જાગૃતિપૂર્વકનો શુદ્ધ ઉપયોગ !! સંપાદકીય સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી 'હું શુદ્ધાત્મા છું' લક્ષ બેઠાં પછી મહાત્માઓને કેવળજ્ઞાન તરફ કૂચ અવિરતપણે રહ્યા કરે, તે માટે સંપૂજ્યશ્રી દાદાશ્રીએ તરેહ તરેહના રસ્તાઓ બતાડ્યા છે. તેમાં નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહેવું એ અનિવાર્ય છે. આત્મજાગૃતિમાં તો 'જ્ઞાનવિધિ' થયા પછી 'દાદા ભગવાન'ની કૃપાથી સહેજે નિરંતર રહેવાય છે. પણ પુરૂષાર્થમાં રહી નિરંતર શુધ્ધ ઉપયોગમાં રહેવાય તો જ યથાર્થ પ્રગતિ થાય. 'જ્ઞાન બધું જ સમજમાં આવી ગયું છે, નિરંતર આજ્ઞામાં જ રહેવું છે.' છતાં રહેવાતું નથી એવું વારંવાર રહ્યા કરે છે. પણ તેનું કારણ ને નિવારણ જડતું નથી, તેથી અટવાઈ જવાય છે. તેનું મુખ્ય કારણ ને નિવારણ અત્રેનાં અંકમાં ખૂબ જ સુંદર રીતે છણાવટપૂર્વક પ્રસ્તુત થાય છે. જાગૃતિ કોને કહેવાય ? ઉપયોગ કોને કહેવાય ? જાગૃતિ અને ઉપયોગનું અનુસંધાન કેવી રીતે છે ? ઉપયોગ કેટલા પ્રકારના હોય છે ? જ્ઞાન પછી શુદ્ધ ઉપયોગ કેવી રીતે ગોઠવવો ? પૂર્ણ શુધ્ધ ઉપયોગ એટલે શું છે ? વિષય-કષાયરહિતનો ઉપયોગ અને વિષય-કષાયસહિતનો ઉપયોગ શું શું છે ? અને અંતે જ્ઞાની પુરુષ અને તીર્થંકરની દશામાં શુદ્ધ ઉપયોગની ઉપરે ય ઉપયોગ કેવો હોય છે ? તે સર્વ વિગતો પરમ પૂજ્ય દાદાશ્રીની અનુભવ જ્ઞાનવાણી દ્વારા અહીં આપણને પ્રાપ્ત થાય છે. મહાત્માઓ મહદ્ અંશે વિષય-કષાયરહિતવાળા ઉપયોગમાં રહે છે પણ શુદ્ધ ઉપયોગ ચૂકી જવાય છે. તેને ઝીણવટથી સમજી સેટ કરી લેતાં શુદ્ધ ઉપયોગમાં રહી શકાય. આ અંક એ માટે મહાત્માઓને ખૂબ ખૂબ ઉપયોગી નિવડે તેમ છે. - જય સચ્ચિદાનંદ ઉપયોગના પ્રકારો આ દેહની સાથે આત્મા છે, તે આત્માને ઉપયોગ હોવો ઘટે. આત્માના 'ઉપયોગ' સિવાય 'સુખ' તો ઉત્પન્ન થાય જ નહીં. મનુષ્યો ચાર પ્રકારના ઉપયોગ કરી રહ્યા છે. આ જાનવરો આત્માનો ઉપયોગ કરતા નથી. ઉપયોગ ફક્ત અહંકારીઓને જ છે. જાનવરો તો સહજભાવે છે. આ ગાયો-ભેંસોને સહજભાવે રહે કે આ ખવાય ને આ ના ખવાય. આત્માના ચાર ઉપયોગ છે. અશુધ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુધ્ધ ઉપયોગ. ઉપયોગ ચાર પ્રકારના : (૧) અશુધ્ધ ઉપયોગ : કોઈક જણ દેખીતા કારણ વગર હરણાંનો શિકાર કરે અને તે ફક્ત શિકાર કર્યાનો આનંદ મેળવવા માટે જ, પાછો ગર્વ કરે કે મેં કેવું માર્યું. મોજ સિવાયના હેતુ વગર, કેવળ મોજ માણવા જ મારે તે આત્માનો અશુધ્ધ ઉપયોગ. કોઈકનું ઘર બાળીને ગર્વ લે. ખોટું કરીને હસે, સામાનું નુકસાન કરીને પાછો મૂછો ઉપર હાથ દે - આ બધા થર્ડ ક્લાસના પેસેન્જર, તેનું ફળ નર્કગતિ. (૨) અશુભ ઉપયોગ : ઘરનાં કહે કે આજે તો હરણું ખાવું પડશે, કારણ કે બીજું કશું જ ઘરમાં ખાવાનું નથી. તે બૈરી-છોકરાં ભૂખે ટળવળતાં હોય ને પેલો હરણું મારી લાવીને ઘરમાં આપે. પણ મહીં તેને અપાર દુઃખ થાય, પશ્ચાત્તાપ થાય કે મેં કર્યું તે ખોટું કર્યું. તે આત્માનો અશુભ ઉપયોગ. અશુધ્ધ અને અશુભ ઉપયોગમાં ક્રિયા એક સરખી જ હોય પણ છતાં, એક કરેલી ક્રિયા પર ગર્વ લે, મોજ માણે, જ્યારે બીજો પશ્ચાત્તાપનાં આંસુ પાડે તેટલો ફેર. પછી અશુભ ઉપયોગ એટલે કપટ કરે- ભેળસેળ કરે, સ્વાર્થ માટે જૂઠું બોલે, ક્રોધ-માન- માયા-લોભ કરે, એ બધો અશુભ ઉપયોગ. આ બધા અશુભ ઉપયોગવાળા જીવો સેકન્ડ ક્લાસના. તિર્યંચ ગતિ બાંધે. (૩) શુભ ઉપયોગ : શુભ ઉપયોગમાં ઘરનાં ભૂખે ટળવળતાં હોય, છતાં ય પેલો તો એમ જ કહે કે કોઈને મારીને મારે ભૂખ નથી મટાડવી. તે શુભ ઉપયોગ. શુભ ઉપયોગ એટલે મનની શક્તિ, વાણીની, દેહની, અંતઃકરણની બધી શક્તિ પારકાં માટે વપરાય તે ! પારકાં માટે સારી ભાવના રાખે, લોકોનું ભલું કરે, ઓબ્લાઈઝ કરે. દિલ સાચું-નીતિમય રાખે તે શુભ ઉપયોગ. એકલો શુભ ઉપયોગ તો કો'કને જ હોય. બધે ય શુભાશુભ ઉપયોગ હોય. શુભાશુભ ઉપયોગને ફર્સ્ટ કલાસ પેસેન્જર- મનુષ્યગતિ તેનું ફળ. જ્યારે એકલા શુભ ઉપયોગમાં જ જે રહે તે તો એરકન્ડીશન સલુનના પેસેન્જર - દેવગતિ પામે. (૪) શુધ્ધ ઉપયોગ : શુધ્ધ ઉપયોગ કોને કહેવાય ? શુધ્ધ ઉપયોગી શુધ્ધને જ જુએ, મહીંના માલને જુએ, પેકિંગને ના જુએ. તત્ત્વદ્રષ્ટિથી જોવું તે શુધ્ધ ઉપયોગ. શુધ્ધ ઉપયોગ આત્મા પ્રાપ્ત કર્યા પછી જ શરૂ થાય. ઉપયોગ સંપૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. શુધ્ધ ઉપયોગનું ફળ મોક્ષ. આ બે ઉપયોગ હિતકારી ! જાગૃતિપૂર્વકના ઉપયોગ બે પ્રકારના : એક શુભ ઉપયોગ હોય ને બીજો શુધ્ધ ઉપયોગ. જગતમાં શુધ્ધ ઉપયોગ ના હોય, પણ શુભાશુભ ઉપયોગ હોય અને કોઈનો અશુધ્ધ ઉપયોગે ય હોય. આ અશુભ ઉપયોગ અને અશુધ્ધ ઉપયોગને ઉપયોગ ગણાતો નથી. શુભ ઉપયોગને અને શુધ્ધ ઉપયોગને જ ઉપયોગ ગણાય. પેલા તો ખાલી ઓળખવા માટે જ કહેવાય કે આ કઈ જાતનો ઉપયોગ છે. અશુભ ઉપયોગ અને અશુધ્ધ ઉપયોગ એ બધા 'મિકેનિકલ' છે અને શુભ ઉપયોગમાં અંશ જાગૃતિ હોય. આ ભવ ને પરભવનું હિત શામાં એવી જાગૃતિ હોય. પોતાના ઘરની બાબતમાં, ધંધાની બાબતમાં, બીજી કોઈ બાબતમાં જાગૃતિ હોય, પણ એ જાગૃતિ એટલામાં જ વર્તે. અને બીજે બધે ઊંઘે. પણ ખરી રીતે આ જાગૃતિને ય 'મિકેનિકલ' જ કહેવાય. 'મિકેનિકલ' ક્યારે છૂટે ? પોતાનું હિત અને અહિત, બે નિરંતર જાગૃતિમાં હોય ત્યારે 'મિકેનિકલ' છૂટે. પ્રશ્નકર્તા : પણ દાદા, હિત ને અહિત, બન્ને ભૌતિકમાં આવે ને ? દાદાશ્રી : એવું નથી, શુભમાર્ગમાં પણ જાગૃતિ કહેવાય. પણ તે ક્યારે ? આ ભવમાં અને પરભવમાં લાભકારી થાય એવું શુભ હોય, ત્યારે એને જાગૃતિ કહેવાય. નહીં તો એ દાન આપતો હોય, સેવા કરતો હોય, પણ આગળની જાગૃતિ એને કશી જ ના હોય. જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય. નહીં તો ઊંઘમાં બધું ય જાય. આ દાન કર્યું, તે બધું ઊંઘમાં ગયું ! જાગતાં ચાર આના ય જાય તો બહુ થઈ ગયું ! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઇચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં આવે છે એ જાગતો કહેવાય. હિતાહિતનું ભાન એટલે 'પોતાનું હિત શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે' એ પ્રમાણે જાગૃતિ રહે તે ! આવતા ભવનું કંઈ ઠેકાણું ના હોય ને અહીં દાન આપતો હોય તેને જાગૃત કઈ રીતે કહેવાય ?! ફોડ - મિકેનિકલ અને જાગૃતિનો ! પ્રશ્નકર્તા : 'મિકેનિકલ' અને 'જાગૃતિપૂર્વક', એ બે વચ્ચેનો ફરક સમજાવો. દાદાશ્રી : આખું જગત બધું ઊંઘમાં ચાલે છે. એ બધું 'મિકેનિકલ' કહેવાય. એને ભાવનિદ્રા કહી. આ ભાવનિદ્રાવાળા તે બધાં 'મિકેનિકલ' છે તેમ કહેવાય. હવે દરેક માણસ એના ધંધામાં, નફા-ખોટમાં જાગૃત ખરાં કે નહીં ? એટલે ધંધો કરે તેમાં જાગૃતિપૂર્વક હોય અને બસમાં બેસતી વખતે માણસ જાગૃત ખરો કે નહીં ? ત્યાં 'મિકેનિકલ' ના હોય, જાગૃતિપૂર્વક હોય. હવે જગત આને જાગૃતિપૂર્વક કહે છે. ખરેખર તો આ ય 'મિકેનિકલ' જ છે. આ ફોરેનમાં ઘણું ખરું માણસ બધું 'મિકેનિકલ' જ કહેવાય. આ જાનવરો-તિર્યંચો, એ બધાં 'મિકેનિકલ' કહેવાય ને ? પ્રશ્નકર્તા : આ દેવલોકો પણ 'મિકેનિકલ' કહેવાય ને ? દાદાશ્રી : દેવલોકો 'મિકેનિકલ' ના કહેવાય. એમને જાગૃતિ ખરી. કેટલાંક દેવલોકો તો એવાં છે કે જેમને પોતે 'મિકેનિકલ'માં રહે છે એવું પોતાને ખબર પડે. એટલે એમને એનો કંટાળો આવે કે આવી અવસ્થા ના હોવી જોઈએ. બધા દેવલોકો આવાં હોતા નથી. એમાં કેટલાંક તો એવા હોય છે કે બસ મસ્તાન થઈને ફર્યા કરે. એ 'મિકેનિકલ' કહેવાય. 'શુભાશુભ' ત્યાં સંસાર ! અજ્ઞાનદશામાં પણ માણસ આત્માનો શુભ ઉપયોગ કરી શકે છે. ખોટું થાય ત્યારે શાસ્ત્રના આધારે 'આવું ના કરવું' એમ કહે તે આત્માનો શુભ ઉપયોગ કહેવાય. મંદિર કે દેરાસરમાં જાય, શાસ્ત્રો વાંચે, એ બધો શુભ ઉપયોગ કહેવાય. વિષયોમાં ઉપયોગ કપટ કરવામાં જ રહ્યા કરે. તે અશુભ ઉપયોગ કહેવાય. લોભિયાને લોભનો ઉપયોગ રહ્યા કરે, માનીને માનનો ઉપયોગ રહ્યા કરે. આ બે પ્રકારના મોટા ઉપયોગ સંસારીને રહે. લગ્નમાં માની ગયો હોય ને જરાક હાથ જોડીને જે' જે' કરવાનું પેલો ઉતાવળમાં ભૂલી ગયો તો એ ય મહીં છાતીના પાટિયાં બેસી જાય. ને આને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ કરે, તેનાથી મહીં ભયંકર અશુભ ઉપયોગ થાય. લોભિયો શાક લેવા ગયો હોય તો તેનો ઉપયોગ કઈ ઢગલી સસ્તી છે તેમાં જ હોય, તે સડેલું જ લઈ આવે ! 'શુધ્ધ ઉપયોગ' ત્યાં મોક્ષ ! જેને વીતરાગના માર્ગે ચાલવું છે એણે અશુભમાંથી શુભનો ઉપયોગ રાખવો જોઈએ અને મોક્ષે જવું હોય તેણે શુધ્ધ ઉપયોગ રાખવો જોઈએ. મોક્ષે જવું હોય તેણે શુભાશુભની ભાંજગડમાં પડવું નહીં. બંને નિકાલી બાબત રાખવી. 'હું ચંદુભાઈ છું' એ શુભાશુભ ઉપયોગ. શુભાશુભના ઉપયોગથી સંસારમાં પ્રતિષ્ઠા ઊભી થઈ. 'હું શુધ્ધાત્મા છું' એ શુધ્ધ ઉપયોગ. પણ જ્ઞાનીપુરુષ શુધ્ધ કરાવે નહીં ત્યાં સુધી શુધ્ધ શી રીતે થાય ? જ્ઞાનીપુરુષ શુધ્ધ કરાવે પછી તમને શુધ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય ત્યારે શુધ્ધ કહેવાય. નિરંતર પોતાનું 'શુધ્ધ' જુએ અને બીજાનું 'શુધ્ધ' જુએ, તે શુધ્ધ ઉપયોગ. શુધ્ધ ઉપયોગ એટલે સામાના આત્માને અને દેહને જુદા જોઈ શકે તે. 'હું શુધ્ધાત્મા છું' એવું નિરંતર ધ્યાન રહે તે શુકલધ્યાન. શુધ્ધ ઉપયોગ એ સંપૂર્ણ ચારિત્રનું કારણ છે, ઠેઠનું ચારિત્ર કે જેમાં ભગવાન હતા. ઉપયોગ કોનો ? પ્રશ્નકર્તા : આત્માના ઉપયોગ, તે 'શુધ્ધાત્મા'ના કે 'પ્રતિષ્ઠિત આત્મા'ના ? દાદાશ્રી : પહેલા ત્રણ ઉપયોગ પ્રતિષ્ઠિત આત્માના છે અને શુધ્ધ ઉપયોગ તે શુધ્ધાત્માનો અને તે ય ખરી રીતે પ્રજ્ઞાનો છે. આ ઉપયોગમાં મૂળ આત્મા પોતે કંઇ કર્તા નથી. ઉપયોગ શું ? જાગૃતિ શું ? પ્રશ્નકર્તા : ઉપયોગ અને જાગૃતિ, એ બે સમજાવો. દાદાશ્રી : જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવી, એનું નામ ઉપયોગ. પ્રશ્નકર્તા : ઉપયોગ અને જાગૃતિ, એ બેમાં શો ફેર ? દાદાશ્રી : અહીં ફાનસ હોય, તો પેલાં દાદરાવાળા લોકોને શું લાભ મળે ? દાદરો ચઢવો હોય તો ફાનસનો શો લાભ મળે ? એટલે ત્યાં ધરવું પડે. ત્યારે એનું નામ ઉપયોગ કહેવાય અને ફાનસ એ જાગૃતિ છે. જાગૃતિ બીજામાં ના પેસી જાય, જેમ કે સંસારમાં નફા-ખોટમાં કે એક જ જગ્યાએ જાગૃતિને નક્કી રાખે તે ઉપયોગ ! જ્યાં જાગૃતિ વર્તે તે ઉપયોગ; પણ એ ઉપયોગ શુભાશુભનો ઉપયોગ કહેવાય. અને શુધ્ધ ઉપયોગ કોને કહેવાય કે જે શુધ્ધાત્માને અંગે જ ઉપયોગ ગોઠવેલો હોય. શુધ્ધતા વર્તવા કાજે, 'શુધ્ધાત્મા' કહ્યો ! પ્રશ્નકર્તા : આપે શુધ્ધાત્મા શાથી કહ્યો ! આત્મા જ કેમ ના કહ્યો ? આત્મા ય ચેતન તો છે જ ને ? દાદાશ્રી : શુધ્ધાત્મા એટલે શુધ્ધ ચેતન જ. શુધ્ધ એટલાં માટે કહેવાનું કે પહેલાં મનમાં એમ લાગતું હતું કે 'હું પાપી છું, હું આવો નાલાયક છું, હું આમ છું, હું તેમ છું.' એવાં બધા પોતાની જાત ઉપરના જે આરોપ હતા, તે આરોપ બધા નીકળી ગયા. શુધ્ધાત્માને બદલે 'આત્મા' એકલો કહેને તો પોતાની શુધ્ધતાનું ભાન ભૂલી જાય, નિર્લેપતાનું ભાન જતું રહે. એટલે 'શુધ્ધાત્મા' કહ્યું. પ્રશ્નકર્તા : તો શુધ્ધાત્માનો મર્મ શું છે ? દાદાશ્રી : 'શુધ્ધાત્મા'નો મર્મ એ અસંગ છે, નિર્લેપ છે; જ્યારે 'આત્મા' (વ્યવહાર આત્મા) એવો નથી. 'આત્મા' લેપાયેલો છે ને 'શુધ્ધાત્મા' એ તો પરમાત્મા છે. બધા ધર્મવાળા બોલે છે ને, 'મારો આત્મા પાપી છે' તો ય શુધ્ધાત્માને કશો વાંધો નથી. શુધ્ધાત્મા એ જ સૂચવે છે કે આપણે હવે નિર્લેપ થઈ ગયા, પાપ ગયાં બધાં. એટલે શુધ્ધ ઉપયોગ માટે શુધ્ધાત્મા કહ્યો છે. બાકી 'આત્મા'વાળાને તો શુધ્ધ ઉપયોગ હોય નહીં. આત્મા તો, બધા આત્મા જ છે ને ! પણ જે શુધ્ધ ઉપયોગી હોય, તેને શુધ્ધાત્મા કહેવાય. આત્મા તો ચાર પ્રકારના છે; અશુધ્ધ ઉપયોગી, અશુભ ઉપયોગી, શુભ ઉપયોગી અને શુધ્ધ ઉપયોગી એવા બધા આત્મા છે. એટલે એકલો 'આત્મા' બોલીએ, તો એમાં કયો આત્મા ? ત્યારે કહે, 'શુધ્ધાત્મા.' એટલે શુધ્ધ ઉપયોગી એ શુધ્ધાત્મા હોય. હવે ઉપયોગ પાછો શુધ્ધ રાખવાનો છે. ઉપયોગ શુધ્ધ રાખવા માટે શુધ્ધાત્મા છે, નહીં તો ઉપયોગ શુધ્ધ રહે નહીં ને !! એક જણે પૂછયું કે, 'દાદા, બધે આત્મા કહેવડાવે છે અને તમે એકલા શુધ્ધ આત્મા કહેવડાવો છો, એવું કેમ ?' મેં કહ્યું કે, 'એ જે આત્મા કહે છે ને તે આત્મા જ ન હોય અને અમે શુધ્ધાત્મા કહીએ છીએ એનું કારણ જુદું છે.' અમે શું કહીએ છીએ ? કે તને 'રીયલાઈઝ' એક ફેરો કરી આપ્યું કે, 'તું શુધ્ધાત્મા છું અને આ ચંદુભાઈ જુદા છે.' એવું તને બુદ્ધિથી ય સમજણ પડી ગઈ. હવે ચંદુભાઈથી ખરાબમાં ખરાબ કામ થઈ ગયું, લોકો નિંદા કરે એવું કામ થઈ ગયું, તે વખતે તારે 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ ના ચૂકવું જોઈએ અને 'હું અશુધ્ધ છું' એવું કયારે ય પણ માનીશ નહીં. એવું કહેવા માટે 'શુધ્ધાત્મા' કહેવો પડે છે. 'તું અશુધ્ધ થયો નથી' એટલે માટે કહેવું પડે છે. અમે જે શુધ્ધાત્મપદ આપ્યું છે, તે શુધ્ધાત્મપદ-શુધ્ધપદ પછી બદલાતું જ નથી. માટે શુધ્ધ મૂક્યું છે. અશુધ્ધ તો, આ દેહ છે એટલે અશુધ્ધિ તો થયા જ કરવાની. કોઈકને વધારે અશુધ્ધિ થાય, તો કોઈકને ઓછી અશુધ્ધિ થાય, એ તો થયા જ કરવાની. અને તેનું પાછું પોતાનાં મનમાં પેસી જાય કે 'મને તો દાદાએ શુધ્ધ બનાવ્યો તો પણ આ તો અશુધ્ધિ હજી રહી છે.' અને એવું પેસી ગયું તો પાછું બગડી જાય. શુધ્ધ ઉપયોગના અભ્યાસ એટલે સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી તમારે કરવાનું શું ? તમારે હવે ઉપયોગ રાખવાનો. અત્યાર સુધી આત્માનો 'ડાયરેક્ટ' શુધ્ધ ઉપયોગ હતો જ નહીં. પ્રકૃતિ જેમ નચાવતી હતી, તેમ તમે નાચતા હતા. અને પાછા કહો કે હું નાચ્યો ! મેં આ દાન કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, આટલી સેવા કરી ! હવે તમને આત્મા પ્રાપ્ત થયો, એટલે તમારે ઉપયોગમાં રહેવાનું. હવે તમે પુરુષ થયા ને તમારી પ્રકૃતિ જુદી પડી ગઈ. પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નહીં, એ છોડવાની નથી. અને તમારે પુરુષે પુરુષાર્થમાં રહેવાનું એટલે કે પુરુષે પુરુષાર્થ કરવાનો. 'જ્ઞાની પુરુષે' આજ્ઞા આપી હોય તેમાં રહેવાનું. ઉપયોગમાં રહેવાનું. ઉપયોગ એટલે શું ? આમ બહાર નીકળ્યા ને આમ ગધેડાં જતાં હોય, કૂતરાં જતા હોય, બિલાડાં જતાં હોય ને આપણે જોઈએ નહીં ને એમ ને એમ ચાલ્યા કરીએ, તો આપણો ઉપયોગ નકામો ગયો કહેવાય. તેમાં તો ઉપયોગ દઈને તેમાં આત્મા જોતાં જોતાં જઈએ તો એ શુધ્ધ ઉપયોગ કહેવાય. આવો શુધ્ધ ઉપયોગ એક કલાક જો રાખે તેને ઇન્દ્રનો અવતાર આવે એટલી બધી કિંમતી વસ્તુ છે એ ! પ્રશ્નકર્તા : શુધ્ધ ઉપયોગ વ્યવહારમાં, ધંધામાં રહી શકે ખરો ? દાદાશ્રી : વ્યવહારને ને શુધ્ધ ઉપયોગને લેવાદેવા જ નથી. ધંધો કરતો હોય કે ગમે તે કરતો હોય, પણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, પોતે પુરુષ થયા પછી શુધ્ધ ઉપયોગ થાય. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં કોઈને શુધ્ધ ઉપયોગ થાય નહીં. હવે તમે શુધ્ધ ઉપયોગ કરી શકો. પ્રશ્નકર્તા : એટલે ગધેડાને આપણે પરમાત્મા તરીકે જોઈએ, પરમાત્મા માનીએ તો..... દાદાશ્રી : ના, ના. પરમાત્મા માનવાના નહીં, પરમાત્મા તો મહીં બેઠા છે તે પરમાત્મા અને બહાર બેઠો છે એ ગધેડો છે. એ ગધેડા ઉપર આપણે ગૂણી મૂકીને અને મહીંલા પરમાત્મા જોઈને ચાલવાનું. વહુમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો. નહીં તો બાયડી પૈણેલા હોય તે શું ત્યારે બાવા થઈ જાય ? આ જુવાન છોકરાઓ શું બાવા થઈ જાય ? ના, ના, બાવા થવાનું નથી. મહીં ભગવાન જુઓ. ભગવાન શું કહે છે ? મારાં દર્શન કરો. મને બીજી કંઈ પીડા નથી. મને કંઈ વાંધો નથી. વ્યવહાર વ્યવહારમાં વર્તે છે, તેમાં તમે મને જુઓ, શુધ્ધ ઉપયોગ રાખો. પ્રશ્નકર્તા : પેકિંગને પીડા થાય તેનું શું ? દાદાશ્રી : એ પીડા કોઈને ય થતી નથી. ગધેડા ઉપર ગૂણી મૂકો તો ય એને પીડા નથી થતી અને ના મૂકો તો ય પીડા નથી થતી. ગધેડાને તો અમે બહુ સારી રીતે ઓળખીએ. અમે કંટ્રાક્ટરનો ધંધો કરીએ એટલે અમારે ત્યાં બસેં બસેં ગધેડા કામ કરવા આવે. આમ આમ કાન પાડી દે, એટલે અમે સમજીએ કે આટલું બધું વજન ઊંચક્યું છે તો ય પણ એ એની મસ્તીમાં જ છે ! એની મસ્તી એ જાણે. તમને શી ખબર પડે તે !! આ મેં તમને જ્ઞાન આપ્યું ને એટલે હવે તમે શુધ્ધાત્મા થયા. એટલે આ મન-વચન-કાયા અને 'ચંદુભાઈ'ના નામની જે જે માયા હોય, એ બધી 'વ્યવસ્થિત'ને તાબે છે. મહીં પ્રેરણા 'વ્યવસ્થિત' આપશે ! એટલે તમારે તો 'હું શુધ્ધાત્મા છું' એમાં તમે રહો ! અને આ 'ચંદુભાઈ'નું શું થયા કરે છે, 'ચંદુભાઈ' શું કરે છે એ તમે જોયા કરો ! બસ આટલું થઈ ગયું એટલે 'તમે' પૂર્ણ થયા ! બેઉ પોતપોતાનું કામ કર્યા કરે, 'ચંદુભાઈ' 'ચંદુભાઈ'નું કામ કરે. એમાં હવે ડખલ ના કરો. વિષય-કષાય રહિત ઉપયોગ અર્થે ! વાત બેસીને સમજવાની જરૂર છે. કશું કરવાની જરૂર નથી. તમારે દ્રષ્ટિ ફરી ગઈ. હવે દ્રષ્ટિ ફરી ગયા પછી શું કરવાનું છે ? 'હું શુધ્ધાત્મા છું' એ દ્રષ્ટિ રાખવી એ શુધ્ધ ઉપયોગ. સામામાં શુધ્ધાત્મા દેખવો એ શુધ્ધ ઉપયોગ. સામો કર્તા ના દેખાય તે ય શુધ્ધ ઉપયોગ. હવે શુધ્ધ ઉપયોગ રાખો. 'શુધ્ધ ઉપયોગ નથી રહેતો' તો કષાય અને વિષયથી રહિત ઉપયોગ રાખો. એટલે વિષયો ને કષાયો જેમાં ના આવે ત્યાં આગળ ઉપયોગ રાખો. વિષયની વૃત્તિઓથી ને કષાયની વૃત્તિઓથી બહાર એને ઉપયોગ કહ્યો એટલે આપણાં પદો એ વિષય-કષાયથી રહિત કહેવાય. પછી આ ચરણ વિધિ કરે છે ને એ ય વિષય- કષાયરહિત કહેવાય. પછી ત્રિમંત્રોમાં ય પરિણામ બહુ સારું રહે. આમ એકલાં હોય ને, તો ઉપયોગ ના રહે. પણ આમ બધા ભેગા થયેલા હોય ને આવું ત્રિમંત્ર બોલાવે એટલે ઉપયોગમાં રહેવાય ને ? એટલે આપણે ઉપયોગમાં રહેવું જ જોઈએ. એ સંજોગ ઊલટો સારો બેઠો છે ઉપયોગ રાખવાનો. તમને શું લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : આમ ભીડો આવ્યો ને, એટલે ઉપયોગ રાખવાનો સંજોગ બેઠો. તો બહુ આનંદ પામવો જોઈએ કે 'ચાલો, સારો ભીડો આવ્યો.' પેલું સામાયિક ના ફાવતું હોય તો ના કરવું. અને કરે તો તો સરસ. કોઈ પણ વસ્તુ કરવી એટલે ચોક્કસ, સરસ કરવી અને એ ચીજને સિન્સિયર રહેવું. હા, પણ રહેવું જ જોઈએ ને ! અહીં બેઠા એટલે ટાઈમ તો સત્સંગમાં જ જાય છે ને ? અને ઉપયોગમાં રહેવા માટે આપણે ખોળતા હોય કે ઉપયોગમાં રહેવાય એવું શું કંઈ છે ? ઉપયોગમાં રહેવા તો આ ત્રિમંત્રો બોલવાના, એટલે ઉપયોગમાં રહેવાશે. અને આપણે ત્યાં બધાં સાધનો ઉપયોગમાં રાખવા માટેનાં જ છે, તેથી તો અમે કહેલું કે આ પદો બોલશો ને, તો વ્યવહાર અને નિશ્ચય બન્ને સાથે ચાલશે. અને પદો બધાં મઝાવાળાં છે પાછાં. કંઈ કંટાળો આવે એવાં છે નહીં. પ્રશ્નકર્તા : આ પદો બોલતા હોય તે વખતે શબ્દો બોલે પોતે પણ ભાવ બીજે હોય તે શું કહેવાય ? દાદાશ્રી : એ બધું 'મિકેનિકલ' કહેવાય. 'મિકેનિકલ' એટલે ઉપયોગરહિત અને ઉપયોગપૂર્વક કાર્ય થાય એ જાગૃતિ કહેવાય. શુધ્ધ ઉપયોગમાં રહેવા માટે ! અહીંથી જતાં ય રિલેટીવ-રિયલ જોતાં જોતાં જાવ. તો ય શુધ્ધ ઉપયોગ રહે. આપણાં પાંચ વાક્યો છે, એ તો નર્યા શુધ્ધ ઉપયોગ માટેનાં જ છે. 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં ઉપયોગ રહ્યો, 'રિયલ' 'રિલેટિવ' જોતાં જોતાં ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઇ. આ તો રસ્તામાં ડાફોળિયાં મારે કે 'સ્ટીલ ટ્રેડિંગ કું, ફલાણી કંપની, જો આ કેવું છે !' આમ બીજા ઉપયોગમાં રહે તે અશુભ ઉપયોગ કહેવાય. ને ઉપયોગ ધર્મને માટે હોય તો સારો. અને શુધ્ધ ઉપયોગની તો વાત જ જુદીને ! પ્રશ્નકર્તા : પણ ના રહે તેનું શું ? દાદાશ્રી : એ તો પોતે જરા ચૂંટી ખણવી જોઈએ. આમ જાતે ઊંઘ આવતી હોય તો. પ્રશ્નકર્તા : ચૂંટી ખણવા જેટલી ય જાગૃતિ ના હોય તો ? દાદાશ્રી : ત્યાર પછી માર પડે. એવું કંઈ ચાલતું હશે ?! વીંછી કરડે ત્યારે કેમ જાગૃતિ આવી જાય છે ? ઉપયોગ રાખવાની જરૂર ! પ્રશ્નકર્તા : ઓફિસનાં કામમાં આખો દહાડો ઉપયોગ જાય છે, તો એનું શું કરવું ? દાદાશ્રી : પછી પગાર આપે છે ને ? પ્રશ્નકર્તા : પણ આપણે તો આ કરી લેવું છે ને ! દાદાશ્રી : તો પગાર ના લેવો. પગાર લીધા વગર છૂટકો ના હોય તેણે એ ય ઉપયોગ રાખવો ને આમાં ય ઉપયોગ રાખો. બન્ને જગ્યાએ ઉપયોગ રાખવાના. શુધ્ધાત્માનો ઉપયોગ કેટલો વખત રહે ? એક કલાક, ગુંઠાણું તો હોવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : એવું કન્ટિન્યુઅસ નથી હોતું. આમ ટુકડે, ટુકડે રહે. દાદાશ્રી : હા, પણ એ કન્ટિન્યુઅસ કરવામાં વાંધો શું છે ? એક ગુંઠાણું કરે તો ય બહુ થઈ ગયું. તો ય મોટું પુણિયા શ્રાવકનું સામાયિક કહેવાય. શ્રેણીકરાજાને કેટલી કિંમત કહી આની ભગવાને ? કે 'તારું રાજ તો દલાલીમાં જાય.' બોલો કેટલી બધી કિંમત ?! અહીં તો તમે સવારમાં શાક લેવા જાવ એટલે ઉપયોગ ઠેઠ સુધી રહ્યો. બને એટલો ઉપયોગ રાખવાની જરૂર છે, બસ. એટલે હલકાફુલ થઈ ગયા. પછી આવતા ભવમાં થોડુંક કરે, તો બાકી હોય તે પૂરું થઈ જાય. દરેક અવસ્થા, સારી કે ખરાબ છૂટવા માટે જ આવે છે. ત્યાં આપણે ઉપયોગપૂર્વક રહીએ એટલે ચોખ્ખેચોખ્ખું થઈ જાય. ઉપયોગ ગોઠવણીની એક્ઝેક્ટનેસ ! પણ હવે ઉપયોગ તમારે ગોઠવવો પડે ! એટલે આત્મા તમને આપ્યો છે પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે કે સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજે રહે છે એને ! એટલે આ ઉપયોગ ગોઠવવાનો. એની પોતે જાગૃતિ રાખવી પડે, પુરુષાર્થ કરવો પડે. કારણ કે પોતે પુરુષ થયો છે ! એટલે આત્માનો ઉપયોગ ખસવા ના દેવો, એનું નામ ઉપયોગ જાગૃતિ. ઉપયોગ કોને કહેવાય ? આ દોઢ માઈલ સુધી બે બાજુ દરિયો હોય ને વચ્ચે એક જ જણ ચાલે, એટલાં સાંકડા પુલ પરથી તમને ચાલવાનું કહ્યું હોય, તો ત્યાં આગળ ચિત્ત હાજર રહે કે ના રહે ? તો તે વખતે જે જાગૃતિ રાખો છો તેને ઉપયોગ કહેવાય. હવે તે ઘડીએ બેંકનો વિચાર આવે કે આટલી રકમ રહી છે ને આટલી ભરવાની છે, તો તેને તરત જ ખસેડી મૂકે ને જાગૃતિને પુલ પર ચાલવામાં જ 'કોન્સેન્ટ્રેટ' કરે ! ત્યાં આગળ જાગૃતિ રહે છે. મેં જોયું છે એવું. ત્યાં પડતો નથી એ વાત ચોક્કસ. નાનાં છોકરાં ય રમવાનું બાજુએ મૂકીને જાગૃત થઈ જાય ! એ ય બહુ પાકાં હોય ! પ્રશ્નકર્તા : ત્યાં સાવચેતી બહુ રહે. દાદાશ્રી : કારણ કે એમાં મરી જવાનું પ્રત્યક્ષ ફળ છે ને ! અને આ તો ફળ ગુપ્ત રહ્યું, શું મળશે શું કહેવાય ? બાકી આનું ય પ્રત્યક્ષ ફળ મોક્ષ છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉપયોગ રાખો. ખાતી વખતે, પીતી વખતે, દરેક કામ કરતી વખતે ઉપયોગમાં રહો. ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના હોય. ચિત્તને હાજર રાખવું, એનું નામ ઉપયોગ. છૂટવા માટેનો દ્રઢ નિશ્ચય! ડખોડખલ કરવાની ટેવ હોય તો થોડો વખત ઉપયોગ ચૂકી જાય. પ્રશ્નકર્તા : એ તો ડખો કરી આવે પણ 'આ છૂટી જવું છે, હવે આ ફાઈલ મને નહીં જોઈએ' એવું બધું જે થાય છે એ ઉપયોગ છે કે શું છે ? દાદાશ્રી : 'છૂટી જવું છે' એ તો જાગૃતિમાં જાય. 'છૂટી જવું છે' એ જાગૃતિ રૂપકમાં આવે ને એવું હોવું જોઈએ. 'એ છૂટી જવું છે' એ કેવું રહેવું જોઈએ ? બેઉ બાજુ કઠેરો ના હોય એવો પુલ અને એની પર ચાલીને જવાનું હોય ને, તો ત્યાં કેવી જાગૃતિ-પૂર્વક ચાલે, એવી જાગૃતિ રહેવી જોઈએ. મન ત્યારે કેટલું મજબૂત કરવું પડે ? મન હાલે તેને ય ધ્યાન પર ના લેવું. એવું હોય તો જલદી છૂટાય. નહીં તો પેલું જરા ડખલિયું હોય તો વાર લાગે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે મન એવું મજબૂત કરવું જોઈએ ? દાદાશ્રી : પણ મન અત્યારે મજબૂત થઈ શકે નહીં ને ! મન તો શી રીતે એવું થાય ? મજબૂત કરીને આવેલા હોય તેની વાત જુદી છે. પણ તે તો મજબૂત ના હોય એટલે પછી જાગૃતિ ખૂબ રાખવી જોઈએ. મનનું બિલકુલ સાંભળવું ના જોઈએ. મન ભય બતાડે કે 'આમ થઈ જશે, તેમ થઈ જશે.' પણ કશું સાંભળવાનું નહીં. એવી જાગૃતિ રાખે ત્યારે છૂટાય. નહીં તો અસર કેમ થાય ?! પ્રશ્નકર્તા : રિયલ-રિલેટીવ જોતા હોઈએ પણ કઈ ઘડીએ ક્યાં રિલેટીવમાં ખોવાઈ જતાં હોય તે આખી પરિણતિ ડાઉન થઈ જાય. દાદાશ્રી : વ્યવહારમાં પરિણતિ ડાઉન થઈ જ જાય ને ! પ્રશ્નકર્તા : એટલું બધું સ્લિપરી અત્યારનું વાતાવરણ છે. દાદાશ્રી : વાતાવરણ તો હોય પણ, વાતાવરણને ને આપણને શું લેવાદેવા ? આપણી લાલચ છે, કંઈ પણ લાલચ હોય તો જ વાતાવરણની અસર થાય. શુધ્ધ ઉપયોગીને આ જગતમાં કશું જ અડે એવું નથી. પ્રશ્નકર્તા : દાદા, આપણે કેવું હોવું જોઈએ અંદર ? દાદાશ્રી : આપણને વાતાવરણ અસર ના કરવું જોઈએ, વાતાવરણ-પ્રૂફ હોવું જોઈએ. ...ત્યાં ઉપયોગ ચૂકી જવાય ! પ્રશ્નકર્તા : અને આ ઉપયોગ ચૂકી જવાય છે, એનું કારણ શું ? દાદાશ્રી : એ લાલચ કોઈ જાતની. લોભ, લાલચ, કંઈ ઇચ્છા અને પ્રમાદને કારણે ઉપયોગ ચૂકી જાય. પોતાના ઉપયોગમાં ક્યારે રહેવાય ? બધી ઈચ્છા મંદ થઈ જાય ત્યારે. આજ ખાધું હોય વધારે, તો ઉપયોગ ચૂકી જવાય. દૂધપાક જરા વધારે ખાધો હોય, પછી એને ઉપયોગ મૂકવો હોય તો ય ઊંઘ આવ્યા કરે, બેચેની રહ્યા કરે. તમે દૂધપાક વધારે ખાવ ત્યારે શું થાય ? એવું થઈ જાય, નહીં ? શું થાય ? પ્રશ્નકર્તા : ઉપયોગ ન રહે બરાબર. દાદાશ્રી : હંમેશાં રઘવાટીયો માણસ જ્ઞાન પામે, તો ય ઉપયોગ શુધ્ધ એને રહે નહીં. 'શુધ્ધ ઉપયોગ' આપીએ તો ય રઘવાટિયા પાસે રહે નહીં, કારણ કે રઘવાટિયો છે ને ! તમે આ ખાવ-પીઓ, હરો-ફરો પણ ઉપયોગપૂર્વક કરો. આ રઘવાટિયો જાણે કે, 'આમાં તો શુધ્ધ ઉપયોગ જતો જ રહે.' પણ ના, એ તો શુધ્ધ ઉપયોગ રહે જ. ચા સારી છે કે ખોટી છે, કડક છે કે મીઠી છે, એ જાણો તેમાં આપણો શુધ્ધ ઉપયોગ જ રહે. જમવું, ઉપયોગપૂર્વક ! પ્રશ્નકર્ર્તા : ઉપયોગપૂર્વક જમવું એટલે શું ? દાદાશ્રી : કોળિયો મોંમાં મૂક્યો પછી તેનો સ્વાદ જાણે. મેથીનો સ્વાદ જાણે, મરચાંનો, મીઠાંનો, મરીનો, બધાંનો જ સ્વાદ જાણે, તે ઉપયોગપૂર્વકનું કહેવાય. ધોકડું (દેહ) અહીં ખાતું હોય ને પોતે ગયા હોય મિલમાં, ચિત્તનું ઠેકાણું નહીં એ ઉપયોગ ના કહેવાય. ઉપયોગ વગર ખાય છે, તેનાં તો આ હાર્ટફેઈલ અને બ્લડ પ્રેશર થાય છે લોકોને ! 'દાદાઈ' અગિયારસ ! આ અગિયારસ કરે છે તે પણ 'સાયન્ટિફિક' છે. આ 'દાદા'ની અગિયારસ જિંદગીમાં એક વખત કરે તો તેનું કલ્યાણ થઇ જાય તેમ છે, એક ફેરે 'દાદા'ની રીતે થવી જોઇએ. પ્રશ્નકર્તા : દાદાની અગિયારસ કેવી રીતે કરવી ? દાદાશ્રી : પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય ને અગિયારમું મન, એમને નિરાહારી રાખવાં. આંખ, કાન, મોં, સ્પર્શ એ જ્ઞાનેન્દ્રિય ને હાથ-પગ, સંડાસ એ બધી કર્મેન્દ્રિય ને અગિયારમું મન; એમને એક દહાડો ખોરાક આપવાનો નહીં. કાને સંભળાય તો ખરું પણ આપણે સાંભળવા જવાનું નહીં, આંખે દેખાય પણ આપણે ઊઠીને જોવા જવાનું નહીં. આખો દહાડો કશું જ કરવાનું નહીં, મનને બિલકુલ ખોરાક આપવાનો નહીં. પ્રશ્નકર્તા : હલન-ચલન કરાય ? દાદાશ્રી : ના. કશું જ ના કરાય. પ્રશ્નકર્તા : સૂઇ જવાય ? દાદાશ્રી : આડા પડાય. પ્રશ્નકર્તા : ઊંઘ આવે તો ? દાદાશ્રી : તો પાછા બેઠા થઇ જવું. ચોવીસ કલાક નિરંતર જાગૃતિમાં કાઢવા. આમ, એક જ અગિયારસ કરો તો આત્મા જુદો જ પડી જાય. પ્રશ્નકર્તા : આ પાળવું અઘરું છે. દાદાશ્રી : તમે નિશ્ચય કરશો એટલે એ પળાશે જ. તમારો નિશ્ચય અને અમારું વચનબળ હોય એટલે એ પળાય જ ! પ્રશ્નકર્તા : ઉપવાસ કરવો હોય તો આપની આજ્ઞા લઇને કરવાનો કે ? દાદાશ્રી : અમે કોઇને આજ્ઞા આવી કરીએ નહીં કે તું ઉપવાસ કર. પણ તમારે ઉપવાસ કરવો હોય તો તેનો નિશ્ચય કરી અમારી પાસેથી આજ્ઞા લઇ જવી. આજ્ઞાથી, વચનબળથી તમારું કામ પૂરું થાય. પ્રશ્નકર્તા : કયારેક 'દાદા' અહીં મુંબઇમાં હાજર ના હોય ને ઉપવાસ કરવાની ઈચ્છા થાય તો આપના ચિત્રપટ પાસેથી આજ્ઞા લઇ લેવાય ? દાદાશ્રી : હા, આજ્ઞા લઇને કરો તો વાંધો નહીં. તમે બોલાવો તો હાજર થાઉં એવો છું, પણ તમને બોલાવતાં આવડતું નથી ને ! પ્રશ્નકર્તા : પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયનું તો સમજ્યા પણ મનનું શું દાદા ? એ તો ભ્રમણ કરે જ છે ને ? દાદાશ્રી : છોને ભ્રમણ કરતું. આપણે એને આહાર ન આપવો, એને નિરાહારી રાખવું. પછી એ કૂદાકૂદ કરે, કે બેસી રહે, પણ આપણે તેને આહાર આપવો નહીં. હાથને આહાર આપવો નહીં. આંખને આહાર આપવો નહીં, તે દહાડે બેસવું, પછી પગને આહાર આપવો નહીં, ચોપડી લઇને બેસવું નહીં અને 'દાદા, દાદા' બોલ્યે રાખવું. તે મોઢેથી બોલવાનું ય નહીં, મનમાં 'દાદા'નું સ્મરણ ચાલ્યા જ કરે. આવી જો એક અગિયારસ કરે તો સામટું ફળ મળે. આ તો અગિયારસ કરે તે ય મોરિયો ને લાડવા, પાછી પૂરીઓ ઘીની, કઢી-શાક જુદી જુદી જાતનાં, તે ઊલટું તે દહાડે વધારે ઠોકવાનું. પ્રશ્નકર્તા : આપણાં 'સ્વરૂપજ્ઞાન' પ્રાપ્ત કરેલા મહાત્માઓ ઉપવાસ કરે તો ? દાદાશ્રી : ઘણો ફાયદો થાય. એક ઉપવાસથી આખા વર્ષ દહાડાનું ફળ મળે, પણ બહુ જાગૃતિ રાખવી પડે. ભગવાને કહ્યું કે એક ઉપવાસ શુધ્ધ ઉપયોગપૂર્વક થાય તો આખા વર્ષનો શુધ્ધ ઉપયોગ ભેગો થાય. ઉપવાસ માટે આગલી રાતે તાળું મારી દેવાનું. રાત્રે નિશ્ચય કરીને સૂઇ જાય કે આવતી કાલે શુધ્ધ ઉપયોગપૂર્વક ઉપવાસ કરવો છે. અમારી આજ્ઞા લે, ત્યાર પછી 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું'ના લક્ષમાં આખો દિવસ રહે અને અમારી પાંચ આજ્ઞામાં રહે. આ પ્રમાણે છત્રીસ કલાક મોઢાને તાળું મારીને ઉપવાસ કરે તો આખા વરસ દહાડો શુધ્ધ ઉપયોગ એને પ્રાપ્ત થાય. કષાય ત્યાં અજાગૃતિ ! પ્રશ્નકર્તા : આ વ્યવહારિક હસતા કરતાં હોઈએ, પૌદ્ગલિક આનંદ લેતા હોઈએ તો પેલું ડાઉન થઈ જાય. પોતે સુપરફ્લઅસ, ડ્રામેટિક રહે તો પેલાની અસર થતી નથી. દાદાશ્રી : ઉપયોગ નહીં એટલે ડાઉન થઈ જાય. ઉપયોગ હોય તો ડાઉન ના થાય. તેથી જ અમે કહીએ છીએ ને કે આખો દિવસ ઉપયોગ રહેવો જોઈએ. પ્રશ્નકર્તા : આ બન્ને ઝઘડતાં હોય ને, તો આ કરનાર કોણ, આ કઈ સત્તા, એ બીજાનું જોવું હોય તો એવો શુધ્ધ ઉપયોગ રહે પણ જ્યારે પોતે ઈન્ટરફીયર થયેલો હોય ને, તો ખબર ના પડે. દાદાશ્રી : એ જ કષાય. કષાય એનું નામ કહેવાય કે પોતાની સત્તા બંધ કરી દેવડાવે. હા, બહુ ઉપયોગવાળો માણસ હોય તો જાગૃતિ આવે. થોડા બે-ત્રણ કલાકમાં, ચાર કલાકમાં કે આઠ કલાકમાં જાગૃતિ આવે ખરી. નહીં તો કષાય મૂળ વસ્તુ ના દેખવા દે. તેથી એને કષાય કહ્યાને, ભગવાને. એ કહેવાય પ્રમાદ ! શુધ્ધ ઉપયોગ સિવાય બીજો પુરુષાર્થ નથી. શુધ્ધ ઉપયોગ ચૂકવો એને પ્રમાદ કહ્યો. એક ક્ષણ વાર ગાફેલ ના રહેવું જોઇએ. આ ટ્રેન સામેથી આવતી હોય તો ત્યાં ગાફેલ રહો છો ? જ્યારે આ તો અનંત અવતારની ભટકામણ છે, ત્યાં ગાફેલ કેમ રહેવાય ? પ્રમાદ શું છે ? આ જગતમાં કોણ પ્રમાદમાં છે ? આખું જગત જ પ્રમાદમાં છે. એ પ્રમાદ ક્યારે જાય ? આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય. મદ તો ચઢ્યો છે ને આ પાછો પ્રમાદ. એક તો આરોપિત ભાવ છે, 'હું ચંદુલાલ છું' માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ. જે અવસ્થા હોય એ સારી હોય તે ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ. આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કહ્યો. એ બધો ય શુધ્ધ ઉપયોગ ! 'શુધ્ધ ઉપયોગ' એટલે 'હું શુધ્ધાત્મા છું અને હું આ નથી કરતો પણ બીજું કોઇ કરે છે' એવું ભાન થાય, પોતે શુધ્ધમાં રહે અને સામાના શુધ્ધાત્મા જુએ એ. કોઇ ગાળ ભાંડે, ગજવું કાપી નાંખે તો ય એના શુધ્ધાત્મા જ જુએ તે શુધ્ધ ઉપયોગ ! જગત આખું નિર્દોષ દેખાય એમાં. 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ બેસે ત્યારથી શુધ્ધ ઉપયોગની શરૂઆત થાય છે અને સંપૂર્ણ શુધ્ધ ઉપયોગને કેવળજ્ઞાન કહ્યું છે. ઉપયોગની અખંડિતતા ! ઉપયોગ વગર તો અમારું મન સહેજે ય રાખીએ નહીં ને ? એટલે કોઈ જગ્યાએ સહેજ કાચું પડ્યું કે ત્યાં આગળ કશુંક ગોઠવી દઈએ તરત જ. અમારો ઉપયોગ આખો દિવસ રહે. અહીં પગ ધોવડાવતા હોય ને તો ય અમે કોઈ ને કોઈ ઉપયોગમાં હોઈએ. કારણ કે પગમાં અમારી જરૂર નથી એટલે અમે કોઈ ઉપયોગમાં હોઈએ. અમે મોટરમાં ફરીએ પણ કોઈની જોડે વાત ના કરીએ, કારણ અમે ઉપયોગમાં જ હોઈએ. અમે સહેજ ઉપયોગ ના ચૂકીએ ! આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુંઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટે કરીને રહેવાય અને આ તો સહેજે ય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે ! પ્રશ્નકર્તા : એ સમજાય છે દાદા. દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આમ જ કરવું છે ! શુધ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગ ચૂકી જવાય ! અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ !! દોષદર્શન, ઉપયોગથી ! પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ? દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય. યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ, આમ સામે ફોટો દેખાય આપણને. એટલે એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું, એ તો 'મેમરી'ને આધીન છે. પ્રશ્નકર્તા : 'મેમરી' એટલે બુદ્ધિને આધીન કહેવાય ? દાદાશ્રી : 'મેમરી' એટલે આવરણ મોટું હોય, તો એક કલાક સુધી યાદ ના આવે, એ મોટું વાદળ આવેલું હોય ને કોઈ ફેરો પાંચ મિનિટમાં ય દેખાઈ જાય, બે મિનિટમાં ય દેખાઈ જાય. આવો યાદગીરીનો અનુભવ તમને નથી આવતો ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : ઘણી વખત તો કલાકો સુધી ઠેકાણું ના પડે. હવે નિયમ એવો છે કે એકાગ્રતાથી આવરણ તૂટે. જે આવરણ અડધા કલાકનું હોય, તે એકાગ્રતાથી પાંચ મિનિટમાં પતી જાય. એનાલિસીસ એ ય ઉપયોગ ! પ્રશ્નકર્તા : ધારો કે આપણે આત્મહેતુ માટેની પોતાની ભૂલો ખોળીને એમાંથી એનાલિસીસ કરતા હોઈએ તો એ શું કહેવાય ? દાદાશ્રી : તે તો સારી વસ્તુ છે. એ ય ઉપયોગ કહેવાય. શુધ્ધ ઉપયોગ કરવા માટેનો આ ઉપયોગ કહેવાય. ત્યારે કહેવાય જાગૃતિ ! પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધાં. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે. પોતાના દોષ દેખાય ત્યારે સમજવું કે મોક્ષે જવાની તૈયારી થઇ. જાગૃતિ વગર કોઇને ય પોતાનો દોષ દેખાય નહીં. સામાના દોષ કાઢવા હોય તો બસ્સો-પાંચસો કાઢી આપે ! જો આપણા દોષ કોઇને નુકસાન કરતા હોય તો 'આપણે' 'ચંદુભાઇ'ને કહેવું કે, 'પ્રતિક્રમણ કરો.' કોઇને કિંચિત્માત્ર દુઃખ આપીને કોઇ મોક્ષે ગયેલો નહીં. રોજ કેરીનો રસ ને પૂરીઓ ખાતો હશે તો એનો વાંધો નથી, પણ આ દુઃખ આપીને મોક્ષે જાય એ બને નહીં. અહીં 'શું ખાય છે, પીવે છે', તેની ત્યાં કિંમત નથી. પણ ત્યાં તો કષાયનો જ વાંધો છે અને અજાગૃતિ ના રહેવી જોઇએ. જગતને ઊંઘતું કેમ કહેવાય છે ? કારણ કે 'સ્વ-પર'નું ભાન નથી, પોતાનું સ્વનું ને પરનું હિતાહિતનું ભાન નથી રહ્યું. મોક્ષ માટે કષાયનો વાંધો છે. 'અમે' આમ કરેલું પ્રતિક્રમણ વિશ્વથી ! જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરી કરીને, તેટલો મોક્ષ પાસે આવ્યો. નવરા પડીએ કે ચીકણી ફાઈલો માટે પ્રતિક્રમણ કર કર કરવાં. 'ચંદુભાઈ'ને 'તમારે' એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધા જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક-એક માણસનું, આવું ઘરનાં દરેક માણસને લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાંને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં. તમારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો બધાનું રોજે ય પ્રતિક્રમણ કરવું પડે, કુટુંબીઓ બધાનું. કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય. એટલે પ્રતિક્રમણ કરો ને, કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને, દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ ને બધા, એક ફેમિલી (કુટુંબ) હોય ને, તો બે-ત્રણ-ચાર પેઢી સુધીનું તે બધાને સંભારીને, દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મિભૂત થઈ જાય. અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય આપણા તરફથી. રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો બહુ આનંદ તે ઘડીએ તો આવે. એ આનંદ માશે નહીં ! કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુધ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી. આજે રાતે કરજો, ને ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે. પછી ખૂટી પડે તો પરમ દહાડે રાતે અને તે એટલે સુધી જ નહીં પણ આપણે ગામમાં ઓળખતા હોય ને બધાને સંભારીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર રીસ ચઢી હોય, એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને. બધા કાગળિયા ચોખ્ખા કરવા પડશે. બપોરે આરામ કરતી વખતે પ્રતિક્રમણ કરવાનું લો. એટલે ઊંઘે ય આવે નહીં અને આ પ્રતિક્રમણો થાય. અને આરામે ય થાય. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે. ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. પ્રતિક્રમણ, જ્ઞાનીનાં ! આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય, તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય ! અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય, છતાં એને ઘેર અનાચાર થાય એવાં કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે. પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાં જુદાં હોય. મારે ય પ્રતિક્રમણ કરવાનાં હોય. મારાં જુદી જાતનાં ને તમારે ય જુદી જાતનાં હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય. એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય. તેનાં અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને ! અમારે આ બધાં જોડે વાતો ય કરવી પડે, સવાલોના જવાબો ય આપવા પડે, છતાં અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે ય કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ, ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેનાં તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે ! પ્રત્યેક વ્યવહારમાં શુધ્ધ ઉપયોગ ! પ્રશ્નકર્ર્તા : અમે તમને પ્રશ્નોત્તરી કરીએ ત્યારે તમે શેમાં હો ? દાદાશ્રી : અમે એના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ જ અમારો ઉપયોગ. આ શબ્દો નીકળે તે રેકર્ડ બોલે છે, એમાં અમારે કંઇ લેવાદેવા નહીં. એના પર ઉપયોગ રહે એટલે અમને ખબર પડી જાય કે ક્યાં ભૂલ થઇ ને ક્યાં ઉપયોગ નથી રખાતો. આ 'રેકર્ડ' સાંભળો તો તમને કેવું સ્પષ્ટ સમજાય કે આમાં આ ભૂલ છે ને આ 'કરેક્ટ' છે ?! તેવું અમને અમારી વાણીની 'રેકર્ડ' વાગતી હોય, ત્યારે રહે. પાંચે ય ઇન્દ્રિયોનો એટ-એ-ટાઇમ ઉપયોગ રાખે તે શુધ્ધ ઉપયોગ. એટલે મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય અને વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય, એનું નામ શુધ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : આપ જ્ઞાતા-દ્રષ્ટા રહો, તે વખતે સ્વ-ઉપયોગ ના રહ્યો કહેવાય ને ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ જ સ્વ-ઉપયોગ અને પર-ઉપયોગ કોનું નામ ? 'હું ચંદુલાલ, હું ફલાણો, હું જ્ઞાની છું' એ પર-ઉપયોગ કહેવાય. ગોઠવાતાં ગેડ પડી જાય સૌથી સરસમાં સરસ શુધ્ધ ઉપયોગ કયો ? પોતે પોતાની જાતને શુધ્ધ જોવી અને બીજા જીવમાત્રને શુધ્ધ જ જોવા, એનું નામ શુધ્ધ ઉપયોગ. એ ઊંચામાં ઊંચું છે. તમારો જો શુધ્ધ ઉપયોગ હોય તો સામાનો ગમે તે ઉપયોગ હોય, તો ય તમને તે ના અડે. પેલો ગાળો ભાંડતો હોય ને ત્યાં આગળ શુધ્ધાત્મા જ જોયા કરીએ, એટલે આપણો શુધ્ધ ઉપયોગ ચૂકાઈ જાય નહીં. આ કોણ કરે છે ? હું કોણ છું ? આ બધું શું છે ? કર્તા કોણ ? આનું નિમિત્ત કોણ ? આ બધું એટ એ ટાઈમ જેમ છે તેમ જ હાજર રહે, ત્યારે એ શુધ્ધ ઉપયોગ કહેવાય. હા, એટલી બધી શક્તિ ના હોય ત્યારે પછી પેલા ઉપયોગમાં નીચે ઉતરવાનું અઘરું નથી, સહેલું છે. નહીં ? પ્રશ્નકર્તા : ગેડ પડવી જોઈએ. આમ છે સહેલું. દાદાશ્રી : હા, ગેડ પડવી જોઈએ બસ, બીજું કશું ય નહીં. છે સહેલું, પણ ગેડ પડવી જોઈએ. એમ બોલતાં બોલતાં બોલતાં કોઈક દહાડો ગેડ પડી જાય, ને ચાલુ થઈ જાય. પ્રશ્નકર્તા : પછી સમભાવ. દાદાશ્રી : હા, સમભાવે નિકાલ કરવાનો. તે હવે સમભાવે નિકાલ કરવાનો છે, બસ. ઉપયોગ માટેનો પુરુષાર્થ ! 'સમભાવે નિકાલ' કરવાનું આવડ્યું ને 'વ્યવસ્થિત' સમજાઈ ગયું તો ય બહુ થઈ ગયું અને 'નિશ્ચય દ્રષ્ટિ' એ તો આપણે એક એક કલાક રોજ કાઢવી પડે. નિશ્ચય દ્રષ્ટિ આખો દહાડો માણસને ના રહે. માણસનું એટલું ગજું નહીં ને ! એટલું નિર્મોહી હોય નહીં. માણસને નિર્મોહીપણું એટલું બધું હોય નહીં, એટલે એકાદ કલાક કાઢવો પડે કે શાક લેવા જઈએ ત્યારે આપણે વ્યવહાર-નિશ્ચય જોઈને પછી પાછું આવવું. ગમે તે કંઈક આપણે ઊભું કરવું, વખતે શાક લાવતા ના હોય તો પણ આમ થેલી લઈને શાક લેવા જવું ને, રસ્તામાં જતાં-આવતાં બન્ને વખત બધે નિશ્ચય દ્રષ્ટિથી જોવું. પૈસા ગણતાં, ઉપયોગ ખોયો ! તમે શાકમાર્કેટમાં શાક લેવા ગયાં, તમે દસની નોટ આપી અને બે રૂપિયાનું શાક થયું ને આઠ રૂપિયા તમને પાછા આપ્યા. હવે આઠ રૂપિયાનાં નયા પૈસા જ બધા આવ્યા તો તમે શું કરો ? તમે ગણો કે તોલો ? પ્રશ્નકર્તા : કંઈ ના કરું. બધાં ભેગા કરીને લઈ લઉં. દાદાશ્રી : પણ પછી ગણવા ક્યારે બેસો ? પ્રશ્નકર્તા : ઘેર આવીને પછી ગણું. દાદાશ્રી : પણ ગણો પછી ઓછા થાય તો એને શું કરો ? કોને ફરિયાદ કરો ? ત્યાં માર્કેટમાં જ ગણવા ના બેસો ? કેમ ? ઘેર લાવ્યા પછી ગણે તો એ મૂરખ કહેવાય. એની કરતાં ગણવા જ નહીં. એ શાકવાળી બઈ કહેશે કે 'તમે ગણી લો હં, પછી ઓછા નીકળશે તો હું કંઈ જાણું નહીં.' ને ત્યાં તમે ગણવા બેસો તો તો સામાયિક (!) થઈ ગયું ને ! અમને આવું બને તો અમે જાણીએ કે આવો કોઈ દહાડો એક્સિડન્ટ બનતો નથી ને આજ બન્યો છે માટે કેસ ઊંચો મૂકી દો. આવો કેસ બને જ નહીં ને ! અને બન્યું તો આ પૈસા ગણવા માટે આપણું સામાયિક ક્યાં બગાડીએ ? આ એક એક પૈસો ગણો તો આપણું સામયિક જાય ને ? કારણ કે શેમાં વખત ગયો ? પૈસા ગણવામાં ! આવો પૈસા ગણવામાં ટાઈમ તો બગાડાતો હશે ? કોઈ દેહધારીને ઉપયોગ ના હોય એવું ના બને. પૈસા ગણતી વખતે તે ઘડીએ વહુ આવી હોય, છોકરી આવી હોય તો ય એને એ જુએ પણ દેખાય નહીં. પેલી બઈ કહે કે, 'તમે પૈસા ગણી રહ્યા હતા ત્યારે અમે આવ્યાં હતાં તો ય તમને અમે ના દેખાયાં ?' ત્યારે એ કહે કે, 'ના, મારું લક્ષ ન હતું !!' આંખો દેખે છતાં દેખાય નહીં, એનું નામ ઉપયોગ. એવું બધું કરે, પણ ઉપયોગ શુધ્ધાત્મામાં હોય ! ઉપયોગ ન વેડફાય આવો !! આ પૈસા ગણો, સો-સોની નોટો, ત્યારે કેવો ઉપયોગ રહે છે તમને ? તે ઘડીએ ઉપયોગ ચૂકો છો ? હું તો કોઈ દહાડો આ રૂપિયા ગણવામાં ઉપયોગ ના દઉં. આમાં ઉપયોગ દીધે કેમ પાલવે ? આમાં તો મારો મહામૂલો ઉપયોગ બગડે. આ ઉપયોગ વેડફાય છે તેની કોઈને ખબર જ પડતી નથી. આત્માનો આખો ઉપયોગ ઊંધો જ વપરાયો છે. જ્યાં ઉપયોગ દેવાની જરૂર નથી, જે ઉપયોગ દીધા વગર ચાલે તેમ છે ત્યાં ઉપયોગ દે છે અને જ્યાં ઉપયોગ દેવાનો છે તેની ખબર નથી. આ ઊંઘ સારી આવી કે નહીં આવી, એના માટે ઉપયોગ દેવાનો હોય તો શું થાય ? ઊંઘ આવે જ નહીં. આ ગાડી ચાલતી હોય ને કોઈ માણસ ડબ્બામાં ઉતાવળ કરતો હોય, તે ડબ્બામાં આમ દોડે, તો તે વહેલો પહોંચી શકે ખરો ? એવું આ સંસારમાં લોકો દોડધામ કરે છે ! જરા શાંતિ પકડોને ! સ્થિરતાથી જુઓ. પ્રશ્નકર્તા : જાગૃતિને સ્થિર કરવી એનું નામ ઉપયોગ ? દાદાશ્રી : હા. તમે મારી જોડે વાતચીત કરતા હો ને તમારું ચિત્ત બીજે હોય તે એ ઉપયોગ ના કહેવાય. શુધ્ધ ઉપયોગ ત્યાં સ્વસત્તા ! સંસારીની કોઈ પણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે. અને 'હું શુધ્ધાત્મા છું' એ જ્ઞાન ઉપયોગ છે. કોઈપણ જ્ઞાનનો સદુપયોગ થાય તો એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે. અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન થઈને ઊભું રહે છે. પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળે તે શુધ્ધ ઉપયોગ કહેવાય. શુધ્ધ ઉપયોગ હોય ત્યાં અવિરતિ સાથે સંવરપૂર્વક નિર્જરા થયા કરે. આખા જગતને ભગવત્ સ્વરૂપે સમજે તો એ શુધ્ધ ઉપયોગ કહેવાય. હવે આત્મા પ્રાપ્ત થયા પછી શું ? જેટલો જેટલો શુધ્ધ ઉપયોગ રહે તેટલી સ્વસત્તા ઉત્પન્ન થાય. અને સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઈ ગઈ તો એ ભગવાન થઈ ગયો ! સ્વસત્તા શેમાં છે ? જે ભૂલ થાય છે તેમાં જે જાગૃતિ રહે છે તે ચેતવે છે, એ સ્વસત્તા છે. પરસત્તામાં ક્યાંય ના પેસે ત્યાં સ્વસત્તા છે. એક કલાક શુધ્ધાત્માપદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય. ઉપયોગમાં ઉપયોગ એ કેવળજ્ઞાન ! અત્યારે ય અમારો શુધ્ધાત્મામાં ઉપયોગ છે. તમારી જોડે વાતો કરતો હોઉં કે ગમે તે કરતો હોઉં, પણ અમારો ઉપયોગમાં ઉપયોગ રહે !! આ મન-વચન-કાયા એનું કાર્ય કરે, ત્યાં આગળે ય ઉપયોગમાં ઉપયોગ રાખી શકાય. 'જ્ઞાની પુરુષ' નિરંતર શુધ્ધ ઉપયોગમાં જ હોય. 'જ્ઞાની' નિર્ગ્રંથ હોય તેથી એક ક્ષણવાર પણ એમનો ઉપયોગ કયાંય અટકે નહીં. મનની ગાંઠ ફૂટે ત્યારે ગાંઠવાળો તો પા કલાક, અડધો કલાક એક જ વસ્તુમાં રમણતા કરે; 'જ્ઞાની' ક્યાંય એક ક્ષણ અટકે નહીં તેથી તેમનો ઉપયોગ નિરંતર ફર્યા જ કરે, તેમનો ઉપયોગ બહાર ના હોય. 'જ્ઞાની' ગૃહસ્થદશામાં રહે પણ ગૃહસ્થી ના હોય, નિરંતર વીતરાગતા એ જ એમનું લક્ષણ ! અમારે ઉપયોગમાં ઉપયોગ રહે. 'ઉપયોગ' 'ઉપયોગ'માં રહ્યો તે કેવળજ્ઞાન ! પન્શ્નકર્તા : આપે કહ્યું કે અમારે ઉપયોગ ઉપયોગમાં રહે, એટલે એમાં બે ઉપયોગ થયા. તો કયો ઉપયોગ કયા ઉપયોગમાં રહે ? દાદાશ્રી : પહેલો ઉપયોગ એટલે જે શુધ્ધ ઉપયોગ છે, તે છે. એ ઉપયોગ એટલે પોતાની જાતને શુધ્ધ જોવી, બીજાને શુધ્ધ જોવા, આજ્ઞામાં રહેવું એ બધું શુધ્ધ ઉપયોગ કહેવાય. અને એ શુધ્ધ ઉપયોગની ઉપરે ય ઉપયોગ રાખે કે શુધ્ધ ઉપયોગ કેવો વર્તે છે, એ કેવળજ્ઞાન કહેવાય. ને પહેલો શુધ્ધ ઉપયોગ કહેવાય. ઉપયોગ ઉપયોગમાં રહે એ કેવળજ્ઞાન છે. પ્રશ્નકર્તા : એ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય ? દાદાશ્રી : શુધ્ધ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય. શુધ્ધ ઉપયોગની જે જાગૃતિ છે તેની ઉપરે ય જાગૃતિ એ કેવળજ્ઞાનની જાગૃતિ છે, છેલ્લી જાગૃતિ છે. 'જ્ઞાની'ની જાગૃતિ એ શુધ્ધ ઉપયોગ કહેવાય, અને તેના ઉપરની જાગૃતિ એ કેવળજ્ઞાનનો ઉપયોગ કહેવાય. અમને જાગૃતિ પરની જાગૃતિ રહે, પણ જેવી તીર્થંકરની રહે એટલી બધી ના રહે. પ્રશ્નકર્તા : અંતઃકરણની ક્રિયામાં જે વખતે ઉપયોગ રહે છે, જ્ઞેય-જ્ઞાતા સંબંધ રહે છે, તે વખતે પોતે જ્ઞાતા ને અંતઃકરણ જ્ઞેય રહે, એમાં ય પાછું કેવળજ્ઞાનમાં ઉપયોગ રહે ? દાદાશ્રી : આ જ્ઞેય-જ્ઞાતા સંબંધના ઉપયોગને પેલો ઉપયોગ 'જાણે' કે કેટલો ઉપયોગ કાચો પડ્યો, કેટલો પાકો થયો. તીર્થંકરોને જ્ઞેય-જ્ઞાતા ઉપરે ય ઉપયોગ હોય, 'કેવળ' બધું હોય. પ્રશ્નકર્તા : એટલે કેવળજ્ઞાનમાં જ્ઞેયથી છૂટું પડી ગયું કહેવાય ? દાદાશ્રી : કેવળજ્ઞાનમાં જ્ઞેયથી છૂટું જ હોય. પણ જ્ઞેય-જ્ઞાતાવાળા સંબંધમાં જ્ઞેયની જોડે છૂટું નથી પડતું, એને સંબંધ રહ્યો છે અને સંબંધને જાણે છે કે આવો સંબંધ છે. ઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહેજાસહેજ દેખાય. નક્કીપણામાં સ્ટ્રોંગ ! પ્રશ્નકર્તા : તમે 'જ્ઞાન' આપ્યું પણ અમારાથી એટલો શુધ્ધ ઉપયોગ તમારા જેવો થતો નથી. દાદાશ્રી : 'અમારી-તમારી' એવું સરખામણી કરવાની જરૂર જ નહીં ને ! એવી તારા મનમાં ભાવના રાખવી કે આપણે આવો શુધ્ધ ઉપયોગ રાખવો છે. પણ એવું એકદમ થાય નહીં ને ? એ કંઈ સહેલી વસ્તુ નથી. 'ઉપયોગમાં રહેવું છે' એવું નક્કી કરે ને પછી ના રહેવાય એ વાત જુદી છે. પણ 'રહેવું છે' એવું નક્કી. એ પછી 'પ્રાણ જાય પણ ઉપયોગ નથી ચૂકવો' એવું આપણું સ્ટ્રોંગ ડિસિઝન હોવું જોઈએ. તમારે પોતાને તો જેટલું રહે એટલું સાચું. ના રહે તો કંઈ ઓછું સૂરસાગરમાં પડાય છે ? આપણો આ સૂરસાગર તળાવ ખોળવાનો ધંધો નથી. પછી જોખમદારી જ નહીં ! હવે 'હું ચંદુભાઈ છું' એ જ્ઞાન ઉપર તો તમને શંકા પડી ગઈ ને ? કે શંકા નથી પડી ? પ્રશ્નકર્તા : શંકા પડી છે. એટલે હું આત્મારૂપ છું. અને ચંદુભાઈ એ પરસત્તા છે, પાડોશી છે. દાદાશ્રી : હા, ચંદુભાઈ એ પાડોશી છે. હવે એક 'પ્લોટ' હોય, તે જ્યાં સુધી તે બે ભાઈઓનો ભેગો હોય તો ત્યાં સુધી આખા 'પ્લોટ'માં જે કંઈ થાય તે બન્નેને નુકસાન કહેવાય. પણ પછી બન્નેએ વહેંચણ કરી નાખ્યું હોય કે આ બાજુ ચંદુભાઈનું અને આ બાજુ બીજા ભાઈનું. તો તમારું વહેંચણ થયા પછી પેલા ભાગના તમે જવાબદાર નથી. એટલે એવું આત્મા અને અનાત્માની વહેંચણ થઈ છે. એમાં વચ્ચે 'લાઈન ઓફ ડિમાર્કેશન' મેં નાખેલી છે, 'એકઝેક્ટ' નાખેલી છે. એવું તો આ કાળમાં વિજ્ઞાન ઊભું થયું છે, તેનો લાભ આપણે ઉઠાવી લેવાનો છે. આત્મા અને અનાત્મા, બન્ને વચ્ચે 'લાઈન ઓફ ડિમાર્કેશન' નાખી એટલે હવે 'ચંદુભાઈ' જોડે 'તમારે' પાડોશીનો સંબંધ રહ્યો. હવે પાડોશી જે ગુનો કરે, એના ગુનેગાર આપણે નહીં. માલિકીપણું નહીં એટલે ગુનેગાર નહીં. માલિકીપણું હોય ત્યાં સુધી જ ગુનો ગણાય. માલિકીપણું ગયું એટલે ગુનો રહ્યો નહીં. આપણે પૂછીએ કે, 'તમે કેમ નીચે જોઈને ચાલો છો ?' ત્યારે એ કહેશે, 'ના જોઈએ તો પગ નીચે જીવડું વટાઈ જાય ને !' 'તો કેમ, આ પગ તમારો છે ?' એવું પૂછીએ, તો કહેશે, 'હા, ભાઈ, પગ તો મારો જ ને !' એવું કહે કે ના કહે ? એટલે 'આ પગ તમારો, તો પગ નીચે જીવડું વટાઈ ગયું તેના જોખમદાર તમે !' અને આ 'જ્ઞાન' પછી તમને તો 'આ દેહ મારો નથી' એવું જ્ઞાન હાજર રહે છે. એટલે તમે માલિકીપણું છોડી દીધું છે. આ 'જ્ઞાન' આપતી વખતે અહીં આગળ માલિકીપણું બધું હું લઈ લઉં છું. એટલે પછી તમે માલિકીપણું પાછું ખેંચો તો એની જોખમદારી આવે. પણ જો તમે માલિકીપણું પાછું ના ખેંચો ને, તો એક્ઝેક્ટ' રહે. નિરંતર ભગવાન મહાવીર જેવી દશા રાખે એવું આ વિજ્ઞાન છે ! એટલે આ બહારનો, શરીરનો આ ભાગ જે કંઈ કરે એમાં તમારે આંગળી નહીં કરવાની, તો તમે નામે ય જોખમદાર નહીં. અને કશું કરી શકતાં ય નથી. 'પોતે' કશું કરી શકે છે, એમ 'પોતે' માને છે એ જ અણસમજણ છે, એનાથી આવતો ભવ બગાડે છે. ...એને કર્મ અડે નહીં ! તમે આત્મા છો, શુધ્ધ ઉપયોગમાં છો તો તમને કોઈ કર્મ અડે જ નહીં. અમે સંપૂર્ણ શુધ્ધ ઉપયોગી છીએ. એક મહારાજ મને પૂછે કે, 'તમે આ મોટરમાં ફરો છો તો કેટલાંય જીવો છૂંદાય તે તમને દોષ ના લાગે ?' મેં તેમને કહ્યું, 'મહારાજ તમારાં શાસ્ત્રો શું કહે છે ? ''શુધ્ધ ઉપયોગી ને સમતાધારી, જ્ઞાન-ધ્યાન મનોહારી રે, કર્મ કલંકકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી રે.'' અમે શુધ્ધ ઉપયોગી છીએ. શુધ્ધ ઉપયોગીને હિંસા હોય ? ના. અમને દોષ ના લાગે, તમને લાગે. કારણ 'હું મહારાજ છું, આ પગ મારા છે ને આ જીવડાં મારાથી વટાય છે' એવું જ્ઞાન, એવું ભાન તમને નિરંતર વર્તે છે. અરે, ઊંઘમાં ય વર્તે છે. તે તમને દોષ લાગે. જ્યારે અમે નિરંતર શુધ્ધ ઉપયોગમાં જ રહીએ. 'આ દેહ મારો છે' એવું એક ક્ષણ અમને ના હોય. આખો માલિકીભાવ જ અમારો ઊડી ગયો હોય. તે અમને દોષ ના લાગે. એક પ્લોટ તમારો હોય. તે તમે આઠ દિવસ ઉપર લલ્લુભાઈને વેચી દીધો હોય. દસ્તાવેજ પણ કરી દીધો હોય અને એક દહાડો પોલીસ તમારે ઘેર હાથકડી લઈને આવે ને કહે ! ''ચલો, ચંદુભાઈ ! તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે.'' તે તમે પૂછશો, ''કેમ ભઈ, શું ગુનો કર્યો મેં ?'' ત્યારે પોલીસ કહે, ''તમારા પ્લોટમાંથી દશ લાખનું દાણચોરીનું સોનું દાટેલું પકડાયું છે. તે તમારો ગુનો છે. એટલે તમે તરત જ હાશ કરીને પોલીસને લલ્લુભાઈને પ્લોટનું વેચાણ કર્યું તેનો દસ્તાવેજ બતાવશો. એટલે પોલીસ સમજી જશે અને ઉપરથી તમારી માફી માગી હેંડતા થશે ને જશે લલ્લુભાઈની પાસે. તેવું અમારું છે. આ દેહના પણ અમે માલિક નથી. અમે આખા બ્રહ્માંડના સ્વામી છીએ પણ માલિકીભાવ એકે ય પ્લોટમાં અમારો ના હોય. આખા બ્રહ્માંડને ધ્રુજાવે તેવી શક્તિ 'અમારામાં' છે. પણ આ અંબાલાલ મૂળજીભાઈમાં શેક્યો પાપડ ભાંગવાની ય શક્તિ નથી ! અનુભવ દશાની શ્રેણીઓ... 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષમાં બેઠું, ત્યારથી અનુભવ શ્રેણીઓ શરૂ થઇ જાય. જીવડું પગ નીચે વટાઇ ગયું તો 'એને' શંકા પડે, નિઃશંકતા ના રહી શકે. માટે ત્યાં સુધી 'ચંદુલાલ' પાસે 'તમારે' પ્રતિક્રમણ કરાવવું પડે કે 'ચંદુલાલ, તમે જીવડું વાટ્યું માટે પ્રતિક્રમણ કરો.' એમ કરતાં કરતાં સૂક્ષ્મ ભાવની અનુભવશ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. ત્યાં સુધી તો જપ આત્મા, તપ આત્મા, ત્યાગ આત્મા, સત્ય આત્મામાં હોય છે, એ શુધ્ધાત્મામાં નથી. એ શ્રેણી ના કહેવાય. એટલે એ માણસ મોક્ષે જશે કે કઇ બાજુ જશે એ કહેવાય નહીં. શુધ્ધાત્માનું લક્ષ બેઠા પછી શ્રેણી મંડાય. ત્યાર પછી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, સૂક્ષ્મ છે, અમૂર્ત છે એ અનુભવમાં આવતું જાય. પ્રશ્નકર્ર્તા : અવ્યાબાધ એટલે શું ? દાદાશ્રી : અવ્યાબાધનો અર્થ એ થાય કે મારું સ્વરૂપ એવું છે કે કોઇ જીવને કિંચિત્માત્ર ક્યારે ય પણ દુઃખ ન કરી શકે અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારે ય પણ ના થાય; એવી જ રીતે આપણને પણ સામો દુઃખ ના દઇ શકે એ અનુભવ થઇ જાય. સામાને એનો અનુભવ નથી, પણ મને તો અનુભવ થઇ ગયો પછી મારાથી દુઃખ થશે એવી શંકા ના રહે. જ્યાં સુધી સામાને મારાથી દુઃખ થાય છે એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું, એ શંકાનું નિવારણ કરવાનું. અને 'આપણું' તો તેનું તે જ સ્વરૂપ છે; અવ્યાબાધ ! 'જ્ઞાની પુરુષે' જે ગાદી પર બેસાડ્યા તે ગાદી પર બેઠા બેઠા કામ કર્યા કરવાનું !! સંપૂર્ણ નિજ પરિણતિ, ત્યાં કેવળજ્ઞાન ! પ્રશ્નકર્તા : 'શુધ્ધાત્મા એ નિજપરિણતિ નથી, જ્ઞાન એ નિજપરિણતિ છે.' એ સમજાવો. દાદાશ્રી : શુધ્ધાત્મા એ નિજપરિણતિ નથી. શુધ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ નિજ પરિણતિમાં આવે. કેવળજ્ઞાન સ્વરૂપ તેને જ કહેવામાં આવે છે કે જ્યાં પુદગલ પરિણતિ બંધ થઇ જાય. સર્વથા નિજ પરિણતિને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કેવળદર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થાય છે. નિજ પરિણતિ સંપૂર્ણ થાય, એને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કેવળદર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થાય છે અને કેવળજ્ઞાનમાં સંપૂર્ણ થાય છે. નિજ પરિણતિ ઉત્પન્ન થયા બાદ ક્રમે ક્રમે વધ્યા કરે અને કેવળજ્ઞાન સ્વરૂપમાં પરિણમે. નિજ પરિણતિ એ આત્મભાવના છે, 'હું શુધ્ધાત્મા છું' એ આત્મભાવના નથી. જ્ઞાની થકી, સ્વસત્તા પ્રગટ થાય ! તમને મેં તમારી પરમાત્મશક્તિ 'ઓપન' કરી આપી છે. એ જ સંપૂર્ણ સત્તા છે. જે સત્તા પરથી કોઇ ઉઠાડી મેલે એને સત્તા જ કેમ કહેવાય ? સ્વસત્તા આગળ તો પરમાત્મા પણ નામ ના દઇ શકે. અત્યારે તમારી પાસે જે ધન છે તે પરમાત્મા પાસે પણ નથી. પ્રશ્નકર્તા : એ કઇ રીતે ? દાદાશ્રી : પરમાત્મા પાસે રેકર્ડ નથી. બોલવા-ચાલવાની બીજી મિકેનિકલ શક્તિ નથી. એટલે એ બીજાનું કંઇ જ કલ્યાણ ના કરી શકે ! જ્યારે તમે સ્વસત્તા સાથે લોકોનું કલ્યાણ કરી શકો ! માટે વાતને સમજો. કરવાનું કંઇ જ નથી, સમજવાનું છે. આપણું કોઇ ઘોર અપમાન કરે તો તે બીજાની સત્તા આપણી ઉપર ચઢી બેસવી ના જોઇએ. અપમાન તો શું પણ નાક કાપી લે તો ય બીજાની સત્તા માન્ય ના કરીએ ! એની અસર ના થવા દઇએ. દેહમાંથી સ્પંદન થયેલાં, વાણીમાંથી સ્પંદન થયેલાં અને મનમાં કલ્પેલા એકે ય પરમાણુમાં જો ઉપયોગ રાખ્યો તો માર્યો ગયો સમજજે ને કેટલાંય ભવ રખડવું પડશે. બાકી રહી પરમાણુની શુધ્ધિ ! જ્યાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા 'શુધ્ધ' જ હોય. આપણે તો બીજામાં શુધ્ધાત્મા જોઈએ, પ્રતિક્રમણ કરીએ અને પોતાના શુધ્ધાત્મા તો લક્ષમાં હોય જ. આ વ્યવહારિક ક્રિયા નથી કહેવાતી, એનાથી પછી બીજું બધું ય શુધ્ધ થયા કરે. આ પુદગલ શું કહે છે ? અમને 'શુધ્ધ' કરો, 'તમે' તો 'શુધ્ધ' થઈ ગયા ! આ અશુધ્ધ થઈ ગયેલાં પુદગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે, એનાથી એ શુધ્ધ થઈ જાય. શુધ્ધ ઉપયોગ એટલે પોતે જ્ઞાતા-દ્રષ્ટા હોય. પણ જુએ શું ? શુધ્ધ વ્યવહાર જુએ. સત્સંગથી થાય જ્ઞાન નિરાવરણ ! મહીં કેવળજ્ઞાન સત્તામાં પડેલું છે, પણ આજે ઉપયોગમાં નથી આવતું. આ સત્સંગ કરીએ છીએ તે તેને વ્યક્ત કરીએ છીએ. એક દહાડો સંપૂર્ણ નિરાવરણ થઇ જશે એટલે સંપૂર્ણ વ્યકત થઇ ગયું ! પછી મારી માફક તમને પણ આનંદ જશે જ નહીં. આપણે કહીએ કે જા અહીંથી, તો ય એ ના જાય. આ તો એક-એક શબ્દ જો સમજે, અર્થ જ સમજે, 'ફૂલ ડેફિનેશન' સમજે, તો કામ કાઢી નાખે એવાં વીતરાગોના શબ્દો છે ! -જય સચ્ચિદાનંદ |
|---|