|
જ્ઞાની દ્રષ્ટિએ, સ્વપ્ન ! સંપાદકીય સ્વપ્ન સંબંધ કેટકેટલી અટકળો લોકો કરતાં હોય છે, તેનાં શાસ્ત્રો રચાતા હોય છે, તે સ્વપ્નું આવ્યા પછી તેનાં પરિણામો માટે શંકા-કુશંકા થયા કરતી હોય છે ! પણ નિરંતર આત્મામાં રહેતા અને નિદ્રા-સ્વપ્ન-જાગૃત, તમામ અવસ્થાથી મુક્ત રહેતા જ્ઞાની પુરુષ જ આનો ફોડ પાડી આપે કે સ્વપ્ન શું છે ? કેવી રીતે ઉત્પન્ન થાય છે ? એ કોને ખબર પડે છે ? સંતો પાસે સાંભળવામાં આવતું હોય છે, 'સ્વપ્ન સમ સંસાર', તો એ સાચી વાત હશે ? સંસાર સ્વપ્ના જેવો હોય તો આટલી બધી સુખ-દુઃખની, નફા-ખોટની, જન્મ-મૃત્યુની અસરો કેમ થઈ જાય છે ? કેટલાંકને દાદાજી સ્વપ્નામાં આવે છે, તે શું સમજવું ? સ્વપ્નસૃષ્ટિ ઉત્પન્ન થાય છે, વિલય પામે છે ત્યારે આત્માની શું સ્થિતિ ? આત્મજ્ઞાન પામ્યા પછી ય ઘણાંને સારા સ્વપ્ના આવે, ખરાબ સ્વપ્ના આવે. ત્યારે શંકા ઊભી થાય છે કે સ્વપ્નામાં કર્મ તો બંધાતા નહીં હોયને ? બીજી બાજુ કેટલાંય મહાત્માઓને અનુભવ થાય છે, સ્વપ્નામાં ખરાબ કશું બને, છતાં પ્રતિક્રમણ થઈ જાય છે. 'હું શુદ્ધાત્મા છું' ભાન રહે છે. એ કેવી રીતે બનતું હશે ? જ્ઞાન સાક્ષાત્કાર પામ્યા પછી સ્વપ્નાની વેલ્યુએશન કેટલી રહી ? આમાં શુદ્ધાત્મ પદમાં રહીને સ્વપ્ન અવસ્થામાં જુદા રહેવાની સમજણ કેવી રીતે ગોઠવવી ? જે પોતે એકલો જ દેખી શકે છે, ભોગવટો પામે છે, બીજા કોઈને દેખાડી શકતો નથી. એ સ્વપ્નાના રહસ્યો અત્રે પ્રસ્તુત સંકલનમાં ફોડ પડ્યા છે. જે મહાત્માઓને સ્વપ્ન સામે 'જાગૃતિ' બક્ષશે. - દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ
પ્રશ્નકર્તા : સ્વપ્નાં આવવાનું કારણ શું ? દાદાશ્રી : એ આપણા કર્મ છે. પ્રશ્નકર્તા : એ અસરો શાથી થતી હશે ? દાદાશ્રી : એ સ્વપ્નું તો બે દેહનું કર્મ છે. એ કર્મનો ઉદય આવે, એ પ્રમાણે સ્વપ્નું આવે અને આ જાગતાનો સંસાર એ ત્રણ દેહનું કર્મ છે એટલે આપણને કર્મનો ઉદય આવે, એ પ્રમાણે ભોગવવું પડે. બહુ ઝીણી વાત છે ! પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પોતાનું મૃત્યુ જુએ છે, એનો અર્થ શું ? દાદાશ્રી : હા, મૃત્યુ પોતે જુએ પાછો ! ઉપર ઊભો રહીને મૃત્યુ જુએ કે આ મારું મૃત્યુ આવ્યું. અને પછી એ સ્વપ્નું છૂટી ગયા પછી આપણને કહે ય ખરો કે 'મારું મૃત્યુ આવ્યું, તે ય સ્વપ્નામાં મેં જોયું !' કારણ કે 'પોતે' જુદો છે. 'પોતે' અને સ્વપ્નું, બે જુદી વસ્તુ છે. 'પોતે' 'જોનાર-જાણનાર' છે. એટલે 'પોતે' પોતાના શબને જુએ, બાંધે એ ય જુએ, એનો અર્થ જ એ કે 'પોતે' છૂટો જ છે, આ દેહથી તદ્દન છુટ્ટો જ છે. ફક્ત જાણવાનું કામ 'એમનું' છે, આનંદનું કામ 'એમનું' છે. જે દુઃખ મળે છે એ દેહનું છે ને આનંદ મળે છે તે 'પોતાનું' છે. કોઈ મશીન એવું નથી કે જેને સ્વપ્નું આવે. આ સ્વપ્નું એ ચેતનનો પ્રગટ પ્રભાવ છે, મહીં ચેતન છે એનો પ્રગટ પ્રભાવ છે અને આ 'ઊઘાડી આંખનું સ્વપ્નું' એ ય ચેતનનો પ્રગટ પ્રભાવ છે. અને તદ્દન સુષુપ્તિ હોય એ પણ ચેતનનો પ્રગટ પ્રભાવ છે. કારણ કે ગાઢ નિદ્રા આવ્યા પછી એ ઊઠે ત્યારે કહે છે કે 'આજના જેવી કોઈ દહાડો ઊંઘ નથી આવી.' તે અનુભવ જે કરનારો છે અને ઊંઘ ઊંઘનારો છે, તે બેઉ જુદા છે. 'આજના જેવી ઊંઘ કોઈ દહાડો નથી આવી' એ ઊંઘનારો નથી બોલતો, ઊંઘમાં જે સુખ અનુભવે છે, તે બોલે છે અને તે ય આત્મા નથી. પણ સનાતન ઋણાનુબંધવાળો જીવ છે તે બોલે છે કે 'આજ બહુ જ આનંદવાળું હતું.' એ છે સનાતન, એ 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ'વાળો નથી. 'એ' તો બે દેહનું કર્મ ! પ્રશ્નકર્તા : પણ આ સ્વપ્નું એ શું છે એક્ઝેક્ટલી ? દાદાશ્રી : એ કર્મ છે. આ જાગતાં દેખાય છે, તે ય સ્વપ્નું જ છે. એમાં ત્રણ દેહનાં કર્મ બંધાયેલા હોય છે અને પેલું રાતે સ્વપ્નું આવે છે ને, તે 'એક્ઝેક્ટ' બે દેહનું કર્મ છે એ. કર્મ બાંધેલું, તેનું સ્વપ્નું આવે છે. એટલે એમાં ફેર બીજો કશો છે નહીં. એ આપણા કર્મોનું જ ફળ છે. જેટલું તમે જુઓ છો એ બધું ય પોતાનાં જ કર્મોનું ફળ છે. આ બે પ્રકારનાં સ્વપ્નાં જુદાં જુદાં કેમ આવે છે ? બંધ આંખે આવે છે એ બે દેહનું સ્વપ્નું છે. કારણદેહ અને સૂક્ષ્મદેહ, એ બે દેહનું કર્મ છે. એમાં સ્થૂળ દેહ હોતો નથી. આ એકલો દેહ એમાં ઉદાસીન રહ્યો છે, એટલે આ દેહ મહીં ભળે નહીં. એ બે દેહનું કર્મ ભોગવ્યે જ છૂટકો થાય. કારણ કે એ કર્મ છે એ આપણા બાંધેલા છે, બીજું કંઈ નથી અને આ છે તે ત્રણ દેહનું સ્વપ્નું છે. કારણદેહ, સૂક્ષ્મદેહ અને સ્થૂળદેહ, એમ ત્રણ દેહનું કર્મ છે. પેલું બે દેહનું સ્વપ્નું એ 'બંધ આંખનું સ્વપ્નું' કહેવાય. અને આ ત્રણ દેહનું એ 'ઊઘાડી આંખનું સ્વપ્નું' કહેવાય. એટલે આ ય સ્વપ્નું જ છે. 'જ્ઞાની'ઓ આને સ્વપ્નું જ કહે છે, ઉઘાડી આંખે આ બધું સ્વપ્નું જ છે. સ્વપ્ન, કયા કારણે ? પ્રશ્નકર્તા : સ્વપ્નામાં કારણ દેહ કેવી રીતે કામ કરે છે ? દાદાશ્રી : ડિસ્ચાર્જ (થતો) કારણદેહ અને ચાર્જ (થતો) કારણદેહ, આમાં ચાર્જ કારણ દેહ છે, એ આવતા ભવમાં પૂરું થવાનો, આવતે ભવ એના રૂપમાં આવી જવાનું અને અત્યારે ડિસ્ચાર્જ (થતો) કારણદેહ જે રૂપ છે ને, તેમાંથી આ કામ કરે છે. એટલે ક્રોધ-માન- માયા-લોભ એ કારણ દેહમાં જાય. પ્રશ્નકર્તા : પણ એ કારણદેહમાંથી સીધું જ સ્વપ્ના વાટે ડિસ્ચાર્જ થાય છે ? દાદાશ્રી : એ સ્વપ્ના તો કારણદેહની અસર છે. એ કારણદેહને લઈને આ સ્વપ્નું ઊભું થઈ જાય છે મહીં. આપણને કશામાં લોભ હોય કે કશું હોય, તો એનું સ્વપ્નું આવીને ઊભું રહે. જ્યાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય, ત્યાં સ્વપ્નું ના આવે. આ ક્રોધ-માન-માયા-લોભ, એ ચારમાંથી આ જગત ઊભું થયું છે અને તે છે તો આ સ્વપ્નું ઊભું થાય છે. પણ સ્વપ્નામાં આ સ્થૂળ દેહ આઈડલ રહે છે. એટલે રડે ખરો. તે તો આ દેહની મારફત પાણી નીકળે, પણ એમાં આ દેહનું કશું કાર્ય ના હોય. વિષયો થઈ જાય, એમાં આ દેહ મહીં હોય નહીં. આ દેહ ના હોય છતાં એ કાર્ય થઈ જાય. એની અસર હઉ દેખાય આપણને કે આ બે દેહનું કાર્ય થયું. પ્રશ્નકર્તા : હવે એમ કહ્યું કે સ્વપ્નું આવવાનું કૉઝિઝ ક્રોધ-માન-માયા-લોભ છે. એટલે એને કોઈ જગ્યાએ લોભ હોય તો એને એનું સ્વપ્નું આવે. પછી ભયવાળું સ્વપ્નું હોય, તો એનું શું કારણ ? દાદાશ્રી : હા. એટલે ક્રોધ-માન-માયા-લોભના બે ભાગ કરી શકાય. લોભ અને માયા એ રાગમાં જાય છે અને ક્રોધ ને માન એ દ્વેષમાં આવે. તે રાગ-દ્વેષનું આ પરિણામ છે. એટલે જે રાગ હોય ને, તે સ્વપ્નામાં આવે અને દ્વેષ હોય તે ય સ્વપ્નામાં આવે. દ્વેષવાળા જોડે દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય અને રાગવાળા જોડે રાગનાં પરિણામ ઉત્પન્ન થાય. એ તો સ્વપ્નાની વાતો...! એવું છે ને, આ લોક તો શું કહે છે ? આ જન્મ્યો ને, એટલે લોક જે દેખે છે એવું બોલે કે 'આ જન્મ્યો.' પણ તે વાત જ સાચી નથી. ભગવાનની ભાષામાં કોઈ જન્મતું ય નથી ને મરતું ય નથી. પણ લોક તો કહેશે, 'ના, મરી ગયા.' બાકી કોઈ જન્મતાં જ નથી ને મરતા જ નથી. આ વસ્તુ તો સ્વપ્ન છે. આપણને કોઈક કહેશે કે, 'મને રાત્રે સ્વપ્નું આવ્યું, તેમાં હું રાજા થયો હતો.' તો આપણે કહીએ કે, 'તો બોલ, સ્વપ્નામાં રાજા થતાં પહેલાં એવી ખુરશીઓ ક્યારે જોઈ ?' હવે બોલો એની આદિ શું ? કેટલા વાગે ? કશું હોય જ નહીં ને ?! કશું નિમિત્ત જ ના હોય ને એકદમ ઊભું થાય, ને પાછું એ ચાલુ રહે, ને એકદમ પછી પૂરું થઈ જાય. એ સ્વપ્નું છે ! આ લોક જગતની આદિ ખોળે છે ! અલ્યા, આ જગતની આદિ હોતી હશે ? ત્યારે કોઈ કહેશે, 'હું અહીંથી ફેરવું, તો અહીંથી આદિ થઈને !' અલ્યા, પણ એ તારી આદિ થઈ. પણ આ જગતની કંઈ આદિ થઈ ?! જે ફેરવે એની આદિ ! પણ આ તો લોક સ્વપ્નામાં છે અને એ બીજા સ્વપ્નાવાળાને શી રીતે કહી શકે ? અને સ્વપ્નાવાળા બધા ય સ્વપ્નાની વાતને કબૂલ કરે કે 'આ બરોબર છે. એ બરોબર છે.' અને એમને જવાબદારી નહીં ને, કોઈ જાતની. (!) 'ભગવાન છે, એમણે બધું જગત બનાવ્યું છે' એવું બધા ય સંતો કહી દે. કોઈ પૂછે કે, 'સાહેબ, પેલા સંત કહે છે તે સાચી વાત ?' ત્યારે બીજા સંતે ય કહેશે, 'એ સાચી વાત છે, ખોટું નથી.' કારણ કે બધા ય સ્વપ્નામાં જ છે બિચારા ! 'ભગવાન ક્રિયેટર છે, એણે જ બધું બનાવ્યું છે.' કહેશે. અને લોક બધા હા કહે કે ના કહે ? અને તરત હા કહેવું સહેલું જ છે ને ! અને ના કહી જુઓ એક વાર. તો પુરાવા આપવા પડે. આખું જગત સામું થાય ને પુરાવા માગે કે ના માગે ?! આ જગતને બનાવનાર ભગવાન છે નહીં. આ તો ખરેખર પોતે જ છે ભગવાન ! પણ એવું કહેવું નહીં. નહીં તો સ્વપ્નાવાળા લોક ચોંટી પડશે. પ્રશ્નકર્તા : એ ચોંટી પડવાને બદલે કહેશે, 'તમે ભગવાન છો તો અહીંયા કેમ આંટા મારો છો ?!' દાદાશ્રી : હા, એવું જ કહે ને ! કારણ કે ભગવાન કહેવડાવાય નહીં ને ! કારણ કે લોક બુદ્ધિથી જુએ છે. બાકી, જેને નિર્વિકલ્પતા છે એ બધાય ભગવાન જ કહેવાય. પણ લોક બુદ્ધિથી જુએ ત્યાં સુધી નિર્વિકલ્પતા એની શી રીતે સમજાય ? લોકોની પાસે બીજું સાધન છે નહીં જોવાનું. આ તો બધા સ્વપ્નાના ધર્મો છે. સ્વપ્નાના ધર્મમાં શી રીતે પોષાય આપણને ?! બધો વ્યવહાર જ જગતનો સ્વપ્નામાં છે ને ! આ તો સ્વપ્નાવાળાએ આ સ્વપ્નાને જાગૃત કહ્યું છે. પોતે સ્વપ્નાવાળો અને પેલો ય સ્વપ્નાવાળો, એ બન્નેએ આ સ્વપ્નાને જ જાગૃત કહ્યું. અને આ સ્વપ્નામાં તો 'સન્ડે' હોય, 'મન્ડે' હોય, બધું ય હોય. આ માસી સાસુ આવ્યા, ફોઈ સાસુ આવ્યા, એ બધું સ્વપ્નામાં હોય. આ મારા ગુરુ આવ્યા, આ મહાન યોગી પુરુષો આવ્યા, ફલાણા પુરુષો આવ્યા, સંત પુરુષ આવ્યા, એ બધું ય સ્વપ્નામાં ! હા, બીજું બધું ય સ્વપ્નામાં. કહેશે, 'આજે શુક્રવાર, સવાર !' પણ એ સ્વપ્નામાં છે, જાગૃતમાં નથી. જગત આખું ય સ્વપ્નામાં છે. સ્વપ્નાની બહાર નીકળ્યા હોય એને 'સન્ડે'-'મન્ડે' એવું હોય નહીં. છતાં વ્યવહારમાં રહેવા માટે મારે પૂછવું પડે કે 'તમારે સ્વપ્નામાં શું આવ્યું આજે ?' ત્યારે તમે કહો કે, 'આજે શુક્રવાર છે.' તે અમારે ય કહેવું પડે કે 'હા, શુક્રવાર છે !' ને આ 'જાગૃત'ની વાતો ! જ્યારે સ્વપ્નામાંથી જાગશે ત્યારે ખબર પડશે કે ઓહોહો ! આ તો બધું સ્વપ્નું હતું !!! 'જ્ઞાન' પછી સ્વપ્નામાંથી જાગ્યા કહેવાય. પછી સ્વપ્નાની વાત ખબર પડી જાય કે આ તો બધી સ્વપ્નાની વાત છે. અમે એક સેકન્ડ પણ આ જગતની કહેવાતી જાગૃત અવસ્થામાં રહ્યા નથી. મારો બધો વ્યવહાર કેવો હોય ? ડ્રામેટિક વ્યવહાર હોય. ડ્રામામાં ભર્તુહરી હોય, તે સાચું રડતો હશે કે જૂઠું રડે ? અભિનય પૂરતું જ રડે. એવો અમારે અભિનય જ હોય વ્યવહારમાં. અને મારે કોઈની જોડે મતભેદ પડે નહીં. જાગૃતિ-વાળાને મતભેદ ના પડે. આ તો બધી વિનાશી ચીજો, જેની પાછળ મતભેદ, દુઃખ, ભય, લાગણીઓ છે. અને જાગૃતિમાં કોઈ કશું છે જ નહીં. ભય નથી, કશું જ નથી ! આત્મા તો આત્મા જ છે. આ તમને બધાને આત્મા જુદો દેખાતો હશે, તે શી રીતે દેખાતો હશે ? આ અમે દિવ્યચક્ષુ આપેલાં છે. એટલે ગાયમાં, ઘોડામાં, ગધેડામાં, બધામાં આત્મા દેખે અને 'આત્મવત્ સર્વભૂતેષુ' રહી શકે છે. અને લોક તો ઘરમાં ય કોઈ જોડે 'આત્મવત્ સર્વભૂતેષુ' નથી રહેતા. પણ શી રીતે રહેવાય તે ?! જ્યાં સુધી સમજણ જ નથી, ભાન જ નથી, જાગૃતિ જ નથી, ત્યાં ઊંઘમાં છે ! પ્રશ્નકર્તા : જાગૃતિવાળો બધે ય શુધ્ધાત્મા જુએ ને ! દાદાશ્રી : હા, બધા શુધ્ધાત્મા દેખાય. આ સ્વપ્નામાંથી જાગે એટલે શુધ્ધાત્મા થયો અને એટલે પછી મુક્તિ થાય. કારણ કે જાગૃતિ એ જ આત્મા છે, એ જ કેવળજ્ઞાન છે. પછી 'ફૂલ' જાગૃતિ થઈ ગઈ એ જ કેવળજ્ઞાન ! જાગૃતિ સંપૂર્ણ પ્રકારે થાય, એનું નામ કેવળજ્ઞાન. બીજું કશું છે જ નહીં. અહીં અમે જાગૃતિ જ કરીએ છીએ. આ 'જ્ઞાન' આપીએ છીએ એટલે શું કે એને ઢંઢોળીને જગાડીએ છીએ કે 'તમે ચંદુભાઈ ન્હોય.' ત્યારે એ કહેશે, 'હેં ? હું ચંદુભાઈ ન્હોય ? પણ હું તો અત્યારે ચંદુભાઈ જ છું ને ?!' ત્યારે મેં કહ્યું, 'એ બધું ન્હોય તમે. તમે ચંદુભાઈ ન્હોય. તમે તો 'આ' છો.' ત્યાર પછી એને ભાન આવે, જાગૃતિ આવે. અને એક ફેરો આત્મા જાણ્યા પછી કશું કરવાનું રહેતું નથી. જે પહેલાંનું કર્યું હોય, એનો ઉકેલ લાવી નાખવો પડે. પ્રશ્નકર્તા : પછી આત્મસ્વરૂપ એ તો સ્વપ્નું નહીં ને ? દાદાશ્રી : ના. એ તો પોતે જ ! જાગૃતિ જ !! એ તો જાગૃત સ્થિતિ છે. પ્રશ્નકર્તા : અને જાગ્યા પછી બીજું બધું ય સ્વપ્નું ને ? દાદાશ્રી : હા. આમાંથી જાગ્યા ને આત્મ સ્વરૂપ થયા એટલે પાછાં ઊઘાડી આંખનું સ્વપ્નું જ લાગે. પછી આ બધાની મહત્તા નહીં રહે. એટલે શુધ્ધાત્મા થયા એ આ સ્વપ્નામાંથી જાગ્યા અને એટલે તરત જ આ બધા સ્વપ્નાનો અમલ ઊડી ગયો. અમે આ 'જ્ઞાન' આપીએ ને, તો કર્મો ભસ્મીભૂત થાય, એટલે જાગૃતિ ઉત્પન્ન થાય. એ જાગૃતિ પછી તમને નિરંતર રહ્યા કરે, ભૂલાય નહીં. નહીં તો આ કર્મોનાં બધા આવરણ તૂટે નહીં ત્યાં સુધી ઊંઘ જ રહ્યા કરે. ને જાગ્યા પછી ?!!! આ અત્યારે ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, વેપાર કરે છે, પણ છતાં ઊંઘે જ છે. આ એક જાતના સ્વપ્નામાં જ છે. અને સ્વપ્નામાં બોલે છે કે આ મારા મામા આવ્યા, આ મારા વાઈફ આવ્યા ! જાણે પરમેનન્ટ (!) છે આ બધું ?! જાણે વાઈફ પરમેનન્ટ હોય એવી વાત કરે છે ને, બધી ?! સાક્ષી, સ્વપ્નાનો ને જાગૃતનો ! પ્રશ્નકર્તા : સ્વપ્ન અવસ્થા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આ સાચું લાગે છે. દાદાશ્રી : તે આપણે હવે વ્યવહારથી બોલવું કે અમારા સાસુ થાય, અમારા સસરા થાય. પ્રશ્નકર્તા : અંદર સ્વપ્ન અવસ્થામાં સાસુ-સસરા આવે, એ બધું વ્યવહારથી જ થાય છે ને ? દાદાશ્રી : પેલું સ્વપ્નું આવે છે એમાં ? એ વ્યવહારથી ના થાય. એ તો એમાં કર્તા નથી રહ્યો ને ! 'હું આ અવસ્થાનો કર્તા છું' એ નથી રહ્યો. એનો એ સાક્ષી તરીકે રહે છે. સ્વપ્ન અવસ્થામાં જે છે, એનો સાક્ષી આ અહંકાર છે અને આ અવસ્થાનો સાક્ષી જે છેને, તે આ પ્રજ્ઞા છે. આ જાગૃત અવસ્થાનો સાક્ષી અહંકાર કરવા જાય તો એ કેટલા પૂરતું ? એ તત્ પૂરતું રહે, પછી ના રહે. નક્કી કરીને બેઠો એટલી વાર સાક્ષી રહે. પણ આખો દહાડો રહે એ પ્રજ્ઞા. આ જાગૃત સ્વપ્નામાંથી જાગ્યા એટલે પેલું કશું જ નહોતું. સાસુ ય નહોતી ને સસરો ય નહોતો ને કશું ય નહોતું. શરીર જ મારું નહોતું ત્યાં આગળ, તો સાસુ તે ક્યાંથી આવે ?! 'શરીરનો માલિક છું' એવું ભાન છે ત્યાં સુધી સાસુ ! અને એ ભાન ના હોય ત્યાર પછી ?! એ જાગૃત થયા કહેવાય. આ બધાની સત્યતા કેટલી ? પ્રશ્નકર્તા : જાગૃત અવસ્થામાં જે સંસાર દેખાય છે અને સ્વપ્ન અવસ્થામાં પણ સંસાર દેખાય છે, એ બન્ને બરાબર કેમ લાગે છે ? દાદાશ્રી : એવું છે ને, સ્વપ્ન અવસ્થા કરતાં જાગૃત અવસ્થાની વધારે ઊંચી ક્વૉલિટી છે. સ્વપ્ન અવસ્થામાં જેટલી નક્કરતા છે, એનાં કરતાં વધારે નક્કરતા જાગૃત અવસ્થામાં છે અને આ જાગૃતિ છે એમાંથી પાછું જાગવાનું છે. ત્યારે આ ય સ્વપ્નું છે, આ ય નક્કરતા ઓછી છે. પણ આ જગતે માન્યું છે એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે કે આ સાચું છે. પણ આનાં કરતાં આગળ સાચું છે એટલે હજુ આગળ જાગવું પડશે કે 'આપણે કોણ છીએ' તે ! ત્યારે પૂરી નક્કરતા ઉત્પન્ન થશે. આ બધાને મેં આમાંથી જગાડ્યા કે 'જાગો, જાગો !' તે આમ આ બધાને હલાવ હલાવ કરતો હતો કે 'જાગો, જાગો.' ત્યારે એ કહે છે, 'હા, ઊઠ્યો, ઊઠયો' કરીને પાસું ફેરવે ને તો તો પાછો ઊંઘી જાય ! એટલે અમે બેઠો કરી દીધો, પાણી-બાણી છાંટીને. પછી ના ઊંઘે. એક ફેરો જાગ્યા પછી વાંધો નહીં. ફરી ઊંઘ ના આવે. સ્વપ્નીલો સાથે, સંપૂર્ણ સજાગ ! પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ 'સન્ડે-મન્ડે' એ બધું સ્વપ્નાવાળા લોકો માટે, જાગૃતને તો 'સન્ડે' ય ના હોય ને 'મન્ડે' ય ના હોય. તો આપ એ સ્વપ્નાની બહાર નીકળી ગયા છો. હવે આ સ્વપ્નાવાળા લોકો જોડે વાતો કરવાની હોય. તો આ જાગૃત દશામાંથી આ વાત કરતી ઘડીએ આપ કઈ દશામાં હો ? દાદાશ્રી : ત્રણ-ચાર માણસોએ ભેગા થઈને દારૂ પીધો હોય, ને બધાને ચઢ્યો. પણ એકને વહેલો ઊતરી ગયો હોય તો પછી એ બીજા જોડે વાત કરે તો એ સમજે કે આ લોકોને ચઢેલો છે એટલે એ હિસાબે વાત કરે. પેલાને ફટકારે નહીં ને ! એટલે ઊતરે ત્યારે વાત જુદી ને ! અને આ અત્યારે ચઢેલો છે એટલે એ હિસાબે વાત કરે. એટલે એવું આમાં ય બધું પદ્ધતિસર હોય. એ ચઢેલા માણસને માટે એવું સમજે કે આ લોકોને મારી પેઠ ઊતરી ગયો છે ? એ બોલે ત્યારે એમ સમજેને કે હજુ આને ચઢેલું છે ! પ્રશ્નકર્તા : હા, ચઢેલું છે એ જ પ્રમાણે બોલે. દાદાશ્રી : તો એ જ પ્રમાણે આ બધી અમે વાતચીત કરવાના. જાગૃત અને અજાગૃત, એવું આ સ્વપ્નું ને ના-સ્વપ્નું ! પેલામાં સામાને ઊતરી ગયો હોય તો પછી એની જોડે એવી વાત કરે કે 'ચાલ, જરા હવે સૂઈ જઈએ.' અને ના ઊતર્યો હોય તો એને બીજી રીતે વાત કરે, ને એથી વધારે ચઢેલો હોય તો તેને ય પાછાં સમજે કે આને જરા વધારે ચઢેલું છે. વ્યવહાર જ બની ગયો સ્વપ્નાનો ! એટલે જે નિરંતર પરલોકનો જ વિચાર કરે છે અને આ લોકનું સુખ ને પરલોકનું ભાન, બન્ને ય સાથે કામ લેતો હોય, દરેક ક્ષણે ક્ષણે, તો એ જાગૃત કહેવાય. પરલોકનું ભાન રહેતું હોય તો ખોટું કોઈનું ય લે નહીં ને ! આ તો પરલોકનું ભાન જ નથી રહેતું, આ ભવમાં કેમ સુખી થવાય એ જ ખોળ ખોળ કરે છે. એ પછી આપણને કહે ય ખરો કે 'ઊભા રહો, ઊભા રહો, વાત કહું.' 'ભાઈ, શું કહેવું છે ? મારે ગાડી જાય છે ને !' ત્યારે એ કહે, 'એક મિનિટ. આ ઘર અમારા નાના છોકરાને સોંપ્યું. આ ઘર અમારા વચેટને આપ્યું. ને આ મોટાનું છે અને આગળ પછી તમને મારો બંગલો દેખાડું છું.' અને આપણે જોવું ય પડે, 'હા એ હા' કરવી પડે. આપણે સમજી જઈએ કે આ 'ચાખી' રહ્યો છે. બંગલો હઉ દેખાડે કે 'આ અમારો બંગલો.' એવું દેખાડે ને કે ના દેખાડે ? પ્રશ્નકર્તા : દેખાડે. દાદાશ્રી : આ આટલી મીઠાશ સારું અહીં આગળ સૂતાં સૂતાં જવું પડે છે. હેય... નનામી નીકળે પછી અને ચાર નારિયેળ પાણી વગરના બાંધ્યા હોય ! તે ય છોકરાં કહે, ચાર સસ્તાં નારિયેળ લાવજો પાણી વગરનાં. એટલે એ બંગલો દેખાડે, બીજું દેખાડે. 'હું ગોરો છું' તે ય દેખાડે. અરે, પણ કોને દેખાડવાનું ? આ તે કંઈ સ્ત્રીઓ છે તે 'ગોરો છું' દેખાડે છે ?! સ્ત્રીઓને એવું દેખવાનું હોય અને આ તો બધા પુરુષો બેઠા છે. 'ના, પણ મારો રોફ પડે ને ! પેલા ઘઉંવર્ણા છે.' ઓહોહો.... પ્રશ્નકર્તા : આ બધું ય સ્વપ્નામાં જ ને, એનું ? દાદાશ્રી : હા, બાકી જાગૃતિવાળાને તો આવું બોલવું શરમ આવે બળ્યું ! આ સ્વપ્નામાં જે માણસને આવું બોલવાની શરમ આવે છે ને, એટલી એની જાગૃતિ છે. શરમ શાથી આવે છે ? જાગૃતિ છે તેથી. નહીં તો આ આટલી બધી અમે ધણિયાણી જોઈ, પણ મેં બધાંને પૂછયું, 'અરે, ધણિયાણી થતાં શરમ નથી આવતી ?' ત્યારે એ કહે, 'એ તો સારું લાગે ઊલટું.' લે ! શરમ ના આવે, બળ્યું ?! આપણે પૂછીએ, 'પહેલે આણે આવ્યા ?' ત્યારે એ કહે, 'હા, પહેલે આણે આવી.' એવું બોલે હઉં. તે શરમ ના આવે ? આ 'પહેલું આણું' બોલવું સારું દેખાતું હશે ? પ્રશ્નકર્તા : મોહ કેટલો બધો વ્યાપેલો હોય ને ! દાદાશ્રી : મોહમાં જ તરબોળ ! એવી આ દુનિયા !! અરે, આ દસ-પંદર વર્ષની બેબીઓને પૂછું છું ને, કે, 'આ સાડી પહેરે છે એ તને ગમે છે ?' ત્યારે એ કહે છે, 'દાદાજી, મને સાડી પહેરું છું ત્યારે બહુ ગમે છે.' અને છોકરાને આપણે કહીએ કે 'સાડી પહેર.' તો ? ના પહેરે. બે ડોલર આપીએ તો ય ના પહેરે. કારણ કે સ્વપ્નામાં બધું થઈ રહ્યું છે ને ! આ જાગતો નથી એટલે આ ચાલી રહ્યું છે. કર્મના હિસાબનું સ્વપ્નું છે અને કર્મ પૂરાં થઈ જાય એટલે સ્વપ્નું ઊડી જાય તરત. 'મને દુઃખ પડ્યું, હું તો બહુ દુઃખી થઈ ગયો, હું તો આમ થઈ ગયો, તેમ થઈ ગયું.' એ બધું સ્વપ્નું છે. તે આને 'જ્ઞાની' એમ કહે કે 'આ બિચારા સ્વપ્નામાં બહુ દુઃખી થઈ રહ્યા છે.' પ્રશ્નકર્તા : કારણ કે આ સંસારમાં જે બધી ઘટના બને છે એ સ્વપ્નું જ છે. દાદાશ્રી : સ્વપ્નું જ છે બધું. તેથી અમે કહીએ છીએ ને, કે જગત નિર્દોષ છે. એ શાથી કહેવાની જરુર ? આ તો સ્વપ્નામાં તમને એવું લાગે છે, દોષિત દેખાય છે પણ ખરેખર એવું નથી. આ ઘટના એ બધું સ્વપ્નું જ છે. અત્યારે તો એકનો એક છોકરો મરી ગયો હોય ને, તે એવું રડે કે માથું હઉં ફોડે બિચારો ! પણ તે સ્વપ્નામાં !! ખરી રીતે જાગે તો આ રડવા જેવું છે જ નહીં. પણ અત્યારે આ સ્વપ્નું આવ્યું છે ને એ સ્વપ્નામાં છે માટે રડે છે. જ્ઞાની જાણે કે બિચારો વગર કામનો રડે છે, એ સ્વપ્નામાં છે. બંધ આંખના સ્વપ્નામાં ય રડે ને, જો કદી સગુંવહાલું મરી ગયું હોય તો. એવું આ ઊઘાડી આંખના સ્વપ્નામાં ય રડે. એટલે કોઈ 'જ્ઞાની'ને પૂછે કે, 'સાહેબ, હું તો ગઈ સાલ પૈણ્યો અને એક નાની બેબી છે ને મારી વાઈફ મરી ગઈ.' તો 'જ્ઞાની'ઓને સ્વપ્નામાં વાત કરતો હોય એવું લાગે, એટલે 'જ્ઞાની'ને અસર કશું ના થાય. પેલો મુંઝાયા કરે બિચારો. પણ 'જ્ઞાની પુરુષ' જાણે કે આ સ્વપ્નામાં બોલી રહ્યો છે બિચારો છતાં ય એને શાંતિ આપે, એને શાંતિ થાય એવું કરે. કારણ કે એને બિચારાને સ્વપ્નું આવે ને સ્વપ્નામાં ભય પામે એટલે બધું દુઃખ તો થાય ખરું ને ! અને આ તો સ્વપ્નાની અવસ્થા છે, એમાં 'આ મારી વહુ છે' કહેશે. અલ્યા, વહુ કાયમની હોતી હશે ? જાણે કાયમની વહુ હોય એવી વાત કરે છે લોકો ! 'ડાયવોર્સ' લેતા કેટલી વાર લાગે ? 'ડાયવોર્સ' લીધા પછી એને વહુ કહેવા જઈએ તો શું કહે ? 'ડાયવોર્સ' લીધા પછી સસરાને એમ કહીએ કે 'આ મારા છે' તો શું કહે ?! આવું છે આ !! પાછો કહે છે ? કે 'આ મારા સસરા થાય, આ મારા જમાઈ થાય.' અલ્યા, શી રીતે આ જમાઈ ને સસરો થાય ?! પણ તે શામાં બોલે છે ? ઊઘાડી આંખના સ્વપ્નામાં બોલી રહ્યો છે ને ! તે આમાં પૈણવા ય બેસે. અલ્યા, શાનો પૈણવા જાય છે ? પણ એ બધું ય સ્વપ્નામાં. પછી કહેશે, 'આ મારા સાસુ આવ્યાં, આ વડસાસુ આવ્યાં, આ માસી સાસુ આવ્યા !' તે આવું હોતું હશે ? ના. પણ સ્વપ્નામાં આવો જ વ્યવહાર હોય. એટલે આ સ્વપ્નામાં તો સાસુ-વડસાસુ બધું ય આવે, નહીં ? કહેશે, 'ઓળખ્યાં ? આ અમારા વડસાસુ આવ્યાં !' અને પછી એમની માટે સ્ટેશનેથી ટિકિટ હઉં લઈ આવે. પણ આ તો સ્વપ્નાની વાત છે બધી. આ સ્વપ્નામાંથી 'જ્ઞાની પુરુષ' જાગેલા હોય અને પછી 'જેમ છે એમ' જુએ અને જાણે કે આ લોકોએ સ્વપ્નામાં તોફાન માંડ્યા છે. છોકરો પૈણાવે છે ને છોડીઓ પૈણાવે છે, ને વેવાઈ ને વેવાણ થાય છે, પણ સ્વપ્નામાં બધું કરી રહ્યા છે. હા, સ્વપ્નામાં જ હોય ને ! જાગૃતિમાં એવું તો હોતું હશે, વેવાઈ ને વેવાણ ને એ બધું ?! પાને પાને દૂધિયાં બેસતા હશે ?! માટે એ બધું ય સ્વપ્નું ! હવે બે દેહનું સ્વપ્નું, ત્રણ દેહના સ્વપ્નાવાળા સમજી શકે છે કે આ સ્વપ્નું આવ્યું. તેમ ત્રણ દેહવાળાનું સ્વપ્નું છે તે જ્ઞાનીઓને દેખાય છે કે આ લોકોને સ્વપ્નું આવ્યું છે. આમાંથી જાગશે ત્યારે જાગ્યા કહેવાય. આમાંથી જાગશે ત્યારે સાચું સમજાશે. આમાંથી જાગ્યા પછી એવો વ્યવહાર ના હોય. પછી તો આત્મવત્ સર્વભૂતેષુ ! પ્રશ્નકર્તા : આ ઊઘાડી આંખનું સ્વપ્નું જ છે એવું સમજે તો.... દાદાશ્રી : 'સ્વપ્નું' સમજે તો થઈ રહ્યું, મોક્ષ થઈ ગયો. પ્યાલા પોતાના હાથમાંથી પડતા હોય તો એમ કહે, 'એ ય પ્યાલા પડે છે, પડે છે.' પણ રાગ-દ્વેષ ના હોય, એનું નામ સ્વપ્નું. પ્યાલા પડે તો દ્વેષ નહીં ને ના પડે તો રાગ નહીં, એવું ! પ્રશ્નકર્તા : લાગણી પણ ના હોય ? દાદાશ્રી : એમાં લાગણી બધું હોય. ફક્ત મારાપણું ના હોય. પ્રશ્નકર્તા : એવી જાગૃતિ કાયમ રહે તો ? દાદાશ્રી : તો પતી જાય. આ જો 'સ્વપ્નું' છે એવી રીતે રહે, સ્વપ્ના જેવું, તો તો મોક્ષે જાય ! સ્વપ્ન, તાત્ત્વિક દ્રષ્ટિએ ! પ્રશ્નકર્તા : હવે તત્ત્વદ્રષ્ટિએ તો આ સ્વપ્નું અને જાગૃત, બન્નેમાં એક જ પ્રિન્સિપલ વર્ક કરે છે ને ? દાદાશ્રી : બધું એક જ છે. આ ય સ્વપ્નું છે ને પેલું ય સ્વપ્નું જ છે. પણ જાગૃત કેમ કહ્યું છે ? એ તો જગતની અપેક્ષાએ જાગૃત. બાકી જાગૃત છે જ ક્યાં તે ?! પ્રશ્નકર્તા : તો સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં તાત્ત્વિક ભેદ તો છે જ નહીં ને ? દાદાશ્રી : ભેદ એટલો જ છે, પેલું બે દેહનું સ્વપ્નું છે અને આ ત્રણ દેહનું સ્વપ્નું છે, બસ ! તમે ભોગ ભોગવો ને, તે ભોગ ભોગવવાનાં જે પરિણામ દેહનાં થવાં જોઈએ એ બધા ય થઈ જાય. અને કોઈક જોડે મારંમારા કરો તો દુઃખ થાય છે, એનાં પરિણામ આંખમાંથી પાણી નીકળે, એ બધું થાય, પેલાં સ્વપ્નામાં. પ્રશ્નકર્તા : પણ જાગૃતિમાં સભાનતા હોય છે અને પેલા સ્વપ્નામાં અભાનતા હોય છે. દાદાશ્રી : આ જાગૃત અવસ્થામાં સભાનતા કહે છે ને, તે સાપેક્ષ વાત છે. એ સભાનતા છે જ નહીં. સભાન શબ્દ ક્યારે લાગુ થાય છે ? કે આ દેહાધ્યાસથી રહિત થાય અને એને આત્માનું કંઈક સહેજ ભાન થાય ત્યારે સભાનતા ગણાય છે. બાકી, આ જગતના લોકોને તો દેહાધ્યાસનું જ ભાન છે. પ્રશ્નકર્તા : પણ જાગૃતિમાં રડે અને અભાનતામાં રડે, એ બન્ને વચ્ચે કોઈ ભેદરેખા છે કે નહીં ? દાદાશ્રી : ફેરફાર ને ! બેઉમાં ફેરફાર, પણ તે બીજો કશો લાંબો ફેરફાર નથી એવો. જાગૃતિમાં રડે અને સ્વપ્નામાં રડે, બેઉમાં આમ સરખું જ. એ સ્વપ્નામાં રડે તો ય આંખમાં આંસુ નીકળે અને જાગૃતિમાં રડે તો ય આંખમાં આંસુ નીકળે. એ સ્વપ્નામાં જે ચિંતા થાય, એનાથી જેટલું લોહી બળે, એટલું જ આ જાગૃત અવસ્થામાં ચિંતા થાય ને એટલું જ લોહી બળે છે. સ્વપ્નામાં દરેક ક્રિયા એવી જ થાય છે. ફક્ત આ દેહ એકલો 'આઈડલ' રહે છે એમાં. બીજું કશું નહીં. છતાં અસરો દેહની મારફત માલમ પડે છે, પણ દેહ પોતે 'આઈડલ' રહે છે. આ દેહ એમાં ક્રિયાકારી નથી. પ્રશ્નકર્તા : સ્વપ્નામાં સ્થૂળ દેહ આઈડલ રહે છે, તો સ્વપ્નામાં એટલી પુદગલની અનુમોદના ઓછી થઈ કહેવાય ને ? દાદાશ્રી : એટલે કે એની મહીં હસ્તક્ષેપ નથી. પ્રશ્નકર્તા : એ સ્વપ્નામાં ચિત્તની અનુમોદના ખરી ? ઇન્દ્રિયોની હેલ્પ ખરી ? દાદાશ્રી : ના. સ્વપ્નું એ ચિત્ત નથી લાવતું અને કોઈ ઈન્દ્રિય કામ કરે નહીં આમાં. બધી ઇન્દ્રિયો આ દેહને 'જોઈન્ટ' છે અને દેહ પોતે આમાં, સ્વપ્નામાં 'આઈડલ' રહે છે. એટલે સ્વપ્નું એ કોઈનું કાર્ય જ નથી, કોઈ લાવનાર નથી, અનુમોદન કરનાર નથી. એ તો સહજ કાર્ય છે. સહજ ઉત્પન્ન થાય છે ને સહજ બંધ થઈ જાય છે. એનાં ઉત્પન્ન થવામાં કોઈની હેલ્પ નથી. પ્રશ્નકર્તા : સ્વપ્નું એ સહજ અવસ્થા છે, એ જરા સમજાવો. દાદાશ્રી : સહજ અવસ્થા એટલે શું ? કે કોઈએ કરવું ના પડે, એની મેળે જ થાય, આપણે કરવું ના પડે. આ દેહમાં ય જો કદી પોતાનો કર્તાભાવ ના હોય તો તે ઘડીએ સહજ અવસ્થા છે. કર્તાભાવ છૂટી જાય તો સહજ અવસ્થા છે અને સહજ અવસ્થા 'વ્યવસ્થિત' હોય. પ્રશ્નકર્તા : એટલે સ્વપ્નામાં જે ભાવ છે એ પણ સહજ જ કહેવાય ને ? દાદાશ્રી : સ્વપ્નામાં ભાવ નથી. પહેલાં જે ભાવ કરેલાં છે, તેનું ફળ આ સ્વપ્નું છે. આ ઊઘાડી આંખનું સ્વપ્નું એ ય ફળ છે, અને પેલી બંધ આંખનું સ્વપ્નું એ ય ફળ છે. પ્રશ્નકર્તા : સ્વપ્નાને સહજ અવસ્થા કહી તો પછી એ તુર્યાવસ્થાની નજીકનું ના કહેવાય ? દાદાશ્રી : ના. તુર્યાવસ્થા એ તો જ્ઞાન-અવસ્થા ! અને આ સહજ અવસ્થા કોને કહેવાય ? જેવું વીંટાયેલું હોય ને, એવું એની મેળે ઉકલતું હોય. મહીં જો અહંકારની ડખલ થાય તો એ અસહજ છે. સમય શાં, સ્વપ્નાનાં ?! પ્રશ્નકર્તા : માણસ બેભાન થઈ જાય છે, ત્યારે એને કશું ખબર ના પડે. એ સુષુપ્તિ, સ્વપ્ન અને સભાનતા કરતાં કેવું કહેવાય ? એ સારું કે નહીં ? દાદાશ્રી : એ તો બહુ ખોટું કહેવાય. સભાનતા જુદું છે અને 'અન્કોન્શીયસ' જુદું છે. 'અન્કોન્શીયસ'ને તો લોક દર્દી કહે. સભાનતાને કોઈ દર્દી ના કહે. પ્રશ્નકર્તા : કોઈ મૂર્છિત થયો, અમુક ક્ષણ માટે મૂર્છિત થઈ જાય છે, પણ પછી ભાનમાં આવે છે ત્યારે સતેજ હોય છે એ ? દાદાશ્રી : મૂર્છિતનો વાંધો નહીં. મૂર્છિત એ તો સ્ટેપમાં છે. એ સ્ટેપિંગ ચઢે છે. મૂર્છિત જુદું છે ને ઊંઘ એ ય જુદું છે. પ્રશ્નકર્તા : એવું કહેવાય છે કે જ્યારે ગાઢ નિદ્રામાંથી બહાર આવે છે જાગૃતિ તરફ, એ સંધિકાળમાં જ એને સ્વપ્નું આવે છે. દાદાશ્રી : એવો નિયમ નથી. પ્રશ્નકર્તા : 'ડીપ સ્લીપ'માં સ્વપ્ન હોય જ નહીં. દાદાશ્રી : એમાં સ્વપ્નું હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : તો પછી ઊંઘમાંથી બહાર આવતો હોય ત્યારે જ સ્વપ્નું આવે ને ? દાદાશ્રી : ના, એવું નહીં. જે નિદ્રા અવસ્થામાં છે ને, તે અવસ્થામાં કોઈ વસ્તુ જ ના હોય બીજી અને જાગૃતમાં સ્વપ્નું હોય તો તે તરત સમજાઈ જાય. પણ સ્વપ્નાવસ્થાનું સ્વપ્નું એ જુદું છે. પ્રશ્નકર્તા : એ શું ? જરા સમજાવો. દાદાશ્રી : એમાં જાગૃતિ જ ના હોય. સ્વપ્નામાં જ રાચે છે ને, જગત આખું ય ! કારણ કે એનું બ્લડ પ્યૉર નથી. નિદ્રા અવસ્થા, એ તો પ્યૉર બ્લડની નિશાની છે. એ અત્યારે હોય નહીં, એ બહુ થોડું-ઘણું હોય, તે આ નાના છોકરાને ઊંઘ આવે. પણ બાકી બધું ય સ્વપ્નામાં જ જાય છે. કારણ કે સવાર સુધી જાગે તો નહીં જ, હવે એક ઘેનની અવસ્થામાં આવે છે, બાકી સ્વપ્ન અવસ્થા જ હોય. ઘેનને અવસ્થા કહી છે. પ્રશ્નકર્તા : પ્યૉર બ્લડ એટલે શું ? દાદાશ્રી : નિરોગી બ્લડ ! કળીયુગમાં નિરોગી બ્લડ ક્યાંથી લાવે ?! આ તો દયા ખાવા જેવાં જીવડાં ! ગુલાબનું ફૂલ રૂપાળું દેખાય છે, ને આપણાં છોકરાં જુઓને દેખાય છે ને કદરૂપાં ! સર્વે અવસ્થાઓમાં, આત્માનું સ્થાન ! પ્રશ્નકર્તા : સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃત અને તુર્યાવસ્થા, આ બધામાં આત્માનું સ્થાન ક્યાં હોય છે ? દાદાશ્રી : એવું છે, આત્મા આખા શરીરમાં રહેલો છે. પણ જેમ આ પીપળાનું ઝાડ જોયેલું તમે ? એની પર લાખ ચઢે છે એવી રીતે આત્મા ઉપર આ લાખ ચઢેલી છે, આવરણ ચઢેલું છે. બાકી, દરેક અવસ્થામાં આત્મા આવો જ છે. પ્રશ્નકર્તા : એટલે આત્મા ચારે ય અવસ્થામાં એક જ જગ્યા પર રહે છે ? દાદાશ્રી : એક જ જગ્યાએ ! જગ્યા ફેર થાય નહીં અને અવસ્થાઓ તો અહંકારથી બદલાય છે, આત્માની અવસ્થા બદલાતી નથી. અહંકાર ઊંઘે છે, જાગે છે, સ્વપ્નું આવે છે ! પ્રશ્નકર્તા : પણ નિદ્રા અવસ્થામાં આત્માની સ્થિતિ શું હોય છે ? દાદાશ્રી : આત્માની સ્થિતિમાં કશો ફેરફાર નથી. બસ, આ કર્મનાં ઉદયે શરીર નિદ્રામાં છે અને જેને આ જ્ઞાનની જાગૃતિ ઉત્પન્ન થઈ છે, એની જાગૃતિ નિરંતર રહે છે. દેહ ઊંઘે છે ને જાગૃતિ ચાલુ રહે છે અંદર. પ્રશ્નકર્તા : દેહની સુષુપ્ત અવસ્થા હોય, તે વખતે શુધ્ધાત્મા જાગૃત હોય ? દાદાશ્રી : શુધ્ધાત્મા તો નિરંતર જાગૃત જ હોય છે. સુષુપ્ત અવસ્થા એ એક કર્મ છે, કર્મનાં ઉદયથી છે એ. પણ સુષુપ્ત અવસ્થા હોય ત્યારે આત્માની દશા આત્માને કોથળામાં બાંધ્યો હોય એવી. સેવા, પણ સ્વપ્નમાં ! પ્રશ્નકર્તા : તો અમે બધા ય 'દાદા' પાસે આવ્યા, એ પહેલાં અમારું એક સ્વપ્નું જ ચાલતું હતું ને ? માનવસેવા, દેશસેવા, રાજકારણી સેવા, એ કેવી સેવા કહેવાય ? દાદાશ્રી : પણ સ્વપ્નાની સેવા તમે શું કરશો ? અને સ્વપ્નામાં માણસ સેવા શું કરે ? સ્વપ્નાને આધીન રહીને કરે. સ્વાધીનતા જ નહીં ને ! બાકી, સેવા તો હું કરી રહ્યો છું. જાગૃત સ્થિતિમાં સેવા કરી શકો. પોતે ઊંઘતો બીજાની સેવા શું કરે ? તમે શું કહો છો ? પ્રશ્નકર્તા : પણ આ 'જ્ઞાન' લીધા પછી એ સેવા બધી ચાલુ રહેતી હોય તો ચાલુ રહેવા દેવી ? દાદાશ્રી : વાંધો નહીં. આ 'જ્ઞાન' લીધા પછી એ ઉપકારી થઈ પડશે. એ સેવા સારી દ્રષ્ટિથી થશે, દ્રષ્ટિપૂર્વક થશે કે કોણ 'ચંદુભાઈ' અને કોણ 'પોતે', આ તો 'ચંદુભાઈનો' અને 'પોતાનો' ભેગો વેપાર હતો. પણ 'જ્ઞાન' લીધા પછી, 'પોતે' જુદો પડ્યા પછી પુરુષ થાય. ને પુરુષ થયો કે પુરુષાર્થ થાય. પછી હજારો માણસોનું કામ કાઢી નાખે ! હું તેનાં સારું બેસી રહ્યો છું ને ! અને એટલે જ તૈયાર કરું છું ને !! એક એક માણસ હજારો માણસોનું કામ કાઢે. પોતાનું કલ્યાણ થાય, તે બીજાનું કલ્યાણ કરી શકે. પોતાનું કલ્યાણ થયું નથી, તે બીજાનું શું કલ્યાણ કરી શકે, શું સેવા કરી શકે ? તે આપણે આ સ્વપ્નામાંથી જગાડીએ છીએ કે 'તું શુધ્ધાત્મા છે, અને આ તો સ્વપ્નું છે. હવે એ બધાનો નિકાલ કરી નાખ !' નહીં તો પોતે ઊંઘતો માણસ બીજાની સેવા કરી શકે ? પ્રશ્નકર્તા : ના કરી શકે. પણ જાગૃતિ આવે ત્યારે સેવા થાય ને ? પણ ત્યાં સુધી બેઠા રહેવાનું ? દાદાશ્રી : જાગૃતિ આવ્યા પછી, ખરી સેવા ત્યાર પછી શરુ થાય છે. માનવસેવા ખરી ત્યાર પછી જ શરુ થાય છે. નહીં તો આ સેવા પાછળ તો મલીદા ખાવાની ઈચ્છા છે, માનની ઈચ્છા છે, એની ભીખ છે એક જાતની. છતાં ય આપણે એને માટે ના નથી કહેતા. એ સેવા ય સારી વાત છે. પણ ભીખનો અર્થ જ શું ? લીધું-દીધું બે ભેગું થઈ ગયું. મેં તમને આપ્યું અને તમે મને એનો બદલો આપ્યો, માન આપ્યું, એટલે પછી રહ્યું જ શું તે ?! અને આ સ્વપ્નામાં તો એવી રીતે આખો દેહ ઘસી નાખ્યો, પણ સુગંધી ના આવી. પણ આ સ્વપ્નામાંથી જાગ્યા પછી સેવા થાય ને, તો સુગંધી આવે. એક અગરબત્તી હોય, તેની સુગંધી આવે છે, તો આપણી સુગંધી આવે કે ના આવે ?! આ હું માનવસેવામાં નિરંતર રહું છું ! એવું તમને લાગે છે ને ? એ માનવસેવા છે કે બીજી જાતની સેવા છે ? માનવસેવા એટલે મનુષ્યોને કેમ કરીને ઠંડક આપવી, શાંતિ આપવી. રડતા માણસ કેટલાં આવતાં હશે મારી પાસે ? અને રડતા આવે તેની જોડે હું કંઈ રડવા લાગતો હોઈશ ?! ત્યારે મારે શું કરવું ? પણ એનો ઊકેલ લાવી આપું પછી ! ખરાબ સ્વપ્નું, નથી ખરાબ ! પ્રશ્નકર્તા : ખરાબ સ્વપ્નું આવે તો અમારે સવારે શું કરવું ? દાદાશ્રી : નાસ્તો સવારે વધારે કરવો. હા, ખરાબ સ્વપ્નું આવી ગયું એટલે ખરાબ કર્મ ખપી ગયું, માટે નાસ્તો જરા સવારમાં વધારે કર્યો હોય તો સારું ! પ્રશ્નકર્તા : મને સ્વપ્નામાં અંબાજીની આરતી ઉતારતા દેખાય છે, ને કોઈ વાર ખરાબ સ્વપ્ના પણ દેખાય છે. તો આવું કેમ ? દાદાશ્રી : તમારા જેવા વેપારી ધંધામાં ભૂલ થાય, તો ધંધામાં શું રહે પછી ? પ્રશ્નકર્તા : આવું બન્યું છે, એટલે મેં આપને પૂછયું. દાદાશ્રી : હા, એ બરોબર છે. પૂછવામાં વાંધો નથી. પણ સ્વપ્નું આવે છે ને, તેને જોનાર કોણ ? પ્રશ્નકર્તા : હું, ચંદુલાલ. દાદાશ્રી : ન્હોય ચંદુલાલ. ચંદુલાલ શું જુએ ? જોનાર તમે, શુધ્ધાત્મા ! આ 'જ્ઞાન' પછી સ્વપ્નાને જોનાર છે તે શુધ્ધાત્મા જુએ, તે સારું-ખોટું બધું ય જુએ. જોવા માટેની જ એમની ફરજ છે, બીજી કોઈ ફરજ નથી. બાકી, સારું-ખોટું તો ભગવાનની ભાષામાં નથી. પ્રશ્નકર્તા : પણ એક સંશય થયો કે આવાં સુંદર ભાવવાળું સ્વપ્નું આવે અને બે-ચાર દિવસ પછી પાછું ખરાબ સ્વપ્નું શા માટે આવ્યું ? દાદાશ્રી : આ શરીરનું સ્વરૂપ શું ? પુદગલ ! પુદગલ એટલે પૂરણ જે કરેલું છે એ ગલન થાય છે, ક્રેડીટ થયેલું છે એ ડેબીટ થાય છે. એમાં જે પૂરણ કર્યું છે, એથી વધારે કંઈ નવું ગલન થાય નહીં. તે આ જે પૂરણ કરેલું હતું, તે જ તમને દેખાયું, તેમાં ભડકવાનું શું કારણ ? પ્રશ્નકર્તા : એટલે આ મનનો સંશય કાઢી નાખીએ ? દાદાશ્રી : સંશય કોઈ રાખવાનો જ નહીં. તમને સ્વપ્નાની ખબર પડી ને ? એ તમે જોયું ખરું ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે જ તમારો ધર્મ ! જોવાનો જ ધર્મ તમારો છે. પ્રશ્નકર્તા : આવું દસ-પંદર દહાડે 'દાદા' સ્વપ્નામાં દેખાય, પણ પછી પાછું આવું ખરાબ સ્વપ્નું પણ દેખાય. દાદાશ્રી : એવું લાખગણું બને ને, તો પણ સંશય રાખવાનો નહીં. આ 'જ્ઞાન' સંશયવાળું જ્ઞાન જ નથી. તમને સ્વપ્નું દેખાયું એટલે જોનાર તમે ! સ્વપ્નું એ દ્રશ્ય કહેવાય, અને તમે દ્રષ્ટા અને મહીં પાછું 'દાદા' દેખાય સ્વપ્નામાં, તો એ જ્ઞેય કહેવાય અને તમે જ્ઞાતા છો. તે જ્ઞાતા-દ્રષ્ટા એ જ આત્માનું સ્વરૂપ ! તો તમે હવે સ્વરૂપમાં છો, પછી આમ ભડકો છો શું કરવા ? પ્રશ્નકર્તા : તો સ્વપ્નું એ પણ 'ડિસ્ચાર્જ' કહેવાય ને ? દાદાશ્રી : હા. 'ડિસ્ચાર્જ' જ કહેવાય. એટલે ગમે તે દેખાયને, પણ દેખાતું જ ના હોય તો શું કરીએ ? દેખાય છે ત્યાં સુધી દેખનાર આત્મા છે. આ પુદગલ દેખી શકે એમ નથી. સમજ પડીને ? એટલે આમાં ગભરાવા જેવું કશું છે જ નહીં. એક ભાઈને સ્વપ્નું આવ્યું કે ફલાણાભાઈ ઓફ થઈ ગયા. ત્યારે એ ભાઈ મને આવીને કહે છે, 'આવા સ્વપ્ના કેમ આવે છે ?' મેં કહ્યું, 'એ આવે છે તે જ બરાબર છે. એમાં ગભરાશો નહીં હવે.' 'જતા રહ્યા' એવા સ્વપ્ના આવે છે, એ આપણે જોવાના છે, એ જ્ઞેય વસ્તુ છે અને આપણે જ્ઞાતા છીએ અને એ કંઈ જતા રહે છે ? આ દેહ જતો રહેશે. મૂળ આત્મા જતો રહે નહીં ને ! પ્રતિક્રમણ સ્વપ્નાના દોષમાં ! પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પાપ કર્યું હોય ને, તો જાગ્યા પછી એનું પ્રતિક્રમણ કરી શકાય ? દાદાશ્રી : એ તો ગમે ત્યારે તમારા લક્ષમાં આવે ત્યારે પ્રતિક્રમણ કરી શકાય. અહીં આગળ કોર્ટના કાયદામાં ગુનેગાર ગમે ત્યારે ગુનાની કબૂલાત કરે ને ?! પ્રશ્નકર્તા : સ્વપ્નામાં જે કર્મ થાય, એનાં પ્રતિક્રમણ ક્યારે કરવાનાં ? જાગ્યા પછી કરવાના ? દાદાશ્રી : હા, જાગ્યામાં યાદ રહે તો કરવાના. સ્વપ્નામાં કોઈને ઢેખાળો મારી આવ્યા, એટલે આપણો હિંસક ભાવ તો હતો જ, એ વાત નક્કી છે ને ?! સામાને વાગ્યું- ના વાગ્યું એ જુદી વાત છે. એટલે પ્રતિક્રમણ તો કરવું. સ્વપ્નામાં ય રીસ ચઢે. કાકો દીઠો, ને રીસ ચઢે ! તો પ્રતિક્રમણ કરવાનાં. પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં સ્વપ્ના આવે તો અસર રહે છે. દાદાશ્રી : તે તો એનાં પ્રતિક્રમણ થાયને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો થાય. દાદાશ્રી : તે તો ઊલટું સારું. પ્રતિક્રમણ થાય એટલે ફાયદાકારક. એનો વાંધો નહીં અને પ્રતિક્રમણ તો કરવાં જ જોઈએ. પેલું 'લેટ-ગો' થાય તો એમાં એમનું કાચું રહી ગયું. અને આ તો પ્રતિક્રમણ કરીને એનું મૂળિયું કાઢી નાખે, એ તો સારું. અને ત્યાં તો પાછળથી કહી દો ને, કે આ ખોટું થયું. 'ખોટું થયું' એવું હોય તેના માટે સારું. સ્વપ્નું એટલે શું ? ગલન ! પૂરણ નહીં. બિલકુલે ય પૂરણ નહીં, એનું નામ સ્વપ્નું. અને જાગૃત સ્થિતિમાં અહંકાર હોવાથી ગલન અને પૂરણ બન્ને થાય. બાકી, સ્વપ્નું એ ગલન એકલું જ છે. 'ડિસ્ચાર્જ' એટલે ગલન અને 'ડિસ્ચાર્જ'ની ચિંતા કોઈએ કરવી નહીં. બની ગયું એની ચિંતા છોડી દો. કર્મનું 'વિજ્ઞાન', સ્વપ્ન નિમિત્તે ! પ્રશ્નકર્તા : એટલે સ્વપ્ન અવસ્થા એ ડિસ્ચાર્જ અવસ્થા થઈને ? દાદાશ્રી : હા, સંપૂર્ણ 'ડિસ્ચાર્જ' ! પ્રશ્નકર્તા : તો સ્વપ્ન અવસ્થા અને જાગૃત અવસ્થા, બન્ને ય અવસ્થામાં સંવર-નિર્જરા-આશ્રવ-બંધ થઈ શકે ? દાદાશ્રી :જાગૃત અવસ્થામાં થઈ શકે, સ્વપ્ન અવસ્થામાં ના થાય. જાગૃત અવસ્થામાં સંવર-નિર્જરા-આશ્રવ-બંધ બધું થઈ શકે. જ્યાં અહંકાર જાગૃત છે ત્યાં બધું થઈ શકે. એ સ્વપ્નામાં અહંકાર બિલકુલ છે જ નહીં, ને અહંકાર નથી ત્યાં કશું ના થાય. એટલે બે દેહના સ્વપ્નાની તો બહુ અજાયબી થાય. બે દેહનાં સ્વપ્નામાં તો અહીંથી ઊઠીને જઈ આવે, પેશાબ કરીને પાછો આવે, તો ય એ સવારમાં કહેશે, 'ના, હું ગયો જ નહોતો.' પ્રશ્નકર્તા : પણ આમાં ત્રીજા દેહે કામ કર્યું ને ? દાદાશ્રી : એ ત્રીજો દેહ કામ કરે છે, પણ ત્રીજો દેહ 'આઈડલ' છે. છતાં એ પગે ચાલે છે એ અજાયબી છે. આમ પગ હરતાં-ફરતાં લાગે, પણ ખરી રીતે, 'સાયંટિફિક' રીતે 'આઈડલ' જ છે એ. અહંકાર એમ જાણે કે 'હું ચાલ્યો', તો ચાલ્યો ! આ સ્વપ્નામાં તો અહંકાર જાણતો જ નથી કે 'હું ચાલ્યો' !! પ્રશ્નકર્તા : એટલે એને 'આઈડલ' કહી શકાય ? દાદાશ્રી : 'આઈડલ' છે જ ! આમ ઊભો થઈ અને પેશાબ કરીને પાછો આવ્યો, તો આપણે એને કહીએ કે, 'ભઈ, તું અહીંથી જઈને પેશાબ કરીને આવ્યો !' તો ય એ કહેશે, 'ના, હું ગયો જ નથી. વાત જ ખોટી છે.' અરે, સ્વપ્નામાં તો સંડાસે ય થાય છે ! એટલે આ સ્વપ્નું તો બહુ ઊંડી વાત છે. પ્રશ્નકર્તા : હવે આ સ્વપ્નું બન્યું, જે ઈફેક્ટ દેખાઈ, એ વખતે નવા કૉઝિઝ પડવાનાં ? દાદાશ્રી : એ ના પડે. પ્રશ્નકર્તા : અજ્ઞાની હોય તો ય ? દાદાશ્રી : ગમે તેવો હોય તો ય સ્વપ્નામાં કર્મ બંધાય નહીં. સ્વપ્નાના બધાં કાર્યમાં કર્મ બંધાય નહીં. પ્રશ્નકર્તા : હા, પણ આ સંસાર એક સ્વપ્નું છે. એમાં પાપ અને પુણ્ય થયા કરે છે. એવી જ રીતે પેલા સ્વપ્નામાં પણ દુઃખ થાય છે, રડે છે, કરે છે. તો એમાં પણ પાપ-પુણ્ય તો થવાં જોઈએ ને ? કર્મ બંધાવા જોઈએ ને ? દાદાશ્રી : ના, એમાં કર્મ બંધાય નહીં. બંધ આંખના સ્વપ્નામાં કંઈ પણ થાય તો ય કર્મ બંધાય નહીં અને આ ઊઘાડી આંખના સ્વપ્નામાં કર્મ બંધાય. પ્રશ્નકર્તા : આમાં કેમ કર્મ બંધાય ? ને પેલી બંધ આંખના સ્વપ્નામાં કેમ કર્મ ના બંધાય ? દાદાશ્રી : પેલામાં અહંકાર નહીં ને ! અહંકાર વગર સૃષ્ટિ ઊભી થઈ જાય છે અને અહીં આગળે ય અહંકાર વગર જ થાય છે, પણ 'એ' અહંકાર કરે છે કે 'મેં કર્યું !' 'મેં કર્યું' એવું ના હોય તો આ ય સ્વપ્નું જ છે, તો કર્મ જ ના બંધાય. આ જાનવરોને કર્મ ના બંધાય, દેવોને-નર્કગતિના લોકોને કર્મ બંધાય નહીં. શાથી ? એમને આ ઊઘાડી આંખનું સ્વપ્નું છે, એટલે એ સ્વપ્નામાં કર્મ બંધાતું નથી. પણ આપણા આ લોકોને જ, નિરાશ્રિત લોકોને જ કર્મ બંધાય છે. પ્રશ્નકર્તા : પણ સ્વપ્નામાં હું રાજા બન્યો અગર તો મેં ખૂન કર્યું, તો કર્મ બંધાય ? દાદાશ્રી : પણ એમાં કર્તાભાવ નથી, કર્તાનું ભાન નથી, માટે કર્મ ના બંધાય. પ્રશ્નકર્તા : પણ સ્વપ્નું આવ્યું, તે વખતે તો કર્તાભાવ હતો ને ? દાદાશ્રી : ના, સ્વપ્નામાં ય કર્તાભાવ નહોતો. કર્તાભાવ તો આ જાગૃત સ્વપ્નામાં રહે છે. હવે આમાં જો કર્તાભાવ ઊડી જાય અને 'સ્વપ્ના' જેવો ભાવ રહે તો છૂટ્યા તમે. પ્રશ્નકર્તા : તો પેલા સ્વપ્નામાં કર્મ ના બંધાય ? દાદાશ્રી : સ્વપ્નામાં કર્મ ના બંધાય. સ્વપ્નામાં બોમ્બ નાખીને માર્યા હોય તો ય કર્મ ના બંધાય. પણ વિચારમાં જો કદી બોમ્બ નાખ્યા હોય તો કર્મ બંધાય. જાગૃત સ્વપ્નામાં વિચાર કરીએ કે 'આ તો બોમ્બ નાખવા જેવાં છે.' તો એ કર્મ બંધાય. બાકી, પેલા સ્વપ્નામાં બોમ્બ નાખી આવે ને, તો ય કર્મ ના બંધાય. પ્રશ્નકર્તા : બોમ્બ નાખવાનું જે સ્વપ્નું આવે છે, એ આવતાં પહેલાં પણ એણે વિચારપૂર્વક કૉઝિઝ નાખ્યું હોય ને ? દાદાશ્રી : કૉઝિઝ પડી ગયું એટલે તો એ સ્વપ્નામાં આવ્યું અને આવીને ફળ આપીને જતું રહે. સ્વપ્નામાં તો બધું દેખાય. સ્વપ્નાવાળાને ત્યાં શી ખોટ છે ? એ તો ચાર-પાંચ એરોપ્લેન લઈ આવે, હં કે ! અને લઢાઈમાં બોમ્બ હઉં નાખી આવે. કોનાં બાપનો બોમ્બ ને કોના બાપનું પ્લેન ! એટલે સ્વપ્નામાં તો બધું દેખાય !! પ્રશ્નકર્તા : બોમ્બ નાખવાનું એને સ્વપ્નું આવે, પણ જાગ્યા પછી કહે છે 'મેં બોમ્બ નાખ્યો ને મરી ગયા.' તો એનું શું ફળ આવે ? દાદાશ્રી : એ તો રાજી થઈને કરે તો કર્મ બંધાય. વર્ણન કરતાં હોય, ને વર્ણન કરતી વખતે ખુશ થતો હોય કે 'બોમ્બ નાખી આવ્યો, બોલે !' તો કર્મ બંધાયું પાછું. પ્રશ્નકર્તા : એટલે કેવું કર્મ બંધાય ? દાદાશ્રી : આપણે ખરાબ વિચારીએ ને, એવું કર્મ બંધાય. પ્રશ્નકર્તા : એ પછી બોમ્બ નાખે પાછો ? દાદાશ્રી : બોમ્બ નાખે કે ના નાખે, પણ અત્યારે કર્મ બંધાઈ ગયું. બોમ્બ નાખવાથી જે પરિણામ ઉત્પન્ન થાય ને, એ પરિણામનો એ ગુનેગાર થઈ ગયો ! પ્રશ્નકર્તા : એનો પસ્તાવો થાય તો ? દાદાશ્રી : તે પસ્તાવો થાય તો સારું. પસ્તાવો થતો હોય તો ઉત્તમ ! કોઈ પણ કામમાં પસ્તાવો થતો હોય તો જાણવું કે તમારી ગ્રેડેશન ઊંચે જાય છે. એટલે સ્વપ્નામાં ગમે તે થયું હોય, પણ પસ્તાવો થાય તો જાણવું કે આ ગ્રેડેશન ઊંચે જાય છે. એ હેલ્પીંગ છે. પણ 'આ સારું થયું' એવું થાય તો પછી ઊંધું થાય એ તો. અને એમ ને એમ ભૂંસી નાખીએ તો કશું લેવા-દેવા ય નહીં. અડવા ના દઈએ કે 'આ તો સ્વપ્નું હતું' તો કશું ય નહીં. પ્રશ્નકર્તા : સ્વપ્નું ચાલતું હોય ત્યારે ત્યાં પેલો અહંકાર કહે છે ને કે 'મને ભય લાગ્યો કે બહુ મજા આવી ગઈ.' તો એવાં અહંકારથી એને સ્વપ્નામાં કર્મ બંધાય ? દાદાશ્રી : હવે સ્વપ્નામાં તે ઘડીએ વેદના તરત વેદી લે છે. પણ વેદના વેદે તો એની જોડે જે ભાવ ખરો ને, તે ભાવ ત્યાં સ્વપ્નામાં હોતો નથી. એટલે ત્યાં સ્વપ્નામાં કર્મ ના બંધાય. પ્રશ્નકર્તા : પણ સ્વપ્નું પૂરું થયા પછી એ માની લે છે ને, કે 'મને થયું.' દાદાશ્રી : એ જાગૃત સ્થિતિમાં માને છે. અને જાગૃત સ્થિતિમાં તો બધાં કર્મો બંધાયા જ કરે ને ! હવે સ્વપ્નું પૂરું થાય પછી જાગૃત સ્થિતિમાં કશી અસર ના હોય તો કર્મ ના બંધાય. પ્રશ્નકર્તા : એટલે સ્વપ્નું વિસારે પડી ગયું તો કર્મ ના બંધાય ? દાદાશ્રી : તો ગયું બધું ! પ્રશ્નકર્તા : અને આ ત્રણ દેહનું સ્વપ્નું છે, એમાં કર્મ બંધાયા કરે છે ! દાદાશ્રી : આમાં તો સ્થૂળ અહંકાર છે ને મહીં, એટલે કર્મ બંધાય. પણ સ્વપ્નામાં કર્મ ના બંધાય. સ્વપ્નામાં તો કો'કનું ખૂન કરી આવે તો ય કર્મ ના બંધાય. પણ સ્વપ્નામાંથી જાગ્યા પછી પોતાને અસર જે હોય છે ને, તે વર્ણન કરે તો ગુનો થાય. પ્રશ્નકર્તા : એટલે કોઈને એ કહે તો ? દાદાશ્રી : કોઈને વર્ણન કરે તો કર્મ બંધાય. સ્વપ્નામાંથી જાગ્યો એટલે તરત સમજી જવાનું કે સ્વપ્નું આવ્યું હતું, તે ગયું. એટલે લેવા ય નહીં ને દેવા ય નહીં. પણ જાગતાં અસર રહે તો કર્મ બંધાય. પ્રશ્નકર્તા : એટલે સ્વપ્નાની અસરો જો રહે અને પોતે કોઈને કહે તો કર્મ બંધાય ! દાદાશ્રી : હા. પોતે કહ્યું એટલે પછી પોતે એને સહી કરી આપી. એટલે એ અભિપ્રાય થયો કે 'આ સ્વપ્નું આવ્યું, તે મને આવ્યું અને મેં કર્યું.' બાકી, એને 'લેટ ગો' કરી દેવાનું. પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન લીધું હોય અને એને સ્વપ્નાની અસરો રહેતી હોય તો કેવું કહેવાય ? દાદાશ્રી : અસર તો ના જ રહેવી જોઈએ ને ! સ્વપ્નાની અસર રહેતી હશે ? સ્વપ્નામાં આપણને કરોડ રૂપિયાની ખોટ ગઈ, પણ જાગીએ એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ તો આપણે હતા તેનાં તે જ છે. અને આ તો સ્વપ્નું આવ્યું હતું. એમાં આપણને ખોટ ક્યાં ઘરમાંથી કાઢવી પડી ?! એટલે સ્વપ્નામાં ખોટ ગયેલી હોય, તે જાગ્યા પછી ખોટ રહ્યા કરે ?! પ્રશ્નકર્તા : ના રહે એ તો. પણ બહુ અજ્ઞાનમય સ્થિતિમાં હતા, ત્યારે સ્વપ્નામાં કંઈ કરી નાખ્યું હોય તો કશું ય એની 'ઈફેક્ટ' નહોતી રહેતી. પણ હવે ખરાં-ખોટાંની સમજ આવી, એટલે સ્વપ્નાના ખોટાં કામ માટે લાગણી થાય. તો શું કરવું ? દાદાશ્રી : પણ એ ખોટાની લાગણી નહીં કરવાની અને આ જાગૃતમાં થયું હોય તો ય લાગણી કોણે કરવાની ? આ 'ચંદુલાલ' કરે અને 'તમારે' જાણવાનું કે 'ચંદુલાલ'ને લાગણી વધારે થાય છે, તે તો સ્વભાવિક થાય. પણ સ્વપ્નાની લાગણી તો થવી જ ના જોઈએ. સ્વપ્નામાં છોકરો મરી ગયો, તેને ય જાગૃતિમાં કશું ય નહીં અને સ્વપ્નામાં બે છોકરાં થાય, તે ય જાગૃતિમાં કામ નહીં. સ્વપ્નામાં કરોડ રૂપિયા કમાયા તે ય હેલ્પ ના કરે અને સ્વપ્નામાં કરોડ રૂપિયાની ખોટ ગઈ તે ય હેલ્પ ના કરે. એટલે હું ગેરેન્ટીપૂર્વક કહું છું કે સ્વપ્નાને તમે ગણતરીમાં ગણશો નહીં. એટલે એ બન્ને સ્વપ્નાની સિલક ઘરમાં રાખવા જેવી નહીં. સ્વપ્નું આવ્યું તેટલો કાળ અસર થાય અને પછી એ અસર ગઈ. અસર થઈ એટલો ભોગવટો હોય આપણો ! પ્રશ્નકર્તા : પણ જાગૃતિમાં આવ્યા પછી પણ એ સ્વપ્નાની વેદના કેમ ચાલુ રહે છે ? દાદાશ્રી : એ તો એવી રીતે જ ચાલે છે. એ તો જેવો એનો કાળ પાકે ત્યારે એવી રીતે નીકળે ને ! નહીં તો કાળ પાક્યા વગર નીકળે નહીં ને ! સો વર્ષની વેદના કાળ પાકે ત્યારે હમણાં નીકળે અને પચ્ચીસ વર્ષની વેદના પરમ દહાડે નીકળી ગઈ હોય. એટલે એનાં પરિપકવ કાળ ઉપર છે. આ કેરી અમુક દહાડા પછી પાકે, અમુક બીજી વસ્તુ આટલે દહાડે પાકે એવું છે. પ્રશ્નકર્તા : એમ માનોને કે, સ્વપ્નામાં એક દિવસ દાદા ભગવાન જોડે અવિવેક કર્યો, પણ હવે જાગૃતિમાં એનું અત્યંત દુઃખ થાય છે. તો શું કરવું ? દાદાશ્રી : હા, એ દુઃખ નહીં કરવાનું. આપણે સમજી જવાનું કે ઓહોહો ! ઊંડા ઊંડા આવા સંસ્કાર છે આમનામાં. માટે આપણે ચેતતા રહેજો. ઊંડા ઊંડા પણ આ કંઈક સંસ્કાર છે, એટલે આપણે ચેતતા રહેવું, 'બીવ્હેર' રહેવું. પણ સ્વપ્નાની 'વરીઝ' નહીં કરવાની. હવે એ દુઃખ થાય છે ને, તે આપણી 'ખુરશી' પર નહીં બેસવાથી છે. બીજાની 'ખુરશી' પર બેસીએ ને, તો દુઃખ થાય અને આપણી 'પોતાની' 'ખુરશી' પર બેસીએ તો દુઃખ જતું રહે. એટલે મૂળ 'હું શુધ્ધાત્મા છું.' એમાં રહેવાનું. એટલે સ્વપ્નામાં કર્મ ના બંધાય અને આ જાગતામાં ય કર્મ ના બંધાય, પણ આ 'જ્ઞાન' લીધા પછી, આમાં કર્મ બંધાય નહીં. ભલે ને, તમે બધું ફરો-હરો, પણ અહંકાર નથી ને ! કર્તા નથી ને તમે !! કર્તા 'વ્યવસ્થિત' છે ને !! ને આ સ્વપ્નામાં કોઈ કર્તા નથી, સહજભાવે થાય છે. છતાં રડે-કરે છે, ડિસ્ચાર્જ થઈ જાય, બધું થયાં કરે છે. એ બધી ક્રિયાઓ થયા કરે, પણ કર્તા નથી પોતે. અને આ જાગૃતમાં કર્તા પોતે નથી, છતાં એ પોતે કર્તા થાય છે. આ ય 'જાગૃત' સ્વપ્નું જ છે. આ સ્વપ્નું ન હોય ?! પણ અહીં આગળ પોતે એનો કર્તા થાય છે. જ્યારે પેલામાં કર્તા થતો નથી. પ્રશ્નકર્તા : એ જ ભાવ જો જાગૃત સ્વપ્નામાં પણ આવી જાય કે 'કર્તા નથી' તો ? દાદાશ્રી : તો થઈ રહ્યું, કામ ખલાસ થઈ ગયું ! આને સ્વપ્નું અનુભવે તો કશો વાંધો નથી. સ્વપ્નદ્રષ્ટા, જ્ઞાન-અજ્ઞાન દશામાં ! પ્રશ્નકર્તા : સ્વપ્નું કોને આવ્યું ? દાદાશ્રી : અહંકારને આવ્યું. પ્રશ્નકર્તા : હવે સ્વપ્નું આવ્યું, બધું એણે જોયું, તો એ જોનાર કોણ સ્વપ્નામાં ? દાદાશ્રી : બધું આનું આ જ. જે આમાં, આ સંસારમાં જે કાર્ય કરે છે ને, તે જ લોકો છે એ. પ્રશ્નકર્તા : એટલે એ કોણ કાર્ય કરી રહ્યા છે સંસારમાં ? આ ત્રણ દેહનો જે વ્યવહાર છે ચલાવનાર અથવા એ બધો વ્યવહાર કરનાર, એ કોણ ? દાદાશ્રી : 'હું' જે કહે છે ને, એ. બધું આનું આ જ કાર્ય કરે છે. પ્રશ્નકર્તા : તો સ્વપ્નું કયા વિભાગમાં ગયું ? અંતઃકરણની બહારના વિભાગમાં ગયું ? દાદાશ્રી : અંતઃકરણની બહારનો સવાલ નહીં. પણ સ્વપ્નામાં જોનાર કોણ ? ત્યારે કહે, 'આ.' આમ જાગતાં જે દેખાય છે એ જ પેલા ત્યાં ય છે. પ્રશ્નકર્તા : તો એ જોનારનું અસ્તિત્વ સ્વપ્ના વખતે છે ને, ત્યાં ? દાદાશ્રી : ખરું ને ! પ્રશ્નકર્તા : તો એ જોયું કોણે ? એ કહ્યું કોણે ? આ બધા એકના એક છે કે જુદા ? દાદાશ્રી : બધું એકનું એક જ છે. બધું અહંકારનું છે. બીજો કોઈ માલિક જ ના હોય. પ્રશ્નકર્તા : સ્વપ્નામાં મેં મારી જાતને સૂતેલો જોયો, તો એ સૂતેલાને જોનાર કોણ ? દાદાશ્રી : એ બુદ્ધિવાળો અહંકાર ! સૂતેલો શું પણ પોતે પોતાનું મરણ હઉ જુએ. આ બધાનો માલિક જ અહંકાર !! બધા તેનાં તે જ. જોનારો ય તે ને રડનારો ય તે જ. એટલે સ્વપ્નું એ ખોટી વસ્તુ નથી. સ્વપ્નામાં તો અહંકારે ય કશું કામ કરતો નથી, ફક્ત જોવાનું કામ કરે છે. સ્વપ્નું જે છે ને, એ અહંકાર રહિત હોય છે. પ્રશ્નકર્તા : તો સ્વપ્નદશામાં અક્રમ માર્ગ કઈ રીતે ઉપયોગી થાય ? દાદાશ્રી : કશું ઉપોયગી ના થાય. પ્રશ્નકર્તા : એટલે આ 'જ્ઞાન' લીધેલા મહાત્માઓ માટે કેવું હોય ? દાદાશ્રી : 'જ્ઞાન' ના લીધું હોય તેને ય કશું ના થાય ને 'જ્ઞાન' લીધું હોય તેને ય કશું ના થાય. સ્વપ્નું તો જોનારને દેખાય છે. ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. એટલે સ્વપ્નદશામાં તો ક્રમમાં ય લોકો જોયા કરે અને અક્રમમાં ય જોયા કરે. બે ય સરખી સ્થિતિ છે. ક્રમમાર્ગવાળા ય જોયા કરે સ્વપ્નાને અને અક્રમમાર્ગવાળા ય જોયા કરે. પણ આ અક્રમવાળાને તો જોવા માટે જ છે. જ્ઞાતા-દ્રષ્ટા જ છે એ પોતે, પણ પેલામાં તો જ્ઞાતા-દ્રષ્ટા નહીં હોવા છતાં ય ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે ! એવું છે, સ્વપ્નાનો જોનાર એને સ્વપ્નદ્રષ્ટા કહેવાય છે. હવે 'જોનારો' એ શેના ઉપર આધાર રાખે છે ? કે જો તમે 'ચંદુભાઈ' છો તો સ્વપ્નાને અહંકાર જુએ છે અને જો તમે 'શુધ્ધાત્મા' છો તો સ્વપ્નાને શુધ્ધાત્મા જુએ છે. એટલે તમારા 'સેલ્ફ' ઉપર આધાર રાખે છે. અહંકારમાં ય જોવાની શક્તિ છે, બુદ્ધિથી એ દર્શન આવે છે અને 'આ' જ્ઞાનથી જુએ છે. પ્રશ્નકર્તા : 'શુધ્ધાત્મા' જુએ છે ને 'અહંકાર' જુએ છે, એ બેમાં કંઈક ફરક ખબર પડે ખરો ? દાદાશ્રી : ના. ફરક ના પડે. ફરક શી રીતે ખબર પડે ? સ્વપ્નું એક જ સરખું દેખાય. સ્વપ્નામાં ફેર ના દેખાય. પણ શુધ્ધાત્મા જુએ ને, તો એને વીતરાગ ભાવથી હોય. અને અહંકાર જુએ ને, તેમાં રાગ-દ્વેષવાળું હોય. આપને સમજાયું ને ? એટલે અહંકારનું રાગ-દ્વેષવાળું હોય ને શુધ્ધાત્માનું વીતરાગવાળું હોય. એટલે અહંકાર જુએ છે એમાં ભય લાગે, અને શુધ્ધાત્મા જુએ છે એમાં ભય ના લાગે. પેલામાં જોનારને ભય લાગે અને આમાં જોનારને ભય ના લાગે. એટલે વાત સમજવા જેવી છે ! પ્રશ્નકર્તા : એ અજ્ઞદશામાં પણ જ્ઞાતા-દ્રષ્ટા ખરો ને ? દાદાશ્રી : હા, ખરોને ! પણ બુદ્ધિ એમાં શું કહે ? 'હું આ જોઉં છું ને મેં આ કર્યું !' હંમેશાં 'જુએ' એટલે મીઠો રસ ઉત્પન્ન થાય ને 'કરે' એટલે કડવો રસ ઉત્પન્ન થાય. આ લોકો બન્નેનું મિક્ષ્ચર પીવે છે. આ બધું તોફાન જ અહંકારનું છે. બાકી, સ્વપ્ના આવે તો જોયાં કરવાના. સ્વપ્નામાં જોવાનું જ હોય છે. પ્રતિક્રમણ, સ્વપ્નમાં ય !!! પ્રશ્નકર્તા : સ્વપ્નામાં મહીં પ્રતિક્રમણ થઈ શકે ને ? દાદાશ્રી : ઓહો, બહુ સારા થઈ શકે. સ્વપ્નામાં પ્રતિક્રમણ જે થઈ જાય ને, તે અત્યારે થાય છે ને, તેનાં કરતાં સારા થાય. અત્યારે તો આપણે હુડ હુડ કરીને કરી નાખીએ. ત્યાં સ્વપ્નામાં જે કામ થાય ને, એ બહુ પદ્ધતિસર થાય. પ્રશ્નકર્તા : પણ સ્વપ્નમાં પ્રતિક્રમણ થાય એ એક્ઝેક્ટ આપણે જાગતા હોય એ રીતે થાય ? દાદાશ્રી : હા, બધુંં જ થાય, જાગતાં થાય છે એવું જ થાય છે. છૂટેલી બીડી, સ્વપ્નમાં ! પ્રશ્નકર્તા : બીડી પીવાનું છૂટી ગયા પછી જાગૃત અવસ્થામાં બીડી સ્મૃતિપટ ઉપર આવતી નથી. દાદાશ્રી : એટલે બહુ ઉત્તમ વસ્તુ છે એ. પ્રશ્નકર્તા : પણ બે વખત બીડી સ્વપ્નમાં આવેલી, ને તેની લહેજત ભોગવેલી. પણ હમણાં છેલ્લે સ્વપ્નું આવ્યું, તેમાં સિગેરટ સામે આવી. તેની લહેજત પણ સિગરેટ પીધા વિના જણાઈ. ત્યારે થયું કે 'એક-બે દમ મારી લઉં, એમાં શું વાંધો છે ?' પણ મહીંથી પાછો જવાબ આવ્યો કે 'સિગરેટ તે કંઈ પીવાતી હશે ?' તો આ સ્વપ્નામાં મન થાય છે તે કોને ? આ સ્વપ્નામાં ના પાડનાર કોણ ? અને ભોગવે છે કોણ ? દાદાશ્રી : જાગતામાં ત્રણ દેહ હોય. કારણ કે સ્થૂળ દેહ સાથે હોય અને સ્વપ્નામાં આ સ્થૂળ દેહ સિવાય ભોગવે, સ્વપ્નામાં બીડી પીધીને, તેનો ધૂમાડો નીકળતો દેખાતો હતો ? પ્રશ્નકર્તા : હા. પણ આ દેહ જે બીડી ભોગવે, તેનાં કરતાં પેલું સ્વપ્નમાં બહુ ઉત્તમ ભોગવે. દાદાશ્રી : સ્વપ્નાની તો વાત જ જુદી ને ! એ બહુ ઊંચી વસ્તુ છે. એટલે સ્વપ્નામાં એ બે દેહ ભોગવે, આ સ્થૂળ દેહ ના ભોગવે. તે આને ઉધરસે ય ના આવે ! પ્રશ્નકર્તા : પણ એ ભોગવટો કોણે કર્યો ? દાદાશ્રી : ભોગવટો એ સૂક્ષ્મ અહંકારનો છે. હા, અહંકાર જ બધું ભોગવે છે આ. અને આ ના પાડે છે, તે આપણી પ્રજ્ઞા ! ફક્ત સ્થૂળ દેહ જ નથી હોતો, આ દેહનુ કાર્ય જ હોતું નથી. પ્રશ્નકર્તા : પણ આ દેહ વગર લહેજત બહુ સુંદર આવે, એ શું ? દાદાશ્રી : સ્વપ્નામાં લહેજત બહુ સારી આવે. એટલે સ્વપ્નામાં જો કદી 'દાદા'નું મોઢું જુએ ને, તે લોક મને કહે છે, 'દાદા, શું આમ, આપની મૂર્તિ જોયા કરું !' અહીં ના દેખાય આવી મૂર્તિ !! ત્યાં સ્વપ્નામાં જગત આખું ય ક્લોઝ અને અહીં જાગતા તો જગત ઉઘાડું ને ! ને પાછી બુદ્ધિ કામ કર્યા કરે. દેખાય દાદા, ત્યારે જ એક્ઝેક્ટ ! એટલે સ્વપ્નામાં 'દાદા' દેખાયા હોયને, તે એવા 'દાદા' આપણે જોયા જ ના હોય એવા 'દાદા' દેખાય. જાગૃતમાં તો એવાં ના દેખાય ને સ્વપ્નામાં બહુ સરસ દેખાય. કારણ કે સ્વપ્નું એ સહજ અવસ્થા છે અને જાગૃત એ અસહજ અવસ્થા છે. એટલે ઘણી વખત તો આ આંખે ય ના દેખાય અને રાતે સ્વપ્નામાં જોઈ લો ! સ્વપ્નામાં બુદ્ધિ ના હોય, તેથી 'દાદા' અત્યારે દેખાય છે ને, તેના કરતાં સારા દેખાય, ફર્સ્ટ ક્લાસ દેખાય. પ્રશ્નકર્તા : હા, એ વાત તદ્દન ખરી છે. દાદાશ્રી : કારણ કે બુદ્ધિ ત્યાં ગેરહાજર રહેવાની અને બુદ્ધિ હાજર થઈ કે બધું બગડ્યું ! આ રૂબરૂમાં બુદ્ધિ જોડે હોય, એટલે જોતાં ના આવડે અને સ્વપ્નામાં તો બુદ્ધિ ના હોય, એટલે ત્યાં આગળ જે દર્શન થાય એ એક્ઝેક્ટ થાય. એટલે મને લોક કહી જાય છે કે, 'તમને રૂબરૂમાં જોઈએ છીએ એનાં કરતાં સરસ ત્યાં સ્વપ્નામાં દેખાય છે.' હા, સ્વપ્નામાં તો એક્ઝેક્ટ દેખાય. અને આ દાદાનું નિદિધ્યાસન કરે ને, તે બુદ્ધિ એને એકદમ ઝાંખું કરી આપે એટલે 'ડીમ' દેખાય. પછી લોકો મને કહે છે કે, 'નિદિધ્યાસન કરું છું, પણ બરોબર કશું દેખાતું નથી.' મેં કહ્યું, 'એની જરૂર નથી. તું ડીમ જોજે ને ! આપણે કામ સાથે કામ છે ને ?!' આ બુદ્ધિ એને ઝાંખું કરી નાખે. એ બુદ્ધિ જરા માર્ગ આપે તો તો બહુ સરસ દેખાય ! સ્વપ્નદશાના સંસ્કારોની અસરો ! પ્રશ્નકર્તા : જાગૃત દશામાં થતાં આપના દર્શનથી પડતા સંસ્કારો અને સ્વપ્નાવસ્થામાં થતાં આપના દર્શનથી પડતા સંસ્કારો, એ બેમાં વધુ અસરકારક કયા સંસ્કારો છે ? દાદાશ્રી : એ તો જાગૃત દશાના ! અને સ્વપ્નદશાનાં જે સંસ્કારો છે એ સ્થિર કરે છે, ચંચળતા જરા ઓછી કરી નાખે. અને જાગૃત દશાના દર્શન, એટલે આ જ્ઞાન છે, એ જ્ઞાન-જાગૃતિની દશાથી પડતા સંસ્કારો એ એને આગળ 'હેલ્પ' કરે ! પ્રશ્નકર્તા : પશ્ચિમનાં દેશોનાં મનુષ્યો એવું માને છે કે જાગૃત અવસ્થા કરતા સ્વપ્ન અવસ્થાની અંદર જો દર્શન થાય અથવા તો બીજું કંઈ મળે તો એ વધારે ફળ આપનારું હોય છે, સંપૂર્ણ ફળ મેળવતો હોય છે. કારણ કે જાગૃત અવસ્થાની અંદર માણસ સંપૂર્ણ જાગૃત હોતો નથી. એનું મન કંઈ ને કંઈ, કંઈ ને કંઈ ભટકતું જ હોય છે. દાદાશ્રી : એ લોકો જે જાગૃતિની વાત કરે છે ને, એ સંસારની જાગૃતિની વાત છે. ને આપણી જે જાગૃતિ છે, તે જ્ઞાન-જાગૃતિની છે. તે આપણી જાગૃતિ એવી છે કે આ જાગૃતિમાં જેટલું હોય ને, તે બહુ હેલ્પ કરે અને સ્વપ્ન-અવસ્થા જે ઊભી થાય છે તેમાં દર્શન થાય, તે પણ હેલ્પીંગ કરે. પણ એ સ્થિરતા કરે, ચંચળતા ઓછી કરી નાખે. મનુષ્યોનો સ્વભાવ ચંચળ છે, તે સ્વપ્નાનાં દર્શન આ ચંચળતાને ઓછી કરી નાખે. બાકી, નર્યું ચંચળતાથી જ ભરેલું છે. એટલે બહારનાં લોકોને માટે, વ્યવહારિક જ્ઞાનને માટે સ્વપ્ન-અવસ્થા બહુ સારી વસ્તુ કહેવાય. પ્રશ્નકર્તા : પણ જાગૃત અવસ્થામાં જો સંસ્કાર પડે, તો તે 'ચાર્જ' થયું કહેવાય ને ? દાદાશ્રી : એ પાછું જુદું ! સંસ્કાર પડવા એ વસ્તુ તો પ્રીન્ટ છે અને 'ચાર્જ' ક્યારે થાય કે કંઈ પણ કર્તા થાય તો ચાર્જ થાય. સ્વપ્ન-અવસ્થા એ તો પ્રીન્ટ છે. પ્રીન્ટ લાગે તેથી કંઈ એ કર્તા થતો નથી. કર્તા થાય તો 'ચાર્જ' થાય. કર્તા થાય નહીં ત્યાં સુધી ચાર્જ કેમ કરીને થાય ? એટલે જાગૃત અવસ્થામાં તમે કોઈને આમ આમ કરીને દર્શન કરતાં જોયો તો તમારા મનમાં સરસ લાગ્યું, એ સંસ્કારની પ્રીન્ટ સારી લાગી, તો તમે ય પણ આમ આમ કરીને દર્શન કરો. તેથી કંઈ કર્તા થતાં નથી. કોઈને વંદન કરતો જોઈએ તો એવાં સંસ્કાર એના પર પડે, ને એ ય વંદન કરે, તો તેનો અર્થ ચાર્જ થયું ના કહેવાય. દાદા, સ્વપ્નામાં !!! એટલે સ્વપ્ના તો બહુ જાતનાં આવે. પણ એક હિતકારી સ્વપ્નું કયું ? જ્ઞાનીનાં અંગે આવે એ સ્વપ્નાં સારાં. એ આપણને 'દર્શન'માં ફાયદો કરે, બધી રીતે લાભ કરે. તે ઘડીએ શરીરમાં પણ લોહી વધી જાય અને સ્વપ્નામાં 'દાદા' હાજર થાય, દાદાનાં દર્શન થાય, એ તો બહુ મોટામાં મોટી વસ્તુ કહેવાય. એ તો બહુ કામ કાઢી નાખે. આમ ધ્યાન કરવા જાઓ તો 'દાદા'નું ધ્યાન બરાબર ના થાય. અને સ્વપ્નામાં 'દાદા' એક્ઝેક્ટ દેખાય. એ 'એક્ઝેક્ટનેસ' કોણ લાવે છે, તે જ અજાયબી છે ! એટલે લોકો તો સ્વપ્નાની આશા રાખીને બેસી રહ્યા હોય કે એવું સ્વપ્નું ક્યારે આવે તો હું 'દાદા'ને જોતો રહું ! પેલું ગાયું છે ને, કે ''એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે.'' એટલ સ્વપ્ને જો દર્શન થાય, સ્વપ્નામાં ય દર્શન થાય, તો મન બીજે ગામ ચઢે નહીં પછી ! પ્રશ્નકર્તા : સ્વપ્નામાં 'દાદા' દેખાય એ શુભ અગત્યનું ચિહ્ન કહેવાય. દાદાશ્રી : અરે, શુભ અવસ્થા નહીં, બહુ ઊંચું ચિહ્ન કહેવાય. પ્રશ્નકર્તા : અતિ લગની લાગે ત્યારે 'દાદા' સ્વપ્નામાં દેખાય ને ? દાદાશ્રી : હા, ત્યારે આપણને સ્વપ્નામાં દર્શન થાય. અરે, વાતો હઉં કરે, હસે હઉં ! હસે છે કે નથી હસતા ? પ્રશ્નકર્તા : સ્વપ્નામાં તો 'દાદા' વઢે હઉં ! દાદાશ્રી : હા, દાદા વઢે-કરે, બધું જ કરે અને ઘણાં લોકોને 'દાદા' સ્વપ્નામાં આવવાના, તે વિધિઓ બધું કરી આપે. સ્વપ્નામાં બધાં બહુ જણની વિધિઓ થયેલી. અમે અમેરિકા રહેતા ત્યારે ત્યાં અમને પત્રથી ખબર આપે કે 'દાદા, અમને તો અહીં ઘેર બેઠાં વિધિ થઈ ગઈ છે.' હવે અમે ત્યારે ત્યાં અમેરિકા હોઈએ. પ્રશ્નકર્તા : મને પણ સ્વપ્નામાં 'દાદા' દેખાય કે કશી વાતચીત થાય, પણ હું આ સ્વપ્નાની વાત તો કાઢી નાખતો હતો. દાદાશ્રી : ના, કાઢી નહીં નાખવાની. સ્વપ્નામાં 'દાદા' આવે એ તો અજાયબી કહેવાય. અને સ્વપ્નામાં 'એક્ઝેક્ટનેસ' દેખાય. 'ફેસ' પણ એક્ઝેક્ટ દેખાય, હાથ બધું આમ એક્ઝેક્ટ દેખાય ! પ્રશ્નકર્તા : એવા સ્વપ્નાને હું એમ સમજતો હતો કે 'મારા મગજની ઇચ્છાઓ છે કે શું આ ?!' દાદાશ્રી : એવાં ગાડાં નહીં કાઢવાનાં. સ્વપ્નામાં 'દાદા'ના દર્શન થાય, એ તો મોટામાં મોટી અજાયબી છે. સ્વપ્નું એ તો 'એક્ઝેક્ટ' વસ્તુ છે. આ સ્વપ્નું એ આપણી 'ડિઝાઈન' નથી. એ આપણી 'ડિઝાઈન' હોત તો લોક જાતજાતનાં સ્વપ્નાં લાવે. ઠેઠ આખું રાજાપદનું સ્વપ્નું ભોગવ્યા જ કરે ! મગજની ઈચ્છાઓ, એ તો બધું બુદ્ધિશાળીઓએ આનાં ચૂંથણાં કર્યા છે. જ્યારે હું એને પૂછું કે, 'અલ્યા, આ ડિઝાઈન આપણી પોતાની ડિઝાઈન છે ?' એ મને કહે. નહીં તો આ લોક તો તેરસો રાણીઓની ડિઝાઈન કરી નાખે એવાં છે. બસ, તેરસો રાણીઓ ને પોતે રાજા ! કારણ કે જો ડિઝાઈન પોતાથી થતી હોય તો તો નક્કી કરે કે 'આજ તો મને આખો દહાડો દુઃખ પડ્યું છે ને, એટલે તેરસો રાણીઓનાં રાજા થઈએ એવું સ્વપ્નું આવે !' તે પછી એ સ્વપ્નામાં જ ગોઠવી દે. પ્રશ્નકર્તા : પણ આ ડિઝાઈન એટલે મનની કલ્પના જ ને ?! દાદાશ્રી : ના. એવું છે ને, આપણે આમ વિચારપૂર્વક ડિઝાઈન કરીએ કે 'આપણને આવું સ્વપ્નું આવજો.' પણ એવી કંઈ ડિઝાઈન ચાલે એવી નથી. એટલે સ્વપ્નું એ 'કરેક્ટ' છે. એની 'કરેક્ટનેસ' પર જરાય શંકા રાખવા જેવું નથી. એ પોતાની ડિઝાઈન નથી, એટલું સમજી જાઓ ને ! અને સ્વપ્નામાં 'દાદા'નાં દર્શન થાય એ તો બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે. એ પોતાની ડિઝાઈન નથી, કોઈ જીવ એવો જન્મ્યો નથી કે પોતે સ્વપ્નાની ડિઝાઈન કરી શકે ! 'અક્રમ વિજ્ઞાન' થકી વિગતવાર વિવરણ ! પ્રશ્નકર્તા : સ્વપ્નાને જો ભ્રાંતિ કહીએ ને, તો.... દાદાશ્રી : ભ્રાંતિ જ છે ને ! છતાં એ તદ્દન સત્ય છે. આ જીવતાં જે છે તે સત્ય છે, એવું પેલાં સ્વપ્નાં ય સત્ય છે, એ બધું રિલેટિવ સત્ય છે. માટે સ્વપ્નું તદ્દન કાઢી ના નાખશો. એવું છે ને, આત્મા સિવાય બધું ભ્રાંતિ જ છે. પણ છતાં એ 'હેલ્પફૂલ' છે, ભ્રાંતિમાં ય એ 'હેલ્પ' કરે એવું છે. એટલે દેવનું સ્વપ્નું આવે તે સારું અને સ્વપ્નામાં 'દાદા' આવે તો તો બહુ ઉત્તમ ! કેટલાંય લોકોને સ્વપ્નામાં 'દાદા' દેખાયા કરે છે. મુસલમાનો હઉ કહે, 'દાદા ખ્વાબમાં આવ્યા હતા !' તે કેમ ના આવે ? 'દાદા' એ તમારો જ આત્મા છે. આ 'એ. એમ. પટેલ' તો 'પબ્લિક ટ્રસ્ટ' છે. પછી એમનું ખાનગી રહ્યું શું તે, જ્યાં 'પબ્લિક લિમિટેડ' કરી નાખ્યું ત્યાં ?! ને આ સ્વપ્નું તો બહુ ઊંડી વાત છે, એનું કોઈ જગ્યાએ વિવરણ ના હોય. પ્રશ્નકર્તા : આ તો આપની પાસેથી જ આ વિગતવાર નીકળ્યું છે. દાદાશ્રી : હોય નહીં ને, કોઈ જગ્યાએ ! આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે બધાં વિવરણ નીકળે !! - જય સચ્ચિદાનંદ |
|---|