Related Questions

શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?

મનનું વિરોધાભાસી વલણ!

પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે છે.

man

દાદાશ્રી: વિચાર તો, એ તો એવું છે ને, આ મન છે તે તમને ઇન્ફોર્મ (જાણ) કરે છે. આ સારું છે, આ ભયવાળું છે, આ આમ છે, તેમ છે, એવું એ એનો ધર્મ બજાવે છે. નહીં તો એ ભયની જગ્યાએ ના ઇન્ફોર્મ કરે તો એને માટે ગુનેગાર ગણાય. એમાં જેટલું તમારે ગ્રહણ કરવા જેવું લાગે એટલું ગ્રહણ કરવું ને બીજું છોડી દેવાનું. મન તો ધર્મ બજાવે છે.

આ અમે સાંતાક્રુઝથી અહીં આગળ ટેક્ષીમાં આવતા હોય, ને કોઈ જગ્યાએ કોઈ ગાડીઓની અથડામણ થયેલી હોય ને, તો અમારું મનેય કહે કે 'આગળ એક્સિડન્ટ થાય એવું છે.' ત્યારે મેં કહ્યું, 'ભઈ, અમે નોંધ લીધી. તારી વાત બરોબર છે. અમારે જાગૃત રહેવું જોઈએ.' પછી બીજો વિચાર આવે કે 'એવું કશું નથી કે જે તમને એક્સિડન્ટ કરાવે.' ત્યારે આપણે એમ કહેવું કે 'એ અમે નોંધ કરી.' પછી આગળ બીજી વાત કરે. એને એવું કશું નથી કે તમને મારવા જ છે. મનનો એવો સ્વભાવ નથી કે એક જ વાત ઉપર બેસી રહે. તમે મનની તપાસ કરેલી એવી કે એ એક જ વાત પર બેસી રહે છે?

પ્રશ્નકર્તા: ફર્યા જ કરે.

દાદાશ્રી: આપણે જો એક વાત પર બેસી રહીએ ને, તો એ બેસી રહે. નહીં તો આપણે કહીએ કે તારી વાતની નોંધ કરી લીધી. તો એ આગળની બીજી વાત કરે. અને આપણે કહીએ કે 'ના, તારું કહેવું ખરું છે. હવે શું થશે?' તો પછી કલાકો સુધી ચાલ્યા કરે.

શાના શાના વિચાર આવે છે, એ ખબર પડે આપણને. મહીં મન બગડે કે 'આજે તમારા સાસુ મરી જાય તો શું થાય?' ત્યારે કહીએ, 'સમજી ગયા અમે.' પછી કહે, 'તમારું મોત થાય તો શું થાય?' ત્યારે કહે, 'એય સમજી ગયા. અને હવે ત્રીજી વાત કર આગળ.' પાછું એવું હઉ બતાડે કે 'કાલે મરી જઈએ તો આ બધાનું શું થાય?' ત્યારે આપણે કહીએ, 'એ અમે નોંધ્યું.'

અરે, આટલી મોટી ઉંમરેય શાદી કરવાની વાત કરે, એવું આ મનનું, ક્યારે કેવું કહે એ કહેવાય નહીં. પણ તે આપણે આમાં સાંભળીને કંઈ ગુસ્સે થવાની જરૂર શું? રાંડવાનું હઉ કહે, 'રંડાપો આવશે તો શું કરીશું?' ત્યારે કહીએ, 'ભઈ, રાંડ્યા ચાલને. હવે આગળની બીજી વાત કર ને!' મનને છે તે કચ કચ કરવાની ટેવ પડેલી છે. આપણે ગણતરીમાં જ નહીં લેવાનું એને. એક ગાંડો માણસ પાછળ રહીને જતો હોય, એ આપણું શું કરવાનો હતો? એના જેવું સમજી લેવાનું.

વિચાર તો એની મેળે જ આવે છે, શું શું આવે છે, એને જોયા કરવાના, બસ. બીજું કશું નહીં. મનને એવું કશું નથી કે આમ જ બોલવું છે. તમે વાંકા થાવ તો એ વાંકું છે. એટલે નોટેડ ઇટ્સ કન્ટેન્ટસ્ (વિગતોની નોંધ કરી) એવું કહેવાનું. હા, નહીં તો કહેશે, 'મારું માન નથી રાખતા.' તારું માન પહેલું રાખવાનું, તો મન કંઈ દુઃખ દે? નહીં.

પ્રશ્નકર્તા: પણ એ જે તમને ઇન્ફોર્મ કર્યું જેણે, કે એક્સિડન્ટ થાય એવું છે, એ મન બોલે છે? એ મન બોલ્યું?

દાદાશ્રી: એ મન બોલ્યું અને પછી આપણે એક્સેપ્ટ કરીએ કે ભઈ, તારું કહેવું બરોબર છે. એટલે પછી આગળની વાત કરે. આગળ પછી સત્સંગની વાત કરે. એને એવું નથી કે આ તમને ગમતું નથી. એ તો એને જેવું દેખાય એવું બોલી જાય. એટલે આ બધું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (સંયોગી પૂરાવા) છે. એટલે એની આપણે નોંધ લેવી જોઈએ. એ ભડકાવે ને આપણે ભડકીએ તો પછી ખલાસ થઈ ગયું ને! એ તમને ભડકાવવા નથી કરતું. એ તો તમે ચેતો, બીવેર (ચેતો), એમ કહે છે. અમે એવું બીએ નહીં. અજ્ઞાનીને બિવડાવી મારે. 'એક્સિડન્ટ થશે તો,' તેટલો વખત તન્મયાકાર થઈ જાય.

'હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન ઉત્પન્ન થયા પછી મન બાંધ્યું રહે, નહીં તો મન કોઈ દહાડો બંધાય નહીં. હવે મન જે કૂદાકૂદ કરતું હોય ને, તે તો આપણે જોવાનું ને જાણવાનું. પછી એમાં ડખો રહ્યો જ નહીં ને!

હવે તમને બંધાયેલું લાગે છે ને મન, એ સ્વવશ થઈ જાય પછી?

માંદા પડ્યા હોય ને, તો મહીં એમ ચેતવેય ખરું કે 'મરી જવાશે તો?' ત્યારે આપણે કહીએ કે 'ભાઈ, હા. અમેય હવે બરોબર રેગ્યુલર (નિયમિત) રહીશું એ બાબતમાં. હવે બીજી વાત કરો.' પછી મન બીજી વાત કરે. પણ આ અજ્ઞાની મનુષ્યોનો સ્વભાવ કેવો? મનને જે વિચાર આવ્યો તેની મહીં તન્મયાકાર થઈ જાય. એટલે પછી આગળની વાત કહેવાની રહી ગઈ, પણ બધું એમાં ડૂબી મરે. અજ્ઞાનતા શું ના કરે? તન્મયાકાર થઈ જાય. એ કહેતાં પહેલાં જ તન્મયાકાર થઈ જાય.

એટલે આ મનનું સાયન્સ (વિજ્ઞાન) તો સમજવું જોઈએ. આ બધી ઇન્દ્રિયોના જેવું એ પણ કામ કરી રહ્યું છે. એનો પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. આપણને ના ગમતું હોય તોય કાન સાંભળ્યા વગર રહે જ નહીં ને? તે સાંભળવું પણ, પછી આપણે એ ફોન ના લેવો હોય તો ના લઈએ, એ આપણું કામ છે.

હું પોતે આવી રીતે મનને કહું છું, તે જ તમને કહું છું કે ભઈ, આ પ્રમાણે નોટેડ (નોંધ લીધી) કહેજો. તે પછી કશું નહી. પછી બીજી સારી વાત કરશે. કારણ કે આ શરીરમાં એક જ ચીજ એવી છે જે સંપૂર્ણ વિરોધાભાસી છે. દરેક રીતે વિરોધાભાસી હોય તો મન છે અને એટલે જ મજા આવે છે. કારણ કે જો એક જ તરફી હોય ને, તો મજા ના આવે ને! ઘડી પછી પાછું જુદી જ જાતનું કહેશે. અરે, એક પાંસઠ વર્ષનાં માણસને મન એનું શું કહ્યા કરતું હતું? 'પૈણ્યા હોય તો?' તે પછી એણે મને કહ્યું. મેં કહ્યું 'મૂઆ, કઈ જાતનું આ તારું મન છે! વિરોધાભાસી!' આ તો અમે જે અમારી પ્રક્રિયા છે એ તમને કહી દઈએ. અમે કેવી રીતે સ્વતંત્ર થયા છીએ. ભગવાનથી પણ સ્વતંત્ર થયા છીએ. એ તમને કહી દઈએ. એવું તમારી પ્રક્રિયામાં આવી જાય, પછી તમને વાંધો નથી. જોયેલો માર્ગ છે, અનુભવેલો માર્ગ છે, જાણેલો માર્ગ છે. તમે તમારી મેળે એડજસ્ટ કરો તો થઈ શકે એમ છે. ના થતું હોય તો મને કહો, અમુક જગ્યાએ મારે થતું નથી. તો હું તમને બતાવી શકું છું. બાકી મનને મારીને કોઈ મોક્ષે નહીં ગયેલો.

શુદ્ધાત્મા મળ્યો એટલે 'આ વ્યવસ્થિત છે' અને તે કોઈનાથી આઘુંપાછું થઈ શકે એમ નથી. મનમાં જે ભાવો છે તે ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. કારણ કે કાન સાંભળ્યા વગર રહે નહીં, એવું મન છે એ બોલ્યા વગર રહે નહીં. એ બોલે તો આપણે કામનું હોય તો સાંભળવું. ના કામનું હોય તો 'તમારી વાત ખરી છે, હવે અમે ચેતવણી લઈશું', કહીએ. એટલે પછી આગળની વાત કરે. અને જે દેખાય છે ને, અવસ્થા-પર્યાયો તે તમને ખબર આપે છે. 'આમ થશે તો, આમ થશે તો.' એમાં આપણને શું વાંધો છે? વ્યવસ્થિત છે તે આપણે જાણીએ છીએ. પછી એ કહે, પછી આગળની વાત કરે. એને એવું નથી કે એની એ જ વાતો કર્યા કરે. ફક્ત અજ્ઞાન હતું ત્યાં સુધી મનમાં તન્મયાકાર થઈ જતા હતા. ત્યારે પોતે દુઃખને પામતા હતા.

મનને ખસેડવાની જરૂર નથી, મારવાનીયે જરૂર નથી. કોઈને મારશો અને તમે મોક્ષે જશો એ ક્યારેય નહીં બને. મનને કહીએ, 'તું તારી મેળે જીવ.' અમે અમારી જગ્યાએ અમારા સ્થાનમાં છીએ, તું તારા સ્થાનમાં છે.

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on