વિજ્ઞાન, મન વશનું ત્યારે થાય મન વશ ! ચંદુભાઈ તો આ શરીરને ઓળખવાનું સાધન આપેલું લોકોએ. નામ આપેલું તો તમે કોણ છો ? મારું નામ ચંદુભાઈ તે મારું કહેનારો કોણ છે ? 'આ દેહ મારો, હાથ મારા, કાન મારા, આંખો મારી, બુદ્ધિ મારી, મન મારું, ચિત્ત મારું, અહંકાર મારો, આ બધું મારું-મારું' બોલે છે તે કોણ છે એ ? પ્રશ્નકર્તા : એ જ હું પૂછું છું કોણ છે એ ? દાદાશ્રી : હા. એ તમે જાણો તો મન વશ થાય. નહીં તો વશ ના થાય. પ્રશ્નકર્તા : એ સમજાવો. દાદાશ્રી : આપણું સ્વરૂપ શું છે ? આપણે ખરેખર કોણ છીએ ? એ જાણીએ, સેલ્ફનું રિયલાઈઝ થાય, ત્યારે આપણું મન વશ થઈ જાય. મહાવીર ભગવાને શું કહ્યું ? મનને જેણે વશ કર્યું એણે જગતને વશ કર્યું અને મન વશ નથી થયું તો પોતે એના મનને વશ થઈ ગયેલા હોય. પ્રશ્નકર્તા : આપનું કહેવું બરોબર છે. પણ એ થતું નથી એવું. દાદાશ્રી : એ એવું થાય નહીં. પોતે મનને વશ થયેલો, એ મનને શી રીતે વશ કરી શકે ? બંધાયેલો માણસ પોતે શી રીતે છૂટી શકે ? પ્રશ્નકર્તા : મનને વશ કરવા માટે શું કરવાનું ? દાદાશ્રી : અરે, 'કરવાથી' તો મન વશ થતું હશે ? કરવાથી તો આ મન બહેકયું છે. ઊલટું બહેકયું ! 'મેં જપ કર્યા ને તપ કર્યા' તે ઊલટું વધારે બહેંકયું. પાછું કરવાનું ખોળો છો, આટલું આટલું કર્યું તો યે ? કરવાથી તો મન બહેંકયું અને કરે કોણ ? મિકેનિકલ કરે. તમે મિકેનિકલ છો ? હા. પણ મિકેનિકલ જ છે ને અત્યારે તો ! મન વશનો રસ્તો શો છે ? કે આપણે કોણ છીએ, આ બધું શું છે, શા માટે છે. એવું થોડું ઘણું સમજાય આપણને તો મન વશ થાય, અને નહીં તો તમે જો તમારા અભિપ્રાય બંધ કરી દો, તો તમારું મન તમને વશ રહેવું જ જોઈએ. જુનાં અભિપ્રાયને લીધે એનું જ રિએકશન (પ્રતિક્રિયા) હશે તે આવશે. પણ નવા અભિપ્રાય બંધ કરી દો તો તમને બહુ મઝા આવશે. તો મન વશ થતું જાય. પ્રશ્નકર્તા : અમારું મન વશ વર્તે તે કેવી રીતે સમજાય ? દાદાશ્રી : એનો પુરાવો શું કે આ બધા ધક્કા ધુક્કી કરે છે, પણ નવરા પડો કે તરત તમારી ઈન્ટરેસ્ટની સાઈડમાં જતા રહો છો, આત્માની સાઈડમાં આવતા રહો છો ને, તેને મન વશ કહ્યું. જૂની શ્રદ્ધા ને આજની શ્રદ્ધા, આજે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનાથી જે શ્રદ્ધા બેઠી છે, અને પેલી જૂની શ્રદ્ધા બેઠેલી છે, તો હવે જૂની શ્રદ્ધા પ્રમાણે વર્તન છે અને આજની શ્રદ્ધા પ્રમાણે વર્તન થતું નથી. તેનું આ સંઘર્ષણ છે બધું ! આ સંઘર્ષણ ચાલ્યા જ કરે છે. હવે આ સંઘર્ષણ અટકે નહીં ત્યાં સુધી શું કરવું. જયાં સુધી વશ થાય નહીં ત્યાં સુધી આ સંઘર્ષણ અટકે નહીં. મન વશ કયારે થાય ? જ્ઞાનીનો ફોલોઅર્સ(આજ્ઞાકિત) થાય, જેનું મન વશ થયેલું છે, તેનો ફોલોઅર્સ(આજ્ઞાકિત) થાય ત્યારે મન વશ થાય. એટલે આ સંઘર્ષણ ચાલ્યા જ કરવાનું. ત્યારે એણે તે સંઘર્ષણના કાળમાં શું કરવું જોઈએ ? જ્ઞાનીને તો બધા મળે નહીં. જ્ઞાનીને એ બધા કયાંથી ભેગા થાય ? તો બીજા લોકોએ શું કરવું જોઈએ ? ઉપાય તો કરવો જોઈએને ? ત્યાં મનને ડાઈવર્ટ (વાળી લેવું) કરવું જોઈએ, મનને ડાઈવર્ઝન રોડ આપી દેવો જોઈએ. ને જયાં મુશ્કેલી વગર છે ત્યાં તો મન ચાલ્યા કરે. બે મન, એક પેલું જૂનું મન અને આ ભાવ મન. તો એ ભાવમનને રસ્તો આપીએ એટલે રાગે પડયું. પછી એ કોઈ જાતનો કકળાટ ના કરે. મનનો જ્ઞાતા, ત્યાં શુધ્ધાત્મા પદ ! મનનું સાંભળે એટલે તરત ચિંતા ઉપાધિ શરૂ થઈ જાય. મન એ જ્ઞેય છે. એના આપણે જ્ઞાતા છીએ. મનમાં ખરાબ વિચાર આવ્યા હોય તો ય જાણવાના, સારા વિચાર આવે તો ય સાંભળવાના. મનનું સાંભળો ખરા ? પ્રશ્નકર્તા : સાંભળીએ ખરા જ ને ! દાદાશ્રી : જૂનું ઓળખાણ પહેલાનું બહુ ! એકદમ છોડી ના દેવાય ને ? એકદમ ઓળખાણ છોડી દેવાય નહીં ને ?! આપણને શરમ આવે ને ? મિત્રાચારી રાખેલી ?! મન જ્ઞેય થઈ ગયું એ જ્ઞાની, એ જ્ઞાનીપુરુષ કહેવાય !!! પ્રશ્નકર્તા : અને મનમાં તન્મયાકાર થાય ત્યાં સુધી ? દાદાશ્રી : એ બચ્ચાંઓ ઊભાં થાય પછી. તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું યોનિમાં બીજ નાખે છે. મનમાં તન્મયાકાર થયો કે યોનિમાં બીજ પડયું ! તેથી સંસાર ઊભો રહ્યો છે. પ્રશ્નકર્તા : મનને જ્ઞેય જાણવાની પ્રક્રિયા. દાદાશ્રી : એ જ જ્ઞાનીની નિશાની. પ્રશ્નકર્તા : એમાં જ્ઞાનીઓની કેવી રીતે જાગૃતિ હોય છે ? દાદાશ્રી : કેવી રીતે શાની ? એ તો પોતે થયો શુધ્ધાત્મા ત્યાંથી એ જ્ઞેય જ થઈ જાય છે. પ્રશ્નકર્તા : મહાત્માઓને જેને જ્ઞાન આપ્યું છે એ મનની વાત હજુ સાંભળે છે ? દાદાશ્રી : એ જાણતો નથી અને જાણતો હોય તો હજુ પેલી પહેલાંની પ્રેકટીસ (આદત) જતી નથી. પહેલાંની આદત છે તે એકદમ છૂટે નહીં ને ! પ્રશ્નકર્તા : એટલે શું જાણતો નથી ? દાદાશ્રી : આપણે કહીએ કે, 'ભઈ, મન છે તે જ્ઞેય છે. હવે તમે જ્ઞાતા છો. એમાં ચોક્કસ રહેજો.' એવું ઘણી વખતે જાણતો હોય તે પછી મન સાથે વ્યવહાર કાયમનો જ રાખે છે. પછી એને કહીએ ત્યારે વળી થોડું ઘણું છોડી દે. પણ આ જે પહેલાંની ટેવ છે એ છૂટે નહીં ને ! આપણને ડૉકટરે કહ્યું કે જમણા હાથે ખાશો નહિ. તો ય જમણો હાથ પેસી જાય. હેબીચ્યુએટેડ (ટેવ) થઈ ગયેલું છે. એટલે આપણે જાગૃતિ રાખવી પડે. ખુશ રાખે મનને જ્ઞાની આમ... પ્રશ્નકર્તા : એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ ? કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલિફો પ્રતિબદ્ધ કરે છે. દાદાશ્રી : રોંગ બિલિફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા એટલે બંધાયાને ? માટે એ પ્રતિબદ્ધ કરે છે. તો ય એ આપણા જ્ઞાનીઓ માટે રોંગ બિલિફો છે. બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું, તે પોતાને અદ્ધર જ બાંધે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય, તો ત્યાં હોટલમાં બોલાવ્યા વગર છોડે નહીં ! જલેબી એને બાંધે છે. તને નહીં બાંધેલું કશાએ ? પ્રશ્નકર્તા : હા. બરાબર છે. ખેંચાણ કરે. એને એટ્રેક્ટ કરે. દાદાશ્રી : અરે, આખું ય તુંબડું ત્યાં જાય. એટલે જ્ઞાની પાસેથી સમજી લે તો સારું. પ્રશ્નકર્તા : જ્ઞાની માટે પણ સંજોગ આવે જ ને. એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુલક્ષીને આવે ને ? દાદાશ્રી : સંજોગોને આધારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે. સંજોગો પેલા ગોઠવાયેલા હોય. જો આ સરસમાં સરસ પેલી કાજુ છે, બદામ છે, પણ અને અમે ફાકો નથી મારતા ? જો આ મન બંધાયેલું છે ત્યાં અમે કહીએ કે, 'લ્યો હવે' એક ફાકો મારીએ. પ્રશ્નકર્તા : અહીંયા મન બંધાયેલું છે. દાદાશ્રી : તે આખું બધું ના લે. એક જ ચમચો લે, એટલે આ બંધાયેલું ખરું, પણ એને ના કહીએ તો કશું નહીં, અસર ના હોય. કોઈ કહે નહીં ખાવાનું, તો છો રહ્યું. અમે અમારા મનને આવું તેવું આપીએ ને, તે એક ચમચો આપીએ, વધારે નહીં. એને ખુશ રાખીએ. પ્રશ્નકર્તા : જ્ઞાની પણ મનને છેતરે ? દાદાશ્રી : મનને ખુશ રાખવાનું. ત્યાગીઓ શું કરે ? અડવા ના દે. એટલે પેલું મન રિસાય પછી ! પ્રશ્નકર્તા : જ્ઞાની મનને ખુશ રાખવાનું કહે, એ બરાબર પણ બીજાએ પણ એમ જ કરવું જોઈએ ? દાદાશ્રી : ના. બીજાનું કામ નહીં આમાં. અમને તો લફરુ ના હોય. પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને તો મન વશમાં હોય. દાદાશ્રી : તદ્ન પ્રશ્નકર્તા : હા. તો પછી એને ખુશ રાખવાની શું જરૂર ? દાદાશ્રી : ખુશ રાખવું પડે. પ્રશ્નકર્તા : તો મહાત્માઓએ કેમ ખુશ ના રાખવું જોઈએ ? એનું કારણ શું ? દાદાશ્રી : મહાત્માઓનું ગજુ નહીં. મહાત્મા બંધાઈ જાય. પ્રતિબદ્ધ થઈ જાય. પ્રશ્નકર્તા : તો મહાત્માએ કેમ વર્તવું ? દાદાશ્રી : સમભાવે નિકાલ કરવો. પ્રશ્નકર્તા : આ કેરી બહુ ભાવે છે, અંજીર મૂકયા હોય અને કેરી મૂકી હોય તો અંજીર ના લે. પણ કેરી લે. દાદાશ્રી : ઈન્ટરેસ્ટ છે એને ! પ્રશ્નકર્તા : ઈન્ટરેસ્ટ છે. તો પણ બંધાયેલા છે ને. એની સાથે પ્રતિબદ્ધ થયેલા છે ને ? દાદાશ્રી : છતાં એ પૂર્વભવનું છે. આજે ડિસ્ચાર્જ છે. એટલે શાસ્ત્રકારોએ એવું લખેલું કે ઉદયકર્મને આધીન, ઉદયાધીન ! શાસ્ત્રકારોએ એવું લખ્યું કે જ્ઞાની ગાળો દે, મારે તો ય જ્ઞાનીની શંકા ના કરશો. જ્ઞાની જ્ઞાનમાં જ છે. તમને એમ લાગે કે બીજી જગ્યાએ છે ? પ્રશ્નકર્તા : ના. અમને નથી લાગતું. આ તો પૂછીએ છીએ. દાદાશ્રી : આ તો અમે દાખલો આપીએ છીએ. પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પ્રતિબદ્ધ થવાય છે એ કોણ પ્રતિબદ્ધ થાય છે ? દાદાશ્રી : એનો સ્વભાવ. દ્રવ્યનો સ્વભાવ બંધાય છે. એ જે દ્રવ્ય છે તે, તેના સ્વભાવ બાંધે છે. પ્રશ્નકર્તા : એ કોને બાંધે છે ? દાદાશ્રી : મનને. આ આઈસ્ક્રીમ ખાય એટલે મન બંધાય કે આઈસ્ક્રીમ બંધાય એની જોડે ? મન જોડે આઈસ્ક્રીમ બંધાય કે આઈસ્ક્રીમ જોડે મન બંધાય ? પ્રશ્નકર્તા : મન બંધાય. દાદાશ્રી : આઈસ્ક્રીમવાળા તો નહીં !! પ્રશ્નકર્તા : આપ નિરંતર મનથી મુક્ત રહો છો, મનથી જુદા રહો છો, એટલે અપ્રતિબદ્ધ દશા કહી ? દાદાશ્રી : અમારું મન બંધાય જ નહીંને. ટેસ્ટેડ. હીરા દેખાડો પણ બંધાય નહીં. પ્રતિબદ્ધ થાય તો પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : જ્ઞાની કળાય એવા છે જ નહીં. જ્ઞાનીને કળી શકાય એવા જ નથી. દાદાશ્રી : જ્ઞાનીને કળવા ગયો તે ગુનો છે. પોતે જ કળાઈ જાય. એટલે તીર્થંકર સાહેબે શું કહ્યું કે જ્ઞાનીને માપવા જઈશ નહીં. નહીં તો તારી બુદ્ધિ મપાઈ જશે. હા ! પોતે ડફોળ છે. તારી બુદ્ધિ ડફોળ છે, એવું મપાઈ જશે કહે છે. હવે તો આધાર તોડવો, એ જ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : નિશ્ચિત ને નિર્ભય ના થાય તો આપેલો આત્મા ય જતો રહે ? દાદાશ્રી : ના, એ તો એમાં પછી રહ્યું નહીં ને ! એ આપણે ત્યાં બને નહીં. પણ વસ્તુસ્થિતિમાં પ્રયોગ કરવો જોઈએ. અનાદિકાળથી સંસાર શેના આધારે ઊભો રહ્યો છે ? જે આધાર હજી તૂટયો નથી. એટલે એને આધાર તોડ તોડ કરવો પડે. આપણું જ્ઞાન લીધા પછી શું તોડ તોડ કરવું પડે ? પ્રશ્નકર્તા : આધાર તોડવો જોઈએ. દાદાશ્રી : જેનાં આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહેલો છે. તે આધાર તોડ તોડ કરવાનો છે. બીજું કશું નહીં. આધાર તોડ તોડ કરવાનો. હવે શેનાં આધારે આ જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે મનના જે પર્યાયો છે, મનની જે અવસ્થાઓ છે, તેમાં આત્મા તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી કે નથી કોઈ પજવતું. આ આત્મા તન્મયાકાર થયો એની મહીં, તેથી ઊભો રહ્યો છે. એટલે મનનાં પર્યાયોને તોડ તોડ કરવાં જોઈએ. આ 'મારા ન હોય, મારા ન હોય.' ત્યાં જ બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, તે છૂટો થવા દેતો નથી. અનાદિનો અભ્યાસ છે ને, તે એને મીઠાશ વર્તે છે. સમજ પડી ને ? એ મીઠાશ શુધ્ધાત્માને નથી વર્તતી, એ અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું. છૂટું જ જોવું પડે. તો જ ઉકેલ આવે. ઉપાય મનવશનો ! એ તો મહાન જાગૃતિ જોઈશે, સંપૂર્ણ જાગૃતિ જોઈશે. આ મૂકીએ ને તો મન વશ થતું જાય. નહીં તો મનને વશ થતાં જઈએ. આપણે મનને વશ થઈએ જ શાનાં ? એ આમ બોલે ત્યારે આપણે આમ બોલીએ. આ લોકોને શીખવાડીએ છીએ અમે. એ શું કહે છે મને કે 'મારું મન વશ રહેતું નથી ?' મેં કહ્યું, મનથી જુદો રહે. એની ઓરડી જુદી આપણી ઓરડી જુદી. એની ઓરડી જુદી જ છે. પણ તું લાલચું છે તેથી ત્યાં પેસી જાય છે પાછો. મન કહેશે, 'હેંડો ને મીઠાઈ ખાઈએ ! તે વાત તરત જ પકડી લે છે. એવી વાત નીકળે તે પહેલાં તો પકડી લે છે. નહીં તો મન તો જુદું જ છે બિચારું. મનને એવું કશું છે નહીં. મનને ને આત્માને લેવાદેવા જ નથી. અહંકારને ય લેવાદેવા નથી. અહંકારે ય જુદો, આત્મા જુદો ને મને ય જુદું. સહુ સહુની ઓરડીમાં જુદા છે. આ તો મન કહેશે, 'જલેબી તાજી છે, સરસ છે' તે પેલો અહંકાર ભેગો થઈ જાય છે. પ્રશ્નકર્તા : આત્મા જુદો હોય તો અહંકાર મન ભેગો થઈ જાય તો શું ચિંતા ? દાદાશ્રી : ના, ના. આ બે ભેગા થઈને ગૂંચવાડો ઊભો કરે છે. તે આત્મા ઉપર પાછું વાદળ વિંટાય છે, અંધારું વધારે કરે છે. આત્માનું કશું ય જતું નથી ને આવતું ય નથી. આત્માને કશી ખોટે ય નથી. ગૂંચવાડો આમાં રહેશે, તો ય એને ખોટ નથી. છૂટો રહે તો ય નફો નથી. એને દુઃખ જ નથી. બરફનાં ઢગલાને ટાઢ વાતી હશે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે તાપ લાગતો હશે ? ઉપર દેવતા પડે તો યે ? ના. એવો આત્મા છે ! આનંદમય છે. એટલે કેવું ? આ બરફને દેવતા અડાડીએ તો બરફ દાઝે ખરો ? પ્રશ્નકર્તા : ના. પણ મનની બાબતમાં એમ માનું છું કે આ શોકમય છે. દાદાશ્રી : ના, એમ નહીં. આ જેમ બરફ દાઝે નહીં ને, એવી રીતે આત્મા વિશાદમય કે શોકમય કોઈ દહાડો થયો નથી. એ તો પરમાનંદી સ્વભાવનો છે. ઊલટું એને અડે તે પરમાનંદી થઈ જાય. પ્રશ્નકર્તા : ઉનાળામાં આઈસ્ક્રીમ મળ્યો અને જે આનંદ થયો અથવા તો ગરમ પાણી મળ્યું ને જે શોક થયો એ મનની વાત છે ? દાદાશ્રી : હા. એ મનની વાત છે. પણ મન જોડે ડાઈવોર્સ થવો જોઈએ ને ? ડાઈવોર્સ થઈ ગયો હોય પછી વાંધો નહીં. પ્રશ્નકર્તા : નથી થયો. દાદાશ્રી : તો પછી કામનું નહીં. મન જોડે ડાઈવોર્સ થઈ ગયો હોય પછી આપણે છુટાં જ છીએ. આ જગત જ મન જોડે ડાઈવોર્સ માંગે છે. આજ્ઞામાં વર્તે, વર્તે મન વશ ! પ્રશ્નકર્તા : તમારા મહાત્મા તમારું અધ્યયન કરે તો પણ મન વશ ના થાય તો શું કરવું ? દાદાશ્રી : મહાત્માને આજ્ઞા શું છે ? મન એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. એટલે મન વશ થઈ ગયેલું છે એમને. એટલે મન વશ ના થતું હોય તો એમની ભૂલ છે. એ મારી આજ્ઞા પાળતા નથી. નહીં તો એમને વશ થઈ ગયેલું હોય, સંપૂર્ણ પ્રકારે. સો એ સો ટકા મન વશ થઈ ગયું હોય, આજ્ઞા પાળે તો ! કારણ કે મન જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. તો જ્ઞેયને જાણવાનું કે એની મહીં ઊડું ઉતરવાનું ? પ્રશ્નકર્તા : જાણવાનું. દાદાશ્રી : સારા વિચાર આવે કે ખોટા વિચાર આવે તો જાણ્યા કરવાના આપણે. પોતે જ્ઞાતા અને મન જ્ઞેય છે. એવી રીતે આપણું જ્ઞાન આપેલું છે. એટલે મન જોડે આપણે હવે લેવાદેવા રહી નથી. મન જોડે વિચાર કરવો ને એ કાયદેસર જ નથી, આપણા જ્ઞાનના આધારે ગેરકાયદેસર છે. દંડ કરવા લાયક છે. જે વિચાર આવે છે તે જોઈ લેવાનો. કારણ કે મન વશ થઈ ગયું. વશ થયેલાને પાછું સળી કરો છો ? જ્ઞાનથી જ મન વશ થાય. કોઈ દહાડો બીજી કોઈ વસ્તુથી મન વશ ના થાય. જ્ઞાનથી, જ્ઞાતાદ્રષ્ટા તરીકે જ વશ થઈ જાય. જે પાણી છે ને, તે વાસણ હોય તો જ બંધાય. નહીં તો બંધાય નહીં ને ! વેરાઈ જાય. એવું આ જ્ઞાનથી જ મન બંધાય. પ્રશ્નકર્તા : સ્વ અનુભવ માટે વિચાર, મનનમાં રહેવું જોઈએ ? દાદાશ્રી : વિચાર, મનન હોય જ નહીં. દાદાના મહાત્માઓ કોનું નામ કહેવાય ? કે મન વશ થઈ ગયું હવે. એટલે ચંદુભાઈને મન હોય. પણ તમારે તો એ મનને જોયા કરવાનું કે આવા વિચાર કરે છે. ખોટા વિચાર કરે છે. એ જોયા કરવું. તમારું પદ જ્ઞાતાદ્રષ્ટા છે, એટલે મન તમને વશ થઈ ગયું. અને મન વશ થઈ જાય તો જ આ સંસારમાં જીત્યા કહેવાય. નહીં તો મન વશ ના થાય તો જીત્યા નહીં. પ્રશ્નકર્તા : વિચાર જ ના કરાય એવું કરો ને. દાદાશ્રી : વિચાર કરવાનો નહીં. વિચારની રીત જ ના રહી. વિચાર ફક્ત કોણ કરશે ? આ કરશે, ચંદુભાઈ કરશે. કારણ કે રીઝલ્ટ (પરિણામ) છે ભોગવવું પડશે. અને રીઝલ્ટ (પરિણામ) એટલે પોતાને બંધ કરવું હોય તો ય ના થાય. અને પેલાને તો ? તમારે શુધ્ધાત્માને તો વિચાર જ નહીં. તમારું મન ખલાસ થઈ ગયું, બધી રીતે જીતી ગયા. જગત જીતવાનું છે. જો મન જીતે તો જગત જીતાય. 'તમે' મન જીતી લીધું છે. અને મન જીતીને જગત જીતવા નીકળ્યા છો. જગત જીતાય જ છે ને, જોવા જઈએ તો. જુઓ તો તમે એ સ્થિતિમાં છો. તમને એવી સ્થિતિનો જરાક ખ્યાલ આવવો જોઈએ બસ. બહુ ટાઈમ મારી જોડે બેસો, તો ખ્યાલ આવી જાય, પછી ઠીક થઈ જાય. એ તો ઘણા ટાઈમ બેસતા જ નથી ને ઘણા ટાઈમ મારી જોડે બેસવાનો મેળ નહીં એટલે એવું પુણ્ય જાગે નહીં ને ? પુણ્યૈ જાગે ત્યારની તો વાત જુદી છે. જ્ઞાનીને વર્તે મન વશ હજારોનાં... જયાં સુધી 'હું ચંદુલાલ છું', એ જ્ઞાન, એ ભાન છે ત્યાં સુધી મન જોડે લેવાદેવા છે. મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુધ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહ્યું. જ્ઞાતાદ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. પ્રશ્નકર્તા : મન વશ થયા પછી જ્ઞાતાદ્રષ્ટા પદ સ્વભાવિક વસ્તુ થઈ જાય. દાદાશ્રી : મન વશ જ થઈ ગયેલું છે. આપણને પ્રેક્ટિસ કરવાની જરૂર. મારી પાસે વાત સાંભળેને, તેમ તેમ મજબૂત થતું જાય. અમારા વચનબળથી, વચનબળ કામ કર્યા કરે. પ્રશ્નકર્તા : તે મન, હજુ અમારું વશ રહેતું નથી. તો મન વશ કરવા માટે, એના માટે નો પુરુષાર્થ કયો હોય છે ? દાદાશ્રી : એ જ્ઞાનથી વશ વર્તે. અમારું જે જ્ઞાન આપ્યું છે, એ મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોનાં મન વશ વર્તે ! પ્રશ્નકર્તા : નહીં, દાદા પહેલું અમને અમારું મન વશ વર્તવા દો. દાદાશ્રી : તમારું તમને પહેલું મન વશ વર્તશે. ને તમારું તમને મન વશ વર્ત્યુ એટલે બીજા લોકોનાં મન પણ તમને વશ વર્તે. જેટલાં બીજાનાં મન વશ તમને વર્ત્યા, એટલું તમને તમારું મન વશ વર્ત્યુ. બહારના પરથી પછી તમારું માપી જોવું ! પ્રશ્નકર્તા : એનો ટેસ્ટ એ છે કે અમારું મન અમને વશ વર્તે, તો બીજાનું મન અમારે વશ વર્તે ? દાદાશ્રી : હા. બીજા કેટલાંના મન તમને વશ વર્તે છે, કેટલે અંશે વશ વર્તે છે. તે બધું તમારે માપી જોવું. આપણા મહાત્માઓમાં પચ્ચીસ હજાર માણસનાં મન અમને વશ વર્તે છે કે જે ચોવીસે ય કલાક દાદા સિવાય બીજું કંઈ નહીં. અને હું કહું એટલું જ કર્યા કરે. સ્ત્રીઓ અને પુરુષો બધાયનાં. એમાં સ્ત્રીઓના વધારે રહ્યા કરે. સ્ત્રીઓ તો સાહજીક છે. સાહજીક એટલે જો સહજ થયા હોય તો જ વશ વર્તે, નહીં તો વશ વર્તે નહીં ને ! પ્રશ્નકર્તા : સ્ત્રીઓને બધા ડખા નહીં ને. સમર્પણથી સ્ત્રીઓને વહેલું પહોંચી જવાય ને. દાદાશ્રી : પણ સ્ત્રીઓને જ મન વશ કરવું સહેલું નથી. પુરુષને તો સહેલું છે, સ્ત્રીઓને બહુ અઘરું છે. કારણ કે એ મન વશ કરે એવાં હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. એટલે આપણા હિન્દુસ્તાનમાં કોઈ પાંચ માણસનાં મન કોઈને ય વશ વર્ત્યા નથી. એ પરથી બધું જોઈ લેજો ને ! આ તો આપણાં લોકોને ટેસ્ટ લેતા નથી આવડતું. એટલે શી રીતે આ સમજાય ?! બાકી આ રીતે ટેસ્ટ લેવા જાય ને તો ખબર પડે. પ્રશ્નકર્તા : આ તમે જે ટેસ્ટ મૂકયો ને, એમાં તો એકે ય પાસ ના થાય. દાદાશ્રી : આ એટલા માટે ટેસ્ટ મૂકયો ! નહીં તો આ તો બધા એમ જ જાણે કે પોતાને મન વશ થવા જ માંડયું છે. છતાં આ જ્ઞાન પછી તમને અમુક અંશે મન વશ થયું છે, તે આટલા વર્ષમાં આટલું થયું તો બીજા એટલા વર્ષમાં તો ઝપાટાબંધ થઈ જવાનું. ગમ્યું કે, તમને ? પ્રશ્નકર્તા : અરે, બહુ ગમ્યું. દાદાશ્રી : અમારી વાત તો બધા ય ને ગમે જ ને ?! અભેદ રહેવાય છે કે દાદાની જોડે ! આ દાદાની જોડે પચ્ચીસ હજાર માણસો અભેદ રૂપે રહે છે. એ ઘરનાં માણસની જોડે અભેદ હોય કે ના હોય પણ દાદાની જોડે બધાં એક હોય. પ્રશ્નકર્તા : દાદા, એટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે બધું થતું હશે ? દાદાશ્રી : એ જ અજાયબી છે ને !! અને લગભગ પચ્ચીસ હજાર માણસ અભેદતા રાખે છે. આ પચ્ચીસ હજાર માણસો છે, પણ બધાં ય માણસોનાં સંપૂર્ણ મન વશ વર્તતા નથી. ત્રણ ચાર હજાર માણસનાં સંપૂર્ણ મન વશ વર્તે છે. પ્રશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ? દાદાશ્રી : બધી જ ખબર પડે ને ! કે આ માણસને સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્તે એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય ! જયાં એટીકેટ ના હોય, જયાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય. સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ. સહેજા સહેજ જે બની આવે ને એ ! પ્રશ્નકર્તા : આ તમે જરા વિસ્તરણથી દાખલા સાથે કહો ને તો બધા એકઝેટલી (જેમ છે તેમ) સમજશે. દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, ત્યાં દસ માણસો મોટાં ભણેલાં, પી.એચ.ડી. હોય, દસ માણસો ગ્રેજયુએટ થયેલાં, દસ માણસો મેટ્રિક થયેલાં, દસ માણસો ગુજરાતી જ ભણેલાં, દસ માણસો બિલકુલ ભણેલાં જ નહીં, દસ નાના છોકરાં-દોઢ બે વર્ષનાં એવા છોકરાઓ, ઘરડાં ડોસા-સાંઠ પાંસઠ વર્ષનાં, સીત્તેર વર્ષનાં, એ બધાં ભેગાં થઈને જાય, તો ત્યાં ધર્મ છે. એટલે જયાં આગળ નાનાં બાળકો ય બેસી રહે. સ્ત્રીઓ બેસી રહે, ઘૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે. નહીં તો બેસી ના શકે. સામાનું મન વશ તો પોતાનું મન વશ થયેલું હોય તો જ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે ત્યાં કામ થાય ! મન વશ થાય તો તમે બધું જ કરી શકો. લોક તમારા કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો તમે શીખવાડવા જાવને તો કોઈ અક્ષરે ય નહીં શીખે. ને ઊંધો ચાલશે. આ કળીયુગની હવા એવી છે કે ઉધું ચાલવાનું. કોઈ ઊધું ચાલ્યો હોય તે, એ ઊધું ચત્તુ બોલે તો ય અમે સાથ ના છોડીએ. પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે સાથ ના છોડો ? શું રાખો તમે ? દાદાશ્રી : એને પડવા ના દઈએ. પ્રશ્નકર્તા : એની જોડે કેવી રીતે જોઈન્ટ રાખો ? દાદાશ્રી : એ બધું કરી દઈએ. એના મનને વશ કરીએ. જેને પોતાનું મન વશ થઈ જાય એટલે બીજાનું મન વશ વર્તે. જગતનો નિયમ એવો. આ બહાર જે દુકાનો છે, તેમાં પોતાને પોતાનું મન વશ થાય એવું નથી. કોઈ માણસ કહેશે, 'ભાઈ, આ તો જ્ઞાની છે,' ત્યારે આપણે પહેલામાં પહેલું પૂછવું કે, 'કેટલા માણસનાં મન વશ વર્તે છે ?' ત્યારે કહે, 'એનું જ નથી વશ વર્તતું ને'! એટલે બોલ્યા પરથી નહીં જુઓ. એણે કેટલાનાં મન વશ કર્યા છે તે તું જોઈ આવ જા. એટલે તારે પછી પૂછવું જ નહીં પડે. ખબર પડી જાય કે ના પડી જાય ? એ તો ઊઘાડું પડી જાય ને ? તદ્ન ઊઘાડું પડી જાય. ઓપન ટુ સ્કાય હોય ને ! પ્રશ્નકર્તા : એ ટેસ્ટ બહુ સરસ છે. દાદાશ્રી : હા. ટેસ્ટ વગર તો જગત કેમ ચાલે તે ? મને હઉ લોકો કહે છે ને, 'દાદા, તમારા જેવું બોલતા હતા.' મેં કહ્યું, 'હા, ભાઈ, મારા જેવું જ બોલે. શબ્દો કંઈ બહારથી લાવવાનાં છે ? આનાં આ જ શબ્દો.' અને મારું પુસ્તક વાંચીને બોલે તો ય કોઈ ના પાડે છે ? બધું લાયસન્સ છે. પણ તારે પરીક્ષા કરવાની શક્તિ જોઈએ. આપણે પૂછીએ ને કે બાપજી, આપને કોઈ માણસના મન વશ વર્તે છે ? ત્યારે એ કહે, 'એ શું પાછું પૂછો છો ?' ત્યારે આપણે કહીએ, 'ભાઈ, મન વશ વર્તે તો હું તમારી પાસે બેસું, નહીં તો હું બેસવાનો નથી. મારો ટાઈમ બધો નકામો જાય !' આ તો બાપજી બોલે છે ને લોક સાંભળે છે. પણ એક માણસ ફેરફાર થયો નથી. શી રીતે થાય તે ? પહેલાં પોતે ફેરફાર થવો જોઈએ. પોતાનું મન સંપૂર્ણ વશ રહેવું જોઈએ. અને મન વશ કરનાર માણસના એકુંય શબ્દ બાધક ના હોય. કારણ કે બાધક શબ્દ જયાં આવ્યા ત્યાં ધર્મ પૂરો છે જ નહીં, એ માણસ ધર્મને સમજતો જ નથી. બાધક વાક્ય એક પણ ના હોવું જોઈએ, ત્યાં સંપૂર્ણ ધર્મ છે. સંસાર બિલકુલ પદ્ધતિસર જ છે. સંસારમાં કશું બાધક રાખવા જેવું છે જ નહીં અને બાધકની જે વાતો કરે છે, એ સાધક-બાધક છે. જ્ઞાની પુરુષને તો કેટલાય લોકોના મન વશ થઈ ગયેલાં હોય. જ્ઞાની પુરુષ કોને કહેવાય કે કેટલાય લોકોના મન વશ કરી નાખે. શાસ્ત્રજ્ઞાની હોય, શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું હોય, બધું હોય, પણ બીજા એકુય માણસનું મન વશ એને વર્તે નહીં. કારણ કે એનું પોતાનું જ મન વશ વર્તતું ના હોય ત્યાં સુધી પોતાનો જ ડખો છે હજુ, ત્યાં સુધી બીજાનું મન વશ કેમ વર્તે ? બીજાનાં મનને વશ કરે એ જ્ઞાની. તે આ વશ શા ઉપરથી ખબર પડે ? તો આપણે પેલાને પૂછીએ, તો એ કહે કે 'મને ચોવીસે ય કલાક દાદા યાદ રહે છે, એ એનું મન જ્ઞાનીને વશ વર્તે છે. એવું હોય જ નહીં કોઈ જગ્યાએ. તમને સમજ પડે છે ને આ બધી ? આ એકલો સહેલામાં સહેલો રસ્તો ! તપાસ કરવાનો. આ સહેલો રસ્તો છે કે અઘરો ? પ્રશ્નકર્તા : સાચો રસ્તો છે. દાદાશ્રી : ઘણાં ખરાંને પૂછે તો બધાં કહે કે મને દાદા નિરંતર યાદ રહ્યા કરે છે. સ્ત્રીઓને ય એવું એ મન વશ કહેવાય. અને પાછાં આપણને જેવી રીતે દાદા કહે ને, એવી રીતે જ ચાલે, હું કહું કે આમ કરવાનું છે, ને એ રીતે કરે. એમાં બે મત ના હોય. કેટલાક ફેરો કોઈને ઇચ્છા હોય, પણ એને છે તે પૂર્વકર્મ બધા સજ્જડ છે, એની ઇચ્છા જ હોય કે આ દાદા કહે છે, એ પ્રમાણે જ કરવું છે, પૂર્વકર્મ ધક્કો મારીને, જંપવા ના દે. એટલે થોડું દેવું ઓછું થશે, ત્યાર પછી એને કંટ્રોલમાં, લગામમાં આવશે, ત્યારે મન વશ વર્ત્યા કરશે. એટલે આ તો અજાયબી છે, પણ અજાયબી ના ઓળખે તેનું શું થાય ? એનો લાભ ઉઠાવી લો. હું શું કહું છું કે લાભ ઉઠાવી લો. આ દેખાય છે એ તો ખોખું જ છે, પણ આ ખોખું છે, ત્યાં સુધી આનો લાભ છે, બાકી આ ખોખું ગયું કે લાભ બધું ય ગયું. એટલે મિનિટે ય બગાડો નહીં. એટલે જેટલો આપણને લાભ માટે એવો ટાઈમ હોય એ ટાઈમને વગર કામનો વેડફો નહીં. આ ઓફિસમાં હો ત્યારે અહીં શી રીતે આવો તમે ? ઓફિસમાં તો બંધાયેલા છો. પણ એ કામ પૂરું થયા પછી ટાઈમ વેડફો નહી. એવું કહેવા માંગીએ છીએ. એ તો જ્ઞાનીઓએ મન વશ કરેલાં હોય, ચિત્તને વશ કરેલું હોય. ચિત્ત તે કેવું ? કે સાપ જેમ મોરલી સાંભળવાને એવું અમારું ચિત્ત થયેલું હોય. મન વશ થયેલું હોય. અહંકાર તો દેવ લોકો પણ દર્શન કરે એવો હોય. નિર્વંશ અહંકાર, જે અહંકારનો વંશ રહ્યો નથી. એવી દશા તમને કરવાની. અમારી માનેલી વસ્તુ કોઈ હોય નહીં. અમારે મન વશ થઈ ગયેલું હોય. અમારું મન કશું બોલે જ નહીં. અમને હમણાં ધોલો મારેને તો ય કશું નહીં. આશીર્વાદ આપીએ. કોઈ ગાળો ભાંડે તો ય આશીર્વાદ આપીએ. જેલમાં ઘાલે તો ય આશીર્વાદ આપીએ, પોલિસવાળાને. પોલિસવાળાને શું કહીએ ? ઘેર તો મારે બારણું વાસવું પડતું હતું. આ તમે જાતે વાસી આપશો. છે કશી ભાંજગડ ? બોમ્બ પડે તો ય પેટમાં પાણી ના હાલે એવી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. આ તો ફટાકા મારે આમ આમ. ભય, ભય, ભય, ભય. આ તો જીવન જ કેમ કહેવાય ? તમારે નિર્ભય થવું છે કે નથી થવું ? નિરંતર ભય ના થાય એવું રહેવું છે ને ?! મન વશીકરણ, મહાવીરની રીતે... પ્રશ્નકર્તા : અમારે સામાનું મન વશ કેવી રીતે વર્તાવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરશો તેનાથી થશે. જયારે તમારું મન તમને સંપૂર્ણ વશ વર્તશે, ત્યારે સામાનું મન તમને વશ વર્તશે. મનથી જ મનુષ્યો બંધાયેલાં છે. એમાં મન વશ કર્યા સિવાય આ દુનિયામાં કોઈ માણસ તરી શકે નહીં. પ્રશ્નકર્તા : મનને વશ નથી કરવું પડયું, પણ જ્ઞાન થતાં મન વશ થઈ જાય છે. દાદાશ્રી : હા. એટલે 'જ્ઞાન' મન વશ પરિણામો આપે એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે ભઈ અમે આ પાણી રેડીએ છીએ, પણ આ તો બધું, આમ ફેલાઈ જાય છે. આપણે પીવા માટે રહેશે શું ? આમ ઉપરથી પાણી પડતું હોય તો નીચે પડે તો બધું ફેલાઈ જાય. એમાં આપણે શું રહે ? એક ઘડો લાવો-તો રહેશે. ઘડો લાવીને ધરીએ તો રહે કે ના રહે ? તે એ પાણી ઘડાથી બંધાય. કોઈ કહે, મનને શી રીતે બાંધવું ? ત્યારે કહે, જ્ઞાનથી બંધાય. બીજી કોઈ એવી ચીજ નથી કે આ મન બંધાય. ઉલટો મનનો બાંધેલો તું. તારે મનને બાંધવું હોય તો તું જ્ઞાની થા. તે મન વશ પરિણામો હોય પછી. પ્રશ્નકર્તા : અમે જ્ઞાન લીધું પછી રાગે પડયું. દાદાશ્રી : પછી રાગે પડયું. હવે મન વશ થયું. એટલે બધા શાસ્ત્રકારોએ કહ્યું કે જેણે મનને વશ કર્યુ એટલે તે જગતને જીતી ગયો. આખા જગતમાં એને હારવાને કોઈ સ્થાન જ ના રહ્યું. કારણકે મન હારે ત્યાં સુધી આ જગતથી હારે. જેનું મન હારે જ નહીં એને જગતથી હારવાનું જ કયાં રહ્યું ? જ્ઞાને કરીને મન બંધાય... એવું છે ને, મનને બાંધવાનો રસ્તો આ જગતમાં કોઈ છે જ નહીં. મન 'કરેક્ટ' જ્ઞાન સિવાય બંધાય એવું જ નથી. બિલકુલ કરેક્ટ, યર્થાથ જ્ઞાન સિવાય મન બંધાય એવું નથી. એટલે અમે તમને યથાર્થ જ્ઞાન આપીએ એટલે મન બંધાય જાય. અને મન બંધાયું એટલે મુક્તિ થાય. નહીં તો આ મન તો બહુ દુઃખ દે, ઝાવાંદાવાં કરે !! મન એ મોક્ષે લઈ જનારું છે. પ્રશ્નકર્તા : જ્ઞાનમાં મનનો વિલય થાય એ કેવી રીતે થાય ? દાદાશ્રી : જ્ઞાનમાં વિલય થવાનું નહીં, વિલય થાય નહીં, પણ જ્ઞાન હંમેશાય; મનનો સ્વભાવ કેવો છે ? કે કોઈ ચીજથી બંધાય એવું નથી. વખતે ધ્યાન કરશેને, અહીં ચક્રો ધ્યાન લેશે, એકાગ્રતા કરશે, તો ય પણ મન બંધાય એવું નથી. કલાક, બે કલાક પછી છૂટી જશે પાછું. એટલે પાછો બીજો ખોરાક આપ્યે જ છૂટકો છે. એ આપને સમજમાં આવી મારી વાત ? એ છૂટે એટલે પાછું શું આપવું પડે ? પાછો ખોરાક એને માટે, ટોપલા રાખી જ મેલવા પડે. એ મહાદુઃખદાયી, મનને માટે ટોપલા રાખ રાખ કરો. અને ખવડાય ખવડાય કરો, પણ એ મહાદુઃખદાયી ! જ્ઞાન એવું એક જ વસ્તુ છે કે જ્ઞાનથી મન બંધાય જાય. પછી એને મન મુશ્કેલીમાં મૂકે નહીં કોઈ દહાડો ય. અને જ્ઞાન મળ્યા પછી મન એકઝોસ્ટ(ખલાસ) થતું જાય. સેવન્ટી પરસેન્ટ હોય તો સીકસ્ટી પરસેન્ટ થાય, પછી ફીફટીફાઈવ પરસેન્ટ થાય. ફીફટી પરસેન્ટ થાય એમ એકઝોસ્ટ થતું જાય. નવું છે તે પછી ઉત્પન્ન ના થાય. જૂનું એકઝોસ્ટ થયા કરે. ગૂનો ઉઘાડો કરતાં મન ચૂપ ! દાદાની પાસે જઈને ખુલ્લી વાત કરે ને, એટલે તમારું મન ઊભું ના થાય પાછું. દાદાની પાસે કબૂલ કર્યુ ને એટલે મન ટાઢું થઈ જાય, ચૂપ થઈ જાય. હમણાં આ ભાઈએ કોઈ ચોરી કરી, પછી મને કહી દીધું, તે એનું મન શું કરે, ફરી ચોરી કરવાને માટે ? ફરી કરવા માટે પાછું પડી જાય. મનની પછી હેલ્પ નહીં થાય ! તમને સમજ પડી ને ? મન તો શું કહે છે ? કે કોઈને કહેશો જ નહીં ને કહેશો તો ફરી તમારું કામ નહીં કરું ! માટે 'ગુપ્તતા ખુલ્લી કરી નાખો,' અમારું સાયન્સ એવું કહે છે. જે તમારી અંદર ગુપ્ત ભાવો હોય એ બધાં ખુલ્લા કરી નાખો. બોજો ઓછો કરી નાખો. કયાં સુધી રાખી મૂકશો ? લાકડામાં જશો તો ય બોજો રાખી મૂકવાનો ? ગુપ્તતા હોય કે નહીં લોકોને ? તમે શું કહો છો ? પ્રશ્નકર્તા : ઊલટાનું આપે કહ્યું છે ને કે મનને કડવું પીવડાવો ત્યારે જુદા રહેવું. એવા પુરુષાર્થમાં જ રહેવું જોઈએ. દાદાશ્રી : 'એ' કડવું પીવે ત્યારે આપણે આમ તાલીઓ વગાડીએ, હંઅ હવે ઠેકાણે આવ્યા ! ત્યાર વગર તમે ઠેકાણે આવો એવા નહોતા ! પ્રશ્નકર્તા : એવું જોડે બોલવું પડે અંદર ! દાદાશ્રી : એવું બોલ્યા કે વધ્યો આગળ. પછી દુઃખ ના હોય. દુઃખ અડે નહીં. 'બહુ રોફ મારતા'તાને કંઈ, લ્યો ને સ્વાદ કાઢો !' પ્રશ્નકર્તા : એવું બોલવાનું. એ બોલવાથી શું ઈફેક્ટ ઊભી થાય છે અંદર ? દાદાશ્રી : બોલવાથી બધું મહીં ટાઢું પડી જાય. કે હવે આપણા હાથમાંથી લગામ ગઈ. મન-બન બધું ટાઢું પડી જાય. મન જાણે કે હવે છૂપું રાખવાનું હતું તે ઉઘાડું કરી નાખ્યું. આબરૂ જશે હવે. આ તો છૂપું રાખવાનું હતું. ખાનગી રાખવાનું હતું તે બધું ઊઘાડું કરી નાખે છે. આપણે પહેલું કહેવું પડે કે ઊઘાડું કરી નાખીશ બા. તારે જે ઊધું કરવું હોય તો કર. તે ચોરી કરી માટે કહી દેવું. ચોરી કરું છું. એ ફરી ના કરે એવું કહી દઈએ તો, પણ લોકો છુપાવે, નહીં ? ફરી ગુનો કરવાનું મન થાય ને ત્યારે ઓપન કરીએ એટલે મન ટાઢું પડી જાય. એ જાણે કે હવે આ માણસને ત્યાં રહેવાય નહીં. મન શું કહે ? જે રીતે ઊઘાડું કરી નાખે છે હવે અહીં તો આપણે રહેવાય નહીં. એટલે બીજી જગ્યાએ જતું રહે, તો તું શું કરીશ પછી ? બીજી જગ્યાએ જતું રહે તો ચાલશે ? કારણ કે ઊઘાડું કરી નાખે એટલે મન રહે નહીં પછી. મન કંટાળી જાય કે આ તો કેવો માણસ છે ? મને બોલાવીને દગો કર્યો. ગુપ્ત રાખવાનું હતું તેને ઊઘાડું કરી નાંખવું કહે છે. તને ગુપ્ત રાખવાનો બહુ શોખ ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ઓપન કરી નાખું છું ? ત્યારે સારું. મન વશ કરવું હોય તો એકરારથી થાય. દરેક બાબતમાં પોતાની નબળાઈ એકરાર કરો ને, તો મન વશ થઈ જાય, નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય. મન કહેશે, ફાવતું ઘર છે આ ! પરમનથી જુદાઈ તો જુદાઈ કેવળજ્ઞાનથી ! કોઈનું મન આપણાથી જુદું પડવું ના જોઈએ. સામાવાળિયું ના થવું જોઈએ. પ્રશ્નકર્તા : આજે તો એ સામાવાળિયું છે જ. દાદાશ્રી : એમ નહીં, પણ જયારે ત્યારે એ સામાવાળિયું ના રહે, ત્યાં સુધી આવવાનું છે. મારે તો આ બધાં ને સાચું, તમને બધાંને કહેવું પડે છે, તમારા મનને જુદું કરવું પડે છે. અને પાછું મનને પાછું લાવવું પડે છે. બેઉ ક્રિયાઓ કરવી પડે છે. ડેવલપ મન ફક્ત મનુષ્યોમાં જ હોય છે. પેલું મન તો મનુષ્યો સિવાય બીજા લોકોને છે, તે તો ફક્ત સંજ્ઞા રૂપે છે. બીજી રીતે નહીં. હવે એ મન કોઈથી જુદું પડયું તો તમે કેવળજ્ઞાનથી જુદા પડો છો. કોઈનું ય મન તમારાથી જુદું પડયું એ કેવળજ્ઞાનથી જુદા પડયા ! પ્રશ્નકર્તા : એટલે સામાના મનને આપણાથી જુદું ના પડાય એના માટેની જબરજસ્ત જાગૃતિ જોઈએ ? દાદાશ્રી : બહુ જબરજસ્ત જાગૃતિ રાખવી પડે. આ વાત બધાં સમજે ને તો પુરુષાર્થ માંડવા જેવો છે. અને પુરુષાર્થ માંડશો તેથી આ સંસારમાં કશું આઘુપાછું થવાનું નથી, આ આપણું એવું વિજ્ઞાન છે. સંસારી કાર્યો જોડે જોડે થયાં જ કરે છે. તમારે નથી કરવું એવું નક્કી ના કરવું. સંસારી કાર્યો મારે કરવાં જ છે એવું નક્કી રાખવું. જરાય અડચણ ના થાય એવી રીતે મેં આ જ્ઞાન આપેલું છે. એક ખૂણો ય અડચણ ના પડે એવી રીતે આ વિજ્ઞાન આપ્યું છે. અને તમે આટલા બળતામાંથી નીકળી શકશો. આ મોટા મોટા બાવાઓ હિમાલયમાંથી ય નહીં નીકળી શકેલા. તે તમે અહીં સહેજે નીકળી જશો. અને તમને અનુભવપૂર્વકનું આવી જશે. કોઈનું મન, ઓછામાં ઓછું મન છે તે આપણાથી જુદું રહે એટલું રાખજો. પ્રશ્નકર્તા : એ ટેસ્ટ જેવો તેવો ટેસ્ટ નથી. દાદાશ્રી : એ ટેસ્ટ જેવો તેવો એટલે આ તો બહુ મોટામાં મોટો ટેસ્ટ છે. આ દુનિયામાં, આજે ઘરમાં ચાર માણસ હોય છે તે ચારેયનાં મન જુદાં હોય છે. આટલું જ હું આપણા મહાત્માઓને કહેવા માગું છું. કોઈની જોડે મન જુદું થતું નથી ને હવે ? પ્રશ્નકર્તા : આત્મિયતા લાગે. દાદાશ્રી : હા. પણ મન જુદું થાય ત્યારે આપણે જાણીએ કે આ અહીં આગળ પ્રકૃતિનો બહુ મોટો દોષ પડી ગયો કહેવાય. જરા મતભેદ પડી જાય વખતે, ઘડીવાર તો સવારે પાછું કશું ના હોય. એવું તો ચાલ્યા જ કરે માણસનું. એ તો કમજોરી જાય નહીં ને ! ઓછામાં ઓછા મન આપણાથી તૂટવા જોઈએ લોકોનાં, તમને સમજાઈ એ વાત ? જ્ઞાન લેતાં પહેલાં જે મન તૂટી જતાં હતાં લોકોનાં એવા નથી તૂટી જતાંને હવે ? જયારે ત્યારે સાચી વાત તો સમજવી પડશે ને ! કોઈનું મન જુદું પડે નહીં, એવી આપણે બહુ જાગૃતિ રાખીએ. ત્યાં સુધી મુક્ત હાસ્ય આવી શકશે નહીં. ત્યાં સુધી જગત વશ થાય નહીં. મુક્ત હાસ્ય સિવાય જગત વશ થાય નહીં. મુક્ત હાસ્ય આવશે ત્યારે ઘણા લોકોને લાભ થશે. જ્ઞાનીનું મન ! મન હોય તો મતભેદ પડે. અમારે મન જ નથી. એટલે માટે મતભેદ જ નથી ને ! પ્રશ્નકર્તા : પણ મન ના હોય એટલે મત પણ ના હોય ને ? દાદાશ્રી : હા. મત જ ના હોય. પણ અમને મત છે જ નહીં હવે. અમારું મન એવા સ્ટેજ ઉપર આવેલું છે કે મત રહ્યો નથી, આ અમારો મત ને પેલો તમારો મત, એવું કશું અમને છે નહીં. વિચાર તો જુદા હોય. વિચાર તો દ્રષ્ટિભેદ છે, ત્યાં સુધી વિચારભેદ હોય. જયાં સુધી સંપૂર્ણ દ્રષ્ટિ, કેવળજ્ઞાનને ના થાય, ના ધારણ કરે, ત્યાં સુધી કંઈને કંઈ વિચાર ભેદ રહે અને કેવળદ્રષ્ટિએ કેવળદ્રષ્ટિ બે મળે પછી વિચારભેદ ના રહે. ત્યાં સુધી વિચારભેદ રહેવાનો. અને વિચારભેદને કંઈ ઝઘડો નથી. વિચારભેદ મનભેદ કરાવતું નથી. એનું મન તૂટી જાય, સામાવાળાનું મન તૂટી જાય, એ તો મને પોષાય નહીં. હું મન તોડું ય નહીં અને મારું મન તોડે ય નહીં કોઈ. અને જો મારું તોડે તો પણ હું એનું તોડું નહીં. હું જાણું કે એની ભૂલ છે, પણ મારી ભૂલ ના થવી જોઈએ. પ્રશ્નકર્તા : પ્યોરીટી (ચોખ્ખો) અને પારદર્શક એમાં શું ફરક ? દાદાશ્રી : પ્યોરીટી કરતાં આગળ પારદર્શક થાય. પ્યોરીટી વધી જાય એટલે પારદર્શક થાય. પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : એટલે મનને કશો કોઈ વિચાર જ ના આવે. કોઈના અહિતના, કોઈ જીવને કશું, કિચિંતમાત્ર પણ હિંસાના વિચાર જ ના આવે. બુદ્ધિ યે એવી સરળ ચાલે. એ ડિસ્ચાર્જ અહંકાર, પણ સરસ ચાલે. પણ તે ડિસ્ચાર્જ બધું ખરું, ધીમે ધીમે, જતું જતું ખલાસ થાય ત્યારે એ પારદર્શક થાય. પ્રશ્નકર્તા : એ એકદમ ના થાય દાદા ? દાદાશ્રી : એકદમ તો કોઈને થાય જ નહીં ને ! અમારું મન બ્રહ્માંડનો ભારે ઉચકે એવું હોય. અમારી જોડે બેસી રહે તો તમારું મન એવું થઈ જાય. પણ બેસી રહો નહીં ને તમે ! પાકા લોક ! ઘેર ડોલરની ભીંત ચણતા જાવને ! ડોલરની ભીંત ચણે ! દાદાનાં મન જેવું મન થઈ જાય ને, તો કામ થઈ જાય. આખી દુનિયાનો ભાર ઝીલે !!! - જય સચ્ચિદાનંદ |