ઈચ્છા એટલે...

પ્રશ્નકર્તા : ઈચ્છા એટલે શું ?

દાદાશ્રી : ઈચ્છા એટલે રૂમાં દિવાસળી ચાંપવી એનું નામ ઈચ્છા. આ રૂ પડ્યું છે તેનો વાંધો નથી. પણ જો દિવાસળી લઈને સળગાવીએ, એટલે ઈચ્છા કહેવાય.

ઈચ્છા એ તાપ કહેવાય, એ અગ્નિ કહેવાય. ઈચ્છા થઈ કે અગ્નિ સળગ્યો. કોઈ પણ જાતની ઈચ્છા થઈ કે અગ્નિ સળગ્યો. એ અગ્નિ ઓલવાય નહીં ત્યાં સુધી સળગ્યા જ કરે. એને ઓલવે ત્યારે શાંતિ થાય. નહીં તો ત્યાં સુધી શાંતિ થાય નહીં, સંતોષ ના થાય. ઓલવાય નહીં ત્યાં સુધી ઉપાધિ.

ઈચ્છા કરીને દુઃખ વહોર્યું

જાત્રાએ જવાની ઈચ્છા કરીને ત્યારથી જ અગ્નિ ચાલુ થઈ ગયો. તે ના જાય તે દહાડે અકળામણ થઈ જાય.

કોઈ જગ્યાએ આપણો ભાઈબંધ સિનેમા જોઈને આવ્યો હોયને, તે ઘડીએ મનમાં એમ થાય કે, 'ના, આપણે સિનેમા જોવા જઈશું.' એ ઈચ્છા મહીં ઊગે, ઊગ્યા કરે. ને પછી ત્યાં આગળ જવું પડે. આ ઈચ્છામાં દુઃખ છે, અગ્નિ છે બધી. એ તો ઊલટું અગ્નિ સળગાવીને પછી સુખી કેમ થઈએ ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : પછી ઓલવાય નહીં. એ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી ઓલવાય નહીં. તમે પહેલાં દીવાસળી સળગાવેલી કે ? ઈચ્છા કરેલી ? એનો તાપ જોયેલો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ નહીં સમજણથી ઈચ્છા કરે છે.

કોઈ દુકાને જાતજાતની મીઠાઈ હોય અને મહીં ઈચ્છા કરીએ તો એમાં કંઈ મીઠાઈ આપણા ઘરમાં પેસી જવાની છે ? 'એની મેળે આવી પડશે ત્યારે જમીશ', કહીએ. પણ એની ઈચ્છા નહીં. આપણે શું લેવાદેવા ?

ગમે એવી ગમતી ચીજ હોય પણ આપણે મનમાં ભાવ થાય તો કહીએ, 'મારે શું કરવું છે આને ? હું શું કરવા દીવાસળી સળગાવું ?' કેરીની ઈચ્છા કરી, મહીં સળગ્યું. તે જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સળગતું રહે.

પ્રશ્નકર્તા : કોઈ વખત ખાવાની બાબતમાં ઈચ્છા કરીએ અને પછી જ્યાં સુધી ખાય નહીં, ત્યાં સુધી એ સંતોષ નહીં થાય.

દાદાશ્રી : ઈચ્છા કરીએ જ શું કરવા તે ? શાને માટે ? આપણે કહીએ કે, 'ચંદુલાલ, શું સમજો છો ? નકામા ભીખ માંગો છો ? અમે જાણી ગયા કે તમે ભીખ માંગો છો ? ખાવાની ઈચ્છા ? જાનવરો ક્યાં ઈચ્છા કરતા હતા ?' એવું કહીએ. આ જાનવરો તમને ખબર ના પડે ? બિચારા, પૂળા ને ઘાસ ને એ બધું ખાય. તે અહીં કેવા નાસ્તા ને બધું છે, તો ય આ મોજ કરતાં આવડ્યું નહીં ને માર ખા ખા કરે છે.

તેનો આ ત્રિવિધ તાપ !

હું તો એક ફેરો રીસાયો હતો, નાનો હતો ત્યારે. તે મારું સુખ જતું રહ્યું એટલે પછી રીસાવાનું બંધ. હું સમજી જઉં કે ખોટ જાય, એટલે બંધ કરી દઉં. કશું કાઢવાનું નહીં ને ખોટ નકામી જાય. ઈચ્છા કરાતી હશે ? ઈચ્છા તો ભયંકર અગ્નિ કહેવાય. ઈચ્છા કરી એટલે અગ્નિ સળગાવ્યો આપણે. તે જ્યારે પૂરી થાય ત્યારે એ અગ્નિ ઓલવાય. તેથી આ ત્રિવિધ તાપમાં છેને જગત. આધિ, વ્યાધિ ને ઉપાધિ ! જાતજાતની ઈચ્છાઓ !

આપણે તો 'વ્યવસ્થિત' સમજી ગયા. જ્યારે પ્રાપ્ત થવું હોય ત્યારે થાવ. મરવાની કેમ ઈચ્છા નથી કરતા કોઈ ? હા, એ તો કોઈ ના કરે.

પ્રશ્નકર્તા : લોકો શબ લઈને જતાં હોય, એ જોઈએ ને, તો ય મરવાની ઈચ્છા ના થાય.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : પોતાને એમ થાય કે 'હું નથી મરવાનો, હજી વાર છે મારે.'

દાદાશ્રી : હા. 'હું તો જીવવાનો છું.' હવે કાલે જ જવાના હોય, તો ય કહે કે 'હું જીવવાનો છું.' ગાંડપણને લઈને જ દુઃખી છે ને જગત ? જ્ઞાની પુરુષના શબ્દો સાંભળ્યા નથી.

કોઈ પણ જાતની ઈચ્છા કરી એટલે આ રૂની અંદર દેવતા સળગાવવો. તે ઈચ્છા પૂરી થાય ત્યારે ઓલવાય. બોલો, રાત્રે ય ઊંઘ ના આવે ને દહાડે ય ઊંઘ ના આવે. આ તો 'ફૂલિશ'નું કામ. હું તો કંઈ આ ફૂલિશ માણસ નથી. હું તો જરાકમાં ચેતી જઉં, એક ફેરો ખોટ ગઈ તે. એક ફેરો ખોટ ગઈ એટલે ફરી ખોટ નહીં ખાવાની. એ તો મૂરખાઓનું સામ્રાજ્ય. જેને ભાન ના હોય તે ખોટ ખાય ને આવે નહીં કશું ય હાથમાં.

જ્ઞાન થકી સાયન્સ ખૂલ્યું !

એટલે હું નાનપણમાં સમજી ગયો કે આ ઈચ્છાઓ કરે છે તે જ અગ્નિ છે. એટલે હવે આપણે સળગાવવું જ નથી જ્યાં ને ત્યાં. સળગાવ્યા પછી ઓલવાય નહીં, ત્યારે ઊલટી ઉપાધિ ! ના ઓલવાય ત્યારે જ મારે આવું કરવું પડ્યું ને ? એક ભડકો અહીં બળ્યા કરે, એક ભડકો અહીં બળ્યા કરે. તે ઓલવવા લોક પાણી ખોળે છે, પણ પેટ્રોલ હાથમાં આવે છે અને છાંટે છે ! એક ઈચ્છા પૂરી થતી નથી, ત્યાં બીજી આવીને ઊભી રહે છે. ઉપરાઉપરી આવ્યે જ જાય છે. એટલે ઈચ્છા એ સાક્ષાત્ અગ્નિ છે. એ શોધખોળ છે મારી !

આ ઈચ્છાનું તો સાયન્સ છે આખું મોટું ! મારો તો એક એક શબ્દ સાયન્સ છે ! અમે શાસ્ત્રની વાત ના બોલીએ, દેખીને, આંખે દેખીને બોલીએ છીએ બધું !

ઈચ્છા અસંખ્યાત, વસ્તુ સંખ્યાત !

ઈચ્છા તો બધાની ના કરે. આ સંસાર રસ છે, જે રસ એને પ્યારો હોય તેની ઈચ્છા કરે. આ કળિયુગમાં તો ચટણીની જ ઈચ્છાવાળા હોય, બધું ભોગવવાની ઈચ્છાવાળા ના હોય. એક થોડી ચટણી માટે આખી જિંદગી કાઢી નાખે.

દુઃખનું કારણ જ આ જગતમાં ઈચ્છા છે ને ! સંસારી ચીજની કોઈ ઈચ્છા ના રહેવી જોઈએ. આ જગતમાં વસ્તુઓ સંખ્યાત છે અને મનુષ્યોની ઈચ્છા અસંખ્યાત છે, અનંત છે. દુનિયાના લોકોની ઈચ્છાઓની નોંધ કરીએ અને જગતની તમામ લક્ષ્મીની નોંધ કરીએ તો મેળ ખાય ?

રહેવું આમ નિરીચ્છક !

દરેક વસ્તુ આવી મળે, એની મેળે જ આવે, વસ્તુનો સ્વભાવ છે. તમે ઈચ્છા ના કરો તો ય આવી પડે, 'વ્યવસ્થિત'ના નિયમથી. અને ઈચ્છા કરો તો ય કંઈ ફેરફાર થવાનો નથી. અને બળતરા કરાવે એટલી જુદી ! એટલે સ્વતંત્ર શા માટે રહેતા નથી ? નિરીચ્છક રહેવાનું, અમે નિરીચ્છક હોઈએ અને અમે તમને નિરીચ્છક થવાનું કહીએ.

અંતરાયોની ડખલ !

જેને જે ઈચ્છા હોય તેને દેખાય નહીં કારણ કે ઈચ્છાનું આવરણ ફરી વળેને ? મનુષ્યો તો પરમાત્મા જ છે, અનંત ઐશ્ચર્ય પ્રગટ થાય તેમ છે. પણ ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો. નહીં તો પોતે જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો.

આ ઈચ્છા થાય પછી પાછા આપણા અંતરાયો નડ્યા કરે છે, આપણે નાખેલા અંતરાય. પછી કેમ આ કામ થતું નથી ? આપણે નાખેલા અંતરાય જ આપણને નડે છે. બીજું કોઈ નાખનારું નથી. બીજા કોઈની ડખલ જ નથી. તમારા વ્યવહારમાં કોઈની ડખલ છે નહીં. કોઈ માણસની, કોઈ પરમાત્માની કે કોઈની ય ડખલ છે નહીં. તમારી જ રીસ્પોન્સિબિલિટી છે અને તમે જ છો ! અંતરાય તૂટે એટલે ઈચ્છા પ્રમાણે ભેગું થાય. સત્સંગમાં પૈસા વાપરવા છે એવી ઈચ્છા તો ઘણી હોય, પણ શું થાય ? પહેલાનાં અંતરાય પડેલા છે. તે સંયોગ આવે તો ય પાછો પડી જાય. જ્યારે અંતરાય તૂટે તો સહેજે બધું જ ઈચ્છા મુજબ થઈ જાય.

નિરંતરાય દશા જ્ઞાનીની !

મહીં આત્મા છે ને, તો જે ઈચ્છા થાય, તે વસ્તુ સામી આવે. તેને બદલે જો પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, તો ય લોકોને રાગે પડતું નથી અને ઉપરથી કોઈક દહાડો ઝઘડો કરે તે જુદો ! કહેશે, 'શું રોજ રોજ ધક્કા ખા ખા કરો છો ? આ પૈસા કંઈ જતા રહેવાનાં છે ?' તે પેલો ય પછી અકળાય ને કહેશે, 'અલ્યા, હવે આવું બોલે છે ઉપરથી ?' પણ આ તારો પોતાનો જ દોષ છે, એનો દોષ નથી. એ જે કહે છે ને તે આ તારો જ પડઘો છે. આ પ્રોજેક્ટ તેં કર્યો છે, તે જ છે આ પ્રોજેક્ટ !! અંતરાય આવા જ પાડ પાડ કર્યા છે કે પોતાના ધાર્યા પ્રમાણે સફળ ના થાય. કોઈ કહેશે કે 'ધાર્યું એટલે શું ? એ કંઈ પુરુષાર્થ ના કરવો પડે ?' ત્યારે કહે, 'ના, ઈચ્છારૂપી પુરુષાર્થ. તે ઈચ્છા થવી જોઈએ.'

તે અમારે ઘણો ખરો ભાગ, એઈટી પરસેન્ટ અમારે ઈચ્છા થતાંની સાથે જ તરત બધું હાજર હોય અને ઈચ્છા ના થાય તો ય આવ્યા કરે બધી વસ્તુઓ, એટલે આ અંતરાય તૂટ્યા કહેવાય.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમારી એઈટી પરસેન્ટ ઈચ્છાનું આ પ્રમાણે થાય, તો બાકીના વીસ ટકાનું શું ?

દાદાશ્રી : એ વીસ ટકાની અમને પડેલી ના હોય. ઈચ્છા થાય ને જો કદી ભેગું ના થાય તો મોડું ભેગું થાય. મોડું એટલે બે-ત્રણ દહાડા પછી ભેગું થાય. પણ એનો ઉકેલ આવી જાય. અને પેલું તો જે તરત ભેગું થાય કે આમ ઈચ્છા થતાંની સાથે જ કે 'હવે જવું છે.' ત્યાર પહેલાં તો કોઈકની ગાડી આવીને ઊભી રહી હોય. બાકી અમારી પાસે તો ગાડી ય ના હોય ને કશું ય ના હોય.

પ્રશ્નકર્તા : મારે તો એ જાણવું હતું કે સેન્ટ પરસેન્ટ કેમ નહીં ? તમે એઈટી પરસેન્ટ કેમ કીધું ?

દાદાશ્રી : એટલા અમે ય પણ અંતરાય પાડેલાં ને, પણ મોળા ! નહીં તો અમારે ય કશું ના હોત. પણ એટલું બધું વીસ ટકાનું નથી, થોડું છે, પણ એનાં કરતાં વીસ ટકા કહીએ તો સારું ને ! પાછળથી મનમાં એમ ના થાય કે ભૂલ થઈ ગઈ. એના કરતાં પાંચ-દશ ટકા વધારે ભર્યા હોય તો વાંધો નહીં ને ! આ એંસી ટકા ઓછા છે કંઈ આ કાળમાં ? આ એંસી ટકા માર્ક આવે એટલે અમારી જરૂરિયાત બધી સામી આવે ને !

કરવા જેવી ઈચ્છા તો....

ઈચ્છાથી જ અંતરાય છે. જેમ જેમ ઈચ્છા ઘટતી જાય તેમ તેમ અંતરાય તૂટતા જાય. ત્યાં પછી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય. જ્યાં સૂક્ષ્મ પણ ઈચ્છા છે, ત્યાં વસ્તુ પ્રાપ્ત ના થાય. ઈચ્છાઓ પૂરી થાય ત્યારે અંતરાય ના રહે. ઈચ્છા કરે તો તેનો અંતરાય થાય. ભગવાન શું કહે છે ? ઈચ્છા કરવી એ જ અંતરાય કર્મ છે. ઈચ્છા તો એક મોક્ષની અને બીજી જ્ઞાની પુરુષની જ કરવા જેવી છે. એનાથી અંતરાય ના આવે. બીજી બધી જ ઈચ્છાઓ સળગાવ્યા કરશે.

એમાં કેટલાય સંયોગી પુરાવાઓ...!

જે થવાનું હોય તેની પહેલી ઈચ્છા થાય. પાસ થવાનું હોય તો પાસ થવાની ઈચ્છા પહેલી થાય.

પ્રશ્નકર્તા : 'કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ્સ ધેર શેડોઝ બીફોર.' તે આનાં પરથી કહેવાય છે ? તે ઈચ્છાઓ ઉપરથી ખબર પડે કે શું આવવાનું છે હમણાં ?

દાદાશ્રી : હા, પણ તે બીજા બધાં બહુ શેડોઝ છે. શેડોઝમાં તો આ એકલું નથી, બીજું બહુ છે. બીજા બહુ સંયોગો છે.

ઈચ્છા પરથી મેઝર !

ઈચ્છાઓ, એનું સાયન્સ કેવું છે ? કે ઈચ્છા થઈને ઓલવાઈ ગઈ, એ યુઝલેસ ગઈ કહેવાય. અને જે ઈચ્છા વારેઘડીએ આવ્યા કરે એ અવશ્ય થવાનું છે એ નક્કી, પણ ક્યારે થાય એ કહેવાય નહીં. પણ એના પરથી જોઈ લેવાનું, મેઝર (માપ) કાઢી લેવાય કે આ વારે ઘડીએ આવે છે માટે કંઈ થશે એ ચોક્કસ. એટલે આપણે નિરાંતે અઢેલીને બેસવાનું, એક દહાડો થવાનું છે.

જોનારને ઈચ્છા નહીં !

પ્રશ્નકર્તા : બહુ ઈચ્છા થાય એટલે એ કાર્ય અવશ્ય થવાનું ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : બહુ ઈચ્છા થાય, પણ એને આપણે જોયા કરીએ તો ય એ થાય ?

દાદાશ્રી : તમારી ઈચ્છા ના હોય. જોયા કરનારને ઈચ્છા ના હોય, ત્યારે જોયા કરે. પોતે સહમત ના હોય તો કશો વાંધો નથી.

પ્રશ્નકર્તા : નહીં તો ઊડાડી દે ?

દાદાશ્રી : નહીં તો ઊડી જાય. અને તે સહમત હોય તો જાણવું કે ભઈ, હવે આપણે આ ઈચ્છા કરવાનો શો અર્થ છે ? આ બહુ ઈચ્છા આવે છે માટે થવાનું તો છે જ. તમને ઇંગ્લેન્ડ જવાના બહુ વિચારો આવતા હોય તો જાણવું કે એક દહાડો ઇંગ્લેન્ડ જવું પડશે. પણ હવે ઇંગ્લેન્ડના વિચાર કરીને શું કામ છે ? થવાનું તો છે જ. આવવાનું જ. આવ્યા વગર રહે જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે જે ઈચ્છા થાય છે, એ આવવાનું બતાડે જ છે.

દાદાશ્રી : વધારે ઈચ્છા થતી હોય, ને વારેઘડીએ ઈચ્છા થયા કરતી હોય તો આવવાનું છે. પણ ઈચ્છા થઈ અને ઊડી જતી હોય તો કશું નહીં.

ઈચ્છા સામે પોતાની અનિચ્છા !

પ્રશ્નકર્તા : કોઈ મહીં અવળું દેખાડતું હોય તે ? સતત દેખાડ્યા કરે તો ?

દાદાશ્રી : અવળાને દેખાડતું હોય તો જોઈએ નહીં ને, આપણે અવળાને જોવા ઓછાં કંઈ નવરા છીએ ?

પ્રશ્નકર્તા : જે ઈચ્છા જ ઊંધી થાય, કોઈને અહિત કરવાનું કે પોતાને અહિત થતું હોય, એમાં તો ?

દાદાશ્રી : પણ 'આપણે' શું આજે ઈચ્છા છે તે જોવાનું. 'આપણે' અહિત કરવાની ઈચ્છા છે કે નહીં તે ! પણ 'આપણી' ઈચ્છા હશે તો અવશ્ય થશે.

પ્રશ્નકર્તા : આપણે જાણતા હોઈએ ને, છતાં અહિત કરીએ એવું બને ને ?

દાદાશ્રી : 'નથી કરવું' તેને ના થાય અને કરવું હોય તેને ઈચ્છાઓ થાય. એટલે જાણવું કે થઈ જશે આ. બહુ ઈચ્છા આવે એટલે એ કાર્ય થવાનું જ હોય. પણ આપણે કરવું હોય તો થાય ને ના કરવું હોય તો ના પણ થાય. પણ થશે એ વાત નક્કી.

તીવ્ર ઈચ્છાનું પરિણામ !

પ્રશ્નકર્તા : તીવ્ર ઈચ્છા પૂરી કરવાનો ઉપાય શો ?

દાદાશ્રી : જેની તીવ્ર ઈચ્છા થઈ, તે વસ્તુ ભેગી થયા વગર રહે જ નહીં. બે વર્ષે, પાંચ વર્ષે ય ભેગી થાય. તીવ્ર ઈચ્છા સ્વયં કહે છે કે તે પૂરી થવાની જ. મોક્ષે જનારની બધી ઈચ્છાઓ પૂરી થાય, ત્યારે જ મોક્ષે જવાય.

કુદરતના નિયમો !

પ્રશ્નકર્તા : પણ એ ઈચ્છા કેવી રીતે પૂરી થાય ? એ તો એક ઈચ્છા જાય ને બીજી આવે ?

દાદાશ્રી : એ તો હંમેશાં બીજી આવે જ. કાયદો શું કહે છે ? કે જે જે ઈચ્છાઓ તને થાય છે, તે અવશ્ય પૂરી થવાની જ. પણ તેને વિચારવાથી કંઈ ના વળે. ઊલટું ડખો થાય.

મનનો સ્વભાવ કેવો છે ? કે નવું નવું ખોળે. ઘરમાં નવો સોફો ખોળે, નવો ફલેટ ખોળે. તબિયત સારી હોય તો ફલેટની વાત કરે અને તબિયત બગડી એટલે કહેશે, 'ફલેટ હવે નથી જોઈતો.' તબિયત સુધરે એવી બાધા રાખે. મન તો વાંદરાને પેઠે કૂદકા મારે ને પાછું વગર પૂંછડીએ. કુદરત શું કહે છે, ''હું તને જે આપું તેને કરેક્ટ માન, 'વ્યવસ્થિત' છે એમ માની, તારી બધી જ ઈચ્છાઓ હું ધીમે ધીમે મારી જોગવાઈએ પૂરી કરીશ. તારા મરતાં પહેલાં તારી ઈચ્છાઓ પૂરી કરીશ.''

અધોગતિનો કાયદો !

પ્રશ્નકર્તા : ઘણાં લોકોમાં તો ઈચ્છા થતાંની સાથે વસ્તુ હાજર થઈ જાય, એ શું કહેવાય ?

દાદાશ્રી : ઈચ્છા તરત પૂરી થાય એટલે પછી રંગે ચઢે. એવો રંગ ચઢે કે પછી માર ખાઈ ખાઈને મરી જાય ને અધોગતિમાં જાય. કારણ કે મનનો સ્વભાવ કેવો છે ? કે એક ફેર કૂદવાની જગ્યા મળી, એટલે એ કૂદમકૂદી કરી મૂકે. ઈચ્છા થઈને તરત મળ્યું કે ઘરમાં પગ ના મૂકે, ઊંચો ને ઊંચો રહે. બાપને ગણકારે નહીં અને કોઈને ય ગણકારે નહીં.

એટલે ઈચ્છા થઈને મળે તો જાણવું કે અધોગતિમાં જવાનું છે. એનું મગજ વધતું વધતું ચક્રમ થઈ જાય. થોડા-ઘણાંને અત્યારે ઈચ્છા પ્રમાણે મળ્યું છે, તે તો અત્યારે પાંચ-દસ લાખના ફલેટમાં છે ને તે બધાની કેવી દશા થઈ ગઈ છે !! ફલેટ હોય દસ લાખનો, પણ એમાં એમને હિતકારી નથી એ. પણ આ તો એમની દયા ખાવા જેવી સ્થિતિ છે.

કળિયુગમાં હિતકારી શું ?

પ્રશ્નકર્તા : ઈચ્છા પૂરી થવા શું કરવું ?

દાદાશ્રી : આ કળિયુગ છે ને, તે ઈચ્છાઓની જો પ્રાપ્તિ થાયને, તો આપણો અહંકાર વધી જાય. ને પછી ગાડું ઊંધું ચાલે. એટલે આ કળિયુગમાં હંમેશાં એને ઠોકરો વાગેને, તો જ સારું. એટલે દરેક યુગમાં આ વાક્ય જુદું જુદું હોય છે. એટલે આ યુગને અનુસરીને આ વાક્ય આવી રીતે કહેવાય. અત્યારે જો એ ઈચ્છા પ્રમાણે ભેગું થાય ને, તો અહંકાર વધે. મળે છે બધું પુણ્યના હિસાબે, અને વધે છે શું ? અહંકાર-'હું છું.' એટલે આ જેટલી ઈચ્છાઓ થાય છે ને, એ પ્રમાણે ના થાય તો એનો અહંકાર ઠેકાણે રહે ને વાતને સમજતો થાય. ઠોકરો વાગે ને ત્યારે સમજાય, નહીં તો સમજાય જ નહીં. ઈચ્છા પ્રમાણે થયું ત્યારે તો આ દશા થઈ બિચારાની. જે પુણ્યૈ હતી, તે વપરાઈ ગઈ ને ઊલટું ફસામણમાં આવી ગયા. અહંકાર ગાંડો થઈ ગયો. અહંકારને વધતાં વાર ન લાગે. ફળ કોણ આપે છે ? પુણ્યૈ આપે છે ને મનમાં શું જાણે કે હું જ કરું છું. તે અહંકારીને તો માર જ પડેલો સારો. ઠોકરો ખાઈ ખાઈને એને જે પ્રાપ્તિ થાય ને તેમાં જ ફાયદો.

કુદરતની સુંદર ગોઠવણી !

કુદરતનો કાયદો એવો છે કે ઈચ્છા થાય ને વસ્તુ મળે તો એ લપસી રહ્યા છે, અધોગતિમાં જઈ રહ્યા છે. અને ઈચ્છા હોય તો વસ્તુનું ઠેકાણું ના પડે અને ઠેકાણું પડે ત્યારે ઈચ્છા ના હોય. તે ઉર્ધ્વગતિમાં લઈ જનારું કહેવાય, સારું કહેવાય એ. ઈચ્છા મરી જાય ત્યારે વસ્તુ ભેગી થાય. એક જણ પંચાવન વર્ષનો હતો, ત્યાં સુધી પૈણવાના વિચાર કરે ને લોકોને કહે કહે કરે કે 'કોઈ કન્યા શોધી આપો.' અને પછી જ્યારે અઠ્ઠાવન વર્ષનો થયો ત્યારે કોઈ કહેવા આવ્યું કે 'અમારી એક છોડી છે, જો તારે પૈણવું હોય તો !' ત્યારે પેલો કહે કે 'ના, હવે મારી ઈચ્છા મરી ગઈ છે.' માજી સિત્તેર વર્ષનાં થાય ત્યારે હીરાના કાપ લઈ આપે, તેનો શો અર્થ ?

કુદરતે કેવી સુંદર ગોઠવણી કરી છે ! જેને ઊર્ધ્વગતિમાં જવાનું છે, તેની બધી જ ઈચ્છા પ્રમાણે પૂરું પાડવાનું, પણ તે ઈચ્છા પૂરી થઈ ગયા પછી. અને અધોગતિમાં જવાનું છે તેને તરત જ વસ્તુ પૂરી પાડવાની. માટે કુદરતની આ વાતને સમજો. આ કુદરતના કાયદા જુદી જાતનાં છે. ઊર્ધ્વગતિમાં લઈ જવાના હોય તેનાં કાયદા જુદા અને અધોગતિમાં ઘસડી જવાનાં કાયદા જુદા. ઈચ્છા તો બધાયની પૂરી થવાની જ.

અપ્રાપ્તની ઈચ્છાથી દુઃખી !

જે પ્રાપ્ત હોય તે ભોગવવું. જે આવ્યું હોય તેને નિરાંતે ખાવું, પીવું, બધું જ કરવું. ના આવે તો કંઈ નહીં. આ તો પ્રાપ્ત સુખને તરછોડીએ કે 'પેલું ય મળે તો કેવું સરસ !' અલ્યા, આત્મામાં રહે ને ! પ્રાપ્તને ભોગવ ને! પણ બેભાન લોકો આ સુખને ખોઈ નાખે અને કંઈ ઈચ્છામાં જ પડ્યો હોય કે 'સાસરે ક્યારે જવાય ?' અલ્યા, સાસરે જવાનું હશે ત્યારે જવાશે, ને ના જવાય તો ઘેર રહ્યું.

પ્રશ્નકર્તા : આમાં તરછોડવાનું ક્યાં આવ્યું ?

દાદાશ્રી : તરછોડ જ કરીએ છીએને ? કારણ કે પ્રાપ્ત વસ્તુને ભોગવતો નથી. પ્રાપ્ત સુખ મળ્યું હોય તેને ભોગવતો નથી ને અપ્રાપ્તની ચિંતા કરે છે. હવે કેવું સરસ અહીં આગળ બેઠાં છીએ આપણે આ જગ્યામાં. આને ભોગવીએ ત્યારે અપ્રાપ્તની ચિંતા કરે છે, જે મળ્યું નહીં તેની. એને શું કરવું ? એ સમજણ ના પડે, એટલે આ માર ખાયા કરે બિચારાં.

કેરી સારી હોય તો મનમાં એમ થાય કે 'લાવ બીજી ખાઈએ.' પણ ઈચ્છા કરે નહીં. આવી પડે તો ખાય, તો બધું સારું જ છે ને ! શું ખરાબ છે દુનિયામાં ? પછી એકલો શ્રીખંડ ખાતો હોય કે એકલી કેરીઓ ખાધી હોય ! આ તો બધી ઈચ્છાઓ પૂરી કરીને મોક્ષે લઈ જાય. બધી ઈચ્છાઓ પૂરી થાય એવા સંજોગો ભેગા કરી આપે અને પછી મોક્ષે જાય. પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે અને દેહને ભોગવવા દો, જે પ્રાપ્ત થાય તે. પ્રાપ્તને ભોગવો. અપ્રાપ્તની ચિંતા કરે છે ને પ્રાપ્તને ભોગવતા નથી, તેથી જગત દુઃખી છે ને !

સંતોષ, તૃષ્ણા, તૃપ્તિ !

પ્રશ્નકર્તા : આપે પેલું દ્રષ્ટાંત આપ્યું છે ને, કે બાસમતી ચોખામાં કાંકરી નાખીને ખાય.

દાદાશ્રી : એ તો આખું જગતે ય અત્યારે ફર્સ્ટ કલાસ ચોખા છે, એમાં કાંકરી નાખીને જ ખાય છે ! એટલે પોતાને નિરાકૂળતા ઉત્પન્ન થતી નથી, પૂરો સંતોષે ય થતો નથી. સંતોષ તો થવો જ જોઈએ. કોઈ પણ વિષય હંમેશાં સંતોષ આપે જ અને ત્યાં તો સંતોષે ય નહીં દેખાતો. તૃપ્તિ તો ના હોય, પણ સંતોષે ય નહીં દેખાતો.

તૃપ્તિ ને સંતોષમાં ફેર ખરો ? તૃપ્તિ ને સંતોષમાં ફેર તો હશે ને ? તૃપ્તિ એટલે એના તરફના વિચારો ના આવે. સંતોષમાં તો સંતોષ થાય. પછી એનું એ જ પાછું ખોળવું પડે. દૂધપાકમાં આજે સંતોષ થયો હોય તો ફરી પાછો દૂધપાકની ઈચ્છાઓ થાય અને તૃપ્તિ એટલે દૂધપાકની ઈચ્છાઓ થાય નહીં અને પ્રાપ્તિ થયા કરે. એ તૃપ્તિ કહેવાય. ફરી ભોગવવાની ઈચ્છા ના થાય, એનું નામ તૃપ્તિ. લોકોને સંતોષ થાય છે, પણ તૃપ્તિ થતી નથી. સંતોષ શાથી થાય છે ? એણે ઈચ્છા કરી હતી કે 'રસ-રોટલી ખાવા મળે તો ઠીક.' તે મળે એટલે સંતોષ થાય. ઈચ્છા પૂરી થઈ, એનું નામ સંતોષ. પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ તો જ્ઞાનીને હોય.

પ્રશ્નકર્તા : સંતોષ રાખે તો અશાંતિ ના રહેને ?

દાદાશ્રી : સંતોષ એવી વસ્તુ છે કે રાખ્યો રહે એવો નથી. આપણા લોકોને ખાંડનો કંટ્રોલ આવ્યો કે તરત કહે, 'ભઈ, સંતોષ રાખજો. આપણે ખાંડ નથી પણ સંતોષ રાખજો.' પણ સંતોષ રહે નહીં મહીં. એ ય દસ વાગે નીકળી ક્યાં કાળા બજારની ખાંડ મળે છે, તે ખોળી લાવીને દશ શેર લઈ આવે. એટલે સંતોષ રહે નહીં તેથી ને ! સંતોષ એ પરિણામ છે. પૂર્વે સંતપુરુષોનું સાંભળેલું હોય, તેનાં પરિણામે સંતોષ ઉત્પન્ન થાય છે.

પ્રશ્નકર્તા : સંતોના સમાગમથી એ બધું મળી રહે ?

દાદાશ્રી : બધું મળી રહે. હા, સંતો પાસે શું ના મળે ? સંતો પાસે હરેક ચીજ મળે. સંતોષનો ખરો અર્થ સમતૃષ્ણા !

મનની ઈચ્છા પ્રમાણે દૂધપાક મળ્યો, એટલે મન મરી ગયું. પણ દૂધપાક ખાતાં ખાતાં ફરી આવો દૂધપાક મળે એ તૃષ્ણા ઊભી થાય. એટલે મન પાછું જીવતું થઈ જાય. આ જ્ઞાન ઊંધું મળે છે. તેનાથી તૃષ્ણા થાય છે અને આ ઊંધા જ્ઞાનની આરાધના કરે છે, તેનાથી આ બધા દુઃખો છે. તૃષ્ણા અનંત છે અને મનુષ્યોના વિકલ્પો અસંખ્યાત છે. એમાં મનુષ્યો મેળ શી રીતે ખાય ? અને આ જગતમાં કોઈ ચીજ એવી નથી કે જેનાથી તૃષ્ણા ઓલવાય. તૃષ્ણાએ ચઢ્યો એટલે તરસ, ગમે એટલું પાણી પાઈએ તો ય તરસ છીપે નહીં. તૃષ્ણા એટલે તરસ કહેવાય. જ્યાં ને ત્યાં જુએ. આમ જુએ ને તેમ જુએ, એને આશા કહેવામાં આવે છે અને એનાથી તૃષ્ણા ઊભી થાય.

પ્રશ્નકર્તા : મહીં આશા, નિરાશા કેમ આવે છે ?

દાદાશ્રી : આશા-નિરાશા, ઈચ્છાઓ એ દેહનો ધર્મ છે. એ એનો ધર્મ બજાવ્યા જ કરે. આશા નિરાશારૂપે સાંપડે, એ આશા શા કામની ? ગાડી મળશે એવી આશા રાખ, પણ વખતે ગાડી ના મળી, તો આશા નહોતી એવું રાખ. સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ તો ય અને ના રાખીએ તો ય એનું એ જ ફળ આવવાનું છે, તો આની શી લાલચો ?

ઈચ્છાનાં ઉદ્ભવસ્થાન !

પ્રશ્નકર્તા : આ ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થઈ ? ઈચ્છાનું ઉદ્ભવસ્થાન શું ?

દાદાશ્રી : ઈચ્છા બધી સંજોગવશાત્ થાય છે. ઈચ્છા સંજોગોના દબાણથી ઉત્પન્ન થાય છે. અત્યારે આ બધાને ઓઢવાની ઈચ્છા થતી નથી, પણ ઠંડી એકદમ પડે તો બધાને એની ઈચ્છા થાય. એ સંજોગોના દબાણને લીધે થાય. સંજોગો દેખાયને, ત્યાં ઈચ્છા થાય. કોઈ સાઠ વર્ષે પૈણેલો હોય, એને જુએ ત્યારે થાય કે 'સાઠ વર્ષે પૈણવામાં કશો વાંધો નથી. મારે તો વાઈફ છે, નહીં તો હું ય પૈણું.' એવું કહેશે ! રાગ હોય તો ઈચ્છા થાય. રાગ હોય તો સારું કરવાની ઈચ્છા થાય અને દ્વેષ હોય તો ખરાબ કરવાની ઈચ્છા થાય. ઈચ્છાઓ બુદ્ધિના આશયમાં જે તું લાવ્યો હોય તેની થયા કરે. બુદ્ધિના આશયમાં જે સુખ તું લાવ્યો હોય, તે સુખ તને પુણ્ય ખર્ચીને મળ્યા કરે.

ઈચ્છા, પુદ્ગલ પરિણામ !

પ્રશ્નકર્તા : ઈચ્છા એ પરતંત્રપણું છે, તો ઈચ્છા શું રાખવી કશાની ?

દાદાશ્રી : ઈચ્છા ના રાખવી હોય તો ય છૂટે તેમ નથી ને ! ઈચ્છાઓ પુદ્ગલ કરે છે. તે દબાય શી રીતે ? જો તમે ઈચ્છા કરતા હો, તો તેને બંધ કરી દો ને ! પણ તે તેમ નથી થતી. માટે ઈચ્છા પુદ્ગલ વસ્તુ છે. ઈચ્છા એ જ પરવશપણું છે.

ઈચ્છા, ફરજિયાત કે મરજિયાત ?

પ્રશ્નકર્તા : ઈચ્છા ફરજિયાત કેવી રીતે હોઈ શકે ?

દાદાશ્રી : બધી ઈચ્છા ફરજિયાત છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા તમને ઉત્પન્ન થાય એ બધી જ ફરજિયાત છે. પછી સંડાસ જવાની હો કે પછી ચા પીવાની હો કે પછી માથે બામ ઘસવાની હો કે કાં તો મરવાની ઈચ્છા. કોઈ પણ માણસ મરવાની ઈચ્છા વગર મરે નહીં, કારણ કે દુનિયાનો કાયદો એવો છે. માણસ સ્વતંત્ર છે. કોણ એને મારી શકે એવો છે આ દુનિયામાં ?

પણ હવે તમને આથમતી ઈચ્છાઓ રહી એ ફરજિયાત છે. જેના કર્યા વગર ચાલે જ નહીં એવી ઈચ્છા. કર્યા વગર ચાલે નહીં એ ફરજિયાત ઈચ્છાઓ કહેવાય છે અને પેલી મરજિયાત ઈચ્છાઓ, ઊગતી ઈચ્છાઓ મરજિયાત છે.

ચાર્જ ઈચ્છા - ડિસ્ચાર્જ ઈચ્છા !

બે પ્રકારની ઈચ્છાઓ - એક ઊગતી ઈચ્છા અને બીજી આથમતી ઈચ્છા. એટલે એક ચાર્જ ઈચ્છા અને બીજી ડિસ્ચાર્જ ઈચ્છા. ઊગતી ઈચ્છા બંધનકારક છે અને તે બળતરા ઊભી કરે છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી જે જે ઈચ્છાઓ થતી લાગે છે, એ બધી ડિસ્ચાર્જ ઈચ્છાઓ છે. એ નિકાલી ઈચ્છાઓ છે. ચાર્જ ઈચ્છા એ બંધન છે. જગત આખું ચાર્જ ઈચ્છાઓમાં છે ને બીજ પડે, એને ઈચ્છા કહેવામાં આવી છે.

ઊગતી ઈચ્છા અને આથમતી ઈચ્છા !

પ્રશ્નકર્તા : ઊગતી ઈચ્છા અને આથમતી ઈચ્છા, એ જરા વિસ્તારથી સમજાવો.

દાદાશ્રી : અહીં આગળ સવારે સાત વાગે જોઈએ અને સાંજે પાંચ વાગે જોઈએ, તો એક ઊગતો સૂર્યનારાયણ અને એક આથમતો સૂર્યનારાયણ, એ બે ય એવા સરખાં જ દેખાય. પણ બેમાં ફેર છે. એ આથમતો સૂર્ય થોડા વખત પછી દેખાવાનો નથી. તેવી આ ઈચ્છા તે આથમતી ઈચ્છા છે. અહીં કશું ફરી વધવાનું નથી.

જેમ આગળ ઊંધું જવાનું બંધ કર્યું અને પાછાં ફર્યા, ત્યાંથી એને પ્રોગ્રેસ કહેવાય. એવી રીતે આ ડિસ્ચાર્જ ઈચ્છા કહેવાય, આથમતી ઈચ્છા કહેવાય.

આથમતી ઈચ્છા એટલે આ સૂર્ય-નારાયણ લાગે ઊગતા જેવાં, પણ એનો કોઈ ભો નથી, આથમવાની તૈયારીવાળા છે. આ ખાવા-પીવાની ઈચ્છા છે ને સંસારી, તે બધી આથમતી ઈચ્છા છે. ઊગતી ઈચ્છા એ ભાવકર્મ છે. આ જગતને ઊગતી ઈચ્છાઓ બધી બહુ હોય. 'આમ કરીશું ને તેમ કરીશું, ફલાણું કરીશું.' આથમતી ઈચ્છાઓ એ ડિસ્ચાર્જ ઈચ્છાઓ કહેવાય. એ નડતી નથી, બીજ નથી નાખે એવી. કારણ કે આપણે 'વ્યવસ્થિત'ને કર્તા માનીએ છીએ ને ! આપણે જાતે કર્તા નથી ને એટલે એ બીજ નાખતી નથી. કર્તા હોય તો બીજ પડે. જેમાં તમે કર્તા હોય, તેમાં બીજ પડે. કર્મ કર્તાને આધીન છે.

આ જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી 'હું ચંદુલાલ જ છું' એવું જ્યાં સુધી હોય, ત્યાં સુધી ઈચ્છા એ બીજ રૂપે છે. પછી ઝાડ રૂપે થાય. એ કૉઝ (કારણ) છે, 'હું ચંદુલાલ છું'. એ વાસ્તવિક હોય ત્યાં સુધી ઈચ્છાઓ થાય છે એ કૉઝીઝ છે અને 'હું શુધ્ધાત્મા છું' પછી જે ઈચ્છાઓ થાય છે, એ નિકાલી બાબત છે. ઈચ્છા તો બેઉ કહેવાય છે !

પ્રશ્નકર્તા : તો ચાર્જ ઈચ્છા થઈ ક્યારે કહેવાય ?

દાદાશ્રી : ચાર્જ ઈચ્છા એટલે ઊગતી ઈચ્છા ! ઊગતી ઈચ્છા તો તમે 'ચંદુલાલ' છો એ નક્કી થાય, ત્યારે પછી ઊગતી ઈચ્છા થાય. એ નક્કી નથી થવું ને.

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી કર્તા વગર કર્મ શી રીતે બંધાય ? ઊગતી ઈચ્છા કોને કહેવાય ? કર્મ બંધાય તેને. હવે મહીં ઊગતી દેખાય છે, તે કંઈ ઊગતી ઈચ્છા નથી. કર્તા વગર શી રીતે ઊગે ? કર્તા હોય તો બીજ પડે ને ! બીજ પડે એટલે ઊગે. પણ કર્તા નથી, તો બીજ ક્યાંથી પડે ? ને બીજ નથી, તો ઊગે કેવી રીતે ?

તમને 'હું ચંદુલાલ છું' ને 'હું કર્તા છું', એવું નથી ભાસતું ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ચાર્જ ઈચ્છા ક્યારે ય ના આવે. કારણ કે કર્તા વગર શી રીતે કર્મ બંધાય ? 'હું ચંદુલાલ છું' એ જ અજ્ઞાન છે. અજ્ઞાન એ જ કર્તાપદ છે. અને જ્ઞાન અકર્તાભાવે છે. અજ્ઞાન ગયું કે કર્તાપદ ઊડ્યું પછી ચાર્જ ના થાય. વખતે મહીં લાગે, શંકા પડે કે 'આ ઊગતી ઈચ્છા છે.' એવું તેવું પણ બધી જ ઈચ્છા આથમતી ! કર્તાપદ જવું જોઈએ. અને કોઈ કહેશે કે 'અહંકાર તો રહેતો હશે કે નહીં ?' તો કર્મ કરવા માટે તો અહંકારની જરૂર પડે જ. પણ એ નાટકીય અહંકાર રહ્યો, ડ્રામેટિક અહંકાર રહ્યો. જીવતો અહંકાર ગયો. સજીવ અને અજીવ, એ બે ભેગું અહંકાર હોય. એમાં તમને આ જ્ઞાન આપ્યા પછી સજીવ ભાગ ખેંચી લઈએ. એટલે નિર્જીવ એકલો રહે. બે ભાગ જુદા પાડ્યા. આમાંથી સજીવ જે ભાગ હતોને, એ ખેંચી લીધો પાછો, ને આત્મામાં જ ગોઠવી દઈએ પાછો. એટલે શુધ્ધાત્મા બધું ય આવી ગયું ને આ નિર્જીવ ભાગ જુદો પડી ગયો.

એટલે આ ઊગતી ઈચ્છાઓ બંધ થઈ ગઈ. આથમતી ઈચ્છાઓ રહી ગઈ. ઊગતી ઈચ્છાઓને આશા કહેવાય છે. એ ચાલુ વેલો ઊગ્યા કરે. આથમતી ઈચ્છાઓનો વાંધો ના કહેવાય. ઊગતી ઈચ્છાનો વાંધો ! આથમતી ઈચ્છાઓ ડિસ્ચાર્જ સ્વરૂપે છે અને ઊગતી ઈચ્છા તે ફરી ચાર્જ કરે. એટલે ચેતતા રહેવું જોઈએ. એટલે તમારે ચેતતા રહેવું પડે. જાગૃતિ બહુ રાખવી પડશે.

આથમતી ઈચ્છા, જ્ઞાનીને ય !

મને ય બપોરે એક વાગી ગયો હોય ને, તો હું ય આમ રસોડા ભણી જોયા કરું. તમે સમજી જાવ કે દાદાની કશી ઈચ્છા છે. અમે તપાસે ય કરીએ કે 'જમવાનું શું થયું ?' કોઈ ઈચ્છા વગર જોતા હશે ? એ ઈચ્છા તો ખરી, પણ એ નિકાલી ઈચ્છા ! આ ઈચ્છા ડિસ્ચાર્જ ઈચ્છા છે.

પ્રશ્નકર્તા : એ ઈચ્છા કંઈ ચોંટે નહીં.

દાદાશ્રી : ના. નહીં ચોંટે એ ઈચ્છા. ડિસ્ચાર્જ છે એટલે ચોંટે નહીં. મારી જેટલી બધી ઈચ્છા છે એ કશું જ ચોંટે નહીં. મને ના થાય કે એક વાગી ગયો, ખાવાનું નથી આવ્યું ? અરે, પાણી મેં મંગાવ્યું હોય અને અરધા કલાક સુધી ના આવે તો હું જોયા કરું. તેથી તમે ના સમજી જાવ કે કશીક ઈચ્છા છે ? હમણાં સત્સંગમાં જવાનું મોડું થાય તો હું આમ આમ જોયા કરું. તમે ના જાણો કે દાદાને ઈચ્છા છે ? એ બધું ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ ઈચ્છાઓનો વાંધો છે જ નહીં. અહીં આવીએ છીએ, તે ય ઈચ્છા તો ખરી જ ને ? પણ આથમતી ઈચ્છા કહેવાય એ અને કહીએ છીએ 'મારાથી ઈચ્છા થાય તો અવાય ને ?' એ ઈચ્છા પણ બધી નિકાલી. ચોંટે નહીં. ચોંટે ક્યાં સુધી ? કે 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી જ. આ ઈચ્છાઓનો કરનાર હું નથી, આ ઈચ્છાઓને કરનાર આપણે નથી. ઈચ્છા કરવી નથી, છતાં થાય છે. તો એ ઈચ્છા ચોંટે નહીં!

ઈચ્છાસત્તા, ઉદયસત્તા !

હવે ઉદયની સત્તા રહી, પોતાની ઈચ્છાની સત્તા ગઈ. પોતાની ઈચ્છાઓની સત્તા હતી, પોતાની ઈચ્છા ના કરવી હોય તો ય ઈચ્છાઓ થતી હતી. એ સત્તા ગઈ હવે. ઉદયની સત્તા રહી હવે. ઈચ્છાની સત્તા અને ઉદયની સત્તા, બેમાંથી જગત ચાલી રહ્યું છે. ઈચ્છાસત્તા બંધ થઈ જાય એટલે ઉદયસત્તા રહી. ના ગમતું હોય તો ય ઉદય તો રહ્યું જ.

આમાં પોતાની ઈચ્છા તો...

ઈચ્છા માત્ર ડિસ્ચાર્જ છે, પણ જે ઈચ્છા આ ભવમાં પૂરી ના થાય એવી હોય, તે ડિસ્ચાર્જ ના કહેવાય.

પ્રશ્નકર્તા : પણ તે ચાર્જ પણ ના કહેવાય ને !

દાદાશ્રી : પણ એવી ઈચ્છા જ ના થવી જોઈએ ને ? નકામો વેસ્ટ ઓફ ટાઈમને ? 'અમારી ઈચ્છા છે કે આવું થાવ. પછી આવું થાવ કે ના થાવ, એ તારી મરજીની વાત છે.' એવું ઉદયકર્મને કહીએ, 'અમારી ભાવના, ઈચ્છા આવી છે. ના થાવ તો અમારે વાંધો નથી અને થાવ તો ય અમારે વાંધો નથી.' એવું બોલવું. ઈચ્છાઓ ભલે રહી. તેમાં રાગ-દ્વેષ ના હોવાં જોઈએ. એટલે થાય તો ય ભલે ને ના થાય તો ય ભલે.

શુધ્ધાત્મા થાય ત્યારે...

પ્રશ્નકર્તા : એ તો મરે, ત્યારે જ પત્તો ખાય. નહીં તો એ ઈચ્છાઓ ક્યારે પતે ?

દાદાશ્રી : ત્યારે બધી આ એ જ ઉપાધિ છે ને ? સારું છે કે હવે તમને (મહાત્માઓને) નવી ઈચ્છાઓ બંધ થઈ ગઈ. જૂની છે એ તો છે. એનો મેળ પડશેને ? ઈચ્છાઓ પૂરી ક્યારે થશે ? શુધ્ધાત્મા થાય ત્યારે. આ ઈચ્છાઓનો સમુદ્ર છે. એક ઈચ્છા પૂરી થાય ત્યારે બીજી શરૂ થાય. જ્ઞાન વગર ઈચ્છા જાય નહીં.

ઈચ્છા, ઉપશમભાવે !

આ દેહ એ મોક્ષે જવા દે એવો દેહ જ નથી. મોક્ષે જાય એ દેહ તો સુંદર દેખાતો હોય, ભવ્ય દેખાતો હોય કે જેને કંઈ પણ ઈચ્છા ના રહી હોય. આ આવા દેહ ના હોય ને એક-બે અવતાર થશે તે એવાં થશે, તે એવાં ભવ્ય થશે. બધી ઈચ્છાઓ પૂરી થાય ને પછી મોક્ષે જવાનું.

આ જ્ઞાન આપ્યું ને, તે ઈચ્છાઓ મહીં જે છે ને તે ઉપશમ થઈ ગયેલી છે. ઈચ્છાઓ બધી જે હતી તેને આગળ માર્ગ ના મળ્યો એટલે ઉપશમ થઈ ગઈ. તે આવતે ભવ ઈચ્છાનું ફળ આ પુણ્યથી મળશે. ઈચ્છા પેલી અને પુણ્ય આ. એવો ગુણાકાર, સુંદર ગુણાકાર થવાનો ! આ તો અત્યારે ઈચ્છાઓ બધી ઉપશમ થયેલી છે. માણસ માત્ર ઈચ્છાવાન હોય. અમે જ્ઞાન આપીએ ને, તે જ મિનિટે પછી તેની બધી ઈચ્છા કપાઈ જાય. એટલે પછી ઉપશમ થઈ ગયેલી ઈચ્છાઓ ફળ આપશે. પણ એની ઈચ્છાઓ પૂરી કર્યા પછી જ મોક્ષમાં પેસવા દે. નહીં તો મહીં જાત જાતની ઈચ્છાઓ રહી ગયેલી હોય, તેને ત્યાં કંઈ પેસવા દેતા હોય ? અને આવા રઘવાટિયા માણસને પેસવા દે ? આ બધો રઘવાટીયો માલ, આવા માણસ કેમ પોષાય ? મોક્ષમાં જનારા તો કેવાં હોય ? જાહોજલાલીવાળા હોય, જમવા પાટલા પર બેસવાની ઉતાવળ નહીં, જમીને ઊઠવામાં ઉતાવળ નહીં, ગાડીમાં બેસવાની ઉતાવળ નહીં, ટ્રેનમાં બેસવાની ઉતાવળ નહીં, બસમાં બેસવાની ઉતાવળ નહીં. આ તો ધક્કા માર માર કર્યા કરે, રઘવાટીયો બોલે છે એને ત્યાં મોક્ષમાં પેસવા ના દે.

આજે ઈચ્છા નથી ને, એ દબાઈ ગયેલી છે. પણ એ ઊગશે તે ઘડીએ પણ એ પૂરી કરવી પડે, છૂટકો જ ના થાય. ત્યાં આગળ મોક્ષમાં પેસવા જ ના દે. ત્યાં તો નિરીચ્છક, કશું જ જેને જોઈતું ના હોય ! અત્યારે ભાવ નથી ઉત્પન્ન થતો, તે જ્ઞાનના પ્રતાપે.

આ જ્ઞાનના પ્રતાપે ઈચ્છા બધી કવર થઈ ગઈ હોય. પણ ફરી ફૂટ્યા વગર રહે નહીં. દબાયેલી ઈચ્છા કેટલા દહાડા રહે ?! એટલે જેટલી જેટલી ઈચ્છા બાકી છેને, તે બધી પૂરી થઈ જશે. પણ હવે નવી ઈચ્છા ઉત્પન્ન નહીં થાય. જૂની છે દબાઈ ગયેલી, તેટલી ઈચ્છા પૂરી થવા માટે એક કે બે અવતાર થશે. તે અવતારમાં બધી જ સગવડ મળી આવે. કશું જ માગવું ના પડે. ત્યાગવું ના પડે અને આ પાછું મળ્યા કરે. સગવડ બધી મળે, પછી અગવડ ના આવે. જો ત્યાગી જીવન આવે તો ય કશી અગવડ નહીં. ગૃહસ્થી જીવન આવે તો સ્ત્રી કેવી હોય ? તમે ધોળે દહાડે રસ્તામાં કહો કે દીવા લઈ આવ, તો બે દીવા લઈને આવે એવી સ્ત્રી હોય. ધોળે દહાડે બાર વાગે બપોરે તમે કહો કે 'દીવો લાવ.' ત્યારે એમ ના કહે કે 'આંખો ફૂટેલી છે, ઉઘાડે દહાડે શાના દીવા માંગો છો ?' અને આજની સ્ત્રીઓ તો શું કહે ? 'આંધળા મૂઆ છો ?' અને પેલી તો બે દીવા લઈને આવે એવી સ્ત્રી મળે. છોકરાં કેવા મળે ! અને આ તો બધા આબરૂ લઈ લે એવાં માણસ મળ્યા. ઉઘાડે દહાડે આબરૂ લે. બધા સંજોગો બહુ ઊંચા મળી આવે. એક-બે સ્ટેશન છે, તેનો વાંધો નથી. હવે પાસપોર્ટ મળી ગયો, વીઝા નીકળી ગયા. હવે ક્યાંય વાંધો રહ્યો નહીં તમારે.

ઈચ્છા કોની ?

પ્રશ્નકર્તા : એ ઈચ્છા કોની ? પુદ્ગલની ?

દાદાશ્રી : ઈચ્છા અહંકારની હોય. ખરી રીતે કોઈને ય ઈચ્છા નથી. જે જે આત્મા તરીકે છે, એ કોઈને ય ઈચ્છા નથી. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. આ તો આત્માને ઈચ્છાવાન ઠરાવી દીધો છે. અત્યારે આત્મા ઈચ્છાવાન હોય ને, તો તો પછી એ ભિખારી જ છે. આત્મા ઈચ્છા કરે જ નહીં. આત્મા તો પરમાત્મા છે. એને ઈચ્છા હોય ? આત્મા પોતે વીતરાગ જ છે, પહેલેથી. આ તો ભ્રાંતિથી ઈચ્છા ઊભી થઈ છે. અહંકારમાં ઈચ્છા ઊભી થઈ છે. જ્યારે અહંકાર નહીં હોય, ત્યારે ઈચ્છા ય નહીં હોય, આ તો અહંકારની ઈચ્છા છે. આત્માની ઈચ્છા હોતી હશે ? તો તો પછી આ વાઘરી ને એમાં ફેર રહ્યો નહીં. આત્મા પોતે પરમાત્મા છે અને એને કોઈ ચીજની જરૂર નથી. પહેલેથી જ નહોતી, અત્યારે ય નથી ને ભવિષ્યમાં ય પણ હશે નહીં. આ તો પોતે અંતરાયો છે. જો અહંકાર જતો રહે, એનો વિલય થઈ જાય તો કશું જ નથી. મોક્ષ જ છે. ઈચ્છા જ નથી પછી તો.

આત્માને જો ઈચ્છા હોય તો, એ આત્મા જ કેમ કહેવાય ? આત્માને જો ઈચ્છાવાન કહે, તો એ દ્રવ્યને જાણ્યું જ નથી તમે ! પિત્તળને અને સોનાને ઓળખતાં જ નથી તમે. પિત્તળને સોનું કહો છો ! સોનું તો એનાં પોતાનાં ગુણધર્મમાં જ છે, પરમાત્મ સ્વરૂપમાં જ છે ! અત્યારે પણ પરમાત્મા સ્વરૂપમાં બેઠેલું છે. એ પરમાત્મસ્વરૂપ એનું કોઈ દહાડો ય ચૂક્યા નથી. ભલેને એ જે જંજાળમાં આવ્યા છે. પણ જંજાળમાં ય એ પોતે ચૂક્યા નથી, એમાં એમનું જ્ઞાન અંતરાયું છે. તેનાથી એમને કંઈ નુકસાન નથી. જેને આ અહંકાર છે તેને નુકસાન છે. એમને શું નુકસાન ? એમને તો મહીં પરમાનંદ છે. પોતે અનંત સુખનું ધામ છે. રાત્રે ઊંઘી જાય તો ગાંડાને પણ સુખ આવે. જો સારો ઘસઘસાટ ઊંઘી જાય ને તો ય એનામાં થોડોક એનો (આત્માનો) અણસારો માલૂમ પડે કે સુખ અંદર છે. કારણ કે કોઈ વિષય રાત્રે આવ્યા નથી, કોઈ વિષય રાત્રે ઊંઘમાં ભોગવ્યા નથી. એમ ને એમ ઘસઘસાટ ઊંઘી ગયો. તો શાથી સુખ આવ્યું ? તે આ મશીનરી બધી બંધ થઈ ગઈ, અહંકાર બંધ થઈ ગયો. અહંકારરૂપી મશીનરી બંધ થતાંની સાથે સુખ ઉત્પન્ન થાય. એટલે પછી એને થયા કરે કે 'બહુ સરસ ઊંઘ આવી હતી. બહુ સરસ ઊંઘ આવી હતી.'

ઈચ્છા : કલ્પના !

પ્રશ્નકર્તા : ઈચ્છા અને કલ્પના, એ બેઉમાં શો ફેર ?

દાદાશ્રી : બહુ ફેર. આથમતી ઈચ્છા તો આપણા મહાત્મા બધાંને થાય. કલ્પના કોઈને ના થાય એટલો બધો ફેર. આથમતી ઈચ્છા મને ય થાય. કલ્પના કોને કહેવાય ? કે 'હું ચંદુલાલ છું' એ કલ્પના, એ જ વિકલ્પ. સંકલ્પ-વિકલ્પને કલ્પના કહેવામાં આવે છે. અજ્ઞાની માણસને કલ્પના ને ઈચ્છાનું કશું ઠેકાણું નથી. બધું સરખું જ ગણાય. આપણને તો કલ્પના માત્ર જ ગઈ છે. સંકલ્પ-વિકલ્પ ગયા છે. નિર્વિકલ્પ દશા છે. 'હું શુધ્ધાત્મા છું' એ નિર્વિકલ્પ છે.

ઈચ્છા : ચિંતવન !

ઈચ્છા અને ચિંતવનનો ભેદ શું ?

ચિંતવન એ આગળનો હિસાબ ચીતરે છે અને ઈચ્છા 'પાછલો હિસાબ શું શું છે ?' તે દેખાડી આપે છે. ઈચ્છા અને અનિચ્છા, બેઉ પેટીનો માલ છે તે દેખાડે છે. ક્રમ આવે ત્યારે ઈચ્છા પૂરી થાય અને અક્રમ આવે ત્યારે અનિચ્છા આગળ ને આગળ આવે. દા.ત. અંધારામાં નંબર નાખ્યા હોય ને અંધારામાં જ ઉપાડે. ત્યારે જ્યારે ક્રમ હોય ત્યારે એક પછી બે, બે પછી ત્રણ એમ લીંકવાર આંકડા હાથમાં આવે. અને અક્રમ આવે તો સાત પછી સત્તાવન આવીને ઊભો રહે, લીંક મળે નહીં.

રત્નાગિરિમાં એક માણસ મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો કે, 'દાદા, હું જ્યાં હાથ ઘાલું છું, ત્યાં સોનું નીકળે છે.' મેં તેને કહ્યું કે, 'ભઈ, અત્યારે તારી લીંક ચાલે છે તેથી. પણ થોડા વખત પછી તારી લીંક તૂટશે ત્યારે મને યાદ કરજે.' તે બન્યું પણ એવું જ. એને ધંધામાં એટલો મોટો ધક્કો વાગ્યો કે બેઉ ધણી-ધણીયાણીએ ઝેર ઘોળીને પીધું. એ તો સંજોગવશાત્ બેઉ બચી ગયાં. ત્યારે એમને મારી વાત યાદ આવી. આ તો ક્રમ અને અક્રમ આવે ને જાય, એનું નામ જ સંસાર.

એટલે ઈચ્છા એ તો પાછલો હિસાબ છે. જ્યારે ચિંતવનમાં યોજનાઓ ઘડે. તન્મયાકાર થઈ કૉઝમાં નાખે. ઈચ્છા એ ઈફેક્ટ છે. જ્યારે ચિંતવન એ કૉઝીઝમાં છે, ચાર્જિંગ પોઈન્ટ છે. શાસ્ત્રકારો શું કહે છે કે ઈચ્છા આવે છે, કરવાની જરૂર નથી.

વિચાર : ઈચ્છા

પ્રશ્નકર્તા : અંદરથી વિચાર આવવો અને ઈચ્છા થવી, એ બેમાં શું ફેર ?

દાદાશ્રી : આપણે મંજૂરી કરીએ તેને, એ વિચાર આવે તેને આપણે મંજૂર કરીએ, એટલે ઈચ્છા થઈ ગઈ. મંજૂર ના કરીએ તો કશું ય નહીં. મહીં વિચાર આવ્યો કે આ ફરવા જઈએ. આપણે મંજૂર કરીએ ને જો ના થાય, કો'ક વાંધો ઉઠાવે તે ઘડીએ મહીં ઉકળાટ થાય. એટલે વિચારને મંજૂર જ ના કરીએ ને, તો જવાય તો તો કશું ય નહીં !

ઈચ્છા : ભાવ

પ્રશ્નકર્તા : ઈચ્છા અને ભાવ, એ બેમાં ફેર સમજાવો.

દાદાશ્રી : કોઈ પૂછે કે 'તમે ચંદુભાઈ છો કે શુધ્ધાત્મા છો ? ખરેખર કોણ છો ?' ત્યારે તમે શું કહો ?

પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું.'

દાદાશ્રી : તો તમને ભાવ છે જ નહીં. તમને ભાવ થતો જ નથી. પછી જે ભાવ થયો એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે.

આપણું આ જ્ઞાન આપ્યા પછી ભાવ હોય જ નહીં. આપણને ભાવ જ ના હોય. જે ભાવ બોલીએ છીએ તે જાડી ઈચ્છાને ભાવ કહીએ છીએ ને પાતળી ઈચ્છાને ઈચ્છા કહીએ છીએ.

પ્રશ્નકર્તા : જાડી કઈ ને પાતળી કઈ ?

દાદાશ્રી : બહુ ભાવતી હોય એ જાડી અને બે દહાડા ઠેલીએ એ પાતળી ઈચ્છા, 'મને જલેબી ભાવે છે' એ ખરેખર ભાવ નથી. એ ભાષા છે. મને જલેબીની ઈચ્છા છે, એ પણ ભાષા છે.

પ્રશ્નકર્તા : પણ એ બન્ને ઈચ્છા છે.

દાદાશ્રી : બન્ને ઈચ્છા જ છે. આ ભાવ છે એ આથમતો સૂર્ય છે. સમજ પડીને ? અને ભાવકર્મ એ જુદી વસ્તુ છે. ભાવ અને ભાવકર્મ એ જુદી વસ્તુ છે. તમે એ ભાવ સાથે માપવા જાવ છો ને ?

ભાવ તો તમને અહીં થયેલા જ નથી હોતાં. અને જે ભાવ થાય છે તે માણસને ખબરે ય નથી પડતી કે ક્યારે ભાવ થઈ જાય છે. તે ઈચ્છાઓ તો, આખો દહાડો ઈચ્છાઓ જ બને બધી. બધું ડિસ્ચાર્જ જ છે ! આપણે ત્યાં ભાવ શબ્દ ઈચ્છામાં પેસી ગયો છે. હવે ભાવકર્મ તો જુદી વસ્તુ છે. ત્યાં આત્માનો સ્વભાવ છે. એ ભાવ કંઈ પુદ્ગલનો સ્વભાવ જ નથી. પણ આપણે ત્યાં પેલી બોલવાની ભાષા એવી કે 'આ મને ભાવે છે.' એટલે લોકો સમજે કે આ જ ભાવકર્મ છે. 'મને જલેબી ભાવે છે' એમ કહ્યું, એટલે પેલો ભાવકર્મ કહે. ખરેખર એવું નથી. ભાવકર્મ એટલે શું ? કે 'આ હું કરું છું', એનું નામ ભાવકર્મ. પોતે કરતો નથી, છતાં 'હું કરું છું' એમ કહે, એનું નામ ભાવકર્મ. બધાય લોકો બોલે છે કે 'હું કરું છું,' એ બધા ભાવકર્મ. નર્યું કર્મ જ બંધાય. એમને ખબર નહીં ને, બિચારાંને. 'જ્ઞાની પુરુષ' પાસે ફોડ પાડી લે તો કામ થાય.

ઈચ્છાને ઊગતાં જ ઉખેડવી !

ઈચ્છા એટલે પ્રગટ અગ્નિ ! એને કોઈ મૂરખે ય સંબંધ ના કરે. બાકી આ દાદા પાસે સાંભળ,ે એ કોઈ દહાડો સંબંધ કરે નહીં. આપણા મહાત્માઓને ઈચ્છા તો હોય જ નહીં ને ! આપણે તો આત્માના ગ્રાહક છીએ. આ તો બધું એની મેળે આવ્યા જ કરે. ઈચ્છા જ ના કરવી પડે. ઈચ્છા કરવા જેવો હોય તો એકલો આત્મા. બાકી આમાં શું ઈચ્છા, એંઠવાડો બધો. આખી દુનિયાનો એંઠવાડો બધો !

ઈચ્છા તો થતાં પહેલાં જ એનાં મૂળ સાથે કાઢી નાખવી. ઈચ્છા કોઈ પણ જાતની આવે તેને કાઢી નાખવી, ફેંકી દેવી. ઈચ્છા તો મૂળથી જ દાબી દેવી. ઊગતા પહેલાં જ કાપી નાખવો ફણગો. અને વિષયની ઈચ્છા તો ઊગતા પહેલાં જ કાઢી નાખવી. નહીં તો એકદમ આવડી થઈ ગઈ, એટલે પછી આપણને એ પકડે, એ આવડી ઊગતાંની સાથે જ. એમાં એટલું બધું આકર્ષણ હોય, તે ત્રણ પાંદડા થાય તો આપણને જ પકડે. એટલે એને બહાર નીકળતાં પહેલાં જ ઉખેડી નાખવો.

પ્રશ્નકર્તા : અમે ભાવના કરીએ છીએ હમણાં કે 'બ્રહ્મચર્ય હો' અને અમારો પહેલાંનો માલ બધો છે અબ્રહ્મચર્યનો. તો એ પછી આ ભાવનાથી પરિણામ કેવી રીતે પામે ?

દાદાશ્રી : માલ પડેલો છે, પણ તમારી ઈચ્છા જ ના હોય તો પછી માલ સડી જાય. તમારી ઈચ્છા છે તો માલ પૂરો થાય. તમારી ઈચ્છા, તમારો શું નિશ્ચય છે, એની પર આધાર છે. તમે લોકો શું કરો છો ? એવું જ કરો છો ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને બીજી ઈચ્છાઓ તો, આ દુનિયાની સંસારી ચીજની ઈચ્છા થવી જ નહીં જોઈએ અને થાય તો તરત કાઢી નાખવી.

એનું પ્રતિક્રમણ કરવું !

પ્રશ્નકર્તા : એક બાજુ આ નિશ્ચય છે કે સંસારની એક પણ ચીજ ભોગવવી નથી. પણ જ્યારે અમુક આવી રીતે ઈચ્છા નીકળે, તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે.

દાદાશ્રી : હા, તો તો પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે 'નથી ઈચ્છા, છતાં આ ગુનો કર્યો. તે બદલ ક્ષમા માગું છું. ફરીથી નહીં કરું એવી શક્તિ આપો.'

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ થઈ જાય છે, પણ આમ તો બધી બહુ ઈચ્છાઓ ને બહુ ભાવ રહેલાં છે. હજી ભોગવવું છે ને આમતેમ બધી ઈચ્છાઓ આમ દેખાયા કરે.

દાદાશ્રી : ઈચ્છા માત્ર ઈફેક્ટ છે.

પ્રશ્નકર્તા : તો પછી એ પૂરું થવા માટે પણ કંઈ અમુક ટાઈમ જોઈશે ને ? બે-પાંચ ભવ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરો છો ને ? એટલે યુ આર નોટ રીસ્પોન્સિબલ. આ બધી ઈફેક્ટ છે.

પ્રશ્નકર્તા : પણ જે ઈચ્છા થઈ ગઈ છે, જે કરેલી છે, એનું શું કરવું ? પ્રતિક્રમણ કરવા ?

દાદાશ્રી : વાત સાચી છે. પ્રતિક્રમણ કરવાનાં, પછી પ્રત્યાખ્યાન કરવાં.

પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં જે ઈચ્છાઓ કરી, તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : એ તો અજ્ઞાન ભાવે જે જે દોષ કર્યા હોય, તે બધાની ક્ષમા માગું છું. અજ્ઞાન ભાવે જે જે પ્રકારે દોષ કર્યા હોય, કષાય ભાવ, વિષય ભાવ, જે જે દોષ કર્યા હોય તેનું પ્રતિક્રમણ કરે તો થઈ ગયું. એ અજ્ઞાન ભાવ હતો. અને હવે આ જ્ઞાન પછીના જ્ઞાન ભાવ કહેવાય.

અને પ્રત્યાખ્યાન લેવાં !

કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં કરવાની. નિરીચ્છક રહેવાનું કે 'મારે કશું જોઈએ જ નહીં. દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી !' સવારે ઊઠતાંની સાથે પાંચ વખત સાચા દિલથી બોલવું કે 'આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.' આટલું બોલીને ચાલવું, તેમ છતાં મહીં ઈચ્છા થાય તો આ રીતે માઈનસ કરી નાખવું. પછી જોખમદારી ન રહે.

ઈચ્છાદોષ, સ્મૃતિદોષ !

ઈચ્છા થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયાં ને સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યા તેથી. યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું. ઈચ્છા થાય, તેનું પ્રત્યાખ્યાન કરવું. તો બધું રાગે પડી ગયું. સમજણ પડી ગઈ ને ? આ બધું સાયન્સ સમજાઈ ગયું ને ? તમને તો હવે ફોડ પડે છે ને ? બધે ગૂંચાય નહીં ને જરા ય ગૂંચાય નહીં ને !

પ્રશ્નકર્તા : બરાબર સમજાય છે.

ઉપયોગમાં રહેવાય ક્યારે ?

દાદાશ્રી : પોતાના ઉપયોગમાં ક્યારે રહેવાય ? જ્યારે બધી ઈચ્છાઓ મંદ થઈ જાય ત્યારે. જ્યારે ત્યારે તો મંદ કરવી પડશે ને ? કિંચિત્ માત્ર ઈચ્છા એ ભીખ છે. હવે કોઈ જાતની ઈચ્છા થાય નહીં ને ?

પ્રશ્નકર્તા : 'ઈચ્છા થાય છે, તો કોને થાય છે ?' એ જોયા કરવાનું.

દાદાશ્રી : હા, એ તો બહુ ઊંચામાં ઊંચું છે. કોને ઈચ્છા થાય છે ! તે અમારી ચાવીઓ હોય એનાથી નિરંતર આનંદમાં રહેવાય. સળગવા જ ના દે ને ! ઊભું જ ના થવા દે ને ! આપણે કહીએ 'કેમ ઈચ્છા કરી ? દાદાની આજ્ઞા છે, ઈચ્છા નહીં કરવાની.'

પ્રશ્નકર્તા : સમજાઈ ગયું, આજે.

દાદાશ્રી : નહીં તો ઈચ્છા ક્યાં સુધી સળગ્યા કરે ? આપણી ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી.

પ્રશ્નકર્તા : અને વ્યવસ્થિતમાં જો ભેગું થવાનું ના હોય તો ?

દાદાશ્રી : તો અમથો નકામો બળતરા કર્યા કરે.

પ્રશ્નકર્તા : તો બળતરા કાયમની રહી જાય.

દાદાશ્રી : તેનું જ દુઃખ છે ને આ જગતમાં, જગતને આ સમજણ નહીં હોવાથી જ આ ભૂલ્યું છે ને !

શાંતિ થાય, પ્રગતિ નહિ !

કેટલાંક તો ઈચ્છાઓને લય કરે છે. અહીંથી અમદાવાદ જવું હોય, હેંડતા હેંડતા ચાલ્યા, નડિયાદ આવે ત્યારે ઈચ્છાઓનો લય થઈ જાય, તો શું થાય ? જવું છે અમદાવાદ ને ઈચ્છાઓનો લય થઈ જાય, તો શું થાય ?

પ્રશ્નકર્તા : ત્યાં સ્થિર થઈ જાય.

દાદાશ્રી : હા. એવું આ બધું. તે આપણે અહીં કેટલાય એવા બાવાઓ છે કે ઈચ્છાઓને લય થઈ જાય. તે ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય. આપણે ત્યાં ઘણાં એવાં યોગસાધનાવાળા હોય છે કે ઈચ્છાને માર માર કરે છે. એ ઈચ્છા પછી દબાઈ જાય. જેમ ભૂખ મરી જાય છે ને એવું. પણ તેથી કરીને નડિયાદ રહ્યા, પછી શું થયું ? તાત્કાલિક શાંતિ માટે ઉપાય સારો છે. પણ તેથી કરીને પ્રગતિ ના મંડાયને ! 'હું કોણ છું' એવું એમને ખબર ના પડે. 'ભગવાન શું છે ?' એક્ઝેક્ટલી ના સમજાય. એટલે પ્રશ્નો બધા મૂંઝવણ તરીકે રહ્યા. બીજા કોઈને ય લાભ આપી શકાય નહીં. એમને અંતર શાંતિ સારી રહે. અશાંતિ નથી હોતી, એમને પણ પ્રગતિ ના થાય ને, પ્રગતિ અટકી પડે ને !

નિરીચ્છક પદ, જ્ઞાની બનાવે !

જગતમાં નિરીચ્છક પુરુષ હોય તો, તે એક 'જ્ઞાની પુરુષ' જ હોય. નિરીચ્છક એટલે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય, આખા જગતનું સોનું આપે તો એમને તે કામનું ના હોય, વિષયોનો જેને વિચાર જ ના આવે, માન-અપમાનની જેને કંઈ જ પડી ના હોય, કીર્તિના, શિષ્યોના, દેરા બાંધવાના ભિખારી ના હોય, આ દેહનાં ય ભિખારી ના હોય, દેહનું સ્વામિત્વપણું છૂટી ગયું હોય. આવા જ્ઞાની પુરુષ આપણને નિરીચ્છક બનાવે.

જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટે, તેને જ્ઞાનીનું પદ મળે. જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ સૂત્રો હાથ આપવામાં આવે છે. પણ ભીખ જાય તો ને ? નિરીચ્છક એ જ્ઞાની કહેવાય. અમે નિરીચ્છક થયા છીએ, ત્યારે જ આ જ્ઞાની પદ પ્રાપ્ત થયું છે. અમે 'જ્ઞાની પુરુષ' નિરીચ્છક હોઈએ. અમને કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય. ત્રીસ વર્ષથી ઈચ્છા નથી કોઈ જાતની. નિરીચ્છક કહીએ છીએને, અમારી જાતને અમે !

તો છૂટે સર્વ ઈચ્છા !

અનૈચ્છિક દશા એ જ મોક્ષ ! દશા પરિપક્વ થયે સ્વદશા પ્રાપ્ત થાય. મોક્ષમાં તો કોઈકને જ જવાની ઈચ્છા થાય. કોઈને માર્ગ મળી આવે. બધાને માર્ગ મળે નહીં ને ! માર્ગ મળે તો ચિંતા બંધ થઈ જાય. મોક્ષની ઈચ્છા જોઈએ. બીજી ઈચ્છા ના રહેવી જોઈએ. મોક્ષની ઈચ્છા કરવાથી બીજી બધી ઈચ્છાઓ છૂટી જાય છે.

પ્રશ્નકર્તા : મોક્ષની ઈચ્છા કરવી, એ પણ એક ઈચ્છા છે.

દાદાશ્રી : આ તો મોક્ષની ઈચ્છા થવી, એ ઈચ્છા ઈચ્છા જ નથી. એ તો ખાલી આ લોકો શબ્દ બોલે છે. આ તો 'મોક્ષની ઈચ્છા છે' એવો શબ્દ બોલે છે એટલું જ. નહીં તો ઈચ્છા એનું નામ કહેવાય કે અગ્નિની પેઠે ચાલુ થઈ જાય, સળગી જાય, સળગવા માંડે. ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે.

મોક્ષની ઈચ્છા તો જરૂરની !

પ્રશ્નકર્તા : એક સંત પુરુષ એવું કહે કે હું મોક્ષની પણ ઈચ્છા કરતો નથી.

દાદાશ્રી : એ ના કરે, એમને કંઈ બીજું આવડતું હોય તો. પણ બીજાં લોકોએ તો મોક્ષની ઈચ્છા કરવી. એમનું આપણે ઝાલવાની જરૂર નહીં. કો'કનું આપણે ઝાલીએ નહીં. કોઈ પણ માણસનું ઝાલીએ નહીં. એ કયા સ્ટેશને ઊતર્યો હોય, કયે સ્ટેશને જતો હોય. એ ક્યાં જતો હોય, એની ટિકિટ ને આપણી ટિકિટને મેળ શી રીતે પડે ? એટલે મોક્ષની ઈચ્છા આપણે કરવી. ભૂખ લાગે ત્યારે ખાવાની ઈચ્છા નથી થતી ? તો મોક્ષની ઈચ્છા તો, જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી રહી, તે ના કરે તો ચાલે. આપણી કોઈ ઈચ્છા તો રહી નથી ને ? આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય કે ના થાય ? એ બધા આપવા ફરે તો ? હા, તો મોક્ષની ઈચ્છા કરવામાં શું જાય ? ઈચ્છા વગર મોક્ષ થાય નહીં. તમે કોઈ પણ ગામ જાવને, તો ઈચ્છા કરો તો જ થાય. એટલે આ બધી વાતો ખોટી છે, આ બધી વાતો ઠોકાઠોક કરી છે. ઈચ્છાની બીગિનિંગ સિવાય કોઈ કાર્ય થાય નહીં.

એની મેળે આવે !

પ્રશ્નકર્તા : અને મોક્ષ આવે એ પહેલાં મોક્ષ વર્તે. પછી બાકી રહેતું નથી. પછી મોક્ષ તો એની મેળે આવે.

દાદાશ્રી : હા. એની મેળે જ આવે. જો આ ગાડીમાં બેઠાં ને, એને વડોદરા એની મેળે જ આવે. ઈચ્છા કરવાની જરૂર નથી, એને સામું આવે. પણ જ્યાં સુધી ગાડીમાં નથી બેઠો, ત્યાં સુધી તો ઈચ્છા કરવી પડે. બસ, એટલું જ.

પ્રશ્નકર્તા : એટલે મહાવીર સ્વામીને મોક્ષ વર્તતો હતો ?

દાદાશ્રી : હા, વર્તતો હતો.

પ્રશ્નકર્તા : અને પછી ઓટોમેટિક મોક્ષ આવ્યો.

દાદાશ્રી : મોક્ષ સ્વરૂપ જ હતા અને પછી ઓટોમેટિક આવે જ. સામે જ આવે એ. મોક્ષ સામે જ આવી રહ્યો છે. તમે નથી જઈ રહ્યા. આ બંધને ય સામે આવે છે, તમે બંધાવ એવાં છો નહીં. પણ સામે આવીને બંધાઈ જાય છે.

સચોટ ઈચ્છા મોક્ષની !

મોક્ષની ઈચ્છા છે કે બીજે ગામે જવું છે ? ઈચ્છા કઈ બાજુની રહે છે ?

પ્રશ્નકર્તા : મુક્તિ સિવાય બીજું કંઈ ના જોઈએ.

દાદાશ્રી : મોક્ષની ઈચ્છા હોય અને જોડે જોડે બીજી ઈચ્છા દેખાયા કરતી હોય ને, તો આપણને ખબર પડે કે હજી આ કોઈ એક ઈચ્છા મહીં ભરાઈ રહેલી છે. કો'ક દહાડો આપણને દેખા દે. જેમ આપણા ઘરમાં બે માણસ હોય ને, તો રોજ એકનો એક દેખાય. પણ કો'ક દહાડો બીજો દેખાય, તો આપણે જાણવું કે કો'ક છે મહીં. એવું ખબર ના પડે ? એટલે બીજું કંઈ એવું મહીં દેખાય છે ?

પ્રશ્નકર્તા : દેખાય કો'ક વાર.

દાદાશ્રી : એકાદ છે કે બે જણ છે ?

પ્રશ્નકર્તા : ખબર નથી.

દાદાશ્રી : એ તો તપાસ કરવી પડે. એવું છે ને કે મોક્ષની એકલી ઈચ્છા હોયને, તો એને કોઈ રોકનાર જ નથી. જેને સચોટ એકલી મોક્ષની જ ઈચ્છા છે, એને કોઈ રોકનાર નથી. જ્ઞાની એને ઘેર જશે. એ કહેશે કે, 'મારે જ્ઞાનીને શું કરવા છે ? મારે એમને મળવા તો જવું પડશે ને ?' 'ના, તારી ઈચ્છા જ તારા માટે જ્ઞાનીને લઈ આવશે. જ્ઞાની સાધન છે.' 'મોક્ષ સિવાય કંઈ જ જોઈતું નથી' એવી જેને સચોટ ઈચ્છા છે, એની પાસે હરેક ચીજ આવે. પણ બીજી ગુફતેગો છે, મહીં પોલ છે, એનું કશું વળે નહીં. એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે. એને પોલપત્રિકા કહેવાય છે.

વીતરાગો કહે છે કે જે અમારાં જેવો સચોટ છે, જેને કંઈ જ કામના નથી, એને અહીં દુનિયામાં કોઈ નામ દેનારો નથી ને નામ દેશે તો પુદ્ગલનું લેશે. પણ આત્માને કોણ અડી શકે ? આ લોકો તો પુદ્ગલના વેપારી છે. તે પુદ્ગલના વેપાર ભલે કરે. પૌદ્ગલિક વેપાર છે ને ! કો'કનું પુદ્ગલ લઈ લે બહુ ત્યારે. પણ અહીં માલિકી નહોતું એનું લઈ લે છે ને ! જેને મોક્ષની ઈચ્છા હોય, તેને પુદ્ગલની માલિકી ના હોય. પુદ્ગલની માલિકી હોય તેને મોક્ષની ઈચ્છા ના હોય.

તો આત્મા જુદો પડી જાય !

પ્રશ્નકર્તા : આત્મા ને અનાત્મા, બે છૂટા કેવી રીતે પાડવા ?

દાદાશ્રી : ભૌતિક સુખની ઈચ્છાઓ પૂરી થઈ જાય, તો આત્મા જુદો જ પડી જાય, ભૌતિક સુખની ઈચ્છાઓ તૂટી જાય તો. પણ તે તૂટે એવી નથી. ભૌતિક સુખમાં કંઈક ઈચ્છા રહેલી છે, ત્યાં સુધી એની શક્તિ હોવા છતાં ય એ શક્તિ આવરાયેલી રહે છે. શક્તિ તો તમારી પાસે બધી ય પડી રહેલી છે. મનુષ્ય છે એટલે શક્તિ ઓપન છે, પણ આવરાયેલી છે. કંઈની કંઈ ઈચ્છા રહેલી છે.

એનાં દર્શનથી પાપ ધોવાય !

ભૌતિક સુખની ઈચ્છાઓમાં જ લોકો બધા છે. એ આવરણ ના હોત ને, એ ઈચ્છા ખલાસ થઈ ગઈ કે થઈ રહ્યું, દર્શન કરવા યોગ્ય થઈ ગયો. એનાં દર્શન કરવાથી જ પાપ નાશ થાય. જેની દ્રષ્ટિમાં કોઈ ઈચ્છા રહી નથી, એ દ્રષ્ટિ જુદી હોય. એ દ્રષ્ટિથી ઘણાં પાપ નાશ થઈ જાય. ભૌતિક સુખની ઈચ્છા જેને નાશ થઈ ગઈ, એની દ્રષ્ટિમાં વિકાર જ નથી. એક જાતનો આંખમાં જ વિકાર નથી એવો. વિકારી આંખ લોકો બધા ઓળખી જાય. એ દર્શનથી જ ઘણાં પાપ ધોવાય. જો સાચી રીતે દર્શન કરતા આવડે તો, કારણ કે જેની દ્રષ્ટિમાં સંપૂર્ણ વીતરાગતા હોય.

- જય સચ્ચિદાનંદ