મોક્ષ સ્વરૂપ : સિદ્ધ ભગવાન

સંપાદકીય

આ મનુષ્ય જીવનનો ધ્યેય શો ? ત્યારે જવાબ મળે મોક્ષ પામવો, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ ! પણ મોક્ષ એટલે શું હશે ? ખરેખર જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળતી હશે ? એ સંબંધી વારંવાર ઝંખના થયા કરે છે અને જે કયારે ય અનુભવ્યું નથી તેની અટકળો કેટલી થાય ? આમ સનાતન પ્રશ્ન અણઉકેલ્યો જ રહ્યો છે.

પ્રસ્તુક સંકલનામાં દાદાશ્રી બંધનના સ્વરૂપનું ઓળખાણ પડાવે છે અને પછી મોક્ષ સ્વરૂપના સમજની ગેડ પાડી આપે છે, ત્યાં પછી માત્ર કલ્પનાની અટકળો કરવાની રહેતી નથી. બાળકને પણ તેની સાદી ભાષામાં સમજાય તેવા અનુભવગમ્ય દ્રષ્ટાંતો સાથે મોક્ષ સ્વરૂપના તમામ ફોડ પાડી આપે છે. મોક્ષ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કરવું ? મોક્ષ પ્રાપ્તિમાં મોટામાં મોટું નિમિત્ત કારણ જ્ઞાની પુરૂષ, મુક્ત પુરૂષ. જે સંપૂર્ણ મુક્ત થયા છે તે જ અનેકોને મુક્તિ પમાડવાનું સાર્મથ્ય ધરાવે છે, એવા આ કાળમાં થઈ ગયા મહાન જ્ઞાનીપુરુષ શ્રી દાદા ભગવાન !!

દાદાશ્રી પાસે એવો જ્ઞાન પ્રયોગ હતો કે જેના થકી બે કલાકમાં જ 'કારણ મોક્ષની' અનુભૂતિ થતી અને તે સ્થિતિ કાયમ પછી વર્ધમાનપણાની દશાને પામ્યા કરતી.

અંતે મોક્ષ પદને આત્મા પ્રાપ્ત કરે ત્યારે શું થતું હશે ? આત્મા કઈ જગ્યાએ પહોંચતો હશે ? ત્યાં શું કરવાનું, કઈ દશામાં રહેવાનું ? અને કેવા અનંત અનંત સમાધિ સુખમાં હશે એ સિદ્ધ ભગવંતો ? આદિ તમામ ફોડ પ્રસ્તુત સંકલનામાં પ્રાપ્ત થાય છે.

આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે જીવનનું અંતિમ લક્ષ સિદ્ધ પદ જ છે. તે ભણી દ્રઢ નિશ્ચય થવા અર્થે પ્રસ્તુત સંકલન મહાત્માઓને અત્યંત ઉપકારી થશે.

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


બંધન શું ? મુક્તિ શું ?

પ્રશ્નકર્તા : મોક્ષપ્રાપ્તિ માટે પ્રત્યેક મનુષ્ય ઝંખે છે. બધા ધર્મોએ એ જ એકમેવ ધ્યેય દેખાડ્યો છે. પણ મોક્ષનું સ્વરૂપ સમજાય તો તે પ્રતિ માણસની ઝંખના દ્ઢ થાય. તો મોક્ષનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવા કૃપા કરશો. મોક્ષ એટલે શું ? અથવા તો મુક્તિ એટલે શું ?

દાદાશ્રી : બંધન એટલે જાણો છો ? બંધન એ શું છે ? આજે બંધાયેલા છો એ અનુભવ છે તમને કે નથી ?

પ્રશ્નકર્તા : કલીયર અનુભવ નથી.

દાદાશ્રી : આપણને મનમાં કંટાળો આવે, તે ઘડીએ આપણે એમાંથી છૂટી જવું હોય તો આપણા ધાર્યા પ્રમાણે છૂટી જવાય જલદી ?

પ્રશ્નકર્તા : છૂટી જવાય.

દાદાશ્રી : આપણા ધાર્યા પ્રમાણે ? આ લગ્ન કર્યા પછી ઝઘડો થાય છે, તો ઝઘડો થઈ ગયા પછી આપણે ભગવાનને કહીએ કે આજ એકદમ શાંતિ થઈ જાવ, તો શાંતિ થઈ જાય છે ? તે ઘડીએ તો મનમાં એમ થાય કે આમાંથી છૂટાય તો સારૂં. એટલે આ બંધન કહેવાય. અને આ બંધન છે તો ઝઘડા થાય છે, જેને આ બંધન નથી, એને ઝઘડા શેના ? હવે બંધનનાં અનુભવ હોય તો મુક્તિ પણ બીજી બાજુ છે.

પરવશતા એ જ બંધન !

દાદાશ્રી : ઘેર મોડા ગયા હો, તો ઘરમાં ઠપકો આપે ખરા ? તો તમને ગમે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એનું નામ બંધન-પરવશતા- એટલે બીક મહીં લાગે ને, મોડું થઈ જાય તો ? અને કંઈક ખોટું થઈ ગયું હોય તો સરકારની બીક લાગે ને ?

પ્રશ્નકર્તા : હા, લાગે.

દાદાશ્રી : એ બધી પરવશતા અને પરવશતા એ જ બંધન છે. આ શરીર કે માથું દુઃખતું હોય તો આપણે બહાર નીકળીને બેસાય ? મહીં ઘરમાં બેસી રહેવું પડેને ? દુઃખ ભોગવવું પડે ને ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિથી પરવશ તો ખરાં ને ?

દાદાશ્રી : હા, પ્રકૃતિથી તો પરવશ. પણ આ બધા ઘરના માણસો બધાથી યે પરવશને ? પેલા કહેશે, 'સવારના સાત વાગ્યા તો ય ઊઠ્યા નથી ને હજુ ?' આપણે થાકેલા હોઈએ. પણ પેલા બોલે 'ઊઠ્યા નથી' એટલે આપણે પાછું ઊઠવું પડે. નહીં તો કહેશે, 'એ ય ચા થઈ ગઈ, ઊઠો.' તે તબિયત સારી ના હોય તો ય ઊઠવું પડેને ?

પ્રશ્નકર્તા : બધાને અનુકૂળ રહેવું પડેને !

દાદાશ્રી : હા, શું થાય પણ ! મહીં આખા ટોળાવાદમાં આવ્યા છીએ, પરસ્પર સંબંધમાં, તે પરવશ રહેવું જ પડેને ! નિરાલંબ સંબંધ ઉત્પન્ન થાય તો જગતમાં કોઈની યે જરૂર ના પડે.

પ્રશ્નકર્તા : પણ જયાં એક વાર ખબર પડે કે આ જગત સ્વપ્નમય છે, તો....

દાદાશ્રી : સ્વપ્નમય હોય અને જો કદી બંધન ના હોય તો ય વાંધો નથી. પણ આ તો બંધન જ છે, આખો દહાડો ય પરવશતા લાગે. સ્વતંત્ર નહીંને !

આ તમને અહીં સત્સંગમાં બે કલાક બેસાડી રાખે, અહીંથી જવા ના દે, મહીં ભૂખ લાગે, તો શું કરો તમે ? એ ભૂખનું બંધન કેટલું બધું ?! તરસનું બંધન, ઊંઘનું બંધન, પછી આ પોલીસવાળો પકડે એ ય બંધન, સ્ત્રીનું બંધન, છોકરાનું બંધન, કેટલા પ્રકારનાં બંધનો ! વાળ ના કપાવ્યા હોય ને મોટા થઈ ગયા હોય, તો મનમાં બંધન લાગ્યા કરે. નખ ના કપાવ્યા હોય તો બંધન લાગ્યા કરે. હા, નખ વધારવાનો જેને શોખ હોય, તેને બંધન ના લાગે.

સ્વતંત્રતાની સાચી સમજ !

તમને સમજાય છે ને, કે 'હું બંધાયેલો છું ?' તમને અનુભવમાં આવે છે ને, કે કેટલી બાજુનાં બંધન છે, એવું ?

પ્રશ્નકર્તા : હા, પણ પહેલાં બંધન નહોતું લાગતું. આ તો તમે દેખાડયું ત્યારે બંધન સમજાયું.

દાદાશ્રી : પહેલાં તો ભાન જ નહોતું, ત્યાં આગળ શું થાય ? આ તો ધર્મ ખોળે છે, પણ પોતાને બંધન છે એવું નથી જાણતા. અને મને તો તેરમે વર્ષે બંધન લાગતું હતું. 'ભગવાન તને મોક્ષે લઈ જશે.' એવું સાંભળ્યું, ત્યારે મેં કહ્યું કે, 'ભગવાન મને મોક્ષે લઈ જાય તો મારે જવું નથી !' ભગવાન મોક્ષે લઈ જાય તો એ ઉપરી ઠર્યો અને ઉપરી હોય એટલે પરવશતા રહે જ.

એટલે આ જગતમાં જે જ્ઞાન ચાલે છે, લોકો જે જ્ઞાન જાણે છે, એ જ્ઞાન લૌકિક છે. બધા લોકો એમ કહે છે કે ભગવાને દુનિયા બનાવી, પણ ભગવાન જો દુનિયા બનાવે તો એ કાયમ આપણો ઉપરી ને ઉપરી જ રહે અને મોક્ષ કોઈનો ય થાય નહીં.

પ્રશ્નકર્તા : તો મોક્ષ કયારે થયો કહેવાય, એ સમજાવો.

દાદાશ્રી : મોક્ષ એટલે કોઈ આપણો ઉપરી નહીં ને કોઈ આપણો અંડરહેન્ડ નહીં. આપણામાં કોઈની ડખલ નહીં, આપણા સુખમાં કોઈની ડખલ નહીં એ જ મોક્ષ છે. આપણે છૂટી ગયા છીએ, એવું લાગે આપણને.

એટલે સ્વતંત્ર થવાની જરૂર છે ને ? આમ પરવશ કયાં સુધી રહેવું ? આવડું મોટું જગત તેમાં મચ્છર પણ તમને ડખલ કરે, વીંછી પણ ડખલ કરે, કોઈ માણસ આવે તે પણ ડખલ કરે, આ તો કેટલી બધી પરવશતા ! પાછું વાળ કપાવવા માટે વાળંદ પાસે જવું પડે. વાળંદ માથું દબાવે, તે જાણે પેલા બકરાના માથાની જેમ માથું દબાવે. તે ઘડીએ મોટો શૂરવીર હોય તો ય શું કરે ? એટલે નરી પરવશતા છે. આ પરવશતા નથી ? આ ગાંયજો આમ માથું પકડી પકડીને દબાવે, તે પરવશતા ના લાગે ? એટલે સ્વતંત્ર થવાની જરૂર તો ખરી ને ?

પ્રશ્નકર્તા : સ્વતંત્ર થવાની જરૂર નથી, પણ સ્વતંત્ર થવાની સમજની જરૂર છે. એવું હું માનું છું.

દાદાશ્રી : હા, એ સમજની જ જરૂર છે. એ સમજ આપણે જાણીએ એટલે બહુ થઈ ગયું. સ્વતંત્ર ના થવાય, તો પણ સમજની જરૂર ખરી ને ? સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત છે. પહેલાં સમજ હાથમાં આવી ગઈ એટલે બહુ થઈ ગયું.

છૂટવાના કામીને.....

હવે જેને બંધાવાની ઈચ્છા છે, એને છૂટવાનું મળે નહીં. જેને છૂટવાની ઈચ્છા છે, તેને બંધાવાનું મળે નહીં. છૂટવાની ઇચ્છા છે ખરી કોઈને ?

પ્રશ્નકર્તા : છૂટવા માટે તો અમે નીકળ્યા છીએ. સ્વતંત્રતા તો સહુને પ્યારી છે.

દાદાશ્રી : ના, પણ છૂટવાની સાચી ઈચ્છા જ કોઈ દહાડો કરી નથી ને ! ગમે છે બંધાવાની જ ઈચ્છા.

પ્રશ્નકર્તા : આ મારે છૂટવું છે તો કેવી રીતે છૂટવું ?

દાદાશ્રી : એમ નહીં, છૂટવાની ઈચ્છા કરવી જોઈએ ને !

પ્રશ્નકર્તા : આવી ઈચ્છા થઈ હોય ત્યારે જ પ્રશ્ન પૂછયો હોય ને !

દાદાશ્રી : ના, એવી ઈચ્છા તો બધાને થયેલી હોય ને ! દરેકને છૂટવાની ઈચ્છા થાય જ, આ બંધન ગમે નહીં, બધાને કંટાળો આવે જ. પણ છૂટવાની સાચી ઈચ્છા એટલે શું કે છૂટવાની ઇચ્છા એ ભૂલે નહીં, તો એ છૂટી શકે. પણ થોડીવાર ભૂલી જાવ છો કે નહીં ? રાતે ઊંઘી જાવ છો કે નહીં ?

પ્રશ્નકર્તા : ઊંઘ તો આવે જ ને !

દાદાશ્રી : હા, તો ય પણ છૂટવાની ઈચ્છા ભૂલે નહીં એ છૂટી શકે. આ તો રાતે ઓઢીને સૂઈ ગયા એટલે થઈ રહ્યું. અને દહાડે કોઈકે કહ્યું કે, 'તમારામાં અક્કલ નથી.' એટલે છૂટવાની ઈચ્છા તો કયાંય ભૂલી ગયા ને ઊલટી બંધાવાની ઇચ્છા કરે. તમને કોઈકે કહ્યું કે, 'તમે અમારૂં આ બગાડયું.' તો તે વખતે છૂટવાની ઇચ્છા ભૂલી જાવ ને ? ને તે વખતે બંધાવાની ઇચ્છા કર્યા કરો ને !

પ્રશ્નકર્તા : એ છૂટવાની ઇચ્છા ન ભૂલાય, એના માટે શું કરવાનું ?

દાદાશ્રી : એના માટે તો છૂટવાની ઇચ્છા શી રીતે થાય એ જાણવું જોઈએ. બાકી, આમ વાત કર્યે કશું વળે નહીં. આ સાધુ-આચાર્યો બધાય છૂટવા સારુ જ માથાકૂટ કરે છે ને ? ને કેટલાંય અવતારથી આનું આ જ જપ ને તપ કર્યા કરે છે ને ત્યાગે ય કર્યા કરે છે. પણ તો ય કશું વળે નહીં. એની પદ્ધતિ સિવાય કશું વળશે નહીં. એટલે પદ્ધતિ જોઈશે.

શોધ સનાતન સુખની !

જો સનાતન સુખ પ્રાપ્ત થઈ ગયું, એને પછી સંસારનું દુઃખ ના અડે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ. સનાતન સુખ, એનું નામ જ મોક્ષ. બીજા મોક્ષનું આપણે શું કામ છે ? આપણને સુખ જોઈએ છે. આપને સુખ ગમે છે કે નથી ગમતું ? એ કહો મને.

પ્રશ્નકર્તા : એને માટે તો ફાંફા છે બધાં.

દાદાશ્રી : હા, તે સુખ પણ ટેમ્પરરી નથી ફાવતું. એ સુખની પછી દુઃખ આવે, એટલે એ ગમતું નથી. સનાતન સુખ હોય તો દુઃખ આવે નહીં, એવું સુખ જોઈએ છે. તે એ સુખ મળે, એનું નામ મોક્ષ. પછી બીજા મોક્ષની ભાંજગડમાં કંઈ ઊતરવું નહીં. આપણને દરેકને એ જ સુખ જોઈએ છે.

મોક્ષનો અર્થ શો ? ત્યારે કહે કે સંસારી દુઃખનો અભાવ થવો, એનું નામ મોક્ષ ! નહીં તો દુઃખનો અભાવ રહે નહીં કોઈને ય !

નિરંતર પરમાનંદ એ જ મોક્ષ !

એક જ શબ્દમાં કહેવા માગીએ તો સર્વ દુઃખનો અભાવ અને સનાતન પરમાનંદ રહે, એનું નામ મોક્ષ. દુઃખનો અભાવ લોકો સમજી શકે, પણ નિરંતર પરમાનંદ એ સમજે નહીં ને ! એટલે મોક્ષ તો જુદી વસ્તુ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, વીતરાગ ને નિર્ભય થયા પછી મોક્ષ હોય. સર્વ દુઃખોનો અભાવ, કોઈ પણ સંસારી દુઃખ અડે નહીં અને પોતાના સનાતન સુખનો જ સદ્ભાવ, એનું નામ મોક્ષ.

મોક્ષની જ ઈચ્છા !

પ્રશ્નકર્તા : પણ મોક્ષે જવું સારૂં કે અહીં રહેવું સારૂં ?

દાદાશ્રી : એવું છે, પોતાના હાથમાં સત્તા નથી. અહીં રહેવાનું સારું કહોને, તો એનો ટાઈમ થાય એટલે મોક્ષે જવું પડે. મોક્ષે જવાની ઇચ્છા કરે, પણ એને ભટકવાનું બાકી છે એટલે છૂટકો ના થાય. એટલે આપણા હાથમાં સત્તા જ નથી.

પ્રશ્નકર્તા : આ 'છૂટવું છે, બંધાવું નથી.' એ જે ભાવ થાય છે કે કરવાનો હોય છે ?

દાદાશ્રી : એવું છે ને, 'ખાવું છે, ખાવું છે' મનમાં ભાવ કર્યા કરે, પણ તેથી કંઈ ટેબલ પર કોઈ મૂકે નહીં. પાછું એમને કહેવું પડે કે 'મારે જમવું છે, હવે મૂકી દો.' એવો ભાવે ય કરવો પડે ને, છૂટવું છે એવું કહેવુંય પડે.

બાકી એક જ ભાવના હોય કે મોક્ષ સિવાય બીજી કંઈ ચીજ જોઈતી નથી. તો આ બધું ભેગું થાય નહીં તો કશું નહીં. બીજ નાખ્યા ના હોય તો પછી ફળ આવે જ ક્યાંથી ?

પ્રશ્નકર્તા : મોક્ષની ઇચ્છાથી મોક્ષ ખોવાઈ જાય ?

દાદાશ્રી : મુંબઈ જવાની ઇચ્છા કરીએ તો મુંબઈ ખોવાઈ જાય ?!

પ્રશ્નકર્તા : તો મોક્ષની ઇચ્છા કરવી જોઈએ કે નહીં ?

દાદાશ્રી : જેને મોક્ષનો માર્ગ મળી ગયો છે, તેને ઇચ્છા કરવાની જરૂર નથી ને જેને મોક્ષ માર્ગ મળ્યો જ નથી, તેણે મોક્ષની ઇચ્છા કરવી જ જોઈએ. જ્યાં જવું હોય તેની ઇચ્છા કરવી જ જોઈએ ને ? પછી બધી ઇચ્છા છોડી દે તેમ મોક્ષની ય ઇચ્છા છોડી દેવાની. ઇચ્છા અંતરાય કરે.

પ્રશ્નકર્તા : કયા સ્ટેજે મોક્ષની ઇચ્છા છોડી દેવાની ?

દાદાશ્રી : ઇચ્છા છોડી દેવાની ય નથી. પણ એ સ્ટેજ આવે એટલે એની મેળે જ ઇચ્છા છૂટી જાય, એવો કુદરતનો નિયમ છે. મારે તો સૂવું પડે છે, ઊઠવું પડે છે, ખાવું પડે છે. તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વગર કરવું પડે છે. જરાય ઇચ્છા નહીં.

પ્રશ્નકર્તા : મુક્તિની ઇચ્છા કરવી એ ભીખ કહેવાય ?

દાદાશ્રી : એ ભીખ તો રાખવી જ પડશે ને ! એ ય ભીખ જ કહેવાય. અમને તો અત્યારે એ ભીખે ય નથી રહી ! મોક્ષે જવાની ઇચ્છા તમે ચોક્કસ કરો છો કે એવું જ ગપ્પું છે ?

પ્રશ્નકર્તા : ચોક્કસ જ હોય ને !

દાદાશ્રી : એમ ?! છૂટકારો થાય એવી તમારી ઇચ્છા ખરી ?

પ્રશ્નકર્તા : હા.

મોક્ષની ક્રિયા ?

પ્રશ્નકર્તા : મોક્ષ એટલે એની ક્રિયા કેવી થવી જોઈએ ?

દાદાશ્રી : ક્રિયા જોવાની નહીં. ક્રિયાને આમાં લેવા-દેવા નથી, મોક્ષ અંદરનો સ્વભાવ છે. એ બાહ્ય સ્વભાવ નથી. કારણ કે તમારૂં જે સ્વરૂપ છે એ તમારી ભ્રાંતિમાં છે.

મુક્તિ માટે ત્રણ વસ્તુ કાઢવાની કહી, કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન. એમાં અજ્ઞાન જાય તો મળ, વિક્ષેપ ખાલી કરવાના રહ્યા. પણ લોક અજ્ઞાન પહેલું કાઢતાં નથી, કારણ કે જ્ઞાની મળતા નથી. ને ત્યાં સુધી અજ્ઞાન નીકળે નહીં. અજ્ઞાન નીકળે નહીં ત્યાં સુધી મળ-વિક્ષેપ વીંટાયા જ કરે. એક બાજુ ખાલી થતું ય જાય અને એક બાજુ વીંટાયા કરે. અત્યારે તમે કર્યા કરો છો એ બધાં ઇફેક્ટ રૂપે છે. આ મન- વચન-કાયા ઇફેક્ટિવ છે અને એમાંથી કોઝીઝ ઉત્પન્ન થાય છે. પાછાં એ જ્યારે આ દેહ છૂટશે ત્યારે આ જ કોઝીઝ છે તે ઇફેક્ટિવ રૂપે થશે. એટલે કોઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝીઝ.... એવી રીતે પુનર્જન્મ ને બધી ઘટમાળ ચાલ્યા કરે છે. જ્ઞાની પુરૂષ કોઝીઝને બંધ કરી દે. એટલે પછી મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : આપે જે મોક્ષ કહ્યો છે, તે આ ચોર્યાસી લાખ યોનિમાં ફરી અવતાર ના થાય એને કહ્યો છે ?

દાદાશ્રી : એવું છે ને, જેને અહીં આગળ સર્વ દુઃખનો અભાવ રહ્યા કરે, દુઃખ અડે જ નહીં અને અહીં મુક્ત પુરૂષ તરીકે રહે. એનો મોક્ષ થઈ ગયો છે, એવું કહેવાય. તમારે મોક્ષ સિવાય બીજી કશી ઈચ્છા જ નથી ને ? બીજી ઇચ્છા હોય તો મને કહેજો. તો એ ય પૂરી કરી આપીએ.

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : નથી ? ત્યારે સારૂં.

સંસારમાં રહીને મોક્ષ !

પ્રશ્નકર્તા : અમારા જેવા સાંસારિક જીવને આપ જ એવો સહેલો રસ્તો બતાવો.

દાદાશ્રી : હા, એવો સહેલો રસ્તો બતાવીશું. એવો સહેલો રસ્તો બતાવવાનો છે. તેટલા માટે તો હું અહીં આવ્યો છું. તમારે સંસારમાં રહી અને મોક્ષે જવાનું સાધન જોઈતું હોય તો તે તમને કરી આપીશું. બીજું તો તમને શું કહું ?

એ ભાન, જ્ઞાન થાય ત્યારે...

વાત સમજે તો ઉકેલ આવે એવો છે. નહિ તો ઉકેલ આવે એવો નથી. બાકી છે જ છૂટો, પણ છૂટાપણાનું ભાન વર્તતું નથી એને.

'પોતે કોણ છે' એ જ્ઞાન નક્કી થઈ જાય તો એને મોક્ષગતિ મળે.

મોક્ષનો સરળ ઉપાય !

પ્રશ્નકર્તા : આત્માના મોક્ષ માટે સહેલો ઉપાય કયો ?

દાદાશ્રી : જે કોઈ મુક્ત થયેલા હોય ત્યાં આગળ જઈને આપણે કહીએ કે સાહેબ, મારી મુક્તિ કરી આપો ! એ જ છેલ્લામાં છેલ્લો ઉપાય, સારામાં સારો ઉપાય.

આ ઉપાય ગમ્યો કે બીજો ઉપાય જોઈએ છે ?

પ્રશ્નકર્તા : બીજો ઉપાય હોય તો કહો.

દાદાશ્રી : બીજામાં શું ફાયદો ? જો આત્મજ્ઞાની ના મળે તો આત્મજ્ઞાનીનાં પુસ્તકો વાંચવાં જોઈએ.

આત્મા એ સાયન્ટિફિક વસ્તુ છે. એ પુસ્તકોથી પ્રાપ્ત એવી વસ્તુ નથી. એ એનાં ગુણધર્મસહિત છે, ચેતન છે અને એ જ પરમાત્મા છે. એની ઓળખ થઈ ગઈ એટલે થઈ ગયું, કલ્યાણ થઈ ગયું અને તે જ તમે છો પાછાં !

સંસારમાં જ અનુભવ મોક્ષનો !

પ્રશ્નકર્તા : સંસારનાં વ્યવહારમાં રહેવા છતાં માણસને મોક્ષનો અનુભવ થાય ?

દાદાશ્રી : આંધળા માણસને એક થાંભલા જોડે કસીને ખૂબ આંટા મારીને દોરીથી બાંધી દીધો હોય, પછી એને આપણે અડયા વગર પાછળથી 'બ્લેડ' મારીને ધીમે રહીને એક આંટો તોડીએ તો પેલાને ખબર પડે કે ના પડે?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : આ ભાગમાંથી બંધન તૂટયું એવી ખબર પડી જાય. એવી રીતે મોક્ષનો અનુભવ થાય ! મોક્ષ એટલે મુક્તભાવ. બંધન ના લાગે. પોલીસવાળો પકડે તો ય બંધન ના લાગે.

'કરેક્ટનેસ' સમજવી, 'જ્ઞાની' પાસે !

પ્રશ્નકર્તા : કેટલાંક મતાવલંબીઓ એવું પણ કહે છે કે ત્યાં મોક્ષમાં શું કામ તમારે જવું છે ? ત્યાં તમને સ્વતંત્ર સુખ નથી એવો ટોણો મારે છે.

દાદાશ્રી : એ તો આ છેલ્લી ભૂમિકા ઉપર ધૂળ ઉડાડી રહ્યા છે. એ લોકો એમની દુકાન ચલાવવા માટે આ બધી ધૂળ ઉડાડી રહ્યા છે. મેં શોધખોળ કરેલી છે કે 'કરેક્ટનેસ' શું છે ! હું બધી શોધખોળ કરતાં કરતાં આવેલો છું ને બધી શોધખોળ કરીને લાવ્યો છું.

એટલે એવું બોલનારા જો કદિ અહીં આગળ આવે ને ત્યારે એ જ કહેશે, 'સાહેબ, મને મોક્ષ આપો !' કારણ કે આમનો મત ફેરવતાં વાર જ નહીં ને ! મત તો સૈદ્ધાંતિક હોવો જોઈએ !!

પ્રશ્નકર્તા : એ તો આપનો પ્રતાપ હોયને !

દાદાશ્રી : ના, એવું નહીં. પણ આમાં ખોટું હોય તો ના ચાલે. સાચું હોય ને, તે બધાંને કબૂલ કરવું જ પડે. સાચું હોય તે કોઈથી ય અટકાવાય નહીં. એનું ખોટું છે એટલે છોડી દેવું પડે ને !

છતાં જગત છે, એટલે એ લોકો જે કહેતા હોય, એ એનું 'ડેવલપમેન્ટ' એવું છે ને એટલે સુધી 'ડેવલપમેન્ટ' જો ના હોય ને તો આ ક્રિયાકાંડ ને એ બધું થાય નહીં ને બુદ્ધિ વધે નહીં. બુદ્ધિ વધ્યા પછી બળાપો વધતો જાય અને બળાપો વધ્યા પછી જ એને મોક્ષની જરૂર પડે છે.

માણસને જેટલી બુદ્ધિ વધે એટલો બળાપો એમને 'કાઉન્ટર વેઈટ'માં વધતો જ જાય. હા, તે વેદાંત ને એ બધું બુદ્ધિ વધારવાનું સાધન છે. તે બુદ્ધિને 'ડેવલપ' કર કર કર્યા કરે. અને બુદ્ધિ વધે એટલે પછી બળાપો ઉત્પન્ન થાય. ત્યારે કહે, 'હવે હું ક્યાં જાઉં ?' ત્યારે કહે, 'વીતરાગ પાસે જાવ !' પણ ભગવાને બેઉને 'એક્સેપ્ટ' કર્યા છે. વેદાંતમાર્ગથી અને જૈનમાર્ગથી, બન્ને માર્ગથી સમકિત થાય છે. બેઉ માર્ગે પોતાના સ્વતંત્ર માર્ગમાં રહીને સમકિત થાય એવું છે.

મોક્ષદાતા મળ્યે, મળે મોક્ષ !

પ્રશ્નકર્તા : મોક્ષ એ આશાની નિષ્પત્તિ છે, એવું કહી શકાય ?

દાદાશ્રી : ના, મોક્ષ તો પોતાનો સ્વભાવ જ છે.

પ્રશ્નકર્તા : તો પછી ઘણાં ખરાં લોકોએ વારંવાર મોક્ષની પ્રાપ્તિ માટેના જ કેમ રસ્તા બતાવ્યા ?

દાદાશ્રી : ખરી રીતે તો એવું છે ને, એ એમની ભાષાનો મોક્ષ બોલે છે. બાકી, મોક્ષની કોઈને પડી જ નથી. બધાને આ જ જોઈએ છે કે 'હમકુ ક્યા, હમ કૌન !' એવું જ જોઈએ છે. અને જો કોઈ સાચો પુરૂષ નીકળેને, તેને આ મોક્ષનો માર્ગ મળ્યા વગર રહે જ નહીં ! આ તો કંઈની કંઈ દાનત ચોર છે ને માન-તાનમાં ને 'હમ'માં પડ્યા છે, તેમાં કશું ય પામ્યા નથી. 'હમ' એટલે અહંકાર, તે આ અહંકાર ખલાસ થાયને તો ભગવાન થાય.

પ્રશ્નકર્તા : મોક્ષ માંગવાથી એ મળી જાય ?

દાદાશ્રી : માંગવાથી બધું જ મળી જાય પણ મોક્ષદાતા હોય તો. મોક્ષદાતા હોવાં જોઈએ, એ પોતે મોક્ષમાં રહેતા હોય તો, બાકી બહાર કોઈએ મોક્ષની વાત કરવી જ નહીં. ત્યાં ધર્મની વાત કરવી, એ તમને સારા ધર્મ ઉપર ચઢાવશે.

પ્રશ્નકર્તા : મોક્ષદાતા ક્યાંથી ખોળવા ?

દાદાશ્રી : 'આ' અહીં એકલાં જ છે. જ્યારે આવવું હોય ત્યારે આવજો. નહીં તો તમારા ભાઈબંધને મોક્ષ મળે પછી આવજો. એને સ્વાદ આવે એટલે એને પૂછીને આવજો.

સર્વાત્માનો મોક્ષ !! શું શક્ય ?!

પ્રશ્નકર્તા : બધા આત્મા પૂર્ણ કક્ષાએ ક્યારે પહોંચશે ?

દાદાશ્રી : બધાં આત્મા મોક્ષે જાય તો પછી અહીં સંસાર રહેશે નહીં. તો સંસાર નાશ કરવાની ઇચ્છા છે તમારે ? તમારી ઇચ્છા શું છે ?

પ્રશ્નકર્તા : આત્મામાં તો જ્ઞાન છે, તો ધીમે ધીમે એ કક્ષા તો આવેને કે એ મોક્ષે જઈ શકે ?

દાદાશ્રી : હા, કક્ષા આવે છે. એ કક્ષામાં આવે જ છે ને મોક્ષે જઈ જ રહ્યા છે, પણ તમે એમ કહો કે આખા જગતનાં બધાં આત્માઓ જો મોક્ષે જાય, તો આ સંસારનાં નાશની તમે ભાવના કરી કે આ સંસાર ના હો ! અને આ સંસાર એ વસ્તુ તો આત્માનું 'ડેવલપમેન્ટ' છે ! મૂળ આત્મા તો 'ડેવલપ' થયેલો જ છે, 'આત્મા' પોતે પૂર્ણ જ છે, પણ આ 'આપણી' અત્યારે એવી શ્રેણી ઉત્પન્ન થયેલી છે, તે પૌદ્ગલિક માન્યતામાં રૂઢ થઈ ગયેલાં છે. તે માન્યતાઓ ખસતી ખસતી ખસતી ખસતી મૂળ ચૈતન્ય સ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે પૂર્ણાહુતિ થાય છે.

પ્રશ્નકર્તા : એટલે કોઈ આત્મા મોક્ષે પહોંચી શકતો જ નથી ?

દાદાશ્રી : અરે, મોક્ષે તો બધા ઘણાં ય પહોંચી શકે છે ને ! હું અત્યારે ય મોક્ષમાં છું ને !

પ્રશ્નકર્તા : એવું બની ના શકે કે બધા જ આત્મા મોક્ષે જતા રહે ? 'પોસિબલ' ખરૂં ?

દાદાશ્રી : મા ને છોકરો બે સરખી ઉંમરનાં થશે કોઈ વખત ? છોકરો ને મા જો બે સરખી ઉંમરના થાય, તે દહાડે આ જગત આખું મોક્ષે જાય (!)

એવું છે 'આખું જગત મોક્ષે જાય' એવી ભાવના ભાવવાના અધિકારી છે. પણ એ રૂપકમાં ક્યારેય આવે નહીં.

એક માણસ મને કહે છે, 'આખા જગતને મોક્ષે લઈ જાવને !' મેં કહ્યું, ''તમને સમજ પાડું. આખા જગતના બધા જીવો 'વોરીયર્સ' બને તો કોની પર 'એટેક' કરે ? આખા જગતના બધા જીવો ડૉકટરો જ થાય તો કોની દવા કરે ? આખા જગતના બધા જીવો ગાંયજા થાય તો કોના વાળ કાપે ? અને બધા જ સુથાર થાય તો કોનું કામ કરે ?'' તો કહે, 'સમજી ગયો, સમજી ગયો, હવે ફરી વાર નહીં બોલું !'

કુદરતની ગોઠવણી છે, એટલે અમે એમ ના કહીએ કે બધાં વધારે ભેગાં થાવ. એ તો એની ગોઠવણી જ છે કે 'વ્યવસ્થિત' રીતે બધાં આવે. નહીં તો અમે કાગળ લખાવ લખાવ ના કરીએ ? પણ ના, એ હિસાબ બધાં ગોઠવાયેલા છે. એટલે અમારે એ ઉપાધિ કરવાની નહીં. આ તો અમે અહીં આવીએ ને જઈએ.

આપને સમજમાં આવ્યું આ ? આ સંસાર પોતે પ્રવાહ રૂપે છે અને તે અનાદિથી આ પ્રવાહ વહ્યા જ કરે છે. એમાં બધાં જીવોનો મોક્ષ તો થવાનો જ, વહેલો કે મોડો, એ એનો ક્રમ જ છે. ક્રમ એટલે એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષે જયા જ કરે છે, પ્રવાહરૂપે !

પ્રશ્નકર્તા : એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષે જાય છે એ ક્યાંથી છે ?

દાદાશ્રી : એ બધાં પંદરે ક્ષેત્રોમાંથી થઈને એકસો આઠ જીવો મોક્ષે જાય છે.

જેમ આપણે અહીં પોલીસવાળાની પાર્ટી જાય છે ને, તે ચારની જોડી એકની પાછળ એક એમ ચાલ્યા જ કરે, જેમ વહેણ જતું હોય એવી રીતે ચાલ્યા જ કરે છે, એવું આ એકસો આઠ જીવોનું વહેણ આ બાજુથી વ્યવહારમાંથી મોક્ષે જાય છે, સિદ્ધક્ષેત્રમાં જાય છે. ત્યારે બીજા એટલાં જ જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. એટલે વ્યવહારમાં એક જીવ વધઘટ થાય નહીં, એક જીવ વધતો નથી, ઘટતો નથી. વ્યવહારના જીવ કોને કહેવાય ? જેનું નામ પડ્યું છે એ બધા વ્યવહારના જીવ છે, જેનું નામ નથી આપ્યું એ વ્યવહારમાં નથી આવ્યો. અને જેનું નામ ગયું, એ સિદ્ધક્ષેત્રમાં ગયાં !!

મોક્ષપ્રાપ્તિ નિશ્ચિત, કાળ અનિશ્ચિત !

પ્રશ્નકર્તા : તો અમારે સમજવું શું કે દરેક આત્માને મોક્ષે જવાનો કાળ નક્કી હોય કે કોઈ આત્માનો નક્કી ના હોય ?

દાદાશ્રી : દરેક આત્મા મોક્ષે જવાનો છે એ વાત ચોક્કસ છે, પણ એનો મોક્ષે જવાનો કાળ નક્કી નથી હોતો. એ આ મનુષ્ય અવતારમાં શું કરે છે, એનાં ઉપર આધાર રાખે છે. મનુષ્ય અવતારમાં એ ગૂંચવાડો ઊભો કરે છે કે ગૂંચવાડો ઓછો કરે છે કે ગૂંચવાડો બંધ કરે છે, એના ઉપર આધાર રાખે છે.

મોક્ષ, સ્થાન કે સ્થિતિ ?

પ્રશ્નકર્તા : પણ મારે એ જાણવું હતું કે મોક્ષ એ જવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ છે કે મોક્ષ એ સ્થિતિ છે ?

દાદાશ્રી : મોક્ષ તો સ્વભાવ જ છે પોતાનો. તમારો સ્વભાવ જ મોક્ષ છે, પણ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે કંઇક ઉપાય કરવો પડે ને ? તમે છો મોક્ષ સ્વરૂપ, પણ અત્યારે તમે મોક્ષ સુખ ભોગવતા નથી. કારણ કે તેનું તમને ભાન નથી. મોક્ષ માટે તમારે કંઇ કોઇ જગ્યાએ જવાનું નથી. સર્વ દુઃખથી મુક્તિ એ પહેલો મોક્ષ અને પછી સંસારથી મુક્તિ એ બીજો મોક્ષ ! પહેલો મોક્ષ થાય એટલે બીજો મોક્ષ સામે આવે. પહેલી મુક્તિ 'કોઝીઝ' રૂપે છે ને બીજી 'ઇફેક્ટ' રૂપે છે. 'કોઝીઝ'થી મુક્તિ થયા પછી છોકરાં પૈણાવાય, બધું ય થાય, એમાં ય મુક્તભાવ હોય અને 'ઇફેક્ટ'(કાર્ય) મોક્ષ અત્યારે થાય તેમ નથી. 'કોઝીઝ' મોક્ષમાં હું પોતે રહું છું ને બધાં જ કાર્યો થાય છે.

જે દેહે મુક્તપણાનું ભાન થાય ત્યાર પછી એકાદ દેહ બાકી રહે.

અજ્ઞાનથી મુક્તિ એ જ મોક્ષ !

પ્રશ્નકર્તા : આત્માને મુક્ત શેનાથી થવાનું ?

દાદાશ્રી : પહેલાં અજ્ઞાનથી મુક્ત થવાનું, પછી અજ્ઞાનથી ઊભી થયેલી 'ઇફેક્ટસ'થી મુક્ત થવાનું.

આત્મા અબંધ, કઈ અપેક્ષાએ ?

પ્રશ્નકર્તા : આત્મા અબંધ કહે છે, તો મોક્ષ કોનો ?

દાદાશ્રી : આત્મા વિશે તો 'જ્ઞાની'ઓની ભાષા સમજી જાય તો ઉકેલ આવે. લોકોની ભાષામાં અબંધ જુદું છે ને 'જ્ઞાની'ઓની ભાષામાં એ જુદું છે. જો સર્વજ્ઞની ભાષામાં અબંધ સમજી જાય તો તે પદ પ્રાપ્ત થાય એવું છે. સર્વજ્ઞની ભાષામાં તો આત્મા અબંધ જ છે, નિરંતર મોક્ષ સ્વરૂપ જ છે. કયારે ય એ બંધાયો જ નથી. આ સર્વજ્ઞની ભાષા છે. 'જેમ છે તેમ' 'ફેક્ટ' છે. જો જરા પણ શંકા રહે કે પોતે હજી બંધાયેલો છે તો તેને તરત જ ચોંટે. પોતે નિર્બંધ જ છે, એ નિઃશંક છે.

આત્માને બંધન....

પ્રશ્નકર્તા : તો પછી આત્મા પોતે સ્વતંત્ર અને મુક્ત છે, સચ્ચિદાનંદ છે ?

દાદાશ્રી : સ્વતંત્ર નથી. એ પાછું તમને કોણે કહ્યું કે આત્મા સ્વતંત્ર છે ?

પ્રશ્નકર્તા : શાસ્ત્ર એમ કહે છે કે આત્મા સ્વતંત્ર છે.

દાદાશ્રી : ના, સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ સ્વતંત્ર નથી, તેથી તો આ વેષ થયો છે. સ્વતંત્ર હોય તો તો હમણે મુક્તિ જ થઈ જાય ને ! વાર જ શું લાગે ? આ તો એવો બંધાયેલો છે, તે જો સાંકળ લોઢાની આવી જાડી હોતને, તેનાથી બંધાયો હોતને તો આપણે 'ગેસ કટીંગ' કરીને કાપી નાખત. પણ આ તો એવો બંધાયેલો છે કે જે તૂટી જ ના શકે. એ સાંકળે ય કેવી જાતની ! કવિએ શું લખ્યું છે ? 'અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન.' અધાતુ સાંકળીએ એટલે આ પ્રકૃતિની સાંકળીએ એમાં બંધાયો છે.

'સ્વતંત્ર' શેમાં વાંચી લાવ્યા છો ? આવાં જે પુસ્તકો વાંચો છો એ 'સર્ટિફાઈડ' કરેલાં પુસ્તકો વાંચો છો કે બીજા 'અનસર્ટિફાઈડ' પુસ્તક વાંચો છો ?

પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રો તો એમ જ કહે છે કે આત્મા સ્વતંત્ર ને મુક્ત છે.

દાદાશ્રી : કોઈ કહેતું નથી. સ્વતંત્ર હોય તો મોક્ષ કરવાનો, મુક્તિનો માર્ગ જ ક્યાં રહ્યો પછી ? એ શાસ્ત્રને કહીએ, 'તમે શું કરવા પુસ્તક બન્યા ? તમારી શી જરૂર હતી અહીં આગળ ? આત્મા સ્વતંત્ર નથી, એટલે બંધનમાંથી છોડાવવા માટે તમે જન્મ્યા છો બધા !' જો સ્વતંત્ર હોય તો શાસ્ત્રની જરૂર હોય ખરી પછી ?!

જે એમ કહે કે 'આત્માને બંધન નથી', તેને 'મોક્ષ પણ નથી' એમ બોલી શકાય અને જે 'આત્માને બંધન છે' એમ કહે છે, તેને 'મોક્ષ પણ છે' એવું કહેવું પડે. આ વિરોધાભાસ જેવી વસ્તુ નથી. આપને સમજાયું ને ? જે આવું માને છે કે આત્માને બંધન નથી, તો પછી એને મોક્ષની જરૂર જ નથી. કારણ કે આત્મા મોક્ષમાં જ છે. પણ મોક્ષ સ્વરૂપ શું છે, એ સમજવું જોઈએ.

કેટલાંક તો એમ કહે છે કે, 'આત્માને બંધન જ નથી.' પણ જો આત્માને બંધન નથી, તો પછી મંદિરમાં કેમ જાવ છો ? શાસ્ત્રો કેમ વાંચો છો ? ચિંતા કોને થાય છે ? એ બધું પાછું વિરોધાભાસ થયું ને ? હવે ખરેખર 'આત્માને બંધન નથી' એ વાત તો સો ટકા સાચી છે. પણ કઈ અપેક્ષાએ બોલવાનું ? આ તો નિરપેક્ષ વાત છે. આત્માને જ્ઞાનભાવે બંધન નથી, અજ્ઞાનભાવે બંધન છે. તમને જ્ઞાનભાવ આવ્યો કે 'હું શુધ્ધાત્મા છું', તો 'તમને' બંધન નથી અને જ્યાં સુધી 'હું જ ચંદુભાઈ છું' એવો ભાવ છે ત્યાં સુધી બંધન જ છે !!

જે જે આપણને દુઃખદાયી લાગતું હોય તો એ બંધન જ કહેવાય. નહીં તો જગતના લોકોને તો બંધનનું ય ભાન નથી થયેલું કે 'હું બંધનમાં છું.'

કોઈ જીવને પોતાને બંધન ગમતું જ નથી. તમને બંધન ગમે છે ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : છતાં ય રહેવું શેમાં પડે છે ?

પ્રશ્નકર્તા : બંધનમાં.

દાદાશ્રી : આખો દહાડો બંધનમાં જ રહેવાનું. જીવ માત્ર બધાં બંધનમાં જ પડ્યા છે. અમારા જેવાં 'જ્ઞાની પુરૂષ' મુક્ત હોય, પણ તે કોઈક કાળે વર્લ્ડમાં એકાદ હોય. નહીં તો 'જ્ઞાની' જગતમાં હોય જ નહીં ને ! 'જ્ઞાની પુરૂષ' એ મુક્ત હોય, એટલે એ પોતે કોઈ ચીજથી બંધાયેલા ના હોય. એટલે એમને બોજો ના લાગે, ભય ના લાગે, કશું કોઈ ચીજ એમને સ્પર્શે નહીં. અને એવું 'પોતાને' થવાની જરૂર છે. પણ તે 'જ્ઞાની પુરૂષ' હોય તો જ એમની પાસે થઈ શકાય. 'જ્ઞાની પુરૂષ' તો હજારો વર્ષ સુધી નથી હોતા. કોઈક ફેરો 'જ્ઞાની પુરૂષ' હોય ત્યારે મુક્ત થઈ જવાય.

મોક્ષ પામવાનો ભાવ કોનો ?

પ્રશ્નકર્તા : મોક્ષ તો જીવનો કરવાનો છે ને ?

દાદાશ્રી : જે બંધાયેલો છે, તેનો મોક્ષ કરવાનો છે.

પ્રશ્નકર્તા : બંધાયેલો છે એ કોણ છે ?

દાદાશ્રી : ભોગવે છે તે ! બંધન અવસ્થા ભોગવે છે એ બંધાયેલો છે.

પ્રશ્નકર્તા : પર્ટિક્યુલરલી, એનું નામ શું ?

દાદાશ્રી : બંધન અવસ્થા કોણ ભોગવે છે ?

પ્રશ્નકર્તા : જીવ જ ભોગવે છે ને !

દાદાશ્રી : 'તમે' ભોગવતા નથી ?

પ્રશ્નકર્તા : 'તમે' એટલે કોણ ?

દાદાશ્રી : ત્યારે કોણ ભોગવે છે ? જીવ ? ને તમે જોયા કરો છો ? મોઢે તો બોલો છોને કે 'હું ભોગવું છું.'

પ્રશ્નકર્તા : હું એટલે કોણ ? એ સવાલ રહ્યો.

દાદાશ્રી : એ જ, અહંકાર !

પ્રશ્નકર્તા : અહંકાર એ જીવનું સ્વરૂપ જ છે ને ?

દાદાશ્રી : જીવને તો બાજુએ મૂકો. જીવને શું લેવા-દેવા ? જીવ તો વસ્તુ નથી ને ! જીવાત્મા એ તો આત્માનું વિશેષણ છે કે ભઈ, આવો અહંકાર હોય ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ખલાસ થયો એટલે આત્મા છૂટો ! પણ અહંકાર ઓછો થઈ જાય અને પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે અંતરાત્મા થયો અને અંતરાત્મા થઈને પછી પરમાત્મા થાય.

પ્રશ્નકર્તા : તો મોક્ષ પામવાનો ભાવ, એ કોનો ભાવ કહેવાય ?

દાદાશ્રી : મોક્ષ પામવાનો ભાવ એ બંધાયેલાનો છે. જે બંધાયેલો હોય તેને છૂટ્ટા થવાની ઇચ્છા છે. એટલે એ અહંકારનો ભાવ છે. આત્માને તેવો ભાવ નથી. આત્મા તો છૂટ્ટો જ છે ને !

પ્રશ્નકર્તા : આત્મા ભોક્તા નથી, તો એ શેનાથી છૂટવા માંગે છે ?

દાદાશ્રી : એનો છૂટવાનો ભાવ નથી. એ છૂટો જ છે. આ જે બંધાયેલો છે એને છૂટવું છે. બંધાયેલો છે એ ભોક્તા છે ને એ કર્તા ય છે. જે કર્તા છે, એ ભોક્તા છે; એ છૂટવા માગે છે !

એવું છે, આ બંધનને ય અહંકારે ઊભું કર્યું છે અને આ મુક્તિ ય અહંકાર ખોળે છે. કારણ કે અહંકારને હવે પોષાતું નથી. આ તો 'એ' જાણે કે આમાં કંઈક સ્વાદ નીકળશે, પણ કશો સ્વાદ નીકળ્યો નહીં એટલે પાછો મુક્તિ ખોળે. બાકી આત્મા મુક્ત જ છે, સ્વભાવે જ મુક્ત છે ! 'આત્મા સ્વભાવથી જ મુક્ત છે', એટલું જ જો 'એને' સમજાઈ જાય કે બસ, કામ થઈ ગયું !

પ્રશ્નકર્તા : એટલે આત્મા દેહમાં હોય તો પણ મોક્ષમાં છે એવું કહી શકાય ખરૂં ?

દાદાશ્રી : હા, એ મુક્ત જ હોય છે. પણ આ 'જ્ઞાન' આપીએ છીએ ને, તેથી 'એને' પોતાને મુક્તપણાનું ભાન થાય છે. બાકી આત્મા પોતે મહીં મુક્ત જ છે, એને કશું દુઃખ જ નથી. પણ આ તો દુઃખ કોને છે ? અહંકારને ! એ ગયો એટલે દુઃખ ગયું. અહંકારે જ આ બધું ઊભું કર્યું છે, ભગવાનથી જુદો થઈ ગયો છે, ભેદ પાડ્યો છે. એ અહંકાર ગયો એટલે પછી દુઃખ ના હોય.

પ્રશ્નકર્તા : તો પછી આત્માનું સ્થાન ક્યાં હોય ?

દાદાશ્રી : આત્મા પોતે જ મોક્ષસ્વરૂપ છે. એનું સ્થાન જ બીજે નથી. એનો પોતાનો સ્વભાવ જ મોક્ષ છે. આ તો વિભાવ દશાને લઈને આ ઊભું થયું છે.

પ્રશ્નકર્તા : મોક્ષ થાય એટલે આત્માનું શું થતું હશે ?

દાદાશ્રી : કશુંય નહીં. મોક્ષ થાય એટલે આત્મા સ્વભાવમાં આવી જાય. આ સોનું હોય, તેમાં બહુ પ્રકારનું ભેળસેળ થઈ ગયું હોય, એને છાસિયું સોનું કહે છે. હવે કોઈ કહેશે, 'આ છાસિયામાંથી આની મુક્તિ ક્યારે થશે ?' એટલે પેલા ચોક્સીને ત્યાં આપીએ, તો એ એને છૂટું કરીને શુધ્ધ કરી આપે. એ શુધ્ધ થઈ ગયો એટલે એનો મોક્ષ થઈ ગયો. એવું આત્મા પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયો, એનું નામ મોક્ષ. અત્યારે આ વિશેષ ભાવ છે.

મોક્ષ એટલે પોતે પોતાના ગુણધર્મમાં આવી જવું, પોતાના સ્વભાવમાં આવી જવું. અને સ્વ-સ્વરૂપમાં રહીને નિરંતર સનાતન સુખમાં રહેવું, એનું નામ જ મોક્ષ !

જેમ આ સોનાનો સ્વભાવ હોય છે તે લાખ વર્ષ રાખી મૂકીએ તો એના સ્વભાવમાં ફેર ના થાય. અને સોનું ને તાંબું બે ભેગું થયું હોય, મીક્ષ્ચર થયું હોય ત્યારે ફેરફાર થઈ જાય.

પ્રશ્નકર્તા : મોક્ષ પામ્યા એટલે શું આત્માનું કાર્ય અહીં પૂરૂં થયું ?

દાદાશ્રી : આત્માનું કાર્ય તો પૂરૂં જ થયેલું છે. જે બંધાયો હતો ને, તે મુક્ત થયો. જેને દુઃખ પડતું હતું, તે બંધાયો હતો, એનું દુઃખ ગયું, એ પોતે મુક્ત થઈ ગયો.

જે અહંકાર જુદો પડ્યો હતો ને આત્માથી, તે અહંકાર પોતાના સ્વરૂપમાં વિલય થઈ ગયો. એટલે કામ થઈ ગયું. જુદો પડ્યો હતો તેથી દુઃખ ભોગવતો હતો. અણસમજણથી જુદાઈ કરી હતી, ભેદ થયો હતો. આ લોકોએ નામ આપ્યું કે ભઈ ચંદુ, તો એ નામમાં 'પોતે' તન્મયાકાર થઈ ગયો. એટલે 'એનું' કામ ખલાસ થઈ ગયું. 'આત્મા' તો અવિનાશી છે. એનું કામ તો થયેલું જ છે. પણ એ અહીંથી છૂટો ક્યારે થાય ? કે આ ભેદબુદ્ધિ તૂટી જાય એટલે છૂટો થઈ જાય.

પ્રશ્નકર્તા : છૂટો થયા પછી એ શું કરે ?

દાદાશ્રી : પછી સિદ્ધગતિ થઈ ગઈ. ત્યાં નિરંતર પરમાનંદ રહેવાનો. આ દેહ હોય ત્યાં સુધી બોજો રહ્યા કરે. એ દેહનો ય બોજો છે. જે દેહથી સુખ ભોગવવાનું નથી, તે દેહ જ્ઞાનીઓને બોજરૂપ હોય છે. પણ છૂટકો જ નહીં ને ! એની 'ડિસ્ચાર્જ લિમિટ' હોય ત્યાં સુધી છૂટકારો જ ના થાય ને !

આત્મા શુધ્ધ જ છે, મોક્ષસ્વરૂપ જ છે ! ક્યારે ય અશુધ્ધ થયો નથી કે બંધાયો નથી !!

મહેનત ના હોય સ્વભાવમાં !

આત્મા સ્વભાવ ભાવમાં આવે ત્યારે મુક્તભાવ થાય. ત્યારે એને મોક્ષ કહે છે. અત્યારે આ વિશેષભાવમાં છે. વિશેષ ભાવ એટલે પોતાના ભાવ છે, તેના ઉપરનો વિશેષભાવ, સાંસારિક ભાવો ઉત્પન્ન થયા છે.

દરેક વસ્તુને પોતાના સ્વભાવમાં જવા માટે મહેનત નથી હોતી. બધાંને વિરુદ્ધ ભાવમાં લઈ જઈએ, વિશેષભાવમાં લઈ જઈએ ત્યારે મહેનત થાય એ તમને સમજાય છે ?

મોક્ષમાર્ગ અઘરો ના હોય, સંસાર માર્ગ અઘરો હોય. એક મોટી ટાંકી ભરીને પાણી ઉકાળવું હોય તો તેમાં કેટલી કેટલી વસ્તુઓની જરૂર પડે? એને ઉકાળતાં કેટલી બધી મહેનત લાગે ? અને એને પછી ઠંડું કરવું હોય તો શું કરવું ? હવે ત્યાં વિકલ્પ કરે કે, 'કેમ કરીને ઠંડું થશે', તો ? આપણે જ્ઞાની હોઇએ એટલે પેલાને કહીએ કે, 'દેવતા હોલવીને નિરાંતે સૂઇ જા.' પેલો વિચાર કરે કે પાણીને ગરમ કરતાં આટલી બધી વાર લાગી તે જલ્દી ઠંડું શી રીતે થશે ? પણ પાણીનો સ્વભાવ જ ઠંડો છે, એટલે એની મેળે ઠંડું થઇ જશે.

પ્રશ્નકર્તા : નેચરલ સ્ટેજમાં આવવાનું કશું કરવું ના પડે.

દાદાશ્રી : હા, એવું અમે કહીએ છીએ. એવી રીતે આત્મા સ્વાભાવિક મોક્ષ સ્વરૂપ છે. પાણીને ગરમ કરવું એટલે એને સંસાર સ્વભાવમાં લાવવું. 'પોતે' પોતાના સ્વભાવમાં આવવું, એનું નામ મોક્ષ ને વિભાવમાં જવું, એનું નામ સંસાર. આ ભેદજ્ઞાન કરાવવા 'જ્ઞાની' મળવા જોઇએ તો જ કામ થાય, નહીં તો કરોડ અવતારે ય ઠેકાણું પડે તેમ નથી. એટલે જ્ઞાની પુરૂષ એવો રસ્તો કરી આપે, કૃપા ઉતારી આપે કે પછી કશું મહેનત નહીં કરવાની. એમ ને એમ કામ થઈ જાય, પ્રેક્ટિસ કરવાથી તો આ સંસાર ઊભો થાય. જ્ઞાનીની આજ્ઞામાં રહેવાથી મોક્ષ થાય, એમાં કોઈ જાતની મહેનત નથી. મહેનતથી તો આ સંસાર ઊભો થાય. એ તપ કર્યા હતા, જપ કયા હતા, તેનું તો બધું સંસારફળ મળ્યું, જેમ સો વીઘા ખેતીવાડી કરી તો એનું ફળ મળે ને ? તેમ મહેનતનું ફળ સંસાર મળે અને સમજણનું ફળ મોક્ષ મળે !

મોક્ષનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : મોક્ષ પામ્યા પછી ફરી કોઇ દિવસ જન્મ ના લે ?

દાદાશ્રી : આ બખેડામાં કોણ પેસે ? આ તો મહા ત્રાસદાયી વસ્તુ છે. આ સંસારમાં તો કેટલી બધી પરવશતા છે ? દારૂ પીને પોતાની જાતને સુખી માનવું એના જેવું છે. આ સંસાર તો ભૂત વળગ્યા જેવું છે. આ મન-વચન- કાયાનાં ત્રણ ભૂતો વળગ્યાં છે ! એ તો દાઢ દુઃખે ત્યારે ખબર પડે. રાજાને ય દાઢ દુઃખે ત્યારે રાજ વહાલું લાગે કે રાણી વહાલી લાગે?

પ્રશ્નકર્તા : કોઇ વહાલું ના લાગે.

દાદાશ્રી : આ તો ભયંકર આફત છે ! અને મોક્ષમાં તો સ્વાભાવિક સુખ છે.

દ્વન્દ્વોએ દીધાં બંધન !

પ્રશ્નકર્તા : આત્મા મોક્ષે જાય પછી એ દેહ ધારણ કરતો નથી, પણ દરેક આત્મા મોક્ષમાં જ છે ને ?

દાદાશ્રી : ના, એવું નથી. અનંત આત્મા આ રીતે સંજોગોમાં સપડાયા છે. એ મોક્ષે જવા, પોતાના સ્વભાવમાં આવવા પ્રયત્ન કરે છે. પણ આ જે અનાત્મા છે, એ એને સ્વભાવમાં આવવા દેતું નથી. અને અનાત્મા ય પહેલેથી આનું આ જ છે ! એટલે આ બધા આત્મા એ કંઈ મોક્ષમાં આવ્યા નથી.

પ્રશ્નકર્તા : એટલે આત્માએ હજુ મોક્ષ જોયો જ નથી ?

દાદાશ્રી : જોયો જ નથી. બાકી પોતાનો સ્વભાવ જ મોક્ષ છે. પણ આ સંયોગો કેવા છે ? દ્વન્દ્વ સ્વરૂપે છે ! આ જે જડ વિભાગ છે, અનાત્મ વિભાગ છે, એ દ્વન્દ્વ સ્વરૂપે છે. દ્વન્દ્વ એટલે નફો-ખોટ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, તે એ બધાં દ્વન્દ્વોનો સ્વભાવ પોતે પોતાનામાં આરોપી દે છે, એટલે એને બંધન રહ્યા કરે છે. આ સંજોગોનું દબાણ ઘટે તો પછી 'જ્ઞાની પુરૂષ' મળી આવે, નિમિત્તો મળી આવે ત્યારે મોક્ષ થાય. નહીં તો મોક્ષ એમ ને એમ થાય નહીં. છતાં બધા આત્મા મોક્ષ ભણી જ વહી રહ્યા છે. પણ પછી જેવું જેવું નિમિત્ત મળે, એવું એ ચક્કર મારે છે પાછો. અહીં મનુષ્યોમાં જ ચક્કર મારવાનાં પાછાં. અગર તો જ્યાં ચક્કર મારે ત્યાં ખરો. એને એવું અવળું નિમિત્ત મળ્યું હોય તો નર્કગતિમાં ય લઈ જાય કે પશુયોનિમાં ય લઈ જાય !

ભળવાનું મહીં જ !

પ્રશ્નકર્તા : હવે મોક્ષમાં જઈએ એટલે આપણે ત્યાં ભળી જઈએ એટલે પાછું આવવાનું પણ રહે નહીં ને ?

દાદાશ્રી : શેમાં ભળી જઈએ ?

પ્રશ્નકર્તા : મૂળ સ્વરૂપમાં.

દાદાશ્રી : મૂળ સ્વરૂપ તો આપણું મહીં જ પડ્યું છે. તેની મહીં જ ભળી જવાનું છે.

અત્યારે આ ચંદુલાલનું નામ તમે લઈને ફરો છો ને કે 'હું ચંદુલાલ છું, આ ફલાણા ગામનો છું.' ત્યારે મહીંવાળા ભગવાન શું કહે છે કે, 'તું ચંદુલાલ છે તો મારે શું વાંધો ? ત્યારે આ બધું ના ગમે તો મારી પાસે આવતો રહેજે અને તને આ બધું ગમે છે તો ત્યાં સુધી વેપાર ખેડ્યા કરને તારી મેળે !' ત્યારે કહે, 'ભગવાન તમારી પાસે આવવાનો રસ્તો શો ?' ત્યારે કહે છે, 'તને આર્તતા થાય, દુઃખ થાય તો તું બૂમ પાડજે કે હે ભગવાન ! મને છોડાવો !' જો મને ભેગા થવા માટે બૂમ પાડે છે તો તે હું સમજી જઈશ. અગર તો કોઈ સંસારી વસ્તુ જોઈએ છે, એટલા માટે બૂમ પાડે છે, તો તે ય હું સમજી જઈશ. તારી આર્તતા હું સમજી જઈશ. અને એ પ્રમાણે તને સંજોગ ભેગો કરી આપીશ. આપને સમજાયું ને !

ભગવાન શું કહે છે ? તને આર્ત પરિણામ થાય ત્યારે બૂમ પાડજે. 'હે ભગવાન, મને રસ્તો બતાવજો!' આ આર્ત પરિણામ થાય એ ભગવાન જોઈ લે છે કે સંસારને માટે છે કે મોક્ષને માટે છે, જો મોક્ષને માટે હોય તો એને એવા સંજોગ મેળવી આપે ! અને સંસાર માટે હોય તો એનો આ તો ધંધો જ છે.

એટલે ભગવાનને મળવાની તમન્ના જાગે ત્યારે તો વાર જ નથી ! ભગવાન તો મહીં જ બેઠા છે. બહાર કંઈ ખોળવાના નથી. નથી કાશીમાં કે નથી મથુરામાં, નથી કોઈ જગ્યાએ !

તેજ ભળે તેજમાં, તો પોતાનું શું રહ્યું ?

પ્રશ્નકર્તા : પણ 'અહમ્ બ્રહ્માસ્મિ' કહેવાવાળાઓ તેજમાં ભળી જવાની વાત કરે છે કે મોક્ષ એટલે તેજમાં ભળી જવું, તો મોક્ષ અને તેજમાં ભળી જવું, એ બંને એક જ ગણાય કે કેમ ?

દાદાશ્રી : એ લોકો જેને મોક્ષ કહે છે કે મોક્ષ એટલે તેજમાં ભળી જવું, એ મોક્ષ વાજબી નથી. વીતરાગોએ કહ્યો છેને મોક્ષ, કે ત્યાં સિદ્ધગતિમાં પણ પોતાનો અલાયદો અનુભવ છે, એ 'કરેક્ટ' વસ્તુ છે ! આપણને અલાયદો અનુભવ ના હોય અને ત્યાં મોક્ષમાં ભેગું થઈ જવાનું હોય તો તો એ મોક્ષે જવાનો અર્થ જ નથી, 'મીનિંગલેસ' વાત છે. એટલે આ વિચાર્યા વગરની વાતો છે બધી !

આત્મા એક કે અનેક ?

પ્રશ્નકર્તા : બ્રહ્મસ્વરૂપ એક છે કે અનેક ભાસે છે ?

દાદાશ્રી : એક અને અનેક બેઉ છે. અમુક અપેક્ષાએ એક છે અને અમુક અપેક્ષાએ અનેક છે. એ તો બ્રહ્મસ્વરૂપની વાત છે. બ્રહ્મસ્વરૂપને તમે શુધ્ધાત્મા સાથે સરખાવો છો ? આત્મા ખરી રીતે પ્રત્યેક છે. એટલે જે આત્મા ત્યાં મોક્ષે ગયા તેમને મોક્ષનું સુખ વર્તે અને જે બંધાયેલા છે તેમને બંધનનું દુઃખ વર્તે. આત્મા જો એક હોત ને તો ત્યાંવાળાને મોક્ષનું અને અહીંનાને ય મોક્ષનું સુખ વર્તે ! એટલે આત્મા પ્રત્યેક છે, જુદા જુદા છે ને ત્યાં ય પણ જુદા જુદા છે. ત્યાં એક જ થતું હોત ને તો ત્યાં જઈને આપણને શું ફાયદો ? આપણી મિલકત બધી એમને આપી દેવાની ? ત્યાં સિદ્ધગતિમાં જઈને તો પોતાના સ્વયં સુખમાં રહેવાનું. ત્યાં જઈને એક થઈ જવાનું હોય, એના કરતાં અહીં શું ખોટું ? બૈરી ભજિયાં-બજિયાં કરીને ખવડાવે તો ખરી ! બહુ ત્યારે બૈરી ટૈડકાવે એટલું જ ને ? બીજું અહીં શું દુઃખ છે ?

સનાતન સુખમાં રાચવું, એ જ મોક્ષ !

પ્રશ્નકર્તા : તો તમારી ગણતરીમાં મોક્ષ કઈ જાતનો ગણાય ?

દાદાશ્રી : મોક્ષ એટલે 'નો બોસ', 'નો અંડરહેન્ડ' અને 'પરમેનન્ટ' પોતાના સ્વાભાવિક સુખમાં જ રહે. અને તે સ્વતંત્ર, પોતપોતાની રીતે સુખ ભોગવે. દરેક સિદ્ધ પોતપોતાની સ્થિતિમાં હોય !

પ્રશ્નકર્તા : તો ત્યાં આટલા બધાં સિદ્ધાત્માઓ જુદી જુદી રીતે વર્તે ?

દાદાશ્રી : જુદી જુદી રીતે નહીં. બધા એક જ સ્વભાવના છે, ને તે એક જ રીતે છે. એમને જ્ઞાન-દર્શન ને સુખ હોય છે, ચારિત્ર એમને નથી. અહીં તીર્થંકર ભગવાન હોય, તો એ જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે છે ને દેહ સાથે છે. ત્યાં સિદ્ધોને ચારિત્ર નથી કહેવાતું. ત્યાં આગળ તો પોતાનાં સ્વાભાવિક સુખમાં જ નિરંતર હોય !

એટલે ત્યાં એકાકાર થઈ જવાનું નથી. ત્યાં તમારૂં સુખ તમે સ્વતંત્ર રીતે જ ભોગવી શકો છો. સિદ્ધગતિમાં બધા સિદ્ધો સ્વતંત્ર રીતે જ છે. અને પોતાના સુખને જ અનુભવે છે ! નિરંતર પરમાનંદને અનુભવે છે !! એમનું એક મિનિટનું સુખ એ જો દુનિયા પર પડે, વખતે લપસી પડે, તો આખી દુનિયા હજારો વર્ષ સુધી આનંદમાં રહે, એવાં સુખને ભોગવી રહ્યા છે. અને એવાં સુખને માટે આ લોકો તલપાપડ થઇ રહ્યાં છે, ને તમારૂં પોતાનું સુખ પણ એવું જ છે. મને આ દેહનો અંતરાય હોવા છતાં ય પણ જે સુખ છે, એના ઉપરથી સમજાય છે કે આ દેહના અંતરાય ના હોય તો કેવું સુખ હોય ! અમારી જોડે બેઠાં છો, તો ય તમને બધાંને સુખ અત્યારે મળે છે ને ! તેમાં અમારૂં સુખ તો ઉભરાય છે ને તે તમને સ્વાદ આપે છે !

પ્રશ્નકર્તા : દેહ વગરના સુખનો અનુભવ કેવી રીતે થાય ?

દાદાશ્રી : દેહ વગરના સુખના અનુભવનું પોતે ચિંતવન કરે તો એ પણ, દેહ તો છે જ જોડે, એટલે એ સુખ પેલા જેવું ના થાય. એ તો આના ઉપરથી આપણે હિસાબ કાઢવાનો કે અહીં જો કદી આટલું બધું સુખ છે તો ત્યાં કેવું સુખ હશે ?!

એ છે નિરાલંબ સ્થિતિ !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પછી એને જન્મ- મરણ ના હોય...

દાદાશ્રી : ના હોય. જન્મ-મરણ તો મહા દુઃખદાયી છે. મુક્તિમાં ગયો એને જન્મ-મરણ શા ?

પ્રશ્નકર્તા : તો પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકે ?

દાદાશ્રી : હા, રહે જ. એ સ્વતંત્ર અને નિરાલંબ રહે પછી અવલંબન કોઈ જાતનું એને જરૂર જ નહીં અને ત્યાં બિલકુલ સ્વતંત્ર છે, ત્યાં ભગવાને ય ઉપરી નહીં. એ પોતે જ ભગવાન થઈ ગયો, ત્યાં ઉપરી જ કોણ રહ્યું ?

પ્રશ્નકર્તા : આત્માનો મોક્ષ કહે છે, તે મોક્ષ કોઇ ભૌગોલિક સ્થાન છે ?

દાદાશ્રી : એ ભૌગોલિક સ્થાન છે એ બરાબર છે, પણ ખરેખર તમે પોતે જ મોક્ષ સ્વરૂપ છો !

મોક્ષ અને પરમાનંદ !

પ્રશ્નકર્તા : પરમાનંદ અને મોક્ષમાં કંઈ ફેર ખરો ?

દાદાશ્રી : મોક્ષમાં અને પરમાનંદમાં ફેર નથી. પરમાનંદ ઉત્પન્ન થયો એ માણસ એકાદ અવતારમાં મોક્ષનો જ અધિકારી થયો. એટલે પછી આ દેહથી મુક્તિ મળી જાય. ફરી નવો દેહ ઉત્પન્ન થાય નહીં.

પ્રશ્નકર્તા : પરમાનંદ સ્વરૂપ એ મોક્ષ નહીં ?

દાદાશ્રી : એ મોક્ષ જ કહેવાય પણ અહીં પરમાનંદ શરૂ થયો ત્યારથી એ જીવનમુક્ત કહેવાય. એ મોક્ષ જ કહેવાય. એ મોટામાં મોટો મોક્ષ કહેવાય. અમે અત્યારે મોક્ષમાં જ હોઈએ, કાયમને માટે મોક્ષમાં જ હોઈએ. અઠ્ઠાવીસ વર્ષથી અમે નિરંતર મોક્ષમાં જ છીએ. 'જ્ઞાન' થયા પહેલાં અમે મોક્ષમાં નહોતા. જ્ઞાન પહેલાં તો પાર વગરની ચિંતા-ઉપાધિઓ, ને મહીં અહંકાર ને ગાંડપણ બધું હતું. અહંકાર એ ગાંડપણ કહેવાય.

વીતરાગત્વ, સમત્વ ને મોક્ષ !

પ્રશ્નકર્તા : વીતરાગપદ અને મોક્ષપદ એક જ ?

દાદાશ્રી : વીતરાગપદથી મોક્ષપદ પ્રાપ્ત થાય. વીતરાગપદથી આગળના પગથિયે જાય કે મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : તો વેદાંત શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, 'સદામે, સમત્વ, ન મુક્તિ, ન બંધ, ચિદાનંદ સ્વરૂપો.' અહીં બંધન ને મુક્તિ ના હોય એવી સમત્વની પરિસ્થિતિ કોને કહેવાય ?

દાદાશ્રી : વીતરાગ પદ છે એ જ સમત્વની પરિસ્થિતિ કહેવાય. એ મુક્તિ યે નથી, ને બંધને ય નથી. લોક સમજે છે કે આ આપણા જેવા જ છે. સમત્વપદ એટલે દ્વન્દ્વાતીત. સુખ-દુઃખ, નફો-ખોટ, એનો ભેદ નહીં. આપને સમજાયું ને ? સમત્વ એટલે જ વીતરાગતા. વીતરાગતા એટલે સંપૂર્ણ મુક્તિ થઈ નથી ને બંધન છે નહીં !

પ્રશ્નકર્તા : એવી સ્થિતિ આ જન્મમાં સંભવ છે ?

દાદાશ્રી : આ મનુષ્ય જન્મમાં જ સંભવ છે, બીજા જન્મમાં સંભવ નથી.

પ્રશ્નકર્તા : એવા આત્માની મુક્તિ બાદની પરિસ્થિતિ કઈ ?

દાદાશ્રી : એ આત્માની પરિસ્થિતિ તો, સિદ્ધ સ્થિતિમાં કાયમને માટે, સિદ્ધશિલા ઉપર રહેવાનું.

મોક્ષ પછી આત્માની સ્થિતિ !

પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય ?

દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણે ! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે, તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઇ જાય.

સિદ્ધગતિ, સ્થિતિ કેવી !

પ્રશ્નકર્તા : મોક્ષ મળ્યા પછી આપણી સ્થિતિ શું રહેતી હશે ?

દાદાશ્રી : પરમાત્મ સ્વરૂપ.

પ્રશ્નકર્તા : પછી એને કંઇ કાર્ય કરવાનું ખરૂં ?

દાદાશ્રી : કંઇ કાર્ય હોય જ નહીં ત્યાં આગળ. અત્યારે ય તમારો આત્મા કંઇ જ કાર્ય કરતો નથી. આ જે કાર્ય કરે છે તે અજ્ઞાનભાવ છે, 'મિકેનિકલ' ભાવ છે. આત્મા ક્રિયાકારી છે જ નહીં, પોતે જ્ઞાયક સ્વભાવનો છે. ત્યાં સિદ્ધ ગતિમાં ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ હોય.

પ્રશ્નકર્તા : સર્વ જીવ શુધ્ધાત્મા હોય તો આ વિશ્વ સંચાલનમાં વિક્ષેપ ના પડે ?

દાદાશ્રી : સર્વ શુધ્ધાત્મા હોય તો સંચાલન થાય જ નહીં. આમાંથી સિદ્ધ થવાનું છે. આ મનુષ્યોમાંથી ધીમે ધીમે સિદ્ધ થવાનું છે. તેમાં કો'ક, આખી દુનિયામાં એકાદ-બે સિદ્ધ થાય. વળી પાછા થોડા વખત પછી એકાદ-બે સિદ્ધ થાય. એટલે સિદ્ધ થવું એ એવું સહેલું હોતું નથી. સિદ્ધ થઈ શકે એમ છે. માણસ પરમાત્મા થઈ શકે છે ! પણ 'પોતાનું' જ્ઞાન થવાથી, આત્માને વ્યક્ત કરવાથી એ થઈ શકે છે ! આત્મા જ પરમાત્મા થઈ શકે છે !

પ્રશ્નકર્તા : સિદ્ધ ભગવાનનું પણ જગત ખરૂં ને ?

દાદાશ્રી : એમનું સિદ્ધક્ષેત્ર છે. એ અહીં કોઈ દહાડો ય હોય નહીં.

પ્રશ્નકર્તા : એ સિદ્ધો દેહધારી ના હોય ?

દાદાશ્રી : એ દેહધારી ના હોય. એ તો પરમાત્મા કહેવાય અને 'આ' સિદ્ધો તો માણસો કહેવાય. તમે તેમને ગાળ ભાંડો તો એ ફરી વળે, નહીં તો તમને શાપ આપે.

પ્રશ્નકર્તા : સિદ્ધની જે વાત છે, એ તો પ્રકાશ અથવા તેજ સ્વરૂપે છે ને ?

દાદાશ્રી : હા. તેજ સ્વરૂપે હોય. એમને એક જ શબ્દ, કેવળ હોય. એમનું સ્વરૂપ તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન, અનંત સુખ ને પરમ જ્યોતિ સ્વરૂપ હોય, સ્વ-પર પ્રકાશક હોય. તે પોતાને પ્રકાશ કરે ને આખા બ્રહ્માંડને પ્રકાશે.

સિદ્ધની, નહીં પ્રવૃત્તિ છતાં 'ક્રિયા'....!

પ્રશ્નકર્તા : સિદ્ધ જે થયા છે, એમને કાર્ય કરવા માટે અહીંયા ઇશ્વર મોકલે છે ?

દાદાશ્રી : કોઈ મોકલે નહીં. મોકલનારો કોઈ છે જ નહીં. અહીં આગળ મોકલનારી કોઈ વસ્તુની જરૂર જ નથી. કોઈની જરૂર ના પડે એવું આ જગત છે. તમારો ઉપરી જ કોઈ નથી. આ દુનિયામાં કોઈ જીવનો કોઈ ઉપરી જ નથી. પોતાની ભૂલ ને 'બ્લંડર્સ' જ ઉપરી છે.

પ્રશ્નકર્તા : તો સિદ્ધક્ષેત્રમાં એ સિદ્ધ ભગવંતોની પ્રવૃત્તિ શું ?

દાદાશ્રી : જેને પ્રવૃત્તિ હોય એ 'મિકેનિકલ' કહેવાય. ત્યાં એ મિકેનિકલ નથી.

પ્રશ્નકર્તા : ના, પણ મોક્ષમાં જાય પછી ત્યાં પ્રવૃત્તિ છે કે નિવૃત્તિ ?

દાદાશ્રી : ત્યાં નિવૃત્તિ ય ના હોય, પ્રવૃત્તિ ય ના હોય. છતાં પાછું 'જ્ઞાન-ક્રિયા' અને 'દર્શન-ક્રિયા' ખરી. નિવૃત્તિ ય ખરી ને આ ક્રિયા ય ખરી. પ્રવૃત્તિમાં કહેવાય નહીં છતાં ક્રિયા ખરી !!!

સિદ્ધગતિમાં સુખનો સ્વાનુભવ !

પ્રશ્નકર્તા : જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ?

દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછાં. એમને કાર્ય શું છે ? કે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા, નિરંતર ચાલુ જ રહે છે !

પ્રશ્નકર્તા : પછી એને શું જરૂર છે ત્યાં, આ જ્ઞાનક્રિયા, દર્શનક્રિયાની ?!

દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો ! આ લાઇટ છે, એ નિરંતર આપણને જોયા કરતું હશે ને ? આ લાઇટ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા કરે છે.

પ્રશ્નકર્તા : સિદ્ધાત્મા ત્યાં બીજું શું શું કરે ?

દાદાશ્રી : કશું જ નહીં, કરવાનો સ્વભાવ જ નથી. પોતાના પરમાત્મપદમાં જ રહે. સિદ્ધક્ષેત્રમાં બેઠેલાઓને જ્ઞાન એક જ પ્રકારનું દેખાય. આ હાથ હું ઊંચો કરૂં તો તે તેમને જ્ઞાનમાં દેખાય. જ્ઞાન સર્વસ્વ પ્રકાશ કરે તેવું છે. જ્ઞાન શાથી કહેવાય ? કારણ કે જ્ઞેયને જુએ છે માટે. અવસ્થા બદલાય છે, પણ એને પોતે શુધ્ધ જ જુએ. અજ્ઞાની માંસનો ટુકડો જુએ કે ચીઢ ઉત્પન્ન થાય ને તેમાં અવસ્થિત થાય; જ્યારે સિદ્ધો તે જ વસ્તુને જ્ઞેય સ્વરૂપે, શુધ્ધ સ્વરૂપે જ જુએ.

એ હવે ત્યાં રહીને આખા બ્રહ્માંડના જ્ઞેયોને-દ્રશ્યોને જોયા કરે. હવે એમની પાસે જ્ઞાન-દર્શન છે ને, એ જ એમનું અનંત જ્ઞાન ને અનંત દર્શન એ વપરાય, એના પરિણામમાં આનંદ હોય. એટલે પહેલાં આનંદ ના હોય. આનંદ પહેલાં ને પછી જ્ઞાન અને દર્શન, એવું ના હોય. જ્ઞાન અને દર્શન વપરાય એમનું એટલે આનંદ રહે જ ! તે એમને જ્ઞાન-દર્શન સિવાય બીજું કશું છે નહીં. એ સ્વરૂપ જ આખું જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે. એટલે આપણે હાથ ઊંચો કર્યો, તે દેખાયો એમને.

તે એમને ય પાછું શું થાય કે જોવાનું, તે ય છે તે હાનિ-વૃદ્ધિ થયા કરે. રાત પડે એટલે આ ભાગમાં હાનિ થાય અને બીજા ભાગમાં વૃદ્ધિ થાય. એવું હાનિ-વૃદ્ધિ થાય. અને આપણે ત્યાં સવારના પાંચ વાગ્યા ત્યારથી આ લોકો એમને દેખાય. પણ ખરેખરૂં વૃદ્ધિ થયેલું ક્યારે દેખાય ? દશ, અગિયાર, બાર વાગે, ખૂબ બધું દેખાય, હેય..... લોક બધાં ફરતાં હોય, આમ ફરતાં હોય, તેમ ફરતાં હોય, બધું દેખાય. એમને જોવું છે ને જાણવું છે બે જ, ને ઊંડા ઉતરવું નથી કે આ ચોરી કરવા નીકળ્યો છે કે શું ? એમને તો આ ગજવું કાપતો ય દેખાય, પણ એમને તો જોવું ને જાણવું બે જ ! વિષયો નહીં એમને, વિષય એટલે 'સબ્જેક્ટ' નહીં. આ કયો વિષય છે ? ત્યારે કહે કે ગજવું કાપવાનો. એ વિષય આ લોકોને જાણવાનો, એમને તો કશું ય નહીં !

એ સિદ્ધો જ્ઞેયોને જાણ્યા જ કરે છે. આ જગતમાં જ્ઞેય અને દ્રશ્ય બે જ વસ્તુ છે. જ્ઞેયને જાણ્યા કરે છે અને દ્રશ્યને જોયા કરે છે. એનું પરિણામ શું ? કે અનહદ સુખ, સુખનો પાર જ નહીં !! એ સ્વાભાવિક સુખ છે !!!

સિદ્ધક્ષેત્રની કેવી અદ્ભૂતતા !!

પ્રશ્નકર્તા : સિધ્ધશિલા શું છે?

દાદાશ્રી : એ એક ક્ષેત્ર છે. જ્યાં જ્ઞેય નથી, સંયોગ માત્ર નથી. જે લોકાલોક સ્વરૂપ છે, એમાં લોક કે જ્યાં બધાં તત્ત્વો છે ને અલોક કે જ્યાં આકાશ તત્ત્વ એકલું જ છે. લોક અને અલોક એ બેના સાંધાની આગળ સિધ્ધક્ષેત્ર છે. ત્યાં બધાં જ સિધ્ધાત્મા સ્વતંત્રપણે જુદાં જુદાં વિરાજે છે.

પ્રશ્નકર્તા : તો પછી સિદ્ધક્ષેત્રમાં બધા આત્માઓ છે, એ બધા પોતપોતામાં જ છે ?

દાદાશ્રી : હા, એમને કોઈને બીજા જોડે કશું લેવા-દેવા જ નહીં. એવું છે ને, આ જગતમાં કોઈ કોઈને ય કશું લેવા-દેવા છે જ નહીં. અને જે કંઈ છે એ નિમિત્ત માત્ર છે. આ હું ય નિમિત્ત જ છું.

પ્રશ્નકર્તા : એ સિદ્ધક્ષેત્રમાં આપણે જઈએ તો ત્યાં એકલાં બેસી જ રહેવાનું ? ને જોયા જ કરવાનું ?

દાદાશ્રી : એવું તમારી ભાષાનું બેસી રહેવાનું નથી. ત્યાં ઊભા રહેવાનું ય નથી ને બેસી રહેવાનું ય નથી, ત્યાં આડા થઈ જવાનું ય નથી. ત્યાં નવી જ જાતનું છે !!

પ્રશ્નકર્તા : ખાલી જોયા જ કરવાનું છે ?

દાદાશ્રી : હા, પણ એ કલ્પનાની વસ્તુ નથી. તમે કલ્પનાથી જોવા માંગો છો, એવી વસ્તુ નથી એ !!

પ્રશ્નકર્તા : એ સિદ્ધશિલા કેવી હોય ?

દાદાશ્રી : સિદ્ધશિલા તો, જ્યાં કર્મને પોતાને ચોંટવું હોય તો ય ચોંટાય નહીં એવી જગ્યા છે અને અહીં તો આપણી ના ઇચ્છા હોય તો ય કર્મ ચોંટી પડે ! આ કર્મના પરમાણુ નિરંતર બધે હોય છે. અહીં તો પરમાણુ તૈયાર જ હોય છે અને ત્યાં એમને કશું અસર જ નહીં. ભગવાન ! કાયમને માટે એ પદ !!

પ્રશ્નકર્તા : ત્યાં સિદ્ધક્ષેત્રમાં પરમાણુ નથી ?

દાદાશ્રી : ત્યાં કશું ય નથી. એ સિદ્ધ ભગવંતો આ અહીંના બધા જ્ઞેયોને એ પોતે જોઈ શકે. પણ જ્ઞેયો એમની જગ્યામાં ત્યાં ના હોય. એ સિદ્ધક્ષેત્ર તો, બધા સિદ્ધોને રહેવાનું સ્થળ છે એક જાતનું, એને સિદ્ધક્ષેત્ર કહેવાય.

પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્ર બ્રહ્માંડમાં છે કે બ્રહ્માંડની બહાર છે ?

દાદાશ્રી : બ્રહ્માંડની ધાર ઉપર છે, છેલ્લી ધાર ઉપર છે. તમે તમારી ભાષામાં સમજી જાવ, સહુ સહુની ભાષામાં લઈ જાય પછી. પણ સિદ્ધક્ષેત્ર એ બ્રહ્માંડની બહારે ય નથી, પણ છેલ્લી ધાર ઉપર હોય.

'નમો સિદ્ધાણં', ભજવું ધ્યેય સ્વરૂપે !

પ્રશ્નકર્તા : આપ કહો છો ને ઉપર કોઈ બાપો ય નથી, પણ ઉપર સિદ્ધલોક તો ખરૂં ને ?

દાદાશ્રી : એ તો સિદ્ધલોક છે, સિદ્ધક્ષેત્ર છે અને એ તો જે મોક્ષે ગયેલાં હોય ને, એટલે પરવારી ગયેલાં, એ આપણું સાંભળે ય નહીં અને કોઈનું કશું બોલે ય નહીં. કોઈને માટે લાગણી ય નહીં ને કશું ય નહીં. એ તો એમનાં સુખમાં મસ્ત ! એ આપણને કશું કામ લાગે નહીં. એ આપણા ધ્યેય તરીકે છે. 'નમો સિદ્ધાણં' કહ્યું, તે ફક્ત ધ્યેય તરીકે છે કે 'ભઈ, અમારે આ દશા જોઈએ છે !'

પ્રશ્નકર્તા : આપણે કહીએ કે 'નમો સિદ્ધાણં', તો એ નમસ્કાર એમને પહોંચે ખરાં ?

દાદાશ્રી : એમને નહીં પહોંચે તો ય આપણી મહીં સિદ્ધ બેઠા છે તેને તો પહોંચ્યું ! મહીં જે બેઠાં છે ને, તે આત્મા સિદ્ધ જ છે ને ! આપણે તો કામ સાથે કામ છે ને ! આપણે નમસ્કાર પહોંચાડવા જોઈએ ત્યાં. અને આપણી જવાબદારી પહોંચાડવાની !! કે સાહેબને કાગળ લખી નાખ્યો.

સિદ્ધાત્માની સ્થિતિ !

સિધ્ધ ભગવંતો પોતાના સંપૂર્ણ સિધ્ધાંતને પ્રાપ્ત કરી સિધ્ધક્ષેત્રમાં પુદગલરહિત પોતાના સ્વ-સ્વરૂપમાં નિરંતર વિરાજમાન છે.

પ્રશ્નકર્તા : મુક્ત થયા પછી આત્માની શી અવસ્થા હોય છે ? એ ક્યાં જાય છે ? શું કરે છે ? તેને કેવા અનુભવો થાય છે ?

દાદાશ્રી : પહેલી અજ્ઞાનથી મુક્તિ થાય છે, ત્યાર બાદ જે બાકી રહેલી કલમોનો હિસાબ પૂરો થાય. આ મન-વચન-કાયાનો સંપૂર્ણ નિકાલ થઇ જાય એટલે એ સંપૂર્ણ આત્મ સ્વરૂપ થઇ ગયો. મોક્ષે જવા બીજું કંઇ કારણ જોઇતું નથી. પહેલાંનાં જે ડિસ્ચાર્જ કર્મ છે એ જ એને સિદ્ધગતિમાં બેસાડી દે છે. ત્યાં પોતાના આત્મસ્વભાવમાં જ, જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં જ રહે છે. એમને આખું ય જગત દેખાયા કરે કે શું શું થઇ રહ્યું છે, અંદર ગજબનું સુખ વર્તે ! આપણે તો એ સુખનો છાંટો ય જોયો નથી.

ગજબનું સિદ્ધપદ, એ જ અંતિમ લક્ષ !

પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જે સિદ્ધાત્મા સિદ્ધ થઈ ગયા, એમને પછી 'ઈન્ડીવીજ્યુઅલ આઇડેન્ટીફાય' કરી શકાય ?

દાદાશ્રી : ના, એવું 'ઇન્ડીવીજ્યુઅલ' ના હોય. એમને તો પોતાનું અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વનું ભાન હોય કે 'હું છું', એટલું જ. ત્યાં 'તે છે' એવું કશું ય નહીં. 'હું છું' એટલાં જ ભાનમાં દરેક રહે, સ્વતંત્ર ભાનમાં ! બીજાની કશી વાત જ નહીં, ભાંજગડ જ નહીં ત્યાં વ્યક્તિભેદ નથી, ત્યાં આગળ પરસ્પર સંબંધ નથી. આ તો અહીં બધા પરસ્પર સંબંધ છે, 'રિલેટિવ' છે અને ત્યાં પેલું 'રિયલ' છે, 'એબ્સોલ્યુટ' છે, તેમાં કોઈ પરસ્પર છે જ નહીં. ત્યાં તો પોતાનાં અસ્તિત્વનું ભાન રહે, વસ્તુત્વનું ભાન રહે ને પૂર્ણત્વનું ભાન રહે !

પ્રશ્નકર્તા : બધાંને સુખ જ છે ને, ત્યાં ?

દાદાશ્રી : બધાંને સુખ સરખું જ ! વસ્તુત્વનાં ભાનમાં તો પરમાનંદ પુષ્કળ રહ્યા કરે !

પ્રશ્નકર્તા : જેમ સિનેમા થિયેટરમાં હાઉસફૂલ થઈ જાય છે, એમ સિદ્ધક્ષેત્રમાં હાઉસફૂલ થઈ જાય ખરૂં ?

દાદાશ્રી : એ કલ્પના આપણી હોય છે. ત્યાં તો એટલી બધી વિશાળતા છે કે ત્યાં અનંતા સિદ્ધો હોવા છતાં, હજુ ત્યાં અનંતા સિદ્ધો જયા કરશે. બધું અનંતુ છે ત્યાં આગળ તો !

પ્રશ્નકર્તા : આ દુનિયામાં જડ હોય તો જ આત્મા રહી શકે નહીં તો એકલો આત્મા ના રહી શકે ?

દાદાશ્રી : એ ખરૂં કહ્યું. એકલો આત્મા આ જગતમાં રહી જ ના શકે. એ તો સિદ્ધગતિમાં જ બધા એકલાં આત્મા છે.

પ્રશ્નકર્તા : સિદ્ધગતિ સિવાયની પરિસ્થિતિ છે ત્યાં આત્મા એકલાં રહી ના શકે !

દાદાશ્રી : હા. એ ખરી વાત છે.

પ્રશ્નકર્તા : આ તો પછી એવું ય થઈ જાયને કે મોક્ષે જઈએ એટલે પછી ફરી પાછું આ બધું ભેગું થઈ જાય ?

દાદાશ્રી : ના. એવું કશું હોય નહીં. એનું કારણ છે કે અહીં જે આવું થયું ને, તે તો અહીં બધા સંજોગો છે. આ લોકમાં આવાં સંજોગો છે, એટલે આમ જ થઈ જાય. પણ ત્યાં એવાં કોઈ સંજોગો નથી. એટલે આમ થાય જ નહીં, ફરી એવું કશું ભેગું થાય જ નહીં.

બે વસ્તુ સાથે હોય ત્યારે પોતપોતાના ગુણધર્મ ત્યાગ્યા સિવાય, એ વિશેષ ગુણધર્મ ત્યાં ઉત્પન્ન થાય છે. એ વિશેષ ગુણધર્મ, એ આ સંસાર છે. હવે સિદ્ધક્ષેત્રમાં ય જો પુદગલ હોયને, તો ત્યાં ય આ વિશેષભાવ ઊભો થાત. પણ ત્યાં પુદગલ નથી !

પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં આત્માની અવગાહના પડે છે, એની બહાર પણ પુદગલ પરમાણુઓ છે ને ?

દાદાશ્રી : પણ એ સિદ્ધક્ષેત્રની બહાર, એટલે ફક્ત નીચેના ભાગમાં જ છે. અને એની અસર સિદ્ધોને ના કરે એવી સ્થિતિમાં છે. લોકાલોકની વચમાં એ સિદ્ધક્ષેત્ર છે.

પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જે પરિસ્થિતિ છે, એની અસર બીજા લોકમાં આવે ખરી ?

દાદાશ્રી : કશું ય નહીં. અસરને શું લેવા-દેવા ? કશી લેવા-દેવા જ નહીં. અને એમને સિદ્ધોને કશી અસર જ ના હોયને કોઈ જાતની !!

પ્રશ્નકર્તા : એમને અસર ના હોય, પણ એમની અસર બહાર આવે કે નહીં ?

દાદાશ્રી : ના. એમની અસરનું અહીં કશું ય નહીં. છતાં એવું છે ને, એ આપણું લક્ષસ્થાન છે કે આપણે ત્યાં જવાનું છે !

જો સિદ્ધ ભગવાનના ગુણોની ભજના કરે તો શું નું શું પ્રાપ્ત થાય એવું છે !

- જય સચ્ચિદાનંદ