Related Questions

શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?

પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ                   

પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ જાય?

દાદાશ્રી: નાસ્તિક કહે છે તે? હવે નાસ્તિક જેવું આ જગતમાં કોઈ હોતું નથી. આ ફક્ત પોઝિટિવ લાઈન જ બધી ભગવાન પક્ષી છે. પોઝિટિવ લાઈન આખી ભગવાન પક્ષી છે અને નેગેટિવ લાઈન છે, એ શૈતાન પક્ષી છે.

એટલે પોઝિટિવ લાઈનમાં હોય છે જ, દરેક માણસ કોઈ નીતિમાં હોય, ભગવાનને ના માનતો હોય પણ નીતિમાં, બીજી રીતે પણ પોઝિટિવમાં હોય છે. જેટલું પોઝિટિવ છે એ ભગવાન પક્ષી છે. એના પર પુસ્તક લખાય, પોઝિટિવ ને નેગેટિવ ઉપર.

પ્રશ્નકર્તા: પુસ્તિકા લખાય પણ પુસ્તક ના લખાય.

દાદાશ્રી: ના, આ લહેર કરતા હોય તોય મોટું પુસ્તક લખાય એટલું બધું વિવરણ છે.

પ્રશ્નકર્તા: પણ દાદા, તમે જે આ પોઝિટિવ છે એમ કહો છો, તે નેગેટિવના વિરૂદ્ધનું છે? નેગેટિવમાં દ્વંદ્વ સ્વભાવીવાળો પોઝિટિવની વાત કરો છો?

દાદાશ્રી: બેઉ સામાસામી દ્વંદ્વ જ કહેવાય. એક છે તો બીજું છે, એનું નામ દ્વંદ્વ. એક છે તો આમાં પ્રતિકારી છે, એને દ્વંદ્વ કહેવાય. પણ વસ્તુસ્થિતિમાં દ્વંદ્વ જ હોય બધું. પણ આ તો આપણે આમ સહેજેય સમજીએ કે ભાઈ, આ વાત આ બોલ્યો, એ પોઝિટિવ વાત છે, આ વાત બોલ્યો એ નેગેટિવ વાત છે અને એવું ભેદ આપણને સમજણ પડે કે ના પડે?

પ્રશ્નકર્તા: હા, પણ એ દ્વંદ્વ બુદ્ધિથી સમજણ પડે.

દાદાશ્રી: આ નીતિ એ પોઝિટિવ વાત છે ને અનીતિ એ શૈતાન વાત છે. ચોરી કરવી એ શૈતાન વાત છે. એ બધું જ આ કયો પક્ષ છે એટલું જ જોવાનું, આ પોઝિટિવ આખોય ભગવાન પક્ષ છે.

Reference: દાદાવાણી Sep 2009 (Page #6 - Paragraph # 6 to #14)

ભગવાને તો કહ્યું છે કે આ કાળમાં કોઇ ગાળ ભાંડી ગયો હોય તેને જાતે જમવા બોલાવજો. એટલી બધી વાઇલ્ડનેસ હશે કે એને ક્ષમા જ આપજો. જો કંઇ 'રીવેન્જ' લેવા ગયાને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. 'રીવેન્જ' લેવાનો ના હોય આ કાળમાં. આ દુષમ કાળમાં નરી વાઇલ્ડનેસ હોય. શું વિચાર ના આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસો જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, 'સલામ સાહેબ.' આ કાળમાં તરત માફી આપી દેવી, નહીં તો તમારે ખેંચાવું પડશે. અને આ જગત તો વેરથી ઉભું રહ્યું છે.

આ કાળમાં કોઇને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તોય જવાબદારી ના આવે. માટે 'પોઝિટિવ' રહેજો. જગતમાં 'પોઝિટિવ' જ સુખ આપશે અને 'નેગેટિવ' બધું દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે? ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ગાળો ભાંડે. ન્યાય-અન્યાય તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઉતરી ગયો ને કેટલો ચઢયો? જગત ક્યારેય ન્યાયી બનવાનું નથી અને અન્યાયીયે થઇ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.

આ જગત છે ત્યારથી આવું ને આવું જ છે. સતયુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા, તો અત્યારે ના હોય? આ ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી, પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં, બધું પોઝિટિવ લેજો. કોઇનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહી ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશોય નહીં કોઇનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી!!! ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે!!!

સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઇ આડું અવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઇ ગયું! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. 'તારામાં નબળાઇઓ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.'

પ્રશ્નકર્તા: ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઇએ ને?

દાદાશ્રી: ભાવ ના આવવો જોઇએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઇ જાય ને તો ભાવ બંધ થઇ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીંને! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઇ જવી જ જોઇએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઇ ગયા પછી હાથમાં ના રહે.

Reference: Book Excerpt: આપ્તવાણી 4 (Page #305 - Paragraph #4 & #5, Entire Page #306, Page #307 - Paragraph #1)  

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on