www.dadabhagwan.in
                   
વિરાટ દર્શન

અર્જુનને વિશ્વ્ર દર્શન !

પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વ દર્શન કરાવેલું, એ શું છે?

દાદાશ્રી : એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે. માટે કોઇ મારનાર નથી, કોઇ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડયું, બધા મરેલા દેખાડ્યા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણ ભગવાનને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિશ્વ દર્શન.

અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ !

પ્રશ્નકર્તા : વિરાટ સ્વરૂપ એ શું કહેવા માગે છે ?

દાદાશ્રી : બીજાનો અહંકાર લઈ લે, એનું નામ વિરાટ પુરુષ કહેવાય.

પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થાય, એટલે અહંકાર જાય ?

દાદાશ્રી : અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયાં કહેવાયને !

પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું ?

દાદાશ્રી : વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવું. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ ! અને તેનું ફળ શું આવે ? આપણને વિરાટ બનાવે !! વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીંને ! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું, ત્યારે નમેલોને ! નહીં તો નમે નહીં !!

એટલે લખ્યું છેને, શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી ને અમારો અહમ્ લઈ લે છે. ત્યારે એક જણ મને કહે છે, તે તો સાચી વાત. તમે અહમ્ તો મારો લઈ લીધો ! પણ ત્યારે એ જ વિરાટ પુરુષ ! ત્યાં પુસ્તકોના વિરાટ પુરુષ ખોળવા જાવ છો ?! જે આપણો અહમ્ લઈ લે, એ વિરાટ પુરુષ ! બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય ? સાદી ને સીધી વાત ! લોક મને કહે છે, 'તમારે વિરાટ પુરુષ થવાનો શોખ છે ?' મેં કહ્યું કે આ ભૂત પાછું ક્યાં વળગાડું હું મહીં ? એ.બી.સી.ડી., એમ.બી.બી.એસ... ફલાણું ને ફલાણું તેમ. આ લફરાવાળો છું હું તો કંઈ ?

લાખો અવતારેય અહમ્ જાય એવી વસ્તુ નથી. આ એકલી વસ્તુ નથી. પણ જ્યાં વિરાટ સ્વરૂપ હોય, તે આપણો અહંકાર લઈ લે. વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુધ્ધિ ના હોય, છાંટોય બુધ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. એ વિરાટ પુરુષ કહેવાય. પોતાનો અહંકાર ખલાસ કરે એ જ્ઞાની, બીજાનો અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ !

 

google
Web www.dadabhagwan.in
show bar