અભિપ્રાયોથી અજાગૃતિ.....

અભિપ્રાય છૂટે વીતરાગ !

પ્રશ્નકર્તા : ઓપિનિયનનો શો મતલબ ?

દાદાશ્રી : ઓપિનિયન એટલે અભિપ્રાય. અભિપ્રાય એટલે 'આ સારું છે' એવું કહ્યું કે એ ચોંટ્યું. 'આ ખરાબ છે' એમ ક્હ્યું તો ય ચોંટ્યું. બન્ને અભિપ્રાય છે. મારે આમાં કંઈ કામનું નથી, એટલે અભિપ્રાય છૂટી ગયાં, કે સારું ય નહીં ને ખોટું ય નહીં. વીતરાગોએ અભિપ્રાય છોડ્યા, તેથી વીતરાગ થયાં. એટલે આ અભિપ્રાય જ છે ખાલી. મારી વાત અનુભવ પર લઈ જજો. ને અનુભવ કરી જોજો ને !

અભિપ્રાયથી બંધાયો પોતે !

'ચોરી કરવી જોઈએ' એવો અભિપ્રાય બાંધ્યો હોય અને અત્યારે કોઈ ધર્મિષ્ઠ પુરુષ મળ્યા, તો પેલી ચોરી થતી હોય એનાં હાથે, તે એને ગમે નહીં, પણ છૂટે શી રીતે ? એટલે આ અભિપ્રાય બંધાયો હતો માટે આ થયું. હા. અભિપ્રાય જ બાંધ બાંધ કર્યા છે ને ! જ્યાં ગયો ત્યાં અભિપ્રાય.

'સિનેમામાં જવું જોઈએ', તે અભિપ્રાય બંધાયો. તે સિનેમા એને પાછું ભેગું થવાનું. અને એમ નક્કી કર્યુ કે હવે સિનેમામાં જવાની જરૂર નથી. ત્યારથી બંધ થઈ ગયું. પણ આ ભવમાં બંધ ના થાય. કારણકે પહેલાનો અભિપ્રાય બંધાયેલો છે.

મનનું, વાણીનું ને આ કાયાનું, ત્રણેવ લફરાં વળગ્યા છે. આ લફરાં શાથી વળગ્યા ? ત્યારે કહે, રસ-પૂરી બધું હતું, તે 'આ બહુ સરસ રસ છે, આ બહુ સરસ રસ છે' અભિપ્રાય બાંધ બાંધ કર્યા. ત્યાર પછી કઢી ખારી આવી, તે 'કઢી બહુ ખરાબ છે, ખારી છે, ખારી છે' એવા અભિપ્રાય બાંધ બાંધ કર્યા.

બે જાતના અભિપ્રાય બાંધ્યા. એક રાગનું અને એક દ્વેષનું. એ અભિપ્રાયથી આ બધું ઊભું થયું. ખાવા-પીવાનો વાંધો નથી. અભિપ્રાય ના રાખવો. અભિપ્રાય રાખવાનો ના કહ્યો છે કે રસનો કોઈ અભિપ્રાય ના રખાય કે 'આ રસ સરસ છે અને કઢી ખારી છે' એવું, નહીં તો વળગી પડશે.

આ જગત બધું વળગી પડે એવું છે. સારું કહ્યું કે રાગ થયો અને ખરાબ કહ્યું કે દ્વેષ થયો, વળગ્યું. એનાથી બધાં ભૂતાં ઊભાં થયાં.

બધું ખાવ, પીવો પણ ઓપિનિયન (અભિપ્રાય) ના આપો. મન બંધાય નહીં. હરેક વસ્તુ ગૌણ !

બધા જ જોખમો અભિપ્રાય બાંધવામાં છે.

ઓપિનિયન આપ્યો કે મન ઊભું થયું. 'કઢી ખારી છે' બોલ્યો કે કઢીનો ઓપિનિયન અપાયો કે મન ઊભું થયું. જેવી આવે તેવી ખાઈ જવાની, એ હિસાબ છે ને બધો !

આ તો બધા અભિપ્રાય જ આપે છે. વસ્તુઓને ય અભિપ્રાય આપે અને માણસને ય અભિપ્રાય આપે. 'આ માણસ બરોબર નથી.' કહ્યું. તે અભિપ્રાય આપ્યો. ' આ બહુ સારો ને આ ખોટું.' રાગ અને દ્વેષ, એ બધાં અભિપ્રાય છે અને તેથી આ સંસાર ઊભો રહ્યો છે.

અભિપ્રાય આપવામાં જોખમ !

પાડોશીનો છોકરો ગજવામાંથી બસ્સો રૂપિયા લઈ ગયો. રોજ ઘેર આવતો હતો, તે કશું નહોતો લેતો. ને એક દહાડો બસ્સો રૂપિયા લઈ ગયો. એટલે ફરીવાર કોઈ બીજે દહાડે આવે ત્યારે મનમાં શું રહે ? એના માટે શો અભિપ્રાય બંધાય ? 'હાથનો જુઠ્ઠો છે' એવું લાગે, 'હાથનો જુઠ્ઠો છે' એવો અભિપ્રાય બંધાઈ જાય. તે આપણું મન બંધાયું. એ તો એણે ચોરી કરી. પણ મન આપણું બંધાયું.

વીતરાગોનો મત કેવો છે કે અભિપ્રાય બાંધે તેનો ગુનો. નાલાયકી કરી તેનો ય ગુનો નહીં, પણ પોતે અભિપ્રાય બાંધ્યો કે આ આવા છે, એ એનો ગુનો. આ તો વીતરાગોનો મત છે.

આ વીતરાગોનું સાયન્સ તો કેવું છે ! આમનો અભિપ્રાય બાંધ્યો કે આ માણસ ખોટાં છે તે આ ભૂલવાળાં છે, તો એ પકડાયાં.

પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાય નહીં બાંધવો જોઈએ ને ?

દાદાશ્રી : અરે, અભિપ્રાય જ નહીં. પણ દ્રષ્ટિ ય આપણી નહીં બગડવી જોઈએ. અમે પોતે 'સુપર ફલ્યુઅસ' રહીએ. હું દરેકની હકીકત જાણું, પણ હું ક્યાં મહીં ડખો કરું ?

પ્રીજ્યુડીસ એટલે...

હવે આ પ્રીજ્યુડીસ શું છે ?

એ એક જાતનો અભિપ્રાય જ છે. એક માણસને માટે એકનો એક અભિપ્રાય રાખવો, તે પ્રીજ્યુડીસ કહેવાય.

પ્રશ્નકર્તા : આ તો બહુ મુશ્કેલ વસ્તુ છે. વ્યવહારમાં તો ઓપિનિયન તો રાખવો જ પડે ને ?

દાદાશ્રી : અમે ના રાખીએ.

પ્રશ્નકર્તા : કોઈ આપણા દસ હજાર લઈ ગયો અને પાછા ના આપતો હોય તો પાછા આપવાના, એ ફરીવાર આવે તો?

દાદાશ્રી : ત્યાં ઓપિનિયન રાખવાનો નહીં. સાવચેત રહેવું. સાવચેત રહેવાનો તમને અધિકાર છે. પણ પ્રીજ્યુડીસ રાખવાનો તમને અધિકાર હોતો નથી. એ આજે ચોરી માટે આવ્યો છે એ નક્કી કેમ કરીને કહી શકાય ?

પ્રશ્નકર્તા : પણ એ છેતરી ગયો ને દસ હજાર લઈ ગયો, તો ફરી પાછો લેવાં આવે તો આપણે એને આપી દેવાં ?

દાદાશ્રી : ના આપવા.

પ્રશ્નકર્તા : કેમ ના આપવા ? આપણને તો પ્રીજ્યુડીસ (પૂર્વગ્રહ) છે નહિ ?

દાદાશ્રી : એ એમ પ્રીજ્યુડીસ ના ગણાય. આપવા નહીં એ વસ્તુ તો આપણા મરજી મુજબની છે. પ્રીજ્યુડીસ નહિ રાખવાનો.

કઈ રીતે પ્રીજ્યુડીસ વગર રહેવું ?

પ્રશ્નકર્તા : પ્રીજ્યુડીસ નહીં રાખવાનો એટલે શું ? જરા દાખલો આપીને સમજાવો, દાદા.

દાદાશ્રી : એક માણસ કાલે સવાસો રૂપિયા ગજવામાંથી લઈ ગયો. પછી ઘરનાં બધા માણસે એને જોયો હોય, આપણે બીજે દહાડે આવે તો આપણા હિન્દુસ્તાનના બધા લોકો એમ જ કહે કે આ ચોર છે. ચોર કેવી રીતે કહેવાય એને ?

પ્રશ્નકર્તા : ચોરી કરી એટલે....

દાદાશ્રી : એવી ચોરીને ચોર કહેવાય નહીં. એ તો આ મૂરખા લોકો, ફૂલીશ લોકો આવું કહે. એને ચોર કહેવાય જ નહીં. એટલે પ્રીજ્યુડીસ ના રખાય. બીજે દહાડે આવે એટલે ચોરી જ જશે એવું કેમ કહેવાય આપણાથી ? શા આધારે આપણે જાણી ગયા કે ચોરી જ જશે? તમારે સાવધ રહેવું જોઈએ. એટલે કોટ-બોટ બહાર રાખતા હોય તો તે ઘડીએ બહાર નહીં મૂકતા. અંદર મૂકી રાખવાનું. પણ પ્રીજ્યુડીસ ના રખાય એ. કારણ કે આ દુનિયામાં જેટલા ચોર પકડાઈ જાય એવા હોય છે, તે બધાં સંજોગવસાત્ ચોર હોય છે. સંજોગવશાત્. એટલે સમજ્યા તમે ?

પ્રશ્નકર્તા : એટલે સરકમસ્ટેન્સીસને લીધે ચોરી કરે.

દાદાશ્રી : હા. તેને લઈને ચોરી કરે. ખરેખર ચોર નથી આ માણસ. એવા સંજોગ ઊભા થયા છે કે ચોરી કરવી પડી છે. બીજે દહાડે ચોરી ના કરે એ માણસ.

પ્રશ્નકર્તા : સંજોગ હોય તો ય ? ચાન્સ મળે તો ય ?

દાદાશ્રી : તો ય ના કરે. કાયમનો ચોર નથી એ. એની જરૂરિયાત હોય તો બે-ત્રણ દહાડા સુધી કરે. પણ કાયમનો ચોર નથી એ. એને ચોર આપણાથી કહેવાય નહીં. પ્રીજ્યુડીસ ના રખાય. કાયમનો ચોર તો પકડાય જ નહીં.

પ્રશ્નકર્તા : ખરેખરો ચોર કોણ હોય ? કોને કહેવાય ?

દાદાશ્રી : પકડાય નહીં તે.

પ્રશ્નકર્તા : અમે પકડાય તેને ચોર માનીએ છીએ.

દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના લોક પકડાયો હોય એને, આખી જિંદગીમાં એક જ વખત ચોરી કરવા ગયો ત્યારે પકડાઈ ગયો, તેને આપણા લોકો ચોર કહે, કાયમને માટે. કેટલો ગુનો છે બધો. ચોર ના કહેવાય. અમે તો એને ચોર માનીયે ય નહીં પાછા, કારણ કે આરોપ કર્યો કહેવાય. સતી ઉપર વેશ્યાનો આરોપ કર્યો કહેવાય. સંજોગવશાત્ તો ચોરી રાજા ય કરે. સંજોગવશાત્ કોણ ચોરી નથી કરતું ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, ચોરી કરે. સંજોગ મળે તો ટેક્ષની ચોરી કરે.

દાદાશ્રી : હા, રાજાને ય ચોરી કરવી પડે. સંજોગવશાત્ ચોરી એને અમે ચોરી નથી કહેતા.

પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય એ પણ પ્રીજ્યુડીસ અને ખરાબ અભિપ્રાય એ પણ પ્રીજ્યુડીસ. એ જરા સમજાવો.

દાદાશ્રી : પ્રીજ્યુડીસ એ શું કહેવા માંગે છે ? પ્રીજ્યુડીસ એટલે શું ? તે ગુનેગાર જે પ્રીજ્યુડીસ રાખે. એટલે એક માણસ અભિપ્રાય રાખે એ ગુનેગાર કહેવાય.

પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે, પણ સારો અભિપ્રાય રાખે એ પણ ગુનેગાર ?

દાદાશ્રી : સારો કે ખોટો, અભિપ્રાય રાખે તે ગુનેગાર. આ માણસ દાનેશ્વરી છે, એ આવ્યો એટલે દાનેશ્વરી દેખાય. આપણે અભિપ્રાય બાંધવો એ ગુનો કહેવાય.

પ્રશ્નકર્તા : પણ એ દાનેશ્વરી હોય છતાં અભિપ્રાય બાંધવો તે ગુનો છે.

દાદાશ્રી : આજે દાન આપતો હોય અને મનમાં વિચાર થાય કે આ ખોટું થાય છે, આવું ના શોભે એટલે આપણે અભિપ્રાય ના અપાય કે એ ટાઈમે એની શું પરિણતી હોય. એની પરિણતી કર્મનાં ઉદયનાં આધીન હોય છે. એટલે આજે ચોર કંઈ ચોરી ગયો, એને આપણે કાલે કલ્પના કરીએ કે એ ચોરી કરશે. એ ગુનો કહેવાય. ડાહ્યા માણસો પ્રીજ્યુડીસ ના રાખે. પચાસ હજાર માણસો હોય તો ય અમે પ્રીજ્યુડીસ ના રાખીએ.

પ્રશ્નકર્તા : પણ સારો અભિપ્રાય હોય, એ પણ પ્રીજ્યુડીસ કહેવાય ?

દાદાશ્રી : 'સારો છે' એ મોંઢે બોલીએ ખરા. પણ અભિપ્રાય નહિ અમારો. સારાને સારા જાણીએ. પણ પ્રીજ્યુડીસ નહિ, અભિપ્રાય નહિ અને ખરાબ તે ખરાબ જાણીએ. પણ તે જાણીએ એટલે આજે એવા છે એવું અમે ના માનીએ. આજે કર્મનાં ઉદય શુંનું શું ય હોય ! અરે, મોટા બ્રહ્મચારી લોકો છે તે અબ્રહ્મચર્યમાં રાચતા હોય છે ને બ્રહ્મચારી કહેવાતા હોય ! એટલે એવું માનવા તો આ વિજ્ઞાન ના પાડે છે આપણું. વીતરાગો માનતા ન હતા કોઈને અક્ષરે ય ! ઘરની વાઈફ માટે ય અભિપ્રાય નહિ. ત્યારે કેવા ડાહ્યા માણસ !

પ્રશ્નકર્તા : એટલે ઘરની બૈરી સારી હોય તો પણ અભિપ્રાય નહિ !

દાદાશ્રી : અભિપ્રાય નહિ, નો ઓપિનિયન. એનું કારણ છે કે આનાં કર્મ આવાં ને આવાં જ આવશે ? ના, એવું નથી. કર્મના ઉદય બદલાયા જ કરે. અભિપ્રાયનો અર્થ શું થાય છે ? આવાં ને આવાં કર્મ એનાં.

પ્રશ્નકર્તા : એટલે ડીસીઝન નહીં આવવું જોઈએ.

દાદાશ્રી : ના, એટલે અભિપ્રાયે જ ડીસીઝન લીધું ને કે ચોરને ચોર માન્યો અને શાહુકારને શાહુકાર જ માન્યો. હવે ચોર ગઈકાલે ચોરી કરી ગયો હોય, તે એના મનમાં ભાવ શું હોય કે, 'કોઈ દહાડો ચોરી ના કરવી જોઈએ, કોઈ દહાડો ના કરવી જોઈએ.' એમ કરીને આપણે ત્યાં આજે આવે અને પછી આપણે તેને આવું (ચોર) જોઈએ તો આપણે કેટલા ગુનેગાર થઈએ છીએ ! જગત ભલે થાય, પણ અક્રમ વિજ્ઞાન જાણ્યા પછી ગુનેગાર આપણે ન જ થવું જોઈએ. કેવાં વીતરાગો ડાહ્યાં હતા ! ઘરનાં માણસ માટે જરા ય અભિપ્રાય નહિ. અમને પણ અભિપ્રાય નહિ કોઈ દહાડો, કોઈનો ય.

પ્રશ્નકર્તા : એટલે જાણવું ખાલી.

દાદાશ્રી : હા, જાણવું. જેવું દેખ્યું એવું જાણવું. તેમાં અભિપ્રાય નહિ રાખવાનો, અક્રમ વિજ્ઞાનના આધારે. બહાર તો તમે કહો છો એવું જ છે. આ જે કોર્ટમાં પ્રીજ્યુડીસ કહેવામાં આવે છે એ સ્થૂળ પ્રીજ્યુડીસ. એ સૂક્ષ્મને તો એ જજો ય ના સમજે ને ? એ તો સ્થૂળની વાત કે ભઈ, આ વકીલને તમે કાયમનો આવો કેમ માની લો છો ? પ્રીજ્યુડીસ કેમ રાખો છો ? કાલે સવારે ફેરફાર થઈ ગયો હોય ! પણ એ તો સ્થૂળ વાત. આપણે શું કહીએ છીએ ? બીલકુલ અભિપ્રાય નહિ. 'નો અભિપ્રાય' અભિપ્રાય આપવામાં શું ફાયદો ? જ્યાં વાત જ રોંગ છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિથી દોરવાય છે ને ? કે આ માણસ આવો છે.

દાદાશ્રી : ના. બુદ્ધિથી નહિ. પહેલાંની આપણને આદત છે, અભિપ્રાય આપવાની. હવે પહેલાંનું તે ઘડીએ દર્શન જુદું હતું, આજનું દર્શન જુદું છે. આજના દર્શનના પ્રમાણે ચાલવું જોઈએ. એટલે અભિપ્રાય તો અપાય જ નહિ આપણાથી. હવે હું અભિપ્રાય આપું તો શું થાય ? કાલે સવારે બધાનાં મનમાં રાગ-દ્વેષ ઊભાં થઈ જાય બધાં, દુનિયામાં ગુનેગાર છે જ નહીં ત્યાં આગળ !

એનું ફળ, ભોગવટો !

એક માણસ બે-ત્રણ વખત કોઈ માણસ પાસે ઉછીના પૈસા લેવા ગયો હોય અને ચોથી વખતે એ એને ત્યાં જાય ને ઘરમાં પેસતાં જ પેલો માણસ અભિપ્રાય આપે કે આ પાછો લેવા આવ્યો ! હવે તે વખતે પેલો શું કરવા આવ્યો હોય કે 'ચાલો, મારા કાકાએ તમને જમવા બોલાવ્યા છે.' હવે એ આપણને જમવા બોલાવવા આવ્યો હોય અને આપણે આવું માની બેસીએ ?! તે માનેલું, ભૂલ થાય ખરી એવી ?! આપણે એમ જ જાણીએ લેવા આવ્યો આ. પણ એ શું કહે કે 'હેંડો, જમવા બોલાવે છે મારા કાકા !' હવે તે વખતે કોણ આ ગુનાનો દંડ આપે તમને ? એ ગુનો સિલ્લક રહ્યો. તરત ને તરત જો દંડ મળતો હોય તો સિલ્લક રહે નહિ. તે આવાં નર્યા ગુનાં ભરેલા છે. આ અભિપ્રાય એટલે પ્રીજ્યુડીસ.

પ્રશ્નકર્તા : ગુનો એટલે આણે અભિપ્રાય આપ્યો તે. હવે એક બાજુ આપણે કહીએ છીએ કે અભિપ્રાયથી મન બંધાય છે. તો આ જે અભિપ્રાય કહ્યો કે આ માણસ ફરી પૈસા માગશે તો એનાથી મન બંધાઈ રહ્યું છે ? એ રીતે આવા ગુનાઓ થયા કહેવાય ?

દાદાશ્રી : મન બંધાયું એ ગુનો તો આવતા ભવને મળે છે. પણ અત્યારે તમે અભિપ્રાય રાખ્યો તેનું તરત ફળ મળે. પ્રીજ્યુડીસ રખાય જ નહીં.

પ્રશ્નકર્તા : તરત ફળ મળે એ કેવી રીતે મળે ?

દાદાશ્રી : મહીં આપણું મન કડવું થઈ જાય.

પ્રશ્નકર્તા : એ તો દુઃખરૂપે અસર આપે.

દાદાશ્રી : એ અશાતા વેદનીય આપે. પ્રીજ્યુડીસ રાખ્યું તેનું. આખું જગત જ પ્રીજ્યુડીસમાં જ છે. ભાન જ નથી ને કે હું શેમાં છું એ ! એક ક્ષણવાર ભાન નથી. ભલભલા બુદ્ધિશાળીઓને પણ પોતાને ભાન નથી.

પ્રશ્નકર્તા : એક માણસ ચાર-પાંચ વખત પૈસા લઈ જાય તો છઠ્ઠી વખત એ ભેગો થાય ત્યારે મનમાં ઊભું થાય કે આ ફરી પૈસા લેવા આવ્યો છે.

દાદાશ્રી : હા. એટલે તે ઊભું થાય તે ઘડીએ આપણે વાળી લેવું જોઈએ. એવું કેમ બને ? વખતે ના પણ હોય. એનું નામ જ પ્રીજ્યુડીસ ને !

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનનું કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ ?

દાદાશ્રી : એ આપણી ભૂલ કે આવું પ્રીજ્યુડીસ કેમ રાખો છો ? આજે એ શેના માટે આવ્યો હોય ? સત્સંગ કોઈ જગ્યાએ સારો હોય તો આપણને બોલાવવા આવ્યો હોય ! પછી પસ્તાઈએ ને ?!

માનીએ દંડ, નીકળે રીફંડ !

એક ભાઈને ત્યાં હું ગયો હતો. તે કહે, 'આ રોજ દાદાજી કકળાટ હોય છે !' ત્યારે મેં કહ્યું, 'શું છે ભઈ ? આ કકળાટ શેને માટે ?' ઈન્કમટેક્ષનો પેલો માણસ કાગળ આપવા આવે. હવે એ કાગળ આપવા ના આવે બિચારો ? એ વીતરાગ હશે કે રાગ-દ્વેષવાળો હોય ? એમને શું દેવાનો અધિકાર ? એ તો જેનો હોય તેને પહોંચાડી દે. એની સાથે શું કકળાટ કરવાનો ?! ત્યારે એ કહે, 'આ મૂંઆ પાછો અત્યારે આવ્યો. એ ના આવે તો મને શાંતિ હતી. હમણાં જમવા જવાનું. મારે પાછું જમવાનું નહીં ફાવે.' અલ્યા, પણ કાગળ લે ને મહીં શું છે તે જો. મોકલનારનો શો દોષ છે, એ જો અને તારો શો દોષ છે એ જો, પછી ન્યાય કરને ! ત્યારે કાગળ ફોડ્યા ત્યારે તો રીફન્ડ નીકળ્યું !

વખતે કોઈ પાંચ-દસ જ્ઞાનીઓ હોય તેમાં બે લૂઝે ય હોય. તો બોલોને કે આ બધા જ્ઞાનીઓ લૂઝટાટ છે. તે એટલે એમાં અમને હઉં ઘાલી દે છે ને ? અભિપ્રાય આપે ! ભયંકર જોખમ !!

પ્રશ્નકર્તા : આ લૂઝટાટ નવો શબ્દ લાગે છે. એનો અર્થ શું ?

દાદાશ્રી : લૂઝ એટલે ઢીલો. આ અંગ્રેજી શબ્દ જોડે 'ટાટ' જોડે જોઈન્ટ થઈ ગયો. પહેલાં આવું બોલતાં કે 'લૂઝટાટ' થઈ ગયો છે. આ ખરેખર આપણી ભાષાનો શબ્દ નથી. પૈસા આપની પાસે પાંચ વખત માગવા આવ્યો, માટે છઠ્ઠી વખત માગવા જ આવશે એવું કેમ મનાય ?

પ્રશ્નકર્તા : પહેલાં પાંચ વાર માગવા આવ્યો, તે ઘડીએ પણ એના મનમાં અભિપ્રાય તો ઊભાં થયેલો જ હોવો જોઈએ. કંઈક તો થયેલું હોવું જ જોઈએ. એટલે તે વખતે એણે ચોખ્ખું કર્યું નહીં અને છઠ્ઠી વખતે એણે સીક્કો મારી દીધો એટલે અભિપ્રાય બેઠો.

દાદાશ્રી : ના. પાંચે ય વખત અભિપ્રાય એને બેસી જ ગયેલો હોય, દર ફેરે લેવા આવ્યો તો 'આ પાછો આવ્યો' એમ કહીને પછી આપે. ફરી પાછો આપે અને છઠ્ઠી વખતે લેવા આવે ત્યારે 'જો પાછો પેલો આવ્યો' કહે. હવે તે દહાડે તે પૈસા લેવા ના આવ્યો હોય. અહીં જમવા માટે બોલાવવા આવ્યો હોય. કારણ કે ભગવાને શું કહ્યું કે તું અભિપ્રાય બાંધું છું, તેવું નથી. એ કર્મના ઉદયના આધીન છે. એટલે આજે એવું ના પણ હોય.

ઘણાં વખત તો કહે છે, 'ભઈ, આજે રાતે ખલાસ.' દવાખાનાની બહાર નીકળીને શું કહે, 'કાલ જ સવાર નહીં કાઢે.' ત્યાર પછી એને મેં ત્રીસ વર્ષ જીવેલા જોયેલાં. એવો અભિપ્રાય આપીને શું કામ છે તે ! એટલી ધીરજ જ ના રહે ? એ ગ્લોબ ઊડી જાય ત્યારે કહીશું કે ઊડી ગયો. પણ હજી તો ગ્લોબ ચાલુ છે, નથી ઊડી ગયો. ચાલુ ગ્લોબને ઊડી ગયેલો કહેવાય ?! વાત વિચારીને કરવી જોઈએ કે ના કરવી જોઈએ ? કંઈ જવાબદારી હશે કે નહીં હોય ?

જુઓ ને, ઈન્કમટેક્ષવાળાને ગાળો દીધી પણ રીફન્ડ નીકળ્યું ! એ જાણે કે સાહેબનો દંડ આવ્યો હશે અને નીકળ્યું રીફન્ડ ! ત્યારે કંઈ ઈન્કમટેક્ષના ઑફિસરને તમને કંઈ દંડ કરવાનો અધિકાર છે ? ત્યારે કહે, 'દેખાતો અધિકાર છે.' પણ એ ય કર્મના આધીન છે. તમારો હિસાબ હશે તો જ એનાથી દંડ કાઢી શકાય.

પરસત્તાધીન, ત્યાં અભિપ્રાય શા ?

અમારા ચોપડામાં એક ફેરો 'એ.એમ. પટેલ'ના નામ પર પંદરેક હજાર રૂપિયાની રકમ હશે. તે કોઈ એક મકાન વડોદરામાં વેચી દીધેલું અને એ રકમ મકાનમાં નહીં લખેલી ને એમ ને એમ અંબાલાલ મૂળજીભાઈ ખાતે જમે કરેલી. તે પેલા ઈન્કમટેક્ષવાળાએ પકડી કે આ રકમમાં ઈન્કમટેક્ષ ભરો. અમને આ માન્ય નથી. પછી આપણે પૂરાવા આપીએ કે, 'ભઈ, આ મકાન વેચ્યું છે.' ત્યારે એ કહે કે એ અમને માન્ય નથી. તમારે આમાં કોઈ જાતની વિગત નથી, તે પછી એણે ચાર હજાર રૂપિયા ઠોક્યા. તે ઈન્કમટેક્ષ એકસપર્ટે શું કહ્યું કે, 'સાહેબ, આ કોણ છે અંબાલાલ મૂળજીભાઈ ?!' ત્યારે એણે કહ્યું, 'એમની આરતીમાં હું દર્શન કરવા જાઉં છું. ત્યાં તમે વિચાર તો કરો ?!' ત્યારે સાહેબે કહ્યું, 'ના, તે હું ત્યાં તમારી જોડે દર્શન કરવા આવીશ.' મેં ઈન્કમટેક્ષ એકસપર્ટને ના કહેલું કે જવા દો ને, આવાં પ્રયત્નો કરવાની જરૂર નથી. આ હિસાબ છે. આ એ જો બિચારાનો ગુનો નથી. એનું શું ગજું બિચારાનું ? એનું જો એની નોકરી બદલવી હોય તો બદલે નહિ ? તે બૂમાબૂમ કરે છે કે મારે બદલી કરાવવી છે. પણ ઠેકાણું નહિ. બૈરી ત્યાં ને હું અહીં ! બધી હાથમાં સત્તા હોય તો ય ! આ તો સત્તા વગરનો પ્રદેશ છે. ત્યાં વગર કામના આરોપ આપીએ, અભિપ્રાય બાંધીએ કે આ સાહેબ એટલો બધો ખરાબ છે, યુઝલેસ ફેલો છે. લે ! એવું બોલાય ખરું ? એ ઈન્કમટેક્ષ એકસપર્ટને મેં કહ્યું કે આ શું કરવા માથાકૂટ કરો છો ? ત્યારે એ કહે કે 'ના, એ તો કહેવું જોઈએ કે આ દર્શન કરવા જેવા પુરુષ છે. ત્યારે એમણે ઉલ્ટું કહ્યું કે, 'હું દર્શન કરવા આવીશ, પણ મારે આ તો કરવું જ પડે. મારી ફરજ પૂરી કરવી પડે.' એટલે અમે તો તરત માની લઈએ. મેં તો કહેલું કે આ કંઈ પાછલું ભરવામાં ભૂલ થયેલી લાગે છે, ઓછી રકમ ભરાઈ છે, તેનો આ દંડ આવ્યો ! ભૂલનું જ પરિણામ છે બધું. કોઈ નવું કશું કરી શકે એમ છે નહિ. એ જાતે, મારી જાતથી દરેક બાબતમાં અનુભવ લીધેલાં છે.

અભિપ્રાય પાડે અંતરાય !

આ ભઈ વકીલ છે. તે અહીં કશેક આવ્યા હશે કોઈ વખત. તે અહીં 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' થબોકા પાડતા હતા તે ઘડીએ શું કહેતા હતા ? આ શું બધું ચાલે છે આ ? આ તાળીઓ પાડે છે ને કંઈ બધા આમ કરે છે ?

હવે એ અભિપ્રાય એમણે આપવાની જરૂર નહોતી. આ આપ્યો તેથી એમને અંતરાય પડ્યો, લાંબું થયું. આ જ અંતરાય, આપણા જ ઊભાં કરેલાં.

ઓપિનિયન બિલકુલ કરકસરથી વાપરો. ઈકોનોમી ઓપિનિયનની કરો, પૈસાની નહીં. કરો તો ચાલશે, પણ ઓપિનિયનની ઈકોનોમી કરો. કો'કનો અભિપ્રાય આપતાં પહેલાં બહુ જ વિચાર કરો.

અભિપ્રાયો કરાવે, ક્રોધ !

કોઈની જોડે ગુસ્સો આવતો હોય તો એની ઉપર આપણે ચકાસણી કરવી કે 'આ બધામાં આ ત્રણ જણ જોડે જ ગુસ્સો આવે છે, બીજા બધા ઉપર ગુસ્સો નથી આવતો. એનું શું કારણ છે ? એ ખોળી કાઢવું. તો શું કારણ છે કે પેલા ત્રણને માટે આપણું મન અભિપ્રાય આપે છે કે આ નાલાયક છે, આમ છે, તેમ છે. તો મનને આપણે કહેવું કે ના, એવું નથી. એ નાલાયક નથી, બહુ સારા માણસ છે. એટલે પછી, પાછલાં પરિણામ હશે એટલાં પૂરાં થઈ જાય એટલે ગુસ્સો બંધ થઈ જશે. પાછલાં એક્શન કરેલાં હોય એટલે રીએક્શન આવી જાય પણ પછી બંધ થઈ જાય. જ્યારથી જાણ્યું ત્યારથી આપણે ચાર્જ બંધ કર્યું એટલે ડિસ્ચાર્જ પછી એકલું રહ્યું. સમજાય છે તને બહુ ઊંડી વાત છે. એટલે ગમે તેવો માણસ હોય તો ય મન ના બગાડવા દેવું, આપણે આપણું મન સુધારી લેવું.

એક વખત કંઈ અથડામણ થઈ, ને મન બગડ્યું પછી બીજી વખત બગાડ્યું. પછી ત્રીજી વખત બગડ્યું, પછી શું થાય ?

પ્રશ્નકર્તા : અભિપ્રાય પડી જાય.

દાદાશ્રી : અને ક્રોધ થઈ જાય એની ઉપર. પછી આપણે ના કરવો હોય તો ય થઈ જાય, ને એવો ક્રોધ થાય કે એનું મન એટલું બધું તૂટી જાય કે આખી જીંદગી સુધી સંધાય નહીં. એવું તૂટી જાય અને મન તો મોતી જેવું છે. એક ફેરો ક્રેક પડી કે પછી કામ ના લાગે. એ મોતીને તો રાખોડી બનાવીને ભસ્મ બનાવીને દવા કરવામાં મોકલવું પડે. એ મોતીની માળા ના બને પછી ! એટલે આ મનને ચોક્કસ રાખવું જોઈએ.

આપણે એવું માનીએ છીએ, જેવો અભિપ્રાય માનીએ છીએ, એવું ખરું છે નહીં. એ બધી ખોટી વાત છે. તેથી આ બધો ગુસ્સો ઊભો રહ્યો છે ! અને પછી આપણે બોલવું હોય તો ય સામો ના બોલે. આપણે તરત સમજી જવું અને આપણે તરત ભૂસી નાખવું. અભિપ્રાય પડવા જ ના દેવો. આ સાયન્ટિફિક વસ્તુ છે. પણ આમ સમજે તો તો બહુ ઉકેલ આવી જાય. અજ્ઞાનીઓને ય બહુ ઉકેલ આવી જાય. અભિપ્રાય આપતાં ઓછા થઈ જાય ને તો મન ચોખ્ખું થતું જાય. એકદમ ના ઓછું થાય, પણ થોડું થોડું ઓછું કરે ને !

આફટર ઑલ ગુડ મેન !

આ બધા અભિપ્રાય તૂટી જવા જોઈએ કે આ ખોટું છે ને આ ખરું છે.

પ્રશ્નકર્તા : જે અભિપ્રાયો સારા કે ખોટાં બંધાઈ જાય છે ને, અમુક લોકો માટે કે ફેમિલી મેમ્બર્સ માટે, તે પછી તૂટવામાં વાર લાગે છે, એવું થાય છે.

દાદાશ્રી : એવું છે ને, કોઈના માટે ખરાબ અભિપ્રાય બંધાયો હોય તો આપણે કાઉન્ટર વેઈટ મૂકવું પડે, નહીં તો તો ઊથલી પડે બધું. એટલે તરત કહેવું કે એવું નથી. એ તો મહાન ઉપકારી છે. એમ કહેવું એટલે આવું કાઉન્ટર વેઈટ મૂકે ત્યારે પેલું લેવલમાં આવી જાય.

પ્રશ્નકર્તા : આફટર ઑલ હી ઈઝ એ ગુડ મેન.

દાદાશ્રી : એ તો વાત જ જુદી છે પણ 'આ ઉપકારી છે' મૂકે ને.

હું તો બધા જેને નાલાયક કહેતાં હોય, તેને 'આફટર ઑલ હી ઈઝ એ ગુડમેન' કહેતો હતો. એ 'આફટર ઑલવાળું' તો બહુ સરસ વાક્ય છે ને !

બધાં સારા જ છે, પણ આફટર ઑલ, એ છેવટે ય સારો જ હોય છે. પોતાને દઝાડ્યો માટે આખી દુનિયાને દઝાડ દઝાડ કરે છે ? આપણો હિસાબ હશે તો દઝાય ! આપણો હિસાબ ના હોય તો દઝાડે કોઈ ?

પાછું અભિપ્રાયને કરીને આપણે એને 'સારું છે, સારું છે' એવું કહેવાનું નહીં. પણ અભિપ્રાય 'સારો છે' એનો અર્થ એટલો જ કે આપણે કોઈ દહાડો એને એમ નહીં કહીએ કે 'તું નાલાયક છું, તું ખરાબ છું.' એવું આપણે નહીં બોલીએ. આપણા મનમાં અભિપ્રાય એવો છે કે 'એ સારા છે.' એ સારા અભિપ્રાયના આધારે આપણે 'તું ખરાબ છું' એવું નહીં બોલીએ. આપને સમજાયું ને ? એટલે પછી 'ગ્લાસ વીથ કેર' રહી શકે ને સામાન ડેમેજ નહીં થાય.

અક્રમ ખુમારી !

જ્ઞાની પુરુષના બે જ શબ્દથી વાતની ગેડ પડી જાય, તે એક-બે અવતારે છૂટી જાય.

પ્રશ્નકર્તા : અહીં તો એક-બે વાત થાય ને, તે મહીં આપ ફીટ કરી આપો, તો બે-ત્રણ મહિના લગી એવી ખુમારી ચઢેને !

દાદાશ્રી : અક્રમ ખુમારી ચઢવી જ જોઈએ ! અક્રમ એટલે અક્રમ !!

ગુણ-અવગુણ જોવાની દ્રષ્ટિ !

પ્રશ્નકર્તા : પણ આપ જે કહો છો ને કે અમને તો કોઈના માટે અભિપ્રાય ફરે નહીં. તો અમારે શું કરવાનું કે કોઈ પણ માણસ હોય એના માટે ખરાબ ભાવ ઊભો ના થાય, સારો જ ભાવ થાય ?

દાદાશ્રી : 'એ સારો છે' એવું ડીસિઝન જ રાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : 'એ સારો છે' એવું જો અમારે ડીસિઝન લેવાનું થાય, તો હવે એના કંઈ સારા ગુણો હોય એ જોઈએ, તપાસીએ, પછી જ ડીસિઝન આવે ને ?

દાદાશ્રી : ના, ના, ગુણને નહીં જોવાનાં. ગુણ તો જોતાં જ ક્યાં આવડે છે ?! આ લોકો તો અવગુણને જ ગુણ કહે છે. ગુણ અને અવગુણ, બેને ઓળખતો જ નથી. એ બેની લાઈન ઓફ ડીમાર્કેશન જ નથી કે આ અવગુણ કહેવાય અને આ ગુણ કહેવાય.

પ્રશ્નકર્તા : આપનું એવું કહેવું છે કે વ્યવહારિક રીતે પણ ગુણ-અવગુણ જોતાં નથી આવડતું ?

દાદાશ્રી : કશું જ નહીં. એમને ગુણ- અવગુણની સમજણ જ ક્યાં છે ?

પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો ગુણ-અવગુણ જોતાં આવડે ને ?

દાદાશ્રી : ના, ના. વ્યવહારમાં કશું આવડતું નથી. તો ગુણ-અવગુણ તો ક્યાંથી સમજણ પડે ?! આ તો પોતાના સ્વાર્થનો લાભ આપે એને ગુણ કહે છે, પૈસાનો લાભ આપે એને ગુણ કહે છે ને પૈસાનું નુકસાન કરે એને અવગુણ કહે છે ! પોતાના સ્વાર્થનો ફાયદો થતો હોય તેને ગુણ કહે છે કે 'આ ગુણ મારી પર કર્યો.' બાકી ગુણ-અવગુણ તો જુદી વસ્તુ છે. એની લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને ?! આ તો પોલમ્પોલ ચાલી છે ! બુદ્ધિ જેમ નચાવે છે તેમ નચાય છે. અને બુદ્ધિનું ઠેકાણું પણ કયાં છે તે ?!

આપણે જેને ગુણવાન કહીએ તેને બીજો કહેશે કે એ નાલાયક છે. એટલે બધાને સરખું આવવું જોઈએ, કંઈક સમાન તો હોવું જોઈએ ને ?!

પ્રશ્નકર્તા : તો અમે અવગુણ જોઈએ છીએ, એ પણ ખોટાં જ જોઈએ છીએ ને ?

દાદાશ્રી : આ તો બધું પોલમ્પોલ ચાલે છે. તેથી અમે કહ્યું ને કે જગત આખું પોલમ્ પોલ છે !

પ્રશ્નકર્તા : તો પછી આ દરેકમાં શુધ્ધાત્મા જોવાનો પ્રયત્ન કરીએ છીએ, એ શું છે !

દાદાશ્રી : એ પ્રયત્ન નથી, એ તો સહેજે રહે છે. વૈજ્ઞાનિક રીતે કહ્યું કે ભઈ, આ રીલેટિવ રીતે આ છે ને રીયલી શુધ્ધાત્મા છે. એમાં પ્રયત્ન વળી કરવાનો રહ્યો જ ક્યાં તે ? વૈજ્ઞાનિક રીતે કહ્યું કે આ તાંબુ ને આ સોનું, એમાં પછી પ્રયત્ન કરવાનો રહે ?

અભિપ્રાય મૂળમાંથી ઊખેડો !

પ્રશ્નકર્તા : એ બરોબર છે. તો પછી આ વચ્ચે સારો કે ખરાબનો અભિપ્રાય કેમ લઈ આવે છે ?

દાદાશ્રી : અભિપ્રાય તો 'સારો છે, ખરાબ છે' એવું અમથા બોલ બોલ કરીને પોતાની જાતને ખરાબ કરો છો, ને કોઈ ચાર માણસ પણ તમને મત ના આપે એવી તમે તમારી જાતને કરો છો. જો બધે જ અભિપ્રાય 'સારો છે, સારો છે' કરો ને તો કોઈક તો માણસ મત આપનારા પણ નીકળે ! આ તો કોઈ મત જ ના આપે. આ તો સમજણ વગરનાં લોકોને 'ખરાબ છે, ખરાબ છે.' અભિપ્રાય આપ્યા કરો છો ! કંઈ થર્મોમીટર છે સમજણનું ? અને જેને તમે સારા કહો છો, એને બીજો માણસ ખરાબ કહે છે.

પ્રશ્નકર્તા : તો પછી અભિપ્રાય જ ના રહેવા દેવો જોઈએ ને ? એવું જ થયું ને ?

દાદાશ્રી : મૂળમાંથી અભિપ્રાય જ ઉડાડી દો અને 'સારો છે' એમ કહી દેવું. 'આફ્ટર ઑલ બહુ સારા માણસ છે' એવું કહી દેવું અને 'સારો છે' કહેશો તો તમારા વિચારો સારા રહેશે, એ ભેગો થાય તો એના મોંઢા ઉપર તમારી છાપ પડશે. આ તો તમારું મોઢું કદરૂપું દેખે કે પેલો સમજી જાય કે આમને મારાં માટે ખરાબ અભિપ્રાય છે. એને તરત ખબર પડી જ જાય કે આ મારા માટે ખરાબ અભિપ્રાય રાખે છે. કારણ કે આત્મા છેને જોડે ! એટલે તરત સમજણ પડી જાય.

પ્રશ્નકર્તા : એટલે ગમે તે હિસાબે એક જ વાત આવીને ઊભી રહી કે અભિપ્રાય 'સારો છે'નો રાખ્યા કરવો. પણ એને શેનાં ઉપર સારો કહેવો ? એનો કોઈ બેઝ નહીં ?

દાદાશ્રી : અભિપ્રાય 'સારો' રાખી અને એને તમે કહો કે 'આ તારી ભૂલ થાય છે, ભઈ આવી ભૂલ ફરી ના કરીશ.' તમે તો ભૂલો પણ કાઢો છો ને પાછા અભિપ્રાય પણ બાંધો છો. આમ અક્કલના ઈસ્કોતરા, અક્કલમાં કશી બરકત નહીં ! વેચીએ તો ચાર આના પણ ના આવે ! ને મનમાં અક્કલનું બહુ મહત્ત્વ આપેલું કે 'હું કંઈક અક્કલવાળો છું.' નકલ કરતાં પણ આવડતી નથી ! નકલ તો મારી કરો ને ! કેમ નથી આવડતી એ ?

પ્રશ્નકર્તા : તમારા જેવાં જ થઈ જઈએ, એવું જ કરો ને !

દાદાશ્રી : એવું તો તમને આપ્યું છે. પણ તમે તમારું ડહાપણ વાપર વાપર કરો છો. નકલ કરોને કે આ દાદા શું કરે છે, એટલું નકલ કર્યા કરોને ! એટલી નકલ આવડે તો ય બહુ થઈ ગયું, તો હું જાણું કે અક્કલવાળા હતા. આ તો નકલ જ નથી આવડતી, તો અક્કલવાળા કહેવાય જ શી રીતે ?'

પ્રશ્નકર્તા : 'આ બહુ નોબલ માણસ છે' એમ આપે કહ્યું, તો એ અભિપ્રાય બાંધ્યો ના કહેવાય ?

દાદાશ્રી : ના, એવું નહિ. આ જાણવા માટે જ કહું છું. એમાં અભિપ્રાય ના હોય અમને. અભિપ્રાય હોય તો પછી અમને એના તરફ રાગ થાય. તે અભિપ્રાય નહિ. આમ જાણવા માટે કહેવું પડે કે આ માણસ નોબલ છે.

એટલે આ કેટલીક ખોટી માન્યતાઓ હોય છે, એ આપણને ભાઈ તરીકે જોતી હોય ને આપણે એને વહુ તરીકે જોતા હોય. એવું બને ને ઘણી વખત ? દ્રષ્ટિ ફેર બેઉનાં જુદાં જુદાં હોય. આપણે મનમાં ને મનમાં રાંડીએ ને મનમાં પૈણીએ એ શું કામનું ?

આ બધી ખોટી માન્યતાઓ છે, મૂકી છે એ માન્યતાઓ. કશું નવરો જ નથી કોઈ જોવા. કોઈ સહેજે ય નવરો નથી. કોણ નવરું હોય તે ? તારા ગયા પછી હું તારા માટે વિચાર કરતો હોઈશ ? ના. શાથી ? અહીં હોય ત્યાં સુધી પછી નહીં. પછી તો સબ સબકી સમાલો, મૈં મેરી ફોડતા હું !

ફેરવવો અભિપ્રાય આમ !

પ્રશ્નકર્તા : એક જગ્યાએ વાંચ્યું છે કે વેદ્ય અને વેદક. તેમાં વેદકનો કાળ જુદો ને વેદ્યનો કાળ જુદો. માટે 'જ્ઞાની પુરુષ' વાંછના કરતા નથી.

દાદાશ્રી : એ શેના જેવું છે ? આજે આપણને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ, પણ તે મળ્યો નહિ. એટલે એ ઈચ્છા એમ ને એમ ઊડી ગઈ ! ભેગું ના થયું એટલે. હવે ઈચ્છા ઉત્પન્ન થાય અને ભેગું થાય તો કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : ઈચ્છા થાય અને ભેગું થાય તો કર્મ બંધાય ?

દાદાશ્રી : હા, તો કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : અને ભેગું ના થાય તો ઊડી જાય ?

દાદાશ્રી : હા, ઊડી જાય. તો કશું નહિ.

પ્રશ્નકર્તા : તો એ ઈચ્છાનું કોઈ કર્મ નહીં ?

દાદાશ્રી : ના. કોઈ કર્મ નહીં. આપણે ફક્ત અભિપ્રાય ફેરવવો જોઈએ કે આમ ના હોવું ઘટે, તો કર્મ નહીં. કર્મ તો આ દૂધપાક ખાય, તો ભોગવે, એની ઈચ્છા પૂર્ણ થાય તો કર્મ બંધાયું કહેવાય. અને ઈચ્છા હોય તો પછી પોતે અભિપ્રાય ફેરવે તો કશું નહીં. કારણ કે ઈચ્છાના ટાઈમે તે ભેગું ના થયું અને ઈચ્છા હોય પછી પોતે અભિપ્રાય ફેરવે તો કશું નહીં. કારણ કે ઈચ્છાના ટાઈમે તે ભેગું ના થયું. ભેગું થયું ત્યારે ઈચ્છા ના હોય. પૈણવું હતું ત્યારે પૈણવાનું ના મળ્યું અને પછી પૈણવાનું એને મળતું હતું ત્યારે પૈણવાની ઈચ્છા જતી રહી હતી. એવું બને કે ના બને ? શાસ્ત્રકારોએ આ ઝીણી શોધખોળ કરીને લખ્યું કે આ બેઉ વાત ઊડી જાય છે.

પ્રશ્નકર્તા : એટલે 'જ્ઞાની પુરુષ' આ બન્નેના કાળ જુદાં છે એવું સમજે છે. માટે વાંછના કરતાં નથી.

દાદાશ્રી : કાળ જ જુદાં છેને બન્નેના. કાળ જુદાં એટલે એમને લેવાદેવા નહિ ને ! કાળ તો મુખ્ય વસ્તુ છે ને !

પ્રશ્નકર્તા : એટલે એ જ એમ કહે કે ઈચ્છા કરીશું તો કંઈ હમણાં તે હમણાં વ્યવસ્થિત બદલાઈને પ્રાપ્ત થવાનું નથી. માટે એ ઈચ્છા નથી કરતા ?

દાદાશ્રી : ના, એ ઈચ્છા કરે જ નહીં ને ! કારણ કે જેમ જલેબી ખાધા પછી ચાની ઈચ્છાઓ મોળી પડી જાય. હવે નથી પીવી બળી, રહેવા દો. મોઢું બગડી જાય છે. એવું આ સંસારનાં બધાં રસો ઓગળે. કોઈ ઈચ્છા જ ના રહે ને !

પ્રશ્નકર્તા : 'આ ઈચ્છા કરવાથી આગળ ફસામણ છે' એવું જ્ઞાનીને 'જ્ઞાનપ્રકાશ' રહેતો હશે ને ?

દાદાશ્રી : હા. ઈચ્છા પોતે અગ્નિ છે. કોઈ પણ જાતની ઈચ્છા થઈ એટલે આપણે કપાસમાં દિવાસળી ચાંપી. હવે એ હોલવાય નહિ ત્યાં સુધી એનું દુઃખ ઉપાધિ રહે. એ જ્યારે હોલવાય ત્યારે એને સંતોષ થાય પાછો. એટલે ઈચ્છા એની પૂર્ણ થાય ત્યારે એને સંતોષ થાય. એ સંતોષ એટલે શું ? આ જે ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ હતી, તે લોન ઉપર જે દુઃખ લીધું હતું, તેનું પછી પેલું સુખ આવ્યું, સંતોષનું. ઈચ્છા થઈ એટલે પહેલું 'રી-પે' કરીને પછી એ પેલો લાભ મળે, એના જેવી વાત.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પોતાની ઈચ્છા થાય અને વસ્તુ ભેગી ના થાય તો એનું કર્મ ના બંધાય, પણ પછી અભિપ્રાય બદલી નાખવો જોઈએ ને ?

દાદાશ્રી : અભિપ્રાય ના બદલે તો અભિપ્રાય રહી ગયો ને, જે ઈચ્છા થઈ તેનો ! 'એમાં સુખ છે' એવું માનેલું, તે અભિપ્રાય રહી ગયો ને ! એટલે ફરી પાછી ઈચ્છા ઉત્પન્ન થશે. એ ફરી આવીને ઊભી જ રહે. ઈચ્છા ઉત્પન્ન થાય એટલે આપણે જાણીએ કે આમાં અભિપ્રાય બંધાયેલો છે. એ અભિપ્રાય છોડી દેવો જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે આ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં અરૂચિપણે રહેવું, એટલે અભિપ્રાય વગર રહેવું એવું કહેવાય ?

દાદાશ્રી : અભિપ્રાય તો આખો ય છૂટી જવો જોઈએ. અભિપ્રાય તો બિલકુલ હોવો જ ના જોઈએ. કિંચિત્માત્ર અભિપ્રાય હોય, કોઈ જગ્યાએ ભરાઈ રહ્યો હોય તો એ તોડી નાખવો ! આ સંસારમાં સુખ છે, આ પાંચ ઇન્દ્રિયોમાં સુખ છે, એવો અભિપ્રાય તો રહેવો જ ના જોઈએ !

અને એ અભિપ્રાય, એ ય 'આપણા' ન હોય ! એ અભિપ્રાય બધા ચંદુભાઈનાં ! 'હું' તો દાદાએ આપેલો એવો 'શુધ્ધાત્મા છું' અને શુધ્ધાત્મા તે જ પરમાત્મા છે ! એટલું સમજી જવાની જરૂર છે. આ પાંચ આજ્ઞા આપી છે એ શુધ્ધાત્માના પ્રોટેક્શન માટે છે !

અત્યાર સુધી જે બોલ્યા છે એવું ન બોલવાની ઈચ્છા હોય એટલે અભિપ્રાય એ બાજુનો છે, તે આ ભવમાં વગોવાય એટલું જ. પણ આવતા ભવનું બીજ ના પડે. આ માણસ ઊંધું બોલે છે ને લઢાડે છે, એટલું વગોવાય બાકી આવતા ભવનું બીજ ના પડે. જ્ઞાન ના લીધું હોય, તેને બધા ય દોષ જ બેસે ને ! બીજું શું બેસે ?!

લેપાયમાન ભાવોથી નિર્લેપ !

તેથી અમે કહીએ છીએ કે 'મન-વચન- કાયાનાં તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.' લેપાયમાન ભાવોથી જાતજાતનાં ઊભા થયા જ કરવાનાં મહીં, પણ એ આપણા અભિપ્રાયને લઈને છે, અભિપ્રાય જો ના હોય તો કશું નહિ. જેના અભિપ્રાય ગયા તેને કશું જ નથી. હજુ આપણાં પાછલાં અભિપ્રાય છે ને, તે 'ના ઈચ્છા' હોય છતાં ય પાછલાં અભિપ્રાય તો જાય નહિ ને ! ત્યાં સુધી આપણે શું કરવું પડે ?

આપણે શુધ્ધાત્મા કહ્યું છે, એનું કારણ એ જ છે કે તમે સંજોગવશાત કંઈ ઊંધી દિશામાં ફસાઈ ગયા અને તે તમારો અભિપ્રાય ફરે છે, પણ તમે તો શુધ્ધાત્મા છો. તમને શુધ્ધાત્માને, કશું જ ડાઘ નથી પડતો. તમે શુધ્ધ જ છો. મહીં વહેમ પડે કે આ હું શુધ્ધ રહ્યો નથી. એ મુશ્કેલી ઊભી ના થાય એટલા માટે આપણે નામ પાડ્યું કે શુધ્ધાત્મા. નહીં તો આત્મા જ હતો, શુધ્ધ જ છો, કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં. એટલાં માટે એ શુધ્ધનું વિશેષણ મૂકવામાં આવ્યું છે.

એનાં કરતાં કોલેજનું સર્ટીફીકેટ સારું !

હવે તો દ્રષ્ટિ બદલાઈ ગઈને ! દ્રષ્ટિ હંમેશાં બદલાયા કરે. દ્રષ્ટિ બદલાય, અભિપ્રાયો બદલાયા કરે અને સમ્યક્ દ્રષ્ટિમાં આવ્યા પછી એક જ લાઈન ઉપર આવે, મેઈન લાઈન ઉપર. મિથ્યા દ્રષ્ટિ બદલાયા જ કરે, નિરંતર બદલાયા કરે, અભિપ્રાયો બદલાયા કરે, ચાલ્યા જ કરે. આજે છોકરાને કહે, 'તારા જેવો છોકરો કોઈને મળ્યો નહીં હોય.' અને દોઢ કલાક પછી એનાં હાથે કપ-રકાબી બે-ચાર પડી ગયા. એટલે તું 'નાલાયકમાં નાલાયક છે' એવું બાપ કહે. એટલે આપણે બાપાને કહીએ, 'નમસ્કાર તમને, તમારા અભિપ્રાયને ય નમસ્કાર છે, તમારા સર્ટીફીકેટને ય નમસ્કાર છે.' એનાં કરતાં કોલેજનું સર્ટીફીકેટ સારું ને પચ્ચાસ-સાઈઠ વર્ષ સુધી, સો વર્ષ સુધી કશી ભાંજગડ નહીં. કોલેજનાં સર્ટીફીકેટ બદલાય નહીં ને ! અને આમને તો દોઢ-દોઢ કલાકે સર્ટીફીકેટ બદલાય. એટલે લોકો મને સર્ટીફીકેટ આપે, તે હું મેટ્રીક ફેઈલ થયેલો તેની ટીકા લોકો કરે. એટલે હું એમના સર્ટીફીકેટનું ધ્યાન ના રાખું. આમાં શું સર્ટીફીકેટ લેવાનાં ? ઘડીકમાં સારું કહે, ઘડીમાં ખરાબ કહે. એટલે પછી સારું કહે તેનાં ઉપરે ય હું ધ્યાન ના રાખું. આમનાં સર્ટીફીકેટનું જ્યાં ઠેકાણું જ નથી, ત્યાં એને શું કરવાનું ?

પ્રશ્નકર્તા : 'આપને સારું કહે' એના સર્ટીફીકેટ ઉપર આપ ક્યા જ્ઞાન પ્રકાશે ધ્યાન નથી રાખતા ?

દાદાશ્રી : ઘડી પછી એ પાછાં અવળું બોલવાનાં જ છે, એનાં કરતાં આપણે આ વસ્તુ જ ખોટી છે. એનાં કરતાં કોલેજનાં સર્ટીફીકેટ હોય તે સારું. આમનાં સર્ટીફીકેટ પર ધ્યાન ના રખાય. એટલે એ સર્ટીફીકેટને મેં ઉડાડી દીધેલું. જ્યારે કંઈક અનુકૂળ આવ્યું, ત્યારે સારું અને આપણે કહીએ, 'મારું ઘડિયાળ ખોવાઈ ગયું' એટલે ખરાબ ! અલ્યા, આ પહેલાંની બધી સિલ્લક કંઈ (ક્યાં) જતી રહી મારી ? નરી, સિલ્લક ગઈ. 'બહુ સારો છે, આ બહુ ડાહ્યો છે, અક્કલવાળો છે.' પહેલાં એ હતું અને પછી સિલ્લક ખોવાઈ ગઈ ?! તે સિલ્લકમાંથી બાદ કરીને બોલ ને ! ના, પણ ગજું નહિ ને ? એ તો ઝૂડવા જ માંડે ! તે બળ્યા તમારા અભિપ્રાય ! એનાં કરતાં કૉલેજનો અભિપ્રાય શું ખોટો છે ?! તમને બી.એ.એલ.એલ.બી. નો અભિપ્રાય મળ્યો, તે કેવું સર્ટીફીકેટ નભ્યું ?! અને આ અભિપ્રાય નભે જ નહીં ને ! જો અભિપ્રાય ચાલ્યો ને ઠેઠ સુધી ?!

પ્રશ્નકર્તા : એ સર્ટીફીકેટના કાગળીયાની સહી ઊડી ગઈ છે, દાદા.

દાદાશ્રી : ભલે ઊડી ગઈ, પણ તો ય અત્યારે લોક એ અભિપ્રાયને એક્સેપ્ટ કરે, પણ આ લોકો અભિપ્રાય આપે ને કે ચંદુભાઈ બહુ સારા છે, બહુ સારા, પણ બે કે ત્રણ કલાક પછી નવી જ જાતનું બોલે. તમને બોલેલા કોઈ એવું ?

પ્રશ્નકર્તા : બહુ બહુ.

દાદાશ્રી : તો ય સંઘરતા હતા ? હું તો સંઘરતો નહીં અને હું એમે ય કહેતો હતો કે, 'તમારાં કરતાં કૉલેજનું સર્ટીફીકેટ સારું !' એવું તેમને મોંઢે કહી દઉં.

અરે, મારી આટલી બધી સિલ્લક અને હું અહોભાવ અનુભવતો હતો કે ઓહોહો, આમણે આટલી બધી સિલ્લક મારા માટે રાખી મૂકી છે ! અને તે ય થોડીવારમાં પછી સિલ્લક જતી રહી ને ઉપરથી ઠોકાઠોક કરો છો ?

પ્રશ્નકર્તા : આ વ્યવહારિક સબંધોમાં આવું જ થાય છે.

દાદાશ્રી : પણ હું તો રકમો બાદ કરીને બોલું છું. મને જ્યારે જ્ઞાન નહતું થયું ત્યારે હું રકમો બાદ કરીને બોલતો હતો. વ્યવહારિક સ્ટોક જે મારી પાસે હોય તેમાંથી બાદ કરીને બોલતો હતો. એક વાર અભિપ્રાય આપ્યા પછી તેને ઉડાડી કેમ મૂકાય ? ત્યારે લોકો તો મને ક્યાંય ઊડાડી દે. એટલે પછી મેં આ લોકોનાં અભિપ્રાય જ કાઢી નાંખેલાં.

પ્રશ્નકર્તા : પછી તમે શું કરો, દાદા ? એનાં અભિપ્રાયને જમે ના કરો ?

દાદાશ્રી : બિલકુલ જમે જ કરવાનું નહિ ને ! કોઈ ઠેકાણું નહિ, એક જાતનું એક્ઝેક્ટનેસ નહિ, તેનાં અભિપ્રાય શું જમે કરવાનાં ! ઘડીમાં કહે છે, બહોત અચ્છા અને ઘડીમાં કહેશે, નાલાયક છે ! એનાં કરતાં એ અભિપ્રાય જ ના લઈએ તો, શું વાંધો છે ? આપણે ક્યાં એમનાં અભિપ્રાય પર જીવવાનું છે ?! તો ય એ અભિપ્રાય તો આપ્યા કરવાનાં, પણ આપણે જમે નહીં કરવાનું. બહુ ખુશ થઈ જાય તો ય આપણે જમે નહિ કરવાનું, આપણે સમજીએ કે આ ઘડી પછી ધક્કો મારવાના છે !

પ્રશ્નકર્તા : અમારી વકીલની ભાષામાં અમે 'નોટેડ' કહીએ. એટલે જમા ના કરીએ. નોટેડ એટલે 'યસ, નો' નહિ. જમા ય નહીં ને ઉધારે ય નહીં.

દાદાશ્રી : એ બરોબર છે. વગર કામનું લે લે કરવાનું ને સંઘર સંઘર કરવાનું ?! એ કઈ દુકાનમાં મૂકીએ ? કબાટો કેટલાં આપણી પાસે ?

પ્રશ્નકર્તા : માનપત્રો આપે છે, તેને ય લોક સંઘરી રાખે છે.

દાદાશ્રી : માનપત્રો લેનારાં ય લે છે જ ને લોકો આપે છે ય ખરાં. પેલા મનમાં શું ય ખુશ થઈ ગયા છે ! શું આપવાનું, કશું ઠેકાણું જ નહિ આમનું.

પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાયમાં કંઈ ઠેકાણું જ નહીં.

દાદાશ્રી : ના, ના. કશાનું કંઈ ઠેકાણું જ નહીં. કારણ કે લોકોના હાથમાં સત્તા જ નથી ને ! સત્તા માની બેઠાં છે એટલું જ. આ તો ઉદય કર્મ કરાવે છે બધું. કોઈના હાથમાં સત્તા જ નહીં ને ! સત્તા વગર ચાલી રહ્યું છે આ. બોલે, 'તારામાં અક્કલ નથી.' એ અભિપ્રાય આપ્યો. 'તારા જેવો કોઈ માણસ નથી.' એ ય અભિપ્રાય આપ્યો. અલ્યા, શું કરવા અભિપ્રાય વગર કામનો આપ આપ કરે છે ! તારા સર્ટીફીકેટ કોઈ બાપો ય પૂછનાર નથી. છોકરો ય સામો થાય. સારું ત્યાં સુધી સારું કહે અને ખરાબ કહીએ ત્યારે છોકરો મનમાં એ વાળે કે 'વગર કામનાં માથું બગાડે છે, મગજ બગાડે છે.' અને મનમાં એ સમજે કે 'બરકત નથી તેથી આવું બોલે છે.'

અભિપ્રાય નહીં બદલવાની દ્રષ્ટિ !

અમને કહેને, ખુદ ભગવાન આવે તો ય હું માનું નહીં. ખુદ ભગવાન આવીને કહેશે, 'તમને આમ થઈ જશે, તમે આવા છો, તમે તેવા છો, તો હું માનું નહીં.'

કારણ કે આ બધા માણસો મારી પાસે લગભગ ૧૦ થી ૧૨ હજાર માણસ તો વિગતવાર થયેલાં છે અને બીજા બધા એમનાં સગાવહાલાં આવે, પચાસ હજાર માણસ આવે, પણ બાર હજાર માણસ પદ્ધતસરનાં થયેલાં છે. તે બધાનો, કોઈનો અભિપ્રાય મેં ફેરવ્યો નથી. ચાલીસ વર્ષથી નોંધ્યું હોય, તમને ત્યાં જોયા ત્યારથી જોયાં તેની સાથે જ અભિપ્રાય પહેલો પડ્યો, પછી એ અભિપ્રાય ફેરવવાનો નહીં.

પ્રશ્નકર્તા : પણ બહારથી તો જુદું દેખાય.

દાદાશ્રી : એ જુદું ગમે તેવું હોય, એ અમે સમજી એ કે ભઈ, એ તો સંજોગાધીન છે. પણ અભિપ્રાય અમે કોઈનો ય ફેરવ્યો નથી અત્યાર સુધી. આ બેન ૨૦ વર્ષથી મારી જોડે છે, પણ અભિપ્રાય ફેરવ્યો નથી. એક સેકન્ડે ય અભિપ્રાય નહીં ફેરવ્યો.

પ્રકૃતિ ઓળખવાની અનોખી દ્રષ્ટિ !

એટલે પ્રકૃતિ જોવાની શક્તિ મને વધારે આપેલી, કુદરતી જ બક્ષીસ એવી ! પ્રકૃતિ જોઈ લેવાની અને દરેકની પ્રકૃતિ જુદી જ હોય.

પ્રશ્નકર્તા : એ જુદી જ હોય, એ તો સમજાય પણ અમે બરાબર જોઈ શકીએ ?

દાદાશ્રી : એના માટે એવું નિષ્પક્ષપાતી થવાનું, એવું હાર્ટ રહેવું જોઈએ ને ! નિષ્પક્ષપાતી રહે નહીં ને !

દરેક માણસ મારે ત્યાં આવે તે જ્યાં સુધી હું વારે ઘડીએ એનું નામ પૂછું, ત્યાં સુધી એનો અભિપ્રાય હું બાંધતો નથી. પછી નામ પૂછવાનું બંધ કરું, ત્યારે મારો અભિપ્રાય બંધાયો હોય.

આ તમને ખબર હશે, તમને નામ પૂછતો હતો ને પહેલાં ? વારેઘડીએ આવે ત્યારે હું શું કરું કે શું નામ ભાઈ તારું ? એવું પૂછું. ત્યારે આ કહે, 'ચંદુભાઈ.' પછી હું ભૂલી ગયો હોઉં પાછો. ફરી પાછાં આવે, પછી જ્યારે નામ મને યાદ રહે ત્યારે અભિપ્રાય બંધાયો હોય કે ભઈ, આ માણસ આવો જ છે. બસ બીજી કશી ભાંજગડ નહીં. સ્ટડી કરી લઈએ થોડો વખત.

જેમ છે તેમ જોઈને, બંધાયા અભિપ્રાય !

પ્રશ્નકર્તા : આ જે તમે બધાનો સ્ટડી કરો છો, એ તમે રીયલમાં રહીને કરવાનાં કે આ બધું રીલેટિવમાં જ કરવાનાં હોય છે ?

દાદાશ્રી : મારું દર્શન જ ઊઘાડું છું, ખૂલ્લું દર્શન, દર્શનથી જે દેખાય, નિષ્પક્ષપાતી દર્શન. અભિપ્રાય બદલવો ના પડે. આ તમારો જે અભિપ્રાય બંધાયો છે, એમાં કશું બદલવાનું નહીં. કોઈ કહેશે, 'ચંદુભાઈએ આમ કર્યું.' પણ એ કશું માન્યામાં ના આવે. ડખલ જ નહીં ને પછી !

પ્રશ્નકર્તા : તમારો અભિપ્રાય દર્શનથી આવેલાં છે, વિચારે કરીને નથી.

દાદાશ્રી : હા. આ તો એવું છે ને નહીં તો તો અભિપ્રાય વારે ઘડીએ ફર્યા કરે. કાનનો કાચો હોય તે હમણે અભિપ્રાય આમ હોય, તે પછી આમ બદલાઈ જાય. એ અભિપ્રાયને શું કરવાનાં ? અને એ અભિપ્રાય ભડકાટ કેટલો ઘાલે ?

પ્રશ્નકર્તા : અમે બધાનાં અભિપ્રાય બાંધીએ છીએ. તે બધાનાં ગુણ ને દોષ જોઈએ, તો દોષ પહેલાં દેખાય, એવું કેમ થતું હશે ?

દાદાશ્રી : એવું છે કે એની પુણ્યૈ હોય ત્યાં સુધી એ બધાને સારા દેખાય અને જ્યારે પાપનો ઉદય વર્તતો હોય ત્યારે આ બધાનાં અભિપ્રાય ફરી જાય. પણ હું અભિપ્રાય ફેરવું નહીં. એ તો પુણ્ય ને પાપને આધીન વર્ત્યા કરે, તેમાં હું અભિપ્રાય ફેરવું નહીં. હું તો પુણ્યૈમાં જોઈ લઉં, એનો અભિપ્રાય એ અભિપ્રાય રહેવા દઉં. પછી પાપનાં આધીન ગમે તે થાય ! એટલે ડખો જ નહીં ને મતભેદ જ પડે નહીં ને ! પછી ભાંજગડ નહીં ને !

પ્રશ્નકર્તા : અભિપ્રાય સહિતનું વર્તન છે માટે ગૂંચો પડે છે.

દાદાશ્રી : હા, તેથી જ ગૂંચો પડે. અમારે અભિપ્રાય નહિ એટલે ગૂંચો પડે નહીં ને !

તેથી સામે કહીએ છીએને, કે આ બધા ય માણસો મને મળ્યા હશે, બધા કેટલાંય માણસો, પણ મને તો કોઈની પર અમારે અભિપ્રાય બદલાયો નથી.

મહાત્માઓ પ્રત્યેનો અભિપ્રાય ?!

પ્રશ્નકર્તા : આપણા ઘણાં મહાત્માઓએ પણ જ્ઞાન લીધેલું છે, છતાં પણ એમને અભિપ્રાય થાય છે.

દાદાશ્રી : એ થાય છે તે પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. એ પેલો ચાર્જ અભિપ્રાય નથી, એ ડિસ્ચાર્જ અભિપ્રાય છે.

આપણા મહાત્માઓ ઉપર અભાવ આવે છે ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : કોઈની પર નહીં ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એમ એ મહાત્માઓ પરનો અભાવ પહેલો જતો રહે તો ય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓ માટે એવું નહીં રહેવું જોઈએ કે આપણા મહાત્માઓ આવાં જ હોવા જોઈએ ?

દાદાશ્રી : 'આવા હોવા જોઈએ' એવું નહીં, પણ આપણા મહાત્માઓ જ્ઞાનમાં જ હોવા જોઈએ. એટલે 'આવા તેવા જોઈએ', નહીં રાખવું. મહાત્માઓ જ્ઞાનમાં છે ને મન ગાંડું ય બોલે, તો એના પરથી અભિપ્રાય ના અપાય.

ભાગીદાર જોડે 'ખરાબ છે' એવો અભિપ્રાય આવે તો આપણે મનને કહી દેવું કે ખરાબ નથી, સારા છે. આપણાં મનને જ કહી દેવાનું એ અભિપ્રાય 'મને' કરેલાં છે, મનની પાસે સિલ્લક છે.

અહીં સત્સંગમાં, આપણા સર્કલમાં જે માણસો તમને મળશે ને તે તમને ફીટ થાય એવાં જ માણસો મળશે. અને ના ફીટ થાય એવાં જે મળે છે એ ફરજિયાત હતા. એ તો છે જ ફરજિયાત, પછી ભાંજગડ શું છે આપણે ? અને એ તો એની મેળે છૂટી જ જવાનો છે, તમારે એને છોડવો નહીં પડે.

પ્રશ્નકર્તા : એવું છે કે મારે અભિપ્રાય બાંધવો નથી, પણ જે ગમતા અને ના ગમતા, બન્નેવ પર અભિપ્રાય બાંધે છે, તેમાં ના ગમતો તો એને આવી પડેલા જ છે ને ?

દાદાશ્રી : ના ગમતો તો એની મેળે જ છૂટી જાય. તમારે છોડવો નહીં પડે. અને ગમતાં હશે તે રહેવાનાં છે. તો પછી તમારે આમ એમને સારા-ખોટાં અભિપ્રાય આપીને શું કામ છે ? કારણ કે આપણે ત્યાં અહીં બધો ઊંચો માલ ખેંચાઈને આવે છે. ભલે પૈસા ઓછા-વત્તા હોય તેનો સવાલ નથી, પણ જ્યાં સિન્સિયારીટી ને મોરાલિટી કંઈક રહી છે, એવાં માણસો જ આપણે અહીં આવે છે. આ સાવ ખાલી થઈ ગયેલું નથી. કારણ કે આ આકર્ષણ તો 'જ્ઞાની પુરુષ'નું જ ને ? આ બધાં ભેગા થયાં, તેમાં મૂળ આકર્ષણ તો 'જ્ઞાની પુરુષ'નું ને ? પછી એમના આકર્ષણથી તમે ને તમારા આકર્ષણથી બીજા અહીં આવવાના, પણ મૂળ વસ્તુ તો 'જ્ઞાની પુરુષ' જ છે ને ? અને આ સિન્સિયારિટી ને મોરાલિટી પર છે ને બધું ? પાછાં બધાં ય એવાં જ સિન્સિયર ને મોરલ અને ખોટો હોય તો તે છૂટી જાય, એની મેળે જ છૂટી જાય. થોડો વખત રહીને, અહીં છ મહિના-બાર મહિના આવીને પણ એની મેળે છૂટી જાય છે.

પ્રશ્નકર્તા : અને દાદા, જે રહે છે, એમાં પણ એનું જે સારું હોય છે એ રહે છે ને એનામાં જે ખરાબ હોય છે એ કાંગળા નીકળી જ જાય છે !

દાદાશ્રી : નીકળી જ જાય છે ! એની મેળે જ નીકળી જાય છે !

આ સત્સંગ તો, ખૂબી છે એની ! આમાં બધી નાતો છે, આની ખૂબી તમને ના અનુભવમાં આવતી હોય તો આને ખોટું ના ઠરાવશો, એક દહાડો આની ખૂબી સમજાશે !

ઊંધામાં રાખો અસહમતતા !

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાનવાળા જીવ પર કર્મનો કોઈ સંસ્કાર પડે કે ના પડે ? કોઈક એવા અધમ કર્મ હોય તો ?

દાદાશ્રી : અધમ કર્મ હોય તો એ કરનાર જુદો છે. એ પૂરણ-ગલન છે. જે કર્મ છે એ આવીને જતું રહે છે, એની જોડે આપણને અન્વય સંબંધ નથી. અન્વય સંબંધ હોય તો તે આપણું છે. પણ જેને અન્વય સંબંધ નથી તે આપણું નથી, એને ફક્ત જાણવું જોઈએ એટલું જ છે !

પ્રશ્નકર્તા : એવો કોઈ પ્રસંગ આવે કે અધમ કર્મમાં જોડાવું પડે, તો એ વખતે દાદાનું સાન્નિધ્ય માગીને દાદાની પાસે ઊભો રહીને એ કર્તવ્ય પુરું કરે, તો પોતે એ રીતે એ કર્મના સંસ્કારમાંથી છૂટો રહી શકે ખરો ને ?

દાદાશ્રી : હા. વાંધો નહીં. પણ તે મનમાં એમ હોવું જોઈએ કે મને આ ન હોવું ઘટે. અભિપ્રાય આપણો વિરુદ્ધ હોવો જોઈએ જો સહમતી અભિપ્રાય હશે તો ફરી ઊભું થશે.

પ્રશ્નકર્તા : એટલે એમાં આપણી સહમતી ન હોવી જોઈએ.

દાદાશ્રી : સહમત થયા એટલે એ વસ્તુ, તમે ફરી પાછા ત્યાં જશો. એટલે તમને તમારી જાતની છૂટ રાખી. એટલે બાઉન્ડ્રી મૂકી દેવી જોઈએ કે 'સહમત નહીં.' છતાં ય ગયા તો ફરી નક્કી કરીએ કે સહમત નહીં. 'જવાય છે' એ બીજા કારણથી અને 'સહમત નહીં' એ તમારું મુખ્ય વસ્તુ છે. બ્રીક છે એક મોટામાં મોટી ! અન્વય સંબંધ એ કાયમનો સંબંધ છે.

આપણે ત્યાં ઘેર મહેમાનો કોણ કોણ છે અને ઘરનાં કુંટુંબનાં, ત્રણ પેઢીના કુંટુંબનાં સો એક માણસ ભેગા થયા હોય, એ ઘરનાં કહેવાય અને બીજા વ્યવહારનાં કહેવાય. એટલે 'વ્યવહારનાં કોણ છે' એ આપણે સમજી જઈએ આ બધા રાતે એમને ઘેર સૂવા જાય. જમ્યા-કર્યા, આખો દહાડો રહ્યા, પણ સૂવા એમને ઘેર જાય બધા દોડતા. એટલે આ વ્યવહારને આપણે ઓળખીએ અને અન્વય સંબંધ એટલે અહીંના છે એ કોણ એને આપણે ઓળખીએ.

એટલે આત્માના અન્વય સંબંધવાળું છે તે આપણું છે અને બીજું પુરણ-ગલન થયા કરે છે, કલાક-બે કલાકે જતો રહે છે, બાર કલાકે જતો રહે છે. પણ તે આપણું ન્હોય. આ ભેદ તમને આપેલો છે એટલે તમારે આ ભેદ ઉપર રહેવું જોઈએ. આ ભેદજ્ઞાનના દરવાજા ઉપર તમારે રહેવું જોઈએ કે આ ન્હોય મારું. છતાં ચંદુભાઈ એ એમાં હોય. ચંદુભાઈ પોતે જ પુદ્ગલ સ્વભાવના છે, એ પુદ્ગલમાં અટવાયાં હોય તો આપણે તેને 'જોયા' કરવું અને ચંદુભાઈને કહેવું કે 'આમ ન હોવું જોઈએ.' જેમ 'હું' 'તમને' કહું છું. એવું 'તમારે' 'ચંદુભાઈ'ને કહેવાનું.

સારા અભિપ્રાયનાં પરિણામે !

પ્રશ્નકર્તા : આપણને મન અહીં લઈ આવ્યું એ પણ અભિપ્રાય કહેવાય ને ?

દાદાશ્રી : હા, એ અભિપ્રાય કહેવાય. આ અભિપ્રાય સારો ભરેલો ને મહીં કે 'કોઈક ફેરો એવા સંત મળજો કે મુક્તિ કરાવડાવે' એ અભિપ્રાય ભરેલો, તેથી આ મન તેડી લાવ્યું. એ અભિપ્રાય અહીં તેડી લાવ્યા.

એટલે સારા અભિપ્રાય તમને હેલ્પ કરશે અને નબળા અભિપ્રાય તમને મારશે. પણ છેવટે મન છે ત્યાં સુધી સંસારમાં ભટકાય ભટકાય કરશે માટે મનવશ થાય એવું કોઈ કાર્ય કરો. ત્યારે મનવશ થવાને માટે ક્યું કારણ સેવવું પડે ?

વીતરાગની દ્રષ્ટિએ .....

વીતરાગને અભિપ્રાય ના હોય. વીતરાગ બોલે ખરા, 'ભાઈનો સ્વભાવ બરોબર નથી, આ ભાઈનો સ્વભાવ સારો છે.' બોલે ખરાં, પણ અભિપ્રાય ના હોય. વ્યવહારમાં બોલવું પડે ને ?!

પ્રશ્નકર્તા : એટલે કષાયથી અભિપ્રાય આપે છે.

દાદાશ્રી : કષાય હોય તો જ અભિપ્રાય હોય. મીઠો કષાય હોય તો મીઠો અભિપ્રાય હોય.

પ્રશ્નકર્તા : એટલે વીતરાગ રહીને પણ પેલું અભિપ્રાય જેવી વાત બોલી શકે ખરાં ? એટલે લાગે અભિપ્રાય જેવી વાતો કે 'આ સારો છે, આ બરોબર નથી.' છતાં વીતરાગ રહી શકાય.

દાદાશ્રી : છતાં અભિપ્રાય ના હોય. અભિપ્રાય કષાયીને હોય. એને પ્રીજ્યુડીસ કહે છે. ગઈ કાલે ચોરી ગયો ને એ માણસ આજે આવે ત્યારે એનાં મનમાં એમ થાય કે ગજવું સાચવજો. 'એ ચોર છે' એવું માને. ત્યારે ભગવાન પૂછે છે કે, 'ભઈ, ગઈ કાલે એનો ઉદય એવો હતો, આજે ઉદય જુદી જાતનો હોય.'

પ્રશ્નકર્તા : એટલે વીતરાગની દ્રષ્ટિ જ એવી હોય કે જેથી અભિપ્રાય ન પડે.

દાદાશ્રી : અભિપ્રાય તો હોય જ નહિ ને ! અભિપ્રાય કષાય આપે. જગત આખું કષાયવાળું એટલે અભિપ્રાય આપી દે. 'આ ખરાબ છે અને આ સારો છે.' એમ.

પ્રશ્નકર્તા : જ્યારે દ્રષ્ટિમાં ભેદ જ ન રહે કે 'આ સારું અને આ ખોટું.' ત્યારે એ અભિપ્રાયરહિત થયો કહેવાય ને ? ત્યારે વીતરાગ થયો કહેવાય ને ?

દાદાશ્રી : રાગ-દ્વેષ ના થાય ત્યારે વીતરાગ થઈ જાય.

પ્રશ્નકર્તા : સારું-ખોટું હોય, છતાં ય રાગ-દ્વેષ ના હોય એવું બને ?

દાદાશ્રી : સારાને સારું કહે, ખોટાને ખોટું કહે. ચોર ચોરી કરે એ ખરાબ છે, એમ કહે.

પ્રશ્નકર્તા : પણ એની નિશ્ચયની દ્રષ્ટિમાં ચોરી કરે છે એ ખરાબ નથી તે ?

દાદાશ્રી : નિશ્ચયની દ્રષ્ટિમાં બોલે નહિ, વ્યવહારની દ્રષ્ટિથી બોલે. ડ્રામેટીક બોલે. 'જો તું ચોરી કરે છે એ ખરાબ છે એનું ફળ તને કડવું આવશે. આ દાન આપે છે એનું ફળ સારું આવશે.' એવું એ કહે. પણ અભિપ્રાય ના હોય કે આ ચોર છે.

પ્રશ્નકર્તા : ક્રિયા આખી કર્મના ઉદયને આધીન છે અને એ પોતે ચોર નથી.

દાદાશ્રી : આજે ચોર થવું હોય તો થાય, ના થવું હોય તો ના થાય.

પ્રશ્નકર્તા : હવે એની બિલિફમાં તો પોતે ચોર તરીકે હોય છે ને ?

દાદાશ્રી : ના, 'હું શુધ્ધ જ છું.'

પ્રશ્નકર્તા : એ તો આપણી દ્રષ્ટિમાં રહેવું જોઈએ ને કે એ શુધ્ધ છે ? પણ એ પોતે તો એવું જ માને ને કે 'હું જ ચોરી કરું છું' ?

દાદાશ્રી : એવું જ માને. એ જ કરે છે.

પ્રશ્નકર્તા : અને ખરેખર તો એને પણ ચોરી કરવાની ક્રિયા આખી કર્મના ઉદયને આધીન છે. ખરેખર એ પોતે એમાં છે નહીં.

દાદાશ્રી : હા. કર્મના ઉદયનાં આધીન છે, ખરેખર એ કરતો નથી.

પ્રશ્નકર્તા : પણ એની બિલિફમાં ભૂલ છે.

દાદાશ્રી : બિલિફ જ ભૂલ છે. આપણે એ ખરેખર પોતે કરે છે એવું જાણે છે, તેથી એ મોહ છે અને આપણે પોતે આ કરતા નથી, એટલે એ ચારિત્રમોહ છે. પેલો ય જો કદિ એનો કર્તા ના થાય તો ચારિત્રમોહ. વ્યવહારમાં આને તો મોહ તો કહે ને ! સિનેમા જોવા ગયા હોય તે ? અરે, દાઢી કરે તે ય મોહ કહે. અને આપણે અહીં પોતે કર્તા નથી. વ્યવસ્થિત કર્તા છે. એટલે એને અડે નહીં.

પ્રશ્નકર્તા : સામાને ચોર જોવો, એ ચારિત્રમોહ કહેવાય એમ ?

દાદાશ્રી : ચોર જોઈને ચોર માનવો, એ ચારિત્રમોહ ના કહેવાય. ચોર જુઓ એ ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં આપનું એક વાક્ય છે કે 'કોઈનો પણ દોષ જોવો એ ચારિત્રમોહમાં નથી.'

દાદાશ્રી : હા. બરોબર છે. એ તો સાપેક્ષવાત છે બધી. અમુક અપેક્ષાએ ચાલે. એટલે દોષ બે રીતે જોવાનું છે. દોષીતે ય માને ને નિર્દોષે ય માને. બે રીતે માનતો હોય તો વાત જુદી છે.

પ્રશ્નકર્તા : બે રીતે કઈ રીતે મનાય ?

દાદાશ્રી : આ દોષ પોતે કરતો નથી એને દોષીત માનવાનો ? પોતે કરતો નથી તે ભાગમાં દોષીત માને.

પ્રશ્નકર્તા : એટલે દોષીત જોવાનું પરિણામ મહીં ઊભું થાય છે.

દાદાશ્રી : ના. દોષીત તો દેખાય જ ને ? જગતના લોકો એને દોષીત જ કહે છે ને ? એવું આપણે ય વ્યવહારથી કહીએ. આપણને મહીં અંદરથી નથી આ. એ પોતે નથી કરતો આ. એ નિર્દોષ છે. એ પોતે કરતો નથી, માટે નિર્દોષ છે.

પ્રશ્નકર્તા : ચોરી કરવાની ક્રિયા, દાન આપવાની ક્રિયા એ ક્રિયાનાં આધારે અભિપ્રાય અપાઈ જતો હશે ?

દાદાશ્રી : અભિપ્રાય તો રાગ-દ્વેષ હોય તો જ અપાય, રાગ-દ્વેષ નહિ તો અભિપ્રાય શેનો ? હવે રાગ-દ્વેષ એટલે ખરેખર રાગ-દ્વેષ કે પાછલો ચારિત્રમોહ ?!

પ્રશ્નકર્તા : એટલે ચોરી કરવાની ક્રિયા ઉપર દ્વેષ અને દાન આપવાની ક્રિયા ઉપર રાગ, જોવું ? એથી અભિપ્રાય રહ્યા છે ?

દાદાશ્રી : પણ એ તો આ સંસારી લોકોને. આ જ્ઞાન આપેલું હોય તેને ચારિત્રમોહ કહેવાય. અંદરખાને એ જાણતો હોય કે 'પોતે કર્તા નથી.' આમે ય લોકોને કહે કે ભઈ એણે જ કર્યું. લોકો પૂછે કે આ બધું કોણે કર્યું ? ત્યારે કહે કે એણે કર્યું. બીજાં કોણે કર્યું ?! અહંકાર તો આંધળો, ધૃતરાષ્ટ્ર બિચારો ! બુદ્ધિ એને જ્યાં દેખાડે ત્યાં જાય. આ તો બુદ્ધિ નફો-ખોટ જ દેખાડે, અહીં નફો છે ને ત્યાં ખોટ છે, એવું દેખાડે.

વ્યવહાર ચારિત્ર એટલે ....

ભગવાને જે વ્યવહાર ચારિત્ર કહ્યું છે એ તો બહુ ઊંચી વસ્તુ છે. વ્યવહાર ચારિત્ર તો, વીતરાગના મતને જાણે કે વીતરાગોનો અભિપ્રાય શો છે, પોતાનો અભિપ્રાય શો છે તે તો જુદી વસ્તુ છે, પણ વીતરાગોના અભિપ્રાયને માન્ય રાખીને બધું કામ કરે એ વ્યવહાર ચારિત્ર કહેવાય. પોતાથી જેટલું થાય એટલું પણ વીતરાગનો અભિપ્રાય નક્કી રાખીને કે આ પ્રમાણે વીતરાગનો અભિપ્રાય છે, એ પ્રમાણમાં જ ચાલ્યા કરે, પછી પોતાથી થાય એટલું, પણ એ વ્યવહાર ચારિત્ર છે.

અભિપ્રાય ધોવા કેવી રીતે !

પ્રશ્નકર્તા : પહેલાં આ બધું ઊંધું થઈ ગયેલું હોય કે પોતાનાં અભિપ્રાયો પડી ગયેલાં હોય, તે આ બધું એને ધોવાનું કેવી રીતે ?

દાદાશ્રી : એ તો જે ટાઈમે થયું હોય, ફરી પાછાં એ ટાઈમમાં જવાય નહીં પાછાં, પછી પ્રતિક્રમણ કરવાં પાછાં એને સામે લાવવાનું બધું.

પ્રશ્નકર્તા : ના, ના. પણ અત્યારે મારા પરિણામ બધાં શાંત છે, અહીંથી કોઈની પર એકે ય જતાં નથી. પણ અત્યારે જે જૂનાં હોય, એ ફિલમમાં દેખાયા કરે. જો આ રીતનું હોય ત્યાં ધોવું કેવી રીતે ?

દાદાશ્રી : જૂનાંની અસર નવા ઉપર થતી નથીને હવે ?

પ્રશ્નકર્તા : ના, બીલકુલે ય નહીં.

દાદાશ્રી : તો એ છોડી દેવું આપણે. એને બહુ ચૂંથવું નહીં. એ તો એમાં જીવંત રહેતું નથી પછી. એ તમને આજે અસર કરતું હોય તો જીવતું છે હજુ, કહેવાય.

પ્રશ્નકર્તા : ના, અસર નથી કરતી.

દાદાશ્રી : તો તો પછી છોડી દેવાનું. વગર કામનો બોજો અસર કરતું હોય તો પકડી રાખવું ?

પ્રશ્નકર્તા : અભિપ્રાયને એવું બધું હોય તે ?

દાદાશ્રી : અભિપ્રાય તો માત્ર કાઢી નાખવા. અભિપ્રાય માત્ર જ બધું સંસાર ઊભો કરનારું છે. તને અભિપ્રાય બહુ રહે છે લોકોના, નહીં ?

પ્રશ્નકર્તા : હમણે એવું નથી, પણ આ તો ક્યારે ઊભું થઈ જાય, એ કહેવાય નહીં !

દાદાશ્રી : કહેવાય નહીં એટલે શું ? આપણે જીવતાં જ છીએ ને, કહેવાય નહીં એવું બોલાતું હશે ? તળાવમાં કેમ નથી પડી જવાતું ? કૂવામાં કેમ નથી પડી જવાતું ? જાગૃત રહેવું જોઈએ !

'એનાથી' તૂટે સહમતતા !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો, અભિપ્રાય ઊભાં થાય છે એનાં જ કર કર કરવાં પડે છે ને, હવે ?

દાદાશ્રી : એ અભિપ્રાય ઊભો થયો એ પહેલાંના હિસાબથી થયો છે. હવે પ્રતિક્રમણ કરીએ તો ફરી અમે અભિપ્રાય બાંધતાં નથી. એવું આમાં, આ વાતમાં અમે સહમત નથી, તે વખતે છૂટ્યો. પહેલાંનો બંધાયેલો અભિપ્રાય આ વખતે છૂટ્યો. અને એવું સમજાય એટલે કશું ડખલ રહે નહીં. તમારે ભૂલનું પ્રોટેકશન (રક્ષણ) થતું હોય તે સુધારી લેવાનું. હા, બીજું કશું છે નહીં. ભૂલ થઈ, કોઈકને નુકસાન થાય એવું થયું, તો પ્રતિક્રમણ કરી લીધું એટલે થઈ ગયું, નિવેડો આવ્યો.

પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય છે ? આ જે ભૂલ થઈ રહી છે એમાં હું સહમત નથી. એ પ્રતિક્રમણ ઈટસેલ્ફ પ્રુવ (જાતે જ સાબિત) કરે છે આ, કે એમાં હું સહમત નથી. પહેલાં એ દોષમાં સહમત હતો કે આવું જ કરવું જોઈએ. હવે એમાં સહમત નથી. અભિપ્રાય ફર્યા એટલે થઈ રહ્યું. આ જગત અભિપ્રાયથી ઊભું રહ્યું છે.

એટલે આપણે શું આજ્ઞા કરી ? કે આ 'સમભાવે નિકાલ' કરવો. હા, અને શુધ્ધ જ જુઓ. અને છે તે કોઈને ના ગમે એવું હોય, એવું મહીંથી થઈ ગયું હોય, ચંદુભાઈ થકી, તો એણે અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરો. એટલે એનાં અભિપ્રાયની વિરુદ્ધ છીએ, એવું કહેવા માગીએ છીએ. અભિપ્રાય અમે ફેરવ્યો. પહેલાંના અભિપ્રાયમાં અમે નથી હવે. અભિપ્રાય ફર્યો કે એ ચોખ્ખા થઈ ગયા. અભિપ્રાય જો એનો એ જ રહ્યો તો પાછો મૂળ બગાડ રહ્યો. અભિપ્રાય ફેરવવા માટે છે આ !

એ દ્રષ્ટિથી છૂટે અભિપ્રાય !

પ્રશ્નકર્તા : એટલે સંપૂર્ણ અભિપ્રાય રહિત કેવી રીતે થવાય ?

દાદાશ્રી : આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રિયલ વ્યુ પોઈન્ટ એ 'શુધ્ધાત્મા' છે. અને બાય રિલેટીવ વ્યુ પોઈન્ટ એ 'ચંદુભાઈ' છે અને રિલેટીવ માત્ર કર્મના આધીન હોવાથી 'ચંદુભાઈ' પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો 'એ' દોષિત ગણાત. પણ 'એ' બિચારો ભમરડાંની પેઠ છે. એટલે 'એ' નિર્દોષ છે. 'આમ શુધ્ધાત્મા છે અને બહારનું નિર્દોષ છે.' બોલો હવે, ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને !

પ્રતિક્રમણનું સબસ્ટીટયુટ ? (બદલીમાં)

પ્રશ્નકર્તા : શીલદર્શકમાં જે પ્રતિક્રમણ કરવાનાં કહ્યાં છે, તે ડગલે ને પગલે રાત-દિન નિરંતર પ્રતિક્રમણ કરે તો એક અવતારનાં દોષોનું પ્રતિક્રમણ કરવા પચ્ચીસ અવતાર જોઈએ.

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું ? કે આપણો અભિપ્રાય ના હોવો જોઈએ. આ પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો 'ચેન્જ' છે. આપણો એ અભિપ્રાય હવે રહ્યો નથી. કોઈ ખોટું કાર્ય થયું, એ કાર્યમાં જે આપણો અભિપ્રાય હતો, પોતાનો ઓપિનિયન હતો કે 'આ બરોબર છે.' એ બરોબરપણું છોડવા માટે પ્રતિક્રમણ કરવાનું છે કે અમે આની માફી માગીએ છીએ ને હવે ફરી નહીં કરીએ. શું કહ્યું? અભિપ્રાય છોડવા માટે જ છે ખાલી.

તમારા અભિપ્રાયમાં રહ્યું શું ? ત્યારે કહે, અભિપ્રાય હશે તો મન બંધાશે. ત્યારે કહે, અભિપ્રાય જ રહ્યો નહિ ને ! હવે ફક્ત અભિપ્રાય એટલો રહ્યો કે 'દાદાની આજ્ઞા પાળવી છે,' એટલો જ અભિપ્રાય રહ્યો. તો એટલું એક અવતારી છે તે મન બંધાશે.

- જય સચ્ચિદાનંદ