Related Questions

ગત ભવનાં કર્મોને ચોખ્ખા કરવા શું કરવું?

અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો, ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.

પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો ?

દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે 'આ મને કેમ અવળું બોલે છે ?' એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?

જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ. 

પ્રશ્નકર્તા : એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું ?

દાદાશ્રી : હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતાં લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના. અને એનો અંત આવશે. જો જો ને, મારા કહ્યા પ્રમાણે ચાલો ને !

પ્રશ્નકર્તા : આટલાં વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.

દાદાશ્રી : બીજો વિચાર કર્યા કરતાં મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા !

આપણા પાડોશીને કહીએ કે 'તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.' ત્યારે એ શું કહેશે કે 'હું કંઈ નવરો છું ?' એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને ! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી.

હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે 'હસતે મુખે ઝેર પીવો.' કો'ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે 'પ્યાલો' આપી જાય, તે પીવો તો પડે ને ! રડી રડીને ય પણ પીવો તો પડે જ ને ? એ 'પ્યાલો' કંઈ ઓછો એના માથામાં મરાય છે ? પીવો તો પડે જ ને ?

×
Share on