Related Questions

ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?

કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન!

કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી શું કર્યું? ગોવર્ધન પર્વત ઝાલ્યો, એક આંગળીથી. હવે ગોવર્ધન પર્વત આંગળી પર ઝાલ્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો. પણ લોક એની સૂક્ષ્મ ભાષા સમજ્યા નહીં. ગોવર્ધન એટલે ગાયોનું વર્ધન કેમ થાય એવું બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું અને ગોરક્ષાનું પ્રયોજન કર્યું. વર્ધનનું અને રક્ષાનું બન્ને પ્રયોજન કર્યું. કારણ કે હિન્દુસ્તાનના લોકોનું મુખ્ય જીવન જ આની પર છે. એટલે બહુ જ હિંસા વધી જાયને ત્યારે બીજું બધું છોડી દઈને પહેલું આ સાચવો. અને જે હિંસક જાનવરો છે ને, એને માટે તો આપણે કશું કરવાની જરૂર નથી. એ જાનવરો પોતે જ હિંસક છે. એને માટે તમારે કશું કરવાની જરૂર નથી. તે એને કોઈ મારતા ય નથી ને એ ખવાય પણ નહીં ને! આ બિલાડાને કોણ ખાય? કૂતરાને કોણ ખઈ જાય? કોઈ ના ખાય ને કોઈથી ખવાય પણ નહીં. એટલે આ એકલું જ, ગોવર્ધન અને ગોરક્ષા, બે વસ્તુ જ પહેલી પકડવા જેવી છે.

ગોવર્ધનના બહુ ઉપાય કરવા જોઈએ. કૃષ્ણ ભગવાને એક આંંગળી ઉપર ગોવર્ધન કર્યુંને, તે બહુ ઊંચી વસ્તુ કરી હતી! એમણે ઠેર ઠેર બધી ગોવર્ધનની સ્થાપના કરી હતી અને ગોશાળાઓ ચલાવી દીધી. હજારો ગાયોનું પોષણ થાય એવું કર્યું. ગોવર્ધન અને ગોરક્ષા, આ બે મૂકી દીધું. રક્ષા કરી તેથી અટક્યું. અને પછી ઠેર ઠેર દૂધ-ઘી બધી ય ચીજ મળ્યા કરે ને! એટલે ગાયો બચાવવા કરતાં ગાયોની વસ્તી કેમ કરીને વધે એ બહુ કરવાની જરૂર છે.

ગાયો રાખવાથી આટલા ફાયદા છે, ગાયોના દૂધમાં આટલા ફાયદા છે, ગાયોના ઘીમાં આટલા ફાયદા છે, એ બધું ઓપન કરવામાં આવે અને ફરજિયાત તો નહીં પણ મરજિયાતમાં લોકોને પોતે સમજાવી અને દરેક ગામોમાં ગાયોનો રિવાજ કરવામાં આવે તો ગાયો બધી બહુ વધી જાય. પહેલા બધે ગોશાળા રાખતા હતા, તે હજાર-હજાર ગાયો રાખતા હતા. એટલે ગાયો વધારવાની જરૂર છે. આ તો ગાયો વધતી નથી અને એક બાજુ આ ચાલ્યા કરે છે. પણ આ તો ના કહેવાય નહીં કોઈને ય આપણે! ના કહીએ તો ગુનો કહેવાય. અને કોઈ ઓછું ખોટું કરે છે? બચાવે છે ને!!

પ્રશ્નકર્તા: અમે ગાયો છોડાવતા નથી, પણ આવતી અટકાવીએ છીએ.

દાદાશ્રી: હા, આવતી અટકાવો. એના મૂળ માલિકને સમજાવો કે આવી રીતે ના કરશો. અત્યારે તો ગોવર્ધન અને ગોરક્ષા, પહેલા આ બે કાયદા પકડો. બીજાં બધા સેકન્ડરી! આ કમ્પ્લિટ થઈ જાય, પછી બીજા.

એટલે આ ગોવર્ધન અને ગોરક્ષા, આ બે કૃષ્ણ ભગવાને વધારે પકડ્યું હતું. અને ગોવર્ધન કરનારા ગોપ અને ગોપી. ગોપ એટલે ગોપાલન કરનારા!

પ્રશ્નકર્તા: ગોવર્ધન, આ વાત બહુ નવી જ મળી.

દાદાશ્રી: હા, વાતો છે જ બધી. પણ જો એનું વિવરણ થાય તો કામનું. બાકી તો વાતો બધી હોય છે જ ને સાચી જ હોય છે. પણ આ લોકો પછી એને સ્થૂળમાં લઈ ગયા. કહેશે, 'ગોવર્ધન પર્વત ઊંચક્યો.' એટલે પેલા ફોરેનના સાયન્ટિસ્ટો કહેશે, 'ગાંડી છે આ વાત, પર્વત ઊંચકાતો હશે કોઈથી?!' ઊંચકે તો હિમાલય કેમ ના ઊંચક્યો?! અને પછી તીર વાગવાથી કેમ મરી ગયા?! પણ એવું ના હોય.

ગોવર્ધન એમણે બહુ સુંદર રીતે કરેલું. કારણ કે તે વખતમાં હિંસા બહુ વધી ગયેલી, જબરજસ્ત હિંસા વધી ગયેલી.

હિંસક ભાવ તો ના જ હોવો જોઈએ ને?! માણસને અહિંસક ભાવ તો હોવો જ જોઈએ ને! અહિંસા માટે જીવન ખર્ચી નાખવું, એનું નામ અહિંસક ભાવ કહેવાય.

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
×
Share on