Related Questions

તમે ખરેખર કોણ છો?

અનંતકાળથી, પોતે દેહ રૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહ ને જે કંઈ પણ થાય છે તેની અસર આપણને થાય છે. પરિણામે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. આપણે સુખને ટકાવી રાખવા અને દુઃખ થી દૂર ભાગવા માટે આપણે ભટકીએ છીએ. આવી રીતે આપણે પ્રચંડપણે અનંત સારા અને ખરાબ કર્મો બાંધીએ છીએ અને આમ બાકીનું જીવન પસાર કરીએ છીએ. આવતા ભવમાં જ્યારે આપણે કર્મોનાં ફળ ભોગવીએ ત્યારે પાછો પ્રશ્ન ઉભો થાય છે, ‘મારી સાથે જ આવું કેમ થાય છે? આવી જ રીતે આપણે અનંત જન્મોથી ભટકીએ છીએ અને હજુ સુધી આપણે આ સંસારનો ઉકેલ લાવી શક્યા નથી.

સિદ્ધાંત એવો છે કે જેને પોતાનું માનશો, તેની તમને અસર થશે. જેને તમે પોતાનું નથી માનતા, તે તમને અસર નહી કરે. જે ઘડીએ તમે માનવા લાગશો કે આ દેહ તમારો છે, તમે બંધનમાં આવી જશો અને જ્યારે તમે તેને પારકો માનશો તો તમે મુક્ત થશો.

તો જો તમે આ દેહ નથી, તો તમે કોણ છો અને પોતાની ખરી ઓળખાણ તમે કેવી રીતે જાણી શકશો?

તેના માટે, ચાલો જોઈએ પરમ પૂજ્ય દાદા ભગવાન “ખરેખર તમે કોણ છો?” તે વિશે શું કહે છે?

દાદાશ્રી : તમે કોણ છો ?

પ્રશ્નકર્તા : હું ચંદુલાલ છું.

દાદાશ્રી : તમારું નામ શું ?

પ્રશ્નકર્તા : મારું નામ ચંદુલાલ છે.

દાદાશ્રી : 'હું ચંદુલાલ' અને 'મારું નામ ચંદુલાલ' એમાં વિરોધાભાસ લાગે છે કે ? નામધારી અને નામ બેઉ એક કેમના હોય ? નામ તો આ નનામી કાઢે છે તે દા'ડે લઈ લે છે. મ્યુનિસિપાલિટીના રજિસ્ટરમાંથી કટ (કાઢી) કરી નાખે છે.

આ હાથ કોનો છે ? આ પગ કોનો છે ?

પ્રશ્નકર્તા : મારો છે.

દાદાશ્રી : એ તો આ બૉડી (દેહ)ના સ્પેરપાર્ટસ છે, એમાં તારું શું છે ? તારી અંદર મન છે તે કોનું છે ?

પ્રશ્નકર્તા : મારું છે.

દાદાશ્રી : આ વાણી કોની છે ?

પ્રશ્નકર્તા : મારી છે.

દાદાશ્રી : આ દેહ કોનો છે ?

પ્રશ્નકર્તા : મારો છે.

દાદાશ્રી : 'મારો છે' કહેતાં જ એનો માલિક જુદો છે એમ વિચાર આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : આવે.

દાદાશ્રી : હા, તો એ તમે પોતે કોણ ? એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ?

“હું કોણ છું?” ની પાછળનું વિજ્ઞાન

શું તમે ક્યારેય તપાસ નથી કરી કે તમે પોતે ખરેખર કોણ છો ? ક્યાં સુધી તમે પોતાના ખરા સ્વરૂપના અંધકારમાં અજાગૃત રહેશો? શું તમને એવો વિચાર નથી આવતો કે પોતાના ખરા સ્વરૂપની તપાસ ના કરવી એ અજ્ઞાન છે? જ્યારે તમને ‘પોતે કોણ છે?’ એ પ્રશ્નનો ઉત્તર મળશે ત્યારે તમને ખરો અનુભવ થશે અને તમારી રોંગ બિલિફ બંધ થશે. તમે આ રોંગ બિલિફ થી જ અનંત અવતારથી ભટકો છો. તમે તમારા સાચા સ્વરૂપને જાણતા નથી અને બીજુ તમે જે નથી તેને તમે પોતે છો એવું માનો છો. આ રોંગ બિલિફ તમે તમારી ખરી (સાચા સ્વરૂપ) પર બેસાડી દીધી છે.

રોંગ બિલિફ વિશે વધુ સમજણ

દાદાશ્રી : હું ચંદુલાલ છું' એ માન્યતા, એ બિલિફ તો તમારી રાતે ઊંઘમાં ય જતી નથી ને ! પાછાં લોકો પૈણાવે આપણને અને પછી કહેશે, 'તું તો આ બાઈનો ધણી થઉં' એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી 'હું આનો ધણી થાઉં, ધણી થાઉં' કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો ? ડાયવૉર્સ થાય તે પછી બીજે દહાડે તેનો ધણી ખરો ? એટલે આ બધી રોંગ બિલિફો બેસી ગઈ છે.

એટલે 'હું ચંદુલાલ છું' એ રોંગ બિલિફ છે. પછી 'આ બાઈનો ધણી છું' એ બીજી રોંગ બિલિફ. 'હું વૈષ્ણવ છું' એ ત્રીજી રોંગ બિલિફ. 'હું વકીલ છું' એ ચોથી રોંગ બિલિફ. 'હું આ છોકરાનો ફાધર થાઉં' એ પાંચમી રોંગ બિલિફ. 'આનો મામો થાઉં' એ છઠ્ઠી રોંગ બિલિફ. 'હું ગોરો છું' એ સાતમી રોંગ બિલિફ. 'હું પિસ્તાલીસ વર્ષનો છું' એ આઠમી રોંગ બિલિફ. 'હું આનો ભાગીદાર છું' એ ય રોંગ બિલિફ. 'હું ઈન્કમટેક્ષ ભરનારો છું' એમ તમે કહો તે ય રોંગ બિલિફ. આવી કેટલી રોંગ બિલિફ બેઠી હશે?

આ 'હું ચંદુલાલ છું' એ અહંકાર છે. કારણ કે જ્યાં 'હું' નથી, ત્યાં 'હું' નો આરોપ કર્યાે, એનું નામ અહંકાર.

પ્રશ્નકર્તા : 'હું ચંદુલાલ છું' કહે, એમાં અહંકાર ક્યાં ? 'હું આમ છું, હું તેમ છું' એમ કરે એ જુદી ચીજ છે પણ સહજભાવે બોલે, તેમાં ક્યાં અહંકાર ?

દાદાશ્રી : સહજ ભાવે બોલે તો ય અહંકાર કંઈ જતો રહે છે ? 'મારું નામ ચંદુલાલ છે' એ સહજ ભાવે બોલે તો ય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને !

'તમે ચંદુલાલ છો' એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે 'હું ચંદુલાલ છું' એ બોલવામાં વાંધો નથી, પણ 'હું ચંદુલાલ છું' એ બિલિફ ના બેસવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા, નહીં તો 'હું' પદ આવી ગયું.

દાદાશ્રી : 'હું' 'હું'ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. 'હું' મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી 'હું' ઊડી જાય અને મૂળ જગ્યાએે બેસી જાય તો અહંકાર ગયો. એટલે 'હું' કાઢવાનું નથી, 'હું' એને એક્ઝેક્ટ પ્લેસ (યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે.

રોંગ બિલિફથી (ઊંધી સમજણથી) મુક્ત થવા માટે, ‘હું’ અને ‘મારું’ આ બે વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ‘હું કોણ છું?’ અને ‘I’ અને ‘My’ જુદા છે ની વૈજ્ઞાનિક સમજણ વાંચીને તમે આ બંને વચ્ચેનો ભેદ સચોટ રીતે શોધી શકશો.

*ચંદુલાલ (વાચકે પોતાનું નામ સમજવું) = જ્યારે દાદાશ્રી ‘ચંદુલાલ’ વાપરે અથવા જે વ્યકિતનું નામ લઈને દાદાશ્રી સંબોધે, ત્યારે વાચકે યોગ્ય સમજણ માટે પોતાનું નામ વાપરવું.

×
Share on