Related Questions

કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?

Competition

જીતાડીને જવા દો !

અનંત અવતાર આનું આ જ કર્યું છે. બીજું શું કર્યું છે તે ? બીજો ધંધો શું કર્યો છે ? પણ હવે આ 'જ્ઞાન' છે તો ફરે. નહીં તો ફરે નહીં ને ! આ 'જ્ઞાન' છે તે પોતાનો દોષ દેખાડી શકે આપણને ! અને આપણને માન્યામાં ય આવે કે ના, ખરેખર આપણો જ દોષ છે. પેલું તો કોઈકને પૂછવા જવું પડે. ત્યારે એ તો શું મોટો બરકતવાળો હોય, તે આપણું કહી આપે ? આપણને પોતાને જ લાગવું જોઈએ કે આપણો દોષ છે આ. એટલે જીતવાની કંઈ જરૂર નથી. અમે કાયમને માટે એ રાખેલું. જીતવાનો તો કોઈ દહાડો 'પ્રિન્સિપલ' રાખેલો જ નહીં. એને જીતાડીને મોકલી દઉં. અને હું એ ભૂલી જ જઉં અને એ ય બીજા ધંધામાં પડી જાય. અને જો હું હરાવીને મોકલું, તે પછી તાંતે ચઢે. તાંતે ચઢ્યો પછી એ છોડે જ નહીં. માટે પહેલેથી જ આપણે જીતાડીને મોકલી દેવા.

પ્રશ્નકર્તા: કે હું હાર્યો ને તું જીત્યો, ભાઈ.

દાદાશ્રી: એવું મોઢે નહીં કહેવાનું. નહીં તો એના મનમાં એમ થાય કે 'ઓહોહો ! ટાઢા પડી ગયા. બરોબર છે!'

પ્રશ્નકર્તા: મોઢે કહીએ તો શું થાય?

દાદાશ્રી: મોઢે કહીએ ત્યારે તો પાછો તંતે ચઢે કે, 'એવું અમારે જીતવું નથી.' મને એક જણે કહેલું હઉને ! મેં એવું કહેલું કે, 'ભઈ, હું તો હારીને બેઠેલો છું. તમે જીત્યા હવે. નિરાંતે ઘેર જઈને સૂઈ જાવ, આરામથી.' ત્યારે એ કહે, 'એવું મારે જોઈતું નથી.' ત્યારે મેં કહ્યું, 'સવાદ નહીં કાઢો.' એટલે તંતે ચઢે ! આમ બોલીએ તો આમ ને આમ બોલીએ તો આમ ! વાંધા-વચકાવાળું જગત ! એને તો વાંધો-વચકો નાખવો જ છે અને આપણે તો આ વાંધા-વચકા ઊઠાવી લઈએ, ઊલટાં હોય તે.

સંદર્ભ : દાદાવાણી Magazine April 1999 (Page #16)

આમ ઘોડદોડમાંથી છટકાય

હવે આ બધું ચાલ્યા જ કરવાનું. એમાં પોતે ચલાવતો જ નથી. આ તો જરા ગર્વરસ ચાખવાની ટેવ પડેલી ને ! એટલે બીજાનો આઠસોનો પગાર દેખે ને, એટલે મનમાં એમ થાય કે, 'આપણને તો અઢારસો મળે છે એટલે આપણને વાંધો નથી, આને તો આઠસો જ મળે છે !' એ ચાલ્યું ! જાણે અઢારસો ઉપર કોઈ ઊપરી જ ના હોયને, એવું ! જ્યાં ઉપરી હોય ને, ત્યાં સ્પર્ધા હોય જ ! ત્યાં ઊભા રહેવાનું કારણ જ શું આપણે ? આ કંઈ 'રેસકોર્સ'માં આવ્યા છીએ ?! આપણે શું 'રેસકોર્સ'ના ઘોડા છીએ ?! એના કરતાં ત્યાં કહી દે ને, હું સાવ મૂરખ છું. અમે તો કહી દઈએ છીએ ને, કે 'ભઈ, અમારામાં અક્કલ નથી, અમારામાં આ બધા વ્યવહારની સમજણ નહીં ને !' અને એ ચોખ્ખી જ વાત કરી દઈએ છીએ ને !

અને એવું છે, અમને તો દાઢી કરતાં પણ નથી આવડતી. ત્યારે આ બ્લેડથી છોલાઈ જાય છે ને ! અને જેને દાઢી કરતાં આવડે એવો માણસ પણ અમે જોયો નથી ! આ તો મનમાં શું યે 'ઇગોઈઝમ' લઈને ફર્યા કરે છે ! આવું તો મારા જેવા જ કોઈક કહે ને ? બાકી, સામે તો આખી દુનિયા છે. થોડાં ઘણાં માણસ હોય તો તો 'વોટિંગ' મળે. પણ આ તો 'વોટિંગ'માં હું એકલો જ થઉં. એટલે પછી હું બૂમ મારું નહીં. ચૂપ રહું. કારણ કે 'વોટિંગ'માં હું એકલો જ આવું. બાકી, આવી ચેતવણી કોણ આપે ? અને હું ક્યાં ચેતવણી આપવા બેસું ? એટલે કેવી દુનિયામાં આવી ફસાયા છીએ.

આ વાતો સાંભળવાની તમને ગમે છે ? કંટાળો નથી આવતો ? અને આ વાતને ચાળશો નહીં, ચાળવા ના રહેશો. એમ ને એમ મહીં નાખી દેજો. નહીં તો જોખમદારી તમારી આવશે. આ તો અહીં 'પ્યૉર' વસ્તુ છે. એને બુદ્ધિથી શું ચાળવાની ?

એટલે અમે આ ચોખ્ખું જ કહીએ છીએ ને, કે 'ભઈ, અમને આ વ્યવહારમાં આવી સમજણ પડતી નથી.' એટલે ત્યારે જ અમને એ છોડે ને ! આવું કહીએ ત્યારે ઉપાધિ મુક્ત થઈએ ને !!

સંદર્ભ : Book Excerpt: આપ્તવાણી-૯ (Page #347 - Paragraph #2 to #4, Page #348 - Paragraph #1)

Related Questions
  1. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?
  2. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?
  3. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?
  4. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  5. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?
  6. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?
  7. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?
  8. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?
  9. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?
  10. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?
×
Share on