મહાત્માઓનો, માત્ર ચારિત્રમોહ (ડિસ્ચાર્જ) !

સંપાદકીય

અક્રમ માર્ગે જ્ઞાનીપુરુષની કૃપાથી સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પામેલા મહાત્માઓને બાકી રહેલા જીવનના કાર્યો વખતે જે મોહ ભાસિત થાય છે, જેનાં માટે સતત મુંઝવણો થતી રહે છે તેને સદંતર નાબૂદ કરતી વાણી અત્રે સંકલન થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ તમામ મોહને ચારિત્રમોહ એટલે નિકાલી, ડિસ્ચાર્જ મોહ કરીને કચરો કરી નાખ્યો છે !

મહાત્માઓને વારંવાર પ્રશ્નો થયા જ કરતા હોય છે કે આમ કરવાથી કર્મ બંધાય ? આમ ના કરવાથી ના બંધાય ? પૂજ્યશ્રીએ ઓથોરીટી સાથે કહી દીધું કે અક્રમ વિજ્ઞાન દ્વારા, જ્ઞાન આત્મા પામ્યા પછી દર્શનમોહ (ચાર્જમોહ) જાય છે અને પછી જે પણ કંઈ મોહ રહે છે, તે ડિસ્ચાર્જમોહ છે. શાસ્ત્રકારોએ જેને ચારિત્રમોહ કહ્યો છે, જે કંઈ પણ કર્મ બાંધતો નથી, તેને માત્ર 'જોયા' જ કરવાનો છે, ડખોડખલ કર્યા વિના ! આટલું જ જો સમજી જાય, જે પ્રમાણે જેને 'સેટિંગ' થાય, તેને જ્ઞાની જેવી જ અંદર બહાર દશા વર્તે.

પ્રસ્તુત સંકલન મહાત્માઓને સૂક્ષ્મતાએ ગેડ બેસવા માટે અત્યંત ઉપકારી થશે !

- જય સચ્ચિદાનંદ

મોક્ષ માર્ગે માઈલસ્ટોન !

પ્રશ્નકર્તા : અક્રમમાર્ગે મોક્ષે જતાં માઈલસ્ટોન ક્યા ક્યા ?

દાદાશ્રી : ફરી પ્રશ્નો ઊભાં ના થાય એ માઈલસ્ટોન. તમને પ્રશ્નો ઊભાં થતાં નથી તેથી કરીને આ તમારા માઈલસ્ટોન સારાં. હવે આ બીજા લોકોને ય પ્રશ્નો ઊભાં નથી થતાં પણ એમને ખબર જ નથી પ્રશ્ન પૂછવાની. ખબર જ ના હોય ને, પ્રશ્ન કેવી રીતે પૂછવો તે. એટલે એમને માઈલસ્ટોન વધી ગયા નથી અને તમે પ્રશ્ન પૂછયો એટલે તમારે ઘટી ગયા છે એવું નથી.

આમ માલ ખાલી થવા દઈએ !

એટલે મેં આ જે 'જ્ઞાન' આપ્યું છે ને, કશું પૂછવા જેવું નથી ને પૂછે છે એ પોતાનો જે મહીં માલ ભરેલો છે એ માલ ખાલી કરે છે, તે હું ખાલી કરવા દઉં. ને નીકળી જાય એટલે પછી નહીં નીકળે, પછી વાંધો નહીં આવે. કારણ કે ડિસ્ચાર્જ એટલે ખાલી થવું. ડિસ્ચાર્જનો અર્થ શું ? ખાલી થયા કરવું. તે સારું છે કે અહીં મારી હાજરીમાં ખાલી થઈ જાય, નિકાલ થઈ જાય. એટલે આપણે સમજવાનું કે મૂળ વસ્તુ આ છે, ને આ વ્યાપાર કર્યો હતો. તે વેપાર હવે નિકાલ કરી નાખવાનો છે. આ વેપાર આપણને નુકસાનકર્તા છે એટલું સમજવું જોઈએ. બાકી નિકાલ તો કરવો જ જોઈએ. અને તમને એમ ના કહીએ કે 'આ વેપાર ખોટો છે.' અમે અહીં ખાલી કરવા દઈએ. અમે જાણીએ ને જોઈએ, એટલું કર્યા કરીએ અને કંઈ જવાબ માગે તો જવાબ આપીએ પણ બધાનું સાંભળવાનું ખરું જ.

પ્રશ્નકર્તા : પણ જેનાં જવાબ નથી આપતાં ને, ત્યારે ઘણું બધું સમજાઈ જાય છે. તમે મૌન રહો છોને, ત્યારથી અંદરથી આમ બધું ઓપન થવા માંડે છે.

દાદાશ્રી : હા, આ તો એવું છે ને, આ બધાનામાં પણ વધતો-ઓછો બધો આ જ માલ ભરેલો ને ! કો'કની દુકાન મોટી એટલે ગુણો બંધ ભયુર્ં અને કો'ક અધમણ-બે-ત્રણ ભર્યું. પણ આ બધાએ માલ કાઢવો તો પડશે ને !

પ્રશ્નકર્તા : અમે તો બધો કચરો જ ભર્યો છે, મ્યુનિસિપાલિટીનો.

દાદાશ્રી : એ કચરો હોય કે ગમે તે, પણ આપણને હેલ્પ કર્યું ને ! એ જે ભર્યું હતું તે એના ધક્કાથી આપણે દાદા પામ્યા, એટલે આપણે એને કચરો કેમ કહીએ હવે ?! અત્યારે છે કચરારૂપે, પણ એને કચરો આપણે ન કહીએ. એના લાભથી આપણે આ લાભ પામ્યા છીએ. માટે આ દેહનો ય ઉપકાર છે. આ દેહે ય ઉપકારી છે અને કંઈ દવા કરવી પડે, તો દેહની દવા કરવી. કારણ કે અનંત અવતાર દેહ કર્યા, પણ આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો કે જે દેહે 'જ્ઞાની પુરુષ' ઓળખ્યા ને 'જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા અને તેમની પાસેથી 'જ્ઞાન' પામ્યા.

ત્યારે થવાય જ્ઞાની !

પ્રશ્નકર્તા : દાદા, આપ જેવી રીતે બીજાના સુખને માટે પ્રયત્ન કરો છો અને કેટલાંયને ભયંકર દુઃખની યાતનામાંથી પરમ સુખી બનાવી દો છો, તો એવું અમારે થવું હોય તો થઈ શકીએ કે નહીં ?

દાદાશ્રી : હા, થઈ શકો. પણ તમારી એટલી બધી 'કેપેસિટી' આવવી જોઈએ. તમે નિમિત્તરૂપ બની જાવ. એટલે માટે હું તમને તૈયાર કરી રહ્યો છું. બાકી તમે કરવા કે બનવા જાવ તો કશું બને એવું નથી !

પ્રશ્નકર્તા : તો નિમિત્તરૂપ બનવા માટે અમારે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આ જ બધું હું કહું છું તે અને નિમિત્તરૂપ બનાવતાં પહેલાં અમુક જાતનો 'કાટ' નીકળી જવો જોઈએ.

એમાં કોઈના ઉપર ગુસ્સે થવાનો, કોઈની પર ચિઢાવાનો, એવાં બધા હિંસકભાવ થવાં ના જોઈએ. જો કે ખરેખર તમને આ હિંસકભાવ નથી. આ તમારા 'ડિસ્ચાર્જ' હિંસક ભાવ છે, પણ જે 'ડિસ્ચાર્જ' હિંસકભાવ છે તે ખલાસ થશે ત્યારે આ બધી શક્તિઓ છે તે 'ઓપન' થશે. 'ડિસ્ચાર્જ ચોરીઓ', 'ડિસ્ચાર્જ અબ્રહ્મચર્ય', એ બધાં 'ડિસ્ચાર્જ' ખાલી થાય, ત્યાર પછી પારકાંને માટે નિમિત્ત બનવાની શક્તિ ઉત્પન્ન થાય ! આ બધું ખાલી થાય એટલે તમે પરમાત્મા જ થયા ! આ અમારે ખાલી થઈ ગયું છે, તેથી તો અમે નિમિત્ત બન્યા છીએ !

પ્રશ્નકર્તા : એટલે પહેલાં 'કાટ' ખાલી કરવાની વાત અમારે કરવી.

દાદાશ્રી : પુરુષાર્થ કરીને બધું થાય ! પુરુષ થયો એટલે પુરુષાર્થમાં આવી શકે, એવું અમે બધું કરી આપ્યું છે ! હવે તમે તમારી મેળે જેટલો પુરુષાર્થ માંડો એટલો તમારો.

ઈફેક્ટના રહેવું જ્ઞાતા-દ્રષ્ટા !

આ 'એ. એમ. પટેલ' ભાદરણના દેખાય છે તે એમને બે ધોલો મારીએ, ગાળો ભાંડીએ, તો ય પણ અમને અસર ના થાય. 'અમે' જુદા, 'એ. એમ. પટેલ' જુદા. તમારે હઉ એવું કરવું છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આપણે શુધ્ધાત્મા. વર્લ્ડની કોઈ ઈફેક્ટ આપણને અડે નહીં ને નડે નહીં. અડે તો કહી દેવું કે 'નડવાનું નથી. આ ઘર તમારું ન્હોય, બહાર જાવ.' આપણને શું લેવાદેવા ? ઈફેક્ટ છે, બહારની ઈફેક્ટ તો હોય ને ! પણ પોતાનાં પદનું સ્થાન છોડે, એ તો મૂરખ કહેવાય. એટલે આ બીજી બધી બહારની ઈફેક્ટ છે અને તે ઈફેક્ટમાં આ લોકો પરિણામ પામીને આવતા ભવ બાંધ્યા છે. ઈફેક્ટ તો થવાની જ ને ! હમણાં વાવાઝોડું આવે તો આ બારણાં ભડાભડ અફળાય ને ઘડી પહેલાં તો કશું ન્હોતું ને ! એવી આ ઈફેક્ટો છે. સમય સમયે બદલાયા જ કરે ઈફેક્ટો. એ ઈફેક્ટમાં આપણે 'હું શુધ્ધાત્મા છું', મને કોઈ ઈફેક્ટ છે જ નહીં એમ ખ્યાલમાં રાખવાનું. રાજા જો એમ જાણે કે 'નવો પ્રધાન આવ્યો હશે, તે બહુ બુદ્ધિશાળી ને બહુ વસમો છે. તે મને શું કરશે ?' એ ગૂંચાય તો પેલો ચઢી બેસે. આપણે શુધ્ધાત્મા થયા છીએ. અને ચંદુભાઈમાં થોડો કચરો નીકળ્યો, તેથી કરીને પરિણામ ચેન્જ થયા નહીં ? એ તો છે એ જ છે. દાદાએ કહ્યું છે તે જ છે. ચંદુભાઈને ગાળો ભાંડે તો ચંદુભાઈને ઈફેક્ટ થાય, ગજવું કપાય તો ય ચંદુભાઈને ઈફેક્ટ થાય. પણ પોતે જ્ઞાતા-દ્રષ્ટા !!

એક્ઝેક્ટ રીત છે આ !

પ્રશ્નકર્તા : પ્રતિકૂળ સંજોગોમાં તરત ખ્યાલ આવી જાય કે આ બરોબર નથી.

દાદાશ્રી : હા, મહીં ચેતવ્યા જ કરે. નિરંતર ચેતવ્યા જ કરે.

પ્રશ્નકર્તા : ખ્યાલ આવે, પણ તે ઘડીએ સમતા કેમ રહેતી નથી ?

દાદાશ્રી : એ તો ચંદુભાઈને સમતા ના રહે ને ! 'તમને' તો રહે ને ! કારણ કે ચંદુભાઈ પ્રતિકૂળ સંજોગો સહન કરી શકે નહિ ને ! આપણે જુદા, ચંદુભાઈ જુદા.

પરમાણુ છૂટ્યા એટલે આપણે છૂટ્યા !

હવે આપણે પોતાને તો કરવાનું કશું રહ્યું જ નથી ને ! આપણે ચંદુભાઈને કહેવાનું કે 'કોર્ટમાં જઈ આવો, ફલાણે જઈ આવો.' આપણે ચંદુભાઈને ચેતવતા રહેવાનું, બહુ હાથ ઘાલતા હોય ને, તો આપણે ચંદુભાઈને કહીએ કે, 'ચંદુભાઈ, આપણે મોક્ષમાં જવાની તૈયારી કરી છે. અમે તો મોક્ષમાં જ છીએ, પણ તમે મોક્ષે જશો તો અમારો ઊકેલ આવશે. નહીં તો તમે જ્યાં સુધી વળગેલા છો ત્યાં સુધી અમારો છૂટકારો નથી.' માટે આપણે આમનો મોક્ષ કરાય કરાય કરવો. એટલે પરમાણુ જે પ્રયોગસા છે ને, તે વિશ્રસા થઈને નીકળી જાય. જેટલાં પરમાણુ છૂટ્યા એટલાં આપણે છૂટ્યા. નવા પ્રયોગસા થતાં નથી, નવા પ્રયોગસા બંધ થઈ ગયા છે અને મિશ્રસા વિશ્રસાના થયા કરે છે. નવા પ્રયોગસા થતાં નથી, એટલે નવા મિશ્રસા ઉત્પન્ન થતાં નથી. જૂનાં મિશ્રસા છે એટલાં જ વપરાયા કરે છે.

બોલો હવે, આ કાળમાં આવું 'જ્ઞાન' પ્રાપ્ત થાય અને લાભ ઉઠાવે તો તેનાં બાપનું, સમજણ પડે તો. ના સમજણ પડે તો ય શાંતિ તો રહે. પણ પેલું જરા ફળ કાચું પડી જાય.

'અક્રમ'નો, કેવો સાયન્ટિફિક સિદ્ધાંત !

આ બધું જ પરપરિણામ છે ને પાછું આપણા હાથમાં નથી, પરાશ્રિત છે. આખો વ્યવહાર પરાશ્રિત છે. પરાશ્રિતમાં ધર્મ કરવા જાય તો તે શી રીતે થાય ? છતાં એ માર્ગ છે. પણ તે જ્ઞાનીઓ હોય, તીર્થંકરો હોય તો જ બરાબર ચાલે, નહીં તો કશો અર્થ નથી. અર્થ એટલો જ કહે કે દારૂ પીએ તેના કરતાં આ કરે તે સારું છે, જેથી લપસી તો ના પડાય. બાકી પરાશ્રિત વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ શી રીતે બંધ થાય ? જગત એને બંધ કરવા જાય છે.

આપણું 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે, તે તમને આ બોલના દાખલા ઉપરથી સમજાવું. આપણે અજ્ઞાનતામાં હોઈએ, ત્યાં સુધી આ બોલને ફેંકીએ. એનાં પરિણામને જાણીએ નહીં. હવે આપણને જ્ઞાન થાય પછી બોલ નાખવાનું બંધ કરી દીધું, પણ એને પહેલાં ફેંકેલો એટલે એ ઉછળવાનો તો ખરો. પચીસ-પચીસ વાર ઉછળે. આપણે ફેંક્યો તે એક જ પરિણામ આપણું. હવે ક્રમિક માર્ગમાં આ ફેંક્યા પછીના ઉછળતા બોલને બંધ કરવા જાય છે ને બીજી બાજુ બોલને નાખવાનું ચાલુ રાખે છે. એટલે પાછળ બંધ કરતો જાય ને આગળ નાખતો જાય. એ તો ક્યારે પાર આવે ? આપણે શું કરીએ છીએ કે બોલને નાખવાનું બંધ કરી દઈએ છીએ અને પછી જે પરિણામ ઊછળે છે તેને 'જોયા' કરવાનું કહીએ છીએ. આ પરિણામ તો 'ડિસ્ચાર્જ' સ્વરૂપે છે એટલે એની મેળે જ બંધ થઈ જવાનાં. 'આપણે' મહીં હાથ ઘાલીએ નહીં, એટલું જ જોવાનું છે હવે.

પ્રશ્નકર્તા : પર-પરિણામમાં જવાથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઊભી થાય ખરી ?

દાદાશ્રી : પર-પરિણામમાં નરી મૂંઝવણ જ છે. એમાં જવાનું જ નહીં. પર-પરિણામને જોવાનાં. આ બોલ આપણા પરિણામથી નંખાયો, ત્યાંથી પછી પર-પરિણામ. હવે આપણે ખાલી ભાવ બંધ કરી દેવાનાં. એ ભાવ બંધ કેવી રીતે થાય ? એ 'જ્ઞાની પુરુષ'ને સોંપી દીધા એટલે એનાથી છૂટાય. પછી જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાનું. આ તો નિરંતર સમાધિ આપનારું પ્રત્યક્ષ વિજ્ઞાન છે. બોલને ફેંક્યા પછી બંધ કરવો ને બોલ નાખવાની પ્રક્રિયા ચાલુ રાખવી એ 'સાયન્ટિફિક' રસ્તો નથી. તે બોલ નાખવાનો બંધ કર્યો એટલે પેલું એની મેળે બંધ થશે જ !

તેથી આ 'અક્રમ માર્ગ'માં અમે કોઈની પાત્રતા જોતાં નથી. ક્રિયા ભણી જોશો નહીં. 'એણે' બોલ નાખવાનું બંધ કર્યા પછી ક્રિયા ભણી જોવાનું ના હોય. અમારી પાસેથી 'સ્વરૂપ જ્ઞાન' પ્રાપ્ત કરી જાય, એને પૂરેપુરું સમજી જાય પછી એ ક્રોધ કરે તો ય અમે કહીએ કે એ 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે. એ ક્રમે ક્રમે કરીને બંધ થઈ જ જવાનું. 'ડિસ્ચાર્જ' કોઈના હાથમાં છે જ નહીં, 'ડિસ્ચાર્જ'ને 'જોવાની' ને 'જાણવાની' જરૂર છે.

વ્યવહાર, ઉપધાતુ પરિણામ !

આમાં ધાતુ ને ઉપધાતુ બન્ને છે. ને ઉપધાતુનું પરિણામ વ્યવહાર છે; તેને જ ધાતુ પરિણામ કહો તો શું થાય ? તેથી તો અનંત અવતારની ભટકામણ ઊભી છે. આ 'બોલ' આપણે નાખ્યો, તે ઉપધાતુનું પરિણામ છે ને તે પાછો કંઈ એક જ વખત ઉછળીને બેસી નથી રહેતો. એમાં પાંચ-સાત વખત ઉછળ્યા જ કરે, તે ય ઉપધાતુનાં જ પરિણામ છે. ધાતુ મળ્યા પછી એટલે કે નિશ્ચય ધાતુ એક જ વખત મળી જાય તો મોક્ષ જ છે. નહીં તો આ તો બધા ઉપધાતુના મેળાપ છે. આખું જગત ઉપધાતુથી ઊભું રહ્યું છે અને તેને જ ધાતુ માને છે.

ભાવો, પારિણામિક ને ઔદાયિક !

શુધ્ધાત્માના પારિણામિક ભાવો, એ તો જ્ઞાતા-દ્રષ્ટા જ છે. આ બહાર ઔદાયિક ભાવમાં આડું-અવળું બોલી જવાયું, તે આ ચંદુલાલ જોડે પાડોશી સંબંધ રહ્યો છે. માટે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવવું. આ તો પાડોશી ભાવમાં નહીં રહેતાં નિકટ ભાવમાં આવી જવાથી આવું લાગે છે. આ પૌદ્ગલિક પરિણામોની ઈચ્છા ના હોય તો ય તે આવે, ના ઈચ્છા હોય તો ય બોલી જવાય.

જાગૃતિ, વેદનીય વખતે !

પ્રશ્નકર્તા : દાઢ દુઃખે ત્યારે આપણે કહીએ કે 'દાઢ મારી નથી.' પણ ત્યાં ખેંચાણ થાય તે શું ?

દાદાશ્રી : 'મને દાઢ દુઃખે છે,' બોલે તેને જબરજસ્ત 'ઈફેક્ટ' થાય, એકસો પચ્ચીસ ટકા દુઃખ થાય અને બીજો માણસ દાઢ દુઃખે છતાં મૌન સેવે તેને સો ટકા વેદના થાય. તે કોઈ અહંકારથી બોલે કે, 'આવી દાઢ તો ઘણાં વખત દુઃખે છે', તો પચાસ ટકા દુઃખ થઈ જાય.

વેદનાનો સ્વભાવ કેવો છે ? જો તેને પારકી જાણે તો એ જાણ્યા કરે, વેદે નહિ. 'આ મને થયું' એમ થયું તો વેદે, અને 'આ સહન નથી થતું' બોલે તો દસ ગણું થઈ જાય. એક પગ તૂટતો હોય તો બીજાને કહીએ તું ય તૂટ !

'જ્ઞાની'ને અહંકાર હોય નહીં એટલે એ દુઃખ ભોગવે નહીં. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે દુઃખતી દાઢના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે 'જ્ઞાની પુરુષ' કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન હોય તે દુઃખને વેદે નહીં, પણ જાણે માત્ર. 'સ્વરૂપજ્ઞાન'વાળાને દાઢ દુઃખતી હોય તો તે દુઃખ ભોગવે નહીં, પણ એનો એમને બોજો લાગ્યા કરે, પોતાનું સુખ અંતરાય; જ્યારે અમને તો અમારું સુખ અંતરાય નહીં, આવ્યા જ કરે. લોકો જાણે કે આ 'દાદા'ને અશાતા વેદનીય છે, પણ અમને વેદનીય અસર ના હોય ! વ્યવહારમાં વેદનીય ગણાય.

આત્મવેદન અસ્પષ્ટથી સ્પષ્ટ સુધી !

ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એ ય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઈએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને 'આ' વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું 'સ્વ-સંવેદન' અને તે ધીમે ધીમે વધીને 'સ્પષ્ટ' વેદન સુધી પહોંચે !

જાગૃતિ કર્મોના ફોર્સ સમયે !

એક ફેરો સનાતન સુખ પ્રાપ્ત થયા પછી એ નિરંતરનું હોય અને એ આઘુંપાછું ના થાય. આઘુંપાછું એટલા પૂરતું જ થાય કે પોતાનાં કર્મો ભભૂક્યાં હોય, તે વખતે કર્મોનો ફોર્સ આવે ત્યારે આંગળી ખસી જાય. ટાંકીના દોઢ ઈંચના પાઈપમાંથી પાણી પડતું હોય અને આપણે આમ આંગળી ધરીએ તો ? ફોર્સ આંગળીને ખસેડી નાખે અને અડધા ઇંચના પાઈપમાંથી પાણી પડતું હોય તો ? આંગળી ખસી જાય ? એટલે ફોર્સ ઉપર આધાર રાખે છે. પણ જ્યારે ત્યારે એ પાણી ધીરું થશે ને આંગળી સ્થિર રખાશે. પાણી ધીરું થયે છૂટકો છે. જ્યારે ત્યારે કોણ હારશે ? પાણી ખાલી થશે એટલે એ હારશે !

એવું છે ને, કર્તા થયો તો ચાર્જ થયું. કર્તાપણું બંધ થયું કે હંમેશાં ટાંકી ખાલી થતી જાય. જ્યાં ટાંકીમાં આવક ને જાવક બન્નેવ હતું, તે પેલું આવક બંધ થયું ને જાવક રહ્યું. તેનાથી એકદમ તમારામાં ફેરફાર થાય.

પાણી ફોર્સબંધ હોય એટલે આંગળી ખસી જાય. એટલે આપણે જાણીએ કે આ ફોર્સને લઈને આંગળી ખસી ગઈ એટલું જ. તે ય પણ જાણનાર તો રહીએ જ આપણે. આપણું જાણકારપણું એક ક્ષણવાર ઓછું ના થાય. જ્ઞાતા-દ્રષ્ટાપણું તો જાય નહીં. અને જ્ઞાતા- દ્રષ્ટાપણું જાય એટલે આનંદ પણ જતો રહે.

પરિણામમાં વીતરાગતા !

પ્રશ્નકર્તા : અત્યારે આપણે નથી કરવું તો ય થાય છે. તો આપણે ઈગોથી.....

દાદાશ્રી : ના, એ પહેલાનાં પરિણામ છે. એ પરિણામ બધાં જોયા કરવાનાં એટલે બંધ થઈ જાય. એ પરિણામમાં વીતરાગ રહેવાનું. નહીં તો રાગ-દ્વેષ કર્યો કે પાછું ફરી ઊભું થાય.

ગુનો એક, પડઘા અનેક !

આ બોલ છે, તે અમે ઊંચે લઈ હાથમાં ઝાલીને પછી ઉપર ફેંકીએ ત્યાં સુધી એ ગુનેગાર કહેવાય. 'બોલને અથાડી માર્યો તેં', એવું કહેશે. પણ ફરીવાર બોલ એની મેળે કૂદે ને પછી પડે તો ? એ કોનો ગુનો ? આપણે એક ફેરો પાંચ ફૂટ ઊંચેથી નાખીએ તો ફરી પાછો એની મેળે ચાર ફૂટ ઊંચે ચઢ્યો, એની મેળે. અને પછી ફરી પડે એ કોનો ગુનો ? પછી પાછો ત્રણ ફૂટ ઊંચે ચઢે, પાછો પડે. પછી અઢી ફૂટ ચઢે, પાછો પડે. પછી બે ફૂટ ચઢે, પાછો પડે એ કોનો ગુનો ? એ બોલ ફરી ચાર-પાંચ વખત અથડાય કે ના અથડાય, એક ફેરો ફેંક્યા પછી ? એની મેળે પાછો ઊભો થાય ? આપણે કહીએ, 'ના, ફરી ઊંચે ના લઈ જા.' તો ય થાય ? જીવતા માણસનો તો એક જ ફેરો ગુનો કે બોલ નાખ્યા પછી કહેશે, 'હવે ફરી મારે નાખવો જ નથી.' પણ અત્યારે ચાલુ રહ્યો છે એ ગુનો કોનો ?

પ્રશ્નકર્તા : આગળનું કંઈ ખરું કે ?

દાદાશ્રી : ના, આ જગતનો સ્વભાવ એવો છે કે એક ગુનો થાય એમાં દસગણા, પંદરગણા, પચ્ચીસગણા ઊભાં થઈ જાય. કારણ કે પછી નેચરના હાથમાં ગયું. આ તમારા હરેક જાતના પડઘા નેચરના હાથમાં જાય. નેચર પછી દસગણા, પચ્ચીસગણા, સોગણા કરીને પાછાં આપે છે. આ લોકો એમાં ગૂંચાઈ જાય છે.

પરિણામને જોયાં જ કરવાં !

બોલ ફેંક્યા પછી કૂદે ને, બે-ચાર-પાંચ વખત ? જેટલા જોરથી ફેંક્યો એટલા જોરથી ને ? એવું આ જેટલાં જોશથી અહંકાર કર્યો હોય ને, એટલાં જ જોશથી કૂદંકૂદા, કૂદંકૂદા, કૂદંકૂદા થવાની. હવે ગુનો નથી કરવો એ નક્કી કર્યું. તમે નક્કી કરો કે 'મારે ગુનો નથી કરવો.' તો ય પેલાં બધા ગુના થાય છે, એની મેળે થયા કરે છે. પણ હવે એને આપણે પુષ્ટિ નહીં આપવી કે હું કરું છું. બોલ ફેંક્યો કોણે, પહેલી વખત કોણે ફેંક્યો, એટલું જોઈ લીધું આપણે. હવે જે પરિણામ આવે એને આપણે જોયા જ કરવાનાં. એ પરિણામ પોતાની સ્વ-સત્તાની વાત નથી. એ નેચરના હાથમાં જાય છે, કુદરતના હાથમાં જાય છે અને આ તો કુદરત ચલાવે છે બધું.

ડિસ્ચાર્જ થયે ખલાસ થવાય !

હવે ક્રોધ-માન-માયા-લોભ જે હોય એ પણ ડિસ્ચાર્જ થાય છે. પહેલાં ચાર્જ થતાં હતાં. હવે ડિસ્ચાર્જ થતાં રહ્યાં. ચૌદ, પંદર કે અઢાર વર્ષ સુધી ચાલે પછી ટાંકી ખલાસ થઈ જાય. કારણ કે ટાંકીમાં બીજી આવક બંધ છે અને ડિસ્ચાર્જ થયા કરે છે. એટલે ટાંકી ખલાસ થઈ જાય. પછી તમને કશો બોજો જ ના રહે, જો બરોબર ધ્યાન આપે તો, એવું આ વિજ્ઞાન છે.

આ તો સંવરપૂર્વક નિર્જરા !

જે ડિસ્ચાર્જ થયા કરે, તે ડિસ્ચાર્જને શાસ્ત્રકારોએ શું કહ્યું છે ? કે આ નિર્જરા થઈ રહી છે. પણ જગતના લોકોને બંધપૂર્વક નિર્જરા થઈ રહી છે અત્યારે અને 'જ્ઞાન' પછી સંવરપૂર્વક નિર્જરા થાય. નવું ચાર્જ થાય નહીં અને જૂનું ડિસ્ચાર્જ થયા કરશે. જ્યારે ચાર્જ ન થતું હોય અને નિર્જરા થતી હોય તો એ સંવરપૂર્વક નિર્જરા થઈ એટલે મુક્તિ થાય. હવે આ 'જ્ઞાન' લીધા પછી નિર્જરા તો થવાની જ તમને. ડિસ્ચાર્જ તો થયા જ કરવાનું પણ સંવરપૂર્વક.

પ્રશ્નકર્તા : આ નિર્જરા એટલે શું ?

દાદાશ્રી : નિર્જરા એટલે કર્મ ફળ આપીને ચાલ્યું જાય. કડવું-મીઠું ફળ આપીને પછી પ્યૉર થઈને ચાલ્યું જાય. એને નિર્જરા કહેવાય. નિર્જરાને આપણે 'ડિસ્ચાર્જ' કહીએ છીએ. ભરેલો કચરો-માલ નિર્જરા થયા કરે અને આવક નહીં એટલે હલકો થાય. પાછું સાંજે ભારે લાગે. પાછો બીજે દહાડે હલકો થાય. આમ કરતાં કરતાં નિર્જરા થતાં થતાં માલ ખાલી થાય. આ કર્મો જેટલાં ભર્યાં છે ને, તે આખી જિંદગી પૂરી થાય તો ખલાસ થયે જ છૂટકો છે ને ? ક્યાં જવાનાં ? એ એમાં ટાઈમિંગ સાથે છે, એ ટાઈમિંગ આવે કે ખલાસ થાય.

તો નવો હિસાબ બંધાય !

પ્રશ્નકર્તા : તો નવો હિસાબ ક્યારે બાંધ્યો કહેવાય ?

દાદાશ્રી : 'હું ચંદુભાઈ છું' અને આમ વાત કરો, પણ અંદરખાને એમ થાય કે 'આ નાલાયકોને મારવા જેવાં છે.' તો એ તમે નવો હિસાબ અંદર બાંધ્યો કહેવાય. પણ 'ચંદુભાઈ' થઈને એવું કરો તો.

ઈગોઈઝમથી કર્મબંધન !

પ્રશ્નકર્તા : બહારના બધાને ય જો ડિસ્ચાર્જ છે, તો એમને નવો હિસાબ ક્યારે બંધાય ?

દાદાશ્રી : બહારના લોકોને એકલું ડિસ્ચાર્જ નથી. ડિસ્ચાર્જ અને ચાર્જ, બન્ને સાથે છે. આવતો ભવ ચાર્જ કરે છે અને જૂનો ભવ ડિસ્ચાર્જ કરે છે. આ બધા મનુષ્યોને શું થાય છે ? મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ જૂની ડિસ્ચાર્જ થયા કરે છે અને નવી મહીં ચાર્જ થઈ રહી છે, એ આવતે ભવ ડિસ્ચાર્જ થવાની.

ચાર્જ ક્યારે થાય ? કે 'ડુઅરશિપ' હોય ત્યારે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ચાર્જ હોય. 'હું ચંદુભાઈ છું' એટલે નવું ચાર્જ થવાનું કારણ ઊભું થયું. કારણ કે જ્યાં તમે નથી, ત્યાં આરોપ કરવામાં આવવું, એનું નામ ઈગોઈઝમ. ઈગોઈઝમ એટલે કર્મ બંધાય.

એવું છે સ્વરૂપ, ડિસ્ચાર્જનું !

પ્રશ્નકર્તા : 'કૉઝિઝ' બંધ કરવાની પ્રક્રિયા શી છે ?

દાદાશ્રી : 'હું આ કરું છું' એ ભાન તૂટ્યું, ત્યારથી 'કૉઝિઝ' બંધ થઈ ગયાં ! પછી નવાં 'કૉઝિઝ' ઉત્પન્ન થવાનાં નહીં ને જૂનો માલ છે, તે 'ડિસ્ચાર્જ' થયા કરવાનો. હવે જૂનો માલ કેવી રીતે 'ડિસ્ચાર્જ' થાય છે, તે આપને સમજાવું.

અહીંથી ચાલીસ માઈલ છેટેથી એક 'ઈરીગેશન' ટેન્કમાંથી મોટી પાઈપ દ્વારા અહીં અમદાવાદમાં તળાવ ભરવા પાણી આવતું હોય, તો એ તળાવ ભરાઈ ગયા પછી આપણે ત્યાં ફોન કરીએ કે હવે પાણી આપવાનું બંધ કરી દો. તો એ લોકો તરત બંધ કરી દે, છતાં અમુક ટાઈમ સુધી અહીં તો પાણી ચાલુ જ રહે. કારણ ચાલીસ માઈલની પાઈપમાં પાણી અંદર રહેલું, તે તો આવવા દેવું પડે ને ! એને શું કહેવાય ? અમે એને 'ડિસ્ચાર્જ' કહીએ છીએ. એવી રીતે અમારી પાસે જ્ઞાન લીધેલાનું 'ચાર્જ' બંધ થઈ જાય છે. 'હું કરું છું' એ ભાન તૂટી જાય છે, 'વ્યવસ્થિત' કરે છે અને 'શુધ્ધાત્મા' જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. પછી જે થાય તે 'જોયા' કરવાનું છે. એટલે કર્તાપદ આખું ઊડી જાય છે કે જેનાથી 'ચાર્જ' થતું હતું. પછી જે 'ડિસ્ચાર્જ' રહ્યું, તેનો નિકાલ કરવાનો રહે છે.

ને અજીવ અહંકાર રહ્યો !

આ 'જ્ઞાન' પછી હવે ઈગોઈઝમ રહ્યો નથી, તો કર્મ બંધાવાનું કોઈ કારણ રહ્યું નથી, અમે ચાર્જિંગ સ્ટેશન બધાં બંધ કરી દઈએ, જીવ જીવમાં બેસાડી દીધો. ચેતન ચેતનમાં બેસાડી દીધું. પુદગલ પુદગલમાં બેસાડી દીધું. બે છુટ્ટાં કરી નાખ્યાં. હવે અજીવ અહંકાર કામ કરી રહ્યો છે. અહંકાર વગર તો ચાલે જ નહીં ને ! એટલે આ બધું હવે અજીવ રહ્યું. અમારે પણ અજીવ રહ્યું છે ને !

ચાર્જ-ડિસ્ચાર્જના ભેદ !

બાકી આ ચાર્જ-ડિસ્ચાર્જના ભેદ સમજણ પડે નહીં, ડીમાર્કેશન લાઈન પડે નહીં. એ તો આત્મસ્વરૂપ થયા પછી, આત્મજ્ઞાન થયા પછી ડિસ્ચાર્જ ઓળખાય. કારણ કે ચાર્જ બંધ થાય ત્યારે આપણને ખબર પડે કે આ શું રહ્યું ત્યારે ? આ ડિસ્ચાર્જ રહ્યું. ચાર્જ થતું બંધ થયું એટલે અમે ડિસ્ચાર્જને ઓળખીએ.

જે પર-પરિણામમાં છે, જે ડિસ્ચાર્જરૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની છે. બીજો ઉપાય જ નથી.

તો કર્મ ચાર્જ થાય !

આ કેરી ખાધી, તે ખાતી વખતે જરાક ખાટી હશે ને, તો કેરી પર મોઢું બગાડે અને લાવનારની પર કંકાસ કરે છે. કેરી ખાવામાં વાંધો નથી. પણ તે કંકાસ કરે છે, એ ચાર્જ છે, અને કેરી ખાધી ને સારી લાગી તો કહેશે, 'બાબો બહુ સારો.' તે ય બધું ચાર્જ થાય. કેરી ખાધાનું ચાર્જ થતું નથી, પણ ગોટલી વાવીએ તો ચાર્જ થાય. ગોટલી શેકી નાખે તો કશો વાંધો નહીં, આ તો ખાટી નીકળી ત્યારે મોઢું બગાડે. એ ખાતો હોય ને, તો એનું મોઢું જોઈને આપણે સમજી જઈએ કે આ ભાઈની કેરી ખાટી નીકળી લાગે છે. અને તે ઘડીએ મીઠી કેરી નીકળી હોય એવું મોઢું હોય ? બગડી ગયું હોય, હોંકે ! 'પૈસા છૂટી પડ્યા', કહેશે.

પ્રશ્નકર્તા : એવું જાણે છે કે આ 'ટેમ્પરરી' છે, છતાં 'પરમેનન્ટ'ને ઓળખવામાં ભૂલો કોણ પાડે છે ?

દાદાશ્રી : જે 'ટેમ્પરરી'ને 'પરમેનન્ટ' માને છે તે ! 'સ્વરૂપજ્ઞાન' થયા પછી 'ડિસ્ચાર્જ' ભાવને પોતાનો માને છે, એ ભૂલ છે, એ પાછલું 'રિએક્શન' છે. 'ડિસ્ચાર્જ' ભાવને પોતાનો ભાવ માને તે પરપરિણતિ. 'જ્ઞાની પુરુષ' એકેએક ડિસ્ચાર્જભાવને પોતાનો ના માને, તેથી નિરંતર સ્વપરિણતિમાં રહે.

આ સમજવું તો પડશે ને ?

અમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો ના આપીએ. તમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો આપો છો. તે ટેકો આપવાથી ફરી ચાર્જ થાય છે. એ ચાર્જ થાય છે એ જ સંસારની અધિકરણ ક્રિયા છે. બહુ ગૂઢ સાયન્સ છે આ. આ 'સાયન્સ' બધું આપણે સમજવું તો પડશે ને ?!

મનની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો, વાણીની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો, દેહની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો, એટલે થઈ રહ્યું. આટલું જ જે મારી વાત સમજી ગયો તો તેને કશું જ કરવાનું રહેતું નથી, કશું જ વાંચવાનું રહેતું નથી, કશું જ સાંભળવાનું રહેતું નથી.

આ ના સમજાય એ જાગૃતિની મંદતા છે. 'જ્ઞાની પુરુષ'ની એટલી બધી જાગૃતિ છે કે 'ડિસ્ચાર્જ'ના એક પણ પરમાણુને પોતાનો નથી માનતા, 'ડિસ્ચાર્જ' જ માને છે. તે છતાં સંપૂર્ણ કેવળજ્ઞાન નથી વર્તતું, ચાર ડિગ્રી ઓછું રહે છે. ૩૬૦ ડિગ્રીએ કેવળજ્ઞાન સંપૂર્ણ હોય, અમને તે ના પચ્યું ને ૩૫૬ ડિગ્રીએ આવીને અટક્યું !

નક્કી કરવાની જ જરૂર !

પ્રશ્નકર્તા : પહેલાંની અમુક જે પકડો પડેલી હોય, તે આપણે અત્યારે જાણીએ કે 'આ ખોટી છે, આવું ના હોવું જોઈએ.' ઈચ્છા ના હોય છતાં ય એ પકડ પકડાઈ જ જાય. પછી ખબર પડે. પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય. પણ એ બધી પકડ કેમ જલદી છૂટતી નથી ?

દાદાશ્રી : એ તો આપણે પકડો છોડવી છે ને, તો છૂટી જશે. પણ પ્રતિક્રમણ કરીએ તો જલ્દી છૂટી જાય. એનાં જેટલાં પ્રતિક્રમણ કરીએ એમ પકડો વેગળી થતી જાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ ને, એટલું છેટું. એક પ્રતિક્રમણે થોડોક ધક્કો માર્યો અને બીજા પ્રતિક્રમણે થોડો ધક્કો માર્યો, એમ છેટું થઈ જાય. જોર ઓછું થઈ જાય પછી. પ્રતિક્રમણ કરવા માંડ્યા કે છૂટું થવા માંડ્યું.

નક્કી થયું કે 'હવે મારે એ નથી કરવું. એટલે પછી રહ્યું શું ? પાછલો ફોર્સ રહ્યો. તે ફોર્સને માટે રસ્તો કરવો પડે. અને પછી કેવો આનંદ, નિરાકૂળતાનો આનંદ રહે ! પેલું તો આખો દહાડો મહીં બળતરા થયા જ કરે. મહીં જલ્યા જ કરે, લાકડાં સળગ્યા જ કરે. એને ત્રિવિધ તાપ કહેવાય છે. આધિ, વ્યાધિ ને ઉપાધિનો તાપ ! મોહની કેટલી બધી બળતરા હતી ને !

જ્ઞાની દેખાડે ત્યારે !

પ્રશ્નકર્તા : દરેકને પોતપોતાનું ખબર પડે જ છે. કારણ કે છૂટું હોય છે એટલે ખબર પડે જ છે.

દાદાશ્રી : ખબર પડે ખરું. પણ હવે શો ઉપાય, એ જાણે નહીં. તેથી ઉપાય અમે બતાવીએ. પોતાને ખબર તો પડે, કે 'ખચકાય છે કેમ ?! મારું ગાડું ખચકાય છે કેમ આ ?' અને મારું કેમ સરસ ચાલે છે એ ય એમને ખબર નહીં, પણ આ જ્યારે હું કહું ત્યારે ખચકાતાવાળાને ખબર પડી જાય.

એક ઉપર આવી જાવ !

આ કોલેજનું ભણતર હોય છે ને, તેમાં ય રખડવાનું ને એ ભણવાનું, બે સાથે ના બને. કાં તો રખડવાનું બંધ કરવું પડે. એવું આ બધું આડફાટું વાંચ વાંચ કરવાનું, તે મગજ બધું બગડી જાય. ના કઢી થાય કે ના દૂધપાક થાય.

જે ગામ જવાનું નહીં, તે ગામનું નામ પૂછીને શું કામ છે આપણે ? આપણે અલ્જેરિયા જવાનું નથી. તો અલ્જેરિયા પૂછ પૂછ શું કરવા કરવાનું ? 'ત્યાં શાનાં ઝાડ થાય છે ? ત્યાં શું થાય છે ? ત્યાંનાં માણસો કેવાં ?' અરે, ભાઈ કામ શું ? તારે જવાનું છે ? ત્યારે કહે, 'ના, મારે જવું નથી.' પૈણવાનું નહીં તેને તે છોડીઓ જુએ, એનો શું અર્થ ?!

પ્રશ્નકર્તા : એમને બધા મોહ છે હજુ વાંચવાના.

દાદાશ્રી : ન હોય મોહ ! શાનાં મોહ તે ? મોહ તો તમને હશે. પુરુષોને હોતાં હશે ? મોહ અને આ જુદું છે. આ જાણવાની ઈચ્છાથી બધું કરે છે. મોહ તો કોને કહેવાય ? એક ડુંગર હોય, તેમાંથી એક પથરો આમ લાંબો નીકળ્યો હોય, તો આપણા લોકોને કહ્યું હોય કે 'ભઈ, અલ્યા ફોટો લઈ લો.' 'એમાં શું લેવાનું છે ?' ત્યારે પેલો કહે, 'એક લઈ લે ને, હેંડ.' તો એક ફોટોએ લઈ લે. અને અહીં ફોરેનવાળા તો પંદર-સત્તર ફોટા લઈ લે. આમથી આમ ફરીને ફોટા લે લે કરે. એ મોહ કહેવાય. તેમાં તન્મયાકાર થઈ જાય. આ તો જાણવાની ઈચ્છા હોય. તમને લાગે કે આ મહીં મોહ છે.

મોહ, સ્થૂળથી સૂક્ષ્મત્તમ !

પ્રશ્નકર્તા : સ્થૂળ મોહ, સૂક્ષ્મ મોહ, સૂક્ષ્મત્તર મોહ અને સૂક્ષ્મત્તમ મોહ - એ દાખલા આપીને સમજાવો.

દાદાશ્રી : આ ફોરેનવાળાનો બધાનો સ્થૂળ મોહ. વિચાર્યા વગરનો ! દેખતાંની સાથે જ પડતું નાખે. આપણાં હિન્દુસ્તાનના લોકોને એવો મોહ ના હોય. આપણને સૂક્ષ્મ મોહ હોય. આપણા હિન્દુસ્તાનના મજૂરોને ય સૂક્ષ્મ મોહ હોય. સ્થૂળ મોહ ના હોય.

સ્થૂળ મોહ તો આ પુનર્જન્મ સમજતાં નથી ને, એ બધાને, આ ફોરેન બધું ય વિચાર્યા કર્યા વગર જ મોહ ઉત્પન્ન થાય, દેખતાં જ મોહ ઉત્પન્ન થાય અને આપણે ત્યાં તો વિચાર કરે, મજૂરો ય વિચાર કરે.

એમને કોના હારું કરું છું, તે ય ખબર નથી. આપણા લોકો તો એટલું ય સમજે કે મારી સાત પેઢી સુધી મારું નામ રહેશે. એમને બિચારાને એ ય પડેલી નથી.

વિચાર્યા વગરનો મોહ એ સ્થૂળ મોહ.

અને પછી ઊંચી નાતના હોય ને, તેને સૂક્ષ્મ મોહે હોય અને સૂક્ષ્મત્તર મોહે ય હોય.

કેટલાંક ઊંચી નાતના લોકો તો મોક્ષ માટે જ જીવે છે પણ ઠેકાણું પડતું નથી. મોક્ષ માટે ભટકે છે. એ સમજી ગયા કે આમાં સુખ નથી એવું બધું ખોળી કાઢેલું. અને ફોરેનવાળાને લાગે ખરું કે આમાં સુખ નથી ? ના. કારણ કે એને સ્થૂળ મોહ છે. આપણાં કેટલાંય લોકોને તો મનમાં ઈચ્છા હોય કે હવે છૂટકારો થાય તો સારું. પણ રસ્તો મળતો નથી એટલે ભટકે છે. છૂટકો જ નહીં ને ! મોહ નથી કરવો છતાં ય કરવો પડે છે.

પ્રશ્નકર્તા : હજી મોહ વિશે દાખલા સહિત વિગતવાર સમજાવો.

દાદાશ્રી : એ શેના જેવું છે, આપણે દૂધ કાઢી લઈએ, દૂધ કાઢ્યું એ સ્થૂળ કહેવાય. એમાં થોડુંક પાણી રેડતાં ગયાં એ સૂક્ષ્મ કહેવાય. પછી એનાથી વધારે પાણી, ખૂબ પાણી રેડીને પછી એ કર્યું, ચા બનાવી એ પણ દૂધ કહેવાય ને ! પાણી રેડ્યું તો ય, તે સૂક્ષ્મત્તર કહેવાય અને સૂક્ષ્મત્તમ એટલે સાપેક્ષ. એવી રીતે છે એ.

સ્થૂળ મોહ એટલે શું ? બાપ અમેરિકા હતો અને છોકરો અહીં મોટો થયો હોય. એ અગિયાર વર્ષનો થયો. બાપ અમેરિકાથી આવ્યા ને એટલે છોકરો આવીને પપ્પાજી કરીને જે' જે' કરવા લાગ્યો. બાપે એને ઊંચક્યો, ઊંચકીને એવો દબાવ્યો, પ્રેમનો માર્યા કે છોકરાએ બચકું ભરી લીધું. ત્યારે કહે, આ ક્યા પ્રકારનો મોહ ? ત્યારે કહે, સ્થૂળ મોહ. બાબાની જોડે છેટે રહીને જે' જે' કરીએ અને માથે હાથ મૂકીએ એ સૂક્ષ્મ મોહ. અને બાબો ઊંધો ચાલે અને એને ટૈડકાવીએ એ સૂક્ષ્મત્તર મોહ. એ એક પ્રકારનો મોહ. અને સૂક્ષ્મત્તમ મોહ ક્યો ? તે ગાળો ભાંડે, ઘરમાં પેસવા ના દે, તો ય છેવટે ઘર-મિલકત એને જ આપી દે. એટલે આવા બધા મોહના પ્રકાર. સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે છોકરાંને જે આપવું હોય તે આપજો.

અને મોક્ષમાર્ગે જવા માંડ્યું, તે ઘડીએ સૂક્ષ્મત્તમ મોહ. મોક્ષમાર્ગે જાય છે ખરો, પણ હજુ કંઈ સૂક્ષ્મત્તમ મોહ રહ્યો છે.

આ સૂક્ષ્મત્તમ મોહ તો, મોક્ષે જવું છે તો ય મોહ ઉત્પન્ન થાય છે ને મહીં ? એ સૂક્ષ્મત્તમ મોહ.

પ્રશ્નકર્તા : આપણને જ્ઞાની મળી ગયા હોય, મોક્ષ મળી ગયો હોય, છતાં આપણને એમ રહ્યા કરે કે હવે કેમ કરીને જલદી છૂટાય. એ પણ એક પ્રકારનો મોહ ગણાય ?

દાદાશ્રી : ના. એ મોહ ગણાય નહીં. મોહ તો પોતાની જાતનું ભાન ના હોય ત્યારે મોહ કહેવાય. 'હું શુધ્ધાત્મા છું' એ ભાન થયા પછી મોહ ના હોય.

ડિસ્ચાર્જમાં છૂટું રહેવું !

પ્રશ્નકર્તા : અમારાં ડિસ્ચાર્જ કર્મ, તે મોહ તો ઠેઠ લગી રહેવાનો ને ?

દાદાશ્રી : ના. ડિસ્ચાર્જ ભલે રહ્યું ? પણ ડિસ્ચાર્જમાં ય છૂટા રહેતાં આવડવું જોઈએ. ડિસ્ચાર્જમાં છૂટા રહેતાં આવડે તો થઈ રહ્યું.

પ્રશ્નકર્તા : છૂટા રહેવાની પ્રેક્ટિસ કરીએ છીએ.

દાદાશ્રી : પ્રેક્ટિસ કરવાથી છૂટાં ના રહેવાય. 'આ ન્હોય મારું ?' કહેતાંની સાથે બધું છૂટું.

મોહદશા : ક્ષાયિક દર્શન !

હવે મોહ શું છે ? મોહ એ મિથ્યાત્વરૂપી મોહ છે. મિથ્યાત્વ એટલે શું ? કે જે મારાં નહીં, તેને મારાં માને છે. આ શરીર પણ મારું છે, હાથ મારાં છે, આંખો મારી છે, કાન મારાં છે, આ પ્રાણ પણ અર્પણ કરે મારાં કરીને, એનું નામ મિથ્યાત્વ અને એનું નામ જ માયા.

હવે આ મિથ્યાત્વ, એની જે ગ્રંથિ છે એ જ્ઞાની પુરુષના ટચમાં આવે ત્યારે એ ગ્રંથિના ટુકડા થઈ જાય. તે એક તો મિથ્યાત્વ મોહ, પછી મિશ્રમોહ અને સમ્યક્ત્વ મોહ, આ નામના ત્રણ ટુકડા-પીસીસ થઈ જાય. હવે જ્ઞાની પુરુષના 'ટચ'માં આવ્યો અને પછી વધારે ટચમાં રહે, તો મિથ્યાત્વ મોહ ઊડી જાય અને મિશ્રમોહ ઊડી જાય.

પ્રશ્નકર્તા : મિશ્રમોહ એટલે શું ?

દાદાશ્રી : મિશ્રમોહ એટલે અહીં ઘેર આવે ત્યારે અહીં ય એને ટેસ્ટ આવે અને ત્યાં દર્શન કરવા જાય, જ્ઞાની પાસે સાંભળવા જાય, ત્યાં ય એટલો જ એને ટેસ્ટ આવે. બન્નેવ જગ્યાએ ટેસ્ટ આવે. એ ક્યો મોહ કહેવાય ?

પ્રશ્નકર્તા : મિશ્રમોહ.

દાદાશ્રી : હા. તે આ ય ઊડી જવું જોઈએ. હવે સમ્યક્ત્વ મોહ એકલું ભલે રહે. આ બે ઊડી જાય. ત્યારથી સમ્યક્દર્શન ભગવાને કહ્યું છે. આ બે અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો અમુક ભાગ ઊડી જાય, એને સમ્યક્દર્શન થઈ ગયું, કહે છે.

પણ તો ય સમ્યક્ત્વ મોહ રહ્યો. ત્યારે કહે, 'ભગવાન' ! મિથ્યાત્વ મોહ તો હોય. પણ સમ્યક્ત્વમાં મોહ હોય તે કંઈ જાતનું ? તમે આવા ઊંધા પાટા બંધાવો છો ?' આપણે ના પૂછીએ ભગવાનને ? ઊંધા પાટા ના બંધાવવા હોય તો સમજાવો કે સમ્યક્ત્વ મોહ શું છે તે ? ત્યારે ભગવાન કહે કે, 'સમ્યક્ત્વ મોહમાં કોઈ ચીજનો મોહ નહીં. આ વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે જેનો મોહ એને હોય.' ત્યારે કહે કે, 'શાથી તમે એને સમ્યક્ત્વ મોહ કહો છો ?' ત્યારે ભગવાન કહે કે, 'આત્મા કેવો છે અને શું છે એ જાણવાનો જ મોહ. બીજો કોઈ મોહ જ નહીં જેને. આ સંસારમાં કોઈ ચીજનો મોહ નહીં, પણ આત્મા શું છે અને કેવો છે, એટલું જ જાણવાનો મોહ જેને છે અને એમાં જ નિરંતર વર્ત્યા કરે છે, એ સમ્યક્ત્વ મોહ.' એ જાય તો કૃષ્ણ ભગવાન જેવી દશા થાય. કૃષ્ણ ભગવાનને આ સમ્યક્ત્વ મોહ ગયો હતો. એટલે ક્ષાયિક સમકિતી કહેવાતા હતા !

પ્રશ્નકર્તા : ક્ષાયિક સમકિતી એટલે શું ?

દાદાશ્રી : દર્શનમાં જે અવળું દેખાતું હતું, એ અવળું બિલકુલ બંધ થઈ ગયું ને યથાર્થ દર્શન શરૂ થઈ ગયું. યથાર્થ દર્શનની શરૂઆત-બિગિનિંગ એને શું કહ્યું છે ? ક્ષાયિક સમકિત. પેલું સમ્યક્ત્વ મોહમાં ઊંધું દેખાતું થોડું બંધ થયું હતું. પણ 'આત્મા શું છે' એ હજુ દેખાતું નહોતું. એ હવે દેખાઈ ગયું, દર્શનમાં બધું આવી ગયું.

આત્મા માટે નિઃશંક !

આપણે આ 'જ્ઞાન' આપીએ છીએ ને, ત્યારે એ ક્ષાયક સમકિતના ધણી થાય છે, 'આત્મા શું હશે ને કેવો હશે' એમાં નિઃશંકતા ઉત્પન્ન થાય છે અને પેલા સમ્યક્ત્વમોહમાં સમ્યક્દર્શન સહિત શંકા થયા કરે છે કે આત્મા આવો હશે કે તેવો હશે ? આવો હશે કે તેવો હશે ? અને જ્યાં સુધી શંકા ત્યાં સુધી સંતાપ જાય નહીં, શંકા હોય ત્યાં સુધી આ દુનિયામાં સંતાપ જે છે એ જાય નહીં. અને શંકા ગઈ એટલે સમાધિ રહે છે. આત્માના સ્થાન સંબંધી આખી શંકા જ ગઈ.

તમે શુધ્ધાત્મા થયા છો. શુધ્ધાત્મા થયા એટલે સર્વ મૂર્છા ગઈ. તમારું મોહનીય કર્મ સંપૂર્ણ નાશ થયું છે, નહિ તો શુધ્ધાત્માનું લક્ષ બેસે નહીં. મોહનીય કર્મનો છાંટો હોય ત્યાં સુધી શુધ્ધાત્માનું લક્ષ બેસે નહીં.

દર્શનમોહ એટલે 'હું ચંદુભાઈ જ છું' એ નક્કી છે, એ જ દર્શનમોહ. જ્યાં પોતે છે તે જાણતો નથી અને જ્યાં નથી ત્યાં આરોપ કરે છે એ 'દર્શનમોહ'. દર્શનમોહ એટલે ઉઘાડી આંખે અંધો !!

'સ્વરૂપજ્ઞાન'ની પ્રાપ્તિ પછી 'દર્શનમોહ' જાય છે ને ચારિત્રમોહ રહે છે. 'દર્શનમોહ' જાય ત્યાર પછી જ 'ચારિત્રમોહ', ચારિત્રમોહ કહેવાય. 'સ્વરૂપજ્ઞાન' થાય ત્યાર પછી જ મોહના બે ભાગ પડે, નહીં તો મોહ જ કહેવાય. 'સ્વરૂપજ્ઞાન' પછી રહ્યું શું ? 'ચારિત્રમોહ' એકલો જ. 'ચારિત્રમોહ' એ પરિણામ છે. 'ચારિત્રમોહ'નો સમભાવે નિકાલ કરી નાખવાનો. ચારિત્રમોહને કાઢવાનો નથી. 'જ્ઞાન' પહેલાં જે જે ભાવ કરેલાં, તેનો ઉદય આવે તે ચારિત્રમોહ.

'સ્વરૂપજ્ઞાન' પછી જે 'ચારિત્રમોહ' રહે છે એ ફરી સંસાર બીજ નાખે એવો નથી, પણ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી 'સમાધિસુખ' ઉત્પન્ન ના થાય !

બે પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક દર્શન નિર્મળતા ને બીજી ચારિત્ર નિર્મળતા. દર્શનશુધ્ધિ પછી બહારના સંયોગો ઊભાં થાય, ને તેમાં તન્મયાકાર થાય તે ચારિત્રમોહ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ચારિત્ર નિર્મળતા.

આ ક્રોધ-માન-માયા-લોભ એ વિશેષ ગુણો ક્યાં સુધી રહે છે ? સ્વરૂપની અજ્ઞાનતા તૂટે કે તરત વિશેષ ગુણ તૂટી જાય. સ્વરૂપની અજ્ઞાનતા ક્યાં તૂટે ? 'જ્ઞાની પુરુષ' પાસે.

અજ્ઞાનતાથી કષાય ઊભાં થાય છે. જ્ઞાનથી કષાય ના હોય. સ્વરૂપજ્ઞાન થયા પછી 'તમે' ઉગ્ર થઈ જાવ, તો એ પેલાં પાછલાં કષાયો છે કે જે હવે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે, એને ભગવાને ચારિત્ર મોહનીય કહી.

સંસારનું રૂટ કૉઝ !

આ વિશેષ ગુણથી જે પુદગલ પહેલાં ચાર્જ થઈ ગયેલું, જે પથરા ગરમ થઈ ગયા છે તેને ચારિત્રમોહ કહે છે ! 'સ્વરૂપનું જ્ઞાન' થાય એટલે કર્તા રહે નહીં. એટલે ડખલ રહે નહીં ને ચારિત્રમોહનો નિકાલ થઈ જાય !

કર્તાભાવમાં મોહ છે, અકર્તાભાવમાં ચારિત્રમોહ છે. મોહમાંથી બીજ પડે ને ચારિત્રમોહમાંથી બીજ ના પડે.

જગતનું 'રૂટ કૉઝ' દર્શનમોહ છે. દર્શનમોહ એ ક્યા સ્વરૂપે છે ? ઈગોઈઝમ સ્વરૂપે છે.

એટલે ક્રિયાનો વાંધો નથી, ક્રિયામાં મોહ છે તેનો વાંધો છે. જ્યાં સુધી દર્શનમોહ છે ત્યાં સુધી જપ કરો, તપ કરો, દાન કરો, એ બધો જ મોહ કહેવાય.

મોહ ક્ષય : ભરેલો મોહ

દર્શનમોહ એટલે શું ? પોતે પોતાની વિસ્મૃતિ થઈ ગઈ. એનાથી ઊભું જે થયું એ મોટી ભૂલ. એ ભૂલને લઈને સંસાર ઊભો રહ્યો છે. એ આપણે તોડી આપીએ છીએ.

આ 'જ્ઞાન' થયા પછી મોહ ક્ષય થયા પછી ચિંતા ના થાય. એટલે આપણું આ ક્ષાયક સમકિત કહીએ છીએ ને ! અને 'જ્ઞાન' આપતાંની સાથે જ મોહ નાશ થઈ જાય છે ત્યારે જ જાગૃતિ આવે છે ને ? ચંદુભાઈને મોહ થાય છે કે તમને મોહ થાય છે ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈને થાય છે.

દાદાશ્રી : 'તમને' ખબર પડી જાયને ?

પ્રશ્નકર્તા : તરત ખબર પડે પણ મોહ થાય તો ખરો જ.

દાદાશ્રી : મોહ એનું નામ કહેવાય કે આપણને ખબર જ ના પડે. મૂર્છિત રહે, બેભાનપણું રહે, એનું નામ મોહ. તમને તો ખબર પડી જાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો એને મોહ ના કહેવાય. સ્વરૂપના જ્ઞાન પછી એ ખરેખર મોહ નથી. એ તો ભરેલો માલ નીકળે છે. આપણું 'જ્ઞાન' આપીએ એટલે ખરેખર મોહ તો ઊડી જાય છે.

પ્રશ્નકર્તા : મને તો એમ જ કેે આ મોહ કહેવાય.

દાદાશ્રી : ના, એ મોહ જાગતો નથી. જે મોહ ભરેલો છે, તે સંજોગ ભેગા થતાં પ્રગટ થાય છે.

પ્રશ્નકર્તા : વર્તનમાં એવું દેખાય કે મોહ થાય છે.

દાદાશ્રી : છતાં ય ભગવાને એને ચારિત્રમોહ કહ્યો. મોહ થઈને વપરાઈ જાય. જો એ મોહ ના વપરાય તો ઊભો રહે.

પ્રશ્નકર્તા : એમાં તન્મયાકાર થઈ જાય તો ?

દાદાશ્રી : તો ય વાંધો નથી.

બંધન દર્શનમોહથી !

ચારિત્રમોહ એ બહુ મોટામાં મોટો શબ્દ છે આ. એ જડવો બહુ મુશ્કેલ છે. મોહના બે ભાગ પાડ્યા, દર્શનમોહ અને ચારિત્રમોહ. હવે દર્શનમોહથી બંધાયેલો છે. ચારિત્રમોહથી બંધાયેલો નથી. અને જગત આખું ચારિત્રમોહમાં કૂદાકૂદ કર્યા કરે છે. દર્શનમોહ, જે ઊંધા પાટા દેખાડે છે એ પાટો જો છૂટી જાય, તો છોને પેલો ચારિત્રમોહ રહ્યો. ચારિત્રમોહ એટલે વર્તનમાં આવેલો મોહ.

પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ ને ?

દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ. આ ચારિત્રમોહને હું 'ડિસ્ચાર્જ' કહું છું અને ચાર્જ શેનાથી થાય છે ? દર્શનમોહથી. દર્શનમોહ ચાર્જ કરે અને ચારિત્રમોહ ડિસ્ચાર્જ કરે. ઊંધા પાટા બાંધ્યા છે, એનાથી ચાર્જ થાય છે. અને ચાર્જ થયેલું પછી ડિસ્ચાર્જ થાય છે ત્યારે વર્તનમાં આવે છે. પેલું કૉઝીઝ અને આ ઈફેક્ટ. તે એને ડિસ્ચાર્જ કહેવાય છે, તે જ ચારિત્રમોહ ભગવાને કહ્યું છે.

દર્શનમોહ એટલે ચાર્જમોહ. ચારિત્રમોહ એટલે ડિસ્ચાર્જમોહ.દર્શન મોહનીય આ સંસારનું કોઝ છે, અને ચારિત્ર મોહનીય આ સંસારની ઈફેક્ટ છે.

બેઉ અનિવાર્ય : જ્ઞાન અને આજ્ઞા !

ચારિત્રમોહને ભગવાને 'લેટ ગો' કર્યો છે. ચારિત્રમોહ તો એને ભોગવ્યે જ છૂટકો. હા, એને ભોગવ્યે જ છૂટકો છે. તો જ એ મોહ જશે, નહીં તો જાય નહિ ને ! ભગવાને કહ્યું છે કે ચારિત્રમોહનો લટકેલો હશે તે ફરી ઠેકાણે આવશે. દર્શનમોહનો લટકેલો ઠેકાણે નહીં આવે. દર્શનમોહ જ્ઞાનીપુરુષના 'જ્ઞાન'થી જાય. દર્શનમોહ ગયો એટલે ચારિત્રમોહ રહ્યો અને ચારિત્રમોહ 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞાથી જાય. એટલે અમે સ્વરૂપનું જ્ઞાન અને આજ્ઞા બેઉ આપીએ છીએ. તે ઠેઠ મોક્ષે પહોંચાડી દે એવું અમારું છે આ બધું. અને અહીં જ મોક્ષ અનુભવમાં આવી જાય.

જ્ઞાની બીજમોહ નાશ કરાવે !

હવે 'જ્ઞાની પુરુષ' સિવાય મોહ બિલકુલ જાય નહીં. મોહ મોહથી અથડાઈ અથડાઈને ઓછો થાય છે. બીજા લોકોની જોડે શિંગડાં ભરાઈ ભરાઈને ઘસાય છે. પણ તે અમુક હદ સુધી. પછી મોહ તો 'જ્ઞાની પુરુષ' સિવાય જાય નહીં. 'જ્ઞાની પુરુષ'થી નિશ્ચયમોહ નાશ પામે. એટલે બીજમોહ નાશ પામે. જેમ આ વૃક્ષ અને બીજ હોય ને ? બીજ નાશ પામી જાય એટલે થઈ રહ્યું. એનો સંસાર આખો બંધ થઈ ગયો.

વીતદ્વેષ : વીતરાગ !

તમને 'જ્ઞાન' આપ્યા પછી તમારો દ્વેષ આખો ય ખલાસ થઈ જાય છે. એટલે વીતદ્વેષ થાય છે, વીતરાગ થતો નથી. પછી ધીમે ધીમે આ ચારિત્ર મોહનીયનો જે રાગ છે એ છૂટતો છૂટતો વીતરાગ થાય છે. એટલે મેં પૂછયું કે, 'ભગવાને વીતરાગ કેમ કહ્યું ? વીતદ્વેષ-રાગ કહેવું જોઈએ ને ? બન્ને ગયા છે, એમ કહેવું જોઈએ ને ?' પણ મને પોતાને જ આ પૂછતાંની સાથે જ મહીંથી પડઘો પડ્યો. વીતદ્વેષ તો થઈ જ જાય છે તે દહાડે. તે વીતરાગ પછી થાય છે. ચારિત્ર મોહનીય ખલાસ થાય ત્યારે વીતરાગ થાય છે. જેટલી ચારિત્ર મોહનીય ખલાસ થઈ એટલો વીતરાગ થતો જાય છે.

ચારિત્રમોહનો નિકાલ બાકી !

આ 'જ્ઞાન' પછી તમને હવે દર્શનમોહ ગયો અને ચારિત્રમોહ રહ્યો, ભરેલો ડિસ્ચાર્જ મોહ એકલો રહ્યો અને ઉદય આવે તેમ તેમ એનો 'સમભાવે નિકાલ' કરવો રહ્યો. બીજું કશું કરવાનું નહીં.

શેકાઈ ગયેલાં બીજ !

મોહ હતો તેનો તે જ પણ એમાંથી ફક્ત દર્શનમોહ કાઢી લીધો. પણ રહ્યો તેનો તે જ. દર્શનમોહ કાઢી લીધો એટલે બીજ પડતું અટકી જાય એટલે હવે ઊગવાને પાત્ર રહ્યું નથી. પછી પાણી છાંટો કે આમ કરો કે તેમ કરો, પણ ઊગવા માટે પાત્ર રહ્યું નહીં. જે ઊગવાની શક્તિ ધરાવતું હતું એ શક્તિ કાઢી નાખી. એ દર્શનમોહ ઉડાડી દીધો કહેવાય. અને દર્શનમોહ ગયો કે એ ઊગવાની શક્તિ ગઈ. એટલે બીજ શેકી નાખ્યાં. એથી ચારિત્રમોહ એ દેખાવમાં સંપૂર્ણ મોહ જ દેખાય. પણ એ શેકેલાં બીજ છે. એટલે એ ઊગશે નહિ. શેક્યા વગરનાં બીજનાં જેવાં જ દેખાય પણ એ ગમશે નહિ. એટલે આપણે સમજી જવાનું કે આ ચારિત્રમોહ છે. જગતના લોકોને જે ચારિત્રમોહ છે, એને શેકાઈ ગયેલું ના કહેવાય અને આ તમારે તો શેકાઈ ગયેલું બીજ કહેવાય. તમારે બધાને તો ઊડી ગયું. એટલે તમે, જેણે જ્ઞાન લીધેલું હોય તેણે કશો ભડકાટ રાખવા જેવો નથી.

લઢવાડ, પણ નિકાલી !

આ બધાને અમે કેમ વઢતાં નથી ? આ ભાઈ સામસામા લઢતાં હોય, અમારી જોડે જાત્રામાં આવે ને બે ભાઈઓ લઢતાં હોય તો અમે કહીએ કે જેટલું લઢાય એટલું લઢો. કારણ કે મારી હાજરીમાં નીકળી જશે તો ચોખ્ખું થશે. તે અમે છૂટ આપેલી કે લઢાય એટલું લઢજો. મારી હાજરીમાં ચારિત્રમોહ નીકળી જાય. કારણ કે આનું બીજ પડતું નથી અને જગત આખાને ચારિત્રમોહથી બીજ પડે છે.

હવે દર્શનમોહ ગયા પછી શી પીડા વગરકામની ? આ વીતરાગોની વાત સમજવા જેવી છે.

....રીત ક્રમિકની, અક્રમની !

'ક્રમિક માર્ગ'માં ગાઢ સમકિત, શુધ્ધ સમકિત થાય ને ત્યાર પછી બે ભાગ પડી જાય. દર્શન મોહનીય બંધ થઈ જાય અને પછી ધંધા બધું રહે. એ ચારિત્ર મોહનીય રહે. તે ચારિત્ર મોહનીય ખપાવ ખપાવ કરે. પણ અત્યારે તો આ લોકો શું કરે છે ? દર્શન મોહનીય કાઢ્યા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે, એ શી રીતે જાય ?

આપણે અહીં 'અક્રમ માર્ગ'માં ચારિત્ર મોહનીયનો 'નિકાલ' કરીએ છીએ. અમે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઊડાવી દઈએ છીએ અને ચારિત્ર મોહનીયને નિરસ કરી નાખીએ અને એનાથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શનમોહ રહે જ નહીં. રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે, નિરસથી ચાર્જ બંધ થાય.

'ક્રમિક'વાળાને ચારિત્ર મોહનીય નિરસ કરવી પડે. તેથી તો તપ-ત્યાગ ભારે કરવાં પડે. તેનાથી ચારિત્ર મોહનીય નિરસ થાય. 'ક્રમિક' વાળાને એના માટે બાહ્ય તપ કરવાં પડે. જ્યારે આપણે અહીં 'અક્રમ'માં આંતરિક તપ હોય. તે હ્રદય તપીને ૮૦ ડિગ્રી, ૮૫ ડિગ્રી, ૯૦ ડિગ્રી, ૯૫ ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે ૯૯ ડિગ્રીથી આગળ વધવાનું નથી. કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો ?! તે ધીમે ધીમે પાછું ઠંડું થઈ જાય. આપણને તપે ત્યારથી તે ઠંડું થઈ જાય ત્યાં સુધી બધાંને, બધી અવસ્થાને, જાણીએ. એટલે આપણને અંતરતપ હોય. તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઈ જાય.

એ બધો ય ચારિત્રમોહ !

કેટલું સરળ ને સહેલું ! ને માથાફોડ કરવી હોય તો કરો, તે ય ચારિત્રમોહ છે અને ના કરવી હોય તો ના કરો, તે ય ચારિત્રમોહ છે. હવે કોઈ શીખંડ-પુરીઓ ખાય છે, કરે છે, એની ય આપણે ક્યાં ના પાડીએ છીએ ? આ ય મોહ જ છે ને !

પ્રશ્નકર્તા : ઉદયકર્મનો મોહ છે ?

દાદાશ્રી : ના, ના. રાજીખુશી થઈને ખઈએ તો ય. કંઈ જબરજસ્તીથી મોઢામાં ઘાલી દે છે લોકો ?! ભાવે છે ને ખાઈએ છીએ, ને ના ભાવતું હોય તો નથી ખાતો. છતાં એ એક જાતનો મોહ છે, પણ એ ચારિત્રમોહ કહેવાય. બધું ખાય, પીવે, માથામાં સાબુ ઘાલીને નહાય, માથામાં તેલ ઘાલે છતાં એ ચારિત્રમોહ છે.

આ એમનો ખરો મોહ નથી, એ શી રીતે ખબર પડે ? ઘણું બધું ખરીદેલું હોય અને ચાર ધારિયાવાળા બહારવટિયા મળે તો ચિંતા કર્યા વગર બધું મૂકી દે. એ ખરો મોહ નથી એટલે, નહીં તો કકળાટ કરે.

એ તો અમને ય કહે કે, 'આ કપડાં-કોટ-ટોપી પહેરીને બેઠા છે, વીંટી ઘાલીને બેઠા છે, તે આને અમારે શું કહેવું ?' ત્યારે આને 'આ ચારિત્રમોહ છે' એમ કહ્યું. પણ આ ચારિત્રમોહ કોઈને ય હરકતકર્તા નથી. બાકી આ ય ચારિત્રમોહ કહેવાય. મોહ ખરો, પણ ઈચ્છા ના હોય છતાં ય કરવો પડે.

પ્રશ્નકર્તા : દાદા, કરવો પડે કે થઈ જાય ?

દાદાશ્રી : થઈ જાય.

ડખોડખલ, એ ય ચારિત્ર મોહ !

પ્રશ્નકર્તા : જ્ઞાન પરિણામ પામે પછી પણ એવી બુદ્ધિ ડખો કરે ?

દાદાશ્રી : ડખો કરે.

પ્રશ્નકર્તા : ઓછો-વધતો ડખો થાય.

દાદાશ્રી : જ્ઞાન એક બાજુ ચોખ્ખું કરે. બુદ્ધિ ડખો કરે અને એ ચોખ્ખું થાય એ આપણું. ડખો કર્યો એ ગયું. ડખો કર્યો હતો તે ઊડી ગયું. ડખો કર્યા વગર રહે નહીં ને !

પ્રશ્નકર્તા : એ જ ચારિત્રમોહ થયો ?

દાદાશ્રી : એ ચારિત્રમોહ. ચારિત્રમોહ એ બુદ્ધિ. બધું બુદ્ધિને આધીન ચારિત્રમોહ છે.

દર્શનમોહ એ ગાઢ બુદ્ધિનો પ્રતાપ છે. અને ચારિત્રમોહ એ મંદબુદ્ધિનો પ્રતાપ છે. ચારિત્રમોહ એટલે શું ? બુદ્ધિ હવે ખલાસ થવા માટે આવી છે. અને પેલો જે મોહ છે ને, એ બુદ્ધિ ખલાસ નહીં, બુદ્ધિ વધ્યા જ કરે.

ચારિત્રમોહનો વાંધો નથી. નિવેડો લાવે તો વાંધો નથી. ચારિત્રમોહ ઉપર રાગ-દ્વેષ ન કરે, એનું નામ વીતરાગ.

પ્રશ્નકર્તા : ચારિત્રમોહ ઉપર રાગ-દ્વેષ ના કરે.

દાદાશ્રી : એ વીતરાગ.

છોકરાએ લાખ રૂપિયા ખોયા, તે ઘડીએ આપણે ચારિત્રમોહ શું કહે ? 'તને પહેલેથી સમજણ હતી નહીં. પહેલેથી અક્કલ ન હતી, તે આ ઊંધું બાફ્યું ?' આ પછી પાછો ચારિત્રમોહ. એમની પાછળ તમને પોતાને સમજાય કે આ ખોટું થઈ રહ્યું. આ બોલીએ છીએ તે ખોટું છે. એ જ્ઞાન કહે કે આ ખોટું છે. બુદ્ધિ કહે કે આ ખોટું કર્યું છે. પણ તે ઘડીએ ભૂંસી નાખે એ. પેલાને કહે ખરો, ડખો કરી નાખે.

પ્રશ્નકર્તા : ડખો કરી નાખે એ ચારિત્રમોહ અને પછી જ્ઞાન ભૂંસી નાખે.

દાદાશ્રી : દર્શનમોહવાળાનો નિવેડો ના આવે, ચારિત્રમોહવાળાને નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું. ગમે એટલું જબરજસ્ત હોય તો ય !

તમારામાં ચારિત્રમોહ થોડો-ઘણો ખરો કે ? તમારે શેનો ?

પ્રશ્નકર્તા : આ ચારિત્રમોહ જ છે ને ? આ સવારથી ઊઠીને સાંજ સુધીનો ચારિત્રમોહ જ છે ને ?

દાદાશ્રી : ના, એ ચારિત્રમોહ ના કહેવાય.

પ્રશ્નકર્તા : આ જે જે કરીએ તે શું કહેવાય ?

દાદાશ્રી : ના. જે થઈ રહ્યું છે એ ચારિત્રમોહ ના કહેવાય. આપણે આમાં ડખો કરીએ તે ચારિત્રમોહ કહેવાય. આમ રાત્રે સૂઈ ગયા એ મોહ કહેવાય નહીં અને સૂઈ ગયા પછી કહે કે આજે બહુ ગરમી છે. એ ચારિત્રમોહ કહેવાય. સૂવાનો વાંધો નથી. ખાવાનો વાંધો નથી. ખાવું એ ચારિત્રમોહ નથી. પણ આપણે કહીએ કે શાક બરાબર નથી એ ચારિત્રમોહ છે. હા, જેવું હોય તેવું, ઈઝીલી, સહજભાવ. સમજ પડીને ? ના અનુકૂળ આવે તો ના ખાય. અનુકૂળ આવે એ ખાય. પણ બોલવા કરવાનું નહીં. કશું ડખો નહીં. જેટલો ડખો છે એટલો ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : બાકીના ટાઈમમાં જ્ઞાતા-દ્રષ્ટા.

દાદાશ્રી : એ તો જ્ઞાતા-દ્રષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા-દ્રષ્ટા. ડખો કર્યા વગર રહે નહીં.

મોંઘા ભાવની કેરી લાવ્યા હોય અને જરાક ખાટી નીકળે, તે કહેશે કે તું મને કહીને ગયો હોત તો સારું. હું તને કહેત કે અમુક દુકાનેથી લઈ આવ. આવું હઉ કહે. ડખો કર્યા વગર રહે નહીં અને પછી એમે ય પાછાં જાણે કે આ ડખો થઈ ગયો, આ ન થવું જોઈએ. ચારિત્રમોહનો ખરો અર્થ ડખો. આ તમે ખાવ છો, પીવો છો, એ નહીં. ચા-બા પીવો છો, એ નહીં. હા, ચા વગર નહીં ચાલે એ ડખો. કોઈ પણ ચીજ વગર મારે ચાલે નહીં એ ડખો. જે આવે તે ચાલે. પછી બીજી વખત જેને સ્પૃહા નથી કોઈ પણ વસ્તુની. ડખો નથી, તેને કંઈ નહીં.

પ્રશ્નકર્તા : એની શુધ્ધ નિર્જરા થઈ રહી છે.

દાદાશ્રી : હા, શુધ્ધ નિર્જરા એ તો થઈ ગયું ખલાસ ! ચોખ્ખું થઈ ગયું. બીજું ચોખ્ખું કરવાનું રહ્યું, તે આ ચારિત્રમોહ ચોખ્ખો કરવાનો રહ્યો.

પ્રશ્નકર્તા : કારણ કે બીજી કોઈ ક્રિયાના આપણે માલિક નથી. જે કંઈ થઈ રહ્યું છે, એનાં માલિક નથી.

દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

પ્રશ્નકર્તા : એમાં ડખો કરીએ તો જ ચારિત્રમોહ.

દાદાશ્રી : ડખો કરીએ તો ચારિત્રમોહ. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા, તેને ચારિત્રમોહ કહેત. ચાલત શી રીતે ? એવું નહીં. મહાવીર ખાતા હતાં, ચાલતા હતાં, બધું જ કરતાં હતાં.

પ્રશ્નકર્તા : પણ તો તમે કહ્યું ને કે આ વિધિ કરીએ એ ચારિત્રમોહ.

દાદાશ્રી : વિધિ કરવાનો વાંધો નથી. પણ એમાં ડખો હોય છે કે આ કર્યા વગર નહીં ચાલે મારે. સ્હેજાસ્હેજ મળ્યું તો કંઈ નહિ, ને ના મળ્યું તો ય કંઈ નહીં. પણ ડખો નહીં. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો પીવે અને ના મળે તો કંઈ નહીં. યાદ આવે તે ય ડખો !

પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ ?

દાદાશ્રી : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ નહીં. ભૂખ લાગે એ ચારિત્રમોહ નહીં. ભૂખમાં શું ખઈશ એ ચારિત્રમોહ. આ જોઈશે મારે, એ ચારિત્રમોહ. ખાય-પીવે તેને કોઈ ના નથી. બાવીસ રોટલી ખાતો હોય તો ય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધો છે, કહે કે બહુ ખા ખા કરે છે આ ! પછી બીજે દહાડે બે રોટલી હોય તો બે ખાય. પણ ડખો નહીં.

પ્રશ્નકર્તા : એટલે ટોટલ સહજ.

દાદાશ્રી : સહજ. સહજ સિવાય બીજો બધો ડખો. હવે આ ડખો છે ત્યાં સહજ થઈ જાવ, એવું કહે છે. હવે ત્યાં સહજ થઈ ગયા. એટલે તમારે કશી લેવાદેવા નહિ. તમે મુક્ત જ છો.

પ્રશ્નકર્તા : અને ખાઈએ-પીએ નહીં, તો એ બધી ક્રિયા કરી કહેવાય ? એને શું કહેવાય ?

દાદાશ્રી : ના. એ ક્રિયા ના કહેવાય. 'કરું છું' એમ કહે તો ક્રિયા. સ્હેજાસ્હેજ થાય તેને કશું નહીં. હું કરું છું. મારે ન્હાયા વગર ચાલે નહીં, એ બધી ક્રિયા કહેવાય. કર્તા થયો કહેવાય.

નડશે નહીં એવો મોહ !

આત્મા સિવાય બધું મોહ જ છે. આ પાંચ આજ્ઞા પાળવી એ ય મોહ છે. પણ આ મોહથી પેલા જૂના મોહને કાઢવાનો. ને આ મોહ નડશે નહીં, એવો મોહ છે.

પ્રશ્નકર્તા : 'દાદા ભગવાનને નમસ્કાર' કે 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલીએ તો ?

દાદાશ્રી : એને ય ચારિત્રમોહ કહેવાય.

પ્રશ્નકર્તા : હવે એના બદલે આપણે શાંત નિર્વિચાર બેસીએ તો ?

દાદાશ્રી : તે ય ચારિત્રમોહ. અને ગાડીમાં બેઠાં તે ય ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : કેમ ? આ બેઠાં એટલે ચારિત્રમોહ, એમ ?

દાદાશ્રી : હા, બધું જ ચારિત્રમોહ. જ્યાં સુધી આત્મચારિત્રમાં ના આવે ત્યાં સુધી ચારિત્રમોહ છે.

આત્મા તરફનાં ચારિત્ર !

આત્મચારિત્ર જગતે જોયું નથી. અહીં વ્યવહારમાં જે ચારિત્ર ચાલે છે, એ તો લૌકિક ચારિત્ર છે. અલૌકિક ચારિત્ર તો સ્વપ્નમાં ય જગતે નથી જોયું. તો જાગ્રતમાં શી રીતે જોઈ શકે ? એના વિચારમાં ય નથી આવ્યું, અલૌકિક ચારિત્ર તો.

પ્રશ્નકર્તા : એટલે તમે ચારિત્ર શેને કહો છો ? એ ચારિત્ર શું વસ્તુ છે ?

દાદાશ્રી : સ્ટેપ બાય સ્ટેપ આત્મચારિત્ર તરફ જતાં ચારિત્રને ચારિત્ર કહેવાય, સંસારમાંથી પાછાં વળી અને આત્મા તરફના ચારિત્રો ઊભાં થાય, ત્યાંથી એ ચારિત્ર ગણાય એટલે ક્યાં સુધી ચારિત્ર કહેવાય છે ? જ્યાં સુધી પોતે આ દેહને 'હું છું' માને છે, દેહાધ્યાસ હજુ ગયો નથી, ત્યાં સુધી એ લૌકિક ચારિત્ર છે અને દેહાધ્યાસ જાય ત્યાર પછી અલૌકિક ચારિત્ર ઉત્પન્ન થાય.

આત્મચારિત્ર એટલે....

પ્રશ્નકર્તા : હવે આત્મચારિત્ર એટલે શું ?

દાદાશ્રી : બસ, મહીં અંદર શું થઈ રહ્યું છે એ બધું જોવું ને જાણવું, એ સિવાય બીજું કંઈ નહીં, એ નિરંતરપણે હોય, એ આત્મચારિત્ર કહ્યું.

પ્રશ્નકર્તા : એટલે એ એકધારું ચાલવું જોઈએ ?

દાદાશ્રી : હા, નિરંતર હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ તો પછી ગમે તેવી સ્થિતિમાં એકધારું જ વહેવું જોઈએ ને ?

દાદાશ્રી : એ એકધારામાં બીજું આવ્યું તો એ ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : જેટલો વખત એ પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો ?

દાદાશ્રી : એટલો વખત કશું ય નહીં.

પ્રશ્નકર્તા : એટલો વખત ચારિત્રમોહ નહીં ?

દાદાશ્રી : ચારિત્રમોહ ના હોય એટલો વખત.

પ્રશ્નકર્તા : તો એ આત્મચારિત્ર કહેવાય ?

દાદાશ્રી : એ આત્મચારિત્ર કહેવાય.

ચારિત્રમોહમાં ડખોડખલ....

આ ચારિત્રમોહ સમજે તો બહુ થઈ ગયું. પછી જાણવાનું જ ના રહે કશું. આ ચારિત્રમોહ એ સમજવામાં નથી આવ્યું, તેની તો બહુ મારામારી છે બધી.

પ્રશ્નકર્તા : આ ચારિત્રમોહ સમજી ગયો એટલે કામ પૂરું થઈ ગયું ?

દાદાશ્રી : એમ નહીં. ચારિત્રમોહને સમજી ગયો એટલે પછી ડખો ના થાય ને ! કે 'આમ કેમ થાય છે ?' એવું કશું ય ના થાય પછી એને આ તો પોતાને મોહ જેવું લાગે છે એટલે મનમાં એમ થાય કે 'મને આમ કેમ થાય છે ?'

પ્રશ્નકર્તા : ચારિત્રમોહમાં ડખો કર્યો તો ચાર્જ થાય ?

દાદાશ્રી : ડખો કરે તો ડખલ થઈ જાય ને ચાર્જ થઈ જાય. જ્યાં કંઈ પણ ડખો કરે ત્યાં ડખલ થઈ જાય. આ તો સિનેમા જોવાનાં છે. હવે એ જ્ઞેય વસ્તુ છે ને આપણે જ્ઞાતા છીએ. પણ ત્યાં જોઈને આપણે એના પડદામાં લાકડી મારી આવીએ તો ? તોડી નાખીએ એ ચારિત્રમોહમાં ડખલ કહેવાય. પછી એ લોકો ય કહે ને, કે 'હમારા પડદા કયું તોડ દિયા ?' તો તું શું કરે ? પડદા લાકડાંના છે એવું જાણું ?

એ સમજમાં આવવું મુશ્કેલ !

પ્રશ્નકર્તા : એ વખત સમજણ હોય તો એ ચારિત્રમોહને જોઈ શકે ?

દાદાશ્રી : ચારિત્રમોહને જુએ તો જ્ઞાની થાય પણ એ સમજ સમજીને ફીટ થવી બહુ મુશ્કેલ વસ્તુ છે. આ ક્યાં ફીટ કરી શકાય ? લોકોને તો સમજમાં બેસે એવું નથી આ. આ તો આપણા જ્ઞાનમાં ફીટ થઈ શકે, આપણે એને ડિસ્ચાર્જ કહીએ છીએ ને, ત્યારે એને ફીટ થાય છે. બાકી 'જ્ઞાન' નથી હોતું તે લોકો ય ચારિત્રમોહને ફીટ કરે છે. એ ય એમ કહે છે કે અમારે ચારિત્રમોહ છે. પણ એવું કહેવાય નહીં ને ?

પ્રશ્નકર્તા : એ તો સ્વચ્છંદતા થઈ ?

દાદાશ્રી : નહીં. એને સમજણ જ નથી એટલી બધી. એને સ્વચ્છંદતા ના કહેવાય. સ્વચ્છંદતા તો પોતે પોતાનાં જ ડહાપણને આગળ ધરે. આ તો ચારિત્રમોહની કે દર્શનમોહની સમજ નથી, એટલે એવું કહે છે.

બાકી રહ્યો તે ચારિત્રમોહ !

આ બહારના લોકોને તો દર્શનમોહે ય છે ને ચારિત્રમોહે ય છે. પણ ખરી રીતે એમને ચારિત્રમોહ ગણાય નહીં. ત્યારે એ ક્યા પ્રકારનો મોહ ? બધો મોહ જ કહેવાય. દર્શનમોહ હટે તો જ બાકી રહેલાં મોહને ચારિત્રમોહ કહેવાય. એમને હજુ દર્શનમોહ જ હટ્યો નથી ને ! સમકિત હોય તેને ચારિત્રમોહ એકલો ના હોય. તેને તો સમ્યક્ત્વ મોહ પણ હોય અને બીજા બહુ પ્રકારના મોહ હોય. આ તો જેને ક્ષાયિક સમકિત થયેલું હોય, તેને ચારિત્રમોહ હોય. હવે કેવળજ્ઞાન થતાં પહેલાં તીર્થંકરોના જે ચારિત્ર એ બધો ય ચારિત્રમોહ ગણાય છે. એમને જન્મથી જ મોહ નથી હોતો. અને મોહ વગર પૈણે છે, છોડી થાય છે.

મહાવીર, જોતાં એક પુદગલને !

આ મન, વાણી ને વર્તન, જે 'ડિસ્ચાર્જ' થયા કરે છે તેને ખાલી હવે જોયા જ કરવાનું છે. 'ડિસ્ચાર્જ' આપણી સત્તામાં નથી. ત્યાં આ આપણે ડખો કરવા જઈએ તો તેમાં કશો ભલીવાર આવે નહીં. 'આપણે' તો 'ચંદુભાઈ' શું કરી રહ્યા છે, તેને જોયા જ કરવાનું છે. ભગવાન મહાવીર આ એક જ કરતા હતા. જે પોતાનું પુદગલ હતું, તેમાં શું ચાલી રહ્યું છે તેને જ જોતાં હતા. એક પુદગલને જ જોતાં હતા, બીજું કશું જ જોતાં નહોતા. કેવા ડાહ્યા હતા એ ! જેની વાત કરતાં જ આનંદ થાય !!!

બોધરેશન વિનાનું વિજ્ઞાન !

એક વાળ પૂરતું બોધરેશન વગરનું આપણું વિજ્ઞાન છે આખું ય. બોધરેશન થાય છે તે ય ચારિત્રમોહ છે. એને ય આપણે જાણવું જોઈએ. અને ગમે એટલા બોધરેશન થાય તો ય કંઈ આમાંથી નવો ફણગો નીકળવાનો છે ? પાછાં રાત્રે સૂઈ જ જવાનું ને ? બપોરે બોધરેશન કરે ને રાતે સૂઈ જ જાય ને ! બીજે દહાડે બીજા કામમાં ગૂંચાઈ ગયેલો હોય. બોધરેશનની ક્યાં બીક રહી પછી ?

ચારિત્ર મોહનીય સમજી ગયો તો 'મને આમ કેમ થાય છે' એ બધી ખોટી ભાંજગડ ઊડી ગઈ. તું કોણ ? શુધ્ધાત્મા. તો શુધ્ધાત્માને કશું થાય નહીં અને થાય છે એ પુદગલને-વિનાશીને થાય છે એ. થાય છે એ વિનાશી છે. પછી આપણને કશી ભાંજગડ રહે ? છતાં કેટલાક બૂમો પાડે છે કે 'હજુ દાદા, મને આવું થાય છે ?'

પ્રશ્નકર્તા : એ સમજણનો વાંધો છે.

દાદાશ્રી : હા, પણ બધું બહુ ય ફેરા સમજણ પાડી, પણ પાછો ભૂલી જાય. અનાદિની કટેવ ખરી ને, તે ખસી જાય પાછું.

મૂળ વાત બધી સરળ જ !

પ્રશ્નકર્તા : આપે તો વસ્તુ એવી સરળ કરી નાખી છે ને, કે માન્યામાં પણ ના આવે.

દાદાશ્રી : પણ મૂળ સરળ છે ને, તીર્થંકરોની વાત જ સરળ છે. એવું છે, તીર્થંકરોની વાત જ બધી સરળ છે. પછી અસરળ માણસોના હાથે આવે છે ને, એટલે જાડું થઈ જાય છે. તીર્થંકરોએ જ કહ્યું છે ને, એ પોતે જ કહેતાં હતા ને કે સરળ છે, સહજ છે, સુગમ છે.

પ્રશ્નકર્તા : આનાં જેવી બીજી કોઈ વસ્તુ સરળ નથી.

દાદાશ્રી : હા, બીજી કોઈ વસ્તુ સરળ નથી.

જય સચ્ચિદાનંદ