ઓળખાવે 'અનુભવી', આત્માને !

એવો છે એ જ્ઞાનપ્રકાશ!!!

પ્રશ્નકર્તા : જ્ઞાન એ સમજ નથી પણ પ્રકાશ છે, તો એ અંગે જરા વધારે ફોડ પાડો.

દાદાશ્રી : પ્રકાશ એટલે બેઠાં બેઠાં બધું દેખાય અને સમજ એ શ્રદ્ધા છે. સમજ એ દર્શન છે અને જ્ઞાન એ પ્રકાશ છે અને એ પ્રકાશ એ જ આત્મા છે. જ્ઞાન જ આત્મા છે. બીજી કોઈ વસ્તુ આત્મા નથી. કેવળજ્ઞાન ! કેવળ એટલે કોઈ પણ બીજું કશું ભેળસેળ નહિ એવું જ્ઞાન, એનું નામ પ્રકાશ, એનું નામ આત્મા !

પ્રશ્નકર્તા : એ પ્રકાશ આપણે બીજી કોઈ ચીજની સાથે સરખાવી શકીએ છીએ ?

દાદાશ્રી : ના, ના, ના. એની સરખામણી થઈ જ ના શકે. અજોડ વસ્તુની સરખામણી તે થઈ શકતી હશે ? એવી (આત્મા જેવી) કોઈ ચીજ જ નથી આ જગતમાં.

પ્રશ્નકર્તા : આ પ્રકાશ શબ્દ આપણે વાપરીએ છીએ, તો એનું 'કમ્પેરિઝન' (સરખામણી) તો કંઈ હોય ને ?

દાદાશ્રી : અ-જો-ડ!

પ્રશ્નકર્તા : તો પછી એ પ્રકાશ છે એ કોઈ ઇન્દ્રિયોની મદદથી પ્રાપ્ત નથી થતો ને ?

દાદાશ્રી : ઇન્દ્રિયોમાં મદદે ય નથી કરતો એ પ્રકાશ. ઇન્દ્રિયોથી પ્રાપ્તે ય થતો નથી.

પ્રશ્નકર્તા : તો એ ઇન્દ્રિયાતીત છે ?

દાદાશ્રી : હા, ઇન્દ્રિયાતીત ને બધાંથી 'તીત!' કોઈ કહેશે કે મારામાં ચેતન કામ કરે છે. તો એ ભૂલવાળી વાત છે. ચેતન કામ કરતું જ નથી. આ બધા વ્યાખ્યાન સાંભળે, ધર્મકથાઓ કરે, એમાં ચેતન નથી.

પ્રશ્નકર્તા : તો જ્ઞાન એટલે પ્રકાશ જ છે?

દાદાશ્રી : એ તો પ્રકાશ જ છે. બીજું કશું છે જ નહિ અને એ જ આત્મા છે અને એ જ પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : ઇન્દ્રિયાતીત કહો, નિર્વિકલ્પ કહો.

દાદાશ્રી : હા, બધું. બુદ્ધિથી પર, બધાંથી પર, આ બુદ્ધિથી પર 'હું' થયેલો છું.

'હું શુદ્ધાત્મા છું' એ તમને કેટલો વખત યાદ રહે છે ?

પ્રશ્નકર્તા : એક ઘડી પણ વિસરતો નથી.

દાદાશ્રી : ત્યારે એ પ્રકાશને તમે જોઈ રહ્યા છો. તદાકાર થઈ રહ્યા છો. એકલા જોઈ રહ્યા નથી, જે જુઓ તે, તદાકાર થવાય. જે આકાર છે એનો તદાકાર થઈને ઊભો રહે. એટલે એ જ દિશામાં તમે હવે જઈ રહ્યા છો.

દ્શ્ય શું ? દ્ષ્ટા કોણ ?

પ્રશ્નકર્તા : એ પ્રકાશને જ્ઞાનજ્યોતિ પણ કહી શકાય ને ?

દાદાશ્રી : હા, જ્ઞાનજ્યોતિ. જયોતિનો અર્થ લોકો જુદો સમજે છે. જયોતિનો અર્થ લોકો એવો સમજે છે કે આ દીવાની જયોતિ હોય એવો આત્મા હશે ! એવો આત્મા છે નહિ. એ પ્રકાશે ય જુદો ને એ જયોતિ ય જુદી છે. આ તો આપણા લોકોએ અહીં જોયું હોય ને એવી કલ્પના કરે. અજવાળું અજવાળું દેખાય છે એવું કહે. કેટલાક લોક તો કહે છે કે મહીં કૃષ્ણ ભગવાન દેખાયા. તો કેવા દેખાય છે ? ત્યારે કહે, 'મુરલીવાળા!' મેં કહ્યું, 'શું કરે છે એ?' ત્યારે એ કહે, 'પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ !!!' મેં કહ્યું, એ તો દ્શ્ય છે ને આત્મા દ્ષ્ટા છે. એ દ્ષ્ટામાં નાખ તારી દ્ષ્ટિ. એ દ્શ્ય છે ને તારી દ્ષ્ટિ વાંકી છે, તે દ્શ્યને જ જોયા કરે છે. એટલે દ્ષ્ટા જોનારો છે, તે આત્મા છે. આ કૃષ્ણ ન્હોય, પેલો 'જોનારો' છે એ કૃષ્ણ છે ! તમને સમજ પડી ને ?! છતાં ય અમે લોકોને એમ કહીએ કે આ ખોટું છે માનીને આ છોડી ના દઈશ. નહિ તો જરાક એકાગ્રતા રહેતી હતી, થોડીક શાંતિ રહેતી હતી, તે ય નહિ રહે. પણ આગળ ઘણું જવું છે એવું તારી દ્ષ્ટિમાં વિચારી રાખજે અને અટકી ના જઈશ. નહિ તો ત્યાં લોકો અટકી ગયેલા છે કે કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર મારે થયા કરે છે. એ મહીં દેખાય છે એ દ્શ્ય છે.

પ્રશ્નકર્તા : અને દ્ષ્ટા કોણ ?

દાદાશ્રી : દ્ષ્ટા આત્મા. તે ત્યાં દ્ષ્ટિ નાખ એમ કહે છે. આ દ્ષ્ટિ તું દ્શ્યમાં નાખે છે તેને બદલે તારી દ્ષ્ટિ આત્મામાં નાખ ! તમારી (મહાત્માઓની) દ્ષ્ટિ આત્મામાં થયેલી છે.

પ્રશ્નકર્તા : આત્મા જે પ્રકાશમાન થાય છે એ દ્શ્ય નથી ?

દાદાશ્રી : ના. આત્મા પોતે દ્ષ્ટા જ છે. એ દ્શ્ય થયો જ નથી, કોઈ દહાડોય. પણ તમારી દ્ષ્ટિ જુદી છે, એટલે તમે મૂળ દ્ષ્ટિ ખોળો છો. તે મૂળ દ્ષ્ટિ દ્શ્યમાં જુએ છે, એનો જોનારો દ્ષ્ટા છે. તો તમારી દ્ષ્ટિ દ્ષ્ટામાં નાખો છો. જગત આખાની દ્ષ્ટિ દ્શ્યમાં નાખીને ફરે છે. પણ જો દ્ષ્ટામાં નાખે, તમારી દ્ષ્ટિ એક ફેરો આત્મામાં પડી, તો આત્મામાં તમારી શ્રદ્ધા બેઠી. પછી એના અનુભવ થવા માંડયા. મહીં ચેતવે છે ને ? આખો દહાડો ? એટલે આ છે તો દર્શન થયું, પ્રતીતિ બેઠી (આત્માની).

દ્ષ્ટિ, કઈ ભણી ?

પ્રશ્નકર્તા : દ્ષ્ટિ, દ્ષ્ટા અને દ્શ્ય આનો ફોડ પાડો.

દાદાશ્રી : સમ્યક્ દ્ષ્ટિ આત્માને જ જુએ અને મિથ્યાદ્ષ્ટિ દ્શ્યને જ જુએ. સમ્યક્ દ્ષ્ટિ દ્ષ્ટાને જુએ અને મિથ્યાદ્ષ્ટિ દ્શ્યને જ જુએ અને દ્શ્યને આત્મા માને. સમજ પડી ?

પ્રશ્નકર્તા : એટલે દ્શ્ય હોવું જોઈએ કે ના હોય તો ચાલે ?

દાદાશ્રી : દ્શ્ય જ છે આખું જગત. દ્શ્ય ના હોય તો દ્ષ્ટા શી રીતે જડે ? દ્ષ્ટા ઓળખાય શી રીતે ? આ સ્ત્ર્ી છે તો પુરુષો ઓળખાય. બધા જ પુરુષો હોય તો શી રીતે ઓળખાય ?

ધ્યેયના ધ્યાનનો ધ્યાતા કોણ ?

પ્રશ્નકર્તા : ધ્યાતા, ધ્યાન અને ધ્યેય આમાં ધ્યેય તો આપણે જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કરવો છે તે છે. આમાં ધ્યાતા કોણ ?

દાદાશ્રી : ધ્યાતા આ સમ્યક્ દ્ષ્ટિ, 'પોતે'. 'પોતે' હવે સમ્યક્ દ્ષ્ટિવાળો થયો. પહેલાં 'પોતે' મિથ્યાદ્ષ્ટિવાળો હતો. તે ધ્યાતા થયો ત્યારે સમ્યક્ દ્ષ્ટિવાળો થયો. એનો એ અહંકાર મિથ્યા દ્ષ્ટિવાળો હતો પછી એનો એ અહંકાર સમ્યક્ દ્ષ્ટિવાળો થયો. એટલે પોતે ધ્યાતા થયો. ધ્યાતા થયો એટલે નિરંતર આત્માના ધ્યાનમાં રહેવો જોઈએ. ધ્યેય ધ્યાનમાં રહે એનું નામ મોક્ષ ! ધ્યેય છે આત્મા, એ તમારા ધ્યાનમાં નિરંતર રહે.

પ્રશ્નકર્તા : અને ધ્યાન શું ?

દાદાશ્રી : તમે શુદ્ધાત્મા છો એ ધ્યાન તમને રહે છે કે ભૂલી જવાય છે ?

પ્રશ્નકર્તા : નથી ભુલાતું.

દાદાશ્રી : તો એ જ ધ્યાન. આ શુકલ ધ્યાન છે ! એ જ ધ્યાન. ધ્યાન તો બીજાં કપાળ કૂટીને ના કરવાનાં હોય ! એ તો આ લોકોએ બધો વેપાર ખોલીને અવળે રસ્તે ચઢાવા માંડયા છે. આજે મુંબઈ જવાનું છે એ તમારા ધ્યાનમાં ભૂલી જવાય ? એનું નામ ધ્યાન અને બીજાં ધ્યાન કરવાં હોય, એકાગ્રતા કરવા માટે કરવા હોય તો પછી આ,

ન-મો-અ-રિ-હં-તા-ણં
ન-મો-સિ-દ્ધા-ણં
ન-મો-આ-ય-રિ-યા-ણં
ન-મો-ઉ-વ્વ-ઝઝા-યા-ણં
ન-મો-લો-એ-સ-વ્વ-સા-હૂ-ણં......

એ બધું આમ આંખો મીંચીને આપણને આમ શબ્દો દેખાય એવું ધ્યાન કરવું જોઈએ. આંખો મીંચીને વાંચી શકીએ એ રીતનું ધ્યાન કરવું જોઈએ. બીજા ધ્યાન કરવાનાં હોય તો હંડ્રેડથી વન બોલો. પહેલું બોલો ૧૦૦ પછી ૯૯, ૯૮, ૯૭, ......

દ્ષ્ટિ, કોની ?

પ્રશ્નકર્તા : દ્ષ્ટા, દ્શ્ય અને દ્ષ્ટિ ફરીથી સમજાવો.

દાદાશ્રી : અત્યારે તમે ભૌતિક ચીજોમાં જ સુખ માનો છો. એ દ્ષ્ટિ મિથ્યાદ્ષ્ટિ છે. એમાં આપણું કામ નહિ થાય. ભટકવાનું સાધન એ. તેનાથી સમ્યક્ દ્ષ્ટિ કયારે થાય ? અમે જ્ઞાન આપીએ ત્યારે સમ્યક્ દ્ષ્ટિ થાય. તે મિથ્યાદ્ષ્ટિ એ રોંગ બિલીફ છે. શું નામ તમારું?

પ્રશ્નકર્તા : ચંદુલાલ

દાદાશ્રી : હું ચંદુલાલ છું. એ ફર્સ્ટ રોંગ બિલીફ. આ બાઈનો ધણી થાઉં એ બીજી રોંગ બિલીફ. આનો ફાધર થાઉં એ ત્રીજી રોંગ બિલીફ. આનો મામો થાઉં, આનો માસો થાઉં, એવી કેટલી રોંગ બિલીફો બેઠી છે ? આ રોંગ બિલીફો ફ્રેકચર કરી નાખે ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફો એટલે સમ્યક્ દર્શન. એટલે પછી 'હું આત્મા છું' એવી બિલીફ બેસી જાય. હું ચંદુલાલ ન્હોય, હું આત્મા છું. એવી બિલીફ બેસી જાય.

બંને અહંકારની જ દ્ષ્ટિ છે. પેલી દ્ષ્ટિ એ દ્શ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને, અને આ દ્ષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્ષ્ટા છે અને પેલું બીજું બધું દ્શ્ય છે. ચેતનના દ્ષ્ટા અને જ્ઞાતા બન્ને ગુણ છે.

પ્રશ્નકર્તા : દ્ષ્ટિ એ દ્ષ્ટાનું કાર્ય છે ને?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો દ્ષ્ટિ શું છે ?

દાદાશ્રી : દ્ષ્ટિ તો અહંકારને છે. આત્માને દ્ષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે. મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !

પ્રશ્નકર્તા : એટલે આત્મા સ્વાયત્ત છે ?

દાદાશ્રી : એને કોઈ ક્રિયા ના હોય. એને મહીં, અંદર દર્શન જ્ઞાન બધું ઝળકયા કરે!

પ્રશ્નકર્તા : એ બધો આત્માનો જે પ્રકાશ છે એ કોને ખબર પડે ? આમાં દ્વૈત જેવું લાગે છે.

દાદાશ્રી : આ જગતમાં આત્માનો પ્રકાશ કયાંય છે જ નહિ.

પ્રશ્નકર્તા : આત્મા પોતે પ્રકાશિત થયો તો ય બે સ્થિતિ તો રહે જ છે.

દાદાશ્રી : ના, ના કોઈ સ્થિતિ જ નહિ. જ્ઞાતા દ્ષ્ટા પરમાનંદી. બીજી કોઈ સ્થિતિ જ નહિ. પોતાને કંઈ કરવાપણું છે નહિ. આ બધું જ છે તે આત્મા વગર છે. ફક્ત શરીરમાં આત્મા હોવાથી આ બધું ચાલ્યા કરે છે. આત્મા નીકળી જાય એટલે બધું બંધ થઈ જાય. આ બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. વ્યાખ્યાન આપે છે તે ય મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે અને સાંભળે છે તે ય મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આમાં આત્મા નથી.

પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?

દાદાશ્રી : એ અહંકારને દ્ષ્ટિ થાય છે. પેલી મિથ્યા દ્ષ્ટિ હતી તેના કરતાં 'આમાં' વધારે સુખ પડયું એટલે એ પછી અહંકાર ધીમે ધીમે આમાં ઓગળી જાય છે. ધીમે ધીમે ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે બસ ! જેમ સાકરની પૂતળી હોય તે તેલમાં નાખીએ તો ઓગળે નહિ પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દ્ષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે. ત્યાં સુધી અહંકાર છે.

અહંકાર કોને થાય ?

પ્રશ્નકર્તા : અહંકાર કોને થાય છે ?

દાદાશ્રી : જે ભોગવે છે તેને. ભોગવતો ના હોય તેને અહંકાર ના હોય. દુઃખ ને સુખ ભોગવતો હોય તેને અહંકાર હોય અને દુઃખ ને સુખ ભોગવતો ના હોય તેને અહંકાર જ ના હોય. સમજ પડી ને ? સુખને વેદતો ના હોય, દુઃખને વેદતો ના હોય, એ અહંકાર ના હોય. શરીર હોય, બધું હોય, પણ અહંકાર ના હોય.

ઉપયોગ કોનો ?

પ્રશ્નકર્તા : દ્ષ્ટિના સંદર્ભમાં ઉપયોગ કોને કહેવો ?

દાદાશ્રી : જાગૃતિ આ બાજુ વાપરવી તે દુરુપયોગ કહેવાય, તેને આત્મા ભણી વાપરવી તેને સદુપયોગ કહેવાય.

પ્રશ્નકર્તા : ઉપયોગ મૂળ આત્માનો જ હોય છે ને ?

દાદાશ્રી : ના, આત્માનો ઉપયોગ ના હોય. આત્માને ઉપયોગ હોય તો તો એ થઈ ગયો ભંડારી. સર્વિસમેન થઈ ગયો. આ તો આપણા લોકો બધાં એવું શિખવાડે. પણ આત્મા તેવો નથી. આ બહાર જે પ્રચલિત વાક્યો છે તેમાં એક પણ જગ્યાએ આત્મા નથી. આ તમારે માની લેવું. એ સૌસૌના સ્ટેન્ડર્ડ પ્રમાણે સૌ કોઈ બોલે છે, પણ સ્ટેન્ડર્ડડાઈઝડ છે. આત્માને ઉપયોગેય નથી ને કશુંય નથી.

પ્રશ્નકર્તા : તો ઉપયોગ કોનો છે ?

દાદાશ્રી : ઉપયોગ બધો અહંકારીનો, આત્મા પ્રાપ્ત કરે તે પહેલાં આ બાજુ (ભૌતિક ભણી) ઉપયોગ જાય છે તે પર ઉપયોગ કહેવાય અને આત્માની દ્ષ્ટિ થયા પછી આત્મા બાજુ ઉપયોગ જાય છે તેને સ્વ-ઉપયોગ કહેવાય છે, બસ. ઉપયોગ એટલે જાગૃતિ. તે કઈ બાજુ વાપરી તે જોવાનું.

સ્વભાવ વિભાવમાં જાય કોણ ?

પ્રશ્નકર્તા : વિભાવ અવસ્થામાં પોતે ઉપયોગ મૂકે છે એટલે આત્માને કર્મ બંધાય છે. એટલે આ આત્માનો જ ઉપયોગ વિભાવદશામાં જાય છે. જો એ સ્વભાવમાં રહે તો એને કર્મ બંધાતું નથી. એ બરાબર છે ?

દાદાશ્રી : ના, ખોટી વાત છે. આત્મા નિરંતર સ્વભાવમાં જ રહે છે, એ જ આત્મા. અને સ્વભાવ વિભાવ થયા કરે છે એ વ્યવહાર આત્મા. જે સ્વભાવ ને વિભાવ થયા કરે છે એ વ્યવહાર આત્મા છે અને આત્મા તો નિરંતર સ્વભાવમાં જ રહે છે. એ તો નિરંતર મુક્ત જ છે, અનાદિ મુક્ત છે. અંદર બેઠેલો છે પાછો અને સ્વભાવ વિભાવ થયા કરે છે, એ વ્યવહાર આત્મા છે. વ્યવહાર એટલે અત્યારે જે 'ચાલુ આત્મા' છે એ વિભાવિક છે અને વ્યવહાર આત્મામાં આટલું પણ ચેતન નથી. એક સેંટ પણ ચેતન નથી.

વ્યવહાર આત્માનું સ્વરૂપ શું ?

પ્રશ્નકર્તા : આ વ્યવહાર આત્મા છે એ જ અહંકાર છે ?

દાદાશ્રી : હા, એ જ અહંકાર છે અને એમાં સેંટ પણ ચેતન નથી. ચેતન મહીં જાય છે. જુઓ, ચેતન વગર કેવું જગત ચાલ્યા કરે છે ! આ વર્લ્ડમાં પહેલી વખત બહાર પાડું છું કે આમાં ચેતન નથી.

પ્રશ્નકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા વ્યવહાર આત્મા હતો ને ?

દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો. એને જોયો ત્યાં સ્થંભિત થઈ ગયા કે ઓ હો હો, આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલાં રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી. આ વ્યવહાર આત્મામાં નામે ય ચેતનતા નથી ને ! વગર ચેતને કેવું સરસ ચાલ્યા કરે છે !

દેહમાં ય, અનાદિમુક્ત !

'મૂળ આત્મા' અચળ કહેવાય અને વ્યવહાર આત્મા સચર કહેવાય. સચર આત્મા એટલે મિકેનિકલ આત્મા.

પ્રશ્નકર્તા : એ બન્ને વચ્ચે કોઈ કડી ખરી?

દાદાશ્રી : ના, કડી વગર બેઉ એમ ને એમ છૂટા જ. બેઉ કોઈ દહાડો જોઈન્ટ થયા જ નથી. એ તમારામાં ય જોઈન્ટ નથી. પણ આ તો ફક્ત હું બોલું, આ છૂટો પડવાનું કારણ શું છે કે અજ્ઞાનથી બંધાઈ ચાલ્યા હતા, તે જ જ્ઞાનથી છૂટા પડે છે. આમ તો છૂટા જ છે. આત્મા તદ્દન જુદો જ છે આ શરીરમાં ! એવો આત્મા મેં જોયો છે. કેવળજ્ઞાન સ્વરૂપે આત્મા મેં જોયો છે. બાકી વેદમાં કે કોઈ જગ્યાએ આત્મા હોય નહિ, એમાં શબ્દો છે. જૈનોના આગમોમાં ય આત્મા ના હોય ને વેદ વેદાંતમાં ય ના હોય.

સૂરત સ્ટેશને ભાળેલો એ પ્રકાશ !

પ્રશ્નકર્તા : તમને જે જ્ઞાનપ્રકાશ થયો ત્યારે તે જ્ઞાનપ્રકાશમાં જ, આખા શરીરમાં ગૂંટળાયા ?! તમને આખા દેહમાં પ્રકાશ જ દેખાયો ?

દાદાશ્રી : આખા શરીરનો નહિ, આખા બ્રહ્માંડનો પ્રકાશ મેં જોયો, ભગવાન શું છે ? કોણ બનાવે છે ? કોણ ચલાવે છે ? કર્મો શું છે? કર્મો બંધાયાં શી રીતે ? બધો પ્રકાશ જોયો.

પ્રશ્નકર્તા : દાદાએ છ એ છ તત્ત્વો ખુલ્લાં જોયા છે ને ?

દાદાશ્રી : હા, બધું જ જોયું છે. તમારે જે જાણવું હોય તે જાણી લો. મારે તો રામે ય પૂરા થયા ને રામાયણે ય પૂરી થઈ !

જ્ઞાન, પ્રકાશ એટલે જ્ઞાયકભાવ !

પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે પ્રકાશ, માત્ર પ્રકાશ, બીજું કંઈ જ નહિ. તો પછી એ જ્ઞાયકભાવ જ રહ્યો ?

દાદાશ્રી : હા, જ્ઞાયકભાવ. જાણવા જોવાના ભાવમાં રહ્યો એ આનંદ. બીજું કોઈ સ્વરૂપ નથી. તે કરવાનું નહિ. મહીં ઝળકે. પોતાની મહીં કોઈ જાતની ક્રિયા નહિ. અક્રિય! ક્રિયા કરે તો થાક લાગે.

મિશ્રચેતનમાં ય જોવા જાણવાની શક્તિ !

પ્રશ્નકર્તા : પહેલાં અજ્ઞાન દશામાં અમારી દ્ષ્ટિ પુદ્ગલ ઉપર રહેતી હતી. જેમાં જોવા જાણવાનો ગુણ જ નથી. પણ હવે આપે જ્ઞાન આપ્યા પછી અમારી દ્ષ્ટિ જેમાં જોવાની ને જાણવાની શક્તિ છે તેમાં લગાડી એટલે અમારી દ્ષ્ટિ સ્થિર થઈ ગઈ.

દાદાશ્રી : હા, એટલે એ દ્ષ્ટિ સ્થિર થઈ ગઈ અને આ અસ્થિરમાં ય જોવા જાણવાની ક્રિયા છે, પણ સંયોગોને જોવા જાણવાની ક્રિયા છે. હવે ક્રિયા તો ત્યાં આત્મામાં ય છે. પણ આત્મામાં અસંયોગી ક્રિયા છે અને આ સંયોગી ક્રિયા છે. તે જોવા જાણવાની ક્રિયા છે. અહીં કહે છે ને કે આ ઝાડ આવ્યું, પાન આવ્યું, ગાય આવી, ભેંસ આવી અને ત્યાંય આત્મા લોકો માને છે. આ જોવા જાણવાની ક્રિયા, આમાં ચેતન બિલકુલ છે નહિ. ચેતન વગર આ શેનાથી ચાલે છે ? તો કહે, 'આત્માની હાજરીથી'. આત્માની હાજરીથી પાવર ચેતન ઊભું થાય છે. એટલે આ બેટરીમાં પાવર ભરેલા સેલ નાખો, પછી બટન દબાવો તો બેટરી ચાલુ થઈ જાય ને ? એવી રીતે આ મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ છે. તે એમાં આત્માની હાજરીથી પાવર ચેતન ભરાય છે, અને પછી ડીસ્ચાર્જ થાય છે ને ચાર્જ થાય છે, ચાર્જ ડીસ્ચાર્જ થયા જ કરે છે. આ ત્રણ બેટરીઓ ચાર્જ થાય છે ને આ ત્રણ બેટરીઓ ડીસ્ચાર્જ થાય છે બીજું કશું છે નહિ. જેમ આ સૂર્યનારાયણ છે તે સૂર્યનારાયણની ઇચ્છા ના હોય તો ય આ લોકો પાવર ભરી લે છે કે નહિ ? એવી રીતે આ પાવર ભરાય છે. એટલે આ પાવર ચેતન છે. બીજું કશું છે નહિ.

એટલે આ પાવર ચેતનને મારવામાં પાપ નથી? ચેતન હોય નહિ તેને મારવામાં પાપ હોય ખરું ? ત્યારે કેમ ભગવાને મારવામાં પાપ કહ્યું? ત્યારે કહે કે એ ચેતન માની બેઠો છે એટલે પાપ લાગે. આને ચેતન માની બેઠો છે કે આ હું જ છું ને આ મારું જ છે.

ત્યાં ન પહોંચે શબ્દ !

પ્રશ્નકર્તા : જોવા જાણવાની ક્રિયા અને પ્રકાશમાં જ્ઞેયો ઝબકે એમાં શું ફેર ?

દાદાશ્રી : આત્માના પ્રકાશમાં મહીં જ્ઞેયો ઝળકે એટલે ત્યાં આગળ શબ્દો હોતા નથી. આ જે જોવાનું, જાણવાનું એ શબ્દો છે તે ત્યાં સુધી જ છે, પ્રકાશમાં આવે છે ત્યારે પછી શબ્દો જતા રહેશે, એમને ઘેર ! અમે આ જ્ઞાન આપ્યું એટલે દર્શન થયું. દર્શન પહેલું ઊભું થાય એટલે કે સમજણ, પ્રતીતિ બેસે. એને દર્શન કહેવાય.

ત્યાં ન અડે કો' વિશેષણ !

દ્શ્ય ને જ્ઞેય બે રૂપે જગત છે અને આત્મા જ્ઞાતા ને દ્ષ્ટા બે રૂપે છે.

પ્રશ્નકર્તા : આત્મા જ્ઞાતાદ્ષ્ટા છે અને સ્વ-પર પ્રકાશક છે. જયારે પોતે પૂર્ણ આત્મ સ્વભાવમાં આવી જાય ત્યાર પછી એને આ બધું બહારનું દ્શ્ય જોવાનું રહેતું જ નથી. પોતાના આત્માનું જ જોયા કરે.

દાદાશ્રી : ના, સ્વ-પર પ્રકાશક છે તે વ્યવહાર આત્મા થાય છે. મૂળ આત્મા પોતે સ્વનો ય નથી ને પરનો ય નથી, સંપૂર્ણ પ્રકાશક છે. એને કોઈ વિશેષણ જ નથી. આ બધાં જેટલાં વિશેષણ છે તે વ્યવહાર આત્માના છે. નિર્વિશેષ છે. જેને વિશેષણ જ કોઈ ના હોય. મૂળ આત્મા, ભગવાનને વિશેષણ હોય ત્યાં પછી તો, વિશેષણ જતું રહે તો પછી ભગવાન શું રહ્યા ? વિશેષણનો સ્વભાવ એવો કે થોડા વખત પછી જતો રહે.

આપ્યો એવો મૂળ આત્મા !

પ્રશ્નકર્તા : મૂળ આત્માને કેવી રીતે પકડાય ?

દાદાશ્રી : કેમ ? પકડાઈ ગયો ને ? નકશામાં તમે જોઈ લીધું કે મુંબઈ અહીં આગળ છે, પછી આ વિરાર, પછી આ પાલઘર, પછી આ વલસાડ તમે જોયું, તમારી ગાડી સૂરત આવી એટલે તમે કહો કે આટલું આટલું બાકી છે એટલે તમે મૂળ આત્માને પહોંચો. બીજા સ્ટેશનમાં પણ નામ તો કહેવા પડે ને ? તે ઘડીયે આત્માનાં નામ નહિ.

પ્રશ્નકર્તા : તો પછી મૂળ આત્માનું તો કેવળ જ્ઞાતા દ્ષ્ટાને પરમાનંદ એટલું જ રહ્યું ને? બીજું કશું જ ના રહ્યું ને ?

દાદાશ્રી : એય નથી રહ્યું. એ તો આપણે એમ જવાબ આપીએ છીએ. બાકી એ તો પરમાત્મા જ છે, બીજું કશું છે જ નહિ. આત્મા નિર્વિશેષ છે. જેને વિશેષણ હોય ને તે વિશેષણ ઓગળી જાય તો પછી શું રહી ગયું ? વિશેષણ તો દહાડે દહાડે ઓગળ્યા જ કરે. તે પાછા હતા તેના તે જ જગ્યાએ આવીને ઊભા રહે.

ત્યાં સુધી આ બધી કલ્પના !!

પ્રશ્નકર્તા : તો તો પૂર્ણ શૂન્ય થઈ ગયો ત્યાં !

દાદાશ્રી : ના. શૂન્યે ય નહિ. શબ્દ જ નહિ ત્યાં ! જયાં સુધી શબ્દ છે ત્યાં સુધી કલ્પના છે. પછી નિર્વિકલ્પે ય કલ્પના છે ને વિકલ્પે ય કલ્પના છે, એટલે શબ્દ છે ત્યાં સુધી કલ્પના છે.

પ્રશ્નકર્તા : તો શું છે ત્યાં ?

દાદાશ્રી : શબ્દાતીત. ત્યાં કશું પહોંચે નહિ. મૂળ આત્મા, શુદ્ધાત્મા એ નામ આરોપણ કર્યું છે, આને ઓળખવા માટે કે આ શું ને આ શું, એમ ભાગ પાડવા માટે.

પ્રશ્નકર્તા : તો છેવટે આ બધું શું છે ?

દાદાશ્રી : પરમાત્મા છે !

પ્રશ્નકર્તા : પ્રકાશ નહિ, આનંદ નહિ, આ બધું બાજુએ મૂકી દો તો પછી એ શું છે ?

દાદાશ્રી : અત્યારે આ શબ્દો તમારે સમજવા માટે નહિ, જાણવા માટે કહું છું. એ તો જયારે તમે એ જગ્યાએ જશો ને ત્યારે તમે જાણી જશો. અત્યારે આરોપણ કરશો તો મૂરખ બનશો. અત્યારે આરોપણ કરશો તો અવળે રસ્તે જતા રહેશો. અત્યારે તો તમારે કહેવું કે જ્ઞાતા, દ્ષ્ટા, પરમાનંદી આત્મા છે. ઉપયોગમય આત્મા છે. એ બધું અત્યારે એમ બોલવાનું. આપણે સુરતના સ્ટેશને હોઈએ ને પછી 'મુંબઈના સ્ટેશને છીએ' કરીને ઊતરી જઈએ તો શું થાય ? અત્યારે તો આત્મા જ્ઞાતાદ્ષ્ટા ને પરમાનંદી છે. આ તો તમને જાણવા માટે કહું છું કે મૂળ હકીકત શું છે તે....

પ્રશ્નકર્તા : આત્માને નિર્વિશેષ કહો છો તો તે ય એનું વિશેષણ થયું કે નહીં ?

દાદાશ્રી : ના, એ ય આપણે સમજવા માટે. એના માટે વિશેષણ તો શબ્દથી જયાં સુધી પહોંચાય ત્યાં સુધી રૂપકના દાટા માર માર કર્યા, આ લોકોએ ! પણ તો ય આગળ રૂપક રહે. તે કયાં સુધી દાટા માર માર કરે ?

સંસારમાં ન ચેતનની ક્રિયા કોઈ !

પ્રશ્નકર્તા : ભરત ચક્રવર્તીને શુદ્ધાત્માનું જ્ઞાન હતું. ત્યાર પછી લઢાઈઓ લઢયા, ૧૬૦૦૦ રાણીઓ હતી, આ બધું હતું તો ય એ એ ભવે જ મોક્ષે ગયા ! એ કેમ ?

દાદાશ્રી : એ છે તે ચેતનમાં રહેતા હતા. વ્યવહાર આત્મામાં એ રહેતા ન હતા. એ કયાં રહે છે એ જોવાનું.

પ્રશ્નકર્તા : લઢાઈમાં કાપે તો ય ચેતનમાં રહેતા હતા ?

દાદાશ્રી : હા, તો ય એ ચેતનમાં રહેતા હતા. આ બધા પોતે ચેતનમાં રહીને જ બધું કરે છે. ને આ બધા પૂતળા મારંમાર કરે છે. પોતે તેમાં રહેતા નથી.

પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાતાદ્ષ્ટા કયાં રહ્યું?

દાદાશ્રી : કેમ ? આ લઢાઈમાં આત્મા હોતો જ નથી, ચેતન હોતું જ નથી. જે લઢાઈ છે તેમાં ચેતન હોતું જ નથી. આ સંસારમાં ય ચેતન બિલકુલ છે નહિ. પણ આ ભગવાને શા માટે કહ્યું કે હિંસા ના કરશો ? કારણ કે આખું જગત પોતે આનો માલિક થઈ બેઠો છે. એવી માન્યતા છે એમની કે હું છું. એટલે પાપ લાગે. ખરી રીતે આત્મા લઢતો ય નથી ને મારતો ય નથી. ને કપાતો ય નથી. એટલે લઢાઈઓ લઢે તો ય એમની દ્ષ્ટિ જ ત્યાં આગળ ભગવાનમાં હોય.

પુદ્ગલ પ્રસવધર્મી !

આ તો પુદ્ગલ એવા ધર્મવાળુ છે, એ પ્રસવધર્મી છે. આ બધુ જગતમાં જે દેખાય છે ને, તે બધી વસ્તુ પ્રસવધર્મી છે. એટલે આપણે અહીં આગળ બેઠા હોય ને અને જો કોઈક માણસે આજુબાજુ અરિસા ગોઠવ્યા હોય તો આપણે એક લાફો માર્યો હોય તો કેટલાય અરિસામાં એ બધુ દેખાય છતાં આપણે તો એક જ જગ્યાએ છીએ. એટલે આ બધુ પ્રસવધર્મી છે.

આ પુદ્ગલનો સ્વભાવ જ પ્રસવધર્મી છે. એનું મૂળ કારણ શું ? ત્યારે કહે, 'સ્પંદન '! સ્પંદનથી અવાજ થાય છે અને અવાજથી આ બધું ઉભું થઈ જાય છે.

પ્રશ્નકર્તા : એ જ શબ્દો પાછા મળે.

દાદાશ્રી : થોડીવાર પછીને ? એટલે એ પણ કહેશે કે, તું ચોર છે. તે આપણે આ અનુભવ કરી જોયો કે આપણે આપીએ તેવું આ પાછું આપે છે ! માટે આ તો સારું કહેવાય. કે જેવું આપણે આપીએ છીએ તેવું એ આપે છે. ને તો આપણે પાંસરા થઈ જવું જોઈએને ? 'તું રાજા છે કહેવું ત્યારે એ કહેશે, 'તું રાજા છે.' એટલે આપણને ગમતું હોય તે કહેવું. આપણે જે આપીએ એવું જ પાછું આપશે. ત્યાંથી જ ના સમજીએ કે આને રાજા કહો તો એ ય આપણને રાજા કહેશે તો પછી આપણે ખુશ.

એટલે આ બધું સ્પંદન સ્વરૂપ છે. વાવનો દાખલો તો તમને સમજવા માટે આપું છું. બાકી જગત સ્પંદન સ્વરૂપ છે. માટે બગાડશો નહીં જગતને ! ને બગડેલાને સુધારો. અત્યાર સુધી બગડી ગયુ છે, તે હવે સુધારો !

સ્પંદનનું ઉદ્ભવ સ્થાન !

પ્રશ્નકર્તા : આ સ્પંદન કેમ થાય છે ?

દાદાશ્રી : સ્પંદન તો એવું છેને, ચંચળમાં પોતે તન્મયાકાર થાય છે તેથી સ્પંદન થાય છે.

પ્રશ્નકર્તા : તો ચંચળ અને તન્મયાકાર થનાર 'વ્યક્તિ વિશેષ' એ બન્ને જુદાં છે ?

દાદાશ્રી : હા, તન્મયાકાર થનાર એ સ્વભાવનો અચળ છે અને આ ચંચળ છે, એ સચર છે. આ ચંદુભાઈ એ સચર છે અને તમે પોતે મૂળ સ્વરૂપે અચળ છો અને જેઆ વચ્ચે તન્મયાકાર થાય છે. એ તમારી રોંગ બીલિફ છે, ઇગોઈઝમ છે.

નોખું અસ્તિત્વ, પુરુષનું - પ્રકૃતિનું!

પ્રશ્નકર્તા : પ્રશ્ન મારો એવો છે કે પ્રકૃતિ અને પુરુષ, ચંચળતા અને શિવ એ બે વસ્તુ જુદી છે ?

દાદાશ્રી : હા જુદી છે. જે પુરુષ છે એ કાયમને માટે અચળ જ છે અને અત્યારે પણ અચળ છે અને આ પ્રકૃતિ છે એ સચર છે. એટલે સચરાચર જગત કહ્યું. પ્રકૃતિએ મિકેનિકલ છે એવું તમને લાગે છે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ મિકેનિકલ જ છે.

દાદાશ્રી : માટે એ ચંચળ કહ્યું અને પ્રકૃતિનું આ મિકેનિકલપણું કોઈ દહાડો ય છૂટે નહીં. પણ તમારી જે રોંગ બિલીફ છે અને રોંગ બિલીફથી પ્રકૃતિમાં હું પણાનો આરોપ થયો છે, કે 'હું આ છું, ચંદુલાલ તે જ હું છું' જે તમે નથી, ત્યાં હું છું એવો આરોપ કરવામાં આવ્યો છે એનાથી જગત ઉભું રહ્યું છે.

પ્રશ્નકર્તા : જો પ્રકૃતિ ચંચળ છે, મિકેનિકલ છે તો પછી પ્રકૃતિ એ નાશવંત હોવી જોઈએ ?

દાદાશ્રી : પ્રકૃતિ નાશવંત જ છે અને એ ક્ષણેક્ષણે વિનાશી છે. આ માણસ જન્મે છે ને ત્યારે બધી પ્રકૃતિ લઈને આવે છે. હવે જન્મે છે ને ત્યાંથી જ બોર્ડ વાંચે છે કે, 'વે ટુ સ્મશાન'. હવે તારે જેટલું દોડવું હોય તેટલું દોડ. રાતે દોડ, દહાડે દોડ પણ નિરંતર તું સ્મશાન ભણી જ જઈ રહ્યો છે. તું પચાસ, સાંઠ, સીત્તેર વર્ષે પણ સ્મશાનમાં જ જવાનો છે, એ નક્કી છે. માટે જેટલી સ્પીડ કરવી હોય એટલી કરજે. રસ્તામાં તારે શાદીઓ કરવી હોય તો શાદી કરજે ને ભજિયાં ખાવા હોય તો ભજિયાં ખાજે પણ વે ટુ સ્મશાન છે. તું સ્મશાન તરફ જ જઈ રહ્યો છે.

એટલે આ પ્રકૃતિ વિનાશી જ છે. ક્ષણે ક્ષણે આયોજન થઈ રહ્યું છે ને ક્ષણે ક્ષણે વિનાશ થઈ રહ્યો છે !

પ્રશ્નકર્તા : તો તો પુરુષ અને પ્રકૃતિ બેઉનું અસ્તિત્વ માનવુ પડશે.

દાદાશ્રી : હા અસ્તિત્વ છે જ. પણ પ્રકૃતિનું અસ્તિત્વ રીલેટિવ છે અને વિનાશી છે જયારે પેલું પુરુષનું અસ્તિત્વ રીયલ છે અને અવિનાશી છે.

પ્રકૃતિ કોના આધારે ?

પ્રશ્નકર્તા : તો પ્રકૃતિનું અસ્તિત્વ કોઈના ઉપર ડીપેન્ડેડ છે ?

દાદાશ્રી : એવું કોઈના ઉપર ડીપેન્ડેડ નથી. પણ એ રીલેટિવ છે.

પ્રશ્નકર્તા : રીલેટિવ એટલે કોનાં કોનાં આધારે પ્રકૃતિનું અસ્તિત્વ છે ?

દાદાશ્રી : એવું છે ને મહીં અંદર બધા બહુ જાતના આધાર છે, એક બે આધાર નથી, અનંત આધાર છે બધા. એટલે પ્રકૃતિ એ સામસામી આધારે કરીને બનેલી છે. વાયુના આધારે પિત્ત રહેલું છે ને પિત્તના આધારે કફ રહેલો છે. કફના આધારે આમ રહેલું છે. હાડકાના આધારે આ શરીર રહેલું છે અને શરીરના આધારે આ હાડકા રહેલાં છે. એટલે જાતજાતનું આ આધારી સંબંધ છે અને એને બહારેય આધાર છે. પણ બહારનાં જોડે એને લેવા દેવા નથી પણ એ તો ભ્રાંતિથી એમ માને છે કે મારે આ સંબંધ છે.

'જ્ઞાન' , સ્વભાવમાં, વિભાવમાં !

પ્રશ્નકર્તા : આ પ્રકૃતિ અને પુરુષ, બેઉ એક બીજા જોડે સંકળાયેલાં છે, એમાં પુરુષને મુક્ત થવાનું છે, તો એ કેવી રીતે મુક્ત થાય?

દાદાશ્રી : પુરુષ અને પ્રકૃતિ સંકળાયેલા નથી. બે સામિપ્ય ભાવમાં છે અને આ સામિપ્યભાવમાં હોવાથી પોતાના 'જ્ઞાન'માં એને વિભ્રમતા ઉત્પન્ન થાય છે કારણ કે પુરુષ જ્ઞાનમય છે તે એને વિભ્રમતા ઉત્પન્ન થાય છે કે 'આ કોણ કર્યું?' પછી 'મેં કર્યું' કહેશે અને ખરેખર આ બધુ ય પ્રકૃતિ કરે છે. બાકી ''જ્ઞાન'' બદલાય છે એટલે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન સ્વભાવમાં આવી જાય એટલે પ્રકૃતિ નાશ થઈ જાય. અત્યારે આ જ્ઞાન વિશેષભાવમાં છે અને એ સ્વભાવમાં આવી જાય તો પ્રકૃતિ નાશ થઈ જાય.

પ્રકૃતિનો કર્તા કોણ ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ જડ છે તો તેને કર્તૃત્વ શક્તિ કોણ આપે છે ?

દાદાશ્રી : ના, આ પ્રકૃતિ એ તદ્દન જડ નથી. એ નિશ્ચેતન-ચેતન છે અને નિશ્ચેતન- ચેતન એ કંઈ અચેતન નથી.

પ્રશ્નકર્તા : એને નિરંતર બદલાતી કહી શકાય ?

દાદાશ્રી : એ તો બદલાયા કરે છે, પણ આ પ્રકૃતિ એ નિશ્ચેતન ચેતન છે.

પ્રશ્નકર્તા : નિશ્ચેતન-ચેતન એટલે કઈ શક્તિ કહી શકાય ?

દાદાશ્રી : નિશ્ચેતન - ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન છે. કોઈ પણ વસ્તુ ''આપણે'' ચાર્જ કરી હોય તો પછી ડિસ્ચાર્જ એની મેળે થાય કે ના થાય ? એમાં ''આપણે'' કશું કરવું પડે ? એટલે આ બધું ડિસ્ચાર્જ છે, ઇફેક્ટિવ છે અને ઇફેક્ટિવ શક્તિને હું નિશ્ચેતન - ચેતન કહું છું. ઇફેક્ટિવમાં ચેતન હોય નહીં અને છતાં એ ચેતન જેવું દેખાય. ચેતન નહીં હોવા છતાં ચેતન જેવું દેખાય એટલે નિશ્ચેતન - ચેતન કહું છું.

સ્વરૂપ જ્ઞાન પછી ચાર્જ બંધ !!

પ્રશ્નકર્તા : પ્રકૃતિને કોઈ ચાર્જ કરે છે ? ને ચાર્જ કરતું હોય તો તે બંધનમાં આવેલો ગણાય.

દાદાશ્રી : તમે આ ચંદુભાઈ માનો છો એ જ ચાર્જ કરે છે. અને પછી ચંદુભાઈ જ બંધનમાં આવ્યા છે. આ જ્ઞાન મળી જાય, સ્વરૂપનું ભાન થઈ જાય, તો પછી ''તમે'' ચાર્જ કરતા બંધ થઈ ગયા. એટલે પછી એકલું ડિસ્ચાર્જ હોય. તે ડિર્સ્ચાજ તો બંધ કરી શકાય નહીં. આપને સમજાયું ને. ઇફેકિટવ હોય તો એ ઇફેકટ તો કોઈ બંધ કરી શકે નહીં. નવું ખાવાનું વખતે બંધ કરી દે, પણ ખાધું તેનું શું થાય ? સંડાસ ગયા વગર ચાલે ? એટલે આ 'જ્ઞાન' જેને આપેલું છે, એ બધાનું ચાર્જ બંધ થઈ ગયું છે.

કાયમ નિજ-રમણતા

અહીં વ્યવહાર કેવો ? નિરંતર આજ્ઞામાં જ રહેવાનું. બધાં માણસો નિરંતર અમારી આજ્ઞામાં જ રહે. એમાંથી થોડાં ઘણાં કાચા પડી જાય. પણ ત્યારે એમને 'દાદા' નિરંતર યાદ રહ્યા કરે તો ય બહુ થઈ ગયું ને ! નિરંતર 'દાદા' યાદ રહે પછી શું બાકી રહ્યું ! અમે પાંચ આજ્ઞા આપીએ છીએ એ પાંચ આજ્ઞામાં જ નિરંતર રહે અને પોતાના સ્વરૂપના ભાનમાં! એટલે નિરંતર નિજરમણતા થઈ, પરરમણતા ખસી ગઈ. અનાદિકાળથી પરરમણતા હતી પણ તેને બદલે નિજરમણતા થઈ ગઈ. એનું નામ અક્રમવિજ્ઞાન.

પ્રશ્નકર્તા : ઉપયોગ આખો ફરી ગયો.

દાદાશ્રી : હા, ફરી ગયો, ઉપયોગ શુદ્ધ થયો. શુભ ઉપયોગ હતો તેને બદલે શુદ્ધ ઉપયોગ થઈ ગયો.

એવું આ અક્રમ વિજ્ઞાન

આ તો અક્રમ વિજ્ઞાન છે, કલાકમાં મોક્ષ આપે એવું છે. અમારા કહ્યા પ્રમાણે ચાલે તે બધાને અહીં જ મોક્ષ રહે. ક્રોધ-માન-માયા-લોભે ય ના થાય, કશું થાય નહીં. પછી કશું જોઈએ ખરું ? સોળેય પ્રકારનાં ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં.

એટલે આ અક્રમ વિજ્ઞાન તરત મુક્તિ આપે એવું છે. આ વ્યવહારિક માર્ગ ન્હોય. આ સંસારમાં ચાલતો ક્રમિકમાર્ગ એ ન્હોય. આ તો અક્રમમાર્ગ છે. લિફટમાર્ગ છે.

જય સચ્ચિદાનંદ