Related Questions

નર્કે કોણ જાય છે? અણહક્કનાં વિષયનું શું પરિણામ આવે છે?

પરસ્ત્રી અને પરપુરુષ એટલે પ્રત્યક્ષ નર્કનું કારણ છે. નર્કે જવું હોય તો ત્યાં જવાનો વિચાર કરો. અમારે એનો વાંધો નથી. તમારે અનુકૂળ હોય તો એ નર્કના દુઃખનું વર્ણન કરું, તે સાંભળતા જ તાવ ચઢી જશે તો ત્યાં એ ભોગવતાં તારી શી દશા થશે ? બાકી પોતાની સ્ત્રીનો તો કોઈ વાંધો નથી.

પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. એટલું પાપરહિત પરિણામ કહેવાય. ત્યારે આમાં બીજાં પાપ બધાં બહુ છે. એક જ ફેરો વિષય કરવાથી કરોડો જીવ મરી જાય છે. એ કંઈ ઓછાં પાપ છે ?! પણ તો ય એ પરસ્ત્રી જેવું મોટું પાપ ના કહેવાય.

પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?

દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ. શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી.

આપણે અહીં આ સત્સંગમાં એવો દગાફટકાનો વિચાર આવે તો હું બોલું કે આ મીનીંગલેસ વાત છે. અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું કાઢી મેલીશ.

આ વર્લ્ડમાં ગમે તેવાં ગુના કર્યા હોય, ગમે તેવાં ગુના લઈને આવે તો ય, જો ફરી જિંદગીમાં ના કરવાનો હોય, તો બધી રીતે ચોખ્ખો હું કરી આપું.

તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને !

પ્રશ્નકર્તા : બહુ જ થાય છે.

દાદાશ્રી : પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે ?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.

પારકી સ્ત્રી જોડે ફરીએ તો લોકો આંગળી કરે ને ? એટલે આ સમાજવિરોધક છે અને બીજું તો અંદર બહુ જાતની ઉપાધિ થાય છે. નર્કની વેદનાઓ એટલે ઇલેક્ટ્રિક ગેસમાં ઘણાં કાળ સુધી બળ્યા કરવાનું ! એક ઇલેક્ટ્રિક ગરમીની વેદનાવાળી નર્ક છે અને બીજી ઠંડીની વેદનાવાળી નર્ક છે. ત્યાં એટલી બધી ઠંડી છે કે આપણે પાવાગઢ પર્વત નાખીએ તો એનો પથરો આવડો મોટો ના રહે, પણ એના કણેકણ છૂટા પડી જાય !

પણ પરસ્ત્રીના જોખમમાં તો કેટલાં કેટલાં જોખમ ઊભાં રહ્યાં છે ! એ જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને મા નીચી નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો!! પ્રકૃતિ વિષયી નથી, એ વાત મેં બીજી રીતે કહેલી. પણ આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે. 

×
Share on
Copy