દાદાઈ સંગ, આજ્ઞા સંગે !

પ્રશ્નકર્તા : તમે અમેરિકા અને ભારતમાં હો, ત્યારે અમારે અહીં લંડનમાં શું કરવું ?

દાદાશ્રી : અમે હાજર જ છીએ. યાદ કરવા પડે નહીં. તમને યાદ કરવા પડે છે ? એ યાદ એની મેળે જ આવે છે ને ?

પ્રશ્નકર્તા : એની મેળે યાદ આવે છે.

દાદાશ્રી : એટલે અમે ત્યાં પણ રહીએ અને અહીં પણ તમારી જોડે રહીએ. આ પાંચ આજ્ઞા પાળે ને, એને 'દાદા ભગવાન' નિરંતર હાજર, જોડેને જોડે જ છે. પાંચ આજ્ઞા એ જ દાદા છે. આ દેખાય છે એ દેહ છે, એ આત્મા નથી. 'દાદા ભગવાન' તો અંદર દેખાય છે. 'હું' તો જ્ઞાની પુરુષ છું. એટલે એ અમેરિકા જાય કે ભારતમાં હોય, પણ અમારી જોડે જ હોય એવું રહે. પ્રશ્નનો ખુલાસો થઈ ગયો ?

પ્રશ્નકર્તા : હા, થઈ ગયો.

એનું નામ જાગૃતિ !

પ્રશ્નકર્તા : 'જ્ઞાન' લીધા પહેલાં દરરોજ ઘણા માણસોને મળવાનું થાય. સેલ્સમેનનું કામ કરું છું ને, એટલે. તે કોઈ માલ ના લે એટલે એના માટે અભાવ થઈ જાય કે 'આવો છે, તેવો છે', હવે જ્ઞાન પછી કંઈ નહીં. 'વ્યવસ્થિત છે' કહ્યું એટલે સમભાવે નિકાલ થઈ જાય.

દાદાશ્રી : આજ્ઞામાં રહ્યા એનું નામ જ જાગૃતિ. નહીં તો પેલું છતું કરવાનું રહી ગયું અને આપણે ઊંધું કરીએ એનું નામ જાગૃતિ નહીં. એનું નામ જ ઉઘાડી આંખે ઊંઘે છે.

સ્વરૂપભાન, એ જ જાગૃતિ !

સંપૂર્ણ જાગૃતિ હોય ત્યારે મુક્તિ થાય. અને કાયમની જાગૃતિ એ જ આત્માની વસ્તુ છે. અને દેહની જાગૃતિ કેવી ? ઘડીમાં યાદ રહે ને ઘડીમાં ના રહે, બધું એવું જ. અને આ તેથી આપણા શાસ્ત્રકારોએ કહ્યું ને, કે જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. શાથી ઊંઘે છે એમ કહ્યું ? આ ભવનું આખી જિંદગીનું તમે ત્યાંથી લઈને આવ્યા છો, અને એ પ્રમાણે થવાનું છે. તોય એની ઉપાધિ કર્યા કરે, એની ચિંતા કર્યા કરે. 'આ હું કરું છું' એવી ચિંતા કર્યા કરે. હવે આ ભવમાં તો લઈને આવ્યા છો. પણ આવતા ભવ માટે તૈયારી કરવાની છે, એ તૈયારી નથી કરતો ને અત્યારની ચિંતા કરે છે. એને ખબર નથી એટલે. એ સમજે કે આવતા ભવ માટે તૈયારી કરવાની છે તો સારી રીતે કરે, ખરાબ દબાવી અને સારું કરે. પણ એવું ખબર નથી એટલે ઉઘાડી આંખે ઊંઘે છે, એમ કહ્યું. હવે થોડીઘણી સંસારની જાગૃતિ છે કે 'હું આનો સસરો થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં' એ બધી જાગૃતિ રહે, પણ મૂળ 'હું શુદ્ધાત્મા છું' એ ખબર નથી. હવે એ 'શુદ્ધાત્મા સ્વરૂપ છું.' એવું ભાન થાય એ જાગૃતિ કહેવાય. તમને આખો દહાડો 'હું શુદ્ધાત્મા સ્વરૂપ છું' એવો ખ્યાલ રહે છે ?

પ્રશ્નકર્તા : હા, રહે છે.

દાદાશ્રી : એનું નામ જાગૃતિ કહેવાય.

કર્તાપદ, પણ નાટકીય !

પ્રશ્નકર્તા : 'જ્ઞાન' લીધા પછી મહાત્માઓને કર્તાપદ લાગે ?

દાદાશ્રી : ના. પાંચ આજ્ઞા રહેતી હોય તો 'વ્યવસ્થિત' કરે છે. અને મોઢે બોલીએ ખરાં કે 'મેં કર્યું.' પણ એ તો નાટકીય. નાટકમાં બોલે છે ને, એવું.

અહંકારનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : અહંકાર એટલે શું ? તેની દાખલા સહિત સમજણ આપો.

દાદાશ્રી : જ્યાં સુધી 'ચંદુભાઈ છું' એવું માનો છો અને આ 'હું કરું છું', આ જગતનું કંઈ પણ કર્યા કરે છે તે હું કરું છું, આપણે પૂછીએ 'કોણે કર્યું ?' ત્યારે કહેશે 'મેં કર્યું' એ જ અહંકાર છે.

કોઈ જીવ કશું કરતો નથી. આ તો કુદરત કરે છે, પણ પોતાને એમ લાગે છે કે 'મેં કર્યું'. એવી બેભાન સ્થિતિ છે એટલે 'હું કરું છું' એમ બોલે છે, એ અહંકાર છે. અને કરનાર 'વ્યવસ્થિત' છે અગર કુદરત છે, એવું જે જાણે છે તેને અહંકાર નથી. મોઢે બોલે ખરો કે મેં કર્યું પણ એ વ્યવહારથી, નાટકીય. નાટકમાં કોઈ સ્ત્રી એની વાઈફ બની હોય, નાટકમાં વેશ ભજવતા હોય, પછી નાટક પૂરું થાય એટલે એને કહે, 'હેંડ ઘેર' તો આવે ખરી ? એવું આ નાટકીય બોલે કે 'મેં કર્યું.' તે અહંકાર ના કહેવાય.

તો અહંકાર રહ્યો નહીં !

આ 'જ્ઞાન' પછી તમે શુદ્ધાત્મા છો તો અહંકાર રહ્યો જ ક્યાં ? એ જો ખરેખર શુદ્ધાત્મા હોય તો અહંકાર નથી. અહંકાર તો, 'હું ચંદુભાઈ છું' એવું થાય તો એ અહંકાર !

આત્મભાને મોક્ષ !

પ્રશ્નકર્તા : કેવા ભાવ કરવાથી જલદી મોક્ષ થાય ?

દાદાશ્રી : આ 'જ્ઞાન' ના લીધું હોય તો અજ્ઞાનતાથી એક બાજુ કર્મોનું ફળ ભોગવતા જઈએ અને કર્મો છૂટતાં જાય, પણ નવાં કર્મ પાછાં ઊભાં કરતાં જઈએ. એટલે બંધનમાં જ રહે. પણ 'જ્ઞાન' લીધા પછી 'હું શુદ્ધાત્મા છું' એ ભાવથી કર્મો છૂટવા માંડે અને બે ત્રણ અવતારમાં મોક્ષ થઈ જાય. 'હું ચંદુભાઈ છું' એ ભાનથી મોક્ષ ના થાય.

ભાવ અસરો, વ્યવહારમાં !

પ્રશ્નકર્તા : ધારો કે આપણે નક્કી કર્યું કે 'હવે સારું કામ કરવું છે, કોઈને દુઃખ નથી આપવું.' તો એનું પરિણામ આ ભવમાં આવે કે આવતા ભવમાં જ આવે ?

દાદાશ્રી : આવતા ભવમાં. આ ભવમાં કશું આવે નહીં. આ ભવમાં તો પેલાનું મન-સામાનું મન સારું થાય. આપણે જે ભાવના કરીએ તેની સામાના મોઢા પર અસર તો થાય જ. આપણે કહીએ કે 'મારે સમભાવે નિકાલ કરવો છે' તો ય સામાને અસર થાય.

પૂર્ણ પદ પમાડ્યા અક્રમે !

એટલે શુદ્ધ જ છો કોઈ પણ સ્થિતિમાં, એવું આ જ્ઞાન આપેલું છે. અને મનમાં વિચાર જ હોય નહીં. આ તો મનમાં જે અત્યારે વિચાર આવે છે ને, તે તો ભરેલો માલ છે. નવા વિચાર ઉત્પન્ન થાય નહીં. એટલે તમારી દશા નિર્વિચાર કહેવાય. જેને વિચાર સરખો પણ ના આવે. વિચાર આવે એટલે વિકલ્પી કહેવાય. આ તો નિર્વિકલ્પી દશા, અલૌકિક દશા છે આ. લૌકિકમાં કોઈ જગ્યાએ આવું હોય નહીં. ક્રમિકમાર્ગમાં જ્ઞાનીઓને ય આવું હોય નહીં. એય વિચાર આવવાના એમને. કારણ કે ખરું જ્ઞાન ક્યારે પૂરું થાય ? ઠેઠ છેલ્લા અવતારમાં. કોઈ એંસી ટકાના, કોઈ સાઈઠ ટકાના, તે વધ્યા કરે. તમને તો 'ફૂલ', હંડ્રેડ પરસેન્ટ ! એ ક્રમિકમાર્ગવાળાને 'વ્યવસ્થિત'નું જ્ઞાન હોય નહીં. એમને તો પોતાને આગળ શું થશે એનો વિચાર આવે કે 'પક્ષાઘાત થશે તો શું થશે ?' અને તમારે તો 'વ્યવસ્થિત.' કારણ કે જુદું જ પાડી દીધેલું.

'એ' 'વિચરે' તો વિચાર !

આપણું આ અક્રમ અને પેલું ક્રમિક. એટલે બેમાં અમુક અમુક ડીફરન્સ પડી જાય. તેથી પેલા લોકો કહે ને કે, 'કર વિચાર તો પામ.' અને આપણે વિચાર થાય નહીં. વિચાર કરનારો જ નથી જ્યાં આગળ ત્યાં વિચાર કેવી રીતે થાય ? વિચાર કરનારો 'હું ચંદુભાઈ છું' એ છે. મનની કોઠી ફૂટયા જ કરે છે. અને તે ભરેલો માલ ફૂટયા જ કરે. તેમાં બુદ્ધિ વાંચી આપે કે આપણા હિતનું કહે છે, અગર તો આપણા અહિતનું કહે છે. એટલે પછી અહંકાર કહે કે 'અહિતનું કેમ થાય છે ?' આવા વિચાર આવે છે, એટલે ગમે નહીં એને. તે તન્મયાકાર ના થાય. અને હિતનું કહે ને, એ બુદ્ધિ કહે. એટલે તરત જ અહંકાર વિચરે ત્યાંથી. એટલે જગ્યા ઉપરથી ખસવું એનું નામ વિચરવું કહેવાય. તે અહંકાર વિચરે અને પછી આમાં ભેગા થાય ત્યારે વિચાર કહેવાય. નહીં તો વિચાર કહેવાય જ નહીં. ભેગા થાય તો વિચાર નહીં તો વિચાર કહેવાય નહીં.

પ્રશ્નકર્તા : એટલે પોતાના ફાયદામાં હોય તો જ આગળ વિચરે.

દાદાશ્રી : નહીં તો ના વિચારે. નહીં તો ખરાબ વિચાર આવે તો મહીં કૈડ્યા કરે, એને ગમે નહીં. વિચરે એટલે વિચાર કહેવાય, તન્મયાકાર થાય એટલે વિચાર કહેવાય.

પ્રશ્નકર્તા : મનમાં વિચાર આવે છે ખરા ને....

દાદાશ્રી : મન તો ફૂટ્યા જ કરવાનું. તમારે ય ફૂટ્યા કરે.

છૂટકારો જ્ઞાતા-જ્ઞેય સંબંધથી !

'પોતે' 'શુદ્ધાત્મા'માં રહે તો કશો જ વાંધો આવે તેમ નથી. અંતઃકરણ એના ગુણધર્મમાં રહે, જેવું કે મન પેમ્ફલેટ બતાવવાનું કામ કરે, ચિત્ત ફોટા દેખાડે, બુદ્ધિ ડીસીઝન આપે અને અહંકાર સહી કરી આપે, એટલે બધું બરોબર ચાલે. એ એના ગુણધર્મમાં રહે અને શુદ્ધાત્મા પોતાના ગુણધર્મમાં રહે-જ્ઞાતા ને દ્ષ્ટાપદમાં તો કશો જ વાંધો આવે તેમ નથી.

દરેક પોત-પોતાના ગુણધર્મમાં જ છે. અંતઃકરણમાં ક્યા ક્યા ગુણધર્મ બગડેલા છે તેની તપાસ કરવાની અને બગડેલા હોય તો કેવી રીતે ગુણધર્મ બગડેલા છે તેની તપાસ કરવાની અને બગડેલા હોય તો કેવી રીતે સુધારવા એટલું જ કરવાનું. પણ અજ્ઞાન દશામાં તો પોતે કહે, મેં વિચાર કર્યો, હું જ બોલું છું, હું જ કરું છું, આ હાથપગ પણ એના ગુણધર્મમાં છે. પણ કહે 'હું ચાલ્યો', માત્ર અહંકાર જ કરે છે અને અહંકારને જ પોતાનો આત્મા માન્યો છે, તેનો જ ડખો છે.

આ જ્ઞાન પછી તમને મનનાં ગુણધર્મ બગડેલા હોય એ ખબર પડે કે ના પડે ? પડે. ઘરમાં કોઈ ડોસી આવે અને આખો દિવસ કચકચ કરતી હોય તો પાંચ પંદર દિવસમાં એની સાથે ભાંજગડ જ ના હોય તો ટેવાઈ જવાય. તેમ આ મનમાં દારૂગોળો ફૂટે છે અને તેનાથી ટેવાઈ ગયા છે. તે ખબર જ પડતી નથી કે આ ક્યો દારૂ ફૂટે છે ? એ કોઠે પડી ગયું છે. અવર-હવર (અવળું-સવળું) દારૂ ભેગો થઈ ગયો છે. માનીએ કે આ ફૂલઝડી છે અને ફૂટે હવાઈની જેમ. તેમ મનમાં પણ અવર-હવર ભરેલું હતું તે તેવું ફૂટે છે. ડોસીની જેમ મન સાથે ભાંજગડ ના હોય તો ટેવાઈ જવાય. મનની કચકચ ડોસીની કચકચની જેમ કોઠે પડી જાય. 'આપણે' તો 'જ્ઞાતા-જ્ઞેય' નો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથેનો સંબંધ. આપણે જ્ઞાતા અને અંતઃકરણ તે જ્ઞેય, જ્ઞેય-જ્ઞાતા સંબંધ, શાદી સંબંધ નહીં. તેથી છૂટું જ રહે 'આપણાથી' તે !

આમ ગ્રંથી ઓગળે !

જ્યારે જ્ઞાની પુરુષને ગાંઠ ફૂટે ત્યારે એ તો ગાંઠને જુએ અને જાણે. જ્ઞાની પુરુષની આજ્ઞાથી, શુદ્ધાત્મ દ્ષ્ટિથી મનની ગાંઠો પર દ્ષ્ટિ નાખ નાખ કરે તો ગાંઠો ધીમે ધીમે ઓગળતી જાય. અમારી પાસે તો અનંત સિદ્ધિઓ છે. તે તમારી ગાંઠો ઓગાળી આપી શકીએ પણ બને ત્યાં સુધી અમે સિદ્ધિઓ નકામી ના વાપરીએ. અમે તમને રસ્તો દેખાડીએ. એ ગાંઠો ફૂટે એ તો તમને એકસ્પીરીયન્સ થાય અને તમને ફિલ્મ જોવાની મળે. જો જ્ઞેય ના હોય તો જ્ઞાતા શું કરે ? જેટલુ મન ખીલે એટલો જ આત્મા ખીલે. જેટલા જ્ઞેય વધે તેટલી જ શુદ્ધાત્માની જ્ઞાનશક્તિ વધે.

આવી જાગૃતિ એ જ અદીઠ તપ !

અહંકાર એ તો જ્ઞેય સ્વરૂપે છે. તમે પોતે જ્ઞાતા છો. જ્ઞેય-જ્ઞાતાનો જ્યાં સંબંધ છે ત્યાં જ્ઞેયનું રક્ષણ તો ના જ કરાય ને ? એક અહંકાર (જ્ઞેય)નું રક્ષણ કરો એટલે બધાયનું રક્ષણ કરવું પડે. કેમકે બધા જ જ્ઞેય છે. અનંત હોય છે. હવે તો તપ અદીઠ કરવાનું. અહંકાર વગેરે હોય છે તેમાં તન્મયાકાર ના થવાય એ ધ્યાન રાખવાનું, જાગૃતિ રાખવાની, એ જ તપ. અદીઠ તપ. આ અદીઠ તપ કરવું પડે કારણ અનાદિની ટેવ પડી છે તન્મયાકાર થવાની. એ મોળી પડતી જાય. અહંકાર મોળો પડતો જાય એટલે ઉકેલ આવતો જાય. એક નિશ્ચય કર્યો એટલે તપ થયાં જ કરે.

જે અહંકારમાં કશી બરકત ના આવી, જ્યાં ને ત્યાં ઠોકર વાગી, દરેક જગ્યાએ રૂપાળો હોવા છતાં કદરૂપો દેખાડે, એ અહંકાર શા કામનો ? અહંકારનો રસ ઓગાળી મૂકવા જે જાગૃતિ રાખવી પડે તે જ અદીઠ તપ.

એ લોભ કે નિકાલી બાબત ?

પ્રશ્નકર્તા : બીઝનેસ માટે કે બીજા કોઈ માટે આપણને તક મળતી હોય તો આપણે એ તક લઈ લેવી ? કે પછી એવો વિચાર કરવો કે આ શું કરવા વધારવું ?

દાદાશ્રી : વિચાર કરીએ કે 'શું કરવા વધારવું.' પણ તેમ છતાં એ વિચારને ના ચાલવા દે તો પછી કરવું.

પ્રશ્નકર્તા : તો એ વ્યવસ્થિત સમજવાનું પછી ?

દાદાશ્રી : તો પછી છૂટકો જ નહીં ને ! આપણે સેફસાઈડ કરવા ગયા. પણ સેફસાઈડ છે જ નહીં ને ! આપણા વિચારોનું બળ જ ના ચાલે. પુરુષાર્થ કરવા ગયા, પણ બળ ના ચાલ્યું તો શું કરવાનું ?

પ્રશ્નકર્તા : એ લોભ કહેવાય ?

દાદાશ્રી : લોભવાળાને તો 'શું કરવા વધારવું' એવો વિચાર જ ના આવે. કહેતાની પહેલાં જ ચોંટી પડે એ. એ લોભ કહેવાય. લોભ એ તો પાછલો ડીસ્ચાર્જ માલ હોય ને, તે થાય તો વાંધો નહીં. ડીસ્ચાર્જમાં ક્રોધ-માન-માયા-લોભ જે થાય એનો વાંધો નહીં. પણ નવું ચાર્જ નહીં કરે. અને જૂનું નિકાલ થઈ જાય છે. જેટલી ફિલ્મ 'જોઈ' એટલી નિકાલ. અને 'જોવાની' બાકી છે એટલી રહી. જેટલું જોઈ લીધું એટલો નિકાલ થઈ ગયો ને પછી જોવાનું.

પ્રશ્નકર્તા : એ નીકળે ત્યારે ગમતું નથી.

દાદાશ્રી : એ ગમતું કોને નથી ? તમે તો શુદ્ધાત્મા. તમે તમારા શુદ્ધાત્મામાં રહો તો તમને ના ગમતું હોય નહીં ને ! 'ચંદુભાઈ'ને ના ગમે તો તમારે કહેવું કે શું કરવા 'ના ગમતું-ગમતું' કર્યા કરો છો ? હું છું ને ?! તમારે શી ઉપાધિ આ બધી !' સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : 'હું છું' કહ્યું, તેની સાથે બધું રાગે પડી જાય.

હવે રહ્યું ટૂંકું ને ટચ !

અહીંના સ્ટોર કાયમ બંધ રહેવાના હોય તો તમને વાંધો નથી ને ? અને પહેલાં તો સ્ટોર બંધ થવાનો છે સાંભળ્યું કે 'હેંડો આ લઈ આવીએ' કહેશે. એટલે બધી ઉપાધિ હતી. અત્યારે છે ઉપાધિ કોઈ જાતની ?!

પ્રશ્નકર્તા : બધી ઉપાધિ ચાલી ગઈ.

દાદાશ્રી : બે કામ હોય. એક આપણો ધંધો ભલો ને બીજુ આત્માનું ભલું. બસ, બે જ. રીયલ બાઉન્ડ્રીલેસ છે. અને રિલેટિવ આપણું અમુક ડ્રોઈંગ કરેલું કે આટલામાં જ આપણે નિકાલ કરવાનો છે.

'જોનારા'ને રાગદ્વેષ નહીં !

પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિને જોવાથી તિરસ્કાર આવે અને કોઈને જોવાથી વહાલના ભાવ આવે. આવું કેમ બનતું હોય છે ? જરા વિગતવાર સમજાવવા કૃપા કરો.

દાદાશ્રી : આ 'જ્ઞાન' પછી હવે તિરસ્કાર આવે છે એ 'ચંદુભાઈ'ને આવે છે, આત્માને ના આવે. અને તમે જાણો કે આ 'ચંદુભાઈ'ને તિરસ્કાર આવ્યો. તમે ના જાણો ? તમને ખબર પડે ને ?

પ્રશ્નકર્તા : ખબર પડે.

દાદાશ્રી : એટલે તમને એ તિરસ્કાર નથી આવ્યો. 'ચંદુભાઈ'માં પેલાના તરફનો જે માલ ભર્યો છે એટલે તિરસ્કાર આવે છે. અને જે વહાલનો ભાવ ભર્યો હોય તો વહાલ આવે. હવે 'જ્ઞાન' ના હોય તેને એ રાગ ને દ્વેષ કહેવાય, તિરસ્કારને દ્વેષ કહેવાય અને વહાલને રાગ કહેવાય. એ રાગ-દ્વેષને લીધે કર્મો બંધાયા કરે. પણ આ જ્ઞાન પછી તમે એક ફેરો 'જોયું' એટલે છૂટાં થઈ ગયા. તમને ખબર પડી જાય કે આ 'ચંદુભાઈ'ને દ્વેષ આવે છે. અને પહેલા તો ખબર ના પડે.

ઉપયોગ પ્રમાણે ભોગવટો !

પ્રશ્નકર્તા : કર્મ ન બંધાય એ તો બરોબર, પણ જૂનાં કર્મ હોય એ ભોગવવાં જ પડે કે નિર્જરા થાય ?

દાદાશ્રી : ભોગવવાં જ પડે ને !

પ્રશ્નકર્તા : એની નિર્જરા ન થઈ શકે ?

દાદાશ્રી : એ સંવર રહે ને ! કર્મ બંધાય નહીં તે સંવર કહેવાય. અને પેલી નિર્જરા તો થયા જ કરવાની નિરંતર. નિર્જરાના બે ભાગ હોય. શુભની નિર્જરા થાય અને અશુભની નિર્જરા થાય.

પ્રશ્નકર્તા : નિર્જરા એટલે જ ભોગવટો ને ?

દાદાશ્રી : નિર્જરા એટલે કર્મ ખરી પડે.

પ્રશ્નકર્તા : પણ એ ભોગવીને ખરી પડે ને ?

દાદાશ્રી : એવું છે ને, જેવો ઉપયોગ ! શુદ્ધ હોય તો પોતાને ખબરે ય ના પડે. અહીં પગે લ્હાય બળતી હોય બધે, તે ઊંઘી ગયા પછી બળતી હશે ?

પ્રશ્નકર્તા : પછી ખ્યાલ ન હોય.

દાદાશ્રી : એ ભોગવે નહીં. લ્હાય તો શરીરે બળે જ, એવી ને એવી જ, પણ ઊંઘી ગયો એટલે ભોગવે નહીં, એવું આ શુદ્ધ ઉપયોગવાળો ભોગવે નહીં. આ આપણા મકાનને ય કહે છે' 'જર્જરી ગયું છે' કહે છે ને, એવું આ કર્મો નિર્જરી જાય.

પ્રશ્નકર્તા : ભોગવવું પડે કે નિર્જરા થાય ?

દાદાશ્રી : નિર્જરા જ થવાની. ને એમાં ભોગવવાનું તો, જેવો પોતાનો ઉપયોગ તે પ્રમાણે ભોગવવાનું.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પહેલાં જે કર્મો હોય એ કર્મો ભોગવવાં પડે ?

દાદાશ્રી : અરે, એવાં ભોગવવાં પડે કે રડી રડીને દહાડા જાય. દાંત સણકા મારતો હોય તો શું કરે ? આંખમાંથી પાણી નીકળી જાય. ભગવાન મહાવીરને પેલું બરુ ખેંચી લીધું ને તો ઓહ..... એવી બૂમ પડી ગઈ ને આંખમાંથી પાણી નીકળી ગયું હતું. તે ભોગવે જ છૂટકો થાય. આ જેટલું 'ચાર્જ' થયું છે, તે ડિસ્ચાર્જ તો થયે જ છૂટકો ને ?!

પ્રશ્નકર્તા : હળવાં થઈ શકે કે નહીં ? જે જૂનાં કર્મો હોય તે જ્ઞાન લીધા પછી હળવાં થાય કે નહીં ?

દાદાશ્રી : બહુ હળવાં થઈ જાય અને જ્ઞાન લીધા પહેલાં કર્મનું વજન જે દસ રતલ હોય તે મિથ્યાત્વીને ચાળીસ રતલ લાગે એટલું વજન આવે. કોઈને પચાસ રતલ લાગે. કોઈને સો રતલ અને સમકિતીને દસ રતલને બદલે આઠ રતલ લાગે, કોઈને પાંચ રતલ, કોઈને બે રતલ લાગે. પણ વજન તો લાગ્યા વગર રહે જ નહીં ને !

એટલે શુભાશુભ બન્ને કર્મ ભોગવવાનાં. ઘડીમાં અંતઃકરણ આનંદ ને ઉલ્લાસમાં આવી જાય તેય કર્મનો ઉદય છે અને ઘડીમાં ડિપ્રેશનમાં આવે એય કર્મનો ઉદય છે. આ અમે અહીં બેઠાં છીએ તે કર્મનો ઉદય છે ને ? કે એમ ને એમ બેઠા છીએ ? બધા કર્મનો ઉદય જ છે !

મુશ્કેલીમાં સથવારો !

સંસારી અડચણ આવે તો 'ચંદુભાઈ'ને કહેવું કે ત્રિમંત્ર બોલો. પછી 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલો. તો મુશ્કેલી બધી એને ઘેર જતી રહે. કંઈ હથિયાર તો ઉગામવું પડે ને ? આપણામાં હથિયાર ધરવાની શક્તિ નથી. એ તો 'ચંદુભાઈ'એ ગુનો કર્યો છે. 'ચંદુભાઈ' ભોગવે.

આખોય ફેરફાર આ તો !

પહેલાં તમે 'ચંદુભાઈ' થઈને ફરતા હતા. હવે 'ચંદુભાઈ' શું કરે છે તેને ય આપણે જાણીએ. બસ એટલું જ. 'ચંદુભાઈ' શું કરે છે એને નિરંતર જાણીએ. એટલો જ ફેરફાર છે આ જ્ઞાનમાં. બીજું કંઈ નહીં. પણ એટલું પામવું બહુ મુશ્કેલ છે. લાખો અવતાર થાય તો ય ઠેકાણું ના પડે. હિમાલયમાં ભટકે તો ય કશું વળે નહીં.

જોવી 'પોતે' પોતાની 'ફિલ્મ' !

સિનેમામાં ફિલ્મ બંધ થઈ જાય તો આપણે શું જોઈએ ? એટલે આપણે તે વખતે આ 'ચંદુભાઈ'ની ફિલ્મ મૂકી દેવાની. એને આપણે જોવાની. 'ચંદુભાઈ' બોલે અને તમારે જોવું. મહીં બંધ થઈ ગયું હોય તો આપણે શું જોઈએ ? ખરી રીતે તો બધું જોવાનું જ છે અંદર. 'ચંદુભાઈ'નું મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બીજું બધું જોવાનું છે, એ શું કરી રહ્યું છે તે બધું જોવાનું છે. રાતે ઊંઘ ના આવતી હોય તો તે ઘડીએ મૂકી દઈએ તો પાછું ઉપયોગમાં રહેવાય.

'જ્ઞાન' અને કૃપાથી...

પ્રશ્નકર્તા : આ જે દર્શનમાં આવે છે એ દર્શન, એ પ્રજ્ઞાનો ગુણ છે કે બુદ્ધિનો ?

દાદાશ્રી : દર્શન એ તો પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : દર્શન એ તો પ્રજ્ઞાને ય દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા છીએ ને પ્રજ્ઞા છીએ એની પહેલી પ્રતીતિ બેસે. ને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : પ્રતીતિ કોને બેસે છે ?

દાદાશ્રી : પ્રતીતિ અહંકારને બેસે છે કે 'હું ખરેખર આ નથી, આ છું.' જે અહંકારને પ્રતીતિ હતી કે 'હું ચંદુભાઈ છું' એ પ્રતીતિ ઊઠીને અહીં બેઠી એનું નામ દર્શન.

પ્રશ્નકર્તા : પણ એ પ્રજ્ઞાને લીધે પ્રતીતિ બેસે છે ? એ પ્રતીતિ પ્રજ્ઞા કરાવે છે ?

દાદાશ્રી : ના. એ પ્રજ્ઞા નથી કરાવતી. આ જ્ઞાન હું જે આપું છું તે પ્રતીતિ કરાવે છે. અને 'દાદા ભગવાનની' કૃપા કરાવે છે. હું જ્ઞાન આપું છું અને દાદા ભગવાનની કૃપાથી 'ખરેખર આમ જ છે' એવું લાગે. 'આજ સુધીનું માનેલુંું બધું ખોટું છે. એવું લાગે. રોંગ બિલિફ હતી, તે હવે રાઈટ બિલિફ થઈ ગઈ બસ. બુદ્ધિની વચ્ચે ડખલ છે જ નહીં.

આ વિજ્ઞાન, જ્ઞાનજન્ય !

આપણું વિજ્ઞાન ચોગરદમથી તાળો મળે એવું છે. કોઈ જગ્યાએ બુદ્ધિને ગાંઠે નહીં. બીજા બધાય જ્ઞાન છે તે બુદ્ધિને ગાંઠે. કારણ કે બીજા બધાં બુદ્ધિજન્ય જ્ઞાન છે. અને આ જ્ઞાનજન્ય જ્ઞાન છે. પેલાની જનેતા બુદ્ધિ છે અને આની જનેતા જ્ઞાન છે.

અક્રમવિજ્ઞાને 'વીતદ્વેષ' બનાવ્યા !

હું ''ચંદુલાલ'' એ જ આરોપિત જગ્યાએ રાગ છે અને બીજી જગ્યાએ દ્વેષ છે. એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે, એક બાજુ રાગ હોય તો તેની સામી બાજુએ, સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ, શુદ્ધાત્માનું લક્ષ બેસાડીએ એટલે તે જ ક્ષણે તે ''વીતદ્વેષમાં'' આવ્યો અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વીતરાગ થતો જાય. વીતરાગ એટલે મૂળ જગ્યાનું સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે. અમે તમને આખું કેવળજ્ઞાન અને કેવળદર્શન આપીએ છીએ. તે તમને સંપૂર્ણ કેવળદર્શન ઉત્પન્ન થાય છે. અને કેવળજ્ઞાન ૩૬૦ ડિગ્રીનું સંપૂર્ણ નથી પચતું, કાળને લીધે. અરે, અમને જ ચાર ડિગ્રીનું અજીર્ણ થયું ને ! અમે આપીએ છીએ ૩૬૦ ડિગ્રીનું કેવળજ્ઞાન પણ તે તમને પચશે નહિ. ને તમે અંશ કેવળજ્ઞાની કહેવાઓ. ભગવાન સંપૂર્ણ કેવળજ્ઞાની હતા. ને તમે અંશ કેવળજ્ઞાની કહેવાઓ. જેટલા અંશે આત્મસ્વભાવ પ્રગટ થતો જાય તેટલાં અંશે કેવળજ્ઞાની કહેવાઓ, જ્યારે સર્વાંશે આત્મસ્વભાવ પ્રગટ થાય ત્યારે સર્વાંશે કેવળજ્ઞાન કહેવાય.

રીયલ સ્વરૂપ, એ...

પ્રશ્નકર્તા : રીયલ સ્વરૂપ એટલે શું ? 'રીયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે' એની પણ સમજણ આપશો.

દાદાશ્રી : હા, આપણે પોતે જે છીએ ને, એ તો આત્મા જ છીએ. પણ આમાં 'ચંદુભાઈ' એ વિનાશી ભાગ છે અને અવિનાશી ભાગ આત્મા છે. આ ખમીસ પહેરીએ છીએ ત્યાં સુધી 'ચંદુભાઈ'નું જ ગણાય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પણ એ વિનાશી છે બધું. એવું આ દેહ એ પણ કપડું છે, મન-વચન-કાયા એ બધું એની પાસે કપડાં જ છે. એને, વિનાશીને આપણે 'પોતે' માનીએ છીએ કે આ 'હું છું.' એટલે એ રીલેટિવ સ્વરૂપ કહેવાય. અને રીયલ સ્વરૂપ એટલે 'હું શુદ્ધાત્મા છું' એ રીયલ સ્વરૂપ આવી ગયું.

હવે રીલેટિવ અને રીયલ એ બે જુદાં, જ્ઞાની પુરુષ પાડી આપે, ત્યાર પછી રીયલ સ્વરૂપ પોતાનું ઉત્પન્ન થાય. ત્યાં સુધી પોતે રીયલ સ્વરૂપ થાય નહીં. ત્યાં સુધી તો આ જે છે એ જ વિનાશી સ્વરૂપ પોતાનું છે. રીયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા અને રીલેટિવ સ્વરૂપ એ અશુદ્ધાત્મા. એ અશુદ્ધ છે. સમજાયું ?

પ્રશ્નકર્તા : રીયલ સ્વરૂપ એ ભગવત્ સ્વરૂપ છે તેથી હું ભગવત્ સ્વરૂપે દર્શન કરું છું. એનો અર્થ સમજાવો.

દાદાશ્રી : એટલે મૂળ ભગવાન જ એ છે, રીયલ સ્વરૂપ એ જ પરમાત્મા છે. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પરમાત્મા કહેવાય નહીં. ત્યાં ગયા પછી, સિદ્ધ થયા પછી પરમાત્મા કહેવાય.

પ્રશ્નકર્તા : રીયલ સ્વરૂપ એ તત્ત્વ સ્વરૂપ છે, તેથી હું તત્ત્વ સ્વરૂપે દર્શન કરું છું એનો અર્થ સમજાવો.

દાદાશ્રી : એટલે આપણા લોકો કહે છે ને, કે ભઈ, તત્ત્વજ્ઞાનને માર્ગે જવું પડશે. એટલે આ જગતમાં ખરેખર તત્ત્વ અવિનાશી હોય. જે તત્ત્વો, એકસ્ટ્રેક્ટ, તે બધું અવિનાશી હોય. અને બીજું બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધું વિનાશી હોય.

તત્ત્વવિજ્ઞાનનો ભેદ !

પ્રશ્નકર્તા : 'અક્રમ વિજ્ઞાન' માસિકમાં છ તત્ત્વોનું જે રહસ્ય બતાવ્યું છે એ એટલું અલૌકિક છે કે બધા જવાબ એમાં છે.

દાદાશ્રી : આમાં બધું બતાવેલું છે ખરું ?!

પ્રશ્નકર્તા : હા. હવે આમાં પાંચ તત્ત્વો જોડે છઠ્ઠા ચેતન તત્ત્વનો મેળાપ કઈ રીતે થાય છે ?

દાદાશ્રી : આ બધાં તત્ત્વો પાછાં એવાં છે કે કોઈ કોઈને મદદ કરે નહીં, કોઈ કોઈને ત્રાસ આપે નહીં, એકાકાર થાય નહીં, એવાં તત્ત્વો છે. એટલે કલીયર છે બધાં. આ તો આ તત્ત્વો ફક્ત પરિવર્તન કર્યા કરે છે નિરંતર. આ જગતમાં જે છે આકાશ, એમાં આ તત્ત્વો પરિવર્તન કર્યા કરે છે, અને ફર્યા કરે છે બસ. આ પરિવર્તન કરતાં કરતાં બીજાં તત્ત્વો હોય તો વાંધો નથી. પણ પુદ્ગલ તત્ત્વ આવે, પરમાણુ તત્ત્વરૂપીનું તે વખતે એમ થઈ જાય કે આ 'હું જ છું'. એની એને અસર થાય છે, પેલા ચેતનતત્ત્વને. એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ જાય છે. એને આત્માના વ્યતિરેક ગુણ કહેવાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ એ આત્માના અન્વય ગુણો નથી. ત્યારે કોઈ પૂછે કે 'એ જડના ગુણ છે ?' ના. જડના ગુણ પણ નથી. આત્માના ગુણ એવા છે નહીં. જો એવા ગુણ હોય તો મોક્ષમાં જઈને ત્યાંય એવા ગુણ હોય. અન્વય ગુણ કોનું નામ કહેવાય ? કાયમના હોય તેને અન્વય ગુણ કહેવાય. અને આ વ્યતિરેક ગુણ કહેવાય. એની હાજરીથી, બેના ભેગા થવાથી આ ગુણો ઉત્પન્ન થયા. જો બે ભેગા ના થયા હોય તો આ વ્યતિરેક ગુણો ઉત્પન્ન ના થાત.

આ ક્રોધ-માન-માય-લોભ, એમાં ક્રોધ ને માનનો 'હું' થયો અને માયા ને લોભનું 'મારું' થયું. તે 'હું'ને 'મારું' ઊભું થયું. હવે બે તત્ત્વોને છૂટાં પાડીએ કે 'તું આ ન્હોય.' ત્યારે બેઉ જતાં રહે તરત જ. એટલે આપણે છૂટાં પાડીએ તે ઘડીએ બેઉ જતાં રહે. સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : પણ એ જે નજીક આવે છે, એ પણ કુદરતના નિયમથી નજીક આવે છે ?

દાદાશ્રી : એ તો કુદરતનો નિયમ ! કુદરત કંઈ ઉપરી નથી. આ બધાનું ભેગું થવું એનું નામ જ કુદરત.

માન્યતા એ જ કૉઝ !

પ્રશ્નકર્તા : સૌથી પહેલીવાર ઈફેક્ટ કેવી રીતે ચાલુ થઈ ?

દાદાશ્રી : એ કૉઝ એણે કર્યું કે 'આ હું છું અને આ મારું છે' એટલે ઈફેક્ટ શરૂ થઈ જાય છે પછી.

પ્રશ્નકર્તા : પણ પહેલીવાર કૉઝ કેમનો ચાલુ થયો ?

દાદાશ્રી : 'એને' બીજું તત્ત્વ ભેગું થયું એટલે, આ તત્ત્વને-એને પોતાને એવું લાગ્યું કે 'આ ખરેખર હું છું આ ?' તેની સાથે 'હું-મારું' ઊભું થઈ ગયું, ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ ગયાં.

આ ભેગું શાથી થયું ? એ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. દરિયો તો એની એ જ જગ્યાએ હતો. સૂર્ય આવ્યો એટલે વરાળ ઊભી થઈ, અને ના આવ્યો હોત તો ના થાય. હવે વરાળ થવી એ સૂર્યનો ગુણ નથી, એ દરિયાનો ગુણ નથી. એવી રીતે આ છે.

પ્રશ્નકર્તા : ભેગા થયા હતા એટલે એક થયું હતું અને છૂટા પડ્યા એટલે એની મેળે તત્ત્વો છૂટાં પડી જાય છે ?

દાદાશ્રી : હા. નહીં તો અહંકાર કાઢવો હોય તો લોક શું સમજે છે ? કેટલાય અવતાર થશે ત્યારે આ ઉલેચાશે. અને ક્રમિકમાર્ગમાં આ ઊલેચાત જ નહીં.

પણ જાગૃતિ તો ખરી જ !

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધા પછી જાગૃતિ પાછળથી આવે છે. પહેલી આવવી જોઈએ. તેમ કેમ નથી ?

દાદાશ્રી : હવે 'જ્ઞાન' લીધા પછી જે જાગૃતિ રહે છેને, એ બહારના લોકોને તો જાગૃતિ હોય જ નહીં. અને તમને જાગૃતિ હોય ખરી. પણ બાજુનું-સંસારનું બળ વધારે હોય એટલે પેલી જાગૃતિ મોડી આવે. સંસારનું બળ ના હોય તો ધીમે ધીમે ઓછું થઈ જાય, એટલે પછી જાગૃતિ તરત જ આવે.

પાછાં ફરતાં ફરતાં....

આ તો કહેશે કે, 'અમદાવાદ જવું છે.' ત્યારે મારા જેવો કોઈ કહેશે કે, 'અમદાવાદ ? પણ આ તો મદ્રાસનો રસ્તો છે.' ત્યારે પેલો કહેશે, 'પણ આ બધાય અમદાવાદ જ જાય છે ને ! બધો અમારો સંઘ આખોય જાય છે ને !' ત્યારે મેં કહ્યું, 'સંઘ તો ભૂલો પડશે. પણ તમે છૂટા થઈ જાવ ને !' ત્યારે એ કહે, 'ના. તમે વળી નવા ક્યાંથી આવ્યા ? આટલા બધા માણસ જાય છે ને !' એમ કહેતા હજાર માઈલ છેટે ગયા અહીંથી. પછી પાછા કો'ક ઓળખાણવાળા મળ્યા, પોતાને વિશ્વાસ બેસે એવો. એ કહેશે, 'અરે આ તો રસ્તો ઊંધો છે. અહીં ક્યાં આવ્યા ?' એટલે એ પાછો ફરે.

હવે પાછો ફરે પછી કહેશે, 'પણ તમે મને જ્ઞાન તો કહી દીધું કે આ રસ્તો ઊંધો છે. તે હવે હું પાછો ફર્યો તો ય કેમ પેલું આવતું નથી ?' અરે પણ જેટલા ઊંધા ગયા હતા એટલા પાછા ફરવું પડશે ને ? એટલા માઈલ પાછું ચાલવું પડે કે ના ચાલવું પડે ?

પ્રશ્નકર્તા : ચાલવું જ પડે.

દાદાશ્રી : હજાર માઈલ ઊંધા ગયા તો હજાર માઈલ પાછું આવવું પડે ને ? તો રસ્તામાં વટેશ્રી કર્યા વગર ચાલે ? કોઈ કહેશે, 'ભઈ, હવે ભૂલો પડ્યો તેમાં આ વટેશ્રી શું કરવી છે ?' ના, એ બધું જ કરવું પડે. જતાં જેવું કર્યું હતું એવું બધું જ કરવું પડે. હવે મૂળ જગ્યા પર આવીએ તો ય અમદાવાદ ના ભેગું થાય. તે પાછું અમદાવાદનો પ્રયત્ન કરીએ, ને અમદાવાદ ભેગું થાય. ત્યારે મોક્ષ થાય.

એવું આ દાદાએ કહ્યું કે, 'ભઈ, આ તો ઊંધે રસ્તે આવ્યા.' 'આટલા બધા લોકો જાય છે ને ! તો દાદાએ કહ્યું કે 'ભઈ આ ન્હોય. આ તો રસ્તો ખોટો છે.' એને કંઈ ચખાડ્યું ત્યારે માન્યું. પાછું ના માને, નહીં તો આ સમજણ પડી ને, તેમને હવે રસ્તામાં પાછા આવતાં કંઈ ખાવાનું જોઈએ કે ના જોઈએ ? નાસ્તો ને એ બધું ? ત્યારે પૈણ્યા વગર ચાલે ? જતાં પૈણ્યા તે આવતા પૈણ્યા વગર ચાલે ? ના. એટલે એવું છે આ બધું.

કર્તાપદની ભ્રાંતિમાં....

લોકોને ખબર જ નહિ ને ! આ તો જ્ઞાન જ જુદી જાતનું છે !

પ્રશ્નકર્તા : એ ગુંચાય ત્યારે જ વિચાર કરે. બાકી કરે જ નહીં.

દાદાશ્રી : હા. ગુંચાય ત્યારે જ વિચાર કરે. નહીં તો ત્યાં સુધી વિચાર કરવાની શી જરૂર ? ગાડુ ચાલ્યા કરે છે. અને 'હું ચલાવું છું' એ એમને ખબર હોય. પોતાને શું ખબર હોય કે 'હું જ ચલાવું છું આ બધું. હું ના હોઉં તો કોણ ચલાવે ?' એવું એમને લાગે. અને તમને તો ખ્યાલમાં આવી ગયું ને, કે કોણ ચલાવે છે ને આપણે કોણ છીએ, આ શું છે ?!

'જોયું' તો છૂટા રહ્યા !

આ મન-વચન-કાયા ઇફેક્ટિવ છે એટલે એની મેળે જ ચાલ્યા કરે. વ્યવસ્થિતના તાબામાં છે. એટલે આપણે એને જોયા કરવાનાં. જોયાં એટલે એ છૂટા અને આપણે છૂટા. કંઈ ખોટું થયું હોય તો પ્રતિક્રમણ કરવાનું.

કહેનાર જુદો, કરનાર જુદો !

તમારે તો 'ચંદુભાઈ'ને એમ કહેવું પાડોશી તરીકે કે, 'ચંદુભાઈ, આવા દોષ કરો છો ? તમારે આમાંથી છૂટા થવાનું છે અને તમને ચોખ્ખા થવાનું છે. માટે તમે પ્રતિક્રમણ કરો.' એવું ફક્ત કહેવાનું.

ક્રમણ : અતિક્રમણ : પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એટલે શું ? અને પ્રતિક્રમણ કેવી રીતે કરવું એ દાખલા સહિત સમજાવશો.

દાદાશ્રી : આ બધા બેઠાં છે, બધાય બોલે છે, વાતચીત કરે છે, પણ કોઈને દુઃખ ના થાય એ રીતે વ્યવહાર ચાલે છે ને આપણો બધો ? પછી કોઈ બોલે, 'આના જેવો કોઈ માણસ નહીં મળે ને આમ તેમ...' એટલે કોઈને દુઃખ થઈ જાય એ અતિક્રમણ કહેવાય. બાકી નહીં તો આમ ને આમ બધું બોલીએ, વાત કરીએ, કોઈને હરકત ના થાય તે ક્રમણ કહેવાય. અને કોઈને દુઃખ થાય એવી વાણી બોલીએ તે અતિક્રમણ કહેવાય.

અતિક્રમણ એ 'ચંદુભાઈ' કરે, તો તમારે પ્રતિક્રમણ કરવાનું. કહેવાનું કે, 'ભઈ, આમ કેમ બોલ્યા ? શું કરવા બોલ્યા ? માટે પસ્તાવો કરું છું. ફરીથી નહીં કરું, એમ કહો.' દરેક વખતે આવું નક્કી કરો ને, તો આત્માની એટલી બધી શક્તિ છે કે પાંચસો, પાંચસો પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ કરે એટલે તમે ગુનામાંથી છૂટા થઈ ગયા. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કરેલું ના હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. કોઈને દુઃખ થાય એને ક્રમણ કહેવાય નહીં. એ અતિક્રમણ કહેવાય. તો એના એકલા જ પ્રતિક્રમણ કરવાના. બાકી આમ વ્યવહારમાં તો લે લાવ, આવો, જાવ બધું કરીએ એ કંઈ નડે નહીં, ચોંટે નહીં.

આમ નિકાલ થતા જાય !

દાદાશ્રી : ફાઈલનો સમભાવે નિકાલ થઈ જાય ને ?

પ્રશ્નકર્તા : હા, થઈ જાય.

દાદાશ્રી : ના થાય તો ય વાંધો નથી, પણ આપણે મનમાં સમભાવે નિકાલ કરીએ ને ?

પ્રશ્નકર્તા : મનમાં ભાવ એવો હોય કે 'સમભાવે નિકાલ જ થવો જોઈએ.' પણ ઘણીવાર એકશનમાં એવું આવે નહીં.

દાદાશ્રી : ના આવે તેનો વાંધો નથી. એ તો પડ કેટલાં બધાં હોય ! એક પડ કાઢી નાખીએ તો બીજું આવે. એટલે એકશનમાં તો આવી ગયેલું છે. પણ આ પડવાળું છે.

પ્રશ્નકર્તા : મનમાં ચોક્કસ ભાવના હોય કે આ બધું ખોટું થાય છે, જાણીએ ખરાં પણ પાછું રીએકશન થઈ જાય.

દાદાશ્રી : એ થાય તેનો વાંધો નથી. જે એક પડવાળું છે ને, એ તો જતું જ રહે. આ તો ડુંગળી જેવાં પડ. એક પડ કાઢી નાખીએ તો બીજું આવે ને ?

પ્રશ્નકર્તા : હવે કર્મોની તીવ્રતા વધતી જાય.

દાદાશ્રી : પણ પછી હલકો લાગે, વજન હલકું થઈ જાય. અને મોઢા પર આનંદની રેખા દેખાય. પહેલાં તો જ્યારે જુઓ ત્યારે ઘેર કોઈ મરી ગયું હોય એવાં મોઢાં દેખાય.

સમભાવે નિકાલ, સૂક્ષ્મતાએ !

તમે સમભાવે નિકાલ ક્યારે કર્યો કહેવાય ? કે ગમે તેવું ખરાબ કામ કરીને 'ચંદુભાઈ' આવ્યા, તો ય તમે તમારી જાત ઉપર, આત્મા ઉપર કશી અસર ના થવા દો કે મેં કયુર્ંં, તો ખરો આત્મા કહેવાય. ગમે તેવું કામ કર્યું હોય તો ય. ઊલટું બગડે પેલું, ડાઘ પડે. એટલે આમ બીજો કશો ડાઘ ના પડે, પણ એ ફાઈલ બધી એની પાસે આવે. પણ જ્યારે શુદ્ધ માનીએ તે દહાડે જશે. ત્યાં સુધી એ ફાઈલો આવ્યા જ કરશે. ક્યારે અશુદ્ધ થઈ ગયો ? કે 'ચંદુભાઈ છું' એવું ખરેખર માનવામાં આવે તો એ અશુદ્ધ થયો કહેવાય. એ તો નથી મનાતું ને ?

પ્રશ્નકર્તા : ના, દાદા.

એ 'બસો' વચ્ચે નડે, જોવામાં !

દાદાશ્રી : રોડના આ કિનારે આપણે શુદ્ધાત્મા છીએ. અને સામા કિનારે વસ્તુઓ બને છે તે છે, જ્ઞેય છે બધા. આપણે જ્ઞાતા-દ્રષ્ટા ! અને સામું જોવાનું છે ને જાણવાનું છે. હવે જોવું-જાણવું બનતું નથી એનું શું કારણ ? રોડ વચ્ચે પેલી બસો જાય છે એટલે આપણે જાણીએ કે અત્યારે બસ જઈ રહી છે અને એ ય આપણી ગોઠવેલી ! એટલે હવે કોને કહેવાનું ? આપણે એમાં તે દહાડે સહી કરેલી, તેની જવાબદારી લીધેલી. પણ આજે એ જવાબદાર તમે નથી. એટલે ફક્ત પ્રતિક્રમણ તમારે 'ચંદુભાઈ' પાસે કરાવવાનું. જરા ઠપકો આપવા જેવો હોય તો ઠપકો આપવો કે, 'ચંદુભાઈ, હજુ આવું કરશો તો આમાં મજા નથી.' એવું કહીએ. ભાવ એવો થઈ જાય, ચોંટી જાય, તો હવે શું કહેવાનું ? ઠપકો આપવાનો કે, 'ચંદુભાઈ, આવું શા હારુ કરો છો ?'

ઠપકો આપી આમ છૂટા રહો !

પ્રશ્નકર્તા : કાયમ ઠપકો આપું છું. કર્યા પછી પણ, ને કર્યા પહેલાં પણ ખ્યાલ આવી જાય. એટલે એમ થાય કે 'ચંદુભાઈને આ વસ્તુ ના શોભે.' પણ થઈ જાય.

દાદાશ્રી : થઈ જાય એ તો બીજું પડ છે. એવાં તો હજાર પડ આવે. ને કોઈને બે જ પડ હોય. પણ તમારે ઠપકો આપવાનો. તમે ઠપકો આપો એટલે તમે છૂટા ને એ છૂટા. એનો અનુભવ થયો તમને. અને ઠપકો આપવો જ જોઈએ આપણે. અને એ પડ તો આવ્યા જ કરવાનાં. છે તો આવે ને ! ને ના હોય તો શી રીતે આવે ? એટલે જેટલું ચીકણું એટલાં પડ વધારે. એટલે એ ઠપકો આપવાનો કે 'આવું શું કરો છો ?' અત્યારે સુધી ઠપકો આપતા હતા ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : તો વાંધો નહીં.

વર્તે, પ્રકૃતિના પાડોશી તરીકે !

આ 'જ્ઞાન' આપ્યા પછી તમે શુદ્ધાત્મા જ છો. માટે કશું બગડે નહીં. એ ગુનો, ખરાબમાં ખરાબ ગુનો હોય કે સારો હોય, તો આપણે લેવાદેવા નથી એ. કારણ કે એના પડોશી તરીકે છે. લેવાદેવા ક્યાં સુધી હતી ? કે જ્યાં સુધી અહંકાર ને મમતાનો કરાર હતો ત્યાં સુધી લેવાદેવા, આપણી જવાબદારી હતી. હવે બધું એ જ, પ્રકૃતિ જ કરે છે ને ! આ તો પ્રકૃતિ જ કરે છે. પણ લોકો શું માને છે ? 'હું કરું છું આ.' એ જ ભ્રાંતિ છે. થોડું સમજાયું ?

પ્રશ્નકર્તા : બરોબર સમજાયું.

દાદાશ્રી : આ શુદ્ધાત્મા તો શુદ્ધ જ આપેલો છે. અત્યાર સુધી ઊંધું માન્યું, તે બગડી ગયું નથી, પણ એટલી તમને અડચણ પડી.

એ માન્યતા છૂટવી જોઈએ !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ જે વિશેષ ભાવથી થઈ છે, તો આત્માને છૂટો ના રાખી શકે ?

દાદાશ્રી : છૂટો જ રહે છે. મને દેખાય છે ને ! છે છૂટો. પણ તમારી હજુ માન્યતા પહેલાંની છે ને, તે માન્યતા છૂટતી નથી. ટેવ પડેલી છે ને ! તે ધીમે ધીમે છૂટી જશે. બાકી છે જ છૂટો. તમને છૂટો રહે છે જ. પણ તમારી માન્યતા પેલી જે છે ને, ચોંટી રહેલી છે.

પ્રતિક્રમણ : જ્ઞાતાદ્રષ્ટા

પ્રશ્નકર્તા : આ શરીરમાં એક એક પરમાણુ શુદ્ધ કરવા માટે આપણે જે થાય છે એને જોયા કરીએ જ્ઞાતા-દ્રષ્ટા તરીકે, તો શુદ્ધ થાય ?

દાદાશ્રી : હા થાય, બસ.

પ્રશ્નકર્તા : કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય ?

દાદાશ્રી : ના, ના. જ્ઞાતા-દ્રષ્ટાથી શુદ્ધ થાય.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણથી શું થાય ?

દાદાશ્રી : કોઈ મોટો દોષ થયેલો હોય અને સામાને દુઃખ થાય એવો હોય, તો આપણે એમને કહેવું પડે કે, 'ચંદુભાઈ, આવું ના કરો અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.'

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય ?

દાદાશ્રી : પરમાણુ શુદ્ધ ના થઈ જાય. પણ આપણે 'જોતાની' સાથે જ છૂટા થયા.

પુદ્ગલનો ક્લેઈમ છે કે, 'તમે શુદ્ધાત્મા થઈ ગયા માટે મોક્ષે નહીં જાવ.' 'કેમ ભઈ, મારે હવે શું વાંધો છે ? હું શુદ્ધ થઈ ગયો, મારું સ્વરૂપ જાણ્યું.' ત્યારે એ પુદ્ગલ કહે, 'ના, જ્યાં સુધી અમે છોડીએ નહીં ત્યાં સુધી તમે શી રીતે મોક્ષે જશો ?' ત્યારે આપણે કહીએ, 'તારો શો વાંધો છે ?' ત્યારે એ કહે, 'તમે અમને બગાડ્યા'તા. અમે તો અમારા સ્વભાવમાં હતા. માટે તમે અમને હતા એવા કરી આપો. એટલે અમે છૂટા.' એટલે શુદ્ધ જોયું કે ચોખ્ખા થઈ જાય. જગત અશુદ્ધ જુએ છે. કારણ કે 'હું કર્તા છું' એ ભાવે કરે છે. અને તમે 'આનો કર્તા હું નથી' એ ભાવે હવે થયા, એટલે એ છૂટા !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય એવું કહ્યું. તો પ્રતિક્રમણથી શું થાય ?

દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય ? એ 'જોઈએ' ત્યારે. અને પ્રતિક્રમણથી પરમાણુમાં શું ઇફેક્ટ આવે ? પેલાને જે દુઃખ થયેલું તેની અસર રહી જાય, એ અસર આપણે બનતા સુધી ન કરવી જોઈએ. તો આપણે એને કહીએ એટલે પ્રતિક્રમણ કરે બસ. તો એને અસર ના રહે પછી.

'વિજ્ઞાન'માં, જોખમી અબ્રહ્મચર્ય જ !

આત્માનું ભાન થયા સિવાય નિરંતર કર્મ જ બંધાય છે. અને આ ચા પીઓ છો તો ય શુદ્ધાત્મામાં જ છો. ચંદુભાઈ ન્હોય !

પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ પીએ છે ને !

દાદાશ્રી : હા, અને એ તો ખબર પડી જાય પોતાને ને શું થઈ રહ્યું છે એ જુએ ને જાણે, આવું ચોખ્ખું વીતરાગોનું વિજ્ઞાન છે. હા ! એને પછી હલાવવાની શી જરૂર ? મોજથી પીએ આમ, ખૂબ ચાવી ચાવીને ખાય ને મોજથી ખાય, પણ ખાનાર જુદો ને આત્મા જુદો !

પ્રશ્નકર્તા : હા, આ મોજના ભાવમાં, પણ તો ય આત્મા જુદો હોય.

દાદાશ્રી : આ મોજ થાય છે ને એ પુદ્ગલને થાય છે. છતાં પુદ્ગલમાં મોજ કરવાનો સ્વભાવ નથી. પણ એ છે તે મિશ્ર ચેતન છે. એટલે આ પુદ્ગલ કેવું છે ? મિશ્ર ચેતન છે. એટલે એનાં લક્ષણ હોય ચેતન જેવાં, પણ છે પુદ્ગલ ! એટલે આ મોજ કરે, આમ આનંદથી ખાય, છતાં કંઈ અડે નહીં - એવું આ વિજ્ઞાન છે આપણું.

આપણા વિજ્ઞાનમાં કશું અડે એવું નથી. છતાં જોખમ હોય તો એ અબ્રહ્મચર્ય દોષમાં છે. બહુ જ જાગ્રત માણસ હોય તો વાંધો ના આવે. નહીં તો જાગૃતિની કમી પડી જાય તો એમાં લપટાઈ જાય. બાકી એ એક અબ્રહ્મચર્ય એકલાની જ બાબતમાં. બીજી બધી બાબતો ખુલ્લી ! અરે, કોઈની જોડે અહંકાર કરીને આવ્યો હોય ને તો ય એ આત્મા ન હોય ! તો ય એ મિશ્ર ચેતન. એટલે આવું જ્યાં ચોખ્ખું છે પછી બીજું તપાસ કરવાનું રહેતું જ નથી ને, બોજો જ ના રહ્યો ને ! તે વખતે કંઈક ભૂલ થઈ કે તરત જ જ્ઞાન આપણને શંકામાં નાખે કે આ તો ખોટું થાય છે ! જ્ઞાન જ ચેતવે એવું છે.

આ ચા-નાસ્તો બધુંય આત્માની જાગૃતિપૂર્વક કર્યો એટલે એ કર્મ ધોવાઈ ગયું. નિકાલ થઈ ગયો અને જ્ઞાને કરીને ગાળ્યું, કેવી રીતે ? જ્ઞાને કરીને ! અજ્ઞાને કરીને બંધાયેલા તે જ્ઞાને કરીને ગાળે તો છૂટા થાય.

પ્રશ્નકર્તા : તો જ પુદ્ગલ શુદ્ધ થાય એમ કહો છો ને ?

દાદાશ્રી : અજ્ઞાને કરીને બંધાયેલા જ્ઞાને કરીને ગાળે તો જ પુદ્ગલ શુદ્ધ થાય. અને તો જ એ પુદ્ગલ આપણને છૂટા કરે. પણ આત્માની જાગૃતિપૂર્વક જોઈએ, નહીં તો ત્યાં પાછું એટલું પુદ્ગલ ચોંટે જ. એટલે કે એટલું પુદ્ગલ આપણી પાસે સિલકમાં રહે. છતાં નવું કર્મ બંધાય નહીં. કારણ કે આ પુદ્ગલ એ શું કહે છે, કે તમે મને શુદ્ધ કરો. તમે શુદ્ધ થયા માટે કંઈ દહાડો વળે નહીં. તમે મને બગાડ્યો છે. એટલે મને શુદ્ધ કરો અને છૂટા થાવ તો જ્ઞાને કરીને શુદ્ધ થાવ.

પ્રશ્નકર્તા : એટલે આત્માની જાગૃતિ જોઈએ.

દાદાશ્રી : બસ ! પછી આ મોજ કરી તો ય પેલાં છૂટ્યા ને પોતે ય છૂટ્યા. ખાતાં ખાતાં ખાનારો મોજથી ખાય છે એવું જાણે તો ખાનાર છૂટો અને પોતે ય છૂટો.

જાણવું : સમજવું

પ્રશ્નકર્તા : જાણવું અને સમજવું, આ બેનો ભેદ હજુ બરાબર ઊંડાણમાં સમજાતો નથી.

દાદાશ્રી : જાણવું એટલે ડીસીઝન થઈ ગયું અને સમજવું એટલે અન્ડીસાઈડેડ. એ જાણ્યું બન્નેએ, પણ આ અન્ડીસાઈડેડ જાણ્યું. અને પેલું ડીસાઈડેડ જાણ્યું. એટલે અન્ડીસાઈડેડ જાણ્યું એનું નામ સમજવું.

સદાય શુદ્ધ જ, જાણનારો !

પ્રશ્નકર્તા : 'અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું' એટલે શું ?

દાદાશ્રી : હવે આનો અર્થ જગતમાં કોઈને સમજણ પડે નહીં. આ તો જે આત્માના અનુભવમાં રહેતા હોય તે જ સમજે. અને એ સમજાવી શકે ખરા, પણ લોકોને ના સમજણ પડે. જેને સમજણ પડે એ બીજાને સમજાવી શકે.

હવે જ્ઞેય એટલે શું ? કે જાણવા જેવી વસ્તુઓ. અને જાણનાર એ જ્ઞાતા કહેવાય. આત્મા છૂટો પડ્યા પછી એ જ્ઞાતા કહેવાય. અને આ વિનાશી ચીજો બધી દેખાય છે એ જ્ઞેય કહેવાય. વિનાશી ય બહાર દેખાય અને અંદર અવિનાશી ય દેખાય, બધું દેખાય જેને. અંદરેય બધા બહુ જ્ઞેયો છે. પણ બહારના લોકોને તો ઇન્દ્રિયજ્ઞાન પૂરતું જ સમજણ પડે. મનનું ને આંખનું ને બુદ્ધિનું એટલી સમજણ પડે. એથી આગળનો ભાગ સમજણ પડે નહીં.

હવે એમાં જાણવામાં જે પરિણમેલી અવસ્થા હોય આત્માની, તે કંઈ આત્માને ડાઘ પડતો નથી. એવું કહેવા માગે છે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી હોય, પણ તેથી કંઈ આત્માને ડાઘ પડતો નથી. આ કેરી હોય તે જુએ, એને જ્ઞાન ફરી વળે, પણ ચોગરદમનું અજવાળું ફરી વળે, પણ કેરી ખસેડી લો એટલે પાછું કંઈ નહીં. એ હોય ત્યાં સુધી દેખાય.

આ હું અહીં બેઠો છું ને, મને જ્ઞેયમાં બધું દેખાય. તેથી કંઈ મને ચોંટે નહીં આ. અને સંસારીઓને ચોંટે. એમને તો જો કંઈ જીભને સ્વાદ આવે એવું હોય તો મનમાં ઈચ્છા થાય, અગર તો બીજું હોય ત્યારે ગુસ્સો આવે. સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : હા સમજાયું.

દાદાશ્રી : એટલે જ્ઞેયને જાણવામાં પરિણમે તો ય સંપૂર્ણ શુદ્ધ છે.

કિંમત, આત્માભાવે વર્ત્યાની !

'હું શુદ્ધાત્મા છું, મન-વચન-કાયાથી જુદો છે' એ બધું જાણ્યું તમે. અને પછી અનુભવ્યો. જોયો, જાણ્યો, ને અનુભવ્યો ! તે જોયો એ અનુભવ કહેવાય. એટલે જોયો, જાણ્યો ને અનુભવ્યો. પછી કશું રહ્યું નહીં. એ ત્રણેય પદ હાથમાં આવી ગયાં. ક્રમિકમાર્ગમાં તો એક જ પદ આવે કે જાણ્યો એટલું જ હોય.

પ્રશ્નકર્તા : સુણેલું તો બરાબર, જાણેલું પણ બરાબર. પણ જોવાનું તો બહુ ભારે લાગે.

દાદાશ્રી : એ જોવાનું એ શું છે ? તમને આત્માનો અનુભવ થાય છે ને, એ અનુભવ તો પહેલે દહાડેથી જ થાય છે. ત્યારે તો તમે ત્યાં રહો. નહીં તો રહે કે ? અનુભવ પહેલે દહાડેથી થાય છે. પછી કંઈક અડચણ આવી કે તમે જાણો કે આ ન્હોય મારું સ્વરૂપ.

પ્રશ્નકર્તા : 'આ મારું નથી' એમ થાય તો પણ ત્યાં પકડાઈ જાય.

દાદાશ્રી : તેનો વાંધો નથી. તે કોણ પકડાય ?

પ્રશ્નકર્તા : આપણે જાણીએ કે 'આ વસ્તુ ખોટી થઈ છે, ના કરવી જોઈએ' તો પણ થઈ જાય.

દાદાશ્રી : એ 'ચંદુભાઈ' કરે ને ! આપણે ક્યાં કરીએ ? એ ચંદુભાઈ પકડાઈ જાય. કારણ કે 'ચંદુભાઈ' એ કર્યું છે એટલે પકડાઈ જાય ને ! એટલે 'ચંદુભાઈ'ને કહીએ કે, 'પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.' અને એ 'ચંદુભાઈ' પકડાઈ જાય. તમે તો ના પકડાવ ને ? આત્મા થયા પછી પકડાય નહીં.

પ્રશ્નકર્તા : હવે છૂટું લાગે, પ્રતિષ્ઠિત આત્મા છૂટો લાગે. અને તમે કહેતા હતા ને, એનો બરડો થાબડવાનો ? તે જ પ્રમાણે એને જોવાનો.

દાદાશ્રી : હા, બસ. બીજું કશું નથી. ત્યાં આગળ સારા-ખોટાની કિંમત જ નથી. ત્યાં તો આપણો શું ભાવ છે ? શુદ્ધાત્માભાવે છો કે શું છો ? એની સાથે કિંમત છે.

સહિયારી માન્યતાનો ગુનો !

આપણે 'શુદ્ધાત્મા, શુદ્ધાત્મા' બોલીએ છીએ. કહેવાનો શા માટે હેતુ ? કોઈ પણ દશા થાય એમાં અશુદ્ધ છો જ નહીં તમે. કારણ કે તમે ખરેખર આ છો, પેલા નથી તમે. વચ્ચે જે અહંકારની ચોંટેલી સાંકળ હતી તે તૂટી ગઈ. હવે એ જુદું છે. પણ તમે તમારે માથે સ્વીકારી લો તો ગુનો કહેવાય. જુદા હો છો, અને પારકું દેવું લઈ લો છો. એ જાણે આપણે આ જ સહિયારું છે, એવું જુદા હોઈએ ને છતાં ય પારકું લઈએ એવું ચાલે નહીં ને હવે ?!

પરપરિણામ સામે સ્વ-જાગૃતિ...

કેટલાક તો 'મારું સ્વરૂપ ન હોય' કહે છે એટલે બધું હડહડાટ ઊડી જાય છે. કોઈક દહાડો મહીં ગોટાળો, કંઈક ઊંધું થઈને આવે ને 'મારું સ્વરૂપ ન હોય' એમ કહે તો ઊડી જાય. કારણ કે એ 'હોમ ડિપાર્ટમેન્ટ'નું ન હોય, એ બધું 'ફોરેન'નું. 'હોમ ડિપાર્ટમેન્ટ'માં તકલાદી વસ્તુ જ નથી ને ! 'પરમેનન્ટ' વસ્તુઓ જ છે બધી ! આ કાંઈ બધી તકલાદી કહેવાય ?

પ્રશ્નકર્તા : અને બધી સંયોગને આધીન છે.

દાદાશ્રી : હા, સંયોગને આધીન પાછી, અને સંયોગો વિયોગી સ્વભાવનાં છે. એટલે તમારે ધક્કો નહીં મારવો પડે. અહીં આવીને બેઠાં, તો આ ક્યારે ઊઠશે ને એવું બધું વિચારવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : એ જવાનો જ છે.

દાદાશ્રી : એનો સ્વભાવ જ વિયોગી છે. નહીં તો ઘડભાંજ થયા કરે ને ! પણ સંયોગો વિયોગી સ્વભાવનાં જ છે. એટલે બે દહાડા રહેશે કે ત્રણ દહાડા પણ ચોથે દહાડે જશે. અને નહીં તો ય તું માથાકૂટ કરીશ તો ય એ ચાર દહાડા જ છે. અને છે વિયોગી સ્વભાવના, માટે નિરાંતે સૂઈ જા, વિયોગ થવાનો છે એ ચોક્કસ છે.

પ્રશ્નકર્તા : સંજોગોમાં જે હાલી જવાય છે એ શું હશે ?

દાદાશ્રી : હાલી જાય તો તે શરીર જ ને, ચંદુભાઈ તો હંમેશાં હાલે જ ને !

પ્રશ્નકર્તા : એનું કંઈ ને કંઈ પરિણામ તો આવે ને ?

દાદાશ્રી : પરિણામ તો બધું આવે જ ને ! એને આપણે જોયા કરવાનું. આપણે કહીએ કે 'મારી ખોટ' તો વળગે, ને 'મારો નફો' કહીએ તો યે વળગે. છે જ નહીં આપણું આમાં કશું. આ તો ભ્રાંતિથી માની લીધું છે, ખાલી 'રોંગ બિલિફો' જ છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછીનું જે ગલન છે એ જોયા કરવાનું કે એને વેગ આપવા માટે કંઈક કરવું ?

દાદાશ્રી : વેગ આપનાર કોણ ? કર્તા ઊડી ગયો, પછી વેગ આપનાર કોણ ?

પ્રશ્નકર્તા : તો એની મેળે થવા જ દેવાનું ?

દાદાશ્રી : આપણે જે થાય છે એ જોયા જ કરવાનું. જે આપણે પૂરણ કર્યું હતું, એ હવે એનું ફળ આપી અને ગલન થશે. કડવું હશે તો કડવું અને મીઠું હશે તો મીઠું ફળ આપીને ગલન થાય તે આપણે જોયા કરવાનું. વેગનો કશો ડખો જ નહીં કરવાનો. 'ચંદુભાઈ' શું કરે છે એ જ તમારે જોયા કરવાનું. મનમાં જે વિચારો આવે છે એ બધા જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ.

હવે આ સીધા સાયન્સમાં જો સહેજ ભૂલ ખાય તો માર પડી જાય એવું છે. એટલે કશું ફેરફાર થઈ જાય તો મારી પાસે આવજો, હું ફરી ઓપરેશન કરી આપીશ. અણસમજણથી ફેરફાર થઈ જવાનો સંભવ ખરો ને !

પ્રશ્નકર્તા : ભૂલ કઈ ? આપણે આપણું જ્ઞાતાપણું છોડી દઈએ એ ભૂલ ?

દાદાશ્રી : જ્ઞાતાપણું છોડાય જ નહીં. જ્ઞાતાપણું જ આપણો સ્વભાવ છે ને ! અને જ્ઞેય તો નિરંતર હોય છે જ, આ જે મન છે ને તે ઠેઠ આયુષ્ય પૂરું થતાં સુધી એ ફિલ્મ દેખાડયા જ કરશે અને આપણે જોયા કરીએ. એ સિનેમાની પટ્ટી બંધ થઈ જાય તો આપણે જ્ઞાતા કેવી રીતે રહીએ ? જ્ઞેય ના હોય તો જ્ઞાતા ઊડી જાય. પણ જ્ઞાતા ઊડે નહીં. એટલે આ મન બધું જ્ઞેય છે, એ તો ઠેઠ સુધી ફિલ્મ દેખાડશે.

ડીસ્ચાર્જ ફોર્સમાં ઢસડાય ત્યાં....

પ્રશ્નકર્તા : એ જે અભિપ્રાયો આવે છે અને એ મનની ગ્રંથિઓ બૂમાબૂમ કરે છે, તે વખતે 'આપણે' એના પ્રવાહમાં ખેંચાઈ જવાય છે ને !

દાદાશ્રી : ખેંચાઈ જવાય છે તેટલું ખબર પડે ને ! એવું છે, હું એક ફેરો, ૧૬-૧૭ વર્ષનો હતો, ત્યારે ટ્રેન માટે પ્લેફોર્મ ઉપર ઊભો રહેલો અને ગાડી આવી. તે મને હું આ.... ફરતો લાગ્યો, 'અરે, હું ઢસડાયો આ તો' કહ્યું. એમ અભિપ્રાયો આવે ત્યારે હું ઢસડાયો એવું લાગે, એ એટલી નબળાઈ આપણી ! એટલે ફરી ફરી, વારે ઘડીએ નક્કી કરવું જોઈએ કે 'હું ઢસડાતો નથી, આ ગાડી જાય છે.' આ સમજાય તો પછી એવું કંઈ થતું નથી.

અમારે હજુયે એક તો એવું થયા જ કરે છે. હું ગાડીમાં જ્યારે બેસું છું ને, ત્યારે દિશા મને જડતી નથી પછી ! તે આટલી ઉંમર થઈ તોયે મને હજુ દિશા જડતી નથી. મને લાગે કે આની પાછળ થિયરી શું છે ? નહીં તો દરેકની થિયરી હું ખોળી કાઢું, પણ આટલી તો હજુ મનેય સોલ્વ નથી થતી કે ગાડી આમથી ફરીને આ બાજુ ગઈ ને, તે પછી દિશા મને જડે, એ રામ તારી માયા !! નાનપણમાંથી આ એક ખૂંચ્યા કરે, કે કોઈ દહાડો ગાડીમાં બેઠો અને પછી ગાડી આમથી આમ ફરી એટલે હું જોઉંય ખરો કે આ બાજુ કઈ દિશામાં પડે છે, અને હું જે માનું, કે આ, આ દિશા છે, એ બધી ખોટી નીકળે પાછી. એ અત્યાર સુધી, આ બોંત્તેર વર્ષ સુધી હજુ એનું એ જ છે !

આ તો બધું ડિસ્ચાર્જ છે. આપણે કોઠીમાં હિંગનો પાસ બધો ભર્યો હોય, હિંગને ગરમ કરીને એનો પાસ જ કોઠીમાં દબાણપૂર્વક ભર ભર કર્યો, પછી એ કોઠીને અહીં લાવીને છોડીએ તો ? પછી કોઈ પૂછે કે આ હિંગ કોઈ બાળે છે ? ત્યારે શું કહેશે કે ના, બા. હિંગ બાળ્યાનો વખત તો ગયો. પણ આ તો એનો પાસ ભરેલો છે તે છોડે છે. તે ક્યાં સુધી ચાલે ને કોઠી પૂરી થઈ ગઈ કે ખલાસ થઈ જાય. એના જેવું આ બધું ડિસ્ચાર્જ હવે રહ્યું છે, તે કોઈક કહેશે, આજે રાતે તો અમારે બહુ ફૂટયું'તું. તે હું શું કહું કે તારી કોઠી વહેલી ખાલી થઈ જશે. ને કો'ક કહેશે ધીમે ધીમે થાય એવું કરો ને. અલ્યા, ધીમે ધીમે કરશો તો વધારે વર્ષ ચાલશે. એટલું આપણે ઉતાવળે ફૂટે તો ખુશ થવું કે વહેલા પાર આવી ગયો અને ધીમે ધીમે હોય તોયે હેલ્પફુલ છે અને ઉતાવેળ આવે તો પેલું સમજી જવાનું કે વહેલું ઉકેલ આવી જશે. એટલે આપણે તો આમ તેમ કરીને બધુ ંએડજસ્ટમેંટ કરી લેવાનું.

ઇફેક્ટ માત્ર પારકી...

આ બધી પુદ્ગલની અસર છે. જે સહેજ પણ આપણા આનંદને-નિરાંતને હલાવે તો એ પુદ્ગલની અસર છે, ઈફેક્ટ 'પોતા' ઉપર લઈ લીધી છે કે 'મને થયું આ' - હવે, પુદ્ગલની ઈફેક્ટ થાય છે તે આપણે માથે લઈએ તે શું કામનું ? પુદ્ગલ તો ઈફેક્ટિવ સ્વભાવનું છે. એ બે જાતની ઈફકટો આપે. એક શાતા આપે ને બીજું, અશાતા આપે. એ કાયમને માટે બે ઈફેક્ટને આપણે ના અડવા દઈએ. શાતા ય ના અડવા દે, અશાતા ય ના અડવા દે, એ આપણો સ્વભાવ.

અનુભવમાં આવવા માટે....

પ્રશ્નકર્તા : ધારો કે પુદ્ગલને સુખ અને દુઃખની ઈફેક્ટ થતી હોય, અને આપણે એને જોતા હોય, તો એ અનુભવથી જુદા કહેવાય કે શબ્દથી જુદા કહેવાય ?

દાદાશ્રી : અનુભવથી.

પ્રશ્નકર્તા : દુઃખની અસર મોઢા ઉપર આવી જાય છે. એનો અર્થ એમ થયો કે સમજણમાં છે, પણ અનુભવમાં નથી. એ બરોબર ?

દાદાશ્રી : સમજણમાં છે, પણ જ્ઞાનમાં પૂરું નથી. સમજણ પાકી બેઠી છે, પણ એવો અનુભવ થયો નથી. એક ફેરો અનુભવ થાય એટલે એ ઓળંગી જાય. એ પછી કાયમનું થઈ જાય.

પ્રશ્નકર્તા : આવી સમજને અનુભવમાં લાવવા માટે શું કરવું ?

દાદાશ્રી : એ તો જાગૃતિનું કામ છે. જેટલી જાગૃતિ વધીને, તેટલું અનુભવમાં લાવે. આ 'જ્ઞાન' તો આપેલું છે. પણ જેટલી આજ્ઞા પાળો એ આજ્ઞા જ અનુભવમાં લાવે એવી છે. આપણે ધ્યેય રાખવો કે જ્યારે ત્યારે આવું થવું છે. એ નક્કી કર્યું હોય તો એ બાજુ પુશ ઓન થયા કરે.

આજ્ઞા પાળવાનો નિશ્ચય

પ્રશ્નકર્તા : આજ્ઞા પાળવાની શક્તિ જ માગ્યા કરવાની, તો જ આજ્ઞામાં રહેવાય ?

દાદાશ્રી : નિર્બળતા હોય તો શક્તિ માગવી ખરી. પણ પોતાની ઇચ્છા હોય તો કામમાં ચાલશે. પોતાની ભાવના મજબૂત જોઈશે ને ? મારે દેશમાં જવું છે એ નિશ્ચય તો જોઈશે ને ? અને પછી 'આપ આશીર્વાદ આપો' કહેવું. તો પછી પહોંચી જવાય.

ભાવના પરિણમે જાગૃતિમાં !

પ્રશ્નકર્તા : દરરોજ ઊઠી અને નિશ્ચય કરે કે 'આજે તો જે બધા માણસો મળે રસ્તામાં, બધાને શુદ્ધાત્મા જોઈને નમસ્કાર કરવા છે.' એવો નિશ્ચય કરે સવારમાં, પછી બહાર જાય તો શુદ્ધાત્મા બધામાં જોતા નથી. કામ પર લાગી જાય છે. તો એવો ટાઈમ આવશે કે જ્યારે બધામાં શુદ્ધાત્મા જ જોશે ?

દાદાશ્રી : હા, એવો ટાઈમ આવશે. એ ભાવના કર્યા કરીએ પણ ભાવના જ ના કરીએ તો એ ટાઈમ આવે જ નહીં ને ! આપણે કહીએ 'મારે અમેરિકા જવું છે.' પણ ના જવાયું. પહેલી વખત ના જવાયું, પછી બીજી વખત ના જવાયું. પછી ત્રીજી વખતે જવાય. એ ભાવના ભાવી, તે એક દહાડો જવાશે.

- જય સચ્ચિદાનંદ