અનુભવ-લક્ષ-પ્રતીતિ

સંપાદકીય

'મેં 'જ્ઞાન' લીધું છે, મેં 'જ્ઞાનવિધિ' કરાવી છે.' એવું આપણા મહાત્માઓ વારંવાર વાતચીતમાં આ વાક્ય બોલતા હોય છે. પણ 'જ્ઞાન' લીધું, એમાં શું શું પ્રાપ્તિ થઈ ? 'હું શુદ્ધાત્મા છું' એવું સતત મહીંથી બોલાયા કરતું હોય છે, તે શું છે ? એ સ્મરણ-જાપ છે કે એ લક્ષ-પ્રતીતિ છે ? શુદ્ધાત્માનો અનુભવ થયો છે કે થવાનો બાકી છે ? જ્યાં સુધી તેનું સ્પષ્ટીકરણ સમજમાં આવ્યું નથી, ત્યાં સુધી 'વસ્તુ'ની જે પ્રાપ્તિ થઈ છે, તેનો ખૂમારીપૂર્વકનો આનંદ વર્તાતો નથી.

દોઢ વર્ષનું બાળક દીવો દેખે તો રમકડા જેવું છે કશું, તે રમવા માટે ખેંચ કરે ત્યારે આપણે કહીએ દીવો છે, દાઝી જવાય, ના અડાય પણ સમજે ? ના, તો શું કરવું પડે ? એ દીવાને નીચેના ભાગમાં બાળકની આંગળી અડાડીને 'દઝાયું' એવો 'અનુભવ' પ્રથમ કરાવવો પડે. પછી એ કાયમ અડાડી નથી રાખતા છતાં એ દીવો દેખેને એને સહજ લક્ષ રહ્યા જ કરે કે આ દીવો દઝાડે છે અને ત્રણ દિવસ દીવો ન દેખે ને તો ભૂલી ગયો હોય એવું લાગે. ચોથે દહાડે દીવો દેખતાની સાથે જ લક્ષ હાજર થાય કે આ તો દઝાડે છે, તો ત્રણ દહાડા ભૂલી ગયેલો, તે શું ? ના, એની પ્રતીતિમાં-ખ્યાલમાં હતું જ ! એવું જ્ઞાનવિધિ પછી આત્માનો અનુભવ 'ટચ' થઈ જાય છે. પછી પોતાને 'હું શુદ્ધાત્મા છું' એ સહજ લક્ષ રહે છે જ. ફાઈલોના દબાણ વખતે લક્ષ છૂટી જઈને પ્રતીતિ સ્વરૂપે મહીં રહે છે જ !

હવે આ શુદ્ધાત્માનો અનુભવ-લક્ષ ને પ્રતીતિ, તો દાદા ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છે, તેમાંથી આગળ પછી પૂર્ણ અનુભવના સ્પષ્ટવેદન સુધી પહોંચવાનો પુરુષાર્થ મહાત્માઓએ આદરવાનો છે, તે અર્થે સરળ માર્ગદર્શન જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણીમાં જ અત્રે પ્રસ્તુત સંકલનમાં પ્રાપ્ત થાય છે.

- દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


આત્મ પ્રાપ્તિનાં લક્ષણો !

તમે રાત્રે ઊંઘમાંથી ઊઠો તો પહેલું શું યાદ આવે છે ?

પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા.

દાદાશ્રી : હા. રાત્રે ઊંઘી ગયા હોય ને જાગીએ કે તરત આત્મા સામો આવે તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો છે. આ એની ખાતરી થઈ ગઈ છે. એટલે હવે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનું છે. એ આજ્ઞા એ જ મોટામાં મોટી વસ્તુ છે.

યાદ જુદું, લક્ષ જુદું !

પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એનું રટણ થાય છે એ ભૌતિકરૂપે લાગે છે, અનુભવ નથી લાગતો.

દાદાશ્રી : ભૌતિકરૂપે થાય જ નહીં ને ! આ અનુભવરૂપે છે. પણ એ તમને પોતાને સમજાતું નથી. એટલે સમજવા માટે વાતચીત કરો સત્સંગની, તો સમજાતું જાય.

આત્માનુભવ સિવાય લક્ષ રહે જ નહીં. ઊંઘમાંથી જાગો તો તરત જ લક્ષ આવી જાય છે. આનું નામ સાક્ષાત્કાર થયો કહેવાય. એને જ્ઞાન કહે છે. અને જે જ્ઞાન સાક્ષાત્ થતું નથી, એને અજ્ઞાન કહેવાય.

અનુભવ વગર એની મેળે 'શુધ્ધાત્મા છું' બોલાય નહીં, એ લક્ષ ના આવે. એ તો ભૌતિક રીતે હોય ને, તો ગોખવું પડે તો યાદ રહે અને આ તો તમે રાતે જાગો તો ય લક્ષ આવે, સામું આવે. આ તો પોતે ભગવાન જ છે. આ 'શુધ્ધાત્મા' એ જ ભગવાન છે અને તે જ આપણું સ્વરૂપ છે.

એ જાગૃતિ જ રાખવાની ?

પ્રશ્નકર્તા : પણ દાદા, શુધ્ધાત્માનું દ્રષ્ટિબિન્દુ કેળવવું એ બહુ અઘરી ચીજ છે ને ?

દાદાશ્રી : કશું ય અઘરું છે જ નહીં. કેળવવાનું છે જ નહીં કશું. કેળવવાની વસ્તુ તો મેં કેળવી લીધી, તમને જુદું પાડીને આપી દીધું.

પ્રશ્નકર્તા : હા, આપ્યું ખરું, પણ એ દ્રષ્ટિને પરિણામમાં મૂકવી એ તો અઘરું છે ને ?

દાદાશ્રી : મૂકવાનું નહીં તમારે, એની મેળે સહેજે રહે. તમારે ફક્ત જાગૃતિ એટલી રાખવાની કે 'આ ચંદુભાઈ ને આ હું'.

પ્રશ્નકર્તા : પણ એ તો ખોટું આશ્વાસન લીધું ને, આપણે.

દાદાશ્રી : ના, આશ્વાસનની વાત જ નથી, એ તો રિયલી જ છે. એટલે ખોટું આશ્વાસન લેવાની વસ્તુ જ નથી.

આત્માની પ્રતીતિ જ બેસવી બહુ મુશ્કેલ છે, તો લક્ષ ને અનુભવની તો વાત જ ક્યાં કરવી ? આત્માની પ્રતીતિ એટલે નિઃશંકતા, 'આ જ આત્મા છે' એની ખાતરી થવી તે. એ ખાતરી તમને અમે કરાવી આપીએ છીએ. એટલે તો તમને મહીં મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર બધા નિઃશંક થઈ જાય છે.

સહજ લક્ષ અલખનું !

પ્રશ્નકર્તા : આખો દિવસ અંદર રટણ થાય 'હું શુધ્ધાત્મા છું.' કાનને સંભળાય 'હું શુધ્ધાત્મા છું' એવું બોલે તો સારું ?

દાદાશ્રી : વાંધો નહીં, પણ એની મેળે જ રહ્યા કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ખ્યાલમાં રહ્યા જ કરે છે, 'હું શુધ્ધાત્મા છું.' અને 'દાદા' તો યાદ જ રહ્યા કરે, ને ?

પ્રશ્નકર્તા : હા, નિરંતર.

દાદાશ્રી : દાદા તો, આપણે ના કહીએ તો ય આવીને ઊભાં રહે.

એ ખ્યાલમાં રાખવાનું !

પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એ નવરા પડ્યા હોય તો બોલીએ અને જાપ કરીએ તો ચાલે કે કેમ ?!

દાદાશ્રી : એ જાપની વસ્તુ ન્હોય, એ જાપ કરનારો કોણ આમાં ? એટલે એ જાપની વસ્તુ ન્હોય, ખ્યાલમાં રાખવાનું. 'હું શુધ્ધાત્મા છું' એ ખ્યાલમાં રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એવું બોલીએ તો વધારે ખ્યાલમાં ના આવે ?

દાદાશ્રી : થોડીવાર બોલવાનું હોય. મેં 'જ્ઞાન' આપ્યા પછી તમે શુધ્ધાત્મા થઈ ગયા. હવે શું ગા ગા કરવાનું તે ?!

'લક્ષ્ય' પ્રતિ પુરુષાર્થ !

આપણા લક્ષમાં રહેવું જોઈએ. અમુક તારીખે મુંબઈ જવું છે તે આપણા લક્ષમાં રહે, એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું ? મુંબઈ જવું છે, એ લક્ષમાં રહે ને ? ભૂલી જવાય ?

પ્રશ્નકર્તા : ના ભૂલાય.

દાદાશ્રી : એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા. વહેલું આવે, મોડું આવે, પણ એ બાજુ જવા નીકળ્યા. જેટલું જોર કરીએ એટલું આપણા બાપનું. દાદા ભેગા થયા તો પ્લેનની પેઠ ચાલે. નહીં તો સૂક્ષ્મ દાદા હોય તો ય ટ્રેઈનની માફક તો ચાલે જ. આ જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે, ને પેલું ટ્રેઈનની માફક ચાલે. તે જેટલું પ્લેનથી જવાય એટલું સાચું.

પ્રશ્નકર્તા : બધા પ્લેનવાળા જ શોધે.

દાદાશ્રી : હા.

ન હોય, રટણ શુધ્ધાત્માનાં.....

પ્રશ્નકર્તા : 'જ્ઞાન' લીધાં પછી, 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એનું રટણ અને 'રામ, રામ' એવું નામ સ્મરણ, એ બેમાં શું ફેર છે ?

દાદાશ્રી : ઓહોહોહો, રટણની તો બહુ જરૂર જ નથી હોતી. રટણ તો રાત્રે થોડીક વાર માટે કરીએ, પણ કંઈ આખો દહાડો ય, 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એવું ગા ગા કરવાની જરૂર હોતી નથી.

પ્રશ્નકર્તા : એવું કરે નહીં. પણ 'હું શુધ્ધાત્મા છું' એ એની મેળે આવી જાય છે.

દાદાશ્રી : ના, પણ રટણ કરવાની જરૂર નથી. રટણ કરવું અને આવી જવું, એ બેમાં ફેર છે. એની મેળે આવે અને રટણ કરવામાં ફેર ખરો કે નહીં ? શો ફેર ?

પ્રશ્નકર્તા : પેલું સહજ આવે.

દાદાશ્રી : હા, સહજ આવે. એટલે એ સહજ જે આવે છે તમને, એ તો બહુ કિંમતી છે. રટણ કરવું એ ચાર આના કિંમતી હોય તો આની કિંમત તો અબજો રૂપિયા છે. એટલી બધી ફેરવાળી વાત, આ બે ભેગી તમે મૂકી. અત્યારે તમારા ધ્યાનમાં 'હું ચંદુભાઈ છું' એવું રહે છે કે, 'ખરેખર હું શુધ્ધાત્મા છું' એ રહે છે ?

પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું'.

દાદાશ્રી : તો એ શુક્લધ્યાન કહેવાય. તમારા ધ્યાનમાં શુધ્ધાત્મા છે, એને શુકલધ્યાન કહ્યું છે અને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એટલે તમારી પાસે જે સિલ્લક છે, એ અત્યારે હિન્દુસ્તાનમાં, આ વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી, એવી છે ! માટે આ સિલ્લકને સાચવીને વાપરજો. અને એને આની જોડે સરખામણી ના કરશો. તમે કોની જોડે સરખામણી કરી ?

પ્રશ્નકર્તા : 'રામ' નામ.

દાદાશ્રી : એ તો જાપ કહેવાય. ને જાપ તો એક પ્રકારની શાંતિને માટે જરૂરી. જ્યારે આ તો સહજ વસ્તુ છે.

હવે મોક્ષ શી રીતે થાય ? આત્મા તો સહજ જ છે અને આ દેહને સહજ કરવાનો છે. જે રસ્તે તને અનુકૂળ આવે, તે રસ્તે આ દેહને તું સહજ કર. અને આ દેહ સહજ થઈ ગયો એટલે કામ પૂરું થઈ ગયું ! જ્યાં સુધી વિકલ્પી છે ત્યાં સુધી જ આ બધી ભાંજગડ છે અને સહજ થઈ ગયો કે કામ થઈ ગયું. આ સહજનો ઉપાય થયો. જે તમને બતાવ્યો છે એ બધો, પાંચ આજ્ઞા ને એ બધું. અને એટલે આ દેહ દહાડે દહાડે સહજ થયા કરે.

આત્માનું ભાન થયા પછી બોલાય !

આ 'હું શુધ્ધાત્મા છું' એવું તો ઘણાં ય બોલે છે. ઊંઘમાં તમને કોઈ કહે કે 'હું તમને પાંચ હજાર રૂપિયા આપું છું ?' તો તમે ક્યાં સુધી બેસી રહો ? તપાસ તો કરવી પડે ને, કે આ ઊંઘમાં બોલે છે કે જાગતા બોલે છે ? જો જાગતા બોલતા હોય તો એક-બે કલાક બેસી રહીએ. પણ ઊંઘમાં બોલતા હોય તો એનો અર્થ જ નહીં ને ! એવી રીતે આ ઊંઘમાં 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એમ બોલે છે. ભાન થયા વગર શબ્દથી બોલ બોલ કરે છે. એમાં કશું વળે નહીં. એ દોષ બેસે ઊલ્ટાં. 'હું શુધ્ધાત્મા છું' એ ભાન થયા પછી બોલાય.

'થઈને બોલે', એટલે ?

પ્રશ્નકર્તા : એટલે લક્ષ આવે ત્યારે જ થાય ને ?

દાદાશ્રી : હા, લક્ષમાં આવે ત્યારે જ 'હું શુધ્ધાત્મા છું' બોલાય. કારણ કે પોતે શુધ્ધાત્મા થઈને બોલે છે. હવે 'થઈને બોલે' એની શું ખાતરી ? કે આપણે પૂછીએ કે તમને 'હું ચંદુભાઈ છું' એ ખાતરી છે કે 'હું શુધ્ધાત્મા છું' એ ખાતરી છે ? કઈ ખાતરી છે તમારી ?' પછી આપણે પૂછીએ કે, 'ચંદુભાઈ ઉપરનું વહાલ ઉડી ગયું ને ?' ત્યારે કહે, 'હા.' એટલે આપણને શુધ્ધાત્મા થયા, એની ખાતરી થઈ ગઈ. એ પછી શુધ્ધાત્મા થઈને 'હું શુધ્ધાત્મા છું' બોલે છે.

બહાર કોઈ ચંદુભાઈ હોય, તે એમને પૂછીએ કે 'તમે કોણ છો ?' ત્યારે એ કહે, 'હું ચંદુભાઈ છું.' તો એ ચંદુભાઈ થઈને ચંદુભાઈ બોલે છે. હવે કોઈ કહેશે કે 'એ ખરી વાત નથી, એ તો શુધ્ધાત્મા જ છે.' ના, એની માન્યતા જે છે, એ જ ખરી વાત. 'હું ચંદુભાઈ છું', એ એની માન્યતા છે.

અહીંથી સાતસો માઈલ ઉપર ખબર પડી કે 'સાંતાક્રુઝ તો અરધો જ માઈલ છેટે હતું.' હવે આપણને ત્યાં ભૂલ ખબર પડી, તો ત્યાં આપણે અરધા માઈલમાં ઉપાય કરીએ તો ચાલે, પાછું સાતસો માઈલ જે પ્રગતિ (!) માંડી છે, તે પાછી નહીં કરવી પડે ? તે આ પ્રગતિ (!) માંડેલી, તે પાછી કરવા માટે બોલવાનું છે. પહેલા 'હું ચંદુ છું, ચંદુ છું.' એ કરેલું, એને ભાંગવા માટે 'હું શુધ્ધાત્મા છું, શુધ્ધાત્મા છું' બોલવાનું, એના ભાગાકાર કરવા માટે. પોતે છે જ શુધ્ધાત્મા. પણ આ એની રીત ! એની રીત તો હોય ને ? તો જ ફીટ થાય. એ સાતસો માઈલ પાછું ના આવવું પડે ? 'અરધો માઈલ છેટે છે' એવું જાણ્યું એટલે આવી ગયું ? એ તો સાતસો માઈલે ય આપણે પાછું આવવું પડે અને આળસુ ત્રણ જ માઈલ અહીંથી ગયો તો એને ત્રણ જ માઈલ આવવું પડે અને ઉતાવળીયો માણસ સાતસો માઈલ ગયો હોય, તો એ બધું ય પાછું આવવું પડે. આવું આ જગત છે બધું !

ધ્યાન, 'કરવાનું' ના હોય !

આપણા 'જ્ઞાન' લીધેલા એક ભાઈ કહે છે કે 'ધ્યાન કશું થતું નથી.' મેં કહ્યું, 'અલ્યા, શાનું ધ્યાન કરવાનું હવે તારે ? પાડાનું ધ્યાન કરવું છે ? તો પાડો થઈ જઈશ. જેનું ધ્યાન કરીશ એવો થઈ જઈશ.'

પ્રશ્નકર્તા : શુધ્ધાત્માનું ધ્યાન કરે તો ?

દાદાશ્રી : વળી એ ધ્યાન કરવાનું હોય ? એ તો પોતાના ધ્યાનમાં જ હોય. તમારા ધ્યાનમાં 'હું શુધ્ધાત્મા છું' એ નથી ?

પ્રશ્નકર્તા : પણ એ શુધ્ધાત્માનું ધ્યાન જે છે, એ બેસીને કર્યું હોય તો થાય ને ?

દાદાશ્રી : એ બધું ક્યારે કરવાનું કે જેથી આપણા વાડામાં કોઈ પેસી ગયો તો બહાર કાઢી મેલાય અને એ તો પેલા કાળમાં તે દહાડે માણસ બેસી રહે. બેસવાની સ્થિતિ હતી. અત્યારે તો તમે નોકરી કરો કે આવું બેસો ?

તમને આ જે 'જ્ઞાન' થયું ને, તેમાં શાસ્ત્રના બધા ય વાક્યો મહીં આવી જાય છે. શાસ્ત્રમાં જેટલું કહ્યું છે એટલું કરેક્ટ છે. તેથી આગળ બાકી રહ્યું, એનું નામ અક્રમ વિજ્ઞાન. શાસ્ત્રમાં આત્મા અને એ બધું લખે પણ બધાં ગુણ ના આવે. આ અમે બધા જ ગુણો બહાર પાડીએ છીએ. એનાં જેટલાં ગુણો છે, એટલાં બહાર પાડીએ છીએ. તો આત્મા પ્રાપ્ત થાય, નહીં તો પ્રાપ્ત ના થાય. ક્રમિકમાર્ગમાં જેટલાં ગુણો પ્રાપ્ત થાય, એટલાં અંશે આત્મા પ્રાપ્ત થાય, પણ લક્ષ ના બેસે. લક્ષ એટલે કયું ? કે એમને પેલું યાદગીરીનું લક્ષ બેસે અને આપણું આ સહજ લક્ષ કહેવાય. રાતે જાગો તો સામું આવે. યાદ કરવું ના પડે. એ તો યાદ રહ્યા જ કરે અને જે યાદ કરવું પડે, તે પુદગલ કહેવાય. એમાં આત્મા યાદ કરવાનો ના હોય, આત્મા પોતાનું સ્વરૂપ જો જોઈન્ટ થઈ ગયું, પછી યાદ શેનો કરવો પડે ? વિચાર કરવો પડે, યાદ કરવું પડે, એ બધું ય પુદગલ !

અલક્ષનું લક્ષ, કૃપાથી !

'હું શુધ્ધાત્મા છું' લક્ષ બેસે ત્યારથી, છૂટાં થઈ ગયા. સંસારી બધા લક્ષ બેસે પણ શુધ્ધાત્માનું લક્ષ ના બેસે. કારણ કે પોતે સંસારી સ્વભાવનો છે. એટલે સંસારી લક્ષ બેસે, આત્માનું લક્ષ ના બેસે. 'પોતે' મિશ્ર ચેતન થયો છે એટલે મિશ્ર ચેતનની વાત હોય, સાંસારિક વાત હોય તો લક્ષ બેસે, પણ શુધ્ધ ચેતનનું લક્ષ બેસે નહીં.

કોઈ માણસને પગે વાગ્યું હોય, અહીં બસમાંથી પડી ગયો હોય ને પગ તૂટી જાય. પછી પાટાં કરીને રાત્રે સૂવાડ્યો હોય તો એ કહેશે 'મારી લાકડી લાવો. મારે રાત્રે ઊઠવું પડે તો લાકડીથી ઊઠાય ને !' એટલે એની લાકડી લઈને સૂઈ ગયો હોય. પણ રાત્રે ઊંઘમાંથી જાગે કે તરત એને યાદ આવે કે 'મારી લાકડી ક્યાં છે !' અલ્યા, આ કંઈ તને ટેવ નથી તો પણ આ કેવી રીતે લક્ષ બેસી ગયું ? આનું લક્ષ તો સહેજે બેસે, પણ જે 'અલખ' છે એનું લક્ષ ના બેસે. આ ઘૈડો માણસ હોય, તે રાતે શું ઘૈડપણ ભૂલી જતો હશે ?! 'હું ઘૈડો છું' એવું ભૂલી જતો હશે ? ના ભૂલે. આ સંસારી લક્ષ બધા બેઠેલા છે. પણ 'પેલું' એક લક્ષ ના બેસે.

શુધ્ધ ચેતનનું લક્ષ તો શુધ્ધ ચેતનને પામ્યા છે એ જ બેસાડી શકે. બીજા કોઈ બેસાડી શકે નહીં. જેમ વાઘનું બચ્ચું હોય, તે બકરી ભેગું ફરતું હોય તો એને વાઘનું લક્ષ બેસે નહીં. પણ જ્યારે બીજો વાઘ બૂમ પાડે ત્યારે એને પોતાનું લક્ષ બેસી જાય. હા, ત્યારે લક્ષ બેસે. ત્યારે સ્વાભાવિક ક્રિયા ઉત્પન્ન થઈ જાય. નહીં તો એ પણ બકરીના બચ્ચા જોડે એવો થઈને ફર્યા કરે.

આત્મા લક્ષમાં આવે એવો નથી. આત્મા બોલે ખરાં કે 'હું આત્મા છું, હું શુધ્ધાત્મા છું.' પણ એ લક્ષમાં ના આવે. શુધ્ધાત્મા અલખ નિરંજન છે. એટલે જ્ઞાન વગર બીજી કોઈ એવી ક્રિયા નથી કે જેનાથી આ લક્ષ બેસે. અને જ્ઞાની કૃપાના ફળ સિવાય એ લક્ષમાં આવે જ નહીં. અહીં તો અનુભવ, લક્ષ ને પ્રતીતિ કહેવાય. અને તે પ્રતીતિ નિરંતરની ક્યારેય જાય નહીં.

વર્તે સંપૂર્ણ પ્રતીતિ, અનુભવ-લક્ષ સહિત !

પ્રશ્નકર્તા : આત્માનુભવ થયો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : 'પોતાની' પ્રતીતિ થાય ત્યારે. 'પોતે આત્મા છે' એવી પ્રતીતિ પોતાને થાય અને 'હું ચંદુલાલ છું' એ વાત ખોટી નીકળી એવો અનુભવ થાય, ત્યારે જાણવું કે અજ્ઞાન ગયું.

પ્રશ્નકર્તા : તો પ્રતીતિની ચોખવટ કરવી પડે કે પ્રતીતિ એટલે શું ?

દાદાશ્રી : પ્રતીતિ એટલે 'આ હું ન્હોય' ને 'હું આત્મા છું' એવું એના ખ્યાલમાં રહ્યા કરે અને એ પછી ભલે શબ્દ રૂપે મળ્યું હોય પણ 'આ હું ન્હોય' એવું એને અનુભવમાં આવે.

'હું ચંદુભાઈ છું' એ શ્રદ્ધા તમારી તૂટી ગયેલી છે, એ પ્રતીતિ તમારી ઊડી ગઈ છે અને 'હું શુધ્ધાત્મા છું' એ સંપૂર્ણ પ્રતીતિ બેસી ગયેલી છે અને લક્ષ સાથે બેસી ગયેલી છે.

નિજ સ્વભાવનું, અનુભવ-લક્ષ-પ્રતીતિ !

એટલે શુધ્ધાત્મા થયા, મોક્ષ નક્કી થઈ ગયો, એમાં બે મત નહીં ને ! પણ સ્વાદ કેટલો મળે ? પ્રતીતિનો. તમે રાત્રે જાગો તો તરત 'હું શુધ્ધાત્મા છું' એ એની મેળે તમને યાદ આવી જાય. એ લક્ષ બેઠું કહેવાય. એટલે 'હું શુધ્ધાત્મા છું' હંડ્રેડ પરસેન્ટ પ્રતીતિ બેસી ગઈ અને લક્ષ બેસી ગયું. લક્ષ એટલે જાગૃતિ. જે જાગૃતિ છે ને, એ હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે અને ત્રીજું, અનુભવ થાય. તે અનુભવના આધારે તમે રોજ સત્સંગમાં આવો છો. તમે કંઈ ચાખ્યું ને ગળ્યું લાગ્યું.

વર્તે નિજસ્વભાવનું, અનુભવ-લક્ષ પ્રતીત;

વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.

- શ્રીમદ્ રાજચંદ્ર

હવે નિજ સ્વરૂપનું થોડીવાર અનુભવ રહે, થોડીવાર લક્ષ રહે, પ્રતીતિ નિરંતર રહે. હવે નિરંતર પ્રતીતિ રહે તો ક્ષાયક સમકિત કહેવાય. અને જે પ્રતીતિ થોડીવાર રહે અને પાછી ખસી જાય, થોડીવાર રહે અને પાછી ખસી જાય આત્માની પ્રતીતિ બેઠેલી, તે થોડીકવાર રહે અને પછી સંસારનું પાછું આવી જાય, એટલે ચૂકાઈ જાય એ પ્રતીતિ. એ સમ્યક્ દર્શન કહેવાય અને એ ઉપશમ સમકિત કહેવાય. એમાં નિરંતર પ્રતીતિ ના રહે. અને ક્ષાયક સમકિત એટલે નિરંતર પ્રતીતિ રહે. એક ક્ષણવાર એ પ્રતીતિ જાય નહીં, રાત્રે- દિવસે પ્રતીતિ ના ખસે. હવે લક્ષ ક્યાં સુધી રહે ? કે કોઈની જોડે વાતોમાં ના પડ્યો હોય ત્યાં સુધી. અને વાતોમાં પડ્યો એટલે લક્ષે ય જતું રહે અને અનુભવ ક્યાં સુધી રહે ? વાતોમાં નહીં, પણ એકલો, એકાંતમાં હોય ત્યારે અનુભવ રહે. એટલે અનુભવ, લક્ષ ને પ્રતીતિ, આવું જેને વર્તે, તેને વૃત્તિઓ, જે અનાદિકાળથી બહાર વહ્યા કરતી હતી, તે નિજભાવમાં વળે. વૃત્તિઓ પાછી ફરી જાય.

પ્રશ્નકર્તા : કઈ કઈ વૃત્તિઓ ?

દાદાશ્રી : બધી જાતની વૃત્તિઓ. આ ચિત્ત વૃત્તિઓ બધી બહુ જાતની. કમાવવાની વૃત્તિ, વિષયો ભોગવવાની વૃત્તિ, બધી જાતજાતની વૃત્તિઓ છે. 'વૃત્તિ વહે નિજ ભાવમાં....' એમાં જે વૃત્તિઓ આમ બજારમાં જતી હતી, એ વૃત્તિઓ પાછી વળી. પાછી વળી એટલે આ વૃત્તિઓ બધી બહાર જતી બંધ થઈ ગઈ.

આવ્યું અપૂર્વ ભાન !

આને શ્રીમદ્ રાજચંદ્ર શું કહે છે ? કે

સદ્ગુરુના ઉપદેશથી આવ્યું, અપૂર્વ ભાન;

નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.

પૂર્વે ભાન નહોતું, પૂર્વે દેહાધ્યાસનું જ ભાન હતું. દેહાધ્યાસ રહિતનું ભાન અમને હતું નહીં. તે અપૂર્વ ભાન, એ આત્માનું ભાન અમને આવ્યું. જે પોતાનું નિજપદ હતું કે 'હું ચંદુભાઈ છું' એમ બોલતો હતો, એ હવે 'હું' નિજમાંહી બેસી ગયું. જે નિજપદ હતું, તે નિજમાં બેસી ગયું અને જે અજ્ઞાન હતું, 'હું ચંદુભાઈ છું' એ અજ્ઞાન દૂર થઈ ગયું.

શુધ્ધાત્મા લક્ષે શુકલધ્યાન !

'હું શુધ્ધાત્મા છું' એ ધ્યાન રહેવું, એ લક્ષમાં રહેવું, એને 'શુક્લધ્યાન' ભગવાને કહ્યું અને સમકિતી જીવને 'શુકલધ્યાન' નથી, કહ્યું. અહીં ક્રમિકમાર્ગમાં કોઈને સમકિત થયું હોય, તો એને 'શુકલધ્યાન' નથી, કહ્યું. આ અક્રમ માર્ગમાં તમને શુકલધ્યાન રહે છે અને શુકલધ્યાન થયા પછી મોક્ષને માટે કશું ખોળવાનું હોય નહીં, એક ક્ષણવાર પણ જો શુકલધ્યાન થયું. પછી જાતે ખોદી ના નાખે તો !

આપણું આ શા આધારે નિશ્ચયથી બારમું ગુંઠાણું કહેવાય છે ? કારણ કે શુક્લ ધ્યાન ઊભું થયું છે ! શુધ્ધાત્માનું લક્ષ બેસી ગયું છે ! શુધ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી, તેને શુકલધ્યાન કહેવાય છે. 'ક્રમિક માર્ગ'માં પ્રતીતિના જાળાં બેસે અને પ્રતીતિ થોડી બેસે. પ્રતીતિ બેસે અને તે પૂરી થાય, ત્યારે ક્ષાયક સમકિત થાય ને ત્યારે 'શુધ્ધાત્મા'નું લક્ષ બેસે અને આ 'અક્રમ માર્ગ'માં તો પહેલું લક્ષ બેસાડી દઈએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ ! આ 'અક્રમ માર્ગ' છે ને એટલે જ લક્ષ પહેલું બેસે. 'ક્રમિક માર્ગ'માં પ્રતીતિ બેઠેલી હોય, તેને પણ શુકલધ્યાન ના હોય. કારણ કે આ કાળમાં 'ક્રમિક માર્ગ'માં કોઈ સાતમા ગુંઠાણાથી આગળ જઈ શકે નહીં.

અહીં આપણે અક્રમમાર્ગમાં આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઈ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવાં કેવાં પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય, તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુધ્ધાત્મા'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે, પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઈ પડ્યું છે, તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી ક્યારેય પણ લક્ષ ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

આ 'અક્રમ વિજ્ઞાન'નું પ્રત્યક્ષપણું કરી લેવા જેવું છે. પરોક્ષપણું તો સાંભળ સાંભળ કર્યું. હવે પ્રત્યક્ષપણું કરી લો, તો આત્મા પ્રત્યક્ષપણે અનુભવમાં આવે.

'હું શુધ્ધાત્મા છું' એવો નિર્ણય થવો, એનું નામ જ આત્માનુભવ.

એ દેહાધ્યાસ ગયો કહેવાય !

આખા જગતને દેહાધ્યાસ છૂટે નહીં. અને પોતાના સ્વરૂપમાં રહી શકે નહીં. આ તમે સ્વરૂપમાં રહ્યા એટલે ઈગોઈઝમ 'ગોન', મમતા ગઈ. 'હું ચંદુભાઈ છું' એ દેહાધ્યાસ કહેવાય અને 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ બેઠું, ત્યારથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો. હવે કશું રહ્યું નથી. તો ય ભૂલચૂક થાયને, તો સહેજ ગૂંગળામણ થાય.

છૂટે દેહાધ્યાસ ત્યાં ...

પ્રશ્નકર્તા : દેહાધ્યાસ ગયો કોને કહેવાય ?

દાદાશ્રી : ગજવું કાપી લે, ગાળ ભાંડે, મારે, તો ય તમને રાગ-દ્વેષ ના થાય તો દેહાધ્યાસ ગયો કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી આખું જગત દેહાધ્યાસે વીંટાળાયેલું છે. જેટલાં વિકલ્પ એટલા દેહાધ્યાસ. દેહ ગનેગારી વીંટાળવા માટે નથી, મુક્તિ માટે છે. ભવોભવની ગનેગારી લાવેલાં, તેનો નિકાલ તો કરવો પડશે ને ? દેહાધ્યાસ જાય એટલે ચારિત્રમાં આવ્યો કહેવાય.

'શુધ્ધાત્મા'ના 'લક્ષે' વિંધાયા 'લક્ષ !'

'દેહાધ્યાસે ખૂંચેલાને, સ્થૂળ-સૂક્ષ્મ વર્ગણા,

ગનેગારી વીંટળાયે, ભવોભવની ભ્રમણા.'

દેહાધ્યાસે ખૂંચેલો હોય, તેને સ્થૂળ-સૂક્ષ્મ વર્ગણાઓ પેસ્યા જ કરે અને ગનેગારી વીંટાયા કરે. દેહાધ્યાસે કેમ ખૂંચેલો છે ? 'હું ચંદુભાઈ છું' એ દેહાધ્યાસ કહેવાય. અને 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ બેઠું, ત્યારથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો.

શુધ્ધાત્માનું લક્ષ !

પ્રશ્નકર્તા : દાદા, શુધ્ધાત્માનું લક્ષ બેસે એટલે એ અનુભવમાં આવે ત્યારે લક્ષ બેઠું કહેવાય ?

દાદાશ્રી : એની મેળે 'હું શુધ્ધાત્મા છું' એવું આવે તો લક્ષ બેસી ગયું છે એમ જાણવું અને અનુભવ ટચ થયો હોય તો જ લક્ષ બેસે. એને યાદ કરવું ના પડે. યાદ કરીએ તો, એ તો યાદશક્તિ ના હોય તો યાદ ના પણ આવે. લક્ષ એ જાગૃતિ છે અને આપણને તો અનુભવ હઉ છે. અનુભવ-લક્ષ-પ્રતીતિ, આ ત્રણેય આપણને છે. આત્માનો અનુભવ થાય ત્યાર પછી જ સમભાવે ક્રિયા થાય, પ્રવર્તન થાય.

આ તમને જ્ઞાન આપ્યા પછી મહીં નિરંતર 'શુધ્ધાત્મા'ની માળા ફરે છે, માટે હવે બીજી કોઈ માળાની જરૂર નથી, આ તો અજપાજાપ ચાલુ થઈ ગયા. 'શુધ્ધાત્મા'ના અજપાજાપ ચાલુ થઈ જાય એટલે કામ થઈ ગયું ! પછી પ્રકૃતિમાં જે માલ હોય તે ખાલી કરવાનો, નાટકમાં પાર્ટ પૂરો કરવાનો !

આત્મારૂપ 'પોતે' થયો !

પ્રશ્નકર્તા : આપણને આત્માની ઓળખ થઈ, એ આપણને કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એની રીતે જ ના હોય. એ તો જુદો જ હોય. પોતે આત્મા થઈ ગયો, તે રૂપ જ થઈ ગયો, પછી 'હું ચંદુભાઈ છું' એ ભાન જ જતું રહે બધું.

પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં ભાન રાખવું પડે ને ?

દાદાશ્રી : વ્યવહાર તો એની મેળે ચંદુભાઈ કર્યા જ કરે.

આ વિજ્ઞાન છે, એટલે આપણને તેનો અનુભવ થાય અને મહીં અંદરથી જ ચેતવે. હવે પેલું બુદ્ધિથી ગોઠવેલું હોય તો આપણે કરવા જવું પડે અને આ સહજ અંદરથી જ ચેતવે.

પ્રશ્નકર્તા : હા, હવે ચેતવણી મળે છે, એ અનુભવ થયો છે.

દાદાશ્રી : હવે આપણને આ માર્ગ મળી ગયો અને શુધ્ધાત્માની જે બાઉન્ડ્રી છે, તેનાં પહેલાં દરવાજાની અંદર પ્રવેશ થઈ ગયો. જ્યાંથી કોઈ પાછું ન કાઢી શકે. કોઈને પાછું કાઢવાનો અધિકાર નથી, એવી જગ્યાએ તમે પેઠા.

પ્રજ્ઞા મહીંથી ચેતવે !

અમે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે તમારી મહીં પ્રજ્ઞાને બેસાડી દઈએ છીએ. જેમ ભરતરાજાને પંદર પંદર મિનિટે નોકરો 'ભરત ચેત, ભરત ચેત' એમ ચેતવતા હતા, તેમ આ પ્રજ્ઞા પછી તમને ચેતવ્યા કરે. પણ આ કાળમાં તમે જ દોઢસો રૂપિયાની નોકરી કરતા હો ત્યાં ચોવીસે કલાકના ત્રણ નોકરો શી રીતે રાખો ? તેથી અમે તમને મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ.

વારે ઘડીએ ચેતવ ચેતવ કોણ કરે છે ? પ્રજ્ઞા. 'જ્ઞાન' મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં. અગર તો સમકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સમકિતમાં પ્રજ્ઞાની કેવી શરૂઆત થાય ? બીજના ચંદ્રમા જેવી શરૂઆત થાય. તે આપણા અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે ચેતવે છે જ એ, જો તમારે તો મહીંથી જ પ્રજ્ઞા ચેતવે છે ને ! પ્રજ્ઞા નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે, કે એય... આમ નહીં. આખો દહાડો ચેતવ ચેતવ જ કરે અને એ જ આત્માનો અનુભવ ! નિરંતર આખો દહાડો એ આત્માનો અનુભવ.

તે પ્રજ્ઞા જ તમને ક્ષણે ક્ષણે ચેતવે છે. બહારની કોઈ ફાઈલ આવી હોય તો પ્રજ્ઞા હાજર થઈ જ જાય છે અને જ્ઞાનવાક્યો હાજર કરી જાગૃત કરાવે છે અને ફાઈલનો 'સમભાવે નિકાલ' પણ એ જ કરાવે છે.

વ્યવહારમાં વ્યવહારિક રહેવું !

'હું શુધ્ધાત્મા છું' એવું વ્યવહારમાં ના બોલશો. એનું શું કારણ ? આ સામા માણસો વ્યવહારને નિશ્ચયમાં લઈને બેઠાં છે. વ્યવહારને જ એ લોકોએ નિશ્ચય કર્યો છે કે હા, આ જ સાચું છે. ત્યાં તમે આવું બોલશો તો તમને ગાંડા કહેશે, મેન્ટલ કહેશે. એ બધાને વ્યવહારિક જવાબ આપવાના. 'હું ચંદુભાઈ છું, હું વેપારી છું.' એવા વ્યવહારિક જવાબ આપવાના.

જેવો પુરુષાર્થ એવો લાભ !

જુઓ ને, આ આટલાં મોટા ધંધા છોડીને મારી પાસે ત્યાં તેડવા આવ્યા હતા ત્યાંથી એન્ડ સુધી જોડે ને જોડે. એ કંઈ જેવું તેવું કહેવાય ? એકુંય દહાડો જુદાં નહીં. એ જેવું તેવું ના કહેવાય. એ ય કંઈ ધંધા વગર છે ? ના. ધંધો જબરજસ્ત ચાલે છે.

પ્રશ્નકર્તા : પણ જેને જોડે રહેવાની સગવડ ના હોય, અનુકૂળતા ના હોય, તો એ શું પુરુષાર્થ કરે ?

દાદાશ્રી : મેં આપ્યું છે ને, પાંચ આજ્ઞા ને એ બધું. ઘણો પુરુષાર્થ થાય એવો છે. બહુ પુણ્યશાળી હોય તો મારી જોડે રહી શકે. નહીં તો એવું પુણ્ય હોય ક્યાંથી ?

એટલે જેટલું ગોળ નાખીએ ને, એટલું ગળ્યું થાય. બાકી, ઘી તો ચોખ્ખું દાદાએ આપ્યું છે. પણ આપણે જો ગળ્યું વધારે જોઈતું હોય તો ગોળ વધારે નાખવો.

એ પુરુષાર્થ ફળે મોક્ષમાં !

એટલે આ તમારો બધો પુરુષાર્થ છે. અહીં આવો છો, બધું કરો છો, વિધિઓ કરો, એ બધું ય. અને જ્ઞાન ના લીધું હોય તેને અહીં પુણ્યૈ બંધાય. આ તો મોક્ષફળ આપે, મુક્તિફળ ચખાડે.

આપણે આત્મા થઈને રહેવું. ઉદયકર્મ પ્રમાણે ચંદુભાઈએ કર્યું. ચંદુભાઈ તરીકે કરે ત્યાં સુધી પુરુષાર્થ ના કહેવાય. ચંદુભાઈ થઈને કરે ને, એ બધું પુણ્યૈમાં જાય, પુણ્યૈ બાંધવામાં અને આ પુરુષાર્થ 'આત્મા' તરીકે કરે એટલે મોક્ષ થાય. આને પુરુષાર્થ કહેવાય. તમને સમજાયું થોડું ?

પ્રશ્નકર્તા : બરાબર નથી સમજાયું.

દાદાશ્રી : 'જ્ઞાન' ના લીધું હોત તો ઉદયકર્મમાં સત્સંગ કરો, વિધિ કરો, તે પુણ્યૈ બંધાવીને જતું રહેત, અને આ 'જ્ઞાન' મળી ગયું છે એટલે પુરુષાર્થ થયો છે હવે. આત્મા થઈને જે જે કરવામાં આવે છે એ પુરુષાર્થ કહેવાય, આ પુરુષાર્થ મોક્ષફળ આપે.

પ્રશ્નકર્તા : 'ચંદુભાઈ' અહીં દાદા પાસે આવ્યા એ પુરુષાર્થ કહેવાય ?

દાદાશ્રી : એ પુણ્યૈના લીધે આવ્યા. પુરુષાર્થ તો, અહીં આવ્યા પછી તમે આત્મા થાવ ત્યાર પછી પુરુષાર્થ. 'જ્ઞાન' પ્રાપ્ત કરેલું, એ બધાને પુરુષાર્થ કહેવાય. અને 'જ્ઞાન' ના પ્રાપ્ત કર્યુ હોય તો તમારી પુણ્યૈ કહેવાય.

ભેદજ્ઞાન જાણ્યે, લાધે આતમજ્ઞાન !

આત્મજ્ઞાન એટલે કયું જ્ઞાન ? એટલે આ આત્માનાં ગુણધર્મ અને આ પ્રકૃતિના ગુણધર્મ, પુદગલનાં ગુણધર્મ એટલું જ જેણે ભેદજ્ઞાન જાણ્યું, એનું નામ આત્મજ્ઞાન.

પ્રશ્નકર્તા : અને જુદું રહેતાં આવડે.

દાદાશ્રી : ના. એ પછી જુદું રહે જ ને ! પછી આત્મા થયો એટલે પોતે આત્મામાં જ રહ્યો ને ! અને આપણે તો એમ ને એમ રહે છે આ જુદાપણું. આપણું આ 'જ્ઞાન' આપ્યા પછી બધાને એમ ને એમ જુદું રહે છે.

પ્રશ્નકર્તા : પણ તમે જુદું કરી આપ્યું ને અમારે એમ ને એમ જુદું રહે, એમાં ઘણો ફેર ને?

દાદાશ્રી : પણ સાચો માર્ગ જ આ છે. નહીં તો માથાકૂટ કરે તો ય કશું વળે નહીં. આ તો ભેદજ્ઞાન મળ્યું એટલે જાણવું કે......

પ્રશ્નકર્તા : રસ્તો કલીયર થઈ ગયો.

દાદાશ્રી : હા, બસ !

નિજ શુધ્ધત્વમાં નિઃશંકતા !

દરઅસલ આત્મા તો 'આકાશ' જેવો છે અને આ શુધ્ધાત્મા એ તો એક સંજ્ઞા છે. શી સંજ્ઞા છે ?

પ્રશ્નકર્તા : ઓળખવા માટે.

દાદાશ્રી : ના. આ દેહથી ગમે એટલાં તારાથી કાર્ય થાય, સારાં થાય કે ખોટાં થાય, તું તો શુધ્ધ જ છે. ત્યારે કોઈ કહે કે, 'હે ભગવાન, હું શુધ્ધ જ છું ? પણ આ દેહે અવળા કામ થાય તે ?' તો ય ભગવાન કહે, 'એ કાર્ય તારાં ન્હોય. તું તો શુધ્ધ જ છે. પણ જો તું માને કે આ કાર્ય મારાં, તો તને ચોંટશે.' એટલાં માટે શુધ્ધાત્મા શબ્દ, એ સંજ્ઞા લખેલી છે.

અને 'શુધ્ધાત્મા' શાથી કહ્યું 'એને' ? કે આખો સંસારકાળ પૂરો થતાં છતાં 'એને' અશુધ્ધતા અડતી નથી, એટલે શુધ્ધ જ છે. પણ 'શુધ્ધાત્મા'ની 'પોતાને' 'બિલીફ' ના બેસે ને ? 'હું' શુધ્ધ કેવી રીતે ? 'મારાથી આટલાં પાપ થાય છે, મારાથી આમ થાય છે, તેમ થાય છે.' એટલે 'હું શુધ્ધ છું' એ 'બિલીફ' 'એને' બેસે નહીં, ને શંકા રહ્યા કરે કે 'હું શુધ્ધાત્મા છું' કેવી રીતે કહેવાય ?

એટલે આ 'જ્ઞાન' પછી હવે 'તને' 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ બેઠું છે. માટે હવે તારાથી ગમે તે કાર્ય થાય, સારું અગર નરસું, એ બન્નેનો માલિક 'તું' નથી. 'તું' શુધ્ધ જ છે. તને પુણ્યનો ડાઘ પડવાનો નથી અને પાપનો ય ડાઘો પડવાનો નથી. માટે 'તું' શુધ્ધ જ છે. તને શુભનો ય ડાઘો પડવાનો નથી અને અશુભનો ય ડાઘો પડવાનો નથી. અમે 'જ્ઞાન' આપતાંની સાથે જ કહીએ છીએ ને, કે હવે તને આ બધું નહીં અડે. એ નિઃશંક થાય ત્યાર પછી એનું ગાડું ચાલે, તને જો શંકા પડશે તો તને ચોંટશે અને તું નિઃશંક છે તો તને નહીં અડે ! 'દાદા'ની આજ્ઞામાં રહ્યો કે તને નહીં અડે !

મૂળ હકીકતમાં, શંકા પાડવા જેવી છે જ નહીં. ખરેખર કશું કરતો જ નથી. આવી 'તું' કોઈ ક્રિયા કરતો જ નથી. આ તો ખાલી ભ્રાંતિ જ છે, આંટી પડી ગયેલી છે.

શુધ્ધાત્મા એ શરૂઆતનું પદ !

આ તમને 'શુધ્ધાત્મા' અમે આપ્યો છે, તે ફર્સ્ટ સ્ટેપ છે. એની આગળ તો ઘણું છે. પછી શુધ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય.

'શુધ્ધાત્મા' એ કંઈ પરમાત્મા નથી. 'શુધ્ધાત્મા' તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. તમને (મહાત્માઓને) શુધ્ધાત્માપદ કેમ આપવામાં આવ્યું છે ? તમે 'શુધ્ધાત્મા' અને 'ચંદુભાઈ' જે કંઈ પણ કરે છે, તેના તમે રિસ્પોન્સિબલ નથી એવી ખાતરી થાય. સારું કરો તેનો ય ડાઘ નથી પડતો ને ખોટું કરો તેનો ય ડાઘ નથી પડતો. 'કર્તાપદ જ મારું ન્હોય.' એ શુધ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય.

ત્યારે થાય નિઃશંકતા !

બાકી, કોઈ અવતારમાં નિઃશંક થયેલો જ નહીં. અને આત્માસંબંધી તો કોઈ નિઃશંક થયેલો જ નહીં. આત્માસંબંધી નિઃશંક થવું, એ કંઈ સહેલી વાત નથી.

જ્યારે આ 'જ્ઞાન' નિઃશંક કરનારું છે. નિઃશંક કેવી રીતે થાય ? કે આ શરીરમાં મન- બુદ્ધિ-ચિત્ત-અહંકાર, બીજી ઇન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો, બધાં એકામત થાય ત્યારે નિઃશંક થાય. આખા શરીરનું બધું એકામત થાય, 'દાદા' એ કહ્યું એ જ્ઞાન માટે એક અવાજ થાય, બધાં 'એકસેપ્ટ' કરે ત્યારે નિઃશંક થાય.

હવે મહીં શંકા નથી કરતું ને ? નહીં તો એક કલાક શંકા કર્યા વગર ના રહે, આ એટલી બધી મહીં જમાત છે. મહીં બધાં 'એક્સેપ્ટ' કરે એવું જ્ઞાન હોય નહીં. કાં તો મન બૂમો પાડતું હોય, કાં તો ચિત્ત બૂમો પાડતું હોય. પણ કોઈને કોઈ વાંક પાડ્યા વગર રહે નહીં. એટલે મહીં એકામત થાય એવાં નથી. મહીં બહુ જમાત છે. એકાદ જણ આડું બોલે 'આમ હોય તો ?' કે શંકા પડી ! અને તમારે તો કોઈ મહીં બોલતો જ નથી ને ?! બધાં એકામત એકાજત ને ?! એટલે મહીં બધાં એકામત થાય ત્યારે નિઃશંક થાય.

આ શરીરમાં કોઈ દહાડો બધાં એકામત એકાજત થતાં જ નથી. મૂર્ચ્છામાં પડે ત્યારે ઠીક છે. મૂર્ચ્છા એટલે દારૂ પીધેલો ! મહીં દારૂ પીવડાવવો, એટલે પછી બધાં મસ્તીમાં રહે. અને આ તો 'વિધાઉટ' મૂર્ચ્છા ! અને આ 'જ્ઞાન' તો મૂર્છા થોડી ચઢેલી હોય ને, તો ય ઉતારી આપે.

એટલે આત્માસંબંધી બધાં શંકામાં હોય, ગમે ત્યાં જાવ. બધાંને આત્માસંબંધી શંકા, ને શંકાને લઈને અહીં પડી રહ્યા છે. એ નિઃશંક થાય નહીં ને એમનો દહાડો વળે નહીં. 'જ્ઞાની પુરુષ' વગર આત્મામાં નિઃશંક તો કોઈ જગ્યાએ કોઈ થયેલો જ નહીં, એક પણ માણસ નિઃશંક થયેલો નહીં, આત્માસંબંધી શંકા જ રહ્યા કરે. લોક તો સંદેહ વગરનું જ્ઞાન ખોળે છે પણ એ જ્ઞાન લોકોની પાસે હોતું નથી. ક્રમિક માર્ગમાં પણ એ જ્ઞાન હોતું નથી. આ તો 'અક્રમ'નું છે, એટલે બન્યું છે. એ શંકા જાય તો કામ થાય.

આ તો દરઅસલ આત્મા અહીં પ્રાપ્ત થાય છે તેથી એક કલાકમાં નિઃશંક થાય છે. આ જેવી તેવી સાહેબી નથી. પણ મનુષ્યોને સમજાતું નથી, અક્રમ સાહેબી છે આ તો ! નહીં તો કરોડ અવતારે ય આત્માસંબંધમાં નિઃશંક ના થાય ને આત્મા લક્ષમાં જ ના આવે કોઈ દહાડો ય.

'જ્ઞાની પુરુષ' સિવાય આત્માસંબંધી શંકા કોઈ દહાડો જશે નહીં. અને જ્યાં સુધી આત્માસંબંધી નિઃશંક ન થાય ત્યાં સુધી સંસારમાં ય કોઈ પણ શંકા જાય નહીં. આત્મા સંબંધી શંકા ગઈ કે બધી શંકાઓ નિરાવરણ થઈ ગઈ. તો આપણે ત્યાં તો આત્માસંબંધી શંકા પછી રહેતી જ નથી.

ભેદ વિજ્ઞાન 'અક્રમ' થકી !

શંકા કોઈ જગ્યાએ નહીં કરવી. શંકા જેવું દુઃખ નથી આ દુનિયામાં. કારણ કે મેં તમને આત્મા આપ્યો છે, નિઃશંક આત્મા આપ્યો છે, ક્યારેય પણ શંકા ઉત્પન્ન ના થાય એવો આત્મા આપેલો છે. એટલે 'આવો હશે કે તેવો હશે' એવી ભાંજગડ જ મટી ગઈ ને ! આ તો 'અક્રમ વિજ્ઞાન' છે એટલે શુધ્ધ આત્મા જ ચોખ્ખો પ્રાપ્ત થઈ જાય છે.

નિઃશંકતા, નિર્ભયતા, અસંગતા, મોક્ષ !

બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુધ્ધાત્મા' તો નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધું ય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ 'જ્ઞાની પુરુષ' છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે 'જ્ઞાની પુરુષ' આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.

કૃપાળુદેવે તો શું કહ્યું ? 'નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.'

અનુભવ : આત્માનો, દેહાધ્યાસનો !

આપણને આધિ-વ્યાધિ-ઉપાધિ નડે નહીં એટલે જાણવું કે આપણું આ 'જ્ઞાન' સાચું છે. તમારું હજાર ડોલરનું પાકીટ પડી ગયું, એટલે 'ચંદુભાઈ'ના મનમાં જરા કચવાટ ઊભો થાય. એટલે મહીંથી 'તમે' શું કહ્યું કે વ્યવસ્થિત છે. એટલે 'ચંદુભાઈ'ને શાંત કરી નાખ્યા. તે ઘડીએ મહીં અનુભવ થયો, એ આત્માનો અનુભવ થયો ને શાંત ના રહ્યો ને કકળાટ કર્યો, એ દેહાધ્યાસનો અનુભવ થયો. તો એવો આત્માનો અનુભવ થયો છે, એવો અનુભવ થાય છે ને ? કોઈ જગ્યાએ અપમાનવાળી જગ્યા લાગે તો ય આબરૂ જતી રહેતી નથી ને ?

પ્રશ્નકર્તા : ના, હવે નથી જતી.

દાદાશ્રી : પહેલાં જતી રહેતી, નહિ ?

પ્રશ્નકર્તા : પહેલાં તો ઊંચા-નીચા થઈ જતા હતા.

દાદાશ્રી : એટલે જેમ જેમ અનુભવ થતાં જશે તેમ તેમ એ સ્થિતિ અનુભવની કાયમ થતી જશે પછી અને છેવટે આ જેમ બોલ નાખ્યો અને એની પછી ગતિ સ્થિર થઈ જાય એવી રીતે આ અનુભવ સ્થિર થઈ જાય. દસ-પંદર વર્ષ આ કરવું.

અનુભવની શ્રેણીઓ ?

પ્રશ્નકર્તા : શુધ્ધાત્માના અનુભવ માટે કશું કરવાની જરૂર ખરી ?

દાદાશ્રી : તમને શુધ્ધાત્માનું લક્ષ આખો દહાડો રહે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ત્યારે આથી તો અનુભવ બીજો કયો ? એ જ શુધ્ધાત્માનો અનુભવ છે. બીજા કોઈને પૂછી આવો હિન્દુસ્તાનમાં કે શુધ્ધાત્માનું લક્ષ કોઈને છે ? આ 'જ્ઞાન' પછી શુધ્ધાત્માનો અનુભવ થઈ ગયેલો જ છે. એનાં અંશ વધતા જાય છે. હવે જે અનુભવ થયો ને, પછી અંશ દિવસે દિવસે વધતા જ જાય.

દ્રષ્ટિ બદલાઈ ત્યારથી જ શુધ્ધાત્માનો અનુભવ કહેવાય છે. દ્રષ્ટિ બદલાઈ તો શાની પર દ્રષ્ટિ પડી ? તે 'હું શુધ્ધાત્મા છું' એવો અનુભવ તમને થઈ ગયો. હવે 'હું આત્મા છું' એ નક્કી થઈ ગયું, ડિસાઈડ થઈ ગયું. પછી ધીમે ધીમે અનુભવ વધતો વધતો કેવળજ્ઞાન સુધી જાય. કેવળજ્ઞાન એ સંપૂર્ણ અનુભવ છે. એટલે આ અત્યારે અંશે અંશે અનુભવ થયા કરે છે.

અનુભવ મહીં હોય જ !

જે દહાડે જ્ઞાન આપીએ છીએ, તે રાતનો જે અનુભવ છે એ જતો નથી. શી રીતે ખસે પછી ?! હવે અમે જે આપ્યું હતું ને, તે રાતનો અનુભવ હતો તે જ કાયમને માટે છે. પણ આ તમારા કર્મો ફરી વળ્યા છે, પૂર્વકર્મો, જે ભોગવટો બાકી રહ્યો છે એ માગતાવાળા ફરી વળે તેમાં હું શું કરું ?

પ્રશ્નકર્તા : દાદા, હવે એવો ભોગવટો લાગતો નથી.

દાદાશ્રી : ના, એ નથી લાગતો એ જુદી વાત છે. પણ માગતાવાળા વધારે હોય, તેને વધારે ફરી વળે. પાંચ માગતાવાળાને પાંચ, બેવાળાને બે અને વીસવાળાને વીસ. મેં તો તમને ભગવાનપદમાં મૂકી દીધા. પણ પછી માગતાવાળા બીજે દહાડે આવે એટલે સફોકેશન જરા થાય.

અમૃતબિંદુ આસ્વાદન !

મહીં 'સ્વરૂપ'નો સ્વાદ આવ્યો, ત્યારથી નિરંતર અમૃતના ટપકાં પડ્યા કરે. જ્યારથી અમે 'જ્ઞાન' આપીએ ને, ત્યારથી મહીં અમૃતના ટપકાં શરૂ થઈ જાય. આરોપિત ભાવ છે ત્યાં સુધી વિષના ટપકાં પડ્યા કરે.

કાયમી સુખ આત્મએકતામાં !

આત્મા વૃત્તિઓને શું કહે છે ? હે ચંદુભાઈ, તમારે જો તમારું કરવું હોય તો હું છું જ અને જો તમારે મારી જોડે એકતા કરવી હોય તો જે જોઈતું હોય તે મળશે, કાયમનું સુખ મળશે. અને એકતા ના કરવી હોય તો તમારું સુખ ખોળો, બહારથી.

મોક્ષે જનારા કેવાં હોય ? 'પોતાનું' જ સુખ ભોગવે.

પેરાલિસીસ થાય તો ય સુખ ના જતું રહે, તેનું નામ આત્માનુભવ. માથું દુઃખે, ભૂખ લાગે, બહાર ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ મહીં શાતા જતી નથી, એને આત્માનુભવ કહ્યો. આત્માનુભવ તો દુઃખને ય સુખ કરી આપે અને મિથ્યાત્વીને તો સુખમાં ય દુઃખ લાગે. કારણ કે દ્રષ્ટિફેર છે. યથાર્થ, જેમ છે તેમ દેખાતું નથી, ઊંધું દેખાય છે. માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બાકી ક્રિયાઓ લાખો અવતાર કર્યા કરશો તો ય તેનું ફળ સંસાર જ મળશે. દ્રષ્ટિ બદલવાની છે. અજ્ઞાને કરીને ઊભા કરેલાંનો જ્ઞાને કરીને છેદ કરવાનો છે. પુદગલમાં જે ખળભળાટ છે તે બંધ થઈ જાય એટલે આત્માનો અનુભવ થાય.

પોતાનું પોતે પામ્યા !

સુખ તો આપણી મહીં જ હતું. કંઈ જ્ઞાની પુરુષ આપી દે છે એવું નથી ? એમની પાસેથી આપી દે તો એમની પાસે ખલાસ થઈ જાય. આ ય તમારું જ તમને દેખાડી દઈએ કે, 'ભઈ, તમે આ ચાખ્યા કરો હવે.' આવરણ તોડી આપે. નીરાવરણ થયું એટલે સુખની ધારા ચાલુ થઈ જાય. આપણે શુધ્ધાત્મા, અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખનું ધામ ! એટલું સુખ આપણામાં હોય છે કે કોઈ આપણને જુએ તો એને પણ સુખ થઈ જાય, એવો ફેરફાર થઈ જાય !

આત્મસુખની અનુભૂતિ !

પ્રશ્નકર્તા : આત્મદશામાં આત્માનું સુખ કેવી રીતે ખબર પડે કે આ આત્માનું જ છે ?

દાદાશ્રી : બહારથી કશામાંથી સુખ ના હોય, કંઇ જોવાથી સુખ ઉત્પન્ન થયેલું ના હોય, કંઇ સાંભળવાથી, ખાવાથી, સ્પર્શથી, ઠંડકથી કે કોઇ જાતનું ઇન્દ્રિયસુખ ના હોય, પૈસાને લીધે સુખ ના હોય. કોઇ 'આવો' કહેનારું ના હોય, વિષયસુખ ના હોય, ત્યાં આગળ મહીં જે સુખ વર્તાય, તે આત્માનું સુખ છે. પણ આ સુખની તમને ખાસ ખબર ના પડે. જ્યાં સુધી વિષયો હોય ત્યાં સુધી આત્માનું સ્પષ્ટ સુખ ના આવે.

એ અનુભવ કોને થયો ?

પ્રશ્નકર્તા : આત્માનુભવ કોને થાય છે ? અનુભવ કરનાર કોણ ?

દાદાશ્રી : 'પોતાને' જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી, તે જતી રહે છે ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. 'હું ચંદુભાઈ છું' એ ભાન 'જેને' હતું, તેને હું એ ભાન છોડાવું છું ને 'હું શુધ્ધાત્મા છુંં'નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે, તેને અનુભવ થાય છે. 'હું ચંદુભાઈ છું' એ સ્થૂળ અહંકાર છૂટ્યો પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને છેલ્લે સૂક્ષ્મતમ અહંકાર હોય છે. સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થાય છે કે 'હું શુધ્ધાત્મા છું.' જે આજ સુધી અવળો ચાલ્યો હતો, તે પાછો ફર્યો. 'આ' જ્ઞાન પછી તમારે હવે સ્થૂળ અહંકાર રહે, કે જે નિર્જીવ છે. સજીવ ભાગ ખેંચાઈ ગયો. સ્થૂળ અહંકારનો ફોટો પડે. પછી રહે છે સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહંકાર, કે જેને અનુભવ થાય છે. આ કોના જેવી વાત છે ? વાતચીત કરતાં 'ડોઝિંગ' થાય અને પાછો વાતચીત કરે. આમાં કોને 'ડોઝિંગ થયું ને કોણે જાણ્યું' એના જેવું છે !

શુધ્ધાત્મા કહેવાનું રહસ્ય !

પ્રશ્નકર્તા : આત્મા અને શુધ્ધાત્મા, એ બેમાં શું ફેર ? આત્મા તો શુધ્ધ જ હોય ને, તો પછી એને શુધ્ધાત્મા કહેવાનું રહસ્ય શું છે ?

દાદાશ્રી : શુધ્ધાત્મા કહેવાનું રહસ્ય એટલું જ છે કે તમે શુધ્ધાત્મા છો, એવું તમને લક્ષ બેઠું છે ને ? તો રસ્તામાં જતાં કોઈ પણ જીવ તમારા પગ નીચે દબાઈ ગયો, તે ઘડીએ તમારે તમારી જાતને શુધ્ધાત્માનું જ્ઞાન હોય કે 'હું શુધ્ધાત્મા છું', તો તમને દોષ બેસે નહીં અને આત્માવાળાને દોષ બેસે.

ત્રણેય કાળ શુધ્ધપણું !

હવે તમારાથી કોઈ જીવડું વટાઈ જાય તો તમને શંકા પડે, કે મને પાપ લાગ્યું ? એ શંકા ના થવા માટે આ શુધ્ધાત્મા ! તમે શુધ્ધ જ છો. બહાર જે થાય છે, તેમાં તમે શુધ્ધ જ છો. તમારા શુધ્ધપણાને બાધક થતું નથી. તમે કર્તા નથી. શુધ્ધાત્મા છો એટલે એને દોષ બેસે નહીં. એના બધા દોષ નિકાલ થઈ જાય. એટલે શુધ્ધાત્મા તો મુખ્ય વસ્તુ છે. પોતે શુધ્ધાત્મા છે. શુધ્ધ થયા પછી પોતાને અડે નહીં. માટે શંકા ના આવવી જોઈએ કે આવું કેમ થાય છે ? તમે શુધ્ધાત્મા જ છો, ત્રણેય કાળ શુધ્ધાત્મા જ છે. હવે કંઈ ફેરફાર થાય નહીં.

આવી શંકાને ય જાગૃતિ !

તમે શુધ્ધાત્મા થયા એટલે તમને અશુધ્ધિ અડે નહીં. ત્યારે કોઈ કહેશે, 'મને કોઈ ફેરો શંકા પડી જાય છે કે આ કર્મ મને બંધાશે કે શું ?' ત્યારે ભગવાને કહ્યું કે 'શંકા પડે છે માટે નહીં બંધાય. કારણ કે જગતના લોકોને તો શંકા પણ પડે નહીં. ને તમને શંકા પડે છે એટલે તમે જાગૃત છો.' એટલે શંકા પડે તેને ય ભગવાને કહ્યું કે 'કર્મ નહીં બંધાય.' ત્યારે ભગવાન દાનવીર જેવાં છે ને ?! શંકા પડે તો ય કહે છે, 'ના, તને છોડી દઈશું.'

શુધ્ધાત્મા શુધ્ધ, 'ડિસ્ચાર્જ' નિકાલી !

આ 'જ્ઞાન' થયા પછી આ ચંદુભાઈ ગમે તેવું કરે, લોકો વગોવણું કરે એવું કરે તો ય તમને એમ ના થઈ જવું જોઈએ કે હું અશુધ્ધ થઈ ગયો, હું બગડી ગયો છું. એની અસર તમે માથે ના લેશો. તમે શુધ્ધ જ છો. આત્માને વળી શુધ્ધ શું ને ના શુધ્ધ શું ? પણ લોકોનાં મનમાં તો પેલી અસર થઈ જાયને, કે હું હવે પહેલાં જેવો નથી, બગડી ગયો. અલ્યા, બગડનારી વસ્તુ બગડી ગઈ, ખમીશ બગડી જાય તેથી કંઈ દેહ હઉ બગડી ગયો ?!

આ ચંદુભાઈથી અત્યારે કંઈક કર્મનો ઉદય રાશી હોય અને કોઈ વખત એટલું બધું ખરાબ કામ થઈ જાય તો પણ એ તમારે લક્ષમાં લેવાનું નહીં. તમે શુધ્ધાત્મા જ છો અને શુધ્ધતા તમારી બગડતી જ નથી. એટલા માટે શુધ્ધાત્મા બોલાવું છું. નહીં તો પેલું ગૂંચાઈ જાય કે 'હું બગડ્યો, હું બગડ્યો છું.' આ કોઈ પણ હિસાબે બગડવાનું નથી. પેલું તો ડિસ્ચાર્જ કર્મ છે. ચાર્જ ઉપર કશી અસર કરતું નથી. આ છો ને, બધું થાય. આ તો બધું પ્રાકૃત ગુણો છે અને તે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ચાર્જ હોય ત્યાં મુશ્કેલી. હવે ચાર્જ થતું જ નથી. ડિસ્ચાર્જ છે. ચાર્જ થતું હોય તો શુધ્ધાત્માનું લક્ષ બેસે જ નહીં કોઈ દહાડો ય.

ભ્રાંતિ રસથી ચોંટેલું

પ્રશ્નકર્તા : ખરાબ કામ જે થઈ ગયું, એમાં મોરાલિટી ઓછી થઈને, એટલી ?

દાદાશ્રી : મોરાલિટી, તે આપણે જોવાની જરૂર નથી. એક ફેરો શુધ્ધાત્મા જો તમે થયા હોય, શુધ્ધાત્મા રીયલાઈઝ કર્યું હોય, ને શુધ્ધાત્મા તમને લક્ષમાં રહેતો હોય, તો પછી બહાર જે થયું, એના જોખમદાર તમે નથી. એટલે તમને શુધ્ધાત્માની શંકા નહીં પડવી જોઈએ, કે 'હવે હું શુધ્ધાત્મા રહ્યો નથી ને પાપી થઈ ગયો છું.'

પ્રશ્નકર્તા : પણ એ સાયકોલોજિકલ કોમ્પ્લેક્સ થાય છે. મહીં સંઘર્ષ હજી થઈ જાય છે.

દાદાશ્રી : એ મહીં અસર થાય છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ ન થવી જોઈએ. ગમે તેવું ખરાબ કામ થઈ ગયું હોય તો ય પણ ના થવી જોઈએ. હું શુધ્ધાત્મા, બસ શુધ્ધ જ છું. કારણ કે એક ફેરો એને જુદો પાડીને શુધ્ધ કરી આપ્યો પછી શુધ્ધ જ છે અને આમ પહેલા અશુધ્ધિ ય ક્યાં હતી ? અશુધ્ધિ હતી જ નહીં. ફક્ત શુધ્ધાત્મા અને આ પ્રકૃતિ, એ બેની ચોંટ હતી. તે શેનાથી ચોંટતો હતો ? ભ્રાંતિરસથી. ભ્રાંતિરસ ક્યાંથી ઉત્પન્ન થતો હતો ? 'આ મેં કર્યું' એમ કહ્યું કે ભ્રાંતિરસ ઉત્પન્ન થયો, એ બેના સાંધાની વચ્ચે પડ્યો. એટલે એ ભ્રાંતિરસ તે કોઈ દહાડો ય ઉખડે નહીં. એ અમે ઉખાડી આપીએ અને ઉખડ્યા પછી ચોંટે નહીં ફરી. એટલે તમારે શુધ્ધાત્મા જ રહેવાનું. પછી દોષ બધો પ્રકૃતિનો છે. પણ પ્રકૃતિ આપણા લીધે ઊભી થયેલી છે, આપણી ભૂલથી. માટે આપણે એનો ઉકેલ લાવવાનો છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે. 'ચંદુભાઈ પાસે એ દોષોના પ્રતિક્રમણ કરાવવાના છે. ચંદુભાઈને કહીએ, 'પ્રતિક્રમણ કરો.'

આત્મા : અવ્યાબાધ સ્વરૂપ !

'હું શુધ્ધાત્મા છું' એ લક્ષમાં બેઠું, ત્યારથી અનુભવ શ્રેણીઓ શરૂ થઇ જાય. જીવડું પગ નીચે વટાઇ ગયું તો 'એને' શંકા પડે, નિઃશંકતા ના રહી શકે. માટે ત્યાં સુધી 'ચંદુલાલ' પાસે 'તમારે' પ્રતિક્રમણ કરાવવું પડે કે ચંદુલાલ, તમે જીવડું વાટ્યું માટે પ્રતિક્રમણ કરો. એમ કરતાં કરતાં સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. ત્યાં સુધી તો જપ આત્મા, તપ આત્મા, ત્યાગ આત્મા, સત્ય આત્મામાં હોય છે, એ શુધ્ધાત્મામાં નથી. એ શ્રેણી ના કહેવાય. એટલે એ માણસ મોક્ષે જશે કે કઇ બાજુ જશે એ કહેવાય નહીં. શુધ્ધાત્માનું લક્ષ બેઠા પછી શ્રેણી મંડાય. ત્યાર પછી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, સૂક્ષ્મ છે, અમૂર્ત છે એ અનુભવમાં આવતું જાય.

પ્રશ્નકર્ર્તા : અવ્યાબાધ એટલે શું ?

દાદાશ્રી : અવ્યાબાધનો અર્થ એ થાય કે મારું સ્વરૂપ એવું છે કે કોઇ જીવને કિંચિત્ માત્ર ક્યારેય પણ દુઃખ ન કરી શકે અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારે ય પણ ના થાય; એવી જ રીતે આપણને પણ સામો દુઃખ ના દઇ શકે એ અનુભવ થઇ જાય. સામાને એનો અનુભવ નથી, પણ મને તો અનુભવ થઇ ગયો. પછી મારાથી દુઃખ થશે એવી શંકા ના રહે. જ્યાં સુધી સામાને મારાથી દુઃખ થાય છે એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું, એ શંકાનું નિવારણ કરવાનું. અને 'આપણું' તો તેનું તે જ સ્વરૂપ છે; અવ્યાબાધ ! 'જ્ઞાની પુરુષે' જે ગાદી પર બેસાડ્યા, તે ગાદી પર બેઠા બેઠા કામ કર્યા કરવાનું !!

પ્રશ્નકર્ર્તા : આ પીડા કોને થાય છે ? આત્માને ?

દાદાશ્રી : આત્માને ક્યારેય પીડા અડી જ નથી. અને જો પીડા અડે, એનો સ્પર્શ થાય તો એ પીડા સુખમય થઇ જાય. આત્મા અનંત સુખનું ધામ છે. માનેલા આત્માને પીડા થાય છે, મૂળ આત્માને કશું જ થતું નથી. મૂળ આત્મા તો અવ્યાબાધ સ્વરૂપ છે ! જરા ય બાધા-પીડા વગરનો છે !! આ દેહને છરી મારે, કાપે તો બાધા-પીડા ઊભી થાય, પણ આત્માને કશું જ ના થાય.

શુધ્ધાત્મા, પછી કેવળજ્ઞાન સ્વરૂપ !

શુધ્ધાત્મા શબ્દ એ તો ખાલી સંજ્ઞા જ છે. એનાથી હું શુધ્ધ જ છું, ત્રણેય કાળ શુધ્ધ જ છું. એ સંજ્ઞામાં રહેવાય. શુધ્ધતા માટે નિઃશંકપણું ઉત્પન્ન થાય. ત્યાર પછીનું પદ એટલે 'કેવળજ્ઞાન સ્વરૂપ' આપણું !

બાકી, 'દરઅસલ આત્મા' તો 'કેવળજ્ઞાન સ્વરૂપી' જ છે. એટલે અમારામાં ને તમારામાં ફેર શો ? 'અમે' 'કેવળજ્ઞાન સ્વરૂપે' રહીએ છીએ અને 'તમે' (મહાત્માઓ) 'શુધ્ધાત્મા' તરીકે રહો છો. તમને મૂળ આત્માની જે શંકા હતી તે જતી રહી, એટલે બીજી શંકાઓ જતી રહે. પણ છતાં ય મહીં બુદ્ધિશાળી માણસોને ય પાછી શંકા, મૂળ સ્વભાવ એ હોય ને, તો ફરી શંકા ઊભી થઈ જાય.

કેવળજ્ઞાન સ્વરૂપ કેવું દેખાય ? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ ખાલી દેખાય, બીજું કશું દેખાય નહીં, કોઇ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ ધીમે ધીમે અભ્યાસ કરતા જવાનું છે. અનાદિકાળના અન્-અભ્યાસને 'જ્ઞાનીપુરુષ'ના કહેવાથી અભ્યાસ થતો જાય, અભ્યાસ થયો એટલે શુધ્ધ થઇ ગયું !

પ્રશ્નકર્તા : 'હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' એમ વધારે બોલીએ તો વાંધો છે ?

દાદાશ્રી : કશો વાંધો નહીં. પણ શબ્દરૂપે બોલવાનો અર્થ નહીં, સમજીને બોલવું સારું. જ્યાં સુધી અશુધ્ધ બાબત આવે ને તે વખતે મહીં પરિણામ ઊંચાં-નીચાં થઇ જાય ત્યાં સુધી 'હું શુધ્ધાત્મા છું' બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં 'હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' એમ બોલાય. ગુણોની ભજના કરે, તો સ્થિરતા રહે ! આ મારું સ્વરૂપ છે અને આ ન હોય, આ જે થાય છે, એ મારું સ્વરૂપ ન હોય. એવું બોલો તો ય ઊંચાં-નીચાં પરિણામ બંધ થઇ જાય, અસર ના કરે. આત્મા શું છે ? એના ગુણ સહિત બોલવું, જોવું, ત્યારે એ પ્રકાશમાન થાય.

નિજવસ્તુ રમણા !

પ્રશ્નકર્તા : 'નિજવસ્તુ રમણતા' કેવી રીતે થાય ?

દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એવું કલાક-બે કલાક બોલે તો ય ચાલે, એમ કરતાં કરતાં રમણતા આગળ વધે !

પ્રશ્નકર્તા : રમણતા તો બધી વિવિધ રીતે હોય ને ?

દાદાશ્રી : એ તો જેને જેવું આવડે એવું એ કરે. સ્થૂળમાં હોય તો, 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' બોલ્યા કરે અગર તો ચોપડી લઈને 'હું શુધ્ધાત્મા છું' એવું લખ્યા કરે. એનાથી શું થાય ? તો કહે, દેહ હઉ રમણતા કરે છે, વાણી હઉ રમણતા કરે છે, મન પણ મહીં આવી જાય.

પહેલું જાડું કરે ને પુદગલ રમણતા છૂટવા માંડે. એમ કરતાં કરતાં ઝીણું થાય અને જો એનાં ગુણ જ બોલ્યા કરે, એ સાચી રમણતા કહેવાય. એ તરત જ 'ઓન ધ મોમેન્ટ' ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.

પ્રશ્નકર્તા : જેવાં આ પુદગલના રસો છે, તેમ આત્માના રસો, આનંદ પ્રગટ થવાં જોઈએ ને ?

દાદાશ્રી : એવું છે કે તમે અપરિગ્રહી શાના આધારે છો ? 'અક્રમ વિજ્ઞાન'ના આધારે ! પણ વ્યવહારથી અપરિગ્રહી નથી, એટલે 'અપરિગ્રહી દશા' જ્યાં સુધી ના થાય ત્યાં સુધી છેલ્લી 'વસ્તુ' હાથમાં ના આવે !

પ્રશ્નકર્તા : ત્યાં સુધી સાચો રસ, આનંદ મેળવવા અમારે શું કરવું ?

દાદાશ્રી : 'હું અનંત જ્ઞાનવાળો છું', 'હું અનંત દર્શનવાળો છું', 'હું અનંત સુખનું ધામ છું', 'હું અનંત શક્તિવાળો છું'... બોલો. એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય ! આત્મા તો પોતે આનંદમય જ છે, એટલે એ વસ્તુ સર્વ રસમય જ છે ને તે પોતાને હોય છે જ. પણ પોતાની જાગૃતિની કચાશને લીધે એ ક્યાંથી આવે છે, એ ખબર પડતી નથી.

પ્રશ્નકર્તા : પુદગલના રસોને દબાવીએ, તો આત્માના રસો ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : ના, દબાવવાનો અર્થ જ નથી. એ તો એની મેળે ફિક્કા થઈ જાય. આત્માના ગુણો કલાક કલાક સુધી બોલો તો તરત ઘણું ઘણું ફળ આપે. આ તો રોકડા ફળવાળી વસ્તુ છે. અગર તો દરેકની મહીં 'શુધ્ધાત્મા' જોતાં જોતાં જાવ તો ય આનંદ થાય એવું છે.

પ્રશ્નકર્તા : સામા માણસમાં શુધ્ધાત્મા જોઈએ, તો સામા માણસને આનંદ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ના થાય. કારણ કે એની વૃત્તિઓ તે ઘડીએ શેમાં ય પડેલી હોય ! એ શેનાં ય વિચારમાં પડેલો હોય ! હા, એનામાં 'શુધ્ધાત્મા' જોવાથી તમને બહુ ફાયદો થાય. સામાને ફાયદો તો 'જ્ઞાની પુરુષ' એકલાં કરી શકે !

પ્રશ્નકર્તા : દાદા, આપે ચાર પ્રકારની આત્મરમણતા કહી, તે જરા ફરીથી કહો.

દાદાશ્રી : કેટલાક 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' બોલે, કેટલાંક 'હું શુધ્ધાત્મા છું' એમ લખીને કરે, તો એમાં દેહ પણ રમણતામાં પેઠો કહેવાય. દેહ, વાણી અને મન - ત્રણેય લખવામાં હાજર હોય અને કેટલાંક બહારનો વ્યવહાર ચાલતો હોય છતાં ય અંદર જે 'શુધ્ધાત્મા'ની ખરેખર રમણા કરે તે અને શુધ્ધાત્માના ગુણોમાં રમણા કરે. જેમ કે 'હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત શક્તિવાળો છું'... એ સિદ્ધ સ્તુતિ કહેવાય. એ બહુ ફળ આપનારી છે !

પ્રેક્ટિકલ તે જ અનુભવ આત્માનો !

જ્ઞાનીઓએ આત્માનો અનુભવ કોને કહ્યો ? ગઈ કાલ સુધી જે દેખાતું હતું, તે ઊડ્યું ને નવી જ જાતનું દેખાયું. અનંત અવતારથી ભટકતા હતા, ને જે 'રિલેટિવ' દેખાતું હતું તે ગયું અને નવી જાતનું 'રિયલ' દેખાવાનું શરૂ થયું, એ આત્માનો અનુભવ ! દ્રશ્યને અદ્રશ્ય કર્યું ને અદ્રશ્ય હતું તે દ્રશ્ય થયું!!

'થિયરેટિકલ' એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય. અને 'પ્રેક્ટિકલ' એ અનુભવ કહેવાય.

'દાદા' પરિચયે પમાય પૂર્ણત્વ !

આ 'અક્રમ વિજ્ઞાન' થકી તમને પણ આત્માનુભવ જ પ્રાપ્ત થયો છે. પણ તે તમને સહજ પ્રાપ્ત થયેલો છે, તેથી તમને પોતાને લાભ થાય, પ્રગતિ મંડાય. 'જ્ઞાની'ના પરિચયમાં વિશેષ વિશેષ રહીને સમજી લેવાનું છે. કરવાનું કશું ય નથી.

અને આ કંઈ પોપાબાઈનું રાજ નથી. હું એક કલાકમાં મોક્ષ આપું છું, તે આ પોપાબાઈનાં રાજથી થતું નથી. આવું બની શક્યું નથી, હું તો નિમિત્ત છું. આ તો અપવાદ માર્ગ છે. જ્યાં નિયમ હોયને, ત્યાં અપવાદ હોયા વગર રહે જ નહીં. એવો આ અપવાદ માર્ગ છે ને એનો નિમિત્ત હું બની ગયો છું.

'આ' કામ પૂરું કરી લેવું !

આમ રાગે ચાલે છે ને બધું ?

પ્રશ્નકર્તા : હલકો થયો એવું લાગે છે. બોજો નથી રહેતો.

દાદાશ્રી : મહીં ગૂંચાય ખરું હવે ક્યારે ય ?

પ્રશ્નકર્તા : પણ બહુ જલ્દી નિકાલ આવી જાય, જલદી રાગે પડી જાય.

દાદાશ્રી : થયું ત્યારે. આ એક ભવમાં કામ કાઢી લો. આ કોઈ વખત બનતું જ નથી અને આ નવું બન્યું છે. તો લાભ ઉઠાવીને પૂરું કરી લેવું જોઈએ ને ! આપણે કામ સાથે કામ ! 'દાદા'ના કહેવા પ્રમાણે, બસ !! બીજી ભાંજગડ આપણી ન્હોય. આ મળ્યું તો પૂરું કરી લેવું. બીજ, ત્રીજ, ચોથ થાય છે ને ? દહાડે દહાડે વધતું જાય છે ને ?!

પ્રશ્નકર્તા : વધે છે.

દાદાશ્રી : તમારે હવે આ આખી લાઈફ છે. એટલે આ પૂરેપૂરું આપણું મોક્ષનું કરી લેવું. કામ કાઢી લેવું !

- જય સચ્ચિદાનંદ