|
મન જ્ઞેય, 'આત્મા' જ્ઞાતા ! સંપાદકીય જ્ઞાની પુરુષ પરમ પૂજ્યશ્રી દાદા ભગવાનની કૃપાથી ગ્રંથી ભેદ થયો. હવે નિર્ગ્રંથ પદને પામવાનો પુરુષાર્થ શો ? હવે શુદ્ધાત્માનું લક્ષ, પ્રતિતીથી અનુભવ દશામાં આગળ વધવા સૂક્ષ્મમાં કેવી રીતે જાગૃતિ ગોઠવવી ? બાહ્ય વ્યવહાર ફાઈલ તો તરત ઓળખાય, સ્થૂળ અથડામણમાં સમભાવ ગોઠવી નિકાલનો પુરુષાર્થ શરૂ થાય છે, ત્યાં ભૂલચૂક થાય તો પ્રતિક્રમણો પણ થાય, પણ અંદર અંતઃકરણ છે, તેમાં મનના ગમતા-નાગમતા વિચારોમાં જ્ઞાન જાગૃતિ કેવી રીતે ગોઠવવી ? નાગમતા વિચારોને સુધારી શકાય ? તેને ફેરવી શકાય ? શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, તો એ શુદ્ધાત્માપદનો ધર્મ શો ? કેવી રીતે આત્મધર્મમાં રહીને મનની ગ્રંથીનો, વિચારોનો ઊકેલ લાવવો ? મન જ્ઞેય સ્વરૂપે છે અને આત્મા પોતે જ્ઞાતા સ્વરૂપે છે, તે જુદાપણાનો ઉપયોગ કેવી રીતે ગોઠવવો, તેની સૂક્ષ્મ ભેદરેખા આત્મઅનુભવી જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં સંપ્રાપ્ત થાય છે. તે સર્વ અત્રે સંકલિત થયું છે. જે પ્રત્યેક જ્ઞાન સાક્ષાત્કાર પામેલા મહાત્માઓને મન સામે જાગૃતિ ગોઠવવાની ચાવી સમ ઉપકારી થશે. - જય સચ્ચિદાનંદ
ફિલ્મને તોડી નંખાય ? દહાડે દહાડે શાંતિ વધતી જાય છે ને મહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે મનમાં જે વિચારો આવે છે, તેને શું કરો છો ? પ્રશ્નકર્તા : એને ઊડાવવા પ્રયત્ન કરું છું. આમ ઓછાં થઈ જાય છે. દાદાશ્રી : એને ના ઊડાડશો. આપણે આ સિનેમામાં ગયા હોય અને પડદા પર ઢેખાળો મારીને પડદા ફાડી નાખીએ, તો પછી શું થાય ? પ્રશ્નકર્તા : તો પછી વિચારોને રહેવા દેવા ? દાદાશ્રી : મનની ફિલ્મ તો જોવા માટે રહેવા દેવાની. મન એ જ્ઞેય છે. મનના વિચારો જ છે એ બધાં જ્ઞેય છે અને તમે છો જ્ઞાયક. હવે એ જ્ઞાયક એટલે ફિલ્મમાં જોનાર. જોનાર જ્ઞાતા કહેવાય. જોવાની વસ્તુ જ્ઞેય કહેવાય. તો ફિલ્મને આપણે તોડી નાખીએ, તો જ્ઞાતા શું જુએ ? પ્રશ્નકર્તા : કંઈ જ નહીં. દાદાશ્રી : એટલે તમારે ફક્ત જોયા કરવાનું. એટલે મન તમને હેરાન કશું કોઈ રીતે નહીં કરે. એટલે આટલું યાદ રહેશે ને રોજ ? પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી : એને ઉડાવવા નહીં ફરોને. પ્રશ્નકર્તા : જોયા જ કરીશું. દાદાશ્રી : આપણે સિનેમામાં જઈએ, અને 'ધી એન્ડ' (સમાપ્ત) એકલું જ વાંચવામાં આવે તો પછી ઝઘડો ના કરે લોકો ? એટલે મન છે, તે ફિલ્મ દેખાડે છે બધી. મનથી મુક્ત થવાનું છે, બસ ! મનથી મુક્ત થયો, એ બધાથી મુક્ત થયો. છતાં મન છે ને, તેની જરૂરિયાત બહુ છે પાછી. પ્રશ્નકર્તા : મન જરૂરી છે. એ આપ કહો છો ને મનથી મુક્ત થવાનું છે, એમ પણ કહો છો. દાદાશ્રી : હા, બેઉ કહું છું. પણ લોક મને કહે છે, 'મારું મન કાઢી નાંખો.' અલ્યા, મન જો કાઢી નાંખવામાં આવે ને, તો પછી ફિલ્મ શું જોઈશ તું ? મન તો ફિલ્મ છે આપણી આખી ! સારો વિચાર આવ્યો કે ખરાબ વિચાર આવ્યો, ફલાણો આવ્યો. એ તો આખું જોવાને માટે સાધન છે. એટલે મન તો ખાસ જરૂરિયાત વસ્તુ. આખા શરીરમાં બહુ જ જરૂરિયાત વસ્તુ હોય તો મન છે. પ્રશ્નકર્તા : મનની રમતને આપણે દ્રષ્ટા તરીકે જોઈએ. તો એને આત્મા સાક્ષાત્કાર કર્યો કહેવાય ? દાદાશ્રી : હા, મનની રમતને કાયમને માટે દ્રષ્ટા તરીકે જુઓ. જેમ ફિલ્મ અને જોનાર એવી રીતે રહો, તો તમે દ્રષ્ટા તરીકે થયા કહેવાય. પણ કાયમને માટે, પરમેનન્ટ માટે એવું રહેવું પડે. અને મનની ફિલ્મ જુએ, એ મુક્ત છે. મનની ફિલ્મ નિરંતર જોયા કરે અને તાદાત્મ્ય ના થાય, એ મુક્ત છે ! નિહાળ્યા કરે તે શુધ્ધાત્મભાવ ! પ્રશ્નકર્તા : દેહ, મન અને આત્મા- ત્રણની સ્થિતિ નિહાળવી અને સતત ઉચ્ચ શુધ્ધાત્મ ભાવમાં કેવી રીતે રહેવું ? દાદાશ્રી : મનમાં જે વિચાર આવે, તે સારા આવે કે ખોટાં આવે. મન એ જ્ઞેય છે, એકવાર તો ચંદુભાઈ જ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. હવે ચંદુભાઈના સ્પેરપાર્ટસ બધા ય જ્ઞેય છે. મન જ્ઞેય છે, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ્ઞેય છે, તેને જોવું-નિહાળ્યા કરવું. સારા-ખોટાં વિચાર નહીં જોવાનું, તમારે ઊંડા નહીં ઊતરવાનું, એને નિહાળ્યા કરવું, એનું નામ છે તે શુધ્ધાત્મભાવમાં રહ્યા બરોબર કહેવાય. દેહની શું સ્થિતિ છે, મનની શું સ્થિતિ છે, એ બધું નિહાળ્યા કરવાનું. જ્ઞાયક એ જ પરમાત્મા ! મનની શી અવસ્થા છે એને જુએ, એ જ્ઞાયક સ્વરૂપ છેે આપણે પોતે જ જ્ઞાયક છીએ, એટલે મનના વિચારોને જોયા કરવાનાં બધા. એ જાણવાની ચીજ અને આપણે જાણનારાં છીએ. બસ એટલું જ, આપણે સમજી લેવાનું. જ્ઞાયક સ્વભાવ છે આપણો. જ્ઞાયક સ્વભાવ ! તે મનમાં જે વિચાર આવ્યો, તરત આપણને ખબર પડી જાય. ઓહોહો, આવો વિચાર આવ્યો છે. પ્રશ્નકર્તા : પણ વિચાર તો ઉત્પન્ન થાય ને ? દાદાશ્રી : વિચાર ઉત્પન્ન થાય, એ એનો પાછલો માલ ભરેલો તે. તે આપણે જાણવું કે કચરો માલ ભરેલો છે. તે આ બાજુ કચરો, આ કચરા સાઈડ અને આ રાઈટ સાઈડ. પ્રશ્નકર્તા : પણ આ ભૂલ થાય છે, તે ભૂલ કેમ કહેવાય ? દાદાશ્રી : ના, ભૂલ તો કહેવાય નહીં ને. જોઈ જાણીએ એટલે પછી આપણે જ્ઞાયક સ્વભાવ ના છૂટે ને તેટલા પરમાત્મા થયા. જેટલો વખત, આમ મહીં ખરાબ વિચાર આવતા હોય, તે વખતે જ્ઞાયક રહ્યા તો જાણવું કે થોડા પરમાત્મા થયા. નિરંતર જ્ઞાયકપણું એ સંપૂર્ણ પરમાત્મા કહેવાય. તે ઘડીએ જ્ઞાયક થાય ને, ઘડીમાં પાછો જોડાઈ જાય, ઘડીકમાં પાછો જ્ઞાયક થાય. એ કચાશ કહેવાય. એ જોડાઈ કેમ જાય છે ? એને ત્યાં આગળ ચોંટી ગયેલું છે. ઈન્ટરેસ્ટ પડે છે. આને 'ખરું છે' એવું માન્યું છે. તમે કહ્યું ને કે 'આ ખોટું છે' એવો અનુભવ થયો, એટલું જ જો સમજે તો બહુ થઈ ગયું. એ પાછો ફર્યો કહેવાય. જાગૃતિ કેવી ઘટે ? આ અક્રમ વિજ્ઞાન છે, એટલે ઘણો ફેર થયો છતાં મહીં ગૂંચારા જેવું લાગે. કારણ કે મન છે ને, એ ફૂટ્યા કરે. છૂટા થઈ ગયાં, આત્મા અનુભવ થઈ ગયો, છતાં મન ફૂટે તે ઘડીએ જાગૃતિ રહે નહીં ને ? એટલી બધી જાગૃતિ રહે નહીં કે આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. ગમે એટલા મનમાં વિચાર આવતા હોય, એ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું એવું બોલે તો પરિણામ બિલકુલ શાંત થઈ જાય. જાગૃતિ તો કોને કહેવાય ? કે વિચાર આવતાં પહેલાં સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. ભરેલો માલ જોયા કરો ! પ્રશ્નકર્તા : મનમાં જે વિચારો આવે છે, ત્યારે ઘણી ફેરો એમ થાય કે આ આટલાં બધા વિચારો આવે છે એટલે ગયા જન્મમાં કેવું બધું આપણું હશે, તે આવા વિચારો આવે છે. દાદાશ્રી : એ ભરેલો માલ છે, એ જોવાનું છે આપણે. બીજા ખરાબ વિચારો તો આવે જ. ભરેલો માલ છે તે આવે, ના ભર્યો હોય તે ના આવે. આપણો જ ભરેલો છે આ માલ ! પ્રશ્નકર્તા : પણ એને ખાલી કરવાનો શો ઉપાય ? દાદાશ્રી : એને જોયા કરો તો ખાલી થયા કરે. અને મહીં એની જોડે તન્મયાકાર થાવ તો માર ખાઈ જાવ. એટલે તમે એ વિચારને જોયા કરો તો એ માલ ખાલી થશે. ગમે એટલાં ખરાબ વિચાર આવે, તમે એને જોયા કરો તો ખાલી થઈ જાય. આટલું જ સમજી લેવું ! સ્વરૂપ પ્રાપ્તિ પછી વિચારોનો ફોર્સ આવી જાય એટલે બીજો કશો વાંધો નહીં, પણ આપણું સુખ અંતરાયું એ જ નુકસાન છે. આ છોકરાંની નિશાળ છૂટે છે તો કેટલાંક છોકરાં સાથે નીકળે છે ? ઘંટ પડે કે શરૂઆતમાં ઢગલાબંધ છોકરાં નીકળે ને પછી તો એક-બે, એક-બે જ છોકરાં નીકળે. એવું છે આ વિચારોમાં પણ ! પણ આત્મા આમાં ય પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું છોડતો નથી, માત્ર સુખ અંતરાય છે. આત્મા ક્યારે ય પણ પોતાનો સ્વભાવ છોડતો નથી અને વિભાવમાં આવતો જ નથી. 'જ્ઞાની પુરુષ' પાસે આ બધું વિગતવાર સમજી લેવાનું, એટલે વાંધો ના આવે. એ જ ખાતરી આત્માની ! પ્રશ્નકર્તા : વિચારો ઘણાં આવી ગયા, પણ પાછળથી ખબર પડે કે આ તો વિચારો આવી ગયા. એટલે એ તન્મયાકાર થયો કહેવાય ? દાદાશ્રી : વિચારોમાં પેઠા નહીં તો છૂટા જ છે. આ વિચારોમાં વળગ્યા નહીં તો આત્મા આત્મા જ રહ્યો. ઘણીવાર એવું બને કે સામટાં વિચારો ફૂટે તો જાગૃતિ ના હોય, પણ પાછળથી આ વિચારો વળગણ છે એ જાણ્યું, એ જ બતાવે છે કે આત્મા હાજર છે. એવો રહ્યો આત્મધર્મ ! મહીં બહુ વિચાર આવે, તેમાં તન્મયાકાર રહે તો આશ્રવ કરે અને બંધ પડે. વિચારોનાં જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો નિર્જરા થાય અને સંવર રહે, કર્મને દાટો લાગી જાય. આ તો પોતાને ગમતી ગાંઠો હોય તે સંયોગ મળે ત્યારે ફૂટે અને જો વંચાય પણ તન્મયાકાર થયા તો કર્મ ચોંટે અને વાંચીને જવા દઈએ એટલે પછી પાછી એ ગાંઠ ના આવે. આ વિચારો આવે છે એ મનમાંથી આવે છે. એ આપણાથી તદ્દન જુદા છે, પણ ત્યાં તન્મયાકાર થઈ જાય છે. તન્મયાકાર ના થાય ત્યાં આત્મધર્મ ઊભો છે. ભરેલું તે જ નીકળે ! આપણે તો વિચારોને કહીએ કે, 'આવો, તમારે જેટલાં આવવા હોય તેટલાં આવો.' આ મનમાંથી વિચારો આવે છે, એ તો મહીં સ્ટોક ભરેલો હતો તે નીકળે છે અને એ નીકળે છે તે નિર્જરા થાય છે. પણ નિર્જરા ક્યારે થાય છે ? કે આપણે શુધ્ધાત્મા માં રહીએ તો ! તન્મયાકાર થાય તો તે કર્મો ચીકણાં થાય. આ તો મન જાતજાતનું બતાવે પણ આપણે તન્મયાકાર નહીં થવાનું. જોયા કરવાનું કે આવું બન્યું, તેવું બન્યું. ભેદ, દર્શન-જ્ઞાનનો ! આપણને નિરંતર કર્મ છૂટે છે. એટલે એ છૂટે, તે છૂટતાંને આપણે જોવું જોઈએ ફક્ત. એટલે જ્ઞાતા-દ્રષ્ટા શેનાં કે છૂટતાનાં, કે મનમાં શા વિચાર આવ્યા, તે બધા જાણવા જોઈએ. હવે વિચારોનું ઘમસાણ થયું હોય તો જાણવામાં ના આવતા હોય તો દર્શનમાં રાખવા કે ભઈ, આ બધા વિચારો આવ્યા, એ છૂટા છૂટા જાણવામાં ના આવ્યા ત્યારે સમૂહમાં ભેગા મૂકવાનું કે આ બધા વિચારો આવ્યા એ જોયા, એ દર્શન કહેવાય અને વિગતવાર જોયા, એનું નામ જ્ઞાન કહેવાય કે આ ફલાણો વિચાર આવ્યો. એટલે વિચારો આમ ભેગા આવતા હોય તો દ્રશ્ય કહેવાય અને વિગતવાર આવતા હોય કે ઔરંગાબાદ જવાનો વિચાર આવ્યો, તો એ જ્ઞેય કહેવાય. મન કલેશિત જ્ઞાન પછી ય ! પ્રશ્નકર્તા : 'આ' જ્ઞાન હોવા છતાં કોઈક વાર મન કલેશવાળું થઈ જાય છે, એનું શું કારણ ? દાદાશ્રી : એ મનને શું થાય છે, એ આપણે જોયા કરવાનું. તમારે મનમાં પેસવાનું નથી, તન્મયાકાર નહીં થવાનું. મન એ જ્ઞેય છે, મનના વિચારો એ બધા જ્ઞેય છે, એ સૂક્ષ્મ સંયોગો છે ને તમે જ્ઞાતા દ્રષ્ટા છો. એ તો આમાં પછી હવે અડવાનું જ ક્યાં રહ્યું ? એ તો જરાક ભૂલ થાય તો પછી પાછું બટન ના જાણતા હોય તો પછી શિયાળાને દહાડે પંખો ચાલવા માંડે. પણ એ જાણી રહ્યા પછી કશું ય નહીં પાછું. આ ક્લેશ જ ના કહેવાય. એ તો જરા મનની વિહવળતા કહેવાય. મન સહેજ વિહવળ થાય, એને ક્લેશ ના કહેવાય. એટલે એને જોયા કરવાનું. દોરો ખેંચ્યે, પતંગ સ્થિર ! પ્રશ્નકર્તા : મન જ્યારે મિનિંગલેસ વાત પર ચઢી ગયું હોય, તો શું કરવું જોઈએ ? દાદાશ્રી : 'હે ય, હું તને ઓળખી ગયો છું, તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.' તો એ બંધ થઈ જાય. એ જ્ઞેય જ છે અને આપણે જ્ઞાતા છીએ. આપણે એની પાછળ ક્યાં રખડ રખડ કરીએ ? એને તો કુટેવ પડેલી. જ્ઞેય-જ્ઞાતા કહ્યું એટલે છૂટી ગયું. એટલે મહીં ઉછાળા મારે તો આપણે જાણ્યા કરવું ને કહેવું ય ખરું, 'તું જ્ઞેય છું ને હું જ્ઞાતા છું. તારે જ્યાં જ્યાં ફરવું હોય તો ફર.' પ્રશ્નકર્તા : વિચારોની એટલી બધી ખેંચતાણ રહ્યા કરે કે જે જિંદગીમાં નહીં અનુભવ્યું, એ અનુભવવું પડે છે. દાદાશ્રી : એ અનુભવ, પણ આપણી પાસે જ્ઞાન છે તે, દોરો આપણી પાસે છે ને, એટલે ગમે તેમ ગુલાંટ ખાય, તો આમ ખેંચી લઈએ. એટલે પછી આવી જાય. વિકાર બન્યા જ્ઞેય ! પ્રશ્નકર્તા : સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મનમાં વિકારો રહે છે, તેનું કારણ શું ? દાદાશ્રી : મનના વિકારો તો જ્ઞેય છે, એટલે એ જોવાની વસ્તુ છે. પહેલાં આપણે માનવસ્વભાવમાં હતા. તેમાં આ સારું ને આ ખોટું, આ સારા વિચાર ને આ ખોટા વિચાર એમ હતું. હવે આત્મસ્વભાવમાં આવ્યા એટલે બધા એક જ વિચાર ! વિચાર માત્ર જ્ઞેય છે ને 'આપણે' જ્ઞાતા છીએ. જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. પછી ક્યાં રહી ડખલ, તે કહો ? અમે જે જ્ઞાન આપ્યું છે, તેનાથી 'રિલેટિવ' અને 'રિયલ'ને જુઓ. 'રિલેટિવ' બધી વિનાશી ચીજો છે ને 'રિયલ' બધી અવિનાશી છે. આ બધાં જ્ઞેય જે દેખાય છે, તે બધાં વિનાશી જ્ઞેયો છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, એ વિનાશી સંયોગો છે. આ બધું અહીં સત્સંગમાં આવીને પૂછી લેવું જોઈએ ને ફોડ પાડી લેવા જોઈએ. તો દરેક બાબતનું લક્ષ રહે ને લક્ષ રહે એટલે પછી કશું કરવાનું રહેતું નથી. સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું કરવાનું ના હોય. જ્ઞાન જ્ઞાનમાં જ રહે. આત્મા જ્ઞાયક સ્વભાવમાં જ રહે. જ્ઞાયક એટલે જાણ્યા જ કરવાના સ્વભાવમાં રહે. બીજો સ્વભાવ જ આત્માને ઉત્પન્ન ના થાય. પ્રશ્નકર્તા : જાણવું એટલે મનને જાણવાનું કે શરીરનાં સંવેદનોને જાણવાનું ? દાદાશ્રી : બધું ય જાણવાનું. મનના વિચારો આવે તે ય જાણવાના, બુદ્ધિ શું શું કરે છે તે ય જાણવાનું ને અહંકાર શું કરે છે તે ય જાણવાનું. જેટલા જેટલા સંયોગો છે તે બધાં ય જાણવાના. સંયોગોની ખબર પડે કે ના પડે ? મનમાં વિચાર આવે ને જાય, તે સંયોગ કહેવાય. ગમે તે વસ્તુ આવે ને જાય તે સંયોગ કહેવાય અને જે આવતો નથી ને જતો નથી, જે જોનારો છે એ કાયમ રહે છે, તે 'જ્ઞાયક' છે. એ જ્ઞાયક આ બધાં આવતાં-જતાં સંયોગોને જોયા કરે કે આ ફલાણાભાઈ આવ્યા ને આ ગયા. એવું આ જોયા જ કરે, એ આત્માનો સ્વભાવ ને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે આપણે તેમને કહીએ કે અહીં બેસી રહો તો ય એ જાય જ ! તમને માનવસ્વભાવ હતો ત્યાં સુધી મનમાં વિચાર આવતા હતા, તેને 'મને વિચાર આવે છે' એમ કરીને તન્મયાકાર રહેતા હતા. હવે તમને તન્મયાકારપણું ના રહે. એ છૂટો રહે. કારણ કે માનવસ્વભાવ એ પૌદ્ગલિક સ્વભાવ છે અને હવે આ આત્મસ્વભાવ છે. આત્મસ્વભાવ એ અવિનાશી સ્વભાવ છે ને પેલો વિનાશી સ્વભાવ છે. એ તો આવે ને જાય, તેને જોયા કરવાનું. છેવટે જાણનારો જ આત્મા ! 'ચંદુલાલ શું કરી રહ્યા છે' એ જાણવું જોઈએ કે એમને વિચાર આવ્યો અને જોવું. એ બધું આપણને દેખાવું જોઈએ કે આમને આવો વિચારે ય આવ્યો અને જોયું ખરું, એ આપણને દેખાય. શું શું થયું ચંદુલાલને, એ આપણે જાણીએ, એનું નામ શુધ્ધ ઉપયોગ. તન્મયાકાર થવાની હવે જરૂર નથી. આપણે શુધ્ધાત્મા થયા. પહેલાં તો હું જ છું. મને જ વિચાર આવે છે. એવું બોલતા હતા તેથી તન્મયાકાર થઈ જતા હતા. હવે આત્માને વિચારો આવતાં જ નથી. વિચારને જે જાણે છે, તે આત્મા છે. આ રીતે જાગૃતિ ગોઠવો ! જેમ જેમ વિચારોને જ્ઞેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે ! તમે જ્ઞાતા તરીકે 'જુઓ' એ શુધ્ધાત્મા નું વિટામિન છે. વિચાર જ ના આવે, એ શું જુએ ? પછી એને વિટામીન શી રીતે મળે ? જાગૃતિ રહેતી હોય, તેણે એક જ કરવા જેવું કે મનમાં જે વિચારો આવે ને, 'તમે જ્ઞેય છો ને હું જ્ઞાતા છું.' એવું બોલીએ કે તરત રાગે પડે. જેનાથી જાગૃતિ ના રહેતી હોય તો 'દાદા, દાદા' કર્યા કરે. 'હું શુધ્ધાત્મા છું' બોલ્યા કરે. અથવા તો જાપ કરવો પડે, એક ક્રિયા કરે તો બીજી ક્રિયા બંધ થાય. એક જ ક્રિયા એટ એ ટાઈમ હોય અને શુધ્ધાત્મા નો જાપ જો એવો કરે કે આમ ચોપડીમાંથી વાંચતો હોય એવા જાપ કરે તો તો બહુ સરસ. 'શુધ્ધ' ને 'ધા'ને 'ધ' જોડેલો દેખાય ને 'આત્મા' છું, એ બધું દેખાય, અક્ષરે અક્ષર દેખાય એવો જાપ કરે તો બહુ સરસ. ચોપડી વગર દેખાવું જોઈએ, એવો જાપ કરે તો બહુ ઉત્તમ. આખો દહાડો ના થાય, તો કલાક કરે, તો ય બહુ ઉત્તમ. બધી ગોઠવણી કરી રાખવી જોઈએ. કલાક આ કરવું જોઈએ. કલાક પદ વાંચે, કલાક આ કરે, આમ તેમ અવળ-સવળ બધું. આપણા સર્કલની બહાર ના જાય એવી ગોઠવણી કરવી જોઈએ. શુધ્ધાત્મા ના સર્કલની બહાર ના જાય. સર્કલ કયું કહેવાય ? અમે આજ્ઞા આપી હોય, એ સર્કલ કહેવાય. એ સર્કલમાં રહેવું જોઈએ. પછી મને વિચાર આવે છે, વિચારે ને વિચારે ચઢી જાય, એનો પાર જ ના આવે ને ! તેથી કંઈ શુધ્ધાત્મા બદલાઈ જતો નથી. અભિપ્રાય બદલાતો નથી. પણ ડાઘ પડે. વિચારની હદ તો કોને કહેવાય ? અજ્ઞાન દશામ ાં આત્માસં બંધીનો જ વિચાર કામ કરે. બાકી સંસારસંબંધનો વિચાર કશું કામ ના કરે. એ વિચાર તો ઉલટું ગૂંચવે. 'જોયા' કરવા અભિપ્રાયોને ! પ્રશ્નકર્તા : બધાં માણસો પોતપોતાના અભિપ્રાયો ને આગ્રહો ઉપર ઊભાં છે. દાદાશ્રી : હા, પોતાનો અભિપ્રાય બાંધેલો ને આગ્રહો, બસ એની પર જ ઊભાં છે. પ્રશ્નકર્તા : પણ એ જલ્દી કેમ ઓગળી જાય ? દાદાશ્રી : એ તો ઓગળે. એ અભિપ્રાયોનું જ તો આ મન બનેલું છે, ને મન છે ત્યાં સુધી જાય શી રીતે ? પ્રશ્નકર્તા : એમાંથી છૂટાં કેમ થવાય ? દાદાશ્રી : છૂટાં જ છે. એ બધા અભિપ્રાયો હવે જોયા કરવાના. 'મન શું બોલે છે' એને જોયા કરવાનું. બધું જોયા જ કરવાનું છે. 'એ' જ્ઞેય છે ને આપણે 'જ્ઞાતા' છીએ. એ જડ છે ને આપણે ચેતન છીએ. એટલે મન અભિપ્રાયોનું બનેલું છે. 'તમારા' અભિપ્રાયોનું બનેલું છે. જો અભિપ્રાયો તૂટી ગયા તો તમારું મન ખલાસ થઈ ગયું. તમને સમજાઈ થોડી વાત ? કે ના સમજાઈ ? પ્રશ્નકર્તા : સમજાયું. મનના, વાણીના ને બહારના સંયોગો... હવે વિચારો જે મનને આવે છે, એ સૂક્ષ્મ સંજોગો છે. સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અને વાણીના સંજોગો પર છે ને પરાધીન છે. એટલે આ મનમાં વિચારો આવ્યા કરે, એ સૂક્ષ્મ સંયોગો, બુદ્ધિનાં સંયોગો બદલાયા કરે. મનમાં જે જે વિચારો આવે છે, તે ઘડીકમાં કહેશે, 'અહીંથી ટેક્ષી મારફતે જવું છે.' પછી થોડીવાર રહીને કહે, 'ના ચાલીને જઈએ.' એવા વિચાર મહીં બદલાતા નથી ! એ બધાં સૂક્ષ્મ સંયોગો છે. તે મનના ભાવો કહેવાય છે ને આત્માનાં ભાવો નથી. મનના ભાવો એટલે મન પોતાનાં ધર્મમાં છે. આપણે સારું બોલવું હોય તો ય ના બોલી જવાય અને અવળું બોલી જવાય. વાણી આપણને ગમતી હોય છતાં ના બોલાય. આપણે ચાર વખત કોઈ વસ્તુ બોલવી હોય ને પાંચ વખત બોલી જવાય છે, તે વાણી આપણા કાબુમાં નથી, કંટ્રોલમાં નથી. આપણે ના બોલવું હોય તેવું બોલી જવાય છે અને પછી પસ્તાવો થાય, એટલે એ વાણીના સંયોગ છે. પછી આ દેહનાં સ્થૂળ સંયોગો, બહાર ભેગા થાય તે, આંખે દેખાય તે, સ્પર્શ થાય તે, ટાઢનો-તાપનો, કોઈ ગધેડું સામું મળે તે, અપશુકન થયાં હોયને તે ય સ્થૂળ સંયોગો છે. બધા કોઈક સગોવાળો મળ્યો, કોઈ રાગવાળો સંયોગ મળ્યો, કોઈક દ્વેષવાળો સંયોગ મળ્યો, આપણને બહાર જે ભેગા થાય છે. એ સ્થૂળ સંયોગ છે બધાં. આ ત્રણે સંયોગો ને શુધ્ધાત્મા , બીજું કશું રહ્યું નથી. એ બધા સંયોગો પોતાનાં કાબૂમાં નથી. આપણને એ પર છે અને પરાધીન છે. હવે એ સંયોગો પોતે જ્ઞેય સ્વરૂપ છે અને આપણે જ્ઞાતા છીએ. એટલે આપણને ખબર પડે કે મન આવું બતાવે છે, ઘડીકમાં સારું બતાવે છે, ઘડીકમાં અવળું બતાવે છે. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે, પછી એની મેળે એ જતા રહે. વિચારો માત્ર, સૂક્ષ્મ સંયોગો ! અત્યારે મહીં ખરાબ વિચાર આવે એ તો જ્ઞેય છે, પહેલેથી જ જ્ઞેય છે. પણ આ તો પહેલાં પોતે જ્યાં સુધી કર્તા થયો હતોને, ત્યાં સુધી સારા વિચાર આવે તેની મહીં તન્મયાકાર થઈ જાય અને ખોટા વિચાર આવે ત્યારે છૂટો રહે. હવે આ વિચારો જે મનના છે એ સૂક્ષ્મ સંયોગો છે અને એ પર છે અને પરાધીન છે. સ્થૂળ સંયોગો એટલે બહારનાં સંયોગો જે ભેગા થાય છે આપણને આ શરીરની બહાર, ટાઢ વાય, કોઈ ભેગો થાય, એ બધા સ્થૂળ સંયોગો કહેવાય. એ પણ પર છે ને પરાધીન છે. આપણા હાથમાં સત્તા નથી. કોઈ માણસ ભેગો થવાનો હોય, તે તમારા હાથમાં સત્તા નથી. પછી અંદર વાણીના સંયોગો, કોઈકની વાણી આપણને અથડાય અગર આપણી વાણી કોઈને અથડાય, એ બધા વાણીના સંયોગો છે, એ પર ને પરાધીન છે. આ મનમાં જે 'એક્ઝોસ્ટ' થયા કરે છે, તે જ સંયોગ નીકળે છે એ બધા સંયોગો જ્ઞેય સ્વરૂપે છે અને આપણે જ્ઞાતા સ્વરૂપ છીએ. એટલે ખરાબમાં ખરાબ વિચાર આવે તે ય આપણે જોવો અને દાન આપવાનો વિચાર આવે તો ય જુઓ. આપણે જોયા એટલે એ કામ પતી ગયું પહેલું ! આપને સમજમાં આવે છે ને ! એટલે આમાં ગમે તેવો ખરાબ વિચાર આવે, તેમાં આપણે લેવા દેવા નથી. વિચાર તો મનનો છે અને મન એ 'કમ્પ્લીટ ફિઝિકલ' છે, અને એ 'ડિસ્ચાર્જ' થઈ રહ્યું છે. તેમાં જે આત્મા ભ્રાંતિવાળા સ્વભાવનો હોય તો તન્મયાકાર થઈ જાય. ગમતી વાત આવી, તેમાં એકાકાર થવું, એનું નામ ભ્રાંતિ. એ જ આ જગતમાં ચાલી રહ્યું છે. એવા તન્મયાકાર તમે થયેલાં ખરાં, પહેલાં કોઈ વખત ? પ્રશ્નકર્તા : થયેલો ને. દાદાશ્રી : ગમતામાં ? કે ના ગમતામાં ? પ્રશ્નકર્તા : ના ગમતામાં કોઈ દિવસે નહીં થયેલો. દાદાશ્રી : બહુ પાકાં. ના ગમતામાં નથી થયા ને ? હવે ના ગમતા વિચારો આવેને તો મારી પાસે બૂમો પાડો છો કે મને ખરાબ વિચાર આવે છે. અલ્યા, ખરાબ વિચારો આવે છે. માટે 'તું આત્મા છું !' એવું છે, ખરાબ વિચાર આવે ત્યારે મન જોડે ભેગો જ ના થાયને, ને તન્મયાકાર ના થાય એટલે છૂટો રહ્યો. તે ઘડીએ આત્મા છે !! ડોશી જ્યમ કચકચ કોઠે પડી ! મનનાં ગુણધર્મ બગડેલા હોય, એ ખબર પડે કે ના પડે ? પડે. ઘરમાં કોઈ ડોસી આવે અને આખો દિવસ કચકચ કરતી હોય, તો પાંચ-પંદર દિવસમાં એની સાથે જો ભાંજગડ જ ના કરવી હોય તો ટેવાઈ જવાય. તેમ આ મનમાં દારૂગોળો ફૂટે છે અને તેનાથી ટેવાઈ ગયા છે. તે ખબર જ પડતી નથી કે આ ક્યો દારૂ ફૂટે છે ? એ કોઠે પડી ગયું છે. અવર-હવર (અવળું-સવળું) દારૂ ભેગો થઈ ગયો છે. માનીએ કે આ ફૂલઝડી છે અને ફૂટે હવાઈની જેમ. તેમ મનમાં પણ અવર-હવર ભરેલું હતું તે તેવું ફૂટે છે. ડોસીની જેમ મન સાથે ભાંજગડ ના હોય તો ટેવાઈ જવાય. મનની કચકચ ડોસીની કચકચની જેમ કોઠે પડી જાય. 'આપણે' તો 'જ્ઞાતા-જ્ઞેય'નો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથેનો સંબંધ. આપણે જ્ઞાતા અને અંતઃકરણ તે જ્ઞેય. જ્ઞેય-જ્ઞાતા સંબંધ, શાદી સંબંધ નહીં. તેથી છૂટું જ રહે 'આપણાથી' તે ! જ્ઞેય સામે જ્ઞાનશક્તિ ખીલે ! આ મુંબઈની લોકલ ટ્રેનમાં સાંજના વખતે બરાબરની ભીડ હોય ત્યારે આમથી ગોદા મળે ને તેમથી મળે. ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, બધાં જ બરોબરના ભીડમાં આવેલાં હોય. બધાં જ એંગેજ (રોકાયેલા) હોય ત્યારે 'પોતાને' (શુધ્ધાત્મા ને) તે વખતે જોવાની- જાણવાની ખરી મઝા આવે. ત્યારે એ એકલો પડે અને ત્યારે જ એને ખરી સ્વતંત્રતા મળે. અલ્યા, જેમ ભીડ વધારે અને જ્ઞેય વધારે તેમ 'જ્ઞાતા'ની 'જ્ઞાનશક્તિ' પણ ગજબની ખીલે. ખરેખરો ભીડમાં હોય ત્યારે પેલી બાજુ 'જ્ઞાતા' પણ ખરેખર ખીલે, સંપૂર્ણ પ્રકાશમાં આવે. જેટલો સ્કોપ વધ્યો તેટલી શક્તિ વધી. આ કેટલાંક બધું છોડી જંગલમાં જાય છે તે અલ્યા, ખરી મઝા જ ભીડમાં છે. બહાર ભીડ, મહીં ભીડ, બધે જ ભીડ હોય ત્યારે શુધ્ધાત્મા ખરો એકલો પડે. ત્યાં પછી એ જરાય કશામાં જ તન્મયાકાર ના થાય. જો કે આ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય પછી જ બની શકે. સારાં-ખોટાં, બેઉ જ્ઞેય ! વિચાર આવ્યો કે આજ બજારમાં નથી જવું. તો એ ય જ્ઞેય વસ્તુ છે. એમાં આપણે કશું લેવાદેવા નથી. મને એમ કેમ વિચાર આવે છે ? એવું ના હોય હવે આપણને. કારણ કે આપણે એનાં માલિક જ નથી, હતા ય નહીં. અને આ જેમ છે તેમ જાણી ગયા. પછી હવે છૂટા થઈ ગયા. આપણે તો સારાં આવે છે કે ખોટાં આવે છે, બેઉ વોસરાવી દીધું. આપણને એને લેવાદેવા નહીં. વિચાર તો શું ના આવે ? જરાક તબીયત નરમ થઈ ત્યારે કહેશે, મરી જવાશે કે શું ? એ ય વિચાર આવે, આવે કે ના આવે ? એ બધા વોસરાવી દેવાનાં. બાકી આ મનમાં ના ફસાયા તો કામ થઈ જશે. મન તો જ્ઞેય વસ્તુ છે. વિચાર આવે કોઈ ફેરો બહુ જબરજસ્ત, તો આમ વંટોળો આવે. એમાં ય તમારો નંબર લાગે ? પ્રશ્નકર્તા : પણ ત્યાં સુધી તરત જ કહી દઈએ કે આ મારું ન્હોય. દાદાશ્રી : હા, હિંમત જોઈએ. યે મેરા નહીં, યે પુદગલકા, ને ચિંતા-બિંતા કશું ના થાય. અહીં બેઠા મોક્ષ ! જુઓ તો ખરાં !! એ જુદાપણું મોક્ષ વર્તાવે ! આ મન તો જાતજાતનું દેખાડે. એને માત્ર 'જોવાનું' અને 'જાણવાનું' હોય. મનને તે દેખાડવું, એ એનો ધર્મ-મનોધર્મ છે અને આપણો ધર્મ જોવા-જાણવાનો છે; પણ જો તેની સાથે તન્મયાકાર થાય, શાદીસંબંધ થાય તો હેરાન કરે. મોક્ષ એટલે મન-વચન-કાયાથી મુક્તપણું, 'પોતાનું' સ્વતંત્ર સુખ, કોઈનાં અને પોતાનાં મન-વચન-કાયા અસર ના કરે ! મન-વચન-કાયાનું કેવું છે ? કે 'આ' દુકાન હોય ત્યાં સુધી આપણી દુકાનનો માલ બીજે જાય અને બીજાની દુકાનનો માલ આપણી દુકાને આવે, એવું છે ! ન બંધ કરાય વિચારોને કદી ! પ્રશ્નકર્તા : મનમાં જે વિચારો આવે છે એ બધા મને દેખાય ખરાં, પણ હું એને સ્ટોપ નથી કરી શકતો. તો એને જોયા જ કરવાનું ? દાદાશ્રી : જોયા જ કરવાનું. સ્ટોપ કરવાનું નહીં. આપણે ટાંકી ભરેલી છે અને નવું આવતું નથી પણ જૂનું નીકળે નહીં તો પણ ગંધાયા કરે. એટલે જૂનું વધારે નીકળે તો સારું. બધું જોયા જ કરવાનું, શું નીકળે છે તે. ગંધવાળું પાણી નીકળે છે કે સારું પાણી નીકળે છે, તે જોયા કરવાનું. પ્રશ્નકર્તા : પછી આગળ શું કરવાનું ? દાદાશ્રી : કશું કરવાનું નહીં. જોયા જ કરવાનું. ખાલી થઈ જાય ત્યાં સુધી જોયા કરવાનું. એ ખાલી થઈ જશે. હવે આવવાનું બંધ છે અને જૂનું જાય છે, એને ડિસ્ચાર્જ કહેવાય. એ ખાલી થયા કરે અંદર. એ જોયા કરવાનું. ખરાબ પડ્યું હોય, તે જોયા કરવાનું અને સારું હોય તો ય જોયા કરવાનું. ખરાબ વિચાર આવે તે જોયા કરવાનું અને સારા વિચાર આવે તે જોયા કરવાનું, બધું જોયા કરવાનું. તમે જોયા કરો છો ને ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : હવે ખરાબ આવે તો ય આપણને લેવાદેવા નહીં. સારું આવે તો ય આપણને લેવાદેવા નહીં. કારણ કે જે ચાર્જ કરેલું હતું, તે જ ડિસ્ચાર્જ થાય છે. પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : ખરાબ વિચાર આવતા હોય તો આપણે શું ? એ મહીં માલ જેવો ભર્યો છે એવો આવે. તો આપણે એને જોયા કરીએ. પ્રશ્નકર્તા : ખરાબ માલ ફૂટે ત્યારે એવું થાય કે આ બધું આવું ક્યાં નીકળે છે. પછી એક બાજુ દેખાય કે વ્યવસ્થિત છે. પણ બીજી બાજુ દેખાય કે વ્યવસ્થિત કરીને પ્રોટેક્શન (રક્ષણ) કર્યું. દાદાશ્રી : હા, પણ એ માલ તો આપણે જોવાનો જ કહ્યો છે. જે ભર્યો છે એવો નીકળે કે બીજો નીકળે ? પ્રશ્નકર્તા : ભરેલો જ નીકળે. દાદાશ્રી : પછી એની શી ભાંજગડ આપણે ? પછી ઉપાય ક્યાં રહ્યો ? જોવું શુધ્ધાત્મ દ્રષ્ટિથી ! એટલે બધાં ટકોરો મારે કે ભાઈ, વિચાર ના કરીશ બહુ. એ સ્વાભાવિક રીતે છે. નૈમિતિક કહેવું પડે છતાં ય વિચાર તો આવ્યા જ કરવાનાં. પણ આપણે નક્કી કરવું કે મારે નથી કરવાં, એટલે વિચારો ઉપર ધ્યાન ના દેવું. એટલે શું કરવાનું ? તન્મયાકાર ના થવું. જોવું, શું થાય છે ? એવું એ કહેવા માંગે છે. 'વિચાર ના કરીશ' કહે, એટલે કંઈ આ વિચાર બંધ થાય જ નહીં ને ! એવું જ કહેવા માંગો છો ને તમે ? પ્રશ્નકર્તા : એમ જ કહ્યું છે, વિચાર જો આવે, વિચાર તો આપણે રોકી ન શકીએ. દાદાશ્રી : હા, છોડે નહીં. એ તો ડિસ્ચાર્જ છે ને !? પ્રશ્નકર્તા : હા, એ તો જોયા કરવાનાં આવે તે. દાદાશ્રી : જોયા કરવાનાં બસ, એટલે છૂટાં આપણે. પ્રશ્નકર્તા : ખાલી ગાંઠોને જોવાથી જ ઓગળી જાય. પણ એને એક્સ્લરેટ (ગતિ વધારવી) કરવું હોય, ઝડપી નિકાલ કરવો હોય તો શું કરવાનું ? દાદાશ્રી : એ તો ગાંઠ ફૂટે, તે ઘડીએ એને શુધ્ધાત્મા ની દ્રષ્ટિથી જોયા જ કરવાનું આપણે. એટલે એની મેળે નિકાલ થઈ જાય. પ્રશ્નકર્તા : જેવી શુધ્ધાત્મા ની દ્રષ્ટિ પડે કે તરત જ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધા સવળાં- સીધાં થઈ જાય કે કાર્ય કરતાં બંધ થઈ જાય. દાદાશ્રી : એવું કંઈ કાયમ હોતું નથી. કેટલીક વખત બંધ થઈ જાય ને કેટલીક વખત ચાલુ હોય. તેનો વાંધો નથી. પણ એ બધું જોવાનું જ છે. બંધ થઈ જાય તો જોવાનું રહ્યું નહીં ને ? એવું છે ને, કેટલીક બાબતમાં બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : આપણે વિચારો ઉપર આપણી દ્રષ્ટિ રાખીએ, દ્રષ્ટિગોચર કરીએ તો આ વિચારો આવતા બંધ થઈ જાય છે. દાદાશ્રી : હા, બંધ થઈ જાયને સ્વાભાવિક રીતે. દ્રષ્ટિ રાખીએ, તો એને પોષણ ના મળે. એ બંધ થઈ જાય. મહીંથી ભરેલો માલ નીકળે અને એ બીજા ટાઈમમાં ન નીકળે, એ ટાઈમે ખલાસ થઈ ગયો હોય. જોઈ લો એટલે પુષ્ટિ રહે નહીં ને ! પુષ્ટિ હોય તો તો નીકળ્યા જ કરે. તમે જોઈ લો એટલે એમાં તન્મયાકાર થતાં નથી. તન્મયાકાર થાય તો તો નીકળ્યા જ કરે. હેય, ચાર કલાક સુધી ચાલ્યા કરે મહીં. એને જોઈએ એટલે બંધ થઈ જાય પછી. થોડીવાર નીકળે ને નીકળીને પછી બંધ થઈ જાય. એટલે પછી આપણે બીજી ચીજ જોવી. અહંકાર શું કરી રહ્યો છે, બુદ્ધિ શું કરી રહી છે, બધું દેખાય. પ્રશ્નકર્તા : આ મનને જોયા કરવું એટલે શું ? એક્ઝેક્ટ કેવી રીતે જોવું ? દાદાશ્રી : ધારો કે હમણે છે તે વિચાર આવ્યો, આપણે ગાડી લઈને કોઈ જગ્યાએ જતા હોઈએ અને મુંબઈમાં કોઈ જગ્યાએ એકિસડંટ (અકસ્માત) થયેલો દેખો, એટલે પછી પાછું આપણું મન આપણને શું કહે, 'એક્સિડંટ થશે તો ?' તો આપણે કહીએ, 'નોટેડ.' (નોંધ કરી) એટલે પછી સત્સંગની વાત કરે. એને એવું કશું નથી. પણ આ ગભરાઈ જાય મૂઓ, એક્સિડંટ થશે તો ?!!! તે આગળ પેલું મન તો પછી બોલી શકે જ નહીં. મનને એવું કશું નહીં. મન તો પછી આ હમણે એક્સિડંટ થશે કહે ને પછી એ જો આપણે 'નોટેડ' કહીએ, તો એ આગળની પછીની વાત કરે. રડારની જેમ સૂચવે. એનાથી ગભરાવા જેવું છે નહીં. એને જુએ-જાણે તો કશી ભાંજગડ નથી. અમે મરી જઈશું, તો મરી ગયેલું હઉ દેખાડે. તે ય કહીએ આપણે, કે કરેક્ટ (બરાબર).... એક્સેપ્ટ (કબૂલ).... 'નોટેડ' (નોંધ્યું). પણ આ અજ્ઞાની મનુષ્યોનો સ્વભાવ કેવો ? મનને જે વિચાર આવ્યો, તેની મહીં તન્મયાકાર થઈ જાય. એટલે પછી આગળની વાત કહેવાની રહી ગઈ, પણ બધું એમાં જ ડૂબી મરે. શુધ્ધાત્મા મળ્યો એટલે 'આ વ્યવસ્થિત છે' ને તેને કોઈનાથી આઘુંપાછું થઈ શકે એમ નથી. મનમાં જે ભાવો છે, તે ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. કારણ કે કાન સાંભળ્યા વગર રહે નહીં, એવું મન છે એ બોલ્યા વગર રહે નહીં. એ બોલે તો આપણે કામ હોય તો સાંભળવું, ના કામ હોય તો 'તમારી વાત ખરી છે, હવે અમે ચેતવણી લઈશું.' કહીએ. એટલે પછી આગળની વાત કરે. એ તો રડારની માફક કામ કરે છે અને જે દેખાય છે ને અવસ્થા- પર્યાયો, તે તમને ખબર આપે છે. 'આમ થશે તો, આમ થશે તો.' એમાં આપણને શું વાંધો છે. 'વ્યવસ્થિત છે' તે આપણે જાણીએ છીએ. પછી એ કહે, પછી આગળની વાત કરે. એને એવું નથી કે એની એ જ વાતો કર્યા કરે. ફક્ત અજ્ઞાન હતું. ત્યાં સુધી મનમાં તન્મયાકાર થઈ જતાં હતા ત્યારે પોતે દુઃખને પામતાં હતાં. મનને ખસેડવાની જરૂર નથી, મારવાની ય જરૂર નથી. કોઈને મારશો અને તમે મોક્ષે જશો, એ ક્યારે ય નહીં બને. મનને કહીએ, 'તું તારી મેળે જીવ.' અમે અમારી જગ્યાએ છીએ, તું તારા સ્થાનમાં છે. આ તો ખાલી મહીં મન છે ને, તે ટીબીડતાવાળું હોય. અમથું જ રડારની પેઠ બૂમાબૂમ કરી મેલે કે 'એ આવ્યા, એ આવ્યા.' ત્યારે કહીએ, 'ભઈ, આવવા દેને ! અમે આ બાજુ જઈએ છીએ. તું શું કરવા બૂમાબૂમ કરે છે.' કારણ કે એ તો રડારની પેઠ આપણને ઇન્ફોર્મેશન (સૂચના) આપે તરત. આપણે સમજી લેવાનું. એ ઇન્ફોર્મેશન ના આપે તો ખોટું કહેવાય. એટલે ઇન્ફોર્મેશન બધી આપે છે. તમને ચેતવણીઓ આપે છે અને જેવી માગે એવી દેખાડે છે તમને. એમાં એનો ગુનો શો બિચારાનો ?! આપણે સમજી લેવાનું કે આ તો રડાર છે. એને એનાં સંજોગો લાગે ને, તેથી રડારની માફક આપણને ચેતવે છે. તો આપણે કહેવું કે નોંધ કરી અમે. પછી પાછાં સત્સંગની વાત કાઢે. પછી એવું કશું નથી, એ પકડી રાખશે. આપણે વાંકા છીએ. આપણે ભડકી જઈએ છીએ ને, પછી પેલું મન ખસતું નથી. એને સમજાવીએ એટલે પછી ભડકે નહીં. એટલે મન રડારની પેઠ કામ કરે છે. કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયેલાં હોય, મને એવી જગ્યાએથી જવાનું થયું, તો ત્યાં મન આપણને કહેશે કે 'એક્સિડન્ટ થશે તો ?' તો આપણે જાણવું કે અત્યારે મન, રડાર આવું બતાડે છે. એટલે આપણે શુધ્ધાત્મા માં પેસી જવું અંદર. 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું'માં પેસી જવું અંદર. પછી એવી જગ્યા જતી રહે ત્યારે પછી આપણે બહાર નીકળવું. એટલે મન બીજું કશું કરતું નથી, દેખાડે જ છે ! આ જગતના લોકોને શું થાય ? 'એક્સિડન્ટ થશે' કહ્યું, તે સાથે પોતે તન્મયાકાર. તે એ જ પોતે એક્સિડન્ટ જેવો થઈ જાય. આપણે આત્મા જુદો પાડ્યો એટલે તન્મયાકાર ના થાય. આપણે એનાં જ્ઞાતા-દ્રષ્ટા જ છીએ. પણ રડાર જો કહે તો આપણે ગુફામાં પેસી જવું. પ્રશ્નકર્તા : આ મન જ્યારે કહે છે, ત્યારે પર્યાય એનાં કંઈક હોય તો જ કહે ને ! દાદાશ્રી : એવા સંજોગો દેખાતા હોય તો જ બોલે, નહીં તો બોલે નહીં, પણ સંજોગો બધાં જેવાં દેખાય છે તેવાં નથી હોતા. પણ એને તો પોતાને જેવું દેખાય છે તેવું કહી દે. એ એની ફરજ છે. મન ડ્યુટી બાઉન્ડ (ફરજથી બંધાયેલું) છે. એટલે રડાર તો જોઈએ જ ને ! ત્યારે લોકોને આ રડાર કાઢી નાખવું છે ! અલ્યા, માઈન્ડ વગર તો કેમ ચાલે ? એ રડાર છે. એટલે માઈન્ડ તો જોઈએ જ. એ ભય સૂચવે અગર તો આનંદની જગ્યા હોય તો ત્યાં ય એ દેખાડે કે બહુ સરસ, આનંદની જગ્યા છે. એટલે એ રડારનું કામ કરે છે. અને બહાર ભય જેવું હોય તો આપણે શુધ્ધાત્મા ની ગુફામાં પેસી જવું. અને તે વખતે એક્સિડન્ટ થઈ ગયો તો આપણે શુધ્ધાત્મા માં રહ્યા, એટલે બીજું નુકસાન જ નહીં ને ! અને મન દેખાડે છે, એમાં આપણને શું નુકસાન ?! જગતના લોકો શું કહે છે, 'આવું ભય ના બતાવશો.' એમને મન ભય બતાડે, તે નથી ગમતું. પણ આપણને ભય બતાડે તો શુધ્ધાત્મા માં પેસી જવું. મરણના વિચાર આવે ત્યાં ? આ વિચારો આવ્યા કરે. વિચારો જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. એ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ રાખવો જોઈએ. ચૂકવું ના જોઈએ. ગમે તે જાતના વિચાર આવે, મરણના હઉ આવે, આપણું મરણ થયું, એ દેખાડે હઉ પાછું. પ્રશ્નકર્તા : મરણનો વિચાર આવે, એનો અર્થ શું ? દાદાશ્રી : કશો અર્થ નહીં. એ એનાં સ્વભાવ બધો બતાવ્યા કરે. 'હું શુધ્ધાત્મા છું' એ જ્ઞાન ઉત્પન્ન થયા પછી મન બાંધ્યું રહે. નહીં તો મન કોઈ દહાડો બંધાય નહીં. હવે મન જે કૂદાકૂદ કરતું હોય ને, તે તો આપણે જોવાનું ને જાણવાનું. પછી એમાં ડખો રહ્યો જ નહીં ને. હવે તમને બંધાયેલું લાગે છે ને મન ? એ સ્વ-વશ થઈ જાય પછી ! માંદા પડ્યા હોય ને, તો મહીં એમ ચેતવે ય ખરું કે 'મરી જવાશે તો ?' ત્યારે આપણે કહીએ કે 'ભાઈ, હા. અમે ય હવે બરોબર રેગ્યુલર (નિયમિત) રહીશું એ બાબતમાં. હવે બીજી વાત કરો.' પછી મન બીજી વાત કરે. આ જ્ઞાન પછી 'ચંદુભાઈ શું કરી રહ્યા છે', તે તમારે જોયા કરવાનું. 'ચંદુભાઈ' એ જ્ઞેય છે અને 'તમે' જ્ઞાતા છો. ચંદુભાઈ એકલો નહીં, ચંદુભાઈનું મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું શું કરી રહ્યું છે, એ જોયા કરવાનું. મનની જોડે તન્મયાકાર 'આપણે' હવે હોઈએ નહીં. 'આપણે' તન્મયાકાર હતા, તે જુદા થઈ ગયા. પ્રશ્નકર્તા : મનની એ ચંચળતા કાઢવી કેમ કરીને ? દાદાશ્રી : હવે જ્ઞાન પછી તમારે ચંચળતા કાઢવાની જરૂર ના હોય ને! તમારે તો જોયા કરવાનું. મેં તો તમને જ્ઞાન આપ્યું છે. તે 'તમારે' એ ચંચળતા શું કરે છે, તે 'જોયા' જ કરવાનું. બાકી જગતના લોકો તો, મનની સાથે પોતે પણ રમે છે. મન નાચે ત્યારે એ પણ નાચે છે. અલ્યા, મન નાચે છે. 'તું' એના નાચ જોયા કરને ! આ તો 'તમે' ય એ નાચની સાથે નાચો છો. ગમતો વિચાર આવે એટલે 'તમે' નાચવા લાગી જાવ અને ના ગમતો આવે એટલે એની જોડે ઝઘડો કે 'તું ક્યાં આવ્યો ? તું ક્યાં આવ્યો ?' ના ગમતા વિચાર આવે ત્યારે તો ખબર પડી જાય ને કે મન ખરાબ છે, તે ખરાબ વિચારો કરે છે. ખરાબ વિચારો આવે તે ઘડીએ 'ડીપ્રેશન' આવી જાય ને સારા વિચારો આવે ત્યારે 'એલીવેટ' થઇ જાય. હું તો તમને એવા તૈયાર કરવા માગું છું કે વર્લ્ડમાં કોઇ માણસ તમને 'ડીપ્રેસ' કરી શકે જ નહીં. તમને 'ડીપ્રેસ' કરવા આવ્યો હોય, એ પોતે જ 'ડીપ્રેસ' થઇને ચાલ્યો જાય ! ડિપ્રેશન ?! ખરો અવસર જ્ઞાતાપણાનો ! ડિપ્રેશન (માનસિક તણાવ) આવે, ડિપ્રેશન આવે ને પછી ખલાસ થઈ જાય. પોતે જુદો છે, એવું ભાન હોવું જોઈએ. પ્રશ્નકર્તા : મન ડિપ્રેશનમાં હોય અને પોતે જુદો રહે એવું બને ? દાદાશ્રી : હા. મનના ડિપ્રેશનને જાણે, એ આપણું સ્વરૂપ છે. પ્રશ્નકર્તા : મનનું ડિપ્રેશન પણ ન આવવું જોઈએ ને ? દાદાશ્રી : એ આગળના સ્ટેજમાં. એ પહેલાં તો પેલું ડિપ્રેશન આવવું જ જોઈએ. તેને તો જાણવું જોઈએ. પ્રશ્નકર્તા : જાણે નહીં ને ડિપ્રેશનમાં જ એકાકાર રહે તો શું થાય ? દાદાશ્રી : એ પછી બધું બહારના જ માણસ જેવું. એટલે ડિપ્રેશન આવે તે ઘડીએ ઠંડું ના પડી જવું, એ મારી જાતની ખબર પડી હવે. પ્રશ્નકર્તા : એવો લાભ ઊઠાવવો જોઈએ. દાદાશ્રી : હં... એવો લાભ ઊઠાવવો જોઈએ. મારી જાતે ખબર પડતી નથી ? 'હું કોણ છું ?' એ ખબર પડતી ન હતી, તે એ જડ્યું હવે. ડિપ્રેશન આત્મા સિવાય કોઈને જડે નહીં. એ જ મારો આત્મા ને એ જ હું ! પ્રશ્નકર્તા : 'આ ડિપ્રેશન છે' એવું જુદું જોયું એ જ આત્મા. દાદાશ્રી : જુદું જોનારો આત્મા. ડિપ્રેશન આવે એટલે બધું ટાઢુંટપ થઈ જાય. આઈસ્ક્રીમ જ જોઈ લો ને ? હવે એ પોતાની જાતને જાણતો નથી. તે ઘડીએ ખુશમાં રહેવું જોઈએ કે ઓહોહો, આજે મારી જાત જડી મને ! તેને બદલે બધું ટાઢું થઈ જાય પછી. આ કહે કે મને ડિપ્રેશન આવ્યું, તે જાણ્યું કોણે આ ? એના આત્માએ જાણ્યું. પ્રશ્નકર્તા : એટલે ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે. દાદાશ્રી : એ જ આત્મા. એને બદલે આ ટાઢીટપ થઈ જાય, આઈસ્ક્રીમની જેમ ! 'આ મારું સ્વરૂપ ન્હોય. હું શુધ્ધાત્મા છું. આ ડિપ્રેશનને જાણું છું તે હું.' એવું લાગ્યું તો એનું થઈ ગયું કલ્યાણ. એને જ સાચવ સાચવ કરવાનું. એને જ પોષ પોષ કરવાનું, તે જ શુધ્ધાત્મા . પ્રશ્નકર્તા : અને ખરેખર પોતે આમ જાણકાર જ હોય છે ને ? ડિપ્રેશન ક્યારે આવ્યું, કેમ આવ્યું ? ગયા વખત કરતાં, આ વખતે ઓછું છે કે વધારે છે ? દાદાશ્રી : બધું જાણે. એટલે ડિપ્રેશન આવે એવું ખોળતો હોય એ, કે કેમ કરીને વધારે ડિપ્રેશન આવે. પ્રશ્નકર્તા : પેલું એલીવેટ થઈ ગયો હોય એટલે ડિપ્રેશન આવી જાય ને ? દાદાશ્રી : ત્યારે જ થાય ને. પ્રશ્નકર્તા : કંઈક સારું સાંભળ્યું અને એલીવેટ થઈ ગયો. દાદાશ્રી : એને જાણે એ આત્મા છે. પ્રશ્નકર્તા : એ વખતે જુદું રહેવું જોઈએ ને ? દાદાશ્રી : એ સાંભળે, તે ઘડીએ ટાઈટ થતો હોય એટલે આત્મા જાણી લે કે છાતી કાઢી પાછી. પ્રશ્નકર્તા : એ વખતે જો એને નોર્મલ લાગે તો ડિપ્રેશન ના આવે ને ? દાદાશ્રી : ડિપ્રેશન તો આવ્યા કરવાનું. એલીવેટ થયું છે, માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં. પ્રશ્નકર્તા : તો એલિવેશન વખતે જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા, એવું અંદર ? દાદાશ્રી : એવી જાગૃતિ હોય તો કલ્યાણ થઈ ગયું. પ્રશ્નકર્તા : જેટલું એલિવેશન હોય, એટલું જ ડિપ્રેશન વધારે થાય ને ? દાદાશ્રી : દોઢસો ફૂટ ઊંચી ખુરશી પર બેઠો હોય તો દોઢસો ફૂટ પડવાનો. ના ગમતામાં છૂટાપણું સહેજે ય ! પ્રશ્નકર્તા : મનની ગમતી બાબતોમાં પણ પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે, તો મનના નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. દાદાશ્રી : મનને અનુકૂળ ગમે અને પ્રતિકૂળ ના ગમે. પ્રશ્નકર્તા : મનને ગમતું હોય છે, પછી પોતે શું કરે ત્યારે ? દાદાશ્રી : પોતે ઊતરી જાય નીચે. સ્લીપ (લપસ્યા) થયા કરે. પ્રશ્નકર્તા : મનને ગમતું આવે, ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવું હોય તો, એ કેવી રીતે રહેવાનું ? દાદાશ્રી : એ તો નીચે ઊતરી ગયા ત્યાંથી, સમજી ગયા ને બધું ? પ્રશ્નકર્તા : પણ પછી પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં કઈ રીતે રહેવું ? દાદાશ્રી : આપણે એને ના કહીએ કે અમારે શું લેવાદેવા ? તને ગમતું હોય તો મારે શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : આવી ગઈ વાત. એટલે મનને કહેવું પડે, 'તને ગમતું હોય તો ય મારે શી લેવાદેવા ?' દાદાશ્રી : 'તું' તારી ઓરડીમાં સૂઈ જા, 'હું' મારી ઓરડીમાં જઈશ. એને ગાંઠે નહીં તો કામ ચાલે તારું. પ્રશ્નકર્તા : મનને ગાંઠે નહીં તો ! એટલે આમ મનને ગમતું હોય ત્યારે આવું કહી દેવું પડે એને, 'તમને ગમે છે પણ મારે શું લેવાદેવા ?' તો એ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ? દાદાશ્રી : એ જુદો થઈ ગયો !! પ્રશ્નકર્તા : એ જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ? દાદાશ્રી : ત્યાંથી જ્ઞાતા-દ્રષ્ટાની શરૂઆત થઈ. પ્રશ્નકર્તા : અને મનને ના ગમતું આવે ત્યારે ? દાદાશ્રી : ઠેઠ સુધી મનને કડવું લાગે એવું પી પી કરવું પડે, અમે કહીએ એને, જો તે અમારી જોડે રહેતો હોય તો. પ્રશ્નકર્તા : મનને કડવું પાય એટલે શું ? મનને કડવું પીવાનો વખત આવ્યો ત્યારે જાગૃતિનો લાભ કેવી રીતે ઊઠાવવો, જ્ઞાતા-દ્રષ્ટાનો ? દાદાશ્રી : કડવું પીધું એટલે જ્ઞાતા-દ્રષ્ટા થયો જ. પ્રશ્નકર્તા : ના. પણ એ જાગૃતિપૂર્વક હોય તો એક્ઝેક્ટ લાભ મળે ને ? દાદાશ્રી : ના, એ જ જાગૃતિ. પ્રશ્નકર્તા : મનને ના ગમ્યું હોય, એટલે વાંધો પડે કે આવું કેમ આમ ને તેમ કરે તો પેલું ? જાગૃતિનો લાભ જતો રહે ને ? દાદાશ્રી : એ ડીમ થઈ જાય પછી. મનને ના ગમે તો મનને કહેવું, 'તું તારે તારી રૂમમાં સૂઈ જા, હું મારે ઘેર જઈશ !' મનને ના ગમે. એટલે પોતાને પોતાનું ભાન જુદું હોવું જ જોઈએ કે 'હું જુદો છું.' 'તું કોણ છે', એમાં મારે શી લેવાદેવા ? પ્રશ્નકર્તા : એવું રહેવું જ જોઈએ. તો જ પેલો એક્ઝેક્ટ લાભ મળે. દાદાશ્રી : તો પોતાને જીવવાનો આરો આવે. નહીં તો જીવે શી રીતે ? જ્ઞેય-જ્ઞાયક જુદાં સદા ! પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું અવલંબન લઈને ચાલીએ છીએ તો ય કશો ફાયદો નથી, છતાં ય વારંવાર લઈ લેવાય છે. દાદાશ્રી : તે ય તમે લેતા નથી પાછું. આ તો તમને લાગે છે એવું અને લાગે છે એ પ્રમાણે તમે જે બાજુ ઢળો, તે બાજુ સહીઓ થાય, સહી-સિક્કા થાય. પ્રશ્નકર્તા : પણ વારંવાર પાછું એ અમારું અવલંબન લેવાની અનાદિની ટેવ એટલી બધી ગાઢી છે. દાદાશ્રી : અધ્યાસ થઈ ગયેલો ને ? એ અધ્યાસ છૂટે ત્યારે ને ! પ્રશ્નકર્તા : જાગૃતિ એટલી રહેતી નથી. દાદાશ્રી : અધ્યાસ ગયેલો છે, પણ તે અધ્યાસની પાછળ છે તે આ જાગૃતિ છે ને તે તમે છો. અને આ અધ્યાસ છે તે અધ્યાસ છે. તમે તમારું કામ કરો. એ અધ્યાસ અધ્યાસનું કામ કરે. પ્રશ્નકર્તા : બરોબર છે. અમે અમારું કામ કરીએ ને અધ્યાસ અધ્યાસનું કામ કરે. તો એ અધ્યાસવાળો જ મોળો પડી જાય. દાદાશ્રી : આપણું જ્ઞાન જ એવું કહે છે ને ! પ્રશ્નકર્તા : આપણું જ્ઞાન તો એવું સ્પષ્ટ કહે છે કે આપણે કશું કરવું નહીં, કશું અનુમોદવું નહીં પણ તો ય અંદર પેસી જવાય છે. દાદાશ્રી : હા. પેસી જવાય છે, તે ય હજુ પેસી જતાં નથી પણ ભાસે છે. પેસી જવું એ જુદી વસ્તુ છે અને ભાસવું એ જુદું છે. એવું આપણને ભાસે છે એટલે આપણે એ બાજુ સહીઓ કરી આપીએ છીએ. એ ભાસે કહીએ તો ય આપણે સહી ના કરી આપીએ કે ઓહો, આ તો ભાસે છે, આવું બને જ કેમ કરીને ? જ્ઞાયક જ્ઞેય રૂપે થાય શી રીતે ? જે જ્ઞાયક છે, તે જ્ઞેય રૂપે કેમ કરીને થાય તે ? પેસી જાય છે, એ જ્ઞેય છે. જ્ઞાયક જ્ઞેય થઈ જાય છે. તમે કહો છો, પેસી જઈએ છીએ. એટલે આ જ્ઞાયક પેસી જાય છે એમાં. એટલે જ્ઞાયક જ્ઞેય થઈ જાય. પણ ના, જ્ઞેય ને જ્ઞાયક એક ના હોય, જુદા જ હોય. પ્રશ્નકર્તા : તમે કહો છો, તે વાસ્તવિક રીતે જુદાં હોય. પણ આમ જનરલી ડખોપંજો ચાલ્યા કરે છે. એમાં જ્ઞેયનો જ ફાંટો જ્ઞાયક થઈને કામ ચલાવે છે. દાદાશ્રી : પણ એ તો આપણી માન્યતા છે, આપણે એ જ્ઞેયને જ્ઞાયક છે એવું માનીએ જ કેમ કરીને ? પ્રશ્નકર્તા : જ્ઞેય ને શુધ્ધ ચેતન બે જ છે. જ્ઞાયક પણ જ્ઞેય છે. વચ્ચે જો જ્ઞાયક ઊભો થયો, તે ય પણ એ જ્ઞેયનો ભાગ છે ? દાદાશ્રી : ના. જ્ઞાયક એ જ્ઞાયક છે. પ્રશ્નકર્તા : હવે એ સંગીક્રિયાઓની પેદાશ તો નહીં ને ? તમે જે જ્ઞાયક કહો છો, એ સંગીક્રિયાની નિષ્પતીવાળો નહીં ને ? દાદાશ્રી : એને લાગે-વળગે નહીં ને. પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે. હવે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ જ્ઞેય સ્વરૂપ છે ? દાદાશ્રી : હા. એ જ્ઞેય સ્વરૂપ છે. પ્રશ્નકર્તા : અને એમાંથી જે જ્ઞાયક ઊભો થયો, 'હુંપણું' ઊભું થયું, તે શું છે ? દાદાશ્રી : હા. એમાંથી 'હુંપણું', એનું નામ ભ્રાંતિ ને ! પ્રશ્નકર્તા : હા. એ ભ્રાંતિવાળો જે જ્ઞાયક છે, એ પજવે છે વધારે. દાદાશ્રી : એ જે ભ્રાંતિવાળો છે ને, તે કહે છે, 'હું જાણું છું ને હું કરું છું.' એ છે તે ચેતનમાં ય ના હોય અને 'હું' જડમાં પણ ના હોય કે 'હું જાણું છું ને હું કરું છું.' એટલે એ તો આપણને ભાસે છે એવું કે આપણે આની મહીં પેસી ગયા છે. 'હું ચંદુભાઈ છું' એ બધું આખું જ્ઞેય છે, આખું ડિપાર્ટમેન્ટ ! પ્રશ્નકર્તા : પણ હજુ અનાદિના અધ્યાસથી એ જે જ્ઞાયક થઈ બેઠો એ ઊંડી ઊંડી અપેક્ષાએ જ્ઞેય ઉપર પોતાનાથી જુદો રાખે છે. દાદાશ્રી : એ જ પછડાટ કહેવાય ને ! એનું નામ જાગૃતિમંદ કહેવાય. સંપૂર્ણ જાગૃતિ કોનું નામ કહેવાય ? જાગૃતિ દેખાય છે ખરી પણ છતાં ય જ્ઞાયક જ્ઞેય રૂપે થઈ જાય છે ને ?! હવે ખરેખર જ્ઞાતા જ્ઞેય થતો જ નથી. પણ થઈ ગયો એ માને છે, એ જ ભ્રાંતિ છે. કોઈ મને પૂછે કે જ્ઞેય જ્ઞાતા એક થઈ ગયું હતું ? ત્યારે હું ના કહું, તમે એક થયા નહોતા. પણ તમે ઊંધું માની લીધું હતું. અક્રમ જ્ઞાનથી જાગૃતિ !! મનની અવસ્થા જોઈ શકે, તેને જ્ઞાની કહ્યા છે. મનનાં કોમ્પ્રેશન કે ટેન્શન કેટલું ઊંચું ગયું, કેટલું નીચું ગયું, કેવો ઉલ્લાસ આવ્યો, કેવું ડીપ્રેશન આવ્યું, એ બધા જ પર્યાયો જોવા એ જ મનઃપર્યવ જ્ઞાન. 'સ્વરૂપ જ્ઞાન' વગર તો મન જરા બતાવે તો ચોંટી પડે 'મને, મને' કરીને ! મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત કરવા લાખ અવતાર શિષ્ય થવા તૈયાર થઈ જાય ! ક્રમિક માર્ગમાં સાધારણ મનઃપર્યવ જ્ઞાન હોય અને આ આપણા અક્રમ માર્ગમાં સજ્જડ મનઃપર્યવ જ્ઞાન થાય, આ તો બુદ્ધિના પર્યાયો પણ જોઈ શકે, તે પણ જ્ઞાન જ કહેવાય. ચિત્તને તો અજ્ઞાની પણ જોઈ શકે. તે તો અશુધ્ધ ચિત્ત કહેવાય, તે જ્ઞાનમાં ના ગણાય. કારણ કે એને અહંકાર પણ જોઈ શકે. આ અક્રમ માર્ગ તેથી મનઃપર્યવ જ્ઞાન ઊભું થઈ ગયું છે ! તેથી જ કોઈ માટે દ્વેષ થતો હોય તો મનઃપર્યવ જ્ઞાનથી મનની ખબર પડી જાય ને ત્યાં સીલ-દાટો મારી દેવાય. જ્યારે એ માણસ ફરી ભેગો થાય ત્યારે ભડકો થતો એની મેળે અટકી જાય. એ મનઃપર્યવ જ્ઞાન ના હોય તો તો ભડકો થઈ જાય. આ તો મનઃપર્યવ જ્ઞાન, તે આપણે દુકાને બેઠા હોઈએ તો ય આપણે જાણીએ કે ચંદુભાઈ માટે આવા પર્યાય અને લલ્લુભાઈ માટે આવા પર્યાય બતાવે છે, તે ત્યાં આગળ ચેતીને ચાલીએ. ભલભલા સાધુઓને, આચાર્યોને પણ મનઃપર્યવ જ્ઞાન ના હોય, શ્રુતજ્ઞાનમાં જ હોય તેઓ. આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન 'અમે' કરાવી આપીએ છીએ. તેથી આ બધું સહજ પ્રાપ્ત થઈ જાય છે, બાકી લાખ અવતારે ય ઠેકાણું પડે તેમ નથી ! 'જોવા'પણું લાવે નિર્ગ્રંથતા ! પ્રશ્નકર્તા : નિર્ગ્રંથ થવા શું કરવું ? દાદાશ્રી : આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય, તે ઓગળી જાય. પ્રશ્નકર્તા : પોતાની ભૂલો સામાયિકમાં પ્રયત્ન કરીને જોવી ? સામાયિકમાં તો પ્રયત્ન કરવો પડે ને ? દાદાશ્રી : ના, પ્રયત્ન એટલે તો મનને ક્રિયામાં લઈ જવું. મન ક્રિયાશીલ કરવું તે પ્રયત્ન, જ્યારે 'જોવું' તે ક્રિયામાં ના આવે. પહેલાં જે ભૂલ નહોતી દેખાતી, તે જ ભૂલ હવે દેખાય છે. ક્રિયામાં ફેર નથી. દેખાય છે એ જ્ઞાનના પ્રતાપે ! જયારે જ્ઞાની પુરુષને ગાંઠ ફૂટે ત્યારે એ તો ગાંઠને જુએ અને જાણે. જ્ઞાની પુરુષની આજ્ઞાથી શુધ્ધાત્મ દ્રષ્ટિથી મનની ગાંઠો પર દ્રષ્ટિ નાખ નાખ કરે તો ગાંઠો ધીમે ધીમે ઓગળતી જાય. અમારી પાસે તો અનંત સિદ્ધિઓ છે. તે તમારી ગાંઠો ઓગાળી આપી શકીએ પણ બને ત્યાં સુધી અમે સિદ્ધિઓ નકામી ના વાપરીએ. અમે તમને રસ્તો દેખાડીએ. એ ગાંઠો ફૂટે એ તો તમને અનુભવ થાય અને તમને જોવાની ફિલ્મ મળે. જો જ્ઞેય ના હોય તો જ્ઞાતા શું કરે ? જેટલું મન ખીલે એટલો જ આત્મા ખીલે. જેટલા જ્ઞેય વધે તેટલી જ શુધ્ધાત્મા ની જ્ઞાનશક્તિ વધે. સ્વ-પર પ્રકાશક પદ પોતાનું ! સ્વરૂપ જ્ઞાન પછી આપણે આપણા સ્વભાવને જાણીએ છીએ અને આ મન, વચન, કાયાની ટેવોને પણ જાણીએ છીએ. મન આવું છે, વાણીની ટેવ આવી છે, સામાને અપ્રિય થઇ પડે એવી છે, ખરાબ ભાષા છે, એવું બધું તમે જાણો કે ના જાણો ? તમે આ ય જાણો ને 'પેલું' ય જાણો. કારણ કે તમે સ્વ-પર પ્રકાશક છો. પોતાને, 'સ્વ'ને પણ પ્રકાશ કરી શકે અને 'પર'ને પણ પ્રકાશ કરી શકે. અજ્ઞાની માણસ, 'પર' એકલાંને જ પ્રકાશ કરી શકે, 'સ્વ'ને પ્રકાશ ના કરી શકે. એમને એમ થાય ખરું કે મારું મન બહુ ખરાબ છે, પણ પાછા જાય ક્યાં ? ત્યાં ને ત્યાં જ રહેવું પડે. જ્યારે આત્મજ્ઞાનવાળો તો જુદો રહે. પ્રશ્નકર્તા : ટેવો અને તેનો સ્વભાવ, એ ના સમજાયું. દાદાશ્રી : મન-વચન-કાયાની ટેવ એકલી નથી કહી. જોડે તેનો સ્વભાવ કહ્યો છે ! સ્વભાવ એટલે કોઇ કોઇ ટેવ ખૂબ જાડી હોય છે. કોઇ ટેવ છે તે બિલકુલ પાતળી હોય છે, નખના જેટલી જ પાતળી હોય. તે એક કે બે વખત પ્રતિક્રમણ કરે એટલે ખલાસ થઇ જાય. અને જે ટેવ ખૂબ જાડી હોય તેનાં તો પ્રતિક્રમણ ખૂબ કરીએ, છોલ-છોલ કરીએ ત્યારે એ ઘસાઇ જાય ! મન-વચન-કાયાની ટેવો જે છે, એ તો મરે ત્યારે છૂટે એવી છે. પણ એનો જે સ્વભાવ છે, એ ઘસી નાખવો જોઇએ. પાતળા રસથી બંધાયેલી ટેવોનાં તો બે-પાંચ વખત પ્રતિક્રમણ કરશો તો એ ઊડી જશે, પણ જાડા રસવાળાને તો પાંચસો પાંચસો વખત પ્રતિક્રમણ કરવાં પડે. ને કેટલીક ગાંઠો, લોભની ગાંઠો તો એટલી મોટી હોય કે રોજ બબ્બે ત્રણ-ત્રણ કલાક લોભનાં પ્રતિક્રમણ કર કર કરે તો ય છ વર્ષે ય પૂરી ના થાય ! અને કોઇને લોભની ગાંઠ એવી હોય કે એક દહાડામાં કે ત્રણ કલાકમાં ખલાસ કરી નાખે ! એવાં જાતજાતના સ્વભાવ રસ હોય છે. સૂક્ષ્મ ફોડ 'ઊકેલ'નો ! આપણા સાયન્સે નવી શોધખોળ કરી કે 'ભઈ ચાલો, લેટ ગો કરો.' કે થઈ ગયેલાં રોગને હવે શું કરવું ? અજ્ઞાનતામાં થઈ ગયો એ થઈ ગયો, તો હવે શું કરવું ? ત્યારે કહે, નવેસરથી રોગ બીજો ઉત્પન્ન થાય નહીં, ને જૂના રોગને ધીમે ધીમે કાઢે અને જેટલી તંદુરસ્તી થઈ તેનું રક્ષણ કરે. એવું આપણું વિજ્ઞાન છે. પછી રહે કશું બાકી ? આ વિજ્ઞાન એવું છે. એવું થોડું થોડું અનુભવમાં આવે છે ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : હવે શેનાં આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનના જે પર્યાયો છે, મનની જે અવસ્થાઓ છે, તેમાં આત્મા તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી કે નથી કોઈ પજવતું. આ આત્મા તન્મયાકાર થયો એની મહીં, તેથી ઊભો રહ્યો છે. એટલે મનનાં પર્યાયોને તોડ તોડ કરવાં જોઈએ. આ 'મારા ન હોય, મારા ન હોય.' ત્યાં જ બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, તે છૂટો થવા દેતો નથી. અનાદિનો અભ્યાસ છે ને, તે એને મીઠાશ વર્તે છે. એ મીઠાશ શુધ્ધાત્મા ને નથી વર્તતી, એ અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું. છૂટું જ જોવું પડે. તો જ ઉકેલ આવે. આત્મધર્મનું સ્વરૂપ ! આત્માનો સ્વભાવ શો ? બધાના ધર્મને જોવું ! 'કોણ ક્યો ક્યો ધર્મને કેવી રીતે બજાવી રહ્યું છે' એને જોવું, એનું નામ આત્માનો ધર્મ. એટલે આત્માનો ધર્મ શો છે કે જાણવું, જોવું અને પરમાનંદના અનુભવમાં રહેવું. મનનો ધર્મ, બુદ્ધિનો ધર્મ, ચિત્તનો ધર્મ, અહંકારનો ધર્મ, આ બધા ધર્મો અને આત્માના ધર્મ, બધા પોતપોતાના ધર્મમાં આવી જાય, તેનું નામ 'જ્ઞાન' અને એકના ધર્મ ઉપર આપણે દબાણ કરીએ એટલે થયું અજ્ઞાન ! મંગળ-બાવો-હું !! અંતઃકરણનો માલિક પ્રતિષ્ઠિત આત્મા છે પણ તે તેનાથી જુદો છે. મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર એ બધાથી જુદો છે. મન કહે છે કે અમુક કરવું છે પણ પ્રતિષ્ઠિત આત્મા કહે છે કે આ નથી કરવું તો તે ન થાય. આમાં જે ભાવ છે તે અધિષ્ઠિત આત્માના છે. શુધ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. અંદર ઇચ્છા થાય છે એ પ્રતિષ્ઠિત આત્મા કામ કરે છે. 'મન' સાથે પ્રતિષ્ઠિત આત્મા ભળે, તે 'શુધ્ધાત્મા ' જાણે અને ના ભળે તે ય શુધ્ધાત્મા જાણે. વિચારો 'જ્ઞેય', પોતે 'જ્ઞાતા' ! પ્રશ્નકર્તા : દિવસ દરમ્યાન બીજા કોઈ આડા અવળાં સંસારના વિચારો આવે અને 'હું શુધ્ધાત્મા છું' એ ખસી જાય છે તો એવું કંઈ ના થાય કે એ વિચારો બંધ થઈ જાય અને 'હું શુધ્ધાત્મા છું' એ રહ્યા કરે ? દાદાશ્રી : એ વિચારો જોવા, એનું નામ જ શુધ્ધાત્મા . એ વિચારો આવે છે એ જોવા અને આપણે શુધ્ધાત્મા છીએ. બાકી વિચારો બંધ થાય નહીં. એ તો એવી વસ્તુ છે કે પાણી ટાંકીમાં હોયને ત્યાં સુધી એમાં ઝમ્યા જ કરે. એટલે છે માલ ત્યાં સુધી નીકળશે, પછી કશું ય નહીં. એને જોયા કરવું, એનું નામ આત્મા. વિચારોને જે જોનાર છે, એ આત્મા છે. પ્રશ્નકર્તા : પણ નિરંતર જે શુધ્ધાત્મા નું લક્ષ રહેવું જોઈએ, એ નિરંતર રહેતું નથી ને જાતજાતના વિચારો આવ્યા કરે છે. દાદાશ્રી : તે વિચારો આવે છે ને, એને જોયા જ કરવાનાં. વિચારો જે આવે છે મનમાં, એ ફિલમ છે. એ ફિલમને આપણે જોયા કરવાની. ખરાબ વિચાર આવે તો ય જોયા કરવાનાં અને સારા વિચાર આવે તો ય જોયા કરવાનાં. એટલે વિચાર આવે તો તો સારી વસ્તુ છે. વિચારો જેમ આવે તેમ જોવાની વસ્તુ મળે આપણને, ફિલમ ના હોય તો શું જોઈએ આપણે ? વિચારો જ્ઞેય તરીકે જોવામાં આવે છે કે નથી આવતા ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : ખરાબમાં ખરાબ વિચાર આવે તો ય એ જ્ઞેય છે. અને વિચારો ખરાબ ને સારા હોતાં જ નથી. આ તો આપણે ભેદ પાડીએ છીએ, ભગવાનને ત્યાં ભેદ નથી. ભગવાનને ત્યાં તો એક જ વાત છે કે આ તો જ્ઞેય છે. અમે ય એક જ વાત જાણીએ કે આ તો જ્ઞેય છે. આ ભેદ તમે શાથી પાડો છો ? કે તમે અત્યાર સુધી ભેદ પાડતા આવેલાં, તે ટેવ પડી છે. હજુ એ ટેવ જતી નથી, કે મને સારા વિચાર આવ્યા અને મને ખરાબ વિચાર આવ્યા. બાકી સારા-ખરાબ એવું કશું હોતું જ નથી. એ તો અજ્ઞાની માટે હોય છે. હવે તમે આ સારા-ખરાબ વિચારોનું ધ્યાન નહીં રાખો અને એને જ્ઞેય તરીકે જોયા કરશો ને એના જ્ઞાતા-દ્રષ્ટા રહેશોને, એટલે નવા બીજ નહીં પડે. પછી તો ઉગવાનું બંધ થઈ જશે. એટલે જાણવું કે આ ખલાસ થઈ જવા માંડ્યું. તે ધીમે ધીમે બધી ગાંઠો ખલાસ થઈ જવાની. છેલ્લા અવતારમાં મન રહેવાનું પણ બહુ નાનું, બહુ ફરે, આમ એક સેકન્ડે ય ઊભું ના રહે, સમયે સમયે ફર્યા જ કરે. અને અજ્ઞાનીનાં મન તો એક કલાક સુધી માખ ભમેને એમ ભમ્યા કરતું જ હોય. ગોળની પાછળ માખ ભમેને એવું મન ભમે કે ના ભમે ? પ્રશ્નકર્તા : ભમ્યા જ કરતું હોય. દાદાશ્રી : કેટલી વાર ભમતું હોય ? પ્રશ્નકર્તા : સતત ભમ્યા કરે. દાદાશ્રી : હા. અરે, કલાક કલાક સુધી ભમ્યા કરે. જ્ઞાતા-જ્ઞેય સંબંધ કાયમનો ! મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું, પણ તેમને ને મનને કેવું રહે ? આ લગ્નમાં માણસ દરવાજે ઊભો હોય, તો તેની પાસેથી એક એક માણસ જે' જે' કરતો જાય, તેમ જ્ઞાનીઓને મનમાં ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય અને બીજો આવે. જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતા-જ્ઞેય સંબંધ હોય, વિચારમાં પોતે તન્મય ના થઈ જાય, શાદી સંબંધ ના હોય. અમે તો મનની ફિલ્મ જોઈએ અને જાણીએ. ક્યા ક્યા વિચારો આવ્યા ને ગયા, તે જોઈએ અને જાણીએ. અમારે અને વિચારને ખાલી હાથ મિલાવવા પૂરતો જ સંબંધ હોય. શાદી ના કરી દઈએ. મહાવીર ભગવાન પણ તેમ જ કરતા. તેમને તો વિચારો આવતા દેખાય અને જતા દેખાય આવે અને જતા રહે. તેમને પણ વિચારો ઠેઠ સુધી આવતા. અલ્યા ! વિચાર છે તો તું છે. એ જ્ઞેય છે ને તું જ્ઞાતા છે. જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. જો જ્ઞેય ના હોય તો તું શાનો જ્ઞાતા ? છેક મોક્ષે જવાના છેલ્લા સમય સુધી મનની ફિલ્મ દેખાય. અને એ પૂરી થાય એટલે સંપૂર્ણ મુક્ત થાય. નિર્વાણ થાય. સ્વરૂપમાં સ્વસ્થ ! તમને મહાત્માઓને સ્વરૂપનું જ્ઞાન આપ્યું એટલે તમે મનથી સંપૂર્ણ છૂટા થયા. તમારું ચાર્જ મન મેં બંધ કરી દીધું અને ડિસ્ચાર્જ મનના તમને જ્ઞાતા-દ્રષ્ટા બનાવી દીધા એટલે હવે તમારે મનની અનંતા ગુણી અનંત-અવસ્થાઓ આવે છતાં તમે સ્વસ્થ રહી શકો. તે જ જ્ઞાન છે અને જે મનની અવસ્થામાં અસ્વસ્થ થાય છે ત્યાં તે અવસ્થિત થઈ જાય છે ને પછી તેનું વ્યવસ્થિત આવીને ઊભું રહે છે, ત્યારે પાછો વળી અસ્વસ્થ થાય છે ને આમ ઘટમાળ ચાલુ ને ચાલુ જ રહે છે. એ નિર્વિચારી પદ ! આપણે અચલ છીએ અને વિચારો વિચલ છે. બન્ને છૂટા છે. જ્ઞાતા-જ્ઞેયના સંયોગો સંબંધ સિવાય આપણને બીજો કોઈ સંબંધ નથી. સમયે સમયે આવતા વિચારોને પોતે શુધ્ધાત્મ દશામાં રહીને સંપૂર્ણ જુદા રહીને જુએ અને જાણે તે જ ભગવાનની ભાષાનું નિર્વિચારી પદ છે. - જય સચ્ચિદાનંદ |
|---|