... તો વર્તે જુદાપણાંની જાગૃતિ ! જ્ઞાનીદશા, અશાતા ઉદયમાં ! પ્રશ્નકર્તા : વીતરાગ પુરુષોને શારીરિક દુઃખ આવે. દા.ત. આપને પગનું 'ફ્રેકચર' થયું તો એમાં પોતે કેવી રીતે રહે ? વેદના તો બધાંને થાય એવી જ થાયને ? દાદાશ્રી : એમણે સ્વામીપણાના દસ્તાવેજ છે તે ફાડી નાખેલા હોય. 'આ મન મારું છે' એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. 'બુદ્ધિ મારી છે, વાણી મારી છે' એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. વાણીને એ શું કહે 'ઓરિજિનલ ટેપ-રેકોર્ડર'. 'આ દેહે ય મારો છે' એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. એટલે પછી શું કહે, 'આ પબ્લિક ટ્રસ્ટ' છે. એટલે પછી એમને અત્યારે દાઢ દુખતી હોય તો અસર થાય. પણ તેને 'અમે' 'જાણીએ', વેદીએ નહીં. જ્યારે કોઈ મને ગાળો ભાંડે, અપમાન કરે, પૈસાની ખોટ જાય તેની અમને જરા ય અસર ના થાય. અમને માનસિક અસર બિલકુલ હોય નહીં. શરીરને લગતું હોય તો તે તેના ધર્મ મુજબ અસર બતાડે. પણ 'અમે' પોતે તેના 'જ્ઞાતાદ્રષ્ટા' જ હોઈએ. એટલે અમને દુઃખ અડે નહીં. પ્રશ્નકર્તા : આને વીતરાગ પુરુષનું તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય કહેવાય ? કે એકલી તટસ્થતા કહેવાય ? દાદાશ્રી : અમને તાદાત્મ્ય બિલકુલ ના હોય. અમને આ દેહ જોડે ય પાડોશી જેવો સંબંધ હોય, એટલે દેહને અસર થાય તો અમને કંઈ અડે નહીં. મન તો અમને આવું હોય જ નહીં. એ કેવું હોય ? ક્ષણે ક્ષણે ફર્યા જ કરે. એક જગ્યાએ સ્થિર ના હોય. પ્રશ્નકર્તા : એટલે કે પડોશીના દુઃખે પોતે દુઃખી ના થાય. દાદાશ્રી : કોઈના ય દુઃખે દુઃખી ના થાય. પોતાનો દુઃખનો સ્વભાવ જ નથી, ઊલટું એના સ્પર્શથી સામાને સુખ થઈ જાય ! આત્મસુખનું લક્ષણ ! દાદાશ્રી : સુખ આત્મામાંથી આવે છે કે પુદ્ગલમાંથી ? પ્રશ્નકર્તા : આત્મામાંથી. દાદાશ્રી : એ આત્માનું સુખ છે કે પુદ્ગલનું સુખ છે એ કેમ ખબર પડે? પ્રશ્નકર્તા : અતીન્દ્રિય અનુભવ હોય ને ? દાદાશ્રી : એ બધાંને ખબર ના હોય. આત્માના સુખનું લક્ષણ એટલે નિરાકુળતા રહેતી હોય. સહેજે આકુળતા-વ્યાકુળતા થાય તો જાણવું કે બીજી જગ્યાએ ઉપયોગ છે. માર્ગ ભૂલ્યા. બહારથી અકળાઈને આવ્યો નેે પંખો ફેરવે તે બહુ સરસ લાગે. એને શુધ્ધ ઉપયોગ ના કહેવાય. એને ય જાણવું જોઈએ. અશાતા વેદનીય હોય તેને ય જાણવું જોઈએ અને નિરાકુળતા ય રહેવી જોઈએ. બન્નેને જાણવું જોઈએ. શાતા વેદનીય જોડે એકાકાર થઈ જાય તે ભૂલ કહેવાય. વેદનીય ઉદયો - જ્ઞાનજાગૃતિ ! પ્રશ્નકર્તા : શાતા વેદનીયમાં મીઠાશ તો આવે ને ? દાદાશ્રી : મીઠાશ તો આવે, પણ મીઠાશને જાણવી જોઈએ. તે ઘડીએ જ્ઞાન હાજર રહેવું જોઈએ કે આ શાતા વેદનીય છે, ને આ નિરાકુળતા છે. અશાતા વેદનીય આવે તો અશાતા વેદનીય છે એવું જાણે. બાહ્યમાં અશાતા હોય ને અંતરમાં નિરાકુળતા હોય ! સુખી થવું, દુઃખી થવું એટલે ભોક્તા થવું. કર્તા ને ભોક્તા બધામાં કર્મ બંધાય અને જ્ઞાતામાં કર્મ ના બંધાય. આપણે જાણીએ કે અત્યારે 'ચંદુભાઈ'ને અશાતા વર્તે છે. સુખી કે દુઃખી થવાનો અર્થ શું છે ? આજે મરણ આવે કે પચીસ વરસ પછી આવે તેનો વાંધો નથી. પ્રશ્નકર્તા : મરણનો ભય નથી, પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી : દુઃખ શું ? પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ. દાદાશ્રી : એમાં બીક શું ? 'વ્યવસ્થિત' છે ને ? 'વ્યવસ્થિત'માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ? પછી એની બીક શું ? 'વ્યવસ્થિત' આપણે 'એકસેપ્ટ' કર્યું છે, પછી કોઈ દહાડો કશું અડે એવું નથી. કોઈ ભય રાખવા જેવો નથી. નિર્ભય થઈને ફરો. પ્રશ્નકર્તા : વેદનાનો ભય રહ્યા કરે. દાદાશ્રી : વેદના થવાની જ નથી, ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી તેને વેદના શી ? આ તો તમારો વણિકમાલ ભરેલો ને, તે એકદમ પોચો હોય. આ સફરજન ખાઈએ ને બીજું જામફળ ખાઈએ તો એ બેમાં ફેર નહીં ? જામફળ જરા કઠણ હોય ને સફરજન પોચું લાગે. એટલે તમારે 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'દાદા'એ કહ્યું છે : 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' કહ્યા પછી ભય શો ? પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું. તે જરા ય સહન થતું નહોતું. દાદાશ્રી : 'મને સહન થતું નથી.' એવું કહ્યું કે એ વળગ્યું ! પણ 'આપણે' તો કહીએ, 'ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓછું થઈ જશે.' પણ 'મને દુખ્યું' કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે ! પ્રશ્નકર્તા : શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે છે. દાદાશ્રી : તે 'ચંદુભાઈ'ને લાગે છે ને ? 'ચંદુભાઈ'ને 'આપણે' કહીએ કે ડીક્ષનરી હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરા ય અસર થાય તો કહેજો. પ્રશ્નકર્તા : કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું. દાદાશ્રી : તમારે મને પૂછવું. હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે ! અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુઃખે છે. કોઈ કહેશે કે 'કેમ, તમને શું થયું છે ?' ત્યારે કહેવું કે 'પાડોશીને માથું દુઃખે છે તે હું જાણું છું.' અને 'આ' પાડોશી છે એવી 'તમને' ખાતરી થઈ ગઈ છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય, તો આપણે કંઈ રડવા લાગવું ? પાડોશીને ત્યાં તો વઢવાડો થયા જ કરવાની અને બૈરી જોડે કોને વઢવાડ ના થાય ? 'આપણે' વગર પરણેલા, 'આપણે' શું કામ રડીએ ? પૈણેલો રડે. 'આપણે' પૈણ્યા નથી ! રાંડ્યા નથી ! 'આપણે' શું કામ રડીએ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ કે, ભઈ, રડશો નહીં. અમે છીએ તમારી જોડે. 'ડોન્ટ વરી, ગભરાશો નહીં.' એમ કહીએ. પ્રકૃતિની પજવણી સામે ... આ વણિકમાલ તે આવતાં પહેલાં ભડકે. 'આપણે' તો ચંદુભાઈને કહેવાનું કે, 'તમને કશું જ થવાનું નથી.' મહીં એવો વિચાર આવશે કે પેલા ભાઈને ચલાતું નથી, તે આપણને ય એવું થઈ જશે તો ? એવા વિચારો આવે તો આપણે કહેવું, 'ચંદુભાઈ, અમે બેઠા છીએ ને ! કશું જ થવાનું નથી.' 'આપણે' જુદાપણાના વ્યવહારથી બોલોને. આ તો સાયન્સ છે. 'મને થયું' કહ્યું કે ભૂત વળગે. જગતને તેથી ભૂતાં વળગ્યાં છેને બધાં ! પોતે પરમાત્મા... પછી શેને માટે આ બધું હોય ? પરમાત્મપણાની શક્તિ થોડી તમને દેખાઈ છે કે નહીં ? તમને 'પરમાત્મા છો' એવું ભાન, એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પછી શો વાંધો છે ? જેને થોડી શક્તિ ઉત્પન્ન થઈ તેને સર્વ શક્તિ છે એ નક્કી થઈ ગયું. તમને કોઈ અપમાન કરે તો પરિણામ બદલાય નહીં, એટલે જાણો કે ઓહોહો ! આટલી બધી શક્તિ !!! તે હજુ થોડીક જ નીકળી છે. હજી તો નીકળશે. અનંત શક્તિઓનો ધીમે ધીમે અનુભવ થશે ! આ 'એ. એમ. પટેલ' એ માણસ જ છે ને ? તમારા જેવા એ નથી ? માણસને બધું હોય. શું ના હોય ? પણ અમે તો દુઃખ આવતાં પહેલાં જ આધાર આપીએ, 'અમે છીએ ને પછી તમારે શો વાંધો છે ?' અમે તો પાડોશીના પાડોશીને ય કહીએ કે 'અમે છીએ ને તમારી જોડે !' ભગવાન છે ત્યાં આગળ શી ખોટ હોય ? આપણે જુદાપણાથી બોલો તો ખરાં. ક્ષત્રિયોની જેમ હિંમત રાખવી. અત્યાર સુધી તમે નિરાધાર હતા. શાસ્ત્રકારોએ એને અનાથ કહ્યું. તે હવે તમે સનાથ થયા. હવે તમે આમ આધાર ના આપશો કે મને થયું. આમ આધાર આપશો તો એ દુઃખ પડી નહીં જાય. મને માથું દુખ્યું એ આધાર તમે આપો તો વસ્તુ પડી જાય કે રહે ? પ્રશ્નકર્તા : રહે. દાદાશ્રી : આધાર આપો તો રહે. આખું સાયન્સ જ છે. એનો ઉપયોગ કરતાં આવડ્યો તો કામ થઈ જશે. સહેજ ચૂકશો તો એની અસર થશે. બીજું કશું નુકશાન નહીં થાય, પણ તમને અસર ભોગવવી પડશે. પ્રશ્નકર્તા : એવા ભાવે અશાતાભાવે નિર્જરા થાય ને ? દાદાશ્રી : તે નિર્જરા જ થવા માટે આવ્યું છે, પણ એવું છે ને કે એટલું આપણું સુખ આવતું બંધ થઈ ગયું ને ? આપણા સુખનું વેદન બંધ થઈ જાય. અશાતા વેદનીયનો વાંધો નહીં. એની તો નિર્જરા જ થાય. રીત બદલો - વેદનની ! માટે હવે તમે રીત બદલો તો વેદના ઓછી થશે, તેમ તેમ સુખ અંદરથી વધારે આવશે. કેમ કે બહાર ગૂંચવાય તો અંદરથી સુખ આવતું ઓછું થાય. તમારે 'ચંદુભાઈ'ને અરીસા સામે દેખાડવું, આમ હાથ-બાથ ફેરવીને કહેવું, 'અમે છીએ ને તમે છો. બે છીએ એ તો નક્કી છે ને ? એમાં બનાવટ નથી ને ?' પ્રશ્નકર્તા : ના, બે જ છે. દાદાશ્રી : આ 'પાડોશી' કંઈ જાણતા નથી, એ વાતે ય નક્કી છેને ? અને આપણે જાણકાર છીએ. પાડોશીને કંઈ ખબર નથી કે માથું દુખ્યું. ખબર આપણને છે. એટલે આપણે કહેવું કે 'માથું દુખ્યું તે અમે જાણીએ છીએ. તે હમણાં ઊતરી જશે. શાંતિ રાખો !' પછી ખભો થાબડી આપવો. પાડોશીને તો આપણે સાચવવું જ જોઈએ ને ? અને વેઢમી (પુરણપૂરી) સારી હોય, ચોખ્ખું ઘી હોય તો બે ખવડાવી પણ દેવી ! 'ખાઈને સૂઈ જાવ' કહીએ. પાડાને વાંકે પખાલીને ડામ શા માટે ? પ્રશ્નકર્તા : પાડો કોણ આમાં ? દાદાશ્રી : બધો મનનો દોષ છે આમાં. મનની ચંચળતાને લીધે પેટને બિચારાને ભૂખે મરવું પડે. મન પાડો છે આમાં. પેટ પખાલી છે. દોષ મનનો છે ને લોક પેટને ડામ દે છે. ભજિયાં જલેબી દેખે એટલે મન 'આઉટ ઓફ કંટ્રોલ' થાય. એટલે પેટમાં આફરો થાય. પછી બીજે દહાડે તબિયત બગડે એટલે પાછો ઉપવાસ કરવો પડે. પછી ધર્મને નામે ઉપવાસ કરે કે ગમે તે નામે, પણ ઉપવાસ તો કરવો પડે ને ! સમ્યક્ તપ ! ભગવાને ઊણોદરી તપ કેવું સરસ બતાડ્યું છે ! બે ભાગ ખોરાક, એક ભાગ પાણીનો ને એક ભાગ હવાનો. એવું ચાર ભાગ પાડીને જમી લેવું. ભગવાને જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ નથી કહ્યું, ચાર કહ્યાં છે. ચોથું તપ કહ્યું. મોક્ષના ચાર પાયા છે. તે ક્રમિકમાં ય ચાર પાયા છે ને અહીં 'અક્રમ'માં પણ ચાર પાયા છે. તપ કયું ? જ્યારે વેદના થતી હોય. આ તમારે માથું દુખવું એ વેદના. ખરેખર એ વેદના જ ગણાય નહીં. એ તો જાણ્યા જ કરે, પણ બીજી વેદના એવી કે આમ હાથ કાપતા હોય, ઘસી ઘસીને કાપતા હોય એવા સંયોગોમાં આવ્યા હોઈએ ત્યારે તેને વેદના કહેવાય. તે ઘડીએ તપ કરવાનું છે. ભગવાને કહ્યું કે શું તપ ? તું 'હોમ ડિપાર્ટમેન્ટ'માં છે. સ્વપરિણતીમાં છે તે પરપરિણતી ઉત્પન્ન ના થાય, એ તપ કરવાનું છે. આ પરપરિણામ છે અને આ મારાં પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું, એનું નામ તપ. આવું તપ ગજસુકુમારે કરેલું. તે શુધ્ધાત્માના ધ્યાનમાં હતા ત્યારે એમના સસરાએ એમને માથે માટીની સગડી કરી નિરાંતે અંગારા ભર્યા. તેમણે જોયું કે ઓહોહો ! આ સસરાજી તો મોક્ષની પાઘડી બંધાવે છે. તે શુધ્ધાત્માના ધ્યાનમાં શ્રેણીઓ ચઢતાં ચઢતાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા ! મોક્ષનો માર્ગ છે શૂરાનો ... આ શરીરને આપણે કહેવું કે 'હે શરીર! હે મન ! હે વાણી ! તમને જ્યારે ત્યારે લોક બાળશે. તેના કરતાં અમે જ બાળી મૂકીએ તો શું ખોટું ? માટે ક્ષત્રિય થઈ જાવ. જે સ્વરૂપ આપણું નથી ત્યાં શી પીડા ? જે સ્વરૂપ આપણું નથી, એવું 'જ્ઞાની પુરુષે' તમને કહ્યું, તે તમને બુદ્ધિથી સમજાયું પછી શી પીડા ? તમારું એકનું એક મકાન હોય, તે તોડવાનું ગમે નહીં. પણ દેવું થઈ ગયું હોય એટલે વેચી નાખો. તેના દસ્તાવેજ પણ થઈ ગયા હોય, પછી તે ઘર તૂટે ને તમે બૂમો પાડો કે 'આ ઘર મારું, આ ઘર મારું' તો તે કેવું ખરાબ લાગે! પ્રશ્નકર્તા : શબ્દમાં કહેવામાં વાંધો નથી આવતો, પણ જ્યારે વેદનીય હાજર થાય છે ત્યારે એનો પરચો બતાવે છે. દાદાશ્રી : વેદનીય તો તમને શી થઈ છે ? વેદનીય તો જ્યારે પક્ષાઘાત થાય ત્યારે વેદનીય કહેવાય. આને વેદનીય કેમ કહેવાય ? પેટમાં દુખ્યું, માથું દુખ્યું કે સણકા થયા એને વેદનીય કેમ કહેવાય ! એક આપણા મહાત્માને પક્ષાઘાત થયેલો. તે કહે કે ''દાદા, આ 'ચંદુલાલ'ને બધાં જોવા આવે છે, તેમને 'હું' પણ જોઉં છું !'' પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય, અનંત સ્વરૂપનું વેદન ના હોય ત્યાં સુધી બીજું કંઈ ને કંઈ તો વેદન હોય ને ? જેમ કે શાતા-અશાતા ! દાદાશ્રી : એવું છે ને કે વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે એને, વેદે નહીં. પણ આ વેદના મને થઈ કહે તો વેદે અને આ સહન થતી નથી એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. 'આ સહન થતી નથી' એમ તો બોલાય જ નહીં. આ પગ તૂટતો હોય તો બીજાને ય કહીએ કે 'તું પણ તૂટ'. નાદારી જ કાઢવી. હવે મોક્ષમાર્ગ હાથમાં આવ્યો છે એટલે જરાક હિંમત દાખવવી પડશે. 'જૂ'ઓ પડવાથી ધોતિયું શાનું કાઢી નંખાય ? એન તો વેણી નાખવાની. કોઈ કષાયી વાણી બોલે તમારી જોડે તો તે તમારાથી સહન થાય કે ? પ્રશ્નકર્તા : એ બોલનારો તો જરા દૂર છે, એટલે બહુ ના લાગે. દાદાશ્રી : સામાન્ય રીતે આ મનુષ્યનો સ્વભાવ કેવો હોય ? પેલું શારીરિક દુઃખ સહન કરે, પણ કષાયી વાણી સહન ના કરે ! માની બેઠાં છે કે આ મને... હવે એટલું અડેલું ય નથી ત્યાં આગળ. ખાલી સ્પર્શ જ છે. ખાલી આત્માનો ને પુદ્ગલનો બેનો સ્પર્શ થાય છે. એકાકાર કોઈ દહાડો થયું નથી. હવે આત્માનો એવો ગુણ છે કે બોલતાંની સાથે જ જેવું બોલે તેવી અસર થઈ જાય. માટે ક્ષત્રિયપણું વાપરવું પડે. થોડો વખત અમારા ટચમાં રહેવું પડે. આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું ચિંતવે એવો તરત જ થઈ જાય. સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો તેવું થઈ જાય. એટલે બહુ જાગૃત રહેવાનું છે. આમાં બીજી કોઈ ચિંતવના ના થાય. જેમ કે, 'મારું માથું દુખ્યું !' પ્રશ્નકર્તા : ચિંતવના થતી નથી, પણ હવામાન બગડી જાય છે. દાદાશ્રી : હવામાનની અસર થાય, પણ આપણાથી બોલાય નહીં કે 'મને દુખ્યું.' આપણે તો એમ કહેવું પડે કે 'ચંદુભાઈ'ને માથું દુઃખે છે. આ તો ખાલી ભડક છે. એક માણસથી કડવી દવા ન્હોતી પીવાતી. તે મેં તેના દેખતાં ચા ને ભાખરી ખાઈએ તેમ કડવી દવા ને ભાખરી નિરાંતે ખાધી. તે પેલો માણસ તો ભડકી ગયો કે આ તો તમે ચાની જેમ ખાવ છો. અલ્યા, ચાની જેમ જ પીવાય. આ તો તને ખાલી ભડકાટ પેસી ગયો છે. ત્યાર પછી એ રીતે એ માણસ કડવી દવા પીતો થઈ ગયો. સામો દેખાડતો હોય તો થઈ શકે એમ છે. કોઈ દેખાડનાર જોઈએ. એક ફેરો હું અગ્નિમાં આંગળી ધરીને બતાવું તો તમે હઉં ધરો. દેખાડનાર જોઈએ. આત્માને કશું અડતું ય નથી ને નડતું ય નથી, માટે તે રૂપે રહેવું. નિર્લેપ, અસંગ. અગ્નિનો ય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો. અને પરભાવમાં પરપરિણતી ઉત્પન્ન ના થાય એ જોયા કરવાનું. પરપરિણતી કોને કહેવાય છે ? પરપરિણામને પોતાનાં પરિણામ માને એનું નામ પરપરિણતી. માથું દુઃખે છે એ પરપરિણામ કહેવાય અને તેને 'મને દુખ્યું છે' એમ કહ્યું, એને પરપરિણતી કહી. જેણે સ્વપરણિતી, સ્વપરિણામ જોયાં નથી તે પરપરિણતી સિવાય બીજું શું જુએ ? 'સ્વ' તો સમકિત થયા પછી હાથમાં આવે. 'સ્વ' હાથમાં હોય તો ક્રોધ-માન-માયા-લોભની દશા મડદાલ થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ એ કષાયો કહેવાય. મોક્ષ જોઈતો હોય તો શિર સાથે ખેલ છે. શૂરવીરતા એટલે શૂરવીરતા ! ઉપરથી એટમબોંબ પડે, પણ પેટમાં પાણી ના હાલે એનું નામ શૂરવીરતા. અને જો તમે શુધ્ધાત્મા સ્વરૂપ છો, મેં જે સ્વરૂપ તમને આપ્યું છે તે સ્વરૂપમાં છો તો પાણી ય અડે તેમ નથી. તમે હવે નિઃશંક થયા. હવે આજ્ઞામાં રહો ને ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે. કાન કાપી લે તો ભલે કાપી લે. પુદ્ગલ આપી દેવાનું છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો 'વ્યવસ્થિત'નો ટાઈમ હશે તે દહાડે જશે. માટે જ્યારે લેવું હોય ત્યારે લઈ લો એમ કહેવું. ભય રાખવાનો નહીં. કોઈ લેનાર નથી. કોઈ નવરું ય નથી. આપણે કહીએ કે લઈ લો તો કોઈ લેનારું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાઓ કહીએ. પ્રશ્નકર્તા : બહારની ફાઈલો એટલી બધી હેરાન નથી કરતી. પણ અંદરની શાતા-અશાતામાં એકાકાર થવાય છે. દાદાશ્રી : શાતા-અશાતાને તો બાજુએ જ મૂકી દેવાનું. શાતામાં પ્રમાદ થઈ જાય, ને અશાતામાં જાગૃતિ રહે. બાકી શાતા-અશાતાની તો બહુ પરવા રાખવી નહીં. અશાતા આવે, હાથમાં લ્હાય બળતી હોય તો આપણે કહેવું કે ''હે હાથ ! 'વ્યવસ્થિત'માં હો તો બળો કે સાજો રહો.'' એટલે લ્હાય બળતી હોય તો બંધ થઈ જાય; કારણ કે આપણે બાળી મૂકવાની વાત કરીએ પછી શું થાય ? પંપાળવાનું તો ક્યારેય હોય નહીં. આ પુદ્ગલ છે. 'વ્યવસ્થિત'ના તાબે છે. એની અશાતા વેદનીય જેટલી આવતી હોય તેટલી આવો. શૂરાતન તો જોઈશેને ? અને નહીં તો ય રડી રડીને ભોગવવું, એનાં કરતાં હસીને ભોગવવું શું ખોટું ? તેથી તો કહ્યું છે ને, ''જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.'' અડધો પગ તૂટી ગયો તો આપણે કહીએ, 'ચાલો દોઢ તો રહ્યો ને !' ફરી અડધો જતો રહે, ત્યારે આપણે એમ કહીએ કે બેને બદલે એક તો રહ્યો ને ? આમ કરતાં છેવટે બધા પાર્ટસ તૂટી પડે ત્યારે છેવટે આત્મા તો છીએ ને ? છેવટે તો બધા પાર્ટસ તૂટી જ પડવાના છે ને ? પેટ્રોલ છાંટીને ભડકો કરો તો ય અમે આત્મસ્વરૂપ છીએ ! જ્યારે ત્યારે ભડકો થવાનો જ છે ને ! નથી થવાનો ?! થોડોક અભ્યાસ જ કરવાની જરૂર છે. ઉઘાડે પગે મહારાજ કેમ કરીને ચાલે છે ? ખેડૂતો કેમ કરીને ચાલે છે ? બે-ચાર વખત આપણે દઝાઈએ એટલે બધું રાગે પડી જાય. બાકી એક ટીકડીથી વેદના બેસી જાય તેને વેદના જ કેવી કહેવાય ? સો-સો ટીકડીઓ ખાય તો ય વેદના ના શમે એનું નામ વેદના કહેવાય. હવે તો અપના કુછ નહીં. 'જ્ઞાની પુરુષ'ને બધું વોસરાવી દીધું. મન-વચન-કાયા ને સર્વ માયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધું જ વોસરાવી દીધું. પછી તમારી પાસે કશું જ બાકી નથી રહેતું. મહાવીરનું વેદન-સ્વસંવેદન ! પ્રશ્નકર્તા : ''જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ.'' તો જ્ઞાની પણ વેદે તો ખરાં ને ? દાદાશ્રી : વેદના તો જાય જ નહીં ને ! પણ એ વેદના ધૈર્યથી વેદે-સહુ સહુના ગજા પ્રમાણે ધૈર્ય હોય. જો કે મહાવીર ભગવાન કેવળ જાણતા જ હતા. એક માંકણ એમને કરડે તો તેને પોતે જાણે એકલું જ, વેદે નહીં. જેટલો અજ્ઞાન ભાગ છે એટલું વેદે. તમે શ્રદ્ધાએ કરીને શુધ્ધાત્મા થયા છો, હજી જ્ઞાને કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે. ત્યાં સુધી વેદવાનું ખરું. વેદવામાં તો અમે તમને કહીએ છીએ ને કે આઘું બેસવું, આપણા 'હોમ ડિપાર્ટમેન્ટમાં !' જરા ય આઘુંપાછું કરવું નહીં, ગમે તેટલી ઘંટડીઓ મારે, તો ય 'હોમ ડિપાર્ટમેન્ટ' છોડવું નહીં. છોને ઘંટડીઓ મારે ! બારસો ઘંટડીઓ મારે તો ય આપણે શું કામ આપણી 'ઑફિસ' છોડવી ?!!! શાતા વેદનીય ને અશાતા વેદનીય તો તીર્થંકરોને પણ આવે, પણ એ જ્ઞાને કરીને, કેવળ જ્ઞાને કરીને જાણે. મન જો ડિસ્ચાર્જ ના કરીએ તો એ પાછું જોડે આવે, માલસામાન સાથે આવે. એના કરતાં ખાલી થઈ જવા દો ને. એક નિયમ એવો છે કે એ ખાલી થઈ જ જાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર ભેગાં થાય એટલે એ ખાલી થઈ જ જાય, કાયદેસર રીતે. આત્મા પરમસુખી છે. અશાતા દેહ આપે, મન આપે, વાણી આપે. કોઈ કશું કહી જાય તો ય અશાતા વેદનીય થાય. પ્રશ્નકર્તા : દેહની વેદનીય હોય ત્યારે ચિત્ત તેમાં વધારે જતું રહે. દાદાશ્રી : હા. ચિત્ત ત્યાંનું ત્યાં જ ભમ્યા કરે. આપણે એને કહીએ કે બહાર જરા ફરવા જા, તો ય ના જાય. ઘરમાં ને ઘરમાં જ રહે. પ્રશ્નકર્તા : એનાથી ફરી બંધ ના પડે ? દાદાશ્રી : ના. વેદના ભોગવી લેવાની. ભોગવ્યે જ છૂટકો. બંધ તો કર્તા થાય ત્યારે પડે. કર્તા મીટે તો છૂટે કર્મ. નિર્જરાને જોયા કરો ! નિર્જરા થાય ત્યારે કોઈ વખત એકદમ કડવી, તો કોઈ ફેરો એકદમ મીઠી લાગે. તે બન્નેને આપણે કડવા-મીઠાથી છૂટા થઈને 'પાડોશ'માં રહીને 'જોયા' કરવાનું. કડવું-મીઠું એ નિરંતરનો પૌદ્ગલિક સ્વભાવ છે. પ્રશ્નકર્તા : શરીરમાં નિર્જરા ભલે થતી, સાચવવા જેવું નથી. દાદાશ્રી : સાચવવાનું તો કશું હોય જ નહિ ને ? અને સાચવ્યું કશું સચવાય નહિ ને ? સાચવવાનું પોતાનું સ્વરૂપ ! જેવા ભાવે બંધ થયેલો હોય તેવા ભાવે નિર્જરા થાય. એ એનો સ્વભાવ જ છે. બંધ 'આપણી' હાજરીમાં થયેલો હતો. પણ આ નિર્જરા ગેરહાજરીમાં ય થઈ શકે. આપણને સંવર હોય તો ય નિર્જરા થઈ શકે. અને બંધ 'આપણી' ગેરહાજરીમાં ના પડે. એટલે જે ભાવે બંધ પડયા તે આપણી હાજરીમાં પડેલો. હવે નિર્જરા છે તે એ ભાવે થાય તે આપણે જોયા કરવાનું કે ઓહોહો ! આવો બંધ પડયો હોય એવું લાગે છે. પ્રશ્નકર્તા : જે ભાવે બંધ પડે છે એ ભાવથી બંધ છૂટી શકે ખરાં ? દાદાશ્રી : એ ભાવથી નહિ. ભાવથી બંધ છૂટતો નથી. એ જ ભાવવાળાં પરિણામ ઉત્પન્ન થાય છે. ક્રૂર ભાવનો બંધ પડેલો હોય તે પરિણામ થતી વખતે બધાં ક્રૂર દેખાય. પણ તે આજે આપણાં નથી. આ તો નિર્જરા થાય છે. એને જોયા કરવાનું કે શી નિર્જરા થાય છે ! એના પરથી શું બંધ પડેલો, ક્યા ભાવે બંધ પડેલો હતો, આ નિર્જરાનું 'રૂટ કોઝ' શું હતું તેની ખબર પડે. નિર્જરા ક્યારે પૂરી થશે ? પ્રશ્નકર્તા : જ્ઞાની હોય તે મોહનીય કર્મના જ્ઞાતાદ્રષ્ટા રહે તો એ કર્મ ઊડી જાય ને ? દાદાશ્રી : જ્ઞાતાદ્રષ્ટા રહ્યા એટલે બધાં ય કર્મ ઊડી જાય. બધો ચારિત્રમોહ ઊડી જાય. ખાલી શુધ્ધ ઉપયોગ જ રહે. 'હું શુધ્ધાત્મા છું' એનો ઉપયોગ રહેવો જોઈએ. આ ય શુધ્ધાત્મા છે, તે ય શુધ્ધાત્મા છે. ગધેડાં, કૂતરાં, બિલાડાં બધાં શુધ્ધાત્મા છે. ગજવું કાપનારો ય શુધ્ધાત્મા છે. આ દુષમકાળના જીવોની સમજણમાં મોહ અને મૂર્છા ભરેલાં છે. તેથી કૃપાળુદેવે આ કાળના જીવોને હત્પુણ્યશાળી કહ્યા ! તે લોકો આખો દહાડો ક્રોધ-માન-માયા-લોભ, રાગદ્વેષ કર્યા કરે ! બાપદાદા કરતા હતા તે રૂઢિ ચાલી આવતી હોય તે પ્રમાણે ધર્મ કરે. પણ તે સમજણપૂર્વકનું ના હોય. દરેકને પોતપોતાના ધર્મના પુદ્ગલનું આવરણ હોય. જૈનને જૈન પુદ્ગલ ને વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ મોક્ષે ના જવા દે. એ પુદ્ગલની નિર્જરા થશે તો કલ્યાણ થશે. મોક્ષમાં જૈન પુદ્ગલે ય કામ લાગે નહીં ને બીજા પુદ્ગલે ય કામ લાગે નહીં. પ્રત્યેક પુદ્ગલનો નિકાલ કરવો પડશે. પ્રશ્નકર્તા : મોક્ષના દ્વારમાં તો પુદ્ગલને દાખલ જ કયાં થવાનું છે ? ત્યાં તો આત્માને જ દાખલ થવાનું છે ! દાદાશ્રી : શુધ્ધાત્મપદ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં દાખલ થઈ શકાય એમ છે. બીજા બધામાંથી રાગદ્વેષ ઊડી જાય એટલે રહ્યો તે ચારિત્રમોહ કહેવાય. એની નિર્જરા થઈ જાય કે મોક્ષ થઈ જાય ! પ્રશ્નકર્તા : કર્મની નિર્જરા કેવી હોય ? દાદાશ્રી : તમે શુધ્ધાત્મામાં હો તો બધી કર્મની નિર્જરા જ છે - શું નિર્જરા થાય, એનું તમારે શું કામ છે ? રોજ સંડાસમાં તમે જો જો કરો છો કે આજે પીળો થયો કે કાળો થયો ? આ ય પણ એક નિર્જરા જ છે, દેહની એક જાતની નિર્જરા છે. પ્રશ્નકર્તા : એ બરોબર છે, પણ નિર્જરા પૂરી ક્યારે થાય ? દાદાશ્રી : પૂરી કરીને તમારે શું કામ છે તે ? પ્રશ્નકર્તા : પછી ખબર પડે ને કે હવે મોક્ષ જલદી આવી ગયો. દાદાશ્રી : એમ ઉતાવળ કરવા જાય ત્યાં બીજું ઝાંખરું વળગી જાય ! આ ઉતાવળનો માર્ગ નથી. આ તો જાગૃતિ રાખવાનો માર્ગ છે. શુધ્ધ ઉપયોગમાં રહો, તેનાથી એની મેળે જ નિર્જરા થયા જ કરશે. તમારે કશું જ કરવાનું નથી. તેથી તો અમે પણ એમ કહીએ છીએ કે અમારે મોક્ષે જવાની ઉતાવળ નથી. અમારે શેને ઉતાવળ હોય ? અહીં જ અમને મોક્ષ વર્તતો હોય, ત્યાં હવે બીજો ક્યો મોક્ષ જોઈએ છે ? અને પેલો મોક્ષ તો કાયદેસરનો છે. એ તો એની મેળે બોર્ડ ઉપર આવી જાય કે ત્રણ ને ત્રણ સેંકડે થશે ! આપણે ઉતાવળ કરવાની શી જરૂર ? પ્રશ્નકર્તા : મોક્ષ એ નિશ્ચિત જ છે ? દાદાશ્રી : ના, નિશ્ચિત ના માની લેશો, નિશ્ચિત હોય તો તો પછી બધા ય નિરાંતે સૂઈ રહે, એવું નથી. તમે શુધ્ધ ઉપયોગમાં જ રહો એટલું અમે કહેવા માગીએ છીએ. બીજું કશું વિચારશો નહીં. આ દિવસ નથી કે હમણાં પૂરું થઈ જાય ! આ તો સંસાર છે. તમે તમારે ઉપયોગમાં રહેશો કે બધો હિસાબ છૂટી જશે ! આપણે વિચારમાં પડીએ કે ક્યારે પૂરું થશે એટલે બીજું ભૂત પેસી જશે. આપણે શેને માટે ઉતાવળ છે ? શુધ્ધ ઉપયોગે અબંધ દશા અમારે ચારિત્રમોહ બહુ જૂજ હોય અને તમારે ઢગલાબંધ હોય. પણ તમારે ય દહાડે દહાડે ઓછો જ થતો જાય છે. ચારિત્રમોહ જાય છે. એ મુક્તિ આપીને જ જાય છે. પાંચ લાખ ચારિત્રમોહના મહેમાન હતા. એમાંથી હમણાં પાંચસો ગયા, તે પાંચસો ઓછા થયા. પછી ફરી પાંચસો ગયા, ફરી પાંચસો ગયા એમ ઓછા જ થતા જાય છે. પછી પાંચ લાખના ચાર લાખ થશે. પછી ત્રણ લાખ, પછી બે લાખ એમ કરતું કરતું ખલાસ થઈ જવાનું. આપણે પછી ગણ્યા કરીએ કે કેટલા રહ્યા, કેટલા રહ્યા તે આપણે ગણીને શું કામ છે ? શુધ્ધ ઉપયોગમાં રહ્યા કે સંવર સાથે નિર્જરા થયા જ કરે. પ્રશ્નકર્તા : આનો અર્થ એમ કે જેટલા શુધ્ધ ઉપયોગમાં વધારે રહો એટલી વધારે નિર્જરા થાય ? દાદાશ્રી : શુધ્ધ ઉપયોગ જ કામ કરવાનું છે. તમારો ધર્મ શુધ્ધ ઉપયોગ છે. એ જેટલો ચૂકો એટલો તમને માર પડે અને અમે જે પાંચ આજ્ઞાઓ આપી છે તે શુધ્ધ ઉપયોગમાં રાખવાના હેતુ માટે જ છે. પાંચ આજ્ઞા પાળી એનું નામ જ શુધ્ધ ઉપયોગ. એમાંથી એક પાળીએ તો ય એ શુધ્ધ ઉપયોગ જ છે. પાંચમાંથી એક તમારાથી ના પળાય ? પ્રશ્નકર્તા : દાદા, આમાં એવું છે ને એક પાળો ને તો ય પાંચે પળાઈ જાય છે. દાદાશ્રી : તે તો ઉલટું સારું ને ? એક પાળી તો પાંચનો લાભ થાય. આ તો બહુ સહેલું ને સરળ છે. કશી મુશ્કેલી નથી. માથે કોઈ વઢનાર નથી. નહીં તો માથે પેલા ગુરુ મહારાજ હોય તે તો તેલ કાઢી નાખે ! સવારથી ઊઠ્યા ત્યારથી આપણને ઝાપટ ઝાપટ કર્યા કરે ! ઠપકો, રાખે જુદાપણું ! પ્રશ્નકર્તા : આપણી પાસે 'ટાઈમ' હોય, ઇચ્છા હોય છતાં આળસ થાય એમ કેમ ? દાદાશ્રી : બે જાતના લોક હોય છે. કામમાં આળસ કરે એવા લોક હોય છે અને કામમાં રઘવાટ કરે એવા લોક હોય છે. રઘવાટવાળામાં ય ભલીવાર ના આવે. 'નોર્માલિટી'માં રહે એ સારું. તમારે તો 'ચંદુલાલ'ને ઠપકો આપવો : 'તમે આવી આળસ કેમ કરો છો? વગર કામના ટાઈમ બગાડો છો.' આપણે 'ચંદુલાલ'ને ઠપકો આપીએ, એને જેલમાં ન ઉતારી દેવાય કે ઉપવાસ ઉપરે ય ન ઉતારી દેવાય. ખાઓ, પીવો પણ ઠપકો આપવાનો ! પ્રશ્નકર્તા : આપણી સામે જે કામ આવે તે કરવું તો પડે ને ? દાદાશ્રી : એ વાતો એની મેળે થઈ જ જાય. એને પપલાવાની જરૂર નથી. આપણી મુશ્કેલીઓને પપલાયા કરીએ કે, 'ના, મારે તો જોવું જ પડે ને.' તો તે ચઢી બેસે ! કામ તો તમારું થઈ જ જશે. તમે એને 'જોયા' કરો ને તે તો નિયમથી થઈ જાય. એટલા બધા 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) છે કે તમારે કશી માથાકૂટ ના કરવી પડે. ફક્ત તમારે એવી ભાવના રાખવાની કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું છે. વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો જોઈએ. પ્રશ્નકર્તા : બહારના કે અંદરના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઉદય હોય ત્યારે આપણે જાણીએ કે આ મારો સ્વભાવ નથી, ત્યારે અનુભવ થાય ને ? દાદાશ્રી : હા, થાય ને ! 'મારો સ્વભાવ આ નથી' એવું જે સમજે છે તે 'પોતાના સ્વભાવ'માં સ્થિર થાય છે. ગમે તેટલા 'ચંદુલાલ' અકળાયા હોય તો ય 'તમારી' જાગૃતિ જાય નહીં એવું આ જ્ઞાન છે અને અકળામણ તો થયા વગર રહેવાની જ નહીં, કારણ કે મહીં ભરેલો માલ છે ને ? 'ડિસ્ચાર્જ' એટલે ઊલ્ટી થાય છે એનાં જેવી વાત ! કોઈ માણસની ઊલ્ટી આપણા પર થઈ તેથી કરીને તેને વઢાય નહીં, કારણ કે એને બિચારાને કરવું નથી પણ થઈ જાય. તેને એ શું કરે? એમ આ કષાયો ઊલ્ટીની જેમ 'ડિસ્ચાર્જ' થાય છે. પછી સારું થઈ જાય, ભૂમિકા ચોખ્ખી થતી જાય. પ્રશ્નકર્તા : 'શુધ્ધાત્મા'નું લક્ષ ના જાય તો એ 'સમભાવે નિકાલ' કર્યો કહેવાય ? દાદાશ્રી : વસ્તુમાં 'ઇન્ટરેસ્ટ' હોય તો શુધ્ધાત્માનું લક્ષ ચૂકી જવાય. આપણને રસ હોય તો તે વસ્તુ બાઝયા વગર તો રહે જ નહીં ને. કઢી ઢળી ગઈ હોય તો, તે ય બૂમાબૂમ કરી મૂકે. કારણ એને એમાં 'ઇન્ટરેસ્ટ' છે. છેવટે આ રસ જ કાઢી નાખવાના છે, વસ્તુ કાઢવાની નથી. વસ્તુ કાઢવાથી જાય નહીં. જગત આખું વસ્તુ કાઢવાની માથાકૂટ કરે છે. અલ્યા, વસ્તુ ના જાય, એ તો લમણે લખેલી છે. વસ્તુ પ્રત્યેનો રસ કાઢવાનો છે. ચેતો, અનુકૂળમાં ... આ બીજા બધાંની જોડેનો હિસાબ દ્વેષનો હોય છે. તેને 'સમભાવે નિકાલ' કરવો પડે છે. એ પ્રતિકૂળ કષાય કહેવાય અને આ રાગનું એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે, ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય છે. અનુકૂળ મીઠું લાગે. અમને 'સ્વરૂપ જ્ઞાન' ન્હોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર મળશે. અનુકૂળથી જ આખું બધું રખડેલું. કો'કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય, એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે ! એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને, જે ઝોકું ખવડાવે છે તે અનુકૂળતા જ કરાવે છે. હવે ચંદુલાલને કોઈ ગાળ ભાંડે ત્યારે તમારે 'ચંદુલાલ'ને કહેવું કે, 'ચંદુલાલ, તમને ગાળ ભાંડે છે પણ અમે તમને મદદ કરીશું.' આવી 'પ્રેકિટસ' પાડી રાખવી. આ ટેટા ફોડવા હોય, હવાઈ ફોડવી હોય તો 'પ્રેકિટસ' ના કરવી પડે ? નહીં તો દઝાઈ મરીએ ને !!! દરેકમાં પ્રેકિટસ કરવી પડે. હવે કોઈ તમને ટૈડકાવે તો તે 'ચંદુલાલ'ને ટૈડકાવે. તે 'તમને' તો કોઈ ઓળખતા જ નથી ને ? વિચારોમાં નિર્તન્મયતા ! પ્રશ્નકર્તા : વિચારો સતાવતા હોય ને ચિંતા ઊભી કરાવતા હોય, તેને કેવી રીતે અટકાવવા ? દાદાશ્રી : વિચારવું એ ધર્મ કોનો છે ? એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધાં ગાળો દે છે તે આપણે કશું સાંભળ્યું નથી, તો ય પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે. તે સાંભળ્યા વગર રહે નહીં. એવો મનનો સ્વભાવ છે. આપણને ના ગમતા હોય તો ય તે વિચારો મહીં આવે. એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ જ્ઞેય છે ને 'આપણે' જ્ઞાતા છીએ. એટલે જે વિચારો આવે તેને 'આપણે' જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારાં છે કે ખોટાં છે, એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટાં વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા થાય છે તેને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ પડેલો તેની નિર્જરા થઈ રહી છે. આ 'જ્ઞાન' આપણું 'સંવર'વાળું છે એટલે નવું કર્મ બંધાય નહીં. વિચારોમાં તન્મયાકાર થઈએ તો કર્મ બંધાય. પ્રશ્નકર્તા : આ વિચારોનું પરિણામ શું આવશે ? દાદાશ્રી : પરિણામ 'વ્યવસ્થિત'ને સોંપી દીધું. આપણે કશી લેવાદેવા નહીં. આપણે તો નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું. મન કહે, 'ગાડી આગળ અથડાશે તો ?' તેને આપણે જોયા જ કરવાનું. બસ. એનું પરિણામ 'વ્યવસ્થિત'ને સોંપીને આપણે સિગરેટ પીતા પીતા આરામથી બેસી રહેવાનું. પ્રશ્નકર્તા : એટલું બધુ સરળ નથી ને આ ? દાદાશ્રી : સરળ છે. જ્યારથી નક્કી કરીએ ત્યારથી રહી શકાય. કારણ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. પારકાના તાબામાં હોય તેમાં આપણે હાથ ઘાલવા જઈએ તો મૂરખ બનીએ ઊલટાં. તમારા તાબામાં તો આટલું જ છે, 'જોવું અને જાણવું', કે શું હકીકત બની રહી છે, કશું ઊંધું-ચત્તું કરવાનું હશે તે 'વ્યવસ્થિત' કરશે. ખરેખર 'વ્યવસ્થિત' એવું હોતું નથી કે કશું બગડે. માણસ સિત્તેર વરસે મરે છે, પણ તે પહેલાં તો 'મરી ગયો, મરી ગયો' એમ અમથો અમથો બૂમો પાડ પાડ કરે છે ને ભયથી ત્રાસ પામે છે. એવું ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે ''આગળ 'એકિસડંટ' થશે તો ?'' તો અમે કહીએ કે તેં કહ્યું તેની અમે નોંધ કરી. પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનના બધા 'ડિસ્ચાર્જ' ભાવો છે. એ 'ડિસ્ચાર્જ' ભાવમાં જો 'આપણે' કદી તન્મયાકાર થઈએ તો 'ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. આપણે 'એલીવેશન' કે 'ડિપ્રેશન' માથે ના લેવું. કશું થવાનું નથી, કશું બગડતું નથી. 'હું' ક્ષણવારે ય સંસારમાં રહેતો નથી, તો ય કશું બગડતું નથી. પ્રશ્નકર્તા : એટલે ભય નહીં રાખવાનો ? દાદાશ્રી : ભય હોય જ નહીં 'આપણ'ને ! આપણે 'શુધ્ધાત્મા', તે આપણને કોઈ દેખી શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, મારી શકે એમ નથી, કોઈ નામ પણ દઈ શકે તેમ નથી ! આ તો પોતાના ભૂતભડકાટથી જગત ઊભું થયું છે. કોઈની વચ્ચે ડખલ નથી. અને 'ચંદુભાઈ' જરા નરમ થયા હોય તો 'આપણે' અરીસા સામું ઊભા રાખીને આમ ખભો થાબડીને કહેવું કે ''અમે છીએ ને તમારી જોડે ! પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા. કોઈને કહેવાય એવું નહોતું. હવે તો જોડે જ છીએ. ગભરાઓ છો શું કરવા ? અમે 'ભગવાન' છીએ ને તમે 'ચંદુભાઈ' છો. માટે ગભરાશો નહીં.'' જો ચંદુભાઈ બહુ 'એલીવેટ' થતા હોય તો તેમને કહેવું 'અમારી સત્તાને લીધે તમારો આટલો રોફ પડે છે.' એટલે આપણે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં બેઠાં બેઠાં 'ફોરેન'નું પતાવ્યા કરવું. આ નિર્લેપ 'જ્ઞાન' છે, કશું અડે નહીં એવું છે ! મનના સ્વભાવની બધી હકીકત ઝીણવટથી સમજવાની જરૂર છે. બધી ચાવીઓ જાણવાની છે. દા.ત. પોલીસવાળો આવ-જાવ કરે છે તે શું અમારી પર હુલ્લડ કરવાનો છે ?' 'આપણે' કહીએ, 'ના' તેમ નથી. પોલીસવાળા તમારા માટે આગળ નવી જગ્યા બાંધી આપે છે. તે આપણું હિત કરતા હોય એમ જાણીએ કે આ પોલીસવાળા આપણું નુકસાન કરવા આવ્યા છે એમ જાણીએ ?! મન મેસ્ક્યુલાઈન જેન્ડર નથી, ફેમિનાઈન જેન્ડર નથી એ ન્યુટ્રલ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે જ્ઞાનની જાગૃતિ રાખવાની કે આપણને દાદાએ કહ્યું છે કે આપણે જ્ઞાતાદ્રષ્ટા છીએ. છો ને બૂમ પાડતા હોય, પાડવી હોય તેટલી પાડે. તે ઘડીએ આપણે જરા સ્થિરતા પકડી લેવી. છૂટ્યો દેહાધ્યાસ, ત્યાં સહજતા ! પ્રશ્નકર્તા : દેહ સહજ થાય એને દેહાધ્યાસ કહેવાય ? દાદાશ્રી : સહજ તમે શેને સમજ્યા ? સહજની ભાષામાં સહજ સમજ્યા છો કે તમારી ભાષામાં ? ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. 'મને કેમ કર્યું ?' તો તે દેહાધ્યાસ. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. પ્રશ્નકર્તા : દેહ સહજ થયો ક્યારે ગણાય ? દાદાશ્રી : આપણા દેહને કંઈ પણ કરે તો ય આપણને રાગદ્વેષ ના થાય તેનું નામ સહજ. આ અમને જોઈને સમજી લો ને કે સહજ કોને કહેવાય ? સહજ એટલે સ્વાભાવિક, કુદરતી, વિભાવિક દશા નહીં. પોતે 'હું છું' એવું ભાન નહીં. પ્રશ્નકર્તા : સહજ ક્યારે થાય ? દાદાશ્રી : આ 'જ્ઞાન' પરિણામ પામે ને કર્મો બધાં ઓછાં થઈ જાય એટલે સહજ થતો જાય. અત્યારે અંશે અંશે કરીને સહજ થઈ રહ્યો છે તે સંપૂર્ણ સહજ થઈ જાય. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જાય, જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ થાય. હવે તમને ખાતરી થઈ ગઈ છે ને કે માર્ગ મળી ગયો છે? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જેને એ ખાતરી થઈ જાય તેનો અંત આવે. વસ્તુનો અંત આવે, વિચારનો અંત આવે, જ્ઞાનનો અંત આવે. બધાંનો અંત આવે. પણ એક અજ્ઞાનનો અંત ના આવે ! શુધ્ધ ઉપયોગ એ જ પુરૂષાર્થ ! પ્રશ્નકર્તા : દ્રષ્ટિનો દ્રષ્ટા ગોતવાની વાત હજુ મને સમજાઈ નથી, તે મને જરા સમજાવો. દાદાશ્રી : આપણે દ્રષ્ટા ગોતીને બેઠા છીએ. પણ જેને સ્વરૂપનું ભાન ના હોય તેને કહીએ કે ''તારી દ્રષ્ટિ પડે છે એ તો દ્રશ્ય છે. પણ ત્યાં દ્રષ્ટા કોણ છે, તેની તપાસ કર.'' એવું અમે કહેવા માંગીએ છીએ. બહાર તો આ ઇન્દ્રિય દ્રષ્ટિ છે. પણ જ્યારે મનની બધી ક્રિયાઓ-મન શું શું બોલે છે, શું વિચારે છે ? પછી બુદ્ધિની ક્રિયા-બુદ્ધિ શું શું દેખાડે છે ? પછી ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે? અહંકાર 'ડિપ્રેસ' થાય છે કે 'એલીવેટ' થાય છે, આ બધાંને જોયા કરવું એ જ આપણો દ્રષ્ટા. દ્રષ્ટિનો વિષય એ દ્રશ્ય ને આપણે દ્રષ્ટા. દ્રશ્યમાં દ્રષ્ટિ પડી એવું જે કહે છે ને એ તો દ્રષ્ટાથી ઘણાં છેટે છે. એમને દ્રષ્ટા પ્રાપ્ત કરતાં કરતાં તો ઘણો કાળ જશે. આ તો આપણને દ્રષ્ટા પ્રાપ્ત થઈ ગયેલો છે. જેને જગત ખોળે છે તે આપણી પાસે છે. હવે એનો ઉપયોગ, શુધ્ધ ઉપયોગ કેમ કરવો એ આપણું કામ, એ પુરુષાર્થ કહેવાય. તમે ઘરમાંથી બહાર નીકળો એટલે શુધ્ધ ઉપયોગ મૂકો એટલે રીયલ ને રીલેટિવ બધું જોતાં જોતાં આગળ જવાય. તે વખતે શુધ્ધ ઉપયોગ રહે. અહીં કોઈની જોડે વાતચીત કરવા માંડી, તે ઘડીએ વાતચીત કરતાં રહીએ અને શુધ્ધ ઉપયોગ મહીં રાખ્યા કરાય. વાતચીત કરે એ 'ચંદુલાલ' કરે ને 'આપણે' બધું જોયા કરીએ. ઉપયોગ એ રીતે રહી શકે એમ છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી. મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય, વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય એનું નામ શુધ્ધ ઉપયોગ. જાગૃતિ આવતાં વાર લાગે. ધીમે ધીમે જેમ જેમ કષાયો ઉપશમ થાય, નિકાલી કષાયો, 'ડિસ્ચાર્જ' કષાયો ઓછાં થાય તેમ તેમ જાગૃતિ વધે. હવે નવા કષાય ચાર્જ થાય નહીં, પણ જે 'ડિસ્ચાર્જ' કષાયો છે તેનું 'ડિસ્ચાર્જ' થયા જ કરવાનું. અમે તમારે ઘેર આવ્યા ને તમે વાઈફ જોડે અકળાયા હો તો અમે કંઈ નોંધ ના કરીએ કે તમે આ ખોટું કરો છો. એ અકળામણ તમારી 'ડિસ્ચાર્જ' થતી છે. તમને 'જ્ઞાન' આપ્યું છે એટલે તમે કાચા ના પડો. પણ 'ડિસ્ચાર્જ' તો થાય જ ને ? અમે એટલું જ જોઈ લઈએ કે ઉપયોગ હતો કે નહીં. ઉપયોગ કોને કહેવાય કે હજાર-હજારની નોટ ગણતો હોય, ત્યાંથી એનો ઉપયોગ બીજી જગ્યાએ જાય ખરો ? એનું નામ ઉપયોગ કહેવાય. એવો ઉપયોગ અમારો નિરંતર રહેવાનો. અમારી હાજરીમાં રહો તો તમારે ય ઉપયોગ રહે. પ્રશ્નકર્તા : આ પદમાં કે બીજામાં જુદા જુદા પ્રમાણમાં રસ હોય છે એટલે એવું થાય છે ? દાદાશ્રી : રસને કેળવવાની જરૂર નથી. આપણે તો ઉપયોગ દેવાનો છે. આપણે કહી દેવાનું, ''ચંદુલાલ, દાદાના દરબારમાં બેઠા છો. હવે અહીં જે જે ચાલે તેમાં તમે ઉપયોગ દઈને ચાલો.'' પછી આપણે 'જોયા' કરવાનું, ઉપયોગ ચૂકો તો તરત કહેવાનું, ''ચંદુલાલ ચૂક્યા, આવું ના હોવું જોઈએ.'' મને કોઈ પાંચની નોટ કે દસની નોટનું પરચૂરણ આપે તો હું કોઈ દહાડો ગણવા ના બેસું. ૨૫, ૫૦ પૈસા ઓછા આપ્યા હશે, પણ એટલું ગણતાં મારો ટાઈમ કેટલો નકામો જાય ? લક્ષ્મીજીની બાબતમાં નિઃસ્પૃહ નથી થઈ જવાનું, પણ તેમાં ઉપયોગ ના દેવાય. ઉપયોગ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે ? રાતદહાડો દાદા સાંભર સાંભર કરે. એમના વગર ગમે નહીં. એમનો વિરહ લાગે ત્યારે એમાંથી 'ઇલેક્ટ્રિસિટી' ઝરતાં પ્રકાશ મારે, આખો સ્વયં પ્રકાશ ! વિરહીની વેદના, ત્યાં અભેદતા ! વિરહીની વેદના ઉત્પન્ન થાય. વિરહીનો અર્થ શો ? ચેન જ ના પડે. ત્યારે સમજવું કે જંજાળથી છૂટ્યા. નવી પરણેલી હોય તેનો વર ઓફિસે જાય તો ય બહેનનું ચિત્ત ધણીમાં ને ધણીમાં જ રમતું હોય, અહીં રસોઈ બધી સરસ બનાવે તો ય. આ તો એવું છે ને કે પરમાત્મા એ અભેદ સ્વરૂપે છે. અભેદ સ્વરૂપના વિરહો લાગે તો સંસાર તો તમારો બહુ જ સુંદર ચાલે. આ તો ડખો કરે ઊલટો. સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા પછી મહીં જેમ સહેજે ચાલે છે, તેનાં કરતાં બહાર વધારે સહેજે ચાલે તેમ છે ! કુદરતનો નિયમ એવો છે કે મહીં પાચક રસોનું પ્રમાણ આજે એવું નાખે કે આખી જિંદગી એનું પ્રમાણ સચવાય, ને અક્કરમી એવું નાખે કે આજે નાખે ને તો બીજી સાલ દુકાળ પડે !!! પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ'ના વિરહમાં જે વેદના ઉત્પન્ન થાય એને કેવી વેદના કહેવાય ? દાદાશ્રી : એ વેદના તો, ઓહોહો ! મહીં 'ઈલેક્ટ્રિસિટી' ઉત્પન્ન થાય અને તેનાંથી સ્વરૂપ તેજવાન થતું જાય. એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. વિરહની વેદનાનો તો મહાભાગ્યે જ ઉદય થાય. ઘણાં કાળના પરિચયથી તેને એ થાય. જેને મોક્ષે જવાનું હોય તેને એ વેદના જાગે ! એની તમારે બહુ ઉતાવળ કરવા જેવી નથી. આટલા બધા અવતાર બગાડ્યા, હવે એક-બે અવતાર માટે શી ખોટ જવાની છે ? આટલા અવતાર ભટક ભટક કર્યા, તેનો થાક ના લાગ્યો ને હવે બે અવતાર માટે થાક લાગી જવાનો છે ? પ્રકૃતિ કરે વાંકું, પુરુષ કરે સીધું ! પ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. પ્રકૃતિ ક્રોધ કરવા માંડી ત્યારે 'આપણે' 'ચંદુભાઈ'ને શું કહેવું પડે ? 'ચંદુભાઈ આ ખોટું થઈ રહ્યું છે. આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.' એટલે તમારું કામ પૂરું થઈ ગયું ! પ્રકૃતિ તો કાલે સવારે અવળી યે નીકળે ને સવળી યે નીકળે. એની સાથે આપણે લેવાદેવા નથી. ભગવાન શું કહે છે કે 'તું તારું બગાડીશ નહીં.' મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે. 'મેલ છાલ!' અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી 'રિસ્પોન્સિબિલિટી' નથી ! આટલું બધું આ 'સાયન્સ' છે !!! બહાર ગમે તે હોય તેની 'રિસ્પોન્સિબીલિટી' જ નથી. આટલું સમજે તો ઊકેલ આવી જાય. તમને સમજ પડી હું શું કહેવા માંગુ છું તે ? પ્રશ્નકર્તા : હા. સમજણ પડી. દાદાશ્રી : શું સમજણ પડી ? પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું. દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તો ય આપણે તરત કહેવું. 'આમ ના હોવું જોઈએ.' આ તો બધું ખોટું છે ! પ્રકૃતિ તો બધું જ કરે. કારણ એ બેજવાબદાર છે, પણ આટલું બોલ્યા કે, તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ? પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે. દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ? પ્રશ્નકર્તા : રહે છે, દાદા. દાદાશ્રી : દરેક વખતે રહે છે ? પ્રશ્નકર્તા : હા. દરેક વખતે રહે છે. દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે નિરંતર જાગૃતિ ને જાગૃતિમાં જ રાખે અને જાગૃતિ એ જ આત્મા છે. પ્રકૃતિ તો અભિપ્રાયે ય રાખે ને બધું ય રાખે, પણ આપણે અભિપ્રાયરહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી. આ 'દાદા'એ 'એ' જુદું પાડી આપ્યું છે. પછી આપણે 'આપણો' ભાગ જુદો ભજવવો. આ 'પારકી પીડા'માં ઊતરવું નહીં. વીતરાગોની રીત ! વીતરાગોનો મત એ છે, કે 'પેલો અભિપ્રાય બાંધ્યો કે 'આ આવા છે' એ એનો ગુનો. 'અમે' ખાલી ચેતવી જાણીએ. પછી તમારે વાંકું કાઢવું હોય તો તેને પહોંચી જ ના વળાય ને. એ તો ભગવાન મહાવીરના વખતમાં જ તેમનો શિષ્ય ગોશાળો ફરી ગયો હતો. ગોશાળો ભગવાનની સામે વ્યાખ્યાન આપતાં કહે છે 'હું ય મહાવીર જ છું.' આમાં મહાવીર શું કરે ? તે દહાડે આવા પાકતા હતા તે આજે મહીં બે જણ એવા પાકે તો તેને આપણાથી કંઈ ના કહેવાય અને એવા હોય ત્યારે જ સારું ને ! આ તો વીતરાગનું વિજ્ઞાન કેવું છે ? આપણે અભિપ્રાય બાંધ્યો કે 'આ ખોટાં છે અને આ ભૂલવાળા છે' તો એ પકડાયા ! અભિપ્રાય અપાય તો નહીં, પણ આપણી દ્રષ્ટિ યે બગડવી ના જોઈએ ! હું 'સુપરફ્લુઅસ' રહું છું. અહીં કેટલા બધા મહાત્માઓ છે, તે બધાંયની હકીકત હું જાણું છું, પણ હું કયાં મહીં ડખો કરું ? દુરુપયોગ કરવા જેવું આ જ્ઞાન ન હોય. પ્રશ્નકર્તા : ભગવાનને શું ખોટું ને શું સારું એવું જ નથી. પછી પ્રશ્ન ઊભો થતો નથી. દાદાશ્રી : એ ભગવાનની દ્રષ્ટિમાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય. આપણે હજુ ભગવાન થયાં નથી, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ. પ્રશ્નકર્તા : પણ પછી તો 'સાચું શું ને ખોટું શું' એ પ્રશ્ન ગૌણ થઈ જાય છે ને ? દાદાશ્રી : ના. પણ ખેદ તો થવો જ જોઈએ. આ શબ્દ દુરુપયોગ થવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું તે તમને 'બોધરેશન' ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે, 'મને કર્મ બંધાશે.' એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું પણ ચાળી ચાળીને ના બોલું કે, ''કર્મ તો બંધાશે, જો તમે કદી આમ નહીં કરો તો.'' 'અમે' તમને બધી જ રીતની છૂટ આપી છે. 'એક માત્ર વિષયમાં જાગૃત રહેજે' એમ કહીએ છીએ. અને તે પણ પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એટલા પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ. અણહક્કના વિષય સામે અમે તમને ચેતવીએ છીએ. કારણ એમાં બહુ મોટું જોખમ છે. આપણા 'અક્રમ વિજ્ઞાન'માં આટલું જ ભયસ્થાન 'અમે' તમને બતાવીએ છીએ. બીજે બધેથી નિર્ભય બનાવી દઈએ છીએ. અભિપ્રાય ઊડાવો આમ ! પ્રશ્નકર્તા : દ્વેષ ના રહે પણ પેલો અભાવ રહે, એનું શું કારણ ? દાદાશ્રી : અભાવ એ વસ્તુ જુદી છે. એ માનસિક બધી વસ્તુઓ છે. દ્વેષ તો અહંકારી વસ્તુ છે. અભાવ એટલે 'ડિસલાઈક' એ તો રહે. એ તો બધાંને રહે. અમે ય બહારથી અંદર આવીએ ને આ પાથરેલું દેખીએ ત્યાં આવીને બેસીએ. પણ કોઈ કહે કે તમારે અહીં નથી બેસવાનું, ત્યાં બેસવાનું છે તો અમે ત્યાં બેસીએ, પણ પહેલાં 'લાઈક' આ પાથરેલાંની કરીએ. અમને દ્વેષ ના હોય, પણ 'લાઈક - ડિસલાઈક' રહે. એ માનસિક છે, અહંકાર નથી ! પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહે ને ? દાદાશ્રી : એ અભિપ્રાય બધાં કરેલાં તેનાં ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે 'પ્રતિક્રમણ' કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય. પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારું છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલાં છે. મનની પાસે સિલ્લક છે. ગમે તે રસ્તે મનને બાંધવું જોઈએ, નહીં તો મન છૂટું થઈ જાય, હેરાન કરે. પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં. તો શું કરવાનું ? દાદાશ્રી : મનને દબાવવાનું આપણે નથી હોતું, પણ એને આપણે 'રીવર્સ'માં લેવાનું. એટલે જેના માટે ખરાબ અભિપ્રાય હોય તો આપણે કહેવું કે 'આ તો બહુ સારા છે, ઉપકારી છે' કહીએ તો મન માની જાય. જ્ઞાનના આધારે મનને કાબૂમાં લઈ શકાય. બીજી કોઈ ચીજથી મન બંધાય એવું નથી. કારણ મન એ 'મીકેનિકલ' વસ્તુ છે. મન દહાડે દહાડે 'એક્ઝોસ્ટ' થયા કરે છે. એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી ને જૂની વપરાયા કરે છે. મન કહે કે કેડમાં દુઃખે છે, ત્યારે આપણે એને કહીએ કે સારું છે કે પગ ભાંગ્યા નથી. એવું બોલીએ એટલે પાછું મન શાંત થઈ જાય. એને પ્લસ-માયનસ કરવું પડે ! યાદ આવે તે પરિગ્રહ ! નાસ્તા કરવામાં વાંધો નથી. લત લાગવી ના જોઈએ. આત્માને ખેંચી ના જાય એટલી જાગૃતિ રાખવી જોઈએ. ખેંચાઈ જવાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ ! જમવામાં શું ખેંચી જાય છે ? પ્રશ્નકર્તા : તીખું. દાદાશ્રી : પછી યાદ આવે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો એ ખાધું જ ના કહેવાય ! યાદ આવ્યું તો પરિગ્રહ. યાદ ના આવ્યું તો એ પરિગ્રહ ના કહેવાય. ચોપડો લખવાનો બાકી હોય તો યાદ આવે કે આટલી સિલ્લક બાકી છે. માખી ત્યાં જ ભ્રમણ કરતી હોય. આ 'દાદા'ની યાદગીરી જ એવી છે કે બધું ભૂલાડી દે. એમને એમ જ પરિગ્રહ ભૂલાડી દે ! પ્રશ્નકર્તા : સાધારણ સંયોગોમાં જે આપણને યાદ આવતું ના હોય, પણ એ સામે આવે અને અમુક કલાક સુધી રહે એ પરિગ્રહમાં ગણાય કે ? દાદાશ્રી : હાસ્તોને ! જે આપણને સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ ! એ ગ્રહ વળગ્યો છે, પરિગ્રહનું ભૂત વળગ્યું છે. તેથી 'આપણે' 'સ્વરૂપ' ભૂલી જઈએ છીએ ! એટલો વખત કલાક-બે કલાક સ્વરૂપનું લક્ષ ચૂકી જવાય. અરે, કેટલાકને તો બાર-બાર કલાક સુધી ચૂકી જવાય. અને આ જગતમાં જેને જ્ઞાન ના આપ્યું હોય તેને, તો એ જ ચાલ્યા જ કરે. આખો દહાડો પાણી પારકા જ ખેતરમાં જાય. પંપ ઘરનો, એન્જિન-પાણી બધું પોતાનું, પેટ્રોલ ઓઈલ પોતાનું ને તો ય પાણી જાય લોકોનાં ખેતરમાં ! 'સ્વરૂપ જ્ઞાન' પછી બધું પાણી પોતાના જ ખેતરમાં જાય. 'સ્વક્ષેત્ર'માં જ જાય, પરક્ષેત્રમાં ના જાય. પ્રશ્નકર્તા : પંદર દહાડા સુધી યાદ ના આવે ને પછી યાદ આવે એ પરિગ્રહમાં જાય ? દાદાશ્રી : હા. ભૂત આપણી પાછળ પડ્યું છે. તે આખી દુનિયાનાં ભૂતાં વળગ્યા છે તમને? તમને તમારા ભૂતાં વળગેલાં છે. અમુક બાબત હોય એટલાં જ વળગેલાં છે. બીજાં બધાં વળગેલાં ના હોય ! સમજની શ્રેણીઓ ! પ્રશ્નકર્તા : સામો દોષિત ના દેખાય તે માટે 'પ્રકૃતિ કરે છે' એ સમજથી કામ લઉં છું. દાદાશ્રી : એ 'ફર્સ્ટ સ્ટેજ'ની વાત છે, પણ છેલ્લી વાતમાં આ કશું જ બનતું નથી. આત્મા આનો જાણકાર જ છે. બીજું કશું જ નથી. તેને બદલે માની બેઠો છે કે સામાએ જ કર્યું ! 'રોંગ બીલિફ' જ છે ખાલી. જગત નિર્દોષ જ દેખાય. જેને ઓછી સમજણ હોય તે હિસાબ ગોઠવીને કહે, 'હિસાબ હશે.' નહીં તો, 'મારો છોકરો છે' એવું હોય જ નહીં ને !! ભગવાનની ભાષા સમજાઈ, તેને તો બધું જગત નિર્દોષ જ દેખાય ને ? કોઈ ફૂલ ચઢાવે તો ય નિર્દોષ દેખાય ને પથ્થર મારે તો ય નિર્દોષ દેખાય ! એકે મારી નાખ્યો ને એકે બચાવ્યો. પણ બન્ને નિર્દોષ દેખાય, વિશેષતા ના દેખાય આમાં. તમને અમારા જ્ઞાનની સમજથી સમજવું હોય તો 'વ્યવસ્થિત' છે, 'હિસાબ છે', એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે 'મૂળ વસ્તુ' સમજાશે. ''બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ !'' 'વ્યવસ્થિત' ખરું, પણ 'વ્યવસ્થિત' પરનાં અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે, કે બધી કુદરતની જ ક્રિયા છે. અવસ્થામાં અસ્વસ્થ, સ્વમાં સ્વસ્થ ! પ્રશ્નકર્તા : આ વીતરાગની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થવાનું બને અને હાજરીમાં સ્વસ્થ રહેવાય, એવું કેમ બને છે ? દાદાશ્રી : હાજરીમાં તો સ્વસ્થ રહે જ. અસ્વસ્થ રહે છે એ આપણી બુદ્ધિ રખાવડાવે છે, અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે અને અહંકારવાળી બુદ્ધિ છે તે આ અસ્વસ્થ કરાવડાવે છે. એનો જો 'એન્ડ' આવી જાય તો અસ્વસ્થ થવાનું કોઈ કારણ જ નથી. પ્રશ્નકર્તા : ભૌતિક રીતે તો હાજરી શક્ય ના હોય ને ? દાદાશ્રી : ના, શક્ય ના હોય ! છતાં ય પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો ! નહીં તો પોતાની બુદ્ધિ અને અહંકાર નિકાલ કરતાં કરતાં ખલાસ થઈ જશે, એટલે પછી એની મેળે જ નિરંતર સ્વસ્થતા રહેશે, સ્વમાં રહેવા માટે સ્વસ્થતા અને આ છે તે અવસ્થાઓમાં રહે છે માટે અસ્વસ્થતા ! અવસ્થા બધી વિનાશી છે, સ્વ અવિનાશી છે. તે અવિનાશીમાં રહે તો સ્વસ્થ રહી શકે, અને નહીં તો પેલો અસ્વસ્થ રહ્યા કરે ! પ્રશ્નકર્તા : અવસ્થામાં અસ્વસ્થ રહે છે. તે પોતે જોઈ શકે છે ને જાણી શકે છે છતાં ય સ્વસ્થ નથી રહેવાતું, એટલું બુદ્ધિનું આવરણ વધારે કહેવાય ? દાદાશ્રી : ના, ત્યાં આગળ શું ન્યાય છે કે જોનાર છે, જે દાદાએ આત્મા આપેલો છે. 'શુધ્ધાત્મા' તે જ આ બધું જોનાર છે. 'તે' રૂપે 'આપણે' રહીએ તો કશી ભાંજગડ નથી. નહીં તો સ્વસ્થ અને અસ્વસ્થ જોવા જઈએ તો પાર જ નથી આવે એવો ! પ્રશ્નકર્તા : એની ચાવી કઈ ? દાદાશ્રી : સ્વસ્થ થાય કે અસ્વસ્થ થાય, બેઉનો જાણકાર શુધ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં, 'ફોરેન'માં હાથ ઘાલે છે. સ્વસ્થ થાઓ કે અસ્વસ્થ થાઓ, અમારે 'જાણ્યા' સાથે કામ છે. આ બધી પૌદ્ગલિક અવસ્થા છે અને પૌદ્ગલિક અવસ્થાને જાણે તે 'શુધ્ધાત્મા' કહેવાય. પૌદ્ગલિક અવસ્થાને જાણે તે 'શુધ્ધાત્મા' કહેવાય. પૌદ્ગલિક એટલે પૂરણ- ગલન થયેલી ! જે અસ્વસ્થતા તમને આવે છે તે પૂરણ થયેલી હોય તો જ અત્યારે આવે, તે અત્યારે આવીને ગલન થઈ જાય ! 'ફોરેન'માં હાથ ઘાલ્યો કે દાઝયા વગર રહે જ નહીં. અમે 'ફોરેન'માં હાથ ઘાલીએ જ નહીં. કારણ કે આમ જે ફળ મળવાનું છે, તે તો મળવાનું જ છે. ઉપરાંત એણે હાથ ઘાલ્યો તેનું 'ડબલ' ફળ મળે છે. બે ખોટ ખાય છે ! આપણે એક જ ખોટ ખાવાની. 'ચંદુલાલ' અસ્વસ્થ છે એવું 'તમારે' જાણ્યા કરવાનું એ પા કલાક પછી ખલાસ થઈ જશે. 'જોયા' કરશો તો બે ખોટ નહીં જાય. પ્રશ્નકર્તા : અસ્વસ્થાનો સમય જેટલો વધારે ખેંચાય, એટલું વધારે આવરણ કહેવાય? દાદાશ્રી : હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે ! પણ 'તમે' શુધ્ધાત્મા તરીકે જોયા કરશો, તો એ ગમે એટલું આવરણ હોય તો ય એ ઝપાટાબંધ ઊડી જશે. એનો ઉકેલ આવી જાય ને એમાં પોતે હાથ ઘાલવા ગયો હોય તો મારીને માથાકૂટ ઊભી થાય. ગો ટુ દાદા ! અને બહુ દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ 'દાદા' પાસે. પ્રશ્નકર્તા : પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ? દાદાશ્રી : હા, હા. દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે ''જા, દાદાની પાસે. અહીં શું છે ? ઇધર ક્યા હૈ ? સબ દે દિયા દાદાકો. અબ ઇધર ક્યોં આયા ?'' પ્રશ્નકર્તા : સુખે ય આપી દેવાનું ? દાદાશ્રી : ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઇધર ક્યોં આયા હૈ, દાદા કો દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદ્ગલનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે. જે 'દાદા ભગવાન' છે તે અચિંત્ય ચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થાય. મુશ્કેલીમાં તેમને ચિંતવો તો મુશ્કેલીઓ બધી જતી રહે. જેવું ચિંતવો તેવું ફળ આપે. પછી આપણે શા માટે ભડકવાની જરૂર ? શુધ્ધાત્મા સાધાર ! પ્રશ્નકર્તા : 'પંચમ દીવો' શુધ્ધાત્મા 'સાધાર', તે કેવો સાધાર કહેવા માંગે છે ? દાદાશ્રી : અત્યાર સુધી ચેતનનું 'પુદ્ગલ' આધાર હતું, હવે ચેતનનું 'શુધ્ધાત્મા' આધાર થયો. એટલે પોતે પોતાનો જ આધાર થયો, હવે પુદ્ગલના આધારે નથી. જગત આખું પુદ્ગલને આધારે છે. વાસણમાં ઘી ભર્યું હોય ને પેલા પંડિતને વિચાર આવે કે પાત્રના આધારે ઘી છે કે ઘીના આધારે પાત્ર છે. આવો વિચાર પંડિતને આવે, બીજા અબુધ લોકોને ના આવે. પંડિતનું ભેજું ફળદ્રુપ ખરું ને ! તે પંડિતે તપાસ કરવા વાસણ ઊંધું કર્યું, ત્યારે એમને સમજાયું કે ઓહોહો ! આ તો વાસણના આધારે ઘી હતું. તેવી રીતે આ લોકોને પુદ્ગલના આધારે આત્મા રહેલો છે. પોતે પોતાના આધારે થાય, 'હું' પુદ્ગલના આધારે નહીં, એવું સમજાય ત્યારે શુધ્ધાત્મા 'સાધાર' થાય ! પુદ્ગલના આધારીને ભગવાને 'નિરાધાર' કહ્યું, 'અનાથ' કહ્યું અને આત્માના આધારીને 'સનાથ' કહ્યું. સાધાર થઈ ગયા પછી કશું બાકી જ ના રહ્યું ને. નિરાધાર થયે, ખરી પડે ! પોતાનો બનાવેલો મહેલ હોય, તો તો પાડી નાખીએ. પણ આ તો મહેલ પ્રકૃતિનો બનાવેલો છે. માટે પદ્ધતિસર સમજી સમજીને કરવા જેવું છે. 'જ્ઞાની પુરુષ' જાણે કે આ મહેલ શી રીતે ચણાયેલો છે ને આનું કાંગરું ક્યાં મૂકેલું છે, શું કરવાથી પહેલો માળ તૂટી જાય, પછી બીજો માળ ઊડે એ બધું ય 'જ્ઞાની' જાણે. પોતે આધાર આપતા હતા, તેનાંથી જગત ઊભું હતું. 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી આધાર આપતા હતા તમે. હવે 'હું શુધ્ધાત્મા છું', તે આધાર આપવાનું બંધ થયું એટલે નિરાધાર થયું, એટલે બધી વસ્તુ પડી જાય. આ હાથના આધારે વસ્તુ રહી છે, હાથ ખસેડ્યો તો વસ્તુ પડી જાય. બાકી છોડ્યું છૂટે નહીં. પ્રશ્નકર્તા : આધારને વળગેલી જે વૃત્તિ તે છૂટે કેવી રીતે ? દાદાશ્રી : 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ રહે છે તમને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો પછી આધાર રહ્યો જ નહીં. વૃત્તિ રહે જ નહીં. એ જે વૃત્તિ રહે છે તે નિરાધારની છે, આધારની નથી. જ્યારથી આધારીનો આધારભાવ છૂટી જાય છે, પછી જે નિરાધારી થયો તેની જ એ વૃત્તિઓ છે. આપણને એ લક્ષમાં રહેવું જોઈએ કે એ આપણી વૃત્તિ નથી. આપણામાં વૃત્તિઓ નામનું કશું છે જ નહીં. આપણી તો નિજવૃત્તિ, નિજભાવમાં જ રહ્યા કરે છે, સ્વાભાવિક થયા પછી ! શુધ્ધાત્માનું દર્શન ?! પ્રશ્નકર્તા : શુધ્ધાત્માને કેવી રીતે જોઈ શકાય ? દાદાશ્રી : એવું છે કે શુધ્ધાત્મા જોવો, એનો અર્થ શું છે ? આ સોનાની દાબડી છે, એની મહીં મૂકેલો હીરો એક ફેરો ખોલીને હું બતાડી દઉં પછી દાબડી વાસી દઉં. તેથી કરીને કંઈ હીરો જતો રહ્યો નથી. આપણા લક્ષમાં રહે કે એમાં હીરો જ છે. કારણ આપણે તેને જોયો હતો. વળી આપણી બુદ્ધિએ તે દહાડે 'એક્સેપ્ટ' કરેલું છે. એમ જ્ઞાન આપીએ તે ઘડીએ તમારા મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાંએ 'એકસેપ્ટ' કરેલું છે. ત્યાર પછી શંકા ઊભી થતી જ નથી. પ્રશ્નકર્તા : જે જીવને આત્મસાક્ષાત્કાર થયો હોય. એ જીવ, બીજા જીવને આત્મ-સાક્ષાત્કાર થયો છે કે નહીં એ પારખી શકે કે નહીં ? દાદાશ્રી : પારખી શકે ને. એવું છે ને આપણે શાકબજારમાં શાક લેવા જઈએ છીએ ત્યારે 'કયું શાક સારું છે' એ પારખી લઈએ છીએ ને એવું આ ય ખબર પડી જાય. પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી 'અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે' એવું ભાન થાય, તો એ અપૂર્વ અવસર સમજાવો. દાદાશ્રી : અપૂર્વ અવસર એટલે પૂર્વે કોઈ કાળે ય નહીં આવેલો એવો અવસર. એમાં પોતાની જાતનું ભાન પ્રગટ થાય, એ અપૂર્વ અવસર કહેવાય. પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થાય ત્યારે શું થાય ? દાદાશ્રી : જ્ઞાન પ્રગટ થાય એટલે કોઈ જગ્યાએ ઠોકર ના વાગે ! પ્રશ્નકર્તા : અને અંદરમાં શું ફરક પડે ? દાદાશ્રી : અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. દુઃખ, ચિંતા કશું જ સ્પર્શે નહીં ! આ છે કૃપાનો જ માર્ગ ! પ્રશ્નકર્તા : તમે રસ્તો બતાવ્યો, પણ એ રસ્તે અમે ના ચાલીએ તો શું થાય ? દાદાશ્રી : ના ચાલે એવું બને, પણ જવાની પોતાની ઇચ્છા જોઈએ. 'પોતાને નથી જવું' તો એ ઊંધે રસ્તે જાય, પણ પોતાને જવું જ છે ને બીજા કર્મો અંતરાય કરતાં હોય તેનો વાંધો નથી. 'પોતાને જવું છે' એવું નક્કી હોય તો 'જ્ઞાની પુરુષ'નાં આશિર્વાદ વર્ત્યા કરે. કર્મો લાખ આવશે તો ય 'જ્ઞાનીપુરુષ'ની કૃપાથી તે ઊખડી જશે, પણ જેને પોતાને જ વાંકું કરવું હોય તેનો ઉપાય નથી. પ્રશ્નકર્તા : ક્રમિક અને અક્રમમાં ફરક તો ગુરુકૃપા જ છે ને ? દાદાશ્રી : હા, ગુરુકૃપા જ છે બસ. અહીં તો ગુરુ જેવી કોઈ વસ્તુ જ ના હોય. ગુરુ એટલે કોણ ? ગુરુ કોને કહેવાય ? કે ગુરુકિલ્લી સહિત હોય, તો એ ગુરુ તમને તારે. અને ગુરુકિલ્લી વગર હોય, એટલે એ ગુરુ ભારે કહેવાય. ભારે એટલે પોતે ડૂબે અને આપણને ડૂબાડે. બાકી અહીં તો ગુરુની જ જરૂર નહીં. મને કેટલાક લોકો પૂછે છે કે અમે પહેલાં ગુરુ કરેલા છે તો તેને અમારે છોડી દેવાના ? ત્યારે હું એમને કહું છું, 'ના એ રાખવાના.' વ્યવહારનાં ગુરુ તો જોઈએ જ ને ? અને અહીં તો અક્રમમાં ભગવાનની સીધી જ કૃપા ઊતરે છે ! ચૌદ લોકના નાથની સીધી જ કૃપા ઉતરે છે. ... એ જ પરમાત્માની આરાધના ! પ્રશ્નકર્તા : આ બોલવા-ચાલવામાં, તમને પ્રશ્નો પૂછવામાં કોઈ ઠેકાણે અવિનય થતો હોય. અંતરમાં એવો અવિનય કરવાનો કોઈ ભાવ ના હોય, છતાં ય બોલવા-ચાલવામાં અવિનય થઈ જતો હોય, તો તે અમે વિરાધના તો નથી કરતાં ને ? દાદાશ્રી : વાત કરતાં તમે વિરાધક થાઓ તો અમે વાત બંધ કરી દઈએ. કારણ અમે જાણીએ કે આ તો અવળે રસ્તે ચાલ્યું. પ્રશ્નકર્તા : પણ અમારાથી તમારી વિરાધના થઈ જાય તો ? દાદાશ્રી : અમારી વિરાધના કરવાના તમારામાં પરમાણુઓ જ ના હોય. એવી તો અમને શંકા જ ઉત્પન્ન ના થાય. આખો દહાડો જેની આરાધના કરતા હો, તેની વિરાધના હોય જ નહીં ને ! 'દાદા'ની આરાધના કરી એ જ 'શુધ્ધાત્મા'ની આરાધના કર્યા બરાબર છે અને એ જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે. - જય સચ્ચિદાનંદ. |
|---|