પૂજ્ય દીપકભાઈ દેસાઈનો જન્મ ૯ મે ૧૯૫૩ના રોજ મોરબીમાં થયો હતો. તેઓ જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્રના ગામ વવાણિયાના મૂળ વતની છે. નાનપણથી જ તેઓ શાંત, સરળ તથા વૈરાગી સ્વભાવના છે. તેઓ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમના મોટાભાઈ નાની ઉંમરમાં જ અધ્યાત્મ થકી મુક્તિની ઝંખના અને સુખ-શાંતિ માટેનો માર્ગ શોધતા હતા. ત્યારે તેમની મુલાકાત પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) સાથે થઈ. તેમને દાદાશ્રીનું સચોટ ક્રિયાકારી વિજ્ઞાન સ્પર્શી ગયું. પૂજ્ય દીપકભાઈ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે, તેમના મોટાભાઈ પૂજ્ય દીપકભાઈને 'તને ભણવાનું બધું યાદ રહેશે, એકાગ્રતા વધશે.' એમ કહીને દાદાશ્રી પાસે તેડી લાવ્યા. દાદાશ્રી પાસેથી ૬ માર્ચ ૧૯૭૧ના રોજ આત્મજ્ઞાન મેળવ્યું. નાની ઉંમરથી તેમને પણ મોટાભાઈની જેમ સાચા આત્મવિજ્ઞાની અને તેમણે આપેલ અક્રમ વિજ્ઞાનની ઓળખાણ થઈ ગઈ. બાળપણથી સંસારવૈરાગ્ય ધરાવતા પૂજ્ય દીપકભાઈને આ આત્મવિજ્ઞાન તેમને મોક્ષનો સાચો ધ્યેય પકડાવવામાં ખૂબ મદદકારક નીવડ્યું.
દાદાશ્રીના મળ્યા બાદ અભ્યાસ ચાલુ રાખી મિકેનીકલ એન્જીનીયરની ડિગ્રી મેળવી. શરૂઆતમાં થોડો સમય નોકરી કર્યા બાદ તેમણે પોતાનો કન્સલટન્ટ તરીકેનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. ટેક્સટાઈલ મશીનરી બાબતમાં તેઓ ઊંડું જ્ઞાન ધરાવતા હોવાથી તેમણે ભારતની ઘણી પ્રખ્યાત મીલો-કંપનીઓના મશીનોને પોતાની આગવી સૂઝ અને આવડત વડે ઓછા સમય-ખર્ચમાં ચાલુ કરી બતાવ્યાં હતાં.
તેઓ જ્યારે આ માર્ગમાં જોડાયા ત્યારે શરૂઆતના દિવસોમાં તેમના પિતાશ્રી આ અંગે વિરોધ કરતા અને તેમને ત્યાં જતા રોકતા. પરંતુ આઠેક વર્ષ પછી પિતાશ્રીને લાગ્યું હતું કે મારો દીકરો ખરેખર સાચા માર્ગે છે અને તેને કહ્યું હતું કે, 'તું જ મારો સાચો ગુરુ છે.' તેઓ પિતાશ્રીને સમાધાન થાય તેવી રીતે તેમના પિતાશ્રી જીવ્યા ત્યાં સુધી સાથે રહ્યા, તેમના અંતિમ વર્ષોમાં ખૂબ સેવા કરી. તેમના પિતાશ્રીએ અંતિમ સમયે ૪-૫ કલાક પહેલાં તમામ દીકરા-દીકરીઓને બોલાવી કહ્યું હતું કે, 'દીપક જે કાર્ય કરે તે બરાબર છે, તમે બધાં તેને સાથ આપજો. તેને સત્સંગમાં જતાં રોકશો નહીં. દાદાનું કામ કરવા દેજો.' તેમના ભાઈઓ-બહેનોએ પણ પૂજ્ય દીપકભાઈને લૌકિક વ્યવહારથી દૂર રાખવામાં સુંદર સહકાર ને આશીર્વાદ આપ્યા છે. આમ પૂજ્ય દીપકભાઈ સદા સંસારમાં રહેવા છતાં લૌકિક વ્યવહાર સંબંધથી અલિપ્ત જ રહેતા આવ્યા છે.
શરૂઆતમાં જ્યારે દાદાશ્રીના સત્સંગમાં ખૂબ ઓછા લોકો આવતા ત્યારે તેઓ પૂજ્ય નીરુમા, જેઓ દાદાશ્રીની સેવામાં હતાં, તેમને જ્ઞાનવાણી લખવામાં, પુસ્તકોના સંપાદનમાં, સત્સંગ કાર્યક્રમ પહેલાં ને પછીની તૈયારીઓમાં, દાદાશ્રીની નિજી સેવામાં પણ સક્રિય રીતે મદદ કરતા. સત્સંગ કાર્યક્રમ પછી વેરાયેલાં ફૂલ વીણવાના, પુસ્તકો ભેગાં કરીને પાછાં લઈ જવાનાં, સફાઈ કરવાના વિગેરે કાર્યોમાં નિસ્વાર્થ સેવા આપતા.
આજથી ૩૫ વર્ષ પહેલાં ૧૯૭૧-૭૨માં જ્યારે કેસેટો/સીડી પ્રચલિત ન હતી ત્યારે તેઓ ડાયરીઓમાં દાદાશ્રીની વાણી નોંધી લેતા. ત્યાર બાદ પૂજ્ય નીરુમા સાથે દાદાશ્રીની જ્ઞાનવાણી ટેપરેકોર્ડરની મદદથી ઓડીયો કેસેટોમાં રેકોર્ડ કરી લેતા. અક્રમ વિજ્ઞાન મેગેઝીન માટે અલગ અલગ વિષયો પર સામગ્રી એકઠી કરવામાં પૂજ્ય નીરુમાને સહાય કરતા. ૧૯૯૫થી 'દાદાવાણી' નામનું મેગેઝીન પ્રકાશિત થાય છે, તેના તંત્રી તરીકેની જવાબદારી શરૂઆતથી આજ દિન લગી ખૂબ જ નિષ્ઠાથી સંભાળી રહ્યા છે. દાદાશ્રીનાં પુસ્તકો બહાર પાડવામાં પૂજ્ય નીરુમાને જો કોઈ વ્યકિતએ વિશેષ ફાળો આપ્યો હોય તો તે પૂજ્ય દીપકભાઈ છે, કે જેમણે દિન-રાત એક કરીને લોકોને ખૂબ જ ઉપયોગી થઈ પડે તેવાં પુસ્તકોનાં સંપાદનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
એકદમ સરળ-શાંત પ્રકૃતિના પૂજ્ય દીપકભાઈ હંમેશાં પોતાની કામગીરી લોકોને દ્ષ્ટિમાં આવે, દાદાશ્રીને ખબર પડે તેની ક્યારેય પરવા કર્યા વિના અત્યંત નિષ્ઠાપૂર્વક કરતા આવ્યા છે. તેમણે ક્યારેય સેવા તથા સત્સંગ માટે બીજા સહાધ્યાયીઓ જોડે સ્પર્ધા કરી નથી.
દાદાશ્રીને પણ પૂજ્ય દીપકભાઈના જ્ઞાન સંબંધેના ઊંડા પ્રશ્નોનું સમાધાન આપવું ગમતું. તેમણે જ્ઞાનજાગૃતિ તેમજ બ્રહ્મચર્ય અંગે દાદાશ્રી સાથે ખૂબ જ વિસ્તારપૂર્વક જ્ઞાનચર્ચા કરેલ, જે તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો તરીકે છાપવામાં ખૂબ જ ઉપયોગી નીવડેલ છે. ૧૯૭૭ની સાલમાં દાદાશ્રીએ પૂજ્ય દીપકભાઈને માટે કહ્યું હતું કે 'આ છોકરો ભગવાન મહાવીરની પાટ દીપાવે તેવો છે, એવી અખંડ જાગૃતિ અત્યારે તેને વર્તે છે. છેલ્લા ૨૦૦૦ વર્ષમાં ભાગ્યે જ કોઈને આવી આત્મજાગૃતિ થઈ છે !' ત્યારે તેમની ઉંમર ફક્ત ૨૩ વર્ષની હતી.
૧૯૮૭ની સાલમાં દાદાશ્રીએ તેમની તબિયત સારી નહોતી રહેતી ત્યારે દીપકભાઈને ખાસ અમેરિકા બોલાવેલ અને દોઢ મહિના સુધી સત્સંગ માટે તૈયાર થાય તેનું ઘડતર કરેલ. સત્સંગ કરવા માટે ખાસ 'સિધ્ધિની વિધિ' કરી આપી હતી. તેથી ત્યાર બાદ અનેક નાનાં બાળકોને દાદાશ્રીનું જ્ઞાન સત્સંગ દ્વારા સમજાવતા.
પૂ. દીપકભાઈ પૂ. નીરુમા સાથે ૧૯૭૧થી રહેતા આવ્યા હતા. પૂજ્ય નીરુમા શરૂઆતથી તેમને બાળકની જેમ ઉછેરતા આવ્યા હતા. તેમનો એ વાત્સલ્યપ્રેમ પૂજ્ય દીપકભાઈ માટે સદા રહ્યો. તેઓ પૂજ્ય નીરુમા સાથે દાદાશ્રીની હાજરી હતી ત્યારે પણ બ્રહ્મચર્ય અને અન્ય તત્ત્વજ્ઞાન સંબંધી જ્ઞાનગોષ્ઠિ કરી સમાધાન મેળવતા. તેમણે પૂજ્ય નીરુમાનો પરમ વિનય અંત સુધી જાળવ્યો અને છેક સુધી તેમની આધીનતામાં રહ્યા. પૂજ્ય નીરુમા પણ તેમને જ્ઞાનના સાચા વારસદાર તરીકે ગણતા અને તૈયાર કરતાં રહ્યાં. ૨૦૦૩ની સાલમાં છેવટે વિશેષ આશીર્વાદ આપી લોકોને આત્મજ્ઞાન આપવા પણ તૈયાર કર્યા. પૂજ્ય દીપકભાઈ, પૂજ્ય નીરુમાની સદાય સત્સંગ શિબિરો, સત્સંગ પારાયણો, પ્રાણપ્રતિષ્ઠા, તેમજ વિશેષ કાર્યક્રમોમાં જોડે રહીને તેમને સહાયરૂપ બનતા. અધ્યાત્મ તેમજ તત્ત્વજ્ઞાન સંબંધી ઊંડી જ્ઞાનસમજ ધરાવતા પૂજ્ય દીપકભાઈને પૂજ્ય નીરુમા વ્યવહારજ્ઞાન સંબંધી પણ જ્ઞાનચાવીઓ તેમના અંતિમ વર્ષો દરમ્યાન આપતા રહ્યા. તેમણે પૂજ્ય નીરુમાનો ખૂબ રાજીપો, આશીર્વાદ મેળવ્યા છે. તેઓ આજીવન બ્રહ્મચારી છે. દાદાશ્રી પાસેથી તેમણે અખંડ બ્રહ્મચર્ય વ્રત મેળવ્યું હતું. આમ તેઓ દાદાશ્રીનાં દિક્ષિત આપ્તપુત્ર તરીકે ઓળખાય છે.
મુખ પર સદા મંદ મંદ રેલાવતા હાસ્ય પૂજ્ય દીપકભાઈ આજે પણ અનેક લોકોને, પૂજ્ય નીરુમાની જેમજ વ્યક્તિગત રીતે તેમજ સામુહિક સત્સંગ કાર્યક્રમો દરમ્યાન તેમના અંગત પ્રશ્નો પણ ઉકેલી રહ્યા છે.
પૂજ્ય નીરુમા, જે રીતે દાદાશ્રીની જ્ઞાનસિધ્ધિથી સત્સંગ કરતાં ત્યારે લોકોને દાદાશ્રી જ બોલતા હોય તેવી અનુભૂતિ થતી, તેવી જ અનુભૂતિ આજે પણ લોકોને પૂજ્ય દીપકભાઈના સત્સંગમાં થાય છે. જાણે દાદાશ્રી અને નીરુમા જ બોલી રહ્યા હોય તેવો અનુભવ લોકોને થાય છે. લોકોની આત્યંતિક મુક્તિ તથા સંસાર વ્યવહારના સળગતા પ્રશ્નોનાં નિરાકરણ કેમ કરીને પ્રાપ્ત બને તે હેતુથી ગામેગામ, દેશવિદેશ પરિભ્રમણ કરી લોકોને સત્સંગ દ્વારા સાચો સંદેશો આપે છે. તેઓ યુકે, અમેરિકા, કેનેડા, આફ્રિકા, દુબઈ, સીંગાપોર વિગેરે દેશોમાં સત્સંગ કરી ચૂક્યા છે.
તેમની જેમ જ સાચું, અણીશુધ્ધ બ્રહ્મચર્ય નવયુવાનો પાળે અને દાદાશ્રીના જગતકલ્યાણના કાર્યમાં ટેકારૂપ બને તે માટે તેઓ નિયમિત સમયાંતરે બ્રહ્મચર્ય અંગે વિશેષ શિબિરોનું આયોજન કરે છે, જેમાં આજના વિકરાળ વિષયમય વાતાવરણમાં પણ ઘણા બધા યુવાનો તેમાં જોડાય અને પોતાનું જીવન સાચા માર્ગે વાળે છે. પરિણીત ભાઈઓને પણ બ્રહ્મચર્યની શિબિર દ્વારા અદ્ભૂત માર્ગદર્શન આપી બ્રહ્મચર્યમાં સ્થિર કરાવે છે.
સંસ્થાના કે લોકોના પૈસા-વસ્તુઓનો યોગ્ય રીતે સાચો ઉપયોગ થાય, જરા પણ દુરુપયોગ ના થાય તેની તેઓ સદા જાગૃતિ રાખે છે અને સેવામાં જોડાયેલા સહુને આ અંગે જાગૃતિ રાખવા ચેતવે છે. તેઓ પણ પોતાનો જીવનનિર્વાહ ખર્ચ દાદાશ્રી તેમજ પૂજ્ય નીરુમાની જેમ પોતાના સ્વ કમાઈના પૈસામાંથી કરતા આવ્યા છે. તેઓ ખૂબ જ સાદગીથી રહેવા ટેવાયેલા છે.
પૂજ્ય દીપકભાઈના સત્સંગ કાર્યક્રમો ભારતમાં દૂરદર્શન, ઝી આલ્ફા ગુજરાતી, આસ્થા, લંડનમાં ખ્વ્ફ્ વિગેરે ટીવી ચેનલો પર પ્રસારિત થતા આવ્યા છે. હાલમાં દૂરદર્શન ઝ઼ઝ઼ ૧૧ પર રોજ રાતે ૯ થી 9:૩૦ દર્શાવવામાં આવે છે.
પૂજ્ય નીરુમાના દેહવિલય બાદ તેમની ઇચ્છા મુજબ તેમણે તુરંત જ સત્સંગ કાર્યક્રમો યથાવત રીતે ચાલુ કરી દીધા છે તેમજ પૂજ્ય નીરુમાની આજ્ઞા અનુસાર હ્યુસ્ટન, અમેરિકા ખાતે ૬ થી ૧૧ જુલાઈ દરમ્યાન ત્યારબાદ લંડનમાં તથા ભારતમાં અડાલજ ખાતે પરમ પૂજ્ય દાદા ભગવાનની ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી તેઓના સાન્નિધ્યમાં થનાર છે.
૧૯૮૮માં પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ જે રીતે પૂજ્ય નીરુમાની પ્રત્યક્ષ હાજરીનું મહત્વ સમજી, આત્મજ્ઞાન પામેલા મહાત્માઓ, આત્મપ્રગતિ માટે તેમના સાંનિધ્યમાં સતત રહ્યા હતા, તેવી જ રીતે ૨૦૦૬માં પૂજ્ય નીરુમાના દેહવિલય બાદ અક્રમ માર્ગમાં જોડાયેલ અનુયાયીઓ આજે પૂજ્ય દીપકભાઈને તેમની અધ્યાત્મ પ્રગતિનો એકમેવ આધાર સમજી, તેમની પ્રત્યક્ષ હાજરીનો લાભ લઈ, મોક્ષમાર્ગ આગળ ધપવા હ્રદયપૂર્વક તેમને ખૂબ ચાહે છે અને પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરવા તત્પરતા દાખવે છે.
સમગ્ર વિશ્વની અધ્યાત્મ પ્રેમી જનતા, કે જેને આ સંસારચક્રમાંથી, જન્મ-મરણના ફેરામાંથી છૂટી આત્યંતિક મુક્તિના સાચા સનાતન માર્ગની પ્રાપ્તિ કરવી છે, તેમના માટે હજુ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની દાદાઈ લિંક પૂજ્ય દીપકભાઈ થકી ચાલુ છે. તેનો સાંધો મેળવી અનંત અવતારનું કામ કાઢી લેવા જેવું છે. પરમ પૂજ્ય દાદાશ્રીનું અક્રમવિજ્ઞાન સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં સુખ-શાંતિ પ્રસારે અને પરમ મુક્તિ પમાડે એ જ અભ્યર્થના.