Related Questions

પરમાત્મ પ્રેમ એટલે શું? આવો પ્રેમ ક્યાં મળે?

જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે!!! - પરમ પૂજ્ય દાદા ભગવાન

love

શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા

પરમ પૂજ્ય દાદા ભગવાન પરમાત્મ પ્રેમ કેવો હોય તેની સમજ આપે છે.

દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : છતાંય જગતમાં ક્યાંક તો પ્રેમ હશે ને?

દાદાશ્રી : કોઈ જગ્યાએ પ્રેમ જ નથી. પ્રેમ જેવી વસ્તુ જ આ જગતમાં નથી. બધી આસક્તિ જ છે. અવળું બોલીએ ને, ત્યારે તરત ખબર પડી જાય. હમણે આજ ભાઈ આવ્યા વિલાયતથી, તે આજ તો એની જોડે ને જોડે બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું-ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહેશે, ‘નોનસેન્સ જેવા થઈ ગયા છો.’ એટલે થઈ રહ્યું! અને ‘જ્ઞાની પુરુષ’ને તો સાત વખત ‘નોનસેન્સ’ કહે તોય કહેશે, ‘હા, ભાઈ, બેસ, તું બેસ.’ કારણ કે ‘જ્ઞાની’ પોતે જાણે છે કે આ બોલતો નથી, આ રેકર્ડ બોલી રહી છે.

આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જ્યાં પ્રેમમાં, પ્રેમની પાછળ દ્વેષ છે, એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે? એકધારો પ્રેમ હોવો જોઈએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “એક ફેરો ‘જ્ઞાની પુરુષ’ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે, પ્રેમમાં ઘટવધ ના હોય, અનાસક્ત હોય, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં લોકોને અસર થાય, લોકોને ફાયદો થાય, નહીં તો ફાયદો જ ના થાય! જ્યાં આવો પરમાત્મ પ્રેમ સંપાદન થાય ત્યાં પછી પોતાનું કલ્યાણ થાય.

પરમાત્મ પ્રેમ કઈ રીતે વ્યવહારમાં જોવા મળે, તેનું સુંદર ઉદાહરણ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને અહીં આપે છે.

દાદાશ્રી : કોઈ છોકરો અક્કલ વગરની વાત કરે કે ‘દાદાજી, તમને તો હું હવે ખાવાય નહીં બોલાવું અને પાણીય નહીં પાઉં’, તોય ‘દાદાજી’નો પ્રેમ ઊતરે નહીં અને એ સારું જમાડ જમાડ કરે તોય ‘દાદાજી’નો પ્રેમ ચઢે નહીં, એને પ્રેમ કહેવાય. એટલે જમાડો તોય પ્રેમ, ના જમાડો તોય પ્રેમ, ગાળો ભાંડો તોય પ્રેમ અને ગાળો ના ભાંડો તોય પ્રેમ, બધે પ્રેમ દેખાય. એટલે ખરો પ્રેમ તો અમારો કહેવાય. એવો ને એવો જ છે ને? પહેલે દહાડે જે હતો, તેનો તે જ છે ને? અરે, તમે મને વીસ વર્ષે મળોને, તોય પ્રેમ વધે-ઘટે નહીં, પ્રેમ તેનો તે જ દેખાય!

જ્ઞાની પુરુષનો શુદ્ધ પ્રેમ

સંસારી પ્રેમમાં તો જ્યાંથી પ્રેમની આશા રાખી હોય ત્યાં જ માર પડે, પૈસાથી કે અન્ય રીતે લૂંટાઈ જઈએ છીએ. જયારે પરમાત્મ પ્રેમમાં જગતમાંથી કંઈ જ મેળવવાની ઈચ્છા કે સ્પૃહા નથી.

આવો શુદ્ધ પ્રેમ ક્યાંથી પ્રાપ્ત થાય? તેનો જવાબ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પ્રેમ, એ તો ‘જ્ઞાની પુરુષ’થી તે ઠેઠ ભગવાન સુધી હોય, એ લોકોને પ્રેમનું લાયસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છૂટાય નહીં. તે ઠેઠ ‘જ્ઞાની પુરુષ’ની પાસે, ઠેઠ તીર્થંકર સુધી બધા પ્રેમવાળા, અલૌકિક પ્રેમ! જેમાં લૌકિકતા નામે ય ના હોય.

શુદ્ધ પ્રેમમાં ભેદ ના પડે. એ અભેદ પ્રેમ છે. ત્યાં બુદ્ધિ જતી રહે પછી. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “હંમેશાં પ્રેમ પહેલાં, બુદ્ધિને તોડી નાખે અગર તો બુદ્ધિ પ્રેમને આસક્ત બનાવે. એટલે બુદ્ધિ હોય ત્યાં પ્રેમ ના હોય ને પ્રેમ હોય ત્યાં બુદ્ધિ ના હોય.”

love

જ્યાં અભેદ પ્રેમ ઉત્પન્ન થાય ત્યાં બુદ્ધિ અને અહંકાર ખલાસ થઇ ગયા હોય. પછી કશું રહ્યું નહીં. મમતા ના હોય ત્યારે જ પ્રેમ સ્વરૂપ થઈ શકે. પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે, “અમે તો અખંડ પ્રેમવાળા! અમારે આ દેહ ઉપર મમતા નથી. આ વાણી ઉપર મમતા નથી અને મન ઉપરે ય મમતા નથી.”

શુદ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા!

જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં કોઈ પક્ષપાત ના હોય. ત્યાં સંપૂણ અભેદતા હોય. શુદ્ધ પ્રેમમાં આત્મીયતા લાગે, અને ત્યારે સામાનું સર્વસ્વ રીતે કલ્યાણ થાય. શુદ્ધ પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશું હોય નહીં, અને એ હોય ત્યાં સુધી શુદ્ધ પ્રેમ હોય નહીં. શુદ્ધ પ્રેમ દરેક ઉપર એકસરખો અને એકધારો વહેતો હોય.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અહંકાર ને શુદ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં. શુદ્ધ પ્રેમ ક્યારે આવે? અહંકાર ઓગળવા માંડે ત્યારથી શુદ્ધ પ્રેમ આવવા માંડે અને અહંકાર સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુદ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા છે.

પરમાત્મ પ્રેમ કઈ દ્રષ્ટિથી ઉત્પન્ન થાય તેની ચાવી પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને અહીં આપે છે.

દાદાશ્રી : આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને! આ તો કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને નહીં ને!

હમણે શરીરે જાડો દેખાય તેની ઉપરેય પ્રેમ, ગોરો દેખાય તેની પરેય પ્રેમ, કાળો દેખાય તેની ઉપરેય પ્રેમ, લૂલો-લંગડો દેખાય તેની પરેય પ્રેમ, સારા અંગવાળો માણસ દેખાય તેની પરેય પ્રેમ. બધે સરખો પ્રેમ દેખાય. કારણ કે એના આત્માને જ જુએ. બીજી વસ્તુ જુએ નહીં. જેમ આ સંસારમાં લોકો માણસનાં કપડાં જોતા નથી, એનાં ગુણ કેવાં છે એવું જુએ, એવી રીતે ‘જ્ઞાની પુરુષ’ આ પુદ્ગલને ના જુએ. પુદ્ગલ તો કોઈનું વધારે હોય, કોઈનું ઓછું હોય, કંઈ ઠેકાણું જ નહીં ને!

અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુદ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. બાળકો તો ઊઠે નહીં. કારણ કે વાતાવરણ એટલું બધું સુંદર હોય.

પરમાત્મ પ્રેમ આગળ સર્વસ્વ સમર્પણ

પ્રેમના હથિયારથી બધા જ ડાહ્યા થઈ જાય. કોઈને વઢવું ના પડે. પરમ પૂજ્ય દાદાશ્રી કાયમ કહેતા કે, “હું, લડવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું.” જ્યાં આખું જગત ક્રોધ-માન-માયા-લોભના હથિયાર ઉગામી સામે થાય છે ત્યાં પરમ પૂજ્ય દાદાશ્રીએ એ હથિયાર હેઠા મૂકી દીધાં છે. જેમનો શુદ્ધ પ્રેમ હોય તેમના શબ્દોમાં વચન સિદ્ધિ ઉત્પન્ન થાય છે. પછી એ સહેજ કહે ત્યાં જ શબ્દો પરિણામ પામે, ઊગી નીકળે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “સાચો પ્રેમ બધે આખા જગતને પકડી શકે.” તેઓશ્રી એમ પણ કહે છે કે પ્રેમમાં અભેદતા હોય. પ્રેમસ્વરૂપ થાય તો આખા જગત જોડે અભેદતા કહેવાય.

આ કાળમાં આવા પ્રેમનાં દર્શન હજારો લોકોને પરમાત્મ પ્રેમસ્વરૂપ શ્રી દાદા ભગવાનમાં થયા છે. એક વખત જેમણે તેઓશ્રીની અભેદતા ચાખી, તેમને નિરંતર નિદિધ્યાસનમાં કે યાદમાં પરમ પૂજ્ય દાદાશ્રી રહે છે, સંસારની સર્વે જંજાળોમાં જકડાયેલા હોવા છતાં પણ!

પરમ પૂજ્ય દાદા ભગવાન હજારો લોકોને વર્ષોથી એક ક્ષણ પણ વીસરાતા નથી એ આ કાળનું મહાન આશ્ચર્ય છે!! હજારો લોકો તેઓશ્રીના સંસર્ગમાં આવ્યા, પણ તેમની કરુણા, તેમનો પ્રેમ દરેક પર વરસતો બધાએ અનુભવ્યો. દરેકને એમ જ લાગે કે મારા પર સૌથી વધારે કૃપા છે, રાજીપો છે!

પરમાત્મ પ્રેમ પ્રગટાવે આત્મ ઐશ્ચર્ય!

જે પરમાત્મ પ્રેમને ચાખી ગયો તેના સંસારના સર્વે ઘા રુઝાઈ જાય. પરમાત્મ પ્રેમ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પ્રેમ તો વિટામીન કહેવાય. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મ વિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને? એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે. ઐશ્ચર્યપણું પ્રગટ થાય.” એવું આત્મ ઐશ્વર્ય પ્રગટ થાય કે પોતે એ પ્રેમમાં ને પ્રેમમાં બધા કચરા ફેંકી દેવા તૈયાર થઈ જાય. પોતાના દોષ ઊભા થાય તો એનો નિકાલ કેમ કરવો એની શક્તિઓ એનામાં સહજ રીતે પ્રગટ થઈ જાય.

સામેની વ્યક્તિ કેમ કરીને આત્યંતિક કલ્યાણને પામે એ જ નિરંતર લક્ષને કારણે આ પ્રેમ, આ કરુણા ફલિત થતી જોવાય છે. આ પ્રેમને શબ્દોમાં વર્ણન કરવો મુશ્કેલ છે.

જ્ઞાની પુરુષનું પ્રેમસ્વરૂપ કેવું હોય તેનો ચિતાર આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી મળે છે.

દાદાશ્રી : એટલે પ્રેમ ‘જ્ઞાની પુરુષ’નો જ જોવા જેવો! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજે ય પ્રેમરહિત થયો નહીં હોય. એ પ્રેમથી જીવી રહ્યા છે બધા.

પ્રશ્નકર્તા : એ તો બહુ અઘરું છે.

દાદાશ્રી : પણ તે અમારામાં આ પ્રેમ પ્રગટ થયેલો છે. તે કેટલાય માણસ અમારા પ્રેમથી જ જીવે છે. નિરંતર દાદા, દાદા, દાદા! ખાવાનું ના મળે તો યે કશો વાંધો નહીં. એટલે પ્રેમ એવી વસ્તુ છે આ.

હવે આ પ્રેમથી જ બધાં પાપો એમનાં ભસ્મીભૂત થઈ જાય. નહીં તો કળિયુગનાં પાપ શું ધોવાનાં હતાં તે?

જ્ઞાની પુરુષ, અજોડ પ્રેમાવતાર

Gnani Love

જ્ઞાની પુરુષ એવા અજોડ પ્રેમાવતાર થયા હોય કે એમનો જગતમાં જોટો ન જડે. જેમનો સંપૂર્ણ અહંકાર ખલાસ થઈ ગયો છે એવા સંપૂર્ણ પ્રેમાવતાર પાસે પોતાનું બધું કામ થઈ શકે! એક ફેરો વીતરાગના, તેમની વીતરાગતાના દર્શન થઈ જાય ત્યાં પોતે આખી જિંદગી સમર્પણ થઈ જાય. એ પ્રેમને એક ક્ષણ પણ ભૂલી ના શકે!

આવા પ્રેમાવતાર જ્ઞાની પુરુષનો પ્રેમ જયારે ચાખીએ પછી આપણને ય તેમના પ્રત્યે પ્રેમ જ ઉભરાય છે. અનંત અવતારથી જેની શોધ હતી એવું જ્ઞાન જેમની પાસેથી મળ્યું, જેમના આધારે ભવસાગરનો કિનારો દેખાયો, એવા જ્ઞાનીપુરુષ પ્રત્યેનો પ્રેમ પ્રશસ્ત રાગ કહેવાય છે, જેની સમજ આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન આપે છે.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે, એમાં કંઈ પ્રેમ, પ્રેમ, પ્રેમ ઊભરાય છે એ શું છે?

દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. જે રાગથી સંસારના રાગ બધા છૂટી જાય. આવો રાગ ઉત્પન્ન થાય એટલે સંસારમાં જે બીજા રાગ બધે લાગેલા હોય એ બધા પાછા આવી જાય. આને પ્રશસ્ત રાગ કહ્યો ભગવાને. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ રાગ બાંધે નહીં. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. ઉપકારી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય, એ પ્રશસ્ત રાગ. એ બધા રાગને છોડાવડાવે.

જ્ઞાની પુરુષ હોય જ એવા કે એમના પ્રત્યે સહજ પ્રેમ ઉભરાય. છતાં આપણો પ્રેમ જેટલો સંસાર તરફ વધ્યો તેટલો જ્ઞાની પુરુષ પ્રત્યેનો પ્રેમ ઘટે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અમે પ્રેમથી બંધાયેલા છીએ. તે તમે જ્યાં સુધી પ્રેમ રાખો ત્યાં સુધી બંધાયેલા. તમારો પ્રેમ છૂટયો કે અમે છૂટા. અમે પ્રેમથી બંધાયેલા છીએ. તમારો સંસાર પ્રતિ પ્રેમ વળી ગયો તો છૂટા થઈ જશો અને આત્મા પ્રતિ પ્રેમ રહ્યો તો બંધાયેલા છીએ.”

તેઓશ્રી એમ પણ કહે છે કે, “અહંકારીને ખુશ કરવામાં કંઈ વાર લાગે એવું નથી, ગલીપચી કરો તોય ખુશ થઈ જાય અને જ્ઞાની તો ગલીપચી કરો તોય ખુશ ના થાય. કોઈ પણ સાધન, જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેનાથી ‘જ્ઞાની’ ખુશ થાય. ફક્ત આપણા પ્રેમથી જ ખુશ થશે. કારણ કે એ એકલા પ્રેમવાળા છે. એમની પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં. આખા જગત જોડે એમને પ્રેમ છે.

×
Share on