'જ્ઞાન' જ ચલાવે !

સંપાદકીય

દાદાશ્રીનું અક્રમ આત્મજ્ઞાન પામ્યા પછી પોતે શુદ્ધાત્મા પદને પામે છે. 'કર્તા કોણ છે?' એનું પણ જોડે જોડે જ્ઞાન મળી જાય છે. એટલે પોતે અકર્તાપદને પ્રાપ્ત થાય છે. આ તો કંઈ પણ મહેનત કર્યા વગર માત્ર કૃપાથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. છતાં જાગૃતિ વધારવા માટે અને આત્મજ્ઞાનથી આગળ વધીને કેવળજ્ઞાનની દશાએ પહોંચવા માટે આગળનું વિજ્ઞાન જાણવું એટલું જ અનિવાર્ય છે.

પ્રસ્તુત સંકલન એક સૂક્ષ્મ કડીને ખુલ્લી પાડે છે. આ જગત સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ચાલે છે, પણ એથી પણ પહેલાંનું રહસ્ય શું ? તે રહસ્ય અત્રે અગોપિત થાય છે. જ્ઞાન અને વ્યવસ્થિતનો સાંધો એ સૂક્ષ્મ સમજણનો વિગતવાર સત્સંગ દાદાશ્રીની જ્ઞાનવાણીમાં પ્રાપ્ત થાય છે.

દાદાશ્રી 'જેમ છે તેમ' જ્ઞાનમાં જોઈને કહી રહ્યા છે. આ દુનિયામાં જે રહસ્ય બુદ્ધિશાળીઓને ક્યારેય જડ્યું નથી, તે જ્ઞાનદશામાં સહજ અનુભવમાં વર્તાય છે અને સાચું જ્ઞાન જ્યારે સાચી સમજમાં આવી જાય છે, પછી સાચા પ્રવર્તનને વાર લાગતી નથી ! અને આ તો શુદ્ધ જ્ઞાનની વાત છે, જે સમજાય તો એનું પરિણામ પૂર્ણ વીતરાગ બનાવે તેવું છે !!

સંસાર દશામાં, અજ્ઞાન દશામાં જે જ્ઞાન ઉપર શ્રદ્ધા બેસે છે, તે જ્ઞાન પછી વર્તનમાં આવે છે. આમ સમજણ, જ્ઞાન અને વર્તનનું અદ્ભૂત સાયન્સ દાદાશ્રી અત્રે ખુલ્લું પાડે છે. 'અજ્ઞાન' સ્પંદન ઊભાં કરે છે, એમાંથી વ્યવહાર ઊભો થાય છે અને સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે અને 'જ્ઞાન' સ્પંદન બંધ કરી દે છે, તેનાથી મોક્ષ થાય છે.

પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષ જ્યારે ભેગા થાય છે ત્યારે અજ્ઞાનદશા છૂટી જઈને જ્ઞાનદશામાં આવી જાય છે. અને એ જ્ઞાન જ ક્રિયાકારી હોવાથી પોતાને જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય અને પરમાનંદી દશાને પ્રાપ્ત કરાવી દે છે. તે જ અદ્ભૂતતા છે અક્રમ વિજ્ઞાનની, અક્રમ વિજ્ઞાનીની !!

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ


મનુષ્ય માત્રને ચલાવે 'જ્ઞાન' જ !

પ્રશ્નકર્તા : એક વાત એવી નીકળી હતી ને સાયન્સની, કે જ્ઞાન જ ચલાવે છે. એ જ્ઞાન કહો કે અજ્ઞાન કહો, પણ બધાં ય જીવોને જો ચલાવતું હોય તો જ્ઞાન જ ચલાવે છે આમાં. એટલે વ્યવસ્થિતનું કર્તાપણું જે આપે કહ્યું અને આ જ્ઞાન ચલાવે છે, એ બેનો કેવી રીતે ભેદ પડે છે ?

દાદાશ્રી : જ્ઞાન તો સ્વતંત્ર છે ને વ્યવસ્થિત તો બધું ભેગું થાય ત્યારે પરિણામ આવે. એટલે એ તો પાર્લામેન્ટરી પદ્ધતિ છે, એમાં કોઈ કોઈનો રોફ નહિ. આ જ્ઞાનનો તો રોફ.

આપણે અહીંથી દાદર જવાનું મને જ્ઞાન નથી. તે હું જ્ઞાન વગર શી રીતે જઉં ? પગ ચાલે, બધું ય કરે પણ જ્ઞાન ના હોય તો જાય કેવી રીતે ? બીજી જગ્યાએ જ નીકળી જાયને ! જ્ઞાન ના હોય તો ક્યાંથી જાય ? બધી બાબતમાં જ્ઞાન વગર કશું ચાલે નહીં. એક તરણું સરખું પણ જ્ઞાન વગર ચાલે નહીં. કાં તો અજ્ઞાનથી કે જ્ઞાનથી, બેઉથી, પણ એના વગર ચાલે નહીં. જ્ઞાન ના હોય તો અજ્ઞાન ચલાવે એને. આમ ભટકાવે, આમ ભટકાવડાવે, આમ ભટકાવડાવે ! પણ કોઈ છે, બેમાંથી એક તો છે તે હાજર છે ને ! એટલે એ જ ચલાવે છે આ. પગ ચાલતાં નથી, ચલાવનાર ચલાવે છે. તને ના સમજાયું હજી ?

પ્રશ્નકર્તા : એ વાત કરેક્ટ છે. કારણ કે એની પાસે જ્ઞાન ના હોય તો એ કઈ દિશામાં જાય ? એટલે જ્ઞાન તો જરૂરનું જ છે, પહેલામાં પહેલું.

દાદાશ્રી : આ જો સીધો રસ્તો ના જડે, તો જ્ઞાન નથી એમ કહેવાય અને અજ્ઞાન એટલે ઊંધે રસ્તે ચલાવે. અજ્ઞાને ય કામ કર્યા કરે. આમ રહીને હેંડોને, આવી જશે ! તે ઊલટો પછડાય ! હવે અજ્ઞાનથી જડે નહીં ! એટલે અજ્ઞાન ને જ્ઞાન બેઉ હોય. વ્યવસ્થિત તો બધા એવિડન્સ ભેગા થાય એટલે કાર્ય થઈ જાય.

'જ્ઞાન' પહેલું, પછી 'વ્યવસ્થિત' !

પ્રશ્નકર્તા : હં. એટલે એક કાર્ય થવા માટે પણ જ્ઞાન પહેલું હોય છે એમાં !

દાદાશ્રી : જ્ઞાન પહેલું જ હોય ને !

પ્રશ્નકર્તા : જ્ઞાનના પ્રમાણે પછી જે બને એમાં વ્યવસ્થિત કહેવાય.

દાદાશ્રી : પછી વ્યવસ્થિત છે. પણ તને વિચાર કરતાં સમજાય છે કે જ્ઞાનની જરૂર છે આમાં ? જ્ઞાન વગર ચાલતી નથી આ જગતમાં કોઈ વસ્તુ !

પ્રશ્નકર્તા : એ તો જેમ ચાલવા માટે પણ જ્ઞાન જોઈએ છે, વર્તન માટે પણ જ્ઞાનની જરૂર છે, એ શબ્દ બોલવા માટે પણ જ્ઞાનની જરૂર ખરી ને !

દાદાશ્રી : હા, ખરીને !

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનનો આધાર તો બધે જ છે ને !

દાદાશ્રી : બધે એ જ્ઞાન વગર ચાલતું નથી. એથી આપણા લોકોએ, જૂના લોકોએ ઠોકી બેસાડ્યું કે આ ભગવાન ચલાવે છે. એટલે જ્ઞાન એટલે ભગવાન પણ એવું કહીએ ત્યારે મૂઆ ચોંટી પડે છે, ઉંધે રસ્તે. એટલે આપણે એ વાત ઉડાડી મેલી. ભગવાન ચલાવે છે એટલે મારે ચલાવવાનું ક્યાં રહ્યું ? એટલે પછી પરીક્ષાનું વાંચે જ નહીં. મૂઆ સૂઈ જાય નિરાંતે. પણ જો આમ સમજે તો આ બધું જ્ઞાન જ ચલાવે છે અને કાર્ય થાય છે વ્યવસ્થિતથી. એ જ્ઞાનથી કાર્ય થાય એવું નક્કી નહીં. પણ કાર્ય થાય તે વ્યવસ્થિતથી થાય છે. વ્યવસ્થિતથી કાર્ય નક્કી થાય જ.

પ્રશ્નકર્તા : પેલું કાર્ય થવા માટે પણ એ ક્રિયાનું પણ જ્ઞાન પહેલું જોઈએ. પછી કઢી બનાવવાનું જ્ઞાન હોય તો કઢી બનાવી શકાય.

દાદાશ્રી : નહીં તો બનાવે શી રીતે ? આ તો મારી જોડે વાતચીત કરવાનું તને જ્ઞાન હોય તો તું વાતચીત કરું, નહીં તો આ લોકોથી ના જ થાય ને !

પ્રશ્નકર્તા : આપ્તસૂત્ર નં. ૨૬૮૮માં આવે છે કે ''જેને જેવું જ્ઞાન મળે તેવી રીતે એ ચાલ્યો જાય અને જો સવળું જ્ઞાન મળે તો તેવું ચાલે.''

દાદાશ્રી : હં. એ જો અવળું જ્ઞાન મળે તો અવળો ચાલે મૂઓ !

પ્રશ્નકર્તા : ''જગતનું અધિષ્ઠાન જ જ્ઞાન છે.''

દાદાશ્રી : જો ચોખ્ખું લખ્યું છે ને !

પ્રશ્નકર્તા : ''જ્ઞાનના આધારે જ જીવો ચાલી રહ્યા છે, એ અજ્ઞાન કે જ્ઞાન. અજ્ઞાન એ ય જ્ઞાન છે. એ તો જ્ઞાનીએ જુદું પાડ્યું. બાકી, જીવને જે જ્ઞાન છે, તેનાં આધારે જ ચાલે છે. એટલે જ્ઞાન જ ચલાવનારું છે આ જગતને. અહીંથી જૂહુ જવું હોય ને બે રસ્તા આવ્યા, તેમાં કયો રસ્તો સાચો ? કોઈ બતાવે, એ જ્ઞાનને આધારે તમે આવો. આ ક્રિયા છે તે જ્ઞાન જ ચલાવે છે. ક્રિયા એ બધી જ્ઞાન જ કરાવે છે. જ્ઞાનીઓના કહેલાંના આધારે ચાલેલાનું ફળ વિરતિ અને જગતના જ્ઞાનનું ફળ અવિરતિ.''

દાદાશ્રી : જગતના જ્ઞાનનું ફળ અવિરતિ. એટલે આખો દહાડો વધારે માથાકૂટ કરવાનું મન થાય એ 'આ' જ્ઞાનને આધારે અને 'પેલા' જ્ઞાનને આધારે વિરતિ.

અજ્ઞાન, એ પણ જ્ઞાન જ !

પ્રશ્નકર્તા : ''છોકરાં મા-બાપને જીવડાં મારતાં જુએ એટલે એ ય મારે. જે જ્ઞાન જુએ તેવું કરે. એટલે એનો માર પડે. જ્ઞાન એ જ પરમાત્મા છે. જ્ઞાન ક્યારે અજ્ઞાન થતું નથી પણ ઉપયોગ બદલાય છે, તેને જ અજ્ઞાન કહ્યું છે.'' આ ફોડ પાડો ને ! ઉપયોગ ને અજ્ઞાન. ઉપયોગ બદલાય, એને અજ્ઞાન કહ્યું ?

દાદાશ્રી : હાસ્તો ને ! આત્માનો ઉપયોગ બદલાયો, એટલે સંસાર ઊભો થયો ને, એને અજ્ઞાન કહ્યું. સંસારી જ્ઞાન બધું એ અજ્ઞાન. આ એક એક વાક્ય સમજવું દસ વર્ષે ના બને.

પ્રશ્નકર્તા : આ ઊંચો ફોડ પાડી દીધો છે આમાં.

જેટલું ઊંધું જ્ઞાન, એટલી દ્વિધા !

દાદાશ્રી : પછી આગળ વાંચ, શું લખ્યું છે ?

પ્રશ્નકર્તા : ''સંસાર એ સમસરણ માર્ગ છે, બહુ લાંબો માર્ગ છે. એટલે ગયા અવતારમાં તમે ચાલ્યા કરો છો, આ અવતારમાં તમે ચાલ્યા કરો છો. એ માર્ગ ઉપર જેવું જ્ઞાન તમે જુઓ છો એવાં જ્ઞાન પર તમને શ્રદ્ધા બેસે છે. એ શ્રદ્ધાનું રૂપક આવે છે બીજા અવતારમાં. હવે બીજા અવતારમાં બીજા પ્રકારનું જ્ઞાન મળે છે ને રૂપક પાછલાં અવતારના જ્ઞાનનું આવે છે. આનાથી દ્વિધા ઉત્પન્ન થાય છે કે મનના હિસાબ પ્રમાણે રૂપક કેમ નથી આવતું ?''

દાદાશ્રી : ઓહોહો ! એ પાછું વિસંગત જ થયા કરે.

પ્રશ્નકર્તા : ''જેટલું જ્ઞાન ભર્યું એટલી દ્વિધા ઉત્પન્ન થાય.''

દાદાશ્રી : થાય. લખ્યું છે બધું, નહીં ?!

પ્રશ્નકર્તા : ''અત્યારે 'થતું નથી' એમ થાય છે ત્યારે આજનું જ્ઞાન 'આ કરવું જોઈએ' એમ બતાડે છે ને પાછલું જ્ઞાન કહે છે કે 'આ કરવાની કંઈ જરૂર નથી.' 'થતું નથી, થતું નથી' કહેવાથી શું થાય ? બોલનારના ભાવ ફરે. 'કરવું જોઈએ, કરવું જોઈએ' એ આજના જ્ઞાન પર શ્રદ્ધા બેઠી. એટલે આવતે ભવે એવું રૂપકમાં આવે.''

દાદાશ્રી : હા. બીજું શું પૂછવું છે ? પૂછ.

જગતનું અધિષ્ઠાન પણ જ્ઞાન જ !

પ્રશ્નકર્તા : હવે આમાં જગતનું અધિષ્ઠાન પણ જ્ઞાન જ ?!

દાદાશ્રી : હા, તો બીજું શું ત્યારે ? અધિષ્ઠાન જ્ઞાન જ છે.

પ્રશ્નકર્તા : એટલે જગત જેમાંથી ઉત્પન્ન થાય છે અને જેમાં વિલય પામે છે, એ જ્ઞાન જ કે ?

દાદાશ્રી : જ્ઞાન જ છે. જ્ઞાનમાંથી અજ્ઞાન ઊભું થયું, એટલે જગત ઊભું થયું અને પાછું અજ્ઞાનમાંથી જ્ઞાન થયું એટલે પાછું સમાઈ ગયું.

પ્રશ્નકર્તા : પણ પ્રતિષ્ઠિત આત્માને કહ્યુંને આપણે !

દાદાશ્રી : એ તો લોકોને સમજાવા માટે આવું કહીએ, નહીં તો તો ઊંધે રસ્તે ચાલ્યા જાય.

પ્રશ્નકર્તા : આ મૂળ હકીકત છે.

દાદાશ્રી : મૂળ હકીકત આ ! પ્રતિષ્ઠિત આત્મા તો આનો જ બનેલો છે. આપણો જ ગોઠવેલો છે. પ્રતિષ્ઠા કરેલી 'આ હું છું, આ હું છું.' ત્યારે કહે, 'હા, તું છું !' અને તીર્થંકર ભગવાને એને વ્યવહાર આત્મા કહ્યો કે વ્યવહારમાં વર્તતો આત્મા. આપણે શું કહીએ છીએ કે એમ ને એમ થયો નથી, પ્રતિષ્ઠા કરી છે માટે થયો છે. એટલે એ પ્રતિષ્ઠિત આત્મા છે.

પ્રશ્નકર્તા : આ અધિષ્ઠાન એ જ્ઞાન કહ્યું અને ચાલી રહ્યા છે, એટલે ચલાવનારું ય જ્ઞાન કહ્યું.

દાદાશ્રી : હા. એ બધું ચલાવનારું - ન ચલાવનારું બધું જ જ્ઞાન છે એ. એ જ આ જગતનું અધિષ્ઠાન છે. જગતનું અધિષ્ઠાન કયું ? ત્યારે કહે, આ જ્ઞાન જ. જ્ઞાન ના હોત તો અજ્ઞાન ઊભું ના થાત ને તો પછી જગત હોત નહીં.

વિશેષ જ્ઞાન : દરઅસલ જ્ઞાન !

પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન અને આત્મા પોતે અનંત જ્ઞાનવાળો છે, તો એ જ્ઞાનમાં....

દાદાશ્રી : એ બે ફેર છે.

પ્રશ્નકર્તા : કેવી રીતે ?

દાદાશ્રી : આ વિશેષ જ્ઞાન છે.

પ્રશ્નકર્તા : એટલે જગતના અધિષ્ઠાનવાળું જ્ઞાન એ વિશેષ જ્ઞાન છે.

દાદાશ્રી : એ વિશેષ જ્ઞાન અને પેલું દરઅસલ જ્ઞાન, ચેતન જ્ઞાન.

પ્રશ્નકર્તા : એ ચેતન જ્ઞાન ! અને આ ?

દાદાશ્રી : આ ચેતન નહીં, ક્રિયાકારી નહીં.

પ્રશ્નકર્તા : આપે કહેલું ને કે જે જ્ઞાન આ જગત ચલાવે, તમારું બધું ચલાવે, એ ચેતન જ્ઞાન નથી, અહંકારવાળું જ્ઞાન છે.

દાદાશ્રી : અહંકારવાળું જ ને !

પ્રશ્નકર્તા : હં, એટલે એ જરા ફોડ પાડોને વધારે !

દાદાશ્રી : આ બધું જ્ઞાન અને અજ્ઞાન જ કામ કરી રહ્યું છે.

પ્રશ્નકર્તા : એ બધું જ્ઞાન જ કામ કરી રહ્યું છે !

દાદાશ્રી : બસ, એ જ્ઞાનથી જ ચાલી રહ્યું છે આ બધું ય. એ જ્ઞાન જો મિક્ષ્ચર વગરનું હોય તો પરિપૂર્ણ કામ થાય અને જ્ઞાનમાં છે તો બીજું હોય, ભેળસેળ હોય ત્યારે બગડી જાય. જે જ્ઞાનમાં અહંકાર હોય એ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન છે તે અહંકાર સાથે છે એટલે એ ચેતન જ્ઞાન ના હોય.

પ્રશ્નકર્તા : ચેતન વગર તો એ કેમ કામ કરે ?

દાદાશ્રી : એ કામ તો આપે પણ એ તમે જો હાજર કરો તો કામ આપે. પોતે હાજર ના કરો તો જ્ઞાન એને ચેતવે નહીં.

પ્રશ્નકર્તા : એ સમજાયું નહિ બરોબર. એ ચેતન વગર કેવી રીતે કામ આપે ?

દાદાશ્રી : એ જ્ઞાનના આધારે અહંકાર ચેતે. એ પ્રકાશ જોઈ અને પ્રકાશ જુએ એટલે અહંકાર આમ ખસી જાય. બાકી, ચલાવે છે એ બધો પ્રકાશ. પ્રકાશ ચેતન નહિ હોવાથી અહંકારને કામ લેવું પડે છે અને જ્યારે અજ્ઞાન ખલાસ થઈ જાય ત્યારે પ્રકાશ ચેતનરૂપ થઈ જાય. ત્યારે અહંકાર નથી હોતો. જ્ઞાન હોય તો તમે સીધા ઘેર ચાલ્યા જાવ, ત્રણ રસ્તા હોય કે પાંચ રસ્તા હોય પણ સીધા ઘેર ચાલ્યા જાવ કે ના ચાલ્યા જાવ ?

પ્રશ્નકર્તા : ચાલ્યા જઈએ.

દાદાશ્રી : બધે જ્ઞાનની જ જરૂર છે. જ્ઞાન વગર જ ગૂંચાયું છે.

પછી અનુભવ જ્ઞાન હેલ્પ કરે !

જે જ્ઞાન અનુભવમાં એને હોય એટલે પછી એનું અનુભવ જ્ઞાન કામ કર્યા જ કરે. પછી છે તે છોડતો જ જતો હોય. આ પોતાના ભાવ બધા ઉડાડતો જ જતો હોય. માર ખાતો ખાતો જાય ત્યારે અનુભવજ્ઞાન ઉત્પન્ન થાય. દહાડે દહાડે અનુભવ તો હોય પણ ભૂલી જાય છે. પેલો ઓછો માર ખાધો છે ત્યાં સુધી ભૂલી જાય છે. એટલે પાછો ફરી માર ખાય છે. ફરી ખાતો ખાતો પણ એ જ્ઞાન સજ્જડ થતું જાય. આ બધું જ્ઞાન જ કામ કરી રહ્યું છે. જ્ઞાન ને અજ્ઞાન. જ્ઞાન ના હોય તો અજ્ઞાન કામ કરી રહ્યું છે. અજ્ઞાન એટલે અધોગતિમાં લઈ જાય. જ્ઞાન ઊંચી ગતિમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : માર ખાતો ખાતો આવ્યો હોય, એમાંથી જે અનુભવ થાય અને એનાથી જે જ્ઞાન થાય. એટલે એ પછી કોઈ પણ પ્રકારના ભાવ ન કરે એવું આપ કહેવા માંગો છો ?

દાદાશ્રી : એ તો એટલું બધું સજ્જડ થાય ત્યારે સજ્જડ જ્ઞાન. જે જ્ઞાન અનુભવ જ્ઞાન એને રહ્યા કરતું હોય.

પ્રશ્નકર્તા : તો પછી એ કોઈ પણ પ્રકારના ભાવ ન કરે.

દાદાશ્રી : એ ભાવો બંધ થઈ જાય. અનુભવ જ્ઞાન એટલે શું કે 'આ નથી કામનું. આ આમાં કશામાં સુખ નથી.' ત્યારથી છૂટ્યો એટલાથી. આમ મુક્ત થતો થતો જ આવે છે અને મુક્ત થઈ રહ્યો છે.

આ વાત અજ્ઞાનીને લાગુ પડે. આપણને અહીંયા લાગુ પડતી નથી. આપણે તો અહીં પાંચ આજ્ઞા. એથી આગળ કશું વસ્તુ જાણવાની જ નથી. બહારના માટે આ વાતો છે.

જેટલું 'જ્ઞાન' એટલો પુરુષાર્થ !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ આ બધું કરે છે કે પ્રકૃતિમાં આ બધું થાય છે ?

દાદાશ્રી : પ્રકૃતિ જ છે આ બધું. પ્રકૃતિ એટલે શું એકવાર જાણવું જોઈએ. પ્રકૃતિ એટલે આ જેમ આંબે કેરી હોય છે ને....

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કેરી થાય છે કે થઈ રહી છે ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : એવી રીતે આ પ્રકૃતિ છે. પરીક્ષાનો જવાબ આવે ને એ પ્રકૃતિ અને કૉઝિઝ ઊભા થાય તે ય પ્રકૃતિ. પણ તદ્દન પ્રકૃતિ નથી, એટલો એનો પુરુષાર્થ છે. પણ એ ભ્રાંત પુરુષાર્થ છે. જેટલું એનું જ્ઞાન છે, એટલો એનો પુરુષાર્થ છે.

સત્ જ્ઞાન, જે સંપૂર્ણ જ્ઞાન એ ભગવાન કહેવાય. એ ભગવાન છે પણ જેટલાં અંશે એની પાસે જ્ઞાન છે, એટલો એનો પુરુષાર્થ છે. એ જ્ઞાનના આધારે કરી રહ્યો છે. અત્યારે કો'કને ગાળો ભાંડે, તો પછી પસ્તાવો કરે છે એ જ્ઞાનથી કરે છે કે અજ્ઞાનથી કરે છે ?

પ્રશ્નકર્તા : જ્ઞાનથી કરે છે.

દાદાશ્રી : તે એ જ્ઞાનના પ્રતાપથી. એટલે ત્યાં પુરુષાર્થ છે. જેટલો જેટલો જ્ઞાનના ભાવને હેલ્પીંગ થયો એ બધો પુરુષાર્થ. બીજી બધી પ્રકૃતિ છે. વિસર્જન પ્રકૃતિના હાથમાં છે. સર્જન જ્ઞાન પ્રમાણે છે અને વિસર્જન પ્રકૃતિને આધીન. વિસર્જનમાં કોઈનું ચાલે નહીં. સંડાસ જવાની શક્તિ ન્હોતી, ભગવાન મહાવીરમાં ય નહીં ને કોઈનામાં નહીં.

વાત કરો બધી સત્સંગની, ખુલાસા થાય બધા.

'ખોટું થયું' ત્યાં કોણ ચેતવે ?

પ્રશ્નકર્તા : આપણે કંઈ પણ ખોટું કામ કરીએ તો મહીં છે તો એનો બોજો થઈ જાય. મહીં એ પોતાની ભૂલ દેખાય અને તે કંઈ ખોટું કામ કરે તો અંદર એને ભારે ભારે થઈ જાય. બોજો લાગે. તો એ શું છે ?

દાદાશ્રી : હા, એ ખોટું કામ કર્યું એટલે, સામાને ત્યાં નુકસાન કરી આવે ત્યારે જ ખોટું કામ થાય. હા, સામાનું કંઈ પણ નુકસાન કરી આવે તો....

પ્રશ્નકર્તા : આ જે દેખાડે છે કે 'આ ખોટું થયું' એ કોણ, એ શું છે ?

દાદાશ્રી : એ તમારું જ્ઞાન જ છે. તમે જે માઈલ ઉપર હોને, તે માઈલનું એ જ્ઞાન બતાવે છે તમને.

અંકુશ કયા આધારે ?

પ્રશ્નકર્તા : એ ગયા જન્મનો એવો ભાવ કર્યો હોય તો અત્યારે આપણે અંકુશ રાખી શકીએને ?

દાદાશ્રી : ના, એવું નહીં. અંકુશ તો પુરુષાર્થ છે. ગયા જન્મના ભાવ કરેલા બધા આજે પ્રારબ્ધ છે. અંકુશ એ તો પુરુષાર્થ છે.

આ તો શા આધારે અંકુશ રાખી શકે ? એને કંઈક જ્ઞાન, શબ્દનું સાંભળ્યું હોય કે પુસ્તકમાં વાંચ્યું હોય કે સત્સંગ કર્યો હોય. તેનાં આધારે આમ થાય કે ખોટું કર્યાનું ફળ ખોટું આવે. માટે અંકુશમાં રાખ્યું હોય તો સારું પડે એવું બોલ્યા. તે કોણ અંકુશ રાખે ? એ જે જ્ઞાન સાંભળેલું છે તે જ્ઞાન જ અંકુશમાં રાખે. ભલે પૂરું જ્ઞાન નથી. ત્રણસો સાંઠ ડિગ્રી નથી પણ બસ્સો ડિગ્રીનું તો બસ્સો ડિગ્રીનું પણ એ જ્ઞાન હેલ્પ કરેને ! સમજ પડીને ?!

દરેક માઈલે જ્ઞાન જ ચેતવે !

એમ માનો કે એક માણસ ઝીરો માઈલથી ચાલ્યો. તે દોઢસોમાં માઈલ ઉપર આત્મજ્ઞાન હોય, અઢીસો માઈલ ઉપર કેવળજ્ઞાન હોય પણ એ જો ઝીરોથી ચાલ્યો તો સો માઈલવાળો, તો એની પાસે કંઈ જ્ઞાન તો ખરું જ ને ? આખું આત્મજ્ઞાન નથી પણ એની પાસે સો માઈલ સુધી ચાલ્યો એટલું તો જ્ઞાન એની પાસે ખરુંને ? એ ચેતવે છે.

પ્રશ્નકર્તા : એટલે અજ્ઞાનદશામાં પણ એને જે કંઈ....

દાદાશ્રી : હા, અજ્ઞાનદશામાં ય તે હેલ્પ કરે, ચેતવે એ લોકોને.

પ્રશ્નકર્તા : અજ્ઞાનીને ય હેલ્પ કરે. ત્યારે તે આગળ વધી શકે.

દાદાશ્રી : હા, ત્યારે તે વધે.

પ્રશ્નકર્તા : એ એટલી એની બુદ્ધિ સમ્યક્ થઈ છે ? સમ્યક્ બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : સમ્યક્ બુદ્ધિ થાય એનાથી.

ઝીરોથી દોઢસો.... દોઢસો એ કેવળજ્ઞાન થાય, તો શું એકસો અડતાલીસ થયો એ સાવ યુઝલેસ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એને જ્ઞાન એકસો અડતાલીસ પ્રમાણે છે જ. કોઈને એકસો દસના પ્રમાણમાં છે, કોઈને પચ્ચીસના પ્રમાણમાં છે.

... એ કરાવે વિભાવિક જ્ઞાન !

પ્રશ્નકર્તા : આ સમજવું એ જ્ઞાન કહેવાયને ?

દાદાશ્રી : ના, સમજવું એ દર્શન. જાણવું એ જ્ઞાન. પહેલું સમજણ પડે, પછી જ્ઞાન થાય. પહેલી આપણી વાત સમજ પડે. પછી સચોટ થાય ત્યાર પછી જ્ઞાન થાય. આપણે સમજી લીધું હોય કે ઝેર-બેર બધું આવું છે, પણ ઝેર દેખતાં જ એ સમજણ હાજર થાય ત્યારે એને જ્ઞાન કહેવાય. જ્ઞાન જ કરી રહ્યું છે આ જગતમાં બધું જ, આ લડાઈઓ-બડાઈઓ બધું જ જ્ઞાન જ કરાવી રહ્યું છે. અજ્ઞાન નથી કરી રહ્યું. જ્ઞાન જ બધું કરી રહ્યું છે આ.

પ્રશ્નકર્તા : જ્ઞાન લડાઈઓ પણ કરાવે ?

દાદાશ્રી : આ બધા મનુષ્યો કરે છે તે, તે બધાં જ્ઞાનના આધારે જ ચાલે છે.

પ્રશ્નકર્તા : પણ એ જ્ઞાન જુદા પ્રકારનું થયું ને ?

દાદાશ્રી : ના, એ જ્ઞાન મિથ્યાત્વજ્ઞાન છે. જેને વિભાવિક જ્ઞાન કહેવાયું, વિશેષ પ્રકારનું જ્ઞાન. તે પણ એ જ્ઞાન છે. જ્ઞાન હોય તો ક્રિયા થાય, નહીં તો ક્રિયા ના થાય. આપણે અહીં સાત રસ્તે આવ્યા, ત્યાં આગળ બધા ઊભા રહ્યા અને પછી ડિસાઈડ કરે, નક્કી કરે કે જુઓ ભાઈ આ નકશો છે. આમાં નક્કી કરો, પછી બધા ભેગા થઈને કહેશે કે આ બરોબર છે. આ તાળો મળ્યો, એ જ્ઞાન થયું. તે રસ્તે ચાલવા માંડે. એટલે જ્ઞાન જ આ બધી ક્રિયા કરે છે.

જ્ઞાનની દોરવણી ક્રિયા પર !

પ્રશ્નકર્તા : દાદા, આપણે પરમ દિવસે વાત નીકળી હતી, પેલી સૂંઠ લીધીને આપે. સૂંઠ અને પેલી સિંગના બી કાઢી નાખ્યા. ત્યારે કહે, જ્ઞાન કઢાવે છે આ વસ્તુ.

દાદાશ્રી : એવું છે ને લોક કહે છે હું ખઉં છું. તો તું ખઉં છું તો આ બીજ કેમ કાઢી નાખ્યા, બોલ ? ત્યારે કહે, 'એ હિતકારી નથી.' તો એ જ્ઞાને કાઢી નાખ્યા. કારણ કે જ્ઞાન પ્રમાણે ખાય છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન ખાવાનો હુકમ કરે છે, તે પ્રમાણે ખાય ?

દાદાશ્રી : હાસ્તો ને ! જ્ઞાનની દોરવણીથી એ ખાય છે. જ્ઞાન કહેશે કે 'આ અહિતકારી છે.' એમ કહે એટલે કાઢી નાખે. જ્ઞાન કહેશે, 'આ હિતકારી છે' તો લે.

પ્રશ્નકર્તા : તો ખોરાક ખવાય છે એ જ્ઞાનની દોરવણી છે એની પાછળ ?

દાદાશ્રી : હં....

પ્રશ્નકર્તા : હવે બીજું એમ કહેવામાં આવે છે, આ ખાય છે ત્યારે મહીંના પરમાણુ ખેંચે છે એ પ્રમાણે બહારથી ભેગું થાય છે, તો એ વસ્તુ અને જ્ઞાનની દોરવણી એ બે કેમ સમન્વય થાય ? આમાં મહીંના ખેંચતા હોય અને બહારથી ભેગું થાય તો પછી જ્ઞાનની જરૂર ના રહી એને !

દાદાશ્રી : જ્ઞાનની જરૂર રહીને ! જ્ઞાન હોય જ એની મેળે, એનું એડજસ્ટમેન્ટ છે.

પ્રશ્નકર્તા : એટલે એ શું એડજસ્ટમેન્ટ છે ?

દાદાશ્રી : જ્ઞાનની દોરવણી હોય, તે પ્રમાણે જ મહીંના પરમાણુ ખેંચે, નહીં તો ખેંચે નહીં ને જ્ઞાન ના હોય, તેને ય મહીંના પરમાણુ ખેંચે પણ એ તો બધું જોઈન્ટ થયેલું હોય જ.

પ્રશ્નકર્તા : એટલે મહીંના પરમાણુ અને જ્ઞાનને કંઈ સંબંધ છે ? જેમ કહે છેને પેલી ચા સિલોનમાં પાકે છે અને અહીં આપણા ટેબલ ઉપર આવે છે....

દાદાશ્રી : એ જેવું અંદરના પરમાણુ છે ને તેવાં જ બહાર બને છે. બહાર એનો ફોટો છે એટલે જ્ઞાનપૂર્વક રહે. તે એ પેલાં ય જ્ઞાનપૂર્વક છે તો આ ય જ્ઞાનપૂર્વક છે.

પ્રશ્નકર્તા : એટલે મહીંના પરમાણુ સેટ થયેલા છે. એની પાછળ જ્ઞાનનું જ્ઞાન એને ભળેલું છે એમાં.

દાદાશ્રી : હં. એટલે આ બહાર એ મળી આવે, એનો ફોટો જ છે.

પ્રશ્નકર્તા : એટલે મુખ્ય તો જ્ઞાનથી આ પરમાણુ ખેંચાયેલા છે એવું કહેવા માંગો છો.

દાદાશ્રી : બધું જ્ઞાનથી જ જગત ચાલી રહ્યું છે. આ જગત ચાલી રહ્યું છે જ્ઞાનથી. જ્ઞાન ના હોય તો જગત ચાલે નહીં.

જ્ઞાનથી ચાલે, વ્યવસ્થિત ચલાવે !

પ્રશ્નકર્તા : બીજી બાજુ કહીએ છીએ વ્યવસ્થિત. વ્યવસ્થિત આ બધું ચલાવે છે.

દાદાશ્રી : જ્ઞાનથી ચાલે છે. બે પાટા છે, એક પાટો જ્ઞાનથી ચાલે છે અને એક વ્યવસ્થિત ચલાવે છે.

પ્રશ્નકર્તા : હં, એ જરા વિગત.... એટલે બે પાટા છે એક જ્ઞાનથી ચાલે છે અને એટલે બે સમાંતર ચાલે છે ?

દાદાશ્રી : હં.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનથી ચાલવું અને વ્યવસ્થિતથી ચાલવું એ બેનું કેવી રીતે છે ?

દાદાશ્રી : જ્ઞાનથી શું ખાવું એ નક્કી થાય અને વ્યવસ્થિતથી કેટલું ખાવું તે નક્કી થાય.

પ્રશ્નકર્તા : શું ખાવું, કેટલું ખાવું એ બધું ય વ્યવસ્થિતના આધારે છે ?

દાદાશ્રી : નહીં, શું ખાવું એ જ્ઞાનના આધારે અને કેટલું ખાવું એ વ્યવસ્થિતના આધારે.

પ્રશ્નકર્તા : પણ કેટલું ખાવું એ પણ જ્ઞાનના આધારે જ ને ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : આપ કેવું પ્લસ-માઈનસ બધું કરો છો !

દાદાશ્રી : તે એની મહીં વ્યવસ્થિત આવી ગયું ને ! પ્લસ ને માઈનસ એમાં ! હિતકારી વસ્તુ આ જ્ઞાન કરે અને આ બીજું આ કરે, બેઉ સાથે જ ચાલીને કામ થાય. બન્ને સાથે થઈને કરે છે.

પ્રશ્નકર્તા : એટલે એનું અંતઃકરણમાં ક્રિયા એ જ્ઞાનના આધારે છે અને બહારથી ભેગું થવું એ વ્યવસ્થિતના આધારે છે, એવું કહી શકાય ?

દાદાશ્રી : વ્યવસ્થિત તો, જ્યાં અજાગૃતિ ત્યાં બધું વ્યવસ્થિતના તાબામાં, જાગૃતિ એ જ્ઞાનના તાબામાં.

જ્ઞાન બદલાય, પછી ક્રિયા બદલાય !

પ્રશ્નકર્તા : આ જ્ઞાન એટલે આત્મ-જ્ઞાનવાળાનું જ્ઞાન અને પેલા જ્ઞાન ન લીધું હોય- આત્મજ્ઞાન નથી જેને, એ બેનું જ્ઞાન એક જ વસ્તુ છે ?

દાદાશ્રી : બધાને જ્ઞાન હોય જ. દરેકને જ્ઞાન હોય. જ્ઞાન વગર કોઈ આત્મા હોય નહીં. પણ એના પ્રમાણમાં હોય. એ જ્ઞાનના આધારે એ ચાલે બધું. એને જ્ઞાન હોય કે મરેલાં ઢોરનો ખોરાક ખવાય એવું એને જ્ઞાન છે તો એ જ્ઞાનના આધારે એવો ખોરાક ખાય એ. બીજાને એ જ્ઞાન હોય કે જીવતાં ઢોરનો ખોરાક ખવાય, તે મરેલાંનું ના ખાય. ત્રીજાને જ્ઞાન હોય કે ઢોરનો ખોરાક ખવાય નહીં, આપણે તો વેજીટેબલ ખાવું જોઈએ તેવું જ્ઞાન પ્રમાણે હોય. એટલે દરેકને જ્ઞાન પ્રમાણે બધું હોય છે એની ક્રિયા.

પ્રશ્નકર્તા : તો એ જ્ઞાન પ્રમાણેની ક્રિયા થવી બહારથી એ વ્યવસ્થિતને તાબે છે એવું કહો છો ? એની પાસે જે જ્ઞાન હોય કે જીવતાં ઢોરનો ખોરાક ન ખવાય, તો પછી એનું વ્યવસ્થિત એ પ્રમાણે આવે એવું છે ? એટલે બાકીનું સંચાલન વ્યવસ્થિતને તાબે છે એવું ?

દાદાશ્રી : બધું વ્યવસ્થિતના તાબામાં છે. ફક્ત જ્ઞાન પ્રમાણે, જ્ઞાન હોયને તે પ્રમાણે એને સંસ્કાર મળી જાય આજુબાજુનાં અને જેવું જ્ઞાન હોય તેવાં જ્ઞાનવાળાની ભેગો એનો જન્મ હોય, તે મફતમાં. એ પછી મરેલાં ઢોરનું જરાક માંસ ખાય. બળ્યું, શીખવાનું ય મળે મફતમાં.

જ્ઞાનના આધારે વ્યવસ્થિત !

પ્રશ્નકર્તા : એ જ્ઞાન અત્યારે જે ઉપલબ્ધ થાય છે એને જ્ઞાન, એવું એનું વ્યવસ્થિત હોય છે એવું થયું ? હમણાં આપની પાસે એ માણસ આવ્યો હોય અને જાણે કે ઓહોહો ! આ મરેલાં ઢોરનું તો ખવાય જ નહીં, તો બીજે દિવસથી બંધ કરી નાખે તો પછી એનું વ્યવસ્થિત ફરી ગયું એમ કહેવાય ? જ્ઞાન બદલાયું એટલે વ્યવસ્થિત ફેર થાય ?

દાદાશ્રી : હાસ્તો ને ! જ્ઞાન બદલાય એટલે વ્યવસ્થિત બદલાઈ જાય. જ્ઞાન બદલાયુંને એટલે વ્યવસ્થિત બદલાઈ જાય. જ્ઞાનની પાછળ વ્યવસ્થિત ઊભેલું હોય છે.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત આ જ્ઞાનની પાછળ ઊભેલું છે. એટલે જ્યાં સુધી એને બીજું જ્ઞાન મળતું નથી ત્યાં સુધી પછી...

દાદાશ્રી : પેલા જ્ઞાનના આધારે ચાલે છે.

પ્રશ્નકર્તા : હા, તો એ જ્ઞાનના પ્રમાણે એનું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. હવે એને બીજું જ્ઞાન મળે એ વ્યવસ્થિતના સાંધામાં છે ?

દાદાશ્રી : વ્યવસ્થિતના આધારે જ્ઞાન નથી, જ્ઞાનના આધારે વ્યવસ્થિત છે.

પ્રશ્નકર્તા : હા, પણ એને જ્ઞાની ભેગા થવા અને આ નવું જ્ઞાન મળવું એ કોના આધારે છે ?

દાદાશ્રી : એ પુણ્યૈના આધારે છે.

પ્રશ્નકર્તા : આજે એને જ્ઞાન મળ્યું કે મરેલાં ઢોરનું માસ ન ખાવું જોઈએ, તો એનું વ્યવસ્થિત કાયમ માટે બદલાઈ જાય ?

દાદાશ્રી : હા. એ પ્રતીતિ બેસી જવી જોઈએ. એ જ્ઞાન પ્રતીતિ સહિત હોવું જોઈએ. પ્રતીતિ વગરનું જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે વર્તનમાં આવે જ પેલું.

દાદાશ્રી : તેં ય ખાધેલું પહેલાં. ઘણાં ય કાળ પહેલાં ખાધેલું. એવાં સંજોગોમાં હતા ત્યારે એવું કરેલું અને અત્યારે માંસાહાર અડતો જ નથી. આને મફત થાળી આપી જાય તો ય એ ભૂખ્યો હોય તો ય ના જમે. ના જમું ને ?

પ્રશ્નકર્તા : ના જ જમું.

દાદાશ્રી : એટલે જ્ઞાન જ ચલાવે છે.

જ્ઞાન પ્રમાણે વર્તન !

એક દરજીને એવું જ્ઞાન ફીટ થઇ ગયેલું કે ઉંદરડા પાંજરામાં પકડીને છોડવાથી કાગડાને ખાવાનું મળે, બીજાને ફાયદો થાય છે. હવે એ જ્ઞાનને લીધે એને ભાગે ઉંદરડા મારવાનું આવે. અમે એનું એ જ્ઞાન ફેરવી આપ્યું. તે શ્રદ્ધાએ કરીને એને ફીટ થયું કે ઉંદરડા મારવા નુકસાનકર્તા છે. તે પછી એવું જ્ઞાન ક્રિયામાં આવતું જાય. શ્રદ્ધા જ્ઞાને કરીને ફરવી જોઇએ, સમજપૂર્વક ફરવી જોઇએ. ચારિત્રને આપણે પછી જોવાનું નથી. એ તો એની પાછળની 'ઇફેક્ટ' હોય ત્યાં સુધી ચારિત્ર ના ફરે. હવે એ જ્યારે ઉંદર મારવા જશે ત્યારે એને થશે કે ના મરાય. તેમ છતાં પાછળની 'ઇફેક્ટ'ના આધારે મારી નાખે તો ય તેને મહીં થયા કરે કે આ ખોટું થાય છે. છતાં ય આ જ્ઞાન શુભાશુભનું છે. શુધ્ધ જ્ઞાનમાં તો આવું કશું જ હોતું નથી. ક્રિયામાં આવે કે ના આવે પણ જ્ઞાન ચળવું ના જોઇએ. જ્ઞાન શ્રદ્ધાએ કરીને 'એક્ઝેક્ટલી' રહેવું જોઇએ. સાચું જ્ઞાન જ જાણવાની જરૂર છે. પછી એ જ્ઞાન ઉપરની શ્રદ્ધા કયારેય પણ ચલ-વિચલ ના થવી જોઇએ. ક્રિયાઓ પછી જે થાય, તે જોવામાં આવતી નથી.

પ્રશ્નકર્તા : વચનબળથી 'એક્ઝેક્ટલી' રહે ને ?

દાદાશ્રી : વચનબળથી ક્રિયામાં ફેરફાર થાય. વચનબળથી ખોટું કરતો અટકી જાય.

... ભગવાન ચલાવે છે ?

તેથી આપણા લોકોએ જોડી કાઢ્યું બધું કે 'ભગવાન ચલાવે છે, ભગવાન ચલાવે છે.' પણ મૂઆ, એ ભગવાન ચલાવે છે એ જુદી રીતે સમજ્યો છું તું. તેથી હું પાછો તોડી નાખું છું વાતને. જો કે જ્ઞાન ચલાવે છે એ ભગવાન જ ચલાવે છે કહેવાય પણ એ સમજે છે જુદી જાતનું અને હું જુદી જાતનું સમજું છું. એટલે એમની સમજણ પ્રમાણે એ ભગવાન નામનું કોઈ છે એ બધું ચલાવે છે, એવું સમજી બેઠા છે. એટલે આપણે એને વિરોધાભાસ કહીએ છીએ. બાકી, જ્ઞાન જ ચલાવે છે આ જગતને. એટલે 'ભગવાન ચલાવે છે' એમ કહેવાય આપણાથી. પણ લોક ભગવાન એમની ભાષામાં સમજી ગયા છે એટલે હું તોડી નાખું છે કે ભગવાન શેના ચલાવે, મૂઆ તું ચલાવું છું તેથી થયું આમ. 'લે, ભગવાન ચલાવે છે એનો પુરાવો દેખાડ જો એકુંય ?' એમ કરીને ટાઢોટપ કરી નાખું. એ ભૂલી ગયા પછી સમજજે કે આ જ્ઞાન ચલાવે છે. એક ઉપર આવ, 'આ ભગવાન ચલાવે છે' એ ભૂલી જા.

જ્ઞાન બદલાયા પછી...

પ્રશ્નકર્તા : એટલે આ વ્યવસ્થિત કહે છે કે આખી જીદંગીનું વ્યવસ્થિત લઈને આવેલો છે, તો પછી એનું જ્ઞાન બદલાઈ જાય તો પેલું વ્યવસ્થિત ફેરફાર થઈ જાય ને ? એનું જ્ઞાન બદલાય તેમ વ્યવસ્થિત ફેરફાર થાય ને ?

દાદાશ્રી : બદલાઈ જાય. જ્ઞાન બદલાવું જોઈએ, બસ.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવું, એમાં આટલાં આટલાં ફાયદા છે એ જ્ઞાન જ્યારે એને મળે છે ત્યારે એને પેલું વિષયની દ્રષ્ટિ આખી પેલા પરણવામાંથી ખસીને આમાં આવી જાય છે.

દાદાશ્રી : હા, આમાં આવી જાય છે.

પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત આખું બદલાય જ છેને એવું થયું ?

દાદાશ્રી : બધું બદલાઈ જાય. જ્ઞાન જ બદલી નાખે એને. જ્ઞાન મળ્યું છે કે આ વિષયમાં બહુ સુખ છે એ જ્ઞાન મળ્યું છેને એટલે પછી એ જ્ઞાન કામ કર્યા કરે છે. હવે એ જ્ઞાન એનું ઊડી જાય તો કામ થઈ ગયું.

પ્રશ્નકર્તા : પણ એવું નથી દાદાજી કે આનું વ્યવસ્થિત હતું. એ બ્રહ્મચર્યનું સુખ ભોગવવાનું નક્કી હતું વ્યવસ્થિત એટલે એ આપની પાસે આવ્યો અને જ્ઞાન મેળવ્યું.

દાદાશ્રી : ના, એવું નથી. મારી પાસે તો જ્ઞાન જ મળે. વ્યવસ્થિત પછી એનું ગોઠવાઈ જાય જ્ઞાન પ્રમાણે.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનું બીજ તો લઈને આવેલો હશે એવું ખરું ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : એવું પણ નહીં. આ જ્ઞાનથી જ બીજ રોપાય છે નવું ?

દાદાશ્રી : એની ભાવના શું કે કેમ કરીને આ જગતથી છૂટાય ? એવું કંઈક સંજોગ બાઝી જાય તો સારું. તે આ સંજોગ બાઝયા. તેથી પછી વ્યવસ્થિત બદલાય, બધું ય બદલાય. મૂળ હેતુ આ. અનંત અવતારનો કંટાળો આવે ને તો પછી કેમ કરીને ભાગીને નાસી જવું એવું ના થાય ?

પ્રશ્નકર્તા : હા. પણ અમુક એવાં પણ જ્ઞાન છે જે બદલાતાં પણ નથી. આપની પાસેથી સાંભળ્યું કે આ નથી બરોબર. છતાં ય પણ એ પેલી પ્રક્રિયા છૂટતી નથી અથવા તો વ્યવસ્થિત એનું ફરતું નથી, એ શું કહેવાય ? કેટલાંકને બ્રહ્મચર્ય વિશેની વાત સાંભળીને બ્રહ્મચર્યના ભાવ નક્કી થાય છે, ભાવ કરે છે ને આખું વ્યવસ્થિત એનું બદલાય છે.

દાદાશ્રી : હા, બદલાઈ જાય.

પ્રશ્નકર્તા : અને કેટલાંકને તમે ઠોકી ઠોકીને કહો, કહે કહે કરો તો ય કશું વળતું નથી એનું, એ શું ?

દાદાશ્રી : એ જ્ઞાન એને પ્રતીતિમાં આવતું નથી.

પ્રશ્નકર્તા : પ્રતીતિમાં આવવા માટે કંઈક કારણો હોય છે વચ્ચે ?

દાદાશ્રી : એની પાસે પોતાના પહેલાનાં સંજોગો ભેગા થયેલા હોય તે અને આ જ્ઞાન. એને છે તે થોડી પ્રતીતિ થયેલી હોય અને હું પછી પ્રતીતિ બેસાડી આપું, તે એકદમ ફીટ થઈ જાય. થોડી પ્રતીતિ થયેલી હોય કે આમાં સુખ તો છે જ નહીં, સાલું, શી રીતે સુખ ખોળ્યું ! આ જે સુખ છે તે ખાલી કલ્પના જ છે.

જગત સ્વભાવથી ચાલે છે ?!

પ્રશ્નકર્તા : હવે બીજી વાત, એક એવું પણ કહો છો કે જગત સ્વભાવથી ચાલે છે અને વ્યવસ્થિત ચલાવે છે, એ શું છે ?

દાદાશ્રી : એ બધું સ્વભાવથી જ ચાલે છે ને ! પાણી, પાણીના સ્વભાવથી ચાલે છે પણ કઈ દિશામાં પાણીને લઈ જવું, તે વ્યવસ્થિતનું કામ છે. પાણી નીચે ઉતરવું એ એનો સ્વભાવ છે અને કઈ દિશામાં લઈ જવું એ વ્યવસ્થિતના તાબામાં છે.

પ્રશ્નકર્તા : તો આ જ્ઞાન એ સ્વભાવમાં જાય ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : એવું નહીં ?

દાદાશ્રી : જ્ઞાન કોનો સ્વભાવ છે અને વ્યવસ્થિત કોનો સ્વભાવ છે, એ જુદી વસ્તુ ને !

પ્રશ્નકર્તા : હા, એ શું છે ?

દાદાશ્રી : વ્યવસ્થિત તો રિલેટીવનો સ્વભાવ છે અને જ્ઞાન એ રિયલનો સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : પણ જ્ઞાનના પછવાડે વ્યવસ્થિત ઊભું છે એવું પણ કીધું હમણાં.

દાદાશ્રી : હા, રિલેટીવનું વ્યવસ્થિતની પાછળ જ્ઞાન નથી. હમણે જંગલમાં તું જતો હોઉં, આ બધા ય મારી જોડે જંગલમાં આવ્યા. પછી એક જગ્યાએ કંઈથી ચિત્તો નીકળ્યો અને આમથી આમ દોડ્યો, એ જોઈ ગયા પછી બધા. ચિત્તાના દર્શન કર્યાં. તમારા મનમાં એમ થાય કે આ તો સારું થયું ભાગી ગયો તે. પણ થોડેક છેટે ગયા, માઈલ છેટે ગયા અને સિંહનો અવાજ સાંભળ્યો, સિંહ શું કરે ?

પ્રશ્નકર્તા : ગર્જના.

દાદાશ્રી : ગર્જના કરે, નહીં ? તે ગર્જના તો વાદળ હઉ સામો અવાજ ફેંકે, વાદળ હઉ ગર્જના કરે. એટલે તે વખતે તમે બધા મને કહો કે આ સિંહ.... હું કહું એ તો પાંજરામાં પૂરાયેલો છે. એટલે એ જ્ઞાન તમને પાછું જવા દે. છોને બૂમ પાડે, પાંજરામાં પૂરાયેલો છે, હું જોઈને આવ્યો છું. એ ચાલ્યું. નહીં તો 'ખઈ જશે, ખઈ જશે.' આ તો એવો ભય લાગત. ચાલ્યું. ઐસી દુનિયા છે.

જ્ઞાન જ નિર્ભય બનાવે !

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન જ નિર્ભય બનાવે છે.

દાદાશ્રી : જ્ઞાન જ કામ કરે છે.

પ્રશ્નકર્તા : પેલું જોયું હતું એ જ્ઞાન એને ભય પમાડે છે.

દાદાશ્રી : એ જ્ઞાન પ્રતીતિવાળું હોવું જોઈએ. દાદાએ કહ્યું એટલે પછી ચોક્કસ અને અમે ય હિતકારી હોય તે જ કહીએ.

આત્માનું સ્વરૂપ, 'જ્ઞાન' જ !

પ્રશ્નકર્તા : જ્ઞાનનું સ્વરૂપ શું ?

દાદાશ્રી : જ્ઞાનનું સ્વરૂપ આત્મા છે ને આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે. જ્ઞાન એ જ આત્મા છે. 'હું ચંદુલાલ છું' એ તમને શ્રદ્ધા છે એ 'રોંગ બિલિફ' છે અને એ શ્રદ્ધાથી જ આ ભવોભવનાં ભટકામણ ચાલુ થઈ ગયાં છે. એ 'રોંગ બિલિફ' જ્યારે 'જ્ઞાની પુરુષ' 'ફ્રેકચર' કરી આપે ત્યારે 'રાઈટ બિલિફ' થાય. ત્યારે 'એને' જ્ઞાનનું સ્વરૂપ સમજાય. જ્ઞાનનું સ્વરૂપ સમજ્યા પછી એકદમ પ્રવર્તનમાં ના આવે. સમજ્યા પછી ધીમે ધીમે સત્સંગથી જ્ઞાન-દર્શન વધતું જાય અને ત્યાર પછી પ્રવર્તનમાં આવતું જાય. પ્રવર્તનમાં આવે ત્યારે કેવળ આત્મપ્રવર્તન, એનું નામ 'કેવળ જ્ઞાન'. દર્શન-જ્ઞાન સિવાય અન્ય કોઈ પ્રવર્તન નહીં, એને 'કેવળ જ્ઞાન' કહેવાય.

શુધ્ધ જ્ઞાન - મિથ્યાત્વ જ્ઞાન !

એટલે હકીકતમાં શું છે કે શુધ્ધ જ્ઞાન એ આત્મા છે અને શુભાશુભ જ્ઞાન, અશુધ્ધ જ્ઞાન એ બધું જીવ છે. શુભાશુભમાં છે ત્યાં સુધી જીવાત્મા છે, એ મૂઢાત્મા છે. શુધ્ધાત્મા એ તો, જ્યારે સમકિત થાય; પહેલું પ્રતીતિ બેસે, 'હું શુધ્ધાત્મા છું.' કોઈ પણ માણસ એમ ને એમ 'શુધ્ધાત્મા' થઈ જાય નહીં પણ પહેલી પ્રતીતિ બેસે. પછી તે પ્રમાણે જ્ઞાન થાય ને તે પ્રમાણે વર્તન થાય. પહેલાં મિથ્યાત્વ પ્રતીતિ હતી. તે મિથ્યાત્વ જ્ઞાન ઊભું થયું અને મિથ્યાત્વ વર્તન ઊભું થયું. જ્ઞાન થાય એટલે વર્તન એની મેળે જ આવ્યા કરે, કશું કરવું ના પડે. મિથ્યાત્વ શ્રદ્ધા અને મિથ્યાત્વ જ્ઞાન ભેગું થાય એટલે વર્તન એની મેળે એવું થઈ જ જાય. કરવું પડતું નથી છતાં એ કરવાનું કહે છે એ એનો અહંકાર છે. એણે એમ માન્યું કે કડિયાકામમાં જ મજા આવશે ને કડિયાકામમાં જ સુખ છે તો 'એ' 'કડિયો' થાય. પછી પ્રતીતિ બેઠી એટલે કડિયાકામનું એને જ્ઞાન ઉત્પન્ન થાય અને જ્ઞાન ને શ્રદ્ધા બે ભેગી થઈ એટલે વર્તન તરત આવડે જ. આમ હાથ મૂકે ને ઇંટ ચોંટે, હાથ મૂકે કે ઇંટ ચોંટે ! દરેક ઇંટ આમ જો જો ના કરવી પડે.

સવળા માટે શક્તિ માગવી !

જે અજ્ઞાન ઉપર ખૂબ શ્રદ્ધા બેઠી હોય તો એ ક્રિયા બહુ વાર ચાલે ને થોડી શ્રદ્ધા બેઠી હોય તો તે ક્રિયા સપાટાબંધ ઊડી જાય. સહેજ અજ્ઞાન હોય તો તે વહેલું ઊડી જાય. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં એને પુદગલ શક્તિઓ વપરાય છે ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે કે મને આ શક્તિઓ આપો. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં તો પુદગલ શક્તિઓ એમ ને એમ મળ્યા જ કરે છે; જયારે જ્ઞાન માટે એવી શક્તિઓ મળતી નથી. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય એમાં પુદગલની શક્તિઓ સહેજે મળ્યા જ કરે છે; જયારે એનાથી વિરુદ્ધ સત્ય, બ્રહ્મચર્ય માટે શક્તિઓ માગવી પડે. એ જ્ઞાન-દર્શનથી જાણી, શ્રદ્ધાથી શક્તિઓ માગવાથી શક્તિઓ મળે છે. નીચે ઉતારી પાડનારું અજ્ઞાન છે અને તેમાં પુદગલ શક્તિઓ આવ્યા જ કરે છે. જ્યારે ઊંચે ચઢાવનારું જ્ઞાન છે, તે પુદગલ વિરોધી હોવાથી શક્તિઓ માગવી પડે તો જ ઊંચે ચઢાય.

શુધ્ધ જ્ઞાન એ પરમાત્મા !

શુધ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે. 'જેમ છે તેમ' યથાર્થ દેખાડે એ શુધ્ધ જ્ઞાન. યથાર્થ દેખાડે એટલે શું ? બધી અવિનાશી અને બધી વિનાશી ચીજો દેખાડે અને આ વિપરીત જ્ઞાન તો એકલી વિનાશી ચીજોને જ દેખાડે. જગતના લોકો તો જન્મતાં જ 'તું ચંદુલાલ છે' એવું અજ્ઞાન પ્રદાન કરે છે. એટલે 'રોંગ બિલિફ'ની તેને 'ઈફેક્ટ' થાય છે કે 'હું ચંદુલાલ જ છું.' આ વિપરીત જ્ઞાન છે. નિયમ એવો છે કે જેવી 'બિલિફ' થાય તેવું જ્ઞાન ભેગું થાય ને પછી તેવું જ વર્તનમાં આવે. સંસાર એટલે શું ? વિપરીત જ્ઞાનમાં ઝબોળ ઝબોળ કરવાનું. હવે એમાંથી શી રીતે નાસી છૂટે બિચારો !

જ્ઞાન જાણે માત્ર !

પ્રશ્નકર્તા : આ બધું જાણી રાખવાનું કે પ્રેક્ટિકલમાં લાવવાનું ?

દાદાશ્રી : જાણવાનું જ, એ તો જાણે તો જ પ્રેક્ટિકલમાં આવે. સાચી રીતે જાણે તો અમલમાં આવી જાય.

'બીડી ખોટી છે' એ જાણ્યું ત્યાર પછી ખાતરી થાય. પછી જ્યારે જ્યારે પીવે ત્યારે એને ગમે નહીં કે 'આ ન થવું જોઈએ, આ ક્યારે છૂટે ?' એ જ્ઞાનની પહેલી નિશાની. પછી બીજી નિશાની એ છૂટી જાય.

બે રસ્તા એક સાથે ના થાય. આ સાચવીએ અને પેલું ય આવશે એવું ના ચાલે.

પ્રશ્નકર્તા : એ તો પાક્કો ધ્યેય હોય. આ તો પેલું અદબદ ધ્યેય હોય એવું.

દાદાશ્રી : જેને ભાન છે કે ઓહોહો ! આનું શું થશે ? એવું ભાન રહેતું હોય તેને. રહેતું જ ના હોય, તેને ખબર જ ના પડે કે આ ફરી મનુષ્યપણું આવશે કે નહીં ?

આપણે તો જ્ઞાન જાણવું જોઈએ. એ પ્રમાણે વર્તન થયું કે ના થયું એ જુદી વસ્તુ છે. જાણ્યું એટલે પ્રતીતિ બેસી જાય એટલે આવતાં ભવમાં ઉકલી જાય પણ એ જાણવું જોઈએ. જાણીને થોડા પ્રયત્નમાં પડવું જોઈએ. જાણીને જતું ના રહેવું જોઈએ. બધા જ્ઞાનની પ્રતીતિ બેસવી, એનું નામ ક્ષાયક સમકિત અને આ પ્રતીતિ ના બેસે, એનું નામ મિથ્યાત્વ.

પ્રશ્નકર્તા : એટલે આત્મા સંબંધીના જ્ઞાનની પ્રતીતિ બેસવી જોઈએ એવું જ થયું ને ? જોડે જોડે પેલું દર્શનમાં આવ્યું કે હું શુધ્ધાત્મા છું. પછી આ સુખની માન્યતાઓ એ બધી પણ પ્રતીતિ બેસવી જોઈએ એવું ?

દાદાશ્રી : એ પ્રતીતિ તો બધી બેસવી જ જોઈએને ! જ્ઞાન એટલે સંપૂર્ણ હોય, એબ્સોલ્યુટ હોય.

કાફી છે બેસવી પ્રતીતિ ભૂલની !

આ લોકો કહે છે કે હવે અમે અમારા દોષો છે એ અમે જાણ્યા પણ હવે કાઢી આપો. તમે અમને મારો-કરો, જે કરવું હોય એ કરો પણ દોષ કાઢી આપો. હવે એના માટે શું રસ્તો ?!

દોષ કેવી રીતે પેઠો, એ તમે તપાસ કરો ત્યાર પછી ખબર પડે. દોષ નીકળે કેવી રીતે ? પેઠો કેવી રીતે તપાસ કરો. પેઠો તે ઘડીએ ઘાલવો નથી પડતો. એટલે કાઢવા વખતે કાઢવો ના પડે. જે વસ્તુ ઘાલેલી હોય, તે કાઢવી પડે. આ તો મને કહે છે, 'દોષ કાઢી આપો ! અલ્યા, પણ આ ઘાલેલું, એ શાથી પેસી ગઈ ?

ત્યારે કહે, એક માણસ એવાં કુસંગમાં ગયો. તે એને ખાતરી થઈ કે આ મજા કરે છે અને આ રસ્તો બહુ સરસ છે. બહુ સરસ, સુખનો, એને એ જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ, પ્રતીતિ બેસી ગઈ પછી કુસંગ વર્તનમાં આવે જ !

એવી રીતે હું આમને શું કરું છું ? જે એમની ભૂલો છે એ નકારે છે. બિલકુલે ય કે 'અમારામાં ભૂલ નથી એવી, લોકોનામાં ભૂલ છે.' એ એમની ભૂલ એમને દેખાડું છું. પછી એમને પ્રતીતિ બેસે છે હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) કે આ બધી ભૂલો જ છે. એ અમે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ છીએ. 'આ ભૂલ અમને કાઢી આપો' કહે. મેં કહ્યું, 'હવે કાઢવાનું ના હોય. પ્રતીતિ બેસી ગઈ, એ જ નીકળવા માંડી. તારે ફક્ત મન ખુલ્લું રાખવાનું કે ભઈ, તમે ચલે જાવ. બસ, એટલું જ બોલવાની જરૂર. પ્રતીતિ, એમાં ડાઘ ના પાડવો જોઈએ. પ્રતીતિ બેસવાથી જ ભૂલ જતી રહે ને પ્રતીતિ બેસવાથી ભૂલ પેસે. ઘાલવા-કાઢવાનું ના હોય એ તો. આ તો કંઈ કારખાના છે ? તે એક ભૂલ કાઢવી હોય તો કેટલાંય વખત થાય તે ? અવતારોના અવતારો જાય. સમજાય એવી વાત છે ને આ બધી.

પ્રશ્નકર્તા : આપ સીમ્પટમ્સ્ (લક્ષણો) જોતાં નથી અને મૂળ કૉઝની (કારણની) દવા કરો છો, એવાં ડૉકટર ક્યાં મળે ?!

દાદાશ્રી : ડૉક્ટર નથી, તેની તો આ ભાંજગડ છે ને ! એવાં ડૉક્ટર મળ્યા નથી અને દવા ય મળી નથી એટલે પછી આ ચાલ્યું તોફાન ! એટલે પછી પરિણામને ઝૂડ ઝૂડ કરવા માંડ્યા, ઈફેક્ટને !

શ્રદ્ધાથી પેઠું. એ પ્રતીતિ સંપૂર્ણ બેઠી એટલે એ પેઠું અને પ્રતીતિથી ઊતરે. સંપૂર્ણ પ્રતીતિ થવી જોઈએ કે આ દોષ જ છે. એટલે નીકળી જશે. આ જ નિયમ છે પછી એને રક્ષણ ના કરે, પ્રોટેક્શન (રક્ષણ) ના આપે તો ચાલ્યો જાય. પણ પાછો પ્રોટેક્શન આપે જ. આપણે કહીએ, 'સાહેબ, આ છીંકણી સુંઘો છો હજુ ?' ત્યારે કહે, 'એ વાંધો નહીં.' એ પ્રોટેક્શન આપ્યું કહેવાય. મનમાં જાણે કે આ ખોટું છે. પ્રતીતિ બેઠી હોય પણ પાછું પ્રોટેક્શન આપે. એટલે પછી ભૂલનું એક્સ્ટેન્શન થયા કરે. એટલે પ્રોટેક્શન ના આપવું જોઈએ.

જ્ઞાન, દર્શન ને વર્તન !

પ્રશ્નકર્તા : હવે સમજવાનું કે વર્તનમાં આણવું જોઈએ ?

દાદાશ્રી : વર્તનમાં મૂકવાનું છે જ નહીં, વર્તનમાં આવવું જોઈએ. સમજ્યાનું ફળ શું ? તો કહે, 'વર્તનમાં આવે જ !' સમજણ હોય છતાં ય વર્તનમાં ના આવે ત્યાં સુધી એને દર્શન કહેવાય અને વર્તનમાં આવે એને જ્ઞાન કહ્યું.

પ્રશ્નકર્તા : સમજ, જ્ઞાન અને વર્તન એમાં સમજ્યા હોય પણ વર્તનમાં ન આવે એવું બને ?

દાદાશ્રી : હા, એ જ્ઞાન વગર વર્તનમાં ના આવે. સમજ એટલે 'અનડીસાઈડેડ' વાત.

મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને પોતાને જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે. ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય પછી તમે એ સમજથી ચાલો. જ્ઞાનમાં કશું કરવાની જરૂર નથી. સમજવાની જરૂર છે. જ્ઞાનમાં અને સમજમાં કંઈ ફેર હશે ખરો ? તમે મારી પાસે વાતને સમજો. એ સમજ ધીમે ધીમે જ્ઞાનરૂપે પરિણામ પામે. જ્ઞાન જાણીએ ખરાં પણ વર્તનમાં ના આવે તે સમજ.

જ્ઞાનની માતા કોણ છે ? સમજ છે. માતા વગર પુત્ર થાય નહીં ને ? કે કોઈ પુત્ર ઉપરથી પડેલો ? એટલે માતા તો જોઈએ ને ? જ્ઞાનની માતા સમજ છે. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય ? એ જ્ઞાની પાસેથી સમજો. શાસ્ત્રો પાસેથી સમજો. શાસ્ત્ર પાસેથી પૂરી સમજ ના થાય પણ અમુક સમજ થાય.

અમે આ જ્ઞાન આપીએ છીએ એ 'કેવળ દર્શન' છે. એટલે એમાં બધી જ સમજ આવી ગઈ. હવે સમજમાંથી વર્તન ઊભું થાય પણ સમજ જ ના હોય તો વર્તન ક્યારેય ના આવે. પૂર્ણ સમજ એ કેવળ દર્શન કહેવાય અને વર્તનમાં આવે એ કેવળ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન એ પૂર્ણાહુતિ છે ને કેવળ દર્શન એ કેવળ જ્ઞાનની 'બીગિનિંગ'(શરૂઆત) છે.

સમજ કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે. આખો દહાડો ઠોકરો ખાયા કરતો હોય અને 'હું સમજું છું, જાણું છું' કહે. તે અલ્યા, શેને સમજ કહે છે ? સમજ અને જ્ઞાનમાં ફેર શો ? જે સમજ વર્તનમાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાનને સમજ કહેવાય છે. એ સમજ ધીમે ધીમે 'ઑટોમેટિકલી' જ્ઞાનરૂપે પરિણામ પામે. વર્તનમાં આવે ત્યારે જાણવું કે આ જ્ઞાન છે. એટલે ત્યાં સુધી સમજ સમજ કરો.

ક્રિયાકારી જ્ઞાન, પરિણામ પામે !

શાસ્ત્રોમાં જાણવા ગયો એ જ્ઞાન ક્રિયાકારી નથી અને આ સમજ ક્રિયાકારી છે. તમારે કંઈ કરવું ના પડે. અંદરથી જ્ઞાન જ કામ કર્યા કરે. ક્રિયાકારી જ્ઞાન એ ચેતનવતું જ્ઞાન છે, એ જ વિજ્ઞાન છે, એ જ પરમાત્મ જ્ઞાન કહેવાય છે. આ શુષ્ક જ્ઞાનને વાંઝિયું જ્ઞાન કહેવાય છે. પપૈયા આવે નહીં ને મહેનત સરખી ! આખું મનુષ્યપણું નકામું જાય છે. માટે કંઈક સમજવું તો પડશે જ ને ? અહીં ખાલી સમજવાનું જ છે, કરવાનું કંઈ નથી. જ્યાં કરવાનું છે ત્યાં મોક્ષનો માર્ગ નથી. જ્યાં સમજવાનું છે તે જ મોક્ષનો માર્ગ છે.

જે સમજ જ્ઞાનમાં પરિણામ પામી, તે દહાડે તે વસ્તુ તમારી પાસે નહીં હોય. તમારે કશું કરવાનું નથી. ગ્રહણ-ત્યાગના આપણે અધિકારી જ નથી. કારણ કે આ મોક્ષમાર્ગ છે. ગ્રહણ-ત્યાગના અધિકારી, શુભાશુભ માર્ગમાં હોય, ભ્રાંતિમાર્ગમાં હોય, આ તો 'ક્લિયર' મોક્ષમાર્ગ છે.

વર્તનમાં આવે ત્યારે એ જ સમજ જ્ઞાનરૂપે પરિણામ પામે છે. દાદાએ જે સમજ પાડી હોય, તે અનુભવ કરાવ્યા કરે. એમ કરતાં કરતાં અનુભવ જ્ઞાન થતું થતું જ્ઞાનરૂપે એ પરિણામ પામે. તે દહાડે 'એ વસ્તુ' નહીં રહે, ખરી પડશે.

મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે અને સુગમ છે, સમભાવી માર્ગ છે. કશી મહેનત વગર ચાલે એવું છે માટે કામ કાઢી લો. અનંત અવતારે ય ફરી આ જોગ ખાય એવો નથી.

સમજ મળે, પછી જ્ઞાન...

જ્ઞાન અપાય એવી ચીજ નથી. જ્ઞાન તો સમજ આપીએ તેમાંથી ઉત્પન્ન થાય. જ્ઞાન ઉત્પન્ન થયું એ ક્યારે સમજ પડે ? 'આ ખોટું છે' એ જ્ઞાન ક્યારે કહેવાય ? એની મેળે એ છૂટી જાય ત્યારે. છૂટી જવું ને જ્ઞાન, બેઉ સાથે બને છે. ત્યાં સુધી સમજમાં તો છે કે આ ન હોવું ઘટે; ન હોવું ઘટે. એટલે આપણું આ 'કેવળ દર્શન' એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળ જ્ઞાનમાં આવે છે.

પ્રશ્નકર્તા : સમજ્યા પછી જ્ઞાનમાં આવતાં કેટલી વાર લાગે ?

દાદાશ્રી : જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં 'ડેવલપમેન્ટ' થતું જાય. 'એ ક્યારે થશે ?' એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું, એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે. તમારે કશું કરવાનું નહીં. ઊંઘમાં ય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાં ય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાં ય જ્ઞાન કામ કરી રહ્યું છે.

'દિલ્હી શી રીતે પહોંચાશે ?' એ વાતને સમજો એટલે દિલ્હી પહોંચાશે. સમજ એ બીજરૂપે છે અને જ્ઞાન એ વૃક્ષરૂપે છે. તમારે પાણીનો છંટકારો અને ભાવનાઓ જોઈએ.

... પછી ચારિત્ર !

પ્રશ્નકર્તા : વર્તનમાં આવી ગયું, એનું નામ ચારિત્ર કહેવાય ?

દાદાશ્રી : ચારિત્ર કહેવાય પણ તે સમ્યક્ ચારિત્ર કહેવાય; કેવળ ચારિત્ર તો કેવળ જ્ઞાની જ કરી શકે અને 'જ્ઞાની પુરુષ' કરી શકે.

પ્રશ્નકર્તા : કેવળ ચારિત્ર અને સમ્યક્ ચારિત્રમાં ફેર શો ?

દાદાશ્રી : સમ્યક્ ચારિત્ર જગતના લોક જોઈ શકે અને કેવળ ચારિત્ર કોઈને દેખાય નહીં. એ ઇન્દ્રિયગમ્ય નથી હોતું. કેવળ ચારિત્ર એ જ્ઞાનગમ્ય છે.

શ્રદ્ધાથી શરૂ, વર્તનથી પૂર્ણ...

એટલે આ આપણું જ્ઞાન શુધ્ધ જ્ઞાન છે. સમજણે ય શુધ્ધ છે. જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ. પહેલું નિર્દોષ શ્રદ્ધામાં આવ્યું. હવે ધીમે ધીમે સમજણમાં આવશે, જ્ઞાનમાં આવશે. પોતે શુધ્ધાત્મા જ છે ને ! ગજવું કાપે તો ય નિર્દોષ દેખાવો જોઈએ.

જે જાણ્યું એ પાછું આપણી શ્રદ્ધામાં પૂરેપુરું આવે ત્યાર પછી વર્તનમાં આવે. એટલે પૂરેપુરું શ્રદ્ધામાં હજુ આવ્યું નથી. જેમ જેમ શ્રદ્ધામાં આવતું જશે એમ વર્તનમાં આવતું જશે. તે બધો પ્રયોગ ધીમે ધીમે થાય. એવું ઓચિતું ના બની શકે કંઈ ! પણ જાણે ત્યાર પછી એ પ્રયોગમાં આવેને ?!

પ્રશ્નકર્તા : આ જાણ્યું તો ઘણાં વખતથી છે જ ને ?

દાદાશ્રી : ના. પણ એ જાણ્યું ના કહેવાય. જાણ્યું એનું નામ કહેવાય કે પ્રવર્તનમાં આવે જ. એટલે પૂરેપૂરું જાણ્યું નથી. આ તો સ્થૂળ જાણ્યું. જાણ્યાનું ફળ શું ? તરત જ પ્રવર્તનમાં આવે. એટલે આ સ્થૂળ જાણ્યું છે. હજુ તો એનું સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ થશે ત્યારે પ્રવર્તનમાં આવશે.

આત્મા, જ્ઞાન સ્વભાવનો કર્તા !

આ 'જ્ઞાની પુરુષે' જ્ઞાનમાં શું જોયું ? એવું તે શું જોયું કે આત્માને અકર્તા કહ્યો ? તો 'કર્તા કોણ ? આ જગત કેવી રીતે ચાલે છે, આ ક્રિયાઓ કઈ રીતે થાય છે ?' એ જ્ઞાનમાં જોયું ત્યારથી સચોટ થઈ ગયું. સંસારનો કર્તા આત્મા નથી, આત્મા તો એના જ્ઞાનનો કર્તા છે, સ્વાભાવિક અને વિભાવિક જ્ઞાનનો કર્તા છે. એ તો પ્રકાશનો જ કર્તા છે, એની બહાર કોઈ દહાડો ગયો નથી.

ક્રિયાનો કર્તા એ આત્મા નથી. પોતે જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાનો જ કર્તા છે, બીજે ક્યાંય એનું સક્રિયપણું નથી. માત્ર આત્માની હાજરીથી બીજા બધાં તત્ત્વોની સક્રિયતા ઉત્પન્ન થઈ જાય છે.

સ્વસત્તા કોને કહી !!

તમામ ક્રિયામાત્ર પરસત્તા છે. ક્રિયામાત્ર ને ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે. જે જ્ઞાન અક્રિય છે, જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી છે. જે આ બધી ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે, તે આપણી સ્વસત્તા છે ને તે જ 'શુધ્ધાત્મા' છે.

પ્રશ્નકર્તા : સંસારી માણસોને સ્વસત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહેવું. મન-વચન-કાયા સ્વભાવથી જ 'ઈફેક્ટિવ' છે. ઠંડીની 'ઈફેક્ટ' થાય, ગરમીની થાય, આંખ ખરાબ જુએ તો ચીતરી ચઢે, કાન ખરાબ સાંભળે તો અસર થાય. તે આ બધી 'ઈફેક્ટ'ને આપણે 'જાણીએ'. આ બધું 'ફોરેન ડિપાર્ટમેન્ટ' છે.

બંને પરિણામ, સ્વભાવથી જ ભિન્ન !

બે જાતનાં પરિણામ : એક પૌદ્ગલિક પરિણામ ને બીજાં આત્મ પરિણામ - ચેતન પરિણામ.

દરેક જીવમાત્રને સ્વપરિણામ ને પર-પરિણામ ઉત્પન્ન થયા જ કરે છે. 'રોંગ બિલિફ'ને લીધે પરપરિણામને સ્વપરિણામ માને છે. 'જુઓ, દાળ-ભાત ને શાક મેં બનાવ્યાં' કહેશે. આપણે કહીએ કે 'તમને દાળ-ભાત બનાવવાનું જ્ઞાન હતું ?' ત્યારે કહે કે, 'એ જ્ઞાન હું જાણું છું ને એ ક્રિયા પણ હું જ કરું છું.' એટલે અજ્ઞાની આ બેઉં પરિણામ ભેગાં કરે છે. 'જ્ઞાની' તો જ્ઞાનક્રિયાનો કર્તા હોય, અજ્ઞાનક્રિયાનો કર્તા ના હોય. કંઈ પણ ક્રિયા એ અજ્ઞાનક્રિયા કહેવાય છે. આ સ્વપરિણામ ને પરપરિણામ બે ભેગું કરવાથી બેસ્વાદ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : સંસારવ્યવહારમાં અને આત્મવ્યવહારમાં ફરક શું છે ?

દાદાશ્રી : સંસારવ્યવહાર ક્રિયાત્મક છે અને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક છે. એક ક્રિયા કરે છે ને બીજો 'જોયા' કરે છે. જે કરે તે જાણે નહીં અને જે જાણે તે કરે નહીં. કરનાર અને જાણનાર બે એક હોય નહીં, જુદાં જ હોય. જુદાં હતાં, જુદાં છે અને જુદાં રહેશે. છ માસ સુધી સતત માંહ્યલા ભગવાનને ઉદ્દેશીને કહે કે 'હે ભગવાન ! જ્ઞાન તમારું અને ક્રિયા મારી.' તો ય તે ભગવાન ભેગા થાય એવાં છે.

જ્ઞાનદશા : અજ્ઞાનદશા !

મનના જે ભાવો ઊભાં થાય છે, વિચારો ઊભાં થાય છે, તે અજ્ઞાનદશાનું સ્પંદન છે. જ્ઞાનદશામાં સ્પંદન બંધ થવાથી મન ઉત્પન્ન થતું નથી. વચન પણ અજ્ઞાનદશાનું સ્પંદન છે. કાયા પણ અજ્ઞાનદશાનું સ્પંદન છે. અજ્ઞાનદશામાં ઉત્પન્ન થયેલાં સ્પંદનો આજે 'ડિસ્ચાર્જ' સ્વરૂપે જ છે. ડિસ્ચાર્જમાં ફેરફાર થઈ શકે જ નહીં, તેના તરફ ઉદાસીન ભાવે રહેવાનું. જ્ઞાનદશા પછી સ્પંદન નહીં થવાથી મન-વચન-કાયાનો ઉદ્ભવ થતો નથી.

વિજ્ઞાન જ ક્રિયાકારી !

એટલે આપણે ચેતવાનું છે. આપણે એમ નથી કહેતા કે આમ જ કરો. અમે તો જ્ઞાન જ સમજણ પાડીએ અને જ્ઞાન જ કામ કર્યા કરે. જો એ જ્ઞાન તમને ફીટ થઈ ગયું કે કામ કરવાની શરૂઆત થઈ જાય. જ્ઞાન જ કામ કરે. તમારે કશું કરવાનું નહીં. જ્ઞાન જ કામ કરે. આ દાદાનું વિજ્ઞાન એવું છે કે જ્ઞાન જ કામ કર્યા કરે. તમારે જોયા કરવાનું કે કેવું કામ કરી રહ્યું છે. નથી મઝા આવતી જોવાની ?

પ્રશ્નકર્તા : બહુ મઝા આવે છે, દાદા.

દાદાશ્રી : એટલે ઉકેલ તો લાવવો પડશેને ? ક્યાં સુધી આવું પોલંપોલ ચાલશે ?

- જય સચ્ચિદાનંદ