અક્રમમાર્ગઃ અગિયારમું આશ્ચર્ય!
મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગ બે છે : પ્રથમ 'ક્રમિક માર્ગ.' તેમા ક્રમે ક્રમે ત્યાગ કરતા કરતા જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો 'અક્રમ માર્ગ.' 'આ' દસ લાખ વર્ષે નીકળે છે, જે વર્લ્ડનું આશ્ચર્ય છે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે 'આ' માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઇ જાય. 'આ' તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઇએ, તે 'આ' રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ. 'ક્રમિક માર્ગ'માં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયાં ચઢી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયાં ઊતરી પણ પડે. એમાં ઠેકાણું નહીં, અત્યંત કષ્ટ પડે અને આ 'અક્રમ માર્ગ' તો સેફ સાઇડ માર્ગ. લિફ્ટમાંથી પડવાનો ભો જ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય. ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે, લડાઇઓ લડતાં, રાજ ભોગવતાં મોક્ષ ! ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો, તેમાંથી નવ્વાણુંને તેમણે દીક્ષા આપીને મોક્ષ આપેલો. સૌથી મોટા પુત્ર તે ભરત ચક્રવર્તી. તેમને રાજ ચલાવવાનું સોંપ્યું. ભરત રાજા તો લડાઈઓ લડતા લડતા ને મહેલમાં તેરસો રાણીઓથી કંટાળી ગયા. તે ભગવાન પાસે ગયા ને તેમણે પણ દીક્ષા માગી ને મોક્ષ માગ્યો. ભગવાને કહ્યું કે, 'જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ કોણ સંભાળે ? માટે તારે તો રાજ સંભાળવું પડશે. પણ જોડે જોડે હું તને એવું 'અક્રમજ્ઞાન' આપીશ કે લડાઈઓ લડતાં, રાજ ભોગવતાં ને તેરસો રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય.' તે તેવું આશ્ચર્ય જ્ઞાન આપ્યું ! તે જ 'અક્રમ-જ્ઞાન'. તે જ ઋષભદેવ દાદા ભગવાનનું જ્ઞાન 'અમે' તમને કલાકમાં જ રોકડું આપીએ છીએ. પછી તમારે તમારો સંસાર-વહેવાર ચલાવવાનો, છોકરાં પરણાવવાનાં, બધું જ કરવાનું. કશું જૂનું છોડવાનું નથી કે નવું ગ્રહણ કરવાનું નથી. છોડવાનું અમે તમને છોડાવી આપીએ છીએ. અહંકાર અને મમતા છોડાવીએ છીએ. અને 'શુધ્ધાત્મા' ગ્રહણ કરાવીએ છીએ. પછી ત્યાગ-ગ્રહણ કશાનું કરવાનું બાકી રહેતું નથી. 'હું ચંદુલાલ' તે અહંકાર ઉઠાવી લઈએ છીએ ને 'હું શુધ્ધાત્મા છું' એ ગ્રહણ કરાવીએ છીએ. બસ, આમાં ગ્રહણ-ત્યાગ બધું જ આવી જાય છે ! ભરતરાજાને તો ચોવીસે ય કલાક માટે નોકરો રાખવા પડતા. તે દર પા પા કલાકે ઘંટ વગાડીને કહે, 'ભરત ચેત, ચેત, ચેત.' તો તે સાંભળી ભરત રાજા ગાફેલ થયા હોય તો પાછા જાગ્રત થઈ જાય. જયારે આજે તો તમે જ દોઢસોની નોકરી કરતા હો ત્યાં તમે એ નોકર શી રીતે પોષાય ? તેથી 'અમે' તમારી મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ ! તે તમને ક્ષણે ક્ષણે ચેતવ ચેતવ કરે ! અમે મહીં એવી પ્રજ્ઞા બેસાડી દઈએ છીએ કે નિરંતર જ્ઞાન અને અજ્ઞાન જુદું જ પાડી આપે! 'હું કોણ છું' એ નથી સમજાતું. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું. પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સરળ છે. પણ જ્ઞાન માટે 'જ્ઞાની'નું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. 'જ્ઞાની' પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય; એ તરણતારણ કહેવાય. અને આ કાળમાં આ 'અક્રમ માર્ગ' એ તો ગજબનો કુદરતી જ બની ગયો છે ! આ તો લિફટ માર્ગ ઊભો થઈ ગયો છે ! તે ભજિયાં-જલેબી ખાતાં, તપત્યાગ કર્યા વગર નિરંતર મોક્ષસુખમાં જ રહેવાય. 'ક્રમિક માર્ગ'માં ક્રમે ક્રમે તપ ત્યાગ કરતાં કરતાં, અહંકારને શુધ્ધ કરતાં કરતાં જવાનું. અહંકારને એટલો બધો શુધ્ધ કરવાનો કે માન આપે તો અડે નહીં. એવો અહંકાર શુધ્ધ થાય તો આત્મા પ્રાપ્ત થાય. અહંકાર શુધ્ધ કરતાં કરતાં એટલો બધો શુધ્ધ થાય કે શુધ્ધ અહંકાર ને શુધ્ધ આત્મા બેઉ ભેગા થઇ જાય! માન અને અહંકાર એ બે જુદી વસ્તુ છે. સ્વક્ષેત્રમાં 'પોતે' જયાં છે ત્યાં પોતે માને તે અહંકાર નથી. જયાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું તે અહંકાર કહેવાય. જયારે ક્રોધ, માન, માયા, લોભ એકુંય ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુધ્ધ થાય. 'ક્રમિક' માં ત્યાગ કરતાં કરતાં આગલા પદન ુંઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. એ બંને ય ક્રમિકમાં સાથે રહે અને ત્યાગ કરે તો ય પાછો અહંકાર તો રહે જ! ને પાછો 'મેં ત્યાગ્યું' એનો કેફ ચઢે. આખું જગત જે માર્ગે ચાલ્યું છે એ 'ક્રમિક માર્ગ.' સ્ટેપ બાય સ્ટેપ જવાનું એમાં. અને એમાં કંઇક છોડતા જવાનું ને કંઇક ગ્રહણ કરવાનું, અને કોઇ કુસંગ મળે તો કેન્ટિનમાં લઇ જાય ને કહેશે, 'હેંડો, હું પૈસા ખર્ચીશ'. તે પોતાના પૈસા ખર્ચી કેન્ટિનમાં લઇ જાય ! એવો જોખમવાળો 'ક્રમિક માર્ગ' છે ! તેથી તો આ અનંત અવતાર ભટકી મર્યા છે ! આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે 'ફાઇલો' રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તો ય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે. 'ક્રમિક માર્ગ'માં આરંભ અને પરિગ્રહ, અહંકાર ને મમતા ઓછી કરતાં કરતાં જવાનું હોય. ત્યાગ કરે એટલે પરિગ્રહ ઓછો થાય અને એટલે મમતા ઓછી થાય. એમ આગળ વધવાનું ને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ન થાય તો ઠેઠ સુધી પહોંચી જાય ! નહીં તો એક જ કુસંગ પાછાં કેટલાય પગથિયાં ઉતારી દે ! 'ક્રમિક માર્ગ'માં તો છેલ્લા અવતાર સુધી આરંભ-પરિગ્રહ રહે પણ જેટલો આરંભ- પરિગ્રહ ઘટતો જાય તેટલા અંશે ક્રોધ, માન, માયા, લોભ ઘટતાં જાય. છતાં, મહીં અકળામણ રહ્યા કરે, ઠેઠ સુધી રહ્યા કરે. અને 'અક્રમ માર્ગ'માં ક્રોધ, માન, માયા, લોભ રહેતાં જ નથી, અને છતાં જે અસર માલૂમ પડે છે એ ક્રોધ નથી, એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે. એમાં આત્મા ભળે, 'તન્મયાકાર' થાય તો એ ક્રોધ કહેવાય. બન્ને ભેગા થાય ત્યાર પછી સળગે છે. અને 'અમે' તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે. એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બંધુ ય થાય, પણ તાંતો ના રહે. તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય. લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે, પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. એમાં આત્મા ભળે તો રાગદ્વેષ છે. ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા! આપણા શરીરમાં ઇલેકટ્રિકલ બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબકપણાને લીધે આ દેહ ખેંચાય છે. તે એને કહે છે, 'હું ખેંચાયો!' તારી ઇચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ? ક્રોધ, માન, માયા, લોભ 'અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે ! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે કયારે ય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. 'જગ્યા' છોડવાથી જ ડખો થાય. 'પોતાની જગ્યા' ના છોડવી જોઇએ. 'પોતાની જગ્યા' છોડવાથી નુકસાન કેટલું છે કે 'પોતાનું સુખ' અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ 'અમે' આપેલો આત્મા જરા ય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે પ્રતીતિ રૂપે ! આ 'જ્ઞાન' આપ્યા પછી તાંતો ગયો, તંત ગયો. તાંતાને જ ક્રોધ, માયા, માન, લોભ કહે છે. જેનો તાંતો ગયો તેનો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ગયું ! કારણ અમે એનો આધાર જ કાઢી લઇએ છીએ. એટલે એ બધાં નિરાધાર થઇ જાય છે. ભગવાન શું કહે છે કે, 'જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર જગત ઊંભું રહ્યું છે. ક્રિયાઓ સારી છે કે ખોટી ? તો ભગવાન કહે છે કે ક્રિયાઓ સારી ય નથી કે ખોટી ય નથી. પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ અને કુટેવો કાઢ કાઢ કરીશ. પણ એ સુટેવો કે કુટેવો એના પોતાથી ઊભી રહી નથી, માટે તેના આધાર કાઢી નાખ તો એ સુટેવો ને કુટેવો એની મળે ખરીને પડી જશે.' આ જગતના લોકો સુટેવોને આધાર આપ આપ કરે છે ને કુટેવોને કાઢ કાઢ કરે છે, એટલે આધાર તો રહ્યો જ. અને આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. અને આ સંસારમાં તો અનંત ચીજો છે. તે 'પોતે' ના ખસે તો એક એક ચીજને કયારે ખસેડે ? પણ આધાર ગયો તો બધું જ ગયું. ઘરમાં બાર માણસમાં કમાનાર મરી જાય તો લોક કહેશે કે અમારો આધાર ગયો. આ 'નિશ્ચય'માં પણ એવું જ છે. આ સંસારમાં વાળે વાળે લોચ કરે તો ય કશું વળે એવું નથી. અનંતી ચીજો છે. તો એના કરતાં તું જ ખસી જા ને ! પછી માથે રાન હોય કે વેરાન હોય તો ય તેનો શો વાંધો ? આ 'અક્રમ માર્ગ'માં પહેલું અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે. એટલે હું કયાં તમને કશું છોડવાનું કહું છું ? 'ક્રમિક'માં 'જ્ઞાની પુરુષ' આખી જિંદગીમાં બે શિષ્યોને ત્યાગ કરાવી શકે! ને જોડે જોડે પોતાને પણ ત્યાગ કરવો પડે. નવું પગથિયું ગ્રહણ કરવાનું અને જૂનાનો ત્યાગ કરવાનો. ને અહીં અક્રમમાં તો આત્મા ગ્રહણ કરવાનો હતો તે થઇ ગયો ને અહંકાર ને મમતાનો ત્યાગ થઇ ગયો. ને કામ થઇ ગયું! નહીં લોચ કે નહીં તપ-ત્યાગ કે ઉપવાસ ! 'ક્રમિક માર્ગ'માં પોતે તપનો આધાર થાય છે ! તે તેમાં 'હું' ને 'શુધ્ધાત્મા ' જુદા હોય. કો'કે એમનાં શાસ્ત્રનાં પાનાં ફાડી નાખ્યા હોય તો તેમને મહીં ખેદ થાય કે, આ મારા ચોપડા ફાડી નાખ્યા! બહાર તો, જાહેરમાં તો 'જ્ઞાની' હોય તેવું પદ રાખે. પણ મહીં 'હું' પણું સૂક્ષ્મપણે વર્ત્યા કરે. તેમનામાં 'હું' ને 'શુધ્ધાત્મા ' જુદા હોય. એમને ઠેઠ સુધી 'હું' ખરો. એ ' 'ક્રમિક માર્ગ' શો છે ? અહંકારને શુધ્ધ કરો. વિભાવિક અહંકાર છે તે શુધ્ધ કરવાનો હોય તેમને. પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું. આ તો રોંગ બીલિફ અને રોંગ જ્ઞાન છે અને તેથી રોંગ વર્તન થાય છે. રાઇટ જ્ઞાનદર્શન પોતાની જાતે ના થાય, અને એમાં પણ આ રોંગ બીલિફ તો કોઇ પણ પ્રકારે તૂટે નહીં. તેને માટે તો સાયન્ટિસ્ટ જોઇએ, 'જ્ઞાની પુરુષ' જોઇએ અને તે ય 'જ્ઞાની પુરુષ' પાછા સંપૂર્ણ જોઇએ તો જ આપણું કામ થાય. વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાં ય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં ; અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાં ય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ ''જ્ઞાન'' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરૂષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુધ્ધાત્મા 'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જયારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડયું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી કયારે ય પણ ચુકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહેછે. રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઇ વસ્તુ યાદ આવે છે ?' પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એ જ યાદ આવે છે. દાદાશ્રી : નહીં તો લોકોને તો આ જગતની કોઇ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે પણ તમને તો 'શુધ્ધાત્મા ' જ પહેલો યાદ આવે. અલખનું કયારે ય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને અલખ નિરંજન કહો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે! આ 'અક્રમ જ્ઞાની'ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઇ જાય છે!!! ખરો મોક્ષ માર્ગ નીકળ્યો છે. પણ સમજણ પડે તો કામ થાય, અને ના સમજણ પડે તો રખડી મર્યો ! પેલું 'ક્રમિક વિજ્ઞાન' છે અને આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ જ્ઞાન તો 'વીતરાગો'નું જ છે. 'જ્ઞાન'માં ફેર નથી. 'અમે' જ્ઞાન આપીએ પછી તમને આત્મઅનુભવ થઇ જાય. તો શું કામ બાકી રહે ? 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને 'અમારી' આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે! આપણે ત્યાં અહીં 'આ' 'અક્રમ માર્ગ' બહુ સહેલો, સરળ, ટૂંકો અને ભગવાનના શબ્દે શબ્દો સમાયેલા છે એવો છે ! રોકડો મોક્ષ માર્ગ છે એટલે એની પાછળ તમારાથી પડાય એટલું ઓછું એમ સમજજો. નહીં તો મનની ગાંઠો ઓગાળાય એવો રસ્તો તે હોતો હશે ? મનને તો સ્થિર કરાય એવા રસ્તા બહાર હોય પણ તે ઓગળે નહીં. મનને સ્થિર કરવાની દવા એકાગ્રતા. પણ એનાથી અહંકાર વધે. આપણે અહીં તો મન સ્થિર થાય, ગાંઠો ઓગળે ને અહંકારની વચ્ચે ડખલ જ નહીંને ! જાણે અહંકારને પેન્શન આપી દીધું ના હોય એવું ! 'ક્રમિક માર્ગ'માં તો ભાવતું હોય ને વધારે ખવાઇ જાય તો ઉપાધિ અને આપણને તો કંઇ ઉપાધિ જ નહી ને ! આપણને તો ધર્મ, ધર્મ થઇને પરિણામ પામે અને સુખ મહીં ઊભરાય. આપણે અહીં તો ગુરૂ-શિષ્યનો ભેદ રાખ્યો જ નથી. તમને અમારી જોડે જ બેસાડયા છે. તે નિશ્ચયથી બારમાં ગુંઠાણામાં અમારી જોડે જ બેસાડયા છે અને તે ય શુકલ ધ્યાનમાં ! આપણું આ શા આધારે નિશ્ચયથી બારમું ગુંઠાણું કહેવાય છે? કારણ કે શુકલ ધ્યાન ઊંભું થયું છે ! શુધ્ધાત્મા નું લક્ષ બેસી ગયું છે! શુધ્ધાત્મા નું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુકલ ધ્યાન કહેવાય છે; 'ક્રમિક માર્ગ'માં પ્રતીતિના જાળાં બેસે અને પ્રતીતિ થોડી બેસે. પ્રતીતિ બેસે અને તે પૂરી થાય ત્યારે ક્ષાયક સમકિત થાય ને ત્યારે 'શુધ્ધાત્મા 'નું લક્ષ બેસે અને આ 'અક્રમ માર્ગ'માં તો પહેલું લક્ષ બેસાડી દઇએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ ! આ 'અક્રમ માર્ગ' છે ને એટલે જ લક્ષ પહેલું બેસે. 'ક્રમિક માર્ગ'માં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુકલ ધ્યાન ના હોય. કારણ કે આ કાળમાં 'ક્રમિક માર્ગ'માં કોઇ સાતમા ગુંઠાણાથી આગળ જઇ શકે નહીં. 'અક્રમ માર્ગ'માં 'જ્ઞાની પુરુષ' 'ક્ષાયક સમક્તિ'નો તાંતો નાખી આપે છે એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. 'આ' તાંતો હોય તો પેલો (કષાયોનો) ના હોય ને પેલો (કષાયોનો) તાંતો હોય તો 'આ' ના હોય ! 'ક્રમિક માર્ગ'માં ગાઢ સમકિત, શુધ્ધ સમકિત થાય ને ત્યાર પછી બે ભાગ પડી જાય. દર્શન મોહનીય બંધ થઇ જાય અને પછી ધંધા બધું રહે. એ ચારિત્ર મોહનીય રહે. તે ચારિત્ર મોહનીય ખપાવ ખપાવ કરે. પણ અત્યારે તો આ લોકો શું કરે છે ? દર્શન મોહનીય કાઢયા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે, એ શી રીતે જાય ? આપણે અહીં 'અક્રમ માર્ગ'માં ચારિત્ર મોહનીયનો 'નિકાલ' કરીએ છીએ. અમે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઉડાવી દઇએ છીએ અને ચારિત્ર મોહનીયને નીરસ કરી નાખીએ અને એનાંથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શન મોહ રહે જ નહીં. રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે; નીરસથી ચાર્જ બંધ થાય. 'ક્રમિક'વાળાને ચારિત્ર મોહનીય નીરસ કરવી પડે. તેથી તો તપ-ત્યાગ ભારે કરવાં પડે. તેનાથી ચારિત્ર મોહનીય નીરસ થાય. 'ક્રમિક'વાળાને એના માટે બાહ્ય તપ કરવાં પડે. જયારે આપણે અહીં 'અક્રમ'માં આંતરિક તપ હોય. તે હ્રદય તપીને ૮૦ ડિગ્રી, ૮૫ ડિગ્રી, ૯૦ ડિગ્રી, ૯૫ ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે ૯૯ ડિગ્રીથી આગળ વધવાનું નથી. કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો ?! તે ધીમે ધીમે પાછું ઠંડું થઇ જાય. આપણને તપે ત્યારથી તે ઠંડું થઇ જાય ત્યાં સુધી બધાંને, બધી અવસ્થાને, જાણીએ. એટલે આપણને અંતરતપ હોય. તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઇ જાય. આ 'અક્રમ માર્ગ'થી એકાવતારી થાય એટલી સત્તા હોય છે. હવે પછી એક જ અવતાર બાકી રહે. ને પંદરથી વધારે સોળમો ભવ ના હોય આ જ્ઞાન પછી ! હું તો કહું છું કે દસ બાકી રહ્યા હોય તો ય શો વાંધો છે ? અને તે એવા જાહોજલાલીવાળા અવતાર હોય! આવા કદરૂપા ના હોય. 'આ' સત્સંગમાં આવ્યો ને 'જ્ઞાની પુરુષ'ની કૃપાથી મોક્ષનો સિક્કો વાગ્યો તો કેવા જાહોજલાલીવાળા અવતાર થવાના ! અને આ ભવ પણ જાહોજલાલીવાળો જાય. તેવો આ 'અક્રમ માર્ગ' છે. આ 'અક્રમ માર્ગ' છે એટલે ખુલ્લમ્ ખુલ્લું હોય, બધી વાતોનો તરત ફોડ મળે. જયારે 'ક્રમિક માર્ગ'માં કેવું હોય ? આ જરી-કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે છે. એવું ગૌતમ સ્વામીએ, ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ પરોવ કર્યું. પણ આ કાળના લોકો તે મણ સૂત્રમાથી તોલો 'સોનું' શી રીતે કાઢી શકે ? એવું કોઇનું ગજું જ નહીં ને ! આ 'અમે' તો સીધું 'સોનું' જ આપ્યું છે. 'અમે' અજ્ઞાનથી 'કેવળજ્ઞાન' સુધીના બધા જ ફોડ આપી દીધા છે. ચાર્જ કેવી રીતે થાય છે ? ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે? આ બધું, જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? તમે કોણ? આ બધાં કોણ ? એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ. 'આ' શ્રુતજ્ઞાન કેવું કહેવાય છે ? અપૂર્વ. પૂર્વે જે નહોતું સાંભળ્યું તેવું અપૂર્વ ! શું આ શ્રુતજ્ઞાન વીતરાગોનું ન હોય ? એ જ છે. વીતરાગો જે સ્ટેશને લઇ હતા તે જ સ્ટેશને 'આ' પણ લઇ જાય છે. પણ રસ્તો નિરાળો છે! પેલો રસ્તો 'ક્રમિક' અને આ 'અક્રમ'. 'આ' તો કામ કાઢી લેવાની જગ્યા છે. 'આ' કોઇ ધર્મનું સ્થળ નથી. પોતાનું બધી જ રીતનું કામ થાય. મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય. જયાં સર્વ સમાધાની જ્ઞાન છે કે જે કોઇ પણ સંજોગોમાં, કોઇ પણ સ્થિતિમાં સમાધાન આપે. સમાધાન થવું જ જોઇએ. જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતાં આવડતું નથી. નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઇએ. અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય જ. અહીં આવડત, અન્આવડતનું જોવાનું નથી. આવડતવાળાને આવડતની ખુમારી રહે છે. પંડિતોને પંડિતાઇની ખુમારી હોય, ત્યાગીને ત્યાગની ખુમારી હોય, તપસ્વીને તપની ખુમારી હોય; એ જ તો મોટો રોગ, મહારોગ છે! એ મહારોગી બીજાનાં રોગ કાઢવા જાય તો શી રીતે બીજાનો રોગ જાય? આ ડિરેક્ટ વીતરાગોની વાત છે. અહીં ઇન્ડિરેક્ટ એક પણ શબ્દ નથી! ચોવીસે ય તીર્થંકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વકાળને અનુસરીને નીકળે એટલે ચોવીસે ય તીર્થંકરોનો ભેગો ઉપદેશ 'આ' છે ! સાધુ-સંન્યાસીઓને ખુમારી ચઢે એ તો રોગ 'ક્રોનિક રોગ' કહેવાય. આવા કષ્ટસાધ્ય રોગની દવા ના હોય. એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે. અહીં કોઇને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ-બાર વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય. કયારે ય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઇએ તો ય એકુંય મતભેદ જ નહીં. વિભક્ત નહીં, અવિભક્ત ! 'અમે' ઔરંગાબાદ સત્સંગાર્થે જઇએ તે એક જ મકાનમાં એંસીથી સો માણસો હોઇએ. છતાં, કોઇનો એક અવાજ પણ ના હોય, એક મતભેદ ના હોય. બધા જમે, કરે પણ કોઇને ખબર ના પડે કે ઘરમાં કેટલાં જણ છીએ! અને ચાલે સરસ રેગ્યુલર, આવું તો જોયું જ ના હોય ને ! વર્લ્ડમાં કોઇ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે ! આવું સ્થૂળભાવે જોવા મળે તો ય કલ્યાણ થઇ જાય. અને પાછું એકે ય લૉ નહીં. જયાં લૉ છે ત્યાં 'વીતરાગી જ્ઞાન' ના હોય. સંપૂર્ણ વીતરાગી જ્ઞાન જયાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે, એટલે કામ કાઢી લેવાનું છે. અહીં દસ વર્ષથી અમારીવાણીનું લખાણ થાય છે. છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઇ જાય અને પાછું બધું ઠેકાણે રહે! ને ઓફિસવાળાનાં તો કાગળો રઝળતા હોય! 'ક્રમિક માર્ગ'નાં જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે ૮૦ ટકા સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે ૭૮ ટકાના જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, ૮૨ ટકાવાળા પાસે જ જાય. જયારે 'અક્રમ માર્ગ'ના જ્ઞાનીનું કેવું છે ? 'અમે' સો ટકાવાળા છીએ છતાં પાંચ ટકાવાળા પાસે જઇને અમે પગે લાગીએ. જેનો કેફ ઊતરી ગયો છે એને શો વાંધો આવે ? અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય. અમે ઓછા ટકાવાળાને શા સારૂં પગે લાગીએ? એને ડાહ્યો બનાવવા કે 'મહારાજ, આ તમારૂં સાચું નથી.' અમારે તો કેફ ચઢે નહીં પણ એને કેફ વધે એટલે અમે કારણ સિવાય જઇએ નહીં, નહીં તો એનો રોગ વધે. ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી 'ક્રમિક માર્ગ'નાં જ્ઞાની હોય તેને બે કે ત્રણ શિષ્યો હોય. એ ત્રણ શિષ્યોને સાચવે ને પોતે તપ-ત્યાગ કરે ને તે શિષ્યો પાસે ય કરાવે. આ ત્રણથી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે. જયારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે દસ લાખ વર્ષે ય આવો માર્ગ નીકળે છે ને ! પ્રત્યક્ષ વગર કાંઇ વળે નહીં. 'વીતરાગ વિજ્ઞાન' પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી ! અને આ તો 'અક્રમ વિજ્ઞાન' તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ! આવું જ્ઞાન આ ચાર અજબની વસ્તીમાં કોને ના જોઈએ? બધાંને જોઈએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોઈએ. એ તો મહા પુણ્યશાળીઓ માટે છે. આ 'અક્રમ જ્ઞાન' ઊભું થયું એમાં લોકોની કંઈ પુણ્યૈ હશે ને! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા, ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને તેમને માટે 'આ' માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે અને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઈએ. પણ લોકોને આના માટે કંઈ કહેવા જવાનું નથી હોતું. આ 'દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત-કલ્યાણ થઈ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં તો જેને ભાવના થઈને 'દાદા'નાં દર્શન કર્યા તો એ દર્શન 'ઠેઠ'ને પહોંચે છે. 'દાદા'એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ 'અક્રમ જ્ઞાન' તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજાં બધાં માટે 'અક્રમ' મોક્ષ નથી. બીજાં બધાંને તો એનાં 'ક્રમિક માર્ગ'નો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે 'ઠેઠ' પહોંચી જશે! અહીં તો સહેજાસહેજ જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઈ આવે તેને અમે જ્ઞાન આપી દઈએ, 'દાદા'ની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું! અહીં આવેલા માણસો બધાં અસરવાળા જ હોય છે. કોઈને પાંચ ટકા તો કોઈને પચીસ ટકા હોય. પણ એક જ પ્રકારની ઈફેક્ટ છે. પણ જોડે જોડે પુણ્યૈ કેવી સરસ લાવ્યા છે! 'દાદા'ની લીફ્ટમાં બેસીને મોક્ષે જવાનું!! કોટી જન્મોની પુણ્યૈ ભેગી થાય, ત્યારે તો 'દાદા' ભેગા થાય! ને એ પછી ગમે તેવું ડીપ્રેશન હશે એ જતું રહેશે. ડીપ્રેશન કાઢવાનું જ 'આ' સ્થાન છે. ડીપ્રેશનવાળાઓ માટે, બધી રીતે ફસાયેલાઓ માટે 'આ' સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા. પ્રશ્નકર્તા : દાદા, તમારા પછી આ 'અક્રમ માર્ગ' ચાલુ રહેશે? દાદાશ્રી : 'અક્રમ માર્ગ' તો અમારા પછી એકાદ-બે પેઢી ટકશે. પછી તો એનું એ જ. પણ અમારા નિમિત્તે 'ક્રમિક માર્ગ' ઊંચા સ્ટેજ ઉપર હશે. નવાં જ શાસ્ત્રો ને નવું જ બધું હશે. અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે. મહાવીર ભગવાનના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયાં છે ! નહીં તો 'અક્રમ માર્ગ' તે વળી હોતો હશે ? ભગવાનના ૨૫૦૦ વર્ષ પૂરા થશે એટલે સાધનો યે આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, 'ભસ્મક ગ્રહની' અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્યું, ના, એ તો નિરાંતે લોકો ભોગવશે. ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઇ જશે. અને એ પૂરૂં થશે ત્યારે એનું ય ફળ મળશે! અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ 'અક્રમ' આવ્યું છેે! નહીં તો 'અક્રમ' તે હોતો હશે? કો'ક વખત દસ લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઇ નથી. પછી રહે કોઇ ભો ભડકાટ ? જેને 'આકુળતા-વ્યાકુળતા' મટી એને અંતરંગ પચ્ચખાણ જ છે. એ તો 'ક્રમિક માર્ગ'ના 'જ્ઞાની'ને આકુળતા-વ્યાકુળતા રહે. 'ક્રમિક માર્ગ' જ આકુળતા-વ્યાકુળતાનું કારખાનું છે! આ તો 'અક્રમ માર્ગ' તે અહીં જ જયાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારૂં છે ! હવે તો નવા અનુભવ થશે! જે હીલ ઉપર ચઢયા છો, એનો એક ખૂણો ય હજુ તો પૂરો જોયો નથી, પણ હવે હીલ ઉપર ચોગરદમ જુઓ, ફરો. ગજબનું છે ! જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતા ને એની સમજણે લાભ લે. એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ. 'આ' તો ઓર જ જાતનું બન્યું છે. માટે કામ કાઢી લેવાનું છે. આખું બ્રહ્માંડ જે 'જ્ઞાન'ના વરસાદની ઇચ્છા કરે છે તે 'જ્ઞાન'નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં 'જ્ઞાનવર્ષા' થઇ. જયાં મનુષ્ય માત્ર સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધાં તરફડે છે એવા કાળમાં! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય. વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન એક 'ક્રમિક' અને બીજું 'અક્રમિક' કે જે આજે અહીં 'અમારી' પાસે પ્રગટ થયું છે !!! જય સચ્ચિદાનંદ. |
|---|