ-દુઃખ ના આવે.

દાદાશ્રી : હાથ ન ઘાલીએ એટલે. એટલે એને સુખ-દુઃખ જેવી વસ્તુ જ નથી. શાતા- અશાતા કહો છો એને. શાતા-અશાતા પણ આપણી ગામઠી ભાષામાં એને સુખ-દુઃખ કહો, તો સુખ અને દુઃખ ઉત્પન્ન ન થાય, તો એને પરમાનંદ નિરંતર રહે અને જેને સુખ ઉત્પન્ન થયું, તેને દુઃખનો પ્રયોગ ઓટોમેટિક (એની મેળે) મળી આવશે અને દુઃખ ઉત્પન્ન થયું, માટે સુખનો પ્રયોગ પાછો મળી આવશે.

એટલે પ્રયોગી હતો, તે પ્રયોગ સ્વરૂપ થઈ ગયો. પ્રયોગી પ્રયોગ સ્વરૂપ થઈ ગયો, તેનું ફળ આ ભોગવટો આવ્યો.

પ્રશ્નકર્તા : શેઠ પોતે હતો, એનો નોકર થઈ ગયો એ. માલિકની જગ્યાએ નોકર થઈ ગયો.

દાદાશ્રી : ના, એવું નહીં. માલિક ને નોકરને લેવા-દેવા નથી આમાં. આ તો પ્રયોગી અને પ્રયોગ, બે એકાકાર હોય જ નહીં એવું આખું જગત એકસેપ્ટ કરે. બધા જ લોકો એકસેપ્ટ કરે. કઢી અને કઢીનો બનાવનાર, બે એક હોય એવું કોઈ કહે નહીં.

પ્રશ્નકર્તા : ના, બને જ નહીં એવું.

દાદાશ્રી : તમે જાતે કરી છે, કઢી જુદી અને તમે જુદા !

પ્રશ્નકર્તા : બન્ને જુદાં.

દાદાશ્રી : એમ ! કઢી ઉભરાય ત્યારે હાથ ઘાલે ?

પ્રશ્નકર્તા : નહીં ઘાલીએ.

દાદાશ્રી : હવે ના ઘાલો ? શી વાત કરો છો ?

પ્રશ્નકર્તા : તમે જ્ઞાન આપો, પછીથી તો એવું કોણ કરે છે ? તમે ફોડ પાડીને સમજાવો, પછી કોઈ ન કરે...

દાદાશ્રી : એ તો પાછળથી બહાનું કાઢે કે ઉભરાઈ જતી હતી. ત્યારે આપણે કહીએ કે ઉભરાય ત્યારે લાકડાં કાઢી લેવાના, એનું નામ સમજ. લાકડાં કાઢી લે અને લાકડાં ના કઢાય એવી સ્થિતિમાં હોય, દઝાવાય એવું હોય, લાકડાં બળી રહ્યાં હોય અને મહીં હાથ ઘાલીએ તો દઝાવાય એવું હોય, સાણસી હોય નહીં, તો પાણી રેડી દે ઝટ. એનો ઉપાય જાણવો જોઈએ. એટલે પ્રયોગી થઈશ તો ઉપાય જાણીશ. પ્રયોગ સ્વરૂપ થઈશ તો ઉપાય નહીં જાણું.

'પ્રયોગી'ની ગેરહાજરીમાં 'પ્રયોગ' કેવો ?

એટલે નિરાંતે ખાવ સારી રીતે. શ્રીખંડ-બીખંડ બધું સારી રીતે ખાવ અને શ્રીખંડ ખાતા હો કે જલેબી ખાતા હોય અને તમે એમ ને એમ ગળીને એ ખાઈ લો, તો પ્રયોગીની ગેરહાજરી થઈ જશે. પ્રયોગીની ગેરહાજરીમાં પ્રયોગ થઈ રહ્યો છે. એટલે એક ભાઈ મને કહે છે, મારે દાદાજી, આ કારખાનું, કેમિકલનો ધંધો, મહીં જીવાત બહુ છે તે એની હિંસા થયા કરે છે. તે હવે શું કરું ? મેં કહ્યું, પોક મેલ દાદાના નામની, 'હે દાદા રે હું તો નર્યો જીવાત જ માર માર કરું છું.'

અલ્યા, એ પ્રયોગ ને તું પ્રયોગી જુદા છે, તારે લેવા-દેવા શું એ એમાં ? માથે શું કરવા લે છે ? માથે લઈએ તો જોખમદારી તારી. જેટલું તું માથે લઉં, એટલી જોખમદારી તારી. સાહેબ કાયદો શું છે કે માથે લઉં એટલી જોખમદારી તારી. એ માથે લે, એટલી જોખમદારી એની ! અને આ લોક માથે લે છે ય ખરા હોં !

પ્રશ્નકર્તા : લે જ ને !

દાદાશ્રી : જુઓને, લે છેને ?

પ્રશ્નકર્તા : તો અમે લોકો ખેતી કરીએ અને જીવડાં મરે ત્યારે એ પ્રયોગ કેવી રીતે જોવાનો ?

દાદાશ્રી : એ તો પ્રયોગ જ છે બધું. એ બળદ, એ જમીન, એ બધું સાધન બધું આમ દેખાવું જોઈએ આપણને. બધી જ ફિલ્મ દેખાવી જોઈએ. પ્રયોગ થઈ રહ્યો છે એ જાણવું, એ પ્રયોગીનો સ્વભાવ. હવે એથી વધારે ઊંડો ઊતરે તો એ પ્રયોગી ગુનેગાર છે. આનું રિઝલ્ટ આવું આવ્યું, આનું રિઝલ્ટ આ જીવડાં મરી ગયાં અને ફલાણુ મરી ગયું એ બધું રિઝલ્ટને તારે જોવાનું. રિઝલ્ટનો જોખમદાર તું નહીં. તારે જોવું જોઈએ, નહીં તો હાથ ઘાલવા જઈશ તો રિઝલ્ટનાં ફળ તારે ભોગવવા પડશે.

ન બગડે 'પ્રયોગ', એની મર્યાદા બહાર....

પ્રશ્નકર્તા : પ્રયોગ થઈ જાય તો એને સુખ-દુઃખ મળે એટલું જ ને ! કે બીજું પણ કંઈ રિઝલ્ટ (પરિણામ) મળે ?

દાદાશ્રી : સુખ-દુઃખ મળ્યું એટલે બીજ પડયાં, અને બીજ પડયાં એટલે સંસાર ચાલુ થઈ ગયો પાછો. સંસાર કાયમ માટે ચાલુ થઈ ગયો. પોતાનો આનંદ છૂટ્યો કે બીજ પડવાનું અટકે. હવે પોતાના આનંદમાં બેસે એવું મેં કરી આપ્યું છે તમને. છતાં એક અવતાર જરાક ભૂલચૂક થયા કરે તો બીજે અવતારે રાગે પડી જશે અને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે. પ્રયોગી માણસને એમ કહ્યું છે, કે તારો પ્રયોગ આથી બહાર બગડશે નહીં, એવું વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે.

'પ્રયોગ'માં દાઝયા પછી....

આપણે રોજ પેટમાં ખાવાનું નાખવું પડે છે ને ? જો 'મિકેનિકલ' ના હોયને તો એક જ ફેરો ખાધું એટલે ફરી એ કામ પૂરું થઈ જાય. એક ફેરો ખાધા પછી ફરી ખાવું ના પડે. આ તો પૂરણ કરીએ ને પાછું ગલન થાય. બધું 'મિકેનિકલ' છે. તું 'પોતે' આનાથી જુદો છે. તું 'પોતે' આ 'મિકેનિકલ'નો જાણનાર છે. આ મશીનરી એક પ્રયોગ છે અને તું પ્રયોગી છે. આ પ્રયોગોનો તું 'જાણકાર' છે કે આ શું પ્રયોગ થઈ રહ્યા છે. 'ચંદુભાઈ'માં શું શું ફેરફાર થઈ રહ્યો છે ! તેના બદલે તું કહે છે કે 'હું ચંદુભાઈ છું', તે એટલી બધી ભૂલ કેમ પોષાય ? પોતે એ પ્રયોગમાં પડતો હતો અને હવે પ્રયોગની બહાર નીકળ્યો. એટલે એને સમજાયું કે હવે ભૂલ થઈ હતી આપણી.

પ્રશ્નકર્તા : મોટી ભૂલ થઈ હતી, મોટી.

દાદાશ્રી : હા, તે ભૂલ થાય પણ તે ઘડીએ દઝાવાયને ?

પ્રશ્નકર્તા : હા, દઝાવાય.

દાદાશ્રી : ત્યારે દઝાવાનું એ જેટલું દઝાવાનું લમણે લખેલું એટલું દઝાવું જ પડે.

પ્રશ્નકર્તા : હા, છૂટકો જ નહીં.

દાદાશ્રી : હા, છૂટકો જ ના થાયને ! પણ દઝાયેલું થયેલું હોય, તો અનુભવ જ્ઞાન થાય. સચોટ જ્ઞાન થાય. દઝાયેલા હોય ને એટલે પછી મનમાં ફિટ થતું જાય કે હવે ફરી નથી કરવું, ફરી નથી કરવું, ફરી નથી કરવું એમ કરતો કરતો બંધ થઈ જશે.

પ્રયોગ ને પ્રયોગી, બે જુદા જ છે ત્યાં આગળ. પ્રયોગમાં આંગળી ઘાલીએ ત્યારે દઝાઈએ એટલે ફરીવારથી આપણે નક્કી કરીએ કે હવે ફરી નહીં ઘાલવી. પછી ફરી ભૂલ થઈ જાય, પાછું ગોથું ખઈ જાય તો ફરી ઘાલી દે એમ કરતાં કરતાં કોઈ એક દહાડો જ્ઞાન ફિટ થઈ જશે, પણ મૂળ જ્ઞાન પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. બીજું કશું છે નહીં આ. એટલે બધો પ્રયોગ છે આ દુનિયા અને આપણે પ્રયોગી છીએ. પ્રયોગી કેવળજ્ઞાન સ્વરૂપ હોય.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન બીજું કંઈ જ નહીં ?

દાદાશ્રી : બીજું ડખો કરે નહીંને ! પણ જ્યારથી અનુભવી થાય ત્યાર પછી. જ્યાં સુધી કાચો છે ત્યાં સુધી હાથ ઘાલે જ. એ ઉભરાયું, એ ઉભરાયું, એ ઉભરાયું. અલ્યા, ઉભરાયું તો તે પ્રયોગ ઉભરાયો, તું કયાં ઉભરાયો છું ? તું કયાં હાથ ઘાલે છે તે !

પ્રશ્નકર્તા : પ્રયોગ ઉભરાયો, તું તો કેવળજ્ઞાન સ્વરૂપ જ છે.

દાદાશ્રી : હં, તારે જોવાનું છે. લાકડાં ખેંચી લેવાના તે ઘડીએ. લાકડાં ખેંચી લેવાના અને હવે પેલું છે તે મહીં એસિડ ના નાખીશ, એ એસિડ નાખ્યો, તેથી જ આ લાલ ભડકા ભભૂકી નીકળ્યા.

પ્રશ્નકર્તા : હા, લાકડાં ખેંચી લેવાના. એસિડ નાખવાનું બંધ કરવાનું.

છૂટયો 'પ્રયોગ', પ્રયોગી દ્રવ્યથી !

દાદાશ્રી : પ્રયોગ છે તેને પ્રયોગીદ્રવ્ય એકાકાર થઈ ગયા હતા, તે આ જ્ઞાનપ્રયોગ કરવાથી જુદું પડી ગયું. આ પ્રયોગીદ્રવ્યની સાથે એકાકાર થઈ ગયું છે. જેમ એક સાયંટિસ્ટ પ્રયોગ કરેને તો એમાં હાથ ઘાલી દે અને એક થઈ જાય, અને જો પછી દુઃખ થાય એને, એના જેવું આ થયું છે. આપણે હાથ કાઢી નાખીએ પછી તારે જોયા જ કરવાનું આ, પ્રયોગ શું થઈ રહ્યો છે તે. દઝાય એટલે પછી ત્યાં સાયન્ટિસ્ટ કાચો.

આ ચંદુભાઈ તો પ્રયોગ છે એક જાતનો. હેય... હમણે પાઈનેપલ નાખો, દાળ નાખે, કઢી નાખે, એનું શું પરિણામ આવે છે. એ બધું આ થઈ રહ્યું છે. પ્રયોગ થઈ રહ્યો છે. એને આપણે જોયા કરવાનું કે ભઈ આપણે આ ફલાણું નાખ્યું હતું તે આ પ્રયોગ બગડયો, વાયડો થઈ ગયો. વાયડો એટલે હવે આમ કરવાનું, આમ નાખવાનું, આપણે જોયા કરવાનું અને પ્રયોગ પાછો 'વ્યવસ્થિત' છે, એટલે આપણા હાથમાં નથી, સત્તા નથી એટલે આપણે જોયા કરવાનું. આ પ્રયોગ જ છેને બધો ?

પ્રશ્નકર્તા : હા, પ્રયોગ જ છે.

દાદાશ્રી : તે ભગવાને કહ્યું કે પ્રયોગી દ્રવ્યની સાથે તન્મયાકાર થઈ ગયું હતું અને તે પ્રયોગી દ્રવ્યથી પ્રયોગ છૂટો પડી ગયો. તમારે છૂટો થઈ ગયો પ્રયોગ કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા, છૂટો.

જુદાં 'જાણનાર' ને ભોગવનાર !

મેં કહ્યું ને, 'આહારી આહાર કરે છે, અલ્પાહારી અલ્પાહાર કરે છે.' તે પોતે અલ્પાહાર કરતો હોય તો ય જાણે કે આ ચેવડો ખોરો થઈ ગયો છે. ત્યારે અલ્યા ખોરો થયો છે એ જાણે છે કોણ ? ખાય છે કોણ ? જાણે એ ખાય ખરો ? ખાનારને ભાન ના હોય શું થયું છે તે. એ જાણનારને ભાન હોય અને આ તો 'ખાધું ય મેં ને જાણ્યુંય મેં.' ડફોળ કયાંથી આવ્યો છે તે ? ભેંસના ભાઈ જેવો જ છુંને, તું તો ! ત્યારે મેં એક જણને પૂછયું, મોટી ઉંમરના હશે. મેં કહ્યું, ભેંસના ભાઈને ઓળખો કે ? ત્યારે એ કહે, 'ના, દાદા. મેં તો જોયેલો જ નહીં.'

જુદું જુદું ઓળખવું આમ !

તું રસ-રોટલી ખાતો હોય, તે વખતે તું આત્મા થઈને જો તો ખરો કે રસમાં હાથ ઘાલે છે તે જુદો છે. જીભ પર મૂકયા પછી સરસ જેને લાગે છે તે જુદો છે. સારો કે ખોટો જેને લાગે છે તે જુદો છે. પછી સારો એનો ભોકતા પણ જુદો છે અને તેનો જ્ઞાતા પણ જુદો છે.

તું કહે કે 'મેં ભોગવ્યું' તો તારું, ને તું કહે કે ભોગવનારને ય મેં જોયો તો તું છૂટો છું. આ બહુ ઝીણી વાત છે. ખરી રીતે કરવી ના જોઈએ. કારણ કે લોક જાણે કે 'મને થઈ ગયું.' આમાં કેટલી બધી અવેરનેસ જોઈએ !

ચાર ભાગ પાડ્યા. એક હાથથી લે છે તેને જાણે છે અગર તો હાથથી લેતા હતા તે નથી ફાવતું ને ચમચાથી લે છે તેને ય જાણે છે. બીજું, તે દહાડે લીધો હતો તેવો આ રસ છે એવો ભેદ પાડે છે, રસ ખાટો નથી તે જે જાણે છે તેને ય જાણે છે ને ત્રીજું, ભોગવે છે તેને ય જાણે છે ને પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે.

ભોગવનારો સારા-ખોટાનો ભેદ જાણતો નથી. ભેદ પાડે તો જ જાણી શકે અને ભોગવે છે તેને ય જે જાણે છે તે આત્મા છે. ભોગવતી વખતે મોઢાં પરની ટેસ્ટ જે જાણે છે તે આત્મા છે. જે ભોગવે છે તે ચાખતો નથી. જે ભેદ પાડે છે તે ય ચાખતો નથી. ભેદ પાડનારને તો ખાલી ભેદ જ પાડવાનો હોય છે. જીભ પર મૂકયા પછી સ્વાદ લાગે એવો ભેદ પાડી આપે. પંદર દહાડા પર રસ ખાધો હતી તે જ જાતનો છે, તુલના કરી આપે. ને લોક કહે કે, 'મારામાં શક્તિ નથી' કેટલી બધી શક્તિ છે !

તૃપ્તિ : સંતોષ !

પ્રશ્નકર્તા : આપે કહેલું કે જમતી વખતે બધાને જુદું જુદું જાણીએ એ પુરુષાર્થ છે ને એથી પણ આગળ સૂક્ષ્મ પુરુષાર્થ છે તે કયો ?

દાદાશ્રી : એમાં વસ્તુ ના હોય. આ વસ્તુ છે. ભાત છે, શાક છે. આપણે ખઈએ તો બાસમતીનો ભાત કેવો છે તે ખબર ના પડે ? જુદું ખાવાથી-ચાવનાર જુદો, કોળીયા મૂકનાર જુદો, ચાખનાર જુદો અને ચાખે છે તે જુદો, ચાખીને તૃપ્તિ મેળવે છે તે જુદો અને તૃપ્તિ થઈ છે કે નહીં, તે જાણનારો જુદો.

આમ ભાગ પાડીએ તો જુદા જુદા, ને આમ એક જ હાથ જમે છે, દાંત ચાવે છે. દાંત ચાવવાનું કામ ના કરે તો તૃપ્તિવાળો બૂમ પાડે કે સ્વાદ આવતો નથી. ચાવનારો ચાવે, ઓરનારો ઓરે, ચાખનારો ચાખે કે બહુ તીખું- ખારું લાગતું નથી ને ? સ્વાદ લેનારો સ્વાદ લે. સંપૂર્ણ સ્વાદ લે ને તૃપ્તિ લેનારો તૃપ્તિ લે. ને આ બધાને જાણે એ આત્મા.

ખાય છે કોણ ? પીવે છે કોણ ? ચાખે છે કોણ ? સ્વાદનાં ફોન કોણ કરે છે ? સ્વાદનાં ફોન જાય એટલે ભોકતા ચાખે. પછી ભોગવનાર ચાખે, પછી જાણનાર જાણે કે આમને સંતોષ થયો કે આમને સંતોષ નથી થયો.

આત્મા હાજર રાખવો હોય તો અક્રમ વિજ્ઞાનમાં જુદું જુદું ખવાય. કારણ કે ક્રમિકમાં ખાનારો હું, હાથ મારો, ચાખનારો હું, ચાવનારો ય હું ને સ્વાદને લેવાવાળો ય હું. એટલે તૃપ્તિ ના થાય. ત્યાં આત્મા ના હોય. આમાં તૃપ્તિ સહિત થાય. પેલામાં અંશે આત્મા હોય, ભેળસેળ હોય. તૃપ્તિ ના થાય, સંતોષ થાય. તૃપ્તિ થાય એટલે વાસના ના રહે. સંતોષમાં વાસના રહે. અમે ખઈએ થોડું પણ ચાવીએ, પદ્ધતસર જમીએ.

પ્રશ્નકર્તા : તૃપ્તિ થાય તો ફરી જમવાની જરૂર નહીં ?

દાદાશ્રી : તૃપ્તિ થાય તો ફરી જલેબી સાંભરે નહીં, ને સંતોષમાં તો જલેબી સાંભરે.

'વિજ્ઞાન' હાજર ત્યાં મુક્ત જ !

આત્માનુભવ થયા સિવાય બીજું બધું કર્મ બંધાય છે. હવે તમે શુધ્ધાત્મા જ છો, ચંદુભાઈ ન્હોય ને ? તો કર્મબંધન નહીં હવે !

પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ જ પીવે છે, ખાય છે !

દાદાશ્રી : હા, એ તો ખબર જ પડી જાય પોતાને. શું થઈ રહ્યું છે એ જુએ ને જાણે. આવું ચોખ્ખું વીતરાગોનું વિજ્ઞાન છે. હા, ખાનારને પણ હલાવવાની શી જરૂર ? મોજથી પીવે આમ, ખૂબ ચાવી ચાવીને ખાય ને મોજથી ખાયને, પણ ખાનાર જુદો ને આત્મા જુદો.

પ્રશ્નકર્તા : એ ખાનારો ચાવી ચાવીને ખાય, મોજથી ખાય.

દાદાશ્રી : મોજથી ખાય તે સારું, ઉલ્ટું આપણે ખુશી થવું જોઈએ કે આ બરોબર છે !

પ્રશ્નકર્તા : અને એ મોજના ભાવમાં પણ આત્મા પોતે જુદો હોય ?

દાદાશ્રી : હા, મોજ થાય છે ને એ પુદગલને થાય છે. કારણ કે પુદગલમાં મોજ કરવાનો સ્વભાવ નથી, પણ આ પુદગલ કેવું છે ? મિશ્રચેતન છે. એટલે બધું જ એનાં લક્ષણ હોય એમાં, ચેતન જેવાં. મોજ કરે, આમ આનંદથી ખાય છતાં આપણને કશું અડે નહીં એવું આ વિજ્ઞાન છે. આપણું આ વિજ્ઞાન, કશું અડે એવું નથી !

- જય સચ્ચિદાનંદ