પ્રકૃતિ સ્વભાવ : આત્મ સ્વભાવ

સંપાદકીય

'પોતે' 'શુદ્ધાત્મા' પદને પ્રાપ્ત થયો, હવે બાકી રહ્યો તે ભાગ પ્રકૃતિ. આ પ્રકૃતિનું સ્વરૂપ શું છે ? પ્રકૃતિનો ધર્મ શું છે, કેવો છે ? એમાં ય ક્ષત્રિય પ્રકૃતિ, વણિક પ્રકૃતિ, સ્ત્રી પ્રકૃતિ, પુરુષ પ્રકૃતિ, ત્યાગી પ્રકૃતિ, વિલાસી પ્રકૃતિ આદિ કેટલાંય સ્વરૂપો પ્રકૃતિના છે. આ બધા સ્વરૂપોમાં ય પોતે આત્મધર્મ ન ચૂકાય અને પ્રાકૃત સ્વભાવોને ઓળખી, તેને ઓગાળવાનો જે ખરો પુરુષાર્થ આત્મ સ્વભાવમાં રહીને માંડવાનો છે, તેની સમજ અર્થે પ્રસ્તુત અંકનું પરમ પૂજય દાદા ભગવાનની જ્ઞાન વાણીમાંથી સંકલન થયું છે.

પ્રકૃતિનું સ્વરૂપ ઓળખવા માટે, પ્રકૃતિ શું છે ? કઈ રીતે ઉત્પન્ન થાય છે ? વિસર્જન કઈ રીતે થાય ? કુદરત-પ્રકૃતિ અને વ્યવસ્થિત એ બધા વચ્ચે ભેદ શો ? પ્રકૃતિ, પુરુષ ને પરમાત્મા વચ્ચે ભેદ શો ? આદિ તમામ વણઉકલ્યાં પ્રશ્નોના અદ્ભૂત ફોડકારી સમાધાન અત્રે સંપ્રાપ્ત થાય છે !

પ્રકૃતિની પાર ગયેલા એવાં જ્ઞાની પુરુષ જ આવાં ફોડ પાડી શકે અને પ્રકૃતિથી પાર નીકળી જવાનું વિજ્ઞાન ખુલ્લંુ કરી નાખે !

રિલેટિવ સ્વરૂપ એ પ્રકૃતિ છે, તેને જાણનાર માત્ર જ શુદ્ધાત્મા છે. એટલે સંયોગને આધારે ઊભું થયેલું સ્વરૂપ બધું પ્રકૃતિ જ છે અને એ બધી 'જેને' ખબર પડી, તેટલું જ 'આપણું' સ્વરૂપ છે. તે જ 'જ્ઞાન' સ્વરૂપ છે. એટલે પારકાં પરિણામને 'ન્હોય મારા' કહીએ ત્યારે છૂટા પડી જઈને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થતો જાય. પ્રકૃતિ પારકું સ્વરૂપ છે, છતાં તેનું રક્ષણ થઈ જાય છે. તે ભૂલ શી રીતે ભોગવી ? આમ પ્રકૃતિથી પાર જવાનું વિજ્ઞાન અત્યંત સૂક્ષ્મતાએ છે, છતાં સાદી સરળ ને સ્પષ્ટ, દ્રષ્ટાંત સાથેની વાણીમાં અત્રે સંકલન પ્રાપ્ત થાય છે. જે પ્રકૃતિને ભેદવાના પુરુષાર્થમાં અત્યંત ઉપયોગી નીવડશે.

- દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


ઓળખવો, પ્રકૃતિ ધર્મ : આત્મ ધર્મ !

પ્રકૃતિ ધર્મ શું કહે છે ? કે પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ છે અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે.

મોક્ષે જવા, પ્રકૃતિ ખપાવવી !

મોક્ષે જવા કોઈ મનાઈ હુકમ નથી. માત્ર 'પોતાને' 'પોતાનું' ભાન થવું જોઈએ. કોઈ ત્યાગી પ્રકૃતિ હોય, કોઈ તપની પ્રકૃતિ હોય, કોઈ વિલાસી પ્રકૃતિ હોય, જે હોય તે, મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય !

સહજ ભાવે નીકળેલી પ્રકૃતિ, સહજ છે. કોઈ અન્યને નુકસાન કરે કે કોઈ જીવને દુઃખ થાય તેટલી જ પ્રકૃતિ મોક્ષને બાધક છે. બીજી ગમે તે પ્રકૃતિ હોય મોડું ઉઠાય, વહેલું ઉઠાય, અમુક થાય, અમુક ના થાય તેવી પ્રકૃતિ મોક્ષને બાધક નથી. ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે. એમાં રાગ-દ્વેષ નહીં, તે જ મોક્ષ છે.

આ લોકો તો પ્રકૃતિના દુર્ગુણોને છોડાવે છે ને સદ્ગુણોને પકડાવે છે. અલ્યા, આ ક્યારે પાર આવે ? આપણે તો કહીએ કે સુટેવો અને કુટેવોથી 'શુધ્ધ ચેતન' સર્વથા મુક્ત જ છે. આપણે આ દુકાનમાંથી ઊતરી ગયા અને કહ્યું કે 'આ દુકાન મારી ન્હોય.' આ તો દુકાનમાંથી એક-એક ચીજ ખાલી કરીએ તો ક્યારે પાર આવે ? એનાં કરતાં તો 'ન હોય મારી દુકાન' કરીને નીકળી ગયા એટલે પત્યું !

સમજથી સફોકેશન જાય !

આ આત્મા છે ને આ પ્રાકૃત છે. એ સમજવાનું છે. પ્રાકૃતને પોતાનું માને છે, તેને લીધે અહીં સફોકેશન લાગે છે. તે અમે સમજાવીએ કે આ તારું ન્હોય. એટલે એ છોડી દે.

આત્મા સહજ, ત્યાં પ્રકૃતિ સહજ !

દરેક જીવમાત્રની પ્રકૃતિ એનાં સહજ સ્વભાવમાં જ છે. આ મનુષ્યોની પ્રકૃતિ એકલી વિકૃત થઈ ગઈ છે. એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે છે. એટલે આત્મા વિકૃત થઈ જાય છે. (વ્યવહાર આત્મા)

સહજમાં કોઈ દોષ નથી, વિકૃતમાં દોષ છે. આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી અમે આત્મા સહજ આપી દઈએ છીએ. અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઈએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે, એવું આ કાળમાં છે.

પ્રકૃતિની સહજતાના પ્રકારો !

પ્રશ્નકર્તા : જ્ઞાનીઓની સહજ પ્રકૃતિ કોને કહેવાય ?

દાદાશ્રી : વિચાર આવે અને અસર ના કરે, તો પ્રકૃતિ સહજ કહેવાય.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ કેવી રીતે થાય અને ક્યારે થાય ?

દાદાશ્રી : ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય. 'દર અસલ' આત્મા તો સહજ છે જ. પણ પ્રકૃતિ સહજ થાય એટલે મોક્ષ થાય.

આ પુરુષો કરતાં સ્ત્રીઓ સહજ છે. અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળાં વધારે સહજ છે અને તેમનાં કરતાં ય આ જાનવરો, પશુ-પંખીઓ બધાં ય સહજ છે !

પ્રશ્નકર્તા : આ બધાંની સહજતા જ્ઞાનથી છે કે અજ્ઞાનતાથી છે ?

દાદાશ્રી : એમની સહજતા અજ્ઞાનતાથી છે. આ ગાયો-ભેંસોની સહજતા કેવી છે, ગાય કૂદંકૂદા કરે, શિંગડાં મારવા આવે, છતાં ય એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે ! પણ આ અજ્ઞાનતાથી સહજ છે !

આ ગાયના વાછરડાને જો કદી પકડવા જઈએ તો એની આંખમાં ખૂબ દુઃખ જેવી બળતરા દેખાય, છતાં એ સહજ છે ! આ સહજ પ્રકૃતિમાં જેમ 'મશીન' મહીં ફર્યા કરે, એમ એ પોતે મશીનની માફક ફર્યા જ કરે. પોતાના હિતાહિતનું ભાન કશું ય ના હોય. મશીન મહીં હિત દેખાડે તો હિત કરે, અહિત દેખાડતું હોય તો અહિત કરે. કો'કનું ખેતર દેખીને એમાં પેસી જાય. એ તો એમનો સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ ! એમનો બાબો ચાર-છ મહિનાનો થાય પછી જતો રહે, તો એમને કશો વાંધો નહીં. એમની કાળજી ચાર-છ મહિના સુધી જ રાખે અને આપણા લોકો તો....

પ્રશ્નકર્તા : મરતાં સુધી રાખે.

દાદાશ્રી : ના, સાત પેઢી સુધી રાખે ! ગાય છે તે બાબાની કાળજી છ મહિના સુધી રાખે, આ ફોરેનના લોકો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રાખે અને આપણા હિન્દુસ્તાનના લોક તો સાત પેઢી સુધી રાખે.

એટલે સહજ વસ્તુ એવી છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું, તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. આ ભમરડો ફરે છે તે ઊંચો થાય, નીચો થાય, કેટલીક વાર આમ પડવાનો થાય, એક ઈંચ કૂદે ય ખરો, ત્યારે આપણને એમ થાય કે 'અલ્યા, પડ્યો પડ્યો.' ત્યાં તો મૂઓ પાછો બેસી જાય, એ સહજ કહેવાય !

'અસહજ'ની ઓળખાણ !

અજ્ઞાન દશામાં સહજ પ્રકૃતિ એટલે જેવું વીંટ્યું હોય એવું જ બસ ફર્યા કરે, બીજી કશી ભાંજગડ નહીં. જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય. ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. 'આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.' એમ ડખલ કરવા જાય કે અસહજ થાય.

શેઠની દુકાને નાદારી નીકળવાની હોય, તો ય શેઠાણી છે તે કોઈ ભિક્ષુક આવે, તેને સાડલો આપે, બીજું આપે અને આ શેઠ એક દમડી પણ ના આપે. શેઠ બિચારાને મહીં થયા કરે કે હવે શું થશે ? શું થશે ? જ્યારે શેઠાણી તો નિરાંતે સાડી-બાડી આપે, એ સહજ પ્રકૃતિ કહેવાય. મહીં જેવો વિચાર આવ્યો એવું કરી નાખે. શેઠને તો મહીં વિચાર આવે, લાવ બે હજાર રૂપિયા ધર્માદા આપીએ. તો તરત પાછો મનમાં કહેશે, 'હવે નાદારી નીકળવાની છે, શું આપીએ ? મેલોને છાલ હવે !' તે ઉડાડી મેલે !

સહજ તો મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે અને તેવું ના કરે તો ય આત્માની ડખલ ના હોય, તો તે સહજ છે ! (વ્યવહાર આત્મા)

આ 'જ્ઞાન' આપેલું હોય, તેને ગાડીમાં ચઢતા ક્યાં જગ્યા છે ને ક્યાં નથી, એવો વિચાર આવે. ત્યાં સહજ રહેવાય નહીં, મહીં પોતે ડખલ કરે, છતાં પણ આ 'જ્ઞાન'માં જ રહો, 'આજ્ઞા'માં જ રહો, તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તો ય, લોકોને સો ગાળો ભાંડતો હશે તો ય એ પ્રકૃતિ સહજ છે, કારણ અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટીને ત્યારથી જ પ્રકૃતિ સહજ થવા માંડે. 'આપણી' આ સામાયિક કરો છો, ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય !

ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં 'આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ કરાય, આ ના કરાય.' એની કડાકૂટો ઠેઠ સુધી રહેવાની !

અહંકાર-બુદ્ધિથી અસહજતા !

સહજ એટલે શું ? આ મન-વચન-કાયાની ક્રિયાઓ ચાલ્યા કરે છે. એનું નિરીક્ષણ કર્યા કરો, તેમાં ડખલ ના કરો તે. દેહાધ્યાસ ગયા પછી દેહની સહજતા અંશે અંશે થયા કરે. જેટલા અંશે સહજ થાય, એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય. દેહ સહજ એટલે સ્વાભાવિક. તેમાં આપણી ડખલ ના હોય, અહંકારની ડખલ ના હોય ! આ અમારો દેહ સહજ કહેવાય. એટલે આત્મા સહજ હોય. અહંકાર ઉડે એટલે બધું ગયું.

પ્રકૃતિ ને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ, એનું નામ સાહજિકતા. પ્રકૃતિ તો સહજ છે, પણ બુદ્ધિ ડખો કરે છે. પ્રકૃતિને પંખો માફક ના આવે, તેમાં પંખાનો શો દોષ ? પ્રકૃતિનો શો દોષ ? દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, આત્માને આધીન નથી.

જેટલાં વિકલ્પ થયા, તે બધા જ પ્રકૃતિમાં આવે. વિકલ્પ થયા ના હોય, તે પ્રકૃતિમાં ના આવે.

વીતરાગ એટલે તો...

શુધ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય. ને સ્પંદન બંધ થાય તો ધીમે ધીમે પ્રકૃતિ સહજતામાં આવશે. બન્ને સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ.

ખરી રીતે આમાં કોનો દોષ ?

સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ અનુસાર સંસાર ચાલે, આમાં કોનો દોષ જોવાનો ? આ બધા પ્રાકૃત દોષો છે, તે ચેતનના દોષો માને છે. તેથી તો આ સંસાર ઊભો રહ્યો છે.

ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. પ્રકૃતિ કરે છે, ત્યારે આત્મા માલિક હોતો નથી. પ્રકૃતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે ને છૂટતી વખતે આત્મા માલિક હોય નહીં. (વ્યવહાર આત્મા)

દરેકની પ્રકૃતિ જુદી જુદી જ !

જે જે ઈફેક્ટ છે, કાર્ય-પ્રકૃતિ છે. તે ક્યારેય પણ ના ફરે. દરેક બાપ એમ ઈચ્છે કે મારો દીકરો મારા જેવો જ થાય. અલ્યા, ઘરનો બગીચો બનાવવો છે કે ખેતર ? દરેકની પ્રકૃતિ જુદી જુદી, દરેકનાં ફૂલ જુદાં જુદાં આવે. તે બીજાના છોડ ઉપર પોતાનાં જેવાં ફૂલ આવે, તે કેમ બને ? જો એકલાં ગુલાબ જ હોય, તો શું તે બગીચો કહેવાય ? ના. ગુલાબનું ખેતર કહેવાય. જેમ બાજરીનું ખેતર તેમ ગુલાબનું ખેતર. આ તો જોડે મોગરો હોય, ચંપો હોય, જૂઈ હોય ને કાંટા ય હોય. ત્યારે બગીચો કહેવાય. પ્રકૃતિ એ તો બગીચો છે. લોકોને જોઈએ છે ગુલાબ, પણ કાંટા ન ગમે. તે કાંટા વગર ગુલાબ શી રીતે હોય ?

ગુલાબની જો ચંપો ભૂલ કાઢે કે, 'તારામાં તો કાંટા છે, તારામાં ભલીવાર નથી.' તો એ ગુલાબ એને કહે કે, 'તું ઠૈડા જેવો દેખાય છે.' ને ઝઘડો થઈ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢંવઢા થઈ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે, તેથી બીજાની ભૂલ કાઢીને વઢંવઢા થઈ જાય છે.

અમારે આટલા બધા હજારો મહાત્માઓ છે, છતાં કેમ બધા સાથે ફાવે છે ? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ. અમે તો એનાં ફૂલોને જ જોઈએ.

જાતિ-જ્ઞાતિ ય પ્રકૃતિની !

આ વણિક છે, આ પટેલ છે, મુસલમાન છે. તે તેની પ્રકૃતિથી ઓળખાય. વાણિયાની પ્રકૃતિ વિચારશીલ અને ડહાપણવાળી હોય. પટેલ તો ક્ષત્રિય કહેવાય. તેમની પ્રકૃતિ તો સામાનું માથું કાપી લાવે ને વખત આવે તો માથું ય મૂકી દે તેવી હોય. મુસલમાનની પ્રકૃતિને રમખાણી વૃત્તિ હોય. ખરી રીતે પ્રકૃતિ તો માણસે માણસે જુદી જુદી હોય. એનો પાર આવે તેમ નથી.

જેટલી જેટલી પ્રકૃતિ પબ્લિક જોડે એડજસ્ટ ના થાય, તે બધી ખોટી પ્રકૃતિ.

સ્ત્રી-પુરુષ પ્રકૃતિ, એ ભરેલો માલ !

પ્રશ્નકર્તા : સ્ત્રીઓને આત્મજ્ઞાન થાય કે નહીં ? સમકિત થઈ શકે ?

દાદાશ્રી : ન થાય એ ખરી રીતે, પણ આ અમે કરાવડાવીએ છીએ. કારણ કે એ ધોરણ જ એવું છે પ્રકૃતિનું, કે આત્મજ્ઞાન પહોંચે જ નહીં. કારણ કે સ્ત્રીઓમાં એ કપટની ગ્રંથિ એવડી મોટી હોય છે. મોહ અને કપટની, એ બે ગ્રંથિઓ આત્મજ્ઞાનને ના અડવા દે.

પ્રશ્નકર્તા : એટલે અન્યાય થયોને વ્યવસ્થિતનો એ તો ?

દાદાશ્રી : ના, એ છે તે બીજે અવતારે પુરુષ થઈ ને પછી જાય મોક્ષે. આ બધા કહે છે સ્ત્રીઓ મોક્ષે ના જાય એટલે એકાંતિક વાત નથી એ. પુરુષ થઈને પછી જાય. એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે એવું. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષની જોડે હરિફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય અને ક્રોધ વધતો જ હોય તો એ પેલું એ ઊડી જાય. અહંકાર ને ક્રોધની પ્રકૃતિ પુરુષની અને માયા ને લોભની પ્રકૃતિ સ્ત્રીની, એમ કરીને આ ચાલ્યું ગાડું. પણ આ આપણું અક્રમ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કારણ કે આત્મા જગાડે છે આ. આત્મજ્ઞાન ન થાય તો ય વાંધો નહીં પણ આત્માને જગાડે છે કે કેટલી સ્ત્રીઓ એવી હોય છે કે દાદા નિરંતર ચોવીસે ય કલાક યાદ રહે છે ! હિન્દુસ્તાનમાં કેટલીય ને અમેરિકામાં કેટલીય હશે કે જેમને દાદા ચોવીસ કલાક યાદ રહે છે !

પ્રશ્નકર્તા : એટલે આત્માને તો કઈ જાતિ જ નથી ને !

દાદાશ્રી : આત્માને જાતિ હોય જ નહીં ને. પ્રકૃતિને જાતિ હોય. ઉજળો માલ ભર્યો હોય તો ઊજળો નીકળે. કાળો ભર્યો હોય તો કાળો નીકળે. પ્રકૃતિ એ પણ ભરેલો માલ. જે માલ ભર્યો એનું નામ પ્રકૃતિ ને આમ પુદગલ કહેવાય. એટલે પુરણ કર્યું એ ગલન થયા કરે. જમવાનું પુરણ કર્યું એટલે સંડાસમાં ગલન થાય. પાણી પીધું એટલે પેશાબમાં ગલન થવાનું. શ્વાસોશ્વાસ બધું આ પુદગલ પરમાણુ જ છે.

પ્રશ્નકર્તા : પણ એ જે મોહ અને કપટના પરમાણુથી જે સ્ત્રીની ગાંઠ મોટી થતી જાય છે, તો એ બીજા અવતારમાં પણ એ નારી જાતિમાં જ જાય કે પાછી પુરુષમાં આવી જાય ?

દાદાશ્રી : એ તો આ પુરુષમાં આવી જાય. કપટ ખલાસ થઈ ગયું હોય, પુરુષપણું આવી ગયું હોય થોડું ઘણું, તો પુરુષમાં આવે.

પ્રશ્નકર્તા : આત્મા, પુરુષ દેહ ધારણ કરે અને સ્ત્રી દેહે ય ધારણ કરે. ત્યાર પછી તેના વર્તન-નિયમોમાં શો તફાવત ?

દાદાશ્રી : નિયમ તો બધા, સ્ત્રીપ્રકૃતિ હોય તો સ્ત્રીપ્રકૃતિના આધીન હોય અને પુરુષપ્રકૃતિ હોય તો પુરુષપ્રકૃતિના આધીન હોય અને નપુંસક પ્રકૃતિ હોય તો નપુંસક પ્રકૃતિના આધીન હોય. એ બધી ત્રણેવ પ્રકૃતિના આધીન હોય છે. એના નિયમને માટે કંઈ બીજું કંઈ ઘડવાનું નથી કે નથી કોઈ કાયદા. જેવી પ્રકૃતિ હોય ને તેવું જ આ બધું નીકળ્યા કરે. સ્ત્રીની પ્રકૃતિ હોય એટલે બધું વાણી-વર્તન બધા સ્ત્રીના જ હોય એ. એનામાં પુરુષની હિંમત હોય ? ના, હિંમત-બિંમત બધું ય ફેર પડી જાય ને ! હવે પુરુષ રઘવાટિયો હોય અને સ્ત્રી રઘવાટિયણ ના હોય. પુરુષ તો જરાક કોઈએ કહ્યું, 'હેંડો ગાડીનો ટાઈમ થઈ ગયો છે.' તો ચામાં રઘવાટ, હેંડવામાં, કપડાં પહેરવામાં રઘવાટ. બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ, અને સ્ત્રી તો નિરાંતે વાળ-બાળ ઓળી, સાડી પહેરીને આવે ! આપણને ચીઢ ચઢ્યા કરે કે આ.... અલ્યા મૂઆ, એને ય ગાડી મળવાની છે અને તને ય મળવાની છે. તું રઘવાટિયો છું. તમે જાણો આ રઘવાટિયા મૂઆ હોય બધા ? રઘવાટિયા હોય કે ના હોય ?

પ્રશ્નકર્તા : હા, હોય. હું ય એવો છું.

દાદાશ્રી : ના, બધાં ય એવાં. તમે એકલા શું, બધાં ય એવાં. અને આ બેન છે તે ચાંદલો કરે ને બધું કરે અને આપણા લોકો તો ચાંદલો કરવાનો હોયને તો ઉત્પાતે હેંડીને ભાગે.

એટલે એ વર્તન-નિયમમાં કશો ફેર ના રહે. એ પ્રકૃતિના આધીન જ રહ્યા કરે. કારણ કે એ સ્ત્રીમાં એટલાં મોહ અને કપટ રહેલાં હોય છે અને તેને ય સ્થિરતા છે ને ! એ આમ ઓઢે છે, કરે છે તે સ્થિરતા એને છે અને આમને આમ કપટ-મોહ નહીં એટલે મૂઆ આમ થઈ જશે અને તેમ.... થોડું સમજાય છે તમને ?

મન-વચન-કાયા ને પ્રકૃતિના આંટા જેવી રીતે વીંટાયા છે તેવી જ રીતે ઉકેલાવાના.

ભેદ - પ્રકૃતિના, નહીં આત્મામાં !

આપણે બધા આત્માએ કરીને એક સ્વભાવના છીએ પણ પ્રકૃતિએ કરીને જુદા જુદા છીએ. ખારી-તીખી-ખાટી-મોળી એ બધા પ્રાકૃતિક દોષો છે.

લજામણી જેવો સ્વભાવ !

પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે. હાથ અડાડીએને તો પાંદડા સંકોચાઈ જાય. આપણે ઘરમાં કોઈ છોકરાને કહીએને કે 'તારાથી તો હું કંટાળી ગયો છું.' તો તેની પ્રકૃતિ તરત જ લજવાઈ જાય, લજામણીની પેઠ. પણ એને ફરીથી કહેવું જોઈએ કે 'ના ભઈ, હું ખરેખર તારાથી કંટાળ્યો નથી.' એટલે એની પ્રકૃતિ લજવાય નહીં.

આપણે થાકી ગયા હોઈએ તો ય ના બોલીએ કે 'હું થાકી ગયો છું.' નહીં તો આપણી પ્રકૃતિ લજવાઈ જાય. પ્રકૃતિનો સ્વભાવ લજામણો છે. વધારે ખવાઈ ગયું ને અજીર્ણ જેવું લાગે તો બોલીએ નહીં કે અજીર્ણ જેવું થઈ ગયું છે, નહીં તો પ્રકૃતિ લજવાઈ જાય. આપણે તો બોલીએ કે 'ના, બા, સરસ પચી ગયું છે.'

ધણી વાઈફથી કંટાળી જાય તો બોલી નાખે કે 'તારાથી તો મારું મગજ ખસી જાય છે.' પણ તરત આપણે મહીં બોલવું પડે કે, 'ના, બા, મગજ ખસે એ બીજા. તારાથી તો મને કશું જ થયું નથી.' એટલે આપણી પ્રકૃતિ લજવાય નહીં. નહીં તો પ્રકૃતિ શું કહે છે કે, 'તમે વચ્ચે ડહાપણ કરનાર કોણ ?' એટલે આપણે છતું બોલવાનું.

પોઝીટિવ દ્રષ્ટિ !

સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિની ઓળખાણ થવી એ 'જ્ઞાન' અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે.

કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી. પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. 'તને વેઢમી બનાવતા નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું.' એમ કહ્યા કરવાનું નથી. પણ 'તેને શું આવડે છે', તેની ખોજ કરો.

પ્રકૃતિ અંતે ભગવાન સ્વરૂપ !

ભગવાને ગજવા કાપનારને, દાનેશ્વરીને, નગરશેઠને, વેશ્યાને, ગધેડાને, બધાને ભગવાન સ્વરૂપ જોયા. બધાને સરખાં જોયા. લોકોને હું-તું દેખાય અને વીતરાગને બધે શુધ્ધ ચેતન અને પ્રકૃતિ સ્વભાવ દેખાય. આ કેરીના કરંડીયામાં કેરી ચાખે તો એને 'આ ખાટી છે' એમ પ્રકૃતિ સ્વભાવ દેખાય. વીતરાગને બધાની પ્રકૃતિ ઓળખાય, પછી ભેદભાવ ના હોય. તેથી એમને 'ખાટી છે, મીઠી છે' એવી ભાંજગડ ના હોય. અને બધા જોડે પોતે વીતરાગ રહે. એમને તો જો દાન આપે છે, તો એ પ્રકૃતિ જ છે અને ગજવું કાપે છે એ ય પ્રકૃતિ છે. એમને 'આ બરાબર છે અને આ બરાબર નથી' એવું ના હોય. એવું કહ્યું તો રાગ-દ્વેષ થઈ જાય ને આમાં એક સ્પંદન થવું એટલે બધું હાલ્યું. બાકી, આમાં બીજો કોઈ કર્તા છે જ નહીં.

પ્રકૃતિ જ્યારે ભગવાન જેવી દેખાશે ત્યારે મોક્ષે જશો. ગજવું કાપનારની પ્રકૃતિ ભગવાન જેવી લાગશે ત્યારે મોક્ષે જવાશે. આ ગજવું કાપે છે એ તો એની પ્રકૃતિ છે અને પ્રકૃતિ એ જ ભગવાન છે. પણ રિલેટિવ ભગવાન છે. જ્યારે આત્મા રિયલ ભગવાન છે. પ્રકૃતિ એ ભગવાન છે પણ એ વ્યુ પોઈન્ટ જાણતો નથી. કારણ કે બુદ્ધિ છે ને ! તેથી બુદ્ધિ બતાવે કે ગજવું કાપી ગયો, પૈસા લઈ ગયો. પણ બીજા વ્યુ પોઈન્ટને રિયલને જાણતો નથી. નહીં તો ગજવા કાપનારો એ પોતે જ ભગવાન છે. પોતે જ પરમાત્મા છે પણ એ સમજણ જ નહીં ને !

આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જ્યારે બીજું બીહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિ એ છેવટે ભગવાન રૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે પ્રકૃતિ ભગવાન રૂપે થાય ને પરમાનંદ વર્તાય.

'શુધ્ધાત્મા' તો શુધ્ધાત્મા જ છે, વીતરાગ છે. પણ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે. એણે વીતરાગ થવાનું છે. પ્રકૃતિ વીતરાગ થવા શુધ્ધાત્માનું જ્ઞાન થવું જોઈએ.

સમકિતબળથી સવળું !

'જ્ઞાન' ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે અને જ્ઞાન લીધાં પછી તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં પણ મહીં કહેશે કે 'ના, ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.' અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં, ને ઉપરથી કહે કે વધારે આપવા જેવું છે એટલે અત્યારે મહીં જે ચાલ્યા કરે છે તે સમકિત બળ છે, જબરજસ્ત સમકિત બળ છે. તે રાત-દહાડો નિરંતર કામ કર્યા જ કરે.

વિભાવિકતામાંથી સાહજિકતા !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વિભાવિક થઈ જાય છે, તે જ્યારે ગાંઠો વધારે ફૂટે, તેથી એમ બને છે ?

દાદાશ્રી : હા, પણ એને એવિડન્સ ભેગો થાય તેથી જ ને ? માણસને ચક્કર આવે ત્યારે એ પડી ના જાય, પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડી ય જાય. 'જ્ઞાન' પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે. શી અસર થાય તમને ?

પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે અને ગાળો ય દઈ દઉં આ રેલ્વેવાળાઓને.

દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ 'વ્યવસ્થિત' છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો ય રચનાર નથી અને તે 'વ્યવસ્થિત' છે. આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે, તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે, પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રિલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદમાં રહે.

આ 'જ્ઞાન' હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢેને, તો ય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીય ગાળો આપે.

પ્રકાશને કોણ પલાળે ?

પ્રશ્નકર્તા : આ બધું સ્વયં સંચાલિત છે ?

દાદાશ્રી : આ બધું સ્વયં સંચાલિત છે. સ્વભાવથી જ સંચાલિત છે. જેમ પાણીનો સ્વભાવ નીચે જવાનો છે, તે નીચે જ જવાનું. તેને ગમે એટલું કરો તો ય સ્વભાવ બદલાય નહીં.

પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ છે, તે કેટલીક ઊંચે જતી હોય છે ને કેટલીક નીચે જતી હોય છે.

દાદાશ્રી : તે બધી પ્રકૃતિને જોવાની જ છે. આ મોટરની લાઈટ છે તે વાંદરાની ખાડીના કાદવને અડે, ખાડીના પાણીને અડે, ખાડીની ગંધને અડે, પણ લાઈટને કશું અડે નહીં. એ લાઈટ કાદવને અડીને જાય પણ કાદવ એને ના અડે, ગંધ ના અડે. કશું જ ના અડે. આપણે ભય રાખવાનું કોઈ કારણ જ નથી કે લાઈટ કાદવવાળું થઈ જશે, ગંધવાળું થઈ જશે કે પાણીવાળું થઈ જશે. આ લાઈટ જો આવું છે, તો આત્માનું લાઈટ કેવું સરસ હોય ! આત્મા લાઈટ સ્વરૂપ જ છે.

પ્રશ્નકર્તા : અમે પ્રકૃતિ જોડે તન્મયાકાર થયા છીએ, તો અમારું જે મિશ્રચેતન હોય, એમાં તો ગંદવાડો અડે જ છે ને ?

દાદાશ્રી : એમાં અડે, તેને 'આપણે' જોવાનું.

પ્રશ્નકર્તા : પણ તેની આપણા ઉપર અસર આવે, તેનું શું ?

દાદાશ્રી : એને પણ 'આપણે' જોવાનું ! લાઈટનો કામધંધો શો ? 'જોવાનું.' એમાં ટેકરી આવે, પાણી આવે, ગંધ આવે તો ગંધ, ઝાખરાં આવે તો ઝાંખરામાં ય પેસીને નીકળી જાય. પણ એને ઝાંખરું લાગે-કરે નહીં. આ લાઈટ જો આવું છે, તો પેલું લાઈટ કેવું સરસ હોય !

એ ખોટ કોણ પૂરે ?

''અમે કેવળ જ્ઞાન પ્યાસી,

દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી.''

આમને તૃષા શેની લાગી છે ? કેવળ જ્ઞાનની જ તૃષા છે. અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી. ત્યારે આપણે એને કહીએ, 'મહીં રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી કર.' ત્યારે તે કહે, 'એ તો પ્રકૃતિમાં રહી છે. મારી નથી રહી.' પ્રકૃતિમાં તો કોઈકને ચાર આની રહી હોય, કોઈને આઠ આની રહી હોય, તો કોઈને બાર આની રહી હોય. ત્યારે તે કહે, 'બાર આની વાળાને ભગવાન દંડ કરતા હશે ?!' ત્યારે કહે, 'ના, બા. તારી જેટલી ખોટ, તેટલી પૂરી તું કર.'

હવે, પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં 'હું કરું છું' કહે કે ડખો થાય.

પ્રકૃતિ પર કંટ્રોલ કોણ કરે ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપર કંટ્રોલ આવતો નથી. શુધ્ધાત્માભાવ બરોબર રહે છે.

દાદાશ્રી : કંટ્રોલ કરવાનું તો પોલીસ-વાળાને સોંપી દેવું ! પ્રકૃતિ ઉપર કંટ્રોલ લાવવાનો નથી. કંટ્રોલ લાવવાનું શુભાશુભ માર્ગમાં હોય છે, તમારી પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોણ લાવે હવે ! તમે માલિક નથી. તમે હવે 'ચંદુભાઈ' નથી અને જે કરે છે તે બધું 'વ્યવસ્થિત' કરે છે. હવે તમે એમાં કેમનું કંટ્રોલ લાવશો ? પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં હોય જ છે, કંટ્રોલ કરવાની તમારે જરૂર નથી. 'તમે' સહજ ભાવમાં આવ્યા તો પ્રકૃતિ તો સહજ ભાવમાં જ છે.

તમારે ભડક શી ? તમે પરમાત્મા છો. પરમાત્મા ભડકે તો જગત ભડકી જશે. આપણે પ્રકૃતિની પેલે પાર છીએ.

પ્રકૃતિનું પૃથક્કરણ !

પ્રશ્નકર્તા : પ્રકૃતિનું 'એનાલિસીસ' કઈ રીતે કરવું તે સમજાવો.

દાદાશ્રી : સવારના ઊઠીએ ત્યારથી મહીં ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે, એવી ખબર ના પડે ? એ પ્રકૃતિ છે. પછી બીજું શું માગે છે ? ત્યારે કહે કે, 'જરાક નાસ્તો-ચેવડો કંઈક લાવજો.' એ પણ ખબર પડે ને ! આવું આખો દહાડો પ્રકૃતિને જુએ તો પ્રકૃતિનું 'એનાલિસીસ' થઈ જાય. એનાથી દૂર રહીને બધું જોવું જોઈએ ! આ બધું આપણી મરજીથી કોઈ નથી કરતું, પ્રકૃતિ કરાવે છે !

પ્રશ્નકર્તા : આ તો સ્થૂળ થયું. પણ અંદર જે ચાલતું હોય તે કઈ રીતે જોવું ?

દાદાશ્રી : એ ઈચ્છા કોને થઈ, એ આપણે જોઈ લેવું ? આ ઇચ્છા મારી છે કે પ્રકૃતિની છે, એ આપણે જોઈ લેવું. કારણ મહીં બે જ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : છૂટા રહીને 'જોવું' એ જાતની પ્રેક્ટિસ કરવી પડે ?

દાદાશ્રી : એક જ દહાડો કરે તો આ બધું આવડી જ જાય પછી. આ બધું એક જ દહાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે જ પુનરાવર્તન છે.

શુધ્ધાત્મા ને પ્રકૃતિ પરિણામ !

'નિજ સ્વરૂપ'નું ભાન થયા પછી, 'હું શુધ્ધાત્મા છું' એવું બોલ્યો ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો કે, 'હું આમ છું, હું તેમ છું' એ બધું વિકલ્પ, એનાથી બધો સંસાર ઊભો થાય. અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાં ય છે તે આ 'ચંદુભાઈ'ને તો બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ, સારાં ને ખોટાં બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ. આમ અવળું ય કરે ને સવળું ય કરે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એકલું અવળું કે એકલું સવળું કોઈ કરી શકે જ નહીં. કોઈ થોડું અવળું કરે, તો કોઈ વધારે અવળું કરે !

પ્રશ્નકર્તા : ના કરવું હોય તો ય થઈ જવાનું ?

દાદાશ્રી : હા, થઈ જ જવાનું એટલે 'હું શુધ્ધાત્મા છું.' એમ નક્કી કરીને આ બધું અવળું-સવળું 'જો' ! તને અવળું-સવળું મહીં આવે એટલે તારે મનમાં એમ કલ્પના નહીં કરવાની કે 'મારે અવળું થયું. શુધ્ધાત્મા મારો બગડ્યો !' શુધ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો આ અવળું-સવળું થાય છે, એ તો પરિણામ આવેલાં છે. પહેલાં ભૂલ કરી હતી, તેનાં આ પરિણામ છે. તે પરિણામ 'જોયા' કરો. અને અવળું-સવળું તો અહીં આગળ લોકની ભાષામાં છે. ભગવાનની ભાષામાં અવળું-સવળું કશું છે જ નહીં.

પ્રશ્નકર્તા : અવળું-સવળું જો ભગવાનની ભાષામાં ના હોય તો પછી માથાકૂટ કરવાની જ ક્યાં રહી ?

દાદાશ્રી : કશી જ માથાકૂટ કરવાની નથી. તેથી હું કહું છું કે 'જુઓ'. અને કોઈને દુઃખ ના થાય. ને દુઃખ થાય તો તેનું પ્રતિક્રમણ કરજો, એમ ભગવાને કહેલું.

'પ્રકૃતિ' જુદી, 'પોતે' જુદો !

પ્રકૃતિ તો અભિપ્રાયે ય રાખે, બધું ય રાખે. પણ આપણે અભિપ્રાયરહિત થવું. 'આપણે' જુદા, પ્રકૃતિ જુદી. 'આપણે' આપણો જુદે જુદો ભાગ ભજવવો. એ પીડામાં ઊતરવું નહીં. પ્રકૃતિને જુઓ, તેમ ઓછી થાય. જ્યાં સુધી પ્રકૃતિને જુઓ નહીં, ત્યાં સુધી ઓછી ના થાય.

છેવટે જ્ઞાન ઠેકાણે લાવે !

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણી વાર બહુ આવે છે.

દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય.

પ્રશ્નકર્તા : પણ તે વખતે જ્ઞાન પણ એટલું જ જોરદાર ચાલે છે.

દાદાશ્રી : હા, 'જ્ઞાને' ય જોરદાર ચાલે. આ 'અક્રમ વિજ્ઞાન' છે એટલે મારંમાર, લઢી કરીને પણ ઠેકાણે લાવી દે.

પ્રકૃતિની પજવણી !

પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે.

દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ! ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ? ગટર એનો ગુણ આપે કે ના આપે ?

પ્રશ્નકર્તા : આપે.

દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દ્રષ્ટિએ રહેવું પડે ?

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા.

દાદાશ્રી : આપણને એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું.

પ્રશ્નકર્તા : 'આપણે' 'પાડોશી'ને 'જોયા' કરીએ અને તેને વાળીએ નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ?

દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છો ? આપણે ચલાવતા નથી, આપણે વાળતા ય નથી. એ 'વ્યવસ્થિત'ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો 'ધર્મ' નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય !

પ્રશ્નકર્તા : અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન 'સ્ટોપ' થઈ જશે કે નહીં ?

દાદાશ્રી : થઈ ય જાય ! 'જ્ઞાની પુરુષ'ના કહ્યા પ્રમાણે કરે તો પાંચ-દસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાં ય થઈ જાય ! 'જ્ઞાની પુરુષ' તો ત્રણ લોકના નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ? આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે.

પ્રકૃતિ તો આમ વળે...

પરમાણુએ પરમાણુ પ્રકૃતિના જે ઓળખી ગયો, તે છૂટ્યો. 'જ્ઞાન' અને 'પ્રકૃતિ', બે જુદાં જ છે. પણ પ્રકૃતિ જ્યાં અંતરાય, ત્યાં ઓબસ્ટ્રકશન થઈ જશે. માટે ટોર્ચ નાખી જોઈ લેવું.

'આ' જ્ઞાન મળ્યું છે માટે હવે એક ક્ષણવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી. એને વઢવાનું નહીં, ઠપકો આપવાનો નહીં. એને કહીએ કે 'તારે જે ખાવું હશે, તે બધી જ ચીજો તને સપ્લાય કરીશું. પણ તું આટલું અમારું માન.' દેહને કહીએ કે આટલું અમારું માન. ઈગોઈઝમ બહુ કૂદાકૂદ કરતો હોય તો કહીએ કે આટલું અમારું માન.

પ્રશ્નકર્તા : જો એની સામાવડિયા થઈએ તો, દાદા ? એની સામા પડીએ તો શું થાય ?

દાદાશ્રી : ના. પ્રકૃતિની સામા થઈએ તો એ ય સામી થાય. એ તો એને જોઈતું જ છે. એવું તો એને જોઈએ જ છે કે સામા પડે કે લાગમાં લઉં. આપણે સામા પડવાનું ના હોય. એને તો સમજાવી-પટાવીને કામ લેવાનું. આ છેવટે એની બાળક અવસ્થા છે. આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની બાળક અવસ્થા છે. ક્યારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે, એ કહેવાય નહીં. એ બાળક સ્વભાવની છે માટે એને સમજાવી-પટાવીને, ગોળીઓ ખવડાવીને લાલચ આપીને, ભજિયાં ખવડાવીને પણ ઉકેલ લાવવો.

ત્યાં સમજાવી-પટાવીને કામ લેવું !

પ્રશ્નકર્તા : એટલે એને પંપાળીને ઉકેલ લાવવો ?

દાદાશ્રી : ના. પંપાળીને નહીં, સમજાવીને. પંપાળીને એ અર્થ ખોટો કહેવાય. એને સમજાવવું. સમજાવ્યા સિવાય કામ ના થાય. સામું ના થવું. સામું થાય એટલે ઊલટું આપણું ગાડું એ ઊંધું નાખી દે. આ બળદને બહુ માર માર કરીએ તો એ ગાડું ઊંધું નાખી દે. એ મારીએ ત્યારે દોડે ખરાં, એટલે આપણને એમ લાગે કે મારવાથી જ દોડે છે, ચાલે છે એમ શ્રદ્ધા બેસે. પણ ક્યારે એ ગાડું ઊંધું નાખી દે, એ કહેવાય નહીં. એના કરતાં એને સમજાવી- પટાવીને કામ કરવું.

પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલાં વર્ષો થાય, છતાં સ્વભાવથી એ બાળક છે. આખી જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય. પણ બાળક અવસ્થા ક્યારે થઈ જાય એ કહેવાય નહીં. રડી ઊઠે, દીન થઈ જાય. કાલાંવાલાં કરે. બધું જ કરે. કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : પ્રકૃતિ એ બાળક જેવી અવસ્થા કહેવાય. તો પછી એવા બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે. નથી સહેલું ? પ્રકૃતિ પાસે સમજાવી - પટાવીને કામ લેવા જેવું છે. સમજાવવું તો અવશ્ય જોઈએ. એ 'યસ' ના કહે ત્યાં સુધી નકામું છે. અને 'યસ' કહે એવી ય છે. આ બાળક છ મહિનાથી ના કહેતું હોય, પણ તે પા કલાકમાં સમજાવીએ તો 'યસ' કહે એવું છે.

પાછી પ્રકૃતિ બાળક જેવી છે. અને હઠે ચઢે તો લાખ વર્ષ સુધી ઠેકાણું ના આવે. હઠે ચઢે અને સમજાવીએ, એ બેમાં બહુ ફેર છે. સમજાવવાને માટે બહુ કીમિયા જોઈએ. ગમે તેટલું હઠે ચઢેલું છોકરું હોય તેને સમજાવતા આવડતું હોય, તો તે સમજી જાય. નહીં તો એ બૂમાબૂમ કરી મૂકે. તોફાન કરી મૂકે. એને સમજાવતા આવડવું જોઈએ. આપણામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે. બધા કીમિયા આવડે, જો ખોળે તો. પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જુએ તો મહીંથી દર્શનમાં આવી જાય. પણ શોધખોળ કરે તો ! આ તો શોધખોળ ના કરે. જાણતાં જ ના હોય, તે મારીને ઠોકાઠોક કરે !

પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાંડનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જ એ કૂદાકૂદ કરે કે 'ખાંડ લઈ આવીએ, ખાંડ લઈ આવીએ, ખાંડનો કંટ્રોલ આવવાનો છે.' ને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઈ આવીશું. છતાં ય એ કહે કે 'ના.' એવું છે. પ્રકૃતિ તો બાળક જેવી છે. એટલે અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ.

પ્રકૃતિ જડ કે ચેતન ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઈ દ્રષ્ટિએ ?

દાદાશ્રી : વૃદ્ધ જેવી છે, એનું કારણ શું કે ગમ્મે તેટલાં મોટાં લશ્કર આવે ત્યારે એ ના છોડે, પોતાનું જ પકડી રાખે. અને છોડી દે તો સહેજમાં છોડી દે. એ અમે જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં. એ વીતરાગી કહેવાય. પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્રચેતન છે.

મિશ્રચેતન એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે, એને 'મિશ્રસા' કહેવાય. મિશ્રસા જ્યારે રસ આપીને જાય ત્યારે એ 'વિશ્રસા' કહેવાય છે. ચોખ્ખા પરમાણુને 'વિશ્રસા' કહેવામાં આવે છે અને તેમાં ભાવ કર્યો, તે વખતે 'પ્રયોગશા' થઈ ગયા. આ પ્રકૃતિના પરમાણુ ચેતન ભાવને પામેલા છે. માટે તેને કહી શકાય, સમજાવી શકાય. આ 'ટેપરેકર્ડ' (મશીન)ને કહીએ, બૂમો પાડીએ, સમજણ પાડીએ તો શું સમજાવાય ?

લોકો આત્મા જાણતા નથી, ને તેના વગર ચાલે જ છે ને, તેમને ? કારણ કે પ્રકૃતિ એવું મિશ્રચેતન છે. આપણા છોકરા મોટાં હોય, બધાની પત્તર ફાડી નાખે એવાં હોય, પણ છેતરાવાના ના હોય તો ય તે સહેજમાં છેતરાઈ જાય છે કે નહીં ? એનું શું કારણ ? એ પ્રકૃતિ છે. એને સમજાવનારા જોઈએ.

પ્રકૃતિને સમજાવવાની કળા !

પ્રશ્નકર્તા : કોઈ વખત સમજાવતા કામ નથી થતું.

દાદાશ્રી : એનો અર્થ એ કે સમજાવતા નથી આવડતું.

પ્રશ્નકર્તા : ઘણી વખત પ્રકૃતિને સમજાવવાથી કામ નથી થતું, ત્યારે એને ઠપકો આપવો જ પડે. દ્રષ્ટાંત તરીકે ડૉકટરે બે જ પૂરી ખાવાનું કહ્યું હોય ત્યારે તો પ્રકૃતિ કહેશે, કે ત્રણ ખા. ત્યારે એને સમજાવી તો એ નથી માનતી. ત્યારે એને ઠપકો આપવો જ પડે. એ વખતે પંપાળીને નથી થતું. હઠ કરવી પડે છે.

દાદાશ્રી : એવું છેને, જો સમજાવતા આવડે તો તો બહુ જ સારું છે. તે ના આવડે પછી ઠપકો આપવાનો પણ એ સેકન્ડરી સ્ટેજ કહેવાય. પણ તે દેહની બાબતમાં ચાલે. મનની બાબતમાં ઠપકો આપવાનું સારું નહીં જ. દેહ તો જરા જડ છે ને ઠપકો આપો તો વાંધો નહીં. મૂળ જડ સ્વભાવનો છે અને મનને તો સમજાવવું પડે.

દેહને પણ જો સમજાવતા આવડતું હોય તો સમજાવવું સારું. દેહ પણ અમારું કહેલું માને.

પ્રશ્નકર્તા : એ પણ દાદા, પ્રકૃતિ જેટલી સહજ થઈ છે, એટલું સહેલાઈથી માને, એ ખરું ?

દાદાશ્રી : હા. એ વાત ખરી છે. આ બધા પરમાણુ શું કહે છે ? ચેતન ભાવને પામેલા છે એટલે તે કહે છે, કે અમે તમારો ઠપકો ખાવા નથી આવ્યા. ઠપકાનું ફળ તમને તરત જ મળશે. આ બધું સાયન્સ છે.

એ દોષ પ્રકૃતિનો કે... ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે એ અંતરાયકર્મ છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિદોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઈચ્છા પ્રતિક્રમણ કરવાની છે ?

પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી.

દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલે ય ખરી ને ના પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો ના ય વાગે, આને અંતરાય ના કહેવાય.

પ્રકૃતિ સુધરે ?!

મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, 'મેલ છાલ' ! અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધારને ! પછી આપણી 'રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી ! આટલું બધું આ 'સાયન્સ' છે !!! બહાર ગમે તે હોય તેની 'રિસ્પોન્સિ-બિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી, હું શું કહેવા માગું છું તે ?

પ્રશ્નકર્તા : હા. સમજણ પડી. ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું.

દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તો ય આપણે તરત કહેવું, 'આમ ના હોવું જોઈએ.' આ તો બધું ખોટું છે ! પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે 'આમ ના હોવું જોઈએ.' તો તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?

પ્રશ્નકર્તા : હવે અજ્ઞાનતા હતી ત્યારે પોતે પ્રકૃતિમાં તન્મયાકાર થતો હતો.

દાદાશ્રી : થતો હતો જ નિયમથી અને રાજીખુશી થઈને થતો હતો. એને ગમે પાછું. દારૂ પીવાનો વિચાર આવ્યો કે તરત તન્મયાકાર થઈ જવાનો. એ ગમે એને. અને હવે 'જ્ઞાન' પછી શું થાય ? મહીં પોતે છૂટો રહે. એટલે ના ગમતું થાય. આ ના ગમતું થાય, એનું આ તપ ઊભું થાય.

પ્રશ્નકર્તા : એટલે પહેલા ગમતું હતું, તે જ હવે ના ગમતું થયું ?

દાદાશ્રી : હા. ગમતું પ્રકૃતિને બાંધે અને ના ગમતું પ્રકૃતિને છોડે.

આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : રહે છે, દાદા.

પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !

પ્રશ્નકર્તા : હવે દાદા, એ જે આપે કહ્યું કે શુધ્ધાત્માનું કામ હવે તમે તમારી મેતે કર્યા કરો, એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી. રહેવાનું ?

દાદાશ્રી : બસ, બીજું કંઈ નહીં. જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ ! અને ચંદુભાઈની પ્રકૃતિ શું કરી રહી છે, એ જ જોયા કરે.

આમની ગાડી આવે ત્યારે ચંદુભાઈ કહે 'એ અથડાશે, આમ થશે, તેમ થશે.' તે આપણે એ જોયા કરવું કે 'કહેવું પડે ! કહેવું પડે !' એ પુદગલ પર્યાયો છે બધા. એને જ જોવાનું. પોતાની પ્રકૃતિને જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને જોયા કરે તો બદલાય ખરી ?

દાદાશ્રી : પ્રકૃતિને બદલવાની જરૂર જ નથી. એ 'જોઈ' એટલે એ એની મેળે આપણને ફળ આપીને ગઈ એટલે 'ફરી હું નહીં આવું' એવું કહીને ગઈ. 'ફરી નહીં આવું, તમે છૂટા ને હું ય છૂટી.' પછી આપણે વાંધો હોય તો બોલાવી લઈએ !

રસ્તામાં આવતા હતા, તો એક બસ બળતી હશે. તે મેં જોઈ. મેં કહ્યું, 'બસ બળે છે આ.' ભડ, ભડ, ભડ, હેય... મોટી મોટી હોળીના પેઠ અને સળગ્યા કરે. ત્યારે મેં જાણ્યું 'આ બસ બળે છે.' એટલે પછી હું એ દ્રષ્ટિ ઉતારું ને કે આ પ્રકૃતિ એટલે કેટલે સુધી ચાલી ? કે 'અરેરેરે બા, આ છોકરાંઓએ શું માંડ્યું છે ? આ અનામત વિરોધી ! મૂઆને પોતાની ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ' એવી આ પ્રકૃતિ મહીં જે ચાલવા માંડી, તેને હું જોયા કરતો હતો.

પ્રકૃતિ તો બોલ્યા વગર રહે નહીં ને, 'આ બસ બળે છે અને આમ થાય છે' ને તે આપણા બાપનું છે કે કોનું છે ? પ્રકૃતિ જાણે આપણું જ છે તેમ એ ડહાપણ કર્યા વગર રહે નહીં. પ્રકૃતિ એ બધું ડહાપણ જ કર્યા કરે. એને અમે જોયા કરીએ, બસ. બીજું શું ? અમે સમજી ગયા કે 'ઓહોહો ! પ્રકૃતિ શું કરે છે ? છોકરાંઓએ આવું ન કરવું જોઈએ. છોકરાંઓને આ સમજણ નથી, તેથી આવું કરી રહ્યા છે, છોકરાઓને ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ.' પણ એ બધાને પાછું અમે જાણીએ. હું જાણતો જ હોઉં અને એક બાજુ પ્રકૃતિ તો એની વાતો કરતી જતી હોય.

અને આ પ્રકૃતિમાં મહીં કોઈ ગાંડો હોય તો પૂછે કે 'તમે કોણ છો ?' ત્યારે પાછા કહીએ કે 'અમે કેવળજ્ઞાન સ્વરૂપ છીએ. તારે જે કરવું હોય તે કરજે બા. એની પર જેટલાં દાવા કરવાં હોય તે કરજે !'

'વ્યવસ્થિત'ની સમજ !

'વ્યવસ્થિત' કોને કહેવાય છે, એ તમને કહું કે આપણી પ્રકૃતિના કાર્યમાં અને બહારનાં એવિડન્સનાં કાર્યમાં ડખો નહીં કરવો, એનું નામ 'વ્યવસ્થિત'.

બહારનાં સંયોગોમાં અને આપણી પ્રકૃતિના કાર્યમાં, હાથ ઊંચો થાય કે પગ આઘોપાછો થાય કે મહીં અંદરથી કહે ને આ હેંડવા માંડે, એ બધામાં આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, એનું નામ વ્યવસ્થિત.

પ્રશ્નકર્તા : ફરીથી કહો.

દાદાશ્રી : ફરીથી કહું ? 'શુધ્ધાત્મા' સિવાય બીજું પ્રકૃતિ રહી, તે પ્રકૃતિ અને બહારનાં સંયોગો બધાં ભેગા થતાં હોય ને, તે જે કાર્ય કરે એ બધું વ્યવસ્થિત.

શુધ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, 'તું જોશથી કર.' એમે ય નહીં કહેવાનું અને 'ના કરીશ' એમે ય નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, તો 'વ્યવસ્થિત'.

અને કોઈ ફેરો જ પહેલું પ્રકૃતિને ઠંડક રહે એટલાં માટે કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. કારણ કે મહીં જાતજાતના ગૂંચાળા ઊભા થાય, લૌકિક જ્ઞાન હાજર થઈ જાય એટલે આપણે આ જ્ઞાન પહેલેથી કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. બાકી વ્યવસ્થિતનો અર્થ એ છે કે પ્રકૃતિના કાર્યમાં ડખો નહીં કરવાનો.

આપણે ગજવું દાબી રાખવું પડે. જો આ પોતે બધું ગોઠવાયેલું કહેને તો તો ગજવું દબાવે નહીં. ગોઠવાયેલું છે જગત એવું તમને લાગ્યું ?

પ્રશ્નકર્તા : 'કોઈ કર્તા નથી' કહ્યું, એનો અર્થ એમ કે વ્યવસ્થિત ગોઠવાયેલું છે ?

દાદાશ્રી : ખરેખર ગોઠવાયેલું છે, પણ આ લોકોને કહેવાય નહીં એવું. એવું કહે તો આ લોકો કેવાં છે ? હાથે ય હલાવે નહીં, એવાં છે. હાથને કહેશે, 'તું હાલીશ જ નહીં'. તો ઊંધી પ્રક્રિયા થઈ જશે. સહજ રીતે રહેવાનું. જો સહજ રીતે રહી શકતો હોય, જે મન-વચન-કાયામાં ડખલ નહીં કરતો હોય, તેને વ્યવસ્થિત જ છે જગત, ગોઠવાયેલું જ છે ! પણ આ તો મન-વચન-કાયામાં ડખલ કરે કે હવે નહીં જઈએ તો ચાલશે. આ સમજવાનું છે. અહીં આગળ ડખલ કરે એ જે રડારડ કરશે ને તેને ય વ્યવસ્થિત છે, ને જે હસીને કરશે ને તેને ય વ્યવસ્થિત છે. કશું વળે એવું નથી.

આમ અજ્ઞાનતાથી અવળું વીંટે !

'વ્યવસ્થિત' તે આપણે શું કહેવા માગીએ છીએ કે તું શું કરવા ઈગોઈઝમ કરે છે ? તું શા માટે સ્પંદન કરે છે ? આ મન-વચન-કાયા એ વ્યવસ્થિતના તાબે જ છે અને વ્યવસ્થિતની પ્રેરણાથી જ આ મન-વચન-કાયા ચાલી રહ્યાં છે. એમાં કહે છે, 'મેં ચલાવ્યું, હું ચલાવું છું.' એવાં આમાં સ્પંદન કરવાની જરૂર નથી. તું તારા સ્વરૂપમાં રહે આપને સમજાયું ને, કે હું શું કહેવા માંગું છું ? કે આ બધું વ્યવસ્થિતને જ તાબે છે અને વ્યવસ્થિત જ ચલાવી રહ્યું છે. વ્યવસ્થિત જ રહે છે.

પણ એ જ્ઞાન આ બધા લોકોને અપાય એવું નથી. કારણ કે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય, જ્યાં સુધી 'હું શું છું' એવું નક્કી ના થાય ત્યાં સુધી આ વ્યવસ્થિતનું જ્ઞાન આપીએ તો પોતાની જાત સિવાયનું આની બહારનું બધું વ્યવસ્થિત કહે અને એટલે પછી સૂઈ રહે. કહેશે, કશો વાંધો નથી. એટલે અવળા ભાવ કરે અને એનો આવતો ભવ બગડે. આ ભવમાં ના બગડે, કારણ કે આ ભવમાં ના બગડે એવું વ્યવસ્થિત છે. એ બહુ સમજવા જેવું છે. એ વાત બહુ ઊંડી છે.

સંબંધ, પ્રકૃતિ ને વ્યવસ્થિતનો !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ અને વ્યવસ્થિતને સંબંધ ખરો ?

દાદાશ્રી : બેઉને સંબંધ છે. સાચો સંબંધ એમાં જ છે. બન્નેને સાચો સંબંધ જ છે. આ તો જો કદી અહંકાર ડખલ ના કરે તો બધું તે વખતે વ્યવસ્થિત છે. પણ અહંકાર જીવતો છે ને મૂઓ !

પ્રશ્નકર્તા : અને અત્યારે તો જે જીવ ભોગવી રહ્યો છે, એ એની પ્રકૃતિ મુજબ એને વ્યવસ્થિત છે ?

દાદાશ્રી : પ્રકૃતિ અને વ્યવસ્થિત, બે એક જ છે. પણ અહંકાર છે ને એ ડખલ કરે છે, પ્રકૃતિમાં. એ પ્રકૃતિને સહજ રહેવા દેતો નથી. એટલે અજ્ઞાનીની પ્રકૃતિ એ વ્યવસ્થિત કહેવાય નહીં. અહંકાર કાઢી આપીએ પછી વ્યવસ્થિત કહીએ એ જુદું છે.

પ્રશ્નકર્તા : હું તો એમ કહેવા માંગું છું કે અત્યારે જે જીવનું વ્યવસ્થિત ચાલે છે એ એની હાલની પ્રકૃતિ મુજબ ચાલે છે કે એનાથી જુદું છે ? દાખલા તરીકે આ ચંદુભાઈની જે પ્રકૃતિ હાલની છે અને ચંદુભાઈનું જે વ્યવસ્થિત છે, એ બેઉનો સંબંધ ખરો ?

દાદાશ્રી : એક જ છે, એ જ કહું છું ને ! વ્યવસ્થિત પ્રમાણે જ પ્રકૃતિ ખૂલે છે, જો એ અહંકારની ડખલ ના હોય તો. તેથી એને વ્યવસ્થિત કહીએ છીએ ને ! અહંકારની ડખલ ગઈ એટલે વ્યવસ્થિત ! પણ જગતના લોકોને અહંકારની ડખલ છે એટલે બહાર વ્યવસ્થિત કહેવાય નહીં. પ્રકૃતિ વ્યવસ્થિત છે પણ અહંકાર છે મૂઓ, ક્યારે ગાંડું કરે કહેવાય નહીં ને ? અહંકાર મહીં ગાંડું કરે ?

પ્રશ્નકર્તા : કરે !

દાદાશ્રી : હેં ! આખો દહાડા ગાંડાં જ કાઢે છે ને ! અને ભમરડો છે ને, તે કૂદાકૂદ કરે છે વગર કામનો !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ બરાબર સમજણ નથી પડતી, તો પ્રકૃતિ સમજાવો.

દાદાશ્રી : આ શુધ્ધાત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ. જે જે કરે છે એ બધું પ્રકૃતિ જ કરે છે.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં શું ફરક ?

દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિતને ફેરવી નાખે. એટલે અહંકાર મહીંથી બાદ કરી નાખીએ તો પછી વ્યવસ્થિત જ છે. ડખો કરનારો બાદ કરી નાખીએ, ડખો કરનારો કોઈ ના હોય તો બધું વ્યવસ્થિત છે. આ ડખો કરે છે તેથી આ સંસાર ઊભો રહ્યો છે.

પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ માઈનસ અહંકાર ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત શક્તિ, બરાબર ?

દાદાશ્રી : હા, આ અહંકાર મહીં છે ને, તે ડખો કરે છે. તેથી આ ઊભો રહ્યો છે સંસાર, એ જો ડખો ના કરે તો કશો વાંધો નથી. આ જ્ઞાન પછી તમારે ડખો કરનારો કોઈ છે નહીં એટલે વ્યવસ્થિત.

પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં જોર કોનું વધારે ?

દાદાશ્રી : પ્રકૃતિનું. વ્યવસ્થિત તો, એ બધું તો ન્યાયસ્વરૂપ છે. પેલામાં અહંકાર ગાંડું બોલે ને ? આ જ્ઞાન પછી આપણી પ્રકૃતિ બધી ન્યાયસ્વરૂપ થઈ ગઈ એ વ્યવસ્થિત. ગાંડું કાઢે તો ય એ વ્યવસ્થિત કહેવાય.

પ્રશ્નકર્તા : તો અહંકારને કાઢવો જોઈએને!

દાદાશ્રી : જ્ઞાન લીધું હોય તો અહંકાર રહ્યો જ ક્યાં આગળ ! ચાર્જ અહંકાર કાઢી નાખેલો છે અને હવે જે છે તે ડિસ્ચાર્જ અહંકાર છે, એનાં વગર કોઈ સંસારી કામ થાય નહીં.

પ્રકૃતિમય, તેટલો પરવશ !

આપણે પોતે પુરુષ તરીકે, શુધ્ધાત્મા તરીકે સ્વવશ છીએ અને પ્રકૃતિએ કરીને પરવશ છીએ. પ્રકૃતિ અને રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડના હિસાબે આ બધું ચાલી રહ્યું છે. એમાં ભગવાન હાથ ઘાલતો જ નથી. પુરુષ બન્યા પછી પ્રકૃતિની સાથે કંઈ જ લેવાદેવા રહેતી નથી. બન્યું તે પ્રકૃતિ, તેના પર રાગ-દ્વેષ ન થયો તે શુધ્ધાત્મા. મારામારી કરતાં ય રાગ-દ્વેષ ના થાય, એવું ગજબનું આ જ્ઞાન છે.

પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો. પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો, એટલે ગજબની શક્તિ પેદા થાય.

એ દુનિયાનો સ્વામી થઈ ગયો !

પ્રકૃતિની બહાર નીકળવું મુશ્કેલ છે. પ્રકૃતિની બહાર કોઈ નીકળી ના શકે. પ્રકૃતિની બહાર નીકળે, એની વાણી ઓર જાતની હોય ! એ સ્વતંત્ર થયો હોય ! અને એની નિર્ભીકતા બતાવે. દુનિયાના સ્વામીની પેઠ ફરતો હોય એ અને બીજા બધા તો ભગતો ! ભગત ને ભગવાન જુદા. આ પ્રકૃતિની પાર ગયો, એ પોતે જ ભગવાન થઈ ગયો.

આવું ગજબનું પ્રકૃતિનું જ્ઞાન છે. નદીની પાર જઈ શકે પણ પ્રકૃતિની પાર ના જઈ શકે, તેવું છે !

અક્રમ માર્ગે પ્રકૃતિની પાર !

આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે.

પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ કરે છે, પણ એમ એ હાથમાં આવે તેમ નથી. ક્રમિક માર્ગમાં પ્રકૃતિ આખીને ઓળખે ત્યાર પછી પુરુષ ઓળખાય. તે અનંત અવતારે ય ઉકેલ આવે તેમ નથી. જ્યારે અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ માથે હાથ મૂકે તો પોતે પુરુષ થઈ આખી પ્રકૃતિને સમજી જાય. અને બન્ને કાયમના છૂટાં જ રહે. પ્રકૃતિની ભૂલભૂલામણીમાં ભલભલા ફસાયા છે અને તે ય શું કરે ? પ્રકૃતિથી જ પ્રકૃતિને ઓળખવા જાય છે ને ? તે ક્યારે પાર આવે ? પુરુષ થઈને પ્રકૃતિને ઓળખવાની છે. તો જ પ્રકૃતિના પરમાણુએ પરમાણુ ઓળખાય.

એવી દશા જ્ઞાનીની !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'ને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ હોય ?

દાદાશ્રી : ના. ના હોય ! પણ પ્રકૃતિની એમની ઉપર અસર ના હોય. પોતાની સ્વતંત્રતા પર પ્રકૃતિની અસર ના હોય, પણ પ્રકૃતિને આધીન તો મહાવીર ભગવાનને ય રહેવું પડતું હતું !

પ્રકૃતિનો એક ગુણ 'પોતાનો' માને નહીં અને 'પોતાના' બધા ગુણો જાણે એ 'જ્ઞાની.' પ્રકૃતિનો એક ગુણ પોતાનો માને તો સંસારમાં ફસાય !

'જે' પ્રાકૃત ભાગથી મુક્ત છે એવું 'જેનું' 'જ્ઞાન' છે, એ 'જ્ઞાની'. 'જ્ઞાની' પણ પ્રકૃતિમાં છે, પણ પ્રકૃતિમાં રહીને પોતે છૂટા રહે, તે 'જ્ઞાની'!

પુરુષ, પછી થાય પરમાત્મા !

પ્રકૃતિ પરાધીન છે, આત્માધીન નથી. પ્રકૃતિને ઓળખે તે પરમાત્મા થાય. 'પુરુષ'ને ઓળખે તો પ્રકૃતિ ઓળખાય.

'પોતે' એક સેકન્ડ પણ 'પુરુષ' થાય તો બહુ થઈ ગયું. એક સેકન્ડ પણ પુરુષ થયો એ પરમાત્મા થાય. એક સેકન્ડ પણ કોઈ 'પુરુષ' થયો નથી. 'પ્રકૃતિ'ને નિહાળે તે 'પુરુષ'. 'પ્રકૃતિ'ને નિહાળી રહ્યો તે પરમાત્મા.

આત્મા પ્રાપ્ત થયો, એની નિશાની શી ? પોતાની પ્રકૃતિનો ફોટો પાડતા આવડ્યો તે !

પોતાપણાને નિહાળે ત્યારે પોતાપણું ધીમે ધીમે ઓછું થાય. કૃપાળુદેવે કહ્યું ને જ્ઞાનીપુરુષને પોતાપણું નથી. એટલે પોતાપણું નિહાળે ત્યારે એ ધીમે ધીમે ઓછું થાય.

પ્રશ્નકર્તા : પોતાપણામાં શું શું નિહાળ-વાનું ?

દાદાશ્રી : આખી પ્રકૃતિ જ નિહાળવાની. આખી પ્રકૃતિ પોતાપણું જ છે. આખી પ્રકૃતિ જ પોતાપણું છે. ત્યાં જ માનતો હતો ને 'હું છું આ.'

પોતાપણું એટલે....

આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું પોતાપણું. પ્રકૃતિનું રક્ષણ કરે, તે રક્ષણ તો કરે પણ કપટ કરીને અવળું હઉં ફેરવી નાખે. ત્યાં આગળ પોતાપણું ડબલ થઈ ગયું. આ તો જે પ્રકૃતિથી છૂટવું છે, તેનું જ રક્ષણ કરે છે.

તમે આમ રહીને જતા હોય અને પેણે સુધી ગયા ત્યાર પછી કોઈ કહે, 'ના, આમ રહીને જવાનું.' તે ઘડીએ જરા મહીં આંચકો લાગે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ જ પ્રકૃતિનું રક્ષણ ! નહીં તો એટલી જ 'સ્પીડ'થી પાછું આ બાજુ વળી જાય. એવી 'સ્પીડ'થી અને એવાં જ 'ટોન'થી અને એવાં જ 'મુડ'થી. જે 'મુડ' હતો ને, તેનો તે જ 'મુડ'. આ તો છેલ્લી દશાની વાત કરી !

આ 'જ્ઞાન' લીધું એટલે 'પોતે' આત્મા થઈ ગયો. 'પ્રકૃતિ મારી ન્હોય' એમ કહે છે, પણ પછી પાછો શું કરે ? પ્રકૃતિનું રક્ષણ કરે.

'અક્રમ વિજ્ઞાન'ની લબ્ધિ

આ 'જ્ઞાન' લીધું એટલે પોતે આત્મા છે. પણ તે સર્વસ્વ આત્મા નથી એ. એ પ્રતીતિ આત્મા છે. ત્યારે પ્રકૃતિ ઉપશમ થયેલી હોય, તો ય એ પ્રતીતિ આત્મા છે. આપણા બધા 'મહાત્માઓ'ને પ્રતીતિ આત્મા છે.

પ્રશ્નકર્તા : એટલે આ 'જ્ઞાન' પછી આખી પ્રકૃતિ હજુ ઉપશમભાવને પામેલી છે.

દાદાશ્રી : હા, પણ ઉપશમ ભાવને પામેલી એટલે બહુ થઈ ગયું. એટલું આવ્યુંને, ઉપશમભાવને પામી એ જ મોટામાં મોટો પુરુષાર્થ. એ જ મોટી આ લબ્ધિ કહેવાય એને ! બાકી બીજી બધી લબ્ધિઓ નથી.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપશમ છે એમાં શો પુરુષાર્થ ?

દાદાશ્રી : એને પુરુષાર્થ કહેવાય ને ! પ્રકૃતિ ઉપશમ થઈ એટલે પ્રકૃતિ તમને 'હેલ્પફુલ' થઈ. એટલે પુરુષાર્થ કરો તો તમારો પુરુષાર્થ ફળે. પ્રકૃતિ ઉપશમ ના થાય ત્યાં સુધી પુરુષાર્થ ફળે જ નહીં.

પ્રશ્નકર્તા : પણ એ પ્રકૃતિ તો પાછી ઉભરાવાની તો ખરી જ ને ?

દાદાશ્રી : ઉભરાય. તોય પણ જ્યારે ત્યારે પુરુષાર્થ એનો ફળે, વહેલો મોડો પણ પુરુષાર્થ ફળે. પણ પ્રકૃતિ ઉપશમ થયેલી હોય તો. અને એક ફેરો ઉપશમ થયા પછી ઉભરાય નહીં ફરી, ઉપશમ થયાં પછી જાય નહીં.

આપણે તો નક્કી જ કે 'મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો. દાદાએ મને પુરુષ કર્યો છે, પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદાં પાડ્યા છે. હું પુરુષ થયો છું. માટે પુરુષાર્થ કરવો છે.' એવું નક્કી કરવું.

આ તો આખો દહાડો પ્રકૃતિમાં જતું રહે ઘણુંખરું તો, એમ ને એમ વહ્યું જ જાય છે પાણી !

પ્રશ્નકર્તા : દરેક પ્રસંગોએ આ પ્રકૃતિ છે એ ખ્યાલ નથી રહેતો ઘણી વખત.

દાદાશ્રી : એ જાગૃતિ એટલી બધી ના રહે ને ! એટલા માટે તો આ અમે હલાવ હલાવ કરીએ આવું કે જેથી જાગતા રહે. પ્રકૃતિનું રક્ષણ કોણ ના કરે ? ભગવાન સિવાય બીજાં બધા ય પ્રકૃતિનું રક્ષણ કરે.

પ્રકૃતિ-પુરુષ-પરમાત્મા !

પ્રશ્નકર્તા : ''પ્રકૃતિને નિહાળે તે પુરુષ અને પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા.'' એ સમજાવો.

દાદાશ્રી : એટલે ચંદુભાઈની પ્રકૃતિ, ચંદુભાઈ શું કરી રહ્યા છે, ચંદુભાઈનું મન શું કરી રહ્યું છે ? ચંદુભાઈની બુદ્ધિ શું કરી રહી છે? ચંદુભાઈનું ચિત્ત કયાં ભટકી રહ્યું છે ? એ બધું નિહાળે એ પુરુષ કહેવાય અને નિહાળી રહ્યો એટલે પરમાત્મા.

પ્રશ્નકર્તા : પુરુષ અને પરમાત્મામાં શું ફરક ?

દાદાશ્રી : પુરુષ છે તે, એ હજુ પરમાત્મા થઈ રહ્યો છે. અને પરમાત્માને કશું ક્રિયા રહી નહીં પછી, પોતે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી અને તમારે નિકાલ કરવાનો રહ્યો, બસ. ફાઈલોનો નિકાલ કરવાનો રહ્યો.

પ્રશ્નકર્તા : દાદા, પ્રકૃતિને નિહાળે તે પુરુષ. અને પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા.

દાદાશ્રી : હં, એટલે જોવાનો અભ્યાસ કરે કે આ પ્રકૃતિ કરે છે, એ બધું કરે છે આ, એ પુરુષ કહેવાય. સામો ગાળો બોલે ત્યારે મનમાં એમ થાય, 'ઓહોહો ! આ તો એ કર્તા નથી. આ તો પ્રકૃતિ કરે છે.' ત્યારે એ પુરુષ થયો કહેવાય. પણ હજુ સ્થિરતા નથી આવી પુરુષ તરીકેની એટલે હારી જાય. બાકી, પુરુષ જ છે. હવે આ નિહાળવાનું કામ એને રહ્યું નહીં, તરત જ આમ સાંભળતાની સાથે જ પ્રગટ થઈ જાય કાયમ, તો એ પરમાત્મા કહેવાય.

ભૂલ કાઢે છે માટે એ પ્રકૃતિ નિહાળતો નથી. પછી એને ખબર પડે છે કે આ ભૂલ થઈ. ભૂલ છે નહીં આ જગતમાં કોઈની અને જે ભૂલ થાય છે એ પ્રકૃતિની ભૂલ છે. અને પ્રકૃતિની ભૂલને આપણે એને ભૂલવાળો કહીએ છીએ. એ ભયંકર ગુનો છે. એટલે અમે શું કહ્યું ? એટલે પ્રકૃતિ જોડે પ્રકૃતિ લઢતી હોય એને જુઓ !

પ્રશ્નકર્તા : એ નિહાળ્યા કરે.

દાદાશ્રી : તો વાંધો નથી. પણ બીજી પ્રકૃતિ લઢતી હોય, એને દુઃખ થતું હોય તો આપણી ભૂલ છે. કારણ કે પેલો પ્રકૃતિને જાણતો નથી. એ તો 'હું જ છું' એવું જાણે છે. એટલે એને તો કશું કહેવાય જ નહીં. કોઈને દુઃખ ના થાય એવું જ જોઈએ અને ફેરફારે ય કશો થવાનો નથી, તમે કકળાટ માંડો કે ના માંડો. અનંત અવતારથી કકળાટ જ માંડ્યા છે. બીજું કશું કર્યું ય નથી અને પોતે એવું માને છે કે આનાથી કંઈ ફેરફાર થશે. કશું ફેરફાર જ ના થાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિની સામે આપણે જે પ્રતિક્રમણ કરીએ, એનાથી થોડો ફેરફાર તો થઈ શકે ખરો ને ?

દાદાશ્રી : એ ફેરફાર કરવાનું એને આપણે જ્ઞાન આપ્યું. એ જ્ઞાન જ્યારે પરિણામ પામે ત્યારે ફેરફાર થશે.

વીતરાગોએ જોયું 'એક પુદગલ' જ !

મહાવીર ભગવાન તો આત્મા પ્રાપ્ત થયા પછી પોતાની પ્રકૃતિ જ જોયા કરતા હતા. પ્રકૃતિનું સાયન્સ જો જો કરતા હતા કે આ સાયન્સ કેવું છે ?! બીજું કશું ભગવાન જોતા નહોતા. ભગવાન તો એકલું પોતાનું પુદગલ જ જોતા હતા.

પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી ને આજની શક્તિ, બધું વીતરાગો જોતા હતા એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય.

વીતરાગો કેવા હતા ? છેલ્લું એમણે શું જોયેલું ? પોતાની જ પ્રકૃતિ જોયેલી. પોતાની જ પ્રકૃતિને જો જો કરતા હતા. પ્રકૃતિ સીધી ચાલે છે કે વાંકી ? તે જોયા કરતા. બધે જ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા. બીજાની પ્રકૃતિ જોવાથી જ આ સંસાર ઊભો થઈ ગયો છે. વીતરાગોએ માત્ર પોતાની જ પ્રકૃતિ જો જો કરેલી અને જે જોયા વગર છૂટકો જ નથી. કેવળજ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે પોતાની જ પ્રકૃતિને જો જો કરે.

- જય સચ્ચિદાનંદ