Related Questions

શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?

ક્રિયા નહીં પણ ધ્યાનથી ચાર્જિંગ !

આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું એ જોવાનું છે. મહીં જે ચાર્જ થાય છે, તે 'ત્યાં' કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે, એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે 'મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.' તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવાં પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતો હોય ને મહીં શુંય કરતો હોય.

એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પુછયું, 'શેઠ ક્યાં ગયા છે ?' ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, 'ઢેડવાડે.' શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેડવાડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂક્ષ્મકર્મ ને બહાર સામાયિક કરતા હતા, તે સ્થૂળકર્મ. ભગવાન આવાં પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું 'ત્યાં' ચાલે. આ બહારના ઠઠારા 'ત્યાં' ચાલે એવાં નથી.

મહીં ફેરવો ભાવ આમ !

સ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા: બને.

દાદાશ્રી:ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે 'જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.' કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતાં ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતાં ભવ માટે બંધન ના રહ્યું.

આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરે ય ગુસ્સે નથી થતો. છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવાં છે. તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો ! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.

×
Share on