|
અલખનું લક્ષ કલાકમાં! રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઈ વસ્તુ યાદ આવે છે ? પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એ જ યાદ આવે છે. દાદાશ્રી : નહીં તો લોકોને તો આ જગતની કોઈ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તે જ પહેલી યાદ આવે પણ તમને તો 'શુધ્ધાત્મા' જ પહેલો યાદ આવે. અલખનું ક્યારેય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને અલખ નિરંજન કહ્યો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે !!! આ 'અક્રમ-જ્ઞાની'ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઈ જાય છે !!! 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઈ જાય. ખીચડી કરતાં ય સહેલો થઈ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઈ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુધ્ધાત્મા'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઈ પડ્યું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી ક્યારે ય પણ ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે. પામ્યો નિજ કલ્યાણ ! પ્રશ્નકર્તા : આપની પાસેથી જ્ઞાન મેળવીને ખૂબ આનંદ અનુભવાય છે. હવે મોક્ષની અભિલાષા જ છે. દાદાશ્રી : તમે જ્ઞાન લીધું છે ? બહુ આનંદ થયો ને ? હવે પ્રતીતિ બેસી ગઈ છે ને ? રોજ એનું ધ્યાન કરજો અને પેલી નાની ચરણવિધિની ચોપડી આપી છે ને, એ વાંચજો. બહુ આનંદ થાય છે ? પ્રશ્નકર્તા : હા, બહુ આનંદ થાય છે. દાદાશ્રી : એ આત્માનો આનંદ છે. આત્મા જાગી ઊઠયો ! રાતે ને રાતે આત્મા જાગી ઊઠયો. કર્મ બધાં ભસ્મીભૂત થઈ ગયા. 'હું શુધ્ધાત્મા છું' એ એની મેળે યાદ આવે છે ને ? કે યાદ કરવું પડે છે ? પ્રશ્નકર્તા : યાદ રહ્યા કરે છે. દાદાશ્રી : આખો દિવસ રહે છે ને ? થઈ ગયું કલ્યાણ ! એ ગાડીમાં બેસવાની જ જરૂર ! પ્રશ્નકર્તા : હવે મારે એક મોક્ષ મેળવવાની જ અભિલાષા છે. દાદાશ્રી : ના હવે મોક્ષની અભિલાષા યે કરવા જેવી નથી. એ મોક્ષ એની મેળે આવશે. આપણે ગાડીમાં બેસવાની જ જરૂર, અહીંથી ગાડીમાં બેઠા એટલે અમદાવાદ એની મેળે આવીને ઊભું રહે. અમદાવાદની ઈચ્છા કરવાની નહીં. અમદાવાદવાળી ગાડીમાં બેસવાનુ પછી ઇચ્છા નહીં કરવાની. હા, ગાડીમાં બેસીને આપણે આપણું બીજું કામ કરવાનું. એ ગાડી જ મોક્ષે લઈ જશે અને કંઈ અડચણ આવે તો 'દાદા ભગવાન, દાદા ભગવાન' કરીને કલાક-કલાક બૂમ મારજોને ! ભેદ અંકાયા સ્વ-પરનાં ! તમને લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગયેલી છે. આ 'પર' અને આ 'સ્વ' ! એટલે આ ચંદુભાઈનું બધું 'પર' અને તમારું 'સ્વ'. 'પર'નું 'સ્વ'માં ના આવવું જોઈએ અને 'સ્વ'નું 'પર'માં ના આવવું જોઈએ. રહ્યું સમજી લેવા જેવું ! બીજું કશું જાણવા જેવું નથી. આત્મા જાણવા જેવો હતો તે જાણી લીધો. હવે આ પૂરેપૂરું સમજી લેવાયને, આ એક ભવ પૂરતું સમજી લેવાય ને, તો બધું જીતી ગયા. અનંત અવતારની ખોટ વળી ગઈ. અક્રમ-જ્ઞાન, પ્રયોગે પ્રાપ્ત ! આત્મા એક ફેરો પ્રાપ્ત થયા પછી આઘો પાછો થાય નહીં. આઘોપાછો થાય છે એમ લાગે તો એને માટે આપણે જ્ઞાની પુરુષ પાસે ખુલાસો કરી લેવો પડે કે 'અમને તો આત્મા આવો આઘોપાછો થાય છે. 'જ્ઞાન' આપ્યું તે દહાડે આવું નહોતું, સરસ રહેતું હતું.' પછી હું તમને ખુલાસો કરી આપું કે આત્મા આઘોપાછો નથી થતો, તમારી વૃત્તિઓ હજુ આઘીપાછી થાય છે. આ 'જ્ઞાન' આપ્યા પછી આત્મા એક ક્ષણ આઘોપાછો થાય નહીં. 'જ્ઞાન'માં બેસતી વખતે જો કદી કચાશ રાખી હોય તો ભૂલ થાય. આ તો એક કલાકનો પ્રયોગ, લાંબો પ્રયોગ નહીં ને ! એટલે એમાં કંઈ જો ભૂલ-થાપ ખાધી હોય, બે-ચાર શબ્દો ના બોલ્યા હોય અગર તો ધ્યાન ના રહ્યું હોય તો કાચું પડી જાય. નહીં તો આપણે ઊંઘી ગયા હોય ને આંખ ઊઘડી કે શુધ્ધાત્મા તરત સામો આવે. એનું શું કારણ ? પોતે એની મહીં ધ્યાન રાખ્યું છે. અને આ એક કલાકમાં સર્વસ્વ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે. બોધ બીજને પોષક રક્ષક ! હવે તમારે આ પાંચ આજ્ઞામાં જ રહેવાનું છે અને રોજ રાતના સૂતી વખતે આ દાદાનું નિદિધ્યાસનપૂર્વક 'હું શુધ્ધાત્મા છું' બોલતા સૂઈ જવાનું. એટલે બધું ચાલુ થઈ જાય અને પછી એ બીજ ઊગતું જાય પાછું. બીજ પડ્યું છે, પાણી પડે છે. પછી બધું ઊગવું જોઈએ ને ! અને ઊગ્યા પછી પાછી જાળવણી કરવી પડે ને ! એના જેવું જ પરિણામ ! ક્રમિકમાર્ગ એટલે અહંકારથી અહંકારને ઓછો કરીને આગળ વધવાનું છે. અહંકારે કરીને અહંકારને ધોવાનો છે. એટલે શું ધોવાનું ? અહંકારમાં જે ક્રોધ-માન-માયા-લોભની મલિનતા હતી તે મલિનતા ધીમે ધીમે ધોવાની પછી એ મલિનતા ઓછી થતી થતી થતી થતી સાવ અહંકાર શુધ્ધ થઈ ગયો કે જેમાં ક્રોધ-માન-માયા-લોભની મલિનતા નથી, કષાયની મલિનતા નથી, ત્યારે એ શુધ્ધાત્મા જોડે એક થઈ જાય. એ છેલ્લા અવતારમાં ત્યારે કેવળી થાય. સંપૂર્ણ શુધ્ધ અહંકાર જ્યારે થાય ત્યારે એક બાજુ શુધ્ધાત્મા અને અહંકાર, એ બે એકાકાર થઈ જાય. જ્યાં સુધી શુધ્ધ અંહકાર ન થાય ત્યાં સુધી, આ ક્રમિકમાર્ગનો સોદો ! આ જે સોદો બતાવું છું એ ક્રમિકમાર્ગમાં છે. હવે આ અક્રમનો સોદો કોઈ ફેરો હોતો નથી. આ અક્રમનો સોદો સહેજાસહેજ કલાકમાં થાય અને થાય એ ક્રમિકનાં જેવું જ થાય, એના જેવું જ પરિણામ બધું પણ આ જુદી રીતે. પૂરેપૂરું સમજી લેવું ! આ 'જ્ઞાન' પછી તમને જે પ્રાપ્ત થયું છે એને જાણી જઈએ ને, તો એનું ફળ પૂરેપૂરું મળે. નહીં તો ફળ મળવાનું છે, અણસમજણથી યે પણ સમજી લઈએ તેની તો વાત જ જુદી ને ! નિર્વિકલ્પ પદ પ્રાપ્ત ! આ નિર્વિકલ્પ જ છે. એટલે સંકલ્પ વિકલ્પ ના થાય. હવે આ તો તમને મહીં સ્વાદ આવ્યા કરે છે. પણ 'જ્ઞાન' એકઝેક્ટ રહેતું નથી. અનંતકાળથી આ પદ ભોગવેલું નહિ ને, એ પદ પ્રાપ્ત થયું છે. તમને શું લાગે છે ? નિર્વિકલ્પ જ છે ને ? આ જ્ઞાન પછી 'હું' ને 'મારું' બે ઊડી ગયું. 'હું ચંદુભાઈ' એ વિકલ્પ હતો. 'હું ચંદુભાઈ' એ તો વ્યવહારિક નામ માટે જ છે. પણ આ તો હવે 'હું' શુધ્ધાત્મામાં બેસી ગયું. અને 'હું' ત્યાં બેસી ગયું એટલે 'મારુ' યે ત્યાં બેસી ગયું. એટલે સંકલ્પ-વિકલ્પ ગયા. 'હું-મારું' ગયું તેની સાથે જ સંકલ્પ-વિકલ્પ ગયા, બધું ગયું. જ્ઞાની પુરુષ ભાન જગાડે ! આ 'જ્ઞાન' પછી હવે તમે હોમને હોમ માનો છો અને ફોરેનને ફોરેન માનો છો. એટલે આપણું કામ થઈ ગયું. જેમ કોઈ ઊંઘતા માણસને જગાડે કે 'ભઈ, તમે જાગો, જાગો, જાગો.' તે પાછો ભાનમાં આવી જાય. તેમ આ સંસાર ભાવમાં છે ત્યાં સુધી ઊંઘમાં છો. તો ઊંઘમાંથી ઢંઢોળીને જગાડે છે કે 'તમે આ નથી. તમે તો શુધ્ધાત્મા છો.' અને જાગૃત થયા પછી ભાનમાં આવી જાય. જ્ઞાની પુરુષ રોંગ બીલિફ કાઢે ને જગાડે કે 'તમે ચંદુભાઈ નથી, તમે આ નથી, તમે આ છો, તમે શુધ્ધાત્મા છો.' એટલે એ તમને અંદર બેસી ગયું એટલે પછી છૂટું થઈ ગયું. વર્તે નિજભાન નિરંતર ! દાદાશ્રી : 'હું શુધ્ધાત્મા છું' એ ભાન તમને કેટલો વખત રહે છે ? પ્રશ્નકર્તા : એકાંતમાં એકલા બેઠા હોય ત્યારે. દાદાશ્રી : હા, પછી ક્યો ભાવ રહે છે ? તમને 'હું ચંદુભાઈ છું' એવો ભાવ આવે છે કોઈ વખત ? તમને રિયલી 'હું ચંદુભાઈ છું' એવો કોઈ દિવસ ભાવ થયેલો ? પ્રશ્નકર્તા : પછી નથી થયો. દાદાશ્રી : તો એ તમે શુધ્ધાત્મા જ છો. માણસને એક જ ભાવ હોય. વ્યવહારમાંયે માણસ પોતાનું નામ ભૂલી જાય છે, 'હું કોણ છું' તે ?! એથી કંઈ વાંધો નથી. એટલે 'શુધ્ધાત્મા છું' એ તમને નિરંતર રહે છે જ. જે 'થયા' તેવું સહજ લક્ષ રહે ! પ્રશ્નકર્તા : એટલે 'હું શુધ્ધાત્મા છું' એ જ લક્ષમાં રહેવું જોઈએ ! દાદાશ્રી : એ તો રહે જ ને પછી, આ 'ચંદુભાઈ' થયા પછી 'ચંદુભાઈ છું' એ લક્ષમાં રહે છે, એવું શુધ્ધાત્મા થયા પછી 'શુધ્ધાત્મા છું' લક્ષમાં રહે જ. આ અક્રમ વિજ્ઞાન જુદું છે. આમાં આખો શુધ્ધાત્મા પ્રાપ્ત થયો. એટલે એની મેળે જ લક્ષ રહ્યા કરે. પેલાં ક્રમિકમાં લક્ષ કરવું પડે, લક્ષ રાખીને કરવું પડે અને આ તો સહજ લક્ષ રહ્યા કરે. ત્રણ કલાક શુધ્ધાત્માનું ધ્યાન ના રહ્યું અને ત્રણ કલાક પછી પૂછે, 'તમે ચંદુભાઈ છો કે શુધ્ધાત્મા છો ?' ત્યારે શું કહો ? પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા. દાદાશ્રી : એટલે એ ધ્યાન હતું જ. આત્મા પ્રાપ્તિનાં લક્ષણો ! તમને ચંદુભાઈ હતા ને અત્યારે શુધ્ધાત્મા છે, તેમાં કંઈ અનુભવમાં ફેર લાગે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : સવારમાં ઊઠે ત્યારથી કે બપોર પછી રહે છે ? પ્રશ્નકર્તા : ઊઠું છું ત્યારથી જ. શુધ્ધાત્માનું લક્ષ હોય ને, એટલે પહેલા કરતાં જુદું જ લાગે છે. દાદાશ્રી : હા. એટલે ઊઠયા ત્યારથી જ અનુભવ રહ્યા કરે તે રાત્રે સૂતા સુધી બધા અનુભવ રહ્યા કરે મહીં. પ્રશ્નકર્તા : રાત્રે તો સહેજે લક્ષ રહે, પણ દિવસે કામકાજમાં લક્ષ રાખવું પડે છે. દાદાશ્રી : હા, એ તો હોય જ. સંસારની ઘડભાંજ ને ! પ્રશ્નકર્તા : સવારમાં ચા-નાસ્તો ના કર્યો હોય ત્યાં સુધી લક્ષ સરસ રહે, જોશથી રહે. દાદાશ્રી : હા, એ તો પુદ્ગલ નાખ્યું મહીં કે હાલાહાલ થાય, એટલે આપણને એવું લાગે. કેટલી હિંમતથી કહેવાયું આ ! હું પૂછું કે 'ચંદુભાઈ ખરેખર છો કે શુધ્ધાત્મા ખરેખર છો ?' ત્યારે તમે કહો કે 'શુધ્ધાત્મા'. બીજે દહાડે તમને પૂછું કે 'તમે ખરેખર કોણ છો ?' ત્યારે તમે કહો કે 'શુધ્ધાત્મા'. પાંચ દહાડા સુધી હું પૂછું, એટલે પછી હું સમજી જાઉં ને, કે તમારી કૂંચી મારી પાસે છે. પછી તમે બૂમો પાડો તોય હું ગાંઠું નહીં. છો ને, બૂમો પાડો. આ વસ્તુ જુદી છે, આ તો વિજ્ઞાન છે, ખાલી સમજી જવાની જરૂર છે. હું કહું કે કૂંચી મારી પાસે છે, એટલે કેટલી હિંમતથી કહેતો હોઈશ ?! આ છો ને, બૂમો પાડ પાડ કરે, પણ હું જાણું કે કૂંચી મારી પાસે છે, ક્યાં જવાના છે, અને વખતે થોડી ભૂલ થઈ જવાનો સંભવ છે, તે હું જાણું છું. તેના બે-ચાર અવતાર વધારે કરશે. પણ ઉકેલ તો આવી ગયો ને ! પેણે સમકિતમાં પંદર ભવ થાય. તે આપણે પંદરની અંદર હશે તો વાંધો શું છે આપણને ?! પણ આપણે તો ખાતાં-પીતાં લહેર કરતાં ને ?! બૈરી-છોકરાનું, કોઈનું મન દુઃખાવ્યા સિવાય ને? કેટલી સરળતા ! અંતરાત્માદશાનું સ્થાપન ! આપણે અહીં 'જ્ઞાન' આપીએ એટલે શુધ્ધાત્મા થાય. હવે શુધ્ધાત્મા થયો એટલે એકદમ પરમાત્મા થાય નહીં, પણ એ અંતરાત્મા દશા થાય. પ્રશ્નકર્તા : અંતરાત્મા એટલે શું ? દાદાશ્રી : અંતરાત્મા એટલે શું કે બે કામ કરવાના. સંસારનો નીવેડો લાવવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો, એટલે ફાઈલોનો નિકાલ કરવાનો અને શુધ્ધાત્માનું ધ્યાન કર્યા કરવાનું. બે કામ કરતા હોય એ અંતરાત્મા, ફાઈલોનો નિકાલ થઈ રહે એટલે પરમાત્મા. અંતરાત્મા તો કેવળ એક જ વસ્તુ પર આવ્યો કે 'ભાઈ, આ ફાઈલનો નિકાલ કરવાનો ને શુધ્ધાત્મા ! એટલે પહેલા શુધ્ધાત્મા પ્રાપ્ત થાય પછી અંતરાત્મા થાય. પ્રશ્નકર્તા : જેણે 'જ્ઞાન' લીધું હોય તેને જ ? દાદાશ્રી : તેને જ અંતરાત્મા પ્રાપ્ત થાય, બીજાને અંતરાત્મા પ્રાપ્ત ના થાય. અંતરાત્મા એટલે ઈન્ટ્રીમ ગવર્મેન્ટ ! અને કોઈએ ઈન્ટ્રીમ ગવર્મેન્ટ કરી જ નથી ને ! આ તો સરકારે કરી હતી પણ 'આપણી' ઈન્ટ્રીમ ગવર્મેન્ટ કોઈ દહાડો થઈ જ નથી. અત્યારે ઈન્ટ્રીમ ગવર્મેન્ટનું સ્થાપન થયું છે. તે આ ફાઈલોનો નિકાલ થઈ જાય એટલે ફુલ ગવર્મેન્ટ થઈ જશે. તો અહંકાર ના ગણાય ! પ્રશ્નકર્તા : હવે 'હું શુધ્ધાત્મા છું' બોલીએ છીએ આપણે, તો એ અહંકાર તો ખરો જ ને ? દાદાશ્રી : ના, જગતના લોકોને 'હું શુધ્ધાત્મા છું' બોલે તો અહંકાર કહેવાય, અને આપણને એ અહંકાર ના કહેવાય. આપણને તો 'હું શું છું' એ ડિસાઈડ થયું કે 'હું શુધ્ધાત્મા છું'. એટલે 'હું શુધ્ધાત્મા છું' તે અહંકાર ના ગણાય, કારણ કે પોતે પોતાનું જે સ્વરૂપ છે એ જ બોલીએ છીએ. પાછા ફરવાની રીત આ ! પ્રશ્નકર્તા : પણ એ 'શુધ્ધાત્મા, શુધ્ધાત્મા' કહેવાથી 'શુધ્ધાત્મા' થઈ જાય છે ? દાદાશ્રી : થઈ જ ગયો છે, આ 'જ્ઞાન' આપ્યું ત્યારથી શુધ્ધાત્મા પોતે થઈ ગયો છે જ. આ તો પહેલા રોંગ બીલિફ હતી, નહીં તો પોતે શુધ્ધાત્મા જ હતો. રોંગ બીલિફ કાઢી નાખી એટલે પોતે શુધ્ધાત્મા થઈ ગયો. હવે શુધ્ધાત્મા તો છે જ તો શું કરવા બોલ બોલ કરે છે ? બોલ બોલ એટલા માટે કરવાનું કે શુધ્ધાત્મા છે પણ તે તમને બીજો રંગ લાગી ગયો છે, તે ચૂકી જવાય છે. એટલે જેટલું અવળું ચાલ્યા હતા, એટલું સવળું ચાલવા માટે આ 'હું શુધ્ધાત્મા છું' બોલ બોલ કરવાનું છે. આપણે જેટલું અવળું ચાલ્યા, તે પાછું આવવું પડે કે ના આવવું પડે ?! તે આ પાછું આવીએ છીએ. મૂળ જગ્યા પર પાછા આવી ગયા એટલે પછી બોલવાની જરૂર નથી. પછી સહજ થઈ ગયું. અમે જે આત્મા જોયો છે એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા જોયેલો છે, નિરાલંબ. અવલંબન પણ નથી રહેતું ત્યારે કેવળ થાય છે. નહીં તો કેવળ એમ કેવળ થાય નહીં. નિરાલંબ થાય ત્યારે કેવળ થાય, જેને કેવળ આત્મા કહેવાય છે ત્યાં આગળ વાત પૂર્ણાહુતિ થાય છે. પહેલો મોક્ષ છેલ્લો મોક્ષ ! છતાં તમને છેલ્લે એવી દશા થશે. પણ આ તમને વીઝા મળી ગયો, આ જ મોક્ષ દશા ! આને મોટામાં મોટો, પહેલો મોક્ષ કહ્યો છે. પ્રશ્નકર્તા : ગાડીમાં બેસાડી દીધા ને, તમે ? દાદાશ્રી : બેસાડી દીધા જ નહીં, આ તો મોક્ષ થઈ જ ગયો. આ તો સહી-સીક્કા સાથે મોક્ષ થઈ ગયો. જો અમારી આજ્ઞા ફેરવો નહીં, તો એક જ અવતારમાં મોક્ષ છે. અત્યારે ય અહીં આગળ દુઃખનો અભાવ તો રહેવો જ જોઈએ. સાંસારિક દુઃખનો અભાવ એને પ્રથમ મોક્ષ કહેવામાં આવ્યો છે. અને અમારી આજ્ઞામાં રહે તો એનો મોક્ષ કોઈ લઈ લેનાર નથી. તમને સમજાઈ ગઈ છે ને એ વાત ?! તમે અમારી આજ્ઞા પાળતા પાળતા જશો એટલ નિરાલંબનું છેલ્લું સ્ટેશન આવીને ઊભું રહેશે. ત્યાં આગળ લખેલું હશે કે 'નિરાલંબ સ્ટેશન'! ત્યાં ઊતરી જજો. કર્તાપદ જ ન્હોય પોતાનું ! હવે 'ચંદુભાઈ' જે કંઈ કરે છે તેનો રિસ્પોન્સીબલ 'હું' નથી. 'હું શુધ્ધાત્મા છું' એ ખાતરી થઈ ગઈ એટલે સારું કરે તેનો ય ડાઘ નથી પડતો અને ખોટું કરે તેનો ય ડાઘ નથી પડતો. કર્તાપદ જ મારું ન્હોય, એ શુધ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. શુધ્ધાત્મા પોતે કોઈ ચીજનો કર્તા છે જ નહીં. અને તમે શુધ્ધાત્મા થયા છો. તમે ચંદુભાઈ હોત તો તમે ભ્રાંતિથી કર્તા હતા. ખરેખર કર્તા ન્હોતા. ભ્રાંતિમાં તો તમે કર્તા હતા તો તમારાથી 'શુધ્ધાત્મા છું' બોલાય જ નહીં ને ! કારણ કે ભ્રાંતિમાં અશુધ્ધ જ છે. લોકો કહે છે ને, કે 'મેં આ પાપ કર્યું ; આમ કર્યું.' એ તો ભ્રાંતિ છે. ખરેખર એ કરતો નથી. આ શુધ્ધાત્મા થયા પછી એ કર્તા રહેતો નથી. એટલે પાપ-પુણ્યનો પોતે કર્તા નહીં. એ વ્યવસ્થિત કર્તા છે. વ્યવસ્થિત કર્તા અને પોતે જોયા કરવાનું, જે ઉદય આવે તેને. પ્રતિક્રમણ : શુધ્ધાત્મા ! એટલે આ 'જ્ઞાન' લીધા પછી પહેલા જે ભ્રાંતિ હતી કે 'હું કરું છું' એ ભાન તૂટી ગયું. એટલે 'શુધ્ધ જ છું' એ ભાન રહેવા માટે શુધ્ધાત્મા કહ્યો. ગમે તેવું થાય કોઈને જોડે, ચંદુભાઈ ગાળો ભાંડી દે, તો ય તમે શુધ્ધ છો. પછી આપણે ચંદુભાઈને કહેવું જોઈએ કે 'ભઈ, આમને દુઃખ થાય એવું શું કરવા અતિક્રમણ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો.' એનું નામ શુધ્ધાત્મા ! શુધ્ધાત્મા, એ તો સાયન્ટિફીક શબ્દ છે. આ અવળું છે માટે તો તું 'શુધ્ધાત્મા' અવળાનો જાણકાર છે ને સવળાનો ય જાણકાર છે. એનું નામ શુધ્ધાત્મા, કશું અડે નહીં. અવળું-સવળું બેઉ અડે નહીં એનું નામ શુધ્ધાત્મા. ચંદુભાઈ કંઈ કરે તો ય તમે શુધ્ધાત્મા છો. માટે તમને અડે નહીં એ દ્રષ્ટિ માટે શુધ્ધાત્માનું તમારું સ્વરૂપ આપુ છું અત્યારે. એ શુધ્ધાત્મા સ્વરૂપની આગળ તો બહુ લાંબું છે. પણ આ અક્રમ વિજ્ઞાન પામી ગયા એટલે વાર નહિ લાગે. પાંચ આજ્ઞાનું બળ ! અમારી આજ્ઞાથી ચાલશે એટલે છૂટી જશે. આ આજ્ઞામાં એટલું બધું બળ છે કે ભગવાનના અડતાલીસે ય આગમ આ આજ્ઞામાં આવી ગયા છે. અમારી પાંચ આજ્ઞામાં તો ભગવાનનાં, તીર્થંકરોના અડતાલીસે ય આગમ આવી ગયા છે. પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞામાં ? દાદાશ્રી : હા, અડતાલીસ આગમ આવી જાય એવી આજ્ઞાઓ આપી છે. તે નિરંતર આરાધે છે. આજ્ઞા પાછી નિરંતર રાખવી જોઈએ. એક તલભાર ચૂકવી ના જોઈએ. અને એ જ મોક્ષ ! આજ્ઞાનું આરાધન એ જ મોક્ષ? કારણ કે કોની આજ્ઞા ? તીર્થંકરોનું જે જ્ઞાન એ જ્ઞાન જ્ઞાનીની મારફત નીકળેલું. અને જ્ઞાનીની આજ્ઞા એ મોક્ષ કહેવાય, જ્ઞાની તો, જેનામાં સહેજ પણ બુદ્ધિ હોય એ જ્ઞાની ના કહેવાય. બુદ્ધિ ના હોય એ જ્ઞાની કહેવાય. આ અગિયારમું આશ્ચર્ય ! કોઈ કાળે ના બન્યું હોય એવું આ કાળે બન્યું છે એ ય અજાયબી છે ને ! ને તેનો જો લાભ ના લેવાય તો અજાયબી (!) જ કહેવાય ને ? આ તો અગિયારમું આશ્ચર્ય છે, અને લાભ ના લેનારનું બારમું આશ્ચર્ય ! આ અગિયારમું આશ્ચર્ય છે, કોઈ કાળે બને નહીં એવું બન્યું છે. એક દહાડો આખું વર્લ્ડ અજાયબી પામશે. જ્ઞાની મળે તો એમની જોડે આખો દહાડો પડી રહેજે, એમને છોડીશ નહીં. રૂમે ય બદલવા ના જઈશ. 'જ્ઞાની' પાસે પડી રહેવું ! ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાસેથી સમકિત થયા પછી જ્ઞાની પુરુષની પાછળ પડજો. પ્રશ્નકર્તા : ક્યા અર્થમાં પાછળ પડવાનું ? દાદાશ્રી : ક્યા અર્થમાં એટલે, આ મળ્યા પછી બીજું આરાધન ના હોય. પણ એ તો અમે જાણીએ કે આ અક્રમ છે. આ લોકો પાર વગરની ફાઈલો લઈને આવેલા છે એટલે તમને ફાઈલોને માટે છૂટાં કર્યાં છે. પણ તેનો અર્થ એવો નહીં કે કામ થઈ ગયું. આજકાલ ફાઈલો પુષ્કળ છે તો તમને મારે ત્યાં રાખું તો તમારી ફાઈલો બોલાવવા આવે. એટલે છૂટ આપી કે ઘેર જજો ને ફાઈલોનો સમભાવે નિકાલ કરો. નહીં તો પછી જ્ઞાનીની પાસે જ પડી રહેવું જોઈએ. બાકી આપણાથી હવે લાભ નથી લેવાતો, એ તો નિરંતર રાત દહાડો ખૂંચ્યા કરવું જોઈએ, ભલે ફાઈલો છે અને એ તો જ્ઞાનીપુરુષે કહ્યું છે ને, આજ્ઞા કરી છે ને, કે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો, તે આજ્ઞા એ જ ધર્મ છે ને ? એ તો આપણો ધર્મ છે. પણ આ ખૂંચ્યા કરવું તો જોઈએ. સમભાવ ત્યાં વીતરાગતા ! પ્રશ્નકર્તા : સમભાવ જે કહેવા માગો છો એટલે રાગદ્વેષ વગર ? એ એક્ઝેક્ટલી શું કહેવા માગો છો ? દાદાશ્રી : સમભાવ એટલે વીતરાગતા જ કહેવાય એ. જ્ઞાયક તરીકે જ્ઞાયક સ્વભાવ હવે આપણે છોડવાનો નહીં. પોતાનો જ્ઞાયક સ્વભાવ છે, એ સ્વભાવમાં રહેવું. અને ફાઈલો આવે તેનો સમભાવે નિકાલ કરવાનો. રાગ થાય એવી ફાઈલો તો હોતી નથી, ઓછી હોય છે. પણ દ્વેષ થાય એવી ફાઈલો વધારે હોય છે. તે આપણે સમભાવે રહીએ એટલે દ્વેષ ના થાય એના તરફ. ગમતી ફાઈલ આવે તો મનમાં એમ થાય કે આ વધારે રહે તો સારું, અને ના ગમતી ફાઈલ આવે તો એ જાય તો સારું, એ બેઉને આપણે શું કહ્યું ? કે બેઉ ફાઈલનો સમભાવે નિકાલ કરો. 'સમભાવે નિકાલ !' આ દરેક શબ્દમાં બહુ માલ છે. મહીં તો બધો બહુ માલ છે. 'ભોગવે એની ભૂલ'માંય બહુ માલ છે. 'નિકાલી' શબ્દમાં માલ નથી ? 'ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો' આ આટલામાં બધાય શાસ્ત્રોનો સાર આવી ગયો. નહીં તો સમભાવ શબ્દ તો લોકોને બહુ ભારે પડી જાય ને ! પ્રશ્નકર્તા : અને દાદા, નિકાલી વ્યવહાર કરીને આપે કોઈને ઠેકાણે બેસવા ના દીધા. દાદાશ્રી : હા, બધી આ ભાંજગડ જ ! ફાઈલો છે બધી નિકાલી. ફાઈલોનો નિકાલ કરવાનો, ત્યાં શી ભાંજગડ ! સાહેબે તમને કહ્યું હોય કે 'આ બધી ફાઈલોનો નિકાલ કરી નાખો. કોઈની ચા ના પીશો ને કોઈની જોડે ગુસ્સે ના થશો.' તો તમે કરી નાખોને ? પ્રશ્નકર્તા : હા, એ તો કરી આપું. દાદાશ્રી : ત્યારે એવું જ આ. બીજું કશું છે નહીં. સમભાવે ફાઈલોનો નિકાલ કરી નાખવાનો. કોઈની ચા પીવાની નહીં, ગુસ્સે નહીં થવાનું. ચીકણી ફાઈલોનો નિકાલ પ્રશ્નકર્તા : ઘણીવાર એવો વિચાર આવે છે કે પૈસા જો હોય તો બધી ફાઈલોનો જલ્દી નિકાલ થાય. પણ એ વાત સાચી દેખાતી નથી. દાદાશ્રી : ના. આ તો આયે નિકાલ થાય. પણ આ જરા ચીકાશવાળું છે ને, એટલે જરા ધોવું પડે. કેટલીક જગ્યાએ તો સાબુ જ ડામરવાળો થઈ જાય. સાબુથી કપડું ધોવા જઈએ તો કપડું ડામરવાળું હોય તો સાબુ ડામરવાળો થઈ જાય. એટલે પાછો સાબુ સમો કરી આપવો પડે. આ ચીકણી પટ્ટી હોય ને, તે અહીં આગળ ચોટીં ગઈ હોય તો આપણે આમ ઊખાડવા જઈએ તો ધોતિયું ફાટી જાય માટે બહુ ચીકાશ હોય ત્યાં તો જરા વસમું પડી જાય ને ! મોળી ફાઈલ હોય તો બહુ સારું, આમ બોલતાંની સાથે છૂટી જાય. ત્યાં કશી ભાંજગડ નહી જ ને ! ચીકણી ફાઈલ તો બહુ વસમી. પ્રશ્નકર્તા : ચીકણી ફાઈલોનો સમભાવે નિકાલ બરોબર થતો નથી. દાદાશ્રી : આપણે નિકાલ કરવાનું નક્કી કરીએ એટલી જ આપણી ફરજ. પછી સામો ના કરે એ જુદી વાત છે. કારણ ચીકણું હોય તો જરા વાર લાગે. પ્રશ્નકર્તા : પણ આપણી ઇચ્છા તો સમભાવે નિકાલ કરવાની છે. પણ આપણે બરોબર નિકાલ કરી શકતા ના હોય તો ? દાદાશ્રી : બહુ ચીકણું કરેલું હોય ત્યારે જ આપણાથી નિકાલ ના થાય ને ! ઘરની ફાઈલો બહુ ચીકણી કહેવાય, ભારે ચીકણી કહેવાય. બહારની તો ઊકલી જાય. ઘરની તો ઘણા અવતારનું ભેગું કરેલું ને ! ઘરમાં તો બે ફાઈલોની જોડે તો બહુ જ ચીકણી હોય એનો નિકાલ થાય નહીં. આપણે મનમાં નક્કી રાખવાનું છે કે 'સમભાવે નિકાલ કરવો છે.' બહુજ ચીકણી હોય ત્યાં સમભાવે નિકાલ કરવા જઈએ ને, તો ઊલ્ટું વધારે સળગે એટલે મનમાં જ રાખવાનું કે આપણે સમભાવે નિકાલ કરવો છે. ત્યાં પડ ઘટતાં જાય જ આ 'સમભાવે નિકાલ કરું છું' એ આજ્ઞા જ પાળવાની જરૂર, થાય કે ના થાય એ ડિફરન્ટ મેટર. એ તો આજે નહીં થાય તો બે વરસે પાંચ વરસે પણ થઈ જવાનો. જેણે આ નક્કી કર્યું છે એને થઈ જવાનું. વધુ ચીકણું હોય તો વાર લાગે જરા. પ્રશ્નકર્તા : સામાને એનો કોઈ વ્યૂ પોઈન્ટ હોય તો ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સામાનું જોવાનું નહીં કશું. સામો ગમે તે કરે. પ્રશ્નકર્તા : જ્ઞાની વ્યક્તિ કહે એ પ્રમાણે આપણે તૈયાર થઈએ છતાં સમભાવે નિકાલ ના થાય તો ? દાદાશ્રી : એવું ના થાય તેનું આપણે જોવાનું નથી. આપણે સમભાવે નિકાલ કરવો જ છે, એવું રાખવું. અને સમભાવે ના નિકાલ કરે તો શું થાય પછી ! સમભાવે નિકાલ ના થાય એટલે તમે શું કરો પછી પ્રયત્ન ? પ્રશ્નકર્તા : પ્રયત્ન પછી કરવાનો જ ક્યાં રહ્યો ! દાદાશ્રી : એટલે ગૂંચવાડો ઊભો થાય આમાં. એનાં કરતાં આ સમભાવે નિકાલ થાય છે જ, એની મેળે થઈ રહ્યો છે. પણ ખબર ના પડે. સમભાવે નિકાલ કરો એક વખત એટલે એ થાય જ ! પણ એવું નથી. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, આવડી મોટી ગાંઠ હોય, ને ત્રીજું પડ ખસે. જેમ ડુંગળી ના પડ હોય ને, તે એક પડ જાય પણ ડુંગળી, ડુંગળી જ દેખાય તમને, કે આ કશું ફરતું નથી. પણ ના, એ પડ જાય છે જ. કોઈ ફાઈલ વાંકી હોય તો એનું બળ પણ જોર કરે ને ! પણ ફરી વાર કે નિકાલ થાય. પાંચ દસ વખતમાં ય નિકાલ થઈ જશે. નહીં તો ય એ ફાઈલનો આપણે સમભાવે નિકાલ કરવાનો. એવું નક્કી રાખવું. એ બિચારાને તો ભાન નથી તે આપણે ય એવું કરી નાખીએ કે 'સમભાવે નિકાલ નથી કરવો' તો પછી શું થાય ? આપણે આપણી સેફસાઈડ સાચવવી. ધેટ ઈઝ અવર સેફસાઈડ. નિરંતર એ ભાવ રાખવો પ્રશ્નકર્તા : બધી જ ફાઈલોનો સમભાવે નિકાલ થાય ખરો ? દાદાશ્રી : થાય જ ને, ત્યારે શું ? ત્યારે વિષમ કરવાનો છે ? ચાની ફાઈલ આવે છે તો સમભાવે નિકાલ કરો છો કે એકદમ રેડી દો છો ? ટાઢી થવા દો છો કે નહિ ? પ્રશ્નકર્તા : નાની નાની તો થાય છે. પણ મોટી ફાઈલોનો સમભાવે નિકાલ... દાદાશ્રી : એ મોટી હોય કે નાની હોય, પણ તમારે તો ફાઈલો જોડે સમભાવે નિકાલ કરવાનો. 'સમભાવે નિકાલ કરવો છે' એવું તમે નક્કી રાખો. પછી થયું કે ના થયું એ તમારે જોવાનું નહિ. તમે એમ કહી શકો કે 'દાદા, હું તો હરેક ટાઈમે સમભાવે નિકાલ કરવો છે એ શબ્દ રાખીને જ પછી કામ કરું છું.' પ્રશ્નકર્તા : એટલે ભાવ એવો રાખવાનો ? દાદાશ્રી : હા, નિરંતર એ ભાવ રાખવો. અને 'સમભાવે નિકાલ કરવો છે' એવો જો તમારો ભાવ હશે તો સામાને પરિણામ પામીને એનું મન ફરી જશે અને સંસારના લોકો તો કહે છે કે 'આજ તો મને ભેગો થાય એટલે મારવો છે એને.' પછી એની અસર પેલા પર થાય. આ મનની અસર છે. તેટલા માટે અમે આ વિજ્ઞાન આપીએ છીએ. આ બધું વૈજ્ઞાનિક રીતે અમે જોયેલું છે તે બધું આપેલું છે આ. અને આ 'સમભાવે નિકાલ કરવો' એ વૈજ્ઞાનિક ઢબ છે. આમ નક્કી જ કરવું પ્રશ્નકર્તા : તમે જે વાત કરી કે 'સમભાવે ફાઈલનો નિકાલ કરવો.' પરંતુ અમુક ફાઈલ પોતે જ કલેશાત્મા હોય છે અને સામેથી મારે; હાથ ઊગામે તો કેવું વર્તન કરવું ? દાદાશ્રી : અત્યાર સુધી શું કરતા હતા, ઊગામે તો ? પ્રશ્નકર્તા : ક્રોધ-ગુસ્સો કરતા હતા. દાદાશ્રી : એનાથી તરત બંધ થઈ જતું હતું ? પ્રશ્નકર્તા : ન્હોતું થતું. દાદાશ્રી : તો પછી શું થાય, તમે ક્રોધ કરો ત્યારે ? પ્રશ્નકર્તા : બન્ને સામસામે ક્રોધ થાય. પછી વધી જાય. દાદાશ્રી : વધી જાય ત્યારે પાડોશી છોડાવે ? પ્રશ્નકર્તા : એવું પણ થાય. દાદાશ્રી : હવે તમે તમારી મેળે તમારા મનમાં શંકા કર્યા વગર 'સમભાવે નિકાલ કરવો છે મારે' એમ તમે નક્કી કરજો ને ! પછી શું બને છે એ જોજો. પહેલા કરતાં ધીમે ધીમે ઓછું થતું જશે. જેમ આપણે અહીંથી બોલ નાખીએ, ત્રણ ફૂટ ઊંચેથી, એટલે બોલને કહીએ કે, 'હવે જો ઊંચો ના ચડીશ' તો ખોટું કહેવાય ને ? એનું રીએકશન તો આવે ને ? એટલે થોડીવાર ત્યાં જોશો નહીં. એટલે પછી બોલ બંધ પડી જશે. હવે તમે આ 'સમભાવે નિકાલ કરવો છે' એવું નક્કી કરીને અને એના શુધ્ધાત્માને તમે જોયા કરજો અને આ પ્રતિક્રમણનું હથિયાર, છે એ બહુ બોલજો. સમભાવે એટલે શું ? કે મનનું બહુ ચલણ નહીં રાખવાનું, અને મહીં શાંતિ રાખવાની, અને વખતે મનમાં કંઈ ઊંધો વિચાર આવ્યો તો આપણે ચંદુભાઈને કહેવાનું કે, ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. પેલો જાણતો ય નથી ને આપણને એને માટે આવા વિચાર વળી શું કરવા આવે છે ? એટલે આપણે ચંદુભાઈને કહીએ કે, 'આ તમે અતિક્રમણ કર્યું, તો હવે પ્રતિક્રમણ કરવાનું !' એટલે ડાઘ પડેલો ધોવાઈ જાય. બસ આ જ કામ કરવાના ! જ્યાં જઈએ ત્યાં ફાઈલનો નિકાલ કરવાનું યાદ રહે છે ને ? તો 'વ્યવસ્થિત' એ ક્યાં ભૂલી જવાય છે ? ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો તે ઘડીએ 'વ્યવસ્થિત' તો સમજાઈ જાય ને ? હવે ઉછળામણી ના થાય ને ? અહીં ઉછળામણી ના થાય ને, ત્યારથી જ કર્મ બંધાતા અટકી ગયા, ને જે પાછલા કર્મો લાવેલા હતા તે કર્મો તો નિર્જરી જવાના. જગતના લોકોને તો 'વ્યવસ્થિત' ના સમજાય એટલે શું કરે, કે કાગળ ઉપરેય દોષ કાઢે. નોકર કાગળ લઈને આવતો હોય ને, તો કહેશે 'કાળ જેવો !' આ બધી આત્મશક્તિ ?! પણ તે અવળી ફરી તો કેટલું બધું બાંધી લે ?! કેટલું બધું અવળું વિચારી લીધા પછી આ શબ્દો નીકળે કે 'કાળ જેવો આવ્યો.' હવે ઇન્કમટેક્ષના સાહેબે ય વીતરાગી, કાગળ લઈ આવનાર નોકરે ય વીતરાગી અને આપણા ઉદય એ કાગળ લઈ આવે છે. બાકી એ સાહેબને તો સંડાસ જવાની શક્તિ નથી. સમભાવે નિકાલ કરવાનો અને વ્યવસ્થિત છે. એનાથી બધી ફાઈલોનો ઉકેલ ! આ બે વાક્યો વ્યવહારને પૂર્ણાહુતિ આપે એવા છે. જેને કશું આવડતું નથી તે ય જીતી જાય છે. હવે આ જ કરી લેવાનું આપણું કામ. બહુ દહાડા ભટક ભટક કર્યા. અહીં સાસરા કર્યાં ને અહીં પીયર કર્યા, જ્યાં ને ત્યાં ભટક ભટક કર્યાં. હવે આ છેલ્લું સ્ટેશન આવ્યું તે આપણે આપણું કામ કાઢી લેવાનું. ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો અને આ કરી લેવાનું. બસ બે જ કરવાનું. ત્યાં 'જ્ઞાન' હાજર રાખવું પ્રશ્નકર્તા : બહુ બળતરા થઈ જાય ને, તે વખતે 'વ્યવસ્થિત' કહીને એ રીતે ય છૂટો થાય. પણ એક્ઝેક્ટ એ જો દેખાય ને, કે આ વ્યવસ્થિત કેવું છે ? તો પોતાને અડે નહીં. દાદાશ્રી : હા, નિર્લેપ રહી શકે. પ્રશ્નકર્તા : પણ એવું નથી થતું ને ? દાદાશ્રી : એ તો બરોબર સમજે તો જ કામ થાય. એ બરોબર પૂરું સમજવું પડે એને. એક્ઝેક્ટલી સમજવું પડે. તો જ નિર્લેપ રહી શકે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે સમજવાનું ? દાદાશ્રી : કેમ કેવી રીતે ? પ્યાલા ફૂટી ગયા એમાં આપણે તરત ના સમજીએ કે, 'ભાઈ, આ ફોડનાર કોણ ? શા માટે ?' બધું સમજાય ને ? અમને તો તરત સમજાઈ જાય. અને જગતનું જ્ઞાન ભ્રાંતિવાળું છે. તે કહે છે કે, 'ના, તેં જ ફોડ્યા.' નિમિત્તને બચકાં ભરે છે. આપણે નિમિત્તને બચકા ના ભરીએ. હવે તમારે ત્યાં પ્યાલા ફૂટે તો શું કરો છો ? આપણે કાચા પડીએ જ નહિ ને ! રસ્તામાં બહારવટિયા ભેગા થાય તો આપણું જ્ઞાન ઊભું થાય કે ફાઈલ ભેગી થઈ. બહારવટિયો એ ફાઈલ, વ્યવસ્થિતે બહારવટિયા ભેગા કરી આપ્યા. આપણી કરતાં પાંચ મિનિટ પહેલા નીકળ્યા તેમને બહારવટિયા ભેગા ના થયા, ને આપણને ભેગા થયા. કોણે ભેગા કર્યા ?! વ્યવસ્થિતે. હવે ભેગા થયાં તો શું કરવું ? સામા થવું ? ના. દાદાજીએ કહ્યું છે કે 'સમભાવે નિકાલ કરો. એ માગે છે એ આપી દો.' દેહ-ફાઈલ નંબર વન સમભાવે નિકાલ કરવો છે એમ નક્કી રાખવું. આ બધી ફાઈલો છે. આ દેહ એ પણ ફાઈલ નંબર વન છે. એને બહુ ભૂખ લાગી હોય ને, તો બહુ દબાય દબાય કરીએ તો ખોટું કહેવાય. એને થોડુંક ખવડાવી દઈએ હોટલમાં, કોઈ દહાડો ના ખાવાનો નિશ્ચાય હોય તો પણ હોટલમાં લઈ જઈને થોડું ખવડાવીને એનો ઊકેલ લાવવો પડે. અવસ્થાઓ માત્ર 'વ્યવસ્થિત' નિકાલી બાબત બધી મેં તમને કહેલી છે કે આ બાબત નિકાલી છે અને આ નિકાલી નથી, મેં એમે ય કહ્યું છે કે મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો ય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. મન-વચન-કાયાની કોઈપણ અવસ્થા કારણ કે ત્યાં કષાય હોતો નથી. પછી એ જલેબી ખાતો હોય તેનો વાંધો નથી. છતાં અમે ના કહ્યું છે કે આત્માને બેભાનપણું કરાવે એવી ચીજો ના અડવા દઈશ. જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી દારૂની પ્યાલીઓ ઠોક ઠોક કરે તો શું થાય ? એની અમે ના કહી છે. કે આનો હવે અંત લાવી દે, અને એ અંતનો રસ્તો હઉ બતાવી દઉં એને, અને છેવટે હું ફરી 'જ્ઞાન' આપીને એનું બધું ધોઈ આપું. અક્રમ માર્ગીની દિનચર્યા પ્રશ્નકર્તા : અક્રમમાર્ગનાં મહાત્માની દિનચર્યા કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : જેવો ભરેલો માલ છે એ નિકળ્યા કરે. પણ રાગદ્વેષ ના થાય. એ દિનચર્યા ! કો'કને ધોલ મારીને આવ્યો હોય તોય રાગદ્વેષ ના થાય, એવું હોવું જોઈએ. રાગદ્વેષ એ ડખલ છે. ડખલનો માલ તમારે ખપાવ્યા કરવાનો, દુકાન ખપાવી લેવાની. નવો માલ લાવવાનો નહીં ને જૂનો માલ ખપાવી દેવાનો. હા, ઘરાક તો આવવાના, એમાં કોઈ ફેરો નાલાયક માણસ મળે, તેની જોડે ઝઘડો કર્યા વગર ખપાવી દેવાનો. નાલાયક માણસ મળે ને, તે બેવડો માલ લઈ જાય ને પાછા હાથમાં પૈસાય ના આપે. એ પણ માલ ખપાવી દેવાનો છે. જેને વેપાર ચાલુ રાખવો છે તેને તો આપણે ખપાવી દેવું કહેવાય નહિને ! એ તો વેચતો જાય ને નવો માલ લાવતો ય જાય. એની તો દુકાન ચાલુ જ રહેવાની. અને તમારે દુકાન બંધ કરી દેવી છે ને ? બંધ કરવી છે તેને તો રસ્તો દેખાડ્યો છે કે ભઈ આવી રીતે માલ ખપાવી દેજો, પાંચ આજ્ઞામાં રહીને, એ લૂંટી જાય તો તમે લૂંટવા જશો નહીં. તમારે માલ ખપાવી દેવાનો છે. એને તો ધંધો ચાલુ રાખવો છે. ધંધો શરૂ રાખવાવાળો કરે કે ના કરે ? જેને ખપાવી જ દેવો છે તેને ધંધો ચાલુ રખાય નહીં. પ્રશ્નકર્તા : બધી જાતના ઘરાક આવે. દાદાશ્રી : ઘરાક તો એક જાતના ના આવે, દરેક જાતના આવે. આટલી વસ્તીમાં કઈ જાતનો ઘરાક ના મળે તમને ?! ઘરાક મળે તે ગપ્પું નથી. પણ એવું ભડકવા જેવું ય નથી કે ફલાણા ભાઈને ઘરાક મળ્યો એવો ઘરાક મને મળે તો શું થાય ? ના, પેલો તો એને જ લાયક હતો. હિસાબ છે બધા. હિસાબ વગર તો ઘરાકે ય ભેગો થતો નથી, હિસાબ વગર હોય તો તો બધાને ભડક જ રહે ને, કાલે સવારે શું થાય ? ના. કશું થવાનું નથી. હિસાબ છે એ જ થવાનું છે, અને એ જ વ્યવસ્થિત છે. હિસાબ નથી એ થવાનું નથી. આમાં પોતે રહેવું જ્ઞાનમાં ! પ્રશ્નકર્તા : રોજ ઉઠે ત્યારથી તે રાત સુધીમાં મહાત્માઓનો નિત્યક્રમ શું હોવો જોઈએ ? દાદાશ્રી : એ અહીં કોઈ કાયદો નથી. કાયદો હોય ત્યાં ગણવાનું હોય. અહીં તો 'નો લો-લો' હોવો જોઈએ, શું ? એ નિર્ણય આપણો કે આમ હોવું જોઈએ કે આ ન હોવું જોઈએ. પોતે રહેવું શુધ્ધાત્મા તરીકે પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધેલું હોય તેવાએ રાત્રે કઈ રીતે સૂઈ જવું ? એ સમજાવો. દાદાશ્રી : પોતે શુધ્ધાત્મા થઈ જઈ અને બીજી બધી વસ્તુઓને કહીએ કે, 'હવે અમે ઓફિસ બંધ કરી દઈએ છીએ. તમે સવારમાં આવજો, સાડા છ વાગે. હવે અત્યારે ઓફિસ બંધ છે.' જે જે વિચારો આવતા હોય તે બધાને કહી દેવાનું, ' આજે પહેલો દિવસ છે, એટલે રિકવેસ્ટ કરીએ છીએ કે, હવે તમે અત્યારે આવશો નહીં. નહીં તો તમારું અપમાન થશે માટે ફરી આવશો નહીં.' એટલે પછી બંધ થઈ જાય. 'જ્ઞાન' પછી અખંડ સમાધિ પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' પછી માણસની કામમાં એકાગ્રતા રહે ? દાદાશ્રી : આ 'જ્ઞાન' મળ્યા પછી તો આપણને જેવું રાખવું હોય તેવું રહે, ભગવાન મહાવીર જેવી સમાધિ રહે. આખો દહાડો રાખવી હોય તોય રહે. જેવું રાખતા ફાવે, જેટલી શક્તિ હોય તેટલી વાપરે. શક્તિ તો અનંત છે. પણ આ બહારની ઉપાધિ પાછી અડે ને ! સંસાર વ્યવહારમાં બધાં રહેલાને ! એટલે એકાગ્રતા તો કાયમ રહે. એકાગ્રતાનો સવાલ જ નથી. આ તો મુક્તિ જ આપીએ છીએ, પહેલો મોક્ષ આ અને પછી પેલો, દેહથી મુક્તિ થાય ત્યારે છેલ્લો મોક્ષ. ત્યારે જ્ઞાન વધારે પ્રકાશે પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' આપણને એકલાને હોય, આજુબાજુના વાતાવરણવાળાને આ 'જ્ઞાન' ના હોય તો સુમેળ કેવી રીતે રાખી શકાય ? દાદાશ્રી : વાતાવરણ તો આપણા હાથમાં ક્યાં છે ?! અહીં બેસો ત્યાં સુધી સારું વાતાવરણ છે. પણ આ જ્ઞાન કેવું છે કે ગમે તે વાતાવરણમાં પણ પ્રકાશ કરે એવું છે. ખરાબ વાતાવરણ હોય ને જ્યારે મારે ને, ગાળો ભાંડે ને, ત્યારે આ જ્ઞાન વધારે પ્રકાશ કરે. આમ નાટક ભજવવું 'લક્ષ્મીચંદ'ના નામથી પેલો નાટક ભજવે એવી રીતે તમારે આ ચંદુભાઈનું નાટક ભજવવાનું છે. હવે તેને બદલે 'તમે' જાતે જ 'એ' થઈ જાવ ત્યારે શું થાય તે ? આમાં તમે શુધ્ધાત્મા છો એની તમને ખબર હોય. શુધ્ધાત્મા પોતાનું સ્વરૂપ છે. આ અમે જ આખો દહાડો નાટક જ ભજવીએ છીએ ને ! સમાધિ જાય નહિ કોઈ દહાડો ય. ને ડ્રામામાં જુદા રહેવું ડ્રામેટિક રીતે રહેવું જોઈએ તેના બદલે સત્ય માન્યું. આ ડ્રામામાં છીએ એવું જાણીએ. આપણે આ ડ્રામા જોયા જ કરવો જોઈએ. આપણે જુદું રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ પોતાનો ડ્રામા જોવાતો નથી. દાદાશ્રી : એટલું જ ધીમે ધીમે ફીટ કરતાં કરતાં વાર લાગે ને ! પ્રતીતિમાં સો ટકા છે. ક્ષાયક પ્રતીતિ છે. પણ જ્ઞાનમાં નથી એટલે પરિણામમાં નથી આવ્યું. વ્યવહારથી છેટા રહીએ ને, ત્યારે વ્યવહાર જુદો રહે. એટલે આપણે વ્યવહાર જુદો કરવો પડે. આપણે ચંદુભાઈને કહેવું કે 'ચંદુભાઈ, આ તમારા મિત્ર આવ્યા. એમની જોડે વાતો કરો.' અગર તો ભાઈ આવ્યા હોય તો કહેવું કે, 'તમારા ભાઈ આવ્યા. હવે વાતો કરો, ટેસથી વાતો કરજો.' જેવી વાતો કરવી હોય તેવી, તાળી ને બધું ય દેવાય. એ કહે 'દે તાળી' તો કહીએ 'લે તાળી', કારણ કે ડ્રામા છે ને, આ તો. વ્યવહાર, વ્યવહારરૂપે રહ્યો જ્ઞાની શું સમજે ? કે બેબી પરણી તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી તે પણ વ્યવહાર. રીઅલ ન્હોય આ. એ બન્ને વ્યવહાર છે, રિલેટિવ છે. અને કોઈથી ફેરવી ના શકાય એવું છે પાછું. હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયો ને પાછળ માથાં ફોડે તે ડોકટરને બોલાવવા પડે. એટલે એ રાગદ્વેષને આઘીન છેને ! વ્યવહાર, વ્યવહાર સમજાયો નથી તેથી ને ! જેટલા રાગદ્વેષ ગયા એટલો વ્યવહાર ઉત્પન્ન થઈ ગયો. સંપૂર્ણ રાગદ્વેષ ગયા એટલો બધો વ્યવહાર વ્યવહારરૂપે રહ્યો, ડખલરહિત વ્યવહાર રહ્યો કહેવાય. આ લોકોને ધીમે ધીમે રાગદ્વેષ ઘટતા જાય છે ને અમુક અમુક બાબતમાં છૂટતા જાય છે. જેટલા રાગદ્વેષ છૂટે એટલો જ વ્યવહાર છૂટે ને ! એકદમ છૂટતો નથી આ ધીમે ધીમે, ધીમે ધીમે, અંશે અંશે છૂટે છે. એ સર્વાંશે થાય ત્યારે કેવળજ્ઞાન થાય. તમારો શુધ્ધ વ્યવહાર છે કે અશુધ્ધ, ખાવો પીવો છો તોય ? શુધ્ધ વ્યવહાર. કારણ કે તમારે ખાવાનું જ નહીં ને ? આપણો વ્યવહાર શું કહે છે ? આહારી આહાર કરે છે. એટલે બહુ સુંદર વિજ્ઞાન છેને, આપણું ! કાયમ નિજ-રમણતા ! અહીં વ્યવહાર કેવો ? નિરંતર આજ્ઞામાં જ રહેવાનું. બધાં માણસો નિરંતર અમારી આજ્ઞામાં જ રહે. એમાંથી થોડાં ઘણાં કાચા પડી જાય. પણ ત્યારે એમને 'દાદા' નિરંતર યાદ રહ્યા કરે તો ય બહુ થઈ ગયું ને ! નિરંતર 'દાદા' યાદ રહે પછી શું બાકી રહ્યું ! અમે પાંચ આજ્ઞા આપીએ છીએ એ પાંચ આજ્ઞામાં જ નિરંતર રહે અને પોતાના સ્વરૂપના ભાનમાં ! એટલે નિરંતર નિજરમણતા થઈ, પરરમણતા ખસી ગઈ. અનાદિકાળથી પરરમણતા હતી પણ તેને બદલે નિજરમણતા થઈ ગઈ. એનું નામ અક્રમવિજ્ઞાન ! પ્રશ્નકર્તા : ઉપયોગ આખો ફરી ગયો. દાદાશ્રી : હા, ફરી ગયો. ઉપયોગ શુધ્ધ થયો. શુભ ઉપયોગ હતો તેને બદલે શુધ્ધ ઉપયોગ થઈ ગયો. એવું આ અક્રમ વિજ્ઞાન આ તો અક્રમ વિજ્ઞાન છે, કલાકમાં મોક્ષ આપે એવું છે. અમારા કહ્યા પ્રમાણે ચાલે તે બધાને અહીં જ મોક્ષ રહે. ક્રોધ-માન-માયા-લોભે ય ના થાય, કશું થાય નહીં. પછી કશું જોઈએ ખરું ? સોળેય પ્રકારનાં ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં. એટલે આ અક્રમ વિજ્ઞાન, તરત મુક્તિ આપે એવું છે. આ વ્યવહારિક માર્ગ ન્હોય. આ સંસારમાં ચાલતો ક્રમિકમાર્ગે ન્હોય. આ તો અક્રમમાર્ગ છે. લિફ્ટમાર્ગ છે. ભરેલા પ્રાકૃત માલ દાદાશ્રી : સચ્ચિદાનંદ છે ને ? શુધ્ધાત્મા લક્ષમાં રહે છે ને ? પ્રશ્નકર્તા : આમ તો સચ્ચિદાનંદ છે બધું. શુધ્ધાત્મા નિરંતર લક્ષમાં રહે છે. પણ પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે. દાદાશ્રી : એ તો હોય ને ! જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ હોય ને ! એ માલ એકદમ નીકળે નહીં ને ! પ્રકૃતિ તો ભોગવ્યે જ છૂટકો થાય. પ્રકૃતિ એટલે આપણે ના ઈચ્છા હોય તોય કરવું પડે. મુખ્યપણું ભાવના જ પ્રશ્નકર્તા : પ્રકૃતિમાં જોઈએ એટલો ફેરફાર થતો નથી. એનું શું કારણ ? દાદાશ્રી : પ્રકૃતિનો ફેરફાર અમારે જોઈતો નથી. અમારે તો એની ભાવના શું છે, સો ટકા આજ્ઞા પાળવાની છે ને ? એટલું જ અમારે જોઈએ છે. બીજું અમે માગતા નથી. પાસ થયો કે નાપાસ થયો એ જોતા નથી. વાંચે છે ને ? એટલું જ અમે જોઈએ છીએ. પાસ-નાપાસ તો એ કોલેજવાળા વખતે નાપાસ કરી અને મોકલે તો અમે પાસ કરી નાખીશું. પ્રકૃતિ સ્વભાવ, ભરેલો માલ પ્રશ્નકર્તા : પણ સ્વભાવમાં ફેર તો પડવો જ જોઈએ ને ? દાદાશ્રી : હા, તે પડી જાય છે બધાને. આ 'જ્ઞાન' આપ્યા પછી તમારો જે બધો સ્વભાવ છે એ રિઝર્વોયરના પાણી જેવો છે. પાતાળી નથી. રિઝર્વોયર સમજાય છે તમને ? - કે ભઈ, હવે નવી મોટરો પેટ્રોલની નાખતા નથી. પણ જે આ જૂની મોટી ટાંકી છે, એ જેવડી મોટી ટાંકી હશે એ ટાંકી એટલી ખલાસ થઈ જશે. કોઈ કહેશે કે, 'આજ તો સો લોરીઓ ભરવા આવી' તે ઊલટું ઓછું થશે, તે વહેલું ખલાસ થઈ જશે. એમાં તું શું કામ ગભરાય છે ? અને આપણે તો માલ ખાલી જ કરવાનો હતો ને ! કોઈ કહેશે કે, 'આજ તો આમણે આવું કર્યું.' તે અલ્યા, એટલું ઓછું થઈ ગયું. મહીં માલ છે એટલું જ એ કરવાનો છે ને ? આ તો જેટલો ટાંકીમાં ભરેલો માલ છે એ જેટલું વધારે નીકળી જશે એટલું વહેલુ ખાલી થશે ને ઓછું નીકળશે એટલી ટાંકી મોડી ખાલી થશે. એ ક્રોધ કહેવાય નહીં પ્રશ્નકર્તા : પણ હજુ ક્રોધ આવે છે તેનું શું કરવું ? દાદાશ્રી : આ 'જ્ઞાન' પછી તમને ક્રોધ-માન-માયા-લોભ ગયેલાં જ છે. હવે કશું રહેતું જ નથી. પણ સમજવું જોઈએને, આ બધું. હવે જે ક્રોધ છે એની ડેફિનેશન હોય છે. શું ડેફિનેશન હોય ? કે ક્રોધ હંમેશાં ક્યારે કહેવાય કે એની પાછળ હિંસક ભાવ હોય અને તાંતો હોય. બે શબ્દ એની પાછળ હોય ત્યારે એ ક્રોધ કહેવાય. લોભ ક્યારે કહેવાય ? કે એની પાછળ હિંસકભાવ હોય અને તાંતો હોય. માન ક્યારે કહેવાય ? એની પાછળ હિંસકભાવ હોય ને તાંતો હોય. જગતને વ્યવહારમાં આ વ્યાખ્યા ના આવડે. પણ આધ્યાત્મિક રીતે એની વ્યાખ્યા છે. ક્રોધ-માન-માયા-લોભ પાછળ હિંસકભાવને લઈને એ ચારેવ ભાવ પ્રકાશ કરે છે. હિંસકભાવ અને તાંતો ઊડી જાય કે ચારેવ ભાવ ખલાસ થઈ જાય. કોઈ તમારું નુકસાન કરી ગયું હોય ને, તે વીસ વર્ષથી એ માણસ જોવામાં ના આવ્યો, સાંભરતો ના હોય, યાદે ય ના હોય. પણ સૂરતના સ્ટેશન પર ઊતરો ને એ દેખાય કે તરત પેલો તાંતો યાદ આવી જાય. એનું નામ તાંતો કહેવાય. રાત્રે વાઈફને ને તમારે ઝઘડો થયો હોય તો સવારમાં વાઈફ પાછા પ્યાલો ટચકો મારીને મૂકે. અરે, જો તમે કંઈ સળી કરી હોય ને, તો પંદર પંદર દહાડા સુધી બોલે નહીં. હવે 'જ્ઞાન' પછી તમારે હિંસકભાવ બિલકુલે ય ના હોય, તાંતો પણ ના હોય, એટલે એને ક્રોધ કહેવાય નહીં. એને ગુસ્સો કહેવાય. અને ગુસ્સો થઈ ગયો, અકળાઈ ઊઠયો, પણ એનો તાંતો ના રહે તમને, એટલે ઘડી પછી કશું જ નહીં. એટલે ગુસ્સો થઈ ગયો, પછી એ યાદ જ ન આવે, એની ઈફેક્ટ ભૂંસાઈ જાય. ગુસ્સાની પ્રત્યે અણગમો હવે ચંદુભાઈને ગુસ્સો થાય તે આપણને મહીં ગમે નહીં, એવું બને છે ? એવું અનુભવમાં આવે છે ? એ કોને નથી ગમતું ? પ્રશ્નકર્તા : શુધ્ધાત્માને. દાદાશ્રી : હા, એ શુધ્ધાત્મા ! શુધ્ધાત્માને ગમે નહીં. તમે શુધ્ધાત્મા થયા. તમને ગમતું નથી આ. આપણને અંદરથી ના ગમે. તમે જે છૂટા પડ્યા એને ગમતું નથી, અને હવે આ મહીં ગમે નહીં એટલે હિંસકભાવ રહ્યો નહીં. આ ડિસ્ચાર્જ ગુસ્સો છે. હવે છૂટા રહીએ છીએ એટલે પેલો ભરેલો માલ નીકળી જાય. જુદાપણાનો વ્યવહાર પ્રશ્નકર્તા : પછી પશ્ચાત્તાપ બહુ થાય. દાદાશ્રી : હા, થાય કે 'આવું ના હોવું જોઈએ.' તે આપણે પશ્ચાત્તાપ નહીં કરવાનો. તમે શુધ્ધાત્મા થયા. તમારે ચંદુભાઈને કહેવાનું કે 'પશ્ચાત્તાપ કરો. કેમ આમ કરો છો ?' આપણે ફાઈલ નંબર વનને ઠપકો આપવાનો. એનું પ્રતિક્રમણ કરાવવું આપણે ચંદુભાઈને એટલું કહેવું કે, 'ભઈ, કોઈને દુઃખ ના થયું હોય તો કંઈ નહીં. પણ દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરો.' આપણે જોયું હોય કે આ માણસને દુઃખ થયું તો પ્રતિક્રમણ કરાવી લેવાનું. એ મોક્ષનું પ્રત્યક્ષ કારણ પ્રશ્નકર્તા : કોઈ વખત એવો પ્રસંગ બને, કોઈ આપણને બે શબ્દ કહી ગયું હોય તો એ વખતે આપણને ક્ષણિક સફોકેશન થાય છે. દાદાશ્રી : એ થાય છે તે તો ઉત્તમ છે ને ! એ તપ છે. એમાં એ તપ કરો ને, તો એ આંતરિક તપ કહેવાય તે એની જરૂરિયાત છે. આ 'જ્ઞાન' છે એટલે મહીં કષાય થાય નહીં ને તપ તપવું પડે અને બીજાને તો પેલા કષાય થાય ને, એટલે મહીં તપ જ તપ્યા વગર તાપ બહાર નીકળી જાય. તમારે પેલો તાપ મહીં થયા કરે. હ્રદય લાલ લાલ થઈ જાય. તે ઘડીએ એ તપ વેદવાનું. એ અંતરતપ જેણે વેદ્યું એ મોક્ષનું પ્રત્યક્ષ કારણ ! આ આજ્ઞા પાળે છે નિરંતર, સમભાવે ફાઈલનો નિકાલ કરવો, એ મોટામાં મોટું અંતરતપ છે. આપણે સમભાવે નિકાલ કરીએ તે ઘડીએ તપ કરવું પડે. સમભાવે નિકાલ કરવો એના જેવું કોઈ તપ નથી. ચારેય પાયા આજ્ઞા મહીં આપણે ચારેવ પાયા આ પાંચ આજ્ઞામાં મૂક્યા છે. જ્ઞાનથી મોક્ષ થાય, દર્શનથી મોક્ષ થાય, ચારિત્રથી મોક્ષ થાય, ને તપથી મોક્ષ થાય, ચાર પાયા છે. એ ચારેવ પાયા આ પાંચ આજ્ઞામાં મૂકેલા છે. પ્રશ્નકર્તા : જે ડિસ્ચાર્જ છે બધું, એમાં ભાવશુધ્ધિ કેવી રીતે કરવી ? દાદાશ્રી : જાગૃતિ રાખવી જોઈએ કે આ બધી પરસત્તા છે. તેમાં હાથ નહીં ઘાલવો જોઈએ. અને કોઈની જોડે અથડામણ થાય તો આપણે માફી માગી લેવી જોઈએ. તે આપણે શુધ્ધાત્માએ માફી નહીં માગવાની, પણ આપણે ચંદુભાઈને કહેવાનું કે માફી માગીલો. આપણે તો કશું લેવાદેવા નહીં. આપણે બધાનાં ઉપરી. ચંદુભાઈ માફી માગે. જેણે ગુનો કર્યો એ માફી માગે. ગુનો જ ના કર્યો, તે કોની માફી માગે ? તો જ ચાર્જ થતું નથી હું એને પૂછું કે, 'ભઈ, તારી દ્રષ્ટિમાં મારું આપેલું જ્ઞાન શું શું છે ?' ત્યારે એ કહે, 'હું શુધ્ધાત્મા છું.' પછી હું પૂછું કે 'આ શું છે ?' ત્યારે એ કહે, 'આ રિલેટિવ છે.' એવું એની દ્રષ્ટિ હોય. પછી એને કહું કે 'કર્તા તું છે કે કોણ છે ? ત્યારે એ કહે, 'વ્યવસ્થિત કર્તા છે' તો હું કહું કે, 'તને ચાર્જ થતું નથી.' પ્રશ્નકર્તા : પણ આ બધું જે છે એ ડિસ્ચાર્જ ભાગ છે, આપણા હાથમાં કંઈ નથી એમ કહો છો તો આપણા હાથમાં શું ? આપણે કરવાનું શું ? દાદાશ્રી : પાંચ આજ્ઞા છે તે પાળવાની. પ્રશ્નકર્તા : બરોબર. એ સિવાય. દાદાશ્રી : બીજું કશું નથી. આ જ્ઞાન પછી નવું ચાર્જ થતું નથી અને ડિસ્ચાર્જ થયા જ કરવાનું. જેટલો સમય જાય છે, એટલો ડિસ્ચાર્જ થયા જ કરે છે. ફક્ત અમારી આજ્ઞામાં જ રહેવાની જરૂર છે. બીજું કશું નહીં. નિર્દોષ દેખાય આજ્ઞા ઉપયોગે આપણે શુધ્ધ ઉપયોગ રાખવો. અમારી આજ્ઞામાં રહે એટલે શુધ્ધ ઉપયોગ રહે એવું છે, નિરંતર શુકલ ધ્યાન રહે એવું છે. હું શુધ્ધાત્મા છું, અને દરેક જે છે એ પણ શુધ્ધાત્મા છે એવો ઉપયોગ રહેવો જોઈએ. ગુનો દેખાય છે તો શુધ્ધાત્મા જોતો નથી, અને શુધ્ધાત્મા જોઈએ તો ગુનો દેખાય નહીં. સમભાવે નિકાલ કર્યો તોય એ ઉપયોગ કહેવાય. ઉપયોગ વગર તો એકુય આજ્ઞા પળાય નહીં ને ! નહીં તો ઉપયોગ નકામો જાય કોઈને એમ કહો કે 'તે આ કેમ કર્યું ?' તો એ બોલતી વખતે આપણને મનમાં ખ્યાલ રહેવો જોઈએ કે 'એ શુધ્ધાત્મા છે ને આ આપણે એને-ફાઈલને વાત કરીએ છીએ.' એટલો ખ્યાલ રહેવો જોઈએ. એ ખ્યાલ ના હોય ને વખતે કહેવાઈ જાય તો એ અશુભ ઉપયોગ થયો કહેવાય. એટલે આમ જાગૃતિ તો છે જ, પણ પેલું જોયું નહીં એટલે ઉપયોગ નકામો ગયો ને ! એનું નામ શુધ્ધ ઉપયોગ પોતાની જાતને શુધ્ધ જોવી ને બીજાને શુધ્ધ જોવા, કોઈની અશુધ્ધિ દેખાય નહીં, તમને ગાળ ભાંડે તોય તમને એની અશુધ્ધિ ના દેખાય, એનું નામ શુધ્ધ ઉપયોગ. એનામાં શું જોઈએ ? કે એ શુધ્ધ આત્મા જ છે. બીજું દેખાવું ના જોઈએ. ગાળ ભાંડે તે ઘડીએ 'હું શુધ્ધ જ છું, પોતે શુધ્ધ આત્મા જ છે એ પણ જવું ના જોઈએ. એ ગાળ ભાંડે છે એ બધું આપણે જોયા કરવાનું ને જાણ્યા કરવાનું. આનું નામ શુધ્ધ ઉપયોગ. ઉપયોગ આમ ગોઠવાય એમાં ઉપયોગ કેવી રીતે રાખવાનો ? કે ચંદુભાઈ ત્રિમંત્રો બોલે, ને તમે એને જોયા કરો. એટલે શુધ્ધ ઉપયોગ સંપૂર્ણ આવી ગયો. કોઈપણ પૌદ્ગલિક ક્રિયા છે એ સારી હોય કે ખરાબ હોય, પણ બન્નેયને તમે જુઓ તો તમારો શુધ્ધ ઉપયોગ છે. બાકી નથી રાખ્યું કાંઈ હવે કશું બાકી રાખ્યું નથી, કોઈ એવી વસ્તુ બાકી નથી રાખી, પરમાણુ પણ બાકી રાખ્યું નથી, ફરી મનમાં પઝલ ઊભું થાય એવું રાખ્યું નથી. પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞામાં તમે તો જુદું જ પાડીને આપી દીધું છે ને ! પછી શું પઝલ રહે ?! દાદાશ્રી : આખા બ્રહ્માંડનું સત્ય પાંચ આજ્ઞામાં મૂકેલું છે. છતાં પૂછવાના વિચાર આવે છે એ પ્રકૃતિ છે અને એનો નિકાલ તો કરવો પડશે ને ?! ત્યારે છૂટે દેહાધ્યાસ તમે ચંદુભાઈ છો કે તમે શુધ્ધાત્મા છો ? એ તમારે તપાસ કરી લેવી. ગમે તે ટાઈમે તમને કોઈ પૂછે કે તમે ખરેખર શું છો ? તમે ચંદુભાઈ છો કે શુધ્ધાત્મા ? તે ઘડીએ તમે શું કહો ? પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા. દાદાશ્રી : તો તમારો દેહાધ્યાસ ગયો કહેવાય, અને બીજું ચંદુભાઈની ટપાલ તમે સ્વીકાર ના કરો. હવે તમે ચંદુભાઈની ટપાલ સ્વીકાર કરવાના ખરા, પણ એકાદ મિનિટ સ્વીકાર કરીને પણ પાછાં ફરી જવાના તમે, કે 'ભઈ, આ તો ચંદુભાઈની ટપાલ, મારી ન્હોય.' પણ મિનિટેય સ્વીકાર કરશો. કારણ કે કચાશ છે ને હજુ. પણ એય છૂટે ત્યારે દેહાધ્યાસ છૂટી ગયો કહેવાય. દેહ સાથે પાડોશી ધર્મ જ્યાં સુધી હું ચંદુભાઈ છું કહ્યું ત્યાં સુધી આ દેહ પોતાનો ઠર્યો, અને ચંદુભાઈ જેની જોડે પૈણ્યા તે સ્ત્રી યે પોતાની કરી, છોકરાં હોય તે ય આપણાં. જ્યાં સુધી તમે ચંદુભાઈ હતા ત્યાં સુધી એ બધું તમારું હતું. એટલે મમત્વ આખા વર્લ્ડમાં ફેલાઈ ગયું. અને 'હું શુધ્ધાત્મા' એટલે મમત્વ ઊડી ગયું. પછી રહ્યું જ નહીં એ ! તમે શુધ્ધાત્મા છો, તો આ તમારું ન્હોય. આ 'જ્ઞાન' મળ્યા પછી શરીરની કુટેવો છે એ તમારી ન્હોય, શરીરની સુટેવો એ તમારી ન્હોય, શરીરનો સ્વભાવ એ તમારો ન્હોય. આ બીજા જીવોનો ધર્મ સાચવીએ એવો આમની જોડેય પાડોશી તરીકે ધર્મ સાચવવાનો. બીજું મારું સ્વરૂપ ન્હોય જેને અશક્તિ લાગે, જેને કંઈ દુઃખ પડે તો એ આપણું સ્વરૂપ ન્હોય. જેને ઊંઘ ના આવે તે આપણું સ્વરૂપ ન્હોય. જે કંઈ પણ દુઃખ પડે એ આપણું સ્વરૂપ ન્હોય. આ જે દુઃખ થઈ જાય છે ને, તન્મયાકાર થઈ જાય છે, એ અહંકાર છે, પોતે નહીં. પોતે તો, એવું છેને, એક ફેરો આપણે દહીંને વલોવ્યું અને માખણ છાશથી જુદું પડી ગયું, પછી એ છાશમાં માખણ નાખીને ફરી વલોવીએ તો એકાકાર ના થાય. એટલે આ આત્મા જુદો પડ્યા પછી એકાકાર થાય નહીં. પણ પેલી ઘણા કાળની પહેલાંની અસર છે, તે અભ્યાસ જાય નહીં. એટલે હવે જે દુઃખ આપે એ મારું સ્વરૂપ ન્હોય એવું બોલ બોલ કરવું. એક અઠવાડિયા સુધી બોલો. તે પછી એ તમારાથી છૂટું થઈ જશે. કોઈ પણ વસ્તુ દુઃખ આવે તો 'મારું' સ્વરૂપ ન્હોય.' એમ આપણે બોલ બોલ કરવું. જાવ આવું અઠવાડિયું કરો. બધું દુઃખ બંધ થઈ જશે, છૂટું રહેશે. છતાં પેલો માલ તો કાઢવો પડશે ને ? માલ કંઈ જોડે ઓછો લઈ જવાય છે ત્યાં આગળ ? પાડોશીને દુઃખાવો, જાગૃતિથી જુદાઈ હવે શુધ્ધાત્મા થયા. ચંદુભાઈ જુદાને હું જુદો, એ દાદાએ જુદું જ્ઞાન આપ્યું. હવે ચંદુભાઈનું માથું દુઃખતું હોય તો આપણે કહીએ કે, 'ચંદુભાઈ બેસો, અમે તમારા પડોશમાં છીએ ને ! આ દુખાવો તો હમણે મટી જશે.' શુધ્ધાત્માનું બોલાવો, તે ચંદુભાઈની પાસે બોલાવડાવીએ. માથું દુઃખતું હોય તો આપણે કહેવા લાગીએ કે 'આ લોકોને માથે લોચ કરવા પડે છે, એવું તમારે કરવું પડતું નથી ને ! આ તો દુઃખે છે એટલું જ છે ને ?' દુઃખ થાય તે કોને થાય ! ફાઈલ નંબર વનને થાય. તે આપણે જાણીએ કે આ ફાઈલ નંબર વનને દુઃખ થાય છે. ચંદુભાઈનો ખભો થાબડવો જોઈએ કે 'અમે છીએ તમારી જોડે. તમે ગભરાવ છો શું કરવા ?' એટલે પ્રતિકૂળ સંજોગો ઊડી જાય છે. અને એક્ઝેક્ટ છે આ. આ ગપ્પું નથી. આવું કરાવવું જ પડે પછી ક્યારેક કોઈ ટૈડકાવે તો કહેવું કે, 'ચંદુભાઈ, તમારી કઈ ભૂલ હશે તેથી ટૈડકાવે છે.' તમને તો કોઈ ટૈડકાવે જ નહીં ને ! ચંદુભાઈની ભૂલ થાય. તમારી તો ભૂલ થાય નહીં ને ! અને ભૂલ થઈને ખેદ ના થાય તેય ખોટું. ખેદ તો થવો જ જોઈએ. તેને આપણે જાણ્યા કરીએ કે ચંદુભાઈ બહુ ખેદમાં છે. જેણે અવળું કર્યું તેનો ખેદ તો એને થવો જ જોઈએ. અને બહુ ખેદ થાય, ત્યારે પછી આપણે એને કહેવું કે, 'બહુ ખેદ ના કરશો. હવે જરા શાંતિ પકડો. અમે તમારી સાથે છીએ. ચાલો દાદા ભગવાનના દર્શન કરો.' જો કે આ બધું કરાવવું જ પડે ને ! કારણ કે આ તો અક્રમવિજ્ઞાન છે. સમજ્યો, આ વાતચીતનો વ્યવહાર આપણે જ્ઞાતા દ્રષ્ટા ! ચંદુભાઈ એનું કામ કરે, ચંદુભાઈને કહીએ કે 'તમે તમારું કર્યે જાવ. કામમાં જરા કચાશ ના કરશો.' એટલું જ કહેવાનું આપણે બીજું કશું કહેવાનું નહીં. વખતે ચંદુભાઈને જરા કારખાનું ને જવાબદારી તો ખરી જ ને ! 'ચંદુભાઈ જાવ, ઉઘરાણી કરી આવો.' પહેલા તો કોઈ કહેનાર નહોતું. આપણે હવે કહેનાર થયા. પછી ચંદુભાઈ કહેશે, 'આ તો ચાર ધક્કા ખાધા. કંઈ કામ થયું નથી.' ત્યારે આપણે કહીએ કે 'વ્યવસ્થિત છે માટે શાંતિથી સૂઈ જાવ. પછી કાલે જજો ફરીથી'. ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો. અને ઇન્કમટેક્ષવાળા કહે કે 'લાખ રૂપિયા તમારે ભરી જવા પડશે.' તો કાગળ આવે કે તરત જ 'વ્યવસ્થિત' કહી દેવું. અને 'વ્યવસ્થિત' કહીને નિરાંતે જમવું, તરત જ વ્યવસ્થિત કહી દેવાનું. વાર નહીં લગાડવાની અને કો'ક કહેશે કે, હમણે બોમ્બ પડવાના છે, તો ય તરત જ 'વ્યવસ્થિત' કહી બધુ કામ કરવું. નિરાંતે જમવા બેસવું. લોકો બહાર ભડક્યા કરે, આપણે નિરાંતે જમવા બેસવું. કારણ કે વ્યવસ્થિત છે. અહીં નજીક રહીને જતું રહે અને આ તો ભડકે તેની પર જ પડે. જોવું, ફરી એનું એજ ચંદુભાઈ શું કરે છે એને જોયા કરવાનું. ખરું ખોટું કરતા હોય, જે કરતા હોય, તેને લેવાદેવા નથી. ઘરમાં પૂછે કે 'તમારે ક્યારે નહાવું છે ?' ત્યારે કહીએ, 'તમને અનુકૂળ આવે તેમ કરીએ.' એટલે એવું બોલવાનું ખરું. પણ એમાં ચંદુભાઈ શું બોલે છે એ ય તમારે જોયા કરવાનું. એમાં શું અઘરું છે એટલું બધું ?! એક જ દહાડો પ્રેકિટસ પડી એટલે બધા દહાડાને માટે આવું જ છે. એક દહાડામાં જેટલી સીનસીનેરી હોય છે એટલી સીનસીનેરી રોજ હોય છે. એમાં ફેરફાર થતો નથી. સંડાસ જવાનું, ચા પીવાની, એનું એજ બીજે દહાડે, ફરી એનું એ જ. જ્ઞાયક સ્વભાવે, જોવી ફાઈલને પ્રશ્નકર્તા : અને ફાઈલ નંબર વનનું સતત નિરીક્ષણ કરવાથી અહંકાર રહિત થઈ શકાય ? દાદાશ્રી : એકલો અહંકાર રહિત જ ના થાય, પણ નિરંતર એવું જો રહે તો તો પરમાત્મા થાય ફાઈલનંબર વનનું મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી છે, ચિત્ત શું કરી રહ્યું છે, ક્યાં ભટકે છે, ભલેને ગમે ત્યાં ભટકતું હોય, પણ જોનારો એ એની જોડે એ પોતે તણાય નહીં, તો કશો વાંધો નથી. એક પુદ્ગલ જોયું ભગવાને મહાવીર ભગાવન શું કરતા હતા ? એમના પુદ્ગલને જ જોયા કરતા હતા. મહીં અંદર શું થઈ રહ્યું છે એ જ બધુ જોયા કરે, આમ આંખો મીંચીને અને તે એક જ પુદ્ગલ જોતા હતા. એક પુદ્ગલ જોયું એટલે શું ? આ પોતાનું જે પુદ્ગલ છે ને, એની મહીં મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી છે, ચિત્ત શું કરી રહ્યું છે, અંતઃકરણ શું કરી રહ્યું છે, હાથ શું કરી રહ્યા છે, પગ શું કરી રહ્યા છે, આંખો શું કરી છે, એ બધાને પોતે જ્ઞાયકભાવમાં રહી જ્ઞેયને અને દ્રશ્યોને જોયા કરતા હતા. ક્રોધ, માન, માયા, લોભ, 'અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે ! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે ક્યારે ય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. 'જગ્યા' છોડવાથી જ ડખો થાય. 'પોતાની જગ્યા' ના છોડવી જોઈએ. 'પોતાની જગ્યા' છોડવાથી નુકસાન કેટલું છે કે 'પોતાનું સુખ' અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ 'અમે' આપેલો આત્મા જરા ય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે, પ્રતીતિ રૂપે ! - જય સચ્ચિદાનંદ |
|---|