આરાધના એટલે ...

પ્રશ્નકર્તા : ભગવાનની આરાધના કરવી એટલે શું ? અને ભગવાનની આરાધના કરવાથી શું ફાયદો ? અને વિરાધના એટલે શું ? વિરાધનાથી શું નુકસાન ?

દાદાશ્રી : આપણે ભગવાનની આરાધનાની વાત તો રહેવા દો, પણ આ પોલીસવાળાની ઓળખાણ કરી હોય, આરાધના કરી હોય, તો કો'ક દહાડો આપણે એના કંઈક ગુનામાં આવીએ તો છોડી દે. પોલીસવાળો ય છોડી દે આપણને, જો એની આરાધના કરી હોય તો. અને પોલીસવાળાની વિરાધના કરી હોય ને તો ગુના ના હોય તો ય પકડે. તો ભગવાનની તો વાત જ ક્યાં કરવી ? એટલે કોઈની વિરાધના કરવી નહિ. આરાધના ના થાય તો ના કરવી, પણ વિરાધના ના કરવી.

પ્રશ્નકર્તા : વિરાધના કોને કહેવાય ? આપણે શું કર્યું હોય તો વિરાધના થઈ કહેવાય ?

દાદાશ્રી : આપણે છે તે પોલીસવાળાને કહીએ, 'એય, તું શું સમજે છે તારા મનમાં ? અમારી ગાડી બંધ રખાવે છે ? રોકે છે ? તું કોણ છે ?' એ આમ હાથ કરે તે ઘડીએ આપણે ઊભી રાખવી પડે. કારણ કે પોલીસવાળો છે. એ ય કાયદાને આધીન છે. ત્યારે તે ઘડીએ આપણે આવું બોલીએ અને રોફ મારીએ ત્યારે તેની વિરાધના થઈ. એટલે એ કહેશે, 'ત્યારે ખડે રહો.' એ નામ-બામ બધું લખે. હવે તે ઘડીએ આપણે કહીએ, 'ભાઈસાહેબ, જરા જવા દો, મારી ભૂલ થઈ છે અને મારે લગન છે. જવું પડે તેમ છે.' તે આમ આરાધના કરીએ તો છટકી જવાય. કામ તો કાઢી લેવું જોઈએ ને ? આ બધાં ય ભગવાનો છે. એ પોલીસવાળો ભગવાન નહિ ? હા. તો કરી જોજેે વિરાધના !

પ્રશ્નકર્તા : તમારી ભાષામાં આરાધનાનું જરા વિશ્શલેષણ કરો.

દાદાશ્રી : મારી ભાષામાં તો, આરાધના ને વિરાધના એવી છે કે જે વિરાધના કિંચિત્માત્ર ના કરે એ આરાધક છે. વિરાધના કિંચિત્માત્ર ન કરે એ જ્ઞાન, એનું આરાધકપણું છે. કોની આરાધના કરવાની છે ? 'વિરાધના નહીં કરો' તે જ આરાધના કરવાની છે. વિરાધના બંધ કરી નાખો એટલે આરાધક થઈ ગયાં.

વિરાધના કરતા અટકો, એ જ....

પ્રશ્નકર્તા : આરાધના કેવી રીતે કરવી ?

દાદાશ્રી : વિરાધના ના થઈ, એનું નામ જ આરાધના. 'વિરાધના ના કરશો', એનું નામ આરાધના.

પ્રશ્નકર્તા : વિરાધના ના કરશો એટલે શું ?

દાદાશ્રી : તમને ખબર નથી પડતી કે આ વિરાધના થઈ કે એવું તેવું ? જ્ઞાની પુરુષ તો આવ્યા, લોકોએ કહ્યું પણ દર્શન કરતાં ય ન આવડ્યા ને ! કેવળજ્ઞાની પુરુષ છે, ગૌતમ સ્વામી જેવાં જ્ઞાની પુરુષ આવ્યા તમારે ત્યાં, દેરાસરમાં પેઠાં !! એ તો સમજણ ના પડે, આ જીવોને ! તમારો દોષ નથી, જીવને કશું ભાન જ નથી. ખાંડની ચા કે ગોળની ચા છે એ ય ખબર નથી પડતી, ઘણાંને તો. એનો દોષ નથી.

પણ વિરાધના ના કરવી એ આરાધના. વિરાધના ના થવા માટે કોઈની વિરાધના ના થાય એવા વિચાર કર કર કર્યા કરવા. વિરાધના કોઈની ના થવી જોઈએ. સાધુ, સંન્યાસી, સાધ્વીજી, મંદિરમાં, દેરાસરમાં, દેવની, કોઈની વિરાધના ના કરવી જોઈએ. રસ્તામાં જતાં કોઈ જીવને દુઃખ આપો તો એ વિરાધના કહેવાય. કોઈ જીવને દુઃખી કરો, એ વિરાધના કહેવાય. કોઈને ગાળ ભાંડો, એ વિરાધના કહેવાય. એવી વિરાધના નથી કરતા ?! એ વિરાધના ના કરો, એનું નામ આરાધના.

ઊંચી આરાધના કરે એનાથી મોક્ષ મળે. કોઈ જીવની કિંચિત્ માત્ર વિરાધના ના કરે એનાથી મોક્ષ મળે અને વિરાધના થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. થઈ તો જાય, પ્રકૃતિ છે એટલે, પણ આપણે પ્રતિક્રમણ કરવા.

આ તો આરાધના શીખવાડીએ છીએ ને ત્યારે વિરાધનાનું જોર વધે છે. એનાં કરતાં વિરાધના બંધ કરાવડાવીએ ને તો એ આરાધના જ થઈ. એટલે આવાં કાળમાં આરાધના શીખવા જેવી જ નથી, એના કરતાં વિરાધના બંધ કરવી, એનું નામ જ આરાધના. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ થાય, એવી વિરાધના બંધ થઈ જાય, એનું નામ આરાધના. ભગવાન તો ધરાયેલાં છે, મસ્ત છે. એમને આ શી જરૂર ? વિરાધના ના કરવી તેમ કહે છે. અશાતના, વિરાધના એ બધું ના કરશો. અશાતના કરવાની ગમે છે ? નથી ગમતી, નહીં ?

ધર્મની વિરાધના !

સંત પુરુષોની વિરાધના, દેવલોકોની વિરાધના એવી પછી જાતજાતની વિરાધના આ. એમાં ધર્મની વિરાધના કરવાથી તો બહુ દુઃખ હોય. ધર્મની વિરાધના એટલે શું, કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ થાય એવો ભાવ કરવો, એ ધર્મની વિરાધના. એનાથી તો નર્યા દુઃખો ઊભાં થયા છે. ધર્મની વિરાધનાથી જ આ દુઃખો ઊભાં થયા છે. આપણે ગમ્મે એટલું દુઃખ હોય પણ કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવા ભાવ આપણને રહે, એટલે ધર્મ થયો જ. આપણને ગમ્મે એટલું દુઃખ હોય એનો તો કોઈ ઉપાય જ નથી ને. દુઃખ તો જતું રહેશે, આવ્યું છે એ જતું રહે.

જગત આખું જ દુઃખમાં સપડાયું છે ને અત્યારે તો, એ ધર્મની વિરાધનાઓ થવાથી જ ને. કો'કને પચ્ચીસ વર્ષ સુધી જરાક સુખનો ઉઘાડ દેખાય, વળી પાછું દુઃખ આવીને ઊભું રહે. આ સાત પેઢીઓનું સુખ ન્હોય.

સુખ સાત પેઢીથી હોય તેને સુખ કહેવાય. આ તો પેઢી-બે પેઢી ટકી, ટકી-ના ટકી એવું ! સાત પેઢી સુધી પાવડેથી ખોપીને લોકોને ધન આપે તો ય ખૂટે નહીં. આ તો રાત-દહાડો ચોરીઓ કરે છે, તો ય ધન વધતું નથી કોઈ દહાડો ય. પેલી ચોરીઓ નહીં કરતા હોય, પણ બીજી રીતે આખો દહાડો ય બધું કરવા ને !

ઊંચે ચઢાવે તે આરાધના !

આરાધના એટલે ઊંચે ચઢવું. જે કામથી આપણે ઊંચે ચઢી શકીએ એ આરાધના કહેવાય. એટલે શું કે જે જીવો ઊંચે ચઢી ગયેલા હોય, એ ઊંચે ચઢેલા જોડે આપણે જોઈન્ટ રાખીએ તો ઊંચે ચઢાય. એમની જોડે સાંધો મેળવીએ તો આપણે ઊંચે ચઢાય અને એમનું જ જો અવળું બોલીએ તો નીચે પડીએ, એ વિરાધના કહેવાય.

વિરાધના ક્યાં સુધી કહેવાય છે કે કોઈનું મન દુભવવું એ. અને તેનાથી અવળું કરે એ આરાધના કહેવાય. જગતમાં થાય છે, એ તો અપરાધ થાય છે. આરાધના એ ઉત્તર હોય તો વિરાધના એ દક્ષિણ છે. આરાધના થઈ એટલે ત્યાં 'રાધા' આવી અને એટલે ત્યાં 'કૃષ્ણ' હોય જ !

'રાધ' શબ્દ ઉપરથી આરાધના અને વિરાધના બે થયેલાં છે. આપને સમજાયું ને ?

જેનું નામ દેવાથી ઊંચે ચઢીએ, તેનું જ છે તે અવળું બોલવાથી નીચે પડીએ. સીડીને જ તરછોડ મારીએ તો નીચે પડીએ આપણે ! અત્યારે તો લોક આરાધના-વિરાધના સમજતા જ નથી ને ! આ તો દાળ-ભાત, રોટલી, શાક ખાતાં જ નથી આવડતું, તો આરાધના-વિરાધના તો શી રીતે સમજાય પછી ?!

પ્રશ્નકર્તા : આરાધના એટલે ઊંચે ગયેલા જીવની જોડે તાર જોડી રાખીએ એટલે એનાં ગુણગાન ગઈએ ?

દાદાશ્રી : હા, આપણાથી બે ડીગ્રી ઊંચો હોય એની જોડે ગુણમાં રહીએ, એમનાં ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ તો એ આરાધના કહેવાય. અને એમનાં જ અવગુણ બોલ્યા, નીંદા કરી તો વિરાધના કહેવાય. વિરાધનાથી નીચે પડી જવાય અને આરાધનાથી ઊંચે ચઢી જવાય. આ બે રસ્તા જ છે !

આત્માની આરાધના....

પ્રશ્નકર્તા : આત્માની આરાધના કેવી રીતે કરવી ?

દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' પાસે માગી લેવું કે મારે આત્માની આરાધના થાય એવું કરી આપો. એટલે 'જ્ઞાની પુરુષ' કરી આપે. 'જ્ઞાની પુરુષ' ચાહે સો કરી શકે. કારણ કે પોતે કોઈ ચીજના કર્તા ના હોય. ભગવાન પણ જેને વશ રહે છે એ 'જ્ઞાની પુરુષ' શું ના કરી શકે ? છતાં ય પોતે સંપૂર્ણ નિર્અહંકારી પદમાં હોય, નિમિત્ત પદમાં જ હોય.

વિચારવંત હોય તે તો લક્ષમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે આરાધવા જેવો નથી. આરાધવા જેવો ના હોય તો 'જ્ઞાની પુરુષ'ને શોધીને એની પાસે મોક્ષમાર્ગ મેળવી લે. માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે ! તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે !! અને તે સમર્થ એવા 'જ્ઞાની પુરુષ' એકલા જ બતાવે !!! મોક્ષમાર્ગ ઓર્નામેન્ટલ ના હોય ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય, મોટી મોટી ગગનચુંબી હોટલો હોય !

આ તમને જ્યારથી 'દાદા' ભેગાં થયાં છે, ત્યારથી તમારી આરાધના ચાલુ થઈ છે. ત્યારથી તમારી આરાધના બંધ થઈ નથી, એ આરાધના કહેવાય. દહાડે દહાડે આપણને લાગે કે આપણે કંઈક ઊંચે ચઢીએ છીએ. આપણને સમાધાન રહે, શાંતિ રહે ! આરાધના કોનું નામ ? જેની આરાધના કરી એની ક્યારે ય વિરાધના ના થાય, ભલે જીવન-મરણનો પ્રશ્ન હોય ! આરાધના એટલે આરાધના !!

ભક્તિથી મુક્તિ થાય ?

પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?

દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેનાં સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી મુક્તિ માટે થાય.

આ કેવું છે ? કે જેની ભક્તિ કરે તેવો થઈ જાય ! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ થઈ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઈ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ 'દાદા'ની ભક્તિ કરે તો 'દાદા' જેવો થઈ જાય ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરો તેવો થાય.

ભક્તિ જુદી, શ્રદ્ધા જુદી !

પ્રશ્નકર્તા : ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ? આરાધના કરીએ એ ભક્તિ ને ?

દાદાશ્રી : પુસ્તક વાંચતાં વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણ ભગવાનના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણ ભગવાનની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં જ્ઞાન મળ્યા પછી છે, તે તો નિશ્ચયપૂર્વક શ્રદ્ધા, એ પ્રતીતિ કહેવાય.

ગોપીઓની ભક્તિ

પ્રશ્નકર્તા : ગોપીઓની કૃષ્ણભક્તિને આપણે શું કહી શકીએ ? આત્મસાક્ષાત્કાર કે ભક્તિ ?

દાદાશ્રી : આત્મસાક્ષાત્કાર શાનો ?! એ તો કૃષ્ણ ભગવાનનાં જાદુઈ પ્રેમની અસર થયેલી. એટલે ગોપીઓ તો બિચારી પ્રેમથી બંધાયેલી અને તે સાચી ભક્તિ હતી એમની.

પ્રશ્નકર્તા : એમની ચિત્તવૃત્તિ કૃષ્ણમાં જ છે આવી ભક્તિથી, તો એ પોતે જે લક્ષ વીંધવાનું છે એ વીંધી શકશે કે નહીં ?

દાદાશ્રી : એમનું ચિત્ત કૃષ્ણમાં બેસી ગયું, ભગવાનની મહીં એકાગ્ર થઈ ગયું છે. હવે આ એમની બિગીનીંગ બહુ સારામાં સારી થઈ ગઈ ને ! એટલે એનો મોક્ષ તરફનો ઊકેલ વહેલી તકે આવે.

બાકી આ તો બધી સ્થૂળ ભક્તિ છે. કૃષ્ણ ભગવાનની ગોપીઓ જે ભક્તિ કરે છે ને, એ સ્થૂળ ભક્તિ કરે છે. પણ એ વધતી જતી સૂક્ષ્મ તરફ જાય ને તો ઊકેલ આવી જાય. સાચી ભક્તિ છે ને, એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મ ભક્તિ ઉત્પન્ન થાય. કૃષ્ણ ભગવાનની ભક્તિ એ તો જ્ઞાની પુરુષની ભક્તિ છે ને ! અને જ્ઞાની પુરુષની ભક્તિ એને શું ફળ ના આપે ?!! એ તો જ્ઞાની પુરુષની ભક્તિમાં પુરુષો ય પણ ગોપીઓ જ ગણાતા હતા. અને ગોપી થઈને ભક્તિ કરે તો જ કલ્યાણ થાય. એટલે ગોપીઓની ભક્તિની તો વાત જ જુદી ને ! કારણ કે જ્ઞાની પુરુષ પાસે તો જે ભક્તિ હોય છે ને, એ ગોપીઓ તરીકેની ભક્તિ હોય છે. તેથી કૃપાળુદેવે વખાણી છે ને ! કે એવી ભક્તિ કોઈ જગ્યાએ ઉત્પન્ન થતી નથી, કે આખો દહાડો એ જ સાંભર સાંભર થયા કરે.

એ તો અહીં આગળ આ અક્રમ વિજ્ઞાન છે, એટલે આટલું બધું 'દાદા' સાંભર સાંભર થાય. નહીં તો કળીયુગમાં તો કોઈ સાંભરે જ નહીં. આ તો આખો દહાડો 'દાદા' સાંભરે છે.

ભક્તિ, અક્રમમાં !

પ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં ભક્તિનું સ્થાન ક્યાં આવે ?

દાદાશ્રી : અક્રમ માર્ગમાં પોતાનો આત્મા જાણ્યા પછી, આત્મસ્વરૂપની રમણતા ઉત્પન્ન થયા પછી, ભક્તિ પોતાનાં સ્વરૂપની જ હોય છે. જેને સ્વ-રમણતા કહે છે. અને બીજા લોકોને સમજવું હોય તો ભક્તિ પણ કહેવાય છે. એટલે પોતાના સ્વરૂપની રમણતા અગર ભક્તિ કહો, તે પોતાના સ્વરૂપની જ છે.

'આજ્ઞા'નું આરાધન, એ ય ભક્તિ !

પ્રશ્નકર્તા : ભક્તિ અથવા જ્ઞાનની દ્રઢતા કેળવવા માટે અક્રમમાર્ગ કેવો છે ?

દાદાશ્રી : હું 'જ્ઞાન' આપું છું ત્યારથી આત્માનો યોગ શરૂ થાય છે. અને એ યોગ થયા પછી એ યોગ જ રહ્યા કરે. એટલે આ યોગ એ આત્મયોગ છે, એનાથી મુક્તિ થાય. સાચો યોગમાર્ગ તો આ આત્મયોગને જ કહેવાય.

પ્રશ્નકર્તા : આપ જ્ઞાન આપો, પછી તો બધા ભક્તિ કરશે ને ?

દાદાશ્રી : અહીં આગળ 'જ્ઞાન' આપે છે ને, એટલે પછી જ્ઞાન અને ભક્તિ બધું આવી ગયું. 'જ્ઞાન' આપ્યા પછી તો ડાહ્યો થઈ જ જાય ને ! અને પછી દાદાજી પાંચ આજ્ઞા આપે છે. એ જો આજ્ઞા પાળો તો એક પણ ચિંતા ના થાય અને આખી લાઈફ સુંદરમાં સુંદર જાય.

પ્રશ્નકર્તા : પણ આપનું 'જ્ઞાન' મળ્યા પછી બધાને શેની ભક્તિ કરવાની ?

દાદાશ્રી : આ અમે આજ્ઞા આપીએ ને, તે પ્રમાણે તમે વર્તો તો ભક્તિ કહેવાય અને તે તમારાં સ્થાને પહોંચી જશો, નિરંતર સમાધિ રાખશે. આજ્ઞા જો એકઝેક્ટ પાળો તો મહાવીર ભગવાન જેવી સમાધિ રાખે. ભલે મહાવીર ભગવાન તો કેવળજ્ઞાની હતા, તીર્થંકર હતા. પણ 'આ' વિજ્ઞાન એવું છે કે ભગવાન મહાવીરને જેવી સમાધિ હતી એવી સમાધિ રાખે એવું છે. આ તો વર્લ્ડની અજાયબી છે, અગિયારમું આશ્ચર્ય છે. માટે આનો લાભ લેવાય તો લેજો.

મેં જે આ 'જ્ઞાન' આપેલું છે એ જ જ્ઞાનયોગ છે. ને હવે ભક્તિપૂર્વક એ આજ્ઞાઓ ને બધું આરાધ-આરાધ કરવું એ ભક્તિયોગ બધો. એટલે જ્ઞાન અને ભક્તિ બેઉ આવી ગયું. હવે મોક્ષ થવાને કંઈ વાર નથી, જો આ તમે 'જ્ઞાની'ના કહ્યા પ્રમાણે ચાલો તો.

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' પછી કર્મયોગ માટે બરાબર સમજ ન પડી.

દાદાશ્રી : કર્મયોગ આમાં રહેતો નથી. કર્તા હોય તો કર્મ થાય ને ! પેલા ક્રમિકમાં તો કર્તા છે ત્યાં સુધી કર્મયોગ. અને અહીં કર્તા નથી એટલે કર્મ બંધાતા નથી. આ કર્મ છૂટે છે, કર્મો ડિસ્ચાર્જ થયા કરે છે.

'પોતે' 'પોતાની' ભક્તિ !

પોતાનાં સ્વરૂપનું ભાન થયા પછી જ્ઞાનયોગ શરૂ થાય છે. ત્યાર પછી ખરી ભક્તિ શરૂ થાય છે. જ્ઞાનની ભક્તિ કરવામાં આવે ત્યારે 'કેવળજ્ઞાન' થાય.

પ્રશ્નકર્તા : એટલે કે પોતાનાં સ્વરૂપનું ભાન થવું અને અનુસંધાન થવું એ જ ખરી ભક્તિ ?

દાદાશ્રી : એ તો જાણે કે ઊંચામાં ઊંચી વાત છે. એ તો થઈ શકે ય નહીં. જેટલા મહીં માનતા હોય ને કે 'અમને થયું છે' એ બધી માન્યતાઓ ખોટી છે. એ પોતાની જાતે થઈ શકે એવી વસ્તુ નથી. કારણ કે આમ જોનારો માણસ, બીજી બાજુ આમ, બન્નેને એકી સાથે જોઈ શકે નહીં. આ બાજુની દ્રષ્ટિ છે, એ માણસ બીજી બાજુ દ્રષ્ટિ, એમ બે દ્રષ્ટિ સાથે ન રાખી શકે. એટલે એ બીજું જોઈ શકે નહીં. અને એ થયા પછી તો કશું કરવાનું રહેતું નથી.

પ્રશ્નકર્તા : છેલ્લે કોની ભક્તિ કરવાની ? પોતે પોતાની જ ભક્તિ કરવાની ને ?!

દાદાશ્રી : હા, પોતાની ભક્તિ પણ પોતાને ઓળખ્યા વગર શી રીતે કરે ? જ્યાં સુધી પોતાને ઓળખાવે નહીં ત્યાં સુધી એ ભક્તિ ના થાય. અને જે ભક્તિમાં પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી અને પરોક્ષ ભક્તિ કરવામાં આવે છે એ બધી અજ્ઞાનભક્તિ છે.

હવે 'આ' જ્ઞાન મળ્યા પછી સ્વરમણતા ઉત્પન્ન થાય છે અને સ્વરમણતા એ સાચી ભક્તિ કહેવાય. અને સ્વરમણતા ઉત્પન્ન ન થઈ હોય અને 'દાદા'ની ભક્તિ કરે તો એ પ્રત્યક્ષની ભક્તિ કહેવાય. એ સ્વરમણતામાં લઈ જશે.

આ હું 'જ્ઞાન' આપું છું ને, એટલે પછી નિરંતર ચોવીસેય કલાક બધાને આત્મા લક્ષમાં રહ્યા જ કરે અગર તો કેટલાકને 'દાદા' નિરંતર લક્ષમાં રહ્યા કરે. એટલે એક કલાક નહીં, પણ નિરંતર એમને ભક્તિ ચાલુ જ રહે છે પછી.

પ્રશ્નકર્તા : દાદા નિરંતર યાદ રહે છે એ શું ?

દાદાશ્રી : એ નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસનથી તે રૂપ થાય અને એની બધી શક્તિ પોતાને પ્રાપ્ત થાય. આ શ્રવણ અને મનનથી નિદિધ્યાસન વધતું જાય.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો કે 'દાદા'ની ઉપાસના એટલે ભક્તિ અને શુધ્ધાત્માની ઉપાસના એટલે જ્ઞાન ?

દાદાશ્રી : આપણે અહીં તો જુદું છે. આપણે અહીં તો 'દાદા, દાદા' કરીએ તો ય જ્ઞાન કહેવાય. બાકી આ ક્રમિક માર્ગમાં એવી ભક્તિ એ ભક્તિ કહેવાય.

આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન છે તે ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એકરૂપ જ રહે, એકરૂપ જ થઈ જાય તે વખતે, જ્યારે ભક્તિમાં તો કંઈ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તો ય ઠેકાણું ના પડે !

પ્રશ્નકર્તા : જ્ઞાન વગર તો ભક્તિ ના હોય ને ! એવું આપ કહો છો ને ?

દાદાશ્રી : પણ ક્રમિક માર્ગમાં ભક્તિનું જ્ઞાન એવું એમને હોય. તેને જે દરજ્જાના માસ્તર મળ્યા હોય ને, તેની એ ભક્તિ કરે. એટલું જ્ઞાન એમને થયેલું હોય, તે પ્રમાણે ભક્તિ કરે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એને જેટલું જ્ઞાન થાય, તે એટલી ભક્તિ કરે. દરેક સ્ટાન્ડર્ડવાઈઝ જ્ઞાન બદલાતું જાય ને તેવી ભક્તિ ય તેટલી ઉત્પન્ન થાય.

બાકી અહીં તો પોતાનાં આત્માની જ ભક્તિ થાય. ને 'દાદા, દાદા' બોલે તો ય પોતાનાં આત્માની જ ભક્તિ થાય. આ બધા 'દાદા'ની ભક્તિ કરે છે ને, પણ એ પોતે પોતાની ભક્તિ કરે છે, મારી ભક્તિ નથી કરતા. તમે ય તમારી ભક્તિ કરો છો, મારી ભક્તિ નથી કરતા. આમ દેખાય છે કે તમે 'દાદા'ની ભક્તિ કરો છો, પણ આ છે તમારી. મારું કશું કરતા જ નથી. આ માર્ગ એવો છે કે તમે તમારું જ કરી રહ્યા છો. આ આરતીમાં, તમે તમારી જ આરતી ઉતારી રહ્યા છો.

પ્રશ્નકર્તા : પોતે પોતાની જ ભક્તિ કરે પછી એ રૂપ થાય ?

દાદાશ્રી : એ ક્યાં સુધી કરવાની છે ? કે જ્યાં સુધી આપણને હજુ આ ડાઘ પડે છે ત્યાં સુધી. નહીં તો પોતે તે જ રૂપ છીએ. આ તો આડા ગયા હતા, માટે પાછું ફરવાનું છે. એટલે પાછું ફરવા પૂરતી જ ભક્તિ, પોતે પોતાની ભક્તિ ! એનાથી પોતે તે રૂપ જ થઈએ, જેની ભક્તિ કરે તે રૂપ થાય.

ભક્તિ એટલે તે રૂપ થવું. ભક્તિનો અંગ્રેજી શબ્દ શું ? ટુ એપ્રોચ નીઅર એન્ડ નીઅર. પાસે-નજીક જયા કરવું અને તે રૂપ થવાનું ! જેટલો નજીક ગયો એટલો તે રૂપ થતો જાય પોતે. જેની જેની ભક્તિ કરો ને, તે તે રૂપ બનાવે. આ 'દાદા'ની તમે ભક્તિ કરો તો તે રૂપ થતાં જ જાવ. હમણે જો આત્મજ્ઞાનીની ભક્તિ કરો તો તમને આત્મજ્ઞાન સુધી લઈ જાય.

અહીં પોતાના સ્વરૂપની જ ભક્તિ !

આ ધર્મના જે પુરુષાર્થ બધા ચાલે છે ને એ તો ખેતર ખેતીવાડી કરે છે. બીજ નાખે તેનું ૫૦-૧૦૦ ગણું મળ્યા કરે. ધર્મની ખેતીવાડી ! આવતા ભવનું કંઈક આજે વાવે. આવતા ભવ ૧૦૦ ગણું લે. બહાર જે ધર્મ ચાલે છે ને ક્રિયાકાંડના બધા તોફાન, બધી જાતના તોફાન, એ બધી ખેતીવાડી છે ધર્મની.

પ્રશ્નકર્તા : આપણામાં ય થોડી ખેતીવાડી ખરી ને ? આપણામાં આરતી-વિધિ નહીં ?

દાદાશ્રી : આપણામાં ખેતીવાડી હોતી હશે ? ખુદ ખુદા થઈ ગયા ને !

પ્રશ્નકર્તા : આ આરતી કરીએ એ ખેતીવાડી નહીં ?

દાદાશ્રી : આ તો આપણે ત્યાં જે આરતી છે એ ખુદની આરતી છે. તમારી પોતાની જ આરતી કરી રહ્યા છો, દરેક માણસ પોત પોતાની જ આરતી કરી રહ્યા છે. આપણે ત્યાં જે પદો ગાય છે ને તે શું છે ? પોતાના ખુદની જ કિર્તન ભક્તિ છે. આપણે ત્યાં ખુદના સિવાય રિલેટિવ વસ્તુ જ નથી.

જેને આ ખબર નથી કે પોતે પોતાની કિર્તન ભક્તિ કરીએ છીએ, એને તો ખોટ જાયને પછી. ખબર ના હોય તો ખોટ જાયને. એને જાણતો નથી ત્યાં સુધી ખોટ જાય. જાણ્યા પછી ખોટ ના જવા દે. આપણે ત્યાં બધું જ પોતાને માટે છે. આ બધું મારે માટે નથી, 'એ. એમ. પટેલ' માટે નથી આમાં. અને 'દાદા' એ બધાનામાં બેઠાં છે. મારા એકલામાં બેઠેલાં નથી, એ તમારામાં બેઠાં છે. આ તેની જ ભક્તિ છે અને આરતી-બારતી તેનું જ છે આ બધું. અને તેથી જ બધાને આનંદ આવે છે. હું ય નમસ્કાર કરું છું, તે ઘડીએ બધા એકદમ આનંદમાં આવી જાય છે, એનું શું કારણ ? કારણ કે આ જો દેહધારી રૂપે દાદા હોતને તો તો મનમાં એમ થાત કે પોતાની જાતનું જ ગા ગા કર્યા કરે છે. ના, એવું નથી આ. કારણ કે દેહધારી માટે છે જ નહીં આ !

પ્રશ્નકર્તા : પણ તમારી આ સમજ છે. બાહ્ય દેખાવમાં તો સમજ પેલી જ આવે છે.

દાદાશ્રી : બહાર તો એવું જ દેખાય ને! આપણે આ બધાને જ્ઞાનદ્રષ્ટિ આપેલી છે, તેને બિચારાને કશું ના રહેને. બહારનાં લોકોને તો અવળું જ દેખાય.

કૃષ્ણ ભગવાને ય આવું ગાયું છે, આ ગીતામાં આવી રીતે ગાયું છે. પણ લોકોને સમજાય નહીં ને ! 'કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન' કર્યા કરે. અલ્યા, તું જ કૃષ્ણ ભગવાન ! પણ જ્યાં સુધી જ્ઞાન ના આપ્યું હોય ત્યાં સુધી શી રીતે સમજ પડે ? આપણે ત્યાં બધી ક્રિયા પોતે પોતાની જ છે. કોઈને માટે નથી. 'દાદા ભગવાનને નમસ્કાર કરું છું' બોલે છે, 'અસીમ જય જયકાર હો' બોલે છે, તે ઘડીએ મહીં તમારો ઉઘાડ થતો નથી ?

પ્રશ્નકર્તા : થાય છે ને.

દાદાશ્રી : એનું કારણ કે પોતે પોતાનું છે, બધાનામાં દાદા બેઠેલા છે. અને એ જ દાદાની પોતે ભક્તિ કર્યા કરે છે. અને આ પદો બોલે છે તે પોતે પોતાની કિર્તન ભક્તિ છે. સમજણ પડે તો કામ કાઢી નાખે એવું છે ને. એટલા માટે અમે કહે કહે કરીએ છીએ કે આ પોતે પોતાનું જ છે. સાંભળનારો ય પોતાનો સત્સંગ કરે છે અને બોલનારો ય પોતાનો સત્સંગ કરે છે. બોલો, આમાં પારકાં માટે કંઈ જ કરતા નથી આ. આ વિજ્ઞાન એવી જાતનું છે કે કોઈ માણસને પારકાં માટે કરવાની જરૂર નથી. એની મેળે પોતે પોતાનું જ કરી રહ્યા છે.

પછી પૂર્ણ થવા માટે....

પ્રશ્નકર્તા : આમ કહો છો ને, લીફટમાં બેસાડીને અંદર એવું ગોઠવી દઈએ કે જેનાથી અક્લેશ રહેવાય. એ જ્ઞાનની પ્રક્રિયા સિવાય શક્ય જ નથી ને !

દાદાશ્રી : ના. બીજી રીતે તો બહુ અઘરું છે !

પ્રશ્નકર્તા : એટલે પ્રત્યક્ષ રીતે આપને મળવું પડે, એ બધું જરૂરી છે !

દાદાશ્રી : આની જરૂર છે પણ તે બધાંને માટે એની જરૂર નથી !

ગમે તે રસ્તે, એક વાક્ય પણ જો કદી એ પોતે આરાધન કરે, તો ય આનંદ પ્રાપ્ત થાય એવું છે. જેને પૂર્ણ જ કરી લેવું હોય તેણે મને ભેગું થવું જોઈએ ફક્ત ! બાકી બીજા તો એક જ વાક્યનું આરાધન કરશે, એક જ શબ્દનું આરાધન કરશે તો ય પણ એને આનંદ ઉત્પન્ન થઈ જશે.

એને જ્ઞાનભક્તિ કહેવાય !

જ્ઞાન કોને કહેવાય ? ટાઈમે જે હાજર થાય, એનું નામ જ્ઞાન કહેવાય. બાકી ટાઈમે જે હાજર ના થાય, એનું નામ અજ્ઞાન જ કહેવાય.

પ્રશ્નકર્તા : પછી જ્ઞાન જોડે ભક્તિ તો વર્તે જ ને ?

દાદાશ્રી : હા, જ્ઞાન જોડે ભક્તિ અવશ્ય હોય, એનો સ્વભાવ જ છે એવો. ભક્તિ સિવાય ચાલે જ નહીં. ભક્તિ વગર નોંધારું થઈ જાય. એટલે ભક્તિ તો જોઈએ. પણ તે કોની ભક્તિ ? જ્ઞાનની ભક્તિ ! અને દર અસલ જ્ઞાન એ જ કેવળજ્ઞાન છે. આ તો લોકો જ્ઞાનને સમજે નહીં એટલે અમારે કહેવું પડે છે કે જ્ઞાન પોતે જ કેવળજ્ઞાન છે, કેવળજ્ઞાન પોતે જ આત્મા છે. હા, કેવળજ્ઞાન એ જ આત્મા છે.

અજ્ઞાનની ભક્તિ કરીને તો જગતની આ દશા થઈ છે, અત્યારે આ બહાર બધું દેખાય છે તે. બાકી અમે જે આત્મજ્ઞાન આપ્યું છે ને એ આત્મજ્ઞાન અને આ પાંચ આજ્ઞાઓ આપી છે તે, એ બધાની ભક્તિ કરવી એ જ જ્ઞાનની ભક્તિ !

પ્રશ્નકર્તા : પણ એ જ્ઞાનની ભક્તિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો આ પાંચ આજ્ઞાની મહીં રહે, અને તે ભક્તિપૂર્વક વળગી રહે એક શબ્દને, તો જ્ઞાનની ભક્તિ થાય.

અને 'દાદા'ની આજ્ઞા પાળવી એટલે આ 'એ. એમ. પટેલ'ની આજ્ઞા નથી. ખુદ 'દાદા ભગવાન'ની, જે ચૌદ લોકનો નાથ છે, એમની આજ્ઞા છે. એની ગેરેન્ટી આપું છું. આ તો મારી મારફત બધી વાત નીકળે છે આ. એટલે તમારે એ આજ્ઞા પાળવાની.

જ્ઞાનને તો આપણે પૂરું કરવું જ છે. જ્ઞાનને કંઈ છેટે મૂકી દેવાય ? બીજું બધું છેટું કરીને મૂકીએ થોડું.

પ્રશ્નકર્તા : જ્ઞાનને છેટે ના મૂકાય.

દાદાશ્રી : હા, એટલે જ્ઞાનની ભક્તિ કરવાની છે. જ્ઞાનની ભક્તિ કરે તો કામ થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાનીએ જે કહ્યું એ શબ્દો જ ગૂંજ્યા કરે, એનાથી જ્ઞાનની ભક્તિ થાય ?

દાદાશ્રી : હા, એ ય જ્ઞાનની ભક્તિ કહેવાય. પેટમાં દુઃખ્યું હોય એની અસર થઈ જાય માણસને, પણ મનની કોઈ અસર ના થવા દે. પેટમાં દુઃખ્યું, એ તો શરીર છે એટલે શરીર હેરાન થાય, એટલે અસર મોઢાં પર થઈ જાય. પણ પેલી મનની અસર તો મોઢાં પર ના થવા દેવી. એટલું બધું મન જુદું છે. પેટ તો એકાકાર છે એટલે પેટમાં દુઃખતું હોય તો અસર મોઢાં પર આવે. અને મન તો એટલું બધું છેટું છે કે અસર જ ના થાય, જો પોતે આ જ્ઞાનની ભક્તિમાં આવી જાય તો. કારણ કે હંમેશાં ય મન જ્ઞાનથી જ બંધાય.

આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે જેનાથી મન બંધાય. મન બાંધવું એટલે શું ? આ પાણી આમ ઢોળીએ તો એ બધું વેરાઈ જાય. પણ નીચે એક ઘડો મૂકીને પછી રેડીએ એની મહીં, તો પાણી બંધાય કે ના બંધાય ?

પ્રશ્નકર્તા : બંધાય.

દાદાશ્રી : એવી રીતે મન છે તે 'જ્ઞાને' કરીને બંધાય, એવું છે. બીજી કોઈ પણ વસ્તુથી મન બંધાય નહીં. આ આત્મજ્ઞાન એવું છેને, કે મન આનાથી બંધાઈ જાય. એટલે પછી બધું ય કામ થવા દે. મન બંધાયેલું રહે તો પછી બીજી બધી વસ્તુ બહુ નડતી નથી. આપને સમજાયું ને કે મન શેનાથી બંધાય છે ?

પ્રશ્નકર્તા : જ્ઞાનથી.

દાદાશ્રી : હા, આ મનને બાંધવાનું કોઈ સાધન આ જગતમાં ય નથી. એક આત્મજ્ઞાન સિવાય મન બંધાય નહીં. એટલે જ્ઞાનભક્તિમાં રહે કે મન બંધાઈ જાય !

'જ્ઞાની' પણ જ્ઞાનભક્તિ વખાણે !

એટલે જ્ઞાનની ભક્તિ જોઈએ. આ જ્ઞાન અને એની ભક્તિ જોઈએ. જ્ઞાનીની ભક્તિ તો બધાં કરે, કારણ કે જ્ઞાની દેખાય એટલે એની ભક્તિ તો સહુ કોઈ કરે. પણ જ્ઞાનની ભક્તિ કરે તો જ્ઞાન પરિણામ પામે. એટલે એ જ્ઞાનીની ભક્તિ જુદી છે ને જ્ઞાનની ભક્તિ જુદી છે !

પ્રશ્નકર્તા : જ્ઞાનીની ભક્તિ અને જ્ઞાનની ભક્તિ, એ બન્નેનું જે ફળ આવે એમાં શું ફેર ?

દાદાશ્રી : જ્ઞાનીની ભક્તિથી તો બધી કૃપા થાય આપણને. અને જ્ઞાનની ભક્તિથી તો આપણું મન ને બધું આમ જ્ઞાનથી બંધાઈ જાય. એવું મન બંધાઈ જાય કે મન કૂદાકૂદ ના કરે. વખતે બૂમ પાડે, વાતો બધી દેખાડે ખરું, પણ ટચ ના થવા દે.

પ્રશ્નકર્તા : કૃપા પ્રાપ્ત થાય એટલે એનાં રિઝલ્ટમાં આ બધું પ્રાપ્ત થાય ને ?

દાદાશ્રી : કૃપા પ્રાપ્ત થાય એટલે આ બધું ય સરળ થાય. કૃપાથી બધી વસ્તુ મળે. પણ આ જ્ઞાનની ભક્તિ કરવાથી અંદર બધું રેગ્યુલર થઈ જાય. આ જ્ઞાનીની ભક્તિ કરનારને ય છેવટે તો જ્ઞાનની ભક્તિ જ કરવી પડશે.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનથી જ મોક્ષ છે ને ?

દાદાશ્રી : હા, જ્ઞાનથી જ મોક્ષ છે. જ્ઞાની તો નિમિત્ત છે. જ્ઞાનથી જ મોક્ષ છે, માટે જ્ઞાનની ભક્તિ જોઈશે.

મુક્ત પુરુષની આરાધનાથી મુક્તિ !

પ્રશ્નકર્તા : આમાં મૂળ આશય જીવન મુક્ત થવાનો એ જ છે ને ?

દાદાશ્રી : જીવનમુક્ત થવાનો જ આશય છે. પણ તેને માટે જીવનમુક્ત પુરુષને આરાધવા પડે ! બાકી અજ્ઞાનીને આરાધીએ, તો અજ્ઞાની થાય ! આપણે એમને પૂછવું પડે કે, 'સાહેબ, તમે જીવનમુક્ત છો ?' એમ પૂછીને પછી ત્યાં આરાધન કરવું. ગમ્મે તે બાવાને ચોંટી ના પડવું. બાવા તો ભેખધારી છે, એ શાને માટે ફરતો હોય, એ આપણને શું ખબર પડે ?

પ્રશ્નકર્તા : એ કંઈ એવું થોડું કહે છે તે હું જીવનમુક્ત નથી થયો, એ તો 'છું જ' એવું કહે ને !

દાદાશ્રી : એ તો કહે, પણ આપણને પરીક્ષા કરતાં આવડે ને ! જીવનમુક્ત હોય ને, તે કોણ થાય તે જાણો છો ?! જેને અહંકાર ના હોય તે જીવનમુક્ત કહેવાય ! આ તો આમને જરાક સળી કરીએ કે, 'તમે ખોટું બોલો છો !' એટલે ખલાસ પછી.... એટલે આપણે સમજીએ કે આ કલદાર ન હોય. આ બાબાશાહી માલ, બોદો માલ ! બાકી જીવનમુક્ત હોય નહીં ને ! કો'ક ફેરો આખી દુનિયામાં એક જ હોય !

દઝાયેલા મનની વિરાધના !

પ્રશ્નકર્તા : આત્માને અને મોક્ષને કેટલું દૂર છે ?

દાદાશ્રી : એ અંતરાય પડેલા છે એટલું જ દૂર છે, અજ્ઞાનતા જેટલું દૂર છે. અને અજ્ઞાન તો જ્ઞાની પુરુષ કાઢી આપે. અંતરાય એ જ્ઞાની પુરુષ કાઢી આપે, પણ અમુક અંતરાય એ ના તૂટે, જે જ્ઞાનીના ગજા બહારના અંતરાય હોય, જેમાં વિનય ધર્મ ખંડિત થતો હોય તે. વિનય તો મુખ્ય વસ્તુ ! પરમ વિનય ! જો જ્ઞાની માટે એક વિચાર, એક કલ્પના અવળી આવવી ના જોઈએ. એક અવળી કલ્પના શું કરી નાખે ?

પ્રશ્નકર્તા : બહુ દૂર ફેંકી દે.

દાદાશ્રી : હા. પોતાની મા માટે કલ્પના નથી આવતી, તો જ્ઞાની પુરુષને માટે તો કલ્પના અવળી કરાતી હશે ? એનાં કરતાં ઓછું ટચમાં રહેવું સારું. ટચમાં ઓછા રહે એટલે વિચાર જ ના આવે ને ?! નહીં તો જે કમાયા હોય એ ય ખોઈ નાખે. અમારા વિષે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખવું.

મન તો જ્ઞાની પુરુષનું મૂળિયું જ નીંદી નાખે. 'મન શું ના કરે' એ કહેવાય નહીં. કારણ કે બધું અજ્ઞાનતાનો દોષ છે ને. દોષ તો અજ્ઞાનતાનો ને ?! મન તો બહુ પ્રકારના હોય છે. દઝાયેલું મન હોય ને, તે ગમે તેને દઝાડે, ભગવાન મહાવીરને હઉ દઝાડે ! અનેક પ્રકારના મન હોય લોકોનાં !

વિરાધકનાં ટોળામાં.....

વિરાધકનાં ટોળામાં અવિરાધનાવાળો હોય ને, તેને પેલા લોકો અવિરાધનાવાળાને વધારે મજબૂત કરે. પેલા લોકો અવળું બોલે કે આ અવિરાધનાવાળો મજબૂત થાય. એવી દશા આની છે, આણે મજબૂત ના કરવું પડે. પેલા લોકો બોલે એવું જ કે આને વધારે મજબૂત થાય. એવો તને અનુભવ થયેલો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તેનો લાભ તને ઘણો, બહુ થયો છે. માટે ઘરનાં બધાનો ઉપકાર માનજે. હવે બધાને સત્સંગનો લાભ અપાવીને ઠેકાણે લાવી દે. તારે તો ઉપકાર જ માનવાનો. પણ ઉપકારમાં એનો બદલો શી રીતે વાળવાનો ? એમને ફરી ફરી રીસેટલ કરવાનાં. એ પડે પણ તારે પાછા ચઢાવી આપવાનાં.

આજ્ઞાધીનતા, ત્યાં નહીં વિરાધના !

બહુ જાણવાની જરૂર જ નથી, આ પાંચ આજ્ઞા સમજો. એવું છે, આપણા પાંચ વાક્યો જ સમજવાનાં છે. વિરાધના થતી જ નથી. જ્યાં ક્રોધ જ થતો નથી ત્યાં વિરાધના શી રીતે થાય. ક્રોધ કરે છે, છતાં ય દાદા કહે છે, ક્રોધ નથી આ, ગુસ્સો છે. ત્યારે વિરાધના શી રીતે થતી હશે ? સમજાયું કે ના સમજાયું ?

પ્રશ્નકર્તા : બરાબર છે, પણ એ વિરાધના તો કહેવાય જ ને ?

દાદાશ્રી : વિરાધના ના કહેવાય. એ એનો ડિસ્ચાર્જ છે. તેમાં જો જાગૃતિ ના હોય તો એને નફો ના રહ્યો, બીજું કશું નહીં. નફો થાય જ નહીં. નહીં તો આ અવશ્ય નફાવાળું હોત !

પ્રશ્નકર્તા : પણ થોડુંક નુકસાને ય થાય ને ?

દાદાશ્રી : એ પોતે નુકસાન કરે તો નુકસાન થાય ને ! પણ કરે નહીં, એ બનતા સુધી એવું ના કરે, કો'ક જ માણસ કરે. એ મને નથી દેખાયું એ જો કોઈએ કર્યું હોય એ. એ તમારા મનના લોચા વાળ્યા કરો એટલું જ કે અમારી વિરાધના થઈ ગઈ, વિરાધના થઈ ગઈ.

પ્રશ્નકર્તા : વિરાધના થાય પછી એનું પ્રતિક્રમણ થઈ જાય તો પછી એ લોચા ના વાળે. પ્રતિક્રમણ થઈ જાય પછી તો સવાલ નથી રહેતો.

દાદાશ્રી : અમારા પરની વિરાધના થઈ હોય ને તો એને શુધ્ધ કરી નાખે તરત. પછી એ વિરાધનાનો ભાગ છોડે નહીં એને. છોડે કે ? અમારી પર શંકા કોઈને અહીંયા આવે તો પછી કોઈ છોડે કે એને ? ઊંઘમાં ય પજવ પજવ કરે, નહીં ? હા, એટલે અમારું શુધ્ધ ખાતું ને એ બધાને શુધ્ધિ કરી આપે.

પ્રશ્નકર્તા : પછી તો પારસમણિ જેવું થયું ને ?

દાદાશ્રી : હા, પારસમણિ જેવું. તરત ફળ મળે એવું. પણ એ ડખો રાખવા કરતાં પાંચ આજ્ઞામાં રહેવાય, એ જ કર્યે જાવ આગળ. ડખોડખલ કરવા જેવી નથી.

પ્રશ્નકર્તા : દાદા પ્રત્યે કંઈ શંકા થતી નથી, એનું શું કારણ ?

દાદાશ્રી : હા, પણ એ તો શંકા થાય તો ય વાંધો નથી. શંકા થાય તે ય પોતાની જ મૂર્ખાઈ છે.

પ્રશ્નકર્તા : શંકા થતી જ નથી.

દાદાશ્રી : હા, શંકા થતી નથી. પણ એ તો કોઈને થાય. એમાં એ પોતાની બધી નબળાઈઓ છે !

'દાદા'ની આરાધના તે જ મોક્ષનું કારણ !

પ્રશ્નકર્તા : આ બોલવા-ચાલવામાં, તમને પ્રશ્નો પૂછવામાં કોઈ ઠેકાણે અવિનય થતો હોય, અંતરમાં એવો અવિનય કરવાનો કોઈ ભાવ ના હોય, છતાં ય બોલવા-ચાલવામાં અવિનય થઈ જતો હોય તો તે અમે વિરાધના તો નથી કરતાં ને ?

દાદાશ્રી : વાત કરતાં તમે વિરાધક થાઓ તો અમે વાત બંધ કરી દઈએ. કારણ અમે જાણીએ કે આ તો અવળે રસ્તે ચાલ્યું.

પ્રશ્નકર્તા : પણ અમારાથી તમારી વિરાધના થઈ જાય તો ?

દાદાશ્રી : અમારી વિરાધના કરવાના તમારામાં પરમાણુઓ જ ના હોય. એવી તો અમને શંકા જ ઉત્પન્ન ના થાય. આખો દહાડો જેની આરાધના કરતા હો, તેની વિરાધના હોય જ નહીં ને ! 'દાદા'ની આરાધના કરી એ જ 'શુધ્ધાત્મા'ની આરાધના કર્યા બરાબર છે. અને એ જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે.

પૂર્વકર્મના પરિણામે....

અવિનય કે વિરાધનાનું બહુ હોતું નથી. પણ આ તો પોતાના મનમાં એમ લાગે છે કે આ વિરાધના થઈ. પણ ખરેખર એ વિરાધના નથી હોતી. પોતાના મનમાં એવું ભાસે ખરું કે વિરાધના થઈ ગઈ, પણ ખરેખર એ વિરાધના હોતી નથી. એ પાછલાં પરિણામ છે, પૌદ્ગલિક પરિણામ છે, એ આજનું પરિણામ નથી. આજનું પરિણામ હોય તો એ વિરાધના ગણાય. પાછલા પરિણામ શાથી ? કે એને પોતાને પાછળ પસ્તાવો ય થાય. વિરાધના થઈ હોય ને પોતાને ય પસ્તાવો થાય, એ બધા પાછલાં પરિણામ કહેવાય. છતાં આ વિરાધના એ જ્ઞાનને રોકે, દર્શનને ના રોકે ! અને આજના પરિણામવાળી વિરાધના તો જ્ઞાન-દર્શન-ચારિત્ર બધું ય રોકે.

સાધનની આરાધના, તે ય વિરાધક !

એટલે ''જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્હયો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી.'' આ સાધનાઓ છે બધી. એ સાધન છે, ન્હોય સાધ્ય આ ! સાધનો જો સાધ્યનું ફળ આપતા ના હોય ને, એ સાધનો જૂઠાં છે, કલ્પીત છે, વિરાધક છે. જે રસ્તે ચાલ ચાલ કરતાં સ્ટેશન ના આવે, એ વિરાધક રસ્તો છે ! અધ્યાત્મ જ્યાં હોય ત્યાં તમે આરાધના કરો, તો અધ્યાત્મ પ્રાપ્ત થાય એવું છે. યથાર્થ અધ્યાત્મ હોય ત્યાં વિષયની બાબત ના હોય. ચોરી, હિંસા, જૂઠ, પરિગ્રહ ના હોય. જ્યાં આ ના હોય ત્યાં તમે બેસો તો તમારાથી આગળ વધી શકાય.

નિર્વિકલ્પીની આરાધના !

'નિર્વિકલ્પ' તો 'જ્ઞાની પુરુષ' સિવાય કોઈ હોય જ નહીં. હા, 'જ્ઞાની'ના કૃપાવંત હોય તે નિર્વિકલ્પ બની શકે. કારણ કે નિર્વિકલ્પીની આરાધના કરે એ નિર્વિકલ્પી થાય, ને વિકલ્પીની આરાધના કરે એ વિકલ્પી થાય.

સ્વ-સ્વરૂપની આરાધના !

જ્ઞાની પુરુષને રાગ-દ્વેષ ના હોય એટલે જગત વિસ્મૃત જ રહ્યા કરે. સ્મૃતિ એ રાગ-દ્વેષને આધીન છે. હવે આવું કોઈ શાસ્ત્રમાં લખેલું ના હોય ને ! શાસ્ત્રોમાં તો એવું લખે ને કે સ્મૃતિ વધે એવું કંઈ કરો ! અને આરાધકો પાછાં શું બોલે ? કે જગત વિસ્મૃત રહે એવું કંઈક કરવું છે !

જેનાથી જગત વિસ્મૃત રહે, એ છેલ્લામાં છેલ્લું સાધન છે. હવે જગત વિસ્મૃત એમ ને એમ તો રહી શકે નહીં. કોઈમાં સ્મૃતિ દાખલ થયા સિવાય જગત વિસ્મૃત રહે નહીં. એટલે સાચી આરાધના ઉત્પન્ન થયા સિવાય જૂઠી આરાધના છૂટે નહીં.

એટલે પોતાનાં સ્વરૂપની આરાધના શરૂ થાય, રમણતા શરૂ થાય ત્યારે આ જગત વિસ્મૃત રહે. સ્વરૂપની રમણતા ચાલુ છે ત્યાં સુધી જગત વિસ્મૃત રહે. બાકી જગત આખું ય રમકડાં રમાડ્યા કરે છે. અને એ પુદ્ગલ રમણતા છે ત્યાં સુધી જગત વિસ્મૃત થાય નહીં. જ્ઞાની પુરુષનાં આપ્યા સિવાય આત્મા ક્યાંથી હાથમાં આવે ? આત્મા હાથમાં આવ્યા વગર આત્માની રમણતા ઉત્પન્ન થાય નહીં ને ત્યાં સુધી જગત વિસ્મૃત થાય નહીં.

અને તે જ વીતરાગની આરાધના !

આ વિજ્ઞાન બહુ જુદી જાતનું છે.

સાચું આરાધન થાય તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન જાય અને આર્તધ્યાન, રૌદ્રધ્યાન જાય તો મોક્ષ થવાનો નક્કી થયું.

પ્રશ્નકર્તા : આરાધના ટુ ધી પોઈન્ટ સમજવી છે.

દાદાશ્રી : આ અત્યારે તમારું ધ્યાન શેમાં વર્તે છે ? 'હું શુધ્ધાત્મા છું' એ ધ્યાન વર્તે છે કે 'હું ચંદુભાઈ છું' એ ધ્યાન ?

પ્રશ્નકર્તા : અરે, ચંદુભાઈ તો ગયા....

દાદાશ્રી : ત્યારે એ જ આરાધના !!

જે રાગ-દ્વેષની આરાધના કરતા હતા તે જ વીતરાગતાની આરાધના કરે છે. જે લઘુત્તમ પદ છે ને તે જ ગુરુતમ પદ આપનારું છે અને પેલું ગુરુતમ કે 'હું કંઈક છું' એ તો નાશ કરશે. ગુરુતમ પદ જોઈતું હોય તો લઘુત્તમ પદની આરાધના કરો.

'અમે' ભજીયે 'દાદા ભગવાન'ને !

પ્રશ્નકર્તા : દાદાજી, જય સચ્ચિદાનંદ.

દાદાશ્રી : હા, જય સચ્ચિદાનંદ. કોને વીતરાગને નમસ્કાર કરો છો ને ? થયું ત્યારે ! 'નમો વીતરાગાય' બોલ્યા એટલે પહોંચી ગયું મૂળ જગ્યાએ. જે કોઈ વીતરાગ હોય તેને પહોંચી ગયું. કોઈને પ્રશ્ન કંઈ પણ પૂછવો હોય, આધ્યાત્મિક કંઈ પણ પૂછવું હોય તો પૂછો. બેનો, તમે ય પૂછજો. હં ! મોક્ષે જવું હોય તો પૂછજો. મારે દાદા ભગવાન થઈને શું કામ છે ! દાદા ભગવાન તો મહીં પ્રગટ થયા છે ને, તેને હું જ નમસ્કાર કર્યા કરું છું. મારે ચાર ડીગ્રી ખૂટે છે, તો મારી ગરજે નમસ્કાર કરું છું. અને તમને શીખવાડું છું કે આ રસ્તે આવો, મેં જાતે જોયો, જાતે પૂર્ણ ભગવાન જોયો, ચૌદલોકનો નાથ મેં જોયો, એની જોડે રહું છું. એની જોડે વાતો કરું છું અને એમને ભજું છું, તમને ભજવાનું શીખવાડું છું.

આરાધવું ને ભજવું, નિજ સ્વરૂપને !

સંસાર તો ભોગવવાનો છે, આરાધવાનો નથી. ભજવાનો નથી. સંસારનાં નફા-ખોટમાં ક્યારે પાર આવે ?!

પ્રશ્નકર્તા : આરાધવું ને ભજવું, એમાં ફેર શો ?

દાદાશ્રી : આરાધવું એટલે વારે ઘડીએ દ્રષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિરંતર તન્મયાકાર ! સંસાર એટલે તો, જેમાં ચિત્ત જવા દેવા જેવું જ નથી કશું, એની મેળે જ ચાલ્યા કરે. આ તો 'શું થશે ? શું થશે ?!' અલ્યા, ચાલ્યા કરે છે, તેને શું થવાનું છે ? ચાલતું હોય તેને આડે શું કામ માર માર કરે છે ?

આરાધના ને ભજના પોતાના સ્વરૂપની કરવાની છે. આ સંસાર તો સહેજે ય એની મેળે ચાલ્યા કરે છે. તમારે કશો ઉપાય દેવો નથી પડતો, એમ ને એમ જ ચાલ્યા કરે છે. બસમાં બેસીને ચિંતા કરે છે કે પૈડાં ચાલતા હશે કે નહીં ચાલતા હોય ?! તો શું થાય ?

સંસાર અમને નામે ય યાદ નથી આવતો, તો ય સરસ ચાલ્યા કરે છે. સંસાર ભોગવવા માટે જ આ અવતાર છે.

ભોગવટો બે પ્રકારનો હોય. ઘડીકમાં ઠંડક લાગે, ઘડીકમાં ગરમી લાગે. ઘડીકમાં કડવું લાગે, ઘડીકમાં મીઠું લાગે !

શુધ્ધાત્માની રમણતામાં રહેવું આમ !

આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ 'રીયલ' એક જ છે ! 'શુધ્ધાત્મા'ની રમણતા એટલે નિરંતર 'શુધ્ધાત્મા'નું ધ્યાન રહે તે ! હવે સ્વરમણતા કરવાની, બીજું કશું કરવાનું નથી.

પ્રશ્નકર્તા : 'રીલેટિવ'ને જાણવાનું ને 'રીયલ'ને પણ જાણવાનું છે ?

દાદાશ્રી : ના, 'રીયલ'નું આરાધન કરવાનું છે અને 'રીલેટિવ'ને જાણવાનું છે !

પ્રશ્નકર્તા : 'નિજવસ્તુ' રમણતા કેવી રીતે હોય ?

દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો 'હું શુધ્ધાત્મા છું,' 'હું શુધ્ધાત્મા છું' એવું કલાક-બે કલાક બોલે તો ય ચાલે, એમ કરતાં કરતાં રમણતા આગળ વધે !

પ્રશ્નકર્તા : રમણતા તો બધી વિવિધ રીતે હોય ને ?

દાદાશ્રી : એ તો જેને જેવું આવડે એવું એ કરે. સ્થૂળમાં હોય તો, 'હું શુધ્ધાત્મા છું', 'હું શુધ્ધાત્મા છું' બોલ્યા કરે, અગર તો ચોપડી લઈને, 'હું શુધ્ધાત્મા છું' એવું લખ્યા કરે. એનાથી શું થાય ? દેહ હઉ રમણતા કરે છે, વાણી હઉ રમણતા કરે છે, મન પણ મહીં રમણતામાં આવી જાય.

અને પછી કેટલાક બહારનો વ્યવહાર ચાલતો હોય છતાં ય મનથી જો 'શુધ્ધાત્મા'ની ખરેખર રમણતા કરે તે અને શુધ્ધાત્માના ગુણોમાં રમણા કરે, જેમ કે 'હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત શક્તિવાળો છું...' એ સિદ્ધસ્તુતિ કહેવાય. એ બહુ ફળ આપનારી છે !

પહેલું જાડું કરે ને પુદ્ગલ રમણતા છૂટવા માંડે. એમ કરતાં કરતાં ઝીણું થાય અને જો એના ગુણ જ બોલ્યા કરે, એ સાચી રમણતા કહેવાય. એ તરત જ 'ઓન ધ મોમેન્ટ' ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.

નમસ્કાર વિધિથી વિરાધના ધોવાય !

આપણી આ નમસ્કાર વિધિથી ભગવાન બહુ રાજી છે, બધા દેવલોકો રાજી છે. આ જગતમાં એક જીવને તરછોડીને કોઈ મોક્ષે જઈ શકે નહીં. એટલે આપણે ત્યાં આચારધર્મ કેવો ઉત્પન્ન થયો છે, તે જાણો છો ? આપણી આ નમસ્કાર વિધિ બોલીએ છીએ `ને તેમાં જીવમાત્રને આપણે વંદન કર્યા છે. શાથી એવું કર્યું ? ગમે ત્યારે કોઈ સાધુ મહારાજના સંગથી વિરાધના તો કરી જ હશેને આ જીવોની. દેવીઓની વિરાધના કરી હશે, બીજી વિરાધના કરી હશે કે 'અમે નથી માનતા, અમે આમ કરીએ છીએ.' એવું બધું બને કે નહીં બનેલું હોય ?

પ્રશ્નકર્તા : બન્યું જ હોય.

દાદાશ્રી : એટલે હવે આપણે એ બની ગયા પછી મૌન રહીએ તો પેલાના પ્રતિક્રમણ થયા ના કહેવાય. તે આ ચારગતિના બધા જીવોને નમસ્કાર બોલીએ, ત્યારે એ જાથું પ્રતિક્રમણ થઈ જાય.

પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ એ મુક્તિનો માર્ગ છે, એમાં કશી અપેક્ષા ના હોઈ શકે. તો પછી આમાં શાસન દેવ-દેવીઓને રાજી રાખવાની શી જરૂર છે ?

દાદાશ્રી : આ શાસન દેવ-દેવીઓને રાજી એટલા માટે રાખવાનું કે આ કાળના મનુષ્યો પૂર્વવિરાધક છે. પૂર્વવિરાધક એટલે કોઈને સળી કરીને આવેલા. તેથી તો અત્યાર સુધી રખડી મરેલા. આપણે દેવ-દેવીઓનું આરાધન એટલા માટે કરવાનું કે એમના તરફનો કોઈ 'ક્લેઈમ' ના રહે, આપણા માર્ગમાં વચ્ચે તેઓ અંતરાય ના નાખે અને આપણને પસાર થવા દે અને 'હેલ્પ' કરે. આપણને આ ગામ જોડે પહેલાંનો ઝઘડો થયેલો હોય ને આ ગામના લોકો જોડે આરાધનાના ભાવ રાખીએ તો ઝઘડો મટી જાય ને ઊલટું સારું કામ થાય. એમ આખા જગત જોડે આરાધનાથી, શાસન દેવ-દેવીઓ જ નહીં, પણ જીવમાત્ર જોડે આરાધનાથી સારું થાય. શાસન દેવ-દેવીઓ નિરંતર શાસન ઉપર, ધર્મ ઉપર કંઈ પણ અડચણ આવે તો તે 'હેલ્પ' કરે ! અને આ મોક્ષમાર્ગ એવો છે કે અહીંથી 'ડીરેક્ટ' મોક્ષે ના જવાય, એક-બે અવતાર બાકી રહે એવો આ માર્ગ છે. આ કાળમાં અહીંથી 'ડીરેક્ટ' મોક્ષ થતો નથી. આ કાળની વિચિત્રતા એટલી બધી છે કે કર્મો બધાં 'કોમ્પ્રેસ' કરીને લાવ્યો છે, તે આખો દહાડો પ્લેનમાં ફરે તો ય કામ પૂરાં થાય નહીં. સાયકલ લઈને ફરે, આખો દહાડો રખડ રખડ કરે, પણ કામ પૂરાં થાય નહીં. એટલે એક-બે અવતાર જેટલાં કર્મ બાકી રહે છે. એટલે આ મોક્ષ જ કહેવાય ને ? પણ મોક્ષનો અહીં જ અનુ

ભવ થઈ જાય ને છૂટાપણાનું ભાન થાય, 'હું છૂટો પડી ગયો છું' એવું ભાન થાય.

ને અજ્ઞાની પ્રત્યે અવિરાધક ભાવ !

એક મહારાજ પાસે આપણા મહાત્માઓને આવા શબ્દ કહીને મોકલ્યા હતા. ''સર્વ જ્ઞાનીઓ પ્રત્યે આરાધક ભાવ અને સર્વ અજ્ઞાનીઓ પ્રત્યે અવિરાધક ભાવ.'' આવી શર્ત કરીને મોકલેલા. અને હું પણ નમસ્કાર કરીશ, તમે નમસ્કાર કરજો. અમારાથી આમ એમને નમસ્કાર ના થાય. પણ આપણો અક્રમ માર્ગ છે. એટલે આપણાથી આમ નમસ્કાર થાય, વ્યવહારથી કે 'ચંદુભાઈ, દર્શન કરો.' તમારે ચંદુભાઈને કહેવાનું કે મહારાજમાં દર્શન કરો !

સત્સંગની વિરાધના !

અત્યારે સત્સંગ ચાલે છે, તે આ સત્સંગ સાંભળો. પછી આ બધા ફોટા ટીંગાડ્યા છે, એને જો જો કરજો. નવરાશ મળે તો ફોટા પણ જોઈએ, પણ અત્યારે સત્સંગ ચાલે છે, તો સત્સંગ સાંભળીએ. સત્સંગને દુર્લક્ષ કરીએ એ વિરાધના કહેવાય.

પ્રશ્નકર્તા : દુર્લક્ષ નથી કરતો.

દાદાશ્રી : ના, પણ અત્યારે સત્સંગ થાય છે ને તમે ત્યાં ફોટાઓ જુઓ, એ દુર્લક્ષ જ કહેવાય ને. ત્યાં શું જોવા જેવું છે ?

પ્રશ્નકર્તા : એ ફોટો મને ઘણો ગમે છે.

દાદાશ્રી : અહીં 'દાદા' પ્રત્યક્ષ બેઠાં છે, એમનાં દર્શન કરોને ! અને ફોટાઓનું તમને ખેંચાણ થાય ને તો એ કાઢી નખાવીએ ! એવું છે, આકર્ષણ આત્મા જોડે કરવાનું છે. આ ફોટા એ તો બધો વ્યવહાર છે, વ્યવહાર ! અને તે 'અમે' અહીંથી બહારગામ ગયા હોઈએ ત્યારે દર્શન કરીએ !

અણસમજણમાં કેવી કેવી વિરાધના !

'મને કેમ ના આવડે ?' એમ કહ્યું કે ચાલ્યું, પછી આવડે. પણ 'મને આવડતું નથી' કહ્યું એટલે તાળાં વસાઈ ગયા. પરમાત્મા થઈને 'મને નથી આવડતું,' એવું બોલાતું હશે ? ગાડું-ઘેલું પણ પદ જોડે જોડે બોલે તો ય ચાલે.

કોઈ ગાતું હોય ને તમે તેની મશ્કરી કરો, બીજું કરો, તો વિરાધના કરી કહેવાય. ગાયનની કિંમત નથી. એ વિરાધના કરી કહેવાય. વિરાધના કરે એટલે રાગ ઠૈડાય જાય પછી અને તમે આરાધના કરો, કોઈ આ ગાતો કરતો હોય ને, તો 'બહુ સરસ, બહુ સરસ' કહો, તો તમને ના આવડતું હોય તો ય તમને આવડી જાય. આરાધના કરવી જોઈએ. જેની આરાધના તે રેગ્યુલર થઈ જાય.

પ્રશ્નકર્તા : આપણે પદ ગાતા હોઈએ, સામુહિક રીતે પદ ગાતા હોઈએ ત્યારે કેટલાક લોકો વાતો કરતા હોય, અમુક લોકો જ ગાતા હોય, તો એ વિરાધના કહેવાય ને ?

દાદાશ્રી : એ છે તે જ્ઞાનની વિરાધના કહેવાય. જ્ઞાનની, સત્સંગની વિરાધના કહેવાય. એ વિરાધના ખોટી કહેવાય. એ દર્શનને ના રોકે, પણ તો ય ખોટું કહેવાય એ. આ વાતો- બાતોમાં ના પડવું જોઈએ. અહીં સત્સંગમાં આવ્યા એટલે બીજી ભાંજગડમાં નહીં પડવું જોઈએ, કારણ કે સત્સંગમાં આવું તેવું ના હોય. ગાતા હોઈએ તે ઘડીએ ગાતા હોય. પછી આપણે ધીમેથી બોલવું. ના બોલવું હોય તો ય ધીમે બોલીએ પણ એમાં ભળતા રહેવું, એનું નામ ગાયું કહેવાય. આમાં ભળતા રહેવું જોઈએ, બીજામાં ભળીએ એ વિરાધના થઈ કહેવાય. આરતી વખતે કંઈક આડાઅવળી કર્યું હોય તો વિરાધના થઈ કહેવાય.

પ્રશ્નકર્તા : હા. આરતી વખતે પણ ઘણાં લોકો એવી રીતે વાતો કરે છે.

દાદાશ્રી : એવું ના હોવું ઘટે.

આરતી વેળાએ વિરાધના !

આરતી વખતે આ ભાઈ ઠેઠ ત્યાં જઈને ગપ્પા મારે એ વિરાધના થાય. આરતીમાં તમે ભળ્યા ત્યાંથી એ ક્રિયાનો વિરોધ તમને નહીં, એ તમારી વિરાધના નહીં, અને એ ક્રિયા તમને ના ગમતી હોય તો તમારે વિરાધના થાય છે, ઉલ્ટી ખોટ ખાય છે.

પ્રશ્નકર્તા : દાદા, એ વિરાધનાનો ભાગ જરા ના સમજ પડી. એને ગમે નહીં એટલો ડેવલપ ઓછો થાય ?

દાદાશ્રી : ના, ડેવલપ ઓછા ના થાય. ડેવલપ ઓછો થાય તો એ પાંચ ટકા જે નફો મળતો હોય એ ના મળે અને ૧૦ ટકા ખોટ જાય. એ કમાયેલી કમાણીમાંથી ખોટ જાય. એટલે ભળતા રહેવું, સત્સંગ એટલે ભળવું.

પ્રશ્નકર્તા : તમે કહ્યું કે આવા ગપ્પા મારે આરતી વખતે, તો વિરાધના કહેવાય. એવી બીજી ઘણી વસ્તુઓ હશે, જે અમને ખબર નથી દાદા. એવું એક-એક કંઈ કહેતા રહો તો બધા જાગ્રત રહે.

દાદાશ્રી : હા, પણ એ તો એ વખત આવશે ત્યારે કહીશું. વખત આવે એટલે કહીએ છીએને. તો જાગ્રત રહેને બધા ! આ તો બધી વિરાધનાઓ થાય. ઊલ્ટી ખોટો ખાય, નફો તો ક્યાં ગયો ?

ધર્મમાં ય એ વિરાધક ખરો. તો એની શિક્ષા કોઈ દહાડો ના થાય એવી મોટી શિક્ષા થાય. એટલે આપણે આ મોક્ષમાર્ગ ઉઘાડો નથી કરતા બહુ. એ વિરાધના કરે પાછાં, આમ તો મૂંઆ અહંકારી હોય, આમ ડફોળ પાછાં.

અહંકારી કેવા હોય ? ડફોળ હોય. એટલે આખાં શાસ્ત્રોને શાસ્ત્રોથી માપે, તેમાં આંકડો ય સમજણ ના હોય અને ડફોળ બહુ જોર કરે. તેટલાં માટે આ જે વિરાધના કરે ને એ માર ખઈ જાય બિચારાં.

આ તો કેટલી વિરાધના થાય ! આ અહીં આરતી થાય ને તો પેલાં ગપ્પા મારતાં હોય. તે બહુ વિરાધનાઓ કરી નાખે છે. તે હું જાણું ખરો કે આમને માર લાગવાથી માર ખઈ ખઈને ઠેકાણે આવશે હમણે. બહુ ભયંકર વિરાધનાઓ કરી છે. તે અહીંયા આરતી થતી હોય ને ત્યારે ગપ્પા મારતો હોય, આપણે બોલાવીએ ત્યારે તો આરતીના દર્શન કરે. તે હું જાણું કે આ ઉશ્કેરાઈને ખંડઈ ખંડઈને પણ થશે ને, એટલે વઢીએ નહીં બળ્યું.

વિરાધક માલને ઓળખો !

આરતીનો કંટાળાવાળો સ્વભાવ હશે કે તારો કંટાળાવાળો સ્વભાવ હશે ?

પ્રશ્નકર્તા : મારો.

દાદાશ્રી : તમને હઉ કંટાળો આવ્યો ?

પ્રશ્નકર્તા : મને એવું કંઈ છે જ નહીં.

દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું શાથી તને કંટાળો આવ્યો એ જાણે છે તું ?

પ્રશ્નકર્તા : શાથી ?

દાદાશ્રી : મહીં જંગલી માલ ભર્યો બધો. બધો માલ જે ભરેલો છે ને જંગલી માલ ભરેલો. તેથી તને આ ઊંધું દેખાડ્યું આ જંગલી માલે. આ સમજમાં આવે છે તને ? આ છતું- ઊંધું દેખાય ત્યારે મહીં કોણ દેખાડતું હશે ? જ્યારે છતું હોય ને તે ઊંધું દેખાડે ત્યારે આપણે શું જાણીએ ?

પ્રશ્નકર્તા : આપણી ઉંધાઈ.

દાદાશ્રી : તું તો ઊંધો નથી. તું તો આમાં વચ્ચે મીડીયમ છું. આ મહીં દેખાડનાર જુદા જુદા છે. મારી વાત થોડું તને સમજાય એવી છે ? કોણ દેખાડતું હશે ? તારે ના જોવું હોય અને તો ય પેલો દેખાડે, એવું બને ખરું તારે ?

પ્રશ્નકર્તા : સમજાતું નથી, કઈ રીતે ?

દાદાશ્રી : આ તને કંટાળો આવે ને એ માલ બધો ઊંધો માલ ભરેલો. માલ ઊંધો ભરેલો તેથી કંટાળો આવે છે. આ બધાને કંટાળો આવતો હશે, આ બધા બેઠા છે તેને ? આ બધા મહીં હતા, એમને બધાને કંટાળો આવ્યો હશે ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : તે બધાને શું હતું ?

પ્રશ્નકર્તા : બધાને આનંદ હતો.

દાદાશ્રી : હવે તે ઘડીએ આપણે વિચાર ના કરીએ કે આ બધા માણસો છે અને હું એકલો જનાવર મૂઓ છું. એવું વિચાર ના કરીએ ? વાંધો શું એમાં ? નુકસાન શું એમાં ? તને સમજાયું ને ? કે આ બધા ખોટાં કે હું એકલો ખોટો એવું વિચારીએ નહીં ?

પ્રશ્નકર્તા : એવું થોડું છે કે મેઝોરીટી જ સાચા હોય ? એવું કંઈ નથી કે મેઝોરીટી હોય તે જ સાચું હોય !

દાદાશ્રી : એવું નહીં, વધુ એ સાચું એવું નથી કહેતા, પણ આપણે વિચાર તો કરવો જોઈએને કે સાલું આ કંટાળો આવે છે, તે કંટાળો તો લાવવા જેવું નહીં હોય, ભલે હું આરાધું નહીં. ભઈએ કેવું કહ્યું, કે ભઈ આરાધના ના કરવી હોય તો ના કરીશ. પણ કંટાળો આવે એટલે જોખમદારી લેવાઈ ગઈ. એટલે જે દેવલોકો અહીં હાજર થયા છે ને એ દેવલોકોનો તું ગુનેગાર થયો. તું વળી કંટાળો લાવનાર કોણ છે, તું મોટો ન્યાયાધીશ, એવું દેવલોકો પૂછે છે.

તમને સમજાય એવું ? મારી ભાષા સમજાય છે ? આ ટેપરેકર્ડ બોલે છે. એમાં ખોટું ના લગાડશો. હું તો બોલતો નથી. મને પોતાને લાગે છે આ કઠણ શબ્દો છે. પણ આ ટેપના જેવા છે એવા છે શબ્દો, પણ ટેપના છે, કોઈના બોલેલા નથી. સમજાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પણ એ કંટાળો તને આવ્યો ને, કેટલી બધી જવાબદારી છે તારી. એવું થાય ત્યારે આપણે શું કરવું. તને ફરી વાર કંઈ એવું થાય કોઈ વખત, તો તારે મહીંથી કહેવું, ભઈ આ બધાય કરે છે, ભલે તમારે આરાધન ના કરવું હોય તો ના કરશો. પણ તમે વિરાધના ના કરશો.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કંટાળો એ વિરાધના કહેવાય. જો આ ભાઈએ જરા ય વિરાધના નથી કરી. હું તો મોઢા પરથી સમજું છું. હવે હું તારું ત્યાં ય સારું મોઢું જોયા કરું છું. હું તો ઓળખું છું ને, કે આ તો માલ બધો કચરો ભરેલો છે. કેટલાય અવતારનો ભરેલો કચરો પાછો, એક અવતારનો નહીં. વિરાધના કરાય એવો માલ સારો ગણાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : હું કહું છું, ખોટાની વિરાધના પણ કરાય નહીં, તો આ તો વર્લ્ડની અજાયબી છે, અહીં વિરાધના કરવી કેટલી જોખમદારી છે ! એ તને ચેતવું છું આ.

પ્રશ્નકર્તા : ખોટાની વિરાધના શું કામ ના કરવી ? ખોટું હોય એની વિરાધના કરવી. એ ગુનો કઈ રીતે ?

દાદાશ્રી : ખોટાની વિરાધના ના થાય.

પ્રશ્નકર્તા : એ શા માટે ? એનું કારણ શું?

દાદાશ્રી : તમારે આરાધન ના કરવું હોય તો ના કરો, વિરાધના કરવાનું તમને એકલાને અધિકાર નથી. બીજા કોઈને માટે એ સરસ વસ્તુ છે. એ એનો વ્યુ પોઈન્ટ છે. સમજ પડીને? તમને ના પોષાય તો તમે આરાધના ના કરો પણ વિરાધના ના કરો. 'ખોટું' આ જગતમાં સમજવા માટે છે. એ જગતનું ખોટું તમારે જોવાની જરૂર નથી, નહીં તો બંધાશો.

એવી રીતે આ સાચી વસ્તુમાં ય એ વિરાધના ના કરવી અને ખોટીમાં ય ન કરવી. વિરાધના માત્ર દુઃખદાયી છે. ભયંકર દુઃખદાયી. કયા અવતારમાં શીખી લાવ્યો હોઈશ તું આ ? કયા અવતારમાં શીખ્યો હોઈશ આવું ?

પ્રશ્નકર્તા : ખબર નહીં.

દાદાશ્રી : એના કરતાં આને કશું આવડતું જ નથી. વિરાધના ય નથી આવડતી ને આરાધના નથી આવડતી એ સારું. કશું આવડતું નહોતું ને ?

પ્રશ્નકર્તા : એ બધું બેઉ પાસા બંધ હતા ને !

દાદાશ્રી : કશામાં ય બરકત ના મળે. તને સમજણ પડીને ? હવે ખોટાની વિરાધના નહીં કરું ને ?

પ્રશ્નકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : એ ખોટું થયું એવું તું શી રીતે માનું છું ?

પ્રશ્નકર્તા : એ આપણો વ્યુ પોઈન્ટ છે.

દાદાશ્રી : તારે આરાધના ના કરવી હોય તો ના કરીશ, પણ વિરાધના કરાય નહીં. તું ખોટું કહી શકું નહીં.

પ્રશ્નકર્તા : હા, બરાબર છે. એનાં જજ ના બનવું. એટલે એનાં ન્યાયાધીશ ના બનવું.

દાદાશ્રી : એનો અર્થ શું થયો, ખોટાંનો અર્થ ? કે હું મેટ્રિકમાં આવ્યો એટલે પછી પાછલા સ્ટાન્ડર્ડ કાઢી નાખો એવું કહે છે. તને સમજાયું ? એ ન્યાય છે ? તમને કેમ લાગે છે ? એવી રીતે કોઈની વિરાધના કરીશ નહીં આજથી. આ અહીં કરી, તેની માફી માગી લેજે. શી રીતે માફી માગીશ ? હવે દાદાને યાદ કરજે. આ દાદાનું મોઢું યાદ રહે છે ને તને ? એ ઘેર સૂતી વખતે દાદાનું મોઢું યાદ કરી કે દાદા મેં ત્યાં આગળ આરતીમાં વિરાધના કરી હતી તે મારી ભૂલ છે, મારી જવાબદારી પર કરી હતી, તે હું આ માફી માગી લઉં. હવે મને છૂટો કરી દો. તો તું છૂટો થઈ જઈશ.

બીજી કંઈ ભૂલ નથી કરીને ? મનમાં આડુંઅવળું કરતો નથી ને ? અહીં મેં અભિપ્રાય તને બાંધવાનો ના કહેલો તે બાંધ્યો નથી, પણ તું સમજી ગયો.

અભિપ્રાય બાંધ્યા હોય તો આપણે છોડી નાખવા, બધું છોડી નાખવું. નથી બાંધવા જેવા અભિપ્રાય. બધે અભિપ્રાય બાંધીશ તો હું છોડાવી આપીશ. અહીં આખી દુનિયાનો તું અભિપ્રાય બાંધીશ તો અહીં છોડાવી આપીશ, મારી પાસે છોડાવી આપવાનો રસ્તો છે. એ વિરાધનામાંથી તમને માફ કરી આપીશ. પણ અહીંની વિરાધના કરેલી એને કોઈ માફ કરી શક્યો નથી. પણ છોડાવનાર જોઈએ ને પાછો ?

'ક'ની કરામતો !

મહીં બધાં જાતજાતનાં 'ક' બેઠેલાં છે. 'ક' એટલે કરાવનારાં. લોભક, મોહક, ક્રોધક, ચેતક... મોહક મોહને કરાવનાર છે. મોહ આપણે ના કરવો હોય તો ય કરાવે !

પ્રશ્નકર્તા : મગજમાં એવું થયા કરે કે આ હાથે કરીને શું કરવા આપણે ઊભું કરીએ છીએ ? આ બંધાય છે કે છૂટે છે, એવો વિચાર મારે શું કરવા કરવો ?

દાદાશ્રી : ના, એ વિચાર ના કરવો હોય તો ય આવે જ. પેલો 'ક' તમને કરાવડાવે. તમને મહીં ગૂંચવ ગૂંચવ કરે અને કોઈને માટે તો વિચારવા જેવું જગત જ નથી. તેમાં એવું વિચારવામાં આવે છે, તેનું શું થાય ? માર ખાવો પડે ! પારકી પંચાત માટે જગત નથી. તમારી પોતાની 'સેફ સાઈડ' કરી લેવા માટેનું આ જગત છે.

પ્રશ્નકર્તા : હવે આ પંચાત મારા મગજમાં ગરી ગઈ છે તો તેને કાઢવી કેવી રીતે ?

દાદાશ્રી : એ તો આપણે એને ઓળખીએ કે આ તો દુશ્મન છે ને આ પિતરાઈ છે. એમ ઓળખ્યા પછી દુશ્મનને આપણે સંભારીએ નહીં.

'જ્ઞાની પુરુષ'ની કરુણા ને સમતા !

પ્રશ્નકર્તા : પણ એ ચોંટેલું જ એવું હોય કે માથામાંથી એ ખસે જ નહીં.

દાદાશ્રી : જુઓને ! તમને મારા માટે કેટલી બધી ભક્તિ છે, એ બધું હું બહુ સારી રીતે ઓળખું, પણ છતાંય તમને મહીં કો'ક દહાડો દેખાડે કે આ 'દાદા' આવા છે.

પ્રશ્નકર્તા : અરે, દાદાને ગાળો હઉ ભાંડું. દાદાને નહીં, અંબાલાલ પટેલને !

દાદાશ્રી : એ બધાંની મને ઘેર બેઠાં ખબર પડે. પણ તમને 'ક' કેવાં ફસાવે છે ને કેવો માર ખવડાવે છે ! તે અમે તમારી ઉપર કરુણા રાખીએ કે આ માર ખાતાં ખાતાં કો'ક દહાડો ડાહ્યા થશે. કો'ક દહાડો ખબર પડશે કે 'આ માર શું કરવા ખવડાવતા હશે ? મારે શું લેવાદેવા ? દાદાને શી લેવાદેવા ? મેં આવાંની ક્યાં મિત્રાચારી કરી કે અમને માર ખવડાવે છે.' એવો કો'ક દહાડો તમને અનુભવ થાય.

પ્રશ્નકર્તા : દાદા, તે અનુભવ થયો. થાય નહીં, થયો ! અનુભવ કેવો કે અમને એમ થતું હતું કે આ ડોસો હેરાન કરે છે ને મેં તો આ પટેલિયાને હોળીનું નારિયેળ કર્યું, પણ તે બધું એ ડોસાએ જ સુધારી કાઢ્યું !!! મેં કહ્યું, જાન છૂટી ! બાકી મેં તો દાદા તમને એટલી બધી ગાળો ભાંડી હતી કે કંઈ બાકી જ રાખ્યું નહોતું. તો ય અંદરખાને એવું થયા કરે કે 'આ દાદા છે, એ તો સાચા છે.'

દાદાશ્રી : તે અમે ય ઘેર બેઠાં જાણીએ બધું. તે એક ફેરો તો મેં તમને કહ્યું પણ હતું કે તમે આડુંઅવળું બોલોને તો ય તેનો મને વાંધો નથી. તમે તમારી મેળે અહીં આવ્યા કરજો. કો'ક દહાડો બધું ધોવાશે ! તમે આડુંઅવળું બોલો તેની અમને કિંમત ના હોય. અમે તો તમારું કેમ કરીને શ્રેય થાય, એ જ જોયા કરીએ. તમારું, તમારાં ઘરનાંનું, બધાંનું શ્રેય જોયા કરીએ. તમે તો તમારી પ્રકૃતિ પ્રમાણે બોલો છો. તમારી દ્રષ્ટિ ખરેખર એવી નથી. તમારી દાનતે ય એવી નથી, તમારા વિચારો ય એવા નથી, એ બધું જ અમે જાણીએ.

એટલે હવે 'આ માર ખવડાવનાર છે અને આ મિત્ર છે' એવું તમે માલને ઓળખો. એ માર ખવડાવનારાં આવે તો 'આવ બા, તમારું જ ઘર છે' કરીને પાછા કાઢી મૂકીએ.

જે મહીં દેખાડે છે તે બધું ખોટું છે, સોએ સો ટકા ખોટું દેખાડે છે, એવું તમને સમજાય છે ને ?

શંકાનું સમાધાન હોય નહીં !

પ્રશ્નકર્તા : પણ દાદા, સમાધાન લેતાં આકરું પડે છે.

દાદાશ્રી : સમાધાન શી રીતે થાય ? શંકાનું સમાધાન દુનિયામાં ના હોય ! સાચી વાતનું સમાધાન હોય, શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.

શંકા એટલે શું ? પોતાના આત્માને બગાડવાનું સાધન. શંકા એ દુનિયામાં મોટામાં મોટી ખરાબ વસ્તુ છે અને શંકા સો ટકા ખોટી હોય છે અને જ્યાં શંકા નથી રાખતો ત્યાં શંકા હોય છે. જ્યાં વિશ્વાસ રાખે છે, ત્યાં જ શંકા હોય છે ને જ્યાં શંકા છે ત્યાં કશું છે જ નહીં. આમ બધી જ રીતે તમે માર ખાવ છો. અમે તો 'જ્ઞાન'થી જોયેલું છે કે તમે બધી જ રીતે માર ખા ખા કરો છો.

પ્રશ્નકર્તા : આ શંકાવાળી વાતનું ના સમજાયું; જ્યાં વિશ્વાસ રાખીએ છીએ, ત્યાં જ શંકા હોય છે.

દાદાશ્રી : એવું છે ને, તમે કયા જ્ઞાનના આધારે આ દ્રષ્ટિ માપી શકો છો ?! અરે ! ઉઘાડી આંખે જોયું હોય તો ય ખોટું પડે છે ! આ તો બુદ્ધિજન્ય જ્ઞાનથી, વિચારણા કરીને જુઓ છો ! એ તમને માર ખવડાવી ખવડાવીને તેલ કાઢી નાખશે ! તેથી અમે કહીએ છીએ કે બુદ્ધિથી છેટા બેસો. બુદ્ધિ તો ઘડીક વારે ય જંપીને બેસવા ના દે. આ તમારું તો બહુ સારું છે. તમારી ભાવના સારી એટલે પાછા માર્ગે વળી ગયા.

પ્રશ્નકર્તા : પછી તો મેં પ્રતિક્રમણનું જોર બહુ વધાર્યું. પરોઢીએ ઊઠીને પ્રતિક્રમણ કરતો'તો !

દાદાશ્રી : એ પ્રતિક્રમણ અહીં શીખ્યા, તે તમારું બહુ કામ કાઢી નાખ્યું. આ પ્રતિક્રમણના આધારે તો તમે જીવતા રહ્યા છો. તમારે તો આટલું જ ઘર છે. મારે તો કેટલાય માણસોનું ઘર છે. પણ કોઈની ઉપર શંકા જ નહીં.

પ્રશ્નકર્તા : આપે તો કૃપા કરી જ્યારે અમે અમારાં 'વક્રમ' કર્યાં. પણ એ ચોખ્ખાં થઈ ગયાં એ હકીકત છે.

દાદાશ્રી : તમે દાદાને આટલું વળગી રહ્યા, તે બહુ થઈ ગયું. એક દહાડો સરવૈયું સમજાશે કે સાચું હતું આ.

પ્રશ્નકર્તા : અરે, એક દહાડો હોય ? આજથી જ લઈને, કાલ કોણે દીઠી છે ? માટે એવી શક્તિ આપો કે જે થોડાં કર્મ બાકી રહ્યાં હોય, તેને અમે પહોંચી વળીએ ને બુદ્ધિ અવળે રસ્તે ન જાય.

દાદાશ્રી : અહીં આવતા રહોને કલાક-કલાક જેટલું, તે એટલું ઓગળતું ઓગળતું પછી ખલાસ થઈ જાય.

- જય સચ્ચિદાનંદ