અથડામણ ટાળો

'કોઈનીય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.'

આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોંચીશ. તારી ભક્તિ અને અમારૂં વચનબળ બધું જ કામ કરી આપે. સામાની તૈયારી જોઈએ.

અમારૂં એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય. અરે, અમારો એક શબ્દ જેમ છે તેમ આખો જ ગળી જાય તો ય મોક્ષ હાથમાં આવી જાય તેમ છે, પણ એને જેમ છે તેમ ગળી જા. એને ચાવવા કે ચંૂથવા ન માંડીશ. તારી બુધ્ધિ કામ નહીં લાગે અને એ ઊલટાનો ડખો કરી નાખશે.

માટે જ્યાં હો ત્યાંથી અથડામણને ટાળો. આ અથડામણો કરી આ લોકનું તો બગાડે છે, પણ પરલોક પણ બગાડે છે. જે આ લોકનું બગાડે તે પરલોકનું બગાડ્યા વગર રહે નહીં. આ લોક સુધરે તેનો પરલોક સુધરે. આ ભવમાં આપણને કોઈપણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પરભવે પણ અડચણ છે જ નહીં અને અહીં અડચણ ઊભી કરી તો તે બધી ત્યાં જ આવવાની છે.

પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય?

દાદાશ્રી : માથું ફૂટી જાય! એક માણસ મને સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો. તેને મેં કહ્યું કે, 'અથડામણ ટાળજે.' મને પૂછ્યું કે 'અથડામણ એટલે શું?' ત્યારે મેં ક્હ્યું કે, 'આપણે સીધા ચાલતા હોઈએ ને વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું?' ત્યારે એ કહે કે, 'ના, અથડાઈએ તો માથું ફૂટી જાય.'

આ પથરો આમ વચ્ચે પડેલો હોય તો આપણે શું કરવું જોઈએ? ફરીને જવું જોઈએ.

આ વડોદરાના ગાયકવાડ સરકાર હોય, સાંકડી પોળમાંથી પસાર થતા હોય ને એટલામાં સામેથી એક મોટાં શીંગડાવાળો મોટો આખલો સામેથી માર માર કરતો આવતો હોય તો ત્યાં મહારાજા સાહેબ શું કરે? આખલાને શું એમ કહે કે, 'હેય ભેંસના ભાઈ, મારા રાજમાં તું ક્યાંથી? ખસી જા વચ્ચેથી!' એવું કહે તો એ આખલો શું ખસી જાય? આખલો શું કહે કે તું રાજા તો હું મહારાજા? આવી જા! એ તો સામો રાજાને અથડાવાનો જ. જો રાજાને આખલા જોડે અથડાવું ના હોય, તો એણે ધીમે રહીને ખસી જવું જોઈએ ને ઓટલે ચઢી જવું જોઈએ. આમ કોઈ આપણને અથડાવા આવે તો આપણે સમજી જવું કે આ આખલો આવ્યો, પણ મનમાં મોઢેં ના કહેવાય પાછું હં કે! કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતા હોય, ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં છતાં કંઈક અસર ઓચિંતી થઈ ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી, એટલે આપણે ખસી જવું, એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે! આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે.

એક ભાઈને એકાવનની સાલમાં આ એક શબ્દ આપ્યો હતો. 'અથડામણ ટાળ' કહ્યું હતું એને એવી રીતે સમજણ પાડી હતી. હું શાસ્ત્ર વાંચતો હતો. ત્યારે એ મને આવીને કહે કે, 'દાદા, મને કશુંક આપો.' એ મારે ત્યાં નોકરી કરતો હતો. ત્યારે મેં એને કહ્યું, 'તને શું આપે? આખી દુનિયા જોડે લઢીને આવે છે. મારામારી કરીને આવે છે. રેલ્વેમાં ય ઠોકાઠોક કરે. આમ પૈસાના પાણી કરે ને રેલ્વેને જે કાયદેસર ભરવાના છે તે ના ભરે અને ઉપરથી ઝઘડા કરે. આ બધું હું જાણું તે મેં એને કહ્યું કે 'તું અથડામણ ટાળ. બીજું કશું તારે કરવાની જરૂર નથી.' તે આજ સુધી હજીયે પાળે છે. અત્યારે તમે એની સાથે અથડામણ કરવાની નવી નવી રીતો ખોળી કાઢો જાતજાતની ગાળો ભાંડો તો એ આમ ખસી જશે.

માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે એમ કહ્યું છે. દરેક માણસ, અરે! જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં. તે પછી સાપ હોય, વીંછી હોય, બળદીયો હોય કે પાડો હોય. ગમે તે હોય પણ વેર રાખે. કારણકે બધામાં આત્મા છે. આત્મશક્તિ બધામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે, પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં. અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું!

એમાં સહન કરવાનું ખરૂં ?

પ્રશ્નકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને?

દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો? સહન કરવું અને 'સ્પ્રીંગ' દબાવવી એ બે સરખું છે. 'સ્પ્રીંગ' દબાવેલી કેટલા દહાડા રહેશે? માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, 'સોલ્યુશન' કરવાનું શીખો.

અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો 'સ્પ્રીંગ' ઊછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે.

એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ ક્યા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી કો'ક વાર તપાસ કરી લેવી કે સામો શુધ્ધાત્મા છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે. સામો તો નિમિત્ત છે, પછી આપણને આ જ્ઞાન 'ઈટસેલ્ફ' જ 'પઝલ' સોલ્વ કરી આપે.

ક્યું સાચું?

સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે 'એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને?' ત્યારે કહે, 'ના.' 'બસ, અમારે એટલું જ જોઈએ.'

એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતું નથી ને! 'ચોરીઓ કરી કે દાન આપ્યું' એવું એવું કશું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તો ય 'જય સચ્ચિદાનંદ' ને દાનેશ્વરી જાય તો ય 'જય સચ્ચિદાનંદ'. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બન્ને રોગીષ્ઠ છે. ચોરને ચોરી કરવા પાછળ ઈરાદો શો છે? 'પૈસા લાવીને સુખી થઈ જઉં' અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે? કે 'પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી થઉં.' એટલે બન્ને સરખા છે. ભગવાન બેઉને રોગીષ્ઠ કહે છે, નીરોગી નથી કહેતા. નીરોગી એટલે, કોઈપણ જાતનું જેને આવું દ્વંદ્વ કશું રહ્યું નથી તે નીરોગી છે. એ વીતરાગ છે. તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું?

પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.

દાદાશ્રી : હા. અને તે તરત 'એક્સેપ્ટ' કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ!' એટલે થઈ ગયો ઉકેલ, પછી 'પઝલ' સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ 'પઝલ' સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણે અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે 'હું તો પહેલેથી જ વાંકો છું.'

એડજસ્ટ એવરીવ્હેર

દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ્સ હોવા જ જોઈએ, છતાં ય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. 'એડજસ્ટમેન્ટ' જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે. 'એડજસ્ટમેન્ટ' તો, તારી જોડે જે જે કોઈ ડીસએડજસ્ટ થવા આવે તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ વહુને કે દેરાણી જેઠાણીને ડીસએડજસ્ટમેન્ટ થતું હોય તો, જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ ! ધણી-ધણીયાણીમાં ય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે તેને લોક મેન્ટલ કહે છે. આ રીલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ? એવરીવ્હેર એડજસ્ટેબલ! ચોરની સાથે ય એડજસ્ટ થવું જોઈએ. આજના મનુષ્યોની દશા ઘાંચીના બળદ જેવી થઈ ગઈ છે, પણ જાય ક્યાં? આવી ફસાયા તે ક્યાં જાય.

એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ, નળ ખોલ્યો તો ટાંકી ખાલી, પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, આજે દાદાને નહાતાં બહુ વાર લાગી. તે શું કરીએ? પાણી ટાઢું થાય ત્યારે ને? અમે કોઈને ય આ લાવો ને તે લાવો એમ ના કહીએ. એડજેસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માયનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માયનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માયનસ કરવાનું. અમે તો અમારા ડહાપણને ય જો કોઈ ગાંડપણ કહે તો એમ કહીએ, 'હા, બરાબર છે.' તે માયનસ તુર્ત જ કરી નાખીએ.

વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું, તો 'એડજસ્ટ-મેન્ટ' એકપક્ષી ના હોવું જોઈએ ને?

દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પાડોશી ય કહે કે 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલા 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જશે. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.

એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવેલા તે મને કહે છે કે સાડાત્રણ હજારનો પગાર (૧૯૭૦માં) મળે છે. ત્યારે મેં કહ્યું, બહુ અનુભવ એટલે ? ત્યારે કહે, હા અનુભવ ઘણો જબરજસ્ત. મેં કહ્યું કે એકાદ દહાડો જ્ઞાન લઈ જજે, તે સારું કામ ચાલે ! બાકી સાડાત્રણ હજારનો પગાર એટલે બીજો કશો તારે વાંધો જ નહી ને. મેં કહ્યું, સાડાત્રણ હજાર એટલા બધા રૂપિયા કરો છો શું પછી ? ત્યારે કહે, અત્યારે તો આ મોંઘવારીમાં શી રીતે ? ત્યારે મેં કહ્યું, પણ શું શું કરો છો ? થોડું ઘણું કહો મને. ત્યારે કહે પંદરસો તો મારી પત્નીને આપું છું ત્યારે મેં જાણ્યું, રસોડા ખાતે આપતા હશે, તે મેં કહ્યું, રસોડામાં તો આપવા જ પડે ને, એમાં વાંધો નહીં, પંદરસો આપો તો. ત્યારે એ પાછો બોલી ઊઠયો, ના એવું નહીં, રસોડામાં નથી આપતો. પંદરસો તો મારી વાઈફને આપવામાં જાય છે. પોલ ફૂટયું આ ! શી એની અક્કલ નીકળી આ ! હા, હવે તમે સી.એ. ખરા !! સી.એ. જુદો રહે અને વહુ જુદી રહે. તમે આવા સી.એ. થયેલા માણસને સ્ત્રી જુદી રહે, તમારી બહાર આબરુ કેટલી હશ ે?? આબરુ તો જતી રહેને પછી કે ના જતી રહે ? પછી મેં પૂછયું, શાથી જુદી રહે છે ? ત્યારે કહે, મને મેળ નથી પડતો. મેં કહ્યું, છોકરું છે ? ત્યારે કહે, એક છોકરું છે તેની સાથેરહે છે. એને પંદરસો આપું છું અને બીજું મારે ખાવાપીવા જોઈએ બધું. મેં કહ્યું, બહુ અક્કલવાળા! સી.એ. થયેલા બીજાની ભાંજગડોને તો સુધારી આપે, પણ આ તો પોતાના હિસાબમાં ભૂલ કરી, તમે એક માણસનું સમાધાન ના કરી શકો ? એક બઈ, પોતાની જોડે જેણે શાદી કરેલી છે તે બઈનું સમાધાન ના કરી શકો ? તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાઉ ! તમે તો ભયંકર ગણતરીબાજ. હું વઢયો. મેં કહ્યું, સી.એ. કોણે કર્યા આ ? શી રીતે પાસ થયેલા ? ચોરીઓ કરીને પાસ થયા'તા ? સી.એ. તો કેટલો બધો અક્કલવાળો હોય ! બીજું આજુબાજુ વાળાને જો કદી ભાંજગડ પડી હોય તો સાંધી આપે એવો હોય અને તમે ઘરમાં ફેકચર કરી નાંખ્યું આ! છેડો ફાડી નાખ્યો આખો ? ત્યારે કે 'દાદાજી તમે એને ઓળખતા નથી, બહુ જ ખરાબ બૈરી છે આ.' મેં કહ્યું, એ વાતે ય ખરી છે પણ હું હમણે એને પૂછી આવીશ કે ધણી કેવા છે, તો શું કહેશે એ ?

પ્રશ્નકર્તા : એ ય એવું જ કહે, ખરાબ છે.

કોમનસેન્સ : માસ્ટર કી

વ્યવહાર શુધ્ધ થવા માટે શું જોઈએ? 'કોમનસેન્સ કમ્પ્લીટ' જોઈએ, સ્થિરતા-ગંભીરતા જોઈએ.

વ્યવહારમાં 'કોમનસેન્સ'ની જરૂર. 'કોમનસેન્સ' એટલે 'એવરીવ્હેર એપ્લિકેબલ'. સ્વરૂપજ્ઞાન સાથે 'કોમનસેન્સ' હોય તો બહુ દીપે.

પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય?

દાદાશ્રી : કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં એવી રીતે રહે તો 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કોમનસેન્સ' જતી રહે! ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.

સામાના ઘર્ષણથી 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં 'કોમનસેન્સ' ભેગી થાય.

આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે અગર તો સામાન્ય જનતામાં કો'ક માણસ એવી રીતે રહી શકે, એવા પુણ્યશાળી લોકો હોય છે! પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે!

ઘર્ષણ તોડે માથાં....

નોકર પ્યાલા-રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય. એનું શું કારણ? ભાન નથી, જાગૃતિ નથી કે 'મારૂં ક્યું ને પારકું ક્યું? પારકાનું હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે?'

આ જે તમને એમ લાગે છે કે 'હું ચલાવું છું' તે એમાનું તમે કશું ચલાવતા નથી. એ તો તમે ખાલી માની બેઠા છો. તમારે જે ચલાવવાનું છે તે તમને ખબર નથી.

દાદાશ્રી : આ ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય?

પ્રશ્નકર્તા : માથું ફૂટી જાય.

દાદાશ્રી : એ તો જડ છે! પેલાં તો ચેતનવાળાં જોડે ઘર્ષણ, તે શું થાય?

ભગવાન મહાવીરને એકુંય ઘર્ષણ થયું નહોતું, જન્મ્યા ત્યારથી તે ઠેઠ સુધી! અને આપણે તો પચાસ હજાર-લાખ થવાં જોઈએ તેને બદલે કરોડો થયાં, તેનું શું? અરે! દહાડામાં યે વીસ-પચ્ચીસ વખત તો હોય જ. અમથો અમથો ય આંખ ઊંચી થઈ જાય કે ઘર્ષણ, બીજા ઉપર કંઈ અવળો ભાવ થયો એ બધું ઘર્ષણ!

આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્નેપક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.

આખું જગત ઘર્ષણ અને સંઘર્ષણમાં પડેલું છે. આ દિવાળીને દહાડે બધા નક્કી કરે કે 'આજે ઘર્ષણ નથી કરવું' માટે તે દહાડે સારૂં સારૂં ખાવાનું મળે, સારાં સારાં કપડાં પહેરવાનાં મળે, બધું જ સારૂં સારૂં મળે, જ્યાં જાવ ત્યાં 'આવો, આવો' કરે એવો પ્રેમ મળે. સંઘર્ષ ના હોય તો પ્રેમ રહે, ખરૂં-ખોટું જોવાની જરૂર જ નથી.

વ્યવહારિક બુધ્ધિ વ્યવહારમાં તો કામ લાગે જ, પણ એ તો એની મેળે એડજસ્ટ થયેલી જ છે! પણ બીજી વિશેષ બુધ્ધિ છે, એ જ હંમેશા સંઘર્ષ કરાવે છે.

ઘેર બેઠાં તપ

તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠા જ અનાડી દેશ છે! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ! જમીએ ત્યાં જ, ખાઈએ-પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા સાઠ માઈલ વિચરવું પડ્યું હતું, અનાડી દેશ ખોળવા માટે! જ્યારે આજે તો ઘેર બેઠા જ અનાડીપણું લોકોનું નથી લાગતું? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને! આ કાળના લોકો ય કેટલા પુણ્યશાળી છે! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી-પાડોશીઓ, ભાગિયા, ભાઈઓ, વહુ, છોકરાં, બધાય તપ કરાવે એવું છે! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ પ્રતિકૂળ કાળ આવ્યો છે કે ક્યાંય 'એડજસ્ટમેન્ટ' જ ના થાય. ઘરમાં , બહાર, પાડોશીઓ, બધેથી જ 'ડિસ્એડજસ્ટમેન્ટ' આવી પડે. તેને તું સહન કર અને 'એડજસ્ટ' થઈ જા.

સરળતા એ અધ્યાત્મની કમાણી

પ્રશ્નકર્તા : દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ. તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું?

દાદાશ્રી : એવું છે કે, કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોવડાવી નાખવા ફરે છે, તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા, તો પછી આપણી પાસે રહ્યું શું? સામાન બધો ખલાસ થઈ ગયો! અને પછી નાદારી નીકળે!!

દેહની અથડામણ તો થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય, પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુધ્ધિના ડાઘ પડ્યા હોય તેને કોણ કાઢે? હજારો અવતારે ય ના જાય.

જ્ઞાનીને ઘર્ષણ ન કદિ

સંસારનો અર્થ જ સમસરણ માર્ગ! એટલે નિરંતર પરિવર્તનપણાને પામ્યા કરે. ત્યારે ઘૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઈને મરી જઈશ! જમાના પ્રમાણે 'એડજસ્ટમેન્ટ' લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધા જોડે 'એડજસ્ટમેન્ટ' થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરૂણાવાળા છે. અમે ચોરને 'તું ખોટો છે' એવું ના કહીએ, કારણકે એનો એ 'વ્યુ પોઈન્ટ' છે. ત્યારે લોક એને 'નાલાયક' કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી? 'સાવ જુઠ્ઠો કેસ જિતાડી આપીશ' એમ કહે, તે એ ઠગારા ના કહેવાય? ચોરને 'લુચ્ચો' કહે, ને આ તદ્ન જુઠ્ઠા 'કેસ'ને 'સાચો' કહે તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય? છતાં એનું ય ચાલે છે ને? કોઈને ય અમે 'ખોટો' ના કહીએ. એ એના 'વ્યુ પોઈન્ટ'થી 'કરેક્ટ' જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે તેનું ફળ તને શું આવશે.

એડજસ્ટ થાઓ જમાનાને !

આ ઘૈડિયા ઘરમાં પેસે તો કહેશે, 'આ લોખંડનું કબાટ? આ રેડિયો? આ આવું કેમ?' એમ ડખો કરે. અલ્યા કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે 'અમારાથી ભાગો.' આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો ઘૈડિયા એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુધ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે 'જમાના પ્રમાણે એડજસ્ટ થાવ.' છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, 'આવું કંઈથી લઈ આવ્યો?' એના કરતાં 'એડજસ્ટ' થઈએ કે 'આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો? કેટલાની આવી? બહુ સસ્તી મળી?' આમ 'એડજસ્ટ' થઈ જઈએ.

જય સચ્ચિદાનંદ