કાયમનું સુખ નિરાલંબ સ્થિતિમાં !

જગત આખું અવલંબિત સુખમાં છે, બેભાનપણામાં. અવલંબન એટલે આધાર. એ આધાર ક્યારે તૂટી પડશે, એ કહેવાય નહીં. આ પડશે કે પેલું પડશે એવું થાય. અવલંબન તો ઘડીકમાં રહેશે અને પછી ઘડીકમાં ઊડી જશે. અવલંબન ઊડી જાય કે ના ઊડી જાય ? એટલે શેમાં સુખ છે ?

પ્રશ્નકર્તા : નિરાલંબ સુખમાં.

દાદાશ્રી : નિરાલંબ ! નિરાલંબ સુખ તો ક્યારેય તૂટી પડે નહીં. એટલે સુખ કેવું હોવું જોઈએ ? નિરાલંબ. અવલંબન જોઈએ નહીં. કાયમનું સુખ, નિરાલંબ ! જ્યારે જગત આખું અવલંબિત સુખમાં જ છે.

એવાં આ પરાવલંબી સુખો !

જેમાં પરાવલંબી છે એ બધું પ્રારબ્ધ છે. આપણે જપ કરીએ તો આ પગને બધું આમ તેમ ઠીક રાખવા પડે ને ? અને માથું દુઃખતું ના હોય તો જ થાયને ? નહીં તો માથું દુઃખતું હોય, તાવ ચઢ્યો હોય, તો ના જ થાયને ? પછી આપણે કરવું હોય તો ય ? માટે એ પ્રારબ્ધ છે. સુખ નિરાલંબ ના હોવું જોઈએ ? એક સારું છે ને થાય છે, અને એક સારું નથી માટે નથી થતું, એ પરાવલંબી કહેવાય ને ? અને એ બધું રિલેટિવ કહેવાય ને ?

એક મહારાજ બીજા એમના જોડીદાર મહારાજને શું કહેતા હતા ? 'મેં ચાર સામાયિક કરી, તમે બે જ કરી છે હજુ ?' બીજે દહાડે આપણે મહારાજને પૂછીએ ને, કે 'મહારાજ, આજ કેટલી સામાયિક કરી ?' ત્યારે કહે, 'આજ તો થઈ નથી.' કહેશે, 'કેમ તમે તે દહાડે ચાર કરી'તી ને ?' ત્યારે કહે, 'આ પગ દુઃખે છે.' 'ત્યારે સામાયિક પગે કરી'તી ને ?' આપણે પૂછીએ ને કે, 'તમે કરી'તી કે પગે કરી'તી ?' ત્યારે કહે, 'તે દહાડે તો મેં કરી'તી.' ઓહોહો ! અને આ તમે કરી'તી ? આ બધું પાંસરું હોય તો કરે ને ? માટે પરાવલંબી છે. પેેલો ઈગોઈઝમ એ તો અહંકારનો ગર્વરસ ચાખ્યા કરે, 'મેં કરી ! મેં કરી.' અને ગર્વરસ તો બહુ મીઠો હોય. મીઠો કેવો લાગે ? તલવારની ધાર ઉપરના મધ જેવો મીઠો લાગે, ગળ્યું લાગે અને જીભે ય કપાય જરા. જીભ કપાય ને, તેની લ્હાય બળે, અને પાછું ગળ્યું લાગે. કેવું સારું ?

પ્રશ્નકર્તા : એકે ય નહીં.

દાદાશ્રી : કેમ ? ગળ્યું નહીં સારું ? ગળ્યું તો બધા ય પસંદ કરેને ?

પ્રશ્નકર્તા : પણ જીભ કપાય પછી.

દાદાશ્રી : એ તો જોડે હોય જ ને ! જીભ કપાય તો ખરી જ ને ! કારણ કે આ સંસારનાં સુખો છે ને તે ગપ્પા નથી. લોન ઉપર છે. 'રી-પે' (ભરપાઈ) કરવા પડશે. જેટલી વધારે લોન લેશો એટલું વધારે 'રી-પે' કરવું પડશે.

સંસારી સુખો, ફ્રી ઓફ કોસ્ટ !

પ્રશ્નકર્તા : સંસારનાં સુખો ફ્રી ઓફ કોસ્ટ ક્યારે મળેલાં કહેવાય ?

દાદાશ્રી : જે ડિસ્ચાર્જ જ છે ને એ ફ્રી ઓફ કોસ્ટ જ છે. પણ ડિસ્ચાર્જમાં ચાર્જ ના થાય તો ફ્રી ઓફ કોસ્ટ છે. નહીં તો એ વાપર્યા, પાછી ઈચ્છા થઈ ગઈ, તો પાછું ચાર્જ થઈ ગયું. ઈચ્છા ઉત્પન્ન થાય છે આમાંથી. આપણું આ જ્ઞાન છે તો ઈચ્છા ઉત્પન્ન ના થાય. નહીં તો ઈચ્છા ઉત્પન્ન થઈ જાય ને !

અવલંબન, તેટલી પરવશતા !

પ્રશ્નકર્તા : આખું જગત અવલંબન ઉપર જ સુખને માની બેઠું છે, અવલંબન વગર સુખ નથી, એમ જ માની બેઠું છે.

દાદાશ્રી : અને એટલે પરવશ થયો છે બિચારો. અને જેની ઉપર અવલંબન લીધું છે, તે તો બધા 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. તમે 'પરમેનન્ટ' છો અને 'ટેમ્પરરી'નું અવલંબન લો તો શું દશા થાય ? 'ટેમ્પરરી' જતું રહે અને 'પરમેનન્ટ' ઊભાં રહે પાછાં ! પાછું બીજું 'ટેમ્પરરી' ગોઠવો. તે 'ટેમ્પરરી' ય જતું રહે. બેન્કમાં શું થાય છે ? એકલું ક્રેડિટ થાય છે ? બીજું શું થાય છે ?

પ્રશ્નકર્તા : ડેબિટ.

દાદાશ્રી : ક્રેડિટ એન્ડ ડેબિટ, આ જગત છે.

અવલંબનની જરૂર કેમ ?

પ્રશ્નકર્તા : આમાં અવલંબનની જરૂર કેમ લાગે છે ?

દાદાશ્રી : અવલંબનની ભક્તિ કરી છે તેથી, પુદ્ગલની ભક્તિ કરી છે એટલે.

પ્રશ્નકર્તા : એ પરિણામ સ્વરૂપે શું આવે છે ?

દાદાશ્રી : પરિણામ, એ ધારેલી ઈચ્છા પૂરી થાય એની.

ભૂલોને લઈને અવલંબનો !

અવલંબન ક્યાં સુધી જોઈએ ? કે માણસ જ્યાં સુધી ભૂલ કરે છે. કોઈ પણ પ્રકારની ભૂલ કરે છે, ત્યાં સુધી અવલંબનની જરૂર છે. જે એક પણ ભૂલ કરતા નથી, તે નિરાલંબ રહી શકે, તેને ઉપરીની જરૂર નથી.

એનું નામ જ્ઞાન !

જ્ઞાન તેનું નામ કહેવાય કે સ્વાવલંબી બનાવે, નિરાલંબ બનાવે. પરવશતા તો ગમે નહીં ને ? ના છૂટકે ચલાવી લે ને ! દેહ હોવા છતાં નિરાલંબ બનાવે એનું નામ 'જ્ઞાન'. અત્યારે તો અવલંબન લેવું પડે છે ને ? કેટલાં અવલંબન લેવાં પડે ?

પ્રશ્નકર્તા : ઘણાં બધાં.

દાદાશ્રી : એ અવલંબન એ જ પરવશતા. ઘરનાં માણસો કહેશે, 'આજ અમે રસોઈ બનાવવાનાં નથી.' તો પરવશતા લાગે.

ભેદ : વ્યવહાર, નિશ્ચયનો !

પ્રશ્નકર્તા : નિરાલંબ નિશ્ચયથી આવે કે દ્રષ્ટિથી આવે ?

દાદાશ્રી : તમે જે નિશ્ચય કહો છો અને આ નિશ્ચય, એમાં ફેર છે. 'અક્રમ વિજ્ઞાન' એ શું કહેવા માગે છે ? કે આ જગત વ્યવહારથી 'હું જુદો છું.' આ સ્ત્રી કે પુરુષ અમે વ્યવહારથી છીએ. વ્યવહારમાં લોકો કહે કે આ સ્ત્રી ને આ પુરુષ. ખરેખર અમે નિશ્ચયથી સ્ત્રી કે પુરુષ નથી. રિયલી સ્પીકિંગ અમે સ્ત્રી કે પુરુષ નથી, પણ વ્યવહારથી છીએ. એટલે આ જગતના લોકો તો કહે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. પણ આપણે વ્યવહાર ને નિશ્ચય બે ભાગ જુદા પાડ્યા. આપને સમજમાં આવ્યું એ બે ? વ્યવહાર બધો રિલેટિવ છે, અને નિશ્ચય બધો રિયલ છે.

દગા દે એવાં અવલંબનો !

દાદાશ્રી : ખરેખર તો અવલંબનની જરૂર નથી ને ?

પ્રશ્નકર્તા : અવલંબનની જરૂર તો નથી.

દાદાશ્રી : વ્યવહાર તો, આવી મળે એનું નામ અવલંબન ના કહેવાય. ના આવી મળે તેની જરૂર નથી. વ્યવહાર તો એની મેળે સહજ પ્રાપ્ત હોય. એ અવલંબનને અવલંબન ગણાતું નથી. સહજ પ્રાપ્ત, આપણે ના કહીએ તો ય ચા મૂકી જાય.

પ્રશ્નકર્તા : તો પીવી પડે ખરીને ?

દાદાશ્રી : તો કશો વાંધો નહીં.

પણ આ લોકોનાં અવલંબન તો દગો દે. જગતનાં અવલંબન તો દગો દે. અને અવલંબન રાખે તો દગો દે. ખરે ટાઈમે ખસી જાય. એના કરતાં તકિયો સારો કે ટાઈમે ખસી ના જાય. જીવતો હોય તો ખસી જાય. જીવતો ખસી જાય, ઊઠી જાય, હં. ના ઊઠે ? અને તકિયો ? એટલે મેં પસંદ કરેલું કે તકિયાનું અવલંબન લેજો !

હૂંફ, એ જ અવલંબન !

પ્રશ્નકર્તા : પણ માણસને અવલંબન જોઈએ છે. ઘેર બાપા માથે હોય ત્યાં સુધી હલકું લાગે. એ અવલંબન તૂટે તો એનો ભાર લાગે.

દાદાશ્રી : અવલંબન એટલે હૂંફ. દરેક માણસને હૂંફ તો જોઈએ જ. ઘેર હૂંફ ના મળે એવું હોય તો બહાર હૂંફ ખોળે પછી. એટલે આ છોકરાને મા-બાપની હૂંફ હોય તો છોકરાનું જીવન સારું રહે. છોકરાને મા-બાપની હૂંફ ગઈ તો છોકરા બહાર હૂંફ ખોળે પછી. એટલે હૂંફ જોઈએ, દરેકને હૂંફ જોઈએ. પૈણે એટલે હૂંફ આવે. હૂંફ ના હોય તો ગભરામણ થાય એને. જ્યાં સુધી માણસ નિર્ભય ના થાય ત્યાં સુધી હૂંફ ખોળે. હૂંફ એ જ સંગ છે.

પ્રશ્નકર્તા : હૂંફને લઈને પેલી ઈચ્છાઓ રહે છે એવું કહો છો ? પૌદ્ગલિક ઇચ્છાઓ ઊભી થાય છે એ હૂંફને કારણે ?

દાદાશ્રી : ઇચ્છા પૂરી થઈ એટલે હૂંફ પૂરી થઈ. પહેલાંની કરેલી ઇચ્છા એનું પરિણામ આવે, તેટલી જ હૂંફ હોય. ઇચ્છા પૂરી થાય એટલે હૂંફ પૂરી થઈ.

જ્ઞાની હૂંફે નિરાલંબ !

પ્રશ્નકર્તા : જેને જ્ઞાનીની હૂંફ મળી, એ જ્ઞાનીની હૂંફે પછી નિરાલંબ થઈ શકેને ?

દાદાશ્રી : થાયને ! નિરાલંબ થવાનો રસ્તો જ આ છે ને !

પ્રશ્નકર્તા : અને જ્ઞાનીની હૂંફ ના મળી તો ?

દાદાશ્રી : તો બિચારો વહુની હૂંફ ખોળે. કો'કની હૂંફ તો ખોળેને ! વહુની હૂંફ ના મળી તો ભાઈબંધની હૂંફ ખોળે. પણ કો'કની હૂંફ તો ખોળેને ! જ્ઞાનીની હૂંફ વગર ભટકી જ મર્યા છે ને ! જીવ પોતે હૂંફ ખોળે છે. જ્ઞાની પુરુષની બહુ હૂંફ હોય. અમે કહીએને, કે તારે કંઈક દુઃખો આવે, તો અમે છીએ. હૂંફની જ જરૂર છે ને ? શેની જરૂર છે ? હૂંફે હૂંફે જિવાય. જ્ઞાની એકલાને હૂંફ ના જોઈએ. જ્ઞાની એક જ એવા કે જેને હૂંફ ના જોઈએ, જ્ઞાની નિરાલંબ કહેવાય. એમનું બીજા અવલંબન લઈ શકે. પણ એ પોતે અવલંબન ના લે. જ્ઞાની નિરાલંબ કહેવાય. આખા વર્લ્ડમાં એકલા જ્ઞાની જ એવા હોય કે જે નિરાલંબ રહી શકે. એમને જંગલમાં બેસાડો કે ગમે ત્યાં બેસાડો, તો નિરાલંબ રહી શકે. એમને હૂંફની જરૂર નહીં.

નિરાલંબ થવાના અવલંબન !

નાનું છોકરું ય અહીં આધાર વગર બેસી ના રહે. કોઈ અવલંબન જોઈએ. ભૌતિકમાં અવલંબન વગર કોઈ ના રહે. સ્વરૂપનું અવલંબન મળ્યા પછી ભૌતિકનું અવલંબન ના રહે, નિરાલંબ થઈ જાય. અવલંબન પુદ્ગલનું લેવું ખોટું છે. આત્માનું જ અવલંબન લેવું જોઈએ. આત્મા સિવાય જે જે અવલંબનો લીધાં હોય તે જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી કંઈ વળે નહીં. સત્ એ નિરાલંબ વસ્તુ છે. ત્યાં આગળ અવલંબન લઈને ખોળવા જાય તો શી રીતે જડે ? એ તો એક જ્ઞાની પુરુષનું અવલંબન છે તો કામ થાય, કારણ કે એ છેલ્લામાં છેલ્લું સાધન છે. મૂળ આત્મા નિરાલંબ છે.

પરપરિણતિ, સ્વપરિણતિ !

મૂર્તિના અવલંબન, ગુરુનું અવલંબન, ત્યાં સુધી પરપરિણતિ અને શુધ્ધાત્માનું અવલંબન એ સ્વપરિણતિ છે. આ બધા અવલંબન કોઈએ ત્યાગેલા નહીં. આલંબન ત્યાગ ના થાય. આલંબન ત્યાગ થાય તો ક્યાં રહે ? અમારે આલંબન નથી, બીજા છે એ બધાને આલંબન છે. આ અવલંબન જ્યાં સુધી રાખ્યા છે કે આના આધારે આપણું ગાડું ચાલે છે, ત્યાં સુધી પરપરિણતિ જ છે. અને એ ત્યાગ થઈ ગયો અને પોતે શુધ્ધાત્મા થયો, એટલે પરપરિણતિ ભાંગી. નહીં તો પરપરિણતિની બહાર માણસ જાય નહીં. આ બધું પરપરિણતિ જ છે. જગતના લોકો જે માને છે તે ય પરપરિણતિ, સ્વપરિણતિ જ્ઞાની સિવાય ક્યાંથી લાવે ! એ તો જ્ઞાનીની કૃપાદ્રષ્ટિનું ફળ છે ! એટલે પરપરિણતિ આપણને ના કહેવાય. પરપરિણતિ હોયને, ત્યાં સુધી કઢાપો-અજંપો થયા જ કરે.

અવલંબનરહિત, તે મુક્ત !

ક્રમિક વિજ્ઞાન નિરાલંબી ના હોય. ત્યાં અવલંબન વગર જીવી ના શકે. આપણે નિરાલંબી.

પ્રશ્નકર્તા : હવે અવલંબન નથી જોઈતું.

દાદાશ્રી : હા, અવલંબનથી રહિત થયો કે છૂટો થયો. અવલંબનથી રહિત છે, એ છૂટો થઈ ગયો. જગત અવલંબન વગર જીવી જ ના શકે. કંઈનું કંઈ અવલંબન જોઈએ.

જ્ઞાની, યથાર્થતા સુધી અવલંબન !

પ્રશ્નકર્તા : અમને બધાને દાદાનું અવલંબન છે, તેનું શું ?

દાદાશ્રી : દાદાનું અવલંબન છે ને, તે આ દેખાય છે તે દાદાનું નથી. દાદા એટલે તમારો આત્મા જ છે એ. કૃપાળુદેવે તેથી કહ્યું ને, કે 'જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે.' જ્યાં સુધી આપણે આત્મા યથાર્થ જોયો નથી. યથાર્થ એટલે પ્રતીતિ છે, શ્રદ્ધામાં છે એ, પણ યથાર્થતા ઉત્પન્ન થઈ નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે. આ અવલંબન ના કહેવાય. તેથી અમે કહીએ છીએને, 'દાદા, દાદા કરજેને, તારું કામ થઈ ગયું ! આ દાદા ભગવાન અજાયબી છે આ કાળની !'

પ્રથમ પગથિયું !

અને તમને તો શુધ્ધાત્મા આપ્યો છે. તમે બોલો છો, 'હું શુધ્ધાત્મા છું' એ અવલંબન છે. શુધ્ધાત્મા એ શબ્દનું અવલંબન છે. પણ શબ્દનું અવલંબન ત્યાંથી જ વીઝા મળી ગયો. મોક્ષે નક્કી જવાનો થઈ ગયો, મોક્ષના દરવાજામાં પેસી ગયો. એ અવલંબનથી મોક્ષની શરૂઆત થાય છે, એમ કહે તો ચાલી શકે. આ મોક્ષ થવાનો તમને સિક્કો વાગ્યો છે. એ વાંધો પાડે એવું છે નહીં. આ શબ્દાવલંબન છે ! ને તે તમારું મોક્ષનું પહેલું પગથિયું છે.

આવ્યું અપૂર્વ ભાન !

આને શ્રીમદ્ રાજચંદ્ર શું કહે છે ? કે ''સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.''

પૂર્વે ભાન નહોતું, પૂર્વે દેહાધ્યાસનું જ ભાન હતું. દેહાધ્યાસરહિતનું ભાન અમને હતું નહીં. તે અપૂર્વ ભાન, એ આત્માનું ભાન અમને આવ્યું. જે પોતાનું નિજપદ હતું કે 'હું ચંદુભાઈ છું' એમ બોલતો હતો એ હવે 'હું' નિજમાંહી બેસી ગયું. જે નિજપદ હતું તે નિજમાં બેસી ગયું. અને જે અજ્ઞાન હતું, 'હું ચંદુભાઈ છું' એ અજ્ઞાન દૂર થઈ ગયું.

શુધ્ધાત્મા લક્ષે શુકલ ધ્યાન !

'હું શુધ્ધાત્મા છું' એ ધ્યાન રહેવું, એ લક્ષમાં રહેવું, એને 'શુકલધ્યાન' ભગવાને કહ્યું અને સમકિતી જીવને 'શુકલધ્યાન' નથી કહ્યું. અહીં ક્રમિકમાર્ગમાં કોઈને સમકિત થયું હોય તો એને શુકલધ્યાન નથી કહ્યું. આ અક્રમ માર્ગમાં તમને શુકલધ્યાન રહે છે અને શુકલધ્યાન થયા પછી મોક્ષને માટે કશું ખોળવાનું હોય નહીં, એક ક્ષણવાર પણ જો શુકલધ્યાન થયું, પછી જાતે ખોદી ના નાખે તો !

તમે રાત્રે ઊંઘમાંથી ઊઠો તો પહેલું શું યાદ આવે છે ?

પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા.

દાદાશ્રી : હા. રાત્રે ઊંઘી ગયા હોય ને જાગીએ કે તરત આત્મા સામો આવે તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો છે. આ એની ખાતરી થઈ ગઈ છે. એટલે હવે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનું છે. એ આજ્ઞા એ જ મોટામાં મોટી વસ્તુ છે.

આત્માનું ભાન થયા પછી બોલાય !

આ 'હું શુધ્ધાત્મા છું' એવું તો ઘણાં ય બોલે છે. ઊંઘમાં તમને કોઈ કહે કે 'હું તમને પાંચ હજાર રૂપિયા આપું છું !' તો તમે ક્યાં સુધી બેસી રહો ? તપાસ તો કરવી પડે ને, કે આ ઊંઘમાં બોલે છે કે જાગતા બોલે છે ? જો જાગતા બોલતા હોય તો એક-બે કલાક બેસી રહીએ. પણ ઊંઘમાં બોલતા હોય તો એનો અર્થ જ નહીં ને ! એવી રીતે આ ઊંઘમાં 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એમ બોલે છે. ભાન થયા વગર શબ્દથી બોલ બોલ કરે છે. એમાં કશું વળે નહીં. એ દોષ બેસે ઊલ્ટાં. 'હું શુધ્ધાત્મા છું' એ ભાન થયા પછી બોલાય.

થઈને બોલો - એટલે ?

પ્રશ્નકર્તા : એટલે લક્ષ આવે ત્યારે જ થાય ને ?

દાદાશ્રી : હા, લક્ષમાં આવે ત્યારે જ 'હું શુધ્ધાત્મા છું' બોલાય, કારણ કે પોતે શુધ્ધાત્મા થઈને બોલે છે. હવે 'થઈને બોલે' એની શું ખાતરી ? કે આપણે પૂછીએ કે તમને 'હું ચંદુભાઈ છું' એ ખાતરી છે કે 'હું શુધ્ધાત્મા છું' એ ખાતરી છે ? કઈ ખાતરી છે તમારી ? પછી આપણે પૂછીએ કે, 'ચંદુભાઈ ઉપરનું વહાલ ઉડી ગયું ને ? ત્યારે કહે, 'હા.' એટલે આપણને શુધ્ધાત્મા થયા, એની ખાતરી થઈ ગઈ. એ પછી શુધ્ધાત્મા થઈને 'હું શુધ્ધાત્મા છું' બોલે છે.

બહાર કોઈ ચંદુભાઈ હોય તે એમને પૂછીએ કે તમે કોણ છો ? ત્યારે એ કહે, 'હું ચંદુભાઈ છું.' તો એ ચંદુભાઈ થઈને ચંદુભાઈ બોલે છે. હવે કોઈ કહેશે કે 'એ ખરી વાત નથી, એ તો શુધ્ધાત્મા જ છે.' ના, એની માન્યતા છે જે, એ જ ખરી વાત. 'હું ચંદુભાઈ છું' એ એની માન્યતા છે.

અહીંથી સાતસો માઈલ ઉપર ખબર પડી કે 'સાંતાક્રુઝ તો અરધો જ માઈલ છેટે હતું.' હવે આપણને ત્યાં ભૂલ ખબર પડી, તો ત્યાં આપણે અરધા માઈલમાં ઉપાય કરીએ તો ચાલે, પાછું સાતસો માઈલ જે પ્રગતિ (!) માંડી છે તે પાછી નહીં કરવી પડે ? તે આ પ્રગતિ (!) માંડેલી તે પાછી કરવા માટે બોલવાનું છે. પહેલા 'હું ચંદુ છું, ચંદુ છું.' એ કરેલું, એને ભાંગવા માટે 'હું શુધ્ધાત્મા છું, શુધ્ધાત્મા છું' બોલવાનું, એના ભાગાકાર કરવા માટે. પોતે છે જ શુધ્ધાત્મા. પણ આ એની રીત ! એની રીત તો હોય ને ? તો જ ફીટ થાય. એ સાતસો માઈલ પાછું ના આવવું પડે ? 'અરધો માઈલ છેટે છે' એવું જાણ્યું એટલે આવી ગયું ? એ તો સાતસો યે માઈલ આપણે પાછું આવવું પડે અને આળસુ ત્રણ જ માઈલ અહીંથી ગયો, તો એને ત્રણ જ માઈલ આવવું પડે અને ઉતાવળીઓ માણસ સાતસો માઈલ ગયો હોય, તો એ બધું ય પાછું આવવું પડે. આવું આ જગત છે બધું !

વ્યવહારમાં વ્યવહારિક રહેવું !

'હું શુધ્ધાત્મા છું' એવું વ્યવહારમાં ના બોલશો. એનું શું કારણ ? આ સામા માણસો વ્યવહારને નિશ્ચયમાં લઈને બેઠાં છે. વ્યવહારને જ એ લોકોએ નિશ્ચય કર્યો છે કે હા, આ જ સાચું છે. ત્યાં તમે આવું બોલશો તો તમને ગાંડા કહેશે, મેન્ટલ કહેશે. એ બધાને વ્યવહારિક જવાબ આપવાના. 'હું ચંદુભાઈ છું, હું વેપારી છું', એવા વ્યવહારિક જવાબ આપવાના.

.... ત્યાર પછી મોક્ષ થાય !

અત્યારે શુધ્ધાત્માનાં શબ્દનું અવલંબન તમને આપવું પડે છે. પણ એ તમને મુક્તિએ લઈ જશે. કારણ કે એ વીસા કાઢી આપ્યો કહેવાય. શુધ્ધાત્મા એ તો મોક્ષ થવાનો થયો ત્યાર પહેલાનો તમને વિસા મળી જાય છે. એટલે શબ્દનું અવલંબન જ્યારથી પ્રાપ્ત થાય ત્યારથી એ મોક્ષમાં અવશ્ય જવાનો, એ નક્કી થઈ ગયું. આ કંઈ મોક્ષમાં તમે પહોંચી ગયા નથી. આ તો મોંબારું કહેવાય. હજુ તો મોક્ષમાર્ગમાં પ્રવેશ કર્યો, મુક્તિના માર્ગમાં પ્રવેશ થઈ ગયો, મોક્ષનો માર્ગ પામ્યા એટલે અવશ્ય મોક્ષમાં જવાના. અહીં તમને ચિંતાનો અભાવ એટલે સંસારના દુઃખોનો અભાવ રહ્યા કરે, અને તે ય સહુ સહુની સમજણ પ્રમાણે. હવે તમારો પ્રવેશ ત્યારે પૂર્ણ થશે કે જ્યારે નિરાલંબ આત્મા ભેગો થશે, એટલે હજુ તો નિરાલંબનના સ્ટેશન પર જશો ત્યાર પછી મોક્ષ થાય.

નિરાલંબન આત્મા, કેવળજ્ઞાન સ્વરૂપે !

હું નિરાલંબનના સ્ટેશન પર બેઠેલો છું. તે તીર્થંકરો જે સ્ટેશન પર બેઠા છે તે સ્ટેશન પર હું બેઠેલો છું, કે જ્યાં અવલંબન કોઈપણ રહ્યું નહીં. તેથી અમે કહીએ છીએ ને કે બધાએ આત્મા ખોળી કાઢેલો, પણ અમે નિરાલંબ આત્મા ઉપર બેઠેલા છીએ. 'શુધ્ધાત્મા' એ શબ્દનું અવલંબન અને આ નિરાલંબ આત્મા.

નિરાલંબ એટલે !

પ્રશ્નકર્તા : નિરાલંબ એટલે કેવું થાય ? કોઈની જરૂર ના પડે ?

દાદાશ્રી : એવું જરૂર ના પડે એમ નહીં. નિરાલંબ એટલે એને કોઈ અવલંબનની જરૂર જ ના હોય. અને આ તો રાતે એકલો હોય ને, તો ય કહેશે 'હું તો એકલો છું, મને રાતે નહીં ફાવે.' અને અમને ગમે ત્યાં બેસાડો ને, નિરાલંબ !

હવે તો નિરાલંબ એ જ ધ્યેય !

પ્રશ્નકર્તા : આ નિરાલંબ દશા કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : એ તમારે પૂછીને શું કામ છે ? અત્યારે તો આપણને જે પ્રાપ્ત થયું છે ને, બહુ મોટું પદ પ્રાપ્ત થયું છે. આ તો મહાપદ પામ્યા, ઘણે કાળે ઊંચું પદ પામ્યા. એ અવલંબનવાળું પદ તમને મોક્ષે લઈ જશે. અત્યારે જે પદ પ્રાપ્ત થયું છે, તે મોક્ષમાર્ગમાં આવી ગયા. સીક્કો વાગી ગયો. મોક્ષ અવશ્ય થવાનો. હવે મોક્ષ ભણી જઈ રહ્યા છો.

તો ય બહુ થઈ ગયું !

પ્રશ્નકર્તા : આ કાળમાં પણ આ મહાત્માઓને નિરાલંબ દશા થઈ શકે ?

દાદાશ્રી : એવું છે ને, આ શુધ્ધાત્મા થયો તો ય બહુ થઈ ગયું. આ ફાઈલનો નિકાલ કરે ને, તો બહુ થઈ ગયું અને લોકોને કંઈક આ રસ્તે વાળે તો બહુ થઈ ગયું.

છતાં તમને છેલ્લે એવી દશા થશે. પણ આ પાસપોર્ટ મળી ગયો. આ જ મોક્ષદશા. આને મોટામાં મોટો પહેલો મોક્ષ કહ્યો છે.

પ્રશ્નકર્તા : ગાડીમાં બેસાડી દીધાને તમે ?

દાદાશ્રી : બેસાડી દીધા એટલું જ નહીં, એ તો મોક્ષ થઈ જ ગયો. આ તો સહી-સિક્કા સાથે મોક્ષ થઈ ગયો. જો અમારી આજ્ઞા ફેરવો નહીં, તો એક જ અવતારમાં મોક્ષ છે. અત્યારે ય અહીં આગળ દુઃખનો અભાવ તો રહેવો જ જોઈએ. સાંસારિક દુઃખનો અભાવ એને પ્રત્યક્ષ મોક્ષ કહેવામાં આવ્યો છે.

છેલ્લું પગથિયું, નિરાલંબનું !

'હું શુધ્ધાત્મા છું' એવું ભાન થાય તમને. તે તમને પોતાને અનુભવ થઈ ગયો. એટલે પછી આગળ વધે. પછી ચાલ્યા જ કરે, નિરાલંબ તરફ ચાલ્યા જ કરે, નિરાલંબ સુધી. નિરાલંબ, ત્યાં પૂરું થાય છે.

પ્રશ્નકર્તા : તો શુધ્ધાત્મા છે, એથી પણ ઉપર હજુ એક નિરાલંબનું પગથિયું અમારે બાકી રહ્યું ને ! એબ્સોલ્યુટનું પગથિયું બાકી રહ્યુંને, અમારે ?

દાદાશ્રી : તે નિરાલંબ થવાનું તો વાર લાગશે હજુ. તેની ઉતાવળ ના કરશો. એ તમે મોક્ષના દરવાજામાં પેઠાં. હવે શું કરવા ગુંચાવ છો તે ? દરવાજામાં કોણ પેસવા દે ? કોઈ બાપો ય લાખ અવતારે નહીં પેસવા દે. પેસી ગયા છે એનો આનંદ માનો ને ! કે પછી એક પદ બાકી રહ્યું છે તેની ચિંતા કરવી છે ? તમને કેવું લાગે છે ? હા. પોતાની જાતને ધન્ય માનો. ધન્ય છે મને કે મોક્ષના દરવાજામાં પેઠો છું, એવું ધન્ય માનો. બીજું છે તે આગળની વાતનો બોજો રહેશે તો મનમાં એમ રહ્યા કરશે કે આપણને પેલું પદ ના આવ્યું, પેલું પદ ના આવ્યું !

પ્રશ્નકર્તા : ના. એ બોજો હલકો કરવા આપને સહજ કહીએ છીએ.

દાદાશ્રી : બરોબર છે. બોજો ઓછો કરવા માટે સમજી લેવાનું. બોજો તમારે રાખવાનો નહીં. એ તો એની મેળે સામું જ આવવાનું હવે. આ આજ્ઞા પાળોને, એ પદ સામું આવવાનું. સમજ પડી ને ? મારે ચોખ્ખું કહી દેવું જોઈએ ને, કે શું છે આ ! કરેક્ટનેસ તો આવવી જોઈએ ને ?! કેવળજ્ઞાન, એબ્સોલ્યુટ !

આટલું સમજાઈ જવું જોઈએ !

પહેલું શુધ્ધાત્મા શબ્દનું અવલંબન કરતાં કરતાં એ શબ્દો પાતળા પડતાં પડતાં, અવલંબન, અવલંબને અવલંબન, અવલંબન કરતું કરતું કરતું અહીં પહોંચાડશે. એક બાજુ જ્ઞાની છાયા અને એક બાજુ અવલંબન, એને પહોંચાડી દે. અત્યારે તો તમારે મારી પાસે આવવું પડે કે નહીં ? હજુ મારું અવલંબન લેવું પડે કે નહીં લેવું પડે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ અવલંબન કહેવાય. 'હું શુધ્ધાત્મા છું' એ અવલંબન. અત્યારે જ્ઞાનનો લાભ મળે છે ને, પૂરેપૂરો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : સર્વ સમાધાની લાગે છે ને ?

પ્રશ્નકર્તા : બિલકુલ સમાધાન.

દાદાશ્રી : કોઈ પણ જગ્યાએ સમાધાન આપે એવું છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બસ થઈ રહ્યું. એટલું સમજમાં આવી જવું જોઈએ. અત્યારે તમને જાગૃતિ વધી છે. તે સંપૂર્ણ થવા માટે તૈયારી કરી છે. તમને સમજાઈ ગયું ને હવે ?

પ્રશ્નકર્તા : હાજી.

દાદાશ્રી : સંપૂર્ણ જાગૃતિ એ નિરાલંબ કહેવાય. સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન.

અહો અવર્ણનીય, અવક્તવ્ય !

અને કેવળજ્ઞાન એટલે શું ? નિરાલંબ ! અવલંબન નહીં, કોઈ ચીજની જરૂર નહીં. માત્ર એબ્સોલ્યુટ ! અને તે એબ્સોલ્યુટ આત્મા મેં જોયેલો છે. એટલે એનાં શબ્દો નથી કે અમે તમને કહી શકીએ. એટલે બીજા શબ્દોથી તમને અંગુલીનિર્દેશ કર્યા કરીએ છીએ. એના માટે યથાર્થ શબ્દો ના હોય. કારણ કે કૃપાળુદેવે કહ્યું ને,

'' જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,

કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન જો,

અન્ય વાણી તો એહ સ્વરૂપને શું કહે ?

અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો !''

- શ્રીમદ્ રાજચંદ્ર

એટલે એને માટે વાણી હોતી નથી. નિરાલંબ પદ મેં જોયેલું છે, એટલે અમે આ વર્ણન કરી શકીએ. નહીં તો વર્ણન કરી શકે નહીં. નિરાલંબ આત્મા અમે જોયો, પણ જાણ્યો નહીં. જે તીર્થંકરોએ આત્મા જોયો'તો, તે અમે જોયો છે. જે તીર્થંકર ભગવાન સિવાય બીજો કોઈ જોઈ શકે નહીં, એ આત્મા અમે જોયો છે ને તે અનુભવીએ છીએ, ને એ દેખીએ છીએ.

વ્યાખ્યા કઈ, નિરાલંબની ?

પ્રશ્નકર્તા : નિરાલંબ દશા, નિરાલંબ સ્થિતિની વ્યાખ્યા કઈ કહી શકાય ?

દાદાશ્રી : કોઈ પણ અવલંબન વગર રહેવું. જગત આખું અવલંબનવાળું, કંઈને કંઈ પુદ્ગલનો થોડો ટેકો હોય. નિરાલંબ સ્થિતિમાં પુદ્ગલનો ટેકો ના હોય.

જ્ઞાનીપદ, નિરાલંબ સ્થિતિ !

આ જગતનું કોઈ અવલંબન અમને નથી. એ પદ આવેલું છે, નિરાલંબનું. નિરાલંબ સ્થિતિએ અમે બેઠેલાં છીએ. એ સ્થિતિ એટલે અમને કોઈ જગ્યાએ મતભેદ ના હોય, કશું જ ના હોય. કારણ કે કોઈ અવલંબન જ અડે નહીં ને ! એટલે કોઈ અવલંબનની જરૂર નહીં. ઘરમાં બેસાડે તો ય નિરાલંબ, બહાર બેસાડે તો ય નિરાલંબ ! નિરાલંબ આત્માને જગતની કોઈ ચીજ અડે નહીં, નડે નહીં, શબ્દ અડે નહીં, કશું અડે નહીં. બોલો, પછી ક્રોધ-માન-માયા-લોભની વાત જ ક્યાં કરવાની રહી ? કશું સ્ટોકમાં જ ના હોય ત્યાં નિરાલંબ પ્રાપ્ત થાય. 'હું શુધ્ધાત્મા છું' એવું ભાન થાય, એ અવલંબન પ્રાપ્ત થાય તો ય બધું બહુ થઈ ગયું. પણ નિરાલંબ આત્માએ પહોંચવું પડશે જ્યારે ત્યારે, કોઈ અવલંબન નહીં એવો !

નિરાલંબ પ્રતિનો માર્ગ !

પ્રશ્નકર્તા : એટલે દેખીતી રીતે અવલંબન દેખાય, પણ ખરેખર કોઈ અવલંબન ના હોય.

દાદાશ્રી : અવલંબન હોય નહીં. દેખીતી રીતે બીજા લોકોને દેખાય. અવલંબન ઓછા કરતાં કરતાં જવાનું છેને !

પ્રશ્નકર્તા : નિરાલંબ દશા પામવાનો માર્ગ એવો છે.

દાદાશ્રી : અવલંબન ઓછાં કરતાં કરતાં જવાનું.

પ્રશ્નકર્તા : આમાં આ અવલંબન છૂટવા માટે એક બીજો પણ રસ્તો હોઈ શકે ને ? એટલે કે જ્ઞાનની જાગૃતિપૂર્વક પણ અવલંબન છૂટી શકે ને ?

દાદાશ્રી : જ્ઞાન જાગૃતિ છે ત્યાં અવલંબન છે જ નહીં ને ! આ તો હજુ બીજામાં એને હેબિટ છે એટલે !

ત્યાં 'પોતે' પોતાને 'જોઈ' શકે !

નિરાલંબ થાય ત્યારથી એ પોતે પોતાને જોઈ શકે. એ શબ્દરૂપ નથી. શબ્દ તો અવલંબન છે.

પ્રશ્નકર્તા : કોઈ પણ જાતનું અવલંબન હોય જ નહીં, એને, એ સ્થિતિ નિરાલંબ કીધી, તો આ રાઈટ બીલિફ આખી નિરાલંબ સ્થિતિને લાવનારી છે.

દાદાશ્રી : એ જ, એ ! મહીં તો પેલી રોંગ બીલિફ છે તેથી તો અવલંબન વધતા જાય, સંયોગો વધતા જાય.

પ્રશ્નકર્તા : અત્યારે સંજોગો ભેગા થાય છે એ પૂર્વના કંઈક અવલંબનનું પરિણામ છે ?

દાદાશ્રી : ઈચ્છાઓનું પરિણામ છે.

પ્રશ્નકર્તા : પહેલાંની ?

દાદાશ્રી : અત્યારે ઇચ્છા ના રહીને ! એટલે બધા સંજોગો ભેગાં થાય પણ કડવા ઝેર જેવાં લાગે, ગમે નહીં.

પ્રશ્નકર્તા : પણ બંધનકર્તા અવલંબનો ક્યા ક્યા હોય ?

દાદાશ્રી : ઇચ્છાઓ બધી !

પ્રશ્નકર્તા : એટલે આમ દાખલા તરીકે ઘરનું અવલંબન, બૈરીનું અવલંબન....

દાદાશ્રી : અરે, એ તો બધા ગણતરીમાં કંઈ લેવાતાં હશે ?

પ્રશ્નકર્તા : એ નહીં, તો ?

દાદાશ્રી : એ તો મોટું મોટું ગણાય. આ તો એક સર્કલની વાત કરીએ છીએ. પાંચ-સાત અવલંબન જેવું બાકી હોય. આ ઘર, સ્ત્રી એ તો કરોડો અવલંબન હોય. આ તો સ્ત્રી નહીં, બધું ય, આરપાર ગયેલો છતાં પાંચ-સાત સંયોગોમાં અવલંબન હોય તો ય પણ ત્યાંથી નિરાલંબ કહેવાતા જાય.

અવલંબનોથી છૂટવાની દ્રષ્ટિ !

અત્યારે તો આ જ્ઞાન પછી 'હું શુધ્ધાત્મા છું' એ સર્કલમાં આવ્યો.

પ્રશ્નકર્તા : આ આપણા બધા મહાત્માઓ ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા પદ એ પણ નિરાલંબ સ્થિતિ લાવનારું છે ને ? આ ફાઈલોનો નિકાલ થાય તેમ તેમ પેલું પદ, નિરાલંબ સ્થિતિનું આવતું જાય ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એટલે આ ફાઈલોનો નિકાલ થઈ જશે, એમ નિરાલંબ સ્થિતિ વધારે ઉત્પન્ન થશે ?

દાદાશ્રી : થઈ જ ગયેલી છે એને.

પ્રશ્નકર્તા : પણ આનો નિકાલ ?

દાદાશ્રી : નિકાલ થતો જાય. કારણ કે આના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ ને તો યે થોડા ઘણાં રહી જાય. પણ પોતાનું સ્વરૂપ દેખાઈ જાય, એના આધારે સંપૂર્ણ સંયોગોનો નાશ કરી શકે. નહીં તો કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : આપણા જ્ઞાન પછી પોતે શુધ્ધાત્માપદને પ્રાપ્ત થયો, એટલે દ્રષ્ટિ એને નિરાલંબની પ્રાપ્ત થઈ કહેવાય ?

દાદાશ્રી : હા, નિરાલંબ જ હોય.

પ્રશ્નકર્તા : છતાં પેલું અંદર ઊભું થાય, અથવા તો અંદર પડી રહેલા પરિણામ હોય, એનો નિકાલ કેવી રીતે થાય ?

દાદાશ્રી : કડવું ઝેર જેવું લાગ્યા કરે એટલે છૂટ્યા કરે.

પ્રશ્નકર્તા : જ્યાં જ્યાં હૂંફ લેવાતી હોય, જે જે અવલંબન લીધાં હોય અથવા લેવાતાં હોય, એ કડવા ઝેર જેવા લાગવાં જોઈએ ?

દાદાશ્રી : એવું જ લાગે ને ! જેટલા સંયોગ એટલા અવલંબન.

પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે પોતે અવલંબનથી ગ્રહાયેલો છે, એવું ?

દાદાશ્રી : બધું ખબર પડે. કડવું ઝેર એને ના ખબર પડે ? મીઠું લાગે કે કડવું લાગે તે ? સંયોગો માત્ર અવલંબન છે !

જ્ઞાતા-દ્રષ્ટા, તેટલો નિરાલંબ તરફ !

પ્રશ્નકર્તા : અવલંબન બે જાતના કીધાં. એક તો મીઠાશવાળાં અવલંબનો ને બીજાં કડવાશવાળાં અવલંબનો, બરોબરને ?

દાદાશ્રી : બે જાતના સંયોગો હોય છે જ ને !

પ્રશ્નકર્તા : હા. તો એ બે જાતનાં અવલંબનો ઊભા થાય અંદર. પણ પોતે ખસી જાય તો એ નિરાલંબ સ્થિતિ તરફ જઈ શકે ?

દાદાશ્રી : શી રીતે ખસી જાય પણ ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાનની જાગૃતિથી.

દાદાશ્રી : એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય તો ખસી જવાય.

જ્ઞાતા-દ્રષ્ટા ને વીતરાગતા !

પ્રશ્નકર્તા : સંજોગો તો આપને ય ભેગા થાય છે. પણ આપ નિરાલંબ સ્થિતિવાળા છો, એ કેવી રીતે ?

દાદાશ્રી : આ તો સંયોગો અમારે જરૂર જ નથી ને બીજા આ ભેગા થાય છે, એનો નિકાલ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : આ જે વ્યવહાર અને સંજોગો, આપને પણ આજુબાજુ છે, મહાત્માઓને પણ આજુબાજુ છે, પણ એવું કંઈક વચ્ચે છે કે જે આપને નિરાલંબ સ્થિતિમાં રાખી શકે છે, એ શું ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે, વીતરાગતા રહે અમને.

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ જ્ઞાતા-દ્રષ્ટા રહ્યું કે ભૂલવાળું છે, એમાં ખબર પડી શકે ને ? એમાં કરેક્ટનેસ શું હોઈ શકે ?

દાદાશ્રી : પોતાને ખબર પડી જાય. એ ના જ કહે કે હું રહ્યો જ નથી.

એ બન્ને સ્થિતિ જુદી જુદી !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પેલું અમને સ્વરૂપ દેખાઈ ગયેલું એટલે આ બાજુ નિરાલંબ સ્થિતિ રહી શકે. તો જ્ઞાતા-દ્રષ્ટાપણામાં પણ એવું જ હોય ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટામાં તો પોતાને ખબર પડેને ?! ઉપયોગમાં રહે તો ખબર પડે છે ને ?

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવું અને સ્વરૂપ દેખાઈ જવું એ બન્ને એક જ સ્થિતિ છે કે ફેર છે એમાં ?

દાદાશ્રી : જુદું જુદું છે. જ્ઞાતા-દ્રષ્ટા તો દરેક માણસ રહી શકે. ને સ્વરૂપ દેખાઈ જવું, એ છે જ નહીં કોઈને ! કોઈને હોય જ નહીં ! બધા સંજોગો હોય તે બધું ભેગું થાય. ટેન્શન વગરનું જીવન હોય, હાસ્ય ઉત્પન્ન થાય, એટલે બધું ભેગું થાય. ત્યાર પછી સ્વરૂપ દેખાય. એ ઓછું ગપ્પું છે તે ? આપણે તો આજ્ઞામાં રહો. આ વાતને સમજવું એ જુદી વસ્તુ છે.

આટલું જ નક્કી કરી નાંખોને !

આ પાંચ આજ્ઞામાં રહેવાનું નક્કી કરી નાખોને કે ભઈ, આપણે પાંચ આજ્ઞામાં રહેવું છે. પછી શી જરૂર પડે ? પછી કંઈ જરૂર જ નથી પડતી, નહીં ? આ આજ્ઞા જે તમને આપી છે તે આજ્ઞામાં રહો. બીજી ડખલો ના કરશો. ઊંડા ઉતરશો નહીં. આજ્ઞા ચૂકી જશો પાછી !

એ હોય, ન્હોય પોતાનું સ્વરૂપ !

એક માણસને ચોગરદમ અરીસા ગોઠવેલા હોય, નીચે અરીસા ને ઉપરે ય અરીસા, પછી એ માણસને મહીં પેસાડયો હોય તો શી દશા થાય ?

પ્રશ્નકર્તા : પાગલ થઈ જાય. ચારે બાજુ પોતે જ દેખાય ને !

દાદાશ્રી : જ્યાં ને ત્યાં પોતે ને પોતે, જ્યાં જુઓ ત્યાં પોતે ! એટલે જ્યાં સુધી એ થાકીને ઊંઘી ના જાય, ત્યાં સુધી એનું દુઃખ સમાય નહીં. પણ તમારા જેવા જ્ઞાન પ્રાપ્ત કરીને અહીં મોકલ્યા હોય, તો તમને કશી હરકત ના આવે. તમે જુઓ, આરામથી જુઓ. શું જુઓ ? પુદ્ગલને જ જુઓ. અને પોતે જ્ઞાતા છે, જ્ઞાયક સ્વભાવના છે. આ જ્ઞેય છે. આ તો પોતે જ મહીં છે એવું માને. આ હું, આ હું, આ હું... તે પછી શી દશા થાય ?

એવું રહ્યું નિજ સ્વરૂપ !

લોક આપણી જોડે લઢે, તોફાન માંડે, આપણી પર ઢેખાળો નાખે, તો ય પણ આપણું સ્વરૂપ એવું છે કે આપણને ઢેખાળો વાગે એવું નથી. પેલાં તો જાણે કે હું આમને મારું પણ આપણને વાગે નહીં. આપણું સ્વરૂપ એવું છે કે કશું વાગે નહીં, દેવતા નાખે તો ય કશું ના થાય. તારે જે નાખવું હોય તે નાખ, હું છું ને તમે છો ! આ તો તાવ આવ્યો હોય ને, તો 'મને તાવ આવ્યો, તાવ આવ્યો' કર્યા કરે. અલ્યા, ન્હોય એ તારું સ્વરૂપ !

પોતે જ્ઞાયક ને આ બધું જ્ઞેય, એને જોયા કરવાનું. જ્ઞાયકભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી, એનું નામ કેવળજ્ઞાન. કરવાપણું એ ભ્રાંતિ કહેવાય.

'જોવા'ની બાબતમાં જુદું નહીં !

પ્રશ્નકર્તા : આવી જાગૃતિ સ્થિતિ બધાને આવતી હશે ને ? જે કેવળજ્ઞાન તરફ જતાં હશે, એને બધાને આવતી હશે ને ?

દાદાશ્રી : બધાને આ લાઈને જ જવાનું. બીજી લાઈન જ નહીં ને ! લાઈન તો એક જ ને ! ભલે આપણું અક્રમ હોય કે ક્રમિકમાર્ગ હોય. પણ જોવાની બાબતમાં લાઈન એક જ.

પ્રશ્નકર્તા : અને આવું થાય પછી જ મોક્ષે જાય એ ?

દાદાશ્રી : પછી જ મોક્ષે જાય. કેવળી હોય કે તીર્થંકર, લાઈન તો એક જ.

આજ્ઞા થકી પૂર્ણતા સાધવી !

માટે આ આજ્ઞામાં રહો, એટલું જ. બસ, બીજું કશું નહીં. એનું ફળ આવશે. અત્યારે ભણતા હોય ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ કે ચોથા-પાંચમામાં, ને અમથા કૂદાકૂદ કરીએ મેટ્રિક સુધીનું, એનો શો અર્થ છે તે ?! હજી હાસ્ય ઉત્પન્ન થયું નથી. ટેન્શન ગયા નથી. વાતને સમજી લેવી એ વસ્તુ જુદી છે. પણ વગર કામનાં ફાંફાં મારવા, કૂદકા મારવા, તે નીચે પડી જશો કો'ક ફેરો ! એટલે આજ્ઞામાં રહીને ધીમે ધીમે આગળ વધો ને અને આ તો કંઈ આ ભવમાં પૂરું થવાનું છે ? કંઈ હજુ કેટલા ભવમાં થશે, તેનું ઠેકાણું નહીં ને ! ખોટા કૂદકા મારીએ, તેનો શો અર્થ છે ? એટલે આપણે આજ્ઞામાં રહેવું અને જગત કલ્યાણની ભાવના કરવી.

ધ્યેય જ નિરીચ્છકનો....

શુભેચ્છાથી માંડીને નિરીચ્છક થતાં સુધી બધું કષાયથી જ ભરેલું છે. નિરીચ્છક ના થાય ત્યાં સુધી કષાય છે. શુભેચ્છાથી નીચે તો પાર વગરના કષાય છે. પણ શુભેચ્છાથી માંડીને કષાય છે તે ઠેઠ નિરીચ્છક થતાં સુધી કષાય છે. નિરીચ્છક થયા પછી કષાયરહિત થયો. નિરીચ્છક સુધી જવાનું છે.

'કામ'માંથી જન્મી ઈચ્છાઓ....

બધી જ ઇચ્છાઓની જનેતા કામ ! ઈચ્છાઓ કામમાંથી જ જન્મેલી. ભાવ જો એવા કર્યા હોય ને, કે 'મને આ જગતમાં વિષયવિચાર જોઈતો જ નથી.' તેને કશું જોઈએ નહીં. આગળ બીજ ના નાખ્યું હોય તો ફળ ઊગે નહીં ને ? આ તો બીજ નાખ્યાં પછી બૂમો પાડે કે, 'મારે આ ના જોઈએ.' એ ના ચાલે. વિષયનાં બીજ નાખ્યાં, પોતાને સંસારી થવાની ઇચ્છાઓ છે, સાસુ થવાની ઇચ્છા હોય, કોઈને મધર થવાની ઈચ્છા હોય. એટલે બધાને મહીં અંદર ઈચ્છાઓ હોય જ. એ તો મોઢે ના બોલે. હું પૂછું ત્યારે બોલે. જેઠાણી થવાની યે ઈચ્છા હોય છે. 'હું જેઠાણી થઈશ.' લે, એને લાડવા મળવાના હોય, એમ !

પ્રશ્નકર્તા : દેરાણી પર ઓર્ડર કરી શકાય ને ?

દાદાશ્રી : હા, ઓર્ડર કરે પછી. એટલે આ બધું પોતાની ઈચ્છાઓ, મહીં ઈચ્છાઓ લઈને આવેલો છે. પુણ્ય કર્યું હોય તો આપણી ઈચ્છા પ્રમાણે બધી વસ્તુઓ મળી આવે, અને પાપ કર્યું હોય તો આપણી ઈચ્છા વિરૂદ્ધ મળી આવે, ના ગમતું મળી આવે.

પ્રશ્નકર્તા : બી નાખ્યાં હોય છે તે અને જ્યારે ક્રિયાઓ ઈટ હેપન્સ થાય છે, એ બેના કાળમાં ફરે છે ?

દાદાશ્રી : હા, ફેર છે.

પ્રશ્નકર્તા : તો પછી વાંછના કરવાનો અર્થ શો ?

દાદાશ્રી : એવું છે ને, એક માણસને પૈણવાનું ના મળ્યું તે એને ઠેઠ સુધી મનમાં ને મનમાં રહ્યું, પૈણવાની ઇચ્છાઓ થયા કરે. પછી આખી જિંદગી, છપ્પનમેં વર્ષે ય ઈચ્છા રાખતો હતો કે 'હવે કંઈક મળશે.' પણ તે આ બધી ઈચ્છાઓ ફળીભૂત થતી નથી. પણ ઈચ્છા કરી છે એટલે એનું એક બીજ બંધાય છે. એ ઈચ્છાઓની ગ્રંથિ બંધાઈ જાય છે. તે આવતે ભવ એ ઈચ્છા હતી ત્યારે એની પૂરી થાય, ગમે તે રસ્તે. પૈણવાની ઈચ્છા હતી ત્યારે પૈણવાનું ના મળ્યું ને પૈણવાનું મળ્યું ત્યારે ઈચ્છા ના રહી. આ બન્નેના કાળ જુદા છે. ભોગવટાનો કાળે ય જુદો હોય છે. ઈચ્છાઓ થાય એ અમુક કાળે થાય અને જ્યારે પોતાને ના ગમતું હોય ત્યારે ભોગવટો થાય.

જીવાત્માને આ સાંસારિક-ભૌતિક સુખની ઈચ્છાઓ થાય છે. એ બાબત તો રિલેટિવ છે. એ સંજોગોના અનુસાર થાય છે. નહીં તો આ ઈચ્છા કરે જ નહીં. કોઈ જીવ આવી ઈચ્છાઓ કરતો હશે, રીંગણાના શાક ખાવાની ને બધી ?! દેખાદેખીની ઈચ્છા કો'કવાર આવે, વારેઘડી ય ના આવે. તે આવે તો તે હાર્ટિલી ના આવે.

ઈચ્છાઓ ભોગવવાથી ઓછી થવાનું માનવું, એ ડબલ ભ્રાંતિ છે. સંસારની ભ્રાંતિ સારી છે, પણ પેલી તો ડબલ ભ્રાંતિ છે. ઈચ્છાઓ ભોગવવાથી પછી વિફરે. સમજપૂર્વક ઓછી કરવી. નહીં તો ઈચ્છાનો પાર જ નથી. તેથી આ લોકો ત્યાગ લે ને, એક કુંડાળું કરે !!

ઈચ્છા, પ્રગટ અગ્નિ સમાન !

શી મહત્ત્વકાંક્ષા છે તમારી ? શું થવું છે ?

પ્રશ્નકર્તા : કંઈ નહીં. એ તો હું મારી ફેકટરી જે ચલાવું છું, એને સારી રીતે ચલાવવાની એક તો ઈચ્છા છે.

દાદાશ્રી : પણ તે સારી ચાલે, ત્યાર પછી શું વાંધો આવે છે પાછો ?

પ્રશ્નકર્તા : પછી કોઈ વાંધો નથી.

દાદાશ્રી : એથી વધારે આગળ નહીં ને ?

પ્રશ્નકર્તા : પણ આમાં નિષ્ફળતા પણ આવે ને સફળતા પણ આવે ને ?

દાદાશ્રી : પણ નિષ્ફળ ના થાય તો ? એ ઈઝિલી ચાલ્યા કરતું હોય તો પછી વાંધો ખરો ? કે બીજી પાછી મકાન બાંધવાની ઈચ્છા થાય ?

પ્રશ્નકર્તા : હાલ તો મને કોઈ ઇચ્છા નથી એવી.

દાદાશ્રી : એ તો જ્યારે ઇઝિલી ચાલેને, ત્યારે ઈચ્છાઓ થાય. ઈઝિલી ચાલે એટલે ઈચ્છા થાય. ઈઝિલી ના ચાલતું હોય તો કહેશે, 'ઈઝિલી ચાલે તો સારું ?' પણ કશી આશામાં હોય એ.

પ્રશ્નકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : એટલે આમાં તો જેમ લાકડાં નાખેને, તેમ વધારે ને વધારે અગ્નિ સળગે, ને પછી એ અગ્નિ વધતી જ જાય દહાડે દહાડે.

સંતોષથી ઈચ્છા શમાય !

સંતોષ ધન આવે, પછી એની ખુમારી જ ઓર પ્રકારની હોય. કરોડોમાં એકાદ માણસ હોય. સંતોષી સ્વભાવ હોય તેને સંતોષ ભેગા થાય. અસંતોષી તો ખોળ ખોળ કરે પૈસા. સંતોષ એ એક પ્રકારનું જ્ઞાન છે. અમુક સમજણ આવે પછી જ સંતોષ રહે. સંતોષ રાખ્યો ના રહે.

પ્રશ્નકર્તા : સંતોષ એ એક પ્રકારનું ડેવલપમેન્ટ છે ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એ ડેવલપમેન્ટ કેવી રીતે થાય ?

દાદાશ્રી : અનેક અવતારનું તારણ કાઢેલું કે 'આમાં સુખ નથી, આમાં સુખ નથી.' એને તારણ કહે છે. વેપારી યે ખત્તા ખાયા પછી સંતોષી થાય છે.

'જ્ઞાન' મળ્યા પછીની ઇચ્છાઓ ?!

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી પણ આપણી મહીં ભૌતિક સુખોની ઈચ્છા થયા કરે. તો જ્ઞાન નથી બેઠું બરાબર ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : સ્કૂટર લીધા પછી ગાડીની ઇચ્છા થાય.

દાદાશ્રી : અરે, ફરી પૈણવાની ઈચ્છા યે થાયને ! છતાં ય આપણે આ 'જ્ઞાન' પછી તમને લેટ-ગો કર્યા છે. તમે આટલી બધી ઇચ્છાઓમાં નિરીચ્છક છો. તમે શુધ્ધાત્મા છોને? અને આ ઈચ્છાઓ છે એ ડિસ્ચાર્જ ઇચ્છાઓ છે. તેને અમે કષાયરહિત કહીએ છીએ. અત્યારે ખાવાપીવાની બધી તમને જે ઈચ્છાઓ થાય છેને, તો ય કષાયરહિત કહીએ છીએ. બે પ્રકારની ઇચ્છા, એક ડિસ્ચાર્જ ઇચ્છાને બીજી ચાર્જ ઇચ્છા. તમારે ડિસ્ચાર્જ ઇચ્છા થાય. ઇચ્છાઓ છે એટલી બધી પૂરી થઈ જવાની. બીજી ફરી ના થાય. કોઈને ફરી પૈણવાની ઈચ્છા હોય, તેને અમારાથી ના ન પડાય, પણ અમે કહીએ કે અમને પૂછીને પૈણજે.

તમને ઇચ્છાઓ છે, એનો વાંધો નહીં. ઇચ્છાઓ છે એ ડિસ્ચાર્જ છે, જ્ઞાન છે તેને. આ જ્ઞાન નથી, તેને અહંકાર છે. એટલે ચાર્જ થાય છે. આમને ઈચ્છા થાય છે, પેલા ઇચ્છા કરે છે. ઇચ્છા થઈ તેને બંધન નથી, ઇચ્છા કરે એને બંધન છે.

ફેર, 'ઈચ્છા થવી' ને 'ઈચ્છા કરવી'નો !

પ્રશ્નકર્તા : ઇચ્છા થવી અને ઇચ્છા કરવી, એમાં ફેર ?

દાદાશ્રી : કર્તા હોય તો ઈચ્છા કરેને ?

પ્રશ્નકર્તા : ઈચ્છા થવી અને કરવી, એ જુદું અનુભવવું કેવી રીતે ?

દાદાશ્રી : એ અનુભવ કરવાની જરૂર નથી. તમે ખરેખર 'ચંદુભાઈ' છો કે 'શુધ્ધાત્મા' છો, તો તમારે ઈચ્છા માટે 'નો રિસ્પોન્સિબિલિટી' ઇચ્છા 'મેં કરી' એમ આધાર કર્તાનો આપે છે તેથી કર્મ બંધાય છે. પણ આધાર નિરાધાર થયો એટલે ઈચ્છા ખરી પડે. અજ્ઞાનતા છે ને, એટલે આધાર આપે છે. અજ્ઞાનતામાં ખરેખર 'હું ચંદુભાઈ છું' જ એમ માને છે, ડ્રામેટિક નહિ.

ઊંધા ઉપાય, ત્યાં શું થાય ?

ઇચ્છાઓથી જગત ઊભું થયું છે ને ઇચ્છાઓ નાશ થવાથી જગત નાશ થાય છે. ઇચ્છા એ પ્રગટ અગ્નિ છે ને ઓલવવા બધા જાય છે તે પાણીને બદલે પેટ્રોલના ડબ્બા નાખે છે.

અશુધ્ધ ચિત્ત એ જ ઉદ્ભવ સ્થાન !

પ્રશ્નકર્તા : ઈચ્છાઓનું ઉદ્ભવ સ્થાન પણ અશુધ્ધ ચિત્ત છે ?

દાદાશ્રી : આ ઈચ્છાનું ઉદ્ભવ સ્થાન બધાનું જ કારણ અશુધ્ધ ચિત્ત જ છે. અશુધ્ધ ચિત્તમાંથી જ આ મન ઊભું થયેલું છે, મનમાંથી અશુધ્ધ ચિત્ત થયું નથી. અશુધ્ધ ચિત્તમાંથી જ આ મન, બુદ્ધિ, અહંકાર-બધુંં એમાંથી જ ઊભું થયું છે.

પ્રશ્નકર્તા : ઈચ્છાઓ તો શુધ્ધ પણ હોઈ શકે ને અશુધ્ધ પણ હોઈ શકેને ?

દાદાશ્રી : હા, પણ એ અશુધ્ધ ચિત્તને કારણે છે. શુધ્ધ ચિત્ત છે તો પછી ઈચ્છા જ ના હોય ને ! ઇચ્છા છે તે ય અશુધ્ધ ચિત્તને કારણે છે. અશુધ્ધ ચિત્તથી જ આ દેહ બધું ઊભું થયેલું છે. આ દેહ છે તો ખાવા-પીવાનું બધું જોઈએ ને તે પછી એના માટે ઈચ્છાઓ થાય. અને 'આપણે' હવે પાછા ફર્યા માટે આપણી ખાવાની ઇચ્છાઓને, એ બધીને આપણે આથમતી ઇચ્છા કહીએ છીએ. એ ઇચ્છાનું બીજ બળી ગયેલું છે. એટલે પછી એ ફળવાળી નહીં થાય. જે બીજ શેકી નાખેલા છે, એ ફરી ઉગે નહીં. તે એવી આ ઇચ્છાઓ શેકાઈ ગયેલી છે, એ ફરી ઉગે નહીં.

આથમતામાં અભિપ્રાય શા ?

પ્રશ્નકર્તા : હવે ચિત્તવૃત્તિઓને સંકેલી લેવાની છે અને જ્યાંથી ત્યાંથી પાછું આવવું છે.

દાદાશ્રી : પાછા આવવાની જરૂર નથી. ઇચ્છા પૂરી થઈ ગઈ કે સમેટાઈ ગયું. આપણને ચા પીવાની ઇચ્છા પૂરી થઈ ગઈ, એટલે ના પીવાય. પાછા આવવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : 'હું અવિનાશી જ છું' એવું થઈ જાય ને, ત્યારે જ વિનાશી ચીજમાં ચિત્ત ના જાય. અત્યારે અમને બંને રહે છે. વિનાશી ચીજમાંથી ચિત્ત કેમ કરીને જાય ?

દાદાશ્રી : હજુ ચીજો ઉપર ઇચ્છા બહુ છે, હજી ઇચ્છા મજબૂત છે. ઇચ્છા ઢીલી થાય કે બધું ઊડી જાય. આ વિનાશી ચીજોમાં તો સુખ હોતા હશે ? કેરીનો રસ ને પુરીમાં સુખ માનીએ ને વધારે ખઈએ તો શું થાય ! ગભરામણ થાય. સુખ એવું હોવું જોઈએ કે ક્યારેય ગભરામણ થાય નહિ. માટે 'જ્ઞાની' ઇચ્છા કરતા નથી. રોજ રોજ જલેબી ખાધા પછી ચાની ઇચ્છા જતી રહે, એનાં જેવું જ્ઞાનીને રહે.

રસ-રોટલી ખાવા માટે વાંધો નથી. પણ રસ-રોટલી ખાવાની ઇચ્છા કર્યા કરે છે, તેનો વાંધો છે. જલેબી અને ગાંઠિયા ખાવાની ઈચ્છા થઈ, એટલે હોટલમાં જઈને જલેબી ને ગાંઠિયા ખઈ આવે, એટલે સંતોષ થાય. પણ ફરી પાછી ઈચ્છા લાગે વધારે. એના કરતાં આપણે ઈચ્છા બંધ કરી દઈએ તો એ બંધ થઈ જાય.

ઇચ્છાઓ થાય તેનો વાંધો નથી, પણ ઈચ્છાઓમાં લપટાવું તે વાંધો છે. ઇચ્છા થાય, તમે ખાવ, તો વાંધો નહીં. પણ લપટાશો નહીં. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેનો વાંધો નથી ને આઈસ્ક્રીમ ખાધો તેનો ય વાંધો નથી. પણ મહીં લપટાશો નહીં પાછાં કે 'બહુ સરસ છે.' એવું 'બહુ સરસ છે' કહ્યું, એટલે લપટાયા પાછાં. ઓપિનિયન નહીં આપો. આપણો અભિપ્રાય કેવો હોય, 'આ હોવું ન જોઈએ.' તેમ એનો તિરસ્કારે ય નહીં કરવાનો. 'આ હોવું ના જોઈએ' એવું જ્ઞાન હોવું જોઈએ આપણું.

પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાય ફેરવવો જોઈએ. જો અભિપ્રાય ના ફેરવે તો ?

દાદાશ્રી : તો એ ઇચ્છા ફરી આવીને ઊભી રહે. ઇચ્છા ઉત્પન્ન થાય તો આપણે જાણીએ કે આ અભિપ્રાય આવીને ઊભો રહ્યો. છેવટે અભિપ્રાય જ છોડવાનો છે. અભિપ્રાયથી મન ઊભું થયું છે, ને તેનાથી સંસાર ઊભો થયો છે.

પ્રશ્નકર્તા : અને ઇચ્છા-વાસનાઓ ઓછી ના થાય ત્યાં સુધી મન કાબૂમાં ના આવે.

દાદાશ્રી : મન કાબૂમાં ના આવે ત્યાં સુધી ઈચ્છા-વાસનાઓ જાય નહીં.

નિશ્ચય જુદો : ઈચ્છા જુદી !

પ્રશ્નકર્તા : ઇચ્છા અને નિશ્ચયમાં શું ફેર ?

દાદાશ્રી : ઇચ્છા એટલે તો પોતાની ગમતી વસ્તુ, ને નિશ્ચય એ તો એક્ઝેક્ટનેસ છે. નિશ્ચય એટલે નિર્ધાર કર્યો કહેવાય. મનગમતી વસ્તુ લેવા, કેળાં લેવા ઇચ્છા કરવી પડે. ને કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. અનિચ્છાવાળી વસ્તુ લેવા જતાં માણસ કેટલી સ્પીડે ચાલે ? અને નિશ્ચય આ બન્નેથી પર હોય.

મોક્ષેચ્છા ત્યાં ઈચ્છા-બીજ ક્ષય !

બાકી એક જ ભાવના હોય કે 'મારે મોક્ષ સિવાય બીજી કંઈ ચીજ જોઈતી નથી.' તો આ બધું ના ભેગું થાય. બીજ નાખ્યા ના હોય, તો પછી આવે જ ક્યાંથી ?!

જ્યાં જવું છે, ત્યાંની ઈચ્છા હોવી ઘટે !

પ્રશ્નકર્તા : મોક્ષની ઇચ્છાથી મોક્ષ ખોવાઈ ના જાય ?

દાદાશ્રી : મુંબઈ જવાની ઇચ્છા કરીએ, તો મુંબઈ ખોવાઈ જાય ?!

પ્રશ્નકર્તા : તો મોક્ષે જવું સારું કે અહીં રહેવું સારું ?

દાદાશ્રી : એવું છે, પોતાના હાથમાં સત્તા નથી. અહીં રહેવાનું સારું કહો ને, તો એનો ટાઈમ થાય એટલે મોક્ષે જવું પડે. મોક્ષે જવાની ઇચ્છા કરે, પણ એને અહીં ભટકવાનું બાકી છે એટલે છૂટકો ના થાય. એટલે આપણા હાથમાં સત્તા જ નથી.

પ્રશ્નકર્તા : તો મોક્ષની ઇચ્છા કરવી જોઈએ કે નહીં ?

દાદાશ્રી : જેને મોક્ષનો માર્ગ મળી ગયો છે તેને ઇચ્છા કરવાની જરૂર નથી, ને જેને મોક્ષમાર્ગ મળ્યો જ નથી, તેણે મોક્ષની ઇચ્છા કરવી જ જોઈએ. જ્યાં જવું હોય તેની ઇચ્છા તો કરવી જ જોઈએ ને ! પછી બધી ઇચ્છા છોડી દે, તેમ મોક્ષની ય ઇચ્છા છોડી દેવાની.

પ્રશ્નકર્તા : ક્યા સ્ટેજે મોક્ષની ઇચ્છા છોડી દેવાની ?

દાદાશ્રી : ઇચ્છા છોડી દેવાની નથી. પણ એ સ્ટેજે આવે એટલે એની મેળે જ છૂટી જાય. એવો કુદરતનો નિયમ છે !!

કોઈને કામમાં લેવાનો ઘાટ નહીં...

મારે તો સૂવું પડે છે, ઊઠવું પડે છે, ખાવું પડે છે, તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વગર કરવું પડે છે. જરા ય ઇચ્છા નહીં. અને કોઈ જીવને કોઈ પણ જાતના કામમાં લેવાની ઇચ્છા ના હોય, ત્યારથી જ કરુણા ઉત્પન્ન થાય. પરસ્પર આધાર છે, ત્યાં સુધી કરુણા ના હોય. આધાર-આધારી ના હોવું જોઈએ. પોતે કો'કનો આધાર થાય ખરો. પણ પોતે આધારી ના હોય કોઈના.

જગત જીવો હૂંફથી જીવે !

જગત આખું ય અવલંબનથી છે, એટલે આધાર જોઈએ, હૂંફ જોઈએ. એ અવલંબન થતું થતું હૂંફ થતાં થતાં સ્ત્રી અને પુરષ થયાં. અવલંબન ખોળે એને આપણાં લોકો હૂંફ કહે છે. જગત આખું ય હૂંફ ખોળે. હૂંફને લઈને તો લોકો જીવે છે. શું કહેશે કે 'ફલાણાભાઈની હૂંફ છે તે મારે સારું છે.' તેમાં બૈરી છે તે ધણીની હૂંફમાં હોય, છોડી છે તે વળી બાપની હૂંફમાં હોય કે ધણીની હૂંફમાં હોય. પણ હૂંફ હોય કોઈની. હૂંફના આધારે રહે. રાતે બંગલામાં એકલો સૂઈ રહેવાનું હોય તો કોઈકને બોલાવી લાવે. હવે પેલો કોઈ મારવા આવે તો ઘડીએ એને કંઈ બચાવવાનો છે ? ઊલટો બીકણ હોય તો માર ખવડાવે. પણ એને હૂંફ ગમે છે.

પ્રશ્નકર્તા : હૂંફ વગર રહી શકતો નથી, ગભરાઈ જાય છે.

દાદાશ્રી : હા, તેથી જ કહું છુંને, કે નિર્ભય થઈ જાવ, કે કોઈની જરૂર નથી. આપણે 'જ્ઞાન' આપતાંની સાથે એમ કહીએ છીએને, કે 'હું શુધ્ધાત્મા છું' અને અરીસામાં જોઈને પાછળ થાબડ કે 'ચંદુભાઈ હું છું', પછી કોઈની જરૂર નહીં પડે. આ તો કહેશે કે, 'હું એકલો છું, મને બીજા વગર ચાલે જ નહીં.' તે બીજાને લઈ આવે. તો તે તો માર ખવડાવે છે. જંગલમાં ગયો હોય તે વાઘ દેખેને, તો ગભરાટ થઈ જાય. અલ્યા, ખઈ જશે તો આ ગર્ભને ખઈ જશે, ગોટલો કંઈ ખવાય નહીં. ગોટલો કંઈ ખવાય ? એટલે આ લોકને તો હૂંફ, હૂંફ ને હૂંફ જોઈએ. અરે રડવામાં ય હૂંફ ખોળે ને ! પોતે રડે તો એની જોડે બીજા રડવા લાગે ત્યારે એને મજા આવે. એકલાને રડવાનું ના ફાવે અને હૂંફ કંઈ કાયમ જિંદગીભર સરખી રહે, એવું હોય નહીં ને ! કોઈ સિન્સીયરલી ન જ હોય ને !

એ અવલંબન નીરાલંબનું કારણ !

વીતરાગનું અવલંબન એ અવલંબન નથી. એ આપણને નિરાલંબ બનાવે છે. અને આ 'શુધ્ધાત્મા' શબ્દ આપ્યો એ શબ્દનું અવલંબન છે. એ ય હજુ તો અવલંબનવાળું છે. ભગવાન પ્રાપ્ત થયા તમને, પણ અવલંબનવાળા. એટલે એમ કરતાં કરતાં અવલંબન ઓછાં કરતાં કરતાં, નિરાલંબ થાય, ત્યારે પરમાત્મ સ્વરૂપ થઈ ગયો !

પ્રશ્નકર્તા : હા, અનેક વખત જ્યારે સંગ્રામ થાય ત્યારે 'હું શુધ્ધાત્મા છું, શુધ્ધાત્મા છું' કહેવા છતાં પણ ગૂંચવાડો રહ્યા જ કરતો હતો, સ્વતંત્રતા નહોતી આવતી ને નબળું પડી જતું હતું.

દાદાશ્રી : શી રીતે આવે ? એ શબ્દાવલંબન છે ને !

પ્રશ્નકર્તા : હા, એટલે પછી એ સંગ્રામ છે તે વખતે દાદાને સાક્ષીએ રાખીએ, દાદાનું અવલંબન આવે, ત્યાર પછી શુધ્ધાત્માનું અવલંબન આવે. તો બરોબર રહે.

દાદાશ્રી : 'દાદા'નું અવલંબન લે ને, એટલે આપણને નિરાલંબ બનાવે. તેથી અમે કહીએ છીએને કે દાદાનું અવલંબન લો. શુધ્ધાત્મા એ બધું નિરાલંબ નથી. એ તો તમને હેલ્પિંગ પ્રોબ્લેમ છે. એટલે બીજું કશું ના આવડે ને એકલું 'દાદા'નું નિદિધ્યાસન કરે ને, તો એમાં બધું આવડી જાય. બીજું અત્યારે કેટલુંક કરે તે, માણસ ?!

પ્રશ્નકર્તા : પણ દાદા, આ સંગ્રામમાં અમારી હાર થયા કરે છે, અમે પાછાં પડીએ છીએ.

દાદાશ્રી : તમારે તો પાછાં પડવાનું થાય. પણ અમારે તો એવું થાય નહીં. અમારે તો એવું છે ને, કે આ સંગ્રામમાં ગમે તેવું પુદ્ગલ હોય તો ય એ ન્યુટ્રલ છે ને આ ચેતન છે.

પ્રશ્નકર્તા : આપને એ બરાબર બેઠેલું છે.

દાદાશ્રી : હા. તમારે આ સ્ટેશન ના હોય. પણ તમારે શુધ્ધાત્મા સુધી પહોંચે, તો ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.

અત્યારે નિરાલંબ સ્થિતિમાં છું હું. અવલંબને ય છે અને નિરાલંબે ય છે. નિરાલંબ સ્થિતિને હું અનુભવી શકું છું.

'નિરાલંબ આત્મા' એ જ આલંબન !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે 'મારે અવલંબન પણ છે ને હું નિરાલંબ પણ છું.' તો આપને શેનું આલંબન હોય ?

દાદાશ્રી : આ તમારા બધાનું.

પ્રશ્નકર્તા : દેહનું આલંબને ય ખરુંને, દાદા ?

દાદાશ્રી : દેહનું આલંબન તો ખાસ નથી. જેટલું તમારું આલંબન છે એટલું આ દેહનું નથી. કારણ કે મારો ધ્યેય છે કે આ મારું સુખ એમને કેમ પ્રાપ્ત થાય ને કેમ જલદી પ્રગટ થાય. એ મારો ધ્યેય છે. આમાં દેહમાં તો કંઈ આલંબન નહીં. દેહ તો પાડોશી તરીકે, ફર્સ્ટ નેબરર તરીકે છે. એનું ટાઈટલ મેં ફાડી નાખ્યું છે. એટલે હું મનનો માલિક નથી, આ દેહનો માલિક નથી અને વાણીનો માલિકે ય હું નથી.

એવો નિરાલંબ તેથી સ્વતંત્ર !

જગત આખું અવલંબનવાળું છે. આખું ય જગત, દેવલોકથી માંડીને ચારે ય ગતિના લોકો અવલંબનમાં ખદબદ, ખદબદ, ખદબદ..! આત્મા નિરાલંબ છે, એટલે જગતમાં કોઈનું અવલંબન જરૂર પડે નહીં, એને કોઈ આધારની જરૂર નથી. આત્મા તો આ ઘરોની આરપાર નીકળી જાય એવો છે, આત્મા ડુંગરની આરપાર નીકળી જાય એવો આત્મા છે. એવા નિરાલંબને સ્વતંત્ર કહ્યો, એબ્સોલ્યુટ કહ્યો !!

- જય સચ્ચિદાનંદ