આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ !

નહીં બંધન, જયાં આજ્ઞા !

પ્રશ્નકર્તા : જીવ પોતાની કલ્પનાએ જે કાંઈ સાધન કરે છે તે સ્વછંદ જ છે ને ?

દાદાશ્રી : હા. અને એ બધું બંધન છે.

પ્રશ્નકર્તા : અને આજ્ઞાથી કરે તો ?

દાદાશ્રી : આજ્ઞાથી કરે તો બંધન આપણને નહીં. આજ્ઞા કરનારને બંધન. આજ્ઞા જો ખોટી હોય તો એ કરનારને બંધન અને આજ્ઞા સાચી હોય તો એ કરનારને ય બંધન નહીં અને આપણને ય બંધન નહીં હોય. કારણ કે જ્ઞાની પુરૂષ મળ્યા ના હોય પણ કોઈ ગુરૂ મળે ને એ કાચા હોય અને ખોટી આજ્ઞા આપે. પણ તમે એવી આજ્ઞા પાળો તો ય તમને વાંધો નહીં આવે.

તીર્થંકર ને જ્ઞાની, એક આશયી !

પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહેવાનું કહ્યું, પણ એ આજ્ઞા તો જ્ઞાનીની જ આજ્ઞા ને ?

દાદાશ્રી : બસ, જ્ઞાનીની જ આજ્ઞા. અને એ જ આજ્ઞામાં રહેવાનું. જ્ઞાનીની આજ્ઞામાં તીર્થંકરની આજ્ઞા આવી જાય. કારણ કે તીર્થંકરોથી જુદી જ આજ્ઞા જો આ જ્ઞાની પુરૂષ આપતા હોય તો એ જ્ઞાની પુરૂષ જ ન્હોય. શબ્દમાં ફેર હોય. પણ આશયમાં ફેર ના હોય. કારણ કે એક જ ગામ જવાનું છે. જે જવાનું છે તે એક જ ગામ જવાનું છે. અને જ્ઞાની તો એમના ડેપ્યુટી કહેવાય. એટલે સરખું જ હોય. અને જ્ઞાન પણ તેનું તે જ છે, પ્રકાશ તેનો તે જ છે અને લોકોને માફક આવે, અનુકૂળ આવે એવી ભાષામાં ઉત્પન્ન થયું છે.

સ્વ-સમજણ !

એક અવતાર જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલ ને ! પોતાની સમજણે તો કોટયાવધિ જોજન ચાલ્યો છે. પોતાની સમજણે ચાલવાથી તો આ અનંત અવતારથી ભટકયો છે. હવે જ્ઞાની દેખાડે એ રસ્તે ચાલો, કારણ કે જ્ઞાની તો મોક્ષમાર્ગના ભોમિયા છે. જ્ઞાની હોય તો પોતાનું ડહાપણ છોડી દેવું કે હવે જ્ઞાની મળ્યા. મેલો ને, આપણે પૂળો મૂકો હવે. આપણા ડહાપણ ઉપર માર મીંડુ ને કર ચોકડી. એક ચોકડી મારીને મીંડુ કર ઉપર. એટલે કલ્પનાથી તો બહુ દહાડા ચાલ્યો છે. પણ જ્ઞાની પુરૂષના કહ્યા પ્રમાણે ચાલ્યો નથી. એક અવતાર જ જો જ્ઞાની પુરૂષના કહ્યા પ્રમાણે ચાલે તો મોક્ષ કંઈ દૂર નથી.

ઉઠાવી લ્યો, આજ્ઞા જ્ઞાનીની !

મનુષ્યે માની, બાપની, ગુરુની, બધાની આજ્ઞા ઉઠાવી છે. પણ ભગવાનની આજ્ઞા ઉઠાવી નથી. જો ભગવાનની આજ્ઞા ઉઠાવી હોત તો કામ જ થઈ જાત. અરે શેઠની ય આજ્ઞા પાળે ને બૈરીની હઉ પાળે.

આજ્ઞા, ત્યાં ન સ્વછંદ !

પ્રશ્નકર્તા : એમ કહેવામાં આવેલું છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ વીતરાગ સમાયેલો છે.

દાદાશ્રી : એ આજ્ઞા સિવાય બીજો રસ્તો જ નથી ને ! જ્ઞાનીની આજ્ઞા જે પાળતો નથી તે મોક્ષે જવાને લાયક નથી. જયારે લાયક થશે ત્યારે એ આજ્ઞા પાળી હશે. કારણ કે નહીં તો સ્વછંદ ઊભા થાય. જો આજ્ઞા ના પાળતો હોય તો પોતાનો છંદ ઊભો થાય. તેથી જ્ઞાનીપુરૂષે આજ્ઞા આપવાની ને ! નહીં તો લોક પોતાનું ડહાપણ કરીને બગાડી નાખે. કઢીને બદલે કઢો બનાવી દે.

અક્રમ માર્ગની ખૂબી !

આ પાંચ વાક્યો આજ્ઞારૂપે આપીએ છીએ.

અમારી આજ્ઞા ઉપદેશ રૂપે નથી, દેશના રૂપે છે.

આ તો છે ભગવાનની આજ્ઞા !

મારી એ આજ્ઞા નથી એય ભગવાનની આજ્ઞા છે. હું ય એ ભગવાનની આજ્ઞામાં રહું છું ને !

દાદાની આજ્ઞા પાળવી એટલે એ. એમ. પટેલની આજ્ઞા નથી. ખુદ દાદા ભગવાનની, જે ચૌદલોકનો નાથ છે, એમની આજ્ઞા છે. એની ગેરેન્ટી આપું છું. આ તો મારી મારફત બધી વાત નીકળે છે આ. એટલે તમારે એ આજ્ઞા પાળવાની.

આ છે આજ્ઞા તીર્થંકરોની જ !

જ્ઞાનીપુરુષની આજ્ઞા એ જ મહાવીર ભગવાનની આજ્ઞા છે.

અમારી પાંચ આજ્ઞામાં રહે તો ચોવીસે ય તીર્થંકરોની આજ્ઞા પાળ્યા બરાબર છે.

દાદાની આજ્ઞા પાળીએ તે મહાવિદેહ ક્ષેત્રે વિચરતા તીર્થંકર ભગવાનની આજ્ઞા બરાબર છે.

આ અમારી આજ્ઞા એ તીર્થંકર ભગવાનની આજ્ઞા હોય, સીમંધર સ્વામીની આજ્ઞા હોય એમ માની લેજે.

ક્રમિકમાર્ગમાં તીર્થંકરોની આજ્ઞા પાળવાની હતી, જે અક્રમ માર્ગમાં જ્ઞાનીની આજ્ઞા પાળવાની.

ને એ જ પુરુષાર્થ ને પરાક્રમ !

હવે તમને આત્મા પ્રાપ્ત થયો એટલે તમારે ઉપયોગમાં રહેવાનું. હવે તમે પુરૂષ થયા ને તમારી પ્રકૃતિ જુદી પડી ગઈ. પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નથી, એ છોડવાની નથી. અને તમારે પુરૂષે પુરુષાર્થમાં રહેવાનું, એટલે કે પુરુષે પુરુષાર્થ કરવાનો. જ્ઞાની પુરુષે આજ્ઞા આપી હોય તેમાં રહેવાનું, ઉપયોગમાં રહેવાનું.

પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહ્યા એ જ પુરૂષાર્થ ?

દાદાશ્રી : હા, એ જ પુરૂષાર્થ. અને પરાક્રમે ય એ જ કહેવાય.

મહીં ઠંડક છે, જ્ઞાન આપ્યું છે, તે જ કામ કર્યા કરે છે. પોતે જો પુરુષાર્થ પરાક્રમ કરે તો એના હાથમાં છે. પાંચ વાકયો આપેલાં છે ને, એ વાપરે તો કામ કાઢી નાખે.

અમારી આજ્ઞામાં રહો એ જ પુરુષાર્થ. અગર જે ફળ આવે તેમાં સહજ ભાવે રહે, વગર આજ્ઞાએ, એ તો મોટો પુરુષાર્થ. પહેલું આજ્ઞારૂપી પુરુષાર્થ ઉત્પન્ન થાય પછી સ્વાભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય.

આજ્ઞા પુગાડે એ પદને !

આ પાંચ આજ્ઞા પાળવી એનું નામ પુરુષાર્થ. પાંચ આજ્ઞાના પરિણામરૂપે શું રહેવાય છે ? જ્ઞાતાદ્રષ્ટા. પાંચ આજ્ઞા જ્ઞાતાદ્રષ્ટા રહેવાનું જ શિખવાડે છે ને !

પહેલા આજ્ઞામાં ઉપયોગ રહે, પછી આત્મામાં રહે.

આજ્ઞાપાલનથી સ્વભાવજાગૃતિ !

જેટલી આજ્ઞા પાળો એટલી મહીં જાગૃતિ મોટી થતી (વધતી) જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય.

આજ્ઞા એ તમને સંપૂર્ણ જાગૃતિમાં રાખવાનું સાધન છે.

રહેવાનું, આજ્ઞામાં જ !

દુનિયામાં ના મળ્યું હોય તે મળ્યું છે. હવે આજ્ઞામાં રહો.

પ્રશ્નકર્તા : બીજું કશું વાંચવાનું નહીં ?

દાદાશ્રી : બીજું વાંચવા કરતાં આજ્ઞા પાળો ને ! એના જેવું કોઈ મોટું સાધન નથી દુનિયામાં. એમાં બધું આવી ગયું. બીજું સમજવા જેવું નથી. પછી અડે નહીં ને નડે નહીં ને નિર્લેપ રહે. કારણ કે આ આજ્ઞામાં રહેવાતું નથી એનું શું કારણ ? પહેલાંનો ભરેલો માલ ઉછાળે ચઢે છે, પહેલાંનું વાંચેલું આગળ આવે છે, પાછલું જાણેલું ગુંચવી નાખે છે.

અક્રમમાં, આજ્ઞા પણ સરળ !

આવો સહેલો સરળમાર્ગ કોઈ કાળે મળે એવો નથી. અને પામ્યા છો તો આજ્ઞા પૂરેપૂરી પાળી લેવી જોઈએ.

પેલું ક્રમિક વિજ્ઞાન છે અને આ અક્રમવિજ્ઞાન છે. આ જ્ઞાન તો વીતરાગોનું જ છે. જ્ઞાનમાં ફેર નથી. અમે જ્ઞાન આપીએ પછી તમને આત્મ-અનુભવ થઈ જાય તો શું કામ બાકી રહે ? જ્ઞાનીપુરુષની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ અને અમારી આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં, એવું આ અક્રમ વિજ્ઞાન છે.

પંચાજ્ઞાના પ્રોટેકશનમાં !

પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞા એકબીજાને સંકળાઈને શુધ્ધાત્માના ફેવરમાં કઈ રીતે વર્ક કરે છે તે સમજાવો.

દાદાશ્રી : પાંચ આજ્ઞા એ તો પ્રોટેકશન છે. નહીં તો આ કુસંગના વાતાવરણમાં બધું ખાઈ જાય. આ આજ્ઞા પ્રોટેકશન છે. આ આજ્ઞા આત્માને કશી હરકત કરતી નથી. બાકી ઘરમાં ઓફિસમાં બધે જ આ કળિયુગમાં કુસંગ છે. આ આજ્ઞા પાળે તો કશું સ્પર્શે નહીં ને નિરંતર સમાધિ રહે.

આ પાંચ વાકયો ઇટસેલ્ફ તમને સ્થિર રાખે એવાં છે, હલવા ના દે. કેવળજ્ઞાનની રક્ષા કરે. આપેલું જ્ઞાન જતું ના રહે ને જ્ઞાનની રક્ષા કરે.

આ તો અજાયબ વિજ્ઞાન છે કે અંદર નિરંતર ચેતવે છે. અરે, આપણે આડા કામમાં પડયા હોય ત્યારે એ અંદર ચેતીને ઊભું રહે, હડહડાટ ! એટલે તમારે કશું કરવું ના પડે. આ જ્ઞાન જ ઇટસેલ્ફ કરી લે છે. તમારે તો ડિસિઝન જ લેવાનું કે અમારે તો દાદાજીની આજ્ઞા પાળવી છે. એ આજ્ઞા બધા પ્રકારનાં વાતાવરણોમાંથી બચાવનારી છે. આપણે ઊંઘી ગયા હોય તો ય એ ચેતવે. હવે એથી વધારે કશું જોઈએ ખરું ?

એ ઉભયને રાખે નિર્લેપ !

આજ્ઞામાં આવી જઉં તો આખું રૂંશ્વશ્રફુ અડે નહીં.

અમારી આજ્ઞા પાળો એટલે તમને કશું અડે નહીં. આજ્ઞા આપનારને ચોંટે ? ના. કારણ કે એમને પરહેતુ માટે છે, એટલે એમને અડે નહીં ને ડીઝોલ્વ થઈ જાય.

'મેઈન' સિવાયના બાયપ્રોડક્ટસ !

પાંચ આજ્ઞા એ મોટામાં મોટું અહિંસક કવચ છે. પાંચ આજ્ઞા વર્લ્ડના તમામ શાસ્ત્રોનું તારણ છે.

આ પાંચ આજ્ઞામાં એટલું બધું બળ છે તે તીર્થંકરોના પિસ્તાલીસ આગમો આવી જાય છે, એવી આજ્ઞા આપી છે. મુસ્લિમ, ક્રિશ્ચિયન, બધાનાં શાસ્ત્ર આ પાંચ આજ્ઞાની મહીં આવી ગયાં છે.

અમે જે જગત જોયું છે કે જગત શી રીતે ચાલે છે તે કોઈના વિચારમાં ય ના આવે. ત્યારે જ આ પાંચ વાક્યો આપીએ છીએ. ને જેણે જોયું હોય ત્યારે જ આપી શકે ને ! નહીં તો શાસ્ત્રો તો ગોખાય ગોખાય કરે. આપણાં પાંચ વાક્યો અમે જે જોયું છે તેમાં લાવનારાં છે. પાંચ વાક્યો જેમ જેમ તમને દેખાતાં જશે તેમ તેમ બધું જ સમજાતું જશે.

પાંચ આજ્ઞા તો આખા વર્લ્ડનું બધું જ સાયન્સ છે. આખા વર્લ્ડનું વિજ્ઞાન આ પાંચ વાક્યમાં આપી દીધું છે. આખી સમરી છે. આ પાંચ વાકયમાંથી કોઈ કશું ચેંજ કરી શકે નહીં.

ગમે તેવા પ્રશ્નનું સોલ્યુશન લાવી શકાય એવું આવી ગયું ને, એટલે બહુ થઈ ગયું. ગુંચ તો આવવાની. ના સાંભળેલી, ના જોયેલી ગૂંચ આવે. પણ આ પાંચ શબ્દો સોલ્યુશન આપે એવા છે. આ પાંચ શબ્દો તો વિચારવા જેવા છે. વિવરણ કરવા જેવા છે. એની બહાર જગતમાં કોઈ વસ્તુ નથી.

આપણું જ્ઞાન મળ્યા પછી માણસ ઝપાટાબંધ બુદ્ધિશાળી થઈ શકે. કારણ કે પાંચ વાક્યોનું તારણ મલી ગયું ને !

આપણી આ પાંચ આજ્ઞા છે તે કોમનસેન્સને ય લાવે એવી છે.

આ પાંચ વાક્યો જ એવાં છે, બધી મુશ્કેલી કાઢી નાખે એવાં છે.

આજ્ઞાની ભક્તિ, ત્યાં પ્રકૃતિથી મુક્તિ !

અમારી પાંચ આજ્ઞામાં રહો અને મોક્ષે જાવ. અમારી પાંચ આજ્ઞા બધી જાતની પ્રકૃતિને માફક આવે. એ પાંચ આજ્ઞામાં રહો તો સમતા આવે.

ખપે, એનું અનન્ય શરણું !

આજ્ઞાનું મહત્વ સમજાય તો પળાય.

જેની આજ્ઞા પાળવાની છે એનું અનન્યપણું થવું જોઈએ.

આજ્ઞા અમારી જોડે અભેદતા લાવે.

એ જ દાદાનું આરાધન !

મારી આજ્ઞામાં રહેવાય છે ને ? મારી આજ્ઞા તે જ હું છું.

જેટલું આજ્ઞાનું આરાધન એટલું દાદાનું આરાધન, ને એટલું જ મહાવીર ભગવાનનું આરાધન.

ભક્તિ : જ્ઞાનની, આજ્ઞાની !

પ્રશ્નકર્તા : આજ્ઞાનું આરાધન કરવું એ જ ખરી ભક્તિ છે ને ?

દાદાશ્રી : એ જ ખરું છે.

અજ્ઞાનની ભક્તિ કરીને તો જગતની આ દશા થઈ છે. અત્યારે આ બહાર બધું દેખાય છે તે. બાકી અમે જે આત્મજ્ઞાન આપ્યું છે ને, એ આત્મજ્ઞાન અને આ પાંચ આજ્ઞાઓ આપી છે ને, એ બધાની ભક્તિ કરવી એ જ જ્ઞાનની ભક્તિ.

ઉભયનાં ભિન્ન ફળો !

જ્ઞાનીની આજ્ઞા મનનું શુધ્ધિકરણ કરે છે. સ્વરૂપવાન મનને ગમે તે સંજોગોમાં સમાધાન આપશે.

દર્શનમોહ જ્ઞાની પુરુષના જ્ઞાનથી જાય. અને ચારિત્રમોહ જ્ઞાનીની આજ્ઞાથી જાય એટલે અમે જ્ઞાન અને આજ્ઞા બેઉ આપીએ છીએ.

એનાથી ભવનો પ્રતિબંધ !

જ્ઞાની પુરુષની આજ્ઞા એ તો ભવોમાં જવા માટેની આડી દીવાલ છે.

જ્ઞાની પુરુષની આજ્ઞા સંસારને પાર ઉતારનારી છે.

અમારી પાંચ આજ્ઞા આલોક-પરલોક બન્ને માટે હિતકારી છે.

ઠેઠનું સંધાય !

દાદાની આજ્ઞામાં રહેવું એટલે અસલ જગ્યાએ પહોંચાય. અંદર શાંતિ રહે તો જાણવું કે આપણે અસલ માર્ગે છીએ.

જ્ઞાનીપુરુષની આજ્ઞાપૂર્વક ઠેઠનું કરવું હોય તે કરી લેવાય. એવો વખત ફરી ફરી ના મળે.

અમારી એક જ આજ્ઞા પાળે તો એ આજ્ઞા જ એને ઠેઠ મોક્ષે પહોંચાડી દે તેવું છે.

આ પાંચ આજ્ઞાથી મોક્ષ વર્તે જ, જો પોતે ડખો ના કરે તો.

આજ્ઞા અડાડે તીર્થંકરનાં ચરણો !

જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મધ્યાનનું ફળ ઊંચામાં ઊંચું, મનુષ્યગતિ આવે. તેનાથી આવતો ભવ બહુ સુંદર આવે. તીર્થંકરો આપણને મળે. પછી શું જોઈએ ? આપણને આત્મા તો પ્રાપ્ત થઈ ગયેલો છે. ખાલી છેલ્લા તીર્થંકરના દર્શન કરવાનાં રહે છે. તે એક જ વખત થાય તો બહુ થઈ ગયું, કેવળજ્ઞાન અટકેલું હોય તે પૂરું થાય. જ્ઞાની પુરુષ તો પોતે જયાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય. એથી આગળ ના લઈ જાય. આગળ તો આગળના જે હોય તેની પાસે લઈ જાય. એમાં ચાલે જ નહીં ને !

ત્યારે પડે રાગે !

જેટલી અમારી આજ્ઞા પાળે એટલું સારું એની મેળે જ થાય. અમારી આજ્ઞા પાળે ને, તો એટલું સારું થાય કે એવું કોઈ અવતારમાં સારું ના થયું હોય. અમારી આજ્ઞા પાળવાનું જયારથી નક્કી કરે ને, ત્યારથી બીજું બધું રાગે પડતું જાય.

ચિંતાની જ ચિતા ત્યાં !

પ્રશ્નકર્તા : એ વાત સાચી છે, દાદા આપણી વરીઝ બધી લઈ લે, પરમેનન્ટલી ?

દાદાશ્રી : એ લઈ ના લે. પણ વરીઝ થાય નહીં. આ વિજ્ઞાન એવું છે. એક જો ચિંતા થાય તો અમે કહ્યું કે બે લાખનો દાવો માંડજે. પણ અમારી પાંચ આજ્ઞા પાળે તેને. ના પાળે તેને કશું નહીં.

નહીં અડે, નડે, બગડે કે કરવું પડે !

દાદાની આજ્ઞામાં રહેવું એટલે બહાર કશું બગડે જ નહીં.

પાંચ વાક્યોમાં આખા જગતનો સાર છે. કોઈ જગ્યાએ એ પાંચ વાક્યોની બહાર નીકળાય એવું છે નહીં. એ પાંચ વાકયોમાં રહે તો સંસાર અડે એવો છે જ નહીં. એક બે અવતારમાં મોક્ષે જવાશે, જનકવિદેહી જેવી દશા થશે.

વ્યવહારમાં આ પાંચ આજ્ઞા વણી લે તો કશું જ કરવું પડતું નથી.

પાંચમાંથી ટચલી તો ઝાલ !

આ દાદા પાંચ વાકયો આપે છે તે જ કેવળજ્ઞાન માટેના યથાર્થ સાધન છે. દાદા પાંચ જ આંગળી ઝાલવાનું કહે છે. અરે પાંચમાંથી એક તો ઝાલ.

અમારી પાંચ આજ્ઞામાંથી એક આજ્ઞા પણ જે પાળશે તેને અમે પકડી રાખીશું અને એક જ આજ્ઞા પાળે તો અમે પાંચે ય આજ્ઞા પાળી કહીશું.

એક જ આજ્ઞા પાળી તો કામ થઈ ગયું. કોની આજ્ઞા ? જ્ઞાની પુરુષની આજ્ઞા ! એમાં એમને કશું લેવું દેવું નથી એ આજ્ઞામાં.

ત્યાં મહાવીરદશા જ !

આ તો અમારી પૂરી આજ્ઞા પાળે તો ભગવાન મહાવીર જેવું રહેવાય એવું છે. અને આજ્ઞા કંઈ એવી અઘરી નથી.

આ પાંચ વાકયો અમારા, આરાધન કર કર કરે ને, તો આખો દહાડો મહાવીર જેવો રહે. જે દહાડે મહાવીર જેવો રહે ને, તો સંસારનું સરસ ચાલે. ને જે દહાડે સંસારનું સાચવવા ગયો તે દહાડે બગડે.

એક દહાડો અમારી આજ્ઞામાં રહો ને, આખો દહાડો, તો એક દહાડાનું પરમાત્મપદ સિલકમાં જમે થઈ ગયું. અમારી આજ્ઞા સહેજે ય બાધક નથી. ભલે ને, તું ભજિયા ખા. જેણે જેણે પાળી તે આગળ આવ્યા છે અને સહેલી સટ છે. છે કશી અઘરી ?

કેવળ, નિરાલંબ ભણી !

પાંચ વાકયો જ કેવળજ્ઞાનના યથાર્થ સાધનો છે. પાંચ વાકયોનો આધાર લીધો કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.

પાંચ આજ્ઞા જેણે પાળી એ પરમાત્મા થશે.

કાયદા નહીં, આજ્ઞા અહીં !

આપણે તો પાંચ વાકયો એ ધ્યેયસ્વરૂપ ! આજ્ઞામાં રહેવાનું છે. આજ્ઞા જ મુખ્ય છે. છેવટે પાંચ આજ્ઞામાં રહો.

અમારે કાયદો ના હોય, આજ્ઞા જ હોય. રીલેટિવ બધામાં કાયદા હોય, અહીં કાયદા ના હોય.

અંતે તો એ જ ખપે !

બને તો આજ્ઞા પાળજે નહીં તો છેવટે પાળવી પડશે, પાંચ વર્ષ પછીયે પાળવી પડશે. થોડા ખત્તા ખાધા પછી પાળવી પડશે. એના કરતાં જો ડહાપણથી પાળે તો સારું અને પેલું અનુભવ થાય. અનુભવ થાય ને, પછી ?!

આજ્ઞા પળાવવાનોય આગ્રહ નહીં !

દાદાની આજ્ઞા કોઈ ના પાળે તો દાદા સમજી જાય કે વ્યવસ્થિત છે. પણ એમાં દાદાને શું ? એને ખોટ જાય છે ને ? હું માથે કયાં બોજો લઉં ?! હું આજ્ઞા પળાવવા આવ્યો નથી. હું તો મોક્ષ આપવા આવ્યો છું.

તું અમારી આજ્ઞા પાળું તો અમને થાય કે અમારી મહેનત નિષ્ફળ ગઈ નથી.

પહેલાં અભ્યાસ, પછી સહજ !

પ્રશ્નકર્તા : આપની હાજરી હોય ત્યારે બહુ સારું રહે છે. પણ હાજરી ના હોય ત્યારે પેલી આજ્ઞાઓ ખ્યાલમાં હોય. પણ જે સહજભાવે થવી જોઈએ એ થતી નથી. એનું શું કારણ ?

દાદાશ્રી : એ તમારે ધ્યાન દેવાની જરૂર. બાકી બહુ સહેલામાં સહેલી છે વસ્તુ. ટેવ પડવી જોઈએ. પાંચ આજ્ઞામાં રહેવા માટે પહેલાં અભ્યાસ કરી લેવો પડે. પછી સહજ રહેવાશે પાંચ આજ્ઞામાં.

આજ્ઞામાં રહીને ધીમે ધીમે આગળ વધો ને ! પાંચ આજ્ઞા આપી છે ને, તેમાં રહેવાનો પ્રયત્ન કરવો.

અમારી આજ્ઞા ના સમજાય તો ય એક વાર વાપરવા માંડો. પછી અનુભવમાં આવશે જ.

પહેલા સમજ તો સહજ પાલન... !

પ્રશ્નકર્તા : 'આજ્ઞા પાળવી છે, પાળવી છે' એવું કરવું ને આજ્ઞા સમજી લેવી, એ બેમાં કયું સારું ?

દાદાશ્રી : સમજી લે એની તો વાત જ જુદી ને ! સમજાઈ જાય તો એની મેળે પળાય.

અમારી આજ્ઞા જો સમજીને પાળે તો ફીટ થઈ જાય. દ્ષ્ટિ મળે તો પાંચ વાકય સમજાય એવાં છે. નહીં તો સમજાય એવાં નથી.

પહેલું વિજ્ઞાન, પછી આજ્ઞા !

પ્રશ્નકર્તા : આપની પાંચ આજ્ઞાઓ એ પહેલા છે ? શરૂમાં છે કે દાદાનું જે સાયન્સ છે, વિજ્ઞાન છે, એ પહેલાં સમજે તો પાંચ આજ્ઞામાં રહી શકાય ? કે પાંચ આજ્ઞા સમજે તો દાદાના અક્રમ વિજ્ઞાનની શરૂઆત થાય છે ?

દાદાશ્રી : પહેલું વિજ્ઞાન સાંભળે અને સમજે, ત્યાર પછી એનું રક્ષણ કરવા માટે પાંચ આજ્ઞાઓ છે. ફરી વિજ્ઞાન ખોવાઈ ના જાય એટલા માટે પાંચ આજ્ઞા છે.

વિજ્ઞાન પૂરું સમજી લે એટલે આજ્ઞા પાળવાની શક્તિ ઉત્પન્ન થાય.

સત્સંગથી સરળતા !

પ્રશ્નકર્તા : સત્સંગ જે કરવાનો છે, આજ્ઞા પાળવા માટે જ કરવાનો છે ?

દાદાશ્રી : બધું આજ્ઞા પાળવા હારું છે. સત્સંગથી બધાં કર્મો ઢીલાં થઈ જાય. ઢીલાં થાય એટલે આજ્ઞા પાળવામાં સરળતા થાય. નહાયો ના હોય, અને એ ન્હાયા પછી માણસ કેવો લાગે ?! આળસ એની જતી રહે છે ને ?

પ્રશ્નકર્તા : જતી રહે.

દાદાશ્રી : એવું સત્સંગથી બધી આળસ છૂટી જાય. સંસાર એટલે નર્યું કુસંગનું ટોળું. એટલે આ સત્સંગ ગમતો હોય તો એમાં પડી રહેવું પડે.

પાંચ આજ્ઞા વર્તાવે દશા મહાવીરની !

દાદાશ્રી : આજ્ઞા તો સહેલી છે ને ?

પ્રશ્નકર્તા : પણ અનુભવમાં અઘરી લાગે છે.

દાદાશ્રી : એ અઘરી નથી. તમારો માલ અઘરી લગાડે છે. ત્યાં જાગૃતિ રાખવાની છે. ત્યાં પ્રમાદ જરા પણ ના ચાલે. અમારી આજ્ઞામાં જો રહે તો ભગવાન મહાવીર જેવી દશા રહે તેમ છે. પણ મનના પૂર્વસંસ્કાર આજ્ઞામાં રહેવા દેતા નથી. જ્ઞાતા-જ્ઞેયના સંબંધથી પૂર્વસંસ્કારને ધક્કા મારવા. પૂર્વસંસ્કારથી રાજી ના રહેવું. એ જાતજાતના નાચણા કરે. આનાથી આત્મા જતો રહેતો નથી. પણ પોતાનું સુખ આવરાય છે. પોતાનું સુખ રોકાય છે, તે પૂર્વસંસ્કારો રોકે છે.

'આજ્ઞા એ ધર્મ' ના ચૂકાય એવું સાવધ રહેવું જોઈએ, પૂર્વસંસ્કારો એ ચોરો છે. એટલે ચોરો પાસુન સાવધ રહા. બીવ્હેર ઓફ થીવ્ઝ !

કર્મધક્કાથી અઘરી !

પ્રશ્નકર્તા : તોય પણ આપની જે પાંચ આજ્ઞાઓ છે તેનું પાલન જરા કપરું ખરું કે નહીં ? અઘરું ખરું કે નહીં ?

દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે ને આપણને પાછલાં કર્મો છે ને, તે એમાં ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો અને દૂધપાક વધારે ખવાયો તેને લીધે ડોઝીંગ થયું ને આજ્ઞા પળાઈ નહીં.

એટલે અમારી આજ્ઞા કોણ તમને પાળવા દેતું નથી ? તમારાં કર્મો જે ભભૂકી ઊઠે છે તે. બે જણ માગતાવાળા આવે તો શાંતિથી જવાબ આપે. પણ પાંચસો માણસ એક સામટા આવી જાય તો ગભરામણ થઈ જાય. અહીં પાંચસો માણસ બૂમો પાડતા હોય તો સત્સંગમાં ધ્યાન રહે નહીં. એવું કષાય જોર કરી જાય તો આજ્ઞા ચૂકી જવાય.

આમ ખપે કર્મો !

એટલે અમારી આજ્ઞામાં નથી રહેવાય એવું, એવું હું ય જાણું છું. પેલા ઉદય આવે ને ! હવે આ અક્રમ છે. જયારે ક્રમિક માર્ગમાં શું કરે ? કે પોતે બધાં કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી ખપાવી, અનુભવી અને ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની વાત છે. એટલે આપણે આ આજ્ઞામાં રહેવાય એટલો પ્રયત્ન કરવાનો. જેટલું રહેવાય એટલું તો સાચું. એમ કરતાં કરતાં બે અવતાર નહીં, ને ચાર અવતાર થશે. ખોટ શું જવાની છે ?

અમારી આજ્ઞામાં રહે, જેટલી આજ્ઞામાં રહે એટલું એના લાભને માટે છે. આખો દહાડો કર્મના ઉદય નિરંતર રહે છે. એની સામે ભાગાકાર કરવાનું છે, એની સામે આજ્ઞામાં રહેવાનું છે. આજ્ઞામાં રહી ભાગાકાર કરવાનું.

નિશ્ચય સદા લક્ષમાં !

આપણે જવું હોય ઉત્તરમાં, પણ મછવો દક્ષિણ ભણી જાય તો ય આપણે જાણીએ, લક્ષમાં હોય કે આપણે જવું છે ઉત્તરમાં પણ લઈ જાય છે દક્ષિણમાં. એ લક્ષ કયારેય ચૂકાય નહીં. એટલે આપણે નિશ્ચય છોડવો નહીં કે આ આજ્ઞા પાળવી જ છે. એટલું નિશ્ચયબળ રહેવું જોઈએ. નિશ્ચયબળ !!

નિશ્ચય જ પળાવે આજ્ઞા !

દાદાની આજ્ઞા પાળવી છે એ જ મોટામાં મોટી વસ્તુ છે. અમારી આજ્ઞા પાળવાનું નક્કી કરવું જોઈએ. તમારે આજ્ઞા પળાય છે કે નહીં તે જોવાનું નથી. આજ્ઞા જેટલી પળાય એટલી સાચી. પણ આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી છે.

પ્રશ્નકર્તા : ઓછી વધતી પળાય એનો વાંધો નથી.

દાદાશ્રી : વાંધો નહીં એવું નહીં. આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી છે. સવારથી જ નક્કી કરવું કે 'પાંચ આજ્ઞામાં જ રહેવું છે.' 'પાળવી છે' નક્કી થયું ત્યારથી અમારી આજ્ઞામાં આવી ગયો. મારે એટલું જ જોઈએ છે. પળાતી નથી એનાં કોઝિઝ હું જાણું છું. આપણે પાળવી છે એવું નક્કી જ !

નિશ્ચય, તો પળાશે જ !

નક્કી કરો તો આજ્ઞા પળાશે જ. આ તો નક્કી કરતો નથી. 'આજ્ઞામાં જ રહેવું છે' એવું નક્કી કર્યું તો એવું ચાલે ને ! 'આજ્ઞામાં રહેવું છે' એવું નક્કી ના કર્યું હોય તો એવું. અને રોજ ના થાય તો એક દહાડો રવિવારનો નક્કી કરીએ તો સેમ્પલ પૂરતો સ્વાદ તો ચાખી જોઈએ. એમાં શો વાંધો છે ?!

હું 'આજ્ઞા પાળો' એમ નથી કહેતો. આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવાનો કહું છું.

એ નિશ્ચય વર્તે ત્યાં !

જેણે નક્કી કર્યું છે કે આજ્ઞા પાળવી જ છે તે એકાવતારી થઈ શકે તેમ છે. જો કે સંપૂર્ણ આજ્ઞા પાળી શકાય એવું આ કાળમાં નથી.

દાદાની આજ્ઞામાં જ રહેવું છે એવો જેને નિશ્ચય છે તેને અમે અમારી આજ્ઞામાં જ રહે છે એમ માનીએ છીએ.

આ દાદાએ પાંચ વાકયો આપ્યાં એ જ ધર્મ છે ને એ જ તપ છે એવો જેને દ્ઢ નિશ્ચય વર્તે છે એનો બધો જ ઉકેલ આવી જાય છે.

દાદાની આજ્ઞામાં રહેવું છે એવું જેનું નક્કી હોય તેને આ જગતમાં કશું મૂંઝવે એવું નથી.

આજ્ઞા ચૂકાય તો... !

પાંચ આજ્ઞામાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ. અને ના રહેવાય તો મહીં ખેદ પામવો કે એવા તો કેવા કર્મના ઉદય લઈને આવ્યા કે આજ્ઞામાં નથી રહેવાતું.

અમારી આજ્ઞા ચૂકાઈ જાય તો 'આજ્ઞા ચૂકાઈ ગઈ, આજ્ઞા ચૂકાઈ ગઈ' એવું ગા ગા નહીં કરવાનું પણ એની તરત જ ક્ષમા માગી લેવાની દાદા પાસે ને આગળ ચાલવાનું. ગૂંચાયા નહીં કરવાનું.

આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે 'હે દાદા, આ બે કલાક ભૂલી ગયો, આપની આજ્ઞા ભૂલી ગયો. પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.' તો પાછલું બધું ય પાસ. સોએ સો માર્ક પૂરા. એટલે જોખમદારી ના રહી.

શક્તિ માગીને કામ કાઢી લો !

સવારના પહોરમાં દાદા ભગવાનની મૂર્તિ સમીપ 'હે દાદા ભગવાન, મને તમારી આજ્ઞા પાળવાની શક્તિ આપો.' સો વખત સવારે અડધો કલાક બોલવું.

દાદા પાસે શક્તિ લઈ જાય ને, સો ટકા માર્ક આવે એવું છે. જો આવડત હોય તો, જો અમારા કહ્યા પ્રમાણે કરે તો.

પ્રશ્નકર્તા : આજ્ઞા પાળવાની શક્તિ જ માગ્યા કરવાની તો જ આજ્ઞામાં રહેવાય ?

દાદાશ્રી : નિર્બળતા હોય તો શક્તિ માગવી ખરી. પણ પોતાની ઇચ્છા હોય તો માગેલું કામમાં લાગશે. પોતાની ભાવના મજબૂત જોઈએ ને ? મારે દેશમાં જવું છે એ નિશ્ચય તો જોઈશે ને ? અને પછી 'આમ આશીર્વાદ આપો' માગો તો એ ફળે.

કેવું જ્ઞાનીનું વચનબળ !

એક આજ્ઞા પાળે ને, તો એ આજ્ઞા જ એને મોક્ષે લઈ જાય. આ આજ્ઞા જ તમને લઈ જાય એવું છે. તમારે ચલાવવું પડે એવું જ નથી.

જ્ઞાની પુરુષનું વચનબળ હોય. તમે નક્કી કરો 'મારે આજ્ઞા પાળવી જ છે' તો વચનબળ કામ કર્યા કરે.

મારી આજ્ઞા પાળો. આજ્ઞામાં એટલું બધું બળ છે કે ગમે એવું કામ હશે તે થઈ જશે.

કોના શિરે જોખમદારી ?!

આજ્ઞા પાળી એટલે દાદાની બધી સહાય મળે. એટલે બીજી જોખમદારી ના રહે.

આજ્ઞા ના પાળે એ પોતાની જોખમદારી. તું જો અમારી આજ્ઞા પાળું એ અમારી જોખમદારી.

પાંચ આજ્ઞામાં રહે તો દાદાનો. જોખમદારી દાદાની. અને પાંચ આજ્ઞા ના પાળે તો એના ઘરનો. જોખમદારી એની વહુની.

પછી જવાબદારી નહીં !

અમારી આજ્ઞામાં નિરંતર રહેવાનો દ્ઢ પ્રયત્ન હોવો જોઈએ અને ના રહેવાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે સર્વસ્વ આજ્ઞામાં આવી ગયા. પછી જવાબદારીમાંથી છૂટયા. પછી આજ્ઞા કરનારની જવાબદારી.

પછી નથી કો' કર્મબંધ !

'તમે' મારી આજ્ઞામાં રહો તો 'ચંદુભાઈ' જે ક્રિયા કરે તેના 'તમે' જોખમદાર નથી. 'ચંદુભાઈ' જુદા અને 'તમે' જુદા. 'ચંદુભાઈ' અજીવ ભાગમાં છે. એકલો અજીવભાગ કર્મ બાંધી શકે નહીં. એકલો જીવભાગ કર્મ બાંધી શકે નહીં.

અમારી આજ્ઞામાં રહે તો બંધ ના પડે. હું ચંદુભાઈ છું ને કર્મનો કર્તા છું એમ થાય તો ચાર્જ થાય. અહંકાર હોય તો જ ચાર્જ થાય. તમને હવે ચાર્જ ના થાય. થાય તો ય એકાદ અવતાર જેટલું જ થાય, કારણ કે આજ્ઞામાં છે ને !

આજ્ઞા પાળવા પૂરતું ચાર્જિંગ !

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હવે ચાર્જ બંધ થઈ ગયું અને હવે ડીસ્ચાર્જ રહ્યું. પણ આપે જે પાંચ આજ્ઞા આપી છે, એ પાંચ આજ્ઞાનું પાલન કરતા કરતા પણ ચાર્જ તો થાય છે, એમ પણ આપે કહ્યું છે.

દાદાશ્રી : એ પાંચ આજ્ઞા એ જ ચાર્જ છે. કારણ કે અમારી આજ્ઞાપૂર્વક કરો છો. એ આજ્ઞા પાળો છો, કરો છો, એટલે એટલું ચાર્જ છે. આજ્ઞા પાળી એમાં કર્તા થયા. આજ્ઞા પાળવાનો ભાવ ખરો ને ! એ કર્તાભાવ છે. પણ અમુક જ ચાર્જ છે. બીજું બધું ચાર્જ બંધ થઈ જાય છે. અને એટલા પૂરતું જ એક અવતાર, બે અવતાર કે ત્રણ અવતાર થાય.

એ ખેંચાય મહાવિદેહ ક્ષેત્રે !

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ?

દાદાશ્રી : જયારે તમારો સ્વભાવ બદલાશે ત્યારે ક્ષેત્ર ખેંચશે. જેમ પાંચમા ધોરણને છોકરા લાયક હોય તો ફોર્થમાં હોય તો ય પાંચમું ધોરણ ખેંચે છે. એવું આ ક્ષેત્ર સ્વભાવ છે ખેંચવાનો, એટલે તમારે કશું કરવાની જરૂર નથી. તમે તો અમારી આજ્ઞા પ્રમાણે ચાલો ને !

આ અમારી આજ્ઞા પાળે તેનાથી આ ભવમાં પુણ્યૈ બંધાઈ જ રહી છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે તે બધું ફળ આપશે. એનાથી તીર્થંકર ભગવાનની નજીકમાં જ ઘર મળે, મહાવિદેહ ક્ષેત્રમાં. નહીં તો ચાલી ચાલીને દમ નીકળી જાય. ત્યાં કંઈ મોટરગાડી કે ઘોડાગાડી નથી. ત્યાં તો ચોથો આરો છે.

ને થાય એકાવતારી !

પ્રશ્નકર્તા : એકાવતારી થવું હોય તો શું કરવું ?

દાદાશ્રી : પાંચ આજ્ઞા સંપૂર્ણ પાળવી. સંપૂર્ણ એટલે થોડી ઓછીવત્તી થાય તો ય પાળે તો એકાવતારી થવાય. પાંચ થોડી થોડી પળાય તો ય ભેગી છે ને ?!

આવતા ભવે પણ સંગાથે !

પ્રશ્નકર્તા : બીજા અવતારમાં આ આજ્ઞાઓ રહેશે ?

દાદાશ્રી : હા ચોક્કસ. જેની તમે આરાધના કરી હોય એ જોડે જ રહે, અને વિરાધના કરી હોય એ ય જોડે હોય.

જેમ તેમ કરીને આ ભવ દાદા પાસે કાઢી નાખવાનો. પછી આવતા ભવનો વાંધો નહીં. આવતો ભવ પાંચ આજ્ઞાના આધારે સુંદર આવશે.

આજ્ઞાથી રાજીપો પ્રાપ્ત !

પ્રશ્નકર્તા : તમને ખબર પડશે ને, કે અમે આજ્ઞા પાળી ?

દાદાશ્રી : અમારી આજ્ઞા એ જેવી પાળે છે એવો રાજીપો અમારો એની પર રહે, એટલું જ અમારી પાસે થર્મોમીટર છે. આજ્ઞા ના પાળે તો રાજીપો તૂટી જાય. જ્ઞાનીપુરુષ તમારા કલ્યાણ માટે આજ્ઞા કરે. પણ તમે તમારી મેળે મૂરખ બનીને બગાડો તો તે શું કરે ?

જ્ઞાનીની આજ્ઞાઓ પાળે એટલે જ્ઞાનીને પોતાને જ ખબર પડી જાય. જ્ઞાનીને બીજું કશું જોઈતું નથી. જે ગામ જવાનું હોય તે ગામના કાયદામાં હોય તો રાજી રહે. બીજું કશું નહીં.

જેમ જેમ જ્ઞાનીની આજ્ઞા પાળે તેમ તેમ જ્ઞાનીની કૃપા સ્વભાવિક જ વધતી જાય. એની બહુ તપાસ કરવી ના જોઈએ.

કૃપા કોની ?

પ્રશ્નકર્તા : આ જે વિશેષ કૃપા ઊતરે છે એ દાદા ભગવાનની ઊતરે છે કે આપણી મહીં જે દાદા ભગવાન છે તેની ઊતરે છે ?

દાદાશ્રી : દાદા ભગવાનની, દાદા ભગવાનની. મારી નહીં. હું તો કહું કે આવી સરસ આજ્ઞા પાળે છે, તે કૃપા ઉતારો.

વર્તીને વર્તાવે !

અમે જે કરીએ છીએ એ જ તમને આજ્ઞામાં આપીએ છીએ. અમારી પાંચ આજ્ઞામાં અમે નિરંતર રહીએ છીએ ને તમને રહેવાનું કહીએ છીએ. જે શોધખોળથી અમે પરમશાંતિને પામ્યા તે તમને આપીએ છીએ.

એ બનાવે દાદા સમ !

અમે આજ્ઞા આપીએ, અમે આજ્ઞા કહીએ ને તરત જ તમારે પાળવાની શરૂઆત જ થઈ જાય તો અમારા જેવું જલદી થઈ જવાય. એક જ હેંડલ મારે ને તેવો થઈ જાય. એવો કો'ક જ વીરલો નીકળે.

અમારી આજ્ઞાને સિન્સીયર રહેવું. એ તો મોટામાં મોટો મુખ્ય ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અબુધ થયા તે અમારા જેવા જ થઈ જાય ને ! પણ આજ્ઞા જયાં સુધી સેવે છે ત્યાં સુધી. આજ્ઞામાં ફેરફાર પછી ના થવો જોઈએ. તો વાંધો ના આવે.

દાદા જેવા થવું છે એવું વિચારશો નહીં. એની કરતાં આજ્ઞામાં જ રહો ને ! આજ્ઞાનું ફળ આવશે.

આજ્ઞા સંપૂર્ણપણે પળાય એવી નથી, અંશે પળાય. સંપૂર્ણ પાળે તો તો મારા જેવું પદ આપી દે.

સેવો કારણ, કાર્ય નહીં !

પ્રશ્નકર્તા : જલદી પૂનમ થાય એની તીવ્રતા ના હોવી જોઈએ ?

દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની તીવ્રતા રાખવાની છે. કારણની તીવ્રતા રાખવાની છે, કાર્યની નહીં.

મોક્ષ તો પરિણામ છે, ફળરૂપ છે. પાંચ આજ્ઞા એ મોક્ષનાં કારણો બતાવ્યાં.

પાંચ આજ્ઞા જ પાળવાની. પરિણામ તમારે જોવાનું નહીં. દરેક બાબતમાં આજ્ઞા પ્રમાણે કરવું.

પાંચ આજ્ઞા પાળતા નથી. પાંચ આજ્ઞા પાળો તો આ જ્ઞાન પરિણામ પામે.

એટલી મુક્તિ સમીપે !

તમે જેટલી આજ્ઞા પાળો તેટલી પૂર્ણતા થતી જાય. આજ્ઞા ના પાળે તો અવતાર થોડા વધારે થાય. અત્યારે સો ટકા આજ્ઞા ના પાળી શકે.

અમે તમારી પાસે પાંચ આજ્ઞા જ માગીએ છીએ. સિત્તેર ટકા પાળે તોય ઘણું. પછી બધી ગેરેન્ટી મારી !

ન ફેર અમમાં ને આજ્ઞામાં !

આ જે પરમાત્મયોગ મેં તમને આપ્યો છે તે યોગમાં જેમ બને તેમ રહો. તમે પોતે પરમાત્મા બનો એવો યોગ આપ્યો છે. વચ્ચે કોઈ અટકાવી શકે નહીં. અને સંસારની બધી જ રામાયણ પૂરી થાય, અઢાર કોઠાયુદ્ધ જિતાય. કારણ કે શુધ્ધાત્મા એ જ કૃષ્ણ છે. અને એ જ જિતાડનાર છે. અમારી આજ્ઞા એ અમે જ છીએ, પોતે જ છીએ. અમારી પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો.

પ્રયોગ, સૂક્ષ્મતમ તરફનો !

જયાં સુધી 'દાદા' જાતે હાજર હોય ત્યાં સુધી તે સ્થૂળ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ. સ્થૂળ તો મળ્યું. પણ હવે સૂક્ષ્મમાં જવું જોઈએ. દાદા હાજર ના હોય ત્યારે તો સૂક્ષ્મનો જ પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ. અને આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં જવાનો પ્રયોગ કરવો જોઈએ. અને આઘુંપાછું થતું જ નથી. રોજ રોજ આ રેકર્ડ વગાડવાની તે કંઈ સારું કહેવાય ?!

દાદા તમારી જોડે જ !

પ્રશ્નકર્તા : તમે અમેરિકા અને ભારતમાં હો, ત્યારે અમારે અહીં લંડનમાં શું કરવું ?

દાદાશ્રી : અમે હાજર જ છીએ. યાદ કરવા પડે નહીં. તમને યાદ કરવા પડે છે ? એ યાદ એની મેળે જ આવે છે ને ?

પ્રશ્નકર્તા : એની મેળે યાદ આવે છે.

દાદાશ્રી : એટલે અમે ત્યાં પણ રહીએ અને અહીં પણ તમારી જોડે રહીએ. આ પાંચ આજ્ઞા પાળેને, એને દાદા ભગવાન નિરંતર હાજર જોડે ને જોડે જ છે. પાંચ આજ્ઞા એ જ દાદા છે. આ દેખાય છે એ દેહ છે, એ આત્મા નથી. દાદા ભગવાન તો અંદર દેખાય છે. હું તો જ્ઞાની પુરુષ છું. એટલે એ અમેરિકા જાય કે ભારત જાય, પણ તમારી જોડે જ હોય એવું રહે.

દાદા અમેરિકા જાય તો ય આજ્ઞા પાળે તો પ્રત્યક્ષ બરાબર છે.

પ્રત્યક્ષ, ફર્સ્ટ અને સેકન્ડ !

આ (અમે) ફર્સ્ટ પ્રત્યક્ષ છે, ને આજ્ઞા એ સેકન્ડ પ્રત્યક્ષ છે.

મને વીસ વર્ષ સુધી ના મળ્યો હોય ને પાંચ આજ્ઞા પાળતો હોય તો મને વાંધો નથી. પછી વીસ વર્ષે મને ભેગો થાય તો અડધા કલાકમાં એની ભૂલ સુધારી આપીશ. કારણ કે આજ્ઞા એ અમારી પ્રત્યક્ષ હાજરી છે.

ન પડવા દે જ્ઞાની કોઈને !

પ્રશ્નકર્તા : દાદા, મને ભય લાગે છે કે તમારો વિયોગ થશે તો હું પડી જઈશ.

દાદાશ્રી : આ અક્રમ છે તેથી અમે એવી બધી જાળો નાંખેલી હોય કે તમે પડો નહીં. નહીં તો પડે તો તો હાડકું ય હાથમાં ના આવે. પાંચ આજ્ઞામાંથી છેવટે એક આજ્ઞામાં રહે તો ય છૂટું ના પડાય.

ગેરહાજરીમાં, આજ્ઞા જ ઉપાય !

પ્રશ્નકર્તા : જ્ઞાની ના હોય ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એમની આજ્ઞામાં રહેવાનું.

આ પાંચ આજ્ઞા એ અમારી પછી પણ ફળ આપશે. આજ્ઞા જીવતી જ છે. આ જ્ઞાન જેને મળ્યું છે એ બધાને તો એકદમ ફ્રેશ આજ્ઞાઓ મળી છે, ને પેલા લોકોને તો પચ્ચીસો વર્ષની વાસી ! પાંચ આજ્ઞાઓ તાજી ફ્રેશ ! જેમ ફ્રેશ જમવાનું હોય ને, તેવું આ આપણી આજ્ઞા પાળે છે તેના જેવો મોક્ષ નથી કોઈનો.

જ્ઞાનીપુરુષની હાજરીમાં રહેવાય તે ઉત્તમમાં ઉત્તમ. બીજું એ ના હોય તો આજ્ઞામાં રહે તે. અને એથી નીચેની સ્ટેજમાં આપણા પુસ્તકોમાં રહે તે.

દાદાની ગેરહાજરીમાં દાદાની આજ્ઞા એ જ અમારી હાજરી.

- જય સચ્ચિદાનંદ