Related Questions

જ્યારે કોઈ ખોટું હોય ત્યારે શા માટે મારે તેનો અહમ્ ના દુભાવવો જોઈએ?

પ્રશ્નકર્તા : ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહિ એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકનાં ને કોઈકનાં તો અહમ્ દુભાયા જ રાખે છે.

દાદાશ્રી : એને અહમ્ દુભાયું ના કહેવાય. અહમ્ દુભાયું એટલે શું કે એ બિચારો કંઈક બોલવા જાય ને આપણે કહીએ, 'બેસ, બેસ. નથી બોલવાનું.' એવું એના અહંકારને દુભાવવો ના જોઈએ. ને ધંધામાં તો અહમ્ દુભાય એ ખરેખર અહમ્ નથી દુભાતો. એ તો મન મહીં દુભાય છે.

પ્રશ્નકર્તા : પણ અહમ્ એ કંઈ સારી વસ્તુ નથી, બરોબર ? તો પછી એને દુભાવવામાં શો વાંધો ?

દાદાશ્રી : એ પોતે જ અત્યારે અહંકાર છે, માટે એ ના દુભાવાય. એ પોતે જ છે બધું, જેમાં એ કરે તે હું જ છું આ. એટલે દુભાય નહિ. એટલે તમારે ઘરમાંય કોઈને વઢવું-કરવું નહિ. અહંકાર કોઈનો ના દુભાય તેમ રાખવું. અહંકાર કોઈનો દુભાવવો ના જોઈએ. અહંકાર દુભાય તો જુદો પડી જાય માણસ, પછી ફરી ભેગાં ના થાય. આપણે એવું કોઈને ના કહેવું જોઈએ. 'તું યુઝલેસ છે, તું આમ છે, તેમ છે.' એવું ઉતારી ના પાડવું જોઈએ. હા, વઢીએ ખરાં. વઢવામાં વાંધો નથી, પણ જે તે રસ્તે અહંકાર ના દુભાવવો જોઈએ. માથા પર વાગે તેનો વાંધો નથી, પણ એના અહંકાર ઉપર ના વાગવું જોઈએ. કોઈનો અહંકાર ભગ્ન ના કરવો જોઈએ.

અને મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય. આપણને એનું કામ ના હોય તો આપણે તેને કહીએ, 'ભાઈ, મને તારું કામ નથી' અને એનો જો અહંકાર દુભાતો ના હોય તો પાંચ રૂપિયા આપીનેય પણ એને છૂટો કરવો. પૈસા તો મળી આવશે પણ એનો અહમ્ ના દુભાવવો જોઈએ. નહિ તો એ વેર બાંધે, જબરજસ્ત વેર બાંધે ! આપણું શ્રેય થવા ના દે, વચ્ચે આવે.

બહુ ઊંડી વાત છે આ તો. હવે તેમ છતાંય કોઈનો અહંકાર તમારાથી દુભાઈ ગયો હોય તો અહીં અમારી પાસે (આ કલમ પ્રમાણે) શક્તિની માગણી કરવી. એટલે જે થયું, એનાથી પોતે અભિપ્રાય જુદો રાખે છે, માટે એની જવાબદારી બહુ નથી. કારણ કે હવે એનો 'ઓપીનિયન' ફરી ગયેલો છે. અહંકાર દુભાવવાનો જે 'ઓપીનિયન' હતો, તે આ માગણી કરવાથી એનો 'ઓપીનિયન' જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા : 'ઓપીનિયન'થી જુદો થઈ ગયો એટલે શું ?

દાદાશ્રી : 'દાદા ભગવાન' તો સમજી ગયાને, કે આને હવે બિચારાને કોઈનો અહમ્ દુભાવવાની ઇચ્છા નથી. પોતાની ખુદની એવી ઇચ્છા નથી છતાં આ થઈ જાય છે. જ્યારે જગતના લોકોને ઇચ્છા સહિત થઈ જાય છે. એટલે આ કલમ બોલવાથી શું થાય કે આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.

એટલે આ શક્તિ જ માગવાની. તમારે કશું કરવાનું નહિ, ફક્ત શક્તિ જ માગવાની. અમલમાં લાવવાનું નથી આ. 

×
Share on