|
વિરોધ-વિરાધનામાં ફેર ! પ્રશ્નકર્તા : વિરોધ અને વિરાધનામાં શું ફેર ? દાદાશ્રી : વિરોધ એ 'રોધ' શબ્દ ઉપરથી થયું છે અને વિરાધના 'રાધ' શબ્દ ઉપરથી થયું છે. એ તમને ના સમજાયું ? રાધ એટલે તદરૂપ થવું, તદરૂપ થવાનો પ્રયત્ન એને રાધ કહે છે, એને આરાધના કહે. પછી એ વિરાધના કરે તો તદરૂપથી સામો થાય, અવળો પ્રયત્ન કહેવાય. આરાધના કરે તો તદરૂપ થયા કરે. વિરાધના કરે તો અવળો ચાલે, એ સમજાયું તને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પછી વિરોધ શબ્દમાં રોધ હોય. રાધ ના હોય. રોધ એટલે અટકાવવું. હા, વિરોધ જબરજસ્ત માર, કકળાટ, ક્રોધ કરીને અટકાવી દેવું વિશેષ પ્રકારે. કેમ પૂછવું પડ્યું ? પ્રશ્નકર્તા : એક પુસ્તકમાં દાદા વાંચ્યું'તું કે દાદાનો વિરોધ થાય, પણ વિરાધના ના કરાય, એમ ? દાદાશ્રી : હા, વિરોધ કરી શકાય. વિરાધના કરીએ તો આત્માને, પોતાના આત્માને બગાડ્યો. એટલે વિરાધના ના થાય અને વિરોધ છે તે હંમેશાં પ્રાકૃતિકમાં હોય છે અને વિરાધના આત્મસંબંધમાં હોય છે. વિરાધનાથી બહુ ડરવું. ગમે ત્યાં વિરાધના કોઈની ના થઈ જાય એ જોવું. ખોટાંની ય વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી હોય તો ના કરો. સામાનો એ 'વ્યુ પોઈન્ટ' છે, ખોટું નથી. તમને ના પોસાય તો ના કરો. વિરાધના સાચાની ય ના કરો. વિરાધના માત્ર દુઃખદાયી છે. કોઈ ગમે ત્યાં જતો હોય તેનાં આપણે વિરોધી તો નથી ને ? આપણે કશાના વિરોધી ન થવું. ના જવું કે જવું એ વાત જુદી છે, પણ કશાના વિરોધી તો ના જ થવું. મનના વિરોધ સામે.... મન વિરોધ ઉઠાવે તો ય રાગ-દ્વેષ ના થાય, એટલે બહુ થઈ ગયું. મન વિરોધ ઉઠાવે તેનો વાંધો નહીં, પણ રાગ-દ્વેષ ના થવા જોઈએ. પ્રશ્નકર્તા : મનના વિરોધમાં વીતરાગતા કેવી રીતે રહે ? દાદાશ્રી : રહી શકે. મનનો વિરોધ તો જોયા કરવાનો છે. મન તો આખું જોવાનું જ છે ને ! મન દ્રશ્ય છે. પ્રશ્નકર્તા : એટલે મનનો વિરોધ હોય ત્યાં વીતરાગતા ના રહે, પણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય. દાદાશ્રી : એ જ્ઞાતા-દ્રષ્ટા એ જ વીતરાગપણું. પ્રશ્નકર્તા : તો આ મનની સામે પોતે જ્ઞાયક ભાવમાં રહે ? દાદાશ્રી : તે એ ય વીતરાગપણું જ છે. પ્રશ્નકર્તા : તો એ બેમાં થોડો ફેર તો ખરો ને, દાદા. જ્ઞાયક સ્વભાવમાં રહેવું અને જ્ઞાતા-દ્રષ્ટા રહેવું ! દાદાશ્રી : એ બધું, એ વીતરાગ બધું રાગ-દ્વેષ રહિત થયા વગર જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકાય નહીં. જેટલો વખત રાગ-દ્વેષ રહિત થયા એટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે. પ્રશ્નકર્તા : મનનો વિરોધ ખૂબ લાંબો સમય ચાલતો હોય, પણ પછી આ મન એ જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ, એક્ઝેક્ટનેસમાં દેખાઈ જાય, તો એ મનનો વિરોધ ઉડી જાય છે. દાદાશ્રી : એ સમાધાન થયું એટલે ઉડી ગયું, બસ. મન સમાધાન ખોળે છે, કોઈ પણ રસ્તે, એટ એની વે. એ તમે કહો છો કે સમાધાન થયું, એટલે ઉડી જાય. આખો ગ્લોબ ઉડી જાય તે ઘડીએ. પ્રશ્નકર્તા : ઘણી વખત એવું થાય કે મનને તે વખતે સમાધાન થઈ જાય. પણ એ સમાધાન એને રિલેટીવ જ્ઞાનથી હોય તો પછી એનું પાછું રિએક્શન તો આવવાનું ને ? દાદાશ્રી : એની પાછળ અવસ્થાઓનાં રિએક્શન હોય છે. એક પડ જતું રહે, પાછું બીજું પડ આવે. દરેક વસ્તુ પડવાળી હોય. હવે આ લોકો તો આ જાણે નહીં કે આવી સ્થિતિઓ હોય છે, એવું લોકો જાણતા હશે ? કલ્પના જ નહીંને લોકોને ! ટીકા, બધી રીતે બાધક ! પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે ''આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.'' તો દાદા, નિંદા અને ટીકામાં ફેર ? દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા. પછી આગળ વાંચો. પ્રશ્નકર્તા : ''કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમકિતને ય બાધક છે.'' ''સામાની ટીકા કરો તો તેની આરાધના ની ટીકા કરી કહેવાય, એ ભયંકર ગુનો છે, તમે સામાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં. અભેદતા છે જ નહીં.'' દાદાશ્રી : ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની. આ ઊંધું જ્ઞાન મળે છે, તેનાથી તૃષ્ણા થાય છે અને આ ઊંધા જ્ઞાનની આરાધના કરો છો, તેનાથી આ બધાં દુઃખો છે ! ઊંધું જ્ઞાન મળે છે, તેમાંથી તૃષ્ણાઓ ઉત્પન્ન થાય છે અને ઊંધા જ્ઞાનની આરાધનાથી ફળસ્વરૂપે દુઃખ આવે છે. બાકી, કુદરત કોઈને દુઃખ આપવા સર્જાયેલી નથી. મનુષ્ય સિવાયના ઇતર પ્રાણીઓને કંઈ ચિંતા કે દુઃખ નથી. અવર્ણવાદ એટલે.... પ્રશ્નકર્તા : ''હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.'' (નવ કલમો) આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો 'એકઝેક્ટ' 'મીનિંગ' શું છે ? દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમે ય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય. કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : હોય ને ! દાદાશ્રી : ને થોડું અવળું ય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. 'આવી બાબતમાં જરા એવાં, પણ આ બીજી બાબતમાં બહુ સારાં.' આવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : અવર્ણવાદ ને વિરાધનામાં ફેર શું ? દાદાશ્રી : વિરાધનાવાળો તો ઊંધો જાય, નીચે જાય, નીચલી ગતિમાં. અને અવર્ણવાદ તો, પછી પ્રતિક્રમણ કરે એટલે વાંધો ના આવે, રેગ્યુલર થઈ જાય. કોઈનું અવર્ણવાદ બોલ્યા, પણ પછી પ્રતિક્રમણ કરે તો ચોખ્ખું થઈ જાય. અવિનય, અપરાધ એટલે.... પ્રશ્નકર્તા : અવિનય અને વિરાધના વિશે જરા સમજાવો. દાદાશ્રી : અવિનય, એ વિરાધના ના ગણાય. અવિનય એ તો નીચલું સ્ટેજ છે અને વિરાધના તો પદ્ધતિસર સામો થયો કહેવાય. અવિનય એટલે મારે કંઈ લેવા-દેવા નહીં એવું. 'વિનય કરવાનું' ના કરે, તેનું નામ અવિનય. તે વિનય તો માણસ ના ય કરે, જગત આખું ય ના કરે. અવિનયની એમને કંઈ પડેલી નથી. પ્રશ્નકર્તા : અપરાધ એટલે શું ? દાદાશ્રી : માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચઢે અને વિરાધના કરતો હોય તો નીચે ઊતરે. પણ અપરાધ કરતો હોય તે બેઉ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહીં ને કોઈને વધવા દે નહીં. એ અપરાધી કહેવાય. પ્રશ્નકર્તા : અને વિરાધનામાં ય કોઈને આગળ વધવા ના દેને ? દાદાશ્રી : પણ વિરાધનાવાળો સારો. કોઈકે જાણ્યું તો પછી એ કહેને કે, 'શું જોઈને તમે આમ ચાલ્યા ? આ બાજુ અમદાવાદ હોતું હશે ?!' તો એ પાછો ય ફરે પણ અપરાધી તો પાછો ય ના ફરે ને આગળ વધે ય નહીં. વિરાધનાવાળો તો ઊંધો ચાલે. પણ પડી જાય ને ! બધા બહુ ય પડી જાય. પ્રશ્નકર્તા : પણ પાછાં ફરવાનો ચાન્સ ખરો, વિરાધનાવાળાને ? દાદાશ્રી : પાછા ફરવાનો ચાન્સ તો ખરો ને, વિરાધનાવાળાને ! પ્રશ્નકર્તા : અપરાધવાળાને પાછા ફરવાનો ચાન્સ ખરો ? દાદાશ્રી : એ તો પાછો જ નથી ફરતો, ને આગળે ય વધતો નથી. એનું કોઈ ધોરણ જ નહીં. આગળ વધે નહીં ને પાછળ જાય નહીં. જ્યારે જુઓ ત્યારે ત્યાં ને ત્યાં જ, એનું નામ અપરાધ. અપરાધ ધોવાય કઈ રીતે ? પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે ? દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય. પ્રશ્નકર્તા : એ કઈ રીતે થાય, દાદા ? દાદાશ્રી : તંતે ચઢ્યો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાની જાતને કહેવું પડે કે, 'ભાઈ, તું તો ગાંડો છે, અમથો પાવર લઈને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું ક્યાં, કેવો છે ? તું તો ચક્કર છે.' આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઈનસ કરવું પડે. એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ ! પ્રશ્નકર્તા : અપરાધ થઈ જાય એ શાનાથી ધોવાય ? દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ' પાસે આંખમાં પાણી આવી જાય તો અપરાધ મટી જાય. પ્રશ્નકર્તા : એ શાને આધીન છે ? દાદાશ્રી : એ આધીન નહીં જોવાનું, એ બધું નિમિત્તાધીન છે. રડવાથી હલકાપણું આવી જાય. પ્રશ્નકર્તા : અપરાધ કરતી વખતે જરા ય ખ્યાલ નથી આવતો, તે શાથી ? દાદાશ્રી : એ બહુ ભારે ધોધ જેવું છે તેથી. નિંદા એટલે.... પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય ? દાદાશ્રી : નિંદા, એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. તો ય લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય બધું. કશું એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ. અપકીર્તિ ના બોલીશ. એટલે કોઈની નિંદામાં ના પડવું. કમાણી ના કરાય, કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈની ય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ. અહીં નિંદા જેવી વસ્તુ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું ! ભગવાને શું કહ્યું ? કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની. 'જ્ઞાની' પાસે જ્ઞાનથી જ સમજાય. નિંદાનું કર્મબંધન ! કોઈ માણસની નિંદા ના કરાય. અરે, સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાં ય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈની ય સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ 'મહાત્મા'ઓની ટીકા, નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે ? સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુદ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ છતાં ય કોઈનું એક અક્ષરે ય ના બોલીએ. એક અક્ષરે ય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય. અવર્ણવાદ - પરોક્ષ કે મૃત્યુ પામેલાનો ! પ્રશ્નકર્તા : ''હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'' (નવ કલમો) દાદાશ્રી : અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથી ય ભારે ખરાબ વસ્તુ છે. પ્રશ્નકર્તા : આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ? દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી. પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું. અત્યારે રાવણનું અવળું ના બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને 'ફોન' પહોંચી જાય. 'રાવણ આવો હતો ને તેવો હતો' બોલે, તે તેને પહોંચી જાય. આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને ય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. જોખમ છે એમાં, બહુ મોટું જોખમ છે. તે વખતે પહેલાંના 'ઓપીનિયન'થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલું વાત બોલાય તો દોષ ના બેસે. આ હુક્કો પીતા જઈએ અને બોલતા જઈએ કે 'ના પીવાય, ના પીવડાવાય ને કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી શક્તિ આપો.' એનાથી કરાર છૂટો થાય. નહીં તો પુદ્ગલનો સ્વભાવ ગુલાંટ મારવાનો છે. એટલે આ ભાવના બોલવાની. વ્યવહારમાં આવ્યા છે એટલે અડચણો બધી હોય છે ને દોષો બધાં બેઠાં છે. તે આ નવ કલમો બોલવાથી બધા દોષો છૂટી જાય અને તમારામાં શક્તિ વધે એકદમ. તમે શક્તિ જ માગ માગ કર્યા કરો તો અંદર શક્તિ વધ્યા કરે. એટલે શક્તિ જ માંગવાની. બીજું કશું તમારે કરવાનું નહીં, શક્તિ જ માગ માગ કરવાની ! વીતરાગ માર્ગ વિરોધવિહીન ! વીતરાગનો માર્ગ હોય ત્યાં વિરોધ ના હોય. પ્રશ્નકર્તા : આ ભગવાનની જન્મજયંતી ઉજવાય છે, તેમાં કેટલાક વિરોધ કેમ કરે છે ? દાદાશ્રી : જ્ઞાનીઓ કશાનો વિરોધ ના કરે, ચાલતી ગાડીને અટકાવે નહીં. આ કંઈ બધા જ્ઞાનીઓ છે ? એ તો બધા મતાંધો છે, મતનું પૂંછડું પકડી રાખે, પોતાનો અહંકાર પોષવા માટે ! આ તો ખોટી મમત છે, તેથી કાગનો વાઘ કરી મૂકે છે ! વીતરાગ માર્ગ ઉપર આચાર્ય કેવા હોય, તેની વ્યાખ્યા કહું. ગમે તેની, ગમે તેવી વાત હોય તો તે સાંભળવા તૈયાર થાય, કોઈ કંઈ સંભળાવવા આવે તો શાંત ભાવે કહેશે કે, 'હા, વાત કરો.' આપણો વિનય એવો હોવો ઘટે કે અપરાધક જીવ અન્અપરાધક થાય. વીતરાગ માર્ગમાં તો કોઈનો ય વિરોધ કે તરછોડ ના હોય. ચોર, ડાકુ, બદમાશો કોઈનાં ય વિરાધક વીતરાગ ના હોય. એમને 'તું ખોટો ધંધો લઈને બેઠો છે' એમ કહે તો પેલાને તરછોડ વાગશે અને તરછોડ વાગે ત્યાં ભગવાનને ના જોઈ શકે. ભગવાન તો એટલું કહે છે કે, એને ય તું તત્ત્વદ્રષ્ટિથી જો. અવસ્થા દ્રષ્ટિથી જોઈશ તો તારું જ બગડવાનું છે. આપણે કાદવમાં ઢેખાળો નાખીએ તો ? કાદવનું શું બગડવાનું છે ? કાદવ તો બગડેલો જ છે, છાંટા આપણને ઊડે. એટલે વીતરાગો તો બહુ ડાહ્યા હતા, જીવમાત્ર જોડે તરછોડ ના વાગે તેમ નીકળી જતા હતા. ધર્મપુસ્તકની અશાતના ! પ્રશ્નકર્તા : ધર્મના પુસ્તકો ઉપર 'અશાતના ના થાય, તેની કાળજી રાખો.' એવું લખેલું હોય છે. તો અશાતના શેને કહેવાય ? દાદાશ્રી : એવું છે ને ધર્મપુસ્તક, જે લખનારાં અત્યારે છે બધાં, એ એમ જાણે છે કે આનું નામ જ ધર્મપુસ્તક. ત્યારે બીજાને એ ધર્મપુસ્તક ના લાગતું હોય. બાકી ધર્મપુસ્તક એક્ઝેક્ટ હોય ને તો એ પુસ્તકને ગમે તેમ નાખે કે ફેંકે એ બધી અશાતના જ થાય. જ્ઞાની પુરુષની સહેજ અશાતના થાય તો ભયંકર દોષો બંધાય ને જ્ઞાનાવરણ બંધાય, એટલું જ નહીં પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, બધાં ય કર્મો બંધાઈ જાય. એટલે પુસ્તકની અશાતના એ જ્ઞાનીની અશાતના જેવી જ છે, પણ આ ગમે તે લોકો, બધા ય પુસ્તકોમાં લખે છે, એનો અર્થ કશો ય નહીં. આપણે ય આ પુસ્તકોમાં લખી શકીએ, પણ અત્યારે એ ટાપલું કરવા જેવું છે નહીં. અત્યારે તો લોક અશાતના શબ્દ જ સમજતાં નથી. બોલે ખરાં અશાતના, પણ તેનો ભાવાર્થ શું છે ? એ ના સમજાય ને ! પ્રશ્નકર્તા : અશાતના ક્યારે થઈ કહેવાય ? દાદાશ્રી : વિનય ચૂક્યો કે અશાતના થઈ. એટલે આપણે પુસ્તકમાં અશાતના શબ્દ નથી લખતા ને ! આપણે શું કહીએ છીએ કે 'પરમ વિનય રાખો !' આપણે આમ કાનપટ્ટી નથી પકડાવતા ! 'અશાતના ના કરશો' એવું નથી કહેતા આપણે, પણ 'પરમ વિનય રાખો' એવું કહીએ છીએ અને પરમ વિનય એ જ મોક્ષનું સાધન ! 'પરમ વિનય'માં અશાતના કોઈ દહાડો ય હોય જ નહીં. વિરાધના, અશાતના એ બધાં નજીક નજીકનાં શબ્દો છે. તે જેમાં ને તેમાં લોક 'અશાતના થાય નહીં, અશાતના થાય નહીં.' છાપ્યા કરે છે, પણ એ સમજ્યા વગરની વાત કરે છે. બાકી અશાતના તો કરે ને, તો અંદર અશાતા ઉત્પન્ન થઈ જાય, અંદરની શાતા જ એની ઊડી જાય, મહીં સહન ના થાય !! ધર્મમાં ભ્રષ્ટાચાર ! પ્રશ્નકર્તા : લોકો ભગવાનને છેતરીને ધર્મમાં ભ્રષ્ટાચાર કરે છે. દાદાશ્રી : એ બહુ ખોટું કહેવાય. એટલા માટે તો પહેલાંથી જ પહેલાંના જ્ઞાનીઓ શ્શલોક બોલેલા : અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્, ધર્મક્ષેત્રે વિનશ્યતિ, ધર્મક્ષેત્રે કૃતમ્ પાપમ્, વજ્રલેપમ્ ભવિષ્યતિ. વજ્રલેપ એટલે લાખો વરસ માટે ખલાસ થઈ જાય, નર્ક મળે ! જે પોતાનું જ અહિત કરી રહ્યાં છે તેને અમે 'જાગતા ઊંઘે છે' એમ કહીએ છીએ. આનાથી તો મનુષ્યપણું જતું રહેશે, દુઃખના ડુંગર ઊભા કરી રહ્યાં છે. આને જ્ઞાન એકલું જ અટકાવી શકે. સત્યજ્ઞાન મળવું જોઈએ. પસ્તાવો એકલો કરવાથી કશું વળે નહીં. પસ્તાવો એ તો ધર્મનું એક શરૂઆતનું પગથિયું છે. પ્રશ્નકર્તા : ખોટાં કામ કરે ને પસ્તાવો કરે ને પાછું એનું એ ચાલ્યા કરે ને ? દાદાશ્રી : પસ્તાવો હાર્ટિલી હોવો જોઈએ. ધર્મસ્થાનકોની અશાતના ! પ્રશ્નકર્તા : અમારા ગામમાં સીત્તેર દેરાસરો છે. છતાં પણ એવું કંઈ અશાતના અમારી થઈ, એવા ક્યા કારણો છે કે જેથી કરીને અમારા ગામનો અભ્યુદય થતો નથી ? સંઘનો અભ્યુદય કેમ થતો નથી ! દાદાશ્રી : થશે. અભ્યુદય થશે ને, હવે અભ્યુદય થવાની તૈયારી જ છે ! પ્રશ્નકર્તા : કોઈ અશાતના થઈ છે ? દાદાશ્રી : અશાતના વગર તો બધું થાય નહીં ને, આવું થાય નહીં. અશાતનાઓ જ થઈ છે ને ! બીજું શું તે ? પ્રશ્નકર્તા : એના નિવારણ માટે કોઈ રસ્તો ? દાદાશ્રી : નિવારણ તો આપણે પશ્ચાતાપ- પ્રતિક્રમણ કરીએ તો. સાચું પ્રતિક્રમણ- પશ્ચાતાપનું કરીએ તો નિવારણ થાય. નહીં તો નિવારણ માટે કશો રસ્તો થાય નહીં. સાચો પસ્તાવો કરીએ કે અશાતના થઈ છે, એવું પશ્ચાતાપ કરીએ તો કંઈ ફેરફાર થઈ જાય. આ તો તમે એકલા કરો તો કેટલુંક વળે ?! છતાં એક માણસ સુધરે તો બધા સો માણસ સુધરે. પ્રશ્નકર્તા : એ સ્વાર્થવૃત્તિ થઈ જાય ને ? તો પછી સ્વાર્થવૃત્તિ થઈ જાયને ? મારું પોતાનું. દાદાશ્રી : ના. સ્વાર્થ જ થવો જોઈએ. એક સુધરે તો બીજો સુધરે. પણ આ સુધરતા જ નથી, ત્યાં આગળ શું થાય તે ? એકને જોઈને બીજો સુધરે. એક જ સુધરે તો બહુ થઈ ગયું. ભગવાને કહ્યું'તું, આખા ગામમાં એક જ માણસ સુધરે તો બહુ થઈ ગયું ! ...પણ વિરાધના કોઈની ના હોજો !! પ્રશ્નકર્તા : અત્યારે જે વાડાં ચાલી રહ્યાં છે ને, એ હું એમ કહું છું કે, આમાં મારાં જ ભગવાન સાચાં, બીજાં બધા ખોટાં, બીજા ધર્મવાળા એમ કહે કે અમારાં જે છે એ સાચાં, તો....? દાદાશ્રી : એવું છે ને, વસ્તુસ્થિતિ જુદી છે. વસ્તુસ્થિતિ એવી છે કે તમારે કોઈ પણ બાઉન્ડ્રીમાં રહેવું પડશે. તમારે ફર્સ્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં, ફિફથમાં કોઈ પણ સ્ટાન્ડર્ડમાં રહેવું પડશે. કોઈ પણ સ્ટાન્ડર્ડમાં રહ્યા સિવાય આગળનું સ્ટાન્ડર્ડ માણસ પસાર કરી શકે નહીં. એટલે ત્યાં આગળ બધાં દેવને નમસ્કાર કરો એ જોખમ છે, પણ જોડે જોડે અત્યારે જે આ વિગતો થઈ છે કે 'ભઈ, અમારે તો અમારાં આ ભગવાન એકલાં જ, બીજાં ભગવાન અમારે નહીં.' એમાં, એ ભગવાન એકલાં તારે કરવાનાં, પણ બીજી વિરાધનામાં ન પડવું જોઈએ. આ આમનું, બીજા બધાનું ખોટું છે, એવું ના કહેવું જોઈએ. એટલે પોતાનું સ્ટાન્ડર્ડ ચાલવાં દેવું જોઈએ. એટલે શું કહ્યું કે તમે તમારે ઘેર જજોને. ધણી જોડે પતિવ્રતા રાખીને બધે દર્શન થાય. ધણી જોડે પતિવ્રતા જ એકલું રાખી અને બધે જે' જે' કરી શકાય. પણ આ તો વાતને સમજતાં નથી, એને શું થાય તે ? એવું છે ને, નમસ્કાર ક્યાં સુધી કરાય ? અહીં આપણા મહાત્માઓને મેં શીખવાડ્યું છે કે જ્યાં મનુષ્યોની કંઈ પણ બિલીફ હોય, ત્યાં નમસ્કાર થાય. મૂર્તિ હોય કે ના હોય પણ મનુષ્યોની બિલીફ છે, એટલે ત્યાં નમસ્કાર થાય. અને તે પરોક્ષ ભક્તિ છે. એટલે ગમ્મે ત્યાં નમસ્કાર કરે તો ય જમે તો થાય જ. પ્રશ્નકર્તા : ત્યારે પ્રત્યક્ષ ભક્તિ કેવી ? દાદાશ્રી : પરોક્ષ ભક્તિ એટલે રીલેટિવ અને પ્રત્યક્ષ ભક્તિ એટલે રીયલ. વિરાધક જીવો ! આ તો ભગવાનને જે સબમીટ (સમર્પણ) થયા અને ભગવાનને જ કહે, 'આપ જે કરો એ ખરું.' તેનો છૂટકારો થઈ ગયો. પ્રશ્નકર્તા : પણ જેની દાનત ચોર હતી તો એમને દર્શન કેવી રીતે થયા ? દાદાશ્રી : દર્શન થાય. દર્શન તો બધાંને થાય. દર્શન તો ચોરને ય થાય. ઉલ્ટાં મહાવીર સ્વામીના દર્શન કરવાથી વધારે નીબીડ થાય એટલે બહુ ભટકે એના કરતાં દર્શન ના કર્યાં હોત તો સારાં. વધારે નીબીડ થાય, એટલે અવળું બોલે ! પ્રશ્નકર્તા : એટલે વિરાધના કરે ? દાદાશ્રી : નરી વિરાધના ! વિરાધક જીવડાં જ હોય. ભાન જ ના હોય બળ્યું. અને વાઈફને શું કહે, 'પૂરીઓ લાવજે અને જરાક કશાની ચટણી આટલી કરી લાવજે, સૂકાં મરચાંની. લીલોતરી શાક ના લાવીશ, હં.' અહીં ઘેર બેસીને ના ખવાય, તે ત્યાં પૂરીઓ ને ચટણી ખાઈ લે. તે અહીંથી ઊઠીશ નહિ કહે. સાંભળવાની ગમે એવી દેશના થતી હોય ! ....ને વીતરાગો જોડે લઢ્યા તો ય ઉકેલ !! બાકી ભગવાનને ય પૂછનારા મળ્યા હતા કે, 'તમે આમ કેમ કર્યું ?' અરે, મને હઉ પૂછેને ! કારણ કે એને અધિકાર છે. ગમે તે માણસ ગમે તે પૂછે, અરે ગાંડા ય કાઢે ! અમને તો એમે ય કહે કે, 'તમારામાં અક્કલ નથી.' ત્યારે હું કહું કે, 'પહેલેથી જ નહોતી, તેં તો આજે જ જાણ્યું, પણ હું તો પહેલેથી જ જાણું છું !' હવે એ એની જોખમદારી ઉપર બોલી રહ્યો છેને ! પણ અમારે એને સમજાવીને વાળી લેવો પડે, કારણ કે એને બહુ મોટો દોષ બેસે ને ! જેમ કૂતરું બહુ ભસતું હોય તો તેને આમ હાથ ફેરવીએ ત્યારે એ ટાઢું પડે ! એવું આ મનુષ્યો બહુ ભસતા હોય ત્યારે આપણે હાથ ફેરવીએ ત્યારે એ ટાઢા પડે. બહુ ઉગ્ર હોય ત્યારે જ બિચારો આવું કરેને ! દુઃખનો માર્યો કરેને ! સુખનો માર્યો કોઈની જોડે કોઈ કષાય કરે ? સુખિયો માણસ બીજા જોડે કષાય કરે ? પણ પોતે દુઃખવાળો તે સામા જોડે કષાય કરે, એટલે અમે એને ટાઢો પાડીએ અને પછી પાછું વિરાધના તોડી નખાવડાવું ! કારણ કે એણે સમજપૂર્વક નથી કર્યું, અણસમજણથી કર્યું છે. એટલે આજના મનુષ્યોએ સમજણપૂર્વક કશો ગુનો જ નથી કર્યો, આ એવાં સરસ માણસો છે આજનાં ! આ બધાં અણસમજણથી જ ગુના થઈ ગયા છે. સમજણપૂર્વકનો એક ગુનો નથી કર્યો એવા આજનાં મનુષ્યો છે, બહુ સારામાં સારાં મનુષ્યો છે, પણ ખાલી સમજણના ફાંકા પડી ગયા છે ! અને પહેલાં તો સમજણપૂર્વક ગુના કરતા હતા. 'હું જાણું છું, બૂઝુ છું કે તું મહાવીર છે, તું આખા બ્રહ્માંડનો નાથ છે, એને ય હું જાણું છું, પણ તારાથી થાય તે કરી લેજે.' એવાં ય જાણીને કરનારાં માણસો હતા. પણ એ મોટાં માણસો કહેવાય. કારણ કે આવડો મોટો ગુનો, આવાં મોટા માણસ જોડે કરવો, તે કંઈ નાનાં છોકરાંનું કામ છે ?! ના. તે પછી અહીંથી સીધો જ જાય, સાતમી નર્કમાં ! ત્યાંથી દેવલોકમાં જાય ને પછી અહીં આવીને વીતરાગ ધર્મ પામીને મોક્ષે જતો રહે ! કારણ કે વીતરાગો જોડે લઢ્યાને ! ભગવાને કહ્યું હતું કે લઢો તો ય વીતરાગ જોડે લઢજો પણ ગાળો ના દઈશ. તમારે જો લઢવાની ઇચ્છા હોય તો વીતરાગ જોડે લઢજો. સારું કરીને લઢજો, મારંમાર કરજો, તો એમની જોડે હિસાબ બંધાશે, નહીં તો આ લોકો જોડે તો લઢીશ જ નહીં. જો તું અમેરિકન જોડે લઢીશ તો તને ત્યાં પાછું જવું પડશે, 'મેરી' જોડે પૈણવું પડશે અને 'મેરી' ડાયવોર્સ લેશે ત્યારે તારી શી દશા થશે ? એટલે આવું છે આ બધું ! આ કર્મોની ગતિમાં સમજાય નહીં. 'સત્' પમાડવા, કેવી કારુણ્યતા ! એટલે, તમારે એકઝેક્ટ સમજવું છે ને ? 'એકઝેક્ટ' સમજવું હોય તો પદ્ધતિસર સમજો, ને તમારી જે સ્થિત છે એ ખોઈ ના નાખશો. પદ્ધતિસર એટલે અમે જે વાત કરીએ છીએ એ ત્રિકાળ સત્ય વાત છે, એમાં ફેરફાર ના થાય. અમે છેલ્લી વાત કરીએ કે જેનાથી લોકો સાચી હકીકત પામે. કોઈ સમજવા માગતું હોય તો અહીં આ 'દાદા' પાસે આવો. આ ખોટું શા માટે ઝાલી પડ્યા છો ? અને વખતે કોઈ સામાવળિયો થઈને આવે તો મને વાંધો નથી. એ ગાળો ભાંડે તો ય મને વાંધો નથી. એમને જમાડી દઈએ, એમ ટાઢા પાડીને પછી એને વાતની સમજણ પાડી દઉં. એ ગાળો ભાંડે તો ય મને તો ઊંઘ આવશે ને હું ગાળ ભાંડું તો એને ઊંઘ ના આવે. એટલે મારાથી એને દુઃખી કરાય નહિ. એટલે પાંસરું તો કરવું પડશે ને ? ક્યાં સુધી આ ચાલશે ? આમાં મારે કરવું નથી, હું તો નિમિત્ત છું. જગતની મીઠાશ જોઈએ છે અને આ ય જોઈએ છે, બે ના થાય. જગતમાં તો હરાવવા આવેને, તો હારીને બેસવું નિરાંતે. લોક તો એની ભાષામાં જવાબ આપશે. 'મોટા શુધ્ધાત્મા થઈ ગયા છો ?' એવી તેવી ગાળો હઉ ભાંડશે. કારણ કે લોકનો સ્વભાવ એવો છે. પોતાને મોક્ષે જવાનો માર્ગ મળ્યો નથી એટલે બીજાને ય જવા ના દે, એવો લોકનો સ્વભાવ. આ જગત મોક્ષે જવા દે એવું છે જ નહીં. માટે આમને સમજાવીને-પટાવીને છેવટે હારી જઈને ય કહેવું કે, 'અમે તો હારી ગયેલાં છીએ.' તો તમને છોડી દેશે. આ લોક તો કોઈને ય ગાંઠતા નહોતા ને ! માટે આપણે સમજી જવું કે એ હરાવવા આવ્યા છે, ત્યાંથી જ કહેવું કે 'ભઈ, હું તો હારીને બેઠો છું. તમે જીત્યા, હું તો તમારાથી હારી ગયો.' એવું કહીએ એટલે એને ઊંઘ આવે કે મેં ચંદુભાઈને હરાવ્યા. એટલે એ સંતોષ માને ! ...માટે ચેતતા રહેવા જેવું જગત ! કોઈ ગમે તેટલું ગાંડું બોલે, તે ઘડીએ આપણે જવાબ આપીએ, પછી તે ગમે તેટલો સુંદર હોય પણ સહેજે ય સ્પંદન ફેંકાઈ જાય તો ય ના ચાલે. સામાને બધું જ બોલવાની છૂટ છે. એ સ્વતંત્ર છે, અત્યારે પેલાં છોકરાં ઢેખાળા નાખે તો તેમાં એ સ્વતંત્ર નથી ? પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં ત્યાં સુધી સ્વતંત્ર જ છે. સામો જીવ તો ગમે તે ધારે તે કરે. વાંકો ફરે, ને વેર રાખે તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે ! એટલા માટે તો અમે કહીએ છીએ કે ચેતતા રહેજો. વાંકો મળે તો જેમ તેમ કરીને, ભઈ સાહેબ કરીને પણ છૂટી જજો ! આ જગતથી છૂટવા જેવું છે. નહીં તો પ્રગતિ રૂંધાય અમે અમારો 'પ્રોગ્રેસ' છોડીએ નહીં. અમે એક વખત વિનંતી કરી જોઈએ. બાકી, અમે તો વાત છોડી દઈને આગળ ચાલવા માંડીએ. અમે ક્યાં સુધી બેસી રહીએ ?! અમે તમને સમજ પાડીએ. પણ જો તમે તમારી પકડ પકડો તો અમે તરત છોડી દઈએ. અમે જાણીએ કે આમને દેખાતું નથી, તો આપણે ક્યાં સુધી બેસી રહીએ ? બેસી ના રહેવું જોઈએને ? આપણે આપણી ચાલતી પકડવી જોઈએને ? કારણ કે એને આગળ દેખાતું જ નથી ને ! વીતરાગોની વિરાધના ! આ કાળના જીવોએ વીતરાગોની વિરાધના નહીં કરેલી, ધર્મની જ વિરાધના કરેલી. વીતરાગોની વિરાધના એટલે કેવળ-જ્ઞાનીની વિરાધના. એ નહીં કરેલી ! ને ધર્મની જ વિરાધના કરેલી, તે પણ અણસમજણથી, જાણી જોઈને નહીં કરેલી ! એટલે શું કે ધર્મમાં બેસે ને પાછા વિરાધના ય કરે ! વીતરાગોની વિરાધના કરે એવા તો છઠ્ઠા આરામાં હશે, આ કાળમાં વીતરાગોની વિરાધના કરવાની શરૂઆત થઈ ગઈ છે. તેમાં જૈનોનાં છોકરાં ય વીતરાગોની વિરાધના કરી બેસે છે ને ! એમ કરતાં કરતાં છઠ્ઠો આરો આવશે ને છઠ્ઠા આરામાં તો દેરૂં ના મળે, પુસ્તક ના મળે, કશું ના મળે, ને બાયડી જોડે ઝઘડાં ને છોકરાં જોડે ઝઘડાં !! મરૂદેવી માતા : કિંચિત્માત્ર વિરાધના નહીં ! પ્રશ્નકર્તા : મરૂદેવી માતાના ભવની અંદર, પાંસઠ હજાર પેઢીઓ જોઈ અને એ પાંસઠ હજાર પેઢીઓમાં એકુંય ઠેકાણે એવું નહીં કે કોઈની નિંદા કે કોઈની હાય લીધી હોય. આ પુણ્ય લઈને એ આવ્યા'તા. એટલે મારો કહેવાનો ભાવાર્થ આવી પુણ્ય લઈને આવ્યા હોય તો કામનું, આવી પુણ્ય જો હોય કે કોઈ માંદું નહીં, દુઃખ નહીં તો પાંસઠ હજાર પેઢીઓ જોઈ મરૂદેવીના ભવની અંદર, એનું શું કારણ ? દાદાશ્રી : કોઈ જીવની કિંચિત્માત્ર વિરાધના નહીં અને આ તો રસ્તે જતા ગાંધીજીની વાત ચાલતી હોય તો ગાંધીજીને બોલવા લાગે. જવાહરની વાત.... જવાહરને બોલવા લાગે, ઇંદિરાને બોલવા લાગે. જેની વાત કરો તેને બચકાં ભરભર કરે. એ તો આવાં તેથી જ આ અશાતા વેદનીય તેની છે ને બધી ! અને પેલાં તો બિલકુલ, એ જીવ કેવો ? મરૂદેવી માતા જેવા જીવો, બિલકુલ કિંચિત્માત્ર વિરાધના નહીં કોઈ જીવની, ઝાડની ય વિરાધના નહીં અને આ જીવો કેવા.... ઈંદિરાની વાત નીકળી તો ઇંદિરાને બચકાં ભરે, જવાહરની વાત નીકળી તો જવાહરને બચકાં ભરે, જે હાથમાં આવ્યું તેને બચકું ભરે. તમને લાગે છે એવું ? પ્રશ્નકર્તા : એ વાત તદ્દન સાચી છે. કોઈ રસ લે ય ખરાં, રસ પડે. ઇંદિરાના વિરોધમાં રસ પડે. મોરારજીની ફેવરમાં રસ પડે. આવા બધા રસ આવ્યા કરે. દાદાશ્રી : એટલે એમને કોઈ ફેવરેબલ નહોતું, મરૂદેવીને અને કોઈ અનફેવરેબલ નહોતું. એ વિરાધના જ નહીં. એટલે આરાધના ય નહીં ને વિરાધના નહીં. આ તો એકની આરાધના હોય ને બીજાની વિરાધના, તે વિરાધના વધારે હોય. આખો દહાડો બચકાં ભર્યાં કરે. તે આથી બધું અશાતા વેદનીય જ આનું ફળ આવે. આખો દહાડો બચકાં ભર્યા કરે, પેપર વાંચીને તરત બચકાં ભર્યા કરે, વાત સાંભળે તે ઘડીએ બચકાં ભરવા માંડે, એવો અહંકાર ગાંડો કે બધામાં ભળે અને એ બચકું બધા ભરતાં હોય તો એ ય ભરવા લાગે. એમ નહીં કે આ બધા ભરે છે, એ તો બધાં એમને ગમે તે ગતિમાં જવું હોય પણ મારે તો મોક્ષે જવું છે. તો ય પણ એ ય ભરવા લાગે. પ્રશ્નકર્તા : એક વખત વચમાં મગજમાં ગૂંચ આવ્યા કરતી'તી. પછી એમ થયું કે દાદા એમ બોલ્યાં છે કે આ તો વ્યવસ્થિત છે બધું, એમાં તું આ બધું શું કરવા ડખા કર્યા કરે છે. તે આ ઇંદિરા ખરાબ ને મોરારજી સારો ને મગજમાં આવા ગોદા શું કામ કર્યા કરે છે. ત્યારથી બંધ કર્યું, દાદા. દાદાશ્રી : એ આપણને શોભે નહીં. વીતરાગ થઈ જાવ, વીતરાગ. આપણો ખરેખર ગુનેગાર હોય તેની જોડે ય વીતરાગ થવાનું ભગવાને કહેલું, એ ત્યાં ના રહેવાતું હોય તો ઠીક છે, પણ આ નહીં લેવા-દેવા ને વગરના બચકાં ભરવા ?! પ્રશ્નકર્તા : જેની સાથે કોઈ મતલબ નથી, લેનાર કે દેનાર આવે. દાદાશ્રી : વગર કામના બચકાં ભરે ને, આમ બચકું ભરે, તેમ બચકું ભરે, કૂતરાં ય એવું ના ભરે. કૂતરાં ય અમુક જ માણસને ભરે. પ્રશ્નકર્તા : હા. આ તો કૂતરાંથી ય બદતર થયા. દાદાશ્રી : હા, કૂતરાંથી ય નીચે ગયા ! પ્રશ્નકર્તા : પણ આપણી ભાવના વિરાધના કરવાની ના હોય તો પછી પ્રતિક્રમણ કરવા જોઈએ ?! આપણે તો જે સાચી વાત છે એ કહીએ છીએ. દાદાશ્રી : એવું છે ને અમે જે ઘડીએ બોલીએ, તે ઘડીએ જોડે અમારે પ્રતિક્રમણ ચાલતું હોય, બોલીએ એની સાથે જ. 'આત્મજ્ઞાની'ની વિરાધના, ત્યાં આત્મઘાત !! એવું છે ને, ગુરૂ એ પાંચમી ઘાતી કહેવાય. ત્યાં જોરદાર-સામા થશો નહીં, દારૂખાનું છે એ તો. ૯૯ વર્ષનું કરેલું, છ મહિનામાં ધૂળધાણી કરી નાખે અને પાછો રીસાઈને ઊંધે માર્ગે હઉ જતો રહે. એટલે કૃપાળુદેવે શું કહ્યું કે પછી એ ગાંડો થઈ જાય. આ જ્ઞાની પુરુષની, સંત પુરુષની અવહેલના કરી. એનું પોતાનું દોઢ ડહાપણ હોય ને, તેનાં આધારે કશું બોલતાંની સાથે રીસ ચઢાવીને હેંડતો થઈ જાય. તે પછી આવતા ભવમાં બોબડા થાય, ગાંડા થાય, આંધળા થાય. માટે આ બે જગ્યા સાચવવી. જ્ઞાની પુરુષ તો પોતે દોષમાંથી છોડાવી આપે. આપણું આ અક્રમ જ્ઞાન એવું છે કે પોતાનો દોષ થયો હોય તેને ય છોડાવી આપે. અરે, અમારી ઉપરે ય લોકોનું મન બગડે ને ! એક ભાઈ મને કહે છે, મને તમારી માટે બહુ ખરાબ વિચાર આવે છે. મેં કહ્યું, 'તમને એ વિચાર આવે તેનો વાંધો નથી, પણ એ વિચાર ધોયા કરજો.' ત્યારે કહે છે, 'હા, પ્રતિક્રમણ કરું છું.' એમનાં મનમાં એમ કે આ દાદા શી રીતે જાણી ગયા ? અરે, આ તો બધું દાદાને ખબર પડે જ. 'કોણ કોણ આમાં આત્મઘાતી છે' એ બધું અમે જાણીએ. પણ એ બચે એટલો સાચો. અમે બચાવવાનાં માટે બધો રસ્તો કરીએ. એની પર પરમાણુ ફેંક ફેંક કરીએ. હવે ગુરુની વિરાધના કરે તો બહુ દોષ લાગે, ત્યારે આ તો જ્ઞાની પુરુષની વિરાધના કરે તો ક્યાંનો ક્યાંય પડી જાય. ગુરુ અને જ્ઞાનીમાં ઘણો ફેર. ગુરુ તો રસ્તો શોધે છે અને જ્ઞાની પુરુષને તો કંઈ શોધવાનું રહ્યું નથી, એ તો બીજાને માર્ગ આપે છે, પડતાંને બચાવે છે. અને બહુ જણને, પડતાંને બચાવ બચાવ કરીએ. ચોગરદમથી ઝાલ ઝાલ કરીએ. આમ દેખતાં તમને એમ દેખાય કે દાદાએ છોડી દીધો, પણ અમે એને પકડી રાખ્યો હોય. ગુરૂનો ય દોષ ના કઢાય ! હું ગુરૂની આરાધના કરવાનું નથી કહેતો, પણ એમની વિરાધના કરશો નહીં. અને જો આરાધના કરે તો કામ જ થઈ જાય, પણ એ આરાધનાની શક્તિ એટલી બધી માણસને હોય નહીં. હું શું કહું છું કે ગાંડો ગુરૂ કરજો, સાવ ગાંડો કરજો, પણ આખી જિંદગી એને 'સિન્સિયર' રહે તો તમારું કલ્યાણ થઈ જશે. તદ્દન ગાંડા ગુરૂને 'સિન્સિયર' રહેવામાં તમારા બધા જ કષાયો ખલાસ થઈ જાય ! પણ એટલી સમજણ પડવી જોઈએ ને ! એટલી મતિ પહોંચવી જોઈએ ને ! તેથી તો 'પથ્થર'નાં દેવ મૂક્યા કે આ પ્રજા આવી છે માટે પથ્થરના દેવ મૂકો એટલે ખોડ કાઢે નહીં. ત્યારે કહે, 'ના, પથ્થરમાં પણ ખોડ કાઢે છે કે આ આંગી બરાબર નથી !' આ પ્રજા તો બહુ વિચારશીલ, તે ગુરૂનો ય દોષ કાઢે એવા છે ! પોતાના દોષ કાઢવાનાં તો ક્યાં ગયા, પણ ગુરૂનો ય દોષ કાઢે ! એટલી બધી તો તેમની 'એલર્ટનેસ' !! આ લોકોને પૂર્વવિરાધક જીવો શાથી કહું છું કે કચરો રહ્યો તે જ આ કાળમાં આવ્યો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાનું જે 'રબિશ મટેરિયલ્સ' છે, તે જ આજના જીવો છે, તે વિરાધનાવાળા જ હોય. જે ખાવાનું આપે તેની વિરાધના કરે, ગુરૂ શિખવાડે તો તેની વિરાધના કરે, મા-બાપ ખાવાનું આપે તો પણ તેમનું અવળું બોલે. તે પાડોશીને એમ કહે કે, 'મારા પપ્પા-મમ્મીને લઢતા હતા, નાલાયક છે !' તે પછી છોકરાને પાડોશી ફટવે. પોતે પોતાના ઘરની વાત બહાર કરી દે ! એટલે 'સિન્સિયારિટી' રહી જ નથી આ કાળમાં. 'જ્ઞાની પુરુષ'નો કેવો સિદ્ધાંત !! જેને પૂજ્ય ગણ્યા હોય પછી એ ગમે તેટલું ખરાબ કરે, પણ તું તારી દ્રષ્ટિ ના બદલીશ. મારો તો પહેલેથી જ સિદ્ધાંત કે મેં જે છોડવો પાણી પાઈને ઉછેર્યો હોય તો ત્યાંથી મારે રેલવેલાઈન પણ લઈ જવી હોય તો તેને બાજુથી વાળી લઉં, પણ મારો ઉછેરેલો છોડવો ના ઉખેડું ! સિદ્ધાંત હોવો જોઈએ. એક ફેર મંડન કર્યા પછી ખંડન ક્યારે ય પણ ના કરાય. ખંડનની વાત તો ક્યાં રહી, પણ તમે ભેગા થયા છો ત્યારથી તમારા માટે જે અભિપ્રાય બાંધ્યો છે, તે એક સેકન્ડ પણ મારો અભિપ્રાય ના ફરે ! આજે હું નક્કી કરું કે આ માણસ ચોખ્ખો છે, પછી એ માણસે મારા ખિસ્સામાંથી પૈસા લીધા હોય, કોઈ પુરાવો આપતો હોય કે મેં એને જાતે ચોરી કરતા જોયો છે તો ય હું કહું કે એ ચોર ન્હોય. કારણ કે અમારી સમજ જુદી છે. 'એ માણસ કાયમને માટે કેવો છે' એવું અમે જોઈ લીધું હોય, પછી સંજોગવશાત્ એ માણસ ગમ્મે તે કરે તેની અમે નોંધ કરીએ નહીં. જગત આખું સંજોગવશાત્ની નોંધ કરે છે. મૂળ પૂર્વવિરાધક જીવડાં તે વિરાધનાનો તેમને વિચાર આવે જ, તેમાં એનો અમે દોષ ગણતા નથી. અમે શું કહીએ છીએ કે વિરાધનાનો વિચાર તો તમને આવે જ, પણ વિરાધનામાં 'આપણે' ભળવું ના જોઈએ, તે રૂપ ના થવું જોઈએ. ....એવું ભાન, તે ય મોટી જાગૃતિ ! ગુરૂની જ વિરાધના એટલે કે જેના થકી કંઈક પામ્યો હતો, એક આની કે બે આની તેની પોતે વિરાધના કરે એટલે જેનાથી મંડન થવાનું હતું તેનું જ ખંડન કરે, એનું નામ પૂર્વવિરાધક જીવડાંઓ. આ કાળમાં પૂર્વવિરાધક જીવો છે, હું ય એમાંનો હતો. મને આ જ્ઞાન થયેલું, તે 'હું પૂર્વવિરાધક છું' એવું ભાન થયા પછી આ જ્ઞાન થયેલું. પ્રશ્નકર્તા : તો એ ગુરૂ કર્યા એટલે એમને ઠેઠ સુધી વળગી રહેવું ? દાદાશ્રી : ગુરૂ કર્યા પછી એમના ઉદયકર્મ ફરે ને એ કંઈ ગાંડા થઈ જાય તો ય એમનું ગુરૂપદ કંઈ જતું રહ્યું ? એ ઉદયકર્મના આધારે ગાંડા કાઢે છે, પણ જે એમનું ગુરૂપદ આવું પકડી રાખે છે, તેને આરાધક પદ ભગવાને ગણ્યું છે. જેની આરાધના કરી તેની વિરાધના ના કરવી જોઈએ. માટે અપરાધમાં ના પડશો. સામાવાળિયા ના થવું. જેને તમે પૂજતા હતા તેનાં જ સામાવાળિયા થયા ? જેનાં ફોલોઅર્સ હતા તેનાં જ સામાવાળિયા થયા ? તો તારી શી દશા થશે ? એ ગુરુપદ ના જવું જોઈએ, અને બીજી દ્રષ્ટિથી ના જોશો. પણ આજ તો કેટલાં જણ બીજી દ્રષ્ટિથી ના જુએ ?! એટલે જેને પૂજીએ એને ખોદી ના નાખશો, નહીં તો પછી જેને પૂજ્યા, ચાલીસ વર્ષથી પૂજ્યા ને એકતાલીસમેં વર્ષે ઉડાડી મૂકીએ, કાપી મૂકીએ, તો ચાલીસ વર્ષનું તો ગયું ને ઉપરથી દોષ બંધાયા. તમે જે' જે' કરશો નહીં ને કરો તો પછી એમનાં પ્રત્યેની પૂજ્યતા તૂટવી ના જોઈએ. એ ન તૂટે એ જ આ જગતનો સાર છે ! આટલું જ સમજવાનું છે. આમાં દોષ કોનો ? પ્રશ્નકર્તા : પણ આ જગતમાં જે વસ્તુને આપણે પૂજ્ય માનીએ, એ જ્યાં સુધી આપણા અનુરૂપ થાય ત્યાં સુધી સંબંધ રહ્યો અને થોડુંક પેલાનાં તરફથી કંઈક અવળું થયું કે આપણો સંબંધ બગડ્યો ! દાદાશ્રી : હા, તે ધૂળધાણી થઈ જાય. બગડે એટલું જ નહીં, પણ સામાવાળિયો થઈને બેસે. પ્રશ્નકર્તા : પેલાં તરફનો જે ભાવ હતો એ બધો ઉડી ગયો. દાદાશ્રી : ઉડી ગયો અને ઉપરથી સામાવાળિયો થયો ! પ્રશ્નકર્તા : ત્યારે આમાં કોનો વાંક ? દાદાશ્રી : જેને અવળું દેખાય ને, તેનો દોષ ! અવળું છે જ નહીં કશું આ જગતમાં. પેલાં જ્યાં સુધી અવળું બોલ્યા માટે અવળું થયું. બાકી, જગત તો જોવા-જાણવા જેવું જ છે, બીજું શું ? અવળું ને સવળું તમે કોને કહો છો ? એ તો બુદ્ધિ મહીં લપડાકો મારે છે. પ્રશ્નકર્તા : પણ અવળું ને સવળું જોનારનો દોષ છે, એમ તમે કહો છો ને ?! દાદાશ્રી : હા, એ બુદ્ધિનો દોષ છે. આપણે સમજવું જોઈએ કે આ 'અવળું-સવળું' બુદ્ધિ દોષ કરાવે છે. તે આપણે એનાથી છેટાં રહેવું જોઈએ. બુદ્ધિ છે ત્યાં સુધી એવું કરે તો ખરી, પણ આપણે સમજવું જોઈએ કે આ કોનો દોષ છે ! આપણી આંખથી અવળું જોવાઈ જતું હોય તો આપણને ખબર પડે કે આંખથી આવું જોવાયું !! સનેપાત, તો ય એ જ દ્રષ્ટિ ! જ્ઞાની પુરુષ કે ગુરુ કે કોઈને પૂજ્યા હોય, એ પછી જો કદી એમને સનેપાત થયો હોય ને, તો એ બચકાં ભરે, મારે, ગાળો ય ભાંડે, તો ય એમનો એક દોષ ના જોવાય. સનેપાત થઈ ગયો હોય તો ગાળો ભાંડે તો ત્યાં કેટલા માણસ ધીરજ પકડે એવી ?! એટલે સમજણ જ નથી એવી. એ તો છે એનાં એ જ છે, પણ આ તો પ્રકૃતિનો ચેન્જ છે. ગમે તેને ય, પ્રકૃતિ તો સનેપાત થતાં વાર ના લાગે ને ! કારણ કે આ શરીર શેનું બનેલું છે ? કફ-વાયુ ને પિત્તનું બનેલું છે. મહીં કફ-વાયુ ને પિત્તે જરા ઉછાળો માર્યો કે થઈ ગયો સનેપાત ! એને પાંચમી ઘાતી કહી ! આજના આ પાંચમાં આરાના જીવો બધા છે તે કેવા છે ? પૂર્વ વિરાધક જીવો છે. એટલે ગુરુમાં જો પ્રકૃતિના દોષે કરીને ભૂલચૂક થઈ જાય તો અવળું દેખે ને લોક વિરાધના કરી નાખે. તો ગુરુ કર્યા પછી જો વિરાધના કરવાના હો, તમારી નબળાઈ જ ઊભી થવાની હોય તો ગુરુ કરશો નહીં. નહીં તો ભયંકર દોષ છે. ગુરુ કર્યા પછી વિરાધના ના કરશો. ગમે તેવા ગુરુ હોય તો ઠેઠ સુધી એની આરાધનામાં જ રહેજો. આરાધના ના થાય તો વિરાધના તો અવશ્ય ના કરશો. કારણ કે ગુરુની ભૂલ જોવી એ પાંચમી ઘાતી છે. તેથી તો એવું શીખવાડે છે કે, 'ભઈ, જો ગુરુ એ પાંચમી ઘાતી છે. એટલે ગુરુની જો ભૂલ દેખાઈ તો તું માર્યો ગયો જાણજે.' ત્યાં ઉપાય કરવો રહ્યો ! એક માણસ મને કહે છે કે, 'એક મોટા સંત પુરુષ છે, એમને ત્યાં જઉં છું, એમના દર્શન કરું છું. છતાં હવે મને મનમાં એમના માટે ખરાબ વિચારો આવે છે.' મેં કહ્યું, 'શું વિચારો આવે છે ?' ત્યારે એ કહે છે, 'આ નાલાયક છે, દુરાચારી છે, એવા બધાં વિચારો આવે છે.' મેં કહ્યું, 'તને એવા વિચાર કરવાના ગમે છે ?' ત્યારે એ કહે છે, 'નથી ગમતું છતાં ય આવે છે. તો હવે શી રીતે બંધ થાય ?! એનો શું ઉપાય કરવો ?' તમે શું ઉપાય કરો ? તમને તો આવડે ને ? આમાં દોષ કોનો ? ગુરુનો ? પ્રશ્નકર્તા : જેને વિચાર આવતા હોય એનો. દાદાશ્રી : હા, એટલે મેં એને શું કહ્યું ? કે ભઈ, જો એવા ખરાબ વિચાર આવે કે 'આ નાલાયક છે ને આવા ખરાબ છે' તો એ વિચારો આવે છે એ આપણા હાથના ખેલ નથી. તો ત્યારે તારે બોલવું કે બહુ ઉપકારી છે. મન 'ખરાબ છે' બોલ્યા કરે તો તારે 'બહુ ઉપકારી છે' એમ બોલવું. એટલે પ્લસ-માઈનસ થઈને ખલાસ થઈ જશે. એટલે આ ઉપાય બતાડું છું. 'જ્ઞાની' સંગાથે પાંસરા ચાલીએ ! આપણો આ સત્સંગ છોડશો નહીં. લોકો આમ શીખવાડે, તેમ શીખવાડે તો ય આ સત્સંગ છોડશો નહીં. અહીં આવો એટલે ભગવાનની કૃપા ઉતરી એટલે પાછું રાગે પડી જશે. એને કંઈ વાર લાગતી નથી. એટલે આવી બધી તો મુશ્કેલીઓ આવવાની. તેથી તો આપણે કહીએ છીએ ને, 'મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.' પણ સામો એ ય એની અનંત શક્તિવાળો છે ને, કે એ મોક્ષે જવા જ ના દે ! એટલે ભગવાને કહ્યું કે, 'જ્ઞાની પુરુષ'ને આધીન થઈને ચાલવું, એમના કહેવા પ્રમાણે ચાલવું. એ ગાંડું-ઘેલું કહે તો પણ ચાલ્યા જજો. કારણ કે વીતરાગતા છે. પોતાની બુદ્ધિથી ના સમજાય તો નક્કી કરવું કે એમના નવ 'ઇક્વેશન' સમજાય અને એક ના સમજાયો તો એમની ભૂલ ના કાઢશો અને 'મારી ભૂલથી નથી સમજાયો' એવું જાણજો. કારણ કે નવ સમજાયા, તો દસમો કેમ નથી સમજાતો ? એટલે એમની ભૂલ ના કાઢશો. એ ભૂલ ભાંગીને બેઠા છે. બુદ્ધિ તો ભૂલ દેખાડે, 'જ્ઞાની પુરુષ'ની ય ભૂલ ખોળી કાઢે. એક અવતારનું મરણ હોય તો ચલાવી લેવાય, પણ 'જ્ઞાની પુરુષ'ની વિરાધના કરે તો લાખો અવતારનું મરણ થાય છે. કોની વિરાધના, વીતરાગની ?! આ 'અંબાલાલ મૂળજીભાઈ'ને ગાળો ભાંડવી હોય તો સો ભાંડજો, તમને ના ફાવતું હોય તો ભાંડને ! બાકી સમજ્યા વગર જ લોક ગુનો કરી બેસે. માટે તો આપણે ગુપ્ત રાખવું પડ્યું, ગુપ્ત જ રાખ્યું છે ! મેં કહ્યું છે કે આ બધું ઊંચી જગ્યા ઉપર તમને તેડી જઉં છું. ત્યાંથી ગબડ્યા કે હાડકાનો ટુકડો ય જડશે નહીં. માટે કાં તો મારી જોડે ઉપર આવશો નહીં અને આવવું હોય તો ચેતીને ચાલજો. મોક્ષ સરળ છે, એક જ અવતારી વિજ્ઞાન છે આ. પણ જો આડું-અવળું કરવું હોય તો ઉપર ચઢશો નહીં, અમારી જોડે આવશો નહીં. એવું બધાને કહેલું જ છે. છતાં ય ઉપર આવેલા પાછા મને કહે છે કે 'આ હજુ સળી કરશે, આમ કરશે.' પણ અમે તેને બંધન એવું રાખી મૂક્યું હોય કે એ પડે નહીં. જેમ સરકાર રેલિંગો કરે છે ને, એવું અમે સાધન રાખીએ. અત્યાર સુધી કોઈને પડવા દીધો નથી. વિરાધનાના પરિણામ ! હવે આની, દાદા ભગવાનની જો વિરાધના કરે તો બહુ નુકસાન છે. એટલા માટે લોકોને કહેલું કે આરાધના ના થાય તો વાંધો નથી પણ આ વિરાધનામાં ના પડશો. કારણ કે જેમ ૪૦૦ વોટ લખેલું હોય છે ને ? શા માટે લખે છે એ ? અહીં અડશો નહીં મને. એવું હું લોકોને આ લાલબત્તી ધરું છું કે વિરાધનામાં ના પડશો ! આરાધના ન થાય તો કોઈ ચિંતા નથી. પણ વિરાધના ના કરશો. કારણ કે બહુ અજાયબ વસ્તુ છે આ ! અને એક વિરાધના કરનારો શરીરે મજબૂત માણસ હતો, જુવાન. મેં એને કહ્યું, ભઈ, તેં વિરાધના શા માટે કરી, આવું બધું શા હારું કરે છે તું આ ? એ બ્રાહ્મણના મનમાં એમ થઈ ગયું કે આ મારા યજમાન છે, એ લોકો મને બાર મહિને બે-ત્રણ હજાર આપે છે તે આ દાદાના આવવાથી એ લોકો આપવાનું બંધ કરી દેશે. એ બ્રાહ્મણ શરીરે મજબૂત હતો ! તે આવીને કહે છે, 'આ આવ્યા છે દાદા ભગવાન, મોટા ના જોયા હોય તો.....', તે આપણા સંઘપતિએ, બધાએ એને કહ્યું, 'ભઈ, શા માટે ? તારું શું બગાડ્યું છે, દાદા ભગવાનને ના બોલીશ. અંબાલાલને ગાળો દેવી હોય તો દે.' મેં ય કહ્યું કે 'અંબાલાલ પટેલને ગાળો દે. દાદા ભગવાને તારું શું બગાડ્યું છે, શા હારું ?' એટલે પછી અમે જાણ્યું કે આ માણસે વિરાધના બહુ કરી છે ને. એટલે મેં કહ્યું કે 'અમે ગર્થેશ્વર જઈએ છીએ, ત્યાં આગળ તમે આવો.' તે કહે, 'હા આવું છું, જાવ.' એટલે એ આમ હરીફમાં બોલ્યો. અમે એને કોઈ પણ રસ્તે સમજાવીને વાળી લઈએ. એને કંઈક ક્ષમા માગી લેવડાવીએ. ત્યારે એના મનમાં એમ કે ઓહોહો, હજુ મારું પાણી જુએ છે ! એટલે કહે, 'હા, હા, આવું છું. ગર્થેશ્વર આવું છું, જાવ !' પણ એ પછી ત્યાં આવ્યો નહીં. ત્રણ મહિનામાં રીબાઈ રીબાઈને માણસ મરી ગયો. તદ્દન હંડ્રેડ પરસેન્ટ સાજો માણસ હતો ! એણે વિરાધના કરી હતી ! બીજા એક જણે વિરાધના કરી હતી. તેને મેં કહ્યું કે 'તું માફી માગ.' એણે માફી માગી લીધી. બીજા લોકોને ય અમે કહ્યું હતું કે, તમે વિરાધનામાં પડશો નહીં. આરાધના ના થાય તો ચિંતા ના કરશો. આરાધક થવું એ કંઈ કાયદેસર નથી. હવે વિરાધના કરનાર પણ અજાણતાથી કરે છે ને, બિચારો ઓછું કંઈ જાણીને કરે છે ?! ફરી તે માફીને માટે લાયક હોવા જોઈએ. માફી અપાવવા ફરીએ, તો ય એ માફી લે નહીં. ને એનો પાવર ઉતારતો નથી ને !! હવે આ ય મુશ્કેલીઓને બધી ?! આનો ઈલાજ તમે ખોળી લાવજો કે કોઈ વિરાધનાઓ કરે, તેને શું કરી આપું ?!! બનતાં સુધી કોઈ વિરાધના કરતા નથી. એક-બે નીકળ્યા હશે અત્યારે પંદર વર્ષમાં. પાછળથી કરે એ વાત જુદી છે. પાછળ તો અહીં મોટા માણસો ય કરે છે ! પ્રશ્નકર્તા : પાછળથી કરે તો એનો વાંધો નહીં ? દાદાશ્રી : એની ય જવાબદારી તો આવે ને ! પણ પેલી જવાબદારી જેવું નહીં. કારણ કે એ કહેતા કહેતી છે અને આ તો સામી બાખડી બાંધી. એ બેમાં ફેર નહીં ? દાદાની પાછળ બબડવું અને એમના સામે બબડવું એ બહુ ફેર ! 'દાદા ભગવાન'ને તો કોણ ગોંધી શકવાનું છે ? અને ઢાંક્યા ઢંકાય એવા ઓછા છે કંઈ ?! આમ કરી બેસે વિરાધના ! આરાધના ના કરે તો વાંધો નથી, પણ વિરાધનાનો બહુ નુકસાન થાય એવું છે. એક કલાકની વિરાધના હજારો જન્મ ખલાસ કરી નાખે એવી છે. માટે અમે કહીએ કે ભઈ આરાધના ના થાય તો વાંધો નથી, પણ વિરાધના ના થાય એટલું સાચવજો. વિરાધના તમે સમજ્યા ? પ્રશ્નકર્તા : વિરાધના કરવી એટલે શું ? દાદાશ્રી : આપણે કહીએ કો'કને 'ભઈ કલાકમાં તમારો મોક્ષ આપીશું.' પણ એ શબ્દ ઉપર જો તમને પ્રેમ આવે તો તમને વિરાધના ના થાય અને શબ્દ ઉપર જો કદી તમને કંઈક આડા-અવળા વિચાર આવ્યા કે વિરાધના થઈ જાય. આ શબ્દ ઉપર પ્રેમ આવવા જેવો કે ઓહોહો ! કોઈ અવતારમાં જેની ઇચ્છા કાયમને માટે કરી એ સાંભળવામાં નથી આવી તેવી વાત કરે છે આ. તો ઉલ્ટો પ્રેમ આવવો જોઈએ તેને બદલે ઊંધું ચાલે ઘડીયાળ, તો શું થાય ? પ્રશ્નકર્તા : એ જ વિરાધના થઈ ગઈ ?! દાદાશ્રી : હા, એ વિરાધના ભયંકર થઈ જાય. એનાં કરતાં જ્ઞાની પુરુષના ટચથી છેટા રહેવું સારું. આપણે ત્યાં તો કલાકમાં આપીએ છે ને, તમને કલાકમાં આપ્યું હતું ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને તે નવ વર્ષ ટક્યું છે ને ? નવ વર્ષ ટક્યું છે એટલે હવે ટકશે એવી ખાતરી છે ને ?! છતાં વિરાધકને યાદ 'દાદા' ! પ્રશ્નકર્તા : આપની પાસે આપની ભક્તિ કરનારા એમાં પરમ પ્રેમથી, પરમ વિનયથી આપની ભક્તિ કરનારને કંઈક મળે છે. અને આપનો દ્વેષ કરનાર કે વિરોધ કરનારને કંઈક મળે છે. અને જે આમે ય નહીં ને તેમે ય નહીં, એવું આ બધા કોરા રહી જાય છે. દાદાશ્રી : એ બધા રખડી મરે ! એ મારી જોડે વીતરાગ કહેવાય. આ ફોરેનવાળા મારી જોડે વીતરાગ જ છે ને ! તેવાં આ લોકો ય વીતરાગ છે ! બાકી જે આમ વિરોધમાં પડે ને, તે વિરોધ કાયમને માટે પડે ને, તો ખરું ! કારણ કે કાયમનો વિરોધ કરે ને તો દાદા નિરંતર યાદ આવે એને ખુન્નસભેર, રાત- દહાડો યાદ આવે ! પ્રશ્નકર્તા : ભક્તિ જે કરે તેનાં કરતાં વિરોધ કરનારને વધારે યાદ રહે. દાદાશ્રી : એ ભક્તિ કરનારો તો જમવા બેસે ને, એટલે ભૂલી જાય પાછો અને વિરોધ કરનારને તો જમતી વખતે ય યાદ રહે અને સંડાસમાં જતી વખતે ય યાદ રહ્યા કરે. વિરોધ કરનારને તો બહુ યાદ રહે ! પણ તેવા વિરોધ કરનાર અત્યારે છે જ ક્યાં ? આ તો બધા ચોળીયું !! આમાં તો વિરોધ કરતાં જ ક્યાં આવડે છે ?! એ વિરોધ કરનારાં તે જુદાં બધાં ! આમને આ તો બધું ચોળીયું, આમને શું વિરોધ કરતાં આવડે ?! પહેલાં વિરાધના ને ગયાં પછી આરાધના ! પ્રશ્નકર્તા : બહારના માણસો છે એ કોઈ સમજતા નથી કે આ દાદાની વાત આપણે કહીએ અને એને ખ્યાલમાં ના આવે. એને હિસાબે જ ના સમજે ને આ ? દાદાશ્રી : એમાં કશું જ્ઞાનની વિરાધના હોય, એવું કશું નહીં, એ ગમે તે પ્રકારના અંતરાય હોય. વિરાધનાવાળો તો પામે જ નહીં. વિરાધના જ્યારે છોડે એ ત્યારે પામે. પ્રશ્નકર્તા : પણ એમ કહેવાય કે આ બધા જે મહાત્માઓ અહીંયા આવ્યા છે, એ પૂર્વે જ્ઞાનીની વિરાધના નહીં કરી હોય કોઈએ ? દાદાશ્રી : એ તો એવું છે ને કે વિરાધના કરી હોય તે આધારે ત્યાં ભક્તિમાં આવે ખરાં. પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓ માટે છે કે એ રીતના આવેલા છે ? દાદાશ્રી : ના. આપણા મહાત્મા નહીં. જ્ઞાનીની વિરાધના કરનાર કોઈ આપણા મહાત્મા હોય નહીં. જ્ઞાનીની વિરાધનાવાળો આપણે ત્યાં ના હોય. એ ત્યાં ભક્તિમાં બીજે હોય. પ્રશ્નકર્તા : તે અત્યારે ત્યાં પાછા એની ભક્તિ કરતા હોય ? દાદાશ્રી : આરાધના ને વિરાધના બે જ જેને કર્યું હોય. આરાધના કરી હોય તે ય માર્ગમાં આવે અને વિરાધના કરી હોય તે ય માર્ગમાં આવે, બીજા ના આવે. વિરાધનાથી બંધન થયું ને અને પછી વિરાધના કરશે ને ભક્તિ પણ કરે. પાછા પડે ભક્તિમાં ! પ્રશ્નકર્તા : વિરાધના કરે એટલે પછી આરાધનાની ભક્તિમાં પડે ? દાદાશ્રી : સામી ભક્તિમાં પડે. ખરેખરી ભક્તિમાં ! એ વિરાધનાવાળો કંઈ બીજા ધર્મમાં નહીં પેસી જાય. અહીં જ આવે. બીજા ધર્મવાળા જોડે એને શું લેવા-દેવા ? મહારાજને ને એને લેવા-દેવા નહીં, લેવા-દેવા જ્ઞાની જોડે, તેથી અહીં આવે ! વિરાધનાથી બંધાય અંતરાય કર્મો ! પ્રશ્નકર્તા : જે વિરાધના કરી હોય, તો એનું કર્મ કેવું બંધાય ? દાદાશ્રી : સૂઝ ના પડે. જ્ઞાન, સમજણ પડે નહીં એને. જ્ઞાનના અંતરાય પડે. દર્શનના અંતરાય પડે. અંતરાયના અંતરાય પડે અને મોહનીયનાં અંતરાય પડે. ચાર પ્રકારના અંતરાય. અંતરાયનો ય અંતરાય અને મોઢું કદરૂપું દેખાય, અશાતા વેદનીય હોય અને નામ છે તે એનું 'એ જવા દો ને, એને લેવા- દેવા નહીં. માણસ સારો ન હોય' લોકો એવું કહેશે. આયુષ્ય છે તે સારું હોય, એટલે આપણને ના ખબર પડે, નેવું વર્ષે ય જીવે. પ્રશ્નકર્તા : તો એને ક્ષમા આપી શકાય કે એ ભોગવવું જ પડે, આ જે વિરાધના કરી છે તે ? દાદાશ્રી : ક્ષમા તો, જ્ઞાની તો એમની પૂરતી બધી જ દવા લોકોને આપી જ દે. બીજું તો એને ભોગવે જ છૂટકો છે, એ વગર તો ચાલે નહીં. જ્ઞાની તો કરુણારૂપ હોય, એટલે એમને પોતાની હાથની સત્તાની દવા તો પાઈ જ દે. પછી એમને બીજું ભોગવે જ છૂટકો છે. પ્રશ્નકર્તા : એને પસ્તાવો થાય પછી ? દાદાશ્રી : એને પસ્તાવો થાય, દુઃખ વેદે, ભોગવવું પડે. અસમાધિ થયા કરે એવું તો એને પાર જ ના આવે, છોડે નહીં ને ! પ્રશ્નકર્તા : પાર જ નહીં આવે એનો ? દાદાશ્રી : પાર ના આવે એટલે એનો અર્થ શું ? એ બે-ચાર દહાડામાં સરોવર ખાલી થઈ જાય એવું ન્હોય. જેટલું થાય એટલું ઓછું થાય છે પણ ભરેલું આ રૂમ જેવડી ટાંકી હોય અને આ આખા બિલ્ડીંગ જેવડી ટાંકી હોય, એમાં ફેર નહીં ?! આ રૂમ જેટલી ટાંકી હોય એમાં પાણી ભરેલું હોય એને નળ છે તે એક મૂક્યો હોય, દોઢ ઇંચના પાઈપનો અને આખું ય મકાન, એટલું પાણી હોય ને એને નળ મૂક્યો હોય તો એમાં ફેર નહીં પડે ?! પ્રશ્નકર્તા : ફેર પડે પણ ખાલી તો થશે જ ને ? દાદાશ્રી : ખાલી થશે. માટે એ ખાલી થશે એમ માનીને જ આપણે ચાલ્યા કરવાનું. ફરી ભૂલ ના થવી જોઈએ. જ્ઞાની પણ ન બચાવી શકે !! પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય તૂટે કેવી રીતે ? દાદાશ્રી : એ અંતરાયો 'જ્ઞાની પુરુષ' તોડી આપે. 'જ્ઞાની પુરુષ' અજ્ઞાન તોડી આપે અને અંતરાય પણ કાઢી આપે. પણ અમુક અંતરાય તો 'જ્ઞાની પુરુષ' પણ ના તોડી શકે. પ્રશ્નકર્તા : એ ક્યા અંતરાય ? દાદાશ્રી : જ્યાં વિનયધર્મ ખંડિત થતો હોય તે. વિનય તો મોક્ષમાર્ગમાં મુખ્ય વસ્તુ છે. 'જ્ઞાની પુરુષ' માટે એક અવળો વિચાર પણ ના આવવો જોઈએ. 'જ્ઞાની'ની વિરાધના જ્ઞાન, દર્શન, ચારિત્ર બધાંયને રોકે ! વિરાધનાનાં જોખમો ! એક અવતારનું મરણ હોય તો ચલાવી લેવાય, પણ 'જ્ઞાની પુરુષ'ની વિરાધના કરે તો લાખો અવતારનું મરણ થાય છે. કોની વિરાધના, વીતરાગની ? આ 'અંબાલાલ મૂળજીભાઈ'ને ગાળો ભાંડવી હોય તો સો ભાંડજો, તમને ના ફાવતું હોય તો ભાંડને ! બાકી સમજ્યા વગર જ લોક ગુનો કરી બેસે. આરાધના ઓછી થાય તેનો વાંધો નથી. પણ વિરાધનામાં કોઈ ન પડે તે ઉત્તમ છે. કારણ કે આ જુદું જાતનું છે. આની વિરાધનાનું ફળ શું મળશે એ હું જાણું છું. એટલા માટે સાચવવાનું છે. એટલે ભૂલેચૂકે વિરાધના કરી હોય ને, તેને ય અમે પડવા ના દઈએ, એવું મૂકીએ છીએ આપણે ! રૂબરૂમાં વિરાધના કરી હોય ને, તેને તો પડે નહીં એવું વ્યવસ્થા કરીએ છીએ. કારણ કે આની આરાધનાનું બહુ ઊંચી દશાનું રૂપ મળે છે, તો આની વિરાધનાનું ફળ તો પછી હાડકા ય ટૂકડો ય નહીં જડે, ઉપરથી પડ્યા એટલે ! એટલી બધી ઊંચી દશાએ મારી જોડે આવશો તો પડ્યા તમને ટૂકડો નહીં જડે !! ....પણ આ વિરાધનાથી કોણ બચાવે ? તેથી અમે કહ્યું છે ને આ 'એ. એમ. પટેલ'ની વિરાધના કરશો તો માફી આપશે પણ જો કદી જ્ઞાનની વિરાધના કરી તો જ્ઞાન એ જ 'આત્મા' ને એ 'દાદા ભગવાન', એ તો વિરાધના ના થાય. મહાવીરની વિરાધના થઈ હશે તો હું કાઢી આપીશ. પણ મારી વિરાધના કોઈ કાઢશે નહિ. મહાવીરની વિરાધના હું કાઢી આપીશ. હું છું પાછળ હજી ! પણ મારી વિરાધના કોણ કાઢશે ? માટે આ જગ્યાએ વિરાધના કરશો નહિ એવું હું કહું છું. આરાધના કંઈ ના થાય તો વાંધો નથી, પણ વિરાધના ના કરીશ અને તમે જો પાછળ પડશો ને, તો હું હાથ મૂકીને જ્ઞાન કરાવું એવો છું. તમારે પૂછવું ય નહીં પડે. અત્યાર સુધી ગુપ્ત રાખવાનું કારણ ! આપણું અક્રમ વિજ્ઞાન તો કેવું છે. લગ્નમાં જવાય, જાનમાં જવાય, મરણમાં જવાય. 'એની વ્હેઅર' જવાય પણ અમે લગ્નમાં જવાનું બંધ રાખેલું. એનું એક જ કારણ કે કેટલાક લોકો અમારા દર્શન કરે અને કેટલાક માણસો બહુ વિરાધનામાં પડતા હતા ! હવે ઘણાં બધા માણસ બેઠાં હોય, તે ઘડીએ મોટા શેઠીયાઓ અહીં પગે અડીને દર્શન કરી જાય, ત્યારે કોઈથી દેખીને સહન ના થાય. તે ઊંધું બોલે કે 'આવ્યા ભગવાન ! જુઓને કોટ- ટોપી પહેરીને આવ્યા છે ! નહીં ભગવું કે કશું ય નહીં ?' તે આ બધી વિરાધના ના કરે એટલા માટે અમે પબ્લીકથી છેટા ખસીએ છીએ ! કારણ કે આપણાથી લાભ ના પામે તેનો વાંધો નથી પણ નુકસાન તો ન જ થવું જોઈએ. તેથી તો ગુપ્ત રાખ્યું છે. છતું બાંધે તેનાં કરતાં ઊંધું ના બાંધે તે સારાં લોક ! પણ ઊંધું બાંધે તેની દશા શું થશે ? એનું કંઈ ઠેકાણું નહીં પડે !! ખુલ્લે ખુલ્લી ચેતવણી ! આરાધના ન થાય તો ના કરશો, પણ વિરાધના તો કરશો જ નહીં. અને વખતે વિરાધના કરવી હોય તો પાછળથી ના કરશો, મોઢે આવીને કરજો. વિરાધના કરવી હોય, એનો તમને બહુ શોખ હોય તો. કેટલાક માણસને ગમે તેવા શોખ હોય, તે આપણાથી ના કહેવાય ? એટલે શોખીન માણસને માટે આપણાથી ના કહેવાય નહીં, પણ અમારી પાછળ ધૂળ ના ઉડાડશો. સામે મોંઢે આવીને ધૂળ ઉડાડને. સામે આવશો તો આ દર્શન થશે. અને પછી ધૂળ ઉડાડશો તો આ દર્શનનું ફળ અને ધૂળ ઉડાડેલી એ બે પ્લસ-માઈનસ થઈ જશે. અને તારે દર્શન નહોતાં કરવા તો ય તને 'દર્શન' થઈ જશે અને દર્શન કરે એને મોક્ષે જવું જ પડે. માટે તારે મોક્ષે ના જવું હોય તો મને ભેગો જ ના થઈશ. તું ગાળો ભાંડીશ તો ય તારે મોક્ષે જવું પડશે. કારણ કે આ દર્શન એવું છે કે અહીં આવ્યો અને અહીં દર્શન કર્યા કે કામ થઈ ગયું ! બાકી અમારી પાછળ ધૂળ ઉડાડીશ નહીં, નહીં તો માર્યો ગયો જાણજે ! કારણ કે જેને જોવાથી અનંત અવતારનાં પાપો ભસ્મીભૂત થાય છે, એનું નામ દે, એની પાછળ ધૂળ ઉડાડે તો તારું શું થશે ? એટલે અમે વિનંતી કરીને કહીએ છીએ કે અમારી પાછળ વિરાધના ના કરશો. એટલે આરાધના ના થાય તો અમને વાંધો નથી ! અમે ચોખ્ખું કહ્યું હતું કે અમે સર્વજ્ઞ થયેલાં છીએ. અમારી પાછળ વિરાધના ના કરશો. આજે અમે તમને ખુલ્લે ખુલ્લું કહીએ છીએ કે આ વાતો સામસામી કરો છો, તે અમે તમને ચેતવીએ છીએ, અમે તમને એક વિનંતી કરીએ છીએ કે અમારી પ્રત્યે કોઈ પણ જાતનાં સંકલ્પ-વિકલ્પમાં પડશો નહીં, નહીં તો બહુ જોખમદારી છે. અમારી આરાધના ના થાય તો મને વાંધો નથી પણ વિરાધનામાં ના પડશો ! એટલે આ લોકોને અમે ચેતવણી આપી દઈએ ! ને એ લોકો તો ચોક્કસ ચેતી ય ગયેલાં. એટલે એક ફેરો આમને ચેતવણી આપનાર જોઈએ અને આવું બોલે છે કે જાતે સર્વજ્ઞ છું, એવું કોણ બોલી શકે ? એવું કોઈ બોલી શકે નહીં. કાં તો ગાંડો બોલે ને કાં તો યથાર્થ બોલે. ગાંડો બોલે તો આપણે જાણીએ કે બરોબર છે, એને તો કોઈ કાયદો જ લાગુ નથી પડતો અને 'અમે' બોલીએ છીએ તો અમને તમે મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરી લો ! બેમાંથી એક નક્કી કર ને ! ત્યારે એક જણ અમને કહે છે કે આપ જાતે હઉ એવું બોલો છો ? મેં કહ્યું, 'તો જાતે હું શું કહું ? હું અજ્ઞાની છું' એવું કહું ? આ તો શુધ્ધ સોનાની દુકાન છે અને મારે એની વેલ્યુ લેવાની નથી, ફ્રી ઓફ કોસ્ટ આપવાનું છે, તો એવું મારે બોર્ડ મારવામાં વાંધો શું છે ? 'શુધ્ધ સોનાની દુકાન, વીધાઉટ પ્રાઈઝ !' ત્યારે કહે, 'આગળ જ્ઞાનીઓ કેમ નહોતા બોલતાં ?' મેં કહ્યું, 'થયાં નહોતાં માટે બોલતાં નહોતાં અને જે થયો છે, તેને બોલવાનો રાઈટ છે.' જે આઈ.સી.એસ. થયેલો હોય તે કહી શકે કે હું આઈ.સી.એસ. થયેલો છું. એવું ના કહી શકે ? ને નથી થયો તે શી રીતે બોલી શકે ? બાકી એવી દશ જણની ટોળકી રાખીને બધાને કહે છે, કે ભગવાન કશું બોલતાં નથી ! અલ્યા બોલતો નથી ? મારો એને બે ધોલ, ના કેમ બોલે ? ભગવાન થઈ બેઠો છે તે ! પણ પછી ધોલ મારીએ અને ફેણ ના માંડે ત્યારે આપણે જાણવું કે આ સાચો માલ છે. માટે આપણે એમના પગ દબાવવા બેસી જાવ. અને આ વિરાધના કરી એનાં પચાસ રૂપિયાનાં ચશ્મા ને શાલ લાવી આપો. તે બીજે દહાડે ખુશ થઈ જાય. આપણી કસોટીની પાર ઉતરે તો કામનું. હું તો કસોટીઓ જ કરતો આવેલો ! હવે, આ બધું બોલવામાં મને શું ફાયદો હશે ? મારે તમારી પાસે કશું લેવાનું છે ? તમારી પાસે મને માન જોઈએ છે ? કે તમે મને પગે લાગો એના માટે છે આ ? આની પાછળ શું હેતુ હશે ? આમાં હેતુ આટલો જ છે કે હું જે સુખને પામ્યો એ સુખને તમે પામો. મારી પાસે છે ને તમે પામો. એ હેતુ છે. બીજો કોઈ હેતુ નથી. બાકી, મોક્ષનું દાન આપવા આવેલો છું. એટલે મને તો, હું જે સુખને પામ્યો એ સુખ તમે પામો એવી ઇચ્છા માટે મારો પ્રયત્ન છે. મારે કશું જોઈતું નથી. અમને કોઈ પણ પ્રકારની ઇચ્છા જ ના હોય. અમે નિરીચ્છક કહેવાઈએ. 'અજ્ઞાન'ની વિરાધના, તે આરાધક ! જે જ્ઞાનથી ઠોકરો વાગે એને જ્ઞાન કહીએ તો એ જ્ઞાનની વિરાધના કરી કહેવાય. શુધ્ધ જ્ઞાન એ આત્મા છે. શુધ્ધ જ્ઞાન એટલે કેવળજ્ઞાન, એ આત્મા છે અને આત્માને જો કદી વગોવીએ તો વિરાધના કહેવાય. એટલે એ જ્ઞાન છે તો ઠોકર નથી, ઠોકર છે તો જ્ઞાન નથી. ભગવાને ખરી વિરાધના કોને કહી ? જ્ઞાનની વિરાધના કરશે તે વિરાધક કહેવાશે. અજ્ઞાનની વિરાધના કરનાર એ આરાધક કહેવાશે. તે અમે આ અજ્ઞાનની વિરાધના કરીએ છીએ. જ્ઞાનની વિરાધના એક ક્ષણ પણ અમારે ના હોય. અમે તો જ્ઞાનની આરાધના કરાવવા માટે આવ્યા છીએ. અને જ્ઞાન એ જ આત્મા છે, જ્ઞાન એ જ પરમાત્મા છે ને જ્ઞાન એ જ તીર્થંકર છે અને જ્ઞાન એ જ સિદ્ધ છે. એટલે જ્ઞાનની જો વિરાધના થઈ, તો તીર્થંકરોની વિરાધના થઈ, સિદ્ધની વિરાધના થઈ, પરમાત્માની વિરાધના થઈ. તે આ બધી જ્ઞાનની વિરાધના થઈ, તે જુઓ આ દશા થઈ છે ! ભગવાન આમને બચાવે !! એટલે આ 'અક્રમ વિજ્ઞાન' બહુ સારું છે ને ! આ 'દાદા'ના કહ્યા પ્રમાણે ચાલેને, તો આ બધી ભરહાડથી છૂટા થઈ જવાય, મહીં નાટકીય રહીએ આપણે, ને આ લોકો જોડેના વ્યવહારનો ઉકેલ આવે. વ્યવહાર બધો ઉકેલીએ નહીં, તો લાલ વાવટો ધરે. આ તો કોઈ લાલ વાવટો ધરે જ નહીં ને ! આ રસ્તો જ કિલયર રસ્તો છે, આ 'વિજ્ઞાન' જ જુદી જાતનું છે. આપણે કોઈની પાસે કશું લેવાનું કંઈ કપટ નથી, એ નિર્વિવાદ વાત છે. અને કોઈની જોડે આપણને 'આ આપણું ને આ પરભાર્યું' એવું કશું છે નહીં, એ પણ નિર્વિવાદ વાત છે. એટલે આપણે પછી શી ભાંજગડ ? - જય સચ્ચિદાનંદ |
|---|