પૂર્ણતા એટલે જ વીતરાગતા !

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક 'સ્ટડી' કરનારો પૂર્ણતાએ પહોંચ્યો, એની કેવી રીતે ખબર પડે?

દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. એમને ગાળ ભાંડે તો ય વીતરાગતા હોય અને એમને ફૂલાં ચઢાવે તો ય વીતરાગતા હોય. એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઈ ધર્મનું, કોઈ જીવનું પ્રમાણ ના દુભાય.

પ્રશ્નકર્તા : ગાળ ભાંડે અને શ્રદ્ધા બેસે, પણ એ રસ્તો તો ઓલિયાઓનો કહેવાય છે કે ગાળ ભાંડે પણ તમને શ્રદ્ધા બેસાડે.

દાદાશ્રી : ના. ઓલિયાઓનો રસ્તો એવું નહીં ! એ ગાળમાં વીતરાગતા હોય છે. તે એની વીતરાગતાનાં દર્શન થાય પોતાને. હા, આમાં રાગ-દ્વેષ નથી એવું સામાને દર્શન થાય. એને ગાળો ભાંડતા હોય તો ય એ ઊલટો આવીને પગમાં પડે !

વીતરાગ એટલે.....

પ્રશ્નકર્તા : વીતરાગ એટલે શું ?

દાદાશ્રી : વીતરાગ એટલે હમણે કોઈ ગાળ ભાંડે, તો એની અસર પોતે સ્વીકારે નહીં અને સ્વીકારે તો નહીં પણ મોઢું બગડે નહીં, અંદર ભાવ પણ ન બગડે, પરિણતિ ના બગડે. પોતાના પરિણામ પણ ના બગડે એ વીતરાગ ! એમને ગાળ ભાંડે, માર મારે, ઘર બળી જાય, તો પણ એમનું કશું પરિણામ બગડે નહીં ને વીતરાગ જ રહે. વીતરાગ કોણ થાય ? જેને નફો-ખોટ ના હોય, જેને સુખ-દુઃખ ના હોય, દ્વન્દ્વ ના હોય, દ્વન્દ્વથી રહિત થયો હોય એ વીતરાગ. આ વીતરાગનો અર્થ !

પ્રશ્નકર્તા : વીતરાગતા એટલે રાગ નહીં, દ્વેષ નહીં, એટલું જ ? કે એથી વિશેષ બીજું કંઈ ખરું એમાં ?

દાદાશ્રી : ના. વિશેષ કશું ય નહીં. અર્થ એકનો એક જ. પણ એમાં તો બધું બહુ સમાયેલું છે. વીતરાગતા એટલે તો ભગવાન કહેવાય. બીજા બધા ય શબ્દો એમાં સમાય !

પ્રશ્નકર્તા : વૈરાગ અને વીતરાગતામાં ફરક શું ?

દાદાશ્રી : વીતરાગતા એ પરિણામ છે અને વૈરાગ એ બિગિનિંગ છે. વૈરાગથી શરુઆત હોય. વૈરાગ એકડો હોય, તો વીતરાગતા હંડ્રેડ હોય ! તે ત્યાં સુધી વૈરાગ કરતાં કરતાં આવીએ, ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય. વીતરાગતા ઉત્પન્ન થઈ ગઈ, એટલે પરમાત્મા જ થઈ ગયો !!! જેને રાગ-દ્વેષ ના હોય, તેને ભય બિલકુલ હોય નહિ. આ ભય જે બધાં ઊભાં થયા છે, એ રાગ-દ્વેષને લઈને છે. તે વીતરાગતા ને નિર્ભયતા ઉત્પન્ન થઈ એટલે સંપૂર્ણ થઈ ગયો !!!

વીતરાગોની વીતરાગતા !

પ્રશ્નકર્તા : વીતરાગતા, એ સાયન્ટિફિક આઉટ લૂક છે. એ સાયન્ટિફિક દ્રષ્ટિ જ્યારે બેસાડી આપશો, ત્યારે લોક બરાબર માનતા થઈ જશે. અત્યાર લગી તો લોક એવું જ માને છે કે વીતરાગતા એટલે જીવનથી વિમુખ, જીવનથી દૂર. પણ જીવનનું જે કરેક્ટ વ્યુ પોઈન્ટ છે વીતરાગતા, એ વીતરાગના અર્થમાં તમારા સિવાય કોઈએ કહ્યું નથી !

દાદાશ્રી : લોક તો જુદું જ સમજે છે !

વીતરાગોને માનવાવાળા એકલાં જ સમજી ગયા કે આ આપણું નથી. અને જગત આખું એમ જ સમજે છે કે 'આ તો આપણું જ છે, દેહ મારો છે, વાઈફ મારી છે, છોકરાં મારા છે.' અને વીતરાગોનાં ફોલોઅર્સ હતાં, તે બધા સમજી ગયાં કે આ આપણું ન હોય.

વીતરાગોનાં ફોલોઅર્સ, બે ભાઈઓ હોય ને, તે કંઈ આપે-લે નહીં, પ્રેમ જ નહીં ને! બધી બનાવટ. ને પેલાં બે ભાઈઓ હોય તો 'મારો જ ભાઈ' કહેશે. 'એક જ માના જણેલાં' એવું હઉ બોલે, માથું આપી દે, ને પાછું લઈ એ લે ! અને વીતરાગોનાં ફોલોઅર્સ કહે કે ના બા, માથું આપવાનું નહીં ને લેવાનું ય નહીં. વ્યવહાર સારો બધો.

'સંસાર સિવાય' ક્યાં છે ?

પ્રશ્નકર્તા : રાગ અને દ્વેષ ઓછાં કરો, કહે છે પણ સંસારમાં રહીને રાગ અને દ્વેષ કેવી રીતના ઓછાં થાય ?

દાદાશ્રી : તમે ખરું કહ્યું, પણ સંસારમાં એટલે તમે..... એમ માનોને કોઈ માણસ કહેશે, 'આ મેડા ઉપર રહીને મને નહીં ફાવે.' તો અહીં મેડા ઉપર નહીં ફાવે, માટે કોઈ બીજી જગ્યા હોવી જોઈએ તો એવું તને સંસારમાં રહીને ના થાય, માટે બીજી કોઈ જગ્યા હોવી જોઈએ. તો પછી 'કઈ જગ્યા છે' એ મને કહે ને ?

પ્રશ્નકર્તા : પણ રહેવું તો સંસારમાં જ પડે છે ને ?

દાદાશ્રી : હા, એટલે તમે મારી પાસે આવજો ને, હું તમને એક કલાકમાં રાગ-દ્વેષ બંધ કરી આપીશ. મારી પાસે બધી દવા છે. જો તમારે રોગ કાઢવો હોય તો મારી પાસે બધી દવા છે.

બાકી રાગ-દ્વેષ જગતનાં મનુષ્યોને જઈ શકે જ નહીં. કાકડીનો રાગ ઉતારે ત્યારે છે તે ગલકાનો રાગ બેસે. ને ગલકાંનો રાગ ઉતારે તો ચીભડાંનો રાગ બેસે.

પ્રશ્નકર્તા : આપણે તો બધો રાગ ઉતારવો છે.

દાદાશ્રી : હા. તમારે તો સર્વસ્વ રાગ ઉતારવો છે ને. કોઈ પર રાગ-દ્વેષ બેસે નહીં એવો ઉતારવો છે ને ?!

અજ્ઞાન ખસ્યે, કર્મો ખપે !

પ્રશ્નકર્તા : કર્મ ખપાવવું, એ શું સમજવું ?

દાદાશ્રી : કર્મનું મૂળ શું ? રાગ-દ્વેષ. અને રાગ-દ્વેષનો આધાર અજ્ઞાન છે. અજ્ઞાન જાય એટલે કર્મ બધા જ ખપતા જાય. અજ્ઞાન શાનાથી જાય ? જ્ઞાનથી. નિજ સ્વરૂપના અજ્ઞાનથી જ મોક્ષ અટક્યો છે.

વેદાંતમાં કહ્યું છે કે ''મળ, વિક્ષેપ ને અજ્ઞાન જાય તો મોક્ષ થાય.'' ત્યારે જૈન દર્શનમાં કહ્યું છે કે ''રાગ, દ્વેષ ને અજ્ઞાન જાય તો મોક્ષ થાય.''

દેહના મળ તો આ જુલાબથી જાય. પણ મનનાં મળ ના જાય. ને ચિત્તનો તો કશાયથી ના જાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બધા વિક્ષેપ રહે. કંઈક શાંતિ રહે માટે આ લોક મળ, વિક્ષેપ કાઢ કાઢ કરે છે. જ્ઞાન મળે પછી શું રહ્યું ? મળ, વિક્ષેપ તે તો સત્સંગમાં આવે એટલે જતો રહે. આ જીવ શાનાથી બંધાયો છે ? અજ્ઞાનથી. તો છૂટે શાનાથી ? જેનાથી બંધાયો, તે તેના પ્રતિપક્ષીથી એટલે કે જ્ઞાનથી.

આ જગત આખું દુઃખથી જ સપડાયેલું છે. શાનું દુઃખ છે ? અજ્ઞાનતાનું. અજ્ઞાનતાથી રાગ-દ્વેષ થયા કરે છે ને તેનાથી આ દુઃખ છે. 'જ્ઞાન'થી જ દુઃખનો અભાવ વર્તે. બીજો કોઈ ઉપાય જ નથી. એટલે સાચું સુખ તો મોક્ષમાં જ છે. મોક્ષ માટે રાગ-દ્વેષ નહીં, પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે.

પુરુષ થઈને પુરુષાર્થ થાય !

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ ?

દાદાશ્રી : એ આ જ્ઞાન આવ્યા પછી, પુરુષ થયા પછી જ કરાય. બાકી જ્ઞાન આવ્યું જેને ના હોય, તે માણસો એમને કશું પ્રયત્ન હોય નહીં, કશું ચાલે નહીં, તમને સમજ પડીને? કારણ કે બધું ફરજિયાત કરી રહ્યો છે. જે કરી રહ્યો છે ને, ફરજિયાત કરી રહ્યો છે.

તારે મરજિયાતે ય થાય ને ફરજિયાતે ય થાય તને, કારણ કે આ જ્ઞાન મળ્યું એટલે શુધ્ધાત્મા થયો ને, શુધ્ધાત્મા થયો એટલે ચંદુલાલ જુદો, ચંદુલાલને ફરજિયાત બધું અને તારું મરજિયાત.

નડે માત્ર અજ્ઞાન !

પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ?

દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મનાં ફળ ભોગવવાનાં છે ! અને એમાંથી નવાં કર્મ ઊભા થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગ-દ્વેષ ના કરે તો કશું ય નથી. કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ, પણ રાગ-દ્વેષ કરે છે તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ !

આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી, પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતાં ના હોય તો જવાબદાર નથી ! આખો દેહ જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે, એમાંથી રાગ-દ્વેષ જે થાય છે એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને ચાલ્યા જાવ !

અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ 'અંબાલાલ પટેલ'ને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને, એટલે 'અમે' સ્વીકારીએ નહીં. અમને અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !

વીતરાગો એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતા નથી, તારી અજ્ઞાનતા નડે છે ! દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાનતા જાય એટલે કર્મ બંધાતાં બંધ થઈ જાય !

જેમાં રાગ-દ્વેષ, તેમાં જ અજાગૃતિ !

જેટલાથી વીતરાગ થયો એટલી જાગૃતિ એને રહે ને, જેટલામાં રાગ-દ્વેષ છે ત્યાં જાગૃતિ ના હોય એને. વ્યાખ્યાનમાં રાગ-દ્વેષ છે, લોકોની વાતચીતોમાં રાગ-દ્વેષ છે, ભલું કરવામાં રાગ-દ્વેષ છે, શુભ કરવામાં રાગ-દ્વેષ છે, એમાં એમને જાગૃતિ ના હોય. રાગ-દ્વેષને લીધે જાગૃતિ અટકે છે. જેને તપ ઉપર રાગ પડી ગયો હોય, પછી એને બીજું કશું સુઝે નહીં.

વચગાળા માટે સત્કાર્યો કામના !

આ સત્કાર્યો છે ને એનું નામ તો લૌકિક, એ બધું લૌકિક જ છે !

પ્રશ્નકર્તા : હા, પણ દેહ હોય ત્યાં સુધી સત્કાર્યો તો કરવા પડે ને ?

દાદાશ્રી : તો પછી સત્કાર્ય ઉપર પ્રેમ છે, રાગ છે, તો દ્વેષ શેની ઉપર છે ?

પ્રશ્નકર્તા : ખરાબ કામ ન કરવું, નિંદ્ય કામ ન કરવું.

દાદાશ્રી : ત્યાં દ્વેષ છે ?

પ્રશ્નકર્તા : હા, દ્વેષ તો હોય ને !

દાદાશ્રી : તો રાગ-દ્વેષ છે ત્યાં સુધી અનુભૂતિ કોઈ દહાડો ય થાય નહીં.

પ્રશ્નકર્તા : પણ એ રાગ-દ્વેષ ન ગયાં હોય ત્યાં સુધી આવા સારાને તો રાખવા પડે ને !

દાદાશ્રી : હા, એ બરોબર છે. રાગ-દ્વેષ ન ગયાં હોય ત્યાં સુધી સારાને રાખવું પડે. પણ ત્યાં સુધી અનુભૂતિ જ ના હોય ને ! કારણ કે જ્યાં સુધી આ સત્કર્મો છે ને, તેનાં કાર્યોમાં જ પડેલા છે ને, તે એને એમાં રસ લાગે, મીઠાશ એવી સરસ આવે. એટલે અનુભૂતિ થાય જ નહીં.

પ્રશ્નકર્તા : અને અનુભૂતિ થઈ જાય પછી શું કરે ?

દાદાશ્રી : અનુભૂતિ થયાં પછી આવું તેવું કરે જ નહીં અને એ અનુભૂતિ થવા તો 'જ્ઞાની પુરુષ' હોવા જોઈએ, એમનું કામ છે એ તો ! પુસ્તકનું ત્યાં કામ નથી !!

પ્રશ્નકર્તા : અનુભૂતિ ના થાય. ત્યાં સુધી કંઈક તો કરવું પડે ને ?

દાદાશ્રી : હા, એ તો જગત આખું ય કરે જ છે ને !

ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે. એમાં રાગ-દ્વેષ નહીં, તે જ મોક્ષ છે.

પ્રયત્નોથી પાર નહીં આવે !

પ્રશ્નકર્તા : એક જગ્યાએ આપે એવું સરસ કહ્યું છે ને કે આ સંસાર તો શું છે ? કે મોટી ટાંકીમાં પાણી ગરમ કરવાં લાકડાં લાવવાનાં, અગ્નિ સળગાવવાનો. એને ઠંડું કરવું હોય ત્યારે લાકડાં કાઢી નાખો. ને આરામથી સૂઈ જાવ, એનું નામ મોક્ષ.

દાદાશ્રી : હા. ઠંડું કરવાનું એટલે કંઈ મહેનત નથી.

પ્રશ્નકર્તા : હવે પ્રશ્ન એ થાય છે કે જીવનમાં જે રાગ-દ્વેષ છે, એ આપણે બંધ કરી દઈએ, એટલે સંસાર બંધ થઈ ગયો ? જો એમ હોય તો રાગ-દ્વેષ બંધ કરવા આપણે મહેનત તો કરવી પડે ને ?

દાદાશ્રી : નહીં. મહેનત કરવાથી તો રાગ-દ્વેષ બંધ થાયને, પણ તે ફરી બીજ નાખે છે. એટલે એ રાગ-દ્વેષ પૂરેપૂરાં બંધ થતાં નથી.

પ્રશ્નકર્તા : આમાં પોતે પ્રયત્ન કરે છે તો રાગ-દ્વેષ બંધ કયાંથી થાય, એવું ?

દાદાશ્રી : હા, આ તો પોતે પ્રયત્ન કરે છે. રાગ-દ્વેષ બંધ થવાનું તો વગર પ્રયત્ને થવું જોઈએ. એક રાગ-દ્વેષને બંધ કરવા માટે જે પ્રયત્ન કર્યો એટલે ફરી બીજું બીજ નાખ્યું. પણ આ રાગ-દ્વેષને તો ઊડાડી મૂકો, ફરી આગળ ઉપર જોઈ લઈશું, કહે છે. એટલે ઊઘરાણીઓ તો ચાલુ રહી. એટલે ઊઘરાણી પૂરેપૂરી બંધ થાય નહીં.

પ્રશ્નકર્તા : તો અમને એ માર્ગ કહો કે પ્રયત્ન વિના કેવી રીતે બની શકે ?

દાદાશ્રી : એ તો વીતરાગોનું વિજ્ઞાન છે આખું !

પ્રશ્નકર્તા : તમારી વાત સો ટકા સાચી છે. વીતરાગનું વિજ્ઞાન જરૂરી છે, પણ એ કક્ષાએ પહોંચવા માટે પણ કંઈક તો પ્રયત્ન કરવો પડે ને ?

દાદાશ્રી : ના, વીતરાગ વિજ્ઞાન જાણવા માટે પ્રયત્ન કરવાનો. બીજું કશું હોતું નથી. વીતરાગ વિજ્ઞાન જે કોઈએ જાણ્યું હોય, તેની પાસે આપણે એ વિજ્ઞાન સમજી લેવાનું છે. બીજું કશું કરવાનું નથી.

પ્રશ્નકર્તા : તો એ સમજવું કેવી રીતે ?

દાદાશ્રી : આજ જેમ અહીં બેઠા છો, એમાં આજ થોડી ઘણી કંઈક સમજણ પડે. ફરી બીજે દહાડે આવો કે કોઈ વખતે આવો ત્યારે કંઈક વધારે સમજણ પડી જાય. એમ અહીં બેઠાં હોય, ને વાત સાંભળીએ તો સમજણ પડે.

એવું છે ને, દરેક માણસ એનો ગૂંચવાડો બંધ કરે છે અગર તો બંધ નથી કરતો, ને પેન્ડિગ રહેવા દે છે. પણ તે પોતાની દવા પોતે પોતાની મેળે બનાવીને મિક્ષ્ચર પીવે છે. પણ દવા વીતરાગોની હોવી જોઈએ. હવે માણસ ગમ્મે તેવું મિક્ષ્ચર પોતે પોતાની મેળે કરે અને તાવ આવે, મહીં દુઃખતું હોય ત્યારે એ દવા પીને પણ દુઃખ તો મટાડી દે. પણ તેનાંથી પેલું પીધું, તેનું શું થાય ? એટલે એનાંથી સંસાર વધારે ઊભો રહ્યો પછી ! વીતરાગો શું કહે છે કે ભઈ, અમારી આ કહેલી દવા પીઓ, એટલે તમને નવું બીજ ઉત્પન્ન થાય નહીં. ને જૂનો રોગ જ છે તે મટ્યા કરશે. એવું વીતરાગો જે રસ્તે ગયાં, તે રસ્તો બતાવતા ગયાં.

પ્રશ્નકર્તા : એ કઈ દવા છે ?

દાદાશ્રી : એ જ વીતરાગોની દવા, જ્ઞાની પુરુષની પાસે એ દવા બધી હોય !

પ્રશ્નકર્તા : એવી કોઈક દવા આપોને.

દાદાશ્રી : નહીં, એ અપાય એવી વસ્તુ નથી. એ તો અહીં બેસવાથી, જેમ જેમ સંજોગો ભેગા થાય, એ સંજોગો પર આપણને જરૂર હોય એ દવાનો હિસાબ બેસી જાય ને રોગ મટી જાય.

આંતર શત્રુથી મુક્તિ કઈ રીતે ?

આંતરશત્રુઓને ઓળખો કે આ અમારા વિરોધી છે તે શત્રુ છે. મારવાનાં કોઈને નથી. શત્રુ પર દ્વેષ કરવાનો નથી. તો હવે 'આ શત્રુઓને મેં બોલાવ્યા છે કે શત્રુઓનો બોલાવેલો હું આવ્યો છું' એની તપાસ કરો. પછી 'શત્રુઓ કેવી રીતે જાય, એનાથી મુક્ત કેવી રીતે થવાય ?' એની તપાસ કરો.

તેથી ઊભા રાગ-દ્વેષ !

ધર્માધર્મ આત્મા છે ત્યાં સુધી, અધર્મને ધક્કા માર માર કરે તે ધર્મ. અલ્યા, અધર્મ જોડે ના ફાવતું હોય તો રાગ-દ્વેષ વગર રહે ને ! પણ શી રીતે રહે ? અધર્મ જોડે દ્વેષ ને ધર્મ જોડે રાગ !!

રાગ-દ્વેષથી આ સંસાર ઊભો થાય છે. આનું મૂળ જ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ કેમ થાય છે ? ત્યારે કહે કે કોઈનામાં ડખલ કરો કે રાગ-દ્વેષ ઊભો થયો. એ ઘરમાંથી ચોરી ગયો હોય છતાં ય તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ઊભો થયો. કારણ કે આ ચોર છે એવું તમે માનો છો અને એ તો લૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે. એનો કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય, એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે ?!

ગજવું કાપી ગયો, એનો ઉપાય શો ?

પ્રશ્નકર્તા : એનું એ લોકો સહન કરે, એ જ ઉપાય.

દાદાશ્રી : વીતરાગ ભાવે પોલીસને આપી દેવો. એનાં પર દ્વેષ નહીં. ક્રિયા પર દ્વેષ નહીં. કરુણા રાખવી. ભગવાને શું કહ્યું કે દ્વેષ ના રાખશો. ના ગમે તો ઉપેક્ષા કરજો.

કષાયો કરાવનારાથી આત્મા જુદો !

પ્રશ્નકર્તા : મને દ્વેષ થયો તો તેમાં આત્મા ભળ્યો કે નહીં ? એ દ્વેષ કોણે કર્યો ? મેં કર્યો ?

દાદાશ્રી : આત્મા ભળે ત્યારે શું થાય ? રાગ ને દ્વેષ બેઉ થાય. હવે રાગ-દ્વેષ થયા તે ખબર કેમ પડે ? ત્યારે કહે કે દ્વેષ થાય ત્યારે મહીં ચિંતા થાય, જીવ બળે.

આ 'જ્ઞાન' મળ્યા પછી આત્મા ભળે નહીં એટલે નિરાંતની સ્થિતિ રહે, નિરાકુળતા રહે. નિરાકુળતા એટલે શુધ્ધ ભગવાનનો ૧/૮ ગુણ ઉત્પન્ન થયો કહેવાય. જગત તો આકુળતા ને વ્યાકુળતામાં જ હોય, તરફડાટ તો રહ્યા જ કરે, તેથી 'જ્ઞાન'ને શોધે.

લોકો શું જાણે છે કે, આત્મા ભાવ કરે છે. ખરી રીતે આત્મા ભાવ કરતો નથી, ભાવકો ભાવ કરે છે. એને જો સાચા માન્યા એટલે ભળ્યો. ભાવ થયા એને સાચા માનવા, એનું નામ જ ભળ્યો. એનાથી બીજ નંખાય.

પ્રશ્નકર્તા : ભાવક એટલે જૂના કર્મો ?

દાદાશ્રી : ભાવક એટલે મનની ગાંઠો. કોઈને માનની ગાંઠ, કોઈને લોભની ગાંઠ, તો કોઈને ક્રોધની ગાંઠ, તો કોઈને વિષયની ગાંઠ. આ ગાંઠો જ હેરાન કરે છે, આત્મા પ્રાપ્ત થયા પછી ભાવોમાં ભાવ્ય ભળે નહીં, તેથી નિરાકુળતા રહે.

રાગ-દ્વેષ એ જ કષાય !

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ કષાય ભાવ છે કે જુદું છે ?

દાદાશ્રી : એ કષાયના જ ભાવ છે. એ જુદું તત્ત્વ નથી. ક્રોધ અને માન એ દ્વેષ છે, માયા ને લોભ એ રાગ છે. આ ક્રોધ-માન- માયા-લોભ, એ આત્માના ગુણધર્મ નથી. તેમ પુદ્ગલના ય ગુણધર્મ નથી.

પ્રશ્નકર્તા : તો ત્રીજું કયું તત્ત્વ છે ?

દાદાશ્રી : આત્મા અને પુદ્ગલની હાજરીથી ઉત્પન્ન થતાં ગુણ છે. હાજરી ના હોય તો ના થાય.

પ્રશ્નકર્તા : કષાયમાં કષ્ ૅ આય છે ? એ શું છે ?

દાદાશ્રી : આત્માને પીડે, એ બધા કષાય.

પ્રશ્નકર્તા : રાગથી પીડા થતી નથી, છતાં ય રાગને કષાય કેમ કહ્યો ?

દાદાશ્રી : રાગથી પીડા ના થાય, પણ રાગ એ કષાયનું બીજ છે. એમાંથી મોટું ઝાડ ઉત્પન્ન થાય !

દ્વેષ એ કષાયની શરૂઆત છે અને રાગ એ બીજ નાખ્યું, ત્યાંથી પછી એનું પરિણામ આવશે. એનું પરિણામ શું આવશે ?

દ્વેષ.

એટલે પરિણામ આવશે તે દહાડે કષાય ઉત્પન્ન થશે. અત્યારે તો રાગ છે એટલે મીઠું લાગે.

ગમા-અણગમામાંથી રાગ-દ્વેષ !

ગમો અને અણગમો, એ બે ભાગ છે. ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ. આ ગમતું જો વધારે પ્રમાણમાં થઈ જાય તો તે પાછું અણગમતું થઈ જાય. તમને જલેબી ખૂબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત-દા'ડો જલેબી જ જમાડ જમાડ કરે, તો તમને શું થાય ?

પ્રશ્નકર્તા : તો પછી એ ના ગમે, કંટાળો આવે એનો.

દાદાશ્રી : ગમો-અણગમો જો એક્સેસ થઈ જાય તો તે રાગ-દ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી. કારણ કે ગમો-અણગમો એ નોકર્મ છે, હળવાં કર્મ છે, ચીકણાં નથી. એનાથી કોઈને નુકસાન ના થાય.

આ 'જ્ઞાની પુરુષ' પણ આ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઈ હોય તો તે ગાદી પર બેસે. કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે. પણ કોઈ કહે કે, અહીંથી ઊઠીને ત્યાં બેસો તો અમે તે ય કરીએ. અમારે પણ ગમો-અણગમો હોય. તમે અહીંથી ઊઠાડીને ભોંયે બેસાડો તો અમે ત્યાં લાઈક કરીને બેસીએ, અમારે લાઈક-ડીસ્લાઈકનો સહેજ પૂર્વપર્યાય (ભરેલો માલ) હોય. બાકી, આત્માને એમ ના હોય. ગમો-અણગમો એ ચેતનતાનું ફળ નથી. આ શાક જરા કડવું લાગે તો તરત જ અણગમો થઈ જાય, કારણ કે શાકભાજી છે. જેમાં ગમો-અણગમો થાય એ બધાં શાકભાજી, એ ચેતનતાનું ફળ ન હોય. 'દાદા'ને તો ક્યારે ય પણ અણગમો ના હોય. 'દાદા' તો સવારે ઊઠે તો ય એવા ને સૂતી વખતે ય એવા ને એવા જ ! 'દાદા'ની નિરંતર એક જ પરિણતિ હોય! નિરંતર આત્મરમણતામાં ને પરમાનંદમાં જ હોય !!

ત્યાં સુધી રહી કર્મ સત્તા !

પ્રશ્નકર્તા : કર્મ સંસ્કારનો લય થયો, એ શી રીતે ખબર પડે ?

દાદાશ્રી : જેના સંબંધમાં આપણું કર્મ હોય ત્યાં રાગ કે દ્વેષ ના રહે, ત્યાં જાણવું કે આપણું કર્મ લય થઈ ગયું છે અને આપણને ગમો કે અણગમો થયા કરતો હોય તો જાણવું કે કર્મની સત્તા હજી ચાલુ છે.

ડિસ્ચાર્જ પરિણામોમાં ગમો-અણગમો !

આ 'ડિસ્ચાર્જ' આપણી ઇચ્છા મુજબ થાય છે ત્યારે લોકોને અહંકાર ચઢી જાય છે કે મારા ધારવા પ્રમાણે જ બધું થાય છે અને પછી પોતાની ઈચ્છા વિરુદ્ધ થાય છે ત્યારે કહે છે કે 'ભગવાને મને આમ કર્યું, મારા કર્મ રાંટા છે' બધું ઊંધું-ચત્તું બોલબોલ કરે છે. ઈચ્છા મુજબ થાય તે ય પણ 'ડિસ્ચાર્જ' છે, ના ઈચ્છા મુજબ થાય તે પણ 'ડિસ્ચાર્જ' છે. એનો સ્વભાવ, એ 'ડિસ્ચાર્જ'નો બતાવે છે. આમાં બે જાતનું થાય, એક ગમે તેવું ને એક ના ગમે તેવું થાય. આમાંથી રાગ-દ્વેષ જગતને ઊભો થાય. ગમે તેના પર રાગ અને ના ગમે એની ઉપર દ્વેષ !

એટલે રાગ-દ્વેષ અને 'હું ચંદુલાલ છું' એ અજ્ઞાન, આટલાથી આ જગત ચાલી રહ્યું છે. સંયોગો, વિયોગી સ્વભાવના છે. સંયોગોમાં રાગ થાય તો વિયોગમાં દ્વેષ થાય. કડવા ઉપર દ્વેષ ને મીઠા પર રાગ થાય, એ અજ્ઞાનતાનો સ્વભાવ છે. અજ્ઞાન જાય તો કડવું-મીઠું ના રહે.

જે 'નથી ગમતા', તે જ સગાવહાલાં !

કૃપાળુદેવે કહ્યું છે ને કે જેનું મોઢું જોતાં ના ગમે તેને ખોળામાં ઘાલ ઘાલ કરે છે.

પ્રશ્નકર્તા : મોઢું જોવું નહોતું ગમતું, એ ઋણાનુબંધ કેવી રીતે થયો હશે ?

દાદાશ્રી : 'નથી ગમતું' કહ્યું એટલે દ્વેષ થયો ને દ્વેષ થયો એટલે પછી આપણી પાસે આવે ને ! અને રાગ થયો હોય તો ય આપણી પાસે આવે. દ્વેષ થયો માટે આપણી પાસે આવીને જન્મ લે. તેની જોડે શાદી કરે કાં તો છોકરા-છોકરી તરીકે આવે. હિસાબ તો બધાં ચૂકવવા પડે ને ! રાગ-દ્વેષથી હિસાબ થાય. મોઢું ના જોવાનું ગમે એટલે પછી એનો અર્થ શો ? દ્વેષ થાય છે એ વાત નક્કી ને ?

વીતરાગો તો, મોઢું ના ગમે એવો હોય ત્યાં પણ એવાં જ અને મોઢું જોવું ગમે એવો હોય ત્યાં પણ એવાં જ, એક જ જાત. ત્યાં એ મોઢું જુએ નહીં, પુદ્ગલ જ જુએ, પૂરણ-ગલન છે આ !

તિરસ્કારથી ભય, રાગથી મૂર્ચ્છા !

પ્રશ્નકર્તા : પહેલો તિરસ્કાર હોય કે પહેલો ભય હોય ?

દાદાશ્રી : પહેલો તિરસ્કાર હોય. પહેલો ભય નથી હોતો. એ કેવી રીતે ? સાંભળ્યું હોય કે આ પોલીસવાળા બહુ ખરાબ છે. એ જ્ઞાન થયેલું હોય એટલે એ જ્ઞાનના આધારે પહેલો તિરસ્કાર પેસે અને તિરસ્કારથી ભય ઉત્પન્ન થાય છે. પછી એ ભય વધતો જાય અને પોલીસવાળો દેખે ને અકળામણ થઈ જાય, પોલીસવાળો બાજુમાં ખાલી એડ્રેસ જ પૂછવા આવ્યો હોય તો ય !

પ્રશ્નકર્તા : તિરસ્કારથી ભય થાય છે, તો રાગથી શું થાય ?

દાદાશ્રી : મૂર્છા થાય, બેભાનપણું થાય. આ બેઉ જાય ત્યારે વીતરાગ થાય.

જગત ભાવ અને અભાવ કર્યા જ કરે. ભાવ-અભાવ એ જ રાગ-દ્વેષ છે અને સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ, ત્યારથી તમને ભાવાભાવ નથી થતો, બેઉ અમે બંધ કરી દઈએ છીએ.

સદ્વર્તન, છતાં કેમ ન ગમે ?

પ્રશ્નકર્તા : કેટલીક વાર સારું વર્તન કરે તો ય આપણને ના ગમે.

દાદાશ્રી : ગમવાનો હિસાબ ચૂકતે થઈ ગયો, પછી ના ગમે. ગમતું હોય તો બધું સારું લાગે ને ના ગમતું હોય તો બધું ય ખોટું લાગે. આપણે ના ગમતા પર દ્વેષ નહીં કરવાનો.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ નથી થતાં, પણ એક વાર અભાવ આવી ગયો પછી ભાવ જ ના થાય કોઈ પણ રીતે !

દાદાશ્રી : તું રંગ આપ આપ કરું કે બહુ સારા માણસ છે તો ય ના ચઢે. હિસાબ ચૂકતે થઈ ગયો. આ ઘર વેચાઈ ગયા પછી એની પર ભાવ રહે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : અને વેચતાં પહેલાં ? કંઈ ઊંચુ-નીચું થયું હોય તો ય મનમાં રહ્યા કરે. હિસાબ ચૂકતે થયો કે ચાલ્યું.

અભિપ્રાય ફેરવવા, પ્રતિક્રમણથી !

અભિપ્રાય બંધાયો કે રાગ-દ્વેષ થાય. જ્યાં અભિપ્રાય નથી, ત્યાં રાગ-દ્વેષ નથી.

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાઈ ગયા અને છૂટે નહીં તો શું થાય ?

દાદાશ્રી : જે વસ્તુ પર અભિપ્રાય જબરજસ્ત બેસી જાય એટલે એને ત્યાં અટકણ થઈ જ જાય. અભિપ્રાય બધે વહેંચાયેલા હોય તો કાઢવા સહેલા પડે, પણ અટકણ જેવું હોય તો કાઢવું મુશ્કેલ. એ બહુ ભારે રોગ છે. વિષયો રાગ-દ્વેષવાળા નથી, અભિપ્રાયની માન્યતા એ જ રાગ-દ્વેષ છે.

પહેલા જે 'કોઝિઝ' હતા તેની અત્યારે 'ઇફેક્ટ' આવે છે. પણ એ 'ઈફેક્ટ' પર સારું છે, ખોટું છે. એ અભિપ્રાય આપે છે, એનાથી રાગ-દ્વેષ થાય છે. ક્રિયાથી 'કોઝિઝ' નથી બંધાતા, પણ અભિપ્રાયથી 'કોઝિઝ' બંધાય છે.

'જ્ઞાની' દ્રષ્ટિએ બધા ચોખ્ખા !

પ્રશ્નકર્તા : આપને બધા ચોખ્ખા કેમ દેખાય છે ?

દાદાશ્રી : ચોખ્ખા જ છે ને બધા ! મેલા છે જ ક્યાં તે ? અને હું તો આને ચોખ્ખો કહું તો પાછો બીજાને મારે મેલો કહેવો પડે, તો મારે પણ રાગ-દ્વેષ ઊભા રહે. એટલે અમે સામાન્ય ભાવે જ રહીએ. બાકી આમ સાધારણ રીતે વાતચીતમાં દાખલા માટે અમારે કહેવું પડે. આમ અપવાદ તરીકે બોલીએ કે ફલાણા ભાઈ ચોખ્ખા માણસ છે. બાકી અમે તો આમ કોમન ભાવે જ બધું જોઈએ. અમે ચોખ્ખા એટલે કોને કહ્યું કે ? મોરલ એન્ડ સિન્સીયર. જ્યાં સિન્સીયારીટી નથી ત્યાં કશું નથી અથવા તો મોરાલિટી નથી ત્યાં કશું જ નથી.

ડિસ્ચાર્જ, તે પૌદ્ગલિક પરિણામો !

પ્રશ્નકર્તા : કામ કરતો ના હોય ને નોકરને કાઢી મૂકીએ તો તેનો દોષ લાગે ? કે વ્યવસ્થિત છે ?

દાદાશ્રી : એ દોષ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી, ત્યાં પુદ્ગલની સામસામી મસ્તી છે. રાગ-દ્વેષ છે ત્યાં સંડોવાય છે. જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ રહેતો નથી. ને જો રહેતો હોય તો તેનો ગુનો આપણને લાગે છે. પણ તે ડિસ્ચાર્જ દ્વેષ છે. એટલે લાંબો ગુનો લાગતો નથી.

કોઈ પણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય. જ્ઞાન પછી રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ નથી ત્યાં પુદ્ગલ સામસામી ટકરાય. તેને જુએ, જ્ઞાતા-દ્રષ્ટા તે આત્મા ! તેમાં જો તન્મયાકાર થાય તો માર ખાય. તન્મયાકાર ક્યારે થાય કે, એમાં બહુ વણાઈ ગયેલું હોય તો તન્મયાકાર થાય, પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહેવું, જેથી ચોખ્ખું થઈ જાય.

સમતાની વ્યાખ્યા !

સમતા બહુ મોટી વસ્તુ છે. લોકો ઘેર વહુ બોલી હોય ને સાંભળી લે, તેને સમતા કહે છે. પણ એ સમતા ના કહેવાય. મહીં અજંપો થયા કરે છે, એને સમતા કેમ કહેવાય ?

સમતા કોનું નામ કે ફૂલ ચઢાવે તો તેની પર રાગ નથી કે ગાળો દે તેની પર દ્વેષ નથી, એનું નામ સમતા. શુભ હોય કે અશુભ હોય, બન્નેને સમાન ગણે. શુભાશુભમાં રાગ-દ્વેષ નહીં, તેનું નામ સમતા. આવું તો વીતરાગો જ સમાન ગણી શકે.

સમતા એટલે તો ફૂલ ચઢાવે તેની પર રાગ નહીં ને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં, ઉપરથી એને આશીર્વાદ આપે !

મીઠાશ લાગે ત્યાં વધુ ચેતવું !

પ્રશ્નકર્તા : રાગ વગરનો પ્રેમ અનુભવમાં આવ્યો નથી, એટલે સામાન્ય કલ્પનાની બહારની વસ્તુ આવે છે.

દાદાશ્રી : આ બીજાં બધાની જોડેનો હિસાબ દ્વેષનો હોય છે તેને 'સમભાવે નિકાલ કરવો' પડે છે. એ પ્રતિકૂળ કષાય કહેવાય અને આ રાગનું એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે, ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય છે. અનુકૂળ મીઠું લાગે.

અમને સ્વરૂપ 'જ્ઞાન' નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર મળશે.

અનુકૂળથી જ આખું બધું રખડેલું. કો'કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે !

એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને, જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે. જેટલો દ્વેષ જાય તેટલો 'શુધ્ધ પ્રેમ' ઉત્પન્ન થાય. સંપૂર્ણ દ્વેષ જાય ત્યારે સંપૂર્ણ 'શુધ્ધ પ્રેમ' ઉત્પન્ન થાય. આ જ રીત છે.

દ્વેષના કરવાં પ્રતિક્રમણો !

આ તો જંજાળ છે બધી. તને એમના માટે જેટલાં વિચાર આવે, એટલાં પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો'ક વિચાર આવે, તેનાં પ્રતિક્રમણ કર કર કરવાં બસ. એ ભૂંસી નાખવાં. તરત પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એનાં પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી.

રાગનું સાચું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : રાગ કોને કહેવાય ?

દાદાશ્રી : જ્યાં પોતે નથી ત્યાં 'હું છું' એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. 'હું ચંદુલાલ' એ જ રાગ છે, આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા. જેને 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ છે, એના બધા રાગ તૂટી ગયા છે. અને જેને 'હું આચાર્ય છું, હું કલેક્ટર છું' એ ભાન છે, એના બધા રાગ ઊભા છે. આ તો એવા તંતીલા થઈ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે. વીતરાગની વાત સમજ્યા નહીં. 'હું ચંદુલાલ છું' એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને શુધ્ધાત્માનું ભાન થયું ને જ્યાં છું ત્યાં 'હું છું' બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુધ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી 'બહારનું' રીલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? 'હું શુધ્ધાત્મા છું' એ અથવા 'દાદા' યાદ આવે તો એ ય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે, તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ ગજબનું પદ તમને આપ્યું છે !

જ્ઞાન પછી રાગ, એ છે શું ?

પ્રશ્નકર્તા : આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે, એ ત્યારે શું ?

દાદાશ્રી : આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, ને લોકો કહે છે કે મારો આત્મા રાગી-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઈલેક્ટ્રિક બોડી છે, તે જ્યારે મળતાં પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. એને લોક કહે છે કે, 'હું ખેંચાયો', 'મને રાગ થાય છે', પણ એમાં આત્મા જરા ય ખેંચાતો નથી. આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, એ તો પોતે વીતરાગ જ છે. વીતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને જાણે કે પૂતળું ક્યાં ખેંચાયું ને ક્યાં ના ખેંચાયું. આ વીતરાગોને મત નિર્મળ, શુધ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે.

રાગ-દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ-વિકર્ષણ છે. આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ સજાતીય અને વિજાતીયને લીધે છે ?

દાદાશ્રી : લોહચુંબક જેવું છે. રાગ બહુ જુદી જ વસ્તુ છે. આ જીવતા ઉપર આકર્ષણ થાય છે, તેને લોકો રાગ કહે છે. પણ એ વીતરાગોની ભાષાનો રાગ ન હોય. પરમાણુઓનું આકર્ષણ છે, તો એને રાગ કહે છે અને વિકર્ષણ છે, તો એને દ્વેષ કહે છે.

રાગનો ઉકેલ લાવવો આમ !

પ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધીનાં પ્રતિક્રમણ કરીએ છીએ, તે કોઈની સાથે કંઈ ગુસ્સો કર્યો, દ્વેષ થયો એટલે દ્વેષનાં પ્રતિક્રમણ કર્યા. તો રાગનાં પણ આપણાં પ્રતિક્રમણ કરવાં કે કેમ ?

દાદાશ્રી : એ તો પછી પ્રતિક્રમણ કરવાનાં ના હોય. આ રાગ થાય છે, એ આપણે બંધ કરવાની જરૂર છે, બસ એટલું જ.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે બંધ કરવું ?

દાદાશ્રી : મારે વીતરાગ થવું છે, માટે રાગ બંધ કરી દેવાનો. મારે જે સ્ટેશન પર પહોંચવું છે જલદી, એટલે ત્યાં આગળ બેઠાં હોય ત્યાંથી ઊઠવાનું એવું જ હોય ને ? એ રીતે બંધ કરી દેવાનાં.

કારણ કે એ રાગ-દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપે છે જ્ઞાન લીધા પછી અને દ્વેષ જો થાય સામા પર, તો એને દુઃખ થાય, ઈફેક્ટ (અસર) આવે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો દ્વેષ ધોવાઈ જાય અને રાગ તો કોઈને કશું થવાનું નહીં. અને ડિસ્ચાર્જ છે એટલે એ તો ઊડી જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તો ય ઊડી જવાનું છે, એટલે પ્રતિક્રમણ ના થાય તો ય કશું ના થાય.

જેમ આપણે વ્યાપાર કરતાં હોય અને આપણે દસ લાખ રૂપિયા માંગતા હોઈએ, અને લોકો પાંચ લાખ રૂપિયા આપણી પાસે માંગતા હોય, તો લોકોને એમ લાગે કે ત્યાંથી લઈ આવો. હવે એ તો રાતે બે વાગે ઊઘરાણીમાં આવે તો આપી દેવાના, આપણે તો મોક્ષે જવું છે. અને આપણા છે તે પેલા ના આવે તો આપણે માંડવાળ કરી શકીએ. એવી રીતે રાગ ને દ્વેષનું.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગનો વાંધો નથી, દ્વેષનો વાંધો છે. પણ રાગથી આત્માનો પ્રોગ્રેસ (પ્રગતિ)માં અંતરાય આવે ?

દાદાશ્રી : એ તો જે રાગ ભરેલો છે એ આવ્યા વગર રહે નહીં ને, અને રાગ આપણો વધવાનો નથી, એ ડિસ્ચાર્જ છે. એ આપણને હરકત કરતાં નથી. એ ભરેલો છે માલ, એ આવ્યા વગર રહે નહીં ને ? આપણે રાગ કરતાં નથી. આ તો ભરેલો માલ છે. એ રાગ થાય છે. એટલે આપણે એની જોડે મીઠાશથી બોલીએ એટલું જ ! એ બધું ય ડિસ્ચાર્જ છે. અવરોધ તો કરવાનો જ હતો પણ એ ડિસ્ચાર્જ થયું એટલે આજ્ઞા પાળવી જોઈએ ને ? એટલે તમે જો આજ્ઞા પાળો ને તો નિરંતર આત્મામાં જ છો. તમે નોકરી કરતાં હો કે ગમે તે, પણ આજ્ઞા પાળો ને તો નિરંતર આત્મામાં જ છો.

પ્રશ્નકર્તા : રાગ હોય ત્યાં આગળ કેવી રીતે આજ્ઞામાં રહેવાય ?

દાદાશ્રી : એ રાગ ને જે દ્વેષ છે બેઉ, એ કોને કહેવાય છે ? કોઝીઝ રાગને રાગ કહેવાય છે. ઈફેક્ટિવ રાગને રાગ નથી કહેવાતો. તે આ અત્યારે જે રાગ છે ને, એ કોઝીઝ રાગ નથી. ઇફેક્ટિવ છે. કારણ કે તમે શુધ્ધાત્મા થઈ ગયા અને શુધ્ધાત્માને રાગ-દ્વેષ હોય નહીં અને ઈફેક્ટ છે તે ચંદુલાલની છે આ.

ઈફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો આપણે 'ચંદુલાલ'ને એમ કહેવું પડે કે, ખરાબ થાય એમાં આને 'એટેક' કેમ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો અને રાગને માટે કશું ય નહીં, સમજાયું તમને ?

રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે.

દ્વેષ જ જનેતા રાગની !

સત્સંગ કોને કહેવાય ? કુસંગમાંથી ખસ્યો, એનું નામ સત્સંગ. હા, પછી ગમે ત્યાં બેઠો હોય ને, પછી નાચનારીનાં રૂમમાં બેઠો હોય ને, પણ જો કુસંગમાંથી ખસ્યો, તો એ સત્સંગ છે. અને દેરાસરમાં બેઠો, પણ કુસંગમાંથી ખસે નહીં તો સત્સંગ ના કહેવાય. નાચનારીના રૂમમાં બેઠો હોય, પણ જો કુસંગમાંથી એ ખસે તો સત્સંગ છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, નાચનારીનો રૂમ એ કુસંગ નહીં ?

દાદાશ્રી : ના, એ કુસંગ હોય તો ત્યાં દ્વેષ ના કરે ભગવાન ? ભગવાન તો પછી દ્વેષ કરે ત્યાં આગળ !

આ તો કુસંગમાંથી ખસતા નથી. નાચનારી જો કદી દ્વેષ કરવા જેવી ચીજ હોય તો તો છે તે મહાવીર ભગવાન કહેત ને કે ભઈ, અમુક રાગ ના કરશો, પણ દ્વેષ તો કરજો, આ લોકો જોડે ?! દારૂ પીનારાં, વ્યભિચારી લોકો જોડે એ બધા જોડે દ્વેષ કરજો. એવું ભગવાન કહે, પણ તે એમણે એમ કેમ ના કહ્યું ?

પ્રશ્નકર્તા : એ વસ્તુમાં રાગ નહીં કરવાનો એટલે પછી દ્વેષ નથી આવતો.

દાદાશ્રી : છોડવાનો છે દ્વેષ જ. રાગને છોડવાનો જ નથી, છોડવાનો છે દ્વેષ !

પ્રશ્નકર્તા : દ્વેષ છોડીએ એટલે રાગ જાય ?

દાદાશ્રી : એ રાગની ચિંતા કરશો જ નહીં. ભગવાને કહ્યું છે કે વીતદ્વેષ થાવ. પછી વીતરાગ થવું, એ એની મેળે થવાય. એટલે વીતદ્વેષ થવાનું છે. અને વીતરાગ એની મેળે થવાય !

પ્રશ્નકર્તા : લોકો એમ કહે છે કે રાગ જ્યાં વધારે હોય ત્યાં જ દ્વેષ વધારે થાય ?

દાદાશ્રી : નહીં. દ્વેષ છે માટે રાગ ઉત્પન્ન થાય છે એને. આ મને જો કોઈની પર દ્વેષ થાય, તો રાગ ઉત્પન્ન થાય. મને દ્વેષ થતો નથી, પછી મને રાગ શી રીતે ઉત્પન્ન થાય તે ?

એટલે દ્વેષમાંથી રાગ ઊભો થયો છે. આમાં દ્વેષ એ 'કોઝીઝ' છે અને રાગ એ 'પરિણામ' છે. માટે પરિણામની ચિંતા તું ના કરીશ. 'કોઝીઝ'ની ચિંતા કર, કહે છે. એટલી ઝીણી વાત સમજાય નહીં ને ? આ બહુ ઝીણી, બહુ ઝીણી વાત છે !

પ્રશ્નકર્તા : દ્વેષ એ 'કોઝ' અને રાગ એ 'પરિણામ' કેવી રીતે છે ?

દાદાશ્રી : હા, દ્વેષ એ કોઝીઝ છે અને રાગ એ પરિણામ છે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે બને ?

દાદાશ્રી : પોતાની સ્ત્રી ઉપર જો જરાય દ્વેષ ના થાય, તો તે સ્ત્રી ઉપર રાગ જ ના થાય.

પ્રશ્નકર્તા : કારણ કે રાગ-દ્વેષ સાથે રહેલાં છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય.

દાદાશ્રી : ના. દ્વેષ થાય છે અને દ્વેષના રીએક્શનમાં રાગ આવે છે. દ્વેષ જો જરાય ના થાય, તો રાગ જ ઉત્પન્ન ના થાય. બીજા શબ્દોમાં કહીએ તો વેરથી જગત ઊભું રહ્યું છે. તે દ્વેષ, વેર બધા એક જ જાતનાં છે. એનાથી ઊભું રહ્યું છે આ જગત.

માટે નિર્વેરી થઈ જાવ કે કોઈ જગ્યાએ વેર ના રહે !

દ્વેષ જ પ્રથમ, પછી રાગ !

આપને સમજાયું ને ? પોતાની સ્ત્રી જોડે જરાય દ્વેષ ના થાય ને, તો સ્ત્રી પર રાગ જ ના થાય એવો નિયમ છે. એટલે ના છૂટકે સ્ત્રી પર રાગ કરે છે બિચારો. આ તો દ્વેષ થાય છે માટે એ દ્વેષ જ એને ધક્કો મારીને રાગમાં પાડી નાખે છે. જો દ્વેષ ના થતો હોયને તો સ્ત્રી પર રાગ જ ના થાય. એ થોડાક જ વિચારથી સમજી જાય કે આ રાગ કરવા જેવી ચીજ જ ન્હોય. ભરત રાજાને તેરસો રાણીઓ હતી, પણ રાગ થયો હશે, પણ દ્વેષ નહીં થયો હોય એમને! રાણીઓ ઉપર રાગ થતો હતો, પણ દ્વેષ નહીં. વીતદ્વેષ થયેલા હતા, ભરત રાજા !

આ તો એક સ્ત્રી પૈણી લાવ્યો અને કાળી હોય, ત્યારે બીજી કોઈ ગોરી સ્ત્રી હોય તો એની પર રાગ થાય જ. અરે, તારે વહુ છે ને ? ત્યારે કહે, પણ ગોરી નથી ને ! એટલે બિલકુલ ગોરી હોય જ નહીં તો રાગ થાય એને ?

પ્રશ્નકર્તા : ન થાય.

દાદાશ્રી : બસ, મૂળ દ્વેષનું જ કારણ છે. સ્ત્રીની જરૂર છે, આ ઈન્દ્રિયો એવી છે કે જ્યાં સુધી 'જ્ઞાન' ના થાય તો એને સ્ત્રીની, બધી વસ્તુની, જરૂર છે બધી.

પ્રશ્નકર્તા : જ્ઞાન થાય પછી જરૂર નથી ?

દાદાશ્રી : પછી જરૂર નથી. પણ એટલે સ્ત્રી એકલીનું અટકી જાય. બીજું બધું, ખોરાક તો જોઈએ ઠેઠ સુધી, દેહ જીવે છે ત્યાં સુધી. તે આ બધો ખોરાક તો જોઈએ જ.

અને રાગમાં પસંદગી પોતાની !

પ્રશ્નકર્તા : આપે તે દિવસે કહ્યું હતું ને કે દ્વેષથી રાગ છે.

દાદાશ્રી : હા, બધું દ્વેષમાંથી જ રાગ છે.

કડવું ખાધા પછી જરાક અમથું બીજું કશું ખાધું હોય તો એ વસ્તુ ઉપર આપણને રાગ બેસે ! એ ખાધું તે કડવું જરા ઓછું કરે ને ?! અને એમ ને એમ ખાધું હોય તો ના રાગ બેસે. એટલે આ દ્વેષથી રાગ ઉત્પન્ન થયેલો છે. તે પહેલાં દ્વેષ જાય છે ને પછી રાગ જાય છે. રાગ એટલે પસંદગીની વસ્તુ છે અને દ્વેષ એ કુદરતી હોય.

પ્રશ્નકર્તા : આપે કહેલું કે દ્વેષ એ કોઝ છે અને રાગ એ ઈફેક્ટ છે.

દાદાશ્રી : ના, ના, એવું નહીં. રાગ પછી થાય છે. આપણને દ્વેષ પહેલો થાય. પછી રાગ ઉત્પન્ન થાય. આપણને પહેલો દ્વેષ થાય એટલે પછી રાગ ઉત્પન્ન થાય છે. એમ માનો ને કે આપણે બધા જંગલમાં ગયાં, ને બધા ખાવાનાં ભૂખ્યાં થઈ ગયાં. બધા ન્યાયી છે, એટલે આપણે કોઈનું કશું લેવું નહીં એવા સચ્ચાઈ વ્રતવાળા છે. જૂઠું ના બોલે એવા છે. પણ હવે ભૂખ્યા થયેલાં છે એટલે ત્યાં આગળ એ શું કરે? ગમે તે જૂઠું બોલીને, ચોરી કરીને પણ કંઈક ખાય. ખાય કે ના ખાય ?

પ્રશ્નકર્તા : ખાય.

દાદાશ્રી : અને જૂઠું બોલીને આપણે કો'કનું લઈ આવ્યા હોય ને પછી પડાવી લે તેની ઉપર દ્વેષ થાય ને ? કે રાગ થાય ?

પ્રશ્નકર્તા : દ્વેષ થાય.

દાદાશ્રી : એટલે આ બધું દ્વેષનું કારણ છે. આ પાંચ ઈન્દ્રિયો, એની બીગીનીંગ દ્વેષનું કારણ છે અને પછી રાગ ક્યારે થાય છે ? પછી ભલે ને ચોરી કરીને લાવ્યો, પણ રોટલો હોય કે રોટલી હોય અને આ બાજુ વેઢમી હોય, તો તરત કહેશે, વેઢમી ખાઉં ! એ રાગ આમાં પસંદગી આવે ને ? પણ મૂળ તો દ્વેષ થાય છે ને ? મૂળ દ્વેષ થાય છે, પછી રાગ આવે છે. એટલે રાગ તો આપણી એક જાતની શોખની વસ્તુ છે.

રાગમાંથી દ્વેષ, દ્વેષમાંથી રાગ !

ક્લેશનું કારણ દ્વેષ છે. બહુ રાગ થાય ત્યારે અણગમો ઉત્પન્ન થાય. અમુક હદ સુધીનો પરિચય રાગમાં પરિણમે છે અને 'રીજ પોઈન્ટ' આવે તે પછી આગળ વધે તો દ્વેષમાં પરિણમે. દ્વેષ થાય છે તે વખતે જ રાગનાં કારણો સેવાય છે. અને આ બધાનાં મૂળમાં રાગ-દ્વેષ એ 'ઈફેક્ટ' છે ને અજ્ઞાન એ 'કોઝ' છે !

વીતદ્વેષ થયા પછી વીતરાગ !

વીતરાગ શબ્દ એકલો શાથી મૂક્યો હશે ?

પ્રશ્નકર્તા : વીતદ્વેષ થઈ ગયા પછી વીતરાગ થાય, એટલે વીતરાગ કહ્યો હશે.

દાદાશ્રી : પણ એ તો તમે આ અત્યારે સાંભળ્યું એટલે આવું બોલો છો. પણ જગતના લોકો શું કહે ? લોક ચોખ્ખું એમ કહે કે ભઈ વીતરાગ-દ્વેષ થયો. ત્યારે કહે, 'ના, એકલા વીતરાગ કહેવાય.' એટલે લોકોને એમ લાગે કે તો દ્વેષની કિંમત જ નથી ! ના, એવું નથી. દ્વેષ ઉપર તો જગત ઊભું રહ્યું છે ! કારણ કે લોકોને ના ગમતી વસ્તુ ઉપર દ્વેષ થાય છે અને એટલે જ આ જગત ઊભું રહ્યું છે, ગમતાની તો ભાંજગડ જ નથી.

વ્યવહારનાં લોકોએ વીતરાગ નામ પાડ્યું છે ને ?

પ્રશ્નકર્તા : હા, વીતરાગ પાડ્યું છે.

દાદાશ્રી : નહીં તો ખરી રીતે શું કહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : વીતરાગ-દ્વેષ.

દાદાશ્રી : હા. એટલે દ્વેષ જવો જોઈએ બસ, બીજી કશી ભાંજગડ કરવાનું ભગવાન નથી કહેતા. ભગવાને રાગ કાઢવાનું કહ્યું નથી કોઈ જગ્યાએ.

પ્રશ્નકર્તા : દ્વેષ કાઢવાનું કહ્યું છે ?

દાદાશ્રી : હા, દ્વેષ કાઢવાનું કહ્યું છે.

પ્રશ્નકર્તા : અને દ્વેષ જાય એટલે ઓટોમેટીકલી વીતરાગ થવાય ?

દાદાશ્રી : હા, દ્વેષ ગયો કે વીતરાગ થયા જ કરે.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષમાં બીજ પડેલા હોય તો જ આ રાગ-દ્વેષ ઊભાં થાય ને ? નહીં તો કેમ ઊભાં થાય ?

દાદાશ્રી : એ વસ્તુ જુદી છે. બાકી આપણે તો દ્વેષ જાય કે વીતદ્વેષ થયો, તો વીતરાગ થઈ જઈશ. વીતરાગ કરવો પડતો નથી, વીતદ્વેષ થવો જોઈએ.

આટલી જો ચોવીસ તીર્થંકરોની એક જ વાત સમજે તો જગતનું કલ્યાણ થઈ જાય. આ એક જ વાત, ચોવીસ તીર્થંકરોની કે 'વીતદ્વેષ થાવ !'

પ્રશ્નકર્તા : બહુ મોટી વાત છે.

દાદાશ્રી : હા. બહુ ઊંડી વાત છે, કોઈક ફેરો આવી વાત નીકળી જાય.

વીતદ્વેષ ને વીતરાગ ! વીતદ્વેષ તો જગતે સાંભળ્યો જ નથી ને શબ્દ !!

પ્રશ્નકર્તા : અને જાય તો પણ પહેલાં દ્વેષ જાય ને પછી રાગ જાય.

દાદાશ્રી : હા. દ્વેષ પહેલો જાય. દ્વેષ પહેલો જવો જ જોઈએ. એ ના જાય, તો પછી મોક્ષ થાય નહીં. ગમે કેટલાં રાગ કાઢશે તો ય દા'ડો વળશે નહીં. કારણ કે દ્વેષ પહેલો જવો જ જોઈએ. એટલે દ્વેષ અમે પહેલો કાઢી આપીએ છીએ !

અક્રમ વિજ્ઞાને બનાવ્યા વીતદ્વેષ !

વીતરાગ એકલું જ કહેવામાં આવ્યું છે. એટલે આપણે અહીં જ્ઞાન આપતાંની સાથે જ દ્વેષ પહેલો જતો રહે છે ગમે તેને. કોઈ ગાળ ભાંડે તો ય 'સમભાવે નિકાલ' કરે એની જોડે, પણ દ્વેષ ના કરે. એવું તમને અનુભવમાં આવે છે થોડું ઘણું ? પૂરેપૂરું અનુભવમાં આવે છે.

પ્રશ્નકર્તા : નિરંતર અનુભવમાં આવે છે.

દાદાશ્રી : ગાળ ભાંડે છે તો ય ! નહીં તો ગાળનું પરિણામ તો શું થાય ? પેલો ગાળ ભાંડે તે શું થાય ? દ્વેષ આવે કે રાગ ?

પ્રશ્નકર્તા : દ્વેષ જ આવે. આ જ્ઞાન પછી દ્વેષ જેવી જગ્યા હોય ત્યાં પણ હવે દ્વેષ ના થાય.

દાદાશ્રી : દ્વેષ થાય તેવા માણસના ઘરમાં મૂકે તો ય તમને દ્વેષ ના થાય, ત્યારે જાણવું કે આ વીતરાગ થવાને માટે લાયક થયો !

દ્વેષની જગ્યાએ દ્વેષ થાય છે, એ તો મિનિંગલેસ વસ્તુ છે. તમને હવે પહેલાં જેવો દ્વેષ નથી થતો ને કોઈ જગ્યાએ ?

પ્રશ્નકર્તા : એક જગ્યાએ થાય છે.

દાદાશ્રી : એક જગ્યાનો વાંધો નહીં. એક જ જગ્યાએ હોય તો તો એ મને સોંપી દેવી. પણ બીજે બધે, આખી દુનિયામાં કોઈ જગ્યાએ દ્વેષ નથી થતો ને ? એક જગ્યાએ જે તમને થાય છે, એ તો તમારી દ્રષ્ટિમાં ભૂલ છે. સમજવામાં ભૂલ છે. ખરેખર તો ત્યાં ય થતો નથી અને બીજી જગ્યાએ થતો નથી ને ? એટલે કોઈ જ્ગ્યાએ દ્વેષ થતો નથી ને ?

પ્રશ્નકર્તા : નહીં, ક્યાંય નહીં.

દાદાશ્રી : આ તમને બધાને, મહાત્માઓને મેં વીતદ્વેષ કર્યાં છે, તે હવે વીતરાગ થઈ રહ્યા છો. મેં તમને બધાને શું કરી આપ્યું છે ? વીતદ્વેષ !

તમારી જોડે મોટરમાં ચાર જણ બેઠાં હોય અને એમાંથી એક ભાઈ, 'પાંચ મિનિટ દર્શન કરીને આવું છું.' એમ તમને કહે, તો તમે ચાર જણ બેઠાં બેઠાં આ ગયો, એને ગાળો ભાંડો ? શું કરો તમે ?

પ્રશ્નકર્તા : એ તો સંજોગ આવ્યો એને જોવાનો છે. એટલે એમાં દ્વેષ તો થાય જ નહીં અમને. દ્વેષ ના થાય.

દાદાશ્રી : ના, પણ તમે શું કરો ? સમભાવે નિકાલ કરો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પછી એમની પર દ્વેષ ના કરો ને ?

પ્રશ્નકર્તા : દ્વેષ ના થાય.

દાદાશ્રી : પા-અડધો કલાક થઈ જાય તો ય ?

પ્રશ્નકર્તા : હા, તો ય દ્વેષ ના થાય.

દાદાશ્રી : એ વીતદ્વેષ કર્યા છે તમને. તેથી જ કહ્યું છે, હાફૂસની કેરીઓ, રસ, રોટલી ખાજો. શાથી કહ્યું છે ? એ એની જોડે તમને વેર નથી થતું એટલે.

એટલે મેં તમને કયા જ્ઞાન ઉપર મૂક્યા છે ? તમારો દ્વેષ બિલકુલ નીકળી ગયો છે. એટલે તમારા રાગને મેં આંતર્યા નથી. મેં તમને કહ્યું, 'કેરીઓ બધું ખાજો, પીજો. કપડાં પહેરજો, સીનેમા જોવા જજો !' મેં તમારો દ્વેષ બંધ કરાવડાવ્યો એટલે આખો દહાડો તમે સંયમમાં રહો. આ દ્વેષથી અસંયમ છે બધો. રાગ આખો દહાડો હોય નહીં માણસને, દ્વેષ જ હોય !

એટલે એવું છે ને, દ્વેષ ના હોય તો રાગ નહીં થાય. અને દ્વેષનું પરિણામ ઘટયું હશે ને, તો રાગ હશે તો વાંધો નથી. તે અત્યારે મેં તમને વીતદ્વેષ કર્યા પછી છોડી દીધાં છે, છતાં તમને વીતરાગ કોઈ કહે નહીં. પણ તમે ક્યાં સુધી પામી ગયા ? વીતદ્વેષ થઈ ગયાં તમારે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં. આ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ દ્વેષ છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ દ્વેષ કહેવાય કે રાગ કહેવાય ?

આ દ્વેષ છે એ તો. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ દ્વેષ કહેવાય. જ્યાં રાગ હોય ત્યાં રૌદ્રધ્યાન હોય ? રાગ હોય તે વખતે રૌદ્રધ્યાન ના હોય. દ્વેષ હોય ત્યાં રૌદ્રધ્યાન હોય.

અદ્ભૂત સિદ્ધાંતિક વિજ્ઞાન !

આ જ્ઞાન મળ્યા પછી આપણે રાગ-દ્વેષ રહ્યો નહીં ને ? મૂળ રાગ-દ્વેષ કરનારો જે અહંકાર તે જ આખો ગયો. અને રાગ-દ્વેષ એ જ ગુરુ-લઘુ સ્વભાવનાં છે. ગુરુ-લઘુ સ્વભાવનાં એટલે એ વધી જાય, ઘટી જાય. ક્રોધ-માન- માયા-લોભ વધી જાય, ઘટી જાય. તે આપણે કહેતા હતા કે આ મને થાય છે. એ 'આપણે' તો હવે 'આત્મા' થયા, તે આત્મા 'અગુરુ-લઘુ' સ્વભાવનો છે. હવે બેનો મેળ પડે જ નહીં ને ? 'હું તો અગુરુ-લઘુ સ્વભાવવાળો વીતરાગ છું.' કહેશે અને રાગ-દ્વેષ તો ગુરુ-લઘુ સ્વભાવનાં છે. તે વધી જાય, ઘટી જાય.

આ વૈજ્ઞાનિક ઢબ છે આપણું આ બધું ! સંપૂર્ણ વિજ્ઞાન છે આ તો ! આખું ય વિજ્ઞાન છે. આ સત્યાવીસ વર્ષથી હું બોલું છું બધું, સંપૂર્ણ વિજ્ઞાન છે. શબ્દે શબ્દ વિજ્ઞાન છે. વિજ્ઞાનને સિદ્ધાંત કહેવાય.

રાગ-દ્વેષના પરિણામે યાદગીરી !

જેટલો રાગ-દ્વેષ આ સંસાર પર એટલી એને સંસારની યાદશક્તિ રહે. જે વિષયમાં રાગ-દ્વેષ હોય તે વિષયમાં યાદશક્તિ રહે.

પ્રશ્નકર્તા : કંઈ યાદ જ ના રહે તો ?

દાદાશ્રી : તો વીતરાગ થઈ ગયો.

કૃપાળુદેવે કહ્યું કે, 'જગતની વિસ્મૃતિ કરવી અને સત્નાં ચરણમાં રહેવું. એ છેવટનું સરવૈયું કહ્યું એમણે. આ જગતની વિસ્મૃતિ કોને રહે ? ત્યારે કહે, વીતરાગને ! જેટલા અંશે વીતરાગ થાય. તેટલા અંશે એને જગતની વિસ્મૃતિ આવતી જાય. જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં જગતની સ્મૃતિ છે. રાગ-દ્વેષ નિર્મૂળ થયા તો જગતની વિસ્મૃતિ છે.

તમારે જે સબ્જેક્ટમાં રાગ-દ્વેષ હશે, તે તમને બહુ યાદ રહ્યા કરે. આપણા લોકોએ યાદશક્તિવાળાને વખાણ વખાણ કરે કે કેટલી સ્મરણ શક્તિ !! પણ એ તો ખાલી રાગ-દ્વેષ જ છે !

વીતરાગને વિસ્મૃતિ વિશ્વની !

તમને કોઈ પણ વસ્તુની મહીં સ્મૃતિ આવે છે તે જ તમારા કર્મ છે. કારણ કે જ્યાં આગળ રાગ કે દ્વેષ હોય તો જ સ્મૃતિ આવે, નહીં તો સ્મૃતિ ના આવે. અમને સ્મૃતિ કોઈ જાતની રહે નહીં. કારણ કે અમને રાગ-દ્વેષ હોય નહીં. અને સ્મૃતિ ના હોય એટલે અંદર કંઈક સમાધિ રહે અને તમારે તો સ્મૃતિ હોય એટલે તમારે ના યાદ કરવું હોય તો ય આવીને ઊભી રહે અને જ્યાં સ્મૃતિ છે તે તમને શું કહે છે કે અહીં આગળ રાગ ને દ્વેષ છે.

જ્ઞાન પછી સ્મૃતિ ય ડિસ્ચાર્જ !

હવે યાદગીરી શેને આધીન છે ? તે જાણો છો ? પૂર્વે જે રાગ-દ્વેષ ચાર્જ કરેલાં તેને આધીન છે. તે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. તે સ્મૃતિઓ ડિસ્ચાર્જ થઈ રહી છે, તે સ્મૃતિ ફળ આપીને જતી રહે. ફરી ફળ આપવાનું કંઈ કારણ રહ્યું નથી એને. કારણ કે હવે જ્ઞાન પછી તમને રાગ-દ્વેષ નથી ને ! એટલે ફરી આવવાનું કંઈ કારણ નથી. હજી જેનાં તમને રાગ-દ્વેષ હોય, તેની તમને સ્મૃતિ રહે. જ્યાં વીતરાગ ત્યાં સ્મૃતિ ના રહે. કેનેડા રોજ યાદ આવે છે ? ના. કારણ કે કેનેડાથી તમે વીતરાગ છો. એવું છે આ બધું.

પ્રશ્નકર્તા : પંદર વર્ષ સુધી કશું યાદ મને ના આવ્યું ને આજે આવ્યું, તે શું કહેવાય ? એ ક્યો રાગ-દ્વેષ કહેવાય ?

દાદાશ્રી : એ રાગ-દ્વેષ પર આધાર રાખે છે. કેટલીક બાબતોનું એવું હોય કે જે સતત યાદ આવ્યા જ કરે ને કેટલીકનું એવું હોય કે એનો કાળ પાકે ત્યારે ફળ આપ્યા કરે.

અમને પૂર્વેના રાગ-દ્વેષ ઓછાં એટલે યાદગીરી બધી જતી રહે, ફળ આપીને ખલાસ થઈ ગઈ બધી.

દેહની ય વિસ્મૃતિ !

આ જગતની જે યાદશક્તિ છે ને, તે તો શેને આધીન છે ? રાગ-દ્વેષને આધીન છે. મને રાગ-દ્વેષ નથી તેથી મને યાદશક્તિ જ ના હોય. ક્યા રૂમમાં બેઠો હોઉ, તે ય મને ખબર ના હોય, ને હું તો મારું નામે ય ઘણાં વખત ભૂલી જઉ. તારીખ-વારનું તો મને ખબર જ ના હોય.

પ્રશ્નકર્તા : જ્યારે તમે કહો છો, 'હું અંબાલાલ મૂળજીભાઈ પટેલ છું, આ ભાદરણનો પટેલ છું, તે વખતે સ્મરણ શક્તિ આવી જાય છે ?'

દાદાશ્રી : ના, તે ઘડીએ તો આ પાડોશમાં આવ્યા છે એમ લાગે મને !

પ્રશસ્ત રાગ એ જ મોક્ષનું કારણ !

ટાઈમ આવે તે ઘડીએ બધું જ યાદ આવી જાય. હજુ અમને સત્સંગ ઉપર રાગ ખરો. તેથી ટાઈમ થાય એટલે જવાનું યાદ આવે. મહાત્માઓ ઉપર પણ રાગ રહે. આ બધા રાગને પ્રશસ્ત રાગ કહેવાય. એ સંસારમાં બંધન કરાવે નહીં, પણ મહાવિદેહ ક્ષેત્રને માટે બંધન કરાવે. મહાવિદેહમાં શ્રી સીમંધર સ્વામી પાસે જવાનું છે બધાને. એટલે અત્યારથી એમને ઓળખી લેવા હોય તો ઓળખી લેજો. તેથી તો અમે એમનું ગવડાય ગવડાય કરીએ છીએ.

આપણા તો મિથ્યાત્વી દેવ હોય કે સમકિતી દેવ હોય, વ્યવહારથી નમસ્કાર એવરીવ્હેર. એટલે કોઈ જીવ માત્ર સાથે કોઈની ઉપર રાગ નથી અને કોઈની ઉપર દ્વેષ નથી, એક પ્રશસ્ત રાગ જ્ઞાની ઉપર રહે તે એક અવતારનો વાંધો લેનારો છે એ પ્રશસ્ત રાગ મોક્ષે જ લઈ જાય. એ રાગ એક અવતાર મોડું કરે પણ મોક્ષે જ લઈ જાય. અત્યારે તો એ થાય એવો નથી, એના કરતાં પ્રશસ્ત રાગ એક જગ્યાએ પેસી જાય તો બીજો રાગ ચોંટે નહીં બળ્યો. સમજ પડીને ? આટલું જ ઉકેલ સમજવા જેવો છે અને જીવમાત્રને નમસ્કાર આપણાં. નિર્વેર, મૈત્રીભાવ આખા જગત જોડે.

જબરજસ્ત રાગ તે બહુ યાદ !

અમને આજે કયો વાર છે તે ય યાદ નથી હોતું, છતાં જગત ચાલે છે. કોઈને પૂછીએ ત્યાર હોરા તો ત્રણ જણ ! બોલી ઊઠે કે રવિવાર છે. યાદ રાખનારા ઘણાં બધા લોક છે.

વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા સિવાય બીજું કશું યાદ જ ના આવે. આત્મા અને આત્માના સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે.

જેટલી સ્મૃતિ ગઈ એટલા વીતરાગ થયા. વીતરાગને કોઈ પણ જાતની સ્મૃતિ ના હોય. જગતની વિસ્મૃતિ એને જ મોક્ષ કહ્યો.

સ્મરણશક્તિ માટે જગત આખું માથાકૂટ કરે છે. પણ સ્મરણ શક્તિ નામની કોઈ શક્તિ જ નથી. સ્મરણ શક્તિ એ રાગ-દ્વેષને કારણે છે. મને રાગ-દ્વેષ નથી, તેથી મને સ્મરણ શક્તિ ના હોય. અત્યારે આપણને આપણી યાદગીરી ઉપરથી ખબર પડે કે આ જગ્યાએ રાગ છે ને આ જગ્યાએ દ્વેષ છે. તેથી તો લોકોએ જગત વિસ્મૃત કરવા માટે શોધખોળ કરેલી.

પ્રશ્નકર્તા : પહેલે નંબરે પાસ થાય, તેને રાગ-દ્વેષ બહુ કહેવાય ?

દાદાશ્રી : એને જેમાં 'ઈન્ટરેસ્ટ' વધારે હોય તેમાં વધારે માર્ક આવે. ઇતિહાસમાં રાગ હોય તો તેમાં વધારે માર્ક આવે. કેટલાક છોકરાઓને વળી ભણવામાં કશું યાદ નથી રહેતું. તે આપણે જાણીએ કે એને ભણવામાં 'ઈન્ટરેસ્ટ' નથી અને બીજામાં બધું બહુ યાદ રહેતું હોય કે જેમાં 'ઈન્ટરેસ્ટ' હોય એને. જેને જેમાં રાગ વધારે તેનો તે 'એકસ્પર્ટ' થાય. મને અધ્યાત્મનો રાગ હતો, તેથી હું અધ્યાત્મમાં 'એકસ્પર્ટ' થઈ ગયો !

કેટલાકને શાસ્ત્રો પર ખૂબ જ રાગ હોય તેથી તેની સ્મૃતિ તેમને જબરજસ્ત હોય. આમાં આત્મા પર રાગ થાય એટલે બીજે બધે, સંસારમાં વિસ્મૃતિ કહેવાય.

પ્રશ્નકર્તા : શાસ્ત્ર ઉપરનો જે રાગ, એ કેવા પ્રકારનો રાગ કહેવાય ?

દાદાશ્રી : જે પોતાને ઠીક લાગે એના ઉપર રાગ બેસે છે. શાસ્ત્રો જ્યારે ઠીક લાગે ત્યારે એ રાગ બેસે. કારણ કે તે કુશાસ્ત્ર નીકળે ત્યાર પછી એ વળી એની ઉપર દ્વેષ થાય પાછો. પ્રશસ્ત તો સત્શાસ્ત્રને કહેલાં છે, સત્ ગુરુ, સત્ શાસ્ત્ર ને સત્ દેવ.

શતાવધાન એ પ્રશસ્ત રાગ નથી, એ અપ્રશસ્ત રાગથી થયેલું છે. એટલે બુદ્ધિના ખેલ છે.

વીતરાગ પ્રતિ પ્રસ્થાન !

પ્રશ્નકર્તા : રાગથી શું થાય ?

દાદાશ્રી : મૂર્છા થાય. મૂર્છા, બેભાનપણું! એ રાગનું ફળ બેભાનપણું હોય અને દ્વેષનું ફળ ભય. આ બે જાય ત્યારે વીતરાગ થાય. ત્યાં સુધી વીતરાગ ના થાય. આપણા મહાત્માઓ વીતરાગ થવાને માટે તૈયારી કરી રહ્યા છે. કોઈ પૂછે કે કંઈ થયા છે ? ત્યારે કહે, હા થયા છે ખરા. વીતદ્વેષ થયા છે.

વીતદ્વેષ થયા હવે વીતરાગ થવાનું છે. બે હતું, તેમાં એક ઓછું થયું, વીતદ્વેષ. હવે વીતરાગ થવાનું છે. ત્યારે કહે, વીતદ્વેષ થયા પછી રાગ ક્યાં રહ્યો ? ત્યારે કહે, જ્ઞાની ઉપરનો રાગ થાય. જ્ઞાની ઉપર, મહાત્માઓ ઉપર તે આ સંસારમાંથી રાગ ઉઠ્યો ને અહીં પેઠો. પણ આ રાગ પ્રશસ્ત રાગ કહેવાય છે.

પ્રશસ્ત રાગ, છોડાવનારો જ !

પહેલા વીતદ્વેષ થાય પછી વીતરાગ થાય. વીતદ્વેષ થઈ ગયા પછી આ વીતરાગ થયા. રાગ પછી જ જાય, એવો એનો સ્વભાવ છે. કારણકે રાગ છેવટે અહીંથી ઉઠ્યો હોય, પુદ્ગલમાંથી તો જ્ઞાની પુરુષ ઉપર એ બેસે. એટલે છેવટે પછી રાગ જાય ત્યારે વીતરાગ થાય. એ ય રાગ છેવટે કાઢવો પડશે.

જ્ઞાની પુરુષ અને બધા ઉપર બેસે તે ય પછી કાઢવો જ પડશે ને જ્યારે ત્યારે.

પ્રશ્નકર્તા : તો રાગ હોય તો દ્વેષ હોય એવું નહીં, દાદા ?

દાદાશ્રી : એ પૌદ્ગલિક રાગ હોય તો દ્વેષ હોય. આને પ્રશસ્ત રાગ કહેવાય છે, એને દ્વેષ ના હોય. પ્રશસ્ત રાગ એ દ્વેષવાળો ના હોય આ રાગ અજાયબી રાગ છે અને જે રાગ જ મોક્ષ આપે. પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષની ઉપર હોય, બધા મહાત્માઓની ઉપર હોય.

પ્રશ્નકર્તા : તે રાગ નથી, પણ પ્રેમ છે.

દાદાશ્રી : એ પ્રેમ, પણ પ્રશસ્ત રાગ કહેવાય છે. એ જો થઈ ગયો તો થઈ રહ્યું.

પ્રશ્નકર્તા : પ્રશસ્ત રાગનો શબ્દાર્થ શું છે ? એ સમજાવો.

દાદાશ્રી : એ તો બહુ ઊંચી પ્રકારનો રાગ છે. એ બંધન ના થાય એવો રાગ કહેવાય છે. પ્રશસ્ત રાગ ! બંધન ના આવે. બીજા બધા રાગથી બંધન થાય, આ રાગ મુક્તિ આપે.

નિરંતર દાદા ભૂલાય નહીં, એ પ્રશસ્ત રાગ. કોઈને નિરંતર દાદા ના ભૂલાય એવું થાય છે કોઈને, આંગળી ઊંચી કરો જોઈએ, એક, બે, ત્રણ.... બધાને આમ થાય છે !! શું વાત છે ?! એ નિરંતર ભૂલાય નહીં. દાદાને ના ભૂલાય, એ આત્માને ના ભૂલ્યા થાય. કારણ કે જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જ્યાં સુધી પોતાના આત્માનો સ્પષ્ટ અનુભવ નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા છે અને જો એ રહ્યો તો આવી ગયું બધું. સહેલી વાત છે ને ?! કંઈ અઘરી નથી !

'દાદા'માં જ રાખો રાગ !

કૃપાળુદેવ કહે છે ને રાગ આવે તો સત્પુરુષ ઉપર કરજો, બીજે ના કરશો. બીજે જોખમદારી છે.

પ્રશસ્ત રાગ વીતરાગ બનાવનારો છે. એટલે આમાં જ રાગ કરવા જેવો છે. બધેથી રાગ ઉઠાવી ઉઠાવીને આમાં જ રાગ કરવાનો છે. બીજે બધે વીતરાગ થવાનું છે.

આત્મ હેતુ માટે રાગ અને દેહાધ્યાસ માટે રાગ, બેઉમાં બહુ ફેર. આત્મ હેતુ માટે મમતા એ આત્માની મમતા છે ! છેવટે એ મુક્ત કરાવે.

એટલે આ આમ પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષ ઉપર હોય. તેથી કવિરાજે લખ્યું છે ને કે દાદા પર અમને રાગ આવે છે. એ છોને આવે રાગ, દાદા ઉપરનો રાગ મોક્ષે લઈ જનારો છે.

'દાદા', 'કાયમ' યાદ રહે તેવા !!

કાયમ યાદ રહે એવી ચીજ આ જગતમાં કોઈ છે નહીં ! એક ફક્ત નવા પૈણેલા હોય તો બે-ચાર વર્ષ બન્નેને એકબીજા યાદ રહ્યા કરે ! ધણી ત્યાં આગળ ઓફિસમાં હોય ને બઈ અહીં ઘેર ખાવા કરતી જાય ને ચિત્ત ત્યાં ધણી આગળ રહ્યા કરે ! રસોઈ ફર્સ્ટકલાસ બનાવે, પણ ચિત્ત ત્યાંનું ત્યાં જ હોય. અને ભઈ છે તે કલેકટર સાહેબ, આમ આખો દહાડો સહીઓ માર માર કરે, પણ ચિત્ત ઘેર હોય. એ પણ બે- ચાર વર્ષનો જ ગાળો ! જેમ આ કપાસની સિઝન આવે છે ને ! એવું આ ય સિઝન કહેવાય ! સિઝન ઊતરી ગયા પછી કશું ય નહીં. એ સિઝની માલ કહેવાય. જ્ઞાની પુરુષ યાદ આવે, એ તો પોતાનું સ્વરૂપ કહેવાય ! જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા કહેવાય !! એ જ્ઞાની પુરુષ નિરંતર યાદ આવે પછી રહ્યું જ શું બહાર ? કશું આવડે નહીં તો ય વાંધો નહીં ને !

'જ્ઞાની' પ્રત્યે રાગ, તે ....

રાગ 'જ્ઞાની' પર બેસી ગયો, તો તે 'પ્રશસ્ત રાગ' થઈ ગયો. એ કામ કાઢી નાખે. બીજે બધેથી રાગ ઊડી જાય. કારણ કે 'જ્ઞાની' વીતરાગ છે. વીતરાગ પરનો રાગ સર્વ દુઃખોથી મુક્ત કરાવનારો છે. અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ 'રાગ' અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે 'વીતરાગ'. અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.

આમ થયા વીતદ્વેષ !

'હું ચંદુલાલ છું' એ જ આરોપિત જગ્યાએ રાગ છે. અને બીજી જગ્યાએ દ્વેષ છે. એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે, એક બાજુ રાગ હોય તો તેની સામી બાજુએ, સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ, શુધ્ધાત્માનું લક્ષ બેસાડીએ, એટલે તે જ ક્ષણે તે 'વીતદ્વેષ'માં આવ્યો અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વીતરાગ થતો જાય. વીતરાગ એટલે મૂળ સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે.

- જય સચ્ચિદાનંદ