Related Questions

શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?

peace-mind

અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી!

પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું?

દાદાશ્રી: મનોનિગ્રહ એટલે આપણને હરકત ના કરે, અશાંતિ ઉત્પન્ન ના કરે એવી રીતે મનને બીજી જગ્યાએ રોકી રાખવું. એટલે આ 'અહીં' (કરોડરજ્જુ આગળ) નિગ્રહ કરે. અહીં પાછળ ચક્કરોમાં નિગ્રહ કરે. (કુંડલીનીના પાંચ ચક્રો) એ કાયમ રહે નહીં. મનોનિગ્રહ થઈ શકે નહીં. એ તો અમે જ્ઞાન આપીએ ત્યારે એને મન વશ થઈ જાય.

પ્રશ્નકર્તા: પણ મન વશ થયું એની કસોટી શું? કેવી રીતે ખબર પડે અમને?

દાદાશ્રી: વશ નથી થયું એ જ કસોટી છે. ખાધું અને ભૂખ્યા, એ બેમાં કસોટીમાં ફેર ના પડે? શી કસોટી એની?

પ્રશ્નકર્તા: ખાવાનું મન ના થાય, એમ.

દાદાશ્રી: તે એવી કસોટી. એ પ્રશ્ન ક્યાં ઊભો કરવા જેવો છે? 'કસોટી' શબ્દ ક્યાંથી લાવ્યા? એ તો સોનીને ત્યાં હોય કસોટી.

ઝાવાંદાવા ના રહે, અંતરશાંતિ રહે એ કસોટી. શાંતિ જતી રહે એ મનોનિગ્રહ નથી.

પ્રશ્નકર્તા: એ નથી સમજાતું.

દાદાશ્રી: શાંતિ રહે છે કે અશાંતિ રહે છે?

પ્રશ્નકર્તા: શાંતિ રહે છે.

દાદાશ્રી: એટલો વખત મનોનિગ્રહ છે. શાંતિ ના રહે તો મનોનિગ્રહ ઊડી ગયો. શું કહેવા માગો છો તમે?

પ્રશ્નકર્તા: કાયમ મનોનિગ્રહ કેવી રીતે રહી શકે?

દાદાશ્રી: કાયમ મનોનિગ્રહ રહી શકે નહીં કોઈને. મન વશ થાય પણ મનોનિગ્રહ ના થાય કાયમ. એ તો થોડો વખત, તત્પૂરતું રહે. એ ભાઈ કંઈ જેવાતેવા નથી. એ તો દાઢી-બાઢી વધારીએ! તો શાંત થાય થોડીવાર, પણ કાયમ નહીં.

પ્રશ્નકર્તા: ધારો કે સોમાંથી પાંત્રીસ માર્ક આવે તો પાંત્રીસ માર્કે પાસ થાય છે ને? પછી આગળના ક્લાસમાં ઉપર ચઢાવે છે ને?

દાદાશ્રી: તમારે જોવાનું કે તમારી મનોનિગ્રહની કસોટી થયેલી હોય તે ઘડીએ શાંતિ રહેશે. અને મન વશ થયું એટલે સમાધિ રહેશે. બીજી શી કસોટી? અને આ કંઈ પેલા સોના જેવી કસોટી નથી હોતી. તમે મૂળ કહેવા શું માગો છો?

પ્રશ્નકર્તા: મનોનિગ્રહ થાય છે કે નથી થતો, એની અમને ખબર નથી પડતી.

દાદાશ્રી: મનોનિગ્રહ કેમ ના થાય? જે વસ્તુ છે, શબ્દો છે એ બધું જ થાય. પણ જરૂર હોય તો કરે ને? મનના નિગ્રહની જરૂર પડે છે?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: શેને માટે?

પ્રશ્નકર્તા: શાંતિ મેળવવા માટે.

દાદાશ્રી: આમને પેલી ચોપડી (શુદ્ધ વ્યવહાર ચરણવિધિ) આપો. એ બધું કરજો એટલે શાંતિ રહેશે.

અમે એવું ચક્કરોનું જાણતા નથી. અમે ચક્કરોમાં પડી ગયા હોત તો અમારો વેષ થઈ ગયો હોત.

પ્રશ્નકર્તા: મનોનિગ્રહના કાર્ય વગર અસંગપંથી બની શકાય ખરું?

દાદાશ્રી: મનોનિગ્રહ સંસારમાં કામનો છે. રિદ્ધિ-સિદ્ધિ ઊભી કરવા માટે કામનું છે. મનને નિગ્રહ કરવાની જરૂર નથી. અસંગપંથી જ્ઞાનથી થાય, મનના નિગ્રહથી નહીં. એટલે ભગવાને કહ્યું છે કે નિગ્રહી, નિગ્રહ શી રીતે કરી શકે? ઇન્દ્રિયોને એ બધાંથી નિગ્રહ શી રીતે કરી શકે?

પ્રશ્નકર્તા: તો વિચારોથી પરની ભૂમિકામાં જવાય કેવી રીતે?

દાદાશ્રી: મન જ વશ થઈ જાય પછી પરની ભૂમિકામાં ક્યાં જવાનું રહ્યું? મન વશ થઈ જાય પછી રહ્યું શું? અનંત અવતારથી મનને વશ કરવા માટે માથાકૂટ કરી રહ્યા છે. પણ હજુય વશ થતું નથી. તો પછી જંગલમાં જઈને પોક જ મેલવાનો વખત આવ્યો ને? જંગલમાં જઈને પોક શા માટે મેલવાની? કારણ કે ત્યાં કોઈ છાના ના રાખે. એને આ દયાળુ લોકો તો, 'એય પાણી લાવો, એય ભઈને ચા પાવ.' કહે. એય નિરાંતે રડવા પણ ના દે. અને જંગલમાં જઈને પોક મેલે તો નિરાંતે રડાય! આખી રાત પોક મેલોને! એટલે આ મન વશ ના થયું. અનંત અવતારથી ભટકતા રહો પછી, તો પછી આ ભવ પાણીમાં ગયો. મનને વશ તો કરવું જ પડશે ને? ક્યાં સુધી આવું ચાલે, પોલમ્પોલ? પણ પાછો મનમાં માને કે હું એડવાન્સ છું. પેણે એકમાં એડવાન્સ છું, પણ અલ્યા, મન તો તારું વશ છે જ નહીં! સહેજ સળી કરે ત્યારે ફૂંફાડા મારે છે. કેટલી બધી ભયંકર નબળાઈઓમાં પોતે કહે છે, 'હું કંઈક છું.'

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on